Opinion Magazine
Number of visits: 9744541
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમેરિકામાં અભૂતપૂર્વ કહી શકાય એવી બે ઘટના બની રહી છે

રમેશ ઓઝા|Opinion - Opinion|17 November 2022

એક તો એ કે અમેરિકામાં પ્રમુખ નિવૃત્ત થાય કે પહેલી મુદ્દત પછી પરાજીત થાય તો એ પછી એ ખાનગી જીવન જીવે છે અને જાહેરજીવનમાં ભાગ્યે જ દેખા દે છે. ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખો જીમ્મી કાર્ટર, બીલ ક્લીન્ટન, જ્યોર્જ બુશ, બરાક ઓબામા હજુ હયાત છે, પણ તમે તેમના ચહેરા કે રાજકીય નિવેદન ભાગ્યે જ જોયા હશે. ડોનાલ્ડ ટ્રમ્પ આમાં અપવાદ છે. પહેલી વાત તો એ કે તેમણે પ્રમુખપદની ગઈ ચૂંટણીમાં તેમના થયેલા પરાજયને હજુ સુધી સ્વીકાર્યો નથી અને હજુ પણ કહે છે કે ચૂંટણીમાં રમત રમાઈ હતી અને તેમના વિજયને છીનવી લઈને તેમને પરાજિત કરવામાં આવ્યા હતા. તેમણે નવા ચૂંટાયેલા પ્રમુખ જો બાયડનની પ્રમુખ તરીકેની સોગંદવિધિમાં ભાગ નહોતો લીધો, કહો કે બહિષ્કાર કર્યો હતો અને એવું અમેરિકન લોકતાંત્રિક ઇતિહાસમાં પહેલીવાર બન્યું હતું. અત્યારે તેઓ સતત તેમના રિપબ્લિકન પક્ષમાં ધરાર કેન્દ્રસ્થાને રહેવા ઉધામા કરી રહ્યા છે અને પ્રમુખપદની આગામી ચૂંટણીમાં ઉમેદવારી કરવા માગે છે. સાધારણ રીતે પ્રમુખપદની પહેલી મુદ્દત પછી પરાજીત થનાર પ્રમુખ બીજીવાર ઉમેદવારી નથી કરતા. જીમ્મી કાર્ટર આનું હયાત ઉદાહરણ છે. તેઓ તેમના પોતાના પક્ષના પ્રમુખપદના હરીફ ઉમેદવાર વિષે એવું બોલે છે જેવું સભ્ય માણસ વિરોધ પક્ષના નેતા વિષે પણ ન બોલે. પણ એવા તેમના સંસ્કાર છે ત્યાં કોઈ શું કરે!

બીજી ઘટના મધ્યસત્ર ચૂંટણીનાં પરિણામોની છે. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી યોજાય એ પછી બરાબર બે વરસે નવેમ્બર મહિનાના બીજા અઠવાડિયાના મંગળવારે સેનેટ અને પ્રતિનિધિગૃહની ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણી યોજાય છે જેને મધ્યસત્ર ચૂંટણી કહેવામાં આવે છે. આપણી જેમ બેઠક ખાલી થાય એના છ મહિનામાં ચૂંટણી યોજવામાં નથી આવતી. હવે અત્યાર સુધીનો મહદ્ અંશે ઇતિહાસ એવો છે કે મધ્યસત્ર ચૂંટણીમાં સત્તાધારી પક્ષનું મોટા પ્રમાણમાં ધોવાણ થતું હોય છે. કેનેડી, ક્લીન્ટન કે ઓબામા જેવા લોકપ્રિય અને પ્રતિભાવાન પ્રમુખોને પણ પરાજય ખમવો પડ્યો છે, જ્યારે અમેરિકાના વર્તમાન પ્રમુખ જો બાયડન તો પ્રતિભાશૂન્ય નબળા પ્રમુખ તરીકેની ઈમેજ ધરાવે છે. ડેમોક્રેટો અને ઉદારમતવાદી અમેરિકન નાગરિકો ચિંતા કરતા હતા કે બાયડનનું રગશિયું ગાંડું જે રીતે ચાલી રહ્યું છે એ જોતાં ૨૦૨૪માં ડેમોક્રેટિક પક્ષ બીજી વાર સત્તામાં આવશે કે કેમ! અને એકવાર આવે તો પણ વાંધો નહીં, ટ્રમ્પ નામનો બેવકૂફ અને અસંસ્કારી માણસ પાછો આવ્યો તો?

પણ અમેરિકામાં કમાલ થઈ રહી છે. ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીનું એટલું ધોવાણ નથી થયું જેટલું મધ્યસત્ર ચૂંટણીઓમાં શાસક પક્ષનું થતું આવ્યું છે અને ઉપરથી રિપબ્લિકન પાર્ટીમાં  ટ્રમ્પ-સમર્થકોનો ખાસ પરાજય થઈ રહ્યો છે. પરિણામોને કારણે રિપબ્લિકન પક્ષમાં અચાનક સવાલ પેદા થયો છે કે હવે આ ટ્રમ્પનું કરવું શું? ટ્રમ્પ નામનો માણસ પક્ષ માટે પનોતી છે કે પછી તાકાત છે? ૧૬૮ વરસ જૂના પક્ષની તાકાત શેમાં છે; ટ્રમ્પના પૈસા અને માથાભારેપણામાં કે પછી વિવેક, મર્યાદા અને સભ્યતામાં?

અત્યાર સુધી રિપબ્લિકન પાર્ટીના કેટલાક નેતાઓને લાગતું હતું કે જે અસભ્ય ભાષામાં આપણે નથી બોલી શકતા એ ભાષામાં એ બોલી શકે છે અને પક્ષના સમર્થકોને એ ભાષા ગમે છે માટે ટ્રમ્પને ચલાવી લેવો જોઈએ. એ ગમે તેની ગમે તેવી ઠેકડી ઉડાડી શકે છે અને પક્ષના સમર્થકોને એવી વિકૃતિમાં સુખ મળે છે માટે તેને ચલાવી લેવો જોઈએ. એ શરમાયા વિના બેધડક જૂઠું બોલી શકે છે અને બેવકૂફ સમર્થકો તેને સ્વીકારી લે છે જ્યારે આપણે એ નથી બોલી શકતા માટે તેને ચલાવી લેવો જોઈએ. એની પાસે પુષ્કળ પૈસા છે, જોઈએ એટલા પૈસા ગમે ત્યાંથી લઈ આવે છે અને પૈસા દ્વારા વિરોધ પક્ષ ઉપર સરસાઈ મેળવી શકાય છે માટે ટ્રમ્પને સાંખી લેવો જોઈએ. ટૂંકમાં એ સત્તા સુધી પહોંચાડે છે ને! મમમમથી કામ છે કે ટપટપથી!

પણ હવે ચૂંટણીનાં પરિણામો જોઇને રિપબ્લિકનો હેબતાઈ ગયા છે. બાયડન જેવો નબળો પ્રમુખ હોય અને ટ્રમ્પ જેવો સર્વ-અવગુણ-સંપન્ન અને પૈસાની રેલમછેલ કરનારો માથાભારે સ્પર્ધક હોય ત્યારે આવાં અણધાર્યા પરિણામ કેમ આવ્યાં? એમાં વળી ટ્રમ્પના માણસો કેમ ખાસ પરાજીત થઈ રહ્યા છે? એક વાત તો નક્કી છે કે મતદાતાઓએ પ્રમુખ જો બાયડનને વિજયી નથી કર્યા, કારણ કે તેમને વિજયી કરવા માટે કોઈ કારણ જ નથી. તો તાત્પર્ય એટલું જ નીકળે છે કે મતદાતાઓએ ટ્રમ્પ અને ટ્રમ્પવૃત્તિની વિરુદ્ધ મત આપ્યા છે?

પણ કોણે? જવાબ દેખીતો છે. એ લોકોએ જેઓ નથી ડેમોક્રેટિક પાર્ટીના કે નથી રિપબ્લિકન પાર્ટીના સમર્થક. અંગ્રેજીમાં જેને ફ્લોટિંગ વોટર્સ કહેવાય તેણે ટ્રમ્પને અવરોધવાનું મિશન હાથ ધર્યું છે. અને એ લોકોએ પણ જેઓ રિપબ્લિકન પાર્ટીના સમર્થક તો છે, પણ તેમને ટ્રમ્પનું અસંસ્કારી અમેરિકા નથી ખપતું. પક્ષના સમર્થકોએ સંસ્કારી સભ્ય અમેરિકાને બચાવવા પક્ષના ટ્રમ્પસમર્થક ઉમેદવારોને વીણીવીણીને પરાજીત કર્યા છે. જો આ તારણ સાચું હોય અને ખોટું હોવા માટે કોઈ કારણ નથી તો એનો અર્થ એ થયો કે જગત આખામાં વિવેકી અને અવિવેકી અથવા કહો કે ઉદાર અને અનુદાર પ્રજા વચ્ચે ધ્રુવીકરણ થઈ રહ્યું છે. પક્ષીય ધ્રુવીકરણ પ્રજાકીય ધ્રુવીકરણમાં ફેરવાઈ રહ્યું છે. ઇઝરાયેલ જેવા ઇઝરાયેલમાં પહેલીવાર પ્રજાકીય ધ્રુવીકરણ થયું છે, જ્યારે કે ત્યાનું રાજકારણ ઇઝરાયેલની સ્થાપનાથી લઈને આજ સુધી યહૂદીઅસ્મિતા, યહૂદીઓનું માદરેવતન ઇઝરાયેલ અને ઇઝરાયેલ સામેનાં અસ્તિત્વનું સંકટ એમ ત્રણ મુદ્દે ચાલતું આવ્યું છે. એક પ્રકારની પ્રજાકીય રાષ્ટ્રીય સર્વસંમતી હતી. આજે ઇઝરાયેલની પ્રજા વચ્ચે સંસ્કારી યહૂદીઓ અને અસંસ્કારી યહૂદીઓ જેવું ધ્રુવીકરણ થયું છે. બેન્જામીન નેતાન્યાહૂની ઝનૂની નીતિનું આ પરિણામ છે.

ભારતમાં પણ આવું પ્રજાકીય ધ્રુવીકરણ નજરે પડી રહ્યું છે અને રાહુલ ગાંધીની પદયાત્રાએ એ ધ્રુવીકરણને વેગ અને દિશા આપ્યાં છે. વિવેકનિષ્ઠ ભારતીય પ્રજાને બંધારણ દ્વારા આકાર પામેલું સહિયારું ભારત ટકાવી રાખવું છે જેના કેન્દ્રમાં કાયદાનું રાજ હોય અને પ્રજાકીય વિકાસ હોય, પ્રજાકીય તિરાડ નહીં. આ આકાર લેતું ધ્રુવીકરણ આગળ જતાં કેવો રાજકીય પડઘો પાડે છે એ તો સમય કહેશે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 17 નવેમ્બર 2022

Loading

શિક્ષણ નામે કળણ

રોહિત શુક્લ|Opinion - Opinion|16 November 2022

કોઈ પણ દેશમાં અને કોઈ પણ કાળખંડમાં શિક્ષણ ઉપેક્ષિત બને કે નિષ્ફળ જાય ત્યારે પેઢીઓની અવદશા થાય છે. અનેક દેશોના ઇતિહાસ આ બાબતની શાખ પૂરે છે. આમ છતાં, ઘણા દેશોની સરકારોએ ક્યારેક ક્યારેક કે વારંવાર, શિક્ષણની અવદશા ઇરાદાપૂર્વક સર્જી છે. હિટલર અને મુસોલિની, સ્ટાલિન અને માઓ, રશિયાની ઝારશાહી અને સામ્રાજ્યવાદી દેશોની ગુલામ દેશોમાં ઊભી કરાયેલી વ્યવસ્થા, દક્ષિણ અમેરિકાના બ્રાઝિલ કે આર્જેન્ટિના આ બધે જ શિક્ષણના નામે પેઢીઓની માનસિકતાને પછાત બનાવી દેવાના પ્રયાસો થયા છે. આનાં પરિણામો પણ આ બધા જ દેશોએ અને ઘણી વાર આખા વિશ્વે ભોગવ્યાં છે. સ્ટાલિનના સામ્યવાદ હેઠળ સમગ્ર પૂર્વ યુરોપ-૧૯૧૭થી ૧૯૯૧ સુધી – એટલે કે ચુંમોત્તેર વરસ સુધી રગદોળાઈ ગયું. પશ્ચિમ યુરોપ અને રશિયા વચ્ચેના હાલના યુક્રેનના સંઘર્ષ દ્વારા જોઈ શકાય છે કે વૈચારિક સ્વતંત્રતાની અસર કેટલા યોજનો દૂર સુધી પહોંચી શકે છે. જે યુક્રેનને ત્રણ જદિવસમાં મસળી નાંખવા માગતા રશિયાને આઠ-આઠ મહિનાના યુદ્ધ પછી મોંઢામાં તરણું લેવાનો વારો આવ્યો છે. પશ્ચિમ યુરોપમાં વિચાર, વાણી, વર્તન અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય છે, જ્યારે રશિયામાં ઝારશાહીથી માંડીને આજ સુધી એ દિવસ આવ્યો જ નહીં. રશિયાના સોવિયત સંઘના સ્તાલિન યુગમાં સ્વતંત્ર રીતે બોલનાર – વિચારનારની ઉપર કેવા અત્યાચારો થતા તે જાણવા સોલ્ઝેનિત્સિનનું પુસ્તક, ‘ગુલાગ આર્કિપિલેગો’ વાંચવું રહ્યું.

સ્તાલિન અને માઓએ વિચારોને દબાવવાનું કામ કર્યું પણ અન્ય અનેક દેશોમાં ખોટી માહિતી, પ્રચાર, જૂઠ-ફરેબ, ભય અને આતંક વગેરેનો ઉપયોગ થાય છે. વિરોધના સૂરને દબાવી-ગૂંગળાવી દેવો એ કોઈ નવી વાત નથી. શિક્ષણના સંદર્ભમાં, આ સ્થિતિમાં બે અલગ અલગ પ્રવાહો ઉપર નજર નોંધવા જેવી છે :

(૧) દ્રોણ-એકલવ્ય મોડલ : છેક મહાભારતકાળથી ચાલી આવેલ આ પ્રણાલી છે. આ મોડલમાં ગુરુ પોતાને માત્ર સર્વજ્ઞાની જ નથી ગણતા – વિદ્યા ઉપર પોતાનો ઇજારો છે અને રહેવો જોઈએ એમ માને – મનાવે છે. અહીં સામાજિક ઉચ્ચાવચતાનો અને આર્ય – અનાર્યનો મુદ્દો પણ સંકળાય છે. કદાચ એમ કહેવાનં મન થાય. આ તો બહુ પ્રાચીન કાળની કહાની થઈ. હવે શું છે ?

હજુ હમણાં જ જેમના જન્મદિનને ‘શિક્ષકદિન’ તરીકે ઉજવ્યો તે સૌના પરમ આદરણીય અને સન્માનીય એવા ભારતના એક સમયના રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણને પણ એક ટીકા વહોરી લીધી છે. ડૉ. રાધાકૃષ્ણન ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભારતીય ફિલસૂફીના પ્રોફેસર હતા, પરંતુ તેમણે પોતાના જ એક વિદ્યાર્થીની થિસિસમાંથી પ્લેગિયારિઝમ કર્યું હતું. આ માટેની વિગતો કમ્પ્યૂટરમાં નીચે મુજબનું સરનામું લખી સર્ચ કરવાથી મેળવી શકાશે.

https://www.roundtableindia.co.in/dr-srvapalliradha-krishnan-the-teachedr-who-plagiarised-his-student-thesisi.

આ ઘટના દુ:ખદ તો છે જ પણ સાથોસાથ એક સન્માનનીય અને આદરપાત્ર પ્રોફેસર આવું પણ કરી શકે તે સૌને વિચારતા કરી મૂકે છે. દ્રોણ-એકલવ્ય મોડલમાં જણાતું જ્ઞાનના આધિપત્ય અને ઇજારાનું મોડલ હજુ પણ જીવંત છે.

(૨) યાજ્ઞવલ્ક્ય-ગાર્ગી મોડલ : ગાર્ગી એક નારી હોવા છતાં વેદ-વેદાંતમાં પારંગત હતી. તે એક સ્વતંત્ર વિચારક હતી. એક વાર જનક રાજાએ બ્રાહ્મણ-પંડિતોની સભા ભરી. તેમણે કહ્યું – તમારામાં જે સૌથી વિદ્વાન હોય તે આ હજાર ગાયોને લઈ જાય.

સ્વતંત્ર વ્યક્તિત્વ, વિચાર, વર્તન કે અભિવ્યક્તિ માત્ર શૉ-કેસ માટે નથી. તેનું ક્રિયાન્વયન થાય ત્યારે ગજબનાં પરિણામો આવે છે. જેમને રસ પડે તેમણે ગુગલ-સર્ચમાં કઈ કયા કયા દેશોને કેટલાં નોબલ ઇનામો મળ્યાં છે તેની યાદી ફરી જોવા જેવી ખરી. સ્વતંત્રતા (લિબર્ટી) વગરના દેશો અને સ્વતંત્રતા ધરાવનાર દેશો વચ્ચે તુલના કરવાથી આ મુદ્દો સ્પષ્ટ થશે.)

સ્વતંત્ર વિચાર માત્ર રાજ્યસત્તાના કારણે જ અવરોધાય છે તેવું નથી. આ અવરોધક પરિબળોમાં રૂઢિ, પરંપરા વગેરે પણ મોટો ભાગ ભજવે છે. ભાષાના રોકેટ વિજ્ઞાનીઓ રોકેટની ગતિ, ગ્રહોની ગતિ વગેરેનું અતિ અટપટ્ટું આકલન કરી શકે છે. આ ગણિતનો વિષય છે – તેમાં કર્મ, નસીબ વગેરેનું કોઈ જ સોનામહોર નથી. પંડિતોની સભા વિચારમાં પડી પણ યાજ્ઞવલ્ક્યે પોતાના શિષ્યોને કહ્યું, ‘આ ગાયો આપણી છે – લઈ ચાલો, પંડિતો આડા પડ્યા; સાબિત કરો કે તમે જ સર્વશ્રેષ્ઠ છો. તે સમયે ગાર્ગીએ કહ્યું – પંડિતો, જો આ યાજ્ઞવલ્ક્ય મારા ત્રણ પ્રશ્નોના જવાબ આપી શકે તો તમારે કોઈએ કાંઈ પૂછવાપણું રહેશે નહીં. ગાર્ગીની આ કક્ષા હતી.

આ ગાર્ગીએ અન્ય એક પ્રસંગે યાજ્ઞવલ્ક્ય સાથે લાંબો શાસ્ત્રાર્થ કર્યો. યાજ્ઞવલ્ક્ય એટલા તંગ થઈ ગયા કે તેમણે ગાર્ગીને કહ્યું- હવે એક પણ પ્રશ્ન પૂછીશ તો તારું માથું ભાંગી નાંખીશ ?!

આપણી હાલની શિક્ષણ પદ્ધતિમાં આ બંને મોડેલ કામ કરે છે. શિક્ષક સર્વજ્ઞ અને સર્વોપરી છે તથા તે કહે તેમાં પ્રશ્નો પૂછવા નહીં. આ બંને મોડલ શિક્ષણનાં મૂળ વિચારની વિરુદ્ધના તો છે જ પણ સ્થાન નથી. છતાં ક્યારેક આ વિજ્ઞાનીઓ રોકેટ છોડતાં પહેલાં ઈષ્ટદેવ પાસે નાળિયેર વધારતા હોય છે ! અમેરિકાના ‘નાસા’ના વિજ્ઞાનીઓ કોઈ નાળિયેર વધારતા હોય તેવું જાણમાં નથી.

આ સમગ્ર ચર્ચના સારરૂપે જોવા મળે છે કે શિક્ષણની પ્રત્યેક પળ અને તેમાં સામેલ દરેક વ્યક્તિ એક ગજબની ગુંજાશ ધરાવે છે. વર્ગની સામે ઊભેલા શિક્ષકે પળેપળ સાવધ રહેવાનું છે અને પોતાની સમક્ષ ઉપસ્થિત માનવદેહી ચેતન-પૂંજોને સંકોરતા અને ખિલવતા રહેવાનું છે. કમનસીબે શિક્ષણ આનાથી સાવ વિપરિત દિશામાં ‘એકલવ્ય-ગાર્ગી મોડલ’માં ઊંડું ખૂંપી ગયું છે ! કોઈ ઉપાય જણાય છે?

[સંપાદક,  અભિદૃષ્ટિ]
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, નવેમ્બર 2022; પૃ. 04-05

Loading

ગૂજરાત વિદ્યાપીઠનું હસ્તાંતરણ 

રોહિત શુક્લ|Opinion - Opinion|16 November 2022

ઓક્ટોબર મહિનો ગૂજરાત વિદ્યાપીઠ માટે મહત્ત્વનો હોય છે. દેશમાંથી અતિ ઉચ્ચકોટિના કોઈક મહાનુભાવના હસ્તે પદવી આપવાનો પ્રસંગ ઉજવાય છે. વિદ્યાર્થીઓ અને સમગ્ર કર્મચારી-અધ્યાપક ગણ તેમાં ઊલટભેર ભાગ લે છે. એક શાંત, ગૌરવપૂર્ણ અને પ્રતીતિજનક વાતાવરણમાં શોભા, સંયમ અને ગૌરવ સાથે આ પ્રસંગ સંપન્ન થાય છે.

પણ ૧૯૨૦માં સ્થપાયેલી આ વિદ્યાપીઠ – યુનિવર્સિટીનું હવે ટેક-ઓવર થયું જણાય છે. આ કદમ નિવારી શકાયું હોત? એક તરફ અનામિક શાહના અનુગામીની પસંદગીનો મુદ્દો વિવાદાસ્પદ રહ્યો. હાઈકોર્ટે પણ આ નવા કુલપતિશ્રીની નિમણૂકને બહાલ ન રાખી. બીજી તરફ યુ.જી.સી.એ વિદ્યાર્થીને અપાતા અનુદાન ઉપર રોક લગાવી દીધી. સદ્દભાગ્યે, ગાંધીજી તરફના પ્રેમ અને સન્માનને કારણે, વિદ્યાર્થીને ઘણી માતબર રકમોનું દાન મળતું રહ્યું છે અને તેથી તેની પાસે મોટું ભંડોળ તો ખરું પણ સાતમા પગારપંચ પ્રમાણેનું પગાર-પેન્શનનું ખર્ચ લાંબા ગાળા માટે, આ ભંડોળમાંથી ઉઠાવી શકાય તેમ ન હતું. અંગ્રેજીમાં એક કહેવત છે : ‘હુ સો એવર પેઝ ધ પાઈપર’, સોસ ઘટ્યું ને ! પૈસો બોલે છે? પૈસાની બોલબાલા હોય છે. આ સૂત્ર વિદ્યાપીઠ જેવી સમાજમાં ઉચ્ચત્તમ નૈતિકતા અને સામાજિક મૂલ્યનું સમાર્જન કરનારી આ સંસ્થા માટે પણ સાચું?

સરકાર પાસેના નાણાં ક્યાંથી આવે છે? તે લોકોના જ પરસેવાની કમાઈ છે, સરકાર માત્ર વહીવટકર્તા છે. વળી, સરકાર જ્યારે ઉદ્યોગોને મદદ કરે છે ત્યારે તેનું હસ્તાંતરણ કરતી નથી. ટાટા કંપનીને નેનો બનાવવા વાસ્તે હજારો કરોડની સહાય આ જાહેર નાણાંમાંથી કરાઈ. આ મદદના બદલામાં સરકારે ટાટા મોટર્સ ઉપર કબજો જમાવ્યો? જો ઉદ્યોગો માટે ઉદારતા દાખવવામાં આવતી હોય તો આવી મહાન શિક્ષણ સંસ્થાને વશ કરવાની મુરાદ શા માટે? યુ.જી.સી. અનેક શિક્ષણ સંસ્થાઓને સહાય કરતી જ આવી છે. ઘણાને વિશાળ જમીનો પણ મફતના ભાવે અપાઈ છે; તેની ઉપર કોઈ માલિકી જતાવાય છે? તો પછી વિદ્યાપીઠ માટે ‘ખાસ ધોરણો’ કેમ? સમાજ સરકાર પાસેથી જાહેરજીવનની ઉચ્ચ નૈતિક ધોરણોની અપેક્ષા રાખે તે સહજ હોવું ઘટે? મોરારજી દેસાઈએ એકવાર કહેલું જો સરકારની જોહુકમી વધી જાય તો વિદ્યાપીઠે અનુદાન લેવાનું બંધ કરવું જોઈએ.’  વિનોબા ભાવેએ એક અલગ સંદર્ભમાં સરકારી સહાય ક્યારે ય ન લેવી તેવો મત વ્યક્ત કરેલો. સરકારી સહાય વગર વિદ્યાપીઠ સહિતની અન્ય સંસ્થાઓના સમગ્ર સંકુલને ચલાવવા માટે ત્યાગ અને સર્વોપણાની ઉત્તમ ભાવના અનિવાર્ય હતી. બીજો માર્ગ અસહકાર, સત્યાગ્રહ કે આંદોલનનો હતો. યુ.જી.સી. સાથે પૂરા સન્માન અને મૈત્રીભાવ સાથે વાટાઘાટો કર્યા પછી પણ ઉકેલ ન આવે તો ‘ગાંધી-માર્ગ’ હતો જ ને? પણ આ માર્ગ પસંદ ન થયો, શા માટે?

શુદ્ધ એકેડેમિક્સના મુદ્દા રૂપે પણ વિદ્યાપીઠના કિસ્સાની ભીતરમાં ઉતરવા જેવું છે એચ.આર. સામાજિક સંરચના, મૂલ્યો માટેની નિર્દંભ પ્રતિબદ્ધતા વગેરે જેવા મુદ્દા પણ અહીં જોવા-સમજવા મળે છે. આ વાતને વધુ સ્પષ્ટ કરવા વાસ્તે વિદ્યાપીઠની જેમ જ લગભગ સો-સો વરસની બે સંસ્થાઓનો પણ વિચાર કરીએ.

આવી એક સંસ્થા છે ‘બી.બી.સી.’ બ્રિટિશ બ્રોડકાસ્ટÏગ કોર્પોરેશન ૧૯૨૨માં શરૂ થયું. રૂપર્ટ મરડોકે પણ તેને ટેક ઓવર કરવાની ચેસ્ટા કરી નથી.

અલબત્ત, તેની રાજકીય અને આર્થિક ફિલસૂફી અને સૂક્ષ્મ વલણો શોધી શકાય તેમ છે; પરંતુ અભિવ્યક્તિની સચોટતા, વૈશ્વિક પરિપ્રેક્ષ્ય અને માનવલક્ષી સંવેદનાની બાબતમાં તેનો જોટો જડવો મુશ્કેલ છે. તેને સો વરસે જુવાની ફૂટતી જાય છે. વિદ્યાપીઠ રૂપી ગાંધીનો ડેલો સો વરસમાં ખખડી ગયો પણ આ બી.બી.સી., કવિ કાલિદાસની શકુન્તલાની જેમ क्षणे क्षणे यन्नवतामुपैति: ક્ષણે ક્ષણે નીત યુવા બનતી જાય છે! શું હશે રહસ્ય? મેન-પાવર પ્લાનિંગ, સોશ્યલ એહોઝ, વર્ક કલ્ચર? સંસ્થાઓ અને મેનેજમેન્ટમાં રસ ધરાવનારાઓએ વિચારવું રહ્યું.

આવી જ અન્ય – સો વરસ પૂરા કરવામાં હોય તેવી સંસ્થા છે આર.એસ.એસ. ! આ સંસ્થાનો પ્રારંભ તો થોડાક ઉચ્ચવર્ણના સવર્ણોએ કર્યો. પણ કેટલા સમર્પણ અને ત્યાગના ભાવ સાથે તે સતત દડમજલ કરતી જ રહી. સવાલ એ છે કે આર.એસ.એસ.ના પ્રચારકો જેવા ગાંધી વિચારના પ્રચારકો કેમ જોવા જ ન મળ્યા? અલબત્ત, ક્યાંક અને ક્યારેક ગાંધી વિચારવાળા પણ ‘જીવનદાન’ કરીને સમાજમાં પ્રવૃત્ત થયા, પરંતુ ઘણા બધા સ્વનામધન્ય એવા એકલવીર બનીને ઝઝૂમ્યા. જુ.કાકા, ચુનીકાકા, નવલભાઈ કે લોકભારતીના દર્શક કે બુચદાદાના કામો અવિસ્મરણીય છે. આમ તો આર.એસ.એસ. અને ગાંધીના અનુયાયીઓની તુલના કરવાની કોઈ જરૂર નથી; પણ સવાલ સમાજને દિશા આપવાનો – ગાંધીના સંદર્ભે હિંદ-સ્વરાજનો છે. જ્યારે આર.એસ.એસ.નો પ્રભાવ વધી રહ્યો છે ત્યારે ગાંધીજનો વેરવિખેર કેમ જણાય છે? શુદ્ધ એકેડેમિક્સ અને ઓર્ગેનિઝેશનલ બિહેવિયરની દૃષ્ટિએ કયા પરિબળો દ્વારા કયા ચાલકબળ નીપજ્યા તેની એક મીમાંસા અથવા ભાષ્ય રચવા જેવું છે. આ હ્યુમન રિસોર્સ અને મેન પાવરના સંદર્ભમાં એક સીધો અને બામજોગ પ્રશ્ન એ પૂછી શકાય કે ગોપાલ ગાંધીના વિદ્યાર્થી પ્રવેશને કેમ અવરોધવામાં આવ્યો?

આવા કોઈપણ મનોયત્નમાં આ કે તે તરફના દોષારોપણ કે ખોડખાંપણ શોધવાનો કોઈ જ ઇરાદો ન હોઈ શકે; સવાલ એ છે કે બી.બી.સી., આર.એસ.એસ. અને વિદ્યાપીઠ જેવી સંસ્થાઓ ઉપર સો વરસના કાળના થપાટાની અસરો ભિન્ન ભિન્ન કેમ રહી? બી.બી.સી. માટે જો બ્રિટિશ કલ્ચર ઉપયોગી બન્યું હોય તો વિદ્યાપીઠ માટે ભારતીય કલ્ચર ક્યાં નબળું પડ્યું? આઝાદ ભારતમાં વિદ્યાપીઠને ભરપૂર પ્રેમ, આદર અને દાન મળવા છતાં આપણામાં શું ખૂટ્યું?

સંસ્થાઓ દ્વારા સમાજ અને દેશ બનતા હોય છે. વ્યક્તિઓ અને વ્યક્તિ-વિશેષકો કે જનસમૂહોના ધક્કા અને નિર્ણયો સમાજને ક્યારેક કાર્યસાધક તો ક્યારેક કાર્ય બાધક નીવડતા હોય છે. ૧૯૬૬માં પેરિસની સોબોર્ન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ મસમોટું આંદોલન છેડ્યું હતું. તેની નેતાગીરી ફ્રાંસના પ્રખ્યાત ફિલસૂફ અને અસ્તિત્વવાદી પ્રોફેસર ઝ્યાં પોલ સાર્ત્રના હાથમાં હતી. તે સમયે ફ્રાંસના પ્રમુખ તરીકે દ’ગોલ હતા. અધિકારીઓએ દ’ગોલ પાસે જઈને કહ્યું, ‘આ સાર્ત્રની ધરપકડ કરી લઈએ; બધું શાંત થઈ જશે.’ દ’ગોલે કહ્યું, ‘સાર્ત્ર એટલે જ ફાંસ ! તમે સમગ્ર ફ્રાંસને જેલમાં પૂરી દઈ ન શકો.’

આવી સંવેદનશીલતા ધરાવતા શાસકોનો સમાજ કેવો હશે? તેની સંસ્થાઓ કેવી હશે? ત્યાં માનવ-વ્યવહારો કયા મુદ્દાના આધારે ચાલતા હશે? ‘વિદ્યાપીઠ તરફ પ્રેમનો નાતો જાળવીને આ પ્રશ્નોના ઉત્તરો મેળવવા રહ્યા !

ગૂજરાત વિદ્યાપીઠને ગાંધીજીએ ૧૯૨૦માં સ્થાપી પણ પૂર્વમાં કવિવરશ્રી રવીન્દ્રનાથ ટાગોરે ૧૯૦૧માં શાંતિનિકેતનની સ્થાપના કરી. આ બે વચ્ચેની તુલના વિશે વિગતે વિચાર થવો ઘટે. શાંતિનિકેતનમાંથી સમાજને નંદલાલ બોઝ અને અમર્ત્ય સેન સાંપડ્યા. ગૂજરાત વિદ્યાપીઠે શું આપ્યું? આ સ્થળે બહુ વિગત તુલના શક્ય નથી. અન્ય કોઈ વધુ સમર્થ અભ્યાસી આ બાબતે વધુ પ્રકાશ પાડી શકે. સવાલો અનેક છે; થોડાક મુદ્દા નોંધીએ :

૧. ગાંધીજીનાં મૂલ્યોને જીવનમાં ઉતારતા જ રહે તેવા સાથીઓ અને પેઢીઓ સાંપડ્યા ખરા? કેટલાં? તેમનો સમાજ ઉપર શો પ્રભાવ પડ્યો?

૨. મગનભાઈ દેસાઈ, નવલભાઈ શાહ અને અગાઉ કાકાસાહેબ કે કૃપલાનીજી સિવાય વિદ્યાપીઠના પરિસરના કોઈ મુખ્ય નામ ખરાં?

અલબત્ત ગાંધી-વિચાર અને સાથોસાથ વિદ્યાપીઠે પણ ગુજરાતના સાહિત્યિક શૈક્ષણિક તથા સમાજસેવાના ક્ષેત્રોમાં અતિ મહત્ત્વનું યોગદાન આપી જનારા અને આપતા અનેક વ્યક્તિત્વો ખીલવ્યા છે. આ સંખ્યા સારી એવી છે. થોડાંક નામનો ઉલ્લેખ પણ આ દિશા ખોલવામાં અપના છે. સર્વશ્રી દર્શક, ચુનીભાઈ વૈદ્ય, કરમશીભાઈ મકવાણા,, સેવા સેવા રૂરલ-ઝઘડિયા વગેરે અનેક મહાનુભાવો ગાંધીવિચારનો સમાજને સાક્ષાત્કાર કરાવવા જીવન ખર્ચ્યું છે.

૩. મૂલ્યના આગ્રહો અને નિશ્ચિત સ્વરૂપની જીવનપદ્ધતિના આગ્રહો વિદ્યાપીઠમાં પળાયા અથવા તે પાળવાનો વધુ કે ઓછો દેખાવ કરાતો રહ્યા. સામે પક્ષે શાંતિનિકેતનમાં, (અમદાવાદની ‘શ્રેયસ’ની જેમ) બાળકોની સર્જનાત્મકતા સાહજિકતા અને સ્વયમ્ સ્ફૂરણ ઉપર વિશેષ ભાર મૂકાયો. આમાંથી શિક્ષણનાં સ્વરૂપ, પદ્ધતિ તેમ જ સંચાલનની બાબતે અનેક પદાર્થ પીઠો નીવજે છે :

પાળી ન શકાય તેવાં મૂલ્યોના આગ્રહમાંથી માત્ર દંભ પ્રગટે છે. 

ખુલ્લાપણું અને સર્જનક્ષમતાને ઉત્તેજન અપાય તો શિક્ષણ વધુ કારગત નીવડે છે. 

જીવનમૂલ્યોનું શિક્ષણ આપી શકાય કે તેનો બોધ થઈ શકે? 

અહીં ૧૯૦૧માં સ્થપાએલા શાંતિનિકેતનની તુલનાને લક્ષમાં લેવા જેવી છે.

વિદ્યાપીઠની હાલની સ્થિતિ અચાનક ઊભી નથી થઈ. પેઢીઓથી તેમાં દૂધ રેડવાને બદલે પાણી રેડાતું રહ્યું છે. સો વરસના માતબર અસ્તિત્વ પછી પણ સમાજમાં ગાંધી-વિચારનાં મૂળ ખાસ ફેલાયા નથી. આ સંજોગોમાં એક અતિ મહત્ત્વના સંશોધન પ્રોજેક્ટ તરીકે વિદ્યાપીઠ શાંતિનિકેતન, બી.બી.સી. આર.એસ.એસ.ની તુલના કરવા જેવી ખરી? જવાબ મળે અને પુનર્રચના થાય તે અપેક્ષાએ સવાલો તો પૂછીએ ! દિલચોરી વગર સવાલો પૂછવાનું ગજુ તો બચ્યું હોય તો બહાર કાઢવાનો સમય આવી લાગ્યો છે. બાકી વિદુર અને દ્રૌપદીના સવાલોના જવાબમાં ભીષ્મે કહેલું : अर्थस्य पुरुषो दासः

[અર્થશાસ્ત્રના પૂર્વ પ્રાધ્યાપક,  સ.પ.ઈ. ઓફ ઈકો. સોશ્યલ રિસર્ચ, અમદાવાદ]
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, નવેમ્બર 2022; પૃ. 02-04

Loading

...102030...1,3571,3581,3591,360...1,3701,3801,390...

Search by

Opinion

  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved