Opinion Magazine
Number of visits: 9663923
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દાદાનો ડંગોરો

બિપિન પટેલ|Opinion - Short Stories|20 September 2025

બિપિન પટેલ

“આ બાપુજી તો જુઓ ?” સ્મિતાએ ત્રીજીવાર કહ્યું ત્યારે છાપામાંથી મોં બહાર કાઢીને અનંગે સ્મિતા સામે જોતાં, “બાપુજીનું શું છે પાછું ?“ પૂછ્યું.

કંઈ નહિ, આ તો એમનું વર્તન બદલાતું જાય છે.

અનંગે બાપુજીના રૂમના બારણા તરફ જોતાં કહ્યું, “હવે તો એ બારણું બંધ રાખે છે, કાયમ. ઘરમાં દેખાતા જ નથી. એમના રૂમના પાછળના દરવાજેથી આવ જા કરે છે. બાના ગયા પછી એમનો સદાયનો એકમાત્ર સાથી ડંગોરો પાસે ને પાસે રાખે છે.”

આ બંગલામાં રહેવા આવ્યાં કે બાપુજીએ વિશાળ ડ્રોઈંગરૂમમાં, દીવાલ ભરી દેતા સોફાના ડાબા છેડે જમાવી દીધી. ત્યારના સવારે બરાબર છ વાગે સોફામાં બેઠાં બેઠાં ઘડિયાળમાં જોયા કરે. નિવૃત્તિ પછી એમને સમયની એવી તથા નહિ, પણ સ્મિતા ક્યારે જાગે, ને ફળફળતી ચા મળે એની રાહ જોતા. એમને ખબર હતી કે સ્મિતા સાડા છ વાગે જ જાગે છે, તો પણ એકીટશે ઘડિયાળવાળી દીવાલ પરથી નજર ન ખસેડે. ટ્રાન્ઝિસ્ટર બાજુમાં હોય, સવારનું શહનાઈવાદન, સમાચાર, સમાચારમાં એમને એવો રસ ન પડે, ચીડાય, કારણ પેલા માણસનાં ગાણાં ગવાતાં હોય, પણ એમને ઓસ્ટ્રેલiયામાં ભારત સાથે રમાતી મેચની તાજાખબર જાણવી હોય. એ રેડિયો ન ચાલુ કરે, વખત છે ને સ્મિતા જાગી જાય ને આંખો ચોળતી ચોળતી ધબ ધબ નીચે આવે, ને અનંગ પણ એની પાછળ પાછળ આવી નાનકડું ભાષણ ફટકારે, “બાપુજી, જલસાથી સૂઈ રહેતા હો તો, હવે ક્યાં બસ પકડવાની છે; બાપુજી ?

બાપુજી, ત્રિકમલાલ વળતો જવાબ ન વાળતા, કારણ રહેતાં રહેતાં ટેવાઈ ગયા હતા. 

એમનો અલાયદો રૂમ હતો, પણ આખો દિવસ સોફામાં એમના સ્થાને ઠબાવે. બપોરના વામકુક્ષી માટે અર્ધો કલાક એમના રૂમમાં જાય એ માપ.

ડ્રોઈંગરૂમમાં સ્મિતા અને બાળકોને ટી.વી. જોવું હોય તો ધીમેથી ત્રિકમભાઈને સૂચવે કે, એમને  રસ નહિ પડે, એમના રૂમમાં જવા કહે.

ત્રિકમભાઈ બેઠાં બેઠાં જ કહે, “નહિ ગમે તો આંખો મીંચી દઈશ.” અનંગના મહેમાન આવે, સ્મિતાની બહેનપણીઓ આવે, પણ ત્રિકમભાઈ બુદ્ધની જેમ આંખો મીંચીને બેસી રહે.

પછી તો બાપુજી અને સોફાને ફાવી ગયું. ઘરનાં સહુ ટેવાતાં જતાં હતાં. અનંગ – સ્મિતાનાં મિત્રોની પાર્ટી હોય ત્યારે, “બધાંને મળીને મારા રૂમમાં જઉં” એમ કહી બેઠા રહે. જ્યારે એમનાં નસકોરાં બોલે ત્યારે સ્મિતા એમનો હાથ પકડી, “ચાલો, બાપુજી, મૂકી જાઉં, ત્યારે રોકડો જવાબ, “હું તો ઊંઘ્યો છું જ નહિ, મનન કરું છું. બધા પ્રહર જાગતો રહું છું. દેશની પરિસ્થિતિ જ એવી છે.” 

બધાં આવી જાય, અને જગ્યા ખૂટે ત્યારે અનંગ અને એના મિત્રો ખભેથી પકડે કે તરત ડંગોરો લઇ ને બોલે, “આઈ કેન વોક એલોન,” પછી અસ્પષ્ટ બબડતા, 

“સત્યાનાશ .. દેશનો દાટ … એના કરતાં જીવન” … એમ એમના રૂમમાં ગયા ને ધડામ દેતું એમનું બારણું બંધ થતાં, આ વિશ્વ સાથે એમનો સંવાદ તૂટી જાય.

 લેન્ડલાઈન ફોન ડ્રોઈંગરૂમમાં હતો, ત્યારે એમના મિત્રો સાથે ઘાંટા પાડી પાડીને વાતો કરે. એ સતત પેલા માણસની વાતો કર્યા કરતા. એમના રૂમ બહારની દુનિયામાં, “ગાણું અધૂરું મેલ્ય મા”ની જેમ પેલો માણસ બધે જામતો જતો હતો.

એક દિવસ સવારે સ્મિતાએ અનંગના કાનમાં કંઇક કહ્યું, ને અનંગે બાપુજી પાસે જઈ બે હાથ જોડીને વિનંતી કરી, “આજે નગરપાલિકાના પ્રમુખ, આપણી પાર્ટીવાળા આવવાના છે.

–     તારી પાર્ટી હોઈ શકે, મને એમાં ના ભેળવીશ.

–     હા બાપુજી, એ આવે ને તમે કંઇક બોલી બેસો તો અમારા સંબંધોની પત્તર ઠોકાઈ જાય.

–     તારી ભાષામાં પણ પાછલે બારણેથી હિંસા પ્રવેશી ગઈ છે.

–     તમને મહેશભાઈના વગ – વસીલાની ખબર ન હોય એ સ્વાભાવિક છે. એ કામનો માણસ છે.

અનંગને સાંભળ્યા પછી પણ બાપુજી બેઠા રહ્યા. પાછા બોલ્યા, “મહેશ વળી ક્યારનો મોટો થઇ ગયો ? એ પણ પેલા માણસનું કતીલું જ છે. દેશ આખો આવાં કતીલાંથી ઉભરાઈ ગયો છે. 

આન્યા અને રુચિર ‘કતીલું’ શબ્દ સાંભળી ખડખડાટ હસી પડ્યાં, ને પૂછયું, “એટલે શું દાદાજી ?”

–     તમે રમાડતાં નથી, એ ગલુડિયું ? એ મોટાં થઈને ઘણે ભાગે ડાઘિયો થઈને રહે. પણ અત્યારનો વાસ્તો જુદો છે. પશુ, પંખી એમ સહુની પ્રકૃતિ બદલાઈ છે. હવે કતીલાં, કતીલાં જ રહે છે. હા, થોડા ડાઘિયા ફરે છે, આસપાસ ચોપાસ.  

બંને બાળકો એકસાથે મોટેથી બોલી ઉઠ્યાં, “તો તો દાદાજી મજા પડી જાય. આખો દિવસ રમાડ્યા જ કરીએ !”

એટલામાં મહેશભાઈ આવી ગયા. દાદાને વંદન કરી એમની પાસે જ બેઠા. દાદાના હાથ વ્હાલથી પકડીને નગરપાલિકાએ કરેલાં અને હવે કરવાનાં કામોની યાદી આપી. એમની વાતોમાં ‘વિકાસ’ શબ્દ રણક્યા કર્યો. દાદાએ સહન થાય ત્યાં સુધી કર્યું. પછી આંચકા સાથે ઊભા થઇ ગયા, પગ આમતેમ થયા, ડંગોરો શોધવા ફાંફાં માર્યાં, આન્યાએ દોડીને, “Here is your walking stick” કહી એમના હાથમાં ડંગોરો પકડાવી દીધો. દાદાજી અર્ધા ધ્રુજતાં બોલ્યા, “I can stand straight…, શેનો વિકાસ, કોનો વિકાસ ?” મનમાં એક સાથે વંતાક, રીંગણાં શબ્દો ફૂટી નીકળ્યા, પણ હિંસક ન ગણાઈ જવાય તેથી આટલું બોલીને ચૂપ રહ્યા. મહેશભાઈ ભોંઠા પડી ગયા, અનંગ, સ્મિતા એમની પાસે દોડી ગયાં, “ચલો બાપુજી તમને લઇ જઈએ …”

–     સહેજે ય નહિ, જુઓ હું ચાલ્યો, મારા રૂમમાં ચાલી જઈશ, તદ્દ દૂરે, તદ્દ દૂરે …

મહેશભાઈ, “બાકીની વાતો કરવા વળી પાછો આવીશ” કહી ગયા પછી અનંગ – સ્મિતા એકબીજાં સામે જોતાં બેઠાં ને અનંગે પૂછ્યું, “શું કહેતી હતી ?”

– તમે જૂની વાતો કાઢી મૂળ વાત ભૂલવાડી દીધી. થોડીવાર મૌન રહી, એ સફાળી જાગી હોય એમ સોફામાં ટટ્ટાર થઈને બોલી, “આજે સવારે ચા લઈને એમના રૂમમાં ગઈ ત્યારે બધી બારીઓના પર્દા પાડી દીધેલા. બારણાની ધારે ધારે કપડું ખોસી દીધેલું, બારીઓની ધારમાં પણ છાપાંની પાતળી સફાઈદાર પટ્ટીઓ ખોસેલી. પંખો એકની સ્પિડે ફરતો હતો, માત્ર ડિમલાઈટ હતી, મારા હાથમાં ટ્રે અને ચારેબાજુ અંધારું ઘોર. મારો પગ સહેજ લથડ્યો, દાદા વીડિયો પર ડિબેટ સાંભળતા હતા. મેં ગભરાઈને પૂછ્યું, “બાપુજી આમ કેમ અંધારે બેઠા છો ?”

– બહારે ય અંધારું જ છે ને ?

– બહાર તો બધે ઝગમગાટ છે !

-એમ ? મને તો ભળાતો નથી.

– બાપુજી, ઘડપણમાં કશું બરાબર ન દેખાય, બહાર અને અંદર.

– ‘તારું કામ પતી ગયું હોય તો જા,’ એમ કહી રીતસર કાઢી મૂકી. સાવ લાગણી વગરના થઇ ગયા છે. બહાર જતી મને પાછા કહે, ‘આજથી સાંજનું જમવાનું બંધ.’

– કેમ ? 

– મન નથી થતું, પચતું પણ નથી.

– તે ઉકળાટ ઓછો કરો ને ? આપણા કહ્યે દુનિયા થોડી સુધરી જવાની ?

– તારી વાત સાચી છે. એક પા વહેતા વાવડાને રોકી શકે તો એક હિમાલય રોકી શકે. સામાન્ય માણસનું શું ગજું ?

  અનંગની આંખો મીંચાઈ ગઈ હતી. સ્મિતાએ મોટા સાદે પૂછ્યું, “સાંભળો તો છો ને ?”

–     હા, એકે એક શબ્દ. મને લાગે છે કે બાપુજીને એમના હાલ પર છોડી દેવા જોઈએ.

–     એમ છોડી કેમ દેવાય ? લોકો મને સંભળાવે છે, ‘દાદાને ખરા તડકામાં, મધરાતે ચાંદનીમાં ચાલતા જોયા હતા.’ મારે કેટલાનું સાંભળવું ? ‘

–     એમને સમજાવીને એમના રૂમના પાછળના દરવાજે તાળું મારી દે. બપોરે પણ મુખ્ય દરવાજો લોક રાખતી જા. ઘરમાં ભલે નાટક કર્યા કરે.

અનંગ અને સ્મિતાના ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ, સવારના સાડા આઠે આવી ગયા. એમણે ડો. પ્રતાપ મહેતાને સવારે નવ વાગે આવવાનું કહેલું. દાદાના અંધારા ઓરડામાં સ્મિતા એક બે વાર જઈ આવી. દાદા વીડિયો સાંભળતા રહ્યા. ત્રીજીવાર સ્મિતાએ એમને કહ્યું કે, “બાપુજી ડોક્ટર નવ વાગે આવવાના છે.:

–     કેમ ?

–     કંઈ તકલીફ હોય તો ડોક્ટર વાતચીત કરી સાજા કરી દે.

–     પણ હું માંદો છું જ નહીં. નખમાં ય રોગ નથી. તમે બધાંએ પૂરી રાખ્યો છે, બાકી ઘોડા જેવો છું.

–     તમે સાજા જ છો. ડોક્ટર સાથે વાત કરવામાં શું વાંધો ? મહેશભાઈના મિત્ર છે.

–     આ મહેશ તમારો તારણહાર હશે, મારો નહીં. વીડિયો સાડા દસે પૂરો થાય પછી વાત.

–     ત્યાં સુધી ડોક્ટરને બેસાડી રખાતા હશે ?

–     ‘ઈટ ઈઝ યોર પ્રોબ્લેમ’ કહી મોબાઈલનું વોલ્યુમ વધાર્યું.

ડોક્ટર બરાબર નવ વાગે આવી ગયા. સ્મિતાએ અનંગને કહેલું, તેથી દાદાને બોલાવવા જવાની હિંમત ન કરી. મહેશભાઈએ ડોક્ટરને આજીજી કરી, “દાદાજી જિદ્દી છે.” “હાર્ડ નટ ટુ ક્રેક”, બોલી હસતાં હસતાં ડોકટરે ઊભા થઇ કહ્યું, “એમાં શું આપણે એમના રૂમમાં જઈએ.”

સંઘ દાદાના રૂમમાં પહોંચ્યો. દરવાજો ખોલતાં જ દાદાની આંખ મીંચાઈ ગઈ. ખુલ્લા બારણાના અજવાળામાં દેખાયેલા સ્વીચબોર્ડ પર જેવા ડોક્ટર સ્વીચ ઓન કરવા ગયા કે, દાદાએ ગર્જના કરી, “યુ કેન નોટ ટચ એની ઓબ્જેકટ ઓફ માય રૂમ, જેન્ટલમૅન.”

–     પણ દાદા તમારી સાથે મૈત્રી કરતાં પહેલાં તમને ઓળખવા તો જોઈએ ને ?

–     નોટ નેસેસરી.

–     સારું, કહી ડોકટરે પહેલો પ્રશ્ન પૂછ્યો, “હાઉ આર યુ ?”

–     બેટર ધેન યુ.

–     તો પછી મને કેમ બોલાવ્યો ?

–     મેં ક્યાં બોલાવ્યા છે ? કોણે બોલાવ્યા ? એમને પૂછો, કોની તપાસ કરવાની છે ?

–     સારું દાદા, આપણે વાતો કરીએ.

–     તમે જ દાદા લાગો છો ને મને દાદા કેમ કહો છો ?

–     કેમ એમાં શું ખોટું છે ?

–     એવરીથિંગ, એવરિવ્હેર ઈઝ રોંગ. સમથીંગ ઈઝ રોટન ઇન ધ સ્ટેટ ઓફ ડેન્માર્ક.

ડોકટરે અનંગને પૂછ્યું, “ દાદાનું અંગ્રેજી સારું છે. શું ભણ્યા છે ?

અનંગ જવાબ આપે તે પહેલાં દાદાએ જવાબ આપ્યો, “ બી. એ. ઇન ઇંગ્લિશ. “

–     દાદા આટલી બધી નેગેટીવિટી સારી નહિ.

–     યુ આર ટુ યંગ ટુ એડવાઈઝ મી. એની વે, માયસેલ્ફ ઈઝ ત્રિકમ કાનજીભાઈ જાકાસણિયા.

–     હા, ત્રિકમભાઈ, એની પ્રોબ્લેમ ? આપણે સોલ કરી દઈએ.

તમે શું સોલ કરશો ? ચોમેર ગરીબી, ભૂખમરો, ધર્માંધતા, નફરત …. દાદાની છાતી દોડવીરની જેમ ધબકતી હતી, હોઠ શબ્દ વગર ફફડવા લાગ્યા. ડોળા ઉપર ચડી ગયા. ડોક્ટર સાથે સહુ ઊભાં થઇ ગયાં. સ્મિતા એમના બરડે હાથ હાથ ફેરવવા લાગી. બહાર જઈને ડોકટરે ધીમા અવાજે અનંગ સામે જોઈ કહ્યું, “એકાદ બે સીટીંગ કરી જોઈએ. ફરક નહિ પડે તો એડમિટ કરી દઈશું.”

ડોક્ટર ગયા પછી બધાં માથે મણનો ભાર હોય તેમ ક્યાં ય સુધી મૂંગાં બેસી રહ્યાં.

ડોકટરે સૂચના આપી હતી કે, આપમેળે, સ્મિતાએ ગુપ્તરીતે દાદા જે કંઈ બોલે એનું રેકોર્ડિંગ કરવા એક ડિવાઈસ લગાડી દીધી. એમના મિત્રો સાથેની વાતોમાંથી કંઇક મળી આવે તો ડોક્ટરને સારવારની દિશા સૂઝે.

ડોક્ટરની વિઝીટ પછી એમનો દરવાજો ખખડે તો કિ હોલમાંથી જોઈ, એમના માટે જમવાનું લઈને આવેલી સ્મિતા દેખાય તો બારણું ખોલે, એ થાળી મૂકે ન મૂકે ને બોલે, “તારું કામ પતી ગયું તો જા.” કોઈકવાર ખરાબ મૂડ હોય તો ફૂટાસ કહેતા ત્યારે સ્મિતાને બહુ ખરાબ લાગતું. એ અનંગ પાસે રડતી ત્યારે અનંગ સધિયારો આપતો, “એડમિટ કરીએ ત્યાં સુધી સહન કરી લે. એકવાર ડોક્ટરની દવા શરૂ થશે પછી બોલવા, હાલવા, ચાલવાના હોશ નહિ રહે.” સ્મિતાએ હતાશામાં ઉમેર્યું, “છોકરાંઓને પણ બારણું સહેજ ખોલીને કહી દે, “યોર ગ્રાન્ડપા ઈઝ યુઝલેસ, હેલ્પલેસ, હોપલેસ; જાઓ રમો, મજા કરો.” અનંગે એને સાંત્વન આપ્યું, “મને પણ ક્યાં પેસવા દે છે ? લટકામાં ઉમેરે, “ભળી જાઓ સમૂહમાં. વહેતા પ્રવાહમાં વહેવાની મજા જ કંઈ ઓર હોય છે. જાઓ, વત્સ જાઓ, શિવાસ્તે પન્થાઃ”

ડોકટરની પહેલી વિઝીટ પછી પંદર દિવસે અનંગ અને સ્મિતા રેકોર્ડેડ સી.ડી. લઈને ગયાં. આખા દિવસની વાતો નહિ, પણ એમણે સાંભળી સાંભળીને મહત્ત્વની વાતોનું અલગ ફોલ્ડર બનાવીને ડોક્ટરને સંભળાવ્યું: “આપણા રાષ્ટ્રના ઇતિહાસમાં એવાં કલંકિત પ્રકરણો ઉમેરાઈ રહ્યાં છે, જે આવનારી પેઢીઓ માટે ક્ષોભ અને ગહન ચિંતનનો વિષય બની રહેશે ….”

ડોકટર પ્રતિભાવ આપે તે પહેલાં સ્મિતા ખુરશીમાં આઘીપાછી થતાં બોલી, “મારી જ સર્કિટો બળી ગઈ, તો સામેવાળાનું શું થયું હશે ?”

અનંગે ડોક્ટર સામે જોઈ, “સામે બાપુજી જેવી જ ખોપડી હશે, કેમ ડોક્ટર સાહેબ ?”

ડોકટરે એમનું ‘મહાભારત’નું જ્ઞાન તાજું કર્યું, “આવા લોકો સહદેવની જેમ અતિજ્ઞાનથી પીડાતા હોય છે. જ્ઞાનનો ભાર વધે એટલે ડિપ્રેશન આવે, ક્યારેક કેમિકલ લોચા પણ થાય. દાદાજી આ બંને સ્થિતિની વચ્ચે ક્યાંક ઊભા છે. તમે સમયસર ચેતી ગયાં તેથી દાદા બચી જશે.”

અનંગે એકાદ સ્પીચ સંભળાવવા પૂછ્યું ત્યારે ડોકટરે ‘હવે છેલ્લી’ કહ્યું ને અવાજ શરૂ થયો, “આ ઉન્માદને શું કહીશું ? આખા વિશ્વને એક ઉન્માદગ્રસ્ત, ક્રૂર સંહાર અને વેરની આગમાં ધકેલી સત્તાધારીઓ ટૂંકી દૃષ્ટિએ તાત્કાલિક નફા નુકસાનને ‘સ્ટ્રેટેજીક ગેઈન’ બતાવી, અમાનવીય વર્તનને આકાર આપી રહ્યા છે.”

ડોકટરે દાદાની ફાઈલ બંધ કરી, અનંગને આપતાં કહ્યું, “ધીસ ઈઝ ઈનફ ટુ ડિસાઈડ હિઝ કેસ.” સ્મિતાએ વચ્ચે ભજિયું તળ્યું, “બાપુજી સાથે વાતો કરતા એમના વહાલેશ્રીઓના જવાબોનું અલગ ફોલ્ડર બનાવ્યું છે, તે સાહેબને સંભળાવોને ?”

અનંગ અને ડોક્ટર એકસાથે બોલ્યા, “એની જરૂર નથી.”

સ્મિતા વહેલી હતી તેથી બાપુજીના રૂમનું બારણું ધીમેથી ખખડાવ્યું. થોડીવાર રહીને બારણું ખૂલ્યું. હવે સ્મિતા ટેવાઈ ગઈ હતી તેથી ચાની ટ્રે લઈને ટિપોય પાસે પહોંચી ગઈ. બાપુજીએ મોબાઇલમાં ચાલતા વીડિયોને અટકાવી આશ્ચર્ય વ્યક્ત કરતાં પ્રશ્ન કર્યો, “શું જગત વહેલું જાગી ગયું ? ના, ના હું ખોટો છું. જગત તો જાગેલું જ છે.”

–     હા આજે અમે બંને વહેલાં જાગી ગયાં, તે થયું, તમને પણ વહેલી ચા આપી દઈએ. તમે તો વહેલાં જાગી જાઓ છો ને, બાપુજી ?

–     અહીં ઊંઘે છે જ કોણ ?

–     તો બાપુજી સાડા આઠે તૈયાર રહેજો.

–     હું તો તૈયાર જ હોઉં છું. તમે બધાં ઉતાવળ કરજો.

–     આઠ વાગે એમના રૂમનો દરવાજો ખખડ્યો. બારણું ખૂલતાં જ અજવાળાનો ધોધ  ધસી આવ્યો. સ્મિતાની આંખો અંજાઈ ગઈ. અનંગે બાપુજીને મદદ કરવા હાથ લંબાવ્યો. એમણે ડંગોરો ઉઠાવીને બંનેને આગળ જવા, ડંગોરાથી જ ઈશારો કર્યો. બંને ચુપચાપ આગળ ચાલ્યાં. બાપુજી રાજાની જેમ ડંગોરો ઠપકારતા છટાથી આગળ વધ્યા. સોફામાં એમના નિશ્ચિત સ્થાને, રાજદંડ પકડ્યો હોય એમ ટટ્ટાર બેઠા. ચહેરો કડક પણ આંખોમાં મશ્કરી.  સ્મિતા અને અનંગ બંને આડું જોઇને મંદ મંદ સ્મિત ફરકાવતાં હતાં, તે બાપુજીએ ત્રાંસી નજરે જોઈ લીધું હતું.

ત્યાં જ ‘લાઈફલાઈન’ હોસ્પિટલની એમ્બ્યુલન્સ સાયરન વગાડતી એમના બંગલાના દરવાજે આવીને ઊભી રહી. ડ્રાઈવર નીચે ઉતરી મોટેથી બોલ્યો, “ત્રિકમભાઈ કાનજીદાસ જાકાસણિયા ?” સ્મિતા – અનંગ હરખમાં બાપુજી પાસે દોડી ગયાં. સ્મિતાએ કહ્યું, “બાપુજી ચિંતા ન કરતા. થોડા દિવસમાં સારું થઇ જશે. “પણ બાપુજી ઊભા ન થયા.

અનંગે કહ્યું, “આ ભાઈ તમારી રાહ જોતો ઊભો છે.”

–     કોની ?

–     તમારી.

–     થોડી વધારે રાહ જુઓ.

એટલામાં ‘સંજીવની’ હોસ્પિટલની એમ્બ્યુલન્સ સાયરન વગાડતાં, અગાઉ આવેલી એમ્બ્યુલન્સની પાછળ ઊભી રહી. એનો ડ્રાઈવર ગેઇટ પાસે ઊભા રહી બોલ્યો, “અનંગભાઈ ત્રિકમભાઈ જાકાસણિયા અને સ્મિતાબહેન અનંગભાઈ જાકાસણિયા, તમારે દાખલ થવાનું છે.”  સ્મિતા અને અનંગ પહેલાં એકબીજા સામે અને પછી બાપુજી સામે જોઈ રહ્યાં હતાં. બાપુજીએ એમનો ડંગોરો મજબૂતાઈથી પકડી રાખ્યો. આ વખતે બાપુજી  મૂછમાં હસતા હતા. બંને ડ્રાઈવરો પહેલાં એકબીજા સામે, પછી એ ત્રણેય સામે અને અંતે ગેઇટ તરફ જોતાં વિમાસણમાં ઊભા રહ્યા.

સમાપ્ત
e.mail : bipinthereader@gmail.com

Loading

સોક્રેટિસ ઉવાચ-૧૨  : ભારતીય દેશભક્ત અને સોક્રેટિસ વચ્ચેનો વધુ એક કાલ્પનિક સંવાદ

પ્રવીણ જ. પટેલ|Opinion - Opinion|20 September 2025

પ્રવીણભાઈ જે. પટેલ

સોક્રેટિસ અને એક ભારતીય દેશભક્ત વચ્ચેની થોડા સમય પહેલાં એક વાતચીત થઈ હતી. આ ચર્ચા દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક ઓળખના સંદર્ભે હતી. તેમાં ભારતીય દેશભક્ત જુસ્સાથી ભારતની પ્રાચીન પરંપરાઓ, તેના અદ્ભુત ધાર્મિક વારસા અને ગૌરવપૂર્ણ ઇતિહાસને આધારે ભારતની મહાનતાનો દાવો કરે છે. સોક્રેટિસ, પ્રશ્ન કરવાની પોતાની પદ્ધતિનો ઉપયોગ કરીને, રાષ્ટ્રીય એકતાના અર્થ, વિવિધતાની ભૂમિકા અને પરંપરાના આંધળા પાલનનાં જોખમોની તપાસ કરીને આ દાવાઓને પડકારે છે. આખરે, ભારતીય રાષ્ટ્રવાદી સાચી દેશભક્તિ વિષે ચિંતન કરવાનું શરૂ કરે છે. ત્યાર બાદ બીજા સંવાદમાં ભારતની આઝાદીની લડાઈ સમયના આદર્શો અને વર્તમાન રાજકીય-સામાજિક પરિસ્થિતિ વચ્ચેના તફાવત વિષે ગહન ચર્ચા થઈ હતી.

હવે તે સોક્રેટિસને ફરીથી મળવા આવે છે અને દેશભક્તિ તથા રાષ્ટ્રની શક્તિના સ્વરૂપ વિષે તેની કેટલીક મૂંઝવણો સોક્રેટિસ સમક્ષ રજૂ કરે છે. સોક્રેટિસ પ્રશ્નોત્તરી દ્વારા એના વિચારોને પડકારે છે અને તેને સમજાવે છે કે દેશભક્તિના પ્રતિકાત્મક જાહેર પ્રદર્શન કે અંધ રાષ્ટ્રવાદ કોઈ રાષ્ટ્રને મજબૂત ન બનાવી શકે. સોક્રેટિસ દલીલ કરે છે કે સાચી રાષ્ટ્રીય શક્તિ માત્ર રાષ્ટ્રધ્વજ ફરકાવવાથી, ભવ્ય પ્રતિમાઓ બનાવવાથી, શહેરોનાં કે રસ્તાઓનાં નામ બદલવાથી કે પ્રાચીન ઉત્સવોની ઉડાઉ ઉજવણીથી નથી આવતી. કોઈ પણ રાષ્ટ્રની સાચી તાકાત તો ટીકાત્મક અને આલોચનાત્મક વિચારસરણી, સામાજિક કલ્યાણ, શિક્ષણ, નાગરિકોની સુખાકારીને પ્રાથમિકતા આપવાની ક્ષમતા, અને આર્થિક વિકાસમાં રહેલી છે.

— પ્રવીણ પટેલ

°

પાર્શ્વ ભૂમિ : સ્વર્ગના શાંત પ્રાંગણમાં સોક્રેટિસ તેમની આદત મુજબ પોતાની મસ્તીમાં આરસના રસ્તા પર લટાર લગાવતા જોવા મળે છે. નજીકમાં વહેતાં ઝરણાં વાતાવરણને મનમોહક બનાવી રહ્યાં છે. ત્યાં તેમનો પૂર્વ પરિચિત ભારતીય દેશભક્ત આવે છે. અને તે ઉત્સાહથી વાતચીત શરૂ કરે છે.

ભારતીય દેશભક્ત : આહ, સોક્રેટિસ! હું એક પ્રશ્ન લઈને આવ્યો છું. મારો પ્રશ્ન એ છે કે ભારત એક મજબૂત અને અતૂટ રાષ્ટ્ર કેવી રીતે બની શકે?

સોક્રેટિસ : આવો મિત્ર, સ્વાગત છે તમારું. પણ મને કહો, ‘મજબૂત’ ભારતનો અર્થ શું છે? શું તમે લશ્કરી શક્તિ, આર્થિક શક્તિ, કે તેના લોકોની એકતાનો ઉલ્લેખ કરો છો?

ભારતીય દેશભક્ત : એક એવું રાષ્ટ્ર જ્યાં દરેક નાગરિક વફાદાર દેશભક્ત હોય, અમારી સંસ્કૃતિ, પરંપરાઓ અને અમારા ભૂતકાળની મહાનતા પ્રત્યે સમર્પિત હોય.

સોક્રેટિસ : તો, તમે એવું માનો છો કે ભારત એક એવું મજબૂત રાષ્ટ્ર બનવું જોઈએ કે જેમાં બધા નાગરિકો તેની મહાનતા વિશે એકસરખું વિચારે. મારી સમજણ બરાબર છે?

ભારતીય દેશભક્ત : હા! એક દેશ ત્યારે જ સમૃદ્ધ અને શક્તિશાળી બની શકે છે જ્યારે તેના લોકો પોતાના રાષ્ટ્ર પ્રતિ કોઈ પણ શંકા વિના સમર્પિત હોય, એક હોય.

સોક્રેટિસ : હું સમજી શકું છું. પણ કોઈ રાષ્ટ્ર આવી શક્તિ કેવી રીતે પ્રાપ્ત કરે છે?

ભારતીય દેશભક્ત : પોતાની મહાનતા દર્શાવીને! રાષ્ટ્રભક્તિનું જાહેરમાં પ્રદર્શન કરીને.

સોક્રેટિસ : પણ તમે રાષ્ટ્રભક્તિનું આવું જાહેરમાં પ્રદર્શન કેવી રીતે કરો?

ભારતીય દેશભક્ત : કેમ વળી? અમારા રાષ્ટ્રધ્વજને લહેરાવતા જાહેર કાર્યક્રમો કરીને, અમારા ઐતિહાસિક નેતાઓની ઊંચી અને વિશાળ મૂર્તિઓ બનાવીને, અમારા શહેરોનાં અને રસ્તાઓનાં મુસ્લિમ યુગ અને બ્રિટિશ રાજ્ય સમયનાં નામ બદલીને, મહા કુંભ જેવા અમારા પ્રાચીન ઉત્સવો ઊજવીને, અમારા પ્રાચીન વારસાના શાણપણનું પ્રદર્શન કરીને. મને લગીરે શંકા નથી, સોક્રેટિસ, આમ કરવાથી અમારા દેશનો દરેકે દરેક નાગરિક પોતાના દેશમાં અતૂટ ગર્વની ભાવના અનુભવશે.

સોક્રેટિસ : મને કહો, કોઈ એક માણસ ક્યારે ય તેના પોતાના વિચારો પર શંકા ન કરતો હોય, પ્રશ્ન ન કરતો હોય, તો તેને  જ્ઞાની કહી શકાય ?

ભારતીય દેશભક્ત : ના, એક જ્ઞાની માણસે પોતાનું મન ખુલ્લું રાખવું જોઈએ. પ્રશ્નો કરવા જોઈએ. પરંતુ પોતાના રાષ્ટ્ર માટેનો પ્રેમ નિ:શંક હોવો જોઈએ. રાષ્ટ્રપ્રેમ શંકાની બહાર હોય છે!

સોક્રેટિસ : તો તમે માનો છો કે શાણપણ પ્રશ્ન કરવાથી આવે છે. પરંતુ તમારા મત પ્રમાણે દેશભક્તિ નિર્વિવાદ વફાદારીની માંગ કરે છે, તો શું નિર્વિવાદ લોકોનો રાષ્ટ્ર જ્ઞાની હોઈ શકે?

ભારતીય દેશભક્ત : (ખચકાય છે) દેશભક્તિ શાણપણ વિશે નથી! તે દેશ પ્રત્યેના આદર વિશે છે. એક સાચો દેશભક્ત ફક્ત રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે જ પ્રશ્નો પૂછી શકે છે.

સોક્રેટિસ : તો, તમે માનો છો કે રાષ્ટ્રને મજબૂત બનાવે તેવા પ્રશ્ન પૂછવાની મંજૂરી છે. પરંતુ જો કોઈ વ્યક્તિ એવા પ્રશ્ન પૂછે કે જેથી રાષ્ટ્રની એવી ખામીઓ બહાર આવે જે કેટલાક લોકો નજર અંદાજ કરવા માગતા હોય તો?

ભારતીય દેશભક્ત : તો આવી વ્યક્તિ દેશભક્ત નથી. તે તેની ટીકાથી રાષ્ટ્રને નબળું પાડે છે.

સોક્રેટિસ : પણ શું તમે આગળ કહ્યું નહોતું કે પ્રશ્ન પૂછવાથી રાષ્ટ્ર મજબૂત બને છે? જો કોઈની ટીકા સાચી હોય, તો શું તે નુકસાનને બદલે મદદ નહીં કરે?

ભારતીય દેશભક્ત : (ઉશ્કેરાઈને) કેટલીક મર્યાદાઓનું પાલન કરવું જરૂરી હોય છે, સોક્રેટિસ! જો લોકો ખૂબ ટીકા કરે તો તેઓ રાષ્ટ્રનું મનોબળ નીચું પાડે છે, રાષ્ટ્રને વિભાજિત કરે છે. દેશભક્તિ એકતા વિશે છે, વિભાજન વિશે નહીં!

સોક્રેટિસ : અને શું એકતા અલગ વિચારનારાઓને ચૂપ કરીને પ્રાપ્ત થાય છે?

ભારતીય દેશભક્ત :  ના, પરંતુ શિસ્ત હોવી જોઈએ. એક રાષ્ટ્ર એવા વિચારોને પોષણ ન આપી શકે જે તેનાં મૂળ મૂલ્યોની વિરુદ્ધ જાય.

સોક્રેટિસ : અને આ મૂળ મૂલ્યો કોણ નક્કી કરે છે? શું બધા નાગરિકો સર્વ સંમતિથી ઠરાવે છે કે તે થોડા લોકો દ્વારા નક્કી કરવામાં આવે છે?

ભારતીય દેશભક્ત : આવાં મૂલ્યોનાં મૂળ અમારી પરંપરાઓ, અમારા ઇતિહાસ, અને અમારી સંસ્કૃતિમાં છે.

સોક્રેટિસ : પરંતુ શું ભારતમાં ઘણી સંસ્કૃતિઓ, ભાષાઓ અને ધર્મો નથી? જો એમ હોય, તો કઈ પરંપરાને સાચી ગણવી?

ભારતીય દેશભક્ત : (નિરાશ થઈને) હા, ભારત વૈવિધ્ય સભર છે. પરંતુ અમારી રાષ્ટ્રીય ઓળખ એક સહિયારા વારસા પર આધારિત હોવી જોઈએ.

સોક્રેટિસ : તો પછી સહિયારો વારસો કોને કહેવો? માત્ર બહુમતિનો? શું તમારા દેશમાં હિન્દુ બહુમતીથી જુદી પડતી હોય તેવી શીખ સંસ્કૃતિ, બુદ્ધ સંસ્કૃતિ, જૈન સંસ્કૃતિ, ખ્રિસ્તી સંસ્કૃતિ કે મુસ્લિમ સંસ્કૃતિ ધરાવતા લોકોએ ફક્ત બહુમતીના વારસાને જ સ્વીકારવો જોઈએ? શું તેમણે પોતાની આગવી સાંસ્કૃતિક ઓળખને ભૂંસી નાખવાની?

ભારતીય દેશભક્ત : તેમણે માતૃભૂમિની પ્રાચીન સંસ્કૃતિનો આદર કરવો જોઈએ! એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ એવા લોકો દ્વારા કરી શકાતું નથી જેઓ તેના પ્રાચીન આદર્શોનો આદર ન કરતા હોય!

સોક્રેટિસ : પરંતુ જો કોઈ રાષ્ટ્રની શક્તિ એકતા દ્વારા માપવામાં આવે, અને એકતા માટે વિવિધતા કે અસંમતિઓને દબાવી દેવામાં આવે તો શું તે ખરેખર એકતા ઊભી કરશે કે ફક્ત ભય?

ભારતીય દેશભક્ત : ચૂપ થઈને વિચારે છે.

સોક્રેટિસ : અને મને કહો, તમે ભારતને એક એવું મજબૂત રાષ્ટ્ર બનાવવા માંગો છો જ્યાં લોકો વગર વિચારે પ્રાચીન વિચારો અને પરંપરાઓનું પાલન કરે કે પછી તમે એવું રાષ્ટ્ર ઇચ્છો છો જ્યાં લોકો મૌલિક રીતે અને આલોચનાત્મક રીતે વિચારે અને ભૂતકાળની પરંપરાઓ આધુનિક સમય સાથે મેળ ન ખાતી હોય તો તેમાં સુધારો કરે?

ભારતીય દેશભક્ત : (અનિચ્છાએ) એક રાષ્ટ્રે પોતાને સુધારવું જોઈએ, પરંતુ મર્યાદામાં રહીને.

સોક્રેટિસ : અને આ મર્યાદા કોણ નક્કી કરે છે? શાસકો? બહુમતી સમાજ? કે બધા લોકો?

ભારતીય દેશભક્ત : એવા નેતાઓ, જેઓ જાણે છે કે રાષ્ટ્ર માટે શું ઉત્તમ છે!

સોક્રેટિસ : તો પછી જો કોઈ નેતા કટ્ટરપંથી, મૂર્ખ, સ્વાર્થી, સત્તા- લોલુપ અથવા ભ્રષ્ટ હોય તો શું લોકોએ વગર વિચારે તેના આદેશોનું પાલન કરવું જોઈએ?

ભારતીય દેશભક્ત : (ગુસ્સાથી) ના, પણ એક સાચો દેશભક્ત તેના નેતાઓનો વિરોધ કરીને તેના દેશ સાથે દગો ન કરી શકે.

સોક્રેટિસ : શું નેતાને જવાબદાર ઠેરવવો એ પોતાના દેશ સાથે દગો કરવા સમાન છે?

ભારતીય દેશભક્ત : (ગુસ્સે થઈને) તમે શબ્દોને મરોડો છો, સોક્રેટિસ!

સોક્રેટિસ : હું ફક્ત સત્ય સુધી પહોંચવા માટે પ્રશ્ન પૂછું છું. શું એક મજબૂત રાષ્ટ્ર ફક્ત નિર્વિવાદ દેશભક્તિ દ્વારા જ બનાવવામાં આવે છે?

ભારતીય દેશભક્ત : (મૌન, દેખીતી રીતે અસ્વસ્થ) કદાચ… મારે આ વિશે વધુ વિચારવું જોઈએ.

સોક્રેટિસ : અને મને કહો, શું તમે માનો છો કે કોઈ દેશ ફક્ત પોતાની મહાનતાનાં ગાણાં ગાવા માત્રથી  મહાન બની શકે કે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક પ્રગતિ કરીને વધુ મજબૂત બને છે?

ભારતીય દેશભક્ત : પણ પોતાના રાષ્ટ્ર માટે ગર્વ હોવો મહત્ત્વપૂર્ણ છે! તે લોકોને એક કરે છે, દેશ પ્રત્યેની તેમની આસ્થાને મજબૂત કરે છે. તેથી તેઓ દેશ માટે મરી ફિટવા પણ તૈયાર રહે છે.

સોક્રેટિસ : અને શું તમારા દેશનાં અસંખ્ય ભૂખ્યાં અને કુપોષિત બાળકો દેશભક્તિનાં ગીતો ગાવા માત્રથી સશક્ત થઈ જશે? શું કોઈ બેરોજગાર પિતા રાષ્ટ્રીય ગૌરવના નારા લગાવ્યા પછી પોતાના પરિવારને ખવડાવવા માટે વધુ સક્ષમ બની જશે?

ભારતીય દેશભક્ત : તે એક અલગ મુદ્દો છે. દેશભક્તિ અને ગરીબી-બેકારી અલગ બાબતો છે.

સોક્રેટિસ : શું ખરેખર એવું છે? મને કહો, જો કોઈ ડૉક્ટર કોઈ મરણશૈયા પર પડેલા માણસને દવા આપવાને બદલે ફક્ત દેશભક્તિનાં ગીતો ગાઈને તેની સારવાર કરે, તો શું તમે તેને જ્ઞાની કહેશો?

ભારતીય દેશભક્ત : ના, અલબત્ત નહીં! તે મૂર્ખામી હશે.

સોક્રેટિસ : તો પછી, શું ભારત જેવા કોઈ ગરીબ રાષ્ટ્રમાં, જ્યાં તેના કરોડો લોકો ભૂખમરા અને કુપોષણથી પીડાતા હોય, બેઘર-બેકાર હોય, ત્યાં તેનાં મર્યાદિત સંસાધનોને ભવ્ય દેશભક્તિનાં પ્રદર્શનોમાં હોમી દેવાં તે ડહાપણનું કામ કહેવાશે ?

ભારતીય દેશભક્ત : પણ લોકોને પ્રેરણાની જરૂર છે! જો તેઓને તેમના રાષ્ટ્રમાં વિશ્વાસ હશે તો તેઓ રાષ્ટ્રની પ્રગતિ માટે વધુ મહેનત કરશે!

સોક્રેટિસ : તો, તમે એમ કહેવા માંગો છો કે ફક્ત રાષ્ટ્રભક્તિ જ સમૃદ્ધિ તરફ દોરી જાય છે? જો કોઈ ખેડૂત ઇન્દ્ર દેવને વરસાદ માટે પ્રાર્થના કરે પણ એક પણ બીજ વાવવાની તસ્દી ન લે તો શું તેને પાક મળશે?

ભારતીય દેશભક્ત : ના, તેણે મહેનત તો કરવી જ જોઈએ. બી વાવવાં જોઈએ અને ખાતર-પાણી પણ આપવાં જોઈએ.

સોક્રેટિસ : તો રાષ્ટ્રે પણ શાણપણથી શાસનનું વાસ્તવિક કાર્ય કરવું ન જોઈએ? શું કોઈ રાષ્ટ્રે પોતાના દેશવાસીઓ માટે સૌથી પહેલાં પોષક ખોરાક, સ્વચ્છ પાણી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ આરોગ્ય સુરક્ષિત કર્યા પછી જ રાષ્ટ્રીય ગૌરવ બતાવતા આવા તમાશાઓ પર ખર્ચ ન કરવો જોઈએ?

ભારતીય દેશભક્ત : (અનિચ્છાએ) કદાચ તમારી વાત વાજબી છે. પરંતુ રાષ્ટ્રીય ગૌરવની પણ પોતાની ભૂમિકા છે! જો કોઈ રાષ્ટ્ર પોતાની તાકાત ન બતાવે તો તેને નબળું ગણવામાં આવશે.

સોક્રેટિસ : તો પછી, શું કોઈ દેશભક્તે જ્યારે પોતાના દેશમાં કશુંક ખરાબ થતું હોય તો ચૂપ રહેવાને બદલે પોતાના દેશની ભૂલો સુધારવી જોઈએ નહીં?

ભારતીય દેશભક્ત : પણ સોક્રેટિસ, અસંમતિ દેશને નબળો પાડે છે. તે આંતરિક વિભાજન પેદા કરે છે, અને કેટલાક લોકો ટીકા કરવાના અધિકારનો ઉપયોગ કરીને ભારતને અંદરથી નબળો પાડે છે!

સોક્રેટિસ : મને કહો, શું કોઈ ચિકિત્સક કોઈ માણસને તેના રોગનું નિદાન કરે છે અને ઈલાજ સૂચવે છે ત્યારે તેને નબળો પાડે છે?

ભારતીય દેશભક્ત : ના, તે તેને નીરોગી બનાવવા ચાહે છે.

સોક્રેટિસ : તો પછી, શું કોઈ સાચો દેશભક્ત તેના રાષ્ટ્રની ખામીઓ બતાવે છે ત્યારે તેનો ઈરાદો તે ખામીઓનો ઈલાજ કરીને તેના દેશને મજબૂત બનાવવાનો હોતો નથી?

ભારતીય દેશભક્ત : પણ કેટલાક ટીકાકારો દેશદ્રોહી હોય છે; તેઓ દેશને પ્રેમ કરતા નથી.

સોક્રેટિસ : અને તમે દેશદ્રોહી અને સાચા દેશભક્ત વચ્ચે કેવી રીતે તફાવત કરશો? શું તેમની ટીકા દ્વારા કે તેમના ઇરાદા દ્વારા?

ભારતીય દેશભક્ત : અલબત્ત, તેમના ઇરાદા દ્વારા. જો કોઈ રાષ્ટ્રને સુધારવા માટે ટીકા કરે તો તે સ્વીકાર્ય છે. જો કોઈ તેને નુકસાન પહોંચાડવા માટે આવું કરે છે, તો તે દેશદ્રોહ છે.

સોક્રેટિસ : પણ, મારા મિત્ર, તમે બીજાના ઇરાદાને કેવી રીતે ઓળખી શકો?

ભારતીય દેશભક્ત : એ મુશ્કેલ છે.

સોક્રેટિસ : તો પછી, શું દેશભક્તિનો ઉપયોગ કરીને ટીકાકારો ઉપર દેશદ્રોહીનું લેબલ લગાવી દેવાથી શું રાષ્ટ્રને મજબૂત બનાવતી ચર્ચાઓ અવરોધાતી નથી?

ભારતીય દેશભક્ત : જો કોઈ વગર કારણે ટીકા કરે તો તે રાષ્ટ્રીય એકતાને નબળી પાડે છે અને રાજ્યના દુ:શ્મનોને મદદ કરે છે. સાચા દેશભક્તો તો કોઈ પણ પરિસ્થિતિમાં તેમના રાષ્ટ્રની પડખે ઊભા રહે છે.

સોક્રેટિસ : પરંતુ શું ડોક્ટર ક્યારેક તેના દરદીને સ્વસ્થ કરવા માટે તે દરદીના આહાર-વિહારની ટીકા કરે ત્યારે તમે એમ કહેશો કે ડોક્ટર દરદીનો દુ:શ્મન છે?

ભારતીય દેશભક્ત : ના, પણ એ અલગ વાત છે. ડોક્ટર જ્ઞાની હોય છે. જ્યારે ઘણી વાર ટીકાકારો પોતાના ફાયદા માટે અથવા રાષ્ટ્રને નુકસાન કરવા વાસ્તે ટીકા કરતા હોય છે.

સોક્રેટિસ : પણ, આપણે વાજબી ટીકા અને હાનિકારક અસંમતિ વચ્ચે કેવી રીતે તફાવત કરી શકીએ? શું આપણે તાર્કિક અને ખુલ્લી ચર્ચા દ્વારા તે નક્કી કરવું જોઈએ કે પછી આપણે બધા વિરોધી અવાજોને દબાવી દેવા જોઈએ?

ભારતીય દેશભક્ત : ચર્ચા સારી છે, પરંતુ તે મર્યાદામાં હોવી જોઈએ. વધુ પડતા પ્રશ્નો લોકોના સંકલ્પને નબળા પાડે છે અને અરાજકતા પેદા કરે છે.

સોક્રેટિસ : પણ મને કહો, મારા મિત્ર, શું પ્રશ્ન કરીને આપણે સત્યને અસત્યથી અલગ નથી કરી શકતા? જો દેશભક્તિનો અર્થ રાષ્ટ્રની સાથે ઊભા રહેવાનો થાય છે, તો શું તેનો અર્થ એ પણ નથી કે રાષ્ટ્ર જે ન્યાયી અને સમજદારી ભર્યાં કામો હોય તે કરે તેની ખાતરી કરવી?

ભારતીય દેશભક્ત : કદાચ. પરંતુ વધુ પડતા પ્રશ્નો સત્તાને નબળી પાડે છે. એક મજબૂત રાષ્ટ્રને એકતાની જરૂર છે, અનંત ચર્ચાની નહીં.

સોક્રેટિસ : અને છતાં, શું એ સાચું નથી કે ઇતિહાસમાં એવાં અનેક ઉદાહરણો જોવા મળે છે જ્યાં નિર્વિવાદ દેશભક્તિ દુ:ખદ સાબિત થઈ હોય? શું કેટલાક રાષ્ટ્રોએ, તેમના અતિશય ઉત્સાહમાં, લઘુમતીઓ પર દમન કરીને અને સત્યને સેન્સર કરીને બિનજરૂરી યુદ્ધો કર્યાં નથી? શું હિટલરના જર્મનીમાં આવું નહોતું બન્યું?

ભારતીય દેશભક્ત : એ દેશભક્તિનો દુર્ભાગ્યપૂર્ણ દુરુપયોગ છે. સાચી દેશભક્તિ દેશના ઉદ્ધાર માટે છે, જુલમ માટે નહીં.

સોક્રેટિસ : તો શું આપણે આવા દુરુપયોગથી બચવું જોઈએ નહીં? જો દેશભક્તિ દેશના ઉદ્ધાર માટે હોય તો શું આપણે એવા લોકોને પડકારવા ન જોઈએ જેઓ રાષ્ટ્ર ભક્તિનો ઉપયોગ પોતાને અણગમતા કે વિરોધી અવાજોને ચૂપ કરવા માટે અને યેન કેન પ્રકારેણ પોતાની સત્તા જાળવી રાખવા માટે કરતા હોય?

ભારતીય દેશભક્ત : પરંતુ દરેક વસ્તુ પર પ્રશ્ન ઉઠાવવાથી શંકા પેદા થાય છે. રાષ્ટ્રને તેની મહાનતામાં વિશ્વાસ હોવો જોઈએ!

સોક્રેટિસ : અને શું વિચાર અને વિવેક વિનાની શ્રદ્ધા સાચી શ્રદ્ધા છે? જો દેશભક્તિનો હેતુ રાષ્ટ્રને મહાન બનાવવાનો હોય તો શું આપણે પહેલાં એ નક્કી ન કરવું જોઈએ કે રાષ્ટ્રને ખરેખર મહાન શું બનાવે છે? શું તે નિર્વિવાદ વફાદારીથી મહાન બને છે કે રાષ્ટ્રના ભાવિ વિષે જવાબદાર અને પડકાર જનક નિર્ણયો લેવાની હિંમત દાખવીને?

ભારતીય દેશભક્ત : (થોભીને) તમે સારી દલીલ કરો છો, સોક્રેટિસ. કદાચ આંધળી દેશભક્તિ ખતરનાક હોઈ શકે છે. પરંતુ એક વાત તો ચોક્કસ છે કે કોઈ પણ રાષ્ટ્રે તેના બાળકોને પોતાના દેશ માટે ગર્વ કરવાનું શીખવવું જોઈએ.

સોક્રેટિસ : ચોક્કસ. પરંતુ શું ગૌરવ સત્યના ભોગે આવવું જોઈએ? જો કોઈ રાષ્ટ્ર ફક્ત તેની ગૌરવ ગાથાઓ જ શીખવે અને તેની નિષ્ફળતાઓ પ્રતિ આંખ મીંચામણાં કરે તો શું તે ખરેખર તેનાં બાળકોને શિક્ષિત કરે છે, કે છેતરપિંડી કરે છે?

ભારતીય દેશભક્ત : ચૂપ થઈ જાય છે.

સોક્રેટિસ : તો ચાલો આપણે તમારા મહાન રાષ્ટ્રનો વિચાર કરીએ. જો તેના લાખો લોકો ગરીબીથી પીડાય છે, જો બાળકોને યોગ્ય શિક્ષણનો અભાવ હોય, જો હોસ્પિટલો ઓછી હોય અને અપૂરતી હોય, તો નેતાઓએ શું કરવું જોઈએ – ભવ્ય પ્રતિમાઓ બનાવવી જોઈએ અને મહા કુંભોનું આયોજન કરવું જોઈએ કે શિક્ષણ અને આરોગ્ય સંભાળમાં રોકાણ કરવું જોઈએ?

ભારતીય દેશભક્ત : (થોથવાતાં) પરંતુ … પ્રતિમાઓ અને ઉત્સવો અમારું ગૌરવ વધારે છે! તે અમારી શક્તિ અને એકતાનાં પ્રતીકો છે!

સોક્રેટિસ : અને ભૂખે મરતા બાળકને આવા ઠાલા ગર્વનો શું ઉપયોગ છે? શું મૂર્તિના પથ્થર સામે જોવાથી તેની ભૂખ મટે છે? શું કેન્સરથી પીડાતો માણસ મહા કુંભમાં સ્નાન કરીને સાજો થઈ જશે?

ભારતીય દેશભક્ત : (ભવાં ચડાવીને) પરંતુ ગર્વ વિનાનું રાષ્ટ્ર નબળું છે!

સોક્રેટિસ : મને કહો, શું કોઈ શાણો માણસ માત્ર બડાઈ હાંકીને તેના શાણપણને સાબિત કરે કે તેનાં કાર્યો દ્વારા તેનું પ્રદર્શન કરીને?

ભારતીય દેશભક્ત : તેનાં કાર્યો દ્વારા, અલબત્ત.

સોક્રેટિસ : તો શું તે રાષ્ટ્રને પણ લાગુ પડતું નથી? જો ભારત ખરેખર મજબૂત બનવા માંગે છે, તો શું તેણે નિર્જીવ પથ્થરનાં સ્મારકો અને નદીઓમાં સ્નાન કરવા જેવા ઉત્સવોને બદલે તેના લોકોના માનસિક અને શારીરિક વિકાસમાં રોકાણ ન કરવું જોઈએ? વિજ્ઞાન, ઉચ્ચ શિક્ષણની વિશ્વ કક્ષાની ઉત્તમોત્તમ સંસ્થાઓ, અને સંપૂર્ણ સગવડો તથા સુવિધાઓ વાળી હોસ્પિટલોને મહત્ત્વ ન આપવું જોઈએ?

ભારતીય દેશભક્ત : (ઉશ્કેરાઈને) પણ આવી ભવ્યાતિભવ્ય મૂર્તિઓ બનાવવા જેવા પ્રોજેક્ટસ લોકોને પ્રેરણા આપે છે! તેઓ દેશને એક કરે છે!

સોક્રેટિસ : હું તેનો ઇનકાર કરતો નથી. પણ ચાલો આપણે શાંતિથી વિચારીએ. શું એક મજબૂત ભારત એવું હશે જેની ભવ્ય પ્રતિમાઓ માટે પ્રશંસા થતી હોય કે જે તેના લોકોની સુખાકારી, શાણપણ અને શક્તિ માટે આદરણીય બન્યું હશે? ધારો કે કોઈ માણસ, પોતાના ખખડધજ ઘરને સુધારવાને બદલે, પોતાના પૂર્વજોના સન્માનમાં તેના ઘરમાં તેમના મોટા મોટા  ફોટા લગાવવામાં જ પોતાનો બધો સમય અને શક્તિ ખર્ચે છે. શું આનાથી તેનું ઘર વધુ રહેવા યોગ્ય બનશે?

ભારતીય દેશભક્ત : ના, પણ …

સોક્રેટિસ : અને ધારો કે કોઈ રાષ્ટ્ર, તેના રસ્તાઓ, તેની શાળાઓ, તેની હોસ્પિટલોને સુધારવાને બદલે, શહેરો અને રસ્તાઓનાં નામ બદલવામાં પોતાની શક્તિનો ખર્ચ કરે છે. શું તે તેને મજબૂત બનાવશે?

ભારતીય દેશભક્ત : (થોભો) કદાચ નહીં, પરંતુ આવી પ્રક્રિયાઓ આપણી ઓળખને ઘડે છે.

સોક્રેટિસ : શું ઓળખ ફક્ત નામો બદલવાથી જ બદલાય છે, કે લોકોના જીવનને વધુ ગૌરવ પૂર્ણ બનાવે તેવાં શિક્ષણ, સ્વાસ્થ્ય, અને સુરક્ષામાં સુધારો કરવાથી ?

ભારતીય દેશભક્ત : (કંટાળીને) તમે કેમ સમજતા નથી, સોક્રેટિસ! એક રાષ્ટ્રે બંને કરવું જોઈએ – તેના ભૂતકાળનું સન્માન કરવું અને તેનું ભવિષ્ય બનાવવું.

સોક્રેટિસ : હું સમજી શકું છું. પણ મને કહો, જો કોઈ પ્રવાસી કોઈ મોટા શહેર સુધી પહોંચવા માંગે છે, તો શું તેણે એવો રસ્તો પસંદ કરવો જોઈએ જે તેને ત્યાં સીધો લઈ જાય કે પછી એવો રસ્તો પસંદ કરવો જોઈએ જે આડો અવળો ફંટાતો હોય અને પ્રવાસીને ગોળ ગોળ ફેરવતો હોય?

ભારતીય દેશભક્ત : સીધો રસ્તો, અલબત્ત.

સોક્રેટિસ : તો પછી શું કોઈ રાષ્ટ્રે પ્રતીકાત્મક ફેરફારોને બદલે વાસ્તવિક સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને – મજબૂતાઈનો સૌથી સીધો રસ્તો ન લેવો જોઈએ?

ભારતીય દેશભક્ત : (એક ક્ષણ માટે મૌન) પણ લોકોને પ્રતીકોની જરૂર છે! તેમને ગૌરવ પ્રાપ્ત કરવા માટે આવું કંઈક જોઈએ છે.

સોક્રેટિસ : ખરેખર. પણ મને કહો, શું માત્ર પ્રતીકો જ ભૂખ્યા લોકોને પોષણ આપે છે, બીમારોને સાજા કરે છે, યુવાનોને શિક્ષિત કરે છે કે તેમની રોજગારી વધારે છે?

ભારતીય દેશભક્ત : ના, પણ તેઓ લોકોને રાષ્ટ્ર માટે કામ કરવા માટે પ્રેરણા આપે છે!

સોક્રેટિસ : પણ માત્ર પ્રેરણાને બદલે, જો લોકોને ઉત્તમ જીવન જીવવા માટે વાસ્તવિક તકો, તેમની બુધ્ધિમત્તા અને આત્મ ગૌરવને પોષે તેવું શિક્ષણ, અને તેમને સશક્ત બનાવે તેવું આરોગ્ય મળે તો શું તે મોટી સેવા નહીં હોય? મને કહો, મારા મિત્ર, શું માત્ર પ્રતિમાઓ બનાવવી, પ્રાચીન પરંપરાઓ પર આધારિત મેળાવડાઓનું આયોજન કરવું, રસ્તા અને શહેરોનાં નામ બદલવામાં વધુ દેશભક્તિ છે કે લાખો લોકોના જીવનને વધુ સારું અને ગૌરવ પૂર્ણ બને તે માટે બદલવામાં?

ભારતીય દેશભક્ત : ના, કોઈ પણ રાષ્ટ્ર માટે શિક્ષણ અને આરોગ્ય બંને મહત્ત્વપૂર્ણ છે! પરંતુ અમારી પરંપરાઓ પણ પવિત્ર છે!

સોક્રેટિસ : અને શું પરંપરાઓ માટે શાણપણનો ભોગ આપવો જોઈએ? જો કોઈના ઘરમાં આગ લાગી હોય તો તેણે આગ બુઝાવવા માટે પ્રાર્થના કરવી જોઈ કે પાણી લાવવું જોઈએ?

ભારતીય દેશભક્ત ચૂપ થઈને વિચારે છે.

(સમાપ્ત)
001, પવનવીર, પ્રતાપગંજ, વડોદરા – 390 002
ઈ મેલ :pravin1943@gmail.com
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 જૂન  2025; પૃ. 04-07

Loading

વિશ્વ શાંતિ દિવસે અશાંત અરાજકતા તરફ એક નજર 

નેહા શાહ|Opinion - Opinion|19 September 2025

નેહા શાહ

૨૧મી સપ્ટેમ્બર, એટલે કે સંયુક્ત રાષ્ટ્ર ઘોષિત ‘વિશ્વ શાંતિ દિવસ’ સામો આવી રહ્યો છે, જ્યારે લગભગ અડધું જગત એક યા બીજા પ્રકારનાં અશાંત પ્રવાહોનો સામનો કરી રહ્યું છે. વિશ્વ ને શાંતિની તાતી જરૂર છે. પાછલા થોડાક જ દિવસો પર નજર નાખીએ તો દેખાય છે કે વિશ્વના દેશો વિવિધ પ્રકારની ઊથલપુથલમાંથી પસાર થઇ રહ્યા છે, જેમાં વિવિધ રાજકીય રંગો છે – એક તરફ અમેરિકા સમર્થિત ઈઝરાઈલના સંસ્થાનવાદી હુમલા અટકી જ નથી રહ્યા તો બીજી તરફ નેપાળ અને ઇન્ડોનેશિયા જેવા એશિયાઈ દેશોમાં લોકશાહીને મુઠ્ઠીભર સત્તાલોલુપ શ્રીમંતોથી બચાવી લોકાભિમુખ બનાવવા યુવાઓએ ભ્રષ્ટાચાર સામે વિદ્રોહ કર્યો છે. ફ્રાન્સમાં પણ વધતા જતા જીવનનિર્વાહના ખર્ચને કાબૂમાં લાવવા અસમર્થ સરકાર સામે હજારો લોકોએ સડક પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યા. તુર્કીમાં પણ મુખ્ય વિરોધ પક્ષ પર કાયદાકીય કાર્યવાહી સામે હજારો લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. તો ત્રીજી બાજુ વિકસિત દેશોમાં રુઢિવાદી પ્રવાહોની લહેર વધુ પ્રબળ બનતી પ્રગટ થઇ રહી છે. લંડનના રસ્તાઓ પર રુઢિવાદી નેતા ટોમી રોબીન્સનની હાકલ પર લાખેક જેટલા લોકો ઊમટી પડ્યા અને સ્થળાંતરીતો સામે પ્રદર્શન કર્યા. 

વિશ્વ શાંતિ દિવસની 2025ની ઉજવણીનો વિષય છે – “એક્ટ નાઉ ફોર અ પીસફુલ વર્લ્ડ” – એટલે કે વિશ્વ શાંતિ માટે હમણાં જ પગલાં લો. શાંતિ, અહિંસા અને સંવાદિતાને પ્રોત્સાહન આપવા માટે તાત્કાલિક અને નક્કર કાર્યવાહીનું આહ્વાન છે. ગાઝાની પરિસ્થિતિનાં સંદર્ભે આ વિષય ખૂબ જ પ્રસ્તુત છે. હવે તો સંયુક્ત રાષ્ટ્રએ પણ સ્વીકાર્યું છે કે ઈઝરાઈલ પેલેસ્તીનમાં જે કરતું આવ્યું છે અને હાલમાં ગાઝા પટ્ટીમાં જે કરી રહ્યું છે એ માનવસંહાર છે ! ગાઝાથી આવતા સમાચાર પ્રમાણે ઈઝરાઈલે ગાઝા શહેરમાં એક કલાકની મુદ્દત પર લોકોને ઘર ખાલી કરવાની ચેતવણી આપી, મકાનોને ધરાશાયી કરવાનો સિલસિલો ચાલુ છે. સાથે સાથે વેસ્ટ બેંકના વિવાદિત સેટલમેન્ટ પ્રોજેક્ટને મંજૂરી પણ આપી દીધી જે પછી સ્વતંત્ર પેલેસ્તીન રાજ્યની શક્યતા નહીંવત બની જશે. કોઈ પણ શબ્દો ચોર્યા વિના ઈઝરાઈલી વડા પ્રધાન નેતન્યાહુએ જાહેરમાં કહ્યું જ છે કે પેલેસ્તીન નામનું કોઈ રાજ્ય રહેશે જ નહીં. વેસ્ટબેન્કની જમીન અમારી છે! આ વચ્ચે ભલે ને સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં ૧૪૨ દેશોએ પેલેસ્તીનના સમર્થનમાં અને માત્ર ૧૦ દેશોએ વિરુદ્ધમાં મત આપ્યો હોય કે પછી દેશની પૂર્વ  રાજધાની  તલઅવિવમાં હજારો લોકો યુદ્ધ બંધ કરવાની અંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હોય – સત્તાશાળી રાજ્યો કોઈની પણ દરકાર શું કામ કરે? 

‘વિશ્વ શાંતિ’ની પરિકલ્પનામાં માત્ર યુદ્ધવિરામ પૂરતી નથી. લાંબા ગાળાની સાચી શાંતિ સ્થાપવી હોય તો અસમાનતા અને અન્યાયને દૂર કરી સૌના માનવ અધિકાર જળવાય એવું વાતાવરણ ઊભું કરવું પડે. આજના સમયમાં જ્યારે મોબાઈલ થકી દુનિયાભરની સાચી ખોટી માહિતી દરેક વ્યક્તિ સુધી પહોંચે છે, ત્યારે સરકારની નીતિઓ અને ભ્રષ્ટ આચરણ કઈ રીતે સામાન્ય માણસ સુધી એના હક પહોંચવા નથી દેતા એ સૌને ખબર પડે છે. સોશ્યલ મીડિયા પર પરસ્પર નેટવર્કીંગ પણ આસાનીથી થઇ શકે છે. સોશ્યલ મીડિયા દ્વારા વિદ્રોહની શરૂઆત ૨૦૧૧માં આરબ સ્પ્રિંગ દરમ્યાન થઇ, જ્યારે ઈજીપ્ત, તુનીશિયા, સીરિયા, લીબિયા જેવા મધ્ય એશિયાના ઘણા દેશોમાં સત્તા પલટો થયો. આ દેશોમાં ઉદારમતવાદી સરકારનું સ્થાન રુઢિચુસ્ત શાસને લીધું. આ સંદર્ભે નેપાળ અને ઈન્ડોનેશિયાની ઘટના પર ખાસ ધ્યાન આપવા જેવું છે. જેન-ઝી, જેમને માટે એવી માન્યતા છે કે તેમને ઈન્સ્ટાની રીલ જોવા બનાવવા સિવાય કશામાં રસ નથી પડતો તે રાજકારણમાં રસ લે, ભ્રષ્ટાચાર સામે આવાજ બુલંદ કરે એ હર્ષની વાત ગણાય. બેરોજગારી, ગરીબી, ભ્રષ્ટાચાર જેવા રોજીંદા જીવનને અસર કરતા પ્રશ્નો માટે લાખોની સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શન કરે તો લોકશાહી સાચી દિશામાં છે એવું મનાય. પણ ઠોસ નેતૃત્વ વિના ઊભું થયેલું આંદોલન તરત જ હિંસક અને અરાજક સ્વરૂપ ધારણ કરી શકે છે. એ માર્ગે સુખ અને શાંતિ જોજનો પાછળ રહી જાય છે.  

શાંતિ ગમે તેટલી ઇચ્છનીય હોય, પણ વિશ્વમાં સંપૂર્ણ શાંતિની સ્થિતિ સ્થપાતી નથી. જેની પાસે સત્તા છે તે અન્ય પર નિયંત્રણ કરતા રહેશે ત્યાં સુધી સાચા અર્થમાં શાંતિ કઈ રીતે આવશે? સંયુક્ત રાષ્ટ્ર જ્યારે એક્ટ નાઉ ફોર પીસ’ કહે છે તો એનો મતલબ થયો કે દરેક પ્રકારની હિંસા સામે સૌ કોઈએ અવાજ ઉઠાવવો પડશે. એ પણ સ્વીકારવું પડશે કે હિંસા પાછળ જાતીય, ધાર્મિક, કે રાષ્ટ્રીય અસમાનતા કામ કરતી હોય છે એટલે અન્યોને નિયંત્રિત કરતી દરેક પ્રકારની સત્તા સામે બોલવું પડે, સત્તાનો બેફામ ઉપયોગ કરનાર સામે ખાસ.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...136137138139...150160170...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved