Opinion Magazine
Number of visits: 9669886
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હારું છું, હરેરી નથી જતો

પ્રવીણ પંડ્યા|Poetry|13 December 2022

હારું છું, હરેરી નથી જતો 

‘શું જરૂર હતી કૂતરાં હારે બાખડવાની?’

આજે પાંસઠની વયે પણ જ્યારે ઘવાઉં કે ઉઝરડાઉં ત્યારે  

બાળપણમાં બાપુજીએ ખીજવાઈને કહેલું 

આ વાક્ય યાદ આવે અને હસી પડાય છે,  

હારું છું, હરેરી નથી જતો.  

નિશાળના આચાર્ય પહેલવાન બલ્લુભાઈ, 

કાંઠલેથી ઊંચો કરી આખી નિશાળમાં ફેરવતા

પણ મેદાનમાં કબ્બડી રમતી વખતે 

એમનાં બે પગ વચ્ચેથી નીકળીને જીતી જતો,

મારી નબળાઈ અને સબળાઈને બરાબર જાણું છું 

લડું છું 

હારું છું, હરેરી નથી જતો.

રમતમાં નિયમ અને ખેલદિલી હોય 

ટીમને જીતાડવા ભાઈબંધ આઉટ કરાવે 

તો ય આપણે એનો વાંસો થાબડીએ   

પણ લડતમાં આવું થાય ત્યારે 

પરાજયની પીડા કરતાય 

અસહ્ય બની જાય બાંધી મુઠ્ઠી ખુલી ગયાની ગ્લાનિ ..

કડવાશ ખંખેરી 

હાથ મિલાવી 

સ્મિત ફરકાવી 

છોડી જાઉં છું મેદાન – 

હારું છું, હરેરી નથી જતો. 

વિજેતાઓને જોઉં છું 

જેઓ વિજયનાં છત્ર નીચે ઊભા હોય છે એકલા

ગળામાં પડેલી જયમાલા સંતોષને બદલે  

આપતી હોય છે એવાં સ્મરણ 

જેમાં હોય છે બે આંખોની શરમ છોડ્યાની નિર્લજ્જતા,

ખભા પરથી હટી ગયેલા મિત્રોના હાથ

બની જાય છે પ્રશ્નાર્થ ચિન્હ 

જેમ ઊંધેથી વાક્યને વાંચવું વ્યર્થ હોય છે 

એટલું જ અઘરું હોય છે આ સમજવું 

ઠરેલા દેવતામાં ઈંધણ ઓરવાને બદલે 

હાથ ઘસતો કડકડતી ટાઢમાં એકલો આગળ વધુ છું – 

હારું છું, હરેરી નથી જતો. 

પાંસઠ થયાં, 

ક્યારેક શરીરમાં થોડો થાકોડો વર્તાય છે 

ક્યારેક બરાબર બોલાતું નથી 

ક્યારેક બિલકુલ સંભળાતું નથી 

ગળપણનો મોહ છૂટતો જાય છે 

તીખા તુરા કડવા સ્વાદ પારખવામાં થોડો વખત લાગે છે 

વિચારોની ગતિ પવન પડી ગયા જેવી છે 

પણ તો ય દિ’ આથમણે ચાલવા નીકળું છું 

સામે શિંગડા હલાવતો ખુંધવાળો કાળો સાંઢ દેખાય 

કે તરત શરીરને સંકોરું છું 

પશુ સમજે એવી ભાષામાં હાકોટો કરું છું 

લડવાનાં દરેક સ્થાને અચૂક લડું છું  

ઘવાઉં છું ઉઝરડાઉં છું 

હારું છું, હરેરી નથી જતો. 

ભોપાલ, તારીખ: ૦૬/૧૨/‘૨૨

Loading

અર્ધી રાતે આઝાદી : યશસ્વી હિસ્ટોરિકલ ફિક્શન

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 December 2022

લેરી કોલિન્સના જોડીદાર લેખક ડોમિનીક લાપિયરનું અવસાન :

અશ્વિની ભટ્ટનું શ્રેષ્ઠ પુસ્તક તેમની નવલકથાઓમાંથી નહોતું. ઓથાર, આશકા માંડલ, લજ્જા સન્યાલ, શૈલજા સાગર, નીરજા ભાર્ગવ, આખેટ કે અંગાર તેમની સર્વાધિક વંચાયેલી નવલકથાઓ હતી, અને તેણે નિશ્ચિતરૂપે અશ્વિની ભટ્ટનો ગુજરાતના લોકપ્રિય નવલકથાકારોની શ્રેણીમાં રાજ્યાભિષેક કરાવ્યો હતો, પણ તેમનું શ્રેષ્ઠ પુસ્તક ‘અર્ધી રાતે આઝાદી’ હતું, જે તેમના અનુવાદ કરીને ‘બે પાંદડે’ થવાના સમયગાળાનું છે. તેમની નવલકથાઓની સરખામણીમાં તે તેમનું ‘ઓછું જાણીતું’ પુસ્તક છે. તેનું કારણ તેનો વિષય છે. ગુજરાતી વાચકો ફિક્શનને જેટલો પ્યાર કરે છે, તેની સરખામણીમાં નોન-ફિક્શનને ઓછો કરે છે. ‘અર્ધી રાતે આઝાદી,’ જે મૂળ અંગ્રેજી પુસ્તક ‘ફ્રીડમ એટ મિડનાઇટ’નો અનુવાદ છે તે, શીર્ષક પરથી સ્પષ્ટ છે તે પ્રમાણે, ભારતની આઝાદીનો ઇતિહાસ માંડે છે.

જે લોકોને ઇતિહાસમાં, અને અશ્વિનીભાઈના અનુવાદોમાં રસ છે, તેઓ ‘અર્ધી રાતે આઝાદી’ને યશસ્વી પુસ્તક ગણાવે છે. એક તો, મૂળ અંગ્રેજી પુસ્તક ‘ફ્રીડમ એટ મિડનાઇટ’ લખાયું હતું જ એક રોચક રાજકીય થ્રિલર તરીકે અને બીજું, અશ્વિનીભાઈએ રહસ્ય-રોમાંચની હથોટીનો ઉપયોગ કરીને તેને ગુજરાતી વાચકો માટે સ્વાદિષ્ટ કરી આપ્યું હતું.

90ના દાયકામાં ભારતની આઝાદીના ઇતિહાસ પર પુસ્તકો લખાતાં થયાં, તે પહેલાં 70ના દાયકામાં ભારતમાં ‘ફ્રીડમ એટ મિડનાઇટ’ એટલું લોકપ્રિય થયું હતું કે, અશ્વિનીભાઈ જેમની વાર્તાઓનો અનુવાદ કરતા હતા તે થ્રિલર લેખક એલિસ્ટર મેક્લીનની પોકેટ બૂક્સની જેમ, રેલવે સ્ટોલ્સ પર વેચાતું હતું. એ પુસ્તક હિસ્ટોરિકલ ફિક્શન હતું અને અશ્વિનીભાઈને એમાં સારી ફાવટ હતી.

1975માં, ડોમિનીક લાપિયર અને લેરી કોલિન્સ નામના, અનુક્રમે, ફ્રેંચ અને અમેરિકન પત્રકાર-લેખકોએ ભેગા મળીને તેને લખ્યું હતું. તેમાંના ડોમિનીક લાપિયરનું આ અઠવાડિયે, રવિવાર તારીખ 4મી ડિસેમ્બરે, અવસાન થઇ ગયું. તે 91 વર્ષના હતા અને ફ્રાન્સના માર્સેલ્સમાં રહેતા હતા. ભારત સરકારે 2008માં તેમનું પદ્મ ભૂષણથી સન્માન કર્યું હતું. તે કડેડાટ બંગાળી બોલતા હતા અને ભારતમાં અને ભારત બહાર તેમની ખ્યાતિ કોલકત્તા પર તેમના પુસ્તક ‘ધ સિટી ઓફ જોય’થી ફેલાઈ હતી. આ પુસ્તકમાંથી મળેલી અડધી કમાણી તેમણે કોલકતાના ગરીબોનો સેવામાં આપી દીધી હતી. તેમના જોડીદાર લેરી કોલિન્સનું આગાઉ 20 જૂન 2005માં અવસાન થયું હતું.

બંને જણાનો ભેટો ફ્રેંચ સૈન્યમાં થયો હતો. સૈન્યમાં છૂટા થયા પછી બંને અલગ-અલગ પ્રકાશનોમાં પત્રકાર બન્યા હતા, પણ દોસ્તી એવી હતી કે 1965માં “ઈઝ પેરિસ બર્નિંગ?” નામના બેસ્ટસેલર પુસ્તકમાં લેખક તરીકે ભેગા થયા હતા. આ પુસ્તક દ્વિતીય મહાયુદ્ધમાં પેરિસના મુક્તિ સંઘર્ષ પર આધારિત હતું. તેમનું આ પહેલા જ પુસ્તકની ત્રીસેક જેટલી ભાષામાં એક કરોડ નકલો વેચાઈ હતી. ચાર વર્ષ પછી એક રાષ્ટ્ર તરીકે ઈઝરાયેલના ઉદ્ભવ પર બંનેનું ‘ઓ જેરુસલેમ’ આવ્યું.

ત્રીજું પુસ્તક ‘ફ્રીડમ એટ મિડનાઈટ’ 1975માં આવ્યું. પુસ્તકનો સમયગાળો 1947થી 1948 વચ્ચેનો જ છે અને આખું પુસ્તક અંતિમ વાઈસરોય લુઈ માઉન્ટબેટનની આસપાસ ફરે છે. પુસ્તકનો સૌથી રોચક હિસ્સો એ છે કે માઉન્ટબેટન ભારતના વિભાજનની વિરુદ્ધમાં હતા, જિન્હાની જિદ્દ આગળ તે ઝુકી ગયા હતા. પુસ્તક કહે છે કે તે વખતે જિન્હા ક્ષયની બીમારીથી પીડાતા હતા (જિન્હા 30 વર્ષથી રોજની 50 સિગારેટ્સ પીતા હતા) અને તેમના હિંદુ ડોક્ટર અનુસાર ‘થોડા જ મહિનાના મહેમાન હતા.’ વાઇસરોયને જો આ ખબર હોત, તો તેમણે વિભાજનની વાતને ટાળી દીધી હોત અને જિન્હાના મોતનો ઈન્તેજાર કર્યો હોત. જો કે બીમારીની આ વાત જિન્હા અને તેમના ડોકટરને જ ખબર હતી અને બંનેએ સફળતાપૂર્વક તેને છુપાવી રાખી હતી.

વિડંબના કેવી કે આઝાદ ભારતના પ્રથમ પ્રધાન મંત્રી જવાહરલાલ નહેરુની દીકરી ઇન્દિરા ગાંધીએ જે વર્ષે લોકોની આઝાદી છીનવી લઈને કટોકટી લાદી હતી, તે જ વર્ષે ‘ફ્રીડમ એટ મિડનાઈટ’ આવ્યું હતું. અમેરિકાના પ્રતિષ્ઠિત સમાચારપત્ર ‘ધ ન્યુયોર્ક ટાઈમ્સ’માં, 26 ઓકટોબર 1975ના રોજ આ પુસ્તકનો રીવ્યુ કરતાં મશહૂર ફિલ્મ સર્જક જેમ્સ કેમરોને લેખની શરૂઆતમાં જ લખ્યું હતું, “બાહ્ય શાસકની ગુલામીમાંથી ભારતની આઝાદીની હૃદયસ્પર્શી વાર્તા કહેતા આ પુસ્તકનું કમનસીબ તો જુઓ કે તે એવા સમયમાં પ્રકાશિત થયું છે જ્યારે એ આઝાદીને અંદરના શાસકે અચાનક અને નિર્દયી રીતે ખતમ કરી નાખી છે. આવા ક્રૂર વિરોધાભાસની કોણે કલ્પના કરી હોત!”

લેખમાં વચ્ચે કેમરોન લખે છે, “એ કહેવું ઉચિત છે કે 1947માં ભારતે તેની આઝાદી છીનવી લીધી ન હોત, તો દુનિયા અલગ જ હોત અને અત્યારે છે તેના કરતાં નિશ્ચિતપણે વધુ મુસીબતવાળી હોત, પણ (બ્રિટિશ) ‘મુગટમાંથી એ સર્વોત્તમ રત્ન’ને કાપવાને અલગ કરવાનું એ ઓપરેશન અભૂતપૂર્વ રીતે અઘરું, જટિલ અને ભાવનાત્મક હતું. ‘ફ્રીડમ એટ મિડનાઈટ’ એ ઐતિહાસિક મધરાત સુધી લઇ જતી એ દુઃખદ વાટાઘાટોનું ટોટલ રીકોલ છે, જેણે છેવટે બ્રિટિશ સામ્રાજ્યવાદી બોટલમાંથી કોર્કને ખોલી નાખ્યો અને ઝઘડાના જીનને છોડી મુક્યો. બંને લેખકોએ સરસ રીતે આ બધી વાત લખી છે. તેમને લોર્ડ માઉન્ટબેટન સહિત એ સમયના પ્રમુખ નાયકોને અંગત રેકોર્ડમાં ઝાંખવા મળ્યું છે અને તે પુસ્તકમાં દેખાય છે.”

600 પાનાંની આ ચોપડી, ‘ફ્રીડમ એટ મિડનાઈટ,’ કોમર્સિયલ જર્નાલિઝમમાંથી આવી છે તેવી ટીકાના જવાબમાં ડોમિનીક લાપિયરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “શું ઇતિહાસ ઠંડી કોકાકોલા છે, જેને સૌ કોઈ પચાવી ન શકે કે પછી ઇતિહાસ જે કંઈ થયું હતું તેનું તેની લાગણીઓ, ગંધ, રંગ અને ઘટનાઓની અસરોનું પુન:સર્જન છે?”

અશ્વિનીભાઈએ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેને લઈને પત્રકાર-લેખક ઉર્વીશ કોઠારીએ એક દિલચસ્પ કિસ્સો ટાંક્યો છે. તે આ પ્રમાણે છે : ‘અર્ધી રાત્રે આઝાદી’ની સૌ પ્રથમ ૩,૨૫૦ કોપી છપાઈ હતી. તેના મહેનતાણા પેટે અશ્વિનીભાઈને રૂ.૩,૦૦૦ હજાર આપવા હતા, પણ તેમને રૂ.૧,૫૦૦ જ ચૂકવાયા હતા. તેમને આવું થવાની શંકા હશે એટલે તેમણે પુસ્તકની 50 નકલો લઇ લીધી હતી. તેમાંથી 10 તેમણે ભેટમાં આપી હતી, અને 40 તેમની પાસે હતી.

જેટલી નકલો બજારમાં હતી, તે તમામ ફટાફટ વેચાઈ ગઈ. વધુ નકલોની તાબડતોબ માંગ હશે એટલે પ્રકાશકના ભાઈએ અશ્વિનીભાઇને “હમણાં તમારી નકલો આપો, પછી છપાશે એટલે પાછી આપીશું” એમ કહીને 40 નકલો મેળવી લીધી. રાત ગઈ બાત ગઈ. નકલો ય પાછી ન મળી અને પૈસા ય ન આપ્યા!

હવે અશ્વિનીભાઈ ખુદના માટે નકલ શોધે! એક વાર પ્રવાસમાં ભૂસાવળ રેલવે સ્ટેશને બુક સ્ટોલ પર ‘અર્ધી રાત્રે આઝાદી’ની એક નકલ પર તેમની નજર પડી હતી. અશ્વિનીભાઇએ એ માગી, પણ પેલાએ “એ તો મારા માટે છે” કહીને ના પાડી દીધી. અશ્વિનીભાઈએ એ પુસ્તકના લેખક તરીકે પોતાની ઓળખાણ આપી તો ય સ્ટોલ માલિક માન્યો નહીં. એટલે અશ્વિનીભાઈએ કહ્યું કે જોઈએ તો થોડા વધારે રૂપિયા લઇને પણ મને આપ, મારી પાસે એકે ય કોપી નથી. પેલાએ 45 રૂપિયાની ચોપડીના 100 રૂપિયા કહ્યા!

અશ્વિનીભાઈ રંગમંચ અને સિનેમાના માણસ પણ ખરા અને તેમને થિયેટરો પર ટિકિટો બ્લેકમાં વેચાતી હોય તેનો અનુભવ પણ હશે, પણ તે દિવસે ભૂસાવળ રેલવે સ્ટેશન પર તેમણે જ અનુવાદિત કરેલી ચોપડીના બ્લેક થતા જોયા હતા. આને ટ્રેજેડી કહેવાય કે કોમેડી એ ખબર નથી, પણ એટલી ખબર છે કે “લે આ 100 રૂપિયા” એવું કહેવાની તેમની હેસિયત નહીં હોય એટલે રકઝક કરીને 75 રૂપિયામાં તેમણે ‘અર્ધી રાત્રે આઝાદી’નો સોદો પાર પાડ્યો. 

ઇતિહાસમાં અને અશ્વિની ભટ્ટની લખાવટમાં રસ હોય, તો ‘અર્ધી રાતે આઝાદી’ વાંચજો, વાંચવા જેવું પુસ્તક છે.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખની કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 11 ડિસેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મન્તવ્યજ્યોત (૨૦) : સાક્ષરજીવન : સાહિત્યિકતા : સહૃદયી પ્રતિભાવ 

સુમન શાહ|Opinion - Literature|12 December 2022

એ સાહિત્યપુરુષ, સર્જક-કલાકાર, પોતાનાં લેખન-સર્જન પ્રકાશિત કરે છે ત્યારે પોતાના સ્વીકારનું કામ સહૃદયસમાજ પર કે સમીક્ષકમંડળી પર છોડતો હોય છે.

સહૃદય અને સમીક્ષક હમેશાં સાહિત્યિકતાની પરવા કરતા હોય છે, તેની પૂરતી કાળજી પણ રાખતા હોય છે.

આજે, સહૃદયસમાજ વિશે :

આ સહૃદયસમાજ એટલે શું? ગુજરાતી જેવી પ્રાદેશિક ભાષાના સાહિત્યમાં ભિન્ન ભિન્ન કક્ષાના સહૃદયોનો બનેલો ‘સમાજ’ મળવો મુશ્કેલ હોય છે. વળી, ત્યાં સહૃદયો હોય છે ખરા, પણ ત્રણ-ચાર આંગળીને વેઢે ગણાય એટલા – વિરલ.

એમાં પણ પ્રગટ અને પ્રચ્છન્ન એવા બે વર્ગ જોવા મળે છે. પ્રગટ એ અર્થમાં કે તેઓ પોતાના સાહિત્યસમયને પોતાના સહૃદય-દર્પણમાં ઝીલી જાણે છે અને તે સાહિત્યની જાહેર સમીક્ષા કરે છે. નર્મદ, નવલરામ, નરસિંહરાવ, બ.ક.ઠા., રમણભાઈ નીલકંઠ, મુનશી, ઉમાશંકર જોશી, સુન્દરમ્, નિરંજન ભગત, સુરેશ જોષી આદિ દિવંગતો પ્રગટ સહૃદય હતા.

પણ તુલનાએ સમજી શકાશે કે દલપતરામ, ન્હાનાલાલ, ગાંધીજી, રાજેન્દ્ર શાહ પ્રચ્છન્ન સહૃદયો હતા; એમણે ગળું ફાડીને પોતાના સમયની સમીક્ષા ન્હૉતી કરી. તેમછતાં, એમને આપણે કોઈપણ ધૉરણે ઓછા સહૃદય નથી ગણી શકતા.

ભારતીય સ્તરે આપણા કયા સાહિત્યકારને સહૃદયી પ્રતિભાવ સાંપડ્યો, એ એક વિચારણીય પ્રશ્ન છે. એટલે કે, કયો પરભાષી સહૃદય આપણા કયા સાહિત્યકારની કઈ કૃતિને પામ્યો અને તે વિશે તેણે પોતાની ભાષામાં લખ્યું, બલકે, પરભાષાના સાહિત્યક્ષેત્રે તે કેટલો ઝીલાયો.

સુવિદિત છે કે કાલિદાસ શેક્સપીયર રવીન્દ્રનાથ ચેખવ બૅકેટ વગેરેની સૃષ્ટિઓને આપણા સહૃદયી સાહિત્કારો સૌ પહેલાં પામ્યા હતા ને પછી તેઓએ તેમને વિશે લખ્યું હતું કે અનુવાદ કરવા લગીનું, ઉમાશંકરે તો સમશ્લોકી અનુવાદ કરવા લગીનું, દિલી સાહસ કર્યું હતું.

ટ્રેનમાં સહપ્રવાસી જોડે નાની સરખી મૈત્રી ઊભી થઈ જાય છે. આપણો ગુજરાતી હાંડવો એને અને એની મિષ્ટી આપણને એટલો સમય મધુર લાગતાં હોય છે. સ્વાર્થ-પરમાર્થ બન્ને સધાય છે. દિલ્હી સાહિત્ય અકાદમીમાં કોઈ સ્તરે કર્તાધર્તા હોવાથી મળેલી કે ભારતમાં હરતાફરતા રહેવાથી મળેલી અન્ય ભાષાના સાહિત્યકાર સાથેની મૈત્રીને હું એવું જ સદ્ભાગ્ય ગણું છું. પરન્તુ એ મિત્રે કશો સહૃદયી પ્રતિભાવ એની ભાષામાં લખ્યો ન હોય તો એ મૈત્રીનું સાહિત્યિક ધૉરણે ખાસ કશું મૂલ્ય નથી બનતું.

સુરેશ જોષીએ ભાગ્યે જ જેને ભારતભ્રમણ કહેવાય એવી શારીરિક ચેષ્ટા કરેલી, એ તો હાથમાં પુસ્તક સાહી બારીએ બેસીને આકાશ જોતા જોતા વિશ્વયાત્રા કરતા હતા, એમની એવી મૈત્રી તો કેટલા બધા એઓ સાથે ! પણ ભારતના કોઇ ગણમાન્ય સહૃદયે એમને વિશે કશું અંકે કરવાલાયક લખ્યાનું મારી જાણમાં નથી. સલમાન રશદી મળવા આવેલા કે નામવરસિંહ વડોદરા જતા તો સુરેશભાઈને મળ્યા વિના રહે નહીં, એ વાતોનું પણ એ જ મૂલ્ય છે.

મારે આમ્સ્ટર્ડામમાં ડચ મિત્રો છે, એમાં લેખકો પણ છે, અમે એકબીજાના સાહિત્યની વાતો કરીએ છીએ, પણ અંગ્રેજીમાં ! એ મને રૅમ્બ્રાં ને વાન ગોઘનાં મ્યુઝિયમોમાં લઈ જાય છે, એ મને એ બે મહાન કલાકારોનાં પેઇન્ટિન્ગ્સની વિશેષતાઓ સમજાવે છે, છતાં, સહૃદયી પ્રતિભાવના મુદ્દે અમે મિત્રો જ રહી જઈએ છીએ. કારણ કે મારી ગુજરાતી વાર્તાનો એણે કે એના ડચ કાવ્યનો મેં કશો રસાનુભવ કર્યો હોતો નથી. ટૂંકમાં, એવી મૈત્રીને ‘મૈત્રી’-ના વાચ્યાર્થથી વધારે મૂલ્ય ન અપાય, તે સમજાય એવું છે.

હું ઇનામીઓને કે ઍવૉર્ડીઓને પણ સહૃદયી પ્રતિભાવ પામેલાઓમાં નથી ગણતો કેમ કે ઇનામ કે ઍવૉર્ડ સહૃદયી પ્રતિભાવનું ફળ નથી હોતું, કહો કે, જવલ્લે જ હોય છે. એ તો એ સંસ્થાઓની જરૂરિયાતોનું સાગમટે નીપજતું એક કામચલાઉ પરિણામ હોય છે.

કે.કે. બિરલાના પદાધિકારીઓને ખબર નથી હોતી કે જે તે વર્ષે કયો ગુજરાતી એમના ઍવૉર્ડને પાત્ર ગણાય – ફૉર ધૅમ ઇટ રીમેઇન્સ અ મૅટર ઑફ કરેક્ટ ઇન્ફર્મેશન. હા, એ માહિતી એમને પસંદગીસમિતિ આપતી હોય છે, પણ એ માહિતી કેટલી કરેક્ટ હોય છે એ પ્રશ્ન ઊભો રહે છે.

સંસ્થાઓએ ઝોન પાડ્યાં હોય છે. પદાધિકારી કહેતો હોય છે – હમારા ઍવૉર્ડ ગત સાલ તો ગુજરાતી કો દિયા ગયા થા; હમારી પૉલિસી હૈ કિ પુનરાવર્તન નહીં કરના …

Pic courtesy : Alamo

ઝોન પાડ્યા હોય છે એટલે અન્તિમ નિર્ણાયક સમિતિમાં એ ઝોનમાં આવતી બીજી ત્રણેક ભાષાના સભ્યો પણ હોય છે. બહુ સ્વાભાવિક છે કે એ દરેક સજ્જન પોતાની ભાષાના સાહિત્યકારનું પૂંછડું તાણે. પરન્તુ ત્યારે કૃતિના પ્રાણને વર્ણવી બતાવવાનું કામ અધ્ધર રહી જાય છે, એટલે કે, સહૃદયી પ્રતિભાવ તો બચારો ક્યાં ય ખૂણે બેસી રડમસ થઈ ગયો હોય છે.

ત્યારે મેં સહૃદયી પ્રતિભાવ અને સમ્યક સમીક્ષા કરીને સૌને સમજાવેલું કે – જુઓ મહેરબાનો, આ બધા પ્રસ્તાવોમાં ‘કુરુક્ષેત્ર’ કૃતિ ઉત્તમ છે; સમજાવેલું કે નવલકથાનાં સર્વમાન્ય અને વ્યાપક ધૉરણે આ કૃતિ કેવી રીતે ઉત્તમ ઠરે છે. આ વર્ષે, કે.કે. બિરલા એના લેખકને જ મળવો જોઇએ. અને, તે વર્ષે દર્શકને અપાયેલો. મને નથી ખબર કે ‘કુરુક્ષેત્ર’-નો કોઈ ભારતીય ભાષામાં અનુવાદ થયો હોય, કે એને વિશે કશું નૉંધપાત્ર લખાયું હોય. (કોઈ જણાવશે તો આભારી થઇશ).

એમાંથી જ સવાલ પ્રગટે છે કે ઇનામો-ઍવૉર્ડો કૃતિના પ્રસારને પ્રેરે છે કે ત્યાં જ ‘ઇતિસિધ્ધમ્’ થઇ જાય છે.

વાતનો સાર પકડવાનો છે. એ કે ઇનામો-ઍવૉર્ડોને સહૃદયી પ્રતિભાવ ગણાય નહીં. મોટેભાગે એ મૅનુવરિન્ગ કે મૅનેજમેન્ટ હોય છે. અથવા એ એવું બૅટલફીલ્ડ છે જ્યાં જીતવાનું સહૃદયી નિર્ણાયક માટે અતિ કઠિન જ નહીં, અશક્ય હોય છે.

વાતનો બીજો સાર પણ છે; એ કે ઍવૉર્ડીએ પણ એને જીવનસિદ્ધિ ગણીને બીજાઓને ભરમાવવાની જરૂરત નથી; ફુલાઈને ઍવૉર્ડની તક્તીને પંપાળતા રહીને કીર્તિના અભયારણ્યમાં પડી રહેવાની પણ જરૂર નથી. એણે સર્જન / લેખન કરવું રહેશે, એને યાદ રહેવું જોઇશે કે પોતાની ભાષાના સાહિત્યકારો વચ્ચે જ પોતે ‘મહાન’ છે અને તેમની જોડે સહભાગી રહેવું એ બહુ મોટું દાયિત્વ છે. બીજાઓ કહેશે – તને છતરી મળી ગઈ એટલે ભર વરસાદમાં તું તો સડક વચ્ચેથી હરખાતો હરખાતો હાલ્યો જઉં છું પણ જેમની પાસે ન્હૉતી તેઓ તો દુકાનોમાં ચાલી ગયા છે, એમનું શું?

પ્રાદેશિક ભાષાના સાક્ષર માટે મારે હજી તો ઘણું કહેવાનું બાકી છે.

ઇનામ-ઍવૉર્ડ નામનું ગાજર આજના જમાનામાં ઝૅરી છે એટલું સમજાય તો બસ છે. બે-ચાર સહૃદયી મળે એના જેવું અ-મૃત સાહિત્યકાર માટે શું હોઈ શકે?

= = =

(Dec 12. 2022 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,3041,3051,3061,307...1,3101,3201,330...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved