Opinion Magazine
Number of visits: 9458822
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મેઘાણીની જેલ-કથાઓનો સંન્નિષ્ઠ નાટ્યપ્રયોગ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|14 June 2022

યુવા કલાકારોએ સંન્નિષ્ઠાથી ભજવેલાં ‘કલ્પના મૃત્યુ 2.0’ અને ‘વૉર્ડ X X’ નામનાં બે નાટકો ‘પ્રયોગશાલા’ ખાતે 12 જૂનના રવિવારે જોવા મળ્યાં.

ધારેશ શુક્લ દિગ્દર્શિત બંને નાટકોમાં ગુણવત્તાભર્યું નાટ્યનિર્માણ કરવાની કોશિશ અભિનય, મંચસજ્જા, વેષભૂષા, પ્રકાશ અને સંગીત જેવાં અનેક પાસાંમાં જોઈ શકાતી હતી.

‘કલ્પના મૃત્યુ’ ઝવેરચંદ મેઘાણીના અનન્ય અને ઓછા જાણીતા ‘જેલ-ઑફિસની બારી’ વાર્તાસંગ્રહમાંથી કેટલીક વાર્તાઓનું વિરજગીરી ગોસાઈ અને દિગ્દદર્શકે કરેલું નાટ્યરૂપાંતર છે. ‘વૉર્ડ X X’ વિહંગ મહેતાનું જાણીતું એકાંકી છે.

મેઘાણીએ જે સંગ્રહને જેલ-ઑફિસની બારીની ‘આત્મકથા’ ગણાવ્યો છે તેમાં 1930-31ના અગિયાર મહિનાના કારાવાસ દરમિયાન તેમના હૃદયમાં પડેલી છબિઓ અંકાયેલી છે.

આ તસવીર 'જેલ-ઑફિસની બારી' પુસ્તકના આવરણની છે, જેમાં નામ આવી શક્યું  નથી.

જેલવાસમાં ફાંસીખાનું અને ફાંસી-તુરંગ એમના પાડોશી હતા. લેખકને જેલરની ઑફિસમાં કારકૂનનું કામ મળેલું. જેલ ઑફિસની બારી સાથે ‘રોજિંદો સમાગમ’ હતો. ‘બારીએ જે કંઈ બબડ્યા કર્યું’ તે એમણે સંઘરી રાખ્યું.

જેલ ઑફિસની બારીને જ નાટકનું એક મુખ્ય પાત્ર અને સૂત્રધાર બનાવવી એ દિગ્દર્શનનો માસ્ટર સ્ટ્રોક છે. આ પાત્રને લાજવાબ રીતે ભજવનાર ધારા પુરોહિત વિશિષ્ટ વેષભૂષામાં છે. ઘેરા કાળા રંગનો  લાંબો વેશ અને આખા ચહેરા પરના સફેદામાં ચોકડીઓ જે અચૂક જેલ-ઑફિસની બારીની જાળી સૂચવે છે. બારીનું પાત્ર રીતે બતાવવું એ કદરદાન પ્રેક્ષકને આફરીન કરી દેનારી દિગ્દર્શકીય સૂઝ છે.

પહેલાં દૃશ્યનો આલેખ નવલિકા સંગ્રહના બારીનાં સ્વકથન ‘આંસુની મહેફિલ’ પર આધારિત છે. વાચિક અને આંગિક બંનેમાં ઠીક શૈલીબદ્ધ (stylized) રીતે રજૂ થયેલી બારીની વાત અહીં સ્વગતોક્તિ (soliloquy) નહીં બની  રહેતાં વધારે અસરકારક ‘એકોક્તિ’ (monologue) બને છે. તેનું કારણ એ છે કે મંચના આગળના ભાગે ડાબી બાજુથી બારી બોલતી હોય ત્યારે મંચના મુખ્ય હિસ્સામાં જેલના પાત્રો મૂક અભિનય દ્વારા દૃશ્યો ભજવતાં રહે છે, જે જેલ અધિકારીઓની ક્રૂરતા અને કેદીઓની કરુણતાનો નિર્દેશ કરે છે.

ત્યાર બાદ ‘મારો ભૈ ક્યાં’ વાર્તામાં કેદીને મળવા આવેલી બહેન (ખુશી ઉપાધ્યાય) સાથેના જેલ  અધિકારીઓની દયાહીન વર્તણૂકનું દૃશ્ય જોવા મળે છે. ‘ફટકાની લજ્જ્ત’ નામની વાર્તામાં વર્ણવાયેલી કેદીઓ પરની ક્રૂર ફટકાબાજી એક દૃશ્યમાં વિશેષ જોશથી ભજવાય છે.

પછી મારપીટથી બહુ ઘાયલ થયેલા કેદીઓને પાટાપીંડી કરવા આવતા ‘દાક્તર દાદા’(દર્શન કુમાર)નું  દૃશ્ય છે. સંદિગ્ધતાભર્યા આ પાત્રનું દૃશ્ય મોટે ભાગે મૂક અભિનયથી ચાલે છે, અને તેનું કથન બારી કરે છે. તે જ પ્રમાણે બારી પાસેથી ‘હરામના હમેલ’ વાર્તાની બે મહિલા કેદીઓનાં વીતક સાંભળવા મળે છે. તેમાં જુલમી પઠાણના ખૂનમાં સામેલ ત્રિવેણી ડોશીને ‌‌‌‌‌‌‌ઇશા ઉપાધ્યાયે એક પણ શબ્દ વિના ઉપસાવી છે.

બાળકને ધવડાવ્યાં વિના ટટળતું રાખનાર, માત્ર મોં નીચે ઢાળીને અક્કડ ઊભી રહેનાર અને એક જ સોંસરું વાક્ય બોલનાર વીસ જ વર્ષની રૂપાળી વિધવાના પાત્રનું ખુશી ઉપાધ્યાયે ભજવેલું દૃશ્ય દિલને અડી જાય છે.

શહેરની બજારમાં વૈતરું કરતો જમાલ ડોસો (સંજય પરમાર) જેલમાંથી છૂટવાનો હોય છે તેના આગળના દિવસે વીસ રૂપિયા પગારવાળો જેલ કારકૂન (મયૂર ગોહિલ) જમાલના નામે જમા પાંચ રૂપિયા અને સવા ચાર આનામાંથી તેને સવા ચાર આના જ પાછા આપે છે.

મૂળ રકમ માટેની માગણીના જવાબમાં બાકીના રૂપિયાને બદલે કડવાં વેણ અને માર મળે છે. ઘાતકીપણાનું આ દૃશ્ય લગભગ સાચો અત્યાચાર  થતો હોય તેવી છાપ ઉપજાવે છે.

રાજકેદીને જેમલો (મયૂર ગોહિલ) ઘરનાં નળિયાં અને વોડકી(વાછડી)ની ચિંતા વ્યક્ત કરતો કાગળ લખાવે એ નાનાકડું દૃશ્ય તાળીઓ લઈ જાય છે. ફાંદાળો ભીલ જેલમાંથી છૂટીને કહેવાતાં સારા માણસોની દુનિયામાં તિરસ્કૃત જીવન કેવી રીતે વીતાવવું એની મૂંઝવણને લીધે ફાંસીની સજામાંથી મુક્તિ મેળવ્યા પછી પણ આનંદ અનુભવી શકતો નથી અને મૃત્ય ઇચ્છે છે.

રૂપાંતરકારોએ નાટકનું નામ ‘ફાંદાળો ભીલ’ વાર્તા અને તેના ‘શું સાચું!’ શીર્ષક હેઠળનાં ચિંતન પરથી પાડ્યું છે. અભિનય માટે બહોળી તક પૂરી પાડનાર આ પાત્ર રાજકેદીની ભૂમિકા પણ નિભાવનાર ધ્રુવીન કુમારે સફળતાથી ભજવ્યું છે. વિપુલ પ્રજાપતિએ ભજવેલું મુકાદમનું પાત્ર પણ ધ્યાન ખેંચે છે.

‘જેલ ઑફિસની બારી’માં મેઘાણીનું  ગદ્ય વિશિષ્ટ છે. આલેખકોએ તેને કથનમાં જાળવ્યું જ છે, સંવાદો લખવામાં ય તેની સાથે ખાસ છૂટ લીધી નથી. કલાકારો પણ તેમને પરિચિત ગુજરાતી ભાષા કરતાં ક્યારેક જુદા શબ્દપ્રયોગો, પદક્રમ અને લહેજાવાળી ભાષાને એકંદરે વફાદાર રહ્યા છે, જે આ નાટ્યપ્રયોગનું એક  ઉજળું પાસું છે.

ઓછી જગ્યામાં ઘણાં પાત્રો સાથેની દૃશ્યરચનાઓ દિગ્દર્શકની સમજ  બતાવે છે. મંચ પર સતત ગતિ અને ઊર્જા દેખાય છે. નાટકોમાં પ્રકાશ સંચાલન દિગ્દર્શક પોતે કરતા હોય એવી  ઓછી  જોવા મળતી બાબત અહીં છે. ‘યુગવંદના’ કાવ્યસંગ્રહમાંથી પુસ્તકમાં મૂકવામાં આવેલાં ‘કેદીનું કલ્પાંત’ ગીતના કેટલાક અંતરા ગાનાર વિધિ ઉપાધ્યાયે નાટકનું સંગીત પણ સંભાળ્યું છે જેનું સંચાલન રુદ્ર ત્રિવેદીએ કર્યું છે . જેલ ઑફિસની દીવાલોનો સન્નિવેશ નાટક માટે બિલકુલ બંધબેસતી પાર્શ્વભૂમિ પૂરી પાડે છે.

******

વિહંગ મેહતાના ‘વૉર્ડ X X’ નાટકમાં એવા બે સૈનિકોની  વાત છે. યુદ્ધમાં થયેલી ઇજાને કારણે એમના શરીરનો કમરથી નીચેનો હિસ્સો નકામો થઈ ગયો છે. તેઓ વર્ષોથી એક દૂરની હૉસ્પિટલની પથારીમાં પડ્યા છે. તેમની અત્યંત કફોડી હાલત ક્યારેક હળવા હાસ્ય તો ક્યારેક બ્લૅક હ્યૂમર સાથે રજૂ  થાય છે. નાટકમો વક્રોક્તિપૂર્ણ અંત ચોકાવનારો છે.

લગભગ આખું નાટક વાચિક પર જ છે જે દીપેન રાવલ અને દિગ્દર્શક બંનેએ ખૂબ પ્રભાવી રીતે પાર પાડ્યું છે. ડોક, હાથ અને હાથના પંજા પાસેથી પણ સરસ કામ લીધું છે. નાટકનો અંત અને તેમાં ય અંતિમ દૃશ્ય યાદગાર રીતે ભજવાયાં છે.

*****

‘જેલ-ઑફિસની બારી’ પુસ્તક અને તેનું આ મંચન કેદીઓની આત્યંતિક દુર્દશાના અનેક પાસાં બતાવીને ભાવકોને અસ્વસ્થ કરે છે. મેઘાણીએ 1934માં લખેલી આ વાર્તાઓ વિશે સાંપ્રતમાં વિચારતાં કંઈ કેટલું ય મનમાં ઊભરાઈ આવે છે :

વિચરતી અને વિમુક્ત જાતિઓ પર મોટે ભાગે તો કોઈ વાંક વગર કેવળ એક જમાનાનો ‘જન્મજાત ગુનેગાર’ એવો સિક્કો લાગવાને કારણે ગુજરાત સહિત દેશની જેલોમાં થતા અત્યાચારો, પોલીસ કસ્ટડીમાં સહુથી વધુ મોતના આંકડાનો ગુજરાતનો વિક્રમ, અક્ષરધામ પરના હુમલાના આરોપમાંથી 11 વર્ષ બાદ જેલમાંથી નિર્દોષ છુટેલા મુફ્તી મહમદ કયૂમનું ‘ગ્યારહ સાલ સલાખોં કે પીછે’ નામનું પુસ્તક, કાચા કામના કેદી તરીકે જેલમાં વર્ષોથી સબડતા લોકોની સંખ્યા અને યાતનામાં થતો વધારો, લોકશાહી દેશમાં વિરોધને દબાવી દેવા માટે સરકારે જેલમાં ધકેલેલા કર્મશીલોનો પ્રદીર્ઘ કારાવાસ, સિત્તેર ટકા વિકલાંગતા સાથે નાગપુર જેલની અંડા સેલમાં વ્હીલચેરમાં રિબાતા પ્રો. જી.એન. સાઈબાબા, ભીમા-કોરેગાવ કેસના અનેક આરોપીઓ જેમાં તેલંગણાના 81 વર્ષના જેલવાસી કવિ  વારા વારા રાવ; એ જ કેસમાં કાચા કામના કેદી અને આદિવાસીઓના કર્મશીલ સ્ટૅન સ્વામી જે 84 વર્ષની ઉંમરે જામીન નહીં મળવાથી, અનેક વ્યાધિઓથી પીડાતાં પીડાતાં જેલમાં ગયાં વર્ષે 6 જુલાઈએ મૃત્યુ પામ્યા.

‘કલ્પના મૃત્યુ’ કે ‘જેલ-ઑફિસની બારી’ કૃતિઓ જોઈ-વાંચીને આપણે કેદીઓ અને કાચા કામના કેદીઓની પીડા તરફ સંવેદનશીલ, અને તેને માટે જવાબદાર પરિબળોની બાબતે સભાન બનીએ  એમાં એમની સાર્થકતા છે.

****

આ ‘ફીનિક્સ’ નાટ્યવૃંદે 2019માં ‘જેલ-ઑફિસની બારી’ની અન્ય કેટલીક વાર્તાઓનો ‘કલ્પના મૃત્યુ 1.0’ નામે કરેલો પ્રયોગ જોવા મળ્યો હતો.

બંને ગુણવત્તાપૂર્ણ નાટ્યપ્રયોગોના પૂરા કદના સંયુક્ત નિર્માણને સાહિત્ય સંસ્થાઓ અને રાજ્યની સંગીત નાટક અકાદમી નોંધાપાત્ર ટેકો કરે એ ઝવેરચંદ મેઘાણીના સવા શતાબ્દી વર્ષમાં ખૂબ યોગ્ય કામ થશે.

13 જૂન 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અદાલતોને બુલડોઝરોનો પડકાર

અનુવાદ : સ્વાતિ સંજય ભાવે|Opinion - Opinion|14 June 2022

બુલડોઝરોએ બંધારણીય અધિકારો સામે પડકાર બન્યાં ફેંક્યો છે. પણ આપણી સહુથી ઊંચી કક્ષાની અદાલતો પ્રતિભાવ આપી નથી રહી. એવું લાગે છે કે જાણે તે બધિર કે બેહોશ છે. બળનો ઉપયોગ ગેરબંધારણીય રીતે કરી રહેલી સરકારો સામે આવી છે ત્યારે અદાલતો એક પ્રકારની પદ્ધતિસરની નિષ્ક્રિયતામાં સરી પડી છે.

ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ, પછી ગુજરાત, આસામ, ત્રિપુરા અને દિલ્હીમાં વધુ ને વધુ ઘરો તોડી રહેલાં મ્યુનિસિપલ સત્તાવાળાઓની જાણે બુલડોઝર મંડળી બની છે, અને મૂળભૂત અધિકારોના ભંગનો ફેલાવો વધતો જઈ રહ્યો છે. પણ બૂલડોઝરનાં પૈડાં કરતાં ન્યાયનાં ચક્રોની ગતિ ઘણી ધીમી છે.

એપ્રિલમાં ખરગોનનાં રમખાણોનાં પગલે કરવામાં આવેલાં ડિમૉલિશનને લઈને મધ્ય પ્રદેશની વડી અદાલતે રાજ્ય સરકારને નોટિસ ફટકારી હતી. પણ તે પછી અત્યાર સુધી કશું જ થયું નથી. દિલ્હીમાં જહાંગીરપુરીમાં થયેલા ડિમૉલિશન પર સર્વોચ્ચ અદાલતે 20 એપ્રિલે સ્ટે આપ્યો અને કેસની  સુનાવણી ઑગસ્ટમાં રાખી. અદાલતોએ વધુ તાત્કાલિકતા અને તાકીદ બતાવવી જોઈએ.  ન્યાયતંત્રની મુખ્ય ફરજ યોગ્ય ન્યાયિક પ્રક્રિયાથી ગુનો અને સજા નિશ્ચિત કરવાની છે. તે અત્યારે દાવ પર લાગી છે ત્યારે વડી  અદાલતો અને સર્વોચ્ચ અદાલતો સુઓ મોટૂ નોટિસ પણ કાઢી શકે. 

ન્યાયતંત્રને પોતાની ભૂલ સુધારવાની તક પ્રયાગરાજમાં કરવામાં આવેલાં ડિમૉલિશનની સામે ગઈ કાલના સોમવારે અલ્લાહબાદની વડી અદાલતમાં દાખલ થયેલી યાચિકા પૂરી પાડી શકે તેમ છે. એ યાચિકા એમ કહે છે કે સત્તાવાળાઓએ જે ઘર તોડી પાડ્યું તે ‘હિંસક દેખાવો’ યોજનાર આરોપીની પત્નીના નામે છે.  આ હકીકત બુલડોઝર અ‍ૅક્શનના સહુથી ખરાબ પાંસા પર સીધો પ્રકાશ ફેંકે છે.

ગુનેગાર કોણ છે તે અદાલતોની બહાર નક્કી થાય છે, એટલું જ નહીં આરોપીના પરિવારને સજા આપવામાં આવે છે. સામૂહિક સજાનો ખ્યાલ મધ્ય યુગમાં લોકપ્રિય હતો, એટલું જ નહીં તેને કાનૂન તરીકેની  માન્યતા પણ હતી. આવા ન્યાયને બંધારણીય લોકશાહીમાં કોઈ સ્થાન નથી. અને છતાં ગયાં બે-એક વર્ષમાં અને એમાં ય હમણાંના થોડાં અઠવાડિયામાં રાજ્યના અધિકરીઓના હુકમે ચાલતાં બુલડોઝરો કાયદાના શાસન અંગે ભયજનક સવાલો ઊભાં કરી રહ્યાં છે.

‘બુલડોઝર ન્યાય’ની સામે ન્યાયિક અવરોધ ઊભો કરવો વડી અદાલતોની અખત્યારીમાં છે. મુખ્ય મંત્રી કે મ્યુનિસિપલ સત્તાવાળાઓ ન્યાયાધીશોના હુકમને ઉથાપે એવી સંભાવના ઓછી છે. જ્યારે અદાલતો મજબૂત રીતે હસ્તક્ષેપ કરે છે ત્યારે માથાભારે વ્યવસ્થાતંત્રો પણ સુધરતાં હોય છે. આનો સરસ દાખલો લખીમપુર ખેરીની તપાસ અંગે સર્વોચ્ચ અદાલતે નિર્દેશો આપ્યા તે હકીકતથી મળે છે. 

ન્યાયવ્યવસ્થા એની તમામ મર્યાદાઓ છતાં નાગરિક અધિકારોના રક્ષક તરીકે કાર્યરત છે. એને બુલડોઝરથી નિષ્ક્રિય બનાવી શકાતી નથી.

‘ધ ટાઇમ્સ ઑફ  ઇન્ડિયા’ (14 જૂન 2022) ના તંત્રીલેખનો  અનુવાદ

https://timesofindia.indiatimes.com/blogs/toi-editorials/system-bull-dazed-as-bulldozers-roll-on-higher-courts-almost-seem-to-be-in-a-daze-they-must-respond/?fbclid=IwAR0J7-wWDZzDVK6cFVhlaGn6c_zz4t_C0rGL6enNp-ZdZtas2pZ5ZVRQdWo

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સ્વયંભૂ

બીજલ જગડ|Opinion - Opinion|14 June 2022

આખી દુનિયાને; એક ખૂણો નિરાંતનો બસ છે,
હો ભલે જગતનાં સુખ તમામ નિત્ય ખ્વાબમાં.

આ જિંદગી કેવી ઉતાવળથી જીવાતી જાય છે,
યુગયુગોની ક્ષણ ગણું છું ફજરની નમાઝમાં.

કિંતુ હજી ય દિલચસ્પ છે મનોરમ્ય જીવનની કથા,
ચશ્માં જેવી આંખથી વાંચે અનેક નકશા નકાબમાં 

ૐ તત્સત્ સ્વયંભૂ જેમાંથી પત્રકમળ ખીલેલાં,
બહાર અંદરથી એક જ નકશો સફરના માર્ગમાં.

હું જર્જરિત છું ને સઘળા બંધનથી મુક્ત છું,
હળવો ફૂલ બની ફરું છું; ચમનની ફૂલછાબમાં.

ઘાટકોપર, મુંબઈ

e.mail : bijaljagadsagar@gmail.com

Loading

...102030...1,3541,3551,3561,357...1,3601,3701,380...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved