Opinion Magazine
Number of visits: 9569071
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોણ સમજશે

બીજલ જગડ|Opinion - Opinion|3 October 2022

બધા પ્રશ્નો ફૂઝુલ છે કોણ સમજશે ?

નિર્દોષ છે ભૂલ સાચું ખોટું કોણ સમજશે?

માનું છું સઘળું જરા યે શક કર્યા વિના,

વાત સાચી છે નથી ભ્રમણા કોણ સમજશે?

આ કશી ફરિયાદ છે એ ના સમજીશ કદી,

મારું મન ના ઠલવાયું આ કોણ સમજશે ?

શબ્દોમાં નહિ આવી શકે સઘળી એ વાતો,

ગંભીર છે પ્રેમની કથાઓ  કોણ સમજશે?

પણ હવે આ બધું ય કહેવામાં સાર શો ?

દિલની વાતો દિલમાં રહી કોણ સમજશે ? 

ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com

Loading

નવરાત્રિ કે લવરાત્રિ કે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 October 2022

એક સમય હતો જ્યારે નવરાત્રિના તહેવારોમાં ઘરની સ્ત્રીઓ પરવારીને, મહોલ્લામાં ગરબે રમવા ઊતરતી. માતાની આરતી ગવાતી. બોખી લાઇટો આંગણું પણ માંડ અજવાળતી ને અગિયાર, બાર સુધીમાં પ્રસાદ લઈને મહોલ્લો ઘર ભેગો થતો. ક્યાંક ક્યાંક ગરબા શરદપૂનમ સુધી ચાલતા. શરદ પૂનમની દૂધ જેવી ચાંદની ને માતાજીનાં ગરબાનું અજવાળું જ ત્યારે પૂરતું થઈ પડતું. એમાં ગરબો એક મહિલા ગવડાવતી અને બીજા રમનારા તે ઝીલતા. ગાયિકાનો અવાજ એટલો ઊંચો તો રહેતો જ કે તે બધાંને પહોંચતો. એનો એવો જ બુલંદ પડઘો પણ ઊઠતો. એવા કોઈ ખાસ વાજિંત્રો પણ ત્યારે હતાં નહીં એટલે માત્ર ગાયિકાના અવાજ પર અને તાળીઓ પર જ આધાર રહેતો. હવે હાલત એ છે કે ગરબો ગવડાવનારી મહિલાનો અવાજ માઇક પરથી ફૂટતો હોય, તો પણ તે પહોંચવાની મુશ્કેલી એટલી હોય છે કે ‘ઝીલવા’નું ઓછું જ બને છે. વાંક દર વખતે ગાયિકાનો જ હોય છે, એવું નથી, ઝીલનારા પણ ક્યારેક બેધ્યાન હોય છે ને એ પડઘો પાડી શકતા નથી. કેટલાંક ગરબાવીરો તાળીઓ પાડીને જ રાજી હોય છે. એમને એવું હોય છે કે આપણું કામ તાળીઓ પાડવાનું છે ને બીજા ગાય જ છે તો આપણે ગળું બગાડવાની શી જરૂર છે? એમનો ઉપકાર એટલો કે એ ચૂપ રહીને ઘણાના કાન બચાવી લે છે. એટલું છે કે સ્ત્રીઓ અને યુવાનો આ મામલે ગંભીર હોય છે. તેઓ સિન્સિયરલી એમાં પ્રવૃત્ત થાય છે. એને માટે તેઓ મહિનાઓની ટ્રેનિંગ લે છે.

કેટલા ય ડાન્સ-ગરબા ક્લાસોને સમૃદ્ધ કરવાની જવાબદારી એમણે ઉપાડી હોય છે. એ સાથે જ થોડી જવાબદારીઓ ઘટાડી પણ હોય છે, જેમ કે દોઢિયું કે અન્ય સ્ટેપ્સની સઘન ટ્રેનિંગ લેનારાઓએ ગાવાનું લગભગ બંધ જ કરી દીધું હોય છે. તેઓ વર્તુળાકારે તાળીઓ ને સ્ટેપ્સનું ધ્યાન રાખે છે કે દાંડિયાંની વખતે દાંડિયાં પણ બરાબર ઠોકે છે, પણ એમાંનું દરેક જણ, મ્યુઝિક પાર્ટી ગાય ને ગવડાવે, તે જાણે તેઓ પોતે જ ગાય છે એમ હોઠ જ ફફડાવે છે. ટૂંકમાં, વ્યાયામનું રખાય છે એટલું ધ્યાન ગરબામાં ગળાનું રખાતું નથી. હવે તો એવી સગવડો પણ થઈ છે કે પ્રિરેકોર્ડેડ ગરબા કે આરતી કે થાળ, ડી.જે. પર જ મળી જાય છે ને એ વાગે છે એટલે હવે કોઈ ગાયક પણ જરૂરી રહેતો નથી કે નથી સંગીત વગાડનારની કોઈ જરૂર ! એ પણ હવે તો રેકોર્ડેડ જ મળી જાય છે. મોટે ભાગે તો એ ફિલ્મી રાગ પર આધારિત (ફ્યૂઝન) હોય છે. એમાં મંદ કે મધુર તો કામનું જ નથી. જે વાગે તે ઘોંઘાટની હદનું સૂરીલું હોય છે ને એને ફોલો કરતાં કરતાં બધાં યાંત્રિક રીતે સ્ટેપ્સ કે તાળીઓ લેતા રહે છે. ગરબા લોકલ હતા, તે હવે આંતરરાષ્ટ્રીય થયા છે. તે શેરીઓમાં છે, એમ જ પાર્ટી પ્લોટ પર કે ઇન્ડોર સ્ટેડિયમ જેવામાં ભવ્યથી વધુ ભવ્ય રીતે થાય છે ને નવે નવ દિવસ બધાંને જલસા પડી જાય છે. ભીડ પણ તીડની જેમ તૂટે છે.

એમાં માતાજીનું તો બહાનું હોય છે, બાકી બધાં જ ‘રમે’ છે. એટલું છે કે બધાંને જ અનેરો ઉત્સાહ હોય છે. ‘ગરબો’ હવે એવું ઠેકાણું છે જ્યાં માતાજી મળે કે ન મળે, પણ પ્રેમીઓ મળી જતાં હોય છે. જેમને સીધું મળવાનું અનુકૂળ નથી, તેવા મિત્રો, પ્રેમીઓ ગરબાને નામે મેળ પાડી દેતા હોય છે. ઘણા ગરબાનું કહીને એવે નામે પણ જતાં હોય છે, જ્યાં એકાંત મળી રહે. એકાંત એક કરે છે ને ઘણાંની વાતો લગ્ન સુધી પણ પહોંચે છે. ઘણાંની મૈત્રી થાય છે, ઘણાંની મૈત્રી, બીજા મિત્રોની (હકીકતની) જાણ થતાં તૂટે પણ છે. આ બધાંમાં માતાજી ઓછાં ને ગાયનેક વધારે યાદ આવે એમ બને. બધે જ આવું છે એવું નથી, ક્યાંક સાત્ત્વિક ભક્તિ ને શક્તિનો મહિમા થાય જ છે, પણ ભક્તિ ને શક્તિને નામે વિ-ભક્તિ ને અ-શક્તિનો પરચો વધારે મળે છે. આમ તો એ ભક્તિના દેખાડાનું પરિણામ જ વિશેષ છે. અગાઉ ક્યારે ય ન હતો એવો દેખાડો અત્યારે ધર્મને નામે થાય છે. બધે જ ધર્મનું પ્રચલન એટલું વધ્યું છે કે તે ઘરમાં પણ પાળી શકાય એ હવે સાચું લાગતું નથી. એવું પણ નથી કે ધર્મમાં ઇનવોલવમેન્ટ વધ્યું છે. જે વધેલું દેખાય છે તે કોઈને દેખાડી દેવા કે બતાવી દેવા માટે છે. તે સ્પર્ધા કે ઈર્ષા માટે છે. એમાંથી કોઈ ધર્મ કે કોમ બાકાત નથી.

નવરાત્રિનો ઉત્સવ પણ ધર્મ માટે ઓછો અને (ગેર)લાભ માટે વધુ જણાય છે. આમાં બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના તમામ ઉંમરના લોકો કોઈક ને કોઈક રીતે જોડાય છે, એટલે પ્રશ્નો પણ બધી ઉંમરનાને થાય છે. ખાસ કરીને બધી ઉંમરની સ્ત્રીઓ, આ તહેવારમાં ચિંતાનો વિષય બની રહે છે ને યુવાનોનું નજીક આવવાનું બને છે એટલે કુટુંબ માટે પણ એ ઘણી રીતે સમસ્યારૂપ બની જતું હોય છે. મોડી રાત સુધી સંતાનો મેદાનો પર હોય છે ને એની માબાપને ચિંતા સ્વાભાવિક રીતે જ થતી હોય છે, એનો ઉકેલ હવે એવી રીતે પણ શોધાયો છે કે એક બટન દબાવવાથી માબાપને એ ખબર પડી જાય છે કે નવરાત્રિ ઉપરાંત પણ સંતાન ક્યાં છે? તેની વિગતો એક એપ્લિકેશન પરથી મળી રહે એવી વ્યવસ્થા શોધાઈ છે. સંતાન કોઈ મુશ્કેલીમાં હોય તો તેની જાણ આ એપ્લિકેશન દ્વારા થઈ શકે છે. બીજા શબ્દોમાં મા-બાપ ઇન્ક્વાયરી એપથી સંતાનોની જાસૂસી કરતાં થયાં છે. આવી ઇન્ક્વાયરી કરનારા વાલીઓ છે જે નવરાત્રિમાં સંતાનો પર વોચ રાખવા માંગે છે. બટન દબાવતાં જ કોણ, ક્યાં, કેટલું રોકાયું તે માહિતી આવી મળે છે. એ એપ માબાપે સંતાનનાં મોબાઇલમાં નાખવાની હોય છે. એ પછી સંતાન ઈચ્છે તો પણ તેને ડિલીટ કરી શકતાં નથી. એ દુ:ખદ છે કે માબાપ ચિંતા કરે છે, પણ સંતાનો પર ભરોસો મૂકતાં નથી. તો સંતાનો પણ માબાપથી ઘણું છાનું રાખતા હોય છે. તે વગર જાસૂસી કરવાની નોબત આવે ખરી? એ તો માબાપની જાસૂસી કરી નહીં શકતાં હોય, બાકી એ પણ એવી તક ગુમાવવા ન માંગે. મોબાઇલના પાસવર્ડ માબાપ, સંતાનોને આપતા નથી, પણ સંતાનના પાસવર્ડ મેળવવાની દાનત રાખતા હોય છે. એનો અર્થ એટલો જ કે કશુંક ગુપ્ત બંને પાસે છે જે કોઈ, કોઈને શેર કરવા માંગતું નથી. જરા વિચારવા જેવું છે કે મોબાઈલ આવ્યા પહેલાં કોઈ આટલું ભેદી હતું ખરું?

ભેદીની જ શું વાત કરવી, જે પરિણીત છે, તેઓ એકબીજા પર વધુ અવિશ્વાસ રાખે છે. પત્ની ગરબા ગાવા ગઈ છે એનો ભરોસો પતિને ઓછો હોય તો પતિએ સાથે જવું. પણ એ પોતે કોઈ સ્ત્રીમિત્ર સાથે ગયો હોય તો પત્ની, પતિવ્રતા નીવડે એવી આશા રાખવાનો અર્થ ખરો? પણ, પતિનો એવો આગ્રહ હોય છે કે પત્ની પોતાને તો વફાદાર હોય જ ! એ માટે પતિઓ લખલૂટ પૈસા ખર્ચીને પત્નીની જાસૂસી કરાવે છે કે ડિટેક્ટિવ રોકે છે. દીકરી ગરબા ગાવા ગઈ હોય તો બાપને એ ફિકર રહે છે કે તે ખરાબ સંગતમાં ન પડે, એટલે પણ તેની પાછળ ડિટેક્ટિવ મૂકી દેવાય છે. પણ દીકરીઓ માબાપ સમજે છે એટલી નિર્દોષ હવે રહી નથી. સંતાનો પણ એટલા મતલબી થયા છે કે નવરાત્રિમાં પ્રેમમાં પડે છે ને દશેરા પહેલાં બ્રેકઅપ પણ કરી લે છે. એટલે નવરાત્રિ, લવરાત્રિ પૂરતી જ કામની છે. નોરતા પૂરા થાય કે ઓરતા પણ પૂરા થઈ જાય છે. નજીક આવો ને દૂર પણ થઈ જાવ. મોટે ભાગે આવા સંબંધો બહુ સાચા હોતા નથી, કારણ કે એમાં કહેવા કરતાં છુપાવવાનું વધુ હોય છે. એનું સુખ એ હોય છે કે એમાં કોઈ ઇમોશનલી બહુ સંડોવાતું નથી. ‘કામ’ પતે કે કામ પૂરું. એટલું સારું છે કે આ વફાદારી ટૂંક સમયની જ હોય છે એટલે બહુ જવાબદારી પણ હોતી નથી. એક સમય હતો જ્યારે આવા સંબંધમાં છોકરાઓ પહેલ કરતા, હવે એવું નથી. છોકરીઓ પણ હવે ઘણી બાબતોમાં પહેલ કરતી થઈ છે ને હેતુ તો બંનેનો જેટલો સમય મળ્યો છે તેને સારી રીતે વિતાવવાનો ને પછી વીતી જવાનો જ હોય છે. આમાં બંને વચ્ચે અલગ થઈ જવાની સમજૂતી હોય તો પણ ક્યારેક એવું બને છે કે બેમાંથી કોઈ એક બ્રેકઅપ ન ઇચ્છતું હોય ને જે ન ઇચ્છતું હોય તેની સ્થિતિ ખરાબ થઈ જાય છે. તે ડિપ્રેશનમાં સરી પડે છે. જો કે, બીજાને એથી ખાસ ફેર પડતો નથી. એ પ્રેક્ટિકલ છે. પ્રેક્ટિકલની એક અર્થચ્છાયા હવે મતલબી પણ છે.

એ સાચું કે જગત વિકાસની આડમાં મતલબી અને કપટી થઈ ગયું છે. એવે વખતે કોઈ સાવ નિર્દોષ પણ દંડાય એવી સ્થિતિ છે, ત્યાં માબાપ સંતાનોનું હિત ઈચ્છે ને જરૂરી પગલાં ભરે એમાં કશું ખોટું નથી, પણ માબાપોએ પણ સંતાનોની, તેમને માટેની ચિંતામાં વધારો ન થાય એ પણ જોવાનું રહે જ છે. એમ લાગે છે કે ભરબપોરે અંધકાર ફેલાયો હોય તેવી હાલત છે ને એવામાં ધર્મ જ માર્ગદર્શન કરી શકે, પણ એની ભૂમિકા દર્શનની નહીં, એટલી પ્ર-દર્શનની રહી ગઈ હોય ત્યાં ‘જય આદ્યાશક્તિ …’ ગાવાની જગ્યા જ કેટલી બચે છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 ઑક્ટોબર 2022

Loading

પહેલવહેલું ગાંધીકાવ્ય: મનમોહન ગાંધીજીને

દીપક મહેતા|Gandhiana, Opinion - Literature|2 October 2022

ગાંધીજી : ૬ નવેમ્બર ૧૯૧૩ના રોજ દક્ષિણ આફ્રિકામાં અટકાયત થઇ ત્યારે 

મનમોહન ગાંધીજીને 

ગાંધી તું હો સુકાની રે:

સાચો હિન્દવાન!

હિન્દની જિંદગી અમારી –

અફળાતી અસ્થિર ન્યારી – 

તેને જોગવતો તું હો સુકાની રે : સાચો હિન્દવાન!

રાજ્ય પ્રજાના હિતનું –

મન્થન દેશે છલકાતું – 

નવનીત ઉતારે તું હો સુકાની રે : સાચો હિન્દવાન!

જનતાના જગ મહારાજ્યે –

હિન્દીજન તણા સ્વરાજ્યે –

ગજવે હિન્દી હાક તું હો સુકાની રે : સાચો હિન્દવાન!

હિન્દી જાત જ જન્માવી;

જગમાં વિખ્યાત બનાવી-

ધપાવે સત્યાગ્રહે તું હો સુકાની રે : સાચો હિન્દવાન!

મનમોહન, ઉદાર ભાવે,

વીરતાના પ્રસંગ લાવે,

હિન્દહિત કસ્તૂરી મૃગ! તું હો સુકાની રે : સાચો હિન્દવાન!

સુદામાપુરના દીપક!

શ્રી કૃષ્ણનાં જગાવે સ્મારક :

ભારત નાવિક વીર તું હો સુકાની રે : સાચો હિન્દવાન!

ગાંધી! તુજ સુજોડ પગલે,

હિન્દ-સંતતિ સંચરિયે!

શાંતિ જાય પ્રભુ અર્પે! તું હો સુકાની રે : સાચો હિન્દવાન! 

                                                                — લલિતજી  

જે સંપાદનમાં આ ગીત જોવા મળ્યું તેમાં મથાળા પછી નોંધ છાપી છે : “મહાહિન્દભરમાં સૌથી પહેલું ગાંધીગીત તા. ૧૮-૧૨-૧૯૧૩ ગૂજરાત પાટણ.” (અવતરણ ચિહ્નોમાં બધે જોડણી મૂળ પ્રમાણે) એ સંપાદન વિશેની વાત પણ રસપ્રદ છે, પણ પહેલાં આ ગીત વિષે થોડી વાત. નોંધ પ્રમાણે, માત્ર ગુજરાતી ભાષામાં જ નહિ પણ દેશની બધી ભાષાઓમાં ગાંધીજી વિશેનું આ પહેલું કાવ્ય છે. આપણી ભાષામાં જો કોઈ એક વ્યક્તિ વિષે સૌથી વધુ કાવ્યો લખાયાં હોય તો તે ગાંધીજી વિષે. અને તેમને વિષે ગુજરાતીમાં લખાય તે પહેલાં બીજી કોઈ ભાષામાં ગીત લખાય એવો સંભવ નહિવત્. અને ભારતની કોઈ ભાષામાં લખાય તે પહેલાં દુનિયાની બીજી કોઈ ભાષામાં ગાંધીજી વિષે કાવ્ય લખાય એ તો લગભગ અશક્ય. એટલે, ગાંધીજી વિશેનું આ સૌથી પહેલું કાવ્ય છે. તેના રચયિતા છે ‘લલિતજી.’ આજે લગભગ ભૂલાઈ ગયા છે.

‘લલિત’ તેમનું ઉપનામ. આખું નામ જન્મશંકર મહાશંકર બૂચ. ૧૮૭૭ના જૂનની ૩૦મી તારીખે જૂનાગઢમાં જન્મ. ૧૯૪૭ના માર્ચની ૨૫મી તારીખે અવસાન. માતાપિતા પાસેથી અનુક્રમે સંગીત અને સાહિત્યનો વારસો મળ્યો. ૧૮૮૭મા પહેલાં લગ્ન લલિતા સાથે થયાં હતાં. ૧૮૯૪માં તેમના અવસાન પછી બીજાં લગ્ન ૧૮૯૬માં તારાબહેન સાથે. પ્રથમ પત્નીની યાદમાં ‘લલિત’ ઉપનામ ધારણ કર્યું હતું. તેઓ સાત વખત મેટ્રિકની પરીક્ષામાં બેઠા હતા પણ ગણિતની મુશ્કેલીને કારણે સાતે વખત નાપાસ થયા હતા! છેવટે એસ.ટી.સી.ની પરીક્ષામાં પાસ થયા. દસેક વર્ષ લાઠીમાં રાજવી કુટુંબના શિક્ષક. કવિ કલાપીના નિકટના પરિચયમાં આવ્યા હતા અને કલાપીએ તેમને ઉદ્દેશીને ૧૮૯૬માં ‘બાલક કવિ’ નામનું કાવ્ય લખ્યું હતું. ગોંડળ સ્ટેટમાં સંગ્રામજી હાઈસ્કૂલમાં ૧૯૦૩માં પહેલી નોકરી. તે દરમ્યાન તેમનું લખેલું ‘સીતા-વનવાસ’ નાટક ભજવાયું હતું તે જોવા કલાપી અને કવિ નાનાલાલ ગોંડળ ગયા હતા. એ નાટક પુસ્તક રૂપે પણ પ્રગટ થયું હતું. ૧૯૦૮થી ૧૯૧૦ રાજકોટના અંગ્રેજી દૈનિક ‘કાઠિયાવાડ ટાઈમ્સ’ના તંત્રી. સાથોસાથ અદાલતમાં ભાષાંતર કરી આપવાનું કામ પણ કરતા. ૧૮૯૫મા ‘ચંદ્ર’ માસિકમાં પહેલી કવિતા છપાઈ. તે પછી ધીમે ધીમે લગભગ બધાં સામયિક-અખબારમાં પ્રગટ થતી. ૧૯૧૩થી ૧૯૨૦ સુધી વડોદરા રાજ્યના લાઈબ્રેરી ખાતામાં ‘લોકોપદેશક’ તરીકે કામ કર્યું. ૧૯૨૧થી ૧૯૨૫ સુધી મુંબઈના રાષ્ટ્રીય મહાવિદ્યાલયમાં સાહિત્યના શિક્ષક હતા. ૧૯૩૮મા સેવા-નિવૃત્ત. નિવૃત્તિ પછી લાઠી જઈને રહ્યા. ત્યાં જ તેમનું અવસાન થયું.

‘લલિતનાં કાવ્યો’ (૧૯૧૨), ‘વડોદરાને વડલે’ (૧૯૧૪) અને ‘લલિતનાં બીજાં કાવ્યો (૧૯૩૪) એમના કાવ્યસંગ્રહો છે. તેમના અવસાન પછી ૧૯૫૧માં પ્રગટ થયેલ ‘લલિતનો લલકાર’માં તેમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઇ છે. કવિ નાનાલાલે તેમને વિષે કહ્યું હતું : “લલિતજી એટલે લલિત જ. લગીર પણ સુંદર. મોટાં કાવ્યો નહિ, નાનાં ગીતો. મેઘ જેવાં મોટાં પગલાં નહિ, પણ કુમકુમની નાની પગલીઓ. રસઓઘ નહિ, રસનાં છાંટણાં. લલિતજી એટલે સારંગીયે નહીં ને વીણાયે નહિ, લલિતજી એટલે મંજીરાંનો રણકો ને કોયલનો ટહુકો.”

ગાંધીજી વિશેનું લલિતજીનું આ કાવ્ય લખાયું છે ૧૯૧૩ના ડિસેમ્બરની ૧૮મી તારીખે. તો સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે તે દિવસે એવું શું બન્યું હતું કે જેને લીધે લલિતજી આ કાવ્ય લખવા પ્રેરાયા હોય. અંગ્રેજીમાં કહેવું હોય તો What triggered this poem? એક કરતાં વધુ જાણકારોને હાથે ગાંધીજીના જીવનની વિગતવાર, તારીખો સહિતની, સાલવારી અંગ્રેજી અને ગુજરાતીમાં પ્રગટ થઇ છે. તે જોતાં જણાય છે કે ‘ગ્રેટ માર્ચ’ને કારણે દક્ષિણ આફ્રિકામાં ૬ નવેમ્બર ૨૧૦૩ના રોજ ગાંધીજીની ધરપકડ થઇ હતી પણ તે જ દિવસે તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા. પણ ૮ નવેમ્બરે ફરી ધરપકડ થઇ અને ફરી જામીન પર છૂટકારો. ૯ તારીખે ફરી ધરપકડ અને ૯ મહિના વત્તા ૩ મહિનાના કારાવાસની સજા. પણ ડિસેમ્બરની ૧૮મી તારીખે અણધારી રીતે જેલમાંથી બિનશરતી મુક્તિ મળી હતી. આ સજા થઇ તે પહેલાં જ પોતે હિન્દુસ્તાન પાછા ફરવાના છે એવી જાહેરાત ગાંધીજીએ કરી હતી. એટલે તેમનો જેલમાંથી થયેલો છુટકારો એ દેશવાસીઓ માટે આનંદના સમાચાર ગણાય.

પણ વેઇટ અ મિનિટ! ૧૯૧૩માં આપણા દેશમાં હજી રેડિયો બ્રોડકાસ્ટિંગની શરૂઆત તો થઇ નહોતી. (તેની શરૂઆત ખાનગી ધોરણે થઇ ૧૯૨૩માં, અને સરકારી ધોરણે થઇ ૧૯૩૦માં.) એટલે એ વખતે દેશના તેમ જ પરદેશના સમાચારો મેળવવાનું એકમાત્ર સાધન અખબારો હતું. અને દક્ષિણ આફ્રિકામાં ૧૮મી તારીખે જે કાંઈ બન્યું હોય તેના સમાચાર તો ૧૯મીના અખબારમાં જ આવે ને? એટલે ૧૮મી ડિસેમ્બરે ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં જેલમાંથી છોડવામાં આવ્યા અને તે જ દિવસે આ કાવ્ય લખાયું એ કેવળ એક સુખદ અકસ્માત જ હોઈ શકે. એ બંને વચ્ચે કારણ-કાર્યનો સંબંધ ન હોઈ શકે.

હવે જે પુસ્તકમાં નોંધ સાથે આ કાવ્ય છપાયું છે તે પુસ્તક વિષે. પુસ્તકનું નામ : ‘ગાંધીકાવ્યસંગ્રહ.’ પ્રથમ આવૃત્તિ: ‘રેટીઆ બારસ ૧૯૯૩’ (એટલે કે ઈ.સ. ૧૯૩૭). ૧૨૭ પાનાં, મૂલ્ય ૧૨ આના (આજના ૭૫ પૈસા). પ્રકાશક : “વીલેપારલેની શ્રી ગોકળીબાઈ પૂનમચંદ પીતાંબર હાઈસ્કૂલની વિદ્યાર્થી-પંચાયત વતી શ્રી ઉમાશંકર જોષીએ પ્રસિદ્ધ કર્યું.” (પુસ્તકમાં બધે ‘જોષી’ જ છાપ્યું છે, ‘જોશી’ નહિ.) અને છેલ્લે, આ પુસ્તકના સંપાદકો હતા ઝીણાભાઈ દેસાઈ અને ઉમાશંકર જોષી. એ વખતે ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ’ આ શાળાના આચાર્ય હતા અને ઉમાશંકર ગુજરાતીના શિક્ષક હતા. પુસ્તકમાં કુલ ૭૦ કાવ્યો સમાવ્યાં છે. તેમાં ઝવેરચંદ મેઘાણીનાં ચાર, સ્નેહરશ્મિનાં પાંચ, લલિતજીનાં ચાર, રાયચુરા (નામ છાપ્યું નથી, માત્ર અટક છાપી છે)નાં બે, હરિહર ભટ્ટનાં બે, સુંદરજી બેટાઈનાં બે, અને ઉમાશંકર જોષીનાં પાંચ કાવ્યો જોવા મળે છે. બીજા કવિઓનું એક-એક કાવ્ય લીધું છે. છેવટે ‘બાદરાયણ’(ભાનુશંકર વ્યાસ)નાં બે સંસ્કૃત કાવ્યો મૂક્યાં છે. અલબત્ત, નિખાલસતાથી કહેવું જોઈએ કે બે પ્રતિષ્ઠિત કવિઓએ આ સંપાદન કર્યું હોવા છતાં કાવ્ય તરીકે આજે ય ટકી શકે એવી કૃતિઓ અહીં પ્રમાણમાં ઘણી ઓછી જોવા મળે છે.

આ સંપાદન જે રીતે તૈયાર થયું તે પણ ધ્યાન ખેંચે તેમ છે. ગાંધી જયંતીની ઉજવણી અંગે ગોકળીબાઈ હાઈસ્કૂલની વિદ્યાર્થી-પંચાયતે એક ઠરાવ કર્યો હતો. તેમાં છઠ્ઠી કલમ આ પ્રમાણે હતી: “પૂ. ગાંધીજીને લગતાં ગૂજરાતી કાવ્યોનો સંગ્રહ કરી શક્ય હોય તો તેને છપાવી બહાર પાડવાની યોજના.” આવું પુસ્તક તૈયાર થઇ શકે એવી શક્યતા ઓછી જ હતી. પહેલી મુશ્કેલી હતી ખર્ચ માટેના પૈસાની. પણ તે અણધારી રીતે દૂર થઇ. શનિવાર તા. ૧૮-૯-૧૯૩૭ને દિવસે ‘એક બહેન’ શાળાની પ્રાર્થના સભામાં આવ્યાં અને પુસ્તકની બધી આર્થિક જવાબદારી પોતે ઉપાડી લેવા તૈયાર થયાં. બીજી મુશ્કેલી હતી સમયની. પણ તે જ દિવસે અખબારોમાં જાહેરાત છપાવી કવિઓને પોતાનાં કાવ્યો મોકલવાની વિનંતી કરી. જવાબમાં ૨૫૦-૩૦૦ કવિઓની રચના મળી. તેમાંથી ૭૦ રચનાઓ પસંદ કરી અને ૨૧-૯-૩૭ના દિવસે મુંબઈના આનંદ પ્રિન્ટિંગ પ્રેસને મેટર છાપવા આપ્યું. ૨૮-૯-૧૯૩૭ના દિવસે ચોપડી છપાઈને તૈયાર થઇ ગઈ. એક અઠવાડિયામાં ચોપડી છપાઈને તૈયાર થઇ જાય એ વાતની આજે કમ્પ્યુટર યુગમાં આપણને બહુ નવાઈ લાગે. પણ એ યાદ રાખવું ઘટે કે એ મુવેબલ ટાઈપનો જમાનો હતો. એક-એક અક્ષર હાથ વડે કમ્પોઝ કરવો પડતો. પછી પ્રૂફ જોઈ સુધારા કરવા પડતા. વળી તે વખતનાં મશીન પર એક સાથે ૧૬ પાનાં જ છાપી શકાતાં. આજે વપરાય છે તેવી તાબડતોબ સુકાઈ જાય તેવી શાહી તે વખતે નહોતી. એટલે આઠ પાનાં છાપ્યા પછી તેને સુકાવા દેવાં પડે અને પછી બીજી બાજુ બીજાં આઠ પાનાં છાપી શકાય. પણ આ બધું કરીને એક જ અઠવાડિયામાં પુસ્તક તૈયાર થઇ ગયું.

સંપાદકીયમાં ‘સ્નેહરશ્મિ’ અને ઉમાશંકરે કહ્યું છે : “પ્રશસ્તિકાવ્યની ઉત્તમ કવિતા પ્રકારમાં ગણના થતી નથી. પણ આ સંગ્રહમાં ગાંધીજીની પ્રશસ્તિ ઉપરાંત એમના જીવનને લગતાં છતાં એમના જ નહિ પણ સારી પ્રજાના જીવનના ગણાઈ ચૂકેલા ઐતિહાસિક પ્રસંગોમાંથી પ્રેરાયેલી કૃતિઓ પણ સદ્ભાગ્યે સારા પ્રમાણમાં છે.” સંપાદકીયનું છેલ્લું વાક્ય આ પ્રમાણે છે : “ગાંધીજીનું ગૂજરાત આ ગાંધીકાવ્યસંગ્રહને અપનાવી લેશે એવી આશા છે.” પણ હકીકતમાં આ સંગ્રહ આજે તો લગભગ ભુલાઈ ગયો છે. જેમ લલિતજીનું ‘મનમોહન ગાંધીજીને’ ગીત પણ ભુલાઈ ગયું છે તેમ. પણ ગાંધીજીની સાર્ધ જન્મશતાબ્દીના આ વર્ષમાં એ ગીત અને એ સંગ્રહને યાદ કરી લઈએ.

xxx xxx xxx 

Email: deepakbmehta@gmail.com 

Loading

...102030...1,3341,3351,3361,337...1,3401,3501,360...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—320
  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved