Opinion Magazine
Number of visits: 9670959
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તમારા ગયા પછી

બીજલ જગડ|Opinion - Opinion|23 September 2022

ગમગીન ઉજ્જડ આ કબર તમારા ગયા પછી,

દુઃખ દર્દ બેચેની રાતોની તમારા ગયા પછી.

મુહબ્બતની આંખો હર્ષાશ્રુઓ નયનોથી છલકે,

મનહર મૌનમાં ખૂલે ભેદ તમારા ગયા પછી.

હજારો મીઠી વાતો નેણનો મધ નીતરતો રહ્યો,

ઉર-અગ્નિ બળતી રહી વર્ષો તમારા ગયા પછી.

નજરમાં તું છે સલામત તે છતાં આંખોથી દૂર,

દીપ આશાના પ્રગટ્યા છે તમારા ગયા પછી.

વિશ્વના કણ કણ મહીં એને હું હવે જોઉં છું,

જીવન બાગે વસંતી પગલાં તમારા ગયા પછી.

ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com

Loading

ઢોળાયેલાં દૂધ પર અફસોસ…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 September 2022

જાહેર માર્ગો પર રખડતાં ઢોરોને કારણે ટ્રાફિકના પ્રશ્નો ઊભા થતા હતા, તો ઢોરની અડફેટે ચડતાં અનેક લોકોને ઇજા થતી હતી, તો ઘણાના જીવ પણ ગયા હતા. એ સંદર્ભે 24 ઓગસ્ટે હાઇકોર્ટે સરકારને સંભળાવતાં તીવ્રતાથી કહ્યું હતું કે જો સરકાર સક્ષમ ન હોય તો આ મામલે કોર્ટ હસ્તક્ષેપ કરશે. હાઇકોર્ટની લાલ આંખ થતાં સરકારે ગુજરાત વિધાનસભામાં ‘રખડતાં ઢોર નિયંત્રણ’ ખરડો પસાર કરી દીધો. આમ થતાં માલધારીઓને વાંધો પડ્યો ને એમણે કાયદો રદ્દ કરવાની માંગ સાથે સરકાર સામે મોરચો માંડી ગુજરાત માથે લીધું. બીજી તરફ 29 ઓગસ્ટે હાઇકોર્ટે વિધાનસભામાં પસાર થયેલ બિલ કોર્ટના રેકર્ડ પર મૂકવા રાજ્ય સરકારને આદેશ કર્યો ને ઢોરોના ત્રાસને ડામવા અંગેની અને ઢોર રાખનાર માથાભારે તત્ત્વો સામે થતી કાર્યવાહી અંગેની વિગતો અમદાવાદના પોલીસ કમિશનરને આપવા આદેશ કર્યો. એ સાથે જ અમદાવાદ કોર્પોરેશનને 5 સપ્ટેમ્બર સુધી 24 કલાક રખડતાં ઢોર પકડવા હુકમ કર્યો. રાજ્યમાં 52,000 ઢોર રખડતાં હોવાનું સરકારે પણ સ્વીકાર્યું છે. હાઇકોર્ટને એ પણ વાંધો હતો કે બિલ પસાર થઈ ગયું હોય તો તેના અમલમાં વિલંબ કેમ થાય છે?

પણ અમલ જ ન થાય એવી પરિસ્થિતિ માલધારીઓના વિરોધે ઊભી કરી. માલધારી સમાજ દ્વારા બિલના વિરોધમાં આખા રાજ્યમાં દૂધ વિતરણ બંધ કરવાનું ઠરાવ્યું. આ વિરોધે એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે સરકારને મંજૂર થયેલું વિધેયક પરત ખેંચવાની ફરજ પડી. માલધારી સમાજે અગાઉ વિધેયક પરત ખેંચવા આવેદનપત્રો પણ આપ્યાં હતાં. એની ખાસ અસર ન પડતાં દૂધ વિતરણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો ને એની અસર એ પડી કે વિધાનસભા સત્રની શરૂઆતમાં જ સરકારે સર્વ સંમતિથી બિલ પાછું ખેંચવું પડ્યું. જો કે રાજ્યપાલે પણ 17 સપ્ટેમ્બરના રોજ વિધેયકને બિલ પરત મોકલીને ઢોર નિયંત્રણ અંગે પુનર્વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો.

લોકો જાણે છે કે ચૂંટણી માથે છે ત્યારે સરકારનું નાક દાબીને મોં ખોલાવી શકાય છે, એટલે ઘણા બધાં ક્ષેત્રોમાંથી માંગણીઓ પૂરી કરવા મોરચા મંડાયા છે. ગાંધીનગર આજકાલ આંદોલન નગર થઈને રહી ગયું છે. આખા રાજ્યમાંથી 26 મોરચા, સરકાર સામે ફેલાઇને પડ્યા છે ને તેમને ખાતરી છે કે ચૂંટણી સામે છે તો સરકાર નિરાશ નહીં જ કરે. સરકારને પણ મત ગુમાવવા પાલવે એમ નથી એટલે આંદોલનો રોકવા માંગણીઓ પૂરી કરવાના વાયદાઓ થાય છે ને એક વાર વિજય થયો કે સરકારને ફરી જતાં તો કોઈ રોકી શકે એમ નથી એટલે ‘લાગ્યું તો તીર નહીં તો તુક્કો’ એ ન્યાયે સરકાર ને પ્રજા બંને વર્તે છે. એમ લાગે છે કે સરકાર ને પ્રજા, બંને તકવાદીઓ જ છે.

બીજા બધા મુદ્દાઓ જવા દઇએ ને માત્ર રખડતાં ઢોરને લગતો મુદ્દો જ વિચારીએ તો એ આંધળાને પણ દેખાય એવું છે કે અનેક શહેરોમાં રખડતાં ઢોરોનો ઉપદ્રવ અનેક સમસ્યાઓ ઊભી કરે જ છે. વાહનોની અડફેટે ઢોર આવી જાય છે તો તે મૃત્યુ પામે છે કે ઇજાગ્રસ્ત થાય છે. એ જ રીતે રખડતાં ઢોરની અડફેટે વાહનો આવી જતાં ઘણાં રાહદારીઓ ઘવાયાં છે કે મૃત્યુ પણ પામ્યાં છે. દેખરેખના અભાવે ઘણી ગાયો પ્લાસ્ટિક ખાઈ જતાં મૃત્યુ પામી છે કે અન્ય ઢોરોને કારણે ટ્રાફિકની પણ સમસ્યાઓ સર્જાઇ છે. આ બને છે ઢોરનાં માલિકો ઢોરને રખડતાં મૂકી દે છે એને કારણે. આવું બને ને સરકાર એ તરફ ધ્યાન ન આપે તો કોર્ટે હસ્તક્ષેપ કરવો પડે. કર્યો. સરકારને રખડતાં ઢોરો પર નિયંત્રણ મેળવવાની તાકીદ કરી, પણ સરકાર જીવ પર ન આવે ત્યાં સુધી કોઈ વાત હાથ પર લેતી નથી. પછી ધ્યાને આવ્યું તો ખરડો બહુમતીને જોરે પસાર કરાવી દીધો. સરકારનું એવું છે કે જેને માટે તે કાયદો કરે છે તેને વિશ્વાસમાં ન લેવાઈ જાય તેની કાળજી રાખે છે. કેન્દ્ર સરકારે ખેડૂતોના કાયદા કર્યા તેમાં એવું થયું તો રાજ્ય સરકારે રખડતાં ઢોરોનું બિલ મંજૂર કરાવ્યું તો તેમાં પણ સંબંધિતોને પૂછવાની જરૂર તેને ન લાગી. પછી વિરોધ થયો તો પરિણામ કાયદા કે ખરડા પરત ખેંચવામાં આવ્યું. ઢોરોને લગતું વિધેયક મંજૂર તો કરાવી દીધું, સરકારે, પણ પછી માલધારીઓએ વિરોધ ઉગ્ર કર્યો તો વિધેયક પાછું પણ ખેંચી લીધું. આવી તઘલખી સ્થિતિ સરકારને હવે કોઠે પડી ગઈ છે. સાચું એ છે કે સરકાર કાચું કાપવામાં જ પાકી છે.

જો કે, હાઇકોર્ટનો મિજાજ ન ગયો હોત તો સરકાર ખરડો કે બરડો, કૈં જ ધરવા રાજી ન હતી. હવે જ્યારે સરકારે ઢોરોને લગતું વિધેયક પસાર કરાવી જ દીધું છે તો સવાલ એ થાય કે માલધારીઓને વિરોધ કરવાનું કયું કારણ હતું? આમ તો એમણે વિરોધ કર્યો છે, પણ ફોડ પાડીને વિરોધ કેમ કર્યો તે અંગે ખાસ વાત કરી નથી. રખડતાં ઢોરોનો કોઈ ત્રાસ ન હતો ને છતાં સરકારે વિધેયક મંજૂર કર્યું તેનો વાંધો હતો તેવું કહેવું છે, માલધારીઓનું? નથી ખબર. કે ઢોરોને તેનાં માલિકો પૂરતી કાળજીથી પાળે છે ને રખડતાં નથી મૂકતાં ને છતાં સરકાર વિધેયક લાવી તેનો વાંધો માલધારીઓને પડ્યો છે? તેની ય નથી ખબર. કે કોર્ટ કહે છે તેમ રખડતાં ઢોરોના ત્રાસથી કોઈ અકસ્માત થયા નથી કે કોઈ ઘવાયું નથી કે મૃત્યુ પામ્યું નથી એવું માને છે માલધારીઓ? તે ય નથી ખબર. એ ખરું કે સરકારે વિધેયક મંજૂર કરતાં પહેલાં માલધારીઓને વિશ્વાસમાં લેવા જોઈતા હતા, તે ન લીધા, પણ તેનો અર્થ એવો ન થાય કે વિધેયકની જરૂર ન હતી. એક વાત સ્પષ્ટ છે કે આ સરકાર રિપીટ થઈ તો રખડતાં ઢોરોનાં ત્રાસનું વિધેયક મોડું વહેલું આવવાનું છે ને ત્યારે ચૂંટણી નહીં હોય તેથી એની શરમે તે સરકાર દ્વારા પરત ખેંચવાનું નહીં જ બને તે પણ નક્કી !

લોકશાહીમાં વિરોધની તક બધાંને છે, પણ એવો વિરોધ કોઈને પણ ન પરવડવો જોઈએ જેમાં પ્રજાની સહાનુભૂતિ સાથે ન હોય. માલધારીઓએ સરકારનો વિરોધ કરવા દૂધ વિતરણ બંધ કરવાનો નિર્ણય લીધો. એમને એવું હતું કે પ્રજાને તકલીફ પડશે તો સરકારે ઝૂકવું પડશે, પણ દૂધ એવી વસ્તુ છે જે સવારથી નનાંમોટાં સૌની પહેલી જરૂર છે. એ મળવામાં તકલીફ ઊભી થાય તો પ્રજા એવા વિરોધની સાથે ઊભી ન રહે તે કહેવાની જરૂર નથી. આ વિરોધમાં પણ એમ જ થયું. ઘણા ગ્રાહકોને દૂધની તકલીફ ઊભી થતાં તેમણે તો સામેથી દૂધવાળાઓને રોકડું પરખાવ્યું કે હવેથી દૂધ લાવતાં જ નહીં. દૂધ વિતરણ સુમુલે પોલીસ રક્ષણ મેળવીને કરવું પડ્યું. અન્ય સ્થળોએ દૂધ વિતરણ રોકવા વિરોધીઓ દ્વારા હિંસાનો આશરો પણ લેવાયો. આ પણ ઠીક ન થયું ને સૌથી ખરાબ તો એ થયું કે રાજકોટ અને સુરત જેવાંમાં હજારો લિટર દૂધ સડકો પર અને નદીમાં વહેવડાવી દેવાયું, પુલ પરથી દૂધની કોથળીઓ નીચે ફેંકી દેવાઈ કે ક્યાંક તો દૂધનાં ટેન્કરનો વાલ્વ ખોલી દેવાયો ને એમાં હજારો લિટર દૂધ એમ જ વેડફી દેવાયું. ક્યાંક હોસ્પિટલોમાં ને બાળકોમાં દૂધ એમ જ વહેંચી દેવાયું ને એમ દૂધને ઠેકાણે પાડી દેવાયું. કોઈકે તો એવી પણ ટકોર કરી કે આજ સુધી દૂધમાં પાણી નંખાતું હતું, આજે પાણીમાં દૂધ નંખાયું.

જ્યાં દૂધનો ઉપયોગ થયો ત્યાં તો તેનો આવકાર જ હોય, પણ જ્યાં દૂધ વેડફવામાં આવ્યું તે કોઈ રીતે આવકાર્ય બાબત નથી જ ! ગમે એટલો જ વિરોધ કેમ ન હોય, પણ દૂધનો વેડફાટ બધી રીતે નિંદનીય છે. કેટલા ય વિસ્તારોનાં બાળકો દૂધ વગર ટળવળતાં રહ્યાં. એ અત્યંત દુ:ખદ છે કે હજારો લિટર દૂધ, પ્રજાના કોઈ વાંક વગર, પ્રજાને ખપમાં ન લેવા દેવાયું. વારુ, એ રીતે દૂધને વેડફી દેવામાં એ વેડફનાર શું કમાયા તે પણ નથી ખબર, પણ જ્યાં અનેક પ્રકારની અછત ને ગરીબી વચ્ચે પ્રજા જીવતી હોય, જ્યાં હજારો બાળકો કુપોષણનાં શિકાર હોય, જયાં દૂધની એકાદ કોથળી બાળકોને બેઠાં કરી શકે એમ હોય ત્યાં આ રીતે દૂધ ઢોળી દેવું ગુનો નથી તો શું છે? જેમ કેટલાકે કર્યું એમ દૂધ કોઈને એમને એમ આપી દેવાયું હોત તો તે કોઈને મોઢે લાગ્યું હોત, પણ આમ ઢોળી દેવું તો બધી રીતે તિરસ્કારને પાત્ર જ છે. કોઈ મહારાજા પણ આ રીતે દૂધ ન વેડફે ત્યાં માત્ર વિરોધ પ્રગટ કરવા આ રીતે દૂધ વેડફી દેવાય એ કેવળ ને કેવળ ગુનાહિત ને શરમજનક કૃત્ય જ છે. એનો બચાવ ન હોય. ન જ હોય. વધારે શું કહેવું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 સપ્ટેમ્બર 2022

Loading

પ્લાસ્ટિક પ્રતિબંધ, પર્યાવરણ સંરક્ષણ અને રોજગાર

ચંદુ મહેરિયા|Opinion - Opinion|22 September 2022

ભારત સરકાર ૨૦૨૨ના અંત સુધીમાં દેશને પ્લાસ્ટિક મુક્ત કરવા સંકલ્પબધ્ધ છે. તે માટે બે વરસથી પ્રયાસો ચાલે છે. પહેલાં સરકારે પ્લાસ્ટિક બેગની જાડાઈ ૫૦ને બદલે ૭૫ માઈક્રોનની કરી હતી. હવે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ એમેન્ડમેન્ટ એક્ટ મુજબ પહેલી જુલાઈ ૨૦૨૨થી સિંગલ યુઝ(એકલ ઉપયોગ)ની પ્લાસ્ટિક વસ્તુઓ પર પ્રતિબંધ લાદ્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન, વેચાણ, આયાત, સંગ્રહ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકીને સરકારે પ્લાસ્ટિકમુક્ત ભારતની દિશામાં મહત્ત્વનું કદમ લીધું છે.

ચાળીસ માઈક્રોન કે તેથી ઓછી જાડાઈની પ્લાસ્ટિકની વસ્તુ એક વાર વપરાઈને ફેંકી દેવાતી હોઈ તેને સિંગલ યુઝ પ્લાસ્ટિક કહેવામાં આવે છે. આઈસ્ક્રીમ સ્ટીક, શાકભાજીની થેલી, કેન્ડી સ્ટીક, પ્લાસ્ટિકના ધ્વજ, ચાના પ્લાસ્ટિકના કપ, ગ્લાસ, પાણીની બોટલ, સ્ટ્રો, પાણીપૂરી અને ચાટની પ્લાસ્ટિકની પ્લેટ, પ્લાસ્ટિકનાં ચમચા-ચમચી, સિગારેટના પેકેટ, મીઠાઈના ડબ્બાના રેપર, ફુગ્ગાની સ્ટીક, પ્લાસ્ટિકના ઢાંકણાં અને પાતળા પ્લાસ્ટિકની બનેલી આવી બીજી ચીજો હવે પ્રતિબંધિત છે. પ્લાસ્ટિકનો નાશ થતો ન હોઈ તે પર્યાવરણ અને માનવજાત માટે ખતરનાક છે. એટલે આરંભે સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ પ્રતિબંધિત કર્યો છે.

ઈ.સ. ૧૯૦૭માં અમેરિકી વૈજ્ઞાનિક લિયો બૈકેલૈંડે સિન્થેટિક પ્લાસ્ટિક બનાવ્યું હતું. તેના પગલે ૧૯૩૩માં પોલિથીનનો આવિષ્કાર થયો હતો. ત્યારે કલ્પના પણ નહીં હોય કે તેમની આ શોધ એક દિવસ લોકો માટે આશીર્વાદને બદલે શાપરૂપ બની જશે. અને તેના ઉત્પાદન અને વપરાશ પર બંધી લાદવી પડશે. 

દુનિયામાં નવ અબજ ટન પ્લાસ્ટિક છે. દર વરસે વિશ્વમાં ૨૬ ટ્રિલિયન પ્લાસ્ટિક બેગોનું વેચાણ થાય છે. દર સેકન્ડે ૧૫,૦૦૦ અને દર મિનિટે ૧૦ લાખ પ્લાસ્ટિકની બોટલો વેચાય છે. ભારતમાં ૧.૪૦ કરોડ ટન પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. ૨૦૨૧ના વરસમાં જ ૪૧,૦૦૦ ટન પ્લાસ્ટિક ઉત્પન્ન થયું હતું. દેશમાં દર વરસે ૫૬ લાખ ટન પ્લાસ્ટિક કચરો પેદા થાય છે. ભારતના પ્રત્યેક શહેરમાં રોજનો સરેરાશ ૧૫,૦૦૦ ટન પ્લાસ્ટિક કચરો પેદા થાય છે. પ્લાસ્ટિકના કચરાનો નિકાલ સૌથી મોટી સમસ્યા છે મોટા ભાગના કચરાનો નિકાલ નદીઓ અને સમુદ્રોમાં ફેંકી દઈને કરવામાં આવે છે. પ્લાસ્ટિકનો સેંકડો વરસો સુધી નાશ થતો નથી. તે સડતું પણ નથી. કે અન્ય તત્ત્વ કે જૈવિક ચીજોની જેમ પર્યાવરણમાં ભળતું પણ નથી. વળી એ જે જમીન પર પડી રહે છે તે જમીનને ઝેરી અને બિનફળદ્રુપ બનાવે છે.

પ્લાસ્ટિક સસ્તું છે અને સુલભ છે. તેથી લોકો તેનો બહોળો ઉપયોગ કરે છે. પરંતુ તેનો વપરાશ કેટલો નુકસાનકર્તા છે તેનાથી કાં તો વાકેફ નથી કે પછી જીવનનો અનિવાર્ય હિસ્સો બની ગયું હોઈ વપરાશ ટાળતા નથી. દુનિયાભરમાં પ્લાસ્ટિકનો વ્યાપક ઉપયોગ થાય છે. સુદૂર વસેલા અને શેષ દુનિયાથી અછૂતા એન્ટાર્ટિકાના બરફમાં પણ માઈક્રોપ્લાસ્ટિકના કણો મળ્યા છે. પ્લાસ્ટિકના સામાનના વપરાશથી કેન્સર થવાની શક્યતા ૯૦ ટકા હોવાનું વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે. એક પુખ્ત વયની વ્યક્તિ ખોરાક-પાણીમાં વરસે સરેરાશ ૧.૨૧ લાખ માઈક્રોપ્લાસ્ટિકના કણ આરોગે છે. આટઆટલા ગેરફાયદા છતાં માનવી પ્લાસ્ટિકનો વપરાશ કરતો રહે છે એટલે ન છૂટકે સરકારોને તેનું ઉત્પાદન અને ઉપયોગ સજાપાત્ર ગુનો બનાવવું પડ્યું છે.

સ્વચ્છ ભારત અભિયાન છતાં દેશમાં ઠેર ઠેર પ્લાસ્ટિક વેસ્ટ જોવા મળે છે. એક અંદાજ મુજબ જો તેને એક જગ્યાએ ભેગો કરવામાં આવે તો ત્રણ હિમાલયની ઊંચાઈ જેટલા પ્લાસ્ટિક વેસ્ટના પહાડ બની શકે. દુનિયાની જે દસ નદીઓ મહાસાગરોમાં પ્લાસ્ટિક કચરો ઠાલવે છે તેમાંની ત્રણ, ગંગા, બ્રહ્મપુત્ર અને સિંધુ ભારતની છે. પ્લાસ્ટિક કચરાને કારણે નદીઓનું પાણી અને જળસ્રોત પ્રદૂષિત થાય છે તે સમુદ્રી જીવો માટે પણ જીવલેણ છે. એક લાખ સમુદ્રી જીવો પ્લાસ્ટિકને કારણે મરે છે. પ્લાસ્ટિકને કારણે ગટરો અને નાળાં જામ થઈ જાય છે તેથી વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી. કુલ પ્લાસ્ટિક ઉત્પાદનના વીસ ટકા જ રિસાઈકલ થાય છે. જ્યારે ૪૯ ટકા પ્લાસ્ટિકને જમીનમાં દાટીને અને ૧૫ ટકાને સળગાવીને નિકાલ કર્યાનો સંતોષ મનાય છે ત્યારે તે કેટલું જોખમી છે તેનો અહેસાસ થતો નથી.

પ્લાસ્ટિકના જોખમોથી દુનિયા વાકેફ થયા બાદ એકવીસમી સદીના આરંભથી જ તેના વિરુદ્ધ વૈશ્વિક આંદોલન આરંભાયું હતું. દુનિયાના સો જેટલા દેશોએ તેના ઉપયોગને પ્રતિબંધિત કરતા કાયદા અને નિયમો ઘડ્યા છે. એશિયા ખંડના દેશોમાં સૌ પ્રથમ બાંગ્લાદેશમાં ૨૦૦૨થી જ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો હતો. ભારતનો હાલનો પ્રતિબંધ ઘણો સીમિત છે અને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત થતાં ઘણાં વરસો લાગશે.

એકલ ઉપયોગના પ્લાસ્ટિક પરના હાલના પ્રતિબંધ અંગે પણ વિવાદ પ્રવર્તે છે. પર્યાવરણ સંરક્ષણની રીતે આ એક માત્ર ઉપાય હોવાનું એક વર્ગ માને છે તો બીજો વર્ગ તેના વિકલ્પો તલાસવા જણાવે છે. જ્યાં સુધી ઉચિત વિકલ્પ ન મળે ત્યાં સુધી પ્રતિબંધની અમલવારી શક્ય નહીં બને તેમ માને છે. પ્લાસ્ટિકના વિકલ્પે કાગળ, માટી અને ફાઈબર તુરત સૂઝે છે. પરંતુ કાગળનો વપરાશ વધતાં વૃક્ષોનું છેદન વધવાની શક્યતા છે અને તે પણ પર્યાવરણને હાનિકારક બનશે. માટીકલા ભારતની મહત્ત્વની કલા છે. આજે માટીનાં વાસણોનો વપરાશ નહીંવત રહ્યો છે. પરંતુ ચા-દહીં-છાશ વગેરે માટે માટીનાં પાત્રોનો ઉપયોગ થાય છે. જો કે પેકેજિંગમાં મોટા પાયે સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાય છે તેનો વિકલ્પ ઝટ દેખાતો નથી.

રોજગારની દૃષ્ટિએ પણ વર્તમાન પ્રતિબંધ માઠી અસરો જન્માવે છે. દુનિયાના ટોચના સો પોલીમર ઉત્પાદકોમાંથી છ ભારતમાં છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની માહિતી અનુસાર લગભગ સાતસો મોટા એકમો સિંગલ યુઝ પ્લાસ્ટિક બનાવે છે અને અનેક નાના વેપારીઓ તેના પર નિર્ભર છે. ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેકચર એસોસિએશનના જણાવ્યા પ્રમાણે ૮૮ હજાર પ્લાસ્ટિક બનાવતા નાના એકમો આ પ્રતિબંધથી રાતોરાત બંધ થઈ ગયાં છે અને દસ લાખ લોકો બેરોજગાર થયા છે. તેનો ઉકેલ સરકાર અને ઉત્પાદકો પાસે નથી.

લોકજાગ્રતિ આ મુદ્દે ખૂબ જ અગત્યની છે પરંતુ તેનો સર્વથા અભાવ છે. સરકારની પ્લાસ્ટિકના ઉપયોગ અંગેની પર્યાવરણ નિયમન નીતિ અસંગત છે, તો પ્લાસ્ટિક મુક્ત ભારતના નારામાં જેટલી બુલંદી છે તેટલી અમલીકરણમાં નથી. તેથી પરિણામ મળવાની શક્યતા નથી કે બહુ વિલંબથી મળશે. પ્રતિબંધના બે મહિનાનો અનુભવ એવું જણાવે છે કે કાયદો કાયદાપોથીમાં કેદ છે અને ઉત્પાદન તથા વપરાશ ચાલુ છે.

(તા.૦૭.૦૯.૨૦૨૨)
e.mail : maheriyachandu@gmail.com 

Loading

...102030...1,3831,3841,3851,386...1,3901,4001,410...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved