Opinion Magazine
Number of visits: 9670968
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રખર ગાંધીવાદી અને જીવનસાધક ડૉ. પ્રફુલ્લભાઇ દવેની વિદાય

અનિરુદ્ધસિંહ જાડેજા|Opinion - Opinion|27 September 2022

જામનગરના ‘બિરાદરી’ના પ્રખર ગાંધીવાદી ડૉ. પ્રફુલ્લભાઇ દવેએ 22 સપ્ટેમ્બર 2022ના રોજ વિદાય લીધી. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે. 

કાઠિયાવાડના વૈદરાજ બાળકૃષ્ણભાઈ દવેના પાંચ સંતાનોમાં પ્રફુલ્લભાઈ સૌથી પ્રથમ બાળક. એમનો જન્મ 24 માર્ચ 1940ના રોજ રાજકોટ મુકામે થયો હતો. મોટે ભાગે બાળપણ રાજકોટમાં વીત્યું. શિક્ષણ મેટ્રિક સુધી રાજકોટમાં જ પૂરું કર્યું. નાના હતા ત્યારે થોડો સમય નાનાં ગામડાંમાં સારી શિક્ષણ સંસ્થામાં રહેલા, પણ પછી રાજકોટની વિરાણી શાળામાં જ પૂરું કર્યું.

ત્યાર બાદ પિતાજી – વૈદરાજ બાલકૃષ્ણ દવેને જામસાહેબે જામનગર આયુર્વેદ યુનિવર્સિટી માટે વાઇસ ચાન્સેલર બનાવવા બોલાવ્યા, ત્યારે પ્રફુલ્લભાઇએ જામનગરથી B.A.M.S.ની સ્નાતક ડિગ્રી આયુર્વેદમાં લીધી. અને આગળ M.B.B.S.ની શક્યતા હતી, તો એ ડિગ્રી પણ મેળવી અને પોતાનું દવાખાનુ જામનગરમાં જ નાગરચલકા ખાતે શરૂ કર્યું. ઘરમાં ભાઈ – બહેનોમાં ખૂબ આદરણીય અને પ્રેમાળ, તેમ જ અનેક સગાંસંબંધીઓ સાથેના સહજીવન દરમ્યાન દરેક સાથે આનંદ અને મુક્ત વાતાવરણ આપીને સૌથી મોટા દીકરા તરીકે પોતાની આગવી છબી ઊભી કરેલી હતી.

ડૉ. પ્રફુલ્લભાઇ દવે વ્યવસાયે સેવાભાવી તબીબ હતા. નાનપણથી એમનો ઉછેર ગાંધીવાદી કુટુંબમાં થયેલો. સાથે સાથે અધ્યાત્મ અને સાધકની ભૂમિકા પર પણ રહ્યા હતા. તેઓનાં જીવન મૂલ્યો પણ એને લીધે જ ઊંચા હતાં. વર્ષો સુધી જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય જગતમાં જેટલું શક્ય બને તેટલાં સેવાકીય કાર્યો કરતાં રહેતા. આ કાર્યોમાં ગામડાઓમાં અસંખ્ય તબીબી કેમ્પ કર્યા જે સૌથી બહોળા પ્રમાણમાં થયેલું કાર્ય હતું.

એ સિવાય ધરતીકંપ બાદ જોડિયા તાલુકાના ચાર ગામોમાં સ્કૂલ બનાવવામાં આર્થિક ફાળો એકઠો કર્યો અને શ્રમ દાન કરી બધી રીતે મદદ કરેલી. જોડિયા તાલુકામાં પાણીના ટાંકા બનાવરાવીને તેમ જ કૂવા રિચાર્જ કરવમાં મદદ કરીને પાણીનો પ્રશ્ન હલ કરવામાં ખૂબ મદદરૂપ થયા.

ચૂંટણી દરમ્યાન લોકજાગૃતિ અભિયાન ચલાવતા અને સારા તેમ જ યોગ્ય ઉમેદવારને ચૂંટવા માટે અથાગ પ્રયાસો કરતા રહેતા.

જામનગર વિકાસગૃહ સંસ્થાની અનાથ બાળાઓને વર્ષો સુધી વિનામૂલ્યે નિદાન, સારવાર અને દવાઓ પૂરી પાડતા.

૧૯૮૫માં થયેલા કોમી તોફાનો બાદ ઊભા થયેલા કોમી વૈમનસ્યના પડકારને ઝીલવા વિમલા (તાઈ) ઠકારના કહેણ પર ‘ગુજરાત બિરાદરી’ની સ્થાપના કરી. જેમાં સાપ્તાહિક સભાઓ અને જનજાગૃતિ માટે અનેક કાર્યક્રમો ચલાવતા રહ્યા. લગભગ ૩૩ વર્ષ ‘બિરાદર’ માસિક લોકો સુધી પહોંચાડી અનેક વિષયો વિશે સાંપ્રત હકીકતો અને સમજણ ધરાવતા લેખો આપતા રહ્યા, જેમાં અનેક લેખકો અને કાર્યકર્તાઓનો એમને સાથ સહકાર મળ્યો.

સાપ્તાહિક સભાઓ નિરંતર આશરે ૪૦-૪૫ વર્ષ સુધી જામનગર મુકામે ચાલતી રહી, અને જેમાં અનેક પેઢીઓનાં યુવાનો સતત જોડાતા રહ્યાં અને અનેક રીતે એમનું માનસિક પોષણ પુસ્તકો રૂપે અને વ્યાખ્યાનો રૂપે થતું રહ્યું.

‘બિરાદર’ માસિક તેમ જ વિમલા ઠકારના સામાજિક જાગૃતિ પરનાં વ્યાખ્યાનો પુસ્તક સ્વરૂપે બહાર આવતા રહ્યા જેમાં પ્રફુલ્લભાઇનો ફાળો અથાગ રહ્યો.

વિમલાતાઇ (ઠકાર)ના અત્યંત નીકટના સ્વજન એવા ડૉ. પ્રફુલ્લભાઇ સૌના આદરપાત્ર, તેમ જ અનેક યુવાનો માટે રાહબર રહ્યા હતા અને દરેકના આત્મીય સ્વજન જીવનભર રહેતા. તેઓના સંપર્કમાં જે કોઇ આવે તે તમામમાં તેઓ ઉત્તમ શું રહેલું છે તે નિહાળતા અને તેનો સ્વ-પરિચય કરાવતા. તેમના પ્રેરણાત્મક અને પ્રેમાળ નેતૃત્વનો લાભ સૌ કોઈને મળતો રહ્યો. વિમલા ઠકારના અનેક આધ્યાત્મિક શિબિરો કર્યા, જેમાં યુવા પેઢીને ખૂબ લાભ મળ્યો પોતાના જીવનને સુધારવાનો. વ્યક્તિગત જીવનમાં સાધક બનીને સામાજિક જીવન કઇ રીતે જીવવું સમાજસેવા કઇ રીતે કરવી, તેની સ્પષ્ટ અને ઊંડી સમજણ તેમને હતી. જેનું દરેકને માર્ગદર્શન મળતું રહેતું. જેને લીધે સમ્પર્કમાં આવનારનું વ્યક્તિગત જીવન સાધનાપરાયણ અને સામાજિક જીવન શુદ્ધિ પરાયણ બનતું રહ્યું. 

પ્રફુલ્લભાઇ એક સારા ડોક્ટર તો હતા જ, સાથે સાથે જિજ્ઞાસુ લેખક, ઉત્તમ વકતા અને તેનાથી પણ વધુ – એક ઉત્તમ વ્યક્તિ રૂપે હતા. માનવીય મૂલ્યોથી ભરેલું તેમનું શ્રેષ્ઠ જીવન જ એક બહુ મોટો સંદેશો આપી જાય તેવી રીતે તેઓ જીવ્યા.

જામનગરના નાગરચકલામાં આવેલું તેમનું દવાખાનુ એ માત્ર દવાખાનુ નહોતુ, પરંતુ એક સુંદર લાઇબ્રેરી હતી, જ્યાંથી સૌ જીવનપ્રેમીઓને વિનોબા ભાવે, રજનીશ, જે. કૃષ્ણમૂર્તિ, ગાંધીજી, વિમલા ઠકાર, રમણ મહર્ષિ વગેરે સંતો અને મહાનુભાવોનાં ઉત્તમ પુસ્તકો વાંચવા મળી રહેતાં. સાથે અનેક મૂલ્યવર્ધક મેગેઝીનો અને પત્રિકાઓ – શાશ્વત્‌ ગાંધી, ભૂમિપુત્ર, નયા માર્ગ, નિરીક્ષક, નવનીત સમર્પણ વગેરે મૂલ્યવાન સાહિત્ય વાંચવા મળતું.

તેમનું દવાખાનું કોઈ માટે વિસામો હતું, તો કોઇની પાઠશાળા હતું, તો કોઇનું દુઃખ વ્યહત કરવાનું સ્થળ પણ હતું. અનેક મિત્રો ત્યાં આવતા અને વિધવિધ વિષયો પર નિરાંતે ચર્ચાઓ ચાલતી.

તેઓ જેટલા સારા વક્તા હતા, એટલા જ એક સારા શ્રોતા હતા. નાનામોટા, સુખી-દુ:ખી સૌને ધ્યાનથી સાંભળતા અને તેમનાથી જેટલું ઉત્તમ અપાય એટલું આપતા.

‘ચિંતા ના કરો એવું’ કહેવાવાળુ હવે કોઈ હોતું નથી, ત્યારે આ વડિલ વડલાની શીતળ છાયામાં સૌ કોઈ મોકળા મને હસતા અને રડી પણ શકતા. સૌના દિલમાં અપાર લાગણી અને માન હતા.  

નતમસ્તક થઇ જવાય એવું શ્રેષ્ઠ જીવન જીવી જાણનારાના દિલમાં શું કોઇ જખમ જ નહી હોય? પણ તેઓએ હંમેશાં દુઃખ સામે મૌન જ સેવ્યું. અને પૂર્ણ વિવેકથી તમામ સુખ-દુ:ખની પર થઇને સ્થિતપ્રજ્ઞ મહામાનવની ચીર વિદાયની ખોટ પૂરવી મુશ્કેલ છે.   

ગાંધીની કુંપળો, શ્રેયાર્થી ચિકિત્સક, નફરત નહીં જ કરું, વગેરે જેવાં ૫૦થી વધુ જીવનલક્ષી ઉત્તમ પુસ્તકો લખનારા, ગુણાનુરાગી, ભારોભાર ખાનદાની, સૌજન્યશીલ, સ્ત્રી દાક્ષિણ્ય ધરાવનારા પોતે સ્વયં વર્ષો સુધી એક જ આંખે કાર્યરત હતા, પરંતુ અન્ય સૌને બંને આંખોથી જગતને જોવાની વિવેક દૃષ્ટિ આપી, અને માનસિક આઝાદી આપવાનો દિવ્ય પ્રયાસ જીવનભર કરતા રહ્યા.

આવા દિવ્ય આત્માની પરમ શાંતિ માટે ઇશ્વરને પ્રાર્થના. 

સૌજન્ય : અનિરુદ્ધસિંહજી જાડેજાની ફેઇસબૂલ દીવાલેથી સાદર

Loading

૨૧મું ટિફિન : ગુજરાતી ફિલ્મનો રિવ્યૂ

વિજય ભટ્ટ|Opinion - Opinion|27 September 2022

વાર્તાકાર : રામ મોરી; દિગ્દર્શન : વિજયગિરિ બાવા; અભિનય : નીલમ પંચાલ, રાણક કામદાર, નેત્રી ત્રિવેદી; સંગીત : મેહુલ સુરતી

છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતી ફિલ્મોનું ધોરણ સુધરતું ગયું છે અને તેથી આપણી અપેક્ષા પણ વધતી જાય છે. જો મારે જૂના માપદંડ, એટલે કે દસ પંદર વર્ષ પહેલાંની ગુજરાતી ફિલ્મોની સાથે સરખામણી કરવાની હોય તો આ ફિલ્મ એવોર્ડને લાયક છે જ. નસીબજોગે છેલ્લાં કેટલાંક વર્ષોથી ધોરણ ઘણું ઊંચું આવ્યું છે અને ખૂબ સુંદર કામ થઈ રહ્યું છે.

ગુજરાતી નવલકથા, ગુજરાતી નવલિકા, અને ગુજરાતી કવિતા દુનિયાની કોઈ ભાષાથી ક્યારે ય ઉતરતી ન હતી.

માત્ર ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે કલા, સૂક્ષ્મતા, અને કથાવસ્તુની રજૂઆત મારી દૃષ્ટિએ થોડી ઊણી ઉતરતી હતી એ વાત એક જુદો જ વિષય છે.

આજે એ વાતનો આનંદ છે કે છેલ્લા કેટલા ય સમયથી ગુજરાતી ફિલ્મોમાં સારું કામ થઇ રહ્યું છે.

આજે ગુજરાતી ફિલ્મ ‘૨૧મું ટિફિન’ ફિલ્મની વાત કરવાની છે.

૨૧મું ટિફિન – ફિલ્મનું નામ સાંભળ્યું કે સહજ રીતે હિંદી ફિલ્મ ‘લંચબોક્સ’ યાદ આવી ગયું. ટિફિન,  લંચબોક્સ વગેરે આપણાં જીવનના અંતર્ગત ભાગ છે. ભોજન બે વ્યક્તિઓને જોડે છે. રસોઈ એક કલા છે. અન્ન બ્રહ્મ છે. અન્ન કોઈ પણ સંસ્કૃતિમાં સૌથી અગત્યનો ભાગ ભજવે છે.

આ ફિલ્મની કથાવસ્તુ એવી છે કે એક ગૃહિણી કે જે માત્ર ઘર સંભાળે છે અને રસોઈ કરે છે, પણ પતિ અને બાળકો તેની ગણના નથી કરતા; તેને તેની રસોઈકળાની કદર થાય તે કેટલું બધું ગમે છે!

જ્યારે તેની રસોઈકળાની આવડતની અને સ્વાદની કદર થાય છે ત્યારે તેને જીવન વધુ રસમય લાગે છે.

રામ મોરીની આ મૌલિક વાર્તા છે. આ વાર્તા માટે રામ મોરીને ખૂબ જ અભિનંદન. પરંતુ એક રિવ્યૂર તરીકે મારે આવી જ ફિલ્મ લંચ બોક્સનો ઉલ્લેખ તો કરવો જ રહ્યો, કારણ કે બંનેમાં સામ્ય છે જ.

ચાલો હવે ફિલ્મની વાતો કરીએ.

નીતલ તરીકે નેત્રી ત્રિવેદીનો અભિનય તેના પાત્રને પૂરેપૂરો અને સરસ ન્યાય આપે છે. નેત્રી ત્રિવેદી એક સક્ષમ કુશળ અભિનેત્રી લાગી. દીકરી તરીકે તેણે સરસ સહાયક રોલમાં સુંદર અભિનય આપ્યો.

નીલમ પંચાલ નીતુની મમ્મીના પાત્રમાં, આખી જ ફિલ્મના કેન્દ્રમાં હતાં અને ખૂબ જ સરસ કામ કર્યું.

આનંદી સમય અને તણાવ સાથેનો સમય, બંને સમયનો એકદમ ઉત્કૃષ્ટ અભિનય! આખી ફિલ્મને નીલમ પંચાલે સરસ રીતે નિભાવી એમ કહીએ તો એ અતિશયોક્તિ નથી. રોનક કામદારનું કામ તેમના રોલ પ્રમાણે સરસ રહ્યું! બીજા બધાનો અભિનય તેમના પાત્ર પ્રમાણે એકદમ સુસંગત અને ન્યાયપૂર્ણ રહ્યો.

નેપથ્યમાંથી જે પડઘામય અવાજસભર કોમેન્ટ્રી અને તેનો ટોન જાણે મહાભારતની સિરિયલ જેવો લાગ્યો. એ પડઘામય અવાજ આ ફિલ્મના વાતાવરણ અને વાર્તા સાથે તદ્દન અસંગત અને બિન જરૂરી લાગ્યો. કદાચ ‘રાહ જુએ શણગાર અધૂરો’ ગીતની પણ જરૂર જ ન હતી એમ લાગ્યું.

સંગીત માટે મેહુલ સુરતીએ રાગ દરબારીનો સાતત્યપૂર્વક ઉપયોગ કર્યો છે. સરસ સંગીત માટે મેહુલ સુરતીને અભિનંદન.

ગુજરાતી ફિલ્મોમાં હજી દિગ્દર્શકો ભાષા પર, ભાષાના લહેકા પર, અને ભાષાની એકસેન્ટ પર વધુ ઝીણવટથી એક્ટર્સ પાસે કામ લે તો વધુ સારું. મોટા ભાગના એક્ટર્સ નાટકીય ગુજરાતી ટોન, શ, ષ, અને સને વધુ કુદરતી અને સ્વાભાવિક રીતે બોલે તો વધુ અસરકારક લાગે. વધુ પડતો ભાર શ/ષ પર મૂકીને બોલતા એક્ટર્સ માત્ર ભદ્ર ગુજરાતી રજૂ કરે છે. મોટા ભાગના ગુજરાતીઓ શ/સ ભારથી નથી બોલતા. એકદમ શહેરી ભદ્ર ગુજરાતી ષ ક્યારેક કાનને ખૂંચે છે.

સુંદર અભિનય માટે બધા જ એક્ટર્સ ને ‘એ ગ્રેડ’. વિજયગિરિ બાવા અનેક સરસ ફિલ્મો આપે તેવી અપેક્ષા તેમને દિગ્દર્શન માટે ‘એ ગ્રેડ’.

એક સરસ ગુજરાતી ફિલ્મ જોયાનો રાજીપો.

(લોસ એન્જલ્સ)
e.mail : vijaybhatt01@gmail.com

Loading

પંદર મિનિટની પ્રખ્યાતિમાં મેન્યુફેક્ચર્ડ હેટ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|27 September 2022

અમેરિકન પોપ આર્ટીસ્ટ એન્ડી વોર્હોલે 1968માં કહ્યું હતું કે, “ઇન ધ ફ્યુચર એવરીવન વિલ બી ફેમસ ફોર 15 મિનિટ,”- ભવિષ્યમાં દરેક માણસ 15 મિનિટ માટે પ્રખ્યાત થશે. એન્ડી વોર્હોલે રિયાલિટી ટેલિવિઝન અને સેલિબ્રિટી કલ્ચરના સંદર્ભમાં આ કહ્યું હતું. એક જમાનામાં આપણા રોલ મોડેલ સમાજ સેવકો, નેતાઓ, સાહિત્યકારો, વિજ્ઞાનીઓ અને કલાકારો હતા. આ એવા લોકો હતા, જેમની પ્રખ્યાતિ તેમની લાંબા ગાળાની નક્કર સિદ્ધિઓ અને સમાજમાં તેમની ઉપયોગિતામાંથી આવતી હતી. જ્યારે ટેલિવિઝન આવ્યું, ત્યારે સેલિબ્રિટીઓનો એક એક એવો વર્ગ પેદા થયો, જે લોકોનું મનોરંજન કરીને પ્રખ્યાત થતો હતો. આ ટૂંકા ગાળાની પ્રખ્યાતિ હતી અને તેના માટે લોકો કોઈ પણ હદે જવા તૈયાર હતા.

એન્ડી વોર્હોલે તો ટેલિવિઝનના સંદર્ભમાં આ કહ્યું હતું પરંતુ આજે સોશ્યલ મીડિયાના જમાનામાં તેની ભવિષ્યવાણી તેના ધાર્યા કરતાં પણ સચોટ સાબિત થઇ છે. એક સમયે આપણે માત્ર ‘ફિલ્મ સ્ટાર’ શબ્દ જ સાંભળ્યો હતો. આજે ટી.વી. સ્ટાર, ટિક-ટોક સ્ટાર, સોશ્યલ મીડિયા સ્ટાર, ઇન્ટરનેટ સ્ટાર એવી સેલિબ્રિટીઓ આવી ગઈ છે.

આવી ‘પંદર મિનિટની પ્રખ્યાતિ’ શું-શું કરાવે છે તેનો એક કિસ્સો તાજેતરમાં બહાર આવ્યો છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ શહેરના એક ડોક્ટર અરવિંદ અકેલાએ મીડિયામાં પ્રખ્યાત થવા માટે તેમના જાનને જોખમ છે તેવો નકલી કેસ ઊભો કર્યો હતો. 9 સપ્ટેમ્બરે ડોકટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમને વિદેશી નંબરો પરથી વોટ્સએપ પર કોલ આવે છે અને ધમકી આપવામાં આવે છે કે હિંદુ સંગઠનોને મદદ કરવા બદલ તેમનું ‘સર તન સે જુદા’ કરી દેવામાં આવશે.

દેશમાં પાછલા ઘણા સમયથી આ ‘સર તન સે જુદા’ નારો ઘણો પ્રચલિત થયો છે. ડોકટરે તેની ફરિયાદમાં એનો ઉલ્લેખ કર્યો તે સૂચક છે. 2011માં, પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગવર્નર સલમાન તાસીરની, પાકિસ્તાનના બદનામ અને વિવાદાસ્પદ ઈશનિંદા (બ્લાસફેમી) કાનૂનની ટીકા કરવા બદલ તેમના જ બોડીગાર્ડ દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી.

એ હત્યાથી પાકિસ્તાનમાં રાજનીતિક ધરતીકંપ થયો હતો. તે વખતે ખાદિમ હુસેન રિઝવી નામનો એક મૌલાના બહુ ચર્ચામાં આવ્યો હતો. તેણે હત્યારા બોડીગાર્ડ મુમતાઝ કાદરીના સમર્થનમાં લોકોને ભેગા કર્યા હતા અને એમાં એક નારો લોકપ્રિય કર્યો હતો: ગુસ્તાખ-એ-રસૂલ કી એક હી સજા સર તન સે જુદા, સર તન સે જુદા – યાની પૈગંબર મોહમ્મદ સાહેબ(રસૂલ)નું જે અપમાન કરશે, તેનું માથું ધડથી અલગ કરવામાં આવશે.

પાકિસ્તાનના કટ્ટરવાદીઓનો આ નારો, ભારતમાં ભા.જ.પ.ની સસ્પેન્ડેડ પ્રવક્તા નુપૂર શર્માના વિવાદ પછી પ્રચલિત થયો હતો. નુપૂરના વિરોધમાં આયોજિત સભાઓ સહિત છૂટક મામલાઓમાં પણ ‘સર તન સે જુદા’ના નારા બોલાયા હોય, તેવી પોલીસ ફરિયાદો નોંધાઈ હતી. ત્યાં સુધી કે પતંજલિ  પ્રોડક્ટ્સવાળા બાબા રામદેવે પણ તેમની સામેના પ્રચાર માટે આરોપ મુક્યો હતો કે દેશની ‘સર તન સે જુદા ગેંગ’ તેમનાથી નારાજ છે.

ગાઝિયાબાદ વાળા ડોકટરે પણ જે તે વખતે પોલીસને કહ્યું હતું કે તેમને અમેરિકાથી ફોન આવ્યો હતો અને હિંદુ સંગઠનોનાં નામ લઈને કહ્યું હતું કે તું તેમને મદદ કરવાનું બંધ નહીં કરે તો ગુસ્તાખ-એ-રસૂલ કી એક હી સજા, સર તન સે જુદા. જે તે વખતે આ સમાચારે બહુ સનસનાટી મચાવી હતી કારણ કે ધમકી આપવાવાળાએ એવું પણ કહ્યું હતું કે તેને મોદી કે યોગી પણ બચાવી નહીં શકે. સોશ્યલ મીડિયામાં આ ‘ધમકી’ને લઈને બહુ ચર્ચાઓ અને આરોપ-પ્રતિઆરોપ થયા હતા. એવું પણ કહેવાયું હતું કે કટ્ટરવાદીઓ દેશમાં બેફામ થઇ ગયા છે અને કોઈને ડર નથી.

ગાઝિયાબાદ પોલીસે આ કેસની તપાસ કરીને હવે ખુલાસો કર્યો છે કે ડોકટરે સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના ચક્કરમાં તેના જ એક દરદી પાસે ફોન કરાવીને તેને ધમકીમાં ખપાવી દીધો હતો. અનીશ મહતો નામનો આ દરદી ડોકટરને ઘણા સમયથી જાણતો હતો. તે આઈ.ટી.માં કામ કરતો હોવાથી ડોકટર તેને વિદેશી નંબરો પરથી કોલ કેવી રીતે થાય તે પૂછ્યું હતું. તે પછી અનીશ પાસે જ વોટ્સએપ પર કોલ કરાવ્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવીને મીડિયામાં સમાચાર ફેલાવી દીધા હતા કે હિંદુ હોવાના કારણે તેને ધમકી મળી રહી છે.

પોલીસે તેની સામે નકલી ધમકી બદલ કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ એક વાત પાકી છે કે ડો. અરવિંદ વત્સ અકેલા પ્રખ્યાત તો થઇ ગયો છે. એન્ડી વોર્હોલે જે વાત કરી હતી, તેવી જ વાત મુસ્તફા ખાં શેફતા નામના શાયરે તેમના એક મશહૂર શેરમાં કહી હતી :

હમ તાલિબ-એ-શોહરત હૈં હમેં નંગ સે ક્યા કામ

બદનામ અગર હોંગે તો ક્યા નામ ન હોગા

(અમે તો પ્રખ્યાતિના ભૂખ્યા છીએ, અમને શરમની જરૂર નથી … બદનામ થઇશું તો પણ નામ તો થશે ને)

ડોકટરનો આ કિસ્સો જો કે માત્ર ‘સસ્તી લોકપ્રિયતા’ પૂરતો મર્યાદિત નથી. આ કિસ્સો મેન્યુફેક્ચર્ડ હેટ એટલે કે કૃત્રિમ નફરત ઊભી કરવાનો પણ છે. આ મુદ્દો વધુ ગંભીર છે. એન્ડી વોર્હોલે ‘પંદર મિનિટની પ્રખ્યાતિ’ની વાત કરી હતી, ત્યારે તેના મનમાં સર્જનાત્મકતાનો ખ્યાલ હતો. તેને હતું કે મીડિયાનો વ્યાપ જે રીતે વધી રહ્યો છે તે જોતાં કોઈ પણ માણસની તેની આવડતના જોરે પ્રખ્યાત થઇ શકશે, પણ ભારતમાં સોશ્યલ મીડિયાનો વ્યાપ અને પ્રભાવ એટલો નિર્દોષ નથી.

સમાજના અમુક વર્ગમાં મુસલમાનો વિરુદ્ધ નફરતની લાગણી છે તેનો લાભ લઇને કોઈ વ્યક્તિ ‘પ્રખ્યાત’ થવાની સાજીશ રચે, તેમાં નુકસાન એ છે કે મુસલમાનો માટેની નફરતને બળ મળે છે. ડોકટરે જ્યારે આ ફરિયાદ યાદ કરી હતી તે પછી તે ટી.વી. ચેનલોની ડિબેટમાં પણ ‘મહેમાન’ બન્યો હતો અને દેશમાં કેવો હિંદુ વિરોધી માહોલ છે તેના દાખલા-દલીલો પેશ કરી હતી. હવે જયારે તેની ફરિયાદ નકલી સાબિત થઇ છે, તો ચેનલો તેને પાછો બોલાવીને જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરશે? એ ભરપાઈ થઇ શકે તેમ છે?

(પ્રગટ : ‘ફાયરવોલ’ નામક કોલમ, “ગુજરાતમિત્ર” / “મુંબઈ સમાચાર”, 25 સપ્ટેમ્બર 2022)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,3771,3781,3791,380...1,3901,4001,410...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved