Opinion Magazine
Number of visits: 9669854
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અનામતની જોગવાઈ કેવી રીતે નક્કી કરવી

રમેશ ઓઝા|Opinion - Opinion|13 November 2022

આર્થિક રીતે પછાત (ઇકોનોમિકલી વીકર સેક્શન) સવર્ણોને દસ ટકાની અનામત આપવાનો સર્વોચ્ચ અદાલતનો બહુમતી ચુકાદો ગેરબંધારણીય અને સામાન્ય બુદ્ધિથી ચકાસો તો પણ ટકી ન શકે એવો વાહિયાત છે. પણ આ યુગ જીહજૂરીનો છે એટલે શાસક પક્ષની વિચારધારાને અનુકૂળ થવાનો સર્વત્ર પ્રયાસ થઈ રહ્યો છે, એનું આ ઉદાહરણ છે. આ આઘાતજનક ઘટના એટલા માટે છે કે સર્વોચ્ચ અદાલતની પાંચ ન્યાયમૂર્તિઓની બંધારણીય બેંચનો આ ચુકાદો છે. બંધારણીય બેંચનું કામ માત્ર બંધારણનું અર્થઘટન કરવાનું નથી, પણ તે દ્વારા બંધારણીય જોગવાઈઓનું અને બંધારણીય ભારતનું જતન કરવાનું છે. ૧૯૭૦ના દાયકાના પ્રારંભમાં મૂળભૂત અધિકારને લગતા કેસોમાં પણ આવી જ રીતે સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેંચ પાણીમાં બેસી ગઈ હતી. ત્યારે પણ સર્વોચ્ચ અદાલતના કેટલાક ન્યાયમૂર્તિઓએ એ વખતના શાસકોનાં વલણને (વલણને, અત્યારના શાસકોની જેમ વિચારધારાને નહીં) અનુકૂળ થવાનો પ્રયાસ કર્યો હતો. એ સમયે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ એ.એન. રાયે કહ્યું હતું કે રાજ્યએ દેશના નાગરિકોને મૂળભૂત અધિકારો આપ્યા છે એટલે રાજ્ય મૂળભૂત અધિકાર પાછા પણ લઈ શકે અને તે સંકોરી પણ શકે. જે આપે તે પાછા લે પણ ખરા અને ઘટાડે પણ ખરા.

દેશમાં સેંકડો-હજારો વર્ષ જૂની પરંપરાગત અન્યાયી વ્યવસ્થાને કારણે કેટલીક પ્રજાને સામાજિક સીડી ઉપર ચડવા નહોતું મળતું અથવા ચડવા દેવામાં નહોતા આવતા. આને કારણે દેશની ઘણી મોટી સંખ્યામાં ચોક્કસ પ્રજા માનવીય વિકાસ અને ગરિમાના માપદંડોથી ચકાસવામાં આવે તો હાંસિયામાં જીવતી આવી છે. તેમને હાંસિયામાંથી બહાર કાઢવી હોય અને અન્ય વિકસિત પ્રજાની સમકક્ષ બનાવવી હોય તો તેમને થોડા સમય માટે વિશેષ તક આપવી જોઈએ. જેમ લાગણીવાળી જવાબદાર માં બીમાર કે નિર્બળ બાળકને વધુ શીરો ખવડાવે અને સગવડ ન હોય તો બીજા બાળકને ઓછો શીરો આપે એમ. બંધારણમાં આવી જોગવાઈ કરનારા મોટાભાગના સભ્યો સવર્ણ હતા, પણ તેમનું હ્રદય માંનું હતું. આવી જોગવાઈ વિશ્વના અનેક દેશોમાં છે અને તેને પોઝિટીવ ડિસ્કીમિનેશન અથવા અફરમેટીવ એક્શન તરીકે ઓળખાવવામાં આવે છે. આપણે ત્યાં તેને અનામત તરીકે ઓળખાવવામાં આવે છે.

પણ આની સામે સવર્ણનો એક વર્ગ એવો હતો જેને શરૂઆતથી જ પછાત પ્રજાને વિશેષ તક આપવામાં આવે એ જોઇને પેટમાં દુઃખતું હતું. રાજ્ય લાગણીશીલ જવાબદાર માતાની ભૂમિકા ભજવે એ તેમને પહેલેથી જ ગમતું નહોતું. તેમને સામાજિક-આર્થિક (મુખ્યત્વે સામાજિક) સરસાઈ જતી રહેશે અને દલિતો અને અન્ય પછાત કોમ સાથે સમાન ધોરણે જીવવું પડશે એ વાતનો ડર લાગતો હતો. હવે તેઓ એમ તો કહી શકે નહીં કે જે પછાત છે એ પાછલા જનમમાં તેમણે કરેલાં પાપની સજા ભોગવી રહ્યા છે એટલે તેમની દયા ખાવાની જરૂર નથી. તેમણે આ ભવમાં સારાં કર્મો કરીને હવે પછી બ્રાહ્મણના ઘરે જન્મ મેળવવો જોઈએ. હકીકતમાં તેઓ આવું જ માને છે, પણ બોલતા શરમાતા હતા.

માટે તેઓ અનામતના વિરોધમાં એક દલીલ એવી કરતા હતા કે માની લો કે પછાતો સાથે અન્યાય થયો પણ છે તો એ અમારા બાપદાદાઓએ કર્યો છે અને તેમની સજા આજે અમને શા માટે? એકની સજા બીજાને કરવી એ અન્યાય નથી? તેમની બીજી દલીલ એવી હતી કે બંધારણમાં કહ્યું છે કે ભારતનાં પ્રત્યેક નાગરિક સમાન હશે અને રાજ્ય કોઈ દેશના કોઈ નાગરિક સાથે તેનાં ધર્મ, ભાષા, જ્ઞાતિ કે એવી બીજી કોઈ ઓળખના આધારે ભેદભાવ નહીં કરે. બંધારણમાં આવું સ્પષ્ટ કહ્યું હોવા છતાં પછાતો અને સવર્ણો વચ્ચે ભેદભાવ કરવો એ ખોટું નથી? તેમની ત્રીજી દલીલ એવી હતી કે અનામતની જોગાવાઈ ક્યાં સુધી? અનામતની જોગવાઈ આપી તેને ૨૫ વરસ થયાં, એ પછી ૫૦ વરસ થયાં અને હવે ૭૫ વરસ થયાં તેનો કોઈ અંત ખરો કે નહીં? તેમની ચોથી દલીલ એવી હતી કે અનામતના કારણે ગુણવત્તા (મેરિટ) જોખમાઈ રહી છે. કોઈ દેશ મેરિટ વિના આગળ કઈ રીતે વધી શકે? દુનિયાની આપણે બરોબરી કરવાની છે, હરીફાઈનો યુગ છે વગેરે. તેમની પાંચમી દલીલ એવી હતી કે અમે પણ પછાત છીએ. એવું થોડું છે કે પછાતો માત્ર પછાત કોમની યાદીમાં સ્થાન પામેલી જ્ઞાતિઓમાં જ છે. અમે પણ પછાત છીએ. પાટીદારો, મરાઠાઓ, જાટો વગેરે જ્ઞાતિના લોકો આવી દલીલ કરવા માગ્યા હતા. તેમની (ખાસ કરીને બ્રાહ્મણોની) છઠ્ઠી દલીલ એવી હતી સવર્ણોની અંદર જે આર્થિક રીતે પછાત છે તેને પણ અનામતનો લાભ મળવો જોઈએ.

છેલ્લા પાંચ દાયકાથી અનામતનો વિરોધ કરનારાઓ આદુ ખાઈને અનામતની જોગવાઈની પાછળ લાગ્યા છે. તેઓ કોઈ પણ ભોગે તેને ખતમ કરવા માગે છે. પણ વીતેલા યુગની એક વિશેષતા હતી અને એ વિરોધ કરનારાઓને કનડતી હતી. મીડિયામાં મોટા ભાગના પત્રકારો બ્રાહ્મણો અને સવર્ણો હતા અને આજે પણ છે. ન્યાયતંત્રમાં મોટા ભાગના જજો બ્રાહ્મણો અને સવર્ણો હતા અને આજે પણ છે. વીતેલા યુગમાં પત્રકારો વિવેકનો, સભ્યતાનો અને ન્યાયનો પક્ષ લેતા હતા અને અનામતનો બચાવ કરતા હતા. એવું નથી કે તેઓ અનામતની જોગવાઈમાં રહેલી મર્યાદાઓ નહોતા બતાવતા, પણ અનામતની જોગવાઈને ટેકો આપતા હતા. સ્વાર્થપરક વાહિયાત દલીલોની ત્યારે ઠેકડી ઉડાડવામાં આવતી હતી. અદાલતોમાં અનામતની જોગવાઈની સામે અનેક અરજીઓ કરવામાં આવી હતી અને દરેક વેળાએ જજો અનુકંપા, ન્યાય, વિવેક અને બંધારણનાં આત્માની પડખે ઊભા રહેતા હતા; બ્રાહ્મણ અને સવર્ણ હોવા છતાં. અત્યારે સ્થિતિ બદલાઈ ગઈ અને સાચું પૂછો તો સ્થિતિ બદલવામાં આવી છે. મીડિયામાં અને અદાલતોમાં એવા માણસોની ભરતી કરવામાં આવી રહી છે જેઓ સ્થાપિત હિતોના પક્ષકાર બનવામાં શરમ ન અનુભવે. એવા લોકો છે જેઓ ન્યાય, વિવેક, બંધારણનો આત્મા, અનુકંપા વગેરેને કિનારે કરી આપે.

ઉપર જે છ દલીલો બતાવવામાં આવી એમાંની છેલ્લી બે દલીલો અનામતની જોગવાઈનો પ્રાણ હરી લેવા માટેની છે. અનામતની જોગવાઈને હાસ્યાસ્પદ બનાવવા માટેની છે. અમે પણ પછાત છીએ. અનામત આપો અને નહીંતર અમે મત નહીં આપીએ. પટેલો, જાટો, મરાઠાઓ આવી માગણી કરી રહ્યા છે. તેમને ખબર છે કે બધા જ અનામતમાં ઘૂસી જશે તો ગોકુળ નાનું અને વૈષ્ણવ ઝાઝા જેવી સ્થિતિ થશે અને જોગવાઈ હસ્યાસ્પદ બની જશે. મીડિયામાં અને ન્યાયતંત્રમાં હવે એવા માણસો છે જેનો અંતરાત્મા વેચાઈ ગયો છે. પત્રકારો પ્રવેશનો બચાવ કરશે અને જજો આપશે. એ પછી હમ ભી પછાત, સામાજિક રીતે નહીં તો આર્થિક રીતે. બોલો તમારે શું કહેવાનું છે? તેમને પણ જાણ છે કે મીડિયામાં અને ન્યાયતંત્રમાં વિવેકહીન અંતરાત્મા વિનાના માણસો બેસી ગયા છે. આમ પાંચમી અને છઠ્ઠા પ્રકારની દલીલ કરનારાઓએ અનામતમાં પ્રવેશ મેળવી લીધો છે.

જો આ દલીલમાં દમ હતો તો તેને સ્વીકારવામાં ૭૫ વરસ શા માટે લાગ્યાં? આ કોઈ પહેલીવાર કરવામાં આવેલી દલીલ નથી. શું અત્યાર સુધીના જજો અને પત્રકારો બેવકૂફ હતા? અન્યાય કરનારા હતા? અત્યારે અચાનક જ્ઞાન લાધવાનું શું કારણ? અને બીજું, મેરીટનું શું? બહુ મેરીટની ચિંતા કરતા હતા, દેશનું શું થશે એવું કહીને છાતી ફૂટતા હતા તો હવે મેરીટનું શું થશે? પણ ચિંતા નહીં કરતા. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે બ્રાહ્મણ ઉચ્ચકુલીન છે માટે સ્વયંસંપૂર્ણ છે, એટલે ભલે એ અનામતવાળો હોય, ૩૫ માર્ક્સવાળો હોય, મેરીટ જળવાઈ રહેશે. મેરીટ વિષે કોઈ કાંઈ બોલે તો કહેજો.

અને હા, એક વાત કહેવી રહી. જગત આખામાં કોઈ દેશમાં આર્થિક પછાતપણાના આધારે અનામતની જોગવાઈ આપવામાં નથી આવતી. આર્થિક પછાતપણું (ગરીબાઈ) નક્કી કરવું અશક્ય છે, તે બદલાતું રહે છે અને આર્થિક પછાતપણું વિકાસમાં અવરોધરૂપ નથી બનતું. એનું એક પ્રમાણ એ છે કે ભારતને આઝાદી એ લોકોએ અપાવી હતી જેઓ આર્થિક રીતે પછાત ગરીબીમાં જન્મ્યા હતા અને તે બધા (મોટા ભાગના) સવર્ણ હતા. સવર્ણ હોવાને કારણે તેઓ એક પ્રકારની જાગૃતિ ધરાવતા હતા અને દેશને જાગૃત કર્યો હતો. ગરીબ ઘરે જન્મ્યા હોવા છતાં. જે લોકો સંપન્ન હતા તેઓ આઝાદીનો વિરોધ કરતા હતા. અને આજે? વિડંબના જુઓ, દેશને આઝાદી અપાવનારાઓનાં સંતાનો દલીલ કરે છે કે તેઓ ગરીબીને કારણે લાચાર છે અને સર્વોચ્ચ અદાલતના જજો કહે છે કે હા, તેમની વાત સાચી છે, એ દિશાહીન લાચાર બિચારાઓને કાખઘોડીની જરૂર છે. આપણે સર્વોચ્ચ અદાલતના એ ત્રણ જજોને પૂછવું જોઈએ કે જેને કાખઘોડીની જરૂર છે તેણે આઝાદી કેવી રીતે અપાવી? સાહિત્ય, વિજ્ઞાન અને બીજા ક્ષેત્રોમાં તેઓ કેવી રીતે ઝળક્યા? અંગ્રેજોએ તો કોઈ અનામતની જોગવાઈ આપી નહોતી. સર્વોચ્ચ અદાલતના સંખ્યાબંધ જજો એવા હશે જેઓ ગરીબ પછાત પરિવારમાં જન્મ્યા હશે.

આખો ખેલ અનામતને હાસ્યાસ્પદ બનાવીને પછાતોને ન્યાયથી વંચિત રાખવાનો છે અને બ્રાહ્મણી હિંદુ રાષ્ટ્ર સ્થાપવાનો છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 નવેમ્બર 2022 

Loading

ચલ મન મુંબઈ નગરી—170

દીપક મહેતા|Opinion - Opinion|12 November 2022

 તરસ્યાંને પાણી પાશો? 

મુંબઈની તરસ છીપાવવાના નુસ્ખા

સોડા વોટર પીવાથી સાજાસારા રહેવાય? 

ખાણીપીણી. સાધારણ રીતે સાથે વપરાતા બે શબ્દો. એવી જ રીતે ખાધેપીધે સુખી. ખાધુંપીધું ને રાજ કર્યું. ઘણાં વરસ પહેલાં ભજવાયેલા એક નાટકનું નામ હતું ‘ખાધુંપીધું તારાજ કર્યું.’ ઈરાની હોટેલના વેટરો ઘણી વાર ગલ્લે બેઠેલાને બૂમ પાડી કહેતા : ‘ખાયાપિયા કુછ નહિ, ગ્લાસ તોડા બારહ આને.’ જેનાથી કોઈનું પેટ ભરાતું નથી એવી કેટલીક શારીરિક ક્રિયાઓ પણ પીવાતી નથી, ખવાય છે : છીંક ખાધી, ઉધરસ ખાધી, બગાસું ખાધું. અરે, કોઈને ખાવી ન ગમે, છતાં ઠોકર પણ ખાવી પડે છે અને માર પણ ખાવો પડે છે.

ક્યાં સુધી અકરાંતિયાની જેમ ખાવાની વાતો કર્યા કરશો એમ સુજાણ વાચકો પૂછે એ પહેલાં પાટો બદલીએ. ખાણીની નહિ, થોડી વાતો પીણીની કરીએ! સૌથી વધુ પોપ્યુલર ડ્રિંક કયું? ના, કોઈ માર્કેટિંગ સર્વેની મદદ લેવાની જરૂર નથી. કારણ, જવાબ છે પાણી, જળ, વોટર. અંગ્રેજી ડિક્ષનરીઓ કહે છે કે વોટર શબ્દ ગ્રીકમાંથી અવતર્યો છે. તો ગુજરાતી-મરાઠીમાં વપરાતો ‘પાણી’? સાર્થ ગુજરાતી જોડણીકોશ આ અંગે મૌન છે. ભગવદ્ગોમંડળ કોશ કહે છે કે સંસ્કૃતના ‘પાનીય’નો વંશજ છે પાણી શબ્દ.

આજે હવે બોલાતી અને લખાતી ભાષામાં રૂઢિપ્રયોગોનો ઉપયોગ ઘટતો જાય છે. પણ જેમાં પાણી શબ્દનો ઉપયોગ થતો હોય તેવા ૧૬૪ રૂઢિપ્રયોગો ભગવદ્ગોમંડળકોશ નોંધે છે!

તેમાંનો એક છે ‘સો ગળણે ગાળીને પાણી પીવું.’ અને એક જમાનામાં મુંબઈવાસીઓએ આમ જ કરવું પડતું. કારણ અસલમાં તો મુંબઈ એટલે સાત ટાપુઓનો સમૂહ. નદીનું તો નામોનિશાન નહિ પણ તળાવ પણ નહિ. એટલે પાણી માટે આધાર રાખવો પડતો માત્ર કૂવા પર. માણસ, ઢોર-ઢાંખર, પંખીઓ, બધા પાણી પીવા કૂવે આવે. એ કૂવા પણ પાકા, બાંધેલા નહિ. એટલે આજુબાજુનો કચરો પાણીમાં પડે. માણસ અને ઢોર-ઢાંખર તેમાં ઉમેરો કરે. આવામાં અવારનવાર રોગચાળો માથું ન ઊંચકે તો બીજું શું થાય? વખત જતાં સાત ટાપુ એકબીજા સાથે સંધાતા ગયા. ખેતી અને વેપાર-વણજની સાથે વસ્તી વધતી ગઈ. એ વખતે સખીદાતાઓ આગળ આવ્યા. કોઈએ કૂવાને પાકા બનાવ્યા તો કોઈએ તળાવ ખોદાવ્યાં. માણસો માટે તેમ જ પશુઓ માટે પણ. એટલે જ તો એક તળાવનું નામ પડ્યું ‘ગોવાળિયા તળાવ.’ પોતાનાં ઢોરઢાંખરને પાણી માટે ગોવાળો જ્યાં લઈ આવે તે ગોવાળિયા તળાવ.

પણ વસતી તો વધતી જ જાય. એમાં પાછા દુકાળ આવે. સરકાર માબાપ દૂર દૂરથી ગાડાંઓમાં લાવીને કૂવા-તળાવમાં પાણી ઠાલવે. પણ પછી સરકારે આકરું પગલું લીધું. આ ઢોરઢાંખર પાણી જેટલું વાપરે છે એના કરતાં બગાડે છે વધુ. અને પાછા રોગચાળો ફેલાવે છે. એ વખતે મુંબઈ શહેરની હદ હતી માહિમ સુધી. સરકારે કાઢ્યો ફતવો : ‘મુંબઈ શહેરની મર્યાદામાં, એટલે કે માહિમ સુધીના વિસ્તારમાં, કોઈ ઢોરઢાંખર રાખી નહિ શકે. એ બધાંને મુંબઈની બહાર, એટલે કે માહિમ પછીના વિસ્તારમાં લઈ જવાં પડશે, ફરજિયાત.’

મુંબઈની જીવાદોરી પાણીની પાઈપ

થોડો વખત તો ગાડું ગબડ્યું. પણ પછી સમજાયું કે દૂર દૂરનાં તળાવોમાંથી પાણી લાવ્યા વગર છૂટકો નથી. પણ પાણી લાવવું કઈ રીતે? એ માટે ખાસ પાઈપ લાઈન નાખીને. વિહાર એ મુંબઈની સૌથી નજીકનું તળાવ. એનું કામ ૧૮૫૬માં શરૂ થયું અને ૧૮૬૦માં પૂરું. મોટા મોટા પાઈપ નાખીને વિહારનું પાણી મુંબઈનાં ઘરો સુધી પહોંચ્યું. શરૂઆતમાં ઘણા રૂઢિચુસ્તોએ વિરોધ કર્યો. આ તો ભ્રષ્ટ પાણી છે. પણ પછી બધાને નળનાં પાણીના ફાયદા સમજાયા. વાપરવા લાગ્યા એ પાણી. પણ ઘણાં ઘરોમાં પીવા માટે તો કૂવાનું પાણી જ વપરાય. પાણીનો વપરાશ વધતો ગયો તેમ વધુ ને વધુ દૂરના તળાવો સુધી પાઈપ નાખવા પડ્યા. આજે પણ એ કામ ચાલુ જ છે. 

તરસ્યાંને પાણી પાશો,

હું તરસી સરવર કાંઠે,

અથડાતી વાટે ઘાટે,

જગ જોઈ રહ્યું છે તમાશો,

તરસ્યાંને પાણી પાશો.

પહેલવહેલી ગુજરાતી સામાજિક ફિલ્મ ‘સંસાર લીલા’નું આ ગીત. લખેલું રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે. સંગીતકાર હતા લલ્લુભાઈ નાયક. ગાયું હતું તખ્તા અને ફિલ્મની જાજરમાન કલાકાર રાજકુમારીએ. પણ અત્યારે આ ગીત યાદ આવવાનું કારણ? કારણ એક જમાનામાં તરસ્યાને પાણી પાવું એ મોટું પુણ્યનું કામ ગણાતું. અને એટલે એ જમાનામાં શાણા દાનવીરો મુંબઈમાં જુદી જુદી જગ્યાએ પ્યાઉ કહેતાં પરબ બંધાવતા. અને એ પણ માત્ર માણસો માટે નહિ. ગાડી-ગાડાં સાથે જોતરાતા જીવો માટે પણ. વળી એને સ્થાપત્યનાં અલંકરણોથી સજાવતા. લગભગ ૧૮૬૦થી ૧૯૩૦ સુધીના ગાળામાં તળ મુંબઈમાં અને દાદર સુધી ઘણા પ્યાઉ બંધાયા. એકલા કાવસજી જહાંગીરજી રેડીમનીએ મુંબઈમાં ૪૦ પ્યાઉ બંધાવેલા. એટલું જ નહીં તેમણે એક પ્યાઉ લંડનના રીજન્ટ પાર્કને પણ ભેટ આપ્યો હતો જે આજે ય અડીખમ ઊભો છે. આ ઉપરાંત રામજી સેતીબા, ફરદુનજી જીજીભાઈ, કેશવજી નાયક, જમશેદજી જીજીભાઈ વગેરેએ પણ મુંબઈને પ્યાઉની ભેટ આપેલી.

કાવસજી જહાંગીરજી રેડીમનીએ લંડનના રીજન્ટ પાર્કને ભેટ આપેલો ડ્રિન્કીંગ ફાઉન્ટન

આવા દાનવીરો પોતાને પૈસે પ્યાઉ બંધાવતા, પણ સરકાર તેને માટેનું પાણી મફત આપતી નહિ. દરેક પ્યાઉ પર મિટર લગાડતા અને જેટલું પાણી વપરાયું હોય તેના પૈસા સરકારને ચૂકવવા પડતા. અને હા. આ પ્યાઉ એ મુંબઈની એક લાક્ષણિકતા છે. મુંબઈ બહારના મહારાષ્ટ્રમાં તે ક્યાં ય જોવા મળતા નથી. અને છતાં વખત જતાં, પાણીની છૂટ થતાં, ઉપયોગિતા ઘટી જતાં ઘણા પ્યાઉ અલોપ થયા. કોઈ ભાંગીતૂટી હાલતમાં મરવા વાંકે જીવતા રહ્યા. ભલે શિલ્પ-સ્થાપત્યની દૃષ્ટિએ એનું મહત્ત્વ બહુ ન હોય, તો ય આ એક જાળવી રાખવા જેવો વારસો છે એ પણ કોઈના ધ્યાનમાં ન આવ્યું. છેક ૨૦૦૮માં રાહુલ ચેમ્બુરકરની આગેવાની નીચે બચી ગયેલા પ્યાઉનો જીર્ણોધ્ધાર કરવાનું કામ શરૂ થયું. લગભગ ૩૦ જેટલા પ્યાઉને નવજીવન મળ્યું છે.

મુંબઈનો એક પ્યાઉ : અગાઉ અને આજે

૧૯૬૫ સુધી કોઈએ સપનામાંયે વિચાર્યું નહિ હોય કે બાટલીમાં ભરેલું પાણી મુંબઈમાં વેચાશે. ૧૯૬૫મા ‘બિસ્લેરી’ નામની ઇટાલિયન કમ્પની મુંબઈમાં શરૂ થઈ. ત્યારે પ્લાસ્ટિકની નહિ, કાચની બાટલીઓમાં એ કંપની પાણી વેચતી. એ પાણીના પાછા બે પ્રકાર : સાદું અને ‘બબલી.’ શરૂઆતમાં તો આ પાણી વાપરવું એ સ્ટેટસ સિમ્બલ ગણાતું. પૈસા ખરચીને પાણી ખરીદવાનું મધ્યમ વર્ગના લોકોને ગળે ઉતરતાં વાર લાગી. પણ પછી ધીમે ધીમે તેનો પ્રચાર-પ્રસાર વધતો ગયો. ઇટાલિયન બિસ્લેરી કંપની માત્ર મુંબઈમાં જ નહિ, આખા દેશમાં બોટલ્ડ વોટર વેચનાર પહેલી કંપની હતી. વખત જતાં એ કંપની ‘દેશી’ બની. બીજી કંપનીઓએ પણ ઝૂકાવ્યું. આજે તો મુંબઈમાં ઘણા એવા લોકો છે જે સાદા, કુદરતી પાણીનો સ્વાદ પણ ભૂલી ગયા છે. તેમને  માટે તો આ બાટલિયું પાણી સ્ટેટસ સિમ્બલ બની ગયું છે.

પ્લાસ્ટિકની બાટલીઓ આવી ત્યારે બે ફાયદા થયા. એક, કિંમત ઘટી. બીજું, ખાલી બાટલીનું શું કરવું એ પ્રશ્ન ન રહ્યો. ખાલી બાટલી ફેંકો રસ્તામાં કે ગમે ત્યાં. આ ખાલી બાટલીઓ રિસાઈકલ થઈ શકે છે અને એટલે એના ખરીદનાર પણ હોય છે એ વાત ધ્યાનમાં આવતાં ખાલી બાટલીઓ અને પ્લાસ્ટીકની બીજી ફેંકી દીધેલી વસ્તુઓ ભેગી કરનારા રેગ-પીકરની સંખ્યા વધતી ચાલી. કચરો સાફ કરનારા સફાઈ કામદારો પણ ભેગા કરેલા કચરામાંથી પ્લાસ્ટિકની વસ્તુઓ અલગ કરી વેચવા લાગ્યા. કોઈ પણ નવી વસ્તુ આવે ત્યારે મોટે ભાગે એનો વિરોધ થાય છે કે પછી એને માથે ચડાવાય છે. પણ ઘણુંખરું નવી વસ્તુની અસર સારી પણ હોય અને ખરાબ પણ હોય. પ્લાસ્ટીકના પ્રદૂષણને નાથવાની જરૂર છે જ. પણ આ જ પ્લાસ્ટીકે હજારો લોકોને ભલે થોડી, પણ રોજીરોટી આપી એ ભૂલવું ન જોઈએ.

હા, કાચની બાટલીમાં પીવાનું પાણી આવ્યું એ પહેલાં આવ્યાં હતાં ઠંડા પીણ. બરફ છૂટથી મળતો થયો પછી જૂદા જૂદા સ્વાદ, રંગ, ગંધવાળાં સોફ્ટ ડ્રિન્કસ બજારમાં આવ્યાં. લંડનમાં તો ૧૯મી સદીની શરૂઆતથી જ ‘સોડા’ લોકપ્રિય થવા લાગી હતી. અલબત્ત, અમીર-ઉમરાવોના ઘરમાં. સોડા જેમ જેમ લોકપ્રિય થવા લાગી તેમ તેમ સોફ્ટ ડ્રિન્કસમાં નવી નવી ફ્લેવર ઉમેરાતી ગઈ : લેમન, ઓરેન્જ, રાસબરી વગેરે.

૧૮૩૭માં શરૂ થયેલી મુંબઈની પહેલી સોફ્ટ ડ્રિંક કંપની

૧૮૩૭માં હેન્રી રોજર્સ નામના મુંબઈના કેમિસ્ટે ‘એરેટેડ વોટર’ બનાવવા માટે કંપની શરૂ કરી. આ રોજર્સ કંપની તે પશ્ચિમ ભારતની ‘સોડા’ બનાવનારી પહેલવહેલી કંપની. અને ઘણાં વરસ સુધી તેણે એ ક્ષેત્રમાં રાજ કર્યું. પીણાં બનાવતી વખતે જે કાર્બોનિક એસિડ વપરાતો તેને કારણે એ પાણીમાંના ઘણા જીવાણું નાશ પામતા. એટલે સોડા પીવી એ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે એવો પ્રચાર પણ થતો. પછી ૧૮૫૮માં આવ્યું કાર્બોનેટેડ ટોનિક વોટર, જેમાં ક્વિનાઈન ઉમેરાતું અને એટલે એ પીવાથી મલેરિયાથી બચી શકાય છે એમ મનાતું. આવાં પીણાં ઘણા વખત સુધી અંગ્રેજો, પારસીઓ અને બીજા ધનવાનોનાં ઘરમાં જ જોવા મળતાં. ૧૮૬૬માં લખેલા એક લેખમાં જાણીતા સમાજ સુધારક કરસનદાસ મૂળજી કહે છે કે મોટા ભાગના હિંદુઓ માને છે કે રોજર્સની લેમોનેડ પીવાથી પોતાનો ધરમ રસાતાળ જાય છે! પણ પારસીએઓને આવો કોઈ છોછ નહોતો. તેમણે સોફ્ટ ડ્રિન્કસ બનાવવાના ક્ષેત્રે પણ ઝંપલાવ્યું. ૧૯૧૩માં માત્ર મુંબઈ શહેરમાં સોડા વોટર બનાવનારી નાની મોટી ૧૫૦ કંપની હતી! અને હા. પીવા ઉપરાંત આ સોડા વોટર બાટલીઓનો બીજો પણ એક ઉપયોગ થતો.

એ ઉપયોગ તે કિયો એની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 12 નવેમ્બર 2022

Loading

શિસ્ત વિના સ્વપ્ન સાકાર થતાં નથી : લિ ક્વાન યુ

સોનલ પરીખ|Opinion - Opinion|12 November 2022

·       રાષ્ટ્ર એના કદથી મોટું નથી બનતું. એ મોટું બને છે પ્રજાનાં સંકલ્પ, શક્તિ, શિસ્ત અને સિદ્ધિઓથી. એ મોટું બને છે નેતાઓની રાષ્ટ્રને ઇતિહાસમાં સન્માનભર્યું સ્થાન અપાવવાની તમન્નાથી.

·       માણસો મૂળભૂત રીતે સ્પર્ધાત્મક હોય છે. સમાનતા એ લાદેલું મૂલ્ય છે. 

·       ઇતિહાસને નહીં જાણો તો ટૂંકું વિચારશો. લાંબા ગાળાનું વિચારવા માટે ઇતિહાસ જાણવો જ નહીં, સમજવો પણ પડે. 

—     લિ ક્વાંગ યુ

નવું વર્ષ આવી રહ્યું છે ત્યારે આપણું અમુક રીતે વિચારવા ટેવાયેલું મન આવી રહેલા સમયમાં જેને સિદ્ધ કરવાના છે એવાં સ્વપ્નો અને ધ્યેયો તરફ વળે છે – આવતા વર્ષમાં મારે આટલું તો સિદ્ધ કરવું જ છે – પછી વાત કસરતની હોય કે કારકિર્દીની. સાકાર ન થઈ શકે એ સ્વપ્નનો કોઈ અર્થ નથી; અને સ્વપ્ન સાકાર કરવા માટે દૃષ્ટિ, પરિશ્રમ અને શિસ્તની જરૂર પડે છે. વાત કરીએ સિંગાપોર નામના નાનકડા રાષ્ટ્રની. તેની કાયાપલટને ‘આધુનિક ચમત્કાર’ તરીકે ઓળખવામાં આવે છે અને આ ચમત્કાર કરનાર છે તેના ભૂતપૂર્વ વડા પ્રધાન લિ ક્વાંગ યુ. શું કર્યું તેમણે, શું કર્યું સિંગાપોરે કે એક વખતનું ગરીબ અને ગુલામ રાષ્ટ્ર આજે પર્યટન અને વ્યાપારનું ગ્લૉબલ સેન્ટર બન્યું છે?

સિંગાપોર, દક્ષિણ-પૂર્વ એશિયામાં, નિકોબાર દ્વીપ સમૂહથી લગભગ 1,500 કિલોમીટર દૂર એક નાનો, સુંદર ટાપુ છે. આધુનિક સિંગાપુરની સ્થાપના 1819માં સર સ્ટેમફોર્ડ રેફલ્સે કરી હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારી તરીકે તત્કાલીન વાઈસરૉયે તેમને કંપનીનો વેપાર વધારવા સિંગાપુર મોકલ્યા હતા. પછી સિંગાપોર પર બ્રિટિશ અને એ પછી મલયેશિયન શાસન આવ્યું. 1965માં સિંગાપોર મલયેશિયાથી સ્વતંત્ર થયું.

સિંગાપોરમાં પ્રાકૃતિક સ્રોતોની અતિશય તંગી છે. પાણી મલેશિયાથી; દૂધ, ફળ તેમ જ શાકભાજી ન્યૂઝિલૅન્ડ-ઑસ્ટ્રેલિયાથી અને દાળ, ચોખા તેમ જ અન્ય રોજિંદા ઉપયોગની ચીજો થાઈલૅન્ડ, ઈન્ડોનેશિયા વગેરે દેશોમાંથી આયાત કરવામાં આવે છે. કદમાં મુંબઈથી થોડા નાના આ દેશમાં 2019ના આંકડા મુજબ લગભગ 57 લાખની વસતિ છે જેમાં ચીની, મલય તથા 8 ટકા ભારતીય લોકો છે. બે સમુદ્રધુનીઓ સિંગાપોરને મલયેશિયા અને ઈન્ડોનેશિયાથી અલગ કરે છે. સિંગાપોરને મુખ્ય આવક ઈલેક્ટ્રોનિક ઉપકરણોનાં ઉત્પાદન-નિકાસ અને પ્રવાસન દ્વારા થાય છે. 

સિંગાપોરના પ્રથમ વડા પ્રધાન અને સ્વતંત્ર સિંગાપોરના સ્થાપક પિતા હતા લિ ક્વાંગ યુ. તેઓ 1959થી ત્રણ દાયકા કરતાં વધુ સમય સત્તામાં રહ્યા. 1990માં તેમણે વડા પ્રધાન પદનો ત્યાગ કર્યો અને ગોહ ચોક ટોંગે સત્તા સંભાળી, પણ તેઓ ઉચ્ચ પ્રધાન તરીકે 2004 સુધી રહ્યા. એમના પુત્ર લી હેઈન્સ લૂંગ ત્રીજા વડા પ્રધાન બન્યા ત્યારે લિ સલાહકાર મંત્રી હતા. મૃત્યુ પર્યંત તેમણે તાંજોગપગાર વિસ્તારમાંથી સંસદમાં પ્રતિનિધિત્વ કર્યું હતું.

સિંગાપોરને ત્રીજા વિશ્વમાંથી પ્રથમ વિશ્વમાં લઈ આવનાર લિ ક્વાંગ યુ અને તેમના નેતૃત્વ વિશે જાણવા જેવું છે. વકીલ બનવા માટે તેમણે લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીની ફિટ્ઝવિલિયમ કૉલેજ ઑફ લૉમાં અભ્યાસ કર્યો, પછી રાજકારણ તરફ વળ્યા. તેઓ આરોગ્ય, કસરત અને ધ્યાન બાબત ખૂબ ચોક્ક્સ હતા. 1990થી 2013 દરમ્યાન તેમના છ સ્મૃતિગ્રંથો પ્રગટ થયા છે.

અમેરિકાને વટાવી ગયેલી સિંગાપોરની ગજબનાક પ્રગતિ કોઈ ચમત્કાર કે અકસ્માત નથી, એની પાછળ અત્યંત પ્રતિભાશાળી અને દેશપ્રેમી દીર્ઘકાલીન વડા પ્રધાન લિ ક્વાન યુની દૂરંદેશી છે. જબરા અને મોટા દેશોથી ઘેરાયેલું અને સંસાધનોના સદંતર અભાવવાળું નાનકડું સિંગાપોર નિષ્ફળ અને દબાયેલું રહેવા જ સર્જાયું છે એવું સૌને લાગતું હતું. પણ લિ ક્વાન યુએ તેને ટકાવ્યું, ઊભું કર્યું અને સફળ બનાવ્યું. સુપિરિયર ઈન્ટેલિજન્સ, શિસ્ત અને સંગઠિત પુરુષાર્થની કમાલ સંસાધનોના અભાવને ઓળંગી ગઈ. લિ વડા પ્રધાન થયા ત્યારે સિંગાપોરની માથાદીઠ આવક 400 ડૉલર હતી. બે પેઢી પછી તે 50,000 ડૉલરનો આંકડો વટાવી ગઈ છે.

કેવી રીતે બન્યું આ? વિશ્વએ, ખાસ કરીને આપણા જેવા ત્રીજા વિશ્વના દેશોએ એમની પાસેથી શું શીખવું જોઈએ? તેઓ ભારત આવ્યા હતા અને જાણકારો કહે છે કે તેઓ ભારતના વડા પ્રધાનોને જે રીતે સમજ્યા હતા એ રીતે ભાગ્યે જ કોઈ સમજ્યા હતા. પંડિત નહેરુને તેઓ ‘લોકોને ખુશ રાખનારા અને સરમુખત્યાર બનવાનું પસંદ ન કરનાર’ કહેતા. લિ ઈન્દિરા ગાંધીએ મૂકેલી કટોકટીના સમર્થક હતા – ‘ભારત જેવા દેશને ડિસીપ્લિન્ડ કરવા કડક પગલાં લેવાં જરૂરી હોય છે.’ તેઓ ભારત આવ્યા ત્યારે એમની દીર્ઘ મુલાકાતો લેનાર અને એનું પુસ્તક કરનાર સુનંદા કે. દત્તા-રૉય કહે છે કે લિ અને શ્રીમતી ગાંધી બન્ને આસપાસના વિશ્વ પર કાબૂ ધરાવતા અને સત્તા માટે કટિબદ્ધ વ્યક્તિત્વો હતાં. પછીનાં વર્ષોમાં નરસિંહરાવ, મનમોહન સિંહ અને અન્ય વડા પ્રધાનો સાથે ઉષ્માપૂર્ણ સંબંધો હોવા છતાં તેઓ ભારતના સ્વાતંત્ર્ય બાદ થયેલા વિકાસથી ખૂબ અસંતુષ્ટ હતા અને ભારતને વધારે ‘પૂર્વાભિમુખ’ બનાવવા પર ભાર મૂકતા. ‘ભારત વાસ્તવિક અર્થમાં રાષ્ટ્ર નથી, પણ બ્રિટિશ લોકોએ નાખેલી રેલવે લાઈનની આસપાસ વિસ્તરી ગયેલા પ્રદેશોનો લોકશાહી નહીં પણ જમીનદારશાહી સમૂહ છે.’ એવા વિધાનને લીધે એમને ભારતવિરોધી ગણવામાં આવેલા, પણ તેઓ ભારતવિરોધી નહીં, પણ ભારતથી નિરાશ હતા. ભારતની વિપુલ શક્તિ ખોટા રસ્તે વેડફાય છે એવું એમને લાગતું. ‘સાધારણ રીતે ભારતના અમલદારો પોતાના વિસ્તારને કાબૂમાં રાખવા અને શ્રીમંત બનવા પર એકાગ્ર હોય છે. ઉદ્યોગમાલિકોને તેઓ લાલચુ અને તકવાદીઓ કહે છે, એમનો ભરોસો કરતા નથી અને સુવિધાઓ વધારવામાં ભાગ્યે જ ધ્યાન આપે છે.’ આ વિધાનમાં રહેલા સત્યને નકારી શકાય નહીં.

2005માં જવાહરલાલ નહેરુ મેમોરિયલ લેક્ચર આપવા તેઓ ભારત આવેલા, ત્યારે કહેલું, ‘ભારત પ્રગતિના પંથે જરૂર છે, પણ એની ગતિ ખૂબ ધીમી અને ભૂલભરેલી છે. જે સમય ચાલ્યો ગયો છે એની ભરપાઈ કરવા ભારતે દોડવું જોઈએ અને એ પણ સાચી દિશામાં. નિયતિ સાથે નવો કરાર કરવાનો સમય આવી ગયો છે.’

એમનાં વિચારો આપણે જ નહીં, વિશ્વના દરેક જાગૃત રાષ્ટ્રએ ધ્યાનમાં રાખવા જેવા છે : 

*નવી વિભાવનાઓની મુક્ત લેવડદેવડ જરૂરી છે. ચીન આવકની બાબતમાં અમેરિકાને અડકી ગયું છે, પણ સર્જનાત્મકતાની બાબતમાં તે કદી અમેરિકાને આંબી નહીં શકે કેમ કે એની સંસ્કૃતિ મુક્ત વિચારને મંજૂરી આપતી નથી. 

    • હવેનાં વર્ષોમાં ટેકનોલોજીને લીધે સરકારની શાસનપદ્ધતિ પર બહુ મોટી અસર પડશે. 2030 સુધીમાં વિશ્વની 70 ટકા વસતી શહેરોમાં રહેતી હશે અને ઈંટરનેટ વગેરેને કારણે દરેક બાબતમાં એની જાણકારી અને જાગૃતિ વધારે હશે. અત્યારની રીત પ્રમાણેનું શાસન ત્યારે કરવું શક્ય નહીં રહે. 
    • જે દેશો લોકશાહીથી ટેવાયેલા ન હોય એમના પર લોકશાહી લાદવી એ ભૂલ છે. 
    • માનવસંસાધનની ગુણવત્તા એ રાષ્ટ્ર માટે સૌથી અગત્યનું પરિબળ છે. લોકોની સર્જનાત્મકતા, ઈનોવેશન, સાહસિકતા, ટીમ વર્ક અને વેપારની નીતિઓ રાષ્ટ્રને વિકાસના શિખરે પહોંચાડે છે. આજના સ્પર્ધાત્મક વાતાવરણમાં ત્રણ ગુણો મહત્ત્વનાં છે : 1. નવી શક્યતાઓ શોધવી અને ગણતરીપૂર્વકનાં જોખમો ખેડવા તૈયાર હોવું 2. ઈનોવેટિવ થવું. 3. વહીવટી કૌશલ્ય કેળવવું જેથી ઉત્પાદનને નવાં બજાર, નવાં વિતરણ-માળખાં મળે. અર્થકારણ નવી જાણકારીઓ અને નવાં સંશોધનોથી ધબકતું રહે. પુસ્તકોની દુનિયામાંથી વાસ્તવિક દુનિયામાં ઝંપલાવી માર્કેટિંગ અને મેનેજમેન્ટ, રોકાણ અને નફા જેવી બાબતોમાં નવાં પદાર્પણ કરનાર અર્થશાસ્ત્રી આજે મહત્ત્વનો છે. 
    • રાષ્ટ્ર એના કદથી મોટું નથી બનતું. એ મોટું બને છે પ્રજાનાં સંકલ્પ, શક્તિ, શિસ્ત અને સિદ્ધિઓથી. એ મોટું બને છે નેતાઓની રાષ્ટ્રને ઇતિહાસમાં સન્માનભર્યું સ્થાન અપાવવાની તમન્નાથી. 
    • હું મેકિયાવેલી સાથે સંમત છું કે જો કોઈ મારાથી ડરતું ન હોય તો હું નકામો છું. જ્યારે હું બોલું, મારા શબ્દો ખૂબ ગંભીરતાથી લેવાવા જોઈએ. 
    • માણસો મૂળભૂત રીતે સ્પર્ધાત્મક હોય છે. સમાનતા એ લાદેલું મૂલ્ય છે. 
    • ઇતિહાસને નહીં જાણો તો ટૂંકું વિચારશો. લાંબા ગાળાનું વિચારવા માટે ઇતિહાસ જાણવો જ નહીં, સમજવો પણ પડે. 
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 23 ઑક્ટોબર 2022

Loading

...102030...1,3311,3321,3331,334...1,3401,3501,360...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved