Opinion Magazine
Number of visits: 9663812
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

રમેશ સવાણી|Gandhiana|24 September 2025

રમેશ સવાણી

RSSની ગોડસેવાદી ગેંગ દ્વારા એક લાંબો મેસેજ વાયરલ થયો છે. સ્વાભાવિક છે તેમાં ગાંધીજીની હત્યા કરનાર ગોડસેનું મહિમામંડન હોય. ગાંધીજીની હત્યાનો કેસ કોર્ટમાં ચાલ્યો ત્યારે ગોડસેએ ગાંધીજીની હત્યા કેમ કરી તેનાં કારણો અને દલીલો 92 પેજમાં રજૂ કરી હતી. ગોડસેનું કહેવું હતું કે મેં દેશને બચાવવા ગાંધીજીની હત્યા કરી હતી. 

કોઈ પણ હત્યારો (સ્વબચાવ કરેલી હત્યા સિવાય) હત્યા કર્યા બાદ, હત્યાનું જસ્ટિફિકેશ આપે તે રાક્ષસ કરતાં હલકો હોય છે. ગોડસે આઝાદ ભારતનો પ્રથમ આતંકવાદી હતો. ગોડસેને સેશન્સ કોર્ટ / હાઇકોર્ટ / સુપ્રીમ કોર્ટ દ્વારા ફાંસી આપવામાં આવી તે સૂચવે છે કે તેણે કરેલ હત્યા માફ થઈ શકે તેમ ન હતી. ગોડસેનું મહિમામંડન કરવું તે ફાંસી આપનાર કોર્ટનું અને ફાંસીની આખરી મંજૂરી આપનાર રાષ્ટ્રપતિનું અપમાન છે.

ગોડસેએ કોર્ટ સમક્ષ જે નિવેદન આપેલ તે આધારે નાટક ભજવાયું છે. ફિલ્મ બની છે. પણ તેમાં સત્ય નથી. ગોડસેનું નિવેદન કેટલું ખોટું અને ભ્રમ ફેલાવનારું હતું તે અંગે વિખ્યાત ઇતિહાસકાર અશોકકુમાર પાંડેયએ પુસ્તક લખ્યું છે :  ‘ઉસને ગાંધી કો ક્યોં મારા?’ આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ હેમંતકુમાર શાહે કર્યો છે. આ પુસ્તક દરેકે વાંચવું જોઈએ. 

ગાંધીજીની હત્યા ગોડસેએ શા માટે કરી હતી? પાકિસ્તાનને 55 કરોડ રૂપિયા આપવા ગાંધીએ આગ્રહ કર્યો હતો, એટલે? ગાંધીજી મુસ્લિમોની તરફેણ કરતા હતા, એટલે? ગાંધીજી હિન્દુઓને અહિંસક બનાવી રહ્યા હતા, એટલે? બધાં મુસ્લિમોને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ, તેવી કટ્ટરપંથીઓની માંગણીનો ગાંધીજી વિરોધ કરતા હતા, એટલે? આ બધા પ્રશ્નોની ચર્ચા આ પુસ્તકમાં કરી છે. મોટાભાગના લોકો ગોડસેએ કોર્ટ સમક્ષ આપેલ નિવેદન સાચું માને છે ! ગોડસેનું નિવેદન પ્રથમ દૃષ્ટિએ તર્કબધ્ધ લાગે છે, આ નિવેદન સહઆરોપી સાવરકરે લખ્યું હોવાની શક્યતા છે. પરંતુ ગોડસેના આ નિવેદનમાં જૂઠના ગપગોળા છે, તેનો પર્દાફાશ લેખક અશોકકુમાર પાંડેયએ 216 પેજમાં 479 દસ્તાવેજી સંદર્ભો સાથે કર્યો છે. ‘ઉસને ગાંધી કો ક્યોં મારા?’ શીર્ષકમાં ‘ઉસને’ શબ્દનો ઉપયોગ કર્યો છે, ‘ગોડસે’ શબ્દનો નહીં. મતલબ કે માત્ર ગોડસે હત્યા કરવામાં ન હતો, પરંતુ ‘સાવરકર ગેંગ’નું કાવતરું હતું ! આખી ગેંગ સામેલ હતી ! ગાંધીજીની હત્યા કોઈ એક વ્યક્તિએ નહીં પરંતુ નફરત અને હિંસામાં માનનાર ‘વિકૃત વિચારધારા’ના વાહકોએ કરી હતી. ગાંધી હત્યાની તપાસ માટે 22 માર્ચ 1965ના રોજ કપૂર કમિશનની રચના થઈ હતી. આ કમિશને 30 સપ્ટેમ્બર 1969ના રોજ 770 પેજનો રિપોર્ટ આપ્યો હતો. તેમાં જણાવેલ છે કે હત્યારાઓ સાવરકરના અંધભક્તો હતા. આ રિપોર્ટ આવ્યો તેના ત્રણ વરસ પહેલા સાવરકરનું અવસાન થયેલ. ગાંધી હત્યા પાછળ હિન્દુ મહાસભા / સાવરકરની ભૂમિકા હતી. કટ્ટરપંથીઓ ‘હિન્દુ રાષ્ટ્રના સ્વપ્ન’માં ગાંધીજીને બાધારૂપ માનતા હતા. ગાંધીજીની હત્યા લાંબા સમયથી વ્યવસ્થિત બ્રેઈનવોશિંગનું પરિણામ હતી. ગાંધીજી કટ્ટરપંથીઓના રસ્તામાં કાંટો બની ગયા હતા. 

માન્યતા એવી છે કે દેશનું વિભાજન ગાંધીજીના કારણે થયું ! પરંતુ ગાંધીજી છેવટ સુધી દેશના વિભાજનના વિરોધી હતા. ‘દ્વિરાષ્ટ્ર’ના સિદ્ધાંતની એટલે કે હિન્દુ રાષ્ટ્ર અને મુસ્લિમ રાષ્ટ્રની વકીલાત સાવરકર અને જિન્ના કરતા હતા, ગાંધીજી નહીં. ડો. આંબેડકરે કહ્યું હતું કે ‘દ્વિરાષ્ટ્રના સિદ્ધાંત અંગે જિન્ના અને સાવરકરમાં કોઈ ફરક નથી !’ હિન્દુ મહાસભા / RSS / મુસ્લિમ લીગે ગૃહયુદ્ધની સ્થિતિ પેદા કરી હતી. વિભાજન માટે જવાબદાર હતા સાંપ્રદાયિક હિંસા ફેલાવનારા ! ગોડસે ‘અગ્રણી’ મેગેઝિન ચલાવતો હતો, તેમાં ગાંધી / સરદાર / નેહરુ / સુભાષ બોઝ / આંબેડકર / સી. રીજગોપાલાચારી વિરુદ્ધ લખતો હતો અને તેમને રાવણ માનતો હતો ! ‘અગ્રણી’ને 20,000 રૂપિયાનું (તે સમયે આ રકમ બહુ મોટી કહેવાય, ત્યારે 100 રૂપિયે એક તોલું સોનું મળતું હતું.) ફાઈનાન્સ કરનાર સાવરકર હતા ! ગોડસે આંબેડકરનો એટલે વિરોધ કરતો હતો કે તેઓ દલિતો અને મહિલાઓના અધિકારની વાત કરતા હતા. જેઓ સામાજિક સદ્દભાવની વાત કરતા હતા તે તમામને ગોડસે દુ:શ્મન માનતો હતો ! કટ્ટરપંથીઓ પાસે કોઈ નાયક ન હતો, એટલે તેમણે સરદાર / ભગતસિંહ / સુભાષ બોઝ / આંબેડકર / વિવેકાનંદનું ચાલાકીપૂર્વક અપહરણ કરી લીધું ! અને ગાંધીજી અને નેહરુનું ચરિત્રહનન કરવાનું શરૂ કર્યું. હિન્દુ મહાસભા / RSSનું મુખ્ય કામ માત્ર ‘અપર કાસ્ટ’ના અધિકારોનું સંરક્ષણ કરવાનું છે ! 

માન્યતા એવી છે કે ગાંધીજીએ પાકિસ્તાનને 55 કરોડ રુપિયા આપવાનો આગ્રહ કરેલ તેથી તેમની હત્યા થઈ ! પરંતુ 25 જૂન 1934ના રોજ જ્યારે ગાંધીજી કસ્તૂરબા સાથે અસ્પૃશ્યતા વિરોધી આંદોલન માટે પૂના નગરપાલિકા જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર પર બોમ્બ ફેંકવામાં આવેલ. તેમાં ગોડસે અને તેની ગેંગ હતી. 1934માં વિભાજનનો સવાલ ન હતો કે 55 કરોડનો પણ સવાલ ન હતો ! સત્ય એ છે કે કટ્ટરપંથીઓ ગાંધીજીના અસ્પૃશ્યતા વિરોધી આંદોલનથી નારાજ થઈ ગયા હતા ! હિન્દુ કટ્ટરપંથીઓ માનતા હતા કે પાકિસ્તાન જુદું બની ગયું છે તો બધાં મુસ્લિમોએ પાકિસ્તાન જતા રહેવું જોઈએ ! વિભાજનની શરત એ હતી કે હિન્દુ બહુસંખ્યક ક્ષેત્ર ભારતમાં રહેશે અને મુસ્લિમ બહુસંખ્યક ક્ષેત્ર પાકિસ્તાનમાં રહેશે. વસ્તીની ફેરબદલી કરવાની શરત ન હતી કે તેની ચર્ચા-વિચારણા પણ થઈ ન હતી. પરંતુ દંગાઓ થતાં હિન્દુઓ ભારત તરફ અને મુસ્લિમો પાકિસ્તાન તરફ ભાગ્યા. દંગાઓ પાછળ હિન્દુ મહાસભા / RSS / મુસ્લિમ લીગનો હાથ હતો. સવાલ એ છે કે કટ્ટરપંથીઓ ગાંધીજીના વિચારો સાથે સહમત ન હોય તો તેમને હત્યા કરવાનો અધિકાર હતો?

વાયરલ મેસેજમાં કહ્યું છે : “જેમ બ્રિટિશ સરકારે ભગતસિંહ અને ઉધમસિંહને હત્યાના દોષી ઠેરવ્યા પછી ફાંસી આપી હતી, તેવી જ રીતે ભારત સરકારે પણ નાથુરામ ગોડસેને ફાંસી આપી હતી. ત્રણેયના કાર્યો, લાગણીઓ અને જીવન મૂળભૂત રીતે સમાન છે. આ સત્ય છુપાવવું જોઈએ નહીં.” મતલબ કે ગોડસેની ભગતસિંહ અને ઉધમસિંહ સાથે તુલના કરી છે. આ તો ભગતસિંહ અને ઉધમસિંહનું અપમાન છે !

વાયરલ મેસેજમાં ગાંધીજીની હત્યા માટે ‘થેંક્યું, મિસ્ટર ગોડસે‘ કહીને ડો. આંબેડકરને ટાંકીને ભ્રમ ફેલાવ્યો છે કે “કાનૂન મંત્રી ડૉ. આંબેડકરે ગોડસેના વકીલ મારફતે ગોડસેને સંદેશ મોકલેલ કે જો ગોડસે સંમત થાય તો હું ગાંધીજીની અહિંસાનાં નામે ગોડસેની ફાંસીની સજા જન્મટીપમાં ફેરવી દઈ શકું છું.” ત્યારે જેલમાંથી ગોડસેએ ડૉ. આંબેડકરને સંદેશ મોકલેલ કે, “ના હો. મહેરબાની કરીને મારી ઉપર કોઈ દયા કરવામાં ન આવે. હું એ સાબિત કરવા માંગુ છું કે, ગાંધીની અહિંસાને ફાંસી પર લટકાવવામાં આવે છે.” ડો. આંબેડકરના નામે સાવ ઉપજાવી કાઢેલી વાત ફેલાવવી તે ડો. આંબેડકરનું અપમાન છે. દલિત એક્ટિવિસ્ટ વાલજીભાઈ પટેલે 23 સપ્ટેમ્બર 2025ના રોજ કહ્યું છે : “આવા જૂઠાણાથી ડૉ. આંબેડકરની પ્રતિષ્ઠાને મોટી હાનિ પહોચાડી છે. બધા જ આંબેડકરવાદીઓની લાગણી દુભાવી છે. શું આપણે માત્ર જોઈ જ રહીશું?” 

24 સપ્ટેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|24 September 2025

ભારતમાં સમાજવાદ અને સામ્યવાદ માત્ર રાજકીય વિચારધારા નથી, પરંતુ સ્વતંત્રતા સંગ્રામથી લઈને આજના લોકશાહી જીવન સુધીના માર્ગદર્શક તત્ત્વો છે

પ્રકાશ ન. શાહ

પુણેના સમાજવાદી મિલનની હવા બંધાતી આવતી હશે અને માર્ક્સવાદી નેતા સીતારામ યેચુરીની વરસી નિમિત્તે ઇતિહાસવિદ્દ ઈરફાન હબીબનું વ્યાખ્યાન સાંભળવાનું બન્યું. બરાબરની લોકશાહી અને ખરાખરીનો સમાજવાદ, અનિવાર્ય છે એ એમના વ્યાખ્યાનનો- સમતા, સ્વતંત્રતા, ન્યાયની ભૂમિકાએ સૂર હતો. પણ લગરીક અચરજ અને સહજ આનંદ સાથે, હબીબની વધુ વિગતોમાં જવાનો લોભ ટાળીને, ખાસ એક વાત અહીં લગભગ અધોરેખિતપણે અંકિત કરવા ઈચ્છું છું તે એ કે એમણે આરંભમાં જ દાદાભાઈ નવરોજીને વિશેષ રૂપે સંભાર્યા, અને એવું જ સ્મરણ રમેશચંદ્ર દત્ત(આર.સી. દત્ત)નુંયે કર્યું. 

આ બંને અભ્યાસીઓએ આપણે ત્યાં બ્રિટન હસ્તકના સાંસ્થાનિક શોષણનું દુર્દૈવ વાસ્તવ જે અભ્યાસયુક્ત ધોરણે રજૂ કર્યું છે એમાં ન્યાયી કહેતાં સમાનતા અને સ્વતંત્રતાએ મંડિત સમાજ માટેની આહ ને ચાહ ભરેલી છે.

અહીં ગાંધીજી અને ‘હિંદ સ્વરાજ’ને ય સંભારી લઉં, જરી? ‘હિંદ સ્વરાજ’ સંદર્ભે એમણે ચીંધેલાં પુસ્તકોમાં પણ આ બેઉનો ઉલ્લેખ છે. તો, માર્ક્સવાદ, સમાજવાદ, ગાંધીવિચારનાં સ્રોતસ્થાનોમાં કેટલુંક સામ્ય ખસૂસ છે. સ્મરણ એમ તો રસ્કિન કૃત ‘અન ટુ ધ લાસ્ટ’નુંયે ક્યાં નથી થતું? એનો ભાવગ્રાહી ને નામમાં તો કદાચ ક્યાંયે આગળ જતો અનુવાદ ‘સર્વોદય’ ગાંધીનામે ઇતિહાસદર્જ છે. 

આઠ-નવ દાયકા પાછળ જઈને વાત કરું તો બ્રિટિશ પાર્લમેન્ટમાં પહેલી વાર જ્યારે નોંધપાત્ર સંખ્યામાં સમાજવાદીઓ ચૂંટાઈ આવ્યા ત્યારે થયેલા સરવે પ્રમાણે એમના પૈકી ઘણા રસ્કિનને વાંચીને લેબર પાર્ટીમાં જોડાયા હોવાનું માલૂમ પડ્યું હતું.

સ્રોતસામ્યની જિકર હમણાં કરી. એમાં એક વિલક્ષણ લાગતો મુદ્દો પણ ઉમેરી તો શકાય – અને તે છે નૈતિક પ્રેરણા. સમાજવાદ(સામ્યવાદ)ની માર્ક્સીય અવધારણ ભૌતિકવાદી પ્રતિપાદન પર અવલંબિત છે એ વિગત ખોટી નથી. માર્ક્સે વિષમતા સરજતી ને કાયમ રાખતી પ્રક્રિયાને ધોરણે સામાન્યપણે જેને વૈજ્ઞાનિક સમાજવાદ કહે છે તેની ઊહાપોહભેર માંડણી જરૂર કરી. પણ આ વિષમતા પરત્વે જે અક્ષમ્ય અભિગમ, જે અસહનીયતા માર્ક્સ અને સાથીઓને પક્ષે હશે એમાં એક અમાનવીય સ્થિતિ કેમ બરદાસ્ત કરી શકાય, એવી નૈતિક પ્રેરણાવશ મન્યુ અલબત્ત હોય જ.

સમાજવાદના માર્ક્સપૂર્વ ચિંતકોને યુરોપિયન – સ્વપ્નિલ, તરંગી, ગુલાબી કહેવામાં આવે છે, પણ શું માર્ક્સ કે શું માર્ક્સપૂર્વ સમાજવાદી ચિંતનની પૂંઠે વિષમતા નિર્મૂલન સારુ નૈતિક પ્રેરણા નહોતી એમ કહી શકાતું નથી.

આપણે ત્યાં તો સમાજવાદનો ઉદય બહુધા ગાંધીપ્રવેશ પછીની ઘટના છે. એ ખરું કે ગુજરાતમાં ‘ફેબિયન’ સમાજવાદ જેવો પ્રથમ ખયાલ કદાચ અનસૂયા સારાભાઈ એમના લંડનવાસ થકી લઈ આવ્યાં હશે. પણ સમાજવાદી જમાવડો દાંડીકૂચ પછી તરતનાં વરસોમાં નાસિક જેલમાં બદ્ધ તરુણ સ્વાતંત્ર્યસૈનિકોને આભારી હતો. તે પૂર્વે જો કે, તાશ્કંદમાં ભારતીય ક્રાંતિકારીઓનો સામ્યવાદી સંપર્ક પણ બન્યો હતો.

અહીં સામ્યવાદનો ઉલ્લેખ થતો રહ્યો છે તો થોડીક વાત એ પણ કરી લઈએ કે લોકશાહી સમાજવાદને પણ માર્ક્સીય ચિંતનનો પાસ જરૂર લાગેલો છે. લેનિન-સ્તાલિનના રૂસમાં જે મોડેલ વિકસ્યું તે પશ્ચિમ યુરોપની લોકશાહી પરંપરાથી વિપરીત હતું. આપણે માર્ક્સની આપણી સમજને રૂસી મોડેલ સાથે ગોટવી દઈએ છીએ તે પણ સામ્યવાદ અંગેના આપણા આકલનને અવળી દિશામાં લઈ જાય છે – કંઈ નહીં તો પણ કુંઠિત તો કરે જ છે. 

એક બીજો પણ પ્રશ્ન છે – આપણા સ્વરાજસંગ્રામમાં સામ્યવાદીઓએ કંઈક કિનારો કર્યો હોય એવો પણ તબક્કો આવેલો છે. અસહકારના દિવસોમાં કોલેજ છોડી સંગ્રામમાં ઝુકાવનાર જયપ્રકાશ એ દોર પછી અમેરિકા જઈ મહેનત-મજદૂરીનું જીવન જીવી સમાજશાસ્ત્રના અભ્યાસમાં ઊંચી પાયરીએ પહોંચતે પહોંચતે માર્ક્સવાદના રંગે રંગાઈ ગયા હતા.

સ્વદેશ પાછા ફર્યા ત્યારે એમણે સામ્યવાદી ચળવળમાં જોડાવું પસંદ પણ કર્યું હોત, પણ સ્વરાજસંગ્રામ અંગે ત્યારે સામ્યવાદીઓમાં ચોક્કસ આકલનવશ જે અંતર અને દ્વિધાભાવ હતો એ જોયા પછી જયપ્રકાશે ગાંધી અને કાઁગ્રેસ સાથે રહેવું પસંદ કર્યું અને આગળ ચાલતાં કાઁગ્રેસ સમાજવાદી પક્ષનો સૂત્રપાત કરનારા બન્યા.

ગાંધીજીએ તરુણ સમાજવાદીઓને સમજવા સારુ મળવા બરક્યા ત્યારે નરેન્દ્ર દેવે એમને બહુ સરસ કહ્યું હતું કે તમે અને કાઁગ્રેસ સભાખંડમાંથી સડકો ને શેરીઓમાં પહોંચી એમાં કિસાન કહો, કામદાર કહો, એમની વધુ ને વધુ હિસ્સેદારીને ધોરણે સ્વરાજને સમતાલક્ષી બનાવવાની અમારી ધખના છે. અલબત્ત, તેઓ એ ગાંધી સાથે વાત કરી રહ્યા હતા, જેણે ચંપારણના ખેડૂતો ને અમદાવાદના મજૂરોનો મોરચો લડી જાણ્યો હતો.

સ્વરાજ પછીના સમાજવાદી આંદોલનમાં નેહરુ ને ગાંધીનું ખેંચાણ ઓછેવત્તે અંશે રહ્યું. સામ્યવાદી આંદોલન પણ સ્વરાજના આરંભે સશસ્ત્ર બગાવતના પ્રયોગ પછી સરવાળે લોકશાહી પ્રક્રિયામાં જોડાઈ ગયું છે અને એક તબક્કે, વી.પી. સિંહના વારામાં આપણે જોયું તેમ એક પા સામ્યવાદી પક્ષો તો બીજી પા ભા.જ.પ. બેઉનો સરકારને ટેકો હતો.

આખો આલેખ અલબત્ત ઉતાવળે અને કંઈક આઘોપાછો ચાલે છે. પણ સાર એ છે કે કટોકટીવાદ કે રાજ્ય મૂડીવાદ એ કોઈ ઉગાર નથી. કથિત રાષ્ટ્રવાદ અને સાગરીત મૂડીવાદનું વાસ્તવ આપણી સામે છે. વર્ણ અને વર્ગની સમજ સાથે ન્યાયમૂલક અભિગમ વિના આરો નથી હોવાનો.

સંવિધાન પરના ભાર અને સામાજિક ન્યાય માટેની પ્રતિબદ્ધતાનું રાજકારણ જ ધોરણસરના વિકલ્પ ભણી લઈ જઈ શકે. સ્વરાજનાં અમૃત વર્ષોમાં અગાઉના ટૂંકા ગાળાના કટોકટીરાજ અને હાલની અઘોષિત કટોકટી સિવાયની પસંદગી સાદ દે છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 24  સપ્ટેમ્બર 2025

Loading

મહેંક

વસુધા ઇનામદાર|Poetry|24 September 2025

આ અધ ખીલ્યાં, ફૂલ પર !
ઉભડક બેઠું, પતંગિયું !
ગર્વથી બોલ્યું ફૂલને,
તું કેવું સ્થિર, એક સ્થળે !
ને હું તો ! અહીંથી તહીં
કંઈ કેટલાં ય, બાગો મહીં,
સહેજ હસી ફૂલ ફોર્યું
જોજે ને, જ્યાં તું, ત્યાં હું !
ઉડી ગયું પતંગિયું !
જઈ બેઠું વાડનાં છેવાડે,
ઓ ફૂલ, તું અહીં ક્યાંથી ?
હું તો એની મહેંક!
જ્યાં તું, ત્યાં હું !
મલયના અણસારે, અણસારે !
વગર પાંખે ઊંચે આકાશે;
ઘડીક, માનવીના અને તારાં
શ્વાસે શ્વાસે મહેંકું ! હું ફોરમ !

બોસ્ટન, ૫-૫-૨૦૨૩
e.mail : inamdarvasudha@gmail.com

Loading

...102030...132133134135...140150160...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved