Opinion Magazine
Number of visits: 9458688
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાષ્ટ્રકુળ રમતોત્સવ : જીત અને પાઠ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|9 August 2022

રાષ્ટ્રકુળ (કૉમનવેલ્થ) રમતોનો પૂર્ણાહૂતિ સમારંભ આજે બપોરે બાર વાગ્યે યોજાશે. આ સ્પર્ધાઓમાં આપણા દેશના મહિલા અને પુરુષ ખેલાડીઓ 22 સુવર્ણ ચન્દ્રક, 16 રૌપ્ય 23 કાંસ્ય એમ કુલ 61 ચંદ્રકો જીત્યાં.

આ રમતોત્સવ થકી આપણે એવા ભારતને, અને આ દેશના એવા ખેલાડીઓને જાણતા થયા કે જેમને કદાચ આપણે ક્યારે ય ન જાણી શક્યા હોત. વળી આ ખેલાડીઓના કેટલાક કિસ્સાઓ પરથી જિંદગીના પાઠ ભણવા મળ્યા.

• આફતો અટકાવી ન શકે : વેઈટલિફ્ટિન્ગ કેડ ભાંગી નાખનારી રમત છે, અને તેના મોટા ભાગના ખેલાડીઓ ગરીબ પરિવારોના હોય છે.

હરજિન્દર જમીનવિહોણા ખેડૂતની દીકરી છે. તેના બાવડા ચૅફ-કટિન્ગ મશીન પર કામ કરીને મજબૂત બન્યાં છે.

અત્યારે 20 વર્ષના અચિન્તા શેઉલીના પેડલરિક્ષા ચલાવનાર પિતા અવસાન પામ્યા ત્યારે તે દસ વર્ષનો હતો. પછી તે ખેતમજૂરી અને ભરત-ગૂથણનું કામ કરીને પેટિયું રળતાં વેઇટ લિફ્ટન્ગની સાધના ચાલુ રાખીને સુવર્ણ ચન્દ્રક જીત્યો. તેની સાથેના ગુરુરાજા પૂજારીના પિતા લારી ખેંચતા.

રૌપ્ય ચન્દ્રક લાવનાર સંકેત સાગરના પિતાનો ચાનો ગલ્લો છે જેની પર નાનપણમાં સંકેત પણ બેસતો.

• ઇજા પર જીત :  ખૂન-પસીના-દર્દ વેઈટલિફ્ટરની જિંદગીનો હિસ્સો હોય છે. બે વેઈટલિફ્ટર્સ તેમની ઇજાને કોરાણે મૂકીને ચન્દ્રકો જીત્યા. મિઝોરામનો જેરેમિ લાલરિનુંગા હજુ તો 19 વર્ષનો છે. તે સખત  પીડા અને  ક્રૅમ્પ્સ સહન કરીને સુવર્ણ ચન્દ્રક લાવ્યો.

મહારાષ્ટ્રના સાંગલીનો સંકેત ખભો ઊતરી  ગયેલી હાલતમાં રૌપ્ય  ચન્દ્રક જીત્યો. ઇજા  પામનારા માત્ર  વેઇટલિફ્ટર્સ જ નથી. જેમ કે મણિપુરની જુડો ખેલાડી સુશીલા દેવી જમણા પગે અને ઢીંચણે આવેલા ટાંકાની પરવા કર્યા વિના રૌપ્ય ચન્દ્રક  જીતી.

• પરિવારનો ટેકો મોટો : અચિન્તાના મોટાભાઈ આલોકે વેઈટલિફ્ટિન્ગમાંની પોતાની મહાત્ત્વાકાંક્ષાને જતી કરીને ભાઈને પ્રોત્સાહન આપ્યું, અને એટલે અચિન્તાએ તેનો ચન્દ્રક ભાઈને અર્પણ કર્યો.

સુવર્ણ ચન્દ્રક જીતનાર બૉક્સર નીતુ ઘંઘાસના પિતાએ દીકરીની રમતની તાલીમ સારી રીતે ચાલી શકે તે માટે ત્રણ વર્ષની પગાર વિનાની રજા લીધી. લાંબી કૂદમાં રૌપ્ય ચન્દ્રક જીતનાર મુરલી શ્રીશંકરે તેનો ચન્દ્રક પિતાને અર્પણ કર્યો છે.

• ધીરજનાં ફળ મીઠાં : ઊંચી કૂદના ખેલાડી તેજસ્વીન શંકરને પહેલાં તો કૉમનવેલ્થ ગેમ્સની  ટુકડીમાંથી બાકાત રાખવામાં આવ્યો હતો. દિલ્હીના આ 23 વર્ષના ખેલાડીને અદાલતમાં જવું પડ્યું. રમતોત્સવનો ઉદ્દઘાટન સમારંભ તેણે ભારતમાં બેસીને જોયો. તેને ઘણી માનસિક યાતના વેઠવી પડી. આખરે અદાલતના આદેશથી રમતમાં ભાગ લઈ શકેલો તેજસ્વીન રાષ્ટ્રકુલ રમતોમાં ઊંચી કૂદમાં ચન્દ્રક જીતી લાવનાર દેશનો પહેલો ખેલાડી બન્યો.

• નવો ઘોડો નવો દાવ : લૉન બૉલ રમતની કપ્તાન રૂપા રાણી તિર્કી એક જમાનામાં કબડ્ડીની ખેલાડી હતી અને નયનમોની સાઇકિયા વેઇટલિફ્ટર અને લવલી ચૌબે સ્પ્રિન્ટર હતી. પિન્કી સિંગ ક્રિકેટ રમતી હતી.

આ ખેલાડીઓ તેમની પહેલાં પસંદ કરેલી રમતમાં એક યા બીજા કારણસર કારકિર્દી બનાવી શકી નહીં. પણ તેઓ એક નવી રમત લૉન બૉલમાં પરોવાઈ અને સુવર્ણ ચન્દ્રક જેવી મોટી સિદ્ધિ હાંસલ કરી. હરજિન્દર કૌર કબડ્ડીમાંથી વેઈટલિફ્ટન્ગ તરફ વળી.

• ઉંમર તો માત્ર એક આંકડો છે : લૉન બૉલ વિજેતા ટીમની પિન્કી અને લવલી 42 વર્ષની છે. ટેબલ ટેનિસમાં સુવર્ણ જીતનાર અચન્તા શરથ કમલ 40 વર્ષની ઉંમરે પણ બેમિસાલ છે. કૉમવેલ્થ ગેમ્સમાં સ્ક્વૅશની રમતમાં મિક્સ્ડ ડબલ્સમાં કાંસ્ય ચન્દ્રક જીતનાર પહેલો ભારતીય ખેલાડી સૌરવ ઘોશાલનો આજે છત્રીસમો જન્મદિવસ છે.

*****

ઘણાં વિજેતાઓ ખૂબ અંતરિયાળ ગામો અને નાના કસબામાંથી આવે છે. તેમાંથી કેટલાક પૂનાની આર્મી સ્પોર્ટસ ઇન્સ્ટિટ્યૂટ અને પતિયાળાની નેતાજી સુભાષ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પોર્ટસમાં તાલીમ પામેલા છે. કેટલાકને સરકારની Target Olympic Podium Scheme (TOPS) જેવી યોજનાનો લાભ મળ્યો છે. આ બાબત છે રમતક્ષેત્રે અને ખાસ કરીને પૈસો-પ્રસિદ્ધિ,ચમકદમક ન હોય તેવી રમતોમાં સરકારના ટેકાની મહત્તા બતાવે છે.

લાંબી વિઘ્નદોડ જેવી સ્ટીપલચેઇઝ સ્પર્ધામાં કેન્યાને અત્યાર સુધી ભાગ્યે જ કોઈ હરાવી શક્યું હતું. આ દોડની શ્વાસ ઊંચો કરી દેનારી હરીફાઈમાં મહારાષ્ટ્રના બીડ જિલ્લાના માંડવા ગામના, ખેડૂતપુત્ર અવિનાશ સાબળેએ રૌપ્ય ચન્દ્રક જીત્યો. અવિનાશની જેમ ભારત દેશે પણ પોતાનો વેગ અને પોતાનું ધ્યેય ઊન્નત રાખવાં  જોઈએ.

ટ્રિલિયન ડૉલર અર્થતંત્ર ઊભું કરવાની અને વિશ્વગુરુ બનવાની મહત્ત્વાકાંક્ષા સેવતા આપણા દેશની રાષ્ટ્રકુળ રમતોની સિદ્ધિના આનંદમાં જરૂર રાચી શકાય. પણ ન ભૂલીએ કે અવિનાશ સાબળેની અજેય જણાતા કેન્યાના ખેલાડી સામેની સફળતામાં તેણે અમેરિકામાં મેળવેલી તાલીમનો હિસ્સો છે. મહિલાઓની ક્રિકેટની અને પુરુષોની હૉકીની અંતિમ સ્પર્ધામાં કટોકટીની ક્ષણે આત્મવિશ્વાસનો અભાવ ઊભો  થયો હતો. પહેલાં જણાવ્યું તેમ તેજસ્વીનને અદાલતનો આશરો લેવો પડ્યો હતો.

એ પણ નોંધવું  જોઈએ કે આ પહેલાંની ત્રણ રાષ્ટ્રકુળ રમતોમાં ભારતે અત્યાર કરતાં વધારે ચન્દ્રકો જીત્યાં હતાં અને અત્યારે મેળવેલું ચોથું સ્થાન 2002માં પણ મેળવ્યું હતું. દેશની લોકસંખ્યા તેમ જ તેના કદ અને અર્થતંત્રના પ્રમાણમાં નિષ્ણાતો આપણી પાસે વધુ સારી કામગીરીની અપેક્ષા રાખે છે.  બહુ ઓછા મા-બાપ સંતાનની કારકિર્દી તરીકે રમતગમતને પસંદ કરે છે. રમતગમતમાં વધુ  સહભાગિતા તેમ જ  વિશ્વકક્ષાની કામગીરી માટે વધુ ધનરાશિ, વ્યવસાયકુશળ (પ્રોફેશનલ) સંચાલન અને રમતો દ્વારા રોજગારીની તકો ઊભી થાય તેવા આયોજનની જરૂર છે. હવે પછીનો પડકાર બરાબર એક વર્ષ પછી ચીનમાં યોજાનારી એશિયન રમતો છે.

લાંબી વિઘ્નદોડ જેવી સ્ટીપલચેઇઝ સ્પર્ધામાં કેન્યાને અત્યાર સુધી ભાગ્યે જ કોઈ હરાવી શક્યું છે. આ રમતની શ્વાસ ઊંચો કરી દેનારી હરીફાઈમાં મહારાષ્ટ્રના બીડ જિલ્લાના માંડવા ગામના, ખેડૂતપુત્ર અવિનાશ સાબળેએ  રૌપ્ય ચન્દ્રક જીત્યો. અવિનાશની જેમ ભારત દેશે પણ પોતાનો વેગ અને પોતાનું ધ્યેય ઊન્નત રાખીને ચીનની એશિયન રમતોમાં ભાગ લેવાનો રહે.

*****

આધાર  : “The Times of India”,  ‘India Celebrated the India We Barely Knew’ by Avjit Ghosh, 8 August 2022 ; ‘On Track for More’ 9 August 2022

9 ઑગસ્ટ 2022
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

યાર : “બહુત યારાના લગતા હૈ”

રાજ ગોસ્વામી|Opinion - Opinion|8 August 2022

ગુજરાતીમાં ભાવ વાચક સંજ્ઞા તરીકે સૌથી વધુ વપરાતા શબ્દોની જો યાદી બનાવામાં આવે, તો તેમાં દોસ્ત, યાર, ભાઈબંધ, મિત્ર સૌથી મોખરે આવે. એથી આગળ જાવ તો, ઓછા બોલચાલવાળા શબ્દો, સાથી, સખા, સહચર, ભેરુ, ભિલ્લુ, લંગોટિયો અને ગોઠિયો આવે. એમ તો ભાઈ પણ મિત્રના અર્થમાં વપરાય છે. એક સાવ જ નહીં વપરાતો શબ્દ ‘સુહૃદ’ વાંચ્યો હતો, અર્થ થાય છે; હૃદયનો સાચો.

જેનો સૌથી વધુ ઉપયોગ થાય છે, તે છે “યાર,” જે ગુજરાતી નથી, પણ ફારસી છે. યાર શબ્દ અસલ અર્થમાં સંજ્ઞા વાચક છે. તેમાં એક પ્રકારની અનૌપચારિકતાનો ભાવ છે, જેમ કે – યાર, શું ચાલે છે? યાર, ક્યારે મળે છે? યાર, મજા નથી આવતી. યાર, ચલને ફરવા જઈએ. આપણે જ્યારે આપણી સહજ રીતે, અસાવધ બનીને કોઈ ઊંડી લાગણી વ્યક્ત કરવા માંગતા હોઈએ, ત્યારે આપણે તેમાં “યાર” જોડી દઈએ છીએ.

આવું માત્ર નિકટની સાથે જ થાય તે જરૂરી નથી. કોઈ અજાણી અથવા વિરોધી વ્યક્તિને કોઈ લાગણી પહોંચાડવી હોય તો પણ “યાર” વપરાય છે, જેમ કે – યાર, બે અડબોથ મારી દઈશ. યાર, તારાથી થાય તે કરી લે. યાર શબ્દ દોસ્તી અને દુશ્મની બંનેમાં નિકટતા ઊભી કરે છે. “શોલે” ફિલ્મમાં ગબ્બર સિંહ વીરુ-બસંતી વચ્ચેના પ્રેમને જોઇને કહે છે, “બહુત યારાના લગતા હૈ.” એમાં નિર્દયતા છે. દાખલા તરીકે, સલીમ-જાવેદે “બહુત ઈશ્ક લગતા હૈ” અથવા “બહુત પ્યાર લગતા હૈ” એવું લખ્યું હોત તો?

મિત્ર સંબંધી મોટાભાગના શબ્દો પુલ્લિંગ છે, કારણ કે જૂના જમાનામાં મિત્રતાનો સંબંધ માત્ર પુરુષો વચ્ચે જ કેળવાતો હતો, પરંતુ યાર શબ્દ પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બંને છે. આજની સ્ત્રીઓ તેમની વાતચીતમાં છૂટથી એકબીજા માટે “યાર” બોલે છે. આજે દીકરી પિતાને એવું કહેતી સંભળાય, “અરે યાર, પાપા, જવા દો ને.” “ઝંઝીર” ફિલ્મની કવ્વાલી “યારી હૈ ઈમાન મેરા યાર મેરી જિંદગી” સ્ત્રીઓ પર ફિલ્માવાય તો કેવું લાગે?

વાસ્તવમાં યાર અનાદરસૂચક શબ્દ હતો, પરંતુ આધુનિક સમયમાં તે સન્માનજનક બની ગયો છે. એમાં પ્રેમનો ભાવ જરૂર છે, પરંતુ એ પ્રેમ એવા પુરુષનો છે જે કોઈ સ્ત્રી સાથે અનુચિત સંબંધ રાખે છે. સ્ત્રીનો ઉપપતિ એટલે કે આશિક હોય તેને યાર કહે છે (આશિક એટલે અનુરાગી, વ્યસની, આવારા વ્યક્તિ. માશૂક એટલે પ્રેમપાત્ર, પ્રિયતમ, મહબૂબ, દિલરુબા). જૂની હિન્દી ફિલ્મો અથવા વાર્તાઓમાં સ્ત્રી માટે સંવાદ આવતો, “વો તેરા યાર હૈ કયા?” બહુ સ્ત્રીગમન કરનાર (વુમનાઇઝર) પુરુષ માટે ‘યારબાજ’ શબ્દ વપરાતો હતો. “ઈશ્કિયા” ફિલ્મમાં નસીરુદ્દીન શાહ અરશદ વારસીને કહે છે, “યારબાજ અમ્મી કા …. બાજ બેટા.”

અમુક ભાષા વિજ્ઞાનીઓ ફારસી “યાર” અને સંસ્કૃત “જાર:”ને એક ગણે છે. જેમ કે હિન્દીના નિષ્ણાત અજીત વડનેરકર ઉર્દૂ-ઇંગ્લિશ શબ્દકોશના રચયિતા જોહ્ન પ્લેટ્સનો હવાલો આપીને કહે છે કે યાર શબ્દની વ્યુત્પતિ જાર: છે. સંસ્કૃત જાર:માં પ્રેમી, આશિકનો ભાવ છે. એવા પ્રેમીથી પેદા થયેલા સંતાનને જારજ: કહેવાતું હતું. હિન્દીમાં આજે પણ અવૈધ સંતાન માટે જારજ શબ્દ વપરાય છે.

તેમના અનુસાર, સંસ્કૃતમાં જાર: શબ્દ સ્ત્રીના પ્રેમી સુધી જ સીમિત છે, પરંતુ આ શબ્દ જ્યારે ફારસીમાં ગયો ત્યારે સ્ત્રીઓએ તેમાં સામેલ પ્રેમીભાવથી આઝાદી મેળવી અને એ શબ્દ વિશુદ્ધ રીતે સાથી, મિત્ર કે દોસ્તના અર્થમાં સ્થાપિત થયો. તેમ છતાં, મહિલાઓને ધિક્કારવા માટે યારનું ચલણ ચાલુ જ રહ્યું હતું. જેમ કે ઈરાનમાં કોઈ સ્ત્રીના મિત્રનો અનાદર કરવા માટે યાર શબ્દ વપરાતો હતો. પંજાબીમાં “ચોરી યારી” શબ્દ છે, જેનો અર્થ થાય છે, ચોરી-છુપીનો સંબંધ. પંજાબીમાં જ મા-બહેન માટે એક ગાળ બોલચાલમાં છે, “મા/બે’ન/દા યાર.”

અરવિંદ વ્યાસ નામના બીજા એક ભાષાવિજ્ઞાનીના મતે યાર શબ્દ ફારસી યાવર પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે સહાયક, સાથી, મિત્ર વગેરે. અગાઉ તેનો અર્થ સેનાપતિ અથવા નગર-રક્ષા અધિકારી થતો હતો. ફારસીમાં સહાયતા કરવાવાળી વ્યક્તિ માટે અદ્યાવર શબ્દ છે. તેમના મતે યાવર શબ્દનો સંસ્કૃતની યુ ધાતુ સાથે સંબંધ છે.

યુ યુ મિશ્રણેડમિશ્રણે ચ અદાદિ:, પરસ્મેપદી, સકર્મક: સેટ (મિશ્રિત કરવું, મેળવવું, મિલાપ કરવો, છુટું પાડવું). અરવિંદ વ્યાસ કહે છે કે ફારસી રક્ષક જેમ ઋગ્વેદમાં યાવયત્સખને મિત્રની રક્ષા કરવાવાળો કહેવામાં આવ્યો છે.

અમુક લોકો યારને અરબી અય્યાર સાથે જોડીને જુએ છે. એમાં પણ રક્ષકનો ભાવ છે. મધ્યકાલીન (9થી 12મી સદી) ઈરાક અને ઈરાનમાં રખડતા યોદ્ધાઓને અય્યાર કહેતા હતા. તેમને બદમાશ અને લફંગા (ફારસીમાં ડિંગ મારે, બકવાસ કરે તેને લફંગા કહે છે) પણ સમજવામાં આવતા હતા, જે શરાબ, જુગાર અને વેશ્યાઓના અડ્ડા પર જતા હતા. તેના પરથી આવારા શબ્દ આવ્યો છે. હિન્દીમાં આવારા ભટકતા લોકો માટે ધુમક્કડ શબ્દ છે.  

યારની જેમ જ સૌથી પ્રચલિત દોસ્ત શબ્દ પણ ફારસી છે. ફારસીમાં તેના ચાર અર્થ થાય છે; સમાન અવસ્થાવાળો તેમ જ સાથે રહેવાવાળો સ્નેહી, સંગી અથવા પ્રેમી, જેની સાથે અનુચિત સંબંધ હોય તે અને સુખ-દુઃખમાં સાથ આપવાવાળો. અલબત્ત, સ્ત્રીના સંદર્ભમાં યારની જેમ દોસ્ત શબ્દમાં નકારાત્મક ભાવ નથી. એટલા માટે યારી-દોસ્તી એવો એક શબ્દ પણ છે.

દોસ્ત શબ્દનો સંબંધ સંસ્કૃત ‘જુષ્ઠ’ સાથે પણ છે, જેનો અર્થ થાય છે પ્રસન્ન, સંતુષ્ઠ રહેવાવાળો. જુષ્ઠમાં જુષ ધાતુ છે, જેમાં અનુકૂળ, મંગલકારીનો ભાવ છે. ખુશ કરવું, પ્રસન્ન રહેવું, સંતુષ્ઠ મહેસૂસ કરવું એ દોસ્તીનો પણ ભાવ છે. હિન્દીમાં યારી-દોસ્તીને લઈને એક આધુનિક મુકતક છે :

બાજારવાદ ને સરે બાજાર કર દિયા,

બીવી કી દોસ્ત કો ભી મેરા યાર કર દિયા,

દૂરી મિટાતે દૌર મેં ઇતને હુએ કરીબ 

યારી કા જાયકા બઢા ગદ્દાર કર દિયા

બાય ધ વે, તમને ફ્રેન્ડ (મૂળ જર્મન ‘ફ્રીઓન્ડ’ એટલે જે પ્રેમ કરે છે તે) શબ્દ તો ખબર છે, પરંતુ અંગ્રેજીમાં એક નવો શબ્દ છે, ફ્રેનીમી (frenemy). અર્થ થાય છે, દુશ્મનદોસ્ત. જે દોસ્ત છે પણ ઈર્ષ્યા અને હરીફાઈ પણ કરે છે, જે તમને અંદરથી નાપસંદ કરે છે તે. કામકાજ અને રોમાન્સના સમયમાં આવા ફ્રેનીમી બહુ બનતા હોય છે. બોલીવુડમાં લોકપ્રિય બની હોય તેવી ૧૦૦ ફિલ્મો દોસ્તી પર બની છે. એમાંથી અડધી ફિલ્મો દોસ્તીના વિશ્વાસઘાત પર હતી. દરેક સંબંધમાં જેમ અમુક નકારાત્મક ખાસિયતો સમય જતાં બહાર આવતી હોય છે, દોસ્તીમાં પણ એક સમયે ટીકા, હોડ, અપેક્ષા અને સ્વાર્થ આવી જાય છે. દોસ્તીની ગરમી સમય જતાં ઓછી થઇ જ જાય છે.

“આયે દિન બહાર કે” ફિલ્મમાં વ્યથિત ધર્મેન્દ્રએ ‘શ્રાપ’ આપ્યો હતો : 

મેરે દુશ્મન તું મેરી દોસ્તી કો તરસે, 

મુજે ગમ દેને વાલે તું ખુશી કો તરસે

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 07 ઑગસ્ટ 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

રિટાયર્ડ લોકો માટે રિઝર્વ બેન્ક વધુ ‘રિઝર્વ’ છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 August 2022

શુક્રવારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ત્રણ મહિનામાં ત્રીજી વખત રેપોરેટ 50 બેસિસ પોઈન્ટ વધારીને 4.90 પરથી 5.40 પર લાવીને મૂકયો છે. એને પરિણામે હાઉસિંગ લોન સહિત તમામ લોન મોંઘી થશે. આમ તો આ બધું મોંઘવારી ઘટાડવા થાય છે, કાઁગ્રેસ પણ દેશમાં વધતી જતી મોંઘવારી સામે વિરોધ કરે છે, પણ મોંઘવારી ઘટતી નથી. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસ પણ મોંઘવારી ઘટે એ અંગે શંકાશીલ છે. રેપોરેટ એ દર છે જેનાં પર બેન્કો, રિઝર્વ બેન્ક પાસેથી લોન લે છે. રેપોરેટ ઘટે તો બેન્કો પણ ગ્રાહકો માટેનો વ્યાજ દર ઘટાડે ને જો રેપોરેટ વધે તો બેન્કો પણ વ્યાજ દર વધારે. વ્યાજ દર ઘટે તો લોન અને તેનાં હપ્તા સસ્તા થાય ને વધે તો લોન મોંઘી થાય ને એમ જ ઈ.એમ.આઈ. પણ વધે. એક વાત સ્પષ્ટ છે કે બાંધકામનાં કાચામાલ સિમેન્ટ, લોખંડ વગેરેમાં અસહ્ય ભાવવધારો થતાં મકાનો વધુ મોંઘાં થયાં છે, તેમાં રેપોરેટના વધારાએ લોન ને હપ્તા વધુ મોંઘાં કર્યાં છે. એ સ્થિતિમાં મકાનો ખરીદવાની ગતિમાં ઘટાડો થાય એમ બને. રેપોરેટમાં વધારો થતાં બજારમાંથી લિક્વિડિટી પાછી ખેંચાય ને તો ફુગાવો નીચે લાવી શકાય એવી રિઝર્વ બેન્કની ધારણા છે. જોકે જૂનનો ફુગાવો સાત ટકાથી વધુ રહ્યો હતો જે રિઝર્વ બેન્કની છ ટકાની મર્યાદાથી વધુ હતો એટલે ફુગાવો નીચે જાય એમ માનવું વધારે પડતું છે. એ જ રીતે બેન્કો રિઝર્વ બેંકમાં પૈસા જમા કરે છે ને તે તેનાં પર બેન્કોને વ્યાજ આપે છે. આ વ્યાજ દર તે રિવર્સ રેપોરેટ છે. અત્યારે તે 3.35 ટકા છે. એટલે બેન્કો લોન લે તો તેનાં પર બેન્કે 5.40 ટકા વ્યાજ ચૂકવવું પડે ને જો બેન્ક, રિઝર્વ બેંકમાં પૈસા જમા કરાવે તો તેનાં પર તેને 3.35 ટકા જ વ્યાજ મળે છે. ઉદાહરણ તરીકે કોઈ બેન્ક પાસેથી 30 લાખની લોન 20 વર્ષે પૂરી કરવાની ગણતરીએ લે છે તો તેને અત્યાર સુધી 24,260નો હપ્તો આવતો હતો તે હવે 927 વધીને 25,187નો આવે એમ છે.

આ લોન પાછી બે પ્રકારની હોય છે. એક ફ્લોટર અને બીજી ફ્લેક્સિબલ. ફ્લોટરમાં લોન લેતી વખતનો જે વ્યાજ દર હોય તે છેવટ સુધી બદલાતો નથી એટલે જે હપ્તો નક્કી થયો હોય તે જ લોન પૂરી થતાં સુધી ચાલુ રહે છે. ફ્લેક્સિબલમાં રેપોરેટ વધે તો હપ્તો પણ વધે ને રેપોરેટ ઘટે તો હપ્તાની રકમ પણ ઘટે. રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસીની મીટિંગ એપ્રિલમાં મળી ત્યારે રેપોરેટ 4 ટકા પર સ્થિર રહ્યો હતો, પણ પછી, રિઝર્વ બેન્કે મેમાં ઇમરજન્સી મીટિંગ બોલાવી ને રેપોરેટ 0.40 ટકા વધારી 4.40 કરી દીધો. તે પછી જૂનમાં પણ 0.50 ટકા દર વધ્યો ને હવે ઓગસ્ટમાં બીજો 0.50 ટકાનો વધારો થતાં રેપોરેટ 5.40 ટકા થયો છે. એટલે કે આ વર્ષમાં કુલ 1.40 ટકાનો વધારો રેપોરેટમાં થયો છે. રિઝર્વ બેન્કના ગવર્નર દાસે જી.ડી.પી. ગ્રોથ અંદાજે 7.2 ટકા યથાવત રહેવાની વાત કરી છે, તો કરંટ એકાઉન્ટ ડેફિસિટ તથા ગ્લોબલ સ્તરે મોંઘવારી દાસને ચિંતાનો વિષય લાગ્યા નથી. એમને ચિંતા ન થાય તે સમજી શકાય એવું છે, પણ મધ્યમવર્ગ અને સિનિયર્સ સતત ચિંતાગ્રસ્ત રહે તેવી સ્થિતિ છે.

એક સમય હતો જ્યારે એક કમાનાર ને દસ ખાનાર હોય તો ચાલી જતું, આજે દસ કમાય તો પણ એકને પૂરું ન પડે એવા દિવસો છે. આ કુદરતી નથી. માનવ સર્જિત છે. લોન મોંઘી થાય તો હપ્તા તરત વધે છે, પણ તેની  સાથે ડિપોઝિટ પરના વ્યાજના દર પણ સમાંતરે વધવા જોઈએ, પણ તેવું ઓછું જ બને છે. કેટલીક બેન્કો ડિપોઝિટના દર વધારે છે તો કેટલીક બેન્કો તેમ કરી શકતી નથી. એની અસર થાપણદારને થાય છે. બેન્કોની મુનસફી પર પણ કેટલુંક છોડવામાં આવે છે એટલે વસૂલાત ચુકાતી નથી, પણ આપવાનું હોય તો યાદશક્તિના પ્રશ્નો ઊભાં થાય છે. એક સમય હતો જ્યારે બેન્કોને ડિપોઝિટના ટાર્ગેટ અપાતા, તે હવે લોનના ટાર્ગેટ પર આવીને અટક્યા છે. એમ પણ લાગે છે કે ડિપોઝિટ વગર બેન્કોને ચાલી જાય છે, નહિતર ડિપોઝિટર્સની આટલી અવગણના થાય ખરી?

એમાં સૌથી વધુ અવગણના સિનિયર સિટિઝનની થઈ રહી છે. પેન્શન રાજકારણીઓ પૂરતું સીમિત રહી ગયું છે ને બીજી તરફ પેન્શનેબલ જોબ લગભગ રહી નથી. જ્યાં જૂનાં લોકો છે ને જેમણે પેન્શનનો ઓપ્શન સ્વીકાર્યો છે તેમને બાદ કરતાં જેમણે વ્યાજની આવક પર જીવવાનું સ્વીકારેલું તે મરવાને વાંકે જીવી રહ્યા છે. તેમને 12-14 ટકા વ્યાજ ખાઈને જીવવાની આશા હતી તે 5-6 ટકા વ્યાજ પર જેમ તેમ ટકવા મથે છે. સિનિયર્સ ઘરમાં તો અવગણાય જ છે ને સરકાર પણ તેનાં તરફ બેધ્યાન જ રહે છે. વાતો મોટી મોટી થાય છે, પણ વરિષ્ઠોની ઠેર ઠેર ઉપેક્ષા થાય છે ને તેને છેતરાયાનો અનુભવ વારંવાર થતો રહે છે. લોન પાછી આવવાની આશા ન લાગતાં તેને લોન આપવા કોઈ ભાગ્યે જ તૈયાર થાય છે. તેણે તબીબી સુવિધા પોતાની ક્ષમતા પર જ મેળવવાની રહે છે. આમે ય તે રિટાયર છે, ત્યાં બે છેડા ભેગા કરવા કોઈ સિનિયર નોકરી કરવા ઈચ્છે તો તેને નોકરી આપવા ય કોઈ તૈયાર થતું નથી. યુવાનો જ નોકરી માટે ફાંફાં મારતા હોય ત્યાં ખર્ચાઈ ચૂકેલા વૃદ્ધને નોકરી કોણ આપે? ઘણાંને તો પેન્શન પણ નથી મળતું, પણ તેણે બધાં જ વેરા ભરવા પડે છે. કોર્પોરેશનનો વેરો ને વેરા પર બીજા વેરા, લાઇટબિલ ને તેનાં પર ટેક્સ, ગેસ બિલ અને તેનાં પર વેરા, એમાં પીછો ન છોડતો જી.એસ.ટી. તે ખાતર પર દિવેલ જેવો નવો ઉમેરાયો છે. ડિપોઝિટ પર વ્યાજ અડધું ને તેનાં પર ટી.ડી.એસ. નફામાં. નોકરી કરી ત્યારે વેરો ભર્યો, નિવૃત્તિ પછી આવક બંધ થઈ, પણ વેરા ચાલુ જ રહ્યા છે. લેવાનું કશું બંધ ના થયું, પણ આપવાનું ધીમે ધીમે બધેથી બંધ થતું ગયું છે. ટ્રેનમાં સિનિયર્સને કન્સેશન મળતું હતું, પણ રેલવે સિનિયર્સ કરતાં વધારે ગરીબ થઈ ગઈ એટલે તે બંધ થયું. વરિષ્ઠને પેન્શન ન મળે, પણ એના ટેક્સમાંથી સાંસદને એકથી વધારે પેન્શન મળે તેનો કોઈને વાંધો નથી. વરિષ્ઠનું પેન્શન પગાર નથી, પણ તેને પગાર ગણીને તેનાં પર વખતોવખત ટેક્સ તો વસૂલાતા જ રહે છે. લોકોના ટેકસમાંથી સરકાર રસ્તા, રેલવે બનાવે અને એને ઉદ્યોગપતિઓ ખરીદે ને તેની પાસેથી લોકો એ જ સેવાઓ ઊંચા દામે ખરીદે એ સિલસિલો છે. સાંસદોને એ સેવા મફત મળે છે. વરિષ્ઠને પગાર ન મળે, પણ તેણે ટેક્સ બધા ભરવાના ને સાંસદને પગાર મળે પણ તેણે ટેક્સ કોઈ નહીં ભરવાનો. તેને કોઈ ટેક્સ લાગે જ નહીં.

આ બધું રિઝર્વ બેંકને કારણે થાય છે એવું કહેવાનું નથી, પણ રેપોરેટ ઘટે તે સાથે થાપણ પરના વ્યાજ દર પણ ઘટે છે ને તેની સીધી અસર વરિષ્ઠ નાગરિકની વ્યાજની આવક પર પડે છે. આ સ્થિતિ બદલાવી જોઈએ. રેપોરેટ ઘટે તો લોન સસ્તી થાય, છતાં તેના પર વ્યાજનો દર ઘટાડવાનું જે તે બેન્ક પર નિર્ભર છે, તો સિનિયર્સને વ્યાજ ઓછું મળતું થાય તો તે રોકવાનું બેન્કો કે રિઝર્વ બેન્ક કરી શકે કે કેમ તે વિચારવાનું રહે. અથવા વ્યાજ વધુ મળે કે વ્યાજની આવક ઘટે નહીં તેવી યોજનાઓ પણ સિનિયર્સ માટે રિઝર્વ બેન્ક કરી શકે.

ટૂંકમાં, સિનિયર્સ આર્થિક સ્થિતિ ઠીક હોય તો જ આ મોંઘવારીમાં ટકી શકે એમ છે. એ જો આવક વગરના  થાય કે ઓછાં વ્યાજને કારણે તંગી અનુભવે તો તેનો કોઈ ભાવ ન પૂછે એમ બને. આજે કુટુંબમાં કોઈ કોઈને નભાવે એવી સ્થિતિ ખાસ રહી નથી. દરેક જણ પોતાની આવકમાંથી જ માંડ પેટ ભરે એવી મોંઘવારી છે, ત્યાં વરિષ્ઠને એમ જ પોષવાનું, ઈચ્છા હોય તો પણ પરવડે એમ ઘણાંને હોતું નથી. એવામાં સરકારે, બેન્કોએ, સમાજે એ સ્થિતિ ઊભી કરવી જોઈએ કે તે પ્રશંસાની જાહેરાતોથી નહીં, પણ પોતાનાં પૈસાથી પેટ ભરે. કોઈ પણ વરિષ્ઠ અપમાનિત જિંદગીથી બચીને રહે ને માનભેર જીવે એટલું થઈ ન શકે એટલો ગરીબ તો આ દેશ ક્યારે ય ન હતો, તો હવે પણ ન રહે એટલું ઈચ્છીએ.

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 ઑગસ્ટ 2022

Loading

...102030...1,2951,2961,2971,298...1,3101,3201,330...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved