Opinion Magazine
Number of visits: 9669876
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નવી દિશા તરફ

સુરેશ જાની|Opinion - Opinion|15 October 2022

અઢાર વર્ષની રેહાના મુઝફ્ફરનગરની શાક માર્કિટમાં ખરીદી કરવા આવી હતી. હજુ તો કોઈ પણ શાક સામે નજર કરે તે પહેલાં, તેની નજર થોડેક જ દૂર, તેના તરફ આવી રહેલી ચાર સ્ત્રીઓ તરફ ગઈ. આમ તો બધી ગરીબ વર્ગની દેખાતી હતી, પણ તેમના ચહેરા પર અજીબો ગરીબ ઉત્સાહ છવાયેલો હતો. તે સ્ત્રીઓ રેહાનાની નજીક આવી અને તેમની વાતોમાંથી થોડાક શબ્દો તે પકડી શકી. તેમાંથી તેને એટલી સમજ પડી કેમ તેઓ સ્ત્રીઓને થતાં અન્યાય અને શોષણ સામે જાગૃત થવા જેવી કાંઈક વાતચીત કરી રહી હતી.

જેણે અન્યાય, શોષણ, મારપીટ અને તબાહી સિવાય કશું જ જોયું ન હતું, અને આટલી યુવાન વયે પાંચ દીકરીઓની મા બની ગઈ હતી, તેવી રેહાનાને આ વાતોમાં રસ પડ્યો. શાક ખરીદવાનું બાજુએ મૂકીને રેહાના તે સ્ત્રીઓની નજીક ગઈ. હવે તો તેને એમની વાતો બરાબર સંભળાવા લાગી. ‘ઘરમાં થતા જોર જૂલમ હવે સહન નહીં જ કરીએ.’ તેવો નિર્ધાર એમની વાતોમાંથી વ્યક્ત થતો હતો.

રેહાનાથી બોલ્યા વિના ન રહેવાયું, “હું તમારી સાથે આવી શકું?”

આટલો સવાલ પૂછવાની હિમ્મત અને આ ‘દિશા’માં ચાલવાની શરૂઆતે રેહાના અને તેના જેવી હજારો અસહાય સ્ત્રીઓની જિંદગી બદલી નાંખી.

…………

માંડ તેર વર્ષની હતી, ત્યારે રેહાના ચોધાર આંસુએ રડતી રડતી ઘેર આવી હતી. પાડોશીના યુવાન દીકરાએ તેને ફોસલાવીને બોલાવી હતી, અને તેની ઉપર કારમો બળાત્કાર કર્યો હતો. ઘરમાં એની માએ તો તેને બાથમાં ઘાલી સહાનુભૂતિ બતાવી. પણ તેના અબ્બા અને કાકાનો વર્તાવ તેની કાચી ઉમરમાં ન સમજી શકાય તેવો કઠોર હતો. તેને એટલી ખબર પડી કે, તે ઊંડા અંધાર્યા અંધકારમાં ધકેલાઈ ગઈ છે, અને હવે તેના માટે જીવનમાં કોઈ જ આશા બાકી રહી નથી.

થોડાક જ દિવસ અને તેના નિકાહ એક પચાસ વર્ષના, કદરૂપા અને કઠોર માણસ સાથે થઈ ગયા. અબ્બાની વસ્તીથી તે બહુ દૂર ફંગોળાઈ ગઈ. તેને તો નિશાળમાં ભણવા પાછું જવું હતું, સહેલીઓ સાથે ગપસપ કરવી હતી, સંતાકૂકડી રમવી હતી. હવે એ બધી સુભગ આશાઓ કચડાઈ ગઈ. રેહાના પણ કચડાતી જ રહી. લગ્ન તો કહેવાનાં જ હતાં. દરરોજ રાતે તે ખાવિંદના બળાત્કારનો ભોગ બનતી રહી. પોતાની કોઈ જ મરજી વિના એ પાંચ બાળકીઓની મા પણ બની ગઈ. દિલ ખોલીને રડવા માટે તેને એકાંત સિવાય કોઈ જ આશરો ન હતો. તેને આપઘાત કરવાના વિચારો સતત આવતા. પણ એ ‘પાપ’ કહેવાય એટલી એને ખબર હતી, એટલે તે આ નરકની વેદના સહન કરતી રહી.

………..

હા! શાક લેવાના બદલે તે ચાર સ્ત્રીઓની સાથે જવાની ‘દિશા’એ રેહાનાની જીવનની દિશા બદલી નાંખી. સહરાનપુરમાં મુખ્ય મથક ધરાવતી ‘દિશા’ નામની એક સમાજસેવાની સ્થાનિક મિટિંગમાં હાજરી આપવા એ સ્ત્રીઓ જઈ રહી હતી. રેહાનાએ ત્યાં ભેગી થયેલી સ્ત્રીઓ અને બે ઉજળિયાત વર્ગની દેખાતી અને સભાનું સંચાલન કરતી મહિલાઓ સાથે બે કલાક ગાળ્યા. તેને લાગ્યું કે, તેના જીવનમાં નવી રોશની ‘આવું’ ‘આવું’ કરી રહી છે. છેલ્લે એક ઉજળિયાત મહિલાએ એને ‘દિશા’માં જોડાવા આમંત્રણ આપ્યું. ઘરનાં માણસો સિવાય કદી એકલી બહાર ગઈ ન હતી, તેવી રેહાનાને ડર લાગ્યો. ‘કાંઈક નવા કાળાં કુંડાળામાં તો નહીં ફસાઈ જવાય ને?’ પણ તેણે તે મહિલાને અઠવાડિયા પછી, એ જગ્યાએ ભરાનારી મિટિંગમાં હાજર રહેવા ખાતરી આપી.

અઠવાડિયા પછી રેહાના ‘દિશા’ની સ્વયંસેવિકા બની ગઈ. આવી બે ત્રણ મિટિંગો બાદ તેના પતિને રેહાના શાક લઈને મોડી ઘેર આવે છે, તેવી બાતમી મળી. મારઝૂડનો સિલસિલો ચાલુ થઈ ગયો. પણ તેની રેહાનાને ક્યાં નવાઈ હતી? હવે તો તેને મળેલી જીવનની આ નવી દિશામાં આગળ ને આગળ વધવા કૃતનિશ્ચય હતી. તેણે પતિને હિમ્મતપૂર્વક સંભળાવી દીધું કે, “ખાવાનું ખાવું હોય, અને રાતે રંગત માણવી હોય તો, આ હરકત તેણે ચલાવી લેવી પડશે.”

આમ બોલવાની તેનામાં હિમ્મત આવી ગઈ હતી, એટલું જ નહીં, અત્યાચારો અને મારઝૂડનો મુકાબલો કેવી રીતે કરવો, તેની તાલીમ પણ તેને ‘દિશા’એ આપી હતી. જીવનમાં ઊગેલી નવી સવારમાંથી કોઈ તેને નિબીડ રાત્રિના અંધકારમાં હડસેલી ન શકે, તેટલી તાકાત તેના પ્રાણમાં હવે સંચરવા લાગી હતી. પછી તો તે બુરખો પહેરીને ‘દિશા’ની સહરાનપુર ખાતેની મિટિંગોમાં પણ હાજરી આપવા લાગી. પોતાના જેવી અન્ય દુખિયારી સ્ત્રીઓના જીવનમાં આશાના કિરણનો સંચાર શી રીતે કરી શકાય? – તેની ભાંજગડ હવે તેના દિમાગમાં પાંગરવા માંડી.

૨૦૦૫ – ‘દિશા’ના માર્ગદર્શન હેઠળ રેહાના જાતે જ આવી સંસ્થા ચલાવવા કાબેલ બની ગઈ. મુઝફ્ફરનગરમાં દબાતી, કચડાતી, મુસ્લિમ સ્ત્રીઓ માટે તેણે ‘અસ્તિત્વ’ની સ્થાપના કરી. ઘણી બદનસીબ સ્ત્રીઓ તેની સાથે જોડાઈ. હવે રેહાનાને કોઈ તાકાત રોકી શકે તેમ ન હતું. રેહાના હવે પિંજરમાં તરફડતી કબૂતરી રહી ન હતી. મુક્ત ગગનમાં વિહાર કરતી ગરૂડ પંખીણીમાં તેના હોવાપણાનું અભ્યુત્થાન થયું હતું.

પોસ્ટરો બનાવવા, દમન સામે અવાજ ઊઠાવતી મહિલા-કૂચો યોજવી, શાળાઓમાં બાળકીઓને તેમના હક્કોની જાણકારી આપવી, વિ. વિવિધ પ્રવૃત્તિઓથી ‘અસ્તિત્વ’ ધમધમવા લાગી. રેહાનાને ઘર અને સમાજ તરફથી બહિષ્કારનો સામનો કરવો પડ્યો છે, એટલું જ નહીં પણ ટોળાંઓનો મુકાબલો, પોલિસના લાઠીમારનો પણ કર્યો છે. જૂઠા આક્ષેપોના આધારે જેલવાસ પણ કર્યો છે.

પણ જાગી ઊઠેલા તેના પ્રાણને
હવે કોઈ ગુંગળાવી શકે તેમ નથી.

૨૦૧૩

નવ જ વર્ષની રેખા પર પાંચ નરાધમોએ બળાત્કાર કર્યો હતો. રેહાના એમને જેલ ભેગા કરીને જ જંપી. તેના આ આક્રોશને સમાજમાંથી અદ્દભુત પ્રતિભાવ પણ મળ્યો. રેખા સાથે લગ્ન કરવા એક આદર્શવાદી યુવાન પણ તૈયાર થયો.  રેહાનાના આ વિજયે તેનું રૂપાંતર એક અનોખી મહિલા પ્રતિભામાં કરી દીધું. આવી હજારો બાળકીઓનાં જીવનમાં રેહાના અને અસ્તિત્વે બગાવતનો બુંગિયો ફૂંક્યો છે. રેહાનાને ગર્વ છે કે, તેના પિતા અને પતિને પોતાની ભૂલ સમજાઈ છે, અને તેમનો સહકાર પણ હવે રેહાનાની અસ્કયામત બન્યાં છે.

અસ્તિત્વ માત્ર સ્ત્રીઓ માટે જ કામ કરે છે, તેમ નથી. કોમી હુલ્લડો વખતે પણ અસ્તિત્વે શાંતિ સ્થાપવાના પ્રયત્નોમાં સહયોગ આપ્યો છે. ૨૦૧૩માં મુઝફ્ફરનગરના શામલી વિસ્તારમાં થયેલા કોમી રમખાણોમાં અસ્તિત્વે પાયાનું કામ નીડર રીતે કર્યું હતું, અને અપૂર્વ સામાજિક ચાહના અને માન મેળવ્યાં હતાં.

ભ્રષ્ટાચાર અને રાજકારણીય દખલોથી ખદબદતી, ઉત્તર પ્રદેશની બદનામ સ્થાનિક સરકારી સંસ્થાઓ ભલે તેના કામને ન બીરદાવે, સમાજ તરફથી અને બીજી ઘણી બિન સરકારી સંસ્થાઓનાં સહકાર અને મદદ અસ્તિત્વને મળતાં રહ્યાં છે. શરૂઆતમાં જાટ વિસ્તારમાં તેણે ઓફિસ રાખી હતી. પણ મુસ્લિમ મહિલા હોવા માટે તેને તે ખાલી કરવી પડી હતી. મુસ્લિમ વિસ્તારમાં તે બુરખો પહેરતી ન હોવાના કારણે તેનો વિરોધ થયો હતો. પણ ધીમે ધીમે તેના કામને મળતી સફળતા અને સામાજિક સ્વીકારના કારણે હવે તેની ઓફિસ ધમધોકાર ચાલતી થઈ ગઈ છે. તેની ઓફિસમાં રાણી, ઉસ્માન અને ગૌરવ તેને મદદ કરે છે. જાતજાનાં આધુનિક સાધનો પણ તેઓ વાપરે છે.

વર્ષોની સાધના, તપસ્યા અને આમરણ જંગના પ્રતાપે બાઈજિંગ – ચીનમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય મહિલા સશક્તીકરણ અધિવેશનમાં રેહાનાએ વિશેષ અતિથિનું પદ શોભાવ્યું હતું – એ સમાચાર સાથે વીરમીએ.

સંદર્ભ –

http://www.thebetterindia.com/19535/rehana-adeeb-muzzaffarnagar-domestic-violence-astitva-ngo/

https://yourstory.com/2017/04/rehana-adeeb/

https://thewire.in/4452/in-riot-hit-muzaffarnagar-an-ngo-focuses-on-female-victims-of-violence/

e.mail : surpad2017@gmail.com

Loading

“વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ”, “એકાન્તનાં સૉ વર્ષ”, સાર-સંક્ષેપ (૧૧)

સુમન શાહ|Opinion - Literature|15 October 2022

પ્રકરણ : ૧૧ :

ફર્નાન્ડા ડેલ કાર્પિયો છસો માઈલ દૂરના શ્હેરમાં જન્મીને મોટી થઈ છે. શ્હૅર બારે માસ વાદળિયું રહૅતું’તું. ભૂતિયા રાતોમાં વાઇસરૉયોની બગીઓ કોબલ પથ્થરની સડકો પર ટકટકારા કરતી દોડતી જતી હોય. સાંજના ૬ વાગ્યે ૩૨ ટાવરમાં ડંકા થતા, ગમગીની વ્યાપી વળે. એ જાગીરમાં કબરના સ્લૅબ બેસાડ્યા હોય એટલી બધી મજબૂત હતી, પણ સૂરજ કદીયે જોવા ન મળે. હવા આંગણાના સરુમાં, બેડરૂમોનાં પીળા શણગારોમાં, અને બારમાસી ફૂલોના ઝૂમખાંમાં મરી ગયેલી.

ફર્નાન્ડા વયસન્ધિકાળે પ્હૉંચી ત્યાંસુધી એને દુનિયાનું કશું જ્ઞાન હતું નહીં. હા, કોઈ પડોશી પિયાનો શીખી રહેલો એના ખિન્ન અવાજો એ રોજ સાંભળતી’તી. પેલાને એવી તાન ચડેલી કે વરસોના વરસો લગી બપોરની નાની ઊંઘને, વામકુક્ષીને, ભૂલી જ ગયેલો.

‘ફાઇવ ઑ ’ક્લોક ફીવર’-થી (એક જાતનો તાવ) પીડાતી બીમાર મા પોતાના રૂમમાં હતી, એને પરસેવો વળતો’તો, તો પણ એણે ફર્નાન્ડાને વૈભવી ભૂતકાળની વાતો કરેલી. કહે – પોતે બાળકી હતી ત્યારે, એક વાર, ચાંદની રાતે, જોયેલું કે એક શ્વેત વસ્ત્રધારી સુન્દરી બગીચામાં થઈને દેવળ તરફ જતી’તી. કહે – એ મને બિલકુલ મારા જેવી લાગેલી – જાણે વીસ વરસ પહેલાંની હું ! એને ખાંસી આવતી’તી તો ય ફર્નાન્ડાને કહ્યું, ‘એ તારી વડદાદી હતી, રાણી – કંદના તાંતણા કાપતી’તી, કશી દુર્ગન્ધભરી વરાળ નીકળી, ને એ મરી ગઈ !

એ વાતને વરસો વીતી ગયેલાં. એક વાર ફર્નાન્ડાએ શંકા કરેલી કે મા-ને રાણી છે એવું જે લાગ્યું તે શાથી. પૂછેલું. પણ મા-એ એને ઠપકારેલી, ‘આપણે ખૂબ જ પૈસાદાર છીએ, ને આપણો વટ-વક્કરેય ઘણો છે. તને કહું, જોજે, એક દિવસ તું રાણી હોઇશ.

અને, ફર્નાન્ડાએ એ બધું માની લીધેલું.

ફર્નાન્ડા બાર વર્ષની થઈ ત્યારે પહેલી વાર ઘરની બ્હાર નીકળેલી – ઘોડાગાડીમાં, ખાલી બે બ્લૉક દૂરના કૉન્વેન્ટે પ્હૉંચવા ! વર્ગમાં બીજા સાથીઓથી આઘે ઊંચી પીઠવાળી ખુરશીમાં બેસતી. રીસેસમાં ય કોઈની સાથે બોલેચાલે નહીં. બધાંને આશ્ચર્ય થતું કે કેમ આમ કરે છે. ‘એ અલગ છે’, નન્સ સમજાવતી, ‘રાણી બનવાની છે’. સાથીઓએ માની લીધેલું. કેમ કે, આમે ય ફર્નાન્ડા પહેલેથી ખૂબ જ સુન્દર અને અનોખી હતી. સાથીઓએ એટલી સમજદાર અને ઠાવકી છોકરીને પહેલાં કદી જોઈ ન્હૉતી.

ફર્નાન્ડાને લૅટિન કવિતા આવડી ગયેલી. ક્લેવિકોર્ડ – સૂરપટ્ટીવાળું વાદ્ય – વગાડી શકતી’તી. બાજબાજી વિશે મોટેરાઓ જોડે વાતો કરી શકે, વડા બિશપ જોડે ધર્મશાસ્ત્રની ચર્ચાઓ કરી શકે, વિદેશી રાજકર્તાઓ જોડે રાજદ્વારી બનાવો વિશે વિવાદ કરી જાણે, પોપ સાથે ઈશ્વરની વાતો કરી શકે. વગેરે ઘણું. 

લગ્નના દિવસ લગી ફર્નાન્ડાએ કલ્પનાના રાજ્યનું સ્વપ્ન સેવેલું. જો કે, હકીકત એ હતી કે પિતા ડોન ફર્નાન્ડોને પહેરામણીની ચીજવસ્તુઓ ખરીદવા ઘર ગીરવે મૂકવું પડેલું. એ કશી નાદાની ન્હૉતી, મોટાઈનો ભભકોયે ન્હૉતો, કેમ કે એ લોકોએ એને એ રીતે જ ઉછેરી હતી. એની કેળવણી પાછળ, અનિવાર્ય ફર્નિચર ટેબલ-સર્વિસ અને ચાંદીના મીણબત્તીદીપક સિવાયની કેટલીયે ચીજવસ્તુઓ વેચવી પડેલી.

મા માટે ફાઈવ-ઑ’ક્લૉક ફીવર અસહ્ય થઈ પડેલો. પિતા હમેશાં કડક કૉલરના કાળા પોશાકમાં હોય, સોનાની વૉચ-ચેઇન લટકતી હોય, દર સોમવારે ફર્નાન્ડાને ઘરખર્ચી માટે ચાંદીનો સિક્કો આપે. બાકી, આખો વખત સ્ટડીમાં પુરાઈ રહૅતા, કોઇ કોઇ વાર બ્હાર જાય પણ ફર્નાન્ડા જોડે જપમાળા – રોઝરી – કરવા તરત પાછા આવી જાય. ફર્નાન્ડાને કોઈનીય જોડે ખાસ દોસ્તી હતી નહીં. કદી એણે દેશને યુદ્ધથી લોહીહાણ થયેલો નહીં સાંભળેલો. રોજ બપોરના ત્રણ વાગ્યે પોતાનું પિયાનો-લેસન એણે ચાલુ રાખેલું.

પણ એક દિવસ એનો રાણી બનવાનો ભ્રમ ઊડી ગયો, કેમ કે બારણા પર બે ઝડપી ને જોરદાર ટકોરા પડ્યા; ફર્નાન્ડાએ બારણાં ખોલ્યાં; જોયું તો – એક સુસજ્જ મિલિટરી ઑફિસર ઔપચારિક ઢબમાં ઊભેલો, ગાલ પર ઘાનું નિશાન, છાતીએ ચળકતો સુવર્ણચન્દ્રક. ઑફિસર સ્ટડીમાં પ્હૉંચી જાય છે, બંધબારણે પિતા સાથે મસલત કરે છે. બે કલાક બાદ, પિતા ફર્નાન્ડાના શીવણરૂમમાં જાય છે ને જણાવે છે : ‘તારી બધી ચીજવસ્તુઓ બાંધી લે, તારે દૂર દેશાવર જવાનું છે.’

એ રીતે એ લોકો ફર્નાન્ડાને માકોન્ડો લાવેલા.

ઔરેલિયાનો સેગુન્દોએ ફર્નાન્ડાને કાર્નિવલમાં જોયેલી ને મોહાઈ ગયેલો. ફર્નાન્ડાને પોતાને ઘરે લઈ જાય છે ને પરણે છે.

પણ લગ્ન બે માસમાં જ ખતમ થવાનું’તું : ઔરેલિયાનો સેગુન્દોએ પેત્રા કોટ્સને રીઝવવા એનું માડાગાસ્કરની રાણીના પોશાકમાં પિક્ચર બનાવેલું. જેવું ફર્નાન્ડાએ આ જાણ્યું કે તરત લગ્નવેળાનાં કપડાંની ટ્રન્કો પૅક કરી ને માકોન્ડો છોડીને ચાલી ગઈ – ‘ગુડ બાય’ ક્હૅવાય રોકાઈ નહીં. ઔરેલિયાનોએ એને કળણવાળા રસ્તે પકડી પાડી. પોતે સુધરી જશે, કાલાવાલા કર્યા, વચનો આપ્યાં, ત્યારે એને ઘરે લાવી શક્યો. અને, એણે પોતાની રખાત પેત્રાને છોડી દીધી.

પણ પેત્રા કાચી ન્હૉતી, એને એની શક્તિમાં વિશ્વાસ, તે લાગવા દીધેલું નહીં કે પોતે દુ:ખી થઈ છે. કેમ કે, એણે તો કિશોર ઔરેલિયાનોને મેલ્કીઆદેસના રૂમમાંથી બ્હાર કાઢીને ખરો પુરુષ બનાવેલો, દુનિયામાં સ્થાન અપાવેલું. બાકી, એ તો દુનિયાદારીમાં સમજતો જ ન્હૉતો, મગજમાં એના તરંગ-તુક્કા સિવાયનું હતું શું? પેત્રાએ એનામાં જીવનનો આનન્દ ઉગાડેલો. અને બધા યુવકો પરણે છે એમ પરણેલો.

પણ પોતે પરણ્યો છે એ પેત્રાને જણાવવાની એનામાં હિમ્મત ન્હૉતી. એવા સંજોગોમાં એણે બાલિશ મનોભાવ એ દાખવ્યો કે પોતે જાણે રોષમાં છે – માનેલું કે એથી કરીને પેત્રા એની મૅળે ભંગાણ સ્વીકારી લેશે.

એક દિવસ, એ પેત્રા પર કારણ વગર ગુસ્સે થઈ જાય છે. પણ પેત્રા એની બનાવટ પામી જાય છે અને બધી વસ્તુઓને ઉચિત સ્થાન આપતાં પૂછે છે, ‘આ બધું શેને માટે છે? તારે રાણીને પરણવું છે એ જ ને?’ ઔરેલિયાનો ભૉંઠો પડી જાય છે પણ ગુસ્સે હોવાનો ડૉળ કરતાં કહે છે કે – મને ખોટી રીતે ઘટાવેલો ! મારો દુરુપયોગ થયેલો !

પણ પેત્રા વન્ય પ્રાણીના દેખાવની પોતે ધારણ કરેલી સમતુલા જરા પણ ગુમાવતી નથી અને ઔરેલિયાનો-ફર્નાન્ડાના લગ્નની ઉજવણીનું સંગીત સાંભળ્યા કરે છે, રોશની જોતી રહે છે. એને એમ છે કે એ એક પાગલ ધમાચકડીથી વિશેષ કંઈ નથી, ઔરેલિયાનોનું એક નવું ધતિંગ છે.

જે લોકોને પેત્રાના ભાગ્ય પર દયા આવી તેઓ બધા સ્મિતપૂર્વક શાન્ત રહ્યા. એણે એમને કહ્યું, ‘ચિન્તા છોડો, રાણી મારા માટે કામે લાગી ગઈ છે.’ એક પડોશણ પેત્રા માટે મીણબત્તીનું પૅકેટ લાવેલી, જે વડે એ પોતાના ગત પ્રેમીની છબિને પ્રકાશિત કરી શકે. પેત્રાએ એને એક અગમ્ય સલામતીભાવથી કહ્યું, ‘એને પાછો લાવનારી મીણબત્તી ક્યારની સળગે જ છે.’

Pic courtesy : El Heraldo

પેત્રાએ ભાખેલું એમ, હનિમૂન પૂરું થયું કે તરત ઔરેલિયાનો સેગુન્દો ઘરે પાછો આવી ગયેલો.

ઔરેલિયાનો અને ફર્નાન્ડાની વ્યક્તિતા જુદી હતી તેથી બન્ને વચ્ચે ઘર્ષણ થતું. ફર્નાન્ડા ધાર્મિક લાગે પણ ઘમંડી હતી, ઔરેલિયાનો ચુસ્ત દૈહિક સુખોપભોગવાદી હતો; પત્નીના સામાજિક અને જડ નૈતિક ખયાલોનો તિરસ્કાર કરે છે અને પેત્રા કૉટ્સ સાથે સહશયન-વ્યવહાર ચાલુ રાખે છે.

દરમ્યાન બનેલી બે બાબતો નૉંધ લેવી જોઈશે :

એક, બન્ને એમ માનવા લાગ્યાં કે પથારીમાં પેત્રા જાતભાતની જે ચાતુરીઓ કરે છે એને કારણે એમનાં પાલતુ જાનવરોની પ્રજનનક્ષમતામાં વધારો થઈ રહ્યો છે. જેમ કે, એની ઘોડીઓ એક સાથે ત્રણ ત્રણ બચ્ચાંને જન્મ આપવા લાગી. એની મરઘીઓ દિવસમાં બે વાર ઈંડાં મૂકવા લાગી, અને એનાં સુવર એવી ઝડપે જાડાં થવા લાગ્યાં કે એ જાતની ફળદ્રૂપતાનો કશો ખુલાસો જ ન મળે, સિવાય કે એને બ્લૅક મૅજિકનો ખેલ કહી દઈએ !

બીજું, બન્નેના અચરજ વચ્ચે બે સન્તાનો જન્મ્યાં – રેનાતા રેમેડિયોસ (જેને બધાં મેમે પણ ક્હૅતાં હોય છે), અને હોસે આર્કાદિયો (બીજો). એકસૉ વર્ષની, બ્વેન્દ્યા વંશની કુળમાતા, ઉર્સુલા બોલી, ‘આ હોસે આર્કાદિયો તો પોપ થવાનો પોપ !

એ સન્તાનોના જન્મ પછી યુદ્ધવિરામની સંવત્સરી આવી, અને આન્તરવિગ્રહ બંધ થયો. રીપબ્લિકના પ્રૅસિડેન્ટે કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાને ‘ઑર્ડર ઑફ મૅરિટ’ ઇલકાબ આપવાનો પ્રયાસ તો કર્યો પણ કર્નલે એ વાતનો તિરસ્કારપૂર્વક ઇનકાર કર્યો.

એના ૧૭ અવૈધ પુત્રો, દરેકનું નામ ઔરેલિયાનો, સંવત્સરી ઉજવવા માકોન્ડો આવ્યા. ઔરેલિયાનો સેગુન્દોએ એમનું મદીરાપાનથી ધામધૂમપૂર્વક સ્વાગત કર્યું – ફર્નાન્ડાના ત્રાસથી કંઈ ઑર ! ઍશ વેડનસડેના દિવસે ૧૭ ઔરેલિયાનોએ પોતાનાં કપાળ પર રાખના ક્રૂસનાં તિલક સ્વીકાર્યાં, ધોઇ ન નાખ્યાં, એટલું જ નહીં, સત્તરેય ભાઈઓએ એ તિલક આમરણાન્ત રાખી જાણ્યાં.

એ ભાઈઓમાંના એક ટ્રિસ્ટેએ, હોસે આર્કાદિયો બ્વેન્દ્યાના પુત્ર હોસેની વિધવા રેબેકાને શોધી કાઢી જે ત્યારે પણ પોતાના ઘરમાં એક સાધ્વીની જેમ જીવતી’તી.

ઔરેલિયાનો ટ્રિસ્ટે અને એક બીજો ભાઈ ઔરેલિયાનો સેન્ટેનો નક્કી કરે છે કે માકોન્ડોમાં જ રહેવું અને આઇસ-ફૅક્ટરી નાખવી.

છેવટે, ઔરેલિયાનો સેગુન્દોની આર્થિક સહાયથી ઔરેલિયાનો ટ્રિસ્ટેએ રેઇલવેની સ્થાપના કરી, અને એમ માકોન્ડોને ઔદ્યોગિક અર્વાચીન વિશ્વ સાથે જોડ્યું.

(October 14, 2022 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

દીકરી* ∆ ગીતાંજલિ શ્રી

હિંદીમાંથી #અનુવાદ : રમણીક અગ્રાવત|Poetry|14 October 2022

દીકરીઓ હવામાં જ પેદા થાય છે.

દેખાતી નથી નિસ્પંદ પળોમાં એ.

બહુ બારીક અનુભૂતિ કરનારાઓને જ

એની ઝાંખી થાય તો થાય.

દીકરીઓ આમ આઘીપાછી થયા કરે.

થાય કે આવી જશે આકાશ સાવ હેઠું.

આમ હાથ ઊંચો કરો કે અડકી લેવાય.

અચાનક ફાટે ધરતી ને ઊછળે લાવા.

ખળખળતાં ઝરણાંઓ કૂદી આવે બહાર.

ટેકરીઓ રૂપાળી રૂપાળી થઈ જાય.

લાગે નજીકનું ને દૂરનું બધું રૂપાળું.

સમજાય નહીં કે શું થઈ રહ્યું છે.

એનો શ્વાસ અથડાયો એ નરમ પાંખડી હતી?

દૂરનો હિમપર્વત હતો એ હતી એની

ક્યારે ય ન પીગળતી આંગળી?

ચકરાઈ જવાય, બધું ઊંધુંચત્તું મગજમાં.

રાત તો બસ રાત જ રહે ને

દિવસ તો બસ દિવસ જ દિવસ.

હવા ફરફરે તો પણ લાગે કોઈનો નિશ્વાસ.

કે અચાનક કોઈ ચુડેલનું ખડખડાટ અટ્ટહાસ્ય.

દીકરી, તને કેમ ચાહવી?

ક્યારેક મન ભર્યું ભર્યું થઈ રહે

ને એકદમ બધું ક્યાંય ગાયબ—

ભૂલશો નહીં, બધી જ સ્ત્રીઓ દીકરીઓ છે.

∆

*બુકર પ્રાઈઝ પુરસ્કૃત પુસ્તક ‘રેત સમાધિ’ના એક પ્રકરણનો અંશ.

Loading

...102030...1,3581,3591,3601,361...1,3701,3801,390...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved