Opinion Magazine
Number of visits: 9669895
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બેવડી નોકરીનો કોને ભાર, કોને માર ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|10 November 2022

અંગ્રેજી શબ્દ મૂનલાઈટનો અર્થ ચન્દ્રનો પ્રકાશ કે ચાંદની થાય. જે શીતળતા આપે પણ આજકાલ ચર્ચામાં છે તે મૂનલાઈટિંગ કે મૂનલાઈટર્સ શબ્દનો અર્થ ઉદ્યોગોને દઝાડનારો છે. મૂળે તો તેના હાલના અર્થમાં આ શબ્દો અમેરિકાથી આયાત થઈને પ્રચલિત થયા છે. અમેરિકનોમાં પૂરક આવક માટે બીજી નોકરીની તલાશ થઈ ત્યારે આ શબ્દ જાણીતો થયો. ભારતમાં અને કદાચ દુનિયાભરમાં ઉદ્યોગ-ધંધા કે કારખાનાં માત્ર ડેલાઈટિંગમાં એટલે કે સૂર્યપ્રકાશમાં જ કાર્યરત નથી હોતા. મૂનલાઈટિંગ એટલે રાત્રે પણ કામ જારી હોય છે. હાલમાં મૂનલાઈટિંગનો જે વિવાદ છે તે કોઈ કર્મચારી નિયમિત સમયની નોકરી પછીના સમયમાં કોઈ બીજું કામ કે નોકરી કરે છે તે અર્થાત્‌ બેવડી નોકરીનો છે.

અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો નિયમિત કામના કલાકો ઉપરાંત બીજાં કામો કરતાં જ હોય છે. જે ઉજળી નોકરીઓ કહેવાય છે ત્યાં પણ કેટલાંક બીજા કામો કરતાં હોવાનું જોવા મળે છે. શિક્ષકો નિયમિત અધ્યાપન કાર્ય કરવા ઉપરાંત ટ્યૂશન કરતાં જ હોય છે. કોઈ વાણિજ્યના અધ્યાપક કંપની કે પેઢીનું એકાઉન્ટનું કામ કરે છે. કમ્પ્યૂટર ઓપરેટર નોકરી કરવા સાથે બીજા સમયમાં ડેટા એન્ટ્રીનું કામ કરે છે. વ્યાયામ શિક્ષક જિમમાં ટ્રેનર તરીકે કે સંગીત શિક્ષક ક્યાંક સંગીત વાધ્ય વગાડવા જતા હોય કે સરકારી કર્મચારી નોકરી પછીના સમયે પરિવારની દુકાન કે ધંધો સંભાળતો હોય તે સહજ મનાય છે. કોરોના મહામારી અને તાળાબંધી પછીના જે પદાર્થપાઠ મળ્યા તેના લીધે આઈ.ટી. અને ઈ.કોમર્સ ક્ષેત્રમાં બેવડી નોકરીનું ચલણ વધ્યું છે. તેને કારણે જ મૂનલાઈટિંગ શબ્દ અને તેના લાભાલાભની ચર્ચા ઉપડી છે.

મૂનલાઈટિંગ કે બેવડી નોકરી અંગે ભારતના ઉદ્યોગ જગતનું મંતવ્ય એક સમાન નથી. દેશની એક ટોચની આઈ.ટી. કંપનીએ તેના કર્મચારીઓને બેવડી નોકરી અંગે પહેલા સાવધાન કરતી નોટિસ આપી અને પછી તપાસ કરતાં બેવડી નોકરી કરતાં ત્રણસો કર્મચારીઓને એક ઝાટકે છૂટા કરી દીધા. બીજી તરફ ઓનલાઈન ફૂડ ડિલવરી કરતી એક કંપનીએ ઈન્ડસ્ટ્રી ફર્સ્ટના મંત્ર સાથે એના કર્મચારીઓને બીજે નોકરી કરવાની છૂટ આપી દીધી છે. આઈ.ટી. અને સ્કીલ ડેવલપમેન્ટ વિભાગના કેન્દ્રીય મંત્રી રાજીવ ચન્દ્રશેખરે પણ મૂનલાઈટિંગનું સમર્થન કર્યું છે. આમ  આ વિષયે મતમતાંતર પ્રવર્તે છે.

ગુજરાતીમાં કહેવત છે કે વહેલી પરોઢનું દળેલું અને જુવાનીનું રળેલું કામ આવે છે. અર્થશાસ્ત્રનો નિયમ છે કે દરેક વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય છે. કોવિડ મહામારીને કારણે સર્જાયેલી આર્થિક મુશ્કેલીઓએ માનવીને વધુ રળવા અને માનવ મટી વસ્તુ બની પોતાનું ઉપયોગિતા મૂલ્ય વસૂલવા મજબૂર કર્યો છે. ઘણી કંપનીઓએ વર્ક ફ્રોમ હોમની નીતિ અપનાવી હતી. જેમને કમ્પ્યૂટર કે ઈન્ટરનેટ પર કામ કરવાનું છે તેવા આઈ.ટી. પ્રોફેશનલ્સ અને અન્ય માટે ફાજલ સમય ઊભો થયો તો જે આર્થિક તંગી ઊભી થયેલી તેના ઉકેલ માટે વધુ કમાવી લેવા લલચાવ્યા. તેને કારણે આઈ.ટી. સેકટરમાં મૂનલાઈટિંગ જોવા મળી રહ્યું છે. 

બેવડી નોકરીના તરફદારોનો મત છે કે કોઈ કર્મચારી તેની મહેનત અને પ્રતિભાનું ઉચિત મૂલ્ય ઈચ્છે તો તેમાં ખોટું શું છે ? વળી તેનો આશય પૂરક આવક મેળવવાનો અને વધુ સારી જીવનશૈલી અપનાવવાનો છે. જો તે આર્થિક રીતે વધુ સંપન્ન હશે તો ચિંતામુક્ત થઈને કામ કરી શકશે. તેની અસર તેની કાર્યક્ષમતા પર જોઈ શકાશે. કેન્દ્રીય મંત્રી પણ દેશના આત્મવિશ્વાસસભર યુવાનોને સ્ટાર્ટ અપ માટે તક આપવા ઉદ્યોગોને મૂનલાઈટિંગ પર પ્રતિબંધ જેવા બંધનો ન મૂકવા જણાવે છે. વિદેશોમાં જ્યાં મૂનલાઈટિંગ પ્રવર્તે છે તે દેશો આવક વધતાં વધુ કર મેળવીને ખુશ છે. એક અમેરિકી રિપોર્ટમાં બેવડી નોકરીના ચલણને લાભદાયી દર્શાવવામાં આવ્યું છે.

તેના કરતાં સાવ સામા છેડાની દલીલો મૂનલાઈટિંગના વિરોધીઓની છે. ભારતના કોઈ કાયદામાં સીધી રીતે બેવડી નોકરીનો બાધ નથી. પણ જો સરખા પ્રકારની નોકરી કે કામ હોય તો ગોપનીયતાનો પ્રશ્ન ઉદ્દભવે છે. કંપનીની અનુમતી વિના આ પ્રકારની નોકરી વિશ્વાસઘાત કે કંપની પ્રત્યેની નિષ્ઠાનું ઉલ્લંઘન છે. કર્મચારી તેની શારીરિક ક્ષમતા કરતાં વધુ કલાક કામ કરે અને તેને પૂરતો આરામ ન મળે તો તેની અસર તેના આરોગ્ય પર પડે છે. તેને કારણે તે બંને કામને સરખો ન્યાય આપી શકે નહીં. તે કામચોરી કરે તો ઉત્પાદન અને તેની ગુણવત્તા પર અસર પડે છે. વળી આ અનુચિત, અનૈતિક તો છે જ નોકરીની શરતોનો ભંગ પણ છે.

કર્મચારી તેના કામના નિશ્ચિત કલાકો પછી કંઈ પણ કરવા સ્વતંત્ર છે. તે તેના ફાજલ સમયનો ઉપયોગ પરિવાર અને મિત્રો સાથે ગાળે, આરામ કરે કે કોઈ કામ કરે તેના પર કોઈ નિયંત્રણ લાદી શકાય નહીં. કર્મચારી કોઈ વેઠિયો મજૂર નથી કે તેના પર બીજી નોકરી નહીં કરવાની લક્ષ્મણ રેખા નોકરીદાતા મૂકી શકે. જ્યારે તેની આવક મર્યાદિત હોય અને ખર્ચ વધારે હોય તો તે બીજું કામ કરવા મુક્ત હોવો જોઈએ. ખરેખર તો નિયોક્તાએ એ વિચારવું જોઈએ કે તેના કર્મચારીને બીજા કામની આવશ્યકતા કેમ ઊભી થઈ ? શું તેને જીવનનિર્વાહ જેટલું વેતન મળતું નથી તેના કારણે તો તેને આવું કરવાની લાચારી ઊભી થઈ છે કે કેમ? તે વિચારીને મૂનલાઈટિંગના સવાલને આત્મખોજનો વિષય બનાવવો જોઈએ.

ફાજલ સમયમાં પૂરક આવક મેળવવા માટે કરવું પડતું કામ અને મૂનલાઈટિંગ કે બેવડી નોકરી વચ્ચેનો ભેદ પણ પારખવાની જરૂર છે. જો તેને મળતું વેતન જીવનનિર્વાહ માટે અપર્યાપ્ત હોય તો વેતન વૃદ્ધિ કેમ થઈ શકતી નથી ? વળી કરોડો હાથ રોજગારવિહોણા હોય અને દેશમાં બેરોજગારી ચરમસીમાએ હોય તો બેવડી નોકરીનું ઔચિત્ય કેટલું ? દીર્ઘ કામદાર-કર્મચારી લડતો પછી કામના નિશ્ચિત કલાકોનો અધિકાર મેળવી શકાયો છે. હવે ભલે કર્મચારીઓનો એક નાનકડો વર્ગ ખુદ જ તેનો ભંગ કરે પણ તેનાથી કામના આઠ કલાકના અધિકારની સાર્થકતા પર પણ સવાલો ઊઠી શકે છે. મધ્યમ વર્ગને એશોઆરામ માટે નહીં પણ ઘરના બે છેડા ભેગા કરવા જો બેવડી નોકરીનો ભાર વેઠવો પડતો હોય અને ઉદ્યોગપતિઓ તેને પોતાના પર માર તરીકે જોતા હોય તો સરકારે મૂનલાઈટિંગને અર્થવ્યવસ્થા માટે ઉપકારક કે સારી બાબત તરીકે મૂલવવાને બદલે તેના સઘળા પાસાંઓનો વિચાર કરવો ઘટે.

e.mail : maheriyachanu@gmail.com

Loading

કાશ મૈં ખુદા હોતી … એક પત્ર, એક પુસ્તક, એક ફિલ્મ

સોનલ પરીખ|Opinion - Opinion|10 November 2022

માહસા અમીનીનાં માતાપિતાએ એની કબર પરના પથ્થર પર કોતરાવ્યું છે, ‘વહાલી દીકરી, તું મરશે નહીં. તારું નામ એક અમર પ્રતીક બની જશે.’ તસલીમા નસરીન કહે છે કે મહિલાઓ સ્વેચ્છાએ નહીં, કટ્ટરપંથીઓના ડરથી હિજાબ પહેરે છે. માનવ તરીકેના મૂળભૂત અધિકાર માટે મથી રહેલી, લડી રહેલી, મરી રહેલી ઈસ્લામિક વિશ્વની દીકરીઓ, પત્નીઓ, બહેનો, માતાઓની પીડાને કોણ વાચા આપશે? કોણ મદદ કરશે? એમને મોકળાશ અને આનંદ મળશે ખરા? સ્વતંત્રતા શું સ્વપ્ન જ રહેશે?

ઈરાનમાં હિજાબ વિરુદ્ધ પ્રદર્શનો અને હિંસાના માહોલ વચ્ચે બે અઠવાડિયા પહેલાના એક ચોંકાવનારા સમાચાર વાંચેલા. એ વખતે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી અમેરિકા હતા. ક્રિસ્ટીન આમનપોર નામની વરિષ્ઠ પત્રકાર સાથે તેમનો ઈન્ટરવ્યૂ યોજાયો હતો. ક્રિસ્ટીન અમેરિકાની જાણીતી ન્યૂઝ ચેનલ સી.એન.એન.ની સિનિયર એન્કર છે, ઈન્ટરવ્યૂ પ્રિ-પ્લાન્ડ હતો. હિજાબ અને અણુશસ્ત્રો બાબત એમનો દૃષ્ટિકોણ મેળવવા ને સમજવા માટે ક્રિસ્ટીને ઘણું રિસર્ચ કર્યું હતું અને અને અમેરિકાની ધરતી પર થનારા પહેલા ઈન્ટરવ્યૂ માટે રઈસી પોતે પણ ઉત્સુક હતા. આમ છતાં ઈન્ટરવ્યૂ થયો નહીં. કેમ? કેમ કે રઈસીએ આગ્રહ રાખ્યો કે પોતે તો જ આપશે જો ક્રિસ્ટીન હિજાબ પહેરશે. ક્રિસ્ટીન જો કે ઈરાનિયન મૂળ ધરાવે છે, પણ તેણે નમ્રતાથી એનો અસ્વીકાર કર્યો. ઈન્ટરવ્યૂ થયો નહીં. 

ઈરાન આધુનિક રાષ્ટ્ર હતું એ ઇતિહાસ બહુ જૂનો નથી. 1979માં ત્યાં ઈસ્લામિક ક્રાંતિ થઈ પછી બધું બદલાઈ ગયું. આયાતુલ્લાહ ખોમેનીએ ફતવો બહાર પાડ્યો કે ઈરાનની સ્ત્રીઓએ ફરજિયાત હિજાબ પહેરવો અને જેનું માથું ઢાંકેલું નહીં હોય (ખોમેનીએ એને માટે ‘નગ્ન’ શબ્દ વાપરેલો) તેના પર કાયદેસર કામ ચલાવવામાં આવશે. 1983માં હિજાબ ઈરાનના પીનલકોડમાં સામેલ હતો – એ વિધાન સાથે કે જે સ્ત્રી જાહેર સ્થળે હિજાબ વિનાની દેખાય તેને 74 કોરડા મારવાની સજા કરવી. જો કે કોરડા મારવાની સજાને બદલે ગાઈડન્સ પેટ્રોલિંગ થાય છે, મોરાલિટી પોલિસ હિજાબ વિનાની કે નિયમ મુજબનો હિજાબ ન પહેરનારી સ્ત્રીને પકડી કસ્ટડીમાં લઈ જાય છે ને ધાકધમકી, મારપીટ, માફીનામાં વગેરે પછી છોડી દે છે. 

ફતવો બહાર પડ્યો ત્યારથી તેનો વિરોધ થતો આવ્યો છે. છેલ્લા દાયકામાં વિરોધ ખૂબ વધ્યો છે. 2019-20માં વિરોધીઓએ મોરાલિટી પોલિસની વાન પર આક્રમણ કરી બે યુવતીઓને છોડાવી હતી. 2020માં ઈરાન સરકારના અધિકારી અલી ખામેનીએ કહ્યું કે ‘યોગ્ય રીતે હિજાબ ન પહેર્યો હોય એ સ્ત્રીમાં અસુરક્ષિતતા અને ડર જાગવાં જોઈએ.’ અન્ય નેતાઓનું સમર્થન મળ્યું અને સ્ત્રીઓ પ્રત્યેનું વલણ વધારે આક્રમક બન્યું. 

16 સપ્ટેમ્બર 2022ના દિવસે જેનું મૃત્યુ થયું એ માહસા અમીનીનો જન્મ 2000માં એક કુર્દિશ પરિવારમાં થયો. માહસા પોતાના ભાઈ સાથે તહેરાન આવી હતી. 13 સપ્ટેમ્બરે તેને ગાઈડન્સ પેટ્રોલવાળાએ, હિજાબમાંથી વાળ દેખાતા હતા એટલે એને પકડી અને વાનમાં બેસાડી. ભાઈને કહ્યું કે જરા ધમકાવી એક કલાકમાં તેને છોડી મૂકીશું. બે કલાક પછી તે હૉસ્પિટલમાં હતી. ભાઈને કહેવામાં આવ્યું કે માહસાને હાર્ટએટેક આવ્યો છે. બે દિવસ કોમામાં રહ્યા પછી તે મૃત્યુ પામી. એના શરીર પર બેરહેમીથી પડેલા મારના નિશાન હતાં. સાથેની યુવતીએ સાક્ષી પણ આપી. માહસાના પિતા કહે છે, ‘એના મૃત્યુ વિશે મેં જ્યાં જ્યાં પૂછપરછ કરી, ભયાનક, રહસ્યમય મૌન જ મળ્યું.’ માહસાનાં માતાપિતાએ એની કબર પરના પથ્થર પર કોતરાવ્યું છે, ‘વહાલી દીકરી, તું મરશે નહીં. તારું નામ એક અમર પ્રતીક બની જશે.’ 

આ ઘટનાએ સમગ્ર ઈરાનને જ નહીં, વિશ્વને હચમચાવી નાખ્યું છે. તસલીમા નસરીને કહ્યું કે મહિલાઓ સ્વેચ્છાએ નહીં, કટ્ટરપંથીઓના ડરથી હિજાબ પહેરે છે. ઈરાનમાં મહિલાઓ સડકો પર ઊતરી આવી. ગરશાદ નામની ઈરાનના યુવાનોને રસ્તા પર ઊતરી આવવાની પ્રેરણા આપતી મોબાઈલ એપ બની અને ગણતરીના દિવસોમાં 12 લાખથી વધુ લોકોએ એને ડાઉનલોડ કરી. ઈરાનમાં અત્યારે ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે. 

કટ્ટરવાદી મૌલવીઓના શાસન પછી ઈરાનમાં ધર્મને નામે અનેક પ્રતિબંધો મુકાયા છે. હિજાબનું ધ્યાન રાખવા માટે ગશ્ત-એ-ઈરશાદ (મોરાલિટી પોલિસ) પેટ્રોલિંગ કરતી રહે છે. જો યુવતીઓ કામકાજી હોય તો તેના હિજાબની જવાબદારી ઑફિસની ગણાય છે. જો કે ત્યાંની યુવતીઓ, યુવાનો, ફિલ્મમેકરો વિદ્રોહના મૂડમાં હોય છે. આ ફિલ્મમેકરોએ શ્રેષ્ઠ ફિલ્મો આપી છે. 

આવી એક પાકિસ્તાની ફિલ્મ ‘બોલ’ 2015માં બની હતી. મૃત્યુદંડ પામેલી ઝેનબ છેલ્લી ઈચ્છા મુજબ એને પત્રકારો સમક્ષ પોતાની વાત કહેવી શરૂ કરે છે ત્યાંથી ફિલ્મ શરૂ થાય છે. જિંદગીના એક પછી એક પડ ખૂલતા આવે છે. આપણે જોઈએ છીએ ન કમાતો, મસ્જિદના પૈસે ગુજારો કરતો, પત્નીને ટોણા મારતો છ દીકરીઓ અને એક વ્યંઢળ સંતાનનો હકીમ બાપ. પતિના ત્રાસથી ઘેર પાછી આવેલી ઝેનબ પિતાની નફરતનો શિકાર વ્યંઢળ ભાઈ, નાની બહેનો અને મજબૂર માની ઢાલ છે. વ્યંઢળ કિશોર પર બળાત્કાર થાય છે ત્યારે હકીમ બાપ એને પ્લાસ્ટિકમાં ગૂંગળાવીને મારી નાખે છે ને મસ્જિદના પૈસાથી પોલિસનાં મોં ભરે છે. એક દિવસ હકીમ પાસે કૂટણખાનું ચલાવતો એક ગુંડો આવે છે, ‘જાદુગર બુઢ્ઢા, તારામાં દીકરીઓ પેદા કરવાનો હુનર છે. મારી છોકરી ધંધે બેઠી છે. એને દીકરીઓ આપ કે ધંધો ચાલતો રહે.’ હકીમ દ્વારા એ છોકરીને દીકરી તો થાય છે, પણ છોકરી દીકરીને બચાવવા હકીમ પાસે મૂકી જાય છે, ગુંડો એનો કબજો લેવા આવે છે ને હકીમ માસૂમ બાળકીનું ગળું દબાવે છે, ત્યારે ઝેનબ હકીમના માથા પર મરણતોલ પ્રહાર કરે છે. 

‘સજા ખૂનની જ શા માટે મળે છે?’ એ ચીસ પાડીને પૂછે છે, ‘એક પછી એક સંતાનો પેદા કર્યે જવા ને એમને ભયાનક જીવન તરફ ધકેલી દેવા એ ગુનો નથી? એની સજા કેમ નથી? ખિલા નહીં સકતે તો પૈદા ક્યોં કરતે હો?’ ‘અમે શિકાર થતા રહીએ છીએ કેમ કે અમે બોલતા નથી.’ ‘બુરખે ફેંક દો ઔર અપની ઝિંદગિયાં બનાઓ, ખુદ.’ ‘કાશ મૈં ખુદા હોતી. હર મર્દ સે કમ સે કમ એક બચ્ચા જનવાતી. ફિર પતા ચલતા.’ 

અને એક નવલકથા, ‘ધ હાઉસ વિધાઉટ વિંડોઝ’ અફઘાન લેખિકા નાદિયા હાશિમીની. ચાર સંતાનનો પિતા કમાલ માથા પર મરણતોલ પ્રહાર થવાથી મૃત્યુ પામ્યો છે ને લોહીથી ખરડાયેલી ઝેબા મૂઢ બનીને ઊભેલી છે ત્યારે પોલિસ તેને ખૂની ગણીને પકડે છે. જેલમાં તેને બીજી ત્રણ કેદી સ્ત્રીઓ લતીફા, નફિસા અને મેઝગન સાથે દોસ્તી થાય છે. ચિલ માહતાબ(કાબુલની સ્ત્રી-જેલ)ની મોટા ભાગની કેદીઓ લગ્નબાહ્ય સંબંધોને લીધે અહીં છે. ઝેબાની પાડોશમાં રહેતો યુસૂફ વકીલ છે. લગ્ન કરવા અમેરિકાથી આવ્યો છે અને ઝેબા નિર્દોષ હોય તે એને બચાવવા માગે છે. ક્યાં ય સુધી સહકાર ન આપતી ઝેબા મોં ખોલે છે અને પહેલા માબાપના ને પછી પતિના કઠોર શાસનમાં જીવતી અને વહેમો ને ધાર્મિક પ્રતિબંધો વચ્ચે પીસાતી અફઘાનિસ્તાનની સ્ત્રીઓનું કડવું સત્ય ખૂલે છે. સાથે અફઘાનિસ્તાનનાં ગામડાંઓમાં થતી આરોગ્ય અને કાયદાની અવગણનાનો કુરુપ ચહેરો પણ સામે આવે છે. 

સિરિયાની વફા સુલતાને ‘ઍ ગોડ વ્હૂ હેટ્સ’ નામની આત્મકથા લખી છે તેમાં પણ ધાર્મિક ફરમાનોના નામે મુસ્લિમ સ્ત્રીઓને થતા અન્યાય અને શોષણનો ચિતાર છે. એ લખે છે, ‘હું અમેરિકા ગઈ ત્યારે મને ખબર પડી કે સ્વતંત્રતા એટલે શું અને હું રડી પડી : અપરંપાર ખુશીથી, પારાવાર દુ:ખથી.’ 

ઈસ્લામિક વિશ્વની દીકરીઓનો, પત્નીઓનો, બહેનોનો, માતાઓનો આ ચિત્કાર છે. શું માગે છે તેઓ? તેઓ માગે છે માણસ તરીકે જીવવાનો અધિકાર. શા માટે એમને આટલું બધું સહેવાની ફરજ પડે છે? માનવ તરીકેના મૂળભૂત અધિકાર માટે મથી રહેલી, લડી રહેલી, મરી રહેલી આ સ્ત્રીઓની પીડાને કોણ વાચા આપશે? કોણ મદદ કરશે? એમને મોકળાશ અને આનંદ મળશે ખરા? સ્વતંત્રતા શું સ્વપ્ન જ રહેશે?

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 09 ઑક્ટોબર 2022

Loading

આંતરવિગ્રહનાં પરિણામ વિશ્વયુદ્ધો કરતાં પણ વધુ ભયાનક હશે

રમેશ ઓઝા|Opinion - Opinion|10 November 2022

એક માણસ એવો છે જેણે એક યુવતીને કહ્યું હતું કે હું તારા ઉપર બળાત્કાર કરું એટલી લાયકાત તું ધરાવતી નથી. એ માણસે એવું કહ્યું હતું કે મેં ઉપરાઉપર પાંચ દીકરા પેદા કર્યા, પણ છઠ્ઠી વખતે હું થોડો નિર્બળ હતો એટલે દીકરી પેદા થઈ. એ માણસે કહ્યું હતું કે મારો દીકરો સમલિંગી બને તો એ એ ક્ષણે જ મારો પ્રેમ અને બીજું બધું જ ગુમાવે. એ માણસનું નામ છે જાઈર બોલ્સનારો જે બ્રાઝીલનો પ્રમુખ હતો. આ યુગ અસંસ્કારી, અબુધ, જૂનવાણી અને જુલ્મી નેતાઓનો છે. આવો પણ યુગ આવશે એની કલ્પના કોઈએ નહોતી કરી.

ગયા અઠવાડિયે બ્રાઝીલમાં ચૂંટણી યોજાઈ જેમાં જાઈર બોલ્સનારોનો પરાજય થયો, પણ તેનો પરાજય રાહત આપનારો નથી. વિજેતા ડાબેરી ઉમેદવાર લુલા ડીસિલ્વાને ૫૧ ટકા મત મળ્યા હતા અને બોલ્સનારોને ૪૯ ટકા મત મળ્યા હતા. જે પરાજય થયો છે એ જરાકમાં થયો છે જેવું અમેરિકામાં બન્યું હતું. લોકતંત્રનો દુ:શ્મન અને યેનકેન પ્રકારેણ વિરોધ પક્ષોની રાજકીય જગ્યા આંચકી જવાની પેરવી કરનારો જાઈર બોલ્સનારોને ગમે તે રીતે કાઢવો રહ્યો એ માટે વિરોધ પક્ષો સાથે આવ્યા હતા. ચૂંટણીકીય વ્યૂહરચના એવી કરી હતી જેને કારણે જાઈર બોલ્સનારોનો પરાજય થયો હતો. એમ છતાં ય ૪૯ ટકા મતદાતાઓ તેની સાથે છે એ ઓછી ચિંતાનો વિષય નથી.

આવું જ ઇઝરાયેલમાં બન્યું. ઇઝરાયેલમાં બેન્જામિન નેતાન્યાહુ નામનો માણસ તાનાશાહ છે. ઈમાનધરમ માનમર્યાદા માણસાઈ વગેરે સાથે તેને કોઈ લેવાદેવા નથી. તે જાઈર બોલ્સનારોની માફક જૂનવાણી નથી, જુલ્મી છે. ત્યાં પણ વિરોધ પક્ષોએ રણનીતિ રચીને તેને કાઢ્યો હતો, પરંતુ વિરોધ પક્ષો સરકાર ચલાવી શક્યા નહોતા અને પાછી ચૂંટણી યોજવી પડી હતી. ઇઝરાયેલમાં પહેલી નવેમ્બરે યોજાયેલી ચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે અને નેતાન્યાહુનું પુનરાગમન થયું છે. નેસેટ નામે ઓળખાતી ત્યાની લોકસભાની ચૂંટણી માટે નેતાન્યાહુના લીકુડ પક્ષના નેતૃત્વ હેઠળના મોરચાને બહુમતી મળી છે. વિવિધ રાજકીય પક્ષોને કુલ મળેલા મતોને બેઠકમાં ફેરવવામાં આવે (ઇઝરાયેલની એવી ચૂંટણીપધ્ધતિ છે) તો નેતાન્યાહુના મોરચાને ૧૨૦ સભ્યોની લોકસભામાં ૬૫ બેઠકો મળી છે. સાદી બહુમતી કરતાં ચાર બેઠકો વધુ.

બેન્જામિન નેતાન્યાહુનું પુનરાગમન અમંગળ છે એનાથી વધુ અમંગળ એક બીજા માણસની વધતી લોકપ્રિયતા છે. એ માણસનું નામ છે ઇતમાર બેન-ગ્વીર. ૪૬ વરસનો એ માણસ જમણેરીઓમાં પણ જમણેરી છે. એ યહૂદી ત્રાસવાદનો સમર્થક છે અને ૧૯૯૪માં ૨૯ મુસલમાનોની કત્લેઆમ કરનારા બરુક ગોલ્ડસ્ટેન નામના ત્રાસવાદીને ઇઝરાયેલનો અને યહૂદી પ્રજાના હીરો તરીકે ઓળખાવે છે. હજુ હમણાં સુધી તે તેના બેઠક ખંડમાં ગોલ્ડસ્ટેનની મોટા કદનો તસ્વીર રાખાતો હતો. તે આરબોને ઇઝરાયેલની બહાર ફગાવી દેવાની હિમાયત કરે છે. આ માણસના પક્ષને મળેલા મતોને બેઠકોમાં ફેરવવામાં આવે તો તેને નેસેટમાં ૧૫ બેઠકો મળી છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે યુવાનોનું તેને મોટા પ્રમાણમાં સમર્થન મળી રહ્યું છે.

અમેરિકામાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પરાજય થયા પછી પણ પરાજય નથી થયો. હવે પછીની ચૂંટણીમાં ઇઝરાયેલના નેતાન્યાહુની જેમ ટ્રમ્પનું પુનરાગમન થાય તો નવાઈ નહીં. જાઈર બોલ્સનારોનું પણ પુનરાગમન થઈ શકે છે. અમેરિકામાં અત્યારે રિપબ્લિકન પાર્ટી ભીંસમાં છે. ખ્રિસ્તી-શ્વેત પ્રજાની સર્વોપરિતાનાં રાજકારણના વધતાં દબાણને શરણે જવું કે તેને ખાળવું? જો ખ્રિસ્તી-શ્વેત સર્વોપરિતાના રાજકારણને અપનાવવામાં આવે તો અમેરિકામાં લોકતંત્ર ન બચે અને એ સિવાય ફેડરલ અમેરિકા સામે પણ અસ્તિત્વનું સંકટ પેદા થાય. અમેરિકા જગતના કોઈ પણ દેશ કરતાં વધારે ફેડરલ છે. ત્યાનાં રાજ્યો ઘણી વધુ સ્વાયત્તતા ધરાવે છે અને તે અમેરિકાથી અલગ થવા સુધી દોરી જઈ શકે છે. ખ્રિસ્તી-શ્વેત સર્વોપરિતામાં માનનારા અમેરિકનો મોટી સંખ્યામાં છે અને તેઓ જગતની નજરે બેવકૂફ ગણાતા ટ્રમ્પને પોતાનો હીરો માને છે.

ટૂંકમાં આજે સ્થિતિ એવી છે કે જગતના લોકશાહી દેશોમાં પ્રજાકીય ધ્રુવીકરણ થયું છે. પરંપરાગત સ્થાનીક રાજકીય મુદ્દાઓ, આર્થિક વિકાસ, પર્યાવરણ વગેરે પડદા પાછળ ધકેલાઈ ગયા છે અને આપણી કલ્પનાના દેશને કેમ બચાવવો અથવા આપણી કલ્પનાના દેશને કેમ સ્થાપવો એ મુખ્ય રાજકીય મુદ્દો બની ગયો છે. એક તરફ ઉદારમતવાદીઓ છે જે કાયદાના રાજને અને બંધારણમાં આકાર આપવામાં આવેલા તેમને ઇષ્ટ લાગતા દેશને બચાવવા માટે પ્રયત્નશીલ છે. બીજી બાજુ બહુમતી પ્રજાની સર્વોપરિતામાં માનનારી પ્રજા છે જેને પોતાની સર્વોપરિતા સ્થાપવી છે અને એ માટે કાયદાના રાજને, બંધારણને અને બંધારણમાં આકાર પામેલા રાજ્યને તિલાંજલિ આપવા તૈયાર છે. આ માત્ર ધ્રુવીકરણ નથી, આમાં આંતરવિગ્રહની પણ સંભાવના છે. આવું ભારતમાં પણ બની રહ્યું છે. ભારતમાં આગળ જતાં અરવિંદ કેજરીવાલ ભારત માટે ઇતમાર બેન-ગ્વીર સાબિત થાય તો આશ્ચર્ય નહીં પામતા. આ એક આયોજન છે, માત્ર સત્તાનું સંસદીય રાજકારણ નથી.

જે લોકો જગતના રાજકીય પ્રવાહોને સત્તાના રાજકારણના પ્રીઝમમાં જોઈ રહ્યા છે એ લોકો ભૂલ કરી રહ્યા છે. અને માટે જાઈર બોલ્સનારો કે બેન્જામિન નેતાન્યાહુ જેવાઓને રાજકીય મોરચા રચીને સત્તાથી દૂર રાખવા મુશ્કેલ બનશે. બહુમતી પ્રજાની સાંસ્કૃતિક-રાજકીય સર્વોપરિતાની ઘેલછામાં રહેલાં જોખમ તેમને સમજાવવામાં નહીં આવે અથવા નહીં સમજાય ત્યાં સુધી અસંસ્કારી, અબુધ, જૂનવાણી અને જુલ્મી નેતાઓથી અને તેમના પ્રણિત રાજકારણથી છૂટકારો મળવાનો નથી.

મારું એવું માનવું છે કે બે વિશ્વયુદ્ધો જૂની રાજકીય વ્યવસ્થાની વિકૃતિનું પરિણામ હતું. એ જ રીતે અત્યારની સ્થિતિ પ્રસ્થાપિત રાજકીય વ્યવસ્થાની વિકૃતિનું પરિણામ છે. ગઈ સદીમાં વિશ્વવિગ્રહ થયાં અને હવે ૨૧મી સદીમાં કદાચ વિશ્વદેશોમાં આંતરવિગ્રહ થશે. તેનાં પરિણામ વિશ્વયુદ્ધો કરતાં પણ વધુ ભયાનક હશે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 10 નવેમ્બર 2022

Loading

...102030...1,3331,3341,3351,336...1,3401,3501,360...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved