Opinion Magazine
Number of visits: 9568915
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિન્દુત્વવાદીઓને માત્ર અને માત્ર વિરોધીઓને નોખા તારવવામાં જ રસ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|23 October 2022

જ્યારે તકલીફ નજરે પડે ત્યારે પ્રજાકીય વિભાજનના નુસખા શોધો અને તેને રમતા કરો એ ભારતીય જનતા પક્ષનાં રાજકારણનું સ્વરૂપ છે. કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને તાજેતરમાં હિન્દીનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો. દક્ષિણનાં રાજકીય પક્ષો હિન્દીનો વિરોધ કરી રહ્યા છે, વગેરે. અપેક્ષા મુજબ સામેથી પ્રતિકાર થયો. અમારા ઉપર હિન્દી લાદવામાં આવે એ ચલાવી નહીં લેવાય, વગેરે.

વાત એમ છે કે રાહુલ ગાંધીની પદયાત્રા દક્ષિણ ભારતમાંથી પસાર થઈ રહી છે અને તેમને ધાર્યા કરતાં વધુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, એ એક કારણ અને બીજું કારણ એ કે ભારતીય જનતા પક્ષ દક્ષિણ ભારતમાં કર્ણાટક છોડીને ખાસ અસ્તિત્વ ધરાવતો નથી. એટલે બી.જે.પી.નો સંપૂર્ણ મદાર ઉત્તર અને પશ્ચિમ ભારતના હિંદુઓ ઉપર છે અને એ પણ એવા હિંદુઓ જેઓ હિંદુ રાષ્ટ્રવાદી છે. તેઓ બેરોજગારી અને ફુગાવા જેવી વાસ્તવિક સમસ્યા તરફ નજર કરતા ન થાય એ માટે આવા ફુગ્ગા છોડવામાં આવે છે. નિર્મલા સીતારામન્‌ શિક્ષણ પ્રધાન નથી, નાણાં પ્રધાન છે અને ભાષા જેવા વિષય સાથે તેમને કોઈ લેવાદેવા નથી, એ છતાં ફુગ્ગો છોડવા માટે તેમને પસંદ કર્યાં એનું કારણ એ છે કે તેઓ દક્ષિણ ભારતીય છે. નિર્મલા સીતારામન્‌ પોતે જે હિન્દી બોલે છે એ અસહ્ય હોય છે એ તો તમે જાણો જ છો. જો હિન્દી માટે આટલો બધો પ્રેમ છે તો એ ભાષા સરખી શીખતાં કેમ નથી? જાહેરમાં અશુદ્ધ હિન્દી બોલવી એ હિન્દી ભાષાનું અપમાન નથી? વળી હિન્દીમાં લખતાં તો તેમને આવડતું જ નથી.

તમારા ધ્યાનમાં કદાચ એક વાત નહીં આવી હોય જેના તરફ ધ્યાન દોરવાનો આ લેખમાં ઉદ્દેશ છે. એક દેશ એક ભાષા, એક દેશ એક રાષ્ટ્રધ્વજ, એક દેશ એક રાષ્ટ્રગીત, એક દેશ એક કાયદો, એક દેશ એક શિક્ષણ, એક દેશ એક ચલણ, એક દેશ એક માપ (અંગ્રેજી અને દેશીની જગ્યાએ દશાંશ), એક દેશ એક વેરો, એક દેશ એક વહીવટીતંત્ર વગેરે રાષ્ટ્રનિર્માણ માટેની ચીજોની જરૂરિયાત ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં જ સમજાવા લાગી હતી. જરૂરિયાત સમજાવા લાગી એટલે એ વિષે ચર્ચા શરૂ થઈ. ચર્ચા વ્યાપક અને સઘન હતી.

પણ એક ફરક હતો. ત્યારે જે ચર્ચા થતી હતી તેના કેન્દ્રમાં ઉપાયની ખોજ હતી. ખોજ એ વાતની હતી કે આ કેવી રીતે સાકાર થઈ શકે? વ્યવહારમાં જોવા મળતી અને જે તે સમાજમાં રૂઢ થઈ ગયેલી વિવિધતાઓની વચ્ચે એક સરખાપણું કેવી રીતે લાવવું? આખો વિમર્શ ઉપાયલક્ષી હતો. વિમર્શ કરનારાઓએ મુખ્યત્વે બે ભેદ પાડ્યા. એક રાષ્ટ્રનિર્માણ માટેની જરૂરી ચીજો અને બીજી રાષ્ટ્રીય વ્યવહાર માટેની ચીજો. એક ચલણ, એક તોલ-માપ, એક તંત્ર વગેરે રાષ્ટ્રીય વ્યવહાર માટેની જરૂરી ચીજો હતી. અને એમાં પણ ઉતાવળ કરવામાં નહોતી આવી. મોટી વયના વાચકોને યાદ હશે કે આઝાદી પછી એક દાયકા કરતાં પણ વધુ સમય સુધી જૂનાંનવાં બન્ને ચલણ અને જૂનાંનવાં બન્ને તોલમાપ ચાલતાં હતાં. નોટબંધીની જેમ રાતોરાત પરિવર્તન કરવામાં નહોતું આવ્યું.

તો કહેવાનું તાત્પર્ય એ કે રાષ્ટ્રનિર્માણ માટે રાષ્ટ્રીય સ્તરે ભાવનીક અને વ્યવહારિક એકતા સાધવા માટે જે ચર્ચા ચાલતી હતી એ મુખત્વે ઉપાયલક્ષી હતી. એક સરખું શિક્ષણ હોવું જોઈએ, પણ તેમાં અલગ અલગ પ્રાંતો, તેનો ઇતિહાસ અને પરંપરા, તેના હીરોઝ વગેરેનો પણ સમાવેશ થવો જોઈએ. શાણા અને સમજદાર લોકો આના ઉપાય સૂચવતા હતા. એક ભાષા હોવી જોઈએ, પણ તેમાં પ્રાંતીય ભાષાઓ(જે પ્રાંતોમાં વસનારાઓની માતૃભાષા છે અને માટે તેના માટે તે વિશેષ છે)ને પણ આદરપૂર્વકનું સ્થાન મળવું જોઈએ. એકના ભોગે બીજાને નહીં. જે ભાષા અપનાવવાની છે (દેખીતી રીતે હિન્દી) એ ભાષા બને એટલી સરળ હોવી જોઈએ કે જેથી અપનાવનારને અપનાવવામાં ઝાઝી મુશ્કેલી ન પડે. આના ઉપાય શોધવામાં આવ્યા હતા. રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ સ્થાપવામાં આવી હતી. સરળ લિપિના પ્રયોગ કરવામાં આવ્યા હતા. હિન્દુસ્તાની પ્રચાર સભા દક્ષિણનાં રાજ્યોમાં કામ કરતી હતી. હિન્દીના પ્રચાર માટે કોવિદ અને એવી બીજી પરીક્ષાઓ શરૂ કરવામાં આવી હતી. પ્રોત્સાહક ઇનામ અને પ્રમાણપત્રો આપવામાં આવતાં હતાં. એ જમાનામાં લોકો પોતાનાં નામની સાથે ડિગ્રી (જેમ કે બી. એ.) ઉપરાંત કોવિદ પણ લખતા.

ટૂંકમાં દેશને જોડવાની સાચી નિસ્બત હતી એટલે રાષ્ટ્રીય એકતાનો આખો વિમર્શ ઉપાયલક્ષી હતો અને ઉપાય અજમાવવામાં આવતા હતા. ઘણા લોકોએ તો આખી જિંદગી આવાં કામ પાછળ ખર્ચી હતી.

હિન્દુત્વવાદીઓનો અભિગમ જુદો છે. તેઓ રાષ્ટ્રવાદ અને દેશપ્રેમના નામે એક દેશ એક…ની વાત કરશે અને પછી જોશે કે આનો વિરોધ કોણ કરે છે. તેમને વિરોધીઓને વીણવામાં, જુદા તારવવામાં રસ છે. ઉપર કહ્યા એ લોકોને પણ વિરોધ અને વિરોધીઓનો સામનો કરવો પડતો હતો, પણ તેઓ વિરોધીને જીતવાનો પ્રયાસ કરતા હતા અને સરળ સ્વીકાર્ય ઉપાય બ્તાવતા હતા. માત્ર બતાવતા નહોતા, અજમાવતા હતા. હિન્દુત્વવાદીઓને માત્ર અને માત્ર વિરોધીઓને નોખા તારવવામાં જ રસ છે કે જેથી મંદબુદ્ધિ ધરાવનારાઓને ભોળવી શકાય કે જુઓ આ લોકો દેશના દુ:શ્મન છે અને અમે સાચા દેશપ્રેમી છે. નિર્મલા સીતારામને જાણીબૂજીને નિવેદન કર્યું હતું. તેમને ખબર હતી કે કેટલાક વિરોધ કરવાના છે અને વિરોધ કરનારાઓને નોખા તારવવામાં છે અને નોખા તારવ્યા પછી તેમને દેશના દુ:શ્મન ઠરાવવાના છે અને એ દ્વારા પોતાને સાચા દેશપ્રેમી સિદ્ધ કરવાના છે.

ઉપાયમાં તેમને કોઈ રસ નથી. ઉપર કહી એ રાષ્ટ્રને જોડવાની કોઈ બાબતે ઉપાયલક્ષી ચર્ચા તેમણે કરી નથી અને કોઈ ઉપાય બતાવ્યો નથી. ઉપાયમાં તેમને રસ નથી એટલે ઉપાય લઈને પ્રજાની વચ્ચે જવાનો અને જિંદગી ખર્ચવાનો કોઈ સવાલ જ ઉપસ્થિત થતો નથી. એક ઉદાહરણ બતાવો. એક પણ નહીં મળે, મારી ગેરંટી. તેમને તો માત્ર વિરોધ કરનારાઓને નોખા તારવવામાં જ રસ છે.

હવે કહો કે સાચો દેશપ્રેમી કોને કહેવાય? જે જરૂરિયાત અને તેની સાથે ઉપાય બતાવે એ કે માત્ર ગળા ફાડીને જરૂરિયાત જ બતાવ્યા કરે? જે વિરોધ કરનારને જીતવાનો પ્રયાસ કરે એ કે પછી તેને નોખા તારવીને દુ:શ્મન કરાર કરે એ? જે ઉપાયોની ખોજ કરે, ઉપાયો અજમાવે, ઉપાયોમાં સુધારાઓ કર્યા કરે, ઉપાયો માટે જિંદગી ખર્ચે એ કે પછી નોખા તારવેલાઓને ગાળો દેવામાં અને દેવડાવવામાં આયખું વિતાવે એ? વિચારો, સાચો દેશપ્રેમી કોને કહેવાય? હિન્દી ફિલ્મોમાંના નાના પાટેકરની માફક તાર સ્વરે જુદા તારવેલા વિરોધીઓને ગાળો દે એ કે પછી તામિલનાડુનાં ગામડાંમાં કોઈ એક ઝૂંપડામાં બેસીને તમિલ બાળકની પાટીમાં દેવનાગરી ભાષાનો अ પાડે એ? હિન્દી અને દેવનાગરી લિપિના પ્રચારકને તામિલોએ માર્યા હોય કે ગામડાંમાંથી ભગાડી મુક્યા હોય એવી એક ઘટના બતાવો.

પ્રેમ, રચનાત્મક અભિગમ અને ઉપાય લઈને લોકોની વચ્ચે જાવ તો લોકો જરૂર સાંભળવાના છે. બીજું વિરોધ કરનારાઓ તમામ પ્રજાનું પ્રતિનિધિત્વ નથી કરતા. બહુમતી પ્રજા ખોજ અને ઉપાયમાં ભાગીદાર બનવા તૈયાર હોય છે. પણ હિન્દુત્વવાદીઓને આમાં કશામાં રસ નથી. તેમને તો ઊલટું આવું કયારે ય ન બને એમાં રસ છે. હિંદુઓને કોમવાદી બનાવવા માટે અને બનાવેલાઓના ચિત્તની અંદર દાખલ કરવામાં આવેલું કોમી ઝેર જળવાઈ રહે એ માટે વિરોધીઓ ક્યારે ય નાબૂદ ન થાય એમાં રસ છે. માટે પ્રેમ, રચનાત્મક અભિગમ અને કારગત ઉપાયમાં જોખમ છે.

તો પછી સાચા દેશપ્રેમી કોણ? જો બુદ્ધિ કુંઠિત થઈ ગઈ હોય તો આજુબાજુમાં કોઈ સમજદાર માણસ હોય એને પૂછી જુઓ કે દેશ માટે સાચી નિસ્બત કોણ ધરાવે છે? તમે જો સાચા દેશપ્રેમી હો તો કોઈ ડાહ્યા વડીલને પૂછી જુઓ કે તમારે કયો માર્ગ અપનાવવો જોઈએ; ઉપાયનો કે આરોપનો? જીતીને સાથે લેવાનો કે નોખા તારવીને ગાળો દેવાનો?

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 ઑક્ટોબર 2022 

Loading

સાહિત્ય અને શતરંજ 

અભિમન્યુ આચાર્ય|Opinion - Opinion|21 October 2022

‘એતદ્’ ના તાજેતરના અંકમાં (સપ્ટેમ્બર ૨૦૨૨) રમણીક અગ્રાવતની શતરંજ વિશેની સરસ કવિતા છપાઈ છે. એ કવિતા વાંચતા એકસાથે મનમાં શતરંજને વિષય બનાવતું સાહિત્ય ઘૂમરાયું.

મને શતરંજનો ઘણો શોખ, નાનો હતો ત્યારથી. વચ્ચે થોડાં વર્ષ રમત છૂટી ગઈ, પણ છેલ્લાં પાંચ-છ વર્ષથી ફરી ગંભીરતાપૂર્વક રમવું શરૂ કર્યું છે. કર્ણાટકમાં મારું એમ.એ.નું ભણી રહ્યો હતો, ત્યારે મારી જેમ જ સાહિત્યના થોથા વાંચતા અને શતરંજ રમતા અમુક મિત્રો મળ્યા. તેમાંના એક મિત્રએ એક પુસ્તક વાંચવા આપ્યું—ઓસ્ટ્રિયાના લેખક સ્ટેફન ઝ્વેઈગ(Stefan Zweig)ની લઘુનવલ ‘ધ રોયલ ગેઈમ’. પુસ્તક એવું દિલધડક કે એક જ બેઠકે વાંચી ગયો.

બે સાવ ભિન્ન પ્રકૃતિના ખેલાડીઓની વાત. એક નાનપણથી જ ચેસ જીનિયસ. સાદા સ્પેલીંગ એને ન આવડે, પણ શતરંજ રમવા બેસે ત્યારે કોઈક રીતે ભલભલા ખેરખાંઓને ય હરાવી દે. શતરંજ સિવાય કશામાં ન રસ, ન આવડત. આગળ જતા એ વર્લ્ડ ચેમ્પિયન બને છે. એનો મુકાબલો થાય છે એક સાવ અલગ જ પ્રકૃતિના ખેલાડી સાથે, જેને આધેડ ઉમર સુધી શતરંજ સાથે કોઈ લેવા-દેવા જ નથી. પણ યહૂદી હોવાને કારણે હિટલરના ગેસ્તાપો (Gestapo- નાઝીઓની સ્પેશિયલ પોલીસ, જેનું મુખ્ય કામ યહૂદીઓને શોધી તેમનો ખાત્મો બોલાવવાનું રહેતું) તેને પકડી લે છે, અને કોઈ રૂમમાં બંધ કરીને રાખે છે. એ રૂમમાં કોઈ જ નથી, કશું જ નથી, બારી સુદ્ધા નહિ. આ માણસ ત્યાં એકલો છે, અને યોગાનુયોગ તેને ત્યાં એક નાની ચોપડી મળે છે જેમાં શતરંજની રમત સમજાવેલી હોય છે અને શતરંજના અમુક કોયડા ઉકેલવા આપેલા હોય છે. ક્યારે છુટાશે એની જાણ ન હોવાથી આ માણસ કોઈક રીતે સમય પસાર કરવા માટે મરણિયો થયો છે, અને તેને ખાવા માટે અપાતી બ્રેડના ટુકડા કરી તેનો શતરંજની કૂકરીઓ તરીકે ઉપયોગ કરે છે. એ રીતે એકલા એકલા રમત શીખે છે, એકલો એકલો જ જાત સાથે રમતો રહે છે. ખૂબ જ પારંગત થઈ જાય છે, અને વર્લ્ડ ચેમ્પિયનને ય ટક્કર આપે છે.

શતરંજના ખેલાડીઓની વિચિત્ર પ્રકૃતિ, વળી એ રમતનો પ્રતીકાત્મક ઉપયોગ, વિશ્વયુદ્ધનો માનસિક રીતે હલાવી દેતો સંદર્ભ, અને શીરા જેવું રસાળ ગદ્ય. પુસ્તક વાંચી હું ન્યાલ તો થયો જ, પણ સાથે અનાયાસ જ એક નવી મથામણ મનમાં ચાલી—શતરંજ સાથે એક યા બીજી રીતે પનારો પાડતું સાહિત્ય શોધવું અને વાંચવું. વળી અહીં કેનેડામાં પીએચ.ડી.ના ભાગરૂપે મારે સ્નાતક કક્ષાનો એક કોર્સ ડિઝાઈન કરવાનો આવ્યો. મેં વિષય પસંદ કર્યો—લિટરેચર એન્ડ ચેસ. એ રીતે ય મારે આ વિષયમાં ઊંડા ઉતરવાનું બન્યું.

ઊંડા ઉતરતા સમજાયું કે શતરંજનો સાહિત્યમાં અનેક રીતે ઉપયોગ થયો છે—ક્યાંક એ પ્રતીક તરીકે આવે છે, ક્યાંક વસ્તુના ભાગરૂપે, ક્યાંક કથાનકના માળખા રૂપે, તો ક્યાંક ખળભળતા સામાજિક-રાજકીય પ્રશ્નોને ઊભા કરતા ઉદ્દીપક રૂપે. ઘરઆંગણનો જ જાણીતો દાખલો છે પ્રેમચંદની ટૂંકી વાર્તા ‘શતરંજ કે ખેલાડી’, જેના પરથી સત્યજીત રાયે એ જ નામની ફિલ્મ પણ બનાવી. ઉમરાવ વર્ગના બે પુરુષો શતરંજની લતને કારણે અલગ અલગ મુશ્કેલીઓમાં ફસાય છે. રાજા, વજીર અને પ્યાદાઓની એમને લત છે પણ ખરેખરા રાજપાટ તો પૃષ્ઠભૂમાં અંગ્રેજો દ્વારા છીનવી લેવામાં આવ્યા છે એવો સામાજિક સંદર્ભ વાર્તા તેમ જ ફિલ્મ બંનેમાં હાજર છે જેનાથી કથામાં એક નવું પરિમાણ ઉમેરાય છે.

પશ્ચિમમાં પોતાની કૃતિઓમાં શતરંજનો ઉપયોગ કરનારા સાહિત્યકારોમાં બે મોટાં નામ છે સેમ્યુઅલ બેકેટ અને વ્લાદીમીર નાબોકોવ. બેકેટ આપણે ત્યાં જાણીતા છે, તેમની કૃતિઓના ઘણાં ગુજરાતી લેખકોએ અનુવાદ ય કર્યા છે, અને ‘વેઈટીંગ ફોર ગોદો’ એ તેમનું અમર નાટક ગણાય છે. બેકેટનું એવું જ એક બીજું જાણીતું નાટક છે, ‘એન્ડગેઈમ’, જેમાં શતરંજનો ઉપયોગ થયો છે. શીર્ષક પણ શતરંજના અંતિમ તબક્કા પરથી લેવામાં આવ્યું છે. બે પાત્રોની મૃત્યુ સાથેની શતરંજ—એવો દાર્શનિક અર્થ નાટકમાંથી પમાય છે. આવા જ કંઈક થીમ લઈને આર્જેન્ટિનાના લેખક હોર્હે લુઈ બોર્હેસે (Jorge Luis Borges) બે કાવ્યો લખ્યા છે. તેમાંના એક કાવ્યમાં બોર્હેસ લખે છે કે જેમ શતરંજની કૂકરીઓ કાળા-ધોળા ચોકઠાંની કેદી છે, એમ ખેલાડીઓ પણ રાત્રિ અને દિવસ જેવા કાળા-ધોળા ચોકઠાંના કેદી છે.

બોર્હેસે બે કાવ્યો જ લખ્યા, પણ રશિયાના મહાન લેખક અને તેમની ‘લોલિતા’ નવલકથાથી વિશ્વભરમાં જાણીતા થયેલા વ્લાદીમીર નાબોકોવે તો એક કાવ્ય-સંગ્રહ પ્રગટ કરેલો જેનું નામ છે ‘પોએમ્સ એન્ડ પ્રોબ્લેમ્સ’. સંગ્રહમાં કવિતાઓ તો છે જ, પણ સાથે જ શતરંજના કોયડાં પણ આપેલા છે જે વાચકે ઉકેલવાના છે. જ્યારે કોઈએ તેમને આ કરવા પાછળનું કારણ પૂછ્યું ત્યારે નાબોકોવે સમજાવ્યું – “કવિતા અને શતરંજ બંને માટે એક જ પ્રકારના કસબની જરૂર પડતી હોય છે—મૌલિકતા, સંવાદિતા, સંક્ષિપ્તતા, સંકુલતા”, પછી રમૂજ કરતા નાબોકોવે ઉમેર્યું, “અને ઘોર અપ્રામાણિકતા!”.

નાબોકોવે શતરંજને ધ્યાનમાં રાખીને ‘ધ ડિફેન્સ’ નામની એક નવલકથા ય લખેલી, જેમાં એક ચેસ જીનિયસ રમતની લતને કારણે ગાંડપણમાં ધકેલાઈ જાય છે એની વાત છે. શતરંજની રમતને કારણે ગાંડો થઈ જતો નાયક વૈયક્તિક કીર્તિ અને બજારવાદનો મહિમા કરતી પશ્ચિમની સંસ્કૃતિને મૂર્ત કરે છે. ત્યારે સામા છેડે ચાઈનીઝ લેખક આહ ચેંગની નવલકથા ‘ધ ચેસ માસ્ટર્સ’માં પૂર્વની દાર્શનિક ભૂમિકા જોવા મળે છે, જેમાં રમતને વૈયક્તિક હાર-જીતના માધ્યમ તરીકે નહિ, પણ સાથે મળીને બે ખેલાડીઓ દ્વારા રચાતી એક કળાકૃતિ તરીકે જોવામાં આવે છે. આમ શતરંજ તરફના અભિગમ થકી બે અલગ નવલકથાઓ પૂર્વ-પશ્ચિમની અલગ સંસ્કૃતિઓ ઉજાગર કરી આપે છે.

શતરંજની લત દારૂ-સિગારેટની લત જેવી જ છે, જલદી છૂટે નહિ. મહાન ફ્રેંચ ચિત્રકાર અને શિલ્પકાર માર્શેલ દુશેમ્પ(Marcel Duchamp)ને પણ આવી જ લત લાગેલી. નાનપણથી જ ચિત્રકળા અને શતરંજ બંનેમાં એક સરખો રસ. તેમનાં શરૂઆતનાં ચિત્રો તો તેમણે શતરંજ રમતા ખેલાડીઓના જ બનાવ્યાં છે. દુશેમ્પના જીવનમાં એક સમય એવો આવેલો જ્યારે તેમને શતરંજનો રીતસરનો નશો લાગેલો. એક મિત્રને લખેલ પત્રમાં દુશેમ્પ કહે છે, “મારું મન શતરંજમાં ઓળઘોળ થયેલું છે. હું રાત-દિવસ બસ રમ્યા જ કરું છું, અને આગળની ચાલ વિશે વિચાર્યા કરું છું. ચિત્રકળામાં મારો રસ રોજ સૂકાતો જાય છે.” દુશેમ્પનું એક શતરંજ અને કળા વિશેનું વિધાન ખૂબ જાણીતું છે – “દરેક કલાકાર શતરંજનો ખેલાડી નથી હોતો, પણ શતરંજનો દરેક ખેલાડી કલાકાર હોય છે.”

આ સંદર્ભમાં મને અમેરિકાના ભૂતપૂર્વ વર્લ્ડ ચેસ ચેમ્પિયન બોબી ફિશરનું એક વિધાન યાદ આવે છે. ફિશર કહે છે કે જ્યારે તમે રમત રમી રહ્યા હો ત્યારે તમારી સામે અનેક વિકલ્પો હોય છે—ઘોડો ચાલવો કે હાથી, પ્યાદું એક ડગલું આગળ વધારવું કે બે, કયા ક્રમમાં ચાલ ચાલવી, વગેરે. પણ ધ્યાનથી જોશો તો આ અનેક વિકલ્પોમાંથી માત્ર એક વિકલ્પ જ સૌથી શ્રેષ્ઠ હોય છે જે તમારી સ્થિતિ સુધારે છે. ચેલેન્જ છે કે અનેક વિકલ્પોમાંથી એ એક શ્રેષ્ઠ વિકલ્પ શોધી કાઢવો—ફાઈન્ડીંગ ધ બેસ્ટ મૂવ.

કોઈ પણ કલાકાર—લેખક, સંગીતકાર, ચિત્રકાર, ફિલ્મમેકર — પાસે પણ અનેક વિકલ્પો હોય છે. દાખલા તરીકે, કોઈ વાર્તાકાર હોય તો વાર્તા પ્રથમ વ્યક્તિ એકવચનમાં લખવી કે ત્રીજી વ્યક્તિ એકવચનમાં, કયો કાળ પસંદ કરવો, પાત્રોનું વર્ણન કેટલું કરવું, સંવાદ કેટલા કરવા, કથકની ભાષા કેવી રાખવી વગેરે વિકલ્પો હોવાના. આટઆટલા વિકલ્પો છે, અને છતાં દરેક વાર્તા કહેવાની કોઈ એક રીત બીજી બધી રીતો કરતાં ચઢિયાતી હોવાની જ. પણ એ રીત શોધવી કેવી રીતે? વિકલ્પોના ઢગલામાંથી કયો વિકલ્પ શ્રેષ્ઠ? શતરંજના ખેલાડીની જેમ કલાકારની પણ એ જ મૂંઝવણ છે—ફાઈન્ડીંગ ધ બેસ્ટ મૂવ.

સૌજન્ય : અભિમન્યુભાઈ આચાર્યની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

દુર્ગાશ્રય* 

રમણીક અગ્રાવત|Poetry|21 October 2022

શતરંજ પર આવતી આવતી કવિતા

અટકીને પડી છે

ઘોડાથી માંડ અઢી ડગલાં છેટે.

ચોસઠ યોજનના ઘેરાવામાં

ઊતરી આવી છે કશાક માતમની કાલિમા. 

કાળા ઘોડાની ત્રાંસમાં

પહેલેથી જ ગોઠવાયેલું છે ધોળું ઊંટ. 

ધોળા હાથીને કાળા વજીરની ધાક છે

નહીં તો ક્યારનું ચગદી નાખ્યું હોત કાળા ટટ્ટુને. 

કાળા ઘોડાની આજુબાજુ આસ્તેથી

ગોઠવાઈ ગયાં ધોળાં પ્યાદાં. 

ફિકરમાં ને ફિકરમાં ભૂલી બેઠો છે કાળો ઘોડો

એની ખદડુક ચાલ. 

વજીરની આડમાંથી આ બધું

જોયું ન જોયું કરતો રાજા

હમણાં તો સલામત છે.

____________

*શતરંજનો રાજા જ્યારે સંકટમાં ઘેરાઈ જાય છે ત્યારે ‘દુર્ગાશ્રય’ (કેસલિંગ) નામની એક ચાલ ખેલાડી ચાલે છે. શેતરંજની ડાબી કે જમણી બાજુએ ખૂણામાં રાજાને ગોઠવી તેને હાથી અને ઊંટની આડશમાં વજીરના સંરક્ષણમાં મુકવામાં આવે છે. આ કાવ્ય કેસલિંગ ચાલની એક છબી છે.

____________________

‘ એતદ્’ : 235 : સપ્ટેમ્બર 2022માં પ્રગટ.
સૌજન્ય : રમણીકભાઈ અગ્રાવતની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,3121,3131,3141,315...1,3201,3301,340...

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved