Opinion Magazine
Number of visits: 9669865
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઈલાબેન*- એક પ્રસંગની કવિતા 

બ્રિજેશ પંચાલ|Poetry|14 December 2022

 

 

 

 

 

 

 

•

ઈલાબેન! તમે એ દિવસે અદ્દભુત કામ કર્યું.

સાહિત્યકારોને તદ્દન નવો શબ્દ શોધવાનું કામ ધર્યું! 

ને એ પણ પરિસ્થિતિને આધીન બનેલા

પ્રસંગમાંથી શોધવા કહ્યું! 

તમે પહેલાં કીધું – 

                   “સંવેદનાને જોડું છું વેદના સાથે.”   

પછી કીધું – 

                   “વેદના એટલે પીડા હોય … તો તો એ છે સિક્કાની એક જ બાજુ.” 

ઈલાબેન! બીજી કઈ બાજુ?

તમે બોલ્યાં’તાં – 

    “સ્ત્રીને પ્રસૂતિ થાય એ ઘડીએ થતી વેદનાનો પર્યાય ખુશી!” 

એનો મતલબ તમે આને કદાચ બીજી બાજુ કીધી?

થોડું વિચારવું પડે એવી વાત તમને સૂઝી છે.

જે અદ્દલ બંધ પટારાની ન મળતી કૂંચી છે. 

બીજું બધું જાવા દ્યો. પહેલાં એ તો કહો, બેન!

આ નવો શબ્દ શોધવાની જરૂરિયાત કેમ ઊભી થઈ? 

ઘણા વખતથી બનતા પ્રસંગને આબેહૂબ વર્ણવવા કોઈ શબ્દ નહોતો મળતો,

કે પેલો પ્રસંગ બન્યો એટલે જ. 

આવું તો બન્યા કરે … તમ તમારે મોજ કરો મોજ.

બાકી કરાવવી હોય તો કરાવો એક નવા શબ્દની ખોજ.

પણ તમારી વાતે ય સાચી, આવો તે પ્રસંગ ભૂલાય!   

તમારી આજ્ઞા સાથે આ લોકો વચ્ચે એ પ્રસંગ, તમે કહો તો જ ખોલાય! બાકી … 

કહી દઉં? એમ! તો લ્યો … 

કાળા ડમ્મર રોડ વચાળે બેસીને 

બિચારાં ચંપાબેન રોજ વેચતાં’તાં અવનવો સામાન. 

એમને ક્યાં જાણ હતી? એકદમ આવી જશે ખાખીવેશમાં શેતાન. 

જે કરી નાખશે વેરવિખેર એમનો સામાન. 

ખાખીવેશધારી આમ તો નિભાવી રહ્યા’તા એમની ડ્યૂટી. 

બસ ખાલી એમની રીત હતી ખોટી. 

સાહેબે બધાં ઉપર ધાક જમાવવા

ફક્ત ચંપાબેનની જ બધી વસ્તુ રોડ પર ખુલ્લેઆમ ઝીંકી.

આટલું કરીને જતા રહ્યા ખાખીવેશધારી. 

પણ ચંપાબેન તો ગુસ્સામાંને ગુસ્સામાં સામાન પડતો મૂકી, 

સેવાવાળા ઈલાબેનને મળવા ચાલી. 

કોઈને કીધા વિના અડી ગયાં ચંપાબેન ઓફિસમાં ને કરી ફરિયાદ. 

વિગત સાંભળી સૌએ કીધું – 

                           “આ તો છે ખોટી વાત!” 

ત્યાં ચંપાબેને પકડ્યો ઈલાબેન, જોરથી તમારો હાથ. 

ને પકડી પોલીસ સ્ટેશનની વાટ,

તમે એમના પક્ષમાં રહીને, મોટા સાહેબને આવું ખોટું કરવાનું કારણ પૂછ્યું,

ત્યારે ચંપાબેને ક્યારનું આવેલું આસું લૂછ્યું. 

ચંપાબેનને મળી હિંમત … ને એ હિંમતમાંને હિંમતમાં જ તમારો હાથ – 

એમણે એવો ઝાલ્યો … 

                     એવો ઝાલ્યો … 

                                       એવો ઝાલ્યો …

કે એમના વાગેલા નખથી હાથ તમારો આખો લોહીલુહાણ થવા આવ્યો.

આ જોઈને ખાખીવેશધારી મૂંઝાયા, બે હાથ જોડ્યા.

ને બોલ્યા – 

             “માફ કરજો, બેન!”  

આ સાંભળી ચંપાબેન તમને ભેટીને, 

એવા રડ્યાં … 

                એવા રડ્યાં … 

                                 એવા રડ્યાં …

કે તમે હાથમાં વાગેલા જખ્મો ભૂલ્યા.

ઓહો … એટલે તમે ઇચ્છો છો કે 

સાહિત્યકારો દ્વારા આવી પરિસ્થતિને એક જ શબ્દમાં કહેવા માટે

કોઈ નવો નક્કોર શબ્દ શોધાય!

પણ બેન! તમે આ જે બન્યું એને સંવેદના ય કહેતા નથી અને વેદના ય નહિ!

તો શું કહીશું? 

હું કહું?   

મને કહો – 

          “વિજ્ઞાન માટે ઊભા થયેલા પ્રશ્નનો ઉકેલ શોધી કાઢે એને શું કહેવાય?”  

વૈજ્ઞાનિક … બરોબર!

તો બેન આ વેદના માટે ઊભા થયેલા પ્રશ્નો ઉકેલે, એને – 

“વૈદનાનિક” કહેવાય ને? 

એટલે ટૂંકમાં તમે શોધવા કીધેલા શબ્દ વિશે, એક જ શબ્દ કહી શકાય, ને એ છે – 

વૈદનાનિક 

            વૈદનાનિક

                           વૈદનાનિક

તમે વૈદનાનિક હતાં, છો અને રહેશો …

•

*ઈલાબેન ર. ભટ્ટ (સામાજિક કાર્યકર્તા અને ‘સેવા’ સંગઠનનાં સ્થાપક.) સાથે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા યોજાયેલ સુરત ખાતેના ૩૦માં જ્ઞાનસત્રમાં થયેલ જાહેર સંવાદ સાંભળ્યા બાદ લખાયેલી કવિતા. અહીં દર્શાવેલ ચંપાબેન નામ કાલ્પનિક છે.

(“પરબ” – ડિસેમ્બર:૨૦૨૨, પૃષ્ઠ:૧૮થી ૨૦)
સંપર્કઃ e-mail: panchalbrijesh02@gmail.com

Loading

મહેન્દ્રભાઈ મેઘાણીને ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર ‘પરબ’ ની અંજલિ –

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|14 December 2022

લોકોત્તર વાચન પ્રસારક મહેન્દ્ર મેઘાણીનું અવસાન 3 ઑગસ્ટ 2022ની સાંજે થયું. તેમને અંજલિ આપતો લેખ ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર ‘પરબ’ના  10 નવેમ્બર 2022 બહાર પડેલા અંકમાં આવ્યો. પોણા ત્રણ પાનાનો લેખ સવા ત્રણ મહિને પંદરમા ક્રમે આવ્યો.

— આ અંગે કેટલાક સવાલ : 

•    ગુજરાતી સાહિત્યને સાત દાયકાથી જનસામાન્ય સુધી લઈ જનાર મહેન્દ્રભાઈ પરનો અંજલિ લેખ ગુજરાતી સહિત્યનું પ્રતિનિધિત્વ કરનાર સંસ્થાના માસિકમાં આટલો મોડો આવે તે બાબત સાહિત્ય પરિષદને અને એકંદર સાહિત્ય જગતને ઉચિત લાગે છે ખરી ? 

•    આ વિલંબમાં સંપાદકનો ફાળો ખરો ? ‘પરબ’ ની પરામર્શન સમિતિ કે સાહિત્ય પરિષદના હોદ્દેદારોને આ વિલંબમાં કંઈ અનુચિત લાગ્યું ખરું? જો લાગ્યું  હોય તો તેમણે એ અંગે કશું કહ્યું કે કર્યું ખરું ? 

• ઑગસ્ટના જ અંકમાં ‘યંત્ર પર જતાં’ અંજલિ નોંધ મૂકવી એ ક્ષમતાની અપેક્ષા અને શક્યતા બંને ‘નિરીક્ષક’ના તંત્રી સિવાય બીજા મોટા ભાગના તંત્રીઓ પાસે રાખવી એ કદાચ વધારે પડતું ગણાય. પણ ઑગસ્ટના 27 દિવસ દરમિયાન,અને સપ્ટેમ્બર અને ઑક્ટોબરના આખા મહિનામાં ‘પરબ’ મહેન્દ્રભાઈ વિશે કોઈ સામગ્રી કેમ જોગવી ન શક્યું ? 

• સંપાદકને સપ્ટેમ્બરના અંકના તેમના પોતાના લેખમાં ‘પ્રાણવંતા પૂર્વજો’ યાદ આવ્યા હોય તો એક વાચનવંતા સમકાલીન યાદ આવે એવી અપેક્ષા ન રાખી શકાય? સંપાદકના લેખમાં ભારતીય સાહિત્યના અરધો ડઝન પ્રગતિશીલ લેખકોના ઉલ્લેખો આવે છે. ‘આંબેડકરના વંશજ’ અને ‘માનવઅધિકારી’ કર્મશીલોની સંપાદકને ચિંતા થાય છે. આવા સંપાદકને મેઘાણીના વંશજ અને ગાંધીના ભેખધારી મહેન્દ્રભાઈ યાદ આવે એવી અપેક્ષા ન રાખી શકાય? ‘બળાત્કારીઓ મુકત થયાં’ તેનો સંપાદક સખેદ સુયોગ્ય ઉલ્લેખ કરે છે. આ રીતે આ લેખમાં (અને ‘પરબ’ ઉપરાંત પણ અન્ય અનેક જગ્યાએ) જાગૃત તંત્રી પોતાની ઊંડી સામાજિક નિસબત સતત વ્યક્ત કરતાં રહે છે. પણ તેમની કલમે સપ્ટેમ્બરના અંકમાં મહેન્દ્રભાઈની સામાજિક નિસબત તો જવા દો પણ તેમના નામનો ઉલ્લેખ સુદ્ધાં કેમ આવતો નથી એવો સવાલ ન થાય? 

• ઑક્ટોબરના અંકમાં પણ સંપાદકના અગ્રતાક્રમમાં મહેન્દ્ર મેઘાણી ન હતા એમ ધારી શકાય?   

• મહેન્દ્રભાઈને અંજલિ આપવા માટે 8 ઑગસ્ટે પરિષદ સહિત પાંચ રિપીટ પાંચ, સંસ્થાઓએ મળીને સભા કરી. તેના અપૂરતાં કમ્યુનિકેશન, અને તેમાં જોવા મળેલી પચીસથી ઓછી વ્યક્તિઓની હાજરી અંગે શું કહી શકાય ? 

• સતત કાર્યરત જીવન જીવીને વાચકોના ભાવજીવનને સ્વસ્થ, ઉજળું રાખનાર મહેન્દ્રભાઈને યાદ કરવા માટેની સભા દરમિયાન સતત ‘શોકાંજલિસભા’ એવો મૉર્બિડ — રુગ્ણતાભર્યો, શબ્દ વપરાતો રહ્યો, એટલું જ નહીં તે સપ્ટેમ્બરના ‘પરિષદવૃત્ત’ના મથાળામાં પણ ચાલુ રહ્યો. સંપાદકને પણ આ શબ્દ યોગ્ય લાગ્યો એમ માની શકાય? 

• ‘પરિષદવૃત્ત’માં સ્મરણસભાની નોંધ માત્ર 75 જેટલા, રિપીટ પંચોતેર જેટલા શબ્દોની હતી, જેમાં સાત ‘શ્રી’ અને પચીસેક શબ્દો વિશેષનામો હતા. વાચકો, સંપાદક, પરિષદ અને અન્યોને આવી નોંધ યોગ્ય લાગે છે ? આ સભાને આધારે સંપાદક કંઈ વિશેષ કરવા કે કરાવવાની સૂઝ ન દાખવી શક્યા હોત ? 

• સપ્ટેમ્બરના અંકના પરિષદવૃત્તમાંની પંચોતેર શબ્દોની આ નોંધથી શું સંપાદક એટલા સંતુષ્ટ  થયા કે પછી તેમને બે મહિના સુધી મહેન્દ્રભાઈને યાદ કરવાની જરૂર જ લાગી? ઓછા જાણીતા હોય તેવાં સામયિકોએ પણ મહેન્દ્રભાઈને પોતાની રીતે સમયોચિત અંજલિ આપી હતી એ સંપાદકના ધ્યાનમાં આવ્યું જ હોય ને ? 

• સામયિક શબ્દનો સંબંધ સમસામાયિકતા અને સમયોચિતતા સાથે છે એ સંપાદક સુપેરે જાણતા હોય જ ને ? ફ્રેન્ચ લેખક એની અર્નોને 6 ઑક્ટોબરે નોબલ પુરસ્કાર જાહેર થાય છે. 10 નવેમ્બરે બહાર પડેલા ‘પરબ’માં સંપાદક અર્નો વિશે લખે છે. તેનું મથાળું છે ‘બાબુ સુથારના ઘરે કંસાર’. તેના ઉઘાડનો આખો પહેલો ફકરો વ્યક્તિલક્ષી કૃતક સંદર્ભ સાથે બાબુ સુથારને ફાળવ્યો છે. અર્નોની ફ્રાન્સના જાહેરજીવનમાં જોવા મળેલી ‘વંદનીય’ ‘સામાજિક નિસબત’નો ઉલ્લેખ લેખમાં છે. પણ સંપાદકને મહેન્દ્રભાઈનું સામાજિક નિસબત સાથેનું અક્ષરકર્મ ‘પરબ’ કે પરિષદના સંદર્ભમાં ક્યારે ય યાદ આવ્યું હશે ખરું ? 

• ગુજરાતી સાહિત્ય પરિષદના ગુજરાતી માસિકના સંપાદક ફ્રાન્સના એની અર્નોના પ્રદાનને પોંખે છે અને મહેન્દ્ર મેઘાણીને ઉવેખે છે એવું માનવાનું ? કે પછી અર્નો વિશે લખવાથી એમની છાપ વિશ્વસાહિત્યના નિરીક્ષક એવા બહુશ્રુત સંપાદક તરીકે પડશે એવું સંપાદક માને છે એમ આપણે માનવાનું ? કે પછી સામયિકની સામયિકતા અંગે સંપાદક પોતાની સ્વાયત્તતા સર્વોપરી છે અને પરિષદ પણ તેમની એ સ્વાયત્તતાને બહાલી આપે છે એમ આપણે માનવાનું ? 

• દસમી નવેમ્બરે બહાર પડેલાં ‘પરબ’ના અંક વિશેની આ નોંધ અત્યારે શા માટે ? – એવો સવાલ થતો હોય તો, ત્રીજી ઑગસ્ટે અવસાન પામેલા મહેન્દ્ર મેઘાણીને શ્રદ્ધાંજલિ આપતો લેખ  દસમી નવેમ્બરે  બહાર પડેલા અંકમાં શા માટે એવો  સવાલ પણ થવો જોઈએ.

13 ડિસેમ્બર 2022
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બોરડમ આપણો જન્મસિદ્ધ અધિકાર છે!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|13 December 2022

એક ‘વિચિત્ર’ કેસમાં, ફ્રાન્સના એક માણસને ત્યાંની અદાલતે કામ કરતી વખતે ‘બોર થવાનો’ અધિકાર આપ્યો છે. પેરિસની એક મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મમાં કામ કરતા આ માણસને એટલા માટે નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો, કારણ કે તેણે કંપનીના એ પ્રોગ્રામમાં જોડાવાની ના પાડી હતી, જેમાં કર્મચારીઓને દર અઠવાડિયે, કામકાજના કલાકો પછી, મોજ-મસ્તી કરાવવામાં આવે છે, જેથી તેઓ કામમાં બોર ન થાય અને વધુ સારું કામ આપી શકે.

કંપનીએ તેની પર આરોપ મુક્યો હતો કે તે બોરિંગ માણસ છે અને કોઈનું સાંભળતો નથી. પેલો અદાલતમાં ગયો હતો અને કહ્યું હતું તે કંપનીની ‘ખુશ’ થવાની રીત સાથે સંમત નથી અને પોતે જો ‘બોરિંગ’ હોય, તો તે તેનો અધિકાર છે અને તેને બળજબરીથી ખુશ કરી ન શકાય. અદાલતે તેની દલીલ મંજૂર રાખી હતી અને કંપનીને વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.

સમાચાર આટલા જ છે. કેસની બીજી વિગતો જાહેર થઇ નથી. કંપનીએ તેને કાઢી મુકવા માટેનાં બીજાં ક્યાં કારણો રજૂ કર્યા હતાં એ પણ આપણને ખબર નથી. કંપનીની ‘ખુશ’ રહેવાની વ્યાખ્યા શું છે તે પણ સમાચારમાં નથી. આપણા માટે એક જ વાત ધ્યાન આપવા જેવી છે કે પેલો માણસ બોર હતો અને કંપની તેને ‘ખુશ’ કરવા મથતી હતી. આવું બનતું હોય છે.

2016માં, સ્કોટલેંડના પર્થશાયર શહેરમાં, એક શિક્ષિકાને એટલા માટે છોકરાં ભણાવામાંથી ‘ઉઠાડી’ દેવામાં આવી હતી કારણ કે તે બોરિંગ છે તેવી વિધાર્થીઓએ ફરિયાદ કરી હતી. બીજાં બધાં કારણો પણ હતાં જ, પણ સ્કોટલેંડની ટીચિંગ કાઉન્સિલે એ વાત પણ નોંધી હતી કે શિક્ષિકાનું ભણાવાનું એટલું ‘શુષ્ક અને એકવિધ’ હતું કે છોકરાઓમાં ઉત્સાહ જ આવતો ન હતો.

આ બંને કિસ્સામાં, અભિપ્રેત ખયાલ એવો છે કે બોરિંગ હોવું એ ‘અપરાધ’ છે. બોરિંગનો વિરોધાર્થી રસિક છે. જે રસિક નથી તે બોરિંગ છે એવું આપણે માનીએ છીએ. વાસ્તવમાં, બોરિંગ હોવું એ ઓબ્જેક્ટિવ ગુણ નથી, સબ્જેક્ટિવ છે. ધારો કે તમે આ વાંચીને એવું કહો છો કે લેખ બોરિંગ છે, પણ બીજો કોઈ વાચક તેને ઉત્તમ ગણે છે. એનો અર્થ એ થયો કે તમારી પસંદનું અથવા તમે જેણે રસિક કહો છો તેવા મતલબનું લખાણ આ લેખમાં નથી, પણ એ જ લખાણ બીજા વાચકને રસપ્રદ લાગે છે કારણ કે તેની પસંદગી એમાં ઝળકે છે. જે ફિલ્મ તમને બોરિંગ લાગે છે તે બીજાને રસપ્રદ લાગે છે.

બોરિંગ હોવું અને રસિક હોવું બંને સ્વતંત્ર ગુણ નથી, તે જોવા-અનુભવવાવાળી વ્યક્તિની માનસિકતા પર નિર્ભર કરે છે. ઘણીવાર માણસો પોતે પણ બોરડમનો અનુભવ કરતાં હોય છે. બોરડમ ઉત્તેજનાના અભાવમાંથી આવે છે. ગમે તેટલો ઉત્તેજક અનુભવ હોય, તેનું સુખ એક અવધિ પછી રૂટિન થઈ જાય છે, તેની નોવેલ્ટી ખતમ થઈ જાય છે, અને પછી તમને તેનો કંટાળો આવવા લાગે છે. દરેક સુખ રૂટિન થઈ જાય, પછી આપણને પ્રશ્ન થાય છે; બસ આટલું જ? જ્યાં સુધી આપણને એમ થતું રહે કે હું અત્યારે જે કરું છું, તેના કરતાં વધુ દિલચસ્પ બીજું કંઈક છે, ત્યાં સુધી બોરડમથી પીછો છોડાવવો અઘરો છે. બોરડમને દૂર કરવાના તમામ પ્રયાસો છેવટે આપણને બોરડમમાં જ લઈ જાય છે. આપણે શેરડીના રસના સંચા જેવા છીએ. કુચ્ચામાંથી રસ કાઢ-કાઢ કરીએ છીએ, અને પછી તેને ફેંકી દઈને બીજો સાંઠો પીલીએ છીએ.

બોરડમ એટલે શું? બોરડમ એટલે વિચારનું સતત રિપીટેશન. ગમે તેટલો ફેન્ટાસ્ટિક વિચાર હોય, એ બહુ ઝડપથી ‘જૂનો’ થઈ જાય છે, અને એનો કંટાળો આવવા લાગે છે. તમે ગમે તે કરો, વિચારની સાઈકલમાંથી મુક્ત થવું અશક્ય છે. એટલે તમે મંદિરમાં, સિનેમા થિયેટરમાં કે દારૂના પીઠામાં જઈને બેસી જાઓ છો, જેથી વિચારોના કન્વેયર બેલ્ટ પરથી ઘડીવાર ઉતરી શકાય.

આપણને સતત નવો અનુભવ કરવો છે, જેથી બોર ના થઇ જવાય, પણ દરેક અનુભવ તેની નિશ્ચિત અવધિ પછી નવીનતા ગુમાવી દે છે, અને તમારા બોરડમનો કન્વેયર બેલ્ટ પાછો ચાલુ થઈ જાય છે. બોરડમ તળિયા વગરના કૂવા જેવું છે. તમે એમાં ગમે તેટલાં એન્ટરટેઇનમેન્ટ અને ઍકસાઈટમેન્ટ નાખતા રહો, એ ભરાય જ નહીં.

વાસ્તવમાં, આ નકારાત્મક લાગતી વાત એક રીતે સકારાત્મક છે. ન્યુરોસાયન્સ કહે છે કે બોરડમ તંદુરસ્ત ભાવ છે. તે સર્જનાત્મકતાને પ્રેરે છે. આપણને એક ચીજમાં કંટાળો આવે છે એટલે આપણે બીજું કશું કરવા પ્રેરાઈએ છે. એકટર શાહરૂખ ખાને એકવાર કહ્યું હતું કે, “હું ડિપ્રેશનને ટાળવા એક્ટિંગ કરું છું.” અમિતાભ બચ્ચન આટલી ઉંમરે પણ 15 કલાક કામ કરે છે કારણ કે કામ કર્યા વગર તે ઉબાઈ જાય છે.

દુનિયામાં જેટલી પણ મહાન શોધખોળો થઇ છે તે બોરડમમાંથી થઇ છે. માણસ જ્યારે ગુફામાં બેઠો-બેઠો બોર થતો હતો એટલે ગુફાની દીવાલો પર ચિત્રો દોરતો થયો હતો, એ બહાર નીકળીને પર્વતો ચઢવા ગયો હતો, દરિયો તરવા ગયો હતો, આકાશમાં તારાઓ જોઇને કલ્પનાઓ ઘડતો થયો હતો. બાળકો હંમેશાં કંટાળો આવતો હોવાની ફરિયાદ કરતાં હોય છે અને પેરેન્ટ્સને ખબર હોય છે તતેને કોઈ ગમતી પ્રવૃત્તિમાં પરોવી દઈએ તો તેમની સર્જનાત્મકતા ખીલી ઊઠે છે. હવે તો એ ભારતમાં પ્રતિબંધિત છે, પણ તમને ટિક-ટોકની રીલ્સ ખબર છે ને? તેમાં જે જાત-ભાતની કળા-કારીગરી અને પ્રતિભાનું પ્રદર્શન થતું હતું તે મૂળભૂત રીતે બોર થઇ રહેલા યુવાનોની સર્જનાત્મકતા હતી.

ઘણીવાર વ્યસ્ત રહેવાનો ફાયદો એ હોય છે કે “મને આમ ફીલ થયું અને તેમ ફીલ થયું” એવું અનુભવવા કે કહેવાનો સમય જ ન હોય. ફીલિંગ્સ તાકતવર હોય છે તે સાચું, પરંતુ મગજ વ્યસ્ત હોય તો તેની તીવ્રતા દબાયેલી રહે છે. અનેક અભ્યાસોમાં એ સાબિત પણ થયું છે પ્રોડકટિવ વ્યસ્તતા નકારાત્મક કે પીડાદાયક ફીલિંગ્સ પર હાવી થઈ જાય છે અને વ્યક્તિને ખુશીનો અહેસાસ કરાવે છે. આપણે પ્રવૃત્તિમાં વ્યસ્ત ન રહીએ ત્યારે વધુ પડતા વિચારો કરવા લાગીએ છીએ અથવા વિચારવાનું જ બંધ કરી દઈએ છીએ. બંને સ્થિતિમાં લાંબા ગાળે આપણે જીવનની વ્યર્થતાનો અનુભવ કરતા થઈ જઈએ છીએ. પ્રવૃત્તિ આપણને સાર્થકતા બક્ષે છે.

જર્મન ફિલોસોફર માર્ટિન હેઈડેગરે બોરડમ પર બહુ ચિંતન કર્યું હતું. તેણે કહ્યું હતું કે બોરડમનો અનુભવ ઉત્તમ છે. હેઈડેગરના મતે બોરડમ આપણને આપણા અસ્તિવને સમજવા માટે પ્રેરે છે. તે કહેતો કે આપણે સતત આપણી જાતને વ્યસ્ત રાખીએ છીએ, પણ એ વ્યસ્તતાની નીચે આપણને આપણા જીવનનો અસલમાં કોઈ અર્થ છે કે નહીં તેવો સવાલ સતાવતો રહે છે. બોરડમ આપણને આપણા જીવનની અસલિયત સાથે પરિચય કરાવે છે એટલે એ ઉમદા ભાવ છે, એમ તેણે કહ્યું હતું.

બોરડમનો ઉપાય જિજ્ઞાસા છે. આપણે જો કોઇ પણ ચીજમાં ગહન દિલચસ્પી લઈએ, તો બોર થવું અશક્ય છે. દિલચસ્પી સમજણમાંથી આવે. કોઈ ચીજને આપણે જેટલી સમજીએ, તે એટલી જ દિલચસ્પ થતી જાય અને સમજવા માટે ઊંડા ઉતરવું પડે. આ સાઇકલ છે. ગહનતામાં દરેક ચીજ અર્થપૂર્ણ હોય છે. એ ફાલતુ ત્યારે લાગે, જ્યારે આપણે ઉપરછલ્લી રીતે કનેક્ટ થઈએ.

ઇન ફેક્ટ, આધુનિક સમયમાં આપણે એટેન્શનના કુપોષણથી પીડાઈએ છે. આપણો એટેન્શન-સ્પાન બહુ ઓછો થઈ ગયો છે. આપણે જીવનને સાર્થક બનાવે તેવી વ્યક્તિઓ અને વસ્તુઓ પર પૂરી એકાગ્રતા કેળવી શકતા નથી, કારણ કે જે સાર્થક છે તે ગહન છે અને જે ગહન છે તે સમય, ઉર્જા અને એકાગ્રતા માગે છે, જેની આપણી પાસે અછત છે. આપણને બોરડમનો આનંદ ઉઠાવતાં આવડી જાય પછી તે બોરડમ રહેતું નથી.

પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”, 11 ડિસેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,3031,3041,3051,306...1,3101,3201,330...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved