Opinion Magazine
Number of visits: 9458694
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુરંગ

બીજલ જગડ|Opinion - Opinion|26 May 2022

લખતા લખતા આંખેથી ટપક્યું બિંદુ,
શ્વેત સરોવર કાગળનું આવક ઊભું.

ધ્રુસક્તાં ચશ્માં મૌનમાં મઢેલા હીરા,
ઝરમર વાદળ્યું વરસી ગયું સ્પર્શનું.

શબ્દોને સ્પર્શુ જો વાય રહી છે લૂ.
પથ્થરોથી સખત આ શાહીનું ટીપું,

વાયરા લખતા નથી કાગળ ઉપર,
યુગોયુગ અવાજની-શબ્દ હું ઘૂંટું.

ખાલીપણા વચ્ચે કાગળની વાવ,
એક સુરંગ પાથરી હું સિંચુ સિંધુ.

ઘાટકોપર, મુંબઈ

e.mail : bijaljagadsagar@gmail.com

Loading

હોવાપણાનાં ઓસાણ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|25 May 2022

પ્રમુખીય

એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં જોગાનુજોગ બે વાનાં એક સાથે બની આવ્યાં : અશોક વાજપેયી સુરેશ જોષી વ્યાખ્યાન સારુ વડોદરે હોવાના હતા અને વિષય પણ સોજ્જો એટલે કે એકદમ એકદમ સમસામયિક ચર્ચવાના હતા – લેખક ઔર સ્વતંત્રતા. ચિત્ત પણ રામ અમલમાં રાતુંમાતું હતું; કેમ કે કોરાના સહિતનાં કારણો ને પરિબળો સર કંઈક સ્થગિતવત્ પરિષદપ્રવૃત્તિ વર્ષા અડાલજા સાથેની મનહર મનભર સાંજની વાંસોવાંસ હવે નવઉઘાડને ઉંબરે હતી. એવામાં વડોદરા વ્યાખ્યાનના પૂર્વપ્રભાતે અશ્વિની બાપટની મુખપોથીમાં જોઉં છું તો સાર્ત્રનો નિબંધ પરચમની પેઠે લહેરાઈ રહ્યો છે, લેખકની જવાબદારી.

લેખક, પછી તે ગદ્યકાર હો કે પદ્યકાર, એનું દાયિત્વ પોતાના સમય માટે સમજ અને સંવેદનાને ધોરણે લખવાબોલવાનું તો બને જ ને. એની નિસબત સરળસોંસરીયે પ્રગટ થાય, અને સંકેતગર્ભા ધાટીએ પણ. હજુ તો પાધરું વરસે નથી થયું એ વાતને જ્યારે પારુલ ખખ્ખરે ‘શબવાહિની ગંગા’ થકી દાયિત્વનો સાક્ષાત્કાર કરાવ્યો હતો – અને ક્વચિત્ મુખર લાગે તો પણ કવિકંઠની એ કમાલની કરામત હતી કે હાન્સદાદાએ બાળમુખે જે સહજોદ્ગાર, ખરું જોતાં સત્યોદ્ગાર મૂક્યો હતો, પારુલે એની જવાબદારી ઇસુના વરસ 2021માં ‘હોય મરદ’ એને ભળાવવાપણું જોયું હતું.

સરકારે, કેમ કે તે સરકાર છે, આ રચના પ્રિન્ટ મીડિયામાં પ્રકાશ ન પામે એની ખાસી કાળજી લીધી તેમ સાંભળ્યું છે. સરકારમાત્રનાં હોર્મોન્સ ને જિન્સ જોતાં એની નવાઈ પણ ન હોય. પણ રાજ્યની સાહિત્ય અકાદમીના અધ્યક્ષે ‘શબ્દસૃષ્ટિ’ની રાંગેથી લલકાર કીધો એ સમાનધર્મા હોઈ શકતા એક અક્ષરકર્મીને નાતે મને વરવું લાગ્યું હતું એટલું તો મારે દર્જ કરવું જ રહ્યું, જેટલું વિનય પુરસ્સર એટલું જ નિઃસંકોચ પણ.

આ રચનાના સમર્થકોમાં અકાદમી અધ્યક્ષે ‘કેન્દ્રવિરોધી, કેન્દ્રની રાષ્ટ્રીય વિચારધારાનાં વિરોધી પરિબળો’ને જોયા, ને ‘લિટરરી નકસલો’ એવી એમના પર મહોર પણ મારી. વાચક જોશે કે અહીં ચોક્કસ સંદર્ભમાં ‘રાષ્ટ્રીય’ એ સંજ્ઞા ખપમાં લેવાઈ છે. આ સંજ્ઞાના સૂચિતાર્થ, ફલિતાર્થ, મથિતાર્થ વિશે – અભિધા, વ્યંજના, લક્ષણા કોઈ પણ છેડેથી – કશી ગેરસમજ ન રહે એવા વાચકવત્સલ અભિગમવશ એમણે ઉદ્ઘોષ પણ કીધો છે કે અકાદમી સાહિત્યની સંસ્થા છે અને તેનો હેતુ ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’નો છે. ટૂંકમાં, આ સાહિત્યસંસ્થા ચોક્કસ રાજકીય વિચારધારાને (જે રાજ્ય અને કેન્દ્રની સરકારી વિચારધારા છે, તેને) પ્રતિબદ્ધ છે. સાહિત્યની વ્યાખ્યા, સમજ અને પરખ અંતતો ગત્વા ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’ને આધીન છે.

તેમ છતાં, અહીં સુધી તો માનો કે સમજ્યા કે બધું બાવાહિન્દી ન્યાયે નભી ગયું; પણ ખટાકો ત્યારે બોલી ગયો જ્યારે પારુલની રચના સામે એમણે ગુજરાતી વિવેચનાના એક સર્વકાલીન સ્વરને ખડો કરવાની ચેષ્ટા કરી : “આનંદશંકર ધ્રુવે કહ્યું હતું તેમ કવિતા તો આત્માની કળા છે. ત્યાં તમામ રસોનો અંતિમ શાન્ત ભાવનો હોય છે…” આનંદશંકર મનદ્વિની પાટે આવ્યા અને એમણે ‘સુદર્શન’ સાહ્યું ત્યારે આ મતલબનું કહ્યું છે જરૂર. પણ આગળપાછળની વિગત તો કોઈ વાંચો જરી : “જે કવિતામાં ચૈતન્ય નથી અર્થાત્ જે વાચકને અમુક હકીકતની માહિતી માત્ર આપી જાય છે, પણ આત્મામાં ઊતરી જઈ અંતરનું ચલનવલન વા ચૈતન્યઘન સમત્વ ઉત્પન્ન કરી શકતી નથી, એ કવિતા જ નથી. એવી જડ કવિતા તો ભૂગોળ, તવારીખ, ‘કોષ્ટક’ના નામને જ પાત્ર છે. ‘જાનેવારી જાણજો ફેબ્રુઆરી ફરી હોય’ એ કવિતા નથી; ‘સહુ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે’ એ કવિતા છે.” (સાહિત્યવિચાર, આનંદશંકર ધ્રુવ શ્રેણી-3, ગુજરાત સાહિત્ય અકાદમી, 2001, પૃ. 4) અહીં ઉતાવળે કહેવાનું એટલું જ કે આનંદશંકરને અભીષ્ટ શાંતરસપર્યવસાયી રચના જેની સાથે બ્યૂગલ-નાદ જોડાયો છે તેવા જંગના બોગદામાંથીયે પસાર થતી હોઈ તો શકે.

નર્મદપંક્તિ સંભારતાં નરસિંહરાવનું એક નર્મદઅવલોકન સાંભરી આવ્યું પણ એની વાત લગીર રહીને. કાવ્યના નિકષરૂપે ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’ આગળ ધરાય છે તો ‘આત્માની કળા’ખ્યાત આલોચક આનંદશંકરને ‘રાષ્ટ્ર’ને મિશે પણ જરી સંભારી લઈએ તે ઠીક રહેશે. સાક્ષર ચન્દ્રશંકર પંડ્યાએ એક તબક્કે અજબગજબનો ઉપાડો લીધો હતોઃ “દલપતરામભાઈની કવિતામાં કે ગોવર્ધનભાઈના ગ્રંથોમાં જો આપણને રાષ્ટ્રભાવનાનું ચેતન જણાય નહીં તો આપણે હિંમતથી કહીશું કે એવા સાહિત્યથી આપણી ભૂખ ભાંગવાની નથી. મમ્મટની વ્યાખ્યાના ચોકઠામાં આપણું સાહિત્ય આવે કિંવા ન આવે અથવા રા. તનસુખરામભાઈની વેદાન્તની દૃષ્ટિ તેનો સ્વીકાર કરે કિંવા ન કરે, ને રા.બ. રમણભાઈ તેને કવિતા અને સાહિત્યની વર્ગણીમાં લે કે ન લે પણ આપણને તો હાલના સમયમાં રાષ્ટ્રીય ભાવના વિનાનું સાહિત્ય કેવળ નકામું છે.” (એજન, પૃ. 50) આનંદશંકર  આ સંદર્ભમાં માર્મિક પ્રશ્ન કરે છે : “… જગતના ઇતિહાસમાં કોઈ પણ સમય એવો જાણ્યામાં છે ખરો કે જેમાં રાષ્ટ્રજીવનની જ સઘળી કવિતા મંગાતી હોય અને રચાતી હોય? વળી સાહિત્યની કિંમત આંકતાં કોઈ પણ કાળ એવો જાણ્યામાં છે ખરો કે જ્યારે કાન્તના ‘વસંતવિજય’ જેવા કાવ્યને રાષ્ટ્રભાવનાને અભાવે શૂન્ય આંક આપવામાં આવ્યો હોય?” અહીં નોંધું કે આ ટિપ્પણી વખતે પહેલા વિશ્વયુદ્ધનો માહોલ છે, અને આનંદશંકર ઉમેરે છે, “ફાટતા ગોળા જેવી, ચારે તરફ વિનાશ વેરતી પણ તે સાથે જાતે પણ વિનાશ પામતી રાષ્ટ્રભાવનાની આવી ખોટી હિમાયત થતી જોઈ – અને તે આપણા જીવનને સર્વાંગસુંદર બનાવવા ઇચ્છતા સર્વતોમુખી સાક્ષરને હાથે, – એથી મને બહુ ખેદ થાય છે.” (એજન, પૃ. 52-53)

લેખકની સ્વતંત્રતા અને જવાબદારી સંબંધે ગુજરાતના વર્તમાન વિમર્શને અનુષંગે આ બધી ચર્ચા કરતે કરતે મેં સંકેત આપ્યો હતો તેમ નર્મદ વિશે નરસિંહરાવની નિરીક્ષાને સંભારવા ઇચ્છું છું. અવસર, 1915માં સુરતમાં પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં નરસિંહરાવના અધ્યક્ષીય અભિભાષણનો છે. “સુરતનો હક સ્થાપવાને માત્ર એક નામ – મોટા અક્ષરે લખવાનું નામ – બસ છે, – નર્મદ કવિ.” આટલું કહ્યા પછી નભોદિ ‘સ્વદેશાભિમાન’ શબ્દ પહેલપ્રથમ પ્રયોજનાર નર્મદની પોતાને અભિમત વિશેષતા નિર્દેશે છે : “જે જમાનામાં કવિનો ધંધો તે ઉદરનિર્વાહનું સાધન ગણાઈ તે હીન ભાવનાની સાથે અવશ્ય જોડાયેલા કેટલા ય આત્મગૌરવવિરોધી ગુણો પ્રગટ થતા હતા, રાજ્યની સ્તુતિ, રાજ્યના અમલદારોની ખુશામત, એ હલકા ભાવોથી કવિતા બહુ બહુ વાર પ્રેરાતી હતી; સરસ્વતીને દેવીપદમાંથી ભ્રષ્ટ કરી દાસીપદ અપાતું હતું; તે જમાનામાં એ દેવીની અનન્ય ભાવથી – આત્મગૌરવના બળથી ઉત્તેજિત થઈ, દેશસેવાના ઉત્સાહથી ઊભરાઈ જઈ, આપણા ગુર્જર સાહિત્યક્ષેત્રમાં સેવા કરનાર નર એક નર્મદ જ હતો. કવિ તરીકે એનામાં ઘણી ઊનતાઓ હશે; ભલે, તે આપણો પ્રશ્ન નથી. પણ ઉપર દર્શાવેલા ગુણોથી સાહિત્યસેવાને ગૌરવને ગૂંગળાવનારા રાજદરબારના પ્રદેશમાંથી કાઢીને વિશુદ્ધ ભાવના વાતાવરણમાં મૂકનાર કવિ નર્મદાશંકર આ સુરત શહેરના ઇતિહાસમાં અસાધારણ દીપ્તિથી દીપનાર નક્ષત્ર તરીકે આપણા સાહિત્યમંડળના વ્યોમમાં ચિરકાળ સ્થિર રહેશે.” (પરિષદ-પ્રમુખોનાં ભાષણો, ભાગ પહેલો, ગુજરાતી સાહિત્ય પરિષદ, બીજી આવૃત્તિ, 1974, પૃ. 121-122)

હાડના લિબરલ આપણા આ બે પૂર્વસૂરિઓ, નરસિંહરાવ ને આનંદશંકર, એમની વાત સમજાય છે જરી? વાત આ કિસ્સામાં જો કે ખાસ કરીને આનંદશંકરની, કેમ કે એમને બચાડાને અમથા જ સાહેદીમાં સંડોવવામાં આવ્યા છે. રાષ્ટ્ર નામનો ‘અતિ’ – અને તે પણ સાહિત્યનિકષ તરીકે, એમને અક્ષરશઃ એટલે કે અક્ષરશઃ અગ્રાહ્ય છે. અને હા, નરસિંહરાવની નરવી નજરે નર્મદભૂમિકાની એ વિશેષતા સહૃદય સાહિત્યસેવીમાત્રે સમજવી રહે છે કે સાહિત્યસેવાને રાજદરબારના પ્રદેશમાંથી કાઢીને વિશુદ્ધ ભાવના વાતાવરણમાં મૂકી આપવાપણું છે.

સરકાર અને રાજદરબારથી હટી જ્યારે જનમોઝાર આવવાનું બને છે ત્યારે અક્ષરજીવન અને જાહેરજીવન વચ્ચેની સાર્થક આપલેની આ પરંપરા સર્જનાને સારુ અલબત્ત અગરાજ નથી. ફરી આનંદશંકર પાસે જઈશું જરી? 1928માં નડિયાદમાં એમના પ્રમુખપદે નવમી ગુજરાતી સાહિત્ય પરિષદ મળી ત્યારે ચરોતરને ધન્યવાદ આપતાં એમણે ઔપચારિકતા ઓળાંડી જઈ જે કહ્યું હતું તે સંભારવું અહીં લાજિમ છે : “આ પરિષદ ધાર્યા પ્રમાણે તેમ જ ધારા પ્રમાણે વખતસર મેળવી શકાઈ નહિ તેમાં નડિયાદનો દોષ નથી; બલકે વિલંબનું કારણ જોતાં નડિયાદ આપણા અભિનંદનને પાત્ર છે. ગયા વર્ષની રેલમાં અને આ વર્ષના બારડોલી પ્રકરણમાં ચરોતરે અને એના કેન્દ્રભૂત નડિયાદે જે દેશસેવા કરી છે, એમાં ઉત્સાહ, પરાક્રમ, ધૈર્ય, સંયમ, બન્ધુસેવા આદિ ઉદાત્ત ગુણોના આવિષ્કારથી ગુજરાતના જીવનને એણે વધારે તેજસ્વી કર્યું છે, અને જે ઉપાદાનકારણથી સાહિત્ય બને છે એમાં સત્ત્વ પ્રેરી સાહિત્ય પરિષદ મેળવવી એના કરતાં જરા પણ ન્યૂન નહીં એવી સાહિત્યસેવા આ બે વર્ષથી ચરોતર બજાવી રહ્યું છે. એ સેવા માટે તેને ધન્યવાદ હો!” (એજન, પૃ. 349)

પશ્ચિમની બૌદ્ધિક પરંપરામાં દાયિત્વ અને પ્રતિબદ્ધતાના જે ખયાલો છે, આપણે ત્યાં હાલ અશોક વાજપેયી આદિ જે ધીંગી પરંપરામાં પોતપોતાની ગતિમતિરીતિએ ચાલી રહ્યા છે એની ચર્ચા થતી રહે છે, અને થશે. વાજપેયીના ભાષણનો પૂરો પાઠ (ગુજરાતી અનુવાદમાં) ‘પરબ’ વાટે સુલભ થવામાં છે. અહીં ઉતાવળે પણ પરિષદપરંપરાનો કંઈક આછોપાતળો ખયાલ આપવાની કોશિશ કરી છે … આપણને આપણા હોવાપણાનાં ઓસાણ કદાપિ ન છૂટો.

મે 1, 2022

[પ્રગટ : “પરબ”, મે 2022] 

Loading

પત્ની પતિ સામે દુષ્કર્મની ફરિયાદ કરી શકે કે કેમ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 May 2022

સ્ત્રી સશક્તિકરણ :

12 મે, 2022ના સમાચારમાં એવું છે કે દિલ્હી હાઇકોર્ટની બે જજની બેન્ચે એક જ મુદ્દા પર જુદા જુદા ચુકાદા આપ્યા. આમ તો બે જજ મોટે ભાગે કોઈ ચુકાદા અંગે સંમત થતા હોય છે, પણ બંને જજને એક મુદ્દે લાગ્યું કે આ મામલે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપવો જોઈએ. મતલબ કે હાઇકોર્ટ એક મુદ્દે સંમત ન થઈ ને એમ બે મત પડ્યા. વાત જ એવી હતી કે અસંમત થવાની તકો વધે. મુદ્દો એ હતો કે પત્નીની સંમતિ વિના પતિ શારીરિક સંબંધ બાંધે તો તે ગુનો ગણાય કે નહીં? આ મામલે જાહેર હિતની અરજી થઈ હતી, જેનો ચુકાદો આપવામાં બે જજો વચ્ચે સંમતિ બની ન હતી. એક જજનું માનવું હતું કે પત્નીની સંમતિ વિના પતિ સંબંધ બાંધે તો પતિને કાયદો રક્ષણ આપે છે. કલમ 375 અને 376(ઈ)માં અપવાદ-2 હેઠળ પતિને એ છૂટ અપાયેલી છે. એમાં બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન નથી એવું એક જજનું માનવું હતું. બીજા જજનું માનવું હતું કે પત્નીની સંમતિ વિના પતિ પરાણે સંબંધ બાંધે તો એ ગુનો છે ને પત્ની, પતિ સામે દુષ્કર્મની ફરિયાદ કરી શકે. બીજા જજ સાહેબે તો લિવ ઇન પાર્ટનર કે ગર્લફ્રેન્ડ પણ શારીરિક સંબંધનો ઇનકાર કરે ને તેને સંબંધ માટે મજબૂર કરાય તો તે પણ ગુનો છે એવું પણ ઉમેર્યું હતું. બંને જજે જુદા જુદા નિર્ણયો આપ્યા, પણ બંને એ વાતે સંમત હતા કે આ કેસમાં સુપ્રીમમાં અપીલ થવી જોઈએ, કારણ, આ મુદ્દો મહત્ત્વના કાયદા સાથે સંકળાયેલો છે. આ મામલે બીજી હાઇકોર્ટે પણ ચુકાદાઓ આપ્યા છે અને તે સુપ્રીમ કોર્ટમાં નિર્ણયની રાહ જોતાં પડેલા છે. આમ તો ઘણી સંસ્થાઓએ દુષ્કર્મ કાયદા હેઠળ પતિને અપાયેલી છૂટ દૂર કરવાનો અનુરોધ કર્યો છે, પણ આ બાબત એવી છે કે એમાં સર્વસંમતિ સાધવાનું મુશ્કેલ છે.

કાયદો તો મોડો વહેલો કોઈ ચુકાદો આપશે, પણ આપણે આ મામલે સામાજિક તેમ જ માનવીય દૃષ્ટિકોણ રાખીને વિચારવા જેવું છે. કોઈ કાયદા ન હતા, ત્યારે પણ સ્ત્રીપુરુષ તો હતાં જ ! ને એમની વચ્ચે શારીરિક સંબંધો પણ હતા. એ જૈવિક, કુદરતી જરૂરિયાત હતી. એ વખતે પણ સંમતિ, અસંમતિની વાતો ચર્ચાઇ જ હશે. જેને આજે સ્વૈચ્છાચાર કહીએ છીએ તે જ કદાચ ત્યારે સહજ બાબત હતી. સ્ત્રીપુરુષ સંબંધો પર કદાચ નિયંત્રણો પણ ઓછાં હતાં. એ પછી સમાજ અસ્તિત્વમાં આવ્યો, લગ્ન સંસ્થા અસ્તિત્વમાં આવી ને સ્ત્રીપુરુષ સંબંધોને માન્યતા આપવાની વાત આવી. બીજા શબ્દોમાં કહીએ તો એવું ઠરાવાયું કે જેનાં લગ્ન થયાં છે, એ સ્ત્રીપુરુષ વચ્ચેના શારીરિક સંબંધને જ સમાજ માન્ય ગણવા અથવા તો જેમણે સંબંધમાં મુકાવું છે તે સ્ત્રીપુરુષે લગ્નનાં બંધનમાં બંધાવું અનિવાર્ય છે. એ સિવાય કોઈ સંબંધમાં મુકાય છે તો તેને સમાજ માન્યતા નહીં આપે. એ સંબંધ અવૈધ ગણાશે. એને લગતા કાયદાઓ અમલમાં આવ્યા ને એમ એક વ્યવસ્થા ઊભી થઈ.

એક સમય હતો જ્યારે સ્ત્રી પરાવલંબી હતી. તે પિતા કે પતિનો બોજ હતી, જવાબદારી હતી. લગ્ન નિમિત્તે તે એક સંપત્તિની જેમ વ્યવહારમાં મુકાતી. તેના પર અધિકાર થઈ શકતો અને તે ગુલામ કે દાસીનું જીવન જીવતી હતી. તેની ઈચ્છા કે અનિચ્છાની તો કોઈ વાત જ ન હતી. તેણે કાયમી ધોરણે આજ્ઞાંકિત જ રહેવાનું હતું. પિયરમાં હોય તો પિતાની આજ્ઞા ને સાસરે જાય તો પતિની આજ્ઞા સર્વોપરિ ગણાતી. પરમેશ્વર પછી પતિ હતો એવું ન હતું, પતિ જ પરમેશ્વર હતો. તે ઈચ્છે ત્યારે ને ઈચ્છે તેમ પત્ની સાથે વ્યવહાર કરી શકતો. પત્ની સાથે સંબંધ બાંધવો હોય તો પત્ની રાજી છે કે કેમ તે પુછાતું ન હતું. તે તો રાજી જ હોય એમ મનાતું હતું અથવા તો તેણે રાજી જ રહેવાનું હતું એ એકદમ સ્પષ્ટ હતું. સ્ત્રીની મરજી દરેક કાળમાં ગૌણ હતી ને છે.

એટલું ખરું કે શિક્ષણ અને સમજ વધતાં સ્ત્રીનો મહિમા વધ્યો છે. તેની ઈચ્છા, અનિચ્છા જોવાતી થઈ છે. લગ્ન માટે પણ તે પોતાની પસંદગી જણાવતી થઈ છે. લગ્ન સાથે કે લગ્ન વગર પણ તે રહેતી થઈ છે, પણ બંને પ્રકારમાં શરીર સંબંધ માટે તેની ઈચ્છા ભાગ્યે જ પુછાતી હોય છે. તેમાં એક માન્યતા એવી છે કે તેની ના એટલે હા છે ને હા તો હા છે જ ! એનો લાભ પુરુષો લેતા હોય છે. એટલે કે સ્ત્રીની ના તો હોઈ શકે જ નહીં, એવી માન્યતાથી આખું જગત પીડાય છે. પણ, હવે વાત થોડી બદલાઈ છે. સ્ત્રી સ્પષ્ટ અને તીવ્ર નકાર ભણતી થઈ છે. એ નકાર છતાં દુષ્કર્મનો ભોગ સ્ત્રી બનતી આવી છે ને જીવ ગુમાવવા સુધી પણ ગઈ છે. લગ્ન સિવાયના સંબંધમાં બે શક્યતાઓ છે. એકમાં સ્ત્રીપુરુષ વચ્ચે પ્રેમ હોય અને પરણે ને સંબંધમાં મુકાય કે લગ્ન સિવાય સંબંધમાં મુકાય. આ બંને પરિસ્થિતિમાં બંને રાજી હોય એવી ઘણી બધી શક્યતાઓ છે. મતલબ કે બંને સંમતિથી જોડાય છે. બીજામાં, પરિચય હોય કે ન હોય, પણ સ્ત્રીની સંમતિ નથી અને તેને કોઈ પણ રીતે પુરુષ મેળવવા મથે છે ને તેને અનેક પ્રકારે હાનિ પણ પહોંચાડે છે. આ અપરાધ છે ને તે ક્ષમ્ય નથી.

રહી વાત લગ્નની. તો એમાં પ્રેમીઓ લગ્ન સુધી પહોંચે છે ને પરસ્પરની સંમતિથી સંબંધમાં મુકાય છે. એમાં પણ સમય જતાં એવી સ્થિતિ આવે છે કે એકની ઈચ્છા ન હોય ને બીજાની હોય. છતાં સંબંધ થાય ને કોઈ એક શરણાગતિ સ્વીકારી લે તો વાત જુદી, પણ એકનો તીવ્ર વિરોધ હોય ને સંબંધ થાય તો એ દુષ્કર્મ જ ગણાય. એવું એરેન્જ્ડ મેરેજમાં પણ બની શકે. એમાં પરિચય ઓછો હોય ને બેમાંથી કોઈ એક સંબંધ માટે તૈયાર ન હોય છતાં સંબંધ થાય તો એમાં પણ કોઈ એક શરણું સ્વીકારી લે ને સંબંધ થાય તો બહુ વાંધો કદાચ ન પડે, પણ પછી એ રોજનું થઈ પડે ને કોઈ એકને સમય જતાં રસ જ ન રહે ને સંબંધ થાય તો એ પણ દુષ્કૃત્ય જ ગણાય. ડિબેટ અહીં છે. ન્યાયતંત્રમાં પણ અહીં મતભેદ છે. એક વાત સ્પષ્ટ છે કે લગ્ન સંબંધની અપેક્ષાએ જ થતાં હોય છે. લગ્ન કરનાર જાણે છે કે લગ્ન દ્વારા સ્ત્રી અને પુરુષ એકબીજાને સંબંધની અનુમતિ આપે છે. એવું ન હોય તો લગ્નની જરૂર જ ક્યાં રહે છે? હવે જો લગ્ન પરસ્પરની સંમતિથી થતાં હોય તો તેમાં સંબંધની અનુમતિ આવી જ જાય છે. એટલે કે લગ્ન સ્ત્રીને કે પુરુષને એકબીજા સાથેના સહવાસનો અધિકાર સ્થાપી આપે છે. જો એ શક્ય હોય તો પછી એકની સંમતિ હોય કે ન હોય, બીજો  ભોગવટાનો અધિકાર આગળ કરીને સામાની ઈચ્છાને અવગણી શકે. સંબંધની અનિવાર્યતા પ્રમાણવાને લીધે જ લગ્ન અસ્તિત્વમાં આવતાં હોય તો સંમતિ એમાં આપોઆપ જ વણાયેલી છે, એવું નહીં? એક વાત એ પણ છે કે લગ્ન સંમતિ હોવાને લીધે જ શક્ય બને છે અથવા સંમતિ છે એવું માની લેવામાં આવે છે. એમાં પણ સમય જતાં કંટાળાનો, અણગમાનો, ત્રાસનો અનુભવ થાય છે. એવે વખતે એકને ન ગમે ને તે સંમત ન થાય તો બીજો લગ્ને તેને ભોગવટાનો અધિકાર આપ્યો છે એવો દાવો કરીને અધિકાર ભોગવતો જ રહે તો તે શોષણ જ છે, દુષ્કર્મ જ છે. તેની સામે ફરિયાદ એટલે ન થાય કે લગ્ને અધિકાર આપ્યો છે? લગ્ન જો પવિત્ર બંધન હોય તો તે શોષણનો અધિકાર કેવી રીતે આપી શકે? આમાં સમજૂતી કામ આવી શકે. એટલે કે અમુક પ્રસંગે કોઈ એકની ઈચ્છા ન હોય તો પણ સમયની ઈચ્છાને માન આપીને કોઈ એક એડજસ્ટ કરે તો માત્ર સંમતિને નામે લગ્નને દાવ પર લગાવવાનું ન બને.

બનવું તો એવું જોઈતું હતું કે કોઈ એક બદઇરાદાથી સંમતિ ન આપતું હોય તો, પોતાનાં જ પાત્રની ઈચ્છા નથી તો તેને માન આપીને તેટલા પૂરતું પૂર્ણવિરામ બીજો મૂકે અથવા તો પોતાની જરૂરિયાત સમજાવીને સંબંધ માટે રાજી કરે. કોઈ એક જો એક વખતે થોડું જતું કરે તો બીજું, બીજી વખત જતું કરે ને એમ એકબીજાને અનુકૂળ થવાનો પ્રયત્ન કરે એ લગ્નમાં સંભવિત છે. જો બે વચ્ચે લાગણી હોય, પ્રેમ હોય તો એટલું જતું કરવાનું કોઈને ય અઘરું ન બનવું જોઈએ ને જો પ્રેમ જ નથી, તો સંમતિ હોય કે ન હોય, ક્યાંકથી તો કોઈ કાયદો પોતાનો હક કરવા આગળ આવશે જ. પ્રેમ કે લાગણી હશે ત્યાં કાયદાની જરૂર નહીં પડે ને પ્રેમ જ ન હોય તો કાયદાની તો ખોટ જ ક્યાં છે? અનિવાર્ય છે તે સ્નેહ. એ હશે તો સંમતિ કોઈ એકની કદી નહીં હોય, બંનેની જ હશે ને કોઈ એકની હોય તો બીજો સમજૂતીથી અથવા સમાધાનથી કામ લે એ વધારે મહત્ત્વનું છે. સ્નેહ નહીં હોય તો ને ત્યાં જ કાયદો યાદ આવશે. કાયદો યાદ કરવો પડે એ જ બતાવે છે કે સ્નેહની બાદબાકી થઈ ગઈ છે …

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,3791,3801,3811,382...1,3901,4001,410...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved