Opinion Magazine
Number of visits: 9669277
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કલમ 32 એ ભારતીય બંધારણનું હૃદય અને આત્મા છે

બીજલ જગડ|Opinion - Opinion|24 November 2022

ભારતીય બંધારણની કલમ 32, જે બંધારણીય ઉપાયોના અધિકાર સાથે સંબંધિત છે, તેને આંબેડકર ‘બંધારણનું હૃદય અને આત્મા’ માને છે.

ડૉ. ભીમરાવ રામજી આંબેડકરને ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેઓ તત્કાલીન કાયદા મંત્રી હતા, જેમણે બંધારણ સભામાં બંધારણનો અંતિમ મુસદ્દો રજૂ કર્યો હતો. કલમ 32 બંધારણીય ઉપાયોના અધિકાર પર આધારિત છે. પ્રજાસત્તાક ભારતના બંધારણ અનુસાર સંચાલિત થાય છે, જે બંધારણ સભા દ્વારા 26 નવેમ્બર 1949ના રોજ અપનાવવામાં આવ્યું હતું અને 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં મૂકવામાં આવ્યું હતું.

ભારતીય બંધારણની કલમ 32 વ્યક્તિઓને ન્યાય મેળવવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવાનો અધિકાર આપે છે, જ્યારે તેઓને લાગે કે તેમના મૂળભૂત અધિકારને ‘ગેરવાજબી રીતે નકારવામાં આવે છે’. આ છે : કાયદા સમક્ષ સમાનતા સહિત સમાનતાનો અધિકાર, ધર્મ, જાતિ, જાતિ, લિંગ અથવા જન્મ સ્થળના આધારે ભેદભાવ પર પ્રતિબંધ અને રોજગારની બાબતોમાં તકની સમાનતા.

કલમ 32ની 5 રિટ (કોર્ટ દ્વારા આપવામાં આવેલ કંઈક કરવા કે ન કરવા માટેનો કાનૂની આદેશ) શું છે? ચાલો, જાણીએ.

કલમ 32 પાંચ પ્રકારની રિટ માટે પ્રદાન કરે છે જેનો નીચે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

1. હેબિયસ કોર્પસની રીટ : હેબિયસ કોર્પસ એ એક કાયદો છે જે કહે છે કે વ્યક્તિને જેલમાં ન રાખી શકાય જ્યાં સુધી તેને કાયદાની અદાલતમાં લાવવામાં ન આવે, જે નક્કી કરે છે કે તેને જેલમાં રાખવો જોઈએ કે નહીં?

“યુરોપ હેબિયસ કોર્પસ અને જ્યુરી સિસ્ટમ રજૂ કરનાર પ્રથમ હતું.”

2. રિટ ઓફ મેન્ડેમસઃ સામાન્ય રીતે જ્યારે કોઈ અધિકારી અથવા સત્તાધિકારીને ફરજ બજાવવાની કાયદા દ્વારા આવશ્યકતા હોય અને લેખિતમાં માંગણી કરવા છતાં તે ફરજ નિભાવવામાં ન આવી હોય ત્યારે સામાન્ય રીતે આદેશ જારી કરવામાં આવે છે. અન્ય કોઈ કિસ્સામાં રિટ જારી કરવામાં આવશે નહીં સિવાય કે તે ગેરકાયદેસર હુકમને અલગ રાખવા માટે હોય.

3. પ્રતિબંધની રિટ: પ્રતિબંધની રિટ એ એવી રિટ છે જે ગૌણને કાયદા દ્વારા પ્રતિબંધિત હોય તેવું કંઈક કરવાનું રોકવા માટે નિર્દેશિત કરે છે. આ રિટ ઘણીવાર ઉચ્ચ અદાલત દ્વારા જારી કરવામાં આવે છે જે નીચલી અદાલતને તેના અધિકારક્ષેત્રમાં આવતી ન હોય તેવી બાબતમાં આગળ ન વધવા માટે નિર્દેશ આપે છે.

4. ‘નિકાસ‘ની રિટ: ‘નિકાસ’ની રિટનો શાબ્દિક અર્થ ‘પ્રમાણિત થવું’ અથવા ‘જાણવું’ છે. આ રિટ કોર્ટ દ્વારા નીચલી અદાલત અથવા ટ્રિબ્યુનલને જારી કરવામાં આવે છે, જે તેમને કાં તો તેમની પાસે પડતર કેસને ટ્રાન્સફર કરવા અથવા કોઈ બાબતમાં તેમના આદેશને બાજુ પર રાખવાનો આદેશ આપે છે.

5. રિટ ઓફ રિટ: રિટ ઓફ રિટ એ કાનૂની કાર્યવાહીનું એક વિશિષ્ટ સ્વરૂપ છે, જેનો ઉપયોગ વિવાદને ઉકેલવા માટે કરવામાં આવે છે કે શું કોઈ ચોક્કસ વ્યક્તિ પાસે જાહેર હોદ્દો ધરાવવાનો કાનૂની અધિકાર છે કે જે તેના કબજામાં છે. ઇન્કમ્બન્સીનો ઉપયોગ વ્યક્તિના હોદ્દા પર રહેવાના કાનૂની અધિકારની ચકાસણી કરવા માટે થાય છે, ઓફિસમાં વ્યક્તિની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે નહીં.

બંધારણ 72 વર્ષ જૂનું છે અને તેને સતત સંશોધનની જરૂર છે કારણ કે તેને 1949માં અમલમાં મૂકવામાં આવ્યું હતું, તે સમયની પરિસ્થિતિ અનુસાર બંધારણ લખવામાં આવ્યું હતું. પરંતુ હવે વસ્તુઓ બદલાઈ ગઈ છે, દેશની ગતિશીલતા બદલાઈ ગઈ છે અને તે હવે વર્તમાન પરિસ્થિતિ મુજબ નવા અભિગમની જરૂરિયાતની માંગ કરે છે. ખાસ કરીને બળાત્કાર, એસિડ એટેક પીડિતો, દહેજ પીડિતો અને તેમના પરિવારો માટે. આ મારો અંગત અભિપ્રાય છે.

ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com

Loading

નવનિર્માણ માટે વિનાશ જરૂરી હોય છે

રમેશ ઓઝા|Opinion - Opinion|24 November 2022

અનુભવ એવો છે કે સરકારી અધિકારીઓ અને ન્યાયમૂર્તિઓ નિવૃત્ત થયા પછી ડાહીડાહી વાતો કરવા માંડે છે, પણ જો પાછા વળીને તેમની કારકિર્દી પર નજર કરશો તો જોવા મળશે કે તેમણે ફરજ સાથે કાં તો સ્વેચ્છાએ સમાધાનો કર્યાં હતાં અથવા ડરીને કામ કરતા હતા. જે ઊઘાડી રીતે વેચાઈ ગયા હતા તેમની તો આપણે વાત જ નથી કરતા. તેઓ મોટે ભાગે સૂફિયાણી વાતો કરતા પણ નથી, સિવાય કે માણસ સાવ બેશરમ હોય.

સર્વોચ્ચ અદાલતમાંથી તાજા નિવૃત્ત થયેલા મુખ્ય ન્યાયમૂર્તિ ઉદય લલિત આમાં અપવાદ છે. તેમને મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કામ કરવાનો માત્ર ૭૪ દિવસ માટે મોકો મળ્યો હતો અને તેમાં તેમણે સપાટો બોલાવ્યો હતો. ખાસ કરીને અદાલતોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની બાબતે સરકાર ગંભીર નથી એમ તેમણે સ્પષ્ટ સંભળાવ્યું હતું. માટે નિવૃત્તિ પછી તેમણે બે દિવસ પહેલાં દેશમાં ન્યાયતંત્રની સ્થિતિ વિશે આપેલું વક્તવ્ય પ્રાસંગિક છે. પ્રાસંગિક એટલા માટે પણ છે કે દેશના વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચૂડે પણ લગભગ આ જ વાત એ જ દિવસે અન્યત્ર બોલતા કહી હતી. બે આજી અને માજી ન્યાયમૂર્તિઓ ન્યાયતંત્રનું એક જ સરખું નિદાન કરે અને ચેતવણી આપે તો તેને વિશેષ કરીને ગંભીરતાથી લેવી જોઈએ.

નિવૃત્ત ન્યાયમૂર્તિ ઉદય લલિત અને ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે પોતપોતાની રીતે પણ એક જ વાત કહેતા કહ્યું છે કે નીચલી અદાલતોમાં કેટલાક જજો કાયદાનું જરૂરી જ્ઞાન નથી ધરાવતા, કેટલાકમાં સંવેદનશીલતા અને દક્ષતાનો અભાવ હોય છે, કેટલાક સરકારી વકીલને અને તપાસકર્તાઓને પ્રશ્ન પૂછતા ડરે છે અને કેટલાક ભ્રષ્ટ છે. લોકોની ધરપકડ તો જાણે એવી રીતે થાય છે કે મંદિરમાં પ્રવેશ આપતા હોય. જજો એક પણ સવાલ કર્યા વિના કસ્ટડી આપે છે અને કસ્ટડની મુદ્દત લંબાવવા રહે છે. કેટલીકવાર તો વરસોનાં વરસ સુઘી. લગભગ ૮૦ ટકા કેસોમાં ફરિયાદી કે બચાવપક્ષ સરકાર હોય છે અને જજો સરકારની વિરુદ્ધ જતા કે પ્રશ્ન પૂછતા પણ ડરે છે. આને કારણે કેસોનો ભરાવો થાય છે. કાચા કેદીઓની સંખ્યામાં વધારો થાય છે. નિર્દોષ લોકોએ વર્ષો સુધી જામીનની અને ચૂકાદાની રાહ જોતા જેલમાં સબડવું પડે છે. ખટલો ચલાવીને સજા કરવામાં આવી હોય એવા કેસોનું પ્રમાણ માત્ર ૨૭ ટકા છે. તેમણે કહ્યું હતું કે કેટલાક જજો દીવાની અને ફોજદારી કેસ વચ્ચેનો ફરક સમજતા નથી અને દીવાની કેસને ફોજદારી તરીકે ચલાવે છે. કદાચ જાણીબૂઝીને પણ કોઈને હેરાન કરવા આમ કરતા હશે. ટૂંકમાં લગભગ ૮૦ ટકા આરોપી વગર સજાએ સજા ભોગવે છે.

આજી અને માજી ન્યાયમૂર્તિઓએ જે ચેતવણી આપી છે કે ઊહાપોહ કર્યો છે એ પહેલીવારનો નથી. અનેક ન્યાયમૂર્તિઓએ, કાયદાવિદોએ, વખતો વખત કાયદાપંચે, કાયદાના રાજ માટે ખેવના ધરાવતી દેશ-વિદેશની સંસ્થાઓએ આ પહેલાં અનેકવાર ઊહાપોહ કર્યો છે. મેં મારી કૉલમમાં બે ત્રણ દાયકામાં ચાલીસ પચાસવાર લખ્યું હશે. કેમ આમાં કોઈ સુધારો નથી થતો? સરકાર ગમે તે પક્ષની હોય, વડા પ્રધાન લોકશાહીનિષ્ઠ હોય કે તાનાશાહ, ન્યાયતંત્રમાં સુધારો કરવામાં નથી આવતો.

આનાં મુખ્ય બે કારણ છે. એક તો એ કે ન્યાયતત્ર પાંગળું હોય, જજો ડરીને રહેતા હોય કે શાસકોને સાથ આપતા હોય, બને એટલા અભણ કે કાર્યદક્ષતાનો અભાવ ધરાવતા હોય એટલો સ્થાપિત હિતોને લાભ છે અને સૌથી મોટું સ્થાપિત હિત શાસકો ધરાવે છે. જો ન્યાયતંત્ર આજે છે એવું ન હોય અને જેવું હોવું જોઇએ તેવું હોય તો અડધાથી વધુ રાજકારણીઓ શાસકો જેલમાં હોય. બીજું કારણ આપણા બાપનું શું જાય એવી સરકારી અમલદારોની માનસિકતા. જ્યારે પણ કોઈ પ્રશ્ન કરે કે તરત કેસ અદાલતમાં ઘૂસાડી દો. તારીખ અને અપીલ વગેરે મળીને કમ સે કમ બે દાયકા સુધી ચુકાદો આપવાનો નથી અને ત્યાં સુધીમાં નિવૃત્ત થઈને બધા જ નિવૃત્તિ પછીનાં લાભો લઈને ઘરે અને કદાચ ઉપર જતા રહ્યા હઈશું. જરૂરી નિર્ણય ટાળવાને કારણે લોકોને કેટલું હેરાન થવું પડે છે તેની તેઓ ચિંતા કરતા નથી.

આજકાલ તો વળી સ્થિતિ એવી છે કે સર્વોચ્ચ સ્થાને બેઠેલા ન્યાયમૂર્તિઓ ન્યાયતંત્રને ડૂબાડી રહ્યા છે. પત્રકારો પત્રકારત્વને ડૂબાડી રહ્યા છે. રાજકારણીઓ રાજ્યતંત્રને ડૂબાડી રહ્યા છે અને ધર્મગુરુઓ ધર્મને ડૂબાડી રહ્યા છે. એક રીતે જે બની રહ્યું છે એ સારા માટે બની રહ્યું છે. નવનિર્માણ માટે કેટલીકવાર વિનાશ જરૂરી હોય છે. કાળચક્રમાં સુધારાઓ (કરેકશન) જરૂરી હોય છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 24 નવેમ્બર 2022

Loading

કસ્તૂર, મારી બાની ખોવાયેલી ડાયરી 

આશા બૂચ|Gandhiana|23 November 2022

The Lost Diary of Kastur, My Ba : Tushar Gandhi : પ્રાપ્તિ સ્થાન — Harper Collins publication, India : 2022 : Rs. 599.00

બે એક વર્ષ પહેલા કસ્તૂરબા આશ્રમ, ઇન્દોર સ્થિત ગાંધી રિસર્ચ ફાઉન્ડેશનના કર્મચારીઓને ફાટી તૂટી અવસ્થામાં એક ડાયરી હાથ લાગી. એ જાન્યુઆરી 1933થી સપ્ટેમ્બર 1933 દરમ્યાન કસ્તૂરબાએ જાતે લખેલ ડાયરી હતી, તેમ માલૂમ પડ્યું. કસ્તૂરબાની જેમ આ ડાયરી પણ આટલાં વર્ષો ભુલાઈ ગયેલી, અવગણના પામેલી એક માળિયામાં પડી રહી.

ગાંધીજીના પ્રપૌત્ર તુષારભાઈ ગાંધીએ જ્યારે આ ડાયરીની ભાળ મળ્યાની વાત પરિવારજનોને કહી ત્યારે, “તેઓ તો અશિક્ષિત હતાં, તેઓ લખી ન શકતાં” એમ કહીને આવી કોઈ ડાયરી હોય તે માનવા જ કોઈ તૈયાર ન થયા. તુષારભાઈએ તે ડાયરી વાંચી, તેમની આશંકાનું સમાધાન થયું.

આ પુસ્તકના શરૂઆતના 95 પૃષ્ઠ કસ્તૂરબા અને ગાંધીજીના જીવનની મુખ્ય ઘટનાઓનો કાળ ક્રમ દર્શાવે છે. તેમાંની મોટા ભાગની વિગતો ‘સત્યના પ્રયોગો’થી માંડીને અનેક પુસ્તકો અને લેખો દ્વારા વાંચવા મળે, પણ આ પુસ્તકમાં કસ્તૂરબા કેન્દ્રસ્થાને છે, જેથી એમના જીવનને જોવાની દૃષ્ટિ બદલાઈ જાય છે. અત્યાર સુધીમાં જ્યારે જ્યારે ગાંધીજીનાં લખાણો અને તેમના વિષે લખાયેલ બહોળા સાહિત્યનું પાન કર્યું, ત્યારે તેમના પ્રત્યેના અહોભાવથી નતમસ્તક થવાયું છે, પરંતુ કસ્તૂરબા વિષે જ્યારે કઇં વાંચીએ કે સાંભળીએ ત્યારે આંખો સજળ થયા વિના ન રહે. કારણ અકળ છે.

પોરબંદર ખાતે કસ્તૂરબાનો, એપ્રિલ 1869માં, ખાધે પીધે સુખી પરિવારમાં જન્મ થયો, ત્યારથી માંડીને મોહન સાથેના વિવાહ, મોહનના અભ્યાસનાં વર્ષો, પરિવારના વડીલ અને પોતાના પ્રથમ સંતાનને ગુમાવવાનો લાગેલ ધક્કો, અભ્યાસાર્થે અને ત્યાર બાદ વ્યવસાય અર્થે મોહનનું વિદેશ ગમન, દક્ષિણ આફ્રિકાના રહેવાસ દરમિયાન આવેલ ચડાવ ઉતાર, સ્વદેશાગમન બાદ ત્રણ દાયકાની જેલ, આશ્રમ અને બેઘર બન્યાની સ્થિતિની મજલનું વર્ણન વાચકને જકડી રાખે. દરેક પડાવ સમયે કસ્તૂરબા શું વિચારતાં, અનુભવતાં અને કહેતાં એ બખૂબીથી દર્શાવેલું છે. યુવાવસ્થામાં એ દંપતીની અત્યંત અંગત પળોનું આલેખન તુષારભાઈએ નિઃસંકોચપણે કર્યું છે કેમ કે તેઓ બા અને બાપુને સામાન્ય વ્યક્તિ અને દંપતી તરીકે દર્શાવવા માગે છે, અને બાપુએ ખુદ આત્મકથામાં એ બંને ઐહિક વાસનાના કેવા ગુલામ હતા એનો ઉલ્લેખ કર્યો છે, એથી આ પુસ્તકના લેખક પણ તેને વિકૃતિ નહીં પણ સ્વાભાવિક મનોભાવ તરીકે ચિત્રિત કરે છે, જે ખરેખર સરાહનીય છે.

વિવાહ કરીને આવેલી એક નમ્ર પરંતુ પોતાના અધિકારોથી જાગૃત અને મક્ક્મ નિર્ધાર વાળી કન્યા કઈ રીતે એક પુત્રવધૂ, માતા અને જવાબદાર પત્ની તરીકે વિકસતી, ખીલતી ગઈ અને દક્ષિણ આફ્રિકામાં ધીરે ધીરે ભારતીય કોમની સેવામાં, આશ્રમના સંચાલનમાં, સત્યાગ્રહમાં ભાગીદારી કરવામાં અને જેલવાસને બહાદુરીથી સહન કરવામાં કેવો આગેવાની ભર્યો ભાગ ભજવ્યો એ જાણ્યા બાદ વાચકને કસ્તૂરબા એક સબળ, ધીર અને સ્વતંત્ર માનસ ધરાવનાર રાષ્ટ્રમાતા કઈ રીતે બન્યાં એ પ્રતીત થયા વિના ન રહે.

2જી જાન્યુઆરી 1933થી આ ડાયરી લખવાનો પ્રારંભ થયો. પૃષ્ઠના મથાળે કસ્તૂરબાના હસ્તાક્ષરમાં લખેલ નોંધ, તેની નીચે તેનું અક્ષરશઃ ગુજરાતી લખાણ અને ત્યાર બાદ તેનું ઇંગ્લિશમાં ભાષાંતર આપીને તુષારભાઈએ આપણને કસ્તૂરબાના અક્ષરદેહ સાથે મેળાપ કરાવી આપ્યો અને ગુજરાતી ભાષા ન જાણનાર વાચકોને ઇંગ્લિશ દ્વારા તે નોંધ સુલભ કરી આપી. એક વાત અહીં નોંધનીય છે કે તેઓએ કસ્તૂરબાની જોડણી કે વ્યાકરણની ભૂલો મઠારી નથી. બા જેવા હતાં તેવાં જ આપણી સમક્ષ રજૂ કર્યાં છે. કસ્તૂરબા પોતે જ લખે છે તેમ ડાયરીમાં એકની એક વાત લખવાની હોય છે (કેમ કે મોટા ભાગનો સમય તેઓ જેલમાં હતાં) છતાં મને થયું, હું કેમ એકેએક પાનું આટલા રસથી વાંચું છું? કેમ કે હું મારાં જ વડ દાદીની ડાયરી વાંચતી હોઉં તેટલી આત્મીયતા લાગી, અને તે એ લખાણને જેમનું તેમ રજૂ કરવાને કારણે.

કસ્તૂરબા જેવાં મૃદુ સ્વભાવનાં અને મિતભાષી તેવાં જ થોડા શબ્દોમાં ઝાઝું લખનાર તરીકે ઉભરી આવે છે આ ડાયરીનાં પાનાંઓ ઉપર. બે લાઈન તો શું, બે શબ્દો વચ્ચે પણ તેમનો બાપુ પ્રત્યેનો અનર્ગળ પ્રેમ, શ્રદ્ધા, તેમનાં સ્વાસ્થ્ય વિષેની ચિંતા જેવી અંગત લાગણીઓથી લઈને તેમના સાથીદારો અને પરિવારજનો માટેની કાળજી અને દેશ આખાને આઝાદ કરવા સત્યાગ્રહ કરવા વિશેનું તેમનું ચિંતન બાને કેટકેલટલી ભૂમિકાઓ સહજ પણે બજાવતાં દર્શાવે છે! આ ડાયરીના લખાણમાં કસ્તૂરબા પોતાના એક અલગ અંદાજમાં એક સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવનાર, અડીખમ સાથીદાર અને સત્યાગ્રહી તરીકે ઉભરી આવે છે; અલ્પશિક્ષિત, પણ વિચક્ષણ.

એક બીજી હકીકત મારું ધ્યાન ખેંચી ગઈ, અને તે તુષારભાઈએ કરેલ ‘કસ્તૂર, કાપડિયા ગાંધી’ શબ્દ પ્રયોગ. છેલ્લાં કેટલાંક વર્ષોથી આધુનિક મહિલાઓ લગ્ન બાદ પોતાના પિતા અને પતિની બંને અટક રાખીને પુરુષ સમોવડી હોવાની ચેષ્ટા કરવા લાગી છે. જ્યારે તુષારભાઈ કસ્તૂરબાની પોતાની ઓળખ બતાવવા માટે કસ્તૂર કાપડિયા ગાંધી તરીકે સંબોધ્યાં છે, જે ખરેખર આવકાર્ય જ ગણાય.

ડાયરીને અંતે ગાંધીજીએ ત્રણ અલગ અલગ સમયે આપેલી અંજલિ બા અને બાપુ વચ્ચેના અગાધ પ્રેમ અને વિશ્વાસનું આલેખન કરે છે, વાચકને બંને એકબીજા થકી કેવાં ધન્ય હતાં તેનો અહેસાસ થાય. ગાંધીજીના ગજથી કસ્તૂરબાની ઊંચાઈ મપાય તેનાથી વધુ મોટો પુરસ્કાર બાને ન જ મળે. તે ઉપરાંત સુભાષચંદ્ર બોઝની અંજલિ વાચકને અંતરથી હલબલાવી જાય. તેમણે કસ્તૂરબાને એક અજોડ નારીશક્તિ, સ્વતંત્ર સત્યાગ્રહી તરીકે વીરતાથી અંગ્રેજ સલ્તનતના કરેલ સામના થકી ભારતની અને વિશ્વની કન્યાઓ તેમ જ મહિલાઓ માટેના આદર્શ તરીકે ઓળખ્યાં. કસ્તૂરબાના નિધનથી ગાંધીજી અને તેમના પરિવારને આશ્વસ્ત કર્યા બાદ બ્રિટિશ હકુમતને સીમા પાર કરવાની તેમની પ્રતિજ્ઞાનું જોશ કદાચ કસ્તૂરબાના શૌર્ય ભર્યા જીવનમાંથી સાંપડ્યું હોય તેમ લાગે. અદ્દભુત રીતે આ પુસ્તકનું સમાપન થયું.

કસ્તૂરબા વિષે આજ સુધીમાં જે કઇં થોડુંઘણું સાહિત્ય ઉપલબ્ધ હોય તે જરૂર વાંચી જવું, પરંતુ જો કસ્તૂરબા, તુષારભાઈનાં બાને ખરા સ્વરૂપમાં ઓળખવાં હોય તો તેમના જ શબ્દોમાં લખાયેલી ડાયરી જેવું ઉત્તમ પુસ્તક જરૂર વાંચવું રહ્યું.

E.mail : 71abuch@gmail.com

Loading

...102030...1,3211,3221,3231,324...1,3301,3401,350...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved