Opinion Magazine
Number of visits: 9458756
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મજા એટલે પુરાયેલાને ફૂટતી પાંખો – લેટ્સ સેલિબ્રેટ વર્લ્ડ સોન્ટરિંગ ડે

સોનલ પરીખ|Opinion - Opinion|15 July 2022

હું તો બસ ફરવા આવ્યો છું …
હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું ?

અહીં પંથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા  !
– રે ચહું ન પાછો ઘેર જવા !
હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્ન મહીં સરવા આવ્યો છું !

જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બેચાર ઘડી
ને ગાઈ શકું બેચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું …

હું તો બસ ફરવા આવ્યો છું …
                                   

                                                       —     નિરંજન ભગત
°°°°°°°°°°°°°°°°°°

ઑરફાલિઝના લોકોએ અલ મુસ્તફાને ‘મજા’ વિશે પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે ‘મજા એટલે પુરાયેલાને ફૂટતી પાંખો.’ આગળ કહ્યું, ‘તમારાં ખેતરો અને બગીચામાં જાઓ. ત્યાં તમે શીખશો કે ફૂલોમાંથી મધ ભેગું કરવામાં મધમાખીઓને મજા પડે છે; પણ, તે સાથે જ, માખીને પોતાનું મધ આપવામાં ફૂલોને ય મજા પડે છે. કારણ કે મધમાખને માટે ફૂલ એ જીવનનો ઝરો છે અને ફૂલને માટે મધમાખ પ્રેમનો દૂત છે. અને મધમાખ તેમ જ ફૂલ બંનેને માટે એ મજાની આપલે જરૂરિયાત તેમ જ લહાવો છે. ઑરફાલિઝના લોકો, તમારી મજાઓની બાબતમાં ફૂલ અને મધમાખ જેવા થાઓ.’

આવી મજા કરવાનું જો આપણે ભૂલી ગયા હોઈએ, અને એવી જ શક્યતા વધારે છે, તો એને યાદ કરવા માટે આપણે ઊજવવો જોઈએ ‘દોડો નહીં, ટહેલો’ આવો સંદેશ આપતો વર્લ્ડ સોન્ટરિંગ ડે. સોન્ટરિંગ એટલે ટહેલવું, નિરાંતે હરવુંફરવું, ચહલકદમીનો આનંદ લેવો. 1979માં ડબલ્યુ.ટી. રેબ નામના માણસે, એ વખતે જોગિંગનું વધતું જતું મહત્ત્વ જોઈ આ દિવસની શરૂઆત કરી હતી એવું મનાય છે. એ માણસ મિશિગન સ્ટેટના મેકિનેક ટાપુ પર આવેલી ગ્રાંડ હોટેલમાં કામ કરતો. ત્યાં જ એણે આ શરૂઆત કરી હતી. આ દિવસની ઊજવણી પાછળ લોકોને ધીમા પડી આસપાસના વિશ્વને નિરાંતે માણવું અને એની કદર કરતાં શીખવું એ સમજાવવાનો છે અને એ દર વર્ષની 19મી જૂને ઊજવાય છે.

નામ યાદ નથી, પણ એક અમેરિકન લેખિકાએ પોતાનો જે અનુભવ વર્ણવ્યો હતો એ યાદ છે – ઝડપી અને સ્પર્ધાત્મક જીવનશૈલીએ એને સફળતા અને ભૌતિક સુખ-સગવડો મેળવી આપ્યાં હતાં. પણ એને કોઈ અજાણ્યો અજંપો પજવતો રહેતો. એને થતું કે એની ઓછું ભણેલી અને ગામડામાં અગવડો વચ્ચે રહેતી માના ચહેરા પર વધારે પ્રસન્નતા અને શાંતિ છે, અને સરસ પરિવાર, ઉચ્ચ શિક્ષણ, સગવડો અને સિદ્ધિઓ છતાં પોતાના ચહેરા પર અજંપો છે : એમ કેમ ? શું ખૂટે છે ?

પ્રશ્ન એવો તો હેરાન કરવા લાગ્યો કે તે થોડા દિવસ માટે શહેરની ધમાલથી દૂર ચાલી ગઈ. એકલી, એક ટાપુ પર જઈને રહી. કંઈ જ કર્યું નહીં, કુદરતની વચ્ચે ફરતી રહી, ખુલ્લી હવામાં ઊંડા શ્વાસ લેતી ગઈ, આસપાસનાં ફૂલો-પતંગિયાં-પંખીઓને ઓળખતી ગઈ, કુદરતની ઉદારતા અને વૈવિધ્યને નમ્ર સ્નેહપૂર્વક માણતી રહી. મહત્ત્વાકાંક્ષા, દોડાદોડી અને પોતાને સાબિત કરતા રહેવાની હોડમાં ખોવાઈ ગયેલાં સર્જનાત્મકતા, વિસ્મય અને તાજગી પાછાં આવ્યાં. એને ખબર પડી કે એને ધીમા પડવાની જરૂર હતી. દોડવાની નહીં, ટહેલવાની જરૂર હતી. કોઈની સાથે સ્પર્ધા કરવાની નહીં, પોતાની જાત સાથે મૈત્રી કરવાની જરૂર હતી.

વિલિયમ હેનરી ડૅવિસ નામના પ્રસિદ્ધ કવિએ ‘લેઝર’ નામનું કાવ્ય લખ્યું છે. તેઓ ત્રણ વર્ષના હતા અને પિતા મૃત્યુ પામ્યા. માએ પછીના વર્ષે બીજા લગ્ન કર્યાં. તેઓ દાદા-દાદી પાસે ઊછર્યા. પરિવારના સભ્યોને વર્ણવતા એમણે લખ્યું છે, એ ઘરમાં દાદા-દાદી, અમે ત્રણ ભાઈબહેન, એક નોકરબાઈ, એક કૂતરો, એક બિલાડી, એક પોપટ, એક કબૂતર અને એક કેનરી પક્ષી રહેતાં હતાં. આ પરથી એમનું બાળપણ બહુ સુખી હતું એમ માની લેવાની ભૂલ ન કરવી, કેમ કે એમને શાળામાં ત્રાસ થતો. બદમાશ મિત્રો હેરાન કરતા. દસ વર્ષની ઉંમરે ડેવિસ અને બીજા ચાર મિત્રો પર પર્સની ચોરીનો આરોપ મુકાયો અને 12 કોરડા ખાવાની સજા મળી. દાદાને નજર સામે મરતા જોયા. 11 વર્ષની ઉંમરે લખેલા એમના પહેલા કાવ્યનું નામ હતું ‘ડેથ’.

આ ડબલ્યુ.એચ. ડૅવિસ મહાન કવિ બન્યા અને પ્રકૃતિકવિ તરીકે સૌથી વધુ ઓળખ પામ્યા. તેઓ અનુભવતા કે આધુનિક જીવનશૈલીએ સાદગી, સૌંદર્ય, નિરાંત અને આનંદ છીનવી લીધા છે. એમનાં કાવ્યોમાં સૌથી વધુ પ્રખ્યાત કાવ્ય 1911માં લખાયેલું ‘લેઝર’ છે. લેઝર એટલે ફુરસદ, નવરાશ, નિરાંત. કવિ લખે છે, ‘“વૉટ ઈઝ ધિસ ટાઈમ ઈફ, ફુલ ઑફ કૅર; વી હેવ નો ટાઈમ ટુ સ્ટેન્ડ એન્ડ સ્ટેર” – પર્વતના ઢોળાવ પર નિરાંતે ચરતી ગાય, હવાની લહેરમાં ડોલતા પ્રસન્ન છોડવા, ઝીણાં ફૂલ ખેરવતું વૃક્ષ – આ બધાને જોવાની આંખ આપણી પાસે નથી કારણ આપણે અધીરા અને ઊતાવળથી ભરેલા છીએ. મધમાખીનું નૃત્ય જોવાનો કે પાંદડાં નીચે ખિસકોલીએ છૂપાવેલો નટ્સનો ખજાનો શોધવાનો સમય આપણી પાસે નથી.  જો આ જ જીવન હોય તો એ જીવન જ નથી.’ સવા સદી પહેલાની પહેલાની જીવનશૈલીમાં પણ જો એમને એમ લાગતું હોય કે આપણી પાસે ઊભા રહેવાનો અને આસપાસની સૃષ્ટિને નીરખવાનો સમય નથી તો આજની આપણી જીવનશૈલી જોઈ તેઓ શું અનુભવત ? શું કહેત ? જેમાં આનંદ મળે એવી ચીજો પાછળ દોડવામાં આપણે આસપાસ વેરાયેલી વિપુલ સુંદરતાને મન ભરીને માણી લેવાનું ભૂલી જઈએ છીએ.

આપણે ત્યાં ‘હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં કોઈ કામ તમારું કે મારું કરવા આવ્યો છું’ (નિરંજન ભગત), ‘નિરુદ્દેશે, સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશુ મલિન વેશે’ (રાજેન્દ્ર શાહ), ‘કેવળ ફરવાને નીકળ્યો છું જાણે સંધ્યાકાળે, એકે કામ નથી કરવાનું મારે સંધ્યાકાળે’ (ઉશનસ્‌) કે ‘મૂળને સૂંઘતો, વૃક્ષને સંવેદતો, વનરાજિમાં પ્રસરતો, આનંદથી વરસતો … ચાલી રહ્યો છું’ (જયદેવ શુક્લ) જેવી અનેક અનુભવસમૃદ્ધ પંક્તિઓ મળે છે.

એટલે વાત છે સ્લો ડાઉન થવાની, જીવન માણવાની. હિમાલય જનારાઓમાંના ઘણાં વાહનનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. ધીરે ધીરે ટહેલતા જવું ને પહાડની હવા, પહાડની સુગંધ અને કુદરતી સૌંદર્યને શાંતિથી નીરખતાં જવું, માણતાં જવું. પ્રિયંકા દલાલ નામની યુવતી સોલો ટ્રાવેલર એટલે કે એકલપ્રવાસી છે, ‘કુદરતના સાન્નિધ્યમાં હોઉં ત્યારે મને કોઈ બીજાનો મૂડ સાચવવાની કે એની સાથે વાતો કરવાની ખલેલ પણ ન જોઈએ.’ એ એક ફૉલ્ડિંગ, બૉક્સમાં પૅક થઈ જાય એવી સાયકલ રાખે છે. દેશમાં કે વિદેશમાં જ્યાં જાય ત્યાં સાયકલ લઈ જાય. એને અનફૉલ્ડ કરી, જોડી લે અને ખભા પરના ‘રકસેક’માં આવી જાય એટલો જ સામાન રાખી જ્યાં ગઈ હોય ત્યાં નિરાંતે ફરતી રહે. ત્યાંના લોકો, જીવનશૈલી, કુદરત, ખાવાપીવાનું બધું જુએ-માણે. માત્ર જોઈને નીકળી જવું એટલું પૂરતું નથી. ત્યાંનું ‘ફીલ’ મળવું જોઈએ.

અને આપણે, અહીં આપણા દેશમાં ચાઈનીઝ ને મૅક્સિકન ને ઈટાલિયન ફૂડનો શોખ રાખીએ ને પેરિસ જઈએ તો ત્યાં પત્તરવેલિયા ને રોમ જઈએ તો ત્યાં રસપૂરી ખવડાવે એવી ટૂર શોધીએ. પછી ફરવા માટે બ્યૂટી પાર્લરમાં જઈ ટ્રીટમેન્ટો કરાવીએ, પર્યટનની જગ્યાએ બેચાર જાણીતા સ્પૉટ પર સેલ્ફીઓ લઈને, શોપિંગ કરીને પાછા આવીએ અને ફોટા અપલોડ કરીને લખીએ, ‘વૉટ અ ગ્રેટ એક્સપિરિઅન્સ !’ આ આપણી મજા. વિચાર કરીએ તો આપણને આપણી જ દયા આવે.

ખરું જોતાં આપણને આ પૃથ્વીનો, એના સૌંદર્યનો, આપણા હોવાનો, કશાનો કોઈ અર્થ ખબર જ નથી અને સર્વજ્ઞ હોઈએ એવો ડોળ કરવો છે. આ વ્યર્થતાને રાવજી પટેલ ‘મારું દુ:ખ ચકલીઓ મૂંગી છે તે છે’ એવા શબ્દોમાં વર્ણવે છે. અને શહેરમાં ભરાઈ પડેલી મકરંદ દવેની ગ્રામનાયિકા કહે છે,

આભથી તારા રમતા આવે
મોગરા જેવી સેજ વચાળે,
સીમ તો સામી સાદ પાડે કે
આવ દોડી આવ હરણફાળે,
ભીની રેતીમાં નાનકી નદી
આપણાં ભોળાં પગલાં ભાળે,
હડકાયાં આ હાડ ભાળીને
હું તો આવી ગઈ ગળા લગ,
હાલ્યને વાલમ ક્યાંક જતાં રંઈ,
ક્યાંક જતાં રંઈ ખુલ્લે મારગ …

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 19 જૂન 2022

Loading

પપ્પા એટલે ….

નિહાર મેઘાણી|Profile|15 July 2022

પપ્પાના અવસાન પછી સ્નેહી મિત્ર મહેન્દ્રસિંહ પરમાર દ્વારા ‘મિત્ર-મધુ’ નામે ઓનલાઇન ઉપક્રમનું આયોજન જાન્યુઆરી [2021] મહિનામાં થયું હતું. તેની અંતર્ગત પપ્પાના મિત્રો તથા ચાહકોએ એમની સાથેના પોતપોતાનાં સંસ્મરણોની વાતો કરી. એમના વ્યક્તિત્વનાં અનેક અજાણ્યા પાસા વિશે જાણવા મળ્યું. એમની વિદાય પછીનો ઊંડો ખાલીપો સ્મૃતિઓ થકી થોડોઘણો પુરવાનો પ્રયત્ન કરું છું.

—

વર્ષ ૨૦૧૭માં ‘પ્રસાર’નું કામ બંધ કર્યું, એ પછી પપ્પાને રહેવા અને પોતાની મનગમતી પ્રવૃત્તિઓ કરવા એક અલાયદી જગ્યાની જરૂર ઊભી થયેલી, જ્યાં તેમને કામ કરવા માટે શાંતિ હોય, પ્રાઇવસી હોય, પોતાની સ્પેસ હોય, માત્ર પોતાનું કહી શકાય એવું રસોડું હોય અને કુટુંબીજનો નજીક હોય. એ જ અરસામાં, જાણે કુદરતની જ કોઈ ગોઠવણ હોય એમ, અમારા ઘરની સાવ નજીક 'સત્વ' નામના બિલ્ડિંગમાં સુંદર હવાઉજાસવાળા બે ફ્લેટ મળી ગયા. ચોથા માળે પપ્પા અને બીજા માળે હું મારા કુટુંબ સાથે સ્થાયી થયાં.

પપ્પાની અનેક લોકો સાથે મૈત્રીનું સૌથી મોટું રહસ્ય એમના સંબંધોમાં રહેલી ઉદારતા હતી. એ માત્ર મિત્રો પૂરતી જ મર્યાદિત નહીં. અજાણી વ્યક્તિ આવીને અભ્યાસસંબંધી કે કોઈ લખાણ કરાવવા મદદ માગે તો બધું કામ બાજુએ મૂકીને તે મદદમાં બેસી જાય. કોઈ પુસ્તક અંગે માહિતી લેવા આવે તો પણ તેને બેસાડીને, પૂરતો સમય આપીને, વાતો કરવા લાગે. કોઈ કંકોત્રી માટે મેટર લખાવી જતા, તો કોઈ ચોપાનિયા માટે આવતા. ક્યારે ય તે આર્થિક પાસાનો વિચાર ન કરે. છેતરાયા હોય તો પણ ફરી ફરીને છેતરાય. ક્યારે ય કોઈ જગ્યાએ ભાવતાલ કરતા નથી જોયા. રિક્ષાવાળા સાથે ભાવ કર્યા વગર જ રિક્ષામાં બેસી જાય અને ઊતરીને જે માગે એ આપી દે. ક્યારે ય છુટ્ટા પૈસા ગણે નહીં.

માતા ચિત્રાદેવી સાથે, ડાબેથી વિનોદભાઈ, અશોકભાઈ અને જયંતભાઈ

સામેવાળાને ભાર થાય એ હદે વિવેક તથા આગ્રહ કરે. દરેક ઉંમરના એમને અનેક મિત્રો હતા. યુવાન મિત્રો વધુ મળવા આવે. યુવાનો સાથે દોસ્તી તે બહુ પસંદ કરતા, એમને ખૂબ પ્રોત્સાહન આપતા અને એમના વ્યક્તિત્વને મઠારતા. અભ્યાસુ લોકો માટે અલગ જ લગાવ. ઠેકઠેકાણે અનેક લોકો સાથે સંપર્કમાં રહેતા. એનેક લોકો સાથે ઇ-મેઇલ, વોટ્સએપ અને ફેસબુકના માધ્યમથી જોડાયેલા રહે. જેને જેમાં રસ હોય એવું કંઈ પણ ધ્યાનમાં આવે કે તરત જ લિન્ક મોકલતા રહેતા.

આવા કોઈ મિત્રો ઘેર કે ‘પ્રસાર’માં આવ્યા હોય તો જાતે ઊભા થઇ તેમને આરામથી બેસાડવા વ્યવસ્થા કરવા લાગે. ‘પ્રસાર’માં આવેલા મહેમાનોને જાતે શરબત કે ચા બનાવી પીવડાવે. કોઈ મળવા આવવાનું હોય એની અગાઉથી ખબર હોય તો ઘેરથી ખાસ વરિયાળીનું શરબત બનાવી ‘પ્રસાર’ લઈ જાય. લૅમિનેટ કરાવેલાં સુંદર ચિત્રો, અગરબત્તીઓ, અત્તર, બુકમાર્ક જેવી ચીજોનો જથ્થો હંમેશાં હાથવગો જ હોય. મળવા આવનાર જાણ્યા-અજાણ્યાંને પ્રેમથી આવી ચીજો ભેટમાં આપતા.

પુત્રો – નિહારભાઈ (ડાબે) અને (જમણે) નીરજભાઈ સાથે

પોતાની જાતને હંમેશાં પાછળ રાખે. કાર્યક્રમોમાં આગળ બેસવાનું ટાળતા. ‘પહાડનું બાળક’ નાટકમાં તે મુખ્ય મહેમાન હોય તો પણ એમ કહે કે ‘આપણે આગળ કેમ બેસી શકાય?’ લગ્નપ્રસંગમાં કલાત્મક એન્વેલપમાં સુંદર લખાણ સાથે ચાંલ્લો અને શુભેચ્છા પાઠવીને જમ્યા વગર જ હળવેકથી સરકી જાય. કોઈ દિવસ કોઈ ઓળખાણનો ઉપયોગ કરી કામ કઢાવવાની વૃત્તિ નહીં. સંકોચવાળી પ્રકૃતિ હતી. સામે ચાલીને કોઈ દિવસ પોતાની આવડતનું પ્રદર્શન ન કરે. પોતાની પ્રતિભા છુપાવી રાખે. મેઘાણીના વારસદાર તરીકે ખૂબ સજાગ હતા અને એટલે જ હંમેશાં કહેતા કે આપણાથી દાદાજીના નામનો ઉપયોગ ભૂલથી પણ ન થવો જોઈએ.

લતાબહેન, નિહારભાઈ, નીરજભાઈ સાથે 

કોઈ કામની કમર્શિયલ વૅલ્યુ કેટલી એ જોવાની તેમની બિલકુલ દૃષ્ટિ નહીં અને વૃત્તિ પણ નહીં. પૈસા કમાવવા એ ધંધાનો ઉદ્દેશ નહીં. ગુડવીલ માટે જ કામ કરે. ‘પ્રસાર’ને કોઈ દુકાન કહીને બોલાવે એ તેમને જરા ય પસંદ નહોતું. અમેરિકાની લાયબ્રેરી ઓફ કૉંગ્રેસનું પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠિત પુસ્તકાલય. તે દુનિયાભરમાંથી પુસ્તકો મેળવે. તેના માટે ગુજરાતી પુસ્તકોની પસંદગીનું તથા પુસ્તકો પૂરાં પાડવાનું કામ છેલ્લાં ત્રીસેક વર્ષથી ‘પ્રસાર’ કરતું હતું. આ કામ પપ્પા માટે ધંધાદારી નહીં, પણ પ્રતિષ્ઠાનું હતું. ગુજરાતી ભાષા પ્રત્યેની પોતાની જવાબદારી ગણીને તે આ કામગીરી બજાવતા. ખૂબ સજાગ રહીને પુસ્તકોની પસંદગી કરતા, જેથી એક પણ નકામું પુસ્તક ત્યાં પહોચી ન જાય અને કોઈ યોગ્ય પુસ્તક રહી ન જાય.

પત્ની લતાબહેન સાથે, 1967

૧૯૬૯માં ગાંધીજીની જન્મશતાબ્દી નિમિત્તે ‘લોકમિલાપે’ યોજેલા ભારતીય પુસ્તકોના પ્રદર્શનોની યોજના હેઠળ એમને ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફીજી, સિંગાપોર તથા આફ્રિકાના દેશો અને ૧૯૭૭માં મિત્ર દેવરાજ પટેલ સાથે યુરોપના દેશોમાં ફરવાનું થયેલું. યુરોપિયન સંસ્કૃતિનો સારો એવો પ્રભાવ એમના પર પડ્યો હતો એવું મને હંમેશાં લાગ્યું છે. રીતભાતના ખૂબ જ આગ્રહી હતા. શું બોલાય, કેમ બોલાય, કેટલું બોલાય એ માટે સજાગ. જાહેરમાં બે જણા વાત કરતા હોય તો બાજુમાં બેઠેલાને પણ ન સંભળાવું જોઈએ એટલું ધીમું બોલાય. બીજાની પ્રાઇવસીને આદર આપવાના આગ્રહી અને પોતાના માટે એ જ અપેક્ષા રાખતા.

ઘરના સભ્યોએ પણ એકબીજાની ટપાલ ખોલાય નહીં, વંચાય તો નહીં જ. આંગળાં થૂંકવાળા કરી ચોપડીનાં પાનાં ફેરવવાની લોકોની ટેવની એમને ખૂબ જ ચીડ હતી. આ અંગે ઘણી વાર ‘પ્રસાર’માં ગ્રાહકોને પણ નમ્રતાથી ઠપકો આપી દેતા. ખાદી ખૂબ ગમે, હંમેશાં ખાદી જ પહેરે. કારણ કે ખાદી એમની કલાદૃષ્ટિનો હિસ્સો હતી. પણ ખાદીવાદ કદી નથી કર્યો. કોઈ દિવસ અમને સંતાનોને ખાદી પહેરવા નથી કહ્યું. ઝભ્ભા ખાસ ડિઝાઇનના સિવડાવતા, પેન રાખવા માટે અલગ લાંબુ-સાંકડું જુદું ખિસ્સું કરાવતા, સરસ ઇસ્ત્રી કરાવેલાં કપડાં જ પહેરતા. પોતાની અલાયદી ફેશન માટે સજાગ રહેતા. પોતાની દરેક વસ્તુની પસંદગી માટે ખૂબ આગ્રહી હતા.

શાસ્ત્રીય સંગીતના તે ચાહક હતા. કેસેટના જમાનામાં અમૂલ્ય કહેવાય એવી કેસેટનો ખજાનો વસાવ્યો હતો, જેમાં નવા રેકોર્ડીંગ ઉમેરાતા રહેતા અને ખજાનાનો વિસ્તાર થતો રહેતો. જેને રસ હોય એ છૂટથી કેસેટો સાંભળવા લઈ શકતા. ભૈરવી અને દેશ એમના સૌથી પ્રિય રાગ. વાદ્યસંગીત તેમને વધુ પ્રિય હતું. ટિકિટ સંગ્રહ એમના બહુ ગમતા શોખમાંનો એક હતો. પત્ર-મૈત્રીના જમાનાથી તે દેશ-વિદેશની અલભ્ય ટિકિટો મેળવીને પોતાના સંગ્રહમાં ઉમેરતા. ભારતનાં ફિલાટેલિક બ્યૂરોના તે આજીવન સભ્ય બન્યા હતા, જેથી ભારતમાં બહાર પડતી દરેક ટિકિટ તેમને અચૂક મળી જાય. આ કિંમતી સંગ્રહ ટિકિટોમાં રસ ધરાવનાર એક યુવાન મિત્રને તેમણે ઉદાર ભાવે સોંપી દીધો હતો.

 

ફિરેન્ઝે, ઇટલી, 1977

છેલ્લાં બારેક વરસથી ટાગોરના અનુવાદોનું કામ શોખથી કરતા. એ વખતે તેમને પુસ્તકોનું વાચન કરતા જોયા છે. એ અપવાદ સિવાય ક્યારે ય એમને સિરિયસ રીડિંગ કરતા નથી જોયા. પોતાના અંગત સંગ્રહમાંનાં પુસ્તકો પણ ક્યારે ય વાચતા જોયા નથી. હા, ઘણી વાર પુસ્તકોનાં પાના ઉથલાવે, પણ સિરિયસ રીડિંગ કરતા નથી જોયા. આમ છતાં અસંખ્ય પુસ્તકો વિશે માહિતી એમની પાસેથી અભ્યાસીઓને મળી રહેતી. એમને યોગ્ય લાગે એ વ્યક્તિને પોતાના સંગ્રહમાંથી પુસ્તકો સામેથી વાચવા/જોવા માટે આપતા. પુસ્તકોનો સંગ્રહ પણ જાણે મિત્રોના લાભ માટે જ હતો. પોતાને ગમી જાય એ પુસ્તક મિત્રોને ભેટ આપવા થોકબંધ નકલો મંગાવી લેતા. બહારગામ મોકલવાનું હોય તો પોતે જ કુરિયરનું પડીકું બાંધતા અને સરનામાં પોતાના મરોડદાર અક્ષરોથી સુંદર રેખાંકનોવાળા લેબલ પર લખતા.

તેમની કલાદૃષ્ટિ ઉચ્ચ કોટિની હતી. સારાં ચિત્રો કોને કહેવાય એ વિશે સૂઝ એમણે કેળવેલી. પોતાને ગમતા ચિત્રકારોનાં ચિત્રોની પ્રિન્ટ મંગાવતા, એમના આલ્બમ મંગાવતા, ચિત્રોને ફ્રેમમાં મઢાવતા. વર્ષો પહેલાં, જહાંગીર સબાવાલા નામના એક ચિત્રકારનાં ચિત્રો એમને એટલાં ગમ્યા કે એમના આલ્બમની થોકબંધ નકલો મંગાવીને એમાંથી ગમતા ચિત્રોનું જાતે કટિંગ કરીને, લૅમિનેટ કરાવીને મિત્રોને ભેટ આપતા. આ ઉપરાંત કે.કે. હેબરના સ્કેચનો ઉપયોગ બુકમાર્કમાં કરતા. વેન ગોગ, ખોડીદાસ પરમાર, પ્રદ્યુમ્ન તન્ના, ભરત માલી, જ્યોતિ ભટ્ટ જેવા કળાકારોના સ્કેચનો ઉપયોગ પોતાની સ્ટેશનરી પર તથા પોતે પ્રકાશિત કરેલાં પુસ્તકોની અંદર કરતા.

ઘરની ગોઠવણીની તેમની અલાયદી સૂઝ હતી. ક્યારે ય ભભકાવાળા રંગો ન ગમે. હંમેશાં નરમ-સૌમ્ય રંગો પસંદ કરતા. નાની નાની ચીજોને સુંદર રીતે ગોઠવ્યા કરે, ગોઠવણીઓ બદલ્યા કરે. રૂમમાં પોતાની સુવાની જગ્યાઓ બદલ્યા કરે. સૉફ્ટ બોર્ડ પર અવનવાં લખાણ, કોઈએ ભેટમાં આપેલાં બુકમાર્ક, મિત્રો/સગાંના ફોટા વગેરે ચીવટપૂર્વક ગોઠવે. કેબિનેટ, ટેબલ, ચિત્રો, કુંડાં, નદીકિનારેથી વીણેલા નાના પથ્થર, કલાત્મક માટીની અને વાંસની વસ્તુઓની ગોઠવણી કરવાનું તેમને ઓબ્સેશન હતું, ક્યારે ય આવી બધી ચીજોને કાયમી સ્થાન મળતું નહીં, થોડા થોડા દિવસે બધું જ બદલાતું રહે.

ઉપરાંત, તે ખાવાપીવાના, જમાડવાના અને રસોઈ જાતે બનાવવાના પણ શોખીન. નવી નવી વાનગીઓ બનાવે, પ્રયોગો કરે, યુટ્યુબ પર રેસિપીઓ શોધે. રસોઈવાળાં બહેન સાથે વાનગીઓની ચર્ચા કરે અને નવી નવી વાનગીઓ બનાવડાવે. કોથમીર, છીણેલું લીલું કોપરું, લીંબુ, સેવ વગેરે વિવિધ વાનગીઓમાં ઉપરથી ભભરાવીને ખાવાના શોખીન. એમનું રસોડું નમૂનારૂપ કહી શકાય એવું સુંદર સજાવતા. રસોડામાં પણ સૉફ્ટ બોર્ડ લગાવેલું હોય, જેમાં વાનગીઓ વિશેની રસપ્રદ વિગતો શોધીને લગાવે. રસોઈકળા તથા વાનગીઓ સાથે પોતાનો આ નાતો વારસામાં જેમની પાસેથી મળ્યો હતો, એવાં તેમનાં બા, ચિત્રાદેવીનો ફોટો રસોડામાં સુંદર રીતે ગોઠવેલો.

ફરવાના-ભમવાના ખૂબ શોખીન અને સ્વભાવથી સાહસિક હતા. નવી નવી જગ્યાઓની માહિતી એકઠી કરતા રહેતા. પ્રવાસનાં આયોજન કર્યા કરે. દરેક જગ્યાથી નકશા ભેગા કરે. પ્રવાસની જગ્યાઓનો અભ્યાસ પહેલેથી જ હોય. ફરવા માટે અનેક જગ્યાઓ સૂચવી શકતા. ક્યારે ય ચીલાચાલુ રીતે ફરવું ન ગમે કે ન ગમે ચીલાચાલુ કંપની. ફરવા માટે ખાસ કંપની જ હોય, એવું તે માનતા. એમનું ફરવું એટલે અભ્યાસપૂર્વક ફરવું. જ્યાં પણ જાય એ જગ્યાના લોકોની રહેણીકરણી, વાનગીઓ, લોકોનો સ્વભાવ, ભાષા, બોલી, પહેરવેશ, તે જગ્યાનું લેન્ડસ્કેપ વગેરે બાબતો ખાસ નોંધે. મ્યુઝિયમમાં ખૂબ રસ પડે, આ માટે બીજાઓને પણ ખાસ પ્રેરે. નાનપણમાં ગોપનાથના દરિયે અવારનવાર જવાનું બનતું. પપ્પાને દરિયામાં નહાવાનો ખૂબ શોખ, માત્ર નહાવાનો નહીં, દૂર સુધી જઈ ઊંડાણવાળા ભાગમાં તરવાનો પણ ખરો. અમને પણ નહાવા ખેંચી જાય. એવું યાદ છે કે ઊંડા પાણીમાં મને સાથે લઈ જાય ને એમની છાતી પર મને બેસાડી પોતે ઊંધા તરવા લાગે. મમ્મી આ દૃશ્ય જોઈ અમને પાછા ફરવા બૂમો પાડે.

હું દસ વરસનો હોઈશ, ત્યારે મેં આમ જ કહેલું કે ‘મારે હિમાલયમાં ટ્રૅકિંગ કરવા જવું છે’. આ સાંભળીને તે ખૂબ રાજી થઈ ગયા. તાત્કાલિક તપાસ કરી અને લવકુમાર ખાચર દ્વારા યોજાતા મનાલી-ભૃગુ લેકના ટ્રેકિંગ કેમ્પ માટે અમદાવાદથી નીકળતા એક ગ્રુપ સાથે કોઈ ગોઠવણ કરી મને મોકલ્યો. એ સમયે બહુમૂલ્ય કહી શકાય એવો વિદેશથી મંગાવેલો એક કૅમેરો અમારા ઘરે હતો. તે એમણે મને વિના સંકોચે સોંપી દીધો. બિયાસ નદી પાછળ બરફથી છવાયેલી પર્વતમાળા દેખાતી હોય એવી એક છબી એ કેમેરાએ કેદ કરેલી, જે એ સાલનું દિવાળી-કાર્ડ બની સગાંસંબંધી તથા મિત્રોને ત્યાં પહોંચેલી.

હું સાતમા-આઠમા ધોરણમાં હોઈશ ત્યારે મેઘાણી સાહિત્યના પ્રકાશનના કામ દરમિયાન મને પ્રૂફ-રીડિંગનાં કામમાં સાથે જોડતા. આગળ જતા હું ‘પ્રસાર’માં જોડાયો ત્યારે પાર્સલ બાંધવાં-ખોલવાં, ટ્રાન્સપોર્ટ ઑફિસેથી પાર્સલ લાવવાં-મોકલવાં, પુસ્તકો ગોઠવવાં, ઝાપટવાં જેવાં શ્રમવાળાં કામ પણ કરવાં પડતાં. પરંતુ એ ઘડતર મને હંમેશાં કામ લાગ્યું છે—ખાસ કરીને જ્યારે હું ઇંગ્લેન્ડ ગયો એ પછી. કેળવણીના ભાગરૂપે અનેક વાર એમની કડકાઈ સહન કરી છે, પણ આજે એ જ વાતો જીવનને સરળ બનાવવામાં મદદરૂપ થાય છે.

ઘરનાં દરેક કામ દરેકે કરવા જોઈએ, એ જાતની તાલીમ અમને બાળપણથી જ આપવાનો પ્રયત્ન થતો. કામવાળાં બહેન રજા પર હોય એ દિવસે વાસણ મમ્મીને માંજવાં ન પડે, એ માટે પપ્પા એક ‘સ્કીમ’ બહાર પાડતા. એક જણ સાબુ લગાવે અને બીજાએ વાસણ વીછળવાનાં. આવી વાસણ માંજવાની ભાગીદારી મારે પપ્પા સાથે અનેક વાર કરવી પડતી. હું છ વરસ લંડનમાં રહ્યો એ દરમિયાન દરેક નાની નાની વાતની કાળજી લેતા ઇ-મેલ આવતા. ત્યાં કઈ કઈ જગ્યાઓ મારે જોવી જોઈએ એ સ્થળો જણાવે. ત્યાંનાં છાપાં વિશે, ત્યાંનાં મ્યુઝિયમ વિશે, બૂકશોપ વિશે, ત્યાંની રહેણીકરણી વિશે એમની પાસે માહિતીઓનો ભંડાર હતો. કદાચ ત્યાંના લોકો નહીં જાણતાં હોય એવી ઝીણી વિગતો એમની પાસે હોય. તેઓ ઈચ્છતા કે હું ત્યાં કોઈ બૂક શૉપમાં નોકરી કરું, પણ દુર્ભાગ્યે એવું બની શક્યું નહીં.

ચીલાચાલુ લોકોથી તે દૂર રહેવાનું પસંદ કરતા. સાધારણ લોકો સાથે તે  હંમેશાં આદરપૂર્વક વાત કરે, પરંતુ કોઈ ગેરવર્તણૂક કરે તો રૌદ્ર સ્વરૂપ પણ ધારણ કરતા. દરેક પર હંમેશાં ભરોસો કરે, કોઈ ઉપર અવિશ્વાસ નહીં. હંમેશાં એવું માનતા કે આપણે ભરોસો કરીએ તો સામેવાળો એ તોડશે નહીં. પોતાનાથી અલગ મત હોય તો પણ એની સાથે દોસ્તી કરી લેતા.

વધારે પડતો લાગણીશીલ સ્વભાવ હોવાના લીધે નાની નાની વાતોમાં રડી પડે અને નાની વાતોમાં ગુસ્સે પણ થઈ જાય. ઘરેથી કોઈ બહારગામ ગયું હોય તો અચૂક ફોન કરીને પૂછે કે જમ્યાં? ક્યાં જમ્યાં? સારી રેસ્ટોરાંઓ સૂચવે. કુટુંબીજન તરીકે દરેકની ખૂબ કાળજી લેતા. ખૂબ ચિંતાવાળો સ્વભાવ. પોતાની બંને નાની બહેનોની હંમેશાં ફિકર કરતા. ‘મુરલીએ શું ખાધું હશે?’ એવું એમના મોઢે વારંવાર સાંભળ્યું છે. ઘરે કોઈ સારી વાનગી બની હોય તો મુરલીબહેનને અચૂક પહોચાડે. સામેવાળાની ગૂંચવણ તરત પામી જાય અને બોલ્યા વગર જ મદદ પહોચાડતા રહે, પણ ક્યારે ય ઉલ્લેખ ન કરે.

પોતાનાં બધાં ભાંડુઓ સાથે લાગણીના સંબંધ. અશોકભાઈ દર વર્ષે અમેરિકાથી ભારત બે-ત્રણ મહિના રોકાવા આવે. પાછા ફરવાના સમયે ઢીલા પડીને ભેટીને ખૂબ રડી પડે. ઘરનાં બધાં જ બાળકો સાથે ખૂબ જ લગાવ. સૂકો મેવો, ચોકલેટ, વિવિધ પ્રકારનાં પીણાનો સ્ટોક હંમેશાં હોય જ અને બાળકો આવે એટલે એમની સામે ધરી દે. પોતાને આમ તો વડીલ ગણવાની ના પાડે, પણ કુટુંબમાં વડીલ તરીકેની ફરજો મક્કમ બની નિભાવે અને શીતળ છાયડો હંમેશાં પૂરો પડતા.

મોટાભાઈ, મહેન્દ્રભાઈ જોડે ‘લોકમિલાપ’ પ્રાંગણના હીંચકે જયંતભાઈ મેઘાણી

પોતે સંપૂર્ણ અધાર્મિક હોવા છતાં શીલચંદ્રસૂરિ મહારાજ તથા પ્રદ્યુમ્નસૂરિ મહારાજ જેવા વિદ્વાન જૈન મુનિઓ અને તેમના અભ્યાસી શિષ્યો સાથે ખૂબ આત્મીય સંબંધો. તે ભાવનગર હોય એ દરમિયાન તેમને ઉપાશ્રય પર મળવા જતા અને મહારાજો પણ અચૂક ‘પ્રસાર’માં આવે, તેમની સાથે બેસે, સાહિત્ય તથા બીજા અનેક વિષયો પર લાંબી વાતો થાય. પોતાના સંગ્રહમાંથી તેમને પુસ્તકો જોવા મોકલે. એમના શિષ્યોનો ઉલ્લેખ તો પોતાના ‘દોસ્ત’ તરીકે કરતા. આ સિલસિલો ‘પ્રસાર’ બંધ થયું પછી પણ ચાલુ રહ્યો. એમના ફ્લેટ પર પણ આવી મુલાકાતો થતી રહેતી.

કોઈ થોડો પણ એમના માટે ભાવ બતાવે તો પોતે ઉમળકામાં વહી પડે, સામેવાળા માટે જાતને ઘસી નાખે. એમના ભાગે જીવનમાં ખૂબ શ્રમ હતો. એ કદાચ નિયતિ હશે, જે તેમણે બખૂબી નિભાવી. છેલ્લે સુધી આર્થિક રીતે કાર્યરત રહ્યા, હંમેશાં સ્વાવલંબી રહ્યા. ક્યારે ય કોઈની સેવા લેવી ગમતી નહીં. એ બાબતમાં મારી સાથે પણ વિવેક કરે. ‘તું તારે જા, જરૂર હશે ત્યારે ફોન કરીશ.’ પણ એ સવારે ફોન ન આવ્યો. કોઈ અંદેશો આપ્યા વિના જ તેમણે અનંતની વાટ પકડી લીધી.

e.mail : curiofact@gmail.com

203 Satva, Near Green Park, Hill Drive, BHAVNAGAR 364 002 GUJARAT

પ્રગટ : “સાર્થક જલસો – 15”, ઑક્ટોબર 2021; પૃ. 07-12

Loading

કોરાંભીનાં સ્મરણો

સુમન શાહ|Opinion - Opinion|15 July 2022

મારા વતનમાં, ડભોઇમાં, ત્યારે એક જ ટૉકિઝ હતી. અંગ્રેજોના પ્રભાવે એનું નામ ‘મૅજેસ્ટિક’, પણ એમાં કશું ય ‘ભવ્ય’ ન મળે. દીવાલો પતરાંની, સ્ક્રીન મૅલોઘૅલો, પંખા નહીં. જરૂરતમંદ લોકો ઘરેથી હાથ-પંખો લઈને આવતા. બીડીઓ ફૂંકનારા અવારનવાર ઊઠબેસ કરે. વારંવાર હોઓઓ હોઓઓ લાંબા લાંબા બુચકારા ને તીવ્ર સિટીઓ સાંભળવાનાં. નજીકની મૂતરડીએથી વાસ નિરંતરાય આવે. પાંચ આના, સાડાદસ આના, એક રૂપિયો બે આના, ટિકિટો હતી. ટિકિટબારીએ ધક્કામુક્કીભરી લાઈન લાગી હોય.

હાલ એ ‘મૅજેસ્ટિક’-ના શા હાલ છે, નથી ખબર.

મને યાદ છે એમ હું ૧૯૫૦ આસપાસની વાત કરી રહ્યો છું.

એ પછી, અમારી પ્રાથમિક શાળાને રસ્તે, બીજી ટૉકિઝ બની, ‘ભારત’ -જાણે રાષ્ટ્રપ્રેમ જાગ્યો ! ત્યાંથી જતાં ને આવતાં એને બનતી જોવાની મજા આવતી, એટલા માટે કે ક્યારે બની રહે ને ક્યારે એમાં ‘ફિલમ’ – ફિલ્મ – પિક્ચર – મૂવિ જોવા બેસીએ, એમ તાલાવેલી થતી. વડોદરામાં ક્રમે ક્રમે ૯ ટૉકિઝ બનેલી, પણ ગામમાં ૨ બની તેનો ગર્વ થયેલો.

બધા કહે, મહમ્મદ મિયાં, માલિક, કોમવાદી નથી, જુઓ, પહેલી જ ફિલમ લાવ્યા – ‘હર હર મહાદેવ’ ! બીજી લાવ્યા, ’મંગળફેરા’. ‘ભારત’-માં મારા જિગરી દોસ્ત ગુલામનબી વૉરા સાથે અનેક ફિલ્મો જોઇ છે. જોયા પછી વારંવાર એની અમુકતમુક ચર્ચાઓ કરી છે. બેસ્ટ ઍક્ટર દિલીપકુમાર કે રાજકપૂર -ના વાદ કર્યા છે. એક ભૈબંધ કનુ પારેખ હતો. ‘મૅજેસ્ટિક’-માં અને ‘ભારત’-માં જેટલી ફિલ્મો 'ચઢી' ને 'ઊતરી' તેનું એણે ઍક્ટર્સ-ઍક્ટ્રેસિસનાં નામ ને તારીખ વાર સાથેનું રજિસ્ટર બનાવેલું. મારી એક વાર્તામાં એ હકીકતનો મેં સર્જનાત્મક વિનિયોગ કર્યો છે.

પછીનાં વરસોમાં, હું ગાયકવાડી ગાયનશાળામાં સંગીત શીખતો’તો. ત્રણ વર્ષ ચાલ્યું, પછી પિતાજીએ મના કરી, કહ્યું – આપણે ગવૈયા નથી થવાનું ! બાકી, ‘ઓ ભાભી તમે થોડાંથોડાં થાવ વરણાગી …’ ‘રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે …’ ‘ઝંડા ઊંચા રહે અમારા …’ ‘બચપન કી મહોબત કો દિલ સે ન જુદા કરના, જબ યાદ મેરી આયે, દો આંસુ બહા લેના …’ ’આ જા રે અબ મેરા દિલ પુકારા …’ 'ચલો એક બાર ફિર સે અજનબી બન જાયેં હમ દોનો …' 'તું અગર ભૂલ ભી જાઓ તો યે હક હૈ તુમ્હેં, મેરી બાત ઔર હૈ, મૈંને તો મહોબત કી હૈ …' 'ચાહે તું આયે ન આયે, હમ કરેંગે ઇન્તજાર …' ‘તને જોઇ જોઇ તો ય તું અજાણી …’ ‘ઈંધણાં વીણવા ગઇ’તી મોરી સૈયર …’ વગેરે ગીતો તેમ જ દયારામનાં પદ અને ગરબીઓ હું એકદમની મજાથી ગાઇ શકતો. ઘરના હીંચકે બેસી ઝૂલતાં ઝૂલતાં ગાવાનો રિવાજ હતો.

મને ત્રિતાલ ને ઝપતાલના બોલ બિલકુલ આવડતા’તા. આસાવરી ને યમનકલ્યાણને, તે-તેના સ્થાયી ને અન્તરા, આલાપ ને તાન સહિત બરાબ્બર રજૂ કરી શકતો. મારે ‘સંગીતવિશારદ’ થવું’તું. શી ખબર કેમ ને ક્યારે ગાયન મારું ઝૂંટવાઈ ગયું.

બ્લૅક ઍન્ડ વ્હાઇટ ફિલ્મો ટૉકી બની પછી ઇસ્ટમૅન કલર ને છેલ્લે ટૅક્નિકલર બની, સ્ક્રીન સેવન્ટી ઍમઍમના થયા. અમેરિકામાં આઇમૅક્સ, મલ્ટિપ્લૅક્સ ને રાઉન્ડ થીએટર જોયાં. અનેક વિદેશી ફિલ્મો જોઈ. મને હિસ્ટોરિકલ વૉર મૂવિ ગમે છે પણ મારામારીની ફિલ્મો નથી ગમતી. એમાં પાપનો ક્ષય થાય છે પરન્તુ માણસો માણસોની હત્યા કરે છે એ પાપ ચાલુ રહે છે. મને અતિ કલાત્મક ફિલ્મો પણ નથી ગમતી, પણ ‘સમાન્તર સિનેમા’ મૂવમૅન્ટ ગમેલી.

આજે તો, હોમ થીએટર થયાં છે. એઇટીસિક્સઇન્ચ સૅમ્સંગ ટીવી કે મૅકબુક ઍર કમ્પ્યૂટર ઘરેલુ ટૉકિઝની ગરજ સારે છે. મારે દસેક દિવસે એક મૂવિ તો જોવું જ પડે છે, જરૂરત વરતાય છે. મારી પસંદગીની કૅટેગરી ‘ડ્રામા’ છે. એ મૂવીઝમાં, હૈયાં વલોવાય છે ને બુદ્ધિ પાસે એના કશા ઇલાજ કે જવાબ હોતા નથી; એમાં, જિવાતાં જી-વ-ન હોય છે.

ડભોઇ-વડોદરામાં ભણ્યા પછી, ઉપલેટા કપડવણજ બોડેલી ને અમદાવાદમાં કારકિર્દી વીતી, અધ્યાપક અને સાહિત્યના માણસ થવા મળ્યું. નમ્ર અહમ્-ના કેન્દ્રેથી મિત્રવર્તુળ વિસ્તર્યું ને હજી વિસ્તરી રહ્યું છે …

બે વર્ષ પર વતન ગયેલો, જોયું તો ‘ભારત’ ટૉકિઝ ખંડેર હતી, તોડી પડાયેલી, ને ત્યાં કશોક મૉલ બનવાનો હતો. હું એ ધ્વસ્ત સમયને જોતો રહી ગયેલો …

સ્મરણો ટુકડે ટુકડે આમરણ જિવાય છે, એને પૂરેપૂરાં જમીનદોસ્ત નથી કરી શકાતાં.

= = =

(July 15, 2022: USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,3241,3251,3261,327...1,3301,3401,350...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved