Opinion Magazine
Number of visits: 9670543
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારા છૂટા છેડા

હરિકૃષ્ણ પટેલ|Opinion - Opinion|1 December 2022

કેમ ચોંકી ગયા ને ?

છૂટાછેડામાં સાધારણ રીતે ત્રણ વ્યક્તિઓ હોય છે.

મારી બાબતમાં ત્રીજી વ્યક્તિ ‘સગવડતા બહેન’ હતી.

જો ઘડપણમાં છૂટાછેડા લેવાનો વખત આવે, ત્યારે માણસના મગજમાં માનસિક તણાવ એટલો બધો આવી જાય છે કે ના પૂછો વાત. મારા જીવનમાં પણ આવું જ બન્યું છે, પણ હવે અમે (છૂટા છેડામાં બે વ્યક્તિ હોય છે) બન્નેવ હવે ગોઠવાઇ ગયાં છીએ – એ એના ઘરે અને હું મારા નવા ઘરે.

હવે તો આપ સૌ સમજી તો ગયા હશો કે હું શું કહેવા માંગું છું !

આપણે સામાન્ય પ્રમાણે જ્યારે છૂટાછેડાની વાત કરીએ ત્યારે પતિપત્નીના છૂટાછેડાની વાત હોય છે, પણ આ મારી વાત એકદમ અલગ જ છે. મારી વાત બે ઘરોની છે, આથી આની સરખામણી હું આપું છું.

વરસોથી પતિપત્ની એકબીજાં સાથે રહેતાં હોય, એમ આપણે એેક ઘરમાં વરસોથી રહ્યાં હોઇએ અને પછી આપણને એ ઘર છોડીને બીજે નવા ઘરમાં રહેવા જવાનું થાય, એ ઘડપણમાં ઘણું અઘરું છે.

જુવાનીમાં તે સહેલું છે, એટલા માટે કે બન્નેવ પાત્રો ટૂંક સમય પહેલાં જ જોડાયેલ છે, એટલે સ્વભાવિક પ્રમાણે અલગ થતાં દુ:ખ ઓછું જ હોય.

ઘરનો માલિક બદલાય, તે ઘરનો મામલો પણ માલિકનું ઘર બદલાય એ માલિકનો મામલો ગણાય.

મારી બાબતમાં હું માલિક અને મારું ઘર બદલાયું છે.

આ મામલાને મેં છૂટા છેડા સાથે સરખામણી કરી છે.

સ્વભાવિક પણે વરસોથી તમે જે જોડીદાર સાથે રહ્યા હો તો તમે તેની સાથે સંપૂર્ણપણે ગોઠવ્યા હોય અને જે દિવસે તમારો જોડીદાર તમારાથી છૂટો પડી જાય અને કોઇ બીજો અજાણ્યો જોડીદાર તમારા જીવનમાં આવી જાય તો તેની સાથે ગોઠવાતા જરૂર થોડી મુસીબત તો પડે. એવી જ મુસીબત મારી પાછલી જિંદગીમાં આવી પડી હતી, હવે બીજી બાજુ એ છે કે માણસ માત્ર એવો છે કે ઘડપણમાં પણ તેને જો કોઇ સુંદર અને પ્રિય પાત્ર મલે તો તેને લલચાય જતાં વાર નથી લાગતી. મને પણ એક સુંદર ‘સગવડતા બહેન’ મળી ગઇ અને હું લલચાઇ ગયો.

મારી બેગમને પણ આ ‘સગવડતા બહેન’ ખૂબ પસંદ પડ્યાં એટલે અમે બન્નેવે અમારા જૂના જોડીદારને તલ્લાક આપી, નવું જીવન શરૂ કર્યું છે.

આ બધુ મારું પાગલપણ છે; દુનિયા જે સમજે તે પણ મારી આ ટૂંકી વાર્તા પૂરી કરતાં પહેલાં હું ‘સગવડતા બહેન’ની બાબત સમજાવું.

મારા જૂના ઘરમાં બગીચો મોટો હતો, જે અમારાથી સચવાય એમ ન હતો. ઉપરાંત દરોજની જરૂરિયાત વસ્તુઓ લેવા જવા દુકાનો પણ દૂર.

નવી જગ્યાએ બગીચો નથી, અને અમારે આઠમે માળેથી લિફ્ટથી નીચે ઊતરીએ તો સામે જ બધી દુકાનો. આને લઇને મેં ‘સગવડતા બહેન’ નામ આપ્યું છે. અમારી ગેલરીમાંથી અડધું લંડન શહેર દેખાય છે.

ઘડપણમાં આવી લીલાલહેર કરાવનાર અમારો દીકરો છે.

e.mail : harikrishna38@gmail.com

Loading

ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન … … એન્ડ બેબી તબસ્સુમ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|1 December 2022

મલ્લિકા-એ-ગઝલ (ગઝલની રાણી) તરીકે મશહૂર અખ્તરીબાઈ ફૈઝાબાદી ઉર્ફે બેગમ અખ્તરે 20મી સદીના ઉર્દૂ ગઝલકાર જીગર મોરાદાબાદીની ઘણી ગઝલને સ્વરબદ્ધ કરી હતી. તેમની એક ગઝલ બેગમના અવાજમાં રેડિયો પર બહુ લોકપ્રિય થઇ હતી;

કોઈ યે કહ દે ગુલશન ગુલશન

લાખ બલાયેં એક નશેમન

ફૂલ ખીલે હૈં ગુલશન ગુલશન

લેકિન અપના અપના દામન

(ગુલશન = બગીચો, બલાયેં = આફત, નશેમન = માળો)

શનિવાર તા.19મી નવેમ્બરના રોજ જન્નતના ગુલશનમાં વિદાઈ લઇ ગયેલાં એક્ટ્રેસ અને ટી.વી. હોસ્ટ તબસ્સુમ દૂરદર્શન પર જે કાર્યક્રમ હોસ્ટ કર્યો હતો, ‘ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન’, તેનું શિર્ષક બેગમ અખ્તરની આ ગઝલ પરથી આવ્યું હતું. તબસ્સુમની આ બેહદ પસંદીદા ગઝલ હતી. મુંબઈ દૂરદર્શનનો પ્રારંભ 2જી ઓકટોબર 1972ના રોજ થયો હતો. એ જ અઠવાડિયે (8મી ઓક્ટોબરે) તબસ્સુમનો સેલિબ્રિટી ટોક-શો શરૂ થયો. દૂરદર્શન એ કાર્યક્રમનું નામ “ગુલદસ્તા” રાખવા માગતું હતું, પરંતુ તબસ્સુમેં જિદ્દ કરીને કાવ્યાત્મક “ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન” નામ રખાવ્યું હતું.

પાંચ વર્ષમાં જ આ કાર્યક્રમ એટલો મશહૂર થઇ ગયો કે 1978માં, અનિલ કપૂર-બોની કપૂરના પિતા સુરિન્દર કપૂરે રિશી કપૂર-મૌસમી ચેટરજીને લઈને ‘ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન’ નામથી ફિલ્મ પણ બનાવી હતી. આ ફિલ્મ તો ફ્લોપ ગઈ હતી, પણ તબસ્સુમનો કાર્યક્રમ 21 વર્ષ સુધી ચાલ્યો. દૂરદર્શનના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચાલનારા કાર્યક્રમોમાં તેનો સમાવેશ થાય છે.

80ના દાયકામાં દૂરદર્શનની કમાણીનો “ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન” કાર્યકમ એક મોટો સ્રોત હતો. બ્લેક એન્ડ વ્હાઈટ ટી.વી.ના જમાનામાં એ પહેલો સેલિબ્રિટી ટોક શો હતો. ટી.વી. પર આ પ્રકારનો આ પહેલો શો હતો એટલે કલાકારો આવી રીતે કેમેરા સામે બોલતાં ડરતા હતા અથવા શરમ અનુભવતા હતા, પરંતુ કાર્યક્રમ જેમ જેમ લોકપ્રિય થવા લાગ્યો, તેમ તેમ તબસ્સુમની ઓફિસ બહાર લાઈન લાગવા માંડી હતી. એક જૂના ઇન્ટરવ્યૂમાં તબસ્સુમ કહે છે;

“શરૂઆતમાં અમુક કલાકારો નાકનું ટીચકું ચઢાવતા હતા, પણ એ લોકપ્રિય થયો પછી મોટા-મોટા સ્ટાર દૂરદર્શનની ઓફિસ પર આવીને એપિસોડમાં આવવા માંગણી કરતા હતા. આજના સોશ્યલ મીડિયા કરતાં પણ એ કાર્યક્રમનો ક્રેઝ હતો. “ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન”ની બે વિશેષતા હતી; એક તો, સ્ટાર સાથે વાતચીત દરમિયાન તેમની ફિલ્મોનાં દૃશ્યો બતાવવામાં આવતાં હતાં. ફિલ્મો અને ફિલ્મસ્ટાર્સ રસિયાઓ માટે એક સાથે અસલી સ્ટાર અને તેમની ફિલ્મોનાં દૃશ્યો જોવાનો આખો અનુભવ જ ‘દિવ્ય’ હતો. એક્ટર્સ અને એક્ટ્રેસ ઉપરાંત તેમાં સંગીતકારો, લેખકો, ગીતકારો પણ આવતા હતા, એ એક બોનસ હતું. તેના પહેલાં એપિસોડમાં જ સંગીતકાર નૌશાદ હતા. હેમા માલિની અને રેખા માટે સ્ટંટ કરતી રેશમા પઠાણના ઇન્ટરવ્યૂ પછી બોડી ડબલ આર્ટીસ્ટ તરફ લોકોનું ધ્યાન ખેંચાયું હતું.

“ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન”માં આવી ગયેલા અમુક નામો : સોહરાબ મોદી, દુર્ગા ખોટે, શોભના સમર્થ, નૂતન, તનુજા, અશોક કુમાર, પ્રેમ નાથ, શમ્મી કપૂર, અમિતાભ બચ્ચન, પ્રેમ ચોપરા, આર.ડી. બર્મન, શત્રુઘ્ન સિંહા, શક્તિ કપૂર, વગેરે.

બીજું, તબસ્સુમની અનુકરણીય સ્ટાઈલ. એક તો તેમનો અવાજ રણકદાર હતો, બીજું તેઓ એકદમ પ્રફુલ્લિત મિજાજથી ઇન્ટરવ્યૂ કરતાં હતાં. કાર્યક્રમમાં લોકોને સુખનો અનુભવ થાય તે માટે તેઓ કાયમ તેમના માથામાં પાછળ ફૂલ ખોસીને આવતાં. કાર્યક્રમના નામમાં ફૂલ, તબસ્સુમના માથામાં ફૂલ, તેમના અવાજમાં ફૂલ જેવી પ્રસન્નતા અને ચહેરા પર મુસ્કાન (તબસ્સુમનો અર્થ જ મુસ્કાન થાય છે). ‘ઝળઝળિયાં’વાળા એ જમાનાના દૂરદર્શન પર આવો અનોખો કાર્યક્રમ લોકોને ન આકર્ષે તો જ નવાઈ.

દર્શકો તબસ્સુમને તેના લાઈટ બલ્બ જેવા હાસ્ય માટે યાદ કરે છે. જેવું નામ હતું, તેવા જ ગુણ હતા. ટી.વી. અને પછીથી એક્ટ્રેસ તરીકે સ્થાપિત થયેલાં તબસ્સુમની શરૂઆત બેબી તબસ્સુમ તરીકે થઇ હતી. તે તેમના ગોળમટોળ અને હસમુખ દેખાવને જોઇને તબસ્સુમ નામ કોણે વિચાર્યું  હતું? તેમનું મૂળ નામ કિરણ બાલા સચદેવ હતું. તેમના પિતા અયોધ્યાનાથ સચદેવ સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમની માતા અશઘરી બેગમ પત્રકાર અને લેખક હતાં.

એક વાત એવી છે કે પિતાએ માતાના ધર્મને ધ્યાનમાં રાખીને તેમનું નામ તબસ્સુમ રાખ્યું હતું અને માતાએ પિતાના ધર્મને ધ્યાનમાં રાખીને તેનું નામ કિરણ બાલા પાડ્યું હતું. બીજી વાત એવી છે કે બેબી તબસ્સુમ નામ દિલીપ કુમારે પાડ્યું હતું. દિલીપ કુમાર સાથે તબસ્સુમનો 70 વર્ષનો સંબંધ હતો. દિલીપ કુમારની મોટી બહેન સકિના અને તબસ્સુમની માતા બંને ખાસ સખીઓ હતી. 1947માં, ડેવિડ અબ્રાહમ (પાછળથી જાણીતા ચરિત્ર્ય અભિનેતા ડેવિડ ચાચા), નરગીસ અને રહેમાનને લઈને ‘નરગીસ’ નામની ફિલ્મ આવી હતી. એ ફિલ્મથી ‘બેબી તબસ્સુમ’નો જન્મ થયો હતો. એ નામનો અર્થ આજીવન તેમની સાથે જોડાયેલો રહ્યો. તબસ્સુમ જ્યાં પણ હોય ત્યાં હાસ્ય અને સુખનો અહેસાસ કરાવતાં હતાં.

નરગીસ અને મીના કુમારીની બાળ ભૂમિકાઓમાં તબસ્સુમ એટલાં જાણીતાં થયાં હતાં કે તે વખતે લોકો તેને બેબી નરગીસ અથવા બેબી મીના તરીકે ઓળખતા હતા. દિલીપ કુમાર-નરગીસની ફિલ્મ ‘દીદાર’માં તબસ્સુમ પર ફિલ્માવાયેલું ‘બચપન કે દિન ભૂલા ન દેના’ આજે પણ એટલું જ લોકપ્રિય છે. બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે બિમલ રોયની ‘બાપ બેટી’ ફિલ્મમાં તબસ્સુમ અને આશા પારેખ બંને બાલ કલાકાર તરીકે હતાં. 

અશોક કુમાર, નરગીસ, મીના, સુરૈયા, દિલીપ કુમાર, નિમ્મી, વૈજયંતીમાલા, મધુબાલા, દેવ આનંદ જેવાં સ્ટાર્સ સાથેની ફિલ્મોમાં તબસ્સુમની હાજરી એટલી સહજ થઇ ગઈ હતી કે એમનું નામ ન હોય તો જ અજુગતું લાગે. એકવાર તબસ્સુમે કહ્યું હતું, “એ બધી ફિલ્મોમાં કલાકારો સાથે અચૂક મારું આવતું. જેમ કે – ‘નરગીસ, દિલીપ કુમાર એન્ડ બેબી તબસ્સુમ.’ એ એટલી વાર વાંચવામાં આવતું કે અંતે હું પણ એવું માનતી થઇ ગઈ કે મારું નામ ‘એન્ડ બેબી તબસ્સુમ’ છે.”

ગુજરાતીમાં સ્વ. મણિભાઈ ત્રિવેદીનું એક મરશિયા ગીત છે; ફૂલ ખર્યાં ફોરમ રહી, રહ્યાં ગીત–ઝણકાર.

તબસ્સુમ માટે આ પંક્તિઓ એકદમ ઉચિત છે.

પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની કોલમ, “સંદેશ”, 30 નવેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સફળ લોકશાહીમાં નાગરિકોની ભૂમિકા

"પ્રણય" જામનગરી|Opinion - Opinion|1 December 2022

સરમુખત્યારશાહીમાં પ્રજાને વિના વિરોધે સરમુખત્યાર શાસકના આદેશોનું કેવળ પાલન કરવાનું – કહો કે ત્રાસ અને પીડા વેઠવાના હોય છે.

રાજાશાહીમાં શાસક રાજાના મનના તરંગોને કાયદા-કાનૂન ને ફરમાન બનતા સહેજે વાર લાગતી નથી; અને એને પરિણામે રૈયત તો રાંક જ બની રહે છે; ફરમાનના વિરોધ કરનારને ભાગ્યે શૂળીએ ચડવાનું અથવા કેદખાનામાં ચાબૂકના મીઠામાં બોળેલા કોરડાના માર અથવા ચાબખા જ ખાવાના રહેતા એ વૈશ્વિક ઐતિહાસિક સત્ય છે.

લોકશાહીમાં નાગરિક અને પ્રજા નામથી ઓળખાતો નાગરિક સમૂહ આ બાબતમાં ભાગ્યશાળી છે; કારણ કે એને એ જે બાબતમાં અસંમત હોય એમાં અસંમતિ દર્શાવવાની અને અયોગ્ય-અનુચિતનો વિરોધ કરી એની સામે પડવાની પણ છૂટ મળે છે; પણ આ છૂટ મેળવવા એણે જવાબદાર નાગરિકની હેસિયતથી આ બધું કરવાનું છે. દેશમાં બનતી નાની-મોટી ઘટનાઓ, ઘડાતા કાયદા-કાનૂનો, લોકોની રોજ બ રોજની સમસ્યાઓ વગેરેનો ઝીણવટભર્યો અભ્યાસ કરી – એ વિષયક ચિંતન-મનન કરી, કોઈ નક્કર નિષ્કર્ષ પર પહોંચી, આ નિષ્કર્ષને સહુ માટે પ્રતીતિકર અનુભવાય એ રીતે રજૂ કરી, એ સર્વગ્રાહ્ય બને એ માટે ઝૂંબેશ-અભિયાન આદરવાનું છે. પોતાના હકથી વંચિતોને આ અભિયાનમાં સામેલ કરવાના છે. બિનજવાબદાર બનતા જતા શાસકોની સામે આ રીતે દબાણ ઊભું કરવાનું છે. લોકશાહીનો મોટો ફાયદો એ છે કે એમાં કાયદા-કાનૂન અને અદાલતોનું મોટું બળ અદનામાં અદના નાગરિક પાસે હોય છે.

લોકશાહીમાં, જેમને વિચારવાની બિલકુલ તસ્દી નથી લેવી અથવા ડર કે ધાકધમકીના કારણે કે એના ભયના કારણે અન્યના ખોટા નિર્ણયમાં કમને-અનિચ્છાએ સામેલ થવાનું બને છે, એને કારણે લોકશાહીને નિષ્ફળ બનાવતી ટોળાંશાહી જન્મે છે. આવી ટોળાંશાહી બિનજવાબદાર શાસકને મોટો ફાયદો કરાવે છે; કારણ કે એને કારણે એના રાજપાટ ખૂબ લાંબા સમય સુધી નિર્વિઘ્નપણે ટકી રહે છે.

આપણને આશ્વાસનરૂપ એ બાબત છે કે દરેક લોકશાહી દેશમાં કેટલાક જાગૃત અને નિર્ભીક અને આત્મવાન નાગરિકો પણ જીવે છે. એમની સક્રિયતાને કારણે જ શાસકો અસ્વસ્થ રહે છે – અકળામણ અનુભવે છે.

આપણે આશા રાખીએ અને ઈચ્છીએ કે આવા જાગૃત, નિર્ભીક અને આત્મવાન નાગરિકોની સક્રિયતા સદૈવ રહે.

વંદે માતરમ્‌

તા. ૦૧-૧૨-૨૦૨૨   

Loading

...102030...1,3141,3151,3161,317...1,3201,3301,340...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved