Opinion Magazine
Number of visits: 9458681
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પારેવાં

બીજલ જગડ|Opinion - Opinion|28 June 2022

ડાળી પર ઝૂલતું આખું આકાશ,
ફૂલ મહીં ખુશ્બોના પેઠે રંગાઈ;
સાવ અજાણી વાતો પારેવાં થઈ છે,
ઝુલ્ફોની ખુશ્બૂ હવા થઈ લેહરાઈ.

વેરાનીના ખોળે કદી ફૂલો નથી ખીલતાં,
ગુજારી કંઈક કેટલી રંગીન તન્હાઈ,
અકદરું હાસ્ય ને થાય હૃદય થોડું હળવું,
અજનવી આંખોમાં થઈ છે રુસ્વાઈ.

ભેદ જે જાહેરમાં હવે સાંતળવો પડશે,
અજાણ્યે નીકળી ગયા બોલ બોલાઈ,
રંગખુશ્બૂ તો ફક્ત કેવળ એક નામ છે,
ગભરું આંખોમાં ભેંકાર પટ દેખાઈ.

સમજી શકો તો અમારી પરિભાષા પ્રેમની,
મારા કવનથી અજનવી આંખોમા દેખાઈ,
જે અંધ પ્રેમને ગણે એ વાત ના સમજી શકે,
આપમેળે બે વાત કરી પારેવાં ગૂંથાઈ.

ઘાટકોપર, મુંબઈ

e.mail : bijaljagadsagar@gmail.com

Loading

પાગલ પ્રોફેસર

સુરેશ જાની|Opinion - Opinion|28 June 2022

મધ્યપ્રદેશના દક્ષિણ ભાગમાં આવેલા બેતુલ જિલ્લાના શાહપુર પોલિસ સ્ટેશનમાં સન્નાટો વ્યાપેલો છે. પોલિસ ઓફિસર રાજેન્દ્રકુમાર ધ્રુવની ઓફિસમાં, તેમની સામે એક જટાજૂટ જોગી જેવો એક માણસ બેઠેલો છે. તેના લઘરવઘર વાળ અને રૂક્ષ ચહેરો જોઈ રાજેન્દ્ર કુમારને તેની સામે આવેલી નનામી ફરિયાદ બાબત કોઈ શંકા નથી.

‘આલોક! તમે ગરીબ આદિવાસી લોકોને ક્રાન્તિ કરવા ભડકાવો છો, એવી ફરિયાદ તમારી સામે છે. જો એ ફરિયાદ સાચી ઠરે, તો તમારે ચોવીસ કલાકમાં બેતુલ જિલ્લો છોડી દેવો પડશે. તમે એમ નહીં કરો, તો મારે જાહેર સલામતી ખાતર તમને લોક અપમાં પૂરવા પડશે. તમારે એ બાબત શું કહેવાનું છે?’

આલોકે આ આક્ષેપ પાયા વગરનો છે, તેમ જણાવ્યું. સાથે આવેલા કોચામુ ગામના મુખીએ પણ તેની સ્થાનિક બોલીમાં હોંકારો ભણ્યો, અને આલોક તો ભગવાનનો અવતાર છે, એમ કાકલૂદી કરીને કહ્યું.

રાજેન્દ્ર, “તમારી ઓળખ આપતી કોઈ સાબિતી તમારી પાસે છે?”

આલોકે જભ્ભાના ખિસ્સામાંથી કાર ચલાવવાનું લાયસન્સ કાઢીને બતાવ્યું.

રાજેન્દ્ર, “પણ આમાં તો નવી દિલ્હીનું સરનામું છે. ત્યાં તમે છેલ્લે ક્યારે ગયા હતા?”

આલોક, “સાહેબ, છેલ્લાં ૨૬ વર્ષથી હું તો અહીં આ લોકોની સાથે જ ગુડાણો છું.”

રાજેન્દ્ર, “તમે દિલ્હીમાં શું કામ કરતા હતા?”

આલોક, “હું ત્યાં પ્રોફેસર તરીકે કામ કરતો હતો.”

રાજેન્દ્ર ( ચમકીને) “તમે પાગલ થઈ ગયા છો? દિલ્હીની એકેય કોલેજનું નામ પણ તમને ખબર નહીં હોય. કઈ કોલેજમાં તમે ભણાવતા હતા?”

આલોક, “સાહેબ! આઈ.આઈ.ટી.માં.”

રાજેન્દ્રને ખાતરી થઈ ગઈ કે, આ માણસ પાગલ છે, અથવા પાકો ગુનેગાર છે. તેણે એની સાબિતી બતાવવા આલોકને જણાવ્યું.

આલોકે વળી ખિસ્સામાંથી પ્લાસ્ટિકની કોથળીમાં રાખેલું આઇડેન્ટિટી કાર્ડ બતાવ્યું. – ‘સિનિયર પ્રોફેસર’.

“તો તો તમે એન્જિયરિંગનું ભણેલા હશો, એમ ને?”

“હા, સાહેબ! ત્યાં હું પોસ્ટ ગેજ્યુએટ વિધ્યાર્થીઓને ભણાવતો હતો.”

“ગપ્પાં ના મારો. મને ખબર છે કે, એ લેવલ પર ભણાવનાર પી.એચ.ડી.ની ઉપાધિ ધરાવતો હોવો જોઈએ. પી.એચ.ડી. એટલે શું? એ ય તમને તો ખબર નહીં હોય.” – રાજેન્દ્રે તોછડાઈથી કહ્યું.

“સાહેબ! લો આ મારી ઉપાધિના સર્ટિફિકેટની કોપી.”

અને રાજેન્દ્રના ટેબલ પર અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરની રાઈસ યુનિવર્સિટીએ એનાયત કરેલું સર્ટિફેકેટ ઝગારા મારવા લાગ્યું.

આમ પૂછપરછ ચાલતી હતી, ત્યાં જ શ્રમિક આદિવાસી સંગઠનના અનુરાગ મોદી પોલિસ સ્ટશનમાં પ્રવેશ્યા. રાજેન્દ્ર એમને સારી રીતે જાણતો હતો, તેમની સંસ્થા આદિવાસીઓ માટે જે કામ કરતી હતી, તેનો તે પ્રશંસક હતો.

અનુરાગે ઓછાબોલા આલોકની બરાબર ઓળખ રાજેન્દ્ર ધ્રુવને આપી. હવે ચમકવાનો વારો રાજેન્દ્રનો હતો! અડધો કલાકની અનુરાગ સાથેની વાતચીત પછી રાજેન્દ્ર આલોક સાગરના પગે પડ્યો અને પોતાની આ હરકત બદલ માફ કરવા આલોકને વિનંતી કરવા લાગ્યો.

કોણ હતો એ પાગલ પ્રોફેસર?

૧૯૫૨ની સાલમાં દિલ્હીમાં જન્મેલ આલોકના પિતા દયા સાગર ભારત સરકારના નાણાં ખાતામાં ઉચ્ચ કક્ષાના અધિકારી હતા. એમ.એસ.સી. થયેલી તેની માતા દિલ્હી યુનિવર્સિટીની મિરાન્ડા કોલેજમાં પ્રોફેસર હતી. આલોકે પણ ૧૯૭૩માં આઈ.આઈ.ટી. દિલ્હીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરીંમાં માસ્ટરની ડિગ્રી મેળવી હતી. વધુ અભ્યાસ માટે તે હ્યુસ્ટનની રાઈસ યુનિવર્સિટી આવ્યો હતો અને ૧૯૭૭ની સાલમાં એને પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી હતી.

પોસ્ટ ડોક્ટરેટના ભણતર માટે આલોક કેનેડા ગયો હતો અને ત્યાંની ડેલહાઉસી યુનિવર્સિટીના ફેલો તરીકે થોડોક વખત રહ્યો હતો. પણ આઈ.આઈ.ટી. દિલ્હીમાંથી પ્રોફેસર તરીકે જોડાવા આમંત્રણ મળતાં આલોક સ્વદેશ પાછો ફર્યો હતો. તેના હાથ નીચે ઘણા વિદ્યાર્થીઓને માસ્ટરની પદવી મળી હતી. ભારત સરકારની રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે રહી ચૂકેલી રઘુરામ રાજન એમના વિદ્યાર્થી હતા!

પણ ૧૯૮૨ની સાલની કોઈક અદ્દભુત વેળાએ આલોકના દિમાગમાં દેશની દબાયેલી, કચડાયેલી અને દરિદ્રતા અને અજ્ઞાનના બે પડળો વચ્ચે પીસાતી છેવાડાની વ્યક્તિ માટે અનુકંપા જાગી ઊઠી. પોતાની આખીયે કારકિર્દી તેને નકર્યા સ્વાર્થને પોષતી, સમાજના રાક્ષસી યંત્રોના એક પૂર્જા જેવી ભાસવા લાગી.

[રાક્ષસી યંત્રો – ‘વેગુ’ પર લેખ http://webgurjari.in/2014/02/14/monstrous-machines/ ]

‘આ મનોયાતનાનો એક જ ઈલાજ છે –  દલિત આદિવાસીઓની સેવા.’

આ જ ખયાલ દિવસો સુધી આ પાગલ પ્રોફેસરના દિલો દિમાગને પડઘાવવા લાગ્યો. તેજસ્વી ભવિષ્યનાં બધાં શમણાં ફગાવી દઈને, આલોક સાગર બત્રીસ વર્ષથી, બેતુલ જિલ્લાના, માત્ર ૭૫૦ માણસોની વસ્તી વાળા એ છેવાડાના ખૂણે ધૂણી ધખાવીને ખૂંપી ગયો છે.

એની મિલ્કતમાં માત્ર ત્રણ જોડી કપડાં, એક સાઈકલ અને આદિવાસીઓએ ઊભું કરી આપેલું એક ખોરડું છે.

અદિવાસીઓનાં બાળકોને આલોક ભણાવે છે, એમને એમના હક્કો માટે જાગૃત કરે છે, અને કમાઉ ફળોનાં વૃક્ષોના સંવર્ધનનાં કામમાં ઓતપ્રોત છે. ખાસ કરીને સારી એવી આવક ઊભી કરી આપતાં આંબળાનાં વૃક્ષોના રોપા ઉછેરી તે, આદિવાસીઓને વહેંચે છે. આલોકના પ્રયત્નોથી અત્યાર સુધીમાં આશરે ૫૦,૦૦૦ વૃક્ષો મ્હાલી રહ્યાં છે. દિન પ્રતિદિન ઉજ્જડ બનતી જતી વનરાજી , તેના આ યજ્ઞથી લીલીછમ બની ગઈ છે.

આલોક બહુ ઓછાબોલો જણ છે. એને કોઈ પ્રખ્યાતિનો મોહ નથી. જાતે વહેતી કરી દીધેલી અને અતીતમાં સરી ગયેલી પોતાની ઝળહળતી કરકિર્દી ગુમાવી દેવા માટે આલોકને કોઈ જ અફસોસ નથી.

એક વીડિયો …

https://www.youtube.com/watch?v=KxTvnOucQeI

સંદર્ભ –

http://www.patrika.com/news/bhopal/fo…

https://yourstory.com/2016/09/alok-sa…

http://www.hindustantimes.com/bhopal/mp-this-iit-prof-quit-job-to-work-for-downtrodden-tribals/story-CFUa47OhFyCYHTAZdmaVYM.html

http://timesofindia.indiatimes.com/city/bhopal/Houston-scholar-gifts-green-lungs-to-Betul/articleshow/52215242.cms

e.mail : surpad2017@gmail.com

Loading

બેઈમાન સમાજમાં મિલીટરીનો ટ્રેઈન્ડ બેરોજગાર જવાન શું કરશે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|28 June 2022

અમેરિકાના ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ સમાચારપત્રમાં, થોડાં વર્ષો પહેલાં એક ચોંકાવનારો લેખ છપાયો હતો. એ લેખની શરૂઆતમાં, ઈરાક યુદ્ધમાં લડાઈ કરીને આવેલા ૨૦ વર્ષના મેથ્યુ સેપી નામના સૈનિકના એક સમાચારનો ઉલ્લેખ હતો. મેથ્યુ જુગારખાનાઓ માટે પ્રસિદ્ધ લાસ વેગાસ શહેરના એક એવા વિસ્તારમાં રહેતો હતો, જ્યાં સવાર પડે સડકો પર દારૂ-બીઅરનાં કેન વિખારાયેલાં પડેલાં હોય, અને રાત પડે ધીંગામસ્તી ચાલતી હોય અને પોલીસની સાઇરનો વાગતી હોય.

મેથ્યુ ક્યારે ય મોડી રાતે બહાર નીકળતો નહોતો, પરંતુ યુદ્ધમાં તેના યુનિટના હાથે ઈરાકી નાગરિકોનો સંહાર જોઇને તેની માનસિક શાંતિ જોખમાઈ ગઈ હતી અને તેને ઊંઘવા માટે શરાબની જરૂર પડતી હતી. તે રાતે ઓવરકોટમાં એ.કે.-47 એસોલ્ટ રાઈફલ ભરાવીને એ બહાર નીકળ્યો. એ મિલીટરીમાં ટ્રેઈન થયેલો હતો, પરતું તેને એ વિસ્તારમાં ડર લાગતો હતો અને ખુદના રક્ષણ માટે હથિયાર જરૂરી હતું.

આજુબાજુમાં રખડતા લુખ્ખાઓઓની હાહાહીહીની ઉપેક્ષા કરીને મેથ્યુ ઓવરકોટમાં માથું નમાવીને 7-ઈલેવન સ્ટોર પર પહોંચ્યો અને તેની રોજની ‘દવા’ તરીકે બીઅરનાં બે મોટાં કેન ખરીદ્યા. ઓવરકોટમાં કેન દબાવીને મેથ્યુ પાછો ઘર તરફ વળ્યો. એક અંધારી સડક પર, બે વિશાળ કદના, સશસ્ત્ર લુખ્ખાઓએ તેને આંતર્યો. પાછળથી એક ઇન્ટરવ્યૂમાં મેથ્યુએ કહ્યું હતું તે મુજબ, તેણે રાઈફલના બટ પર હાથ ફેરવ્યો અને એક ધમાકો થયો. એક લુખ્ખો તત્ક્ષણ મરી ગયો. બીજો ચીસ પાડીને દૂર ઉછળીને પડ્યો. સડક લોહીલુહાણ થઇ ગઈ.

મેથ્યુ ત્યાંથી ભાગી છૂટ્યો. મિલીટરીની ભાષામાં તેને દુશ્મનથી ‘કોન્ટેક્ટ બ્રેક’ કરવાનું કહે છે. એ ઘરમાં ઘુસ્યો અને ૧૮૦ ગોળીઓનો રાઉન્ડ ઉપાડીને કાર લઈને ફરી ભાગ્યો. આ વખતે તેની પાછળ પોલીસની સાઇરનો વાગતી હતી. થોડી દોડાદોડી પછી એને પકડી લેવામાં આવ્યો. પોલીસ સ્ટેશનમાં તેણે મિલીટરીની ભાષામાં કહ્યું, “મારી પર ઘાત લગાવામાં આવી હતી (એમ્બ્યુઝડ) અને સહજ રીતે જ મેં ટાર્ગેટ પર નિશાન સાધ્યું. મારી સામે એક જ પ્રશ્ન હતો; ગોળી ખાવી કે મારવી?” એ રડી પડ્યો.

બીજા દિવસના સમાચારપત્રોમાં હેડલાઇન્સ હતી; ઈરાકના સેવાનિવૃત્ત યોદ્ધાની હત્યા બદલ ધરપકડ. ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ લખે છે, આ એકલદોકલ ઘટના નથી. પૂરા દેશમાં અનેક શહેરોમાં લડાઈઓમાંથી નવરા પડેલા જવાનોએ મારામારી-હત્યા કરી હોવાના સમાચારો છે. આમ ભલે તે સ્થાનિક સમય-સંજોગોના અપરાધ હોય, પરંતુ જ્યારે તમે એ દરેક કિસ્સાને એક કડીમાં પરોવીને જુઓ તો ખબર પડે કે આ અમેરિકાએ વહોરેલી અનેક ખુંખાર લડાઈઓનો એ પોસ્ટ-ટ્રૉમેટિક ડિસૉર્ડર છે.

એ લેખનું મથાળું હતું; એક્રોસ ધ અમેરિકા, ડેડલી ઇકો ઓફ ફોરેન બેટલ્સ (ઉછીની લડાઈઓનો અમેરિકામાં ઘાતકી પડઘો). ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સે’ એવા 121 કિસ્સાઓ શોધ્યા હતા, જેમાં ઈરાક અને અફઘાનિસ્તાનમાં બંધૂકો ચલાવીને ઘરે આવેલા સૈનિકો હત્યાઓમાં સંડોવાયા હતા. યુદ્ધોની બર્બરતા, શરાબખોરી અને પારિવારિક-સામાજિક માથાફૂટો નિવૃત્તિ પછી બીજાની અને ખુદની તબાહીનું કારણ બની હતી.

આમાં ખૂન-ખરાબા અને તબાહીમાંથી પસાર થઈને પાછા ફરેલા જવાનોની ખંડિત માનસિકતા અને તેના કારણે પેદા થતો સ્ટ્રેસ તેમ જ ડિપ્રેસન જવાબદાર છે.

આ લેખની વાતને યાદ કરવાનું કારણ ભારતના યુવાનો માટેની ‘અગ્નિપથ’ યોજના છે. આ યોજના સામે દેશના અનેક રાજ્યોમાં યુવાનો વિરોધ કરી રહ્યા છે, તેની પાછળ મૂળ મુદ્દો એ છે કે જે 75 ટકા યુવાનોને 4 વર્ષની નોકરી બાદ સેનામાંથી છૂટા કરાશે (માત્ર 25 ટકા જવાનોને જ કાયમી કરવામાં આવશે) તે બાકી જીવનમાં શું કરશે? આના જવાબ રૂપે સરકારે યોજનામાં જરૂરી સુધારા કર્યા પણ છે, પરંતુ જાણકાર લોકોની બીજી એક ચિંતા છે. સેનામાં દર વર્ષે 50,000 યુવાનોની ભરતી થાય છે. તેમાંથી 4 વર્ષના અનુભવ પછી 40,000 જેટલા જવાનો પાછા આવશે. આવું દર વર્ષે થશે. એટલે કે, આત્મવીર જવાનોની સંખ્યામાં ઉત્તરોત્તર 40,000નો વધારો થતો રહેશે.

એકાદ દાયકા પછી, મિલીટરીમાં ટ્રેઈન્ડ આટલા બધા બેરોજગાર યુવાનો સમાજમાં હશે તો, તેઓ શું કરશે? જમ્મુ-કાશ્મીરમાં ડિરેકટર જનરલ ઓફ પોલીસ અને પાછળથી બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં કામ કરી ચુકેલા ગુરુબચ્ચન જગતે એક ન્યૂઝ પોર્ટલને કહ્યું હતું, “કામકાજ અને આર્થિક ભવિષ્યની અનિશ્ચિતતાઓ વચ્ચે આવા અગ્નિવીર અપરાધિક ગેંગ્સ માટે સંભવિત ઉમેદવાર સાબિત થશે. તેમને મિલીટરીમાં મળેલી વ્યૂહાત્મક તાલીમ તેમને આવાં કામો માટે આદર્શ બનાવશે.”

ડિફેન્સ નિષ્ણાત મેજર જનરલ અમૃત પાલ સિંહ (નિવૃત્ત) પણ કહે છે કે, “ચાર વર્ષના કાર્યકાળ પછી આવા અગ્નિવીરમાં, નિયમિત સૈનિકની જેમ, સેના માટે ‘નામ, નમક, નિશાન’ની ભાવના નહીં હોય. સૈનિકગિરી અને તેની ઈજ્જતના આ ત્રણ પાયાના આદર્શ છે. શક્ય છે કે આવી કોઈ નિષ્ઠાની ગેરહાજરીમાં, મિલીટરી સ્કીલવાળા ભૂતપૂર્વ અગ્નિવીર અપરાધિક પરિવેશમાં કામ કરતા થઇ જશે.”

શ્રીલંકામાં ઇન્ડિયન પીસ કીપિંગ ફોર્સમાં કમાન્ડર રહી ચૂકેલા લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) અશોક મહેતા એક લેખમાં કહે છે કે આવા અગ્નિવીર ભાડૂતી ગુંડા, વિદ્રોહી ગતિવિધિઓના સભ્ય કે અપરાધિક ગેંગમાં સામેલ થઇ જાય તેવી ચિંતા છે.

છતીસગઢના મુખ્ય મંત્રી બુપેશ બઘેલે પણ આવી આશંકા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “23-24 વર્ષના આ યુવાનો બંધૂક ચલાવાની ટ્રેનિંગ લઈને પાછા આવશે અને તેમને નોકરી નહીં મળે તો અપરાધ તરફ વળી જશે. અગાઉ બહુ લોકો સવાલો કરતા હતા કે માઓવાદીઓને કોણ ટ્રેનિંગ આપે છે?” ભા.જ.પ.ના રાષ્ટ્રીય મહા મંત્રી કૈલાશ વિજયવર્ગીએ બઘેલના નિવેદનને ખારીજ કરતાં કહ્યું હતું કે દેશમાં ૩૨ લાખ એક્સ-સર્વિસમેન છે, એમાંથી એક જવાન ગેરકાનૂની ગતિવિધિમાં સંડોવાયો હોય તો બતાવો (આ જ વિજયવર્ગીએ જો કે એમ કહ્યું હતું કે જો મારે ભા.જ.પ.ની ઓફિસમાં સિક્યુરિટી ગાર્ડ રાખવાનો હોય તો હું અગ્નિવીરને જ પ્રાથમિકતા આપીશ).

‘અગ્નિપથ’ યોજનાના વિરોધ અંદોલનમાં, હરિયાણાનો એક વીડિયો વાઈરલ થયો હતો. તેમાં, પાણીપતના ડ્યુટી મેજીસ્ટ્રેટ અમુક અંદોલનકારી યુવાનોને સમજાવાની કોશિશ કરી રહ્યા હતા. તેમાં એક યુવાન તેમને ગળે વળગીને રડવા લાગ્યો અને કહેવા લાગ્યો, “અંકલ, પ્લીઝ, ઇસ અગ્નિપથ સ્કીમ કો બંધ કરવા દો, ચાર સાલ કી નોકરી કે બાદ યુવા અપરાધી બનેંગે.”

અલબત્ત, આ માત્ર આશંકા છે, એનો કોઈ તથ્યાત્મક આધાર નથી કે સંભાવના પણ નથી. આવી આશંકાનું કારણ મિલીટરીની ટ્રેનિંગ નથી. તેનું કારણ ભારતીય સમાજ છે. મિલીટરી અત્યંત શિસ્ત અને આદર્શો પર ચાલનારું સંગઠન છે. તેનાથી વિપરીત, આપણો સમાજ નિરંકુશતા અને બેઈમાનીથી ભરેલો છે. ચિંતા એ છે કે 10મું પાસ યુવાન જ્યારે એક શિસ્તબદ્ધ જવાન બનીને પાછો સમાજમાં આવે ત્યારે અહીંની રીતરસમો સાથે એડજસ્ટમેન્ટ કરી શકશે?

1991માં, એક્ટર નાના પાટેકરને આવો પ્રશ્ન થયો હતો, અને તેણે “પ્રહાર” નામની ઘણી વખણાયેલી ફિલ્મ બનાવી હતી. એ ફિલ્મ માટે નાનાને સેના તરફથી માનદ કેપ્ટનની પદવી પણ આપવામાં આવી હતી, અને તત્કાલીન રાષ્ટ્રપતિ આર. વેંકટરમણ તરફથી પ્રશંસા પત્ર આપવામાં આવ્યો હતો. એ ફિલ્મમાં એક સૈનિક કેવી રીતે ભ્રષ્ટાચાર, અનૈતિકતા અને અરાજકતાથી ભરેલા સમાજમાં સામંજસ્ય સાધી શકતો નથી તેની કહાની હતી, અને એથી વ્યથિત થઈને સમાજની ‘ગંદકી’ સાફ કરવા કાયદો હાથમાં લે છે.

નાનાનું પાત્ર મેજર ચૌહાણ અમેરિકાના જવાન મેથ્યુ સેપી જેવું જ છે. મેજર ચૌહાણને પણ ગુંડાઓની હત્યા બદલ ગિરફ્તાર કરવામાં આવે છે અને, મેથ્યુ સેપીની જેમ જ, તે પણ કોર્ટમાં તેના કૃત્યને એક સૈનિકની ફરજ ગણાવીને ઉચિત ઠેરવે છે. જો કે સિવિલિયન કોર્ટ તેના તર્કને માન્ય નથી રાખતી અને મેજરને માનસિક રીતે બીમાર ગણાવીને સારવાર માટે પાગલખાને મોકલી આપે છે.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 26 જૂન 2022

સૌજન્ય : રાજ ગોસ્વામીનીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,3401,3411,3421,343...1,3501,3601,370...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved