Opinion Magazine
Number of visits: 9458776
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંતાનને આયા નહીં, માયા જ ઉછેરી શકે

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 July 2022

એક વહુને વાંધો એ હતો કે તેનો દીકરો તેને ખરાબ કહેતો હતો. મમ્મી ખરાબ છે તેવું તેનાં સાસુ-સસરા જ ગમ્મતમાં કહેવડાવતાં હતાં ને મમ્મીને ખોટું લાગતું હતું. એમાં ખોટું લગાડવા જેવું ખાસ કૈં ન હતું, પણ મમ્મીને ગમતું ન હતું. વાત એમ હતી કે વહુ સંયુક્ત કુટુંબની સભ્ય હતી ને તેનો દીકરો દાદાદાદી પાસે વધારે રહેતો હતો. વહુ ઘરનાં કામકાજમાં એટલી વ્યસ્ત રહેતી હતી કે દીકરો દાદાદાદી પાસે જ દોડતો રહેતો. દોડતો એટલે કે એ બહુ લાડકો હતો ને દાદા કે દાદી તેને બહુ લાડ લડાવતાં હતાં. દાદાદાદી પાસે રહેવાને કારણે વહુ ઘરનાં કામ કરી શકતી હતી ને નવરાશ મળતી તો થોડો આરામ પણ કરી શકતી હતી, પણ તેને પોતાને એ બહુ સમજાતું ન હતું. તેને એવું હતું કે લાડથી દીકરો બગડી જાય એટલે તે દીકરાને સતત કાબૂ કરવા મથતી ને દીકરા પર નજર રાખ્યા કરતી. મમ્મી જરા પણ વઢતી કે દીકરો દાદાદાદી પાસે દોડી જતો. એ લાડને પરિણામે દાદાદાદીને તે પજવતો પણ ખરો એટલે એ ક્યારેક કંટાળતા પણ ખરા ને ત્યારે દીકરાને સીધો કરવા વહુને જ તેડાતી. વહુ તેને વઢતી તો દીકરાને તે વઢકણી જ લાગતી. આમ પણ વહુ ‘હોમવર્ક’ બ્રાન્ડ મમ્મી હતી અને દીકરાને તે સતત શિસ્તમાં રાખવા મથતી. બાળક બહુ શિસ્તમાં ને ટાઈમટેબલમાં રહેવા નથી જ કરતું હોતું. તે માપમાં ને ધાકમાં જ મોટું થાય તે બરાબર નથી. તે અતિ શિસ્ત કરતાં વહાલથી, સમજાવટથી જલદી માનતું હોય છે, પણ મમ્મીએ દીકરાને લશ્કરી શિસ્તમાં રાખવું હતું. આમ પણ દાબમાં જ રાખવા મથે તો મમ્મી દીકરાની માનીતી ન જ બને ને મમ્મીને તો માનીતા પણ થવું હતું. એ અઘરું હતું.

આ આખા ય કિસ્સામાં એક સારી વાત એ છે કે બાળક દાદાદાદી પાસે મોટું થાય છે જે આજના સંજોગોમાં દુર્લભ બાબત છે. બાળક નિમિત્તે દાદાદાદીની કે વહુની મીઠી તકરાર પણ હવે કેટલાં કુટુંબોમાં જોવા મળે છે તે પ્રશ્ન જ છે. મોટે ભાગે તો દાદાદાદી પાસે બાળકને રહેવાનું જ ઘટી ગયું છે. તે તો હવે દાદાદાદીથી દૂર માબાપ પાસે મોટું થતું હોય છે. જો કે, બાળક હવે માબાપ પાસે મોટું થાય એવું પણ ઓછું જ થતું આવે છે. શિસ્તમાં રાખતી મમ્મી બાળકને ખરાબ લાગે એટલી પણ બાળક પાસે ક્યાં છે? એ તો પપ્પા સાથે બહાર, નોકરીએ નીકળી જાય છે ને એ બંને નોકરી ન કરે તો ખર્ચને પહોંચી ન વળે, એટલે બાળક આયા પાસે કે કોઈ સંબંધી કે મિત્ર પાસે મોટું કરવું પડે એ સ્થિતિ છે. આ હાલત ઘણાં કુટુંબોની છે. બાળઉછેર એને કારણે કુદરતી રહ્યો નથી ને એણે પણ પ્રશ્નો ઊભા કર્યા છે.

એક સમય હતો જ્યારે બાળકનો જન્મ બોજ ન હતો. માબાપ ગરીબ હોય કે સાધારણ કુટુંબનાં, પણ સંતાનો વધારાનાં ન હતાં. પુત્ર જન્મે તો પણ સંતાનોની સંખ્યા વધતી રહેતી, તો ઘણાં કુટુંબો ઉપરાઉપરી બાળકી જન્મતી તો દીકરાની રાહ જોવામાં સંતાનની સંખ્યા વધારતાં રહેતાં. એ પછી સમય, સંજોગ બદલાયા. જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ કુટુંબો નાનાં થતાં ગયાં. સંયુક્ત કુટુંબો તૂટ્યાં. શિક્ષણ વધ્યું. નોકરી-ધંધાર્થે ગામડાં છોડીને શહેરમાં વસવાનું થતાં આખું કુટુંબ શહેરમાં વસાવવાનું મુશ્કેલ બન્યું. કુટુંબનાં કેટલાક વડીલો ગામમાં રહ્યા ને બાકીના શહેરમાં વસ્યા. એને કારણે કુટુંબમાં ઑર ઘટાડો થયો. પતિ-પત્ની અને એકાદ બાળક, એટલામાં જ કુટુંબ સીમિત થઈ ગયું. એમાં જ્યાં પતિપત્ની જ હતાં, ત્યાં તો બહુ વાંધો ન આવ્યો, પણ બાળક આવવાનું થયું, ત્યાં પતિપત્નીએ શું કરવું તેની મૂંઝવણો વધી. પતિપત્ની બંને નોકરી કરતાં હોય ત્યાં બાળકને કેમ આવકારવું એ પ્રશ્ન થઈ પડ્યો. બંનેએ નોકરીમાં રજા મૂકવી પડે એ સ્થિતિ આવી. પત્નીએ વધારે દિવસ રજા પાડવી પડે એ નક્કી હતું, કારણ બાળકનાં જન્મ પછી પણ તેની કાળજી લેવાનું, તેની જરૂરિયાતોનું ધ્યાન રાખવાનું અનિવાર્ય હતું. બાળકનો ઉછેર સરળ નથી. તે પૂરો સમય માતાનો કે કુટુંબનાં સભ્યોનો માંગે જ છે. હવે જ્યાં પતિ નોકરી પર હોય ને પ્રસૂતા એકલી જ ઘરમાં હોય ત્યાં તેણે જ બાળકનું પૂરું ધ્યાન રાખવું પડે ને તે ન પહોંચી વળે એમ પણ બને. પતિ થોડા દિવસની રજા મૂકીને પણ મદદ કરવા મથે, પણ લાંબો સમય રજા મૂકે તો ઘર ચલાવવાનું અઘરું થઈ પડે. પત્નીએ લાંબા સમયની રજા મૂકવી પડે અથવા તો નોકરી છોડવી પડે.

ઘરમાં પ્રસૂતા એકલી જ હોય તો પિયરથી કે સાસરા પક્ષમાંથી કોઈને બોલાવવા પડે ને તેની દેખરેખમાં બાળકને મોટું કરવું પડે. સગાંઓમાંથી કોઈ ન આવે તો બાળકને આયાને કે નર્સને કે સંબંધીઓને ભરોસે મૂકવું પડે કે ઘોડિયાં સાથે નોકરીને સ્થળે તેને લઈ જવું પડે. એ રીતે બાળકને નોકરીને સ્થળે રાખવાની બધાં મંજૂરી આપે જ એવું જરૂરી નથી. એ સ્થિતિમાં નોકરી છોડવી પડે એમ પણ બને. ઘણાં ઘરોમાં એવું બને છે કે પતિપત્નીએ નોકરીએ જવું જ પડે ને બાળકને આયાને ભરોસે મૂકવું પડે. આયા સારી હોય તો બહુ વાંધો આવતો નથી, પણ તે જો નિર્દયી હોય કે દયા માયાનો તેનામાં છાંટો ન હોય તો બાળકનું આવી બને છે. એક આયા બાળકને ભીંત સાથે અફળાવતી હતી, તો એક આયા બાળકનું ખાવાનું ખાઈ જતી હતી ને બાળકને ભૂખે મારતી હતી. બાળક ઘવાયાંનાં કે ભૂખથી માંદું પડ્યાના ઘણા સમાચારો છેલ્લા થોડા દિવસમાં પ્રગટ થયા છે ને બાળકને ગુમાવવું પડે એવી સ્થિતિમાં માબાપે મુકાવું પડ્યું હોવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે. એવે વખતે ઘરનું કોઈ સ્વસ્થ માણસ હોય તો બાળક પર જોખમ ઘટે ને તે સરળતાથી મોટું થઈ જાય એમ બને.

સંયુક્ત કુટુંબનો લાભ એ હતો કે બાળક પતિપત્નીની દેખરેખમાં બહુ ન રહેતાં, દાદાદાદીની કે કાકાકાકીની કે અન્ય સભ્યોની દેખરેખમાં મોટું થતું જતું ને તેની ખબર પણ ન પડતી. સંયુક્ત કુટુંબમાં બધું સારું જ હતું એવું ન હતું. પણ અત્યારે કૌટુંબિક વ્યવસ્થામાં સૌથી વધુ ખૂટતું કોઈ ફેક્ટર હોય તો તે સંયુક્ત કુટુંબ વ્યવસ્થાનું છે. કેટલાંક કિસ્સાઓમાં બાળક દાદાદાદી પાસે એકથી વધુની સંખ્યામાં આવતા તો તેમાં ભેદભાવ પણ થતો. બાળક કાકાકાકી પાસે આવતું તો તેનાં પોતાનાં સંતાનો ને ભાઈના સંતાનો વચ્ચે ભેદ કરાતો ને બાળકની ઉપેક્ષા પણ થતી. એટલે માબાપ પોતે કાળજી લે એ જ ઉત્તમ સ્થિતિ બાળઉછેર માટે ગણાતી, પણ બાળક આયાના હાથમાં પડે તેનાં કરતા તે સંયુક્ત કુટુંબમાં મોટું થાય એ વધુ લાભદાયી છે, પણ કમનસીબી એ છે કે સંયુક્ત કુટુંબો હવે ઘટતાં જઈ રહ્યાં છે. કમ સે કમ આયા કરતાં તો એને અહીં વધુ માયા મળે એ શક્ય છે. એકલાં રહેવામાં કે નાનાં કુટુંબમાં પતિપત્ની એકલાં જ હોય તો બાળઉછેરના મુદ્દે કોઈકે તો નોકરી છોડવી પડે એ સ્થિતિ આવી શકે, પણ જો બાળક સંયુક્ત કુટુંબમાં હોય તો પતિપત્નીમાંથી કોઇએ નોકરી છોડવી ન પડે ને બાળઉછેર સહજ રીતે થાય એમ બને.

વડોદરા જિલ્લાના એક તાલુકામાં માતાને તેનાં પ્રેમીને મળવામાં 6 વર્ષનો દીકરો નડતર રૂપ છે એવું લાગતાં તેને ગળે ટૂંપો દઈ દીધો એવા સમાચાર 29 જૂનના જ છે. થોડા વખત પર એક દીકરાએ તેની માતાને ગોળીએ દીધી તેમાં પણ માતાનું ચારિત્ર્ય’ કેન્દ્રમાં હતું. આવી માતા બાળકનો કેવોક ઉછેર કરી શકે તે સમજી શકાય એમ છે. બાળક કૈં નથી સમજતું એવી ભૂલ માબાપે કદી કરવા જેવી નથી. માબાપ વચ્ચેના સંબંધો, તેમના ઝઘડાઓ, તેમના અન્ય વ્યક્તિ સાથેના સંબંધો … વગેરે બાળક જુએ, જાણે છે. માબાપ વચ્ચેની કુંઠા બાળક અનુભવે તો તે પોતે પણ કુંઠિત બને છે. એ કુંઠામાંથી બાળક એકાએક મુક્ત થતું નથી અને ઉમર વધતાં અનેક માનસિક, શારીરિક સમસ્યાઓનો તે ભોગ થઈ પડે છે. આજના કેટલાં ય બાળકો જોતાં જ ખબર પડે છે કે તે કોઈક સમસ્યાથી પીડાય છે. આ સમસ્યા શારીરિક કે માનસિક કોઈ પણ હોઈ શકે. ટૂંકમાં, બાળઉછેરને જરા પણ હળવાશથી લેવા જેવું નથી. આવતી કાલનાં બાળકો ગઇ કાલ વગરનાં નથી, ન જ હોય. એમની ગઈ કાલ સારી હશે તો એમની આવતી કાલ પણ ઉજ્જવળ હશે તે કહેવાની જરૂર નથી.

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, “ગુજરાત ટુડે”, 03 જુલાઈ 2022

Loading

ચાલે છે !

"પ્રણય" જામનગરી|Poetry|4 July 2022

સત્યનો નાભિશ્વાસ ચાલે છે !
જૂઠનો પણ પ્રયાસ ચાલે છે !
એ જ વક્તા, અને શ્રોતા પણ એ,
એ જ વાણીવિલાસ ચાલે છે !
બાપનો હો બગીચો; એ રીતે,
શખ્સ સહુ આસપાસ ચાલે છે !
એક સાથે પચાસ ઊભા છે,
એક સાથે પચાસ ચાલે છે !
ચાંદની બંગલામાં ફેલાઈ,
ઝૂંપડીમાં અમાસ ચાલે છે !
સાથ મંદી; અને મહામારી,
ને અધીક બારમાસ ચાલે છે !
મારી સાથે મેદાન બોલે છે,
સાથે સાથે જ ઘાસ ચાલે છે !
ચાલે છે; આ બધું યે સાચ્ચેસાચ ?
કે પછી મનનો ભાસ ચાલે છે !
ના ગઝલ હોત ‘પ્રણય’, શું થાતે ?
મન હજુ છે ઉદાસ; ચાલે છે !

તા. ૧૬/૦૬/૨૦૨૧

Loading

પીટર બ્રૂક : વીસમી સદીના મહાન નાટ્યવિદ્દનું 97માં વર્ષે અવસાન

દિલીપ મહેતા|Opinion - Opinion|4 July 2022

દંતકથાત્મક અને મુક્ત વિચારધારાના આ માલિકે ભારતીય મહાકાવ્ય ‘મહાભારત’ને નાટ્યકૃતિ રૂપે વિશ્વભરમાં રજૂ કરીને એક ઇતિહાસ રચેલો

એટલાન્ટીક સમુદ્રની પાર, સાત સાત દાયકા લગી, અત્યંત મહત્ત્વાકાંક્ષી, સાહસિક અને અનંત સર્જનાત્મક સ્ટેજ વર્ક કરનાર વીસમી સદીના મહાન થિયેટર ડિરેક્ટર પીટર બ્રૂક હવે નથી રહ્યા. 97વર્ષની વયે ગઇકાલે [03 જુલાઈ 2022] આખરી શ્વાસ લઈને આ મહાન કલાકારે એમની જીવનલીલા સંકેલી લીધી.

એમના મૃત્યુના સમાચાર એમના પુત્ર દ્વારા મળ્યા, પરંતુ પીટરબ્રૂક ક્યાં અવસાન પામ્યા એ વિષે ન જણાવ્યું. “પીટર એક શોધક હતા.” થિયેટર ડિરેક્ટર પીટર હોલે એકવાર કહેલું. રંગમંચની સરહદ પરના આ પ્રથમ સૈનિક જીવનભર થિયેટર દ્વારા સત્યને શોધવાની કોશીશ કરતાં રહ્યા. એમની પેઢીના એ એક મહાન ઇનોવેટર હતા. Maverick, Classicist, Romantic જેવા અનેક વિશેષણો દ્વારા એની વિશ્વ વ્યાપી ઓળખ ઊભી થયેલી, પરંતુ, પીટર કોઈ ઓળખના પિંજરે પુરનારા વ્યક્તિ નહોતા. બ્રિટિશ નાગરિકત્વ ધરાવનારા પીટર બ્રૂક 1970થી પેરિસમાં જ રહેતા હતા. વ્યાવસાયિક રંગમંચમાં એમણે વર્ષો સુધી કામ કર્યું, અને શેક્સપિયરના ‘મિડ સમર્સ નાઈટ’ અને પીટર વેઇસ(Peter Weiss)ની એક ક્લાસિક કૃતિનું પુનઃ નાટ્ય રૂપાંતર કરીને 1966માં અને 1971માં પ્રતિષ્ઠિત ટોની એવોર્ડ પ્રાપ્ત કરેલો.

માત્ર ક્લાસીસીસ્ટની ઇમેજને ભાંગીને ભુક્કો કરી દેવા માટે એણે દર્શકોને ખૂબ ગમી જાય એવી એક લોકપ્રિય સંગીતમય કૃતિ “ઇર્મા લાદૂસ( Irma La Douce)નું સર્જન પણ કર્યું. આર્થર મિલરની મહાન નાટ્ય કૃતિ ‘ અ વ્યૂ ફ્રોમ ધ બ્રિજ’નું પણ મંચન કર્યું. બ્રિટનમાં પણ અવાર નવાર નિવાસ કરીને પીટર બ્રૂકે મહાન નાટ્યકારો શેક્સપીયર, બર્નાર્ડ શો, બેકેટ, સાત્રે અને ચેખોવનાં નાટકો સર્જતાં રહ્યા અને મંચન કરતાં રહ્યા. પીટર એક ખૂબ પ્રયોગશીલ અને સાહસિક હતા. રિસ્ક લેનારા ડિરેક્ટર હતા. વેદ વ્યાસ રચિત ભારતીય સંસ્કૃત મહાકાવ્ય ‘મહાભારત’નું નવ કલાકનું અદ્દભુત નાટ્ય રૂપાંતર કરીને પીટરે એમની પ્રતિભાને ચાર chand લગાવી દીધેલાં. 1987માં ફ્રાંસમાં નિર્માણ થયેલી આ કૃતિને ન્યૂયોર્કના સ્ટેજ પર રજૂ કરીને એમણે નાટ્ય જગતને વધુ સમૃદ્ધ કરી દીધું, વધુ રળિયાત કરી દીધું! પીટરની એ મહાન નાટ્ય કૃતિમાં દ્રૌપદીના પાત્રમાં આપણાં મલ્લિકા સારાભાઇનો અભિનય પણ ખૂબ પ્રશંસા પામેલો એ યાદ આવે.

1995માં પુનઃ પીટરે એક કૃતિનું સર્જન ફ્રાંસમાં કર્યું. ઓલિવર સાક્સ(Olivar sacks)ની એક લોકપ્રિય કૃતિ ‘ધ મેન હૂ’(The Man Who)નું ન્યોયોર્કમાં મંચન કર્યું. ન્યૂરોલોજિકલ કેસ સ્ટડી ને દર્શાવતાં આ નાટકે નાટ્ય જગતમાં એક નવી જ કેડી કંડારી આપી.

સન 2011માં , 87 વર્ષની વયે, મોઝાર્ટની એક કૃતિ ‘મોઝાર્ટ્સ ફ્લૂટ’નું લિંકન સેન્ટર ફેસ્ટિવલમાં મંચન કર્યું.  એમની પ્રલંબ અને યશસ્વી કારકિર્દીમાં સતત ઉત્સાહી, ઉદ્યમી અને સર્જક પીટરે લગભગ સો જેટલાં નાટકોનું દિગ્દર્શન અને પ્રોડકશન કર્યું.

માત્ર 21 વર્ષની વયે, જ્યારે 1946માં બેરી જેકસન જેવા મહાન ડિરેક્ટરના નેતૃત્વમાં ‘સ્ટ્રેટફોર્ડ –અપોન-એવન’માં સમર ફેસ્ટિવલનું આયોજન થયેલું, ત્યારે નવયુવાન પીટર બ્રુકે શેક્સપિયરની એક જાણીતી નાટ્યકૃતિ ‘લવ્સ લેબર લોસ્ટ’(Love’s Labour’s lost) રજૂ કરીને સન્માન પ્રાપ્ત કરેલું.  ત્યારે સ્વયં જેક્સને એમની પ્રશંસા કરતાં કહેલું કે “મેં ક્યારે ય ન અનુભવેલો સૌથી યુવાન ભૂકંપ”.

માર્ચ 21, 1925માં લંડનમાં પીટર સ્ટીફન બ્રૂકનો જન્મ. પિતા સિમનબ્રિક લતીવાથી અહીં આવેલા એક જ્યુશ માઈગ્રંટ હતા. બાલ્ટિક ગામ છોડીને તેઓ મોસ્કો આવેલા અને ત્યાર બાદ ક્રાંતિકારી રાજકારણમાં જોડાયા, પરંતુ તરત જ એમને ત્યાંથી નાસવું પડ્યું. પહેલા તેઓ પેરિસ આવ્યા અને ત્યાંથી લંડન. અહીં તેઓ અંગ્રેજ નાગરિક બન્યા, અંગ્રેજી નામ પણ ધારણ કર્યું. સિમન અને એનાં પત્ની ઈદા – બંને કેમિસ્ટ બન્યાં અને લંડનમાં  જ સ્થાયી થયાં. એમના ધંધાનો સારો વિકાસ પણ થયો.

એમના બે સંતાનોમાં નાનો પીટર ખાનગી સ્કૂલમાં ભણ્યો. શાળામાં એ મજાક મશ્કરીનો ભોગ બન્યો, દુ:ખી થયો. 16 વર્ષની વયે એને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો.

માત્ર સાત જ વર્ષની વયે, ટોય થિયેટરમાં એણે પોતાના માત-પિતા માટે હેમલેટની એક કૃતિનું ચાર કલાકનું વર્ઝન રજૂ કર્યું. એ વખતે બધા જ પાત્રોના સંવાદો એ સ્વયં બોલતો હતો. એક કિશોર તરીકે એ ભાગ્યે જ કોઈ થિયેટરમાં ગયો હશે! એની દૃષ્ટિએ થિયેટરમાં જવાનું ઉદાસ અને મૃત્યુ પામી રહેલ સિનેમાના એક અગ્રદૂત જેવુ હતું. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી એને કાઢી મૂકવામાં આવ્યો, કારણ કે પીટર બ્રકે 1943માં તો યુનિવર્સિટી ફિલ્મ સોસાયટીની સ્થાપના કરી દીધેલી અને એનું તન-મન –ધન આ સંસ્થાને જ સમર્પિત કરી દીધેલું.  આવા એક મહાન નાટ્ય નિર્માતા –દિગ્દર્શકને આખરી વંદન! 

Loading

...102030...1,3351,3361,3371,338...1,3501,3601,370...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved