Opinion Magazine
Number of visits: 9669128
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જન્મ જુદાં કરે છે ને મૃત્યુ ભેગાં કરે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|26 December 2022

હા, જન્મ માબાપ આપે છે, જાતિ, જ્ઞાતિ આપે છે, તે સિવાય કોઈ પણ અગાઉથી માબાપ કે જાતિ, જ્ઞાતિ નક્કી કરી શકતું નથી. કોઈએ હિન્દુ થવું કે મુસ્લિમ કે શીખ-ઈસાઈ થવું તે કોઈના હાથમાં નથી, બિલકુલ એમ જ જેમ કોને ત્યાં જન્મવું એ કોઈનાં હાથમાં નથી. આટલું નક્કી છે એ જાણવા છતાં આપણે અમુક જાતિ – જ્ઞાતિ માટે જે રાગદ્વેષ પાળીએ છીએ તે યોગ્ય નથી. અમુક હિન્દુ છે કે અમુક મુસ્લિમ છે એ વાતે કેટલાં બધાં વેરઝેર આપણે ઉછેરીએ છીએ ને જિંદગી આખી બીજું કોઈ કામ જ ન હોય એમ, તલવાર-ત્રિશૂળ ઉછાળવાની તૈયારીમાં લાગેલાં રહીએ છીએ એ પણ બરાબર નથી. આપણી સૌથી મોટી વીરતા ઘણીવાર તો સામેનામાં દોષ જોવામાં જ પૂરી થઈ જાય છે. એ વખતે વિચાર કરતા નથી કે જે દોષ સામેનામાં જોઈએ છીએ એનો શિકાર તો આપણે ઘણાં વહેલાં થઈ ચૂક્યા હોઈએ છીએ. આપણને એ પણ ખબર છે કે આવાં રાગદ્વેષથી છેવટે તો લોહી જ હાથમાં આવે છે. એ ત્યારે જ શક્ય બને છે, જો વાંક સામેવાળાનો છે એવું ક્યાંકથી ઠસાવી દેવામાં આવ્યું હોય. વાંક સામેવાળાનો હોય જ નહીં, એવું પણ નથી, સામેવાળાનો હોઈ પણ શકે છે ને એને લીધે આપણું ખુન્નસ વધતું આવે છે. આવું ખુન્નસ વાવનારાઓ નિર્દોષ નથી, ઘણુંખરું તો એવી વાવણી કરનારાઓ બૌદ્ધિકો ને ધાર્મિકો છે. આ લોકો નિર્દોષોને ઉશ્કેરવાનું ને ધાર્યું રાજકારણ પાર પાડવાનું કામ કરે છે. આમ તો આ કહેવાતા બૌદ્ધિકો અને ધાર્મિકો કોઈ મોટાં માથાના હાથા જ હોય છે ને એની વફાદારી નિભાવવામાં એ મોટા સમુદાયનાં ભોળપણનો લાભ ઉઠાવે છે. એમાં એ પોતાનું લોહી બચાવીને શિકાર તો આજ્ઞાંકિતોનો જ કરે છે. આ એ આજ્ઞાંકિતો છે જે ઘેટાંની જેમ પાછળ પાછળ ચાલવામાં જ રાજી છે. એમને પોતાપણું ખાસ નથી. એ તો હોળીનું નાળિયેર બનવા માટે જ છે. એમણે મફત અપાયેલું અનાજ વર્ષો સુધી ખાધું હોય છે ને એની કિંમત તેમનું બ્રેઇન વોશ કરીને વસૂલાતી હોય છે. એ ઉપરાંત બીજા પણ ઘણાં એવાં છે જે ગમે ત્યારે, ગમે ત્યાં દાઝ ઉતારવા તૈયાર હોય છે. એમને ખબર પણ નથી હોતી, શેની દાઝ ઉતારવાની છે, પણ કોઈકે કહ્યું છે ને દાઝ ઉતારવાનું બહાનું મળે છે તો ઉતારી દેવાય છે !

ખરું તો એ છે કે દુનિયામાં બે વિરોધી પરિબળો પહેલેથી જ અસ્તિત્વમાં છે. દેવ છે, તો રાક્ષસ છે. રામ છે, તો રાવણ છે. કૃષ્ણ છે, તો કંસ છે ને યુધિષ્ઠિર છે, તો દુર્યોધન પણ છે જ ! ખબર નહીં કેમ, પણ આસુરી તત્ત્વ આજ સુધી અનેક રીતે ને રૂપે પ્રભાવી રહ્યું છે. અહિંસાનો આટલો મહિમા છતાં, યુદ્ધ ટાળી શકાતું નથી. મહાભારત જેવું ભયંકર યુદ્ધ થઈ ચૂક્યું હોય છતાં, યુદ્ધો અટક્યાં નથી. ભારતને શસ્ત્ર ધારણ ન કરવાનો પહેલો સંકેત કૃષ્ણે (મોહને) આપ્યો, એના યુગો પછી બીજા એક મોહને અહિંસાનો મહિમા કર્યો, તે પછી પણ યુદ્ધો તો થયાં જ છે. બબ્બે વિશ્વયુદ્ધો પછી પણ યુદ્ધો વગર વિશ્વને ચાલ્યું નથી. ચીન અને પાકિસ્તાને ભારતને યુદ્ધમાં જોતરીને સાબિત કર્યું કે લોહી શરીરમાં જ વહે તે પૂરતું નથી, તે શરીરની બહાર પણ વહેવું જોઈએ ! કોણ જાણે કેમ પણ મનુષ્યને લોહીની લલક ઓછી થતી નથી. રશિયા ને યુક્રેન યુદ્ધ વિરામની વાતો કરતાં જઈને લડી તો રહ્યાં જ છે. બીજી તરફ કેટલાંક રાષ્ટ્રો ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવનાઓ પણ ચકાસી રહ્યાં છે ને વાતો વિશ્વશાંતિની કરતાં રહે છે. કદાચ શાંતિ માટે પણ જગતને યુદ્ધ અનિવાર્ય લાગે છે એટલે જ કદાચ જગત અનેક સિદ્ધિઓ પછી પણ છેલ્લો અક્ષર રાખમાં પાડે તો નવાઈ નહીં.

એમ લાગે છે કે કોઈ પણ સલાહ કે ઉપદેશ પછી પણ, માણસ વેરઝેર છોડી શકે એમ નથી. એક સમય હતો જ્યારે સાધારણ હિન્દુને પણ તાજિયાની બાધામાં ઈલાજ મળી જતો હતો કે મુસ્લિમ અગ્રણીઓ ગણેશ વિસર્જનમાં જોડાઈને ભાઈચારો દેખાડતા હતા. ઈ.સ. 2000ની સાલથી અમદાવાદના જગન્નાથ મંદિરમાં વીસેક વર્ષથી ચાંદીનો રથ એક મુસ્લિમ ભેટ ધરે છે. મહેસાણાનાં ઝુલાસણ ગામમાં દાંલાં માતાનું એક મુસ્લિમ મહિલાનું મંદિર છે અને તેની પૂજા હિન્દુઓ કરે છે. વિખ્યાત અવકાશયાત્રી સુનિતા વિલિયમસનું આ પૈતૃક ગામ છે ને આ મંદિરનાં તેઓ દર્શન કરી ચૂક્યાં છે. કેરળનાં મંજેશ્વરમ્‌માં એવું મંદિર છે જ્યાં હિન્દુઓ તો આવે જ છે, પણ મુસ્લિમો પણ રથયાત્રામાં જોડાય છે ને એટલું બાકી હોય તેમ પૂજારીઓને મસ્જિદમાં આવવાનું આમંત્રણ અપાય છે. આવાં બીજાં પણ ઉદાહરણો છે, પણ હવે તાણ અને ભયનું વાતાવરણ હેતુપૂર્વક ઊભું કરાઇ રહ્યું છે. એનો યશ કોઈ એક જ કોમને અપાય એવું નથી. કોઈ એવું પરિબળ છે જે ઈચ્છે છે કે આ બંને કોમો વચ્ચે નફરત સલામત રહે.

હવે માઇક પરથી પોકારાતી અજાનનો હિન્દુઓને વાંધો પડે છે, તો અજાન તો બંધ થતી નથી, પણ હનુમાન ચાલીસા માઇક પરથી સંભળાવવાનું શરૂ કરી દેવાય છે. એમાં પ્રાપ્તિ એટલી જ છે કે પ્રદૂષણ બમણું થઈને સામે આવે છે. ખરેખર તો કોઈ પણ ધર્મનું જાહેર પ્રદર્શન જ અટકવું જોઈએ. ધર્મ જો અંગત બાબત હોય તો તે વરઘોડાઓમાં, પાલખીઓમાં, જાહેર સત્સંગમાં, ઢોલનગારાંઓમાં, વીડિયો કે મેસેજ ફોરવર્ડ કરવામાં કેવી રીતે સચવાય છે તે જોવાવું જોઈએ. કોઈ પણ ધર્મ માત્ર દેખાડાઓમાં તો ન વસે ને ! એક તરફ સર્વધર્મ સમભાવની વાત હોય તો જેહાદની વાત કોઈ કરી જ કઇ રીતે શકે? ધર્મ સમભાવનું લક્ષણ હોય તો ધર્મપરિવર્તનની વાત આવે ક્યાંથી? વટાળ પ્રવૃત્તિ ચલાવનારાઓ ખરેખર જો ઈશ્વરને જાણતા હોય તો એવું કરવાની કલ્પના પણ કરી શકે? જાતિ, ધર્મને વચ્ચે લાવ્યા વગર બે વ્યક્તિ પ્રેમ કરે, પરણે, પછી એ જ પ્રેમિકા કે પત્નીને ધર્મ પરિવર્તનની ફરજ પાડવામાં આવે ને તેમ ન થાય તો અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવે એમાં કેવળ ને કેવળ અધર્મ છે. કોઈ ધર્મ એની મંજૂરી આપે નહીં ને આપે તો એ બીજું કૈં પણ હોય, ધર્મ નથી. નથી જ !

અહીં કોઈ પણ ધર્મની કે રાજકીય પક્ષની તરફેણની કે વિરોધની વાત નથી. આપણે બિનસમ્પ્રદાયિક્તાની નીતિ બંધારણમાં પણ અપનાવી છે. દરેકને પોતાનો ધર્મ પાળવાની ને તહેવારો મનાવવાની છૂટ છે એવું આઝાદી પહેલાં પણ હતું ને પછી પણ છે. કાશ્મીરમાં કોઈ સંપત્તિ ખરીદી ન શકે એવું 370મી લાગુ હતી ત્યારે શક્ય હતું, પણ હવે તો તે કલમ પણ નાબૂદ કરવામાં આવી છે, મતલબ કે કોઈ પણ વ્યક્તિ ક્યાં ય પણ રહી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જો આ સ્થિતિ હોય તો પ્રશ્ન એ થાય કે અશાંત ધારાની સ્થિતિ આવે કઇ રીતે? એનો અર્થ એ થયો કે આઝાદી પહેલાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વિસ્તારમાં વસી શકતી હતી, એ વાત આઝાદી પછી રહી નથી, એ જ સૂચવે છે કે પ્રજા-પ્રજા વચ્ચે સમભાવ રહ્યો નથી. શેને લીધે આમ બન્યું તે તો બધાં જાણે છે, પણ દુ:ખદ તો એ થયું છે.

ઉત્તર પ્રદેશની એક શાળામાં એક આચાર્યને એટલા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો કારણ તેણે બાળકો પાસે અલ્લામા ઈકબાલની એક નઝમ ગવડાવી જેની એક પંક્તિ હતી, ’અલ્લાહ બુરાઇસે બચાના મુઝ કો…’  આનો વાંધો એટલે ઉઠાવાયો કારણ તેનો કવિ અને નઝમ, બંને વિધર્મી છે. આ એ જ ઇકબાલ છે જેની પંક્તિઓ ‘સારે જહાં સે અચ્છા .., હિંદોસ્તાં હમારા’ ગાઈને આજનું ભારત બેઠું થયું છે. ભારત આજ સુધી તો હિન્દુ રાષ્ટ્ર ઘોષિત નથી થયું. જો એ આજે પણ બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર બંધારણની રુએ હોય તો તેને કોઈ પણ કવિની પંક્તિ એટલા માટે ગાતાં રોકી ન શકાય કે એનો કવિ વિધર્મી છે. જો ગીતાને અભ્યાસક્રમમાં દાખલ કરી શકાતી હોય તો ગાલિબ કે ઇકબાલનો વાંધો ઉઠાવવાનું કોઈ પણ રીતે ક્ષમ્ય નથી. બિસ્મિલ્લાખાનની શહનાઈ અને ભીમસેન જોશીને અલગ અલગ કાનથી સાંભળીશું? કાશ્મીરી પંડિતોને જે રીતે ખદેડવામાં આવ્યા એ અપરાધ જ હતો ને હજી એવી પ્રવૃત્તિઓ જ્યાં પણ થતી હોય ત્યાં તે અપરાધ જ છે, બિલકુલ એ જ રીતે જેમ કોઈ કોમ, બીજી કોમ માટે કારણ વગરની નફરત ફેલાવતી હોય. પ્રજા તરીકે એ પણ દરેકે તારવવાનું રહે કે આ પ્રકારની નફરત કુદરતી કેટલી છે ને રાજકીય કેટલી છે? નાતાલનો તહેવાર દિવાળી કરતાં વધુ ઉત્સાહથી હિન્દુઓ પણ ઊજવે છે. સિમલામાં ક્રિસમસની ઉજવણી માટે ધસારો થાય કે સ્કૂલોમાં બાળકો શાન્તાક્લોઝ બનવાનો, ગિફ્ટ આપવાનો આનંદ માણે, એમાં માત્ર ખ્રિસ્તીઓ જ જોડાય છે એવું નથી. આ ઉજવણું હિન્દુ પ્રજા જે ઉદારતાથી કરે છે એવી ઉદારતા ઈશુ ભક્તો પાસેથી પણ રહે, પણ એવું કમનસીબે ઓછું છે એને પરિણામે હિન્દુઓમાં હવે અન્ય તહેવારો ઉજવવા બાબતે ઉદારતા ઘટતી આવે છે. કેટલાક હિન્દુઓ હવે એવું કહેતાં થયા છે કે આ હિન્દુઓનો વિસ્તાર છે, અહીં શાન્તાક્લોઝ નહીં આવી શકે. આ સારું નથી. એક તરફ રાષ્ટ્રપતિ મુર્મુ મેરી ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવતાં હોય ને બીજી તરફ નાતાલની ઉજવણી ખટકે તો એ યોગ્ય છે? કોઈ ઉત્સવ અનુકૂળ ન આવતો હોય તો તેમાં ન જોડાવું, પણ તે ઉજવવા પર રોક લગાવવાની વાત તો બરાબર નથી. કટ્ટરતા કોઇ પણ કોમની હોય, તે ક્ષમ્ય નથી. ભારતીય પ્રજાઓ વચ્ચે વધતું આવતું વૈમનસ્ય પ્રજા વચ્ચે સંપ નથી એની સાક્ષી પૂરે છે. એક બાજુએ ચીન, પાકિસ્તાનનાં આક્રમણનો ભય સરહદ પર તોળાતો હોય ને પ્રજા વચ્ચે સંપ ન હોય તો એનો લાભ કોણ લઈ શકે તે કહેવાની જરૂર છે?

અહીં કોઈને ખરાખોટા ઠેરવવાનો ઇરાદો નથી. હિન્દુઓની બહુમતી છે એની પણ ના નથી, પણ સૈકાઓથી ભારતંમાં હિન્દુઓ એકલા રહ્યા નથી. બીજી ઘણી કોમો ને વિદેશી પ્રજાઓ અહીં આવીને વસી છે. ત્યારે હિન્દુઓ વધારે હતા છતાં એ કોમ કે પ્રજાને અહીં વસતાં કે શાસન કરતાં અટકાવી શકાઈ નથી, બલકે વિદેશી પ્રજા અહીં શાસન કરતી થાય એવી અનુકૂળતાઓ અહીંની કહેવાતી પ્રજાએ ઊભી કરી આપી છે. એ વખતે અહીંની પ્રજાને ગૌરવ આડે આવ્યું હોત તો કોઈ પણ વિદેશી શાસકોની આ ધરતી પર પગ મૂકવાની હિંમત થઈ ન હોત, પણ કમનસીબે અહીંનાં શાસકો અંદરોઅંદર લડવામાંથી જ ઊંચા ન આવ્યા અને એ કુસંપનો લાભ એ વિદેશી પ્રજાને મળ્યો. હવે એ પ્રજાની અહીં પેઢીઓ જન્મી અને વિકસી છે. એ હવે ભારતીયો જ છે. માથા સાથે કાન જડેલા છે. આ સ્થિતિ હોય ને સાથે જ રહેવાનું હોય તો વૈમનસ્ય વધારવાનો અર્થ ખરો? જે પ્રજાઓ અહીં રહી છે તે જો વિદેશની વફાદારી દાખવતી હોય તો તે પણ અક્ષમ્ય છે. એટલે અપેક્ષા ને વિનંતી એ જ હોય કે સૌ હળીમળીને રહે. જો એમ સાથે નહીં રહી શકાતું હોય તો મૃત્યુ તો સાથે કરે જ છે. કોઈ ધરતીકંપ થાય છે ત્યારે તે હિન્દુ, મુસ્લિમ કે શીખ, ઈસાઈને જુદો નથી દાટતો. કોઈ સુનામી કે રેલ આવે છે તો હિન્દુ, મુસ્લિમ કે શીખ-ઈસાઈને તે અલગ અલગ તાણી નથી જતી, એના ધસમસતા પ્રવાહમાં તો બધું જ એકાકાર થઈને વહી જાય છે. જો મૃત્યુ ભેદભાવ નથી કરતું તો જિંદગી કેમ અલગ અલગ ખાનાઓમાં વહેંચાઈને રહેવા મથે છે? કમ સે કમ સામસામે રહેવાને બદલે આપણે પાસ પાસે રહેવાનો પ્રમાણિક પ્રયત્ન કરીએ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 ડિસેમ્બર 2022

Loading

કોલેજીયમ સિસ્ટમ: સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ટકરાવ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|26 December 2022

ન્યાયપાલિકા અને કાર્યપાલિકાની વ્યવસ્થાના ઇતિહાસમાં, કેશવાનંદ ભારતીનો કેસ, દેશની લોકશાહીના રક્ષણ માટે ઐતિહાસિક ગણાય છે. 1976માં, દેશમાં કટોકટી લાગુ કરનાર ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે, બંધારણમાં (42મો) સુધારો કરતું વિધેયક સંસદનાં બંને ગૃહોમાં બહુમતીથી પસાર કરાવ્યું હતું. રાજ્ય સભામાં તો તેનો કોઈએ વિરોધ કર્યો ન હતો, પણ લોકસભામાં શાસક કાઁગ્રેસના જ પાંચ બળવાખોર સભ્યોએ સુધારાઓનો વિરોધ કર્યો હતો. એ વખતે, વિરોધ પક્ષોના 21 સંસદ સભ્યો મિસા (મેઈન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ) હેઠળ જેલમાં બંધ હતા. બંને ગૃહોએ વિધયેક પસાર કર્યું તે પછી 16 રાજ્યોની વિધાનસભાઓએ પણ તેને મંજૂરી આપી. એ સર્વે રાજ્યોમાં કાઁગ્રેસની સરકાર હતી.

આ 42મો બંધારણીય સુધારો, ત્યાર પહેલાંના તમામ સુધારાઓ કરતાં બહુ ધરખમ હતો. એમાં ઘણી બધી જોગવાઈઓ રદ્દ કરવામાં આવી હતી, ઘણી બદલવામાં આવી હતી અને અનેક નવી જોડવામાં આવી હતી. એ ફેરફારો એટલા પાયાના હતા કે 1949માં અમલમાં આવેલા બંધારણની આખી શકલ જ બદલી નાખી. એમાં એવી કલમો જોડવામાં આવી હતી કે અદાલતો વૈધાનિક કાયદાઓની કાનૂની સમીક્ષા કરી ન શકે અને બંધારણ રાજકીય વર્ગની કઠપૂતળી બનીને રહી જાય.

એ વખતે, કેરળમાં ઈડનીર મઠના મહંત કેશવાનંદ ભારતીએ, બંધારણના અનુચ્છેદ 26 (ધાર્મિક કાર્યોના પ્રબંધનની સ્વતંત્રતા) હેઠળ કેરળ સરકાર સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કેરળ  સરકારે મઠની સંપત્તિઓના સંચાલનમાં અમુક નિયંત્રણો મુક્યાં હતાં. સરકારે તેના ભૂમિ-સુધાર કાનૂન હેઠળ, મઠની 400 એકર જમીનમાંથી 300 એકર જમીન ખેતી કરવાવાળાઓને ભાડે-પટ્ટે આપી દીધી હતી. આ કાનૂનને અદાલતોમાં પડકારી ન શકાય તેવી બંધારણીય જોગવાઈ હતી. 1963ના બંધારણીય સુધારામાં, કેરળ ભૂમિ સુધાર અધિનિયમ પણ હતો. મહંતે આ સુધારને જ પડકાર્યો હતો.

મામલો સુપ્રીમ કોર્ટમાં આવ્યો, ત્યારે સુનાવણીમાં સવાલ એ ઊભો થયો કે શું સંસદને એ અધિકાર છે કે તે બંધારણની મૂળ પ્રસ્તાવનાને બદલી નાખે? એમાં 7 વિરુદ્ધ 6 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે ઐતિહાસિક ચુકાદો આપ્યો કે બંધારણના ‘આધારભૂત માળખા’ (બેઝિક સ્ટ્રક્ચર)માં સંસદ ફેરફાર કરી ન શકે. 7 ન્યાયાધીશોએ બહુમતીથી કહ્યું હતું કે, “બંધારણમાં સંશોધન કરવાની શક્તિ સંસદ પાસે છે પરંતુ બંધારણની પ્રસ્તાવનાના આધારભૂત માળખાને બદલી ન શકાય અને કોઈ પણ સંશોધન પ્રસ્તાવનાની ભાવનાની વિરુદ્ધ જઈ ન શકે.” પાછળથી, “આધારભૂત માળખા”ના આ નિર્ણયને બંધારણમાં એક સિદ્ધાંત તરીકે માન્યતા આપવામાં આવી હતી.

આ કેસમાં મહંતને તો કોઈ ફાયદો ન થયો, પણ દેશની જનતાને જરૂર થયો. એ દિવસે એ નિર્ણય થયો હતો કે બંધારણ સંસદ કરતાં પણ સર્વોપરી છે. ન્યાયિક સમીક્ષા, ધર્મનિરપેક્ષતા, તટસ્થ ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહી બંધારણના આધારભૂત માળખામાં આવે છે અને તેમાં ફેરફાર કરવાનો અધિકાર સંસદને પણ નથી. એ દિવસે એ પણ સ્પષ્ટ થયું હતું કે ન્યાયપાલિકા અને કાર્યપાલિકા બંને બંધારણે આપેલી શક્તિઓ અને મર્યાદાઓમાં રહીને કામ કરે છે.

તાજેતરમાં, ન્યાયપાલિકા અને કાર્યપાલિકાનો ‘સીમા-વિવાદ’ ફરી ઊભો થયો છે. 7મી ડિસેમ્બરે, ઉપ-રાષ્ટ્રપતિ અને રાજ્ય સભાના ચેરપર્સન જયદીપ ધનખડે, તેમના પહેલા ભાષણમાં સુપ્રીમ કોર્ટના 2015ના એ નિર્ણયની આકરી ટીકા કરી હતી જેમાં કોર્ટે નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન (એન.જે.એ.સી.) વિધેયકને રદ્દ જાહેર કર્યું હતું. સંસદનાં બંને ગૃહોએ સર્વસંમતિથી પસાર કરેલા આ વિધેયકમાં, ન્યાયિક એપોઈન્ટમેન્ટ કરવા માટે બનાવવામાં આવેલી કોલેજીયમ સિસ્ટમને રદ્દ કરવાની જોગવાઈ હતી. કોર્ટની આ હરકત “સંસદીય સર્વોપરિતાને ગંભીર રીતે જોખમમાં મૂકે છે” તેમ કહેતાં ધાનકરે કહ્યું હતું કે, “લોકશાહીના ઇતિહાસમાં એવું ક્યારે ય બન્યું નથી કે એક ઉચિત બંધારણીય નુસખો ન્યાપાલિકાએ ઉલટાવી દીધો હોય.” 

એ અગાઉ, કાયદા મંત્રી કિરણ રિજીજુએ પણ આ જ વાતનો ઉપાડો લીધો. ઉચ્ચ અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક કરવાના સુપ્રીમ કોર્ટના કોલેજીયમને નિશાન બનાવવા માટે તેમણે 5 કરોડ જેટલા પેન્ડિગ કેસો અને ન્યાયાધીશોની ખાલી પડેલી જગ્યાઓનો મુદ્દો આગળ ધર્યો. તેમણે તર્ક કર્યો કે એપોઇન્ટમેન્ટ્સની ‘નવી સિસ્ટમ’ નહીં બને ત્યાં સુધી કેસોના ભરાવાની સમસ્યા નહીં ઉકલે. રિજીજુએ ઘા ભેગો લસરકો મારી લેતાં એમ પણ કહ્યું કે ‘કોર્ટોમાં લાંબા વેકેશનનોની’ અંગ્રેજોના જમાનાની પરંપરા પણ મુસીબતમાં ઉમેરો કરે છે. તેમણે સુપ્રીમ કોર્ટની પ્રક્રિયાની સીધી ટીકા કરતાં એમ પણ કહ્યું હતું કે તેની પાસે આટલા બધા પેન્ડિંગ કેસો હોય ત્યારે તેણે “જનહિતની ફાલતું અરજીઓ અને જામીન અરજીઓની સુનાવણીમાં સમય બરબાદ કરવો જ જોઈએ.”

આ છેલ્લી ટીકાનો જવાબ તો ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રાચૂડે આપી પણ દીધો. વીજ ચોરીના કેસમાં 18 વર્ષની સજા ભોગવતા એક આરોપીના કેસની સુનાવણી કરતી વખતે, ચીફ જસ્ટિસે કાનૂન મંત્રીની ટીકાને યાદ કરીને કહ્યું હતું કે વ્યક્તિગત આઝાદી અને મૂળભૂત અધિકારો માટેના દરેક પોકાર સાંભળવા માટે જ સુપ્રીમ કોર્ટ છે. “કોર્ટનો મુખ્ય હેતુ જ દેશના પ્રત્યેક નાગરિકના જીવનના  બંધારણીય અધિકાર અને વ્યક્તિગત આઝાદીનું રક્ષણ કરવાનો છે. આ કોર્ટનો ઇતિહાસ ગવાહ છે કે નાગરિકોની ફરિયાદોના સામાન્ય અને રૂટિન મામલાઓમાંથી જ દેશના વર્તમાન મુદ્દાઓ બહાર આવે છે. કોર્ટ માટે કોઈ મામલો નાનો કે મોટો નથી હોતો. અમે જો વ્યક્તિગત સ્વતંત્રતાના મામલે જો રાહત ન આપી શકતા હોઈએ, તો અમારી જરૂર જ શું છે?” એમ તેમણે કહ્યું હતું.

વાસ્તવમાં, કોર્ટોમાં ઢગલાબંધ કેસો પેન્ડિંગ છે એનું એક માત્ર કારણ જજોની વેકેન્સી નથી. બીજાં અનેક કારણો છે અને સરકારને એ ખબર પણ છે. દેશમાં સરકાર પોતે જ સૌથી મોટી ફરિયાદકર્તા છે અને તેણે ઢગલાબંધ નાના-નાના કેસો કોર્ટોમાં ખડકી દીધા છે. વેકેશનના મુદ્દા પર અનેક નિષ્ણાતો કહે છે કે કોર્ટોમાં મગજથી કામ થાય છે, ફેકટરીઓની જેમ બાવડાં ફુલાવીને નહીં. બૌદ્ધિક કૌશલ્યની જરૂર હોય તેવા દરેક વ્યવસાયમાં નિયમથી કે સ્વેચ્છાએ રજાઓની વ્યવસ્થા છે. એમ તો સંસદ અને વિધાનસભાઓના આંકડા કાઢો તો ખબર પડે કે કોણ કેટલી રજાઓ ભોગવે છે.

મૂળ મુદ્દો એ નથી. મૂળ મુદ્દો જજોની પસંદગી અને નિમણુક કોણ કરે તેનો છે. ધનખડની ટીકા પછી તુરત સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું હતું કે બંધારણની જોગવાઈ હેઠળ સુપ્રીમ કોર્ટ કોઇપણ કાનૂનના મામલે અંતિમ મધ્યસ્થી છે અને કોલેજીયમે સુચવેલાં તમામ નામોને નિમણુક સરકારે કરવી જ પડશે. ત્રણ જજોની બેંચના જસ્ટિસ એસ. કે. કૌલે તો દેશના એટર્ની જનરલને કહ્યું હતું કે તમે કેન્દ્રના મંત્રીઓને સલાહ આપો કે મર્યાદામાં રહીને બોલે.

કોલેજીયમ સિસ્ટમ પ્રમાણે, ભારતના ચીફ જસ્ટિસ અને ચાર વરિષ્ઠ સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ જસ્ટિસો સરકારને જજોની નિમણૂક અને ટ્રાન્સફરની ભલામણ કરે છે. હાઈકોર્ટમાં આ કામ ચીફ જસ્ટિસ અને બે વરિષ્ઠ જજ કરે છે. એમાં સરકારની ભૂમિકા એટલી જ છે કે તેનો ઇન્ટેલિજન્સ બ્યુરો (આઈ.બી.) કોઈ વકીલને જજ તરીકે બઢતી આપવાની હોય ત્યારે તેની ગુપ્ત તપાસ કરીને રિપોર્ટ આપે છે. કોલેજીયમ જે નામોની ભલામણ કરે તેની સામે સરકાર વાંધો ઉઠાવી શકે અથવા ખુલાસો માગી શકે, પરંતુ કોલેજીયમ ફરીથી એ જ નામની ભલામણ કરે તો સરકારે એ માન્ય રાખવું પડે.

સરકારને જજોની એપોઇન્ટમેન્ટ્સમાં સત્તા જોઈએ છીએ કારણ કે તેને લાગે છે કે કોલેજીયમ સિસ્ટમ ધૂંધળી છે અને કેવી રીતે તેના નિર્ણયો લેવાય છે તે કોઈને ખબર નથી. આ સરકાર જ નહીં, ભૂતકાળમાં બીજી સરકારોએ, વિશેષ કરીને ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની સરકારોએ, પણ જજોની એપોઇન્ટમેન્ટ્સમાં પોતાની હિસ્સેદારી માગી હતી અને સુપ્રીમ કોર્ટે તેની સ્વાયત્તા બચાવવા માટે કોલેજીયમ સિસ્ટમ દ્વારા સરકારોને છેટી રાખી હતી. કાયદા મંત્રીના તેવર જોતાં એવું લાગે છે કે સરકાર મૂક પ્રેક્ષક બનીને રહેવાના મૂડમાં નથી.

ગયા મહિને, સુપ્રીમ કોર્ટના કોલેજીયમે સુપરત કરેલી હાઈ કોર્ટના જજોની નિયુક્તિની 20 ફાઈલો કેન્દ્ર સરકારે માન્ય રાખી ન હતી અને તેની પર પુન:વિચાર કરવાની ભલામણ કરી હતી. સુપ્રીમ કોર્ટે એ અંગે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી કે સરકાર નામો મંજૂર કરવામાં વિલંબ કરીને નિમણૂકની પ્રક્રિયાને હતાશ કરી રહી છે.

દેખીતી રીતે જ, 2015માં સંસદે મંજૂર કરેલા નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશનને સુપ્રીમ કોર્ટે મંજૂર ન રાખ્યું તેનાથી સરકાર તે વખતથી નારાજ હતી, પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શાસક ભારતીય જનતા પાર્ટીને જબ્બર બહુમત મળ્યો તેનાથી જોશમાં આવેલી સરકારે જજોની એપોઇન્ટમેન્ટ્સની જૂની ચર્ચાને ફરીથી છેડી છે.

આ વિવાદમાં, એક વાત કોઈ ખૂલીને બોલતું નથી તે એ છે કે ન્યાયપાલિકા, વિરોધ પક્ષો અને સિવિલ સોસાઈટીને એવો ડર છે કે વર્તમાન સરકાર જજોની નિમણૂકમાં પોતાની સત્તા એટલા માટે માંગે છે જેથી ‘સરકાર વિરોધી’ જજોને આઘા રાખી શકાય. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને કાઁગ્રેસના ભૂતપૂર્વ સભ્ય કપિલ સિબ્બલ એક જગ્યાએ લખે છે કે, “સરકારની કાયમી ફરિયાદ છે કે કોર્ટો પ્રસંગોપાત તેની લક્ષ્મણ રેખા ઓળંગે છે અને તેના દાયરામાં ન આવે તેવી બાબતોમાં દખલ કરે છે. કાયદા મંત્રી પણ એ જ કરી રહ્યા છે જેના માટે તેઓ કોર્ટને દોષિત ગણે છે. એ પણ સરકારના દાયરામાં ન આવતા મામલામાં લક્ષ્મણ રેખા ઓળંગે છે.”

લાસ્ટ લાઈન :

“વૈધાનિક અને શાસનાત્મક સત્તાઓ એક જ વ્યક્તિ કે એક જ સંસ્થા પાસે હોય તો સ્વતંત્રતા ન રહે.”

— મોન્ટેસ્ક્યુ, ફ્રેંચ જજ, ધ સ્પિરિટ ઓફ લોઝમાં, 1748

પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામે લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 25 ડિસેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

નવજાગૃતિ અને જ્ઞાનપ્રકાશના સમયમાં એક દિવસ 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|25 December 2022

નડીઆદના અ.સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલયની સવા શતાબ્દી નિમિત્તે ‘ગુજરાતી પ્રકાશનમાં સૌંદર્યનિર્મિતિ’ એવા અ-પૂર્વ વિષય પર યોજાયેલા રાષ્ટ્રીય પરિસંવાદમાં પુસ્તક નિર્માણના નવજાગૃતિ અને જ્ઞાનપ્રકાશ – renaissance and enlightenment – ના સમયમાં વિહરતા હોવાનો આનંદમય અહેસાસ થયો.

અમદાવાદના નવજીવન ટ્રસ્ટના સહયોગથી 24 ડિસેમ્બરના શનિવારે ખૂબ દૃષ્ટિસંપન્ન રીતે યોજાયેલા પૂરા દિવસના આ કાર્યક્રમમાં સામયિકો-પુસ્તકોની પડદા પર પ્રકાશતી આભાસી, અત્યારના જમાનામાં લગભગ જાદુઈ જણાતી દુનિયામાં દિવસ ક્યાં, પસાર થઈ ગયો એ ખબર જ ન પડી.

પુસ્તકોમાં સામાન્ય casualથી વિશેષ રસ ધરાવનાર માટે આ પરિસંવાદ કિતાબી દુનિયાના એક ઘણા મહત્ત્વના પાસા વિશે જાણવા-માણવા માટેની સોનામૂલી તક હતી.

મૂલ્યવાન હસ્તપ્રતો અને ઓગણીસમી સદીનાં દુર્લભ પુસ્તકો સાચવનાર ગ્રંથાલયની સવા શતાબ્દી વર્ષની સાર્થકતા જેમાં હોય તેવો આ ગ્રંથકેન્દ્રી ઉપક્રમ હતો

તેમાં વિષય પસંદગી, વક્તાઓની જાણકારી અને રજૂઆતનું ધોરણ તેમ જ આખા ય કાર્યક્રમની ગુણવત્તા ખૂબ ઊંચી હતી.પરિસંવાદના શ્રોતાઓમાંથી ઘણા ‘વક્તા પણ થઈ શકે તેવા’ હતા. કાર્યક્રમના આયોજન સાથે સંકળાયેલા સહુને ધન્યવાદ આપવા ઘટે.

પરિસંવાદની વિશિષ્ટતાનો અંદાજ તેમાં રજૂ થયેલાં વ્યાખ્યાનોનાં વિરલ વિષયો અને તેના નિષ્ણાત વક્તાઓ પરથી આવી શકે.

 ‘મુદ્રણ : કળા અને કારીગરી’ વક્તા – મુરલી રંગનાથન્‌; ઓગણીસમી સદીની સંસ્કૃતિ ઉપરાંત મુદ્રણપ્રકાશન ઇતિહાસના અભ્યાસી, ઇતિહાસકાર

 ‘દાબપ્રેસથી શિલાછાપ : વલણો અને વળાંકો’; સુહાગ દવે – ભાષાવિજ્ઞાનના અભ્યાસી, અનુવાદક, સેઇજ પબ્લિકેશન્સમાં કૉપી એડિટર

 ‘મુદ્રણમાં ચિત્રો : પ્રવેશ અને પ્રભાવ’, વીરચંદ ધરમશી – પુરાતત્વ, ફિલ્મ ઇતિહાસ, કળા, સ્થાપત્ય જેવા અનેકવિધ વિષયોમાં ઊંડ ખેડાણ કરનાર સંશોધક

 ‘કાગળ-ઉપરણો : ઉપયોગિતા અને સૌંદર્ય’, નૌશિલ મહેતા – લેખક, દિગ્દર્શક, ગ્રાફિક ડિઝાઇનર, ચિત્રકળાના મરમી

 ‘પુસ્તકબાંધણી : સુશોભન અને વિજ્ઞાન’; મઝહર કંસારા, ખાનદાની વ્યવસાયમાં આધુનિક ટેકનોલોજીનો સમન્વય સાધતી ‘કંસારા બાઇન્ડરી’ના સંચાલક

 ‘આપણાં કેટલાંક નોંધપાત્ર પ્રકાશનગૃહો’; ઉર્વીશ કોઠારી, વિવિધ વિષયોમાં ઊંડો રસ ધરાવનાર લેખક, પત્રકાર-પ્રકાશક, અર્ધવાર્ષિક ‘સાર્થક જલસો’ના સંપાદક

 ‘અક્ષર-અક્ષરાંકન : પ્રયોગ અને પરંપરા’; મદુરાઈ શ્રીધર, ભારતીય ભાષાઓમાં ડિજિટલ પબ્લિશિંગના નિષ્ણાત, ‘આકૃતિ’ ફૉન્ટના સહસર્જક

 ‘પૃષ્ઠવિન્યાસ અને ટેકનોલોજીની સંભાવનાઓ’; અપૂર્વ આશર, સંપાદકીય સૂઝ ધરાવતા ડિઝાઇનર, સોફ્ટવેર એન્જિનિયર, ડેસ્કટૉપ પબ્લિશિંગ તથા ઇ-બુક્સના નિષ્ણાત.

 ‘સમાપન’ વક્તવ્યમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર ચિત્રકાર અતુલ ડોડિયાએ તેમના પુસ્તક પ્રેમ અને તેમણે દોરેલાં આવરણચિત્રોની લાંબા પટે સંદર્ભસમૃદ્ધ વિશે વાત કરી.

દરેક વક્તા માત્ર પાવરપૉઇન્ટ પ્રેઝેન્ટેશન જ નહીં, પણ તેની સાથે કહેવાની વાતની પૂરી તૈયારી સાથે આવ્યા હતા. તેમણે સામયિકોનાં અને પુસ્તકોનાં પાનાં, મુખપૃષ્ઠો, પુસ્તક બાંધણી, પુસ્તકોની અંદરનાં ચિત્રો, ફૉન્ટસની ઇમેજીસ અને અન્ય વિવિધ, વિપુલ સામગ્રી પડદા પર બતાવી.

તેમાંથી ઘણી હવે એટલી દુર્લભ છે કે લેખકોના વારસદારો, પ્રકાશકો કે ગ્રંથાલયો પાસે પણ જવલ્લે જ હોય. તે વાસ્તવમાં તો મ્યુઝિયમ અને આર્કાઇવ્ઝના બરની સામગ્રી હતી, જે વ્યક્તિગત પૅશનથી સાચવવામાં આવી હોય. દરેક વક્તા અસલ પુસ્તકપ્રેમી હોવા ઉપરાંત ગ્રંથજ્ઞ પણ હતા. 

પરિસંવાદની એક ખાસિયત એ હતી કે એમાં આયોજકો, વક્તાઓ કે શ્રોતાઓ કોઈના પક્ષે જાહેરમાં વ્યક્તિમહિમા ન હતો. પોતપોતાનાં ક્ષેત્રમાં જંગમ સંવર્ધન-સંશોધન કે નવપ્રવર્તન (ઇનૉવેશન) કરનાર વ્યક્તિઓ પોતાની વાત ખુદને લગભગ બાજુ પર રાખીને કરી રહી હતી. ટીકા અને વ્યંગ ક્યાંક ડોકાય,પણ મુખરતા કે કટુતા નહીં.

લગભગ બધા ઉપસ્થિતો એવા હતા કે જેમના માટે પ્રભાવિત કરવા કે થવા માટેનો અવકાશ ઓછો હોય. જ્ઞાનના ક્ષેત્રમાં એકંદરે નિરપેક્ષ રીતે, લગનથી કામ કરનારા અભ્યાસીઓની નમ્રતામાંથી આવતો સાદગી અને સમાનતાનો માહોલ આખા કાર્યક્રમમાં હતો. બીજું, આયોજકોને પક્ષે વાણી-વર્તનમાં ક્યાં ય કર્તાપણાનો ભાવ ન હતો, ઉમળકો હતો.

પ્રાર્થના, દીપપ્રાકટ્ય, પુષ્પગુચ્છ, પરિચય જેવી ઠાલી ઔપચારિકતા વિના, મિતભાષી સંચાલન સાથે, સમયની પૂરી સભાનતા સાથે, માત્ર રસ ધરાવતા શ્રોતાઓની સ્વયંશિસ્તથી સાચા અર્થમાં વિદ્યાકીય પરિસંવાદ કેવી રીતે યોજી શકાય તેનો પદાર્થપાઠ સંચાલકોએ પૂરો પાડ્યો. વક્તાઓનો પરિચય સભાગૃહની બહાર સરસ રીતે છાપીને મૂકવામાં આવ્યો હતો જે અત્યંત પ્રશંસનીય બાબત હતી.

મગજ ફરી જાય તેટલી રેઢિયાળ રીતે સંસ્થાકીય જરૂરિયાત તરીકે કાર્યક્રમો કરનાર કૉલેજો અને યુનિવર્સિટીઓએ આ સેમિનારમાંથી ઘણું બધું શીખવાનું રહે.

એક મુદ્દા પર ધ્યાન દોરવાનું થાય : વ્યાપક અર્થમાં કચાડાયેલા વર્ગો subalteran section તેમ જ મહિલા એ બે ક્ષેત્રોનો સમાવેશ આ પરિસંવાદની મહત્તામાં નોંધપાત્ર ઉમેરો કરી શકાયો  હોત.

એક દુ:ખદ જોગાનુજોગ એ હતો કે પરિસંવાદના આગળના જ દિવસે ‘અઠંગ વાચક અને પુસ્તકનિર્માણની કલાના મરમી’ શિવજીભાઈ આશરનું 87 વર્ષની વયે અવસાન થયું. સચોટ અંજલિનોંધના વાચન અને મૌન પછી  કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.

આવા ખૂબ વિશેષ highly specialized વિષય પરના  કાર્યક્રમના આયોજનમાંથી આયોજકોને શું મળે ? જાણકારી અને જ્ઞાનમાંથી મળતો આનંદ પોતાના જેવા લોકોની વચ્ચે વહેંચવા માટેનું  એક નિમિત્ત,એક મંચ પૂરું પાડવાનો સંતોષ. એક અમૂર્ત, સાપેક્ષ લાગણી. નક્કર રીતે કશું  ન મળે, નહીં પદ-પ્રતિષ્ઠા-પૈસો. સામે પક્ષે ઉત્તમતાના આગ્રહ સાથે ઝીણવટભર્યું આયોજન, પુષ્કળ મહેનત, સમય-શક્તિ-સંસાધનો.

આચાર્ય હસિત મહેતા, ડૉ. ઉર્વીશ કોઠારી, બિરેન કોઠારી, ડૉ. પારુલબહેન પટેલ, મદદ માટે આવેલાં વિદ્યાર્થીઓ અને પરિસંવાદના આયોજન માટે મહેનત કરનાર દરેકનો ખૂબ  આભાર. 

(તસ્વીર સૌજન્ય : ડૉ. અશ્વિનકુમાર)
25 ડિસેમ્બર 2022
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,2921,2931,2941,295...1,3001,3101,320...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved