Opinion Magazine
Number of visits: 9458688
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તીસ્તા સેતલવાડ વડાપ્રધાનને આંખના કણાની જેમ કેમ ખટકે છે?

રમેશ સવાણી|Opinion - Opinion|17 July 2022

[પાર્ટ-2]

કોઈ પણ સત્તાધીશને સવાલ કરો તો તેને ન ગમે. 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરામાં 58 રામસેવકોને જીવતાં સળગાવી દીધાં તે ઘટના પાશવી હતી. એ ઘટના બાદ ગુજરાતમાં મુસ્લિમો પ્રત્યે રોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. માની લઈએ કે ગોધરાની ઘટના પૂર્વ આયોજિત કાવતરું હતું, પરંતુ આ કાવતરું સરકાર પકડી શકી ન હતી; તેથી 58 નિર્દોષ લોકો ભોગ બની ગયાં ! સરકાર માટે આ શરમજનક ઘટના હતી; કેમ કે ગુજરાતમાં આ પ્રકારની કોઈ ઘટના અગાઉ બની ન હતી. મુખ્ય મંત્રી હિન્દુઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયા હતા; તેથી લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવા ભોગ બનનારની ડેડ-બોડીઓ અમદાવાદ મંગાવીને સામૂહિક સ્મશાનયાત્રા કઢાવી ! તેથી  લોકો વધુ ઉશ્કેરાયા; અમદાવાદ શહેર અને અન્ય વિસ્તારોમાં ત્રણ દિવસ સુધી સામૂહિક હિંસા ફાટી નીકળી ! સરકારની પક્ષપાતની કાર્યવાહી અંગે આક્ષેપો થયા. તે વખતે વડા પ્રધાન અટલ બિહારી બાજપાઈ હતા; તેમણે કેન્દ્રીય મંત્રી જ્યોર્જ ફર્નાડીઝને અમદાવાદ મોકલ્યા. ફર્નાડીઝ અનેક લોકોને મળ્યા. ફર્નાડીઝે બાજપાઈને રિપોર્ટ કર્યો. તેથી બાજપાઈ ગુજરાતની મુલાકાતે આવ્યા. તે સમયે બાજપાઈએ તત્કાલિન મુખ્ય મંત્રીને કહ્યું હતું-‘રાજધર્મ નીભાવો !’ બાજપાઈ; સત્તાપક્ષના અન્ય નેતાઓ તથા ગુપ્તચર એજન્સીના રિપોર્ટથી જાણતા હતા કે ગુજરાતમાં સરકાર લઘુમતીઓની દરકાર કરતી નથી ! બાજપાઈને આ બે શબ્દો ન છૂટકે પોતાના મુખ્ય મંત્રીને કહેવા પડ્યા હતા ! આ બે શબ્દોને કારણે વિપક્ષ અને ન્યાય ઈચ્છી રહેલ લોકોને જબરજસ્ત બળ મળ્યું હતું !

આ તોફાનોમાં સરકારી આંકડા મુજબ 790 મુસ્લિમો, 254 હિન્દુઓ અને અન્ય આંકડાઓ મુજબ 1,926થી 2,000થી વધુ નિર્દોષ બાળકો / મહિલાઓ / વૃદ્ધોની ઘાતકી હત્યાઓ થઈ ! બળાત્કાર થયાં ! 2,500થી વધુ લોકોને ઈજા પહોંચી. 273 દરગાહો, 241 મસ્જિદો, 19 મંદિરો, 3 ચર્ચને તોડી નાખવામાં આવ્યા કે તેમને નુકશાન કરવામાં આવ્યું ! મુસ્લિમોના 1 લાખ ઘર / 1,100 હોટલ / 15,000 ધંધાઓ / 3, 000 ગૃહઉદ્યોગ / 5,000 વાહનોને નુકશાન પહોંચ્યું ! 2 લાખ મુસ્લિમોને ઘર છોડવું પડ્યું ! કરોડો રૂપિયાની સંપત્તિનો નાશ થયો ! કરોડો રુપિયા રાહતમાં ખર્ચાયા. 27,780 લોકોને એરેસ્ટ કરવામાં આવ્યા. 11,167 લોકોને ગુનાહિત વર્તણૂક માટે એરેસ્ટ કર્યા; તેમાં 3,269 મુસ્લિમ અને 7,896 હિન્દુઓ હતા. 16,615 લોકોને અટકાયતી પગલાં માટે એરેસ્ટ કરવામાં આવ્યા; જેમાં 2,811 મુસ્લિમો અને 13,804 હિન્દુઓ હતા ! Concerned Citizens Tribunal, તથા Crimes Against Humanityના જણાવ્યા મુજબ એરેસ્ટ કરેલ આરોપીઓમાંથી 90% આરોપીઓને ત્વરિત બેઈલ ઉપર મુક્ત થઈ ગયા હતા ! હત્યા અને આગ ચાંપવાના આરોપીઓ પણ જામીન ઉપર છૂટી ગયેલ ! આ બધી ઘટનાઓના કારણે અમેરિકાએ તત્કાલિન મુખ્ય મંત્રીને અમેરિકાના વિઝા આપવાનો ઈન્કાર કરી દીધો હતો ! ગોધરા-હિંસા અને પછીની હિંસાથી વિશ્વમાં ગુજરાતનું નામ ખરડાયું હતું; સ્વાભાવિક છે કે સત્તામાં હોય તેનો વાંક જોવામાં આવે. SIT તથા સુપ્રિમકોર્ટની ક્લિન-ચિટથી આ હત્યાઓ થઈ નથી તેવું સાબિત થઈ જતું નથી ! સત્તામાં ફરી-ફરી ચૂંટાઈ જાય, તેથી આ હત્યાનો ઇતિહાસ ભૂંસાઈ જતો નથી ! હા, ‘સત્તા’ હોય તો ચૂકાદા તરફેણમાં જરૂર આવે છે !

સવાલ એ છે કે ન્યાય માંગવો તે ગુનો છે? 24 જૂને 2022ના રોજ સુપ્રિમકોર્ટનો ચૂકાદો આવે છે અને બીજે જ દિવસે તીસ્તાની મુંબઈથી ધરપકડ કેમ? શું તીસ્તા આતંકવાદી છે? તીસ્તા સેતલવાડ વડા પ્રધાનને આંખના કણાની જેમ કેમ ખટકે છે? આ છે કારણો : [1] તીસ્તાએ પોતાની NGO મારફતે 2002ની હિંસાની સચ્ચાઈ ઉજાગર કરી; અને સરકારને જવાબદાર ઠેરવી. [2] ન્યાય માટે જુદી જુદી કોર્ટમાં લડાઈ લડી. તેમના પ્રયાસના કારણે જ સુપ્રિમકોર્ટે 2008માં SITની રચના કરી. આ SIT સાથે ‘કામ પાડવા’માં ‘સત્તા’નો દમ નીકળી ગયો ! [3] તત્કાલિન મુખ્ય મંત્રીને અમેરિકાએ વિઝા આપવાનો ઈન્કાર કર્યો તે સહન થઈ શકે તેમ ન હતું. [4] મુખ્ય મંત્રીમાંથી 2014માં વડા પ્રધાન બન્યા; 2919માં ફરી વડા પ્રધાન બન્યા છતાં 2002ની નામોશીથી છૂટકારો ન મળ્યો ! [5] તીસ્તાએ સુપ્રિમકોર્ટમાં જઈને ‘બેસ્ટ બેકારી કેસ’ / ‘બિલ્કીસ બાનો કેસ’ મુંબઈમાં ટ્રાન્સફર કરાવ્યો; જેથી ગુજરાતની ‘સત્તા’ને નીચાજોણું થયું ! બન્ને કેસમાં આરોપીઓને સજા થઈ. ‘બિલ્કીસ બાનો કેસ’માં IPS અધિકારી આર.એસ. ભગોરાને 30 મે 2019ના રોજ ડિસમિસ કરવા પડ્યા ! બિલ્કીસ ઉપર ગેંગરેપ થયો હતો. તેની અઢી વર્ષની દીકરી સહિત પરિવારના 7 વ્યક્તિઓની 3 માર્ચ 2002ના રોજ હત્યા થઈ હતી. સુપ્રિમકોર્ટે તેને 50 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો. ‘સત્તા’ માટે નીચાજોણું થયું હતું. [5] રાષ્ટ્રીય /આંતરરાષ્ટ્રીય મીડિયામાં આ કિસ્સાઓ ગાજતા હોવાથી વડા પ્રધાનની ‘ઈમેજ’ને ધક્કો પહોંચતો હતો. 2002ની હિંસા અંગે સ્ટિંગ ઓપરેશનો થયા. જેના કારણે નામોશી સતત થતી રહી હતી. પુસ્તકો લખાયાં – ‘Gujarat files-Anatomy of a cover up’ લેખક – રાણા અય્યુબ, 25 માર્ચ 2026 / ‘The anatomy of hate’ લેખક-રેવતી લૌલ, 10 ડિસેમ્બર  2018 / ‘Fear and Forgiveness : The Aftermath of Massacre’ લેખક-હર્ષ મંદર, 1 જાન્યુઆરી 2015 / ‘Between Memory and Forgetting : Massacre and the Modi years in Gujarat’ લેખક-હર્ષ મંદર / ‘Scarred : Experiments with Violence in Gujarat’ લેખક-ડિઓને બુન્શા, 1 જાન્યુઆરી 2006 / ‘Communal Violence, Forced Migration and the State : Gujarat since 2002’ લેખક – સંજીવની બાડીગર લોખંડે, 13 ઓક્ટોબર 2016 / ‘Under cover : My journey into the darkness of Hindutva’ લેખક-આશિષ ખેતાન, 11 જાન્યુઆરી 2021 / ‘Gujarat Behind the Curtain’ લેખક – આર.બી. શ્રીકુમાર, 17 ડિસેમ્બર 2015 / ‘Gujarat : The Making of a Tragedy’ લેખક-તીસ્તા સેતલવાડ / સિદ્ધાર્થ વરદરાજન, 25 નવેમ્બર 2003. તીસ્તાની ઝૂંબેશના કારણે સત્યશોધકો આગળ વધતા હતા અને પુસ્તકોમાં પર્દાફાશ કરતા હતા; જેથી ‘અવતારી-દિવ્યશક્ત’ની ઈમેજમાં ગોબો પડતો હતો ! ખાસ તો વિદેશોમાં ‘વિશ્વગુરુ’ની છબિ વધુ ખરડાઈ રહી હતી; એટલે જ તીસ્તા સેતલવાડને જેલમાં પૂરવામાં આવ્યાં !

રાણા અય્યુબ તથા આશિષ ખેતાનનાં પુસ્તકો સાબિત કરે છે કે હિંસામાં ‘સતા’ કઈ રીતે સંડોવાયેલ હતી. બેસ્ટ બેકરી કેસમાં ઝહિરા શેખને ફરી જવા બચાવ પક્ષે લાંચ આપી હતી ! તેમના સ્ટિંગ ઓપરેશનની કારણે બાબુ બજરંગી અને માયા કોડનાનીને દોષિત ઠેરવવામાં આવ્યાં હતાં. 2002ની હિંસા પછી ‘સત્તા’એ એક જબરજસ્ત વિજય હાંસલ કર્યો છે – તેણે નાગરિકોને ભીડમાં ફેરવી નાખ્યા છે ! જે ભીડ હવે સત્યશોધકો ઉપર હુમલાઓ કરે છે; ગાળો આપે છે; અવાજ દબાવે છે. એક તરફ ભીડ; બીજી તરફ સત્તાનો જુલમ ! જે સત્યશોધકો હિમ્મત કરે છે તેમને ‘સત્તા’ જેલમાં પૂરે છે !

17 જુલાઈ 2022

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

જ્યારે સરકાર ખોટી હોય ત્યારે તમારી સચ્ચાઈ તમને જેલમાં પહોંચાડે છે !

રમેશ સવાણી|Opinion - Opinion|17 July 2022

[પાર્ટ-1]

હંમેશાં સત્યના પડખે ઊભા રહેનાર તીસ્તા સેતલવાડ શા માટે જેલમાં છે? શા માટે તેઓ વડા પ્રધાનને આંખના કણાની જેમ ખૂંચે છે? જે સુપ્રિમકોર્ટે તીસ્તા સેતલવાડની પીઠ થાબડી હતી; તેણે શા માટે તેને જેલમાં પૂરાવ્યા? તીસ્તા જેલમાં છે, તેનો અર્થ શું છે? વગેરે બાબતો દરેક જાગૃત નાગરિકોએ જાણવી જરૂરી છે. તીસ્તા સેતલવાડની ઉંમર 60 વર્ષની છે; તીસ્તા સેતલવાડનો જન્મ મુંબઈમાં, ગુજરાતી પરિવારમાં, 09 ફેબ્રુઆરી 1962ના રોજ થયો હતો. તેમના પિતા અતુલ સેતલવાડ પ્રસિદ્ધ વકીલ હતા. માતાનું નામ સીતા હતું. તીસ્તાના દાદા એમ.સી. સેતલવાડ ભારતના પ્રથમ એટર્ની જનરલ હતા. તીસ્તા પત્રકાર અને હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ છે. તેમણે પત્રકાર અને માઈનોરિટી રાઈટસ એક્ટિવિસ્ટ જાવેદ આનંદ સાથે લગ્ન કરેલ છે અને સંતાનમાં દીકરી-દીકરો છે.

તીસ્તાએ કોલેજમાં બે વર્ષ કાયદાનો અભ્યાસ કર્યો, પણ તે અભ્યાસ છોડી દીધો. પછી 1983માં બોમ્બે યુનિવર્સિટીમાંથી ફિલોસોફીમાં સ્નાતકની ડિગ્રી મેળવી અને પત્રકાર તરીકે કામ શરૂ કર્યું. ‘ધ ડેઈલી’ (ઈન્ડિયા) અને ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ અખબારોની મુંબઈ આવૃત્તિઓ અને પછી ‘બિઝનેસ ઈન્ડિયા’ મેગેઝિનમાં કામ કર્યું. 1984માં ભિવંડી રમખાણો અંગે લખ્યું. 1993માં, મુંબઈમાં હિંદુ-મુસ્લિમ રમખાણોના પ્રતિભાવરૂપે, તેણે પતિ સાથે ‘કોમ્યુનલિઝમ કોમ્બેટ’ નામનું માસિક સામયિક શરૂ કર્યું, જે નવેમ્બર 2012 સુધી ચાલું હતું.

27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરાકાંડની પાશવી હિંસા બાદ, ગુજરાતમાં અનેક જગ્યાએ સામૂહિક હિંસાની ઘટનાઓ બની. 01 એપ્રિલ 2002ના રોજ, તીસ્તા / તેમના પતિ / ફાધર સેડ્રિક પ્રકાશ (કેથોલિક પાદરી) / અનિલ ધારકર (પત્રકાર) / અલીક પદમસી / જાવેદ અખ્તર / વિજય તેંડુલકર / રાહુલ બોઝ તથા અન્ય લોકો સાથે મળીને CJP-Citizens for Justice and Peace નામની NGO સ્થાપી. ગુજરાતની સામૂહિક હિંસા માટે તત્કાલિન મુખય મંત્રી અને સરકારના અધિકારીઓ સામે વિવિધ અદાલતોમાં કેસો કર્યા. એપ્રિલ 2004માં સુપ્રિમકોર્ટે ‘બેસ્ટ બેકરી કેસ’ને ગુજરાતમાંથી પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કર્યો અને 27 જૂન 2003ના રોજ, નીચલી કોર્ટે 21 આરોપીઓને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો હતો તે રદ્દ કર્યો અને આદેશ આપ્યો કે તપાસ અને ટ્રાયલ નવેસરથી હાથ ધરવામાં આવે ! બેસ્ટ બેકરીની ઘટનામાં 01 માર્ચ 2002ના રોજ, વડોદરામાં 14 મુસ્લિમોને સળગાવી દીધા હતા. જાહિરા શેખ સાક્ષી હતી. કેસ ચાલતો હતો તે દરમિયાન તે ફરી ગઈ અને તીસ્તા સામે ખોટા આક્ષેપ કરેલ ! સુપ્રિમકોર્ટે જાહિરા શેખને કોર્ટને ગેરમાર્ગે દોરવા સબબ 1 વર્ષની સજા કરી હતી ! 09 જુલાઈ 2012ના રોજ બોમ્બે હાઈકોર્ટે બેસ્ટ બેકરી કેસમાં 4 આરોપીઓને આજીવન કેદની સજા કરી હતી. જાહિરા શેખનો કિસ્સો એ દર્શાવે છે કે આરોપીઓને સજા ન થાય તે માટે સત્તાપક્ષના લોકો દ્વારા સાહેદોને ફેરવી નાખવામાં આવતા હતા !

તીસ્તાનું મુખ્ય કામ સમાજમાં પ્રેમ / શાંતિ / સદ્દભાવને પ્રોત્સાહન આપવાનું છે. ‘કોમ્યુનલિઝમ કોમ્બેટ’ માસિક એનું સાક્ષી છે. પત્રકારત્વ કેટલો શ્રમ માંગે છે, તેનો ખ્યાલ આ મેગેઝિન જેમણે વાંચ્યું હોય તેને જ ખબર પડે ! સાંપ્રદાયિક ધૃણા / હિંસા ફેલાવતા સંગઠનોનો તીસ્તા મક્કમતાપૂર્વક વિરોધ કરે છે. આ કારણસર ગુજરાતના તત્કાલિન મુખ્ય મંત્રી અને હાલના વડા પ્રધાન તીસ્તા સાથે નારાજ છે ! તીસ્તા લોકોને જાગૃત કરે / નાગરિક સભાનતા પ્રગટાવે તે ગોડસેવાદી સરકારને કઈ રીતે ગમે? તીસ્તાએ 10 જૂન 2002ના રોજ ‘યુનાઈટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ’માં ગોધરા પછીની સાંપ્રદાયિક હિંસામાં ગુજરાતની તત્કાલિન સરકારની ભૂમિકા અંગે જુબાની આપી હતી; સરકારથી આ સહન થાય? તીસ્તા એક પ્રખર નારીવાદી છે. દલિતો, મુસ્લિમો અને મહિલાઓના અધિકારો અને વિશેષાધિકારો માટે ઝૂંબેશ ચલાવે છે. તીસ્તા પતિ સાથે ‘સબરંગ કોમ્યુનિકેશન’ ચલાવે છે; જે માનવ અધિકારો માટે લડે છે. તીસ્તા ‘CJP’ના વડા / ‘PUHR – પીપલ્સ યુનિયન ફોર હ્યુમન રાઈટ્સ’ના જનરલ સેક્રેટરી / ‘Pakistan – India People's Forum for Peace and Democracy’નાં સભ્ય છે. તીસ્તાનાં ઉમદા કાર્યને સમજવા માટે એક નજર કરીએ : [1] 1993માં PUCL જર્નાલિઝમ ફોર હ્યુમન રાઈટ્સ એવોર્ડ મળ્યો. [2] 1993માં ઉત્કૃષ્ટ મહિલા મીડિયાપર્સન માટે ચમેલી દેવી જૈન પુરસ્કાર. [3] 1999માં મહારાણા મેવાડ ફાઉન્ડેશનનો હકીમ ખાન સુર એવોર્ડ. [4]  2000માં દલિત લિબરેશન એજ્યુકેશન ટ્રસ્ટનો માનવ અધિકાર પુરસ્કાર. [5] 2002માં  રાજીવ ગાંધી રાષ્ટ્રીય સદ્દભાવના પુરસ્કાર. [6] 2003માં, ન્યુરેમબર્ગ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એવોર્ડ. [7] 2004 ડિફેન્ડર ઓફ ડેમોક્રેસી એવોર્ડ. [8] 2004 M.A. થોમસ નેશનલ હ્યુમન રાઈટ્સ એવોર્ડ. [9] 2006માં, નાની એ. પાલખીવાલા એવોર્ડ. [10] 2007માં, માતોશ્રી ભીમાબાઈ આંબેડકર એવોર્ડ. [11] 2007માં રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કાર. [12] 2009માં, કુવૈતમાં FIMA – ફેડરેશન ઓફ ઈન્ડિયન મુસ્લિમ એસોસિયેશન દ્વારા એક્સેલન્સ એવોર્ડ. [13] પેક્સ ક્રિસ્ટી ઇન્ટરનેશનલ પીસ એવોર્ડ. [14] 2020માં, યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા તરફથી માનદ્દ ડોક્ટરેટ !

જ્યારે સરકાર ખોટી હોય, ત્યારે તમારી સચ્ચાઈ તમને જેલમાં પહોંચાડે છે ! તમે સમાજમાં શાંતિ /ભાઈચારો જળવાઈ રહે તે માટે ક્ષણે ક્ષણે જાગૃત રહેનાર; વંચિતો / ગરીબો / દલિતો  /આદિવાસીઓ / લઘુમતીઓના માનવ હકોની રખેવાળી કરનાર અને તેમને મદદ / હૂંફ આપનાર તીસ્તા સેતલવાડ તથા પ્રમાણિકતા-સચ્ચાઈમાં જેનો જોટો ન જડે તેવા IPS અધિકારી આર.બી. શ્રીકુમારને સાબરમતી જેલમાં પૂરીને સરકાર નાગરિકોને શું સંદેશ આપવા માંગે છે?

16 જુલાઈ 2022

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

તમે કોને વિજયી જોવા ઈચ્છો છો,અસત્યનો પ્રચાર કરનારાઓને કે ઈશ્વરને ?

રમેશ ઓઝા|Opinion - Opinion|17 July 2022

અમારાં ગામમાં એક દરજી હતો. એ બહેરો હતો એટલે અમે નિશાળિયાઓ નિશાળે જતાં અને આવતાં તેને બેરો (બહેરો) કહીને ચીડવતા અને તે ચીડાતો. એ પછી એવું થયું કે તે નિશાળે જવાને અને છુટવાને ટાણે હાથમાં લાકડી લઈને ઓટલે બેસતો એટલે અમે દૂરથી બેરો કહીને મહાલક્ષ્મીના ચોકનો આંટો વાઢીને નિશાળે જતા. એક દિવસ કંટાળીને તેણે મારા કાકાને (પિતાશ્રીને અમે કાકા કહેતા) ફરિયાદ કરી. મારા કાકા મને લઈને તેની દુકાને ગયા. તેમણે મને કહ્યું કે તમે આ ભાઈને ચીડવીને જે મજા લઈ રહ્યા છો એ વિકૃત મજા છે. કોઈને પીડા આપીને મેળવેલું સુખ એ સુખ નથી. આ વિકૃતિ આગળ જતાં નીચતામાં પરિણમી શકે છે અને હું નથી ઈચ્છતો કે મારો દીકરો નીચ નીવડે. તેમણે પેલા દરજીને કહ્યું કે આ લોકો તને ત્યાં સુધી જ ચીડવી શકશે જ્યાં સુધી તું ચિડાઈશ. તું ચિડાવાનું બંધ કરી દઈશ એ ક્ષણે આ લોકોના હાથ હેઠા પડશે.

 આ વાત સમાજને પણ લાગુ પડે છે. કેટલાક લોકોને કોઈને (વ્યક્તિ કે ચોક્કસ પ્રજાસમૂહને) ચીડવવામાં કે નિંદા કરવામાં એક પ્રકારનું સુખ મળતું હોય છે જે અનિવાર્યપણે વિકૃત હોય છે. બીજી બાજુ કેટલાક લોકો ખરેખર ચીડાતા પણ હોય છે. મેં મારા બાળપણનો પ્રસંગ ટાંકીને કહ્યું એમ ચીડવનારનું અસ્તિત્વ ત્યાં સુધી જ હોય છે જ્યાં સુધી ચીડનાર હોય છે. સંબંધિત વ્યક્તિ ચીડવાનું બંધ કરે એટલે ચીડવનારાના હાથ હેઠા પડે. પણ એવું બનતું નથી. સમાજનો એક સારો એવો મોટો વર્ગ સંયમ જાળવી શકતો નથી. ઘણાં લોકોને આવી વિકૃતિમાં એટલું બંધુ સુખ મળતું હોય છે કે તેઓ તે રોકી શકતા નથી તો બીજી બાજુ ઘણાં લોકો વિકૃત પ્રવૃત્તિ તરફ આંખ આડા કાન કરીને ઉપેક્ષાવૃત્તિ કેળવી શકતા નથી.

વિકૃતિનો આ એક ચહેરો થયો. વિકૃતિનો એક બીજો ચહેરો પણ છે જે છેતરામણો છે. મૂલ્યાંકનના નામે અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે વિકૃતિને વાચા આપવામાં આવે છે. એ મૂલ્યાંકન નથી હોતું, ચારિત્ર્યહનન હોય છે. બહુ વ્યવસ્થિત રીતે કોઈ એક વ્યક્તિ કે ચોક્કસ સમાજ કે ચોક્કસ ધર્મ-સંપ્રદાય વિષે માફક આવે એવી માહિતી એકઠી કરવામાં આવે છે અને ન હોય તો પેદા કરવામાં આવે છે. એ પછી પ્રચારયંત્રણા દ્વારા તેને વહેતી કરવામાં આવે છે. એને સતત વહેતી રાખવામાં આવે છે તે ત્યાં સુધી કે લોકો તેને સત્ય માનીને એક કાનથી બીજા કાને કહેતા ન થાય. લોકો જ્યારે કર્ણોપકર્ણ સાંભળેલી વાત સાચી માનીને આગળ વહાવતા જાય અને ઉપરથી પોતાનાં કૃત્યનો બચાવ કરતા થાય ત્યારે આવું કરાવનારાઓ સત્ય પર થયેલા અસત્યના વિજયનો ઓડકાર ખાય છે.

તો બે પ્રકારની વિકૃતિ સમાજમાં જોવા મળે છે. એક ભલે વિકૃતિ પણ એકંદરે નિર્દોષ વિકૃતિ. કોઈને હેરાન કરીને હલકી મજા લેવા સિવાય તેમનો ખાસ કશો એજન્ડા હોતો નથી અને બીજી વિકૃતિ સદોષ વિકૃતિ હોય છે. ગણતરીપૂર્વક એજન્ડાના ભાગરૂપે કોઈને બદનામ કરવાના. સત્ય ઉપર અસત્યનું આરોપણ જેને અંગ્રેજીમાં પોસ્ટ-ટ્રુથ તરીકે ઓળખાવવામાં આવે છે. આવું કરનારાઓને સત્ય પરવડતું નથી અને અસત્યમાં તેમનો સ્વાર્થ હોય છે. તેઓ તેમાં વિવેક કરવાની ક્ષમતા નહીં ધરાવનારાઓનો અને કોઈની બદબોઈ કરીને વિકૃત મજા લેનારાઓનો ઉપયોગ કરે છે.

આજકાલ મારા મનમાં સતત એક પ્રશ્ન ઘુમરાયા કરે છે. મૂંડકોપનિષદમાં કહેવાયેલા વચનનું શું? મૂંડક ઉપનિષદમાં કહ્યું છે : सत्यमेव जयते नानृतं सत्येन पन्था: विवतो देवयान: । येनाक्रमन्त्यृषयो ह्याप्तकामा यत्र तत् परमम् निधानम् ।। ઋષિ કહે છે: “હંમેશાં સત્યનો જ વિજય થાય છે, અસત્યનો નહીં. સત્યના માર્ગે ચાલવાથી યાત્રીનો માર્ગ મોકળો અને સુલભ થાય છે અને એ રીતે જ્યાં સત્યનું ધામ છે ત્યાં પહોંચી શકાય છે.” ઋષિ માત્ર એટલું કહીને નથી અટકતા કે સત્યનો વિજય થાય છે. તે તો કહે છે માત્ર સત્યનો જ વિજય થાય અને અસત્યનો કદાપી વિજય નથી થતો. હજુ આગળ વધીને કહે છે કે જો તમારે પરમ સત્ય પામવું હોય તો સત્યનો જ માર્ગ અપનાવવો પડશે અને જો તમે સત્યનો માર્ગ અપનાવશો તો તમારો માર્ગ અર્થાત્ જીવનયાત્રા સુલભ થતી જશે.

તો કસોટી આપણી અર્થાત્ માનવસમાજની થઈ રહી છે કે ઋષિવચનની જે સનાતન ધર્મની માન્યતા મુજબ ઈશ્વરે કહેલાં વચન છે? સનાતન ધર્મીઓની માન્યતા મુજબ વેદો અને ઉપનિષદો અપૌરૂષેય છે એટલે કે કોઈ પુરુષની રચના નથી, પણ ખુદ ઈશ્વરે ઋષિઓનાં મોઢે કહેલાં વચનો છે. બીજું સનાતન ધર્મની માન્યતા મુજબ વેદો અને ઉપનિષદો સનાતન ધર્મનો પાયો છે. એના વિના સનાતન ધર્મ સંભવી જ ન શકે. તો પછી કસોટી કોની થઈ રહી છે? આપણી કે ઈશ્વરની? વાસ્તવમાં તમે સાયબર સેલ અને સોશ્યલ મીડિયા દ્વારા ગાંધીજીને પરાજીત કરી રહ્યા છે તમારા ઈશ્વરને? તમે જ્યારે જાણતા હોવાં છતાં જૂઠાણાં ફેલાવો છો ત્યારે તમે ગાંધીદ્રોહ કરી રહ્યા છો કે ઈશ્વરદ્રોહ? કે પછી સનાતન ધર્મદ્રોહ? સાચો હિંદુ કોણ? તમે કે ગાંધી?

તો કસોટી ગાંધીની નથી થઈ રહી, ઈશ્વરની થઈ રહી છે. ઋષિવચનની થઈ રહી છે, અપૌરૂષેય વેદો અને ઉપનિષદોની થઈ રહી છે અને સનાતન ધર્મની થઈ રહી છે. તમે કોને વિજયી જોવા ઈચ્છો છો; અસત્યનો પ્રચાર કરનારાઓને કે ઈશ્વરને?

ટૂંકમાં આજે હિંદુઓ સામૂહિક રીતે તેમના ઈશ્વરની અને ઈશ્વરે ચિંધેલા માર્ગની અર્થાત્ ધર્મની જ પરીક્ષા કરી રહ્યા છે. સામૂહિક રીતે એ નવું છે. ધર્માભિમાનીઓ સામૂહિકપણે તેમના વહાલા ધર્મને ખાઈમાં ધકેલી રહ્યા છે. આવું માત્ર હિંદુઓ જ નથી કરતા, બધા જ ધર્મના ધર્માભિમાનીઓ આ કરી રહ્યા છે. અભિમાન અને સત્ય સાથે ન રહી શકે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 જુલાઈ 2022 

Loading

...102030...1,3221,3231,3241,325...1,3301,3401,350...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved