Rajesh Neeravના એક કાવ્યનું મારું ભાષાંતર

……………
વિચારથી
બહુ ગભરાય છે સત્તા
રમતો રમો, ફિલ્મો જુઓ
નાચો ડિસ્કોમાં, પબમાં જાઓ
મલકાય છે સત્તા
શોપિંગ કરો, મોલમાં ફરો
પ્રેમગીત રચો, તહેવારો ઉજવો
મોજ માણો, ફરવા ઉપડો
ખુશ થઈ જાય છે સત્તા
પણ
પુસ્તક, રંગમંચ, ગોષ્ઠિ, સભા
(લેખન, વાદવિવાદ, ભાષણ, સૂત્રોચ્ચાર)
સાવધાન થઈ જાય છે સત્તા
વિનયપૂર્વક હાથ જોડાવે છે
દરબારમાં કુરનીશ કરાવે છે
ઘૂંટણભર બેસવાની આદત પડાવે છે
સાષ્ટાંગ કરવાની કળા આખા દેશને શીખવે છે
રમતે ચડે છે સત્તા
પહેલાં મદહોશ કરી
પછી હાલાં સંભળાવી
થાબડી થાબડીને
મીઠાં સપનાં દેખાડે
પછી પોતે જ સ્વપ્ન બની જાય છે સત્તા
પછી કોઈ એક જણ ઊઠે છે
લોકોને
સપનાંમાંથી ઉઠાડવા
હાક કરે છે
બે-ચાર-આઠ-દસ-વીસ
શોષિતો ભેગાં થાય છે ધીમે ધીમે
કાંપી ઊઠે છે સત્તા
બેઠક રાખે છે
યોજના બનાવે છે
જાસૂસી કરાવે છે
દલાલ મોકલે છે
કુટિર સ્મિત કરે છે સત્તા
ધીમે ધીમે શોર વધે છે
ઘટાટોપ છવાય છે
-સામ-દામ-દંડ-ભેદના
નવા નવા ઉપાય કરે છે સત્તા
દમન ન લાગે એવું દમન
લાલચ ન લાગે એવી લાલચ
જાળ ન લાગે એવી જાળ
ભય ન લાગે એવો ભય
નવી નવી શોધો અપનાવે છે સત્તા
ક્યાં ય કોઈ હાથ ઊંચો ન થાય
કોઈ મુઠ્ઠી ન ભીંસાય
હાથ સાથે હાથ ક્યારે ય ન મળે
કોઈ આંખ રાતી ન થાય
કોઈ છાતીમાં તોફાન ન સરજાય
કોઈ સીનો સરેઆમ સામો ન થાય
બસ, સાવ આટલું જ ઈચ્છે છે સત્તા
વિચાર કરતો માણસ
સૌથી વધુ ખતરનાક હોય છે
વિચાર કરવા જેટલી ફુરસદ જ ન મળવા દો –
(બહુ લાંબું વિચારે છે સત્તા)
વિચારથી ડરે છે સત્તા.
![]()



શિક્ષણને મામલે સૌથી વધુ તુક્કાઓ, તઘલખી યોજનાઓ ગુજરાતમાં વિક્રમ સર્જક રીતે અમલમાં છે. કાગળ પર તો બધું બરાબર દેખાડાતું હોય છે, પણ ગ્રાઉન્ડ લેવલે તો અરાજકતા જ વધુ જોવા મળે છે. ટર્મ પૂરી થવા આવે ત્યાં સુધી પાઠ્યપુસ્ત્કો કે ગણવેશ કે મધ્યાહ્ન ભોજનને મામલે કૈં ને કૈં તો અધૂરું છૂટી જ જતું અનુભવાય છે. ઘણી સ્કૂલોમાં બધું બરાબર પહોંચતું પણ હશે, પણ ઘણી સ્કૂલોમાં નથી જ પહોંચતું તે પણ હકીકત છે. જો સ્કૂલોનો કોઈ વાંક ન હોય તો તેને બધું બરાબર પહોંચે છે તે સંબંધિતોએ જોવાનું રહે છે કે કેમ? સમિતિની ઑફિસોમાંથી પરિપત્રો તો બરાબર પહોંચે છે, પણ એનો અમલ કરવામાં સ્કૂલોને કોઈ મુશ્કેલી હોય કે કોઈ અખાડા કરતું હોય તો એ અંગેની કોઈ તકેદારી રખાય એ પણ જરૂરી છે. શિક્ષણ નીતિ આવતી, જતી રહે છે. એમાં કામ થાય છે એની ના નથી, પણ તેની અસરો વ્યાપકપણે બહુ વર્તાતી નથી. આપણી શિક્ષણ નીતિ કે આપણા શિક્ષણ વિષયક કાયદાઓમાં મોટે ભાગે વિદેશી ને એમાં ય ખાસ તો અંગ્રેજી અસરો જ વધુ વર્તાતી હોય છે. ઘણીવાર તો આપણી ભૌગોલિક, આર્થિક, સામાજિક, શૈક્ષણિક ક્ષમતાઓને ધ્યાનમાં લીધાં વિના જ નિયમો કે નીતિઓ લાગુ કરી દેવાતી હોય છે. ઘડીકમાં વિદેશનું અનુકરણ તો ઘડીકમાં અન્ય રાજ્યોનું અનુસરણ કરીને શિક્ષણનો એકડો ઘૂંટવામાં આવે છે ને એમાં સ્થિતિ બાવાના બે ય બગડ્યા જેવી જ થાય છે.