Opinion Magazine
Number of visits: 9458565
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

“વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ”, “એકાન્તનાં સૉ વર્ષ”, સાર-સંક્ષેપ (૬) 

સુમન શાહ|Opinion - Literature|30 August 2022

આનન્દની વાત એ છે કે સુખ્યાત સ્ટ્રીમિન્ગ કમ્પની ‘નેટફ્લીક્સ’ નોબેલ-વિભૂષિત આ નવલની સીરીઝ અને ફિલ્મ બનાવી રહી છે. સીરીઝ કે ફિલ્મ આવી ગઇ હોય, કદાચ, મને ખબર નથી. ભાષા સ્પૅનિશ જ હશે. કેમ કે માર્ક્વેઝ પોતાના આયુષ્યકાળ દરમ્યાન વરસો લગી એમ જ કહેતા’તા કે સ્પૅનિશ સિવાયની કોઈ પણ ભાષા પોતાની કૃતિને ન્યાય નહીં કરી શકે. ફિલ્મ માટે નવલકથાને તેઓ વેચવા પણ ન્હૉતા માગતા. એમનું મન્તવ્ય હતું કે ફિલ્મ આપે એ જગ્યા પોતાની નવલને સાંકડી પડે.

પરન્તુ હવે એમના અવસાન પછી બન્ને દીકરાઓએ, ગૉન્ઝાલો અને રૉદ્રિગોએ, ’નેટફ્લીક્સ’-ને ‘હા’ પાડી છે. તેઓએ જણાવ્યું છે કે ’સીરીઝનો આ સુવર્ણયુગ’ ચાલે છે ત્યારે, અને ‘નેટફ્લીક્સ’ ‘અસાધારણ ગ્લોબલ વ્યૂઅરશિપ’ પૂરી પાડે છે ત્યારે, ભલે આ સાહસ આકાર લેતું. અમે ફાઇનલ પ્રોડક્ક્ષન જોવા આતુર છીએ.

પ્રકરણ : ૬ : (૧૭ પેજીસ છે)

પિએત્રો ક્રેસ્પી જોડે રેબેકાનાં લગ્ન તો થઈને રહ્યાં હોત પણ રેબેકા, હોસે આર્કાદિયોની મર્દાનગી પર વારી જાય છે. રેબેકા અને હોસેની રોમાંચક અને વાસનાથી ભભૂકી ઊઠેલી કામલીલા શરૂ થાય છે. લીલા લગ્નમાં પરિણમેલી, પણ ઉર્સુલાને એ સ્વીકાર્ય ન્હૉતું. એ ક્રોધે ભરાઈ જાય છે ને બન્નેને ઘર બહાર કાઢી મૂકે છે.

રેમેડિયોસના અવસાન પછી ઔરેલિયાનો એકાન્તમાં ચાલી ગયેલો, પણ એકાએક એની સામે એક મોટી ચિન્તા ઊભી થઈ : એના સસરા મૅજિસ્ટ્રેટ ડૉન અપોલિનર મોસ્કોતે કૉન્ઝર્વેટિવ સરકારના માકોન્ડોમાં પ્રતિનિધિ હતા. સરકાર અને બંડખોર લિબરલ્સ વચ્ચે યુદ્ધના ભણકારા વાગતા’તા. કૉન્ઝર્વેટિવ્સ અપ્રામાણિક અને ભ્રષ્ટાચારી હતા. એથી વ્યગ્ર ઔરેલિયાનો લિબરલ્સ સાથે જોડાઈ જાય છે. યુદ્ધ શરૂ થાય છે. કૉન્ઝર્વેટિવનું લશ્કર ગામ પર કબજો જમાવવા જાય છે પરન્તુ ઔરેલિયાનો જુવાનોને એકઠા કરી બળવો કરે છે, અને છેવટે લિબરલ્સના નાના લશ્કરને વિજય અપાવે છે.

ઔરેલિયાનો નાના લશ્કરનું નેતૃત્વ જતું કરે છે, આખરે જો કે સ્વીકારે પણ છે. તે પછી એને નવલકથામાં કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યા કહેવાય છે. ઉતાવળે એકઠા કરેલા પોતાના સૈનિકોને લઈને એ માકોન્ડો છોડીને નેશનલ સિવિલ વૉર માટેની પૂર્વતૈયારીઓમાં જોડાઈ જાય છે.

દેશમાં એ જ્યાં જ્યાં ગયો, જુદે જુદે ગામ, એણે કુલ ૧૭ સ્ત્રીઓને ભોગવી ને પરિણામે ૧૭ પુત્રોનો બાપ બન્યો !

કર્નલ પોતાની અનુપસ્થિતિમાં હોસે આર્કાદિયો અને પિલાર તરનેરાના અવૈધ દીકરા આર્કાદિયોને ગામનો ઇન-ચાર્જ બનાવીને ગયેલો. એ આર્કાદિયો હુકમશાહ અને ક્રૂર સરમુખત્યાર પુરવાર થાય છે. એણે પોતાની મા પિલાર તરનેરા સાથે સૂવાની કોશિશ કરેલી, પણ ત્યારે તરનેરાએ સાન્તા સોફિયા દ લા પિએદાદ નામની એક કુંવારકાને મોકલી આપેલી. આર્કાદિયો એની જોડે લગ્ન કરે છે, ત્રણ સન્તાનો થાય છે : રેમેડિયોસ ધ બ્યુટિ, ઔરેલિયાનો સેગુન્દો, અને આર્કાદિયો સેગુન્દો.

લિબરલ્સ યુદ્ધમાં હારી જાય છે, કૉન્ઝર્વેટિવ્સ ગામ કબજે કરે છે. આર્કાદિયોને ‘ફાયરિન્ગ સ્ક્વૉડ’-ની સજા આપવામાં આવે છે. યુદ્ધ વકરે છે. આર્કાદિયોનો અમલ ચાલુ હોય છે.

આમ બધું વિચિત્ર હતું. એ દરમ્યાન પિએત્રો ક્રેસ્પી અમરન્તા આગળ લગ્નનો પ્રસ્તાવ મૂકે છે, આ એ જ ક્રેસ્પી હતો, પહેલાં જેણે રેબેકા માટે અમરન્તાને છેટી કરેલી. અમરન્તા ક્રેસ્પીને ચાહતી’તી છતાં આ વખતે એને ક્રૂરતાપૂર્વક હડસેલી મૂકે છે. ક્રેસ્પી આપઘાત કરે છે. કથકે એનો એ અન્ત સરસ આલેખ્યો છે, જુઓ :

અમરન્તાને થતું કે સુખના દિવસો નજીકમાં જ છે, પણ રેબેકાની માફક એને ઊંચીનીચી થવાની ટેવ ન્હૉતી  – અભરખા છુપાવી જાણે. ખાસ્સી ધીરજ ને શાન્તિથી ટેબલક્લૉથ ધુવે, માસ્ટરપીસ સજાવે, શીવણકામ કરે, ભરત ભરીને મોરલા ગૂંથે. એ રાહ જોતી’તી કે ક્રેસ્પી ક્યારે હારી છૂટે, ક્યાં લગી હૃદયના ધખારા વેઠવાનો છે …

પણ અમરન્તા માટે ઑક્ટોબરનો વરસાદ આવ્યો ને દુર્ભાગી દિવસ લાવ્યો. ક્રેસ્પી આવે છે, અમરન્તાના ખૉળામાંથી શીવણકામની બાસ્કેટ લઈ લે છે. એ બોલ્યો : આવતા મહિને આપણે પરણી જશું : ક્રેસ્પીની હથેળીઓ ઠંડી હતી છતાં એના સ્પર્શથી અમરન્તા જરા ય કમ્પી નહીં. એણે કોઈ ભીરુ પ્રાણીની જેમ પોતાના હાથ સંકોરી લીધા, ને કામમાં પાછી જોડાઈ ગઈ.

સાલસ ન બન, ક્રેસ્પી, અમરન્તા સસ્મિત બોલી, મરીશ પણ તને નહીં પરણું. ક્રેસ્પી ભાંગી પડ્યો ને કાલો થઈને રડવા લાગ્યો. અમરન્તાએ એટલું જ કહ્યું, ડોન્ટ વેસ્ટ યૉર ટાઈમ, તારો સમય ન બગાડ, મને ખરેખર ચાહતો હોઉં, તો નીકળ, આ ઘરમાં ફરી કદી પગ ના મૂકતો.

ઉર્સુલાને થયું, છોકરીનું ચસકી જશે. ક્રેસ્પીએ પોતાથી થાય એ સઘળી અરજ કરી. એણે ઘણી જ હિણપત અનુભવી. એક આખી બપોર એ ઉર્સુલાના ખોળે માથું મૂકી રડ્યો, ઉર્સુલાએ એને ખરા દિલથી સાન્તવન આપવાના પ્રયાસ પણ કરી જોયા.

વરસાદી રાતોમાં ક્રેસ્પી છતરી લઈને ઘરબહાર ભટકતો રહ્યો – ક્યારે અમરન્તાના બેડરૂમની લાઇટ જોવા મળે ! કપડાંલત્તાં એનાં લઘરવગર, જરા ય સારાં નહીં. જાણે ત્રસ્ત સમ્રાટના પ્રતાપી મસ્તકની ભવ્યતા ઝાંખી પડી ગઈ.

પ્રાયશ્ચિત કરતી અમરન્તા —

Pic courtesy : Google Images

એણે અમરન્તા જોડે શીવણકામ કરતી છોકરીઓને સાધી – સમજાવો એને. પોતાનાં ધંધાપાણીને ય ક્રેસ્પીએ હડસેલી દીધાં. પછી એ સ્ટોરના પાછલા ભાગમાં આખો દિવસ બેસી રહેતો ને મનમાં આવે એવી નોટ્સ લખ્યા કરતો. પછી એનાં પુષ્પપાંખડીઓ અને સૂકાં પતંગિયાં સહિતનાં કવર અમરન્તાને મોકલી આપતો. અમરન્તા કવર ખોલવા જેટલી ય તસ્દી લેતી નહીં, એવાં ને એવાં પાછાં મોકલી દેતી. ક્રેસ્પી કલાકોના કલાકો ઝિતર (એક તન્તુવાદ્ય) વગાડ્યા કરતો. એક રાતે એણે કંઈક અદ્ભુત ગાયું. એનું ઝિતર અલૌકિક વાદ્ય હતું, માકોન્ડો દૈવી ઘૅનમાંથી બેઠું થઈ ગયું. અને ક્રેસ્પીનો કણ્ઠ તો એવો દર્દીલો કે સૌને થાય એના જેવો દિલદાર કોઈ પ્રેમી નથી. ક્રેસ્પીએ ગામના દરેક ઘરની બારીએ દીવા જોયા પણ અમરન્તાની બારીએ અંધારું હતું. 

નવેમ્બરની બીજી, ‘ઑલ સોઅલ્સ ડે’ (મૃતકોને યાદ કરવાનો દિન -શ્રાદ્ધનો?) હતો. એ દિવસે ક્રેસ્પીના ભાઈએ સ્ટોર ખોલ્યો, જોયું તો બધા લૅમ્પ ઑન હતા, બધાં મ્યુઝિક બૉક્સિસ ખુલ્લાં પડ્યાં’તાં, કશો રણકાર આવ્યા કરતો’તો. એવા ‘મૅડ કૉન્સર્ટ’ વચ્ચે એણે ડેસ્ક પર મૃત ક્રેસ્પીને જોયો, ક્રેસ્પીએ રેઝરથી બન્ને કાંડાં પર ઘાતક કાપ મૂકેલા, એના હાથ લોબાનની તાસક ભણી ઝૂકેલા હતા.

અમરન્તાને પ્રાયશ્ચિત થાય છે. એ પોતાના હાથ ભયાનક રીતે બાળે છે, એ પર કાળું કપડું વીંટાળે છે, અને મરતાં લગી બાંધેલું રાખે છે.

(હવે પછી, પ્રકરણ-૭)
(August 30, 2022 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ફિંગર પ્રિન્ટ આઇડેન્ટિફીકેશન : દરેક ગુનાખોરની કાયમી ઓળખની પદ્ધતિ

કિરણ કાપુરે|Opinion - Opinion|30 August 2022

દિલ્હીમાં હાલમાં થયેલી બે દિવસની નેશનલ સિક્યૂરિટીઝ સ્ટ્રેટજિસ્ટ કોન્ફરન્સમાં ગૃહ મંત્રી અમિત શાહે ‘નેશનલ ઓટોમેટેડ ફિંગર પ્રિન્ટ આઇડેન્ટિફીકેશન સિસ્ટમ’(એન.એ.એફ.આઇ.એસ.)ના અત્યાધુનિક ટેક્નોલોજીનું અનાવરણ કર્યું. જે સિસ્ટમનું અનાવરણ થયું તેના નામ પરથી જ ખ્યાલ આવે છે કે આ રાષ્ટ્રિય સ્તરે હાથની આંગળીઓને ઓળખવાનું કાર્ય કરે છે. તે લાગુ કરવાનું મુખ્ય કારણ ગુનાઓ સંબંધિત છે; કારણ કે ગુનાઓની તપાસ-ઉકેલમાં ફિંગરપ્રિન્ટ અગત્યનો ભાગ ભજવે છે. અત્યાર સુધી રાષ્ટ્રિય સ્તરે આવી કોઈ વ્યવસ્થા નહોતી, પણ હવે તેનો ટેડાબેઝ વધુ આયોજનબદ્ધ રીતે સંગ્રહિત થશે. ‘એન.એ.એફ.આઇ.એસ.’ની વ્યવસ્થાને વિકસાવવાનું કાર્ય ‘નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરો’ દ્વારા થયું છે. ‘એન.એ.એફ.આઇ.એસ.’નો પ્રયોગરૂપે અમલ સૌ પ્રથમ એપ્રિલથી મધ્ય પ્રદેશમાં થવા માંડ્યો હતો.

ટેકનોલોજી જેમ ગુનાખોરી માટે અનેક રસ્તાઓ ખોલી આપ્યા છે, તેમ તેના ઉકેલ-તપાસ અર્થે પણ ટેકનોલોજીનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. ફિંગર પ્રિન્ટ પરથી ગુનાઓ ઉકેલવાનું બેએક સદીથી થતું આવ્યું છે. હાલના યુગમાં ય ગુના સ્થળે નિયમિત રીતે ફોરેન્સિક સાયન્સ ફિંગર પ્રિન્ટ લે છે. ફિંગર પ્રિન્ટનું આટલું મહત્ત્વ એ માટે પણ છે કારણ કે તેની વિગત સરળતાથી લઈ શકાય છે અને દરેક વ્યક્તિની ફિંગર પ્રિન્ટ વેગળી હોય છે. તેમાં છેડછાડનો અવકાશ નહિવત્ છે અને સાથે લાંબા સમય સુધી કોઈ પણ વ્યક્તિની ફિંગર પ્રિન્ટ બદલાતી નથી. એ રીતે વર્ષો સુધી ફિંગર પ્રિન્ટ વ્યક્તિની ઓળખ બની રહે છે, જેના કારણે ગુનાઓમાં જે-તે વ્યક્તિની સામેલગીરી છે કે નહીં તેને સ્થાપિત કરવાનું સરળ બને છે. ફિંગર પ્રિન્ટની જમા બાજુની દલીલ મહદંશે જેઓ ગુનો ઉકેલતા હોય છે તેમના તરફથી થાય છે; બાકી હજુ ય ન્યાયાધીશો અને ઘણી વખત ન્યૂઝ મીડિયા ફિંગર પ્રિન્ટ પર પ્રશ્ન ઉઠાવતાં આવ્યા છે. ફિંગર પ્રિન્ટની ભૂલના કારણે કેટલીક વખત નિર્દોષ લોકોની ગુનાઓમાં સંડોવણી પુરવાર થાય છે તેવું તેમનું કહેવું છે.

ફિંગર પ્રિન્ટ બાબતે આ રીતે થતી ભૂલચૂકને દૂર કરવા માટે જ હવે ‘એન.એ.એફ.આઇ.એસ.’ને લાગુ કરવામાં આવી છે. તેમાં દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ગુના સંબંધિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા સૌની ફિંગર પ્રિન્ટને સાચવવામાં આવશે. આ ડેટા સર્ચેબલ હશે અને તપાસ એજન્સીઓ અહીં તમામ ડેટાને 24 બાય 7 અપલોડ અને ટ્રેસ કરી શકશે. ફિંગર પ્રિન્ટની મેથડ ગુના ઉકેલવા કેટલી ઉપયોગી થાય તે ગત વર્ષના બેંગ્લુરુમાં થયેલાં પ્રયોગ દ્વારા જ સમજી શકાય. જેમ કે, ગત વર્ષે બેંગલુરુમાં ગુના ઉકેલવામાં ફિંગર પ્રિન્ટના મદદથી 80 ટકા વધુ ગુના ઉકેલી શકાયા. બેંગલુરુ પોલિસ પાસે અત્યારે ગુનાખોરી કરનારાં 28,691 લોકોના ફિંગર પ્રિન્ટનો ડેટાબેઝ છે. આ ડેટાનો બુદ્ધિપૂર્વકના ઉપયોગથી માત્ર બેંગલુરુ શહેરમાં ગુના ઉકેલવાનું પ્રમાણ આટલે સુધી લઈ જવાયું. હાલમાં દરેક રાજ્ય પોતાની રીતે ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવનારાંઓનો ફિંગર પ્રિન્ટ ડેટાબેઝ રાખે છે. તમામ રાજ્યોની સિસ્ટમ અલગ-અલગ છે અને તે ડેટા છૂટોછવાયો પણ છે, તેથી નેશનલ લેવલના એક પ્લેટફોર્મની જરૂર હતી, જ્યાં બધા જ ક્રિમિનલ્સના ફિંગર પ્રિન્ટ રહે. હાલમાં ક્રિમિનલ્સનો સૌથી વધુ ડેટા ધરાવનારું રાજ્ય પંજાબ છે અને ત્યાંની પોલિસ પાસે અંદાજે 3.8 લાખ લોકોની ફિંગર પ્રિન્ટ છે. જો કે છેલ્લા 2019 અને 2020માં ફિંગર પ્રિન્ટ દ્વારા ઉકેલનારા કેસોની સંખ્યામાં ટોપ કરનારા રાજ્યોમાં કેરળ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશ રહ્યા છે.

કેરળનો ચકચારી ઉથરા મર્ડર કેસ પણ ફિંગર પ્રિન્ટથી ઉકેલાયો હતો. આ પૂરા કેસની વિગત એમ છે કે, 2020માં ઉથરા નામની યુવાન મહિલાનું સાપના ડંખથી મૃત્યુ થયું હતું. આ કેસમાં જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ પોલીસને શંકા ગઈ કે ઉથરાનું સાપ કરડવાથી મૃત્યુ જરૂર થયું છે પણ તે કુદરતી ક્રમમાં થયું હોય એમ જણાતું નથી. સાપ ઉથરા પર છોડવામાં આવ્યો હતો, અને તેવું કરનાર તેનો પતિ સૂરજ હતો. પોલીસે આ કેસમાં ખૂબ મહેનત કરી અને એવાં 29 સાંયોગિક પુરાવા એકઠા કર્યા જેનાથી એવું સાબિત થયું કે ઉથરાની હત્યા સૂરજે કરી છે, તેમાં એક મજબૂત પુરાવો ફિંગર પ્રિન્ટનો ય હતો. આવાં તો અનેક જાણીતાં-અજાણ્યા કેસો છે જેમાં ફિંગર પ્રિન્ટના કારણે ગુનાખોર સુધી પહોંચી શકાયું હોય. અથવા તો કેસમાં મજબૂત પુરાવા તરીકે ફિંગર પ્રિન્ટને રજૂ કરવામાં આવી હોય.

2018માં આ રીતે જ ફિંગર પ્રિન્ટથી દિલ્હી પોલીસે બાર વર્ષ જૂના એક કેસની ભાળ મેળવી હતી. થયું એમ કે 2006માં સબિર મલિક નામની એક વ્યક્તિએ તેના સાથીદારો સાથે મળીને દિલ્હીના લલિત બત્રા નામના ઉદ્યોગપતિના ઘરે ચોરી કરી. લલિત બત્રાના ઘરે તે વખતે 30,000ની જ્વેલરી અને અન્ય કેટલીક મોંઘી ચીજવસ્તુઓ ચોરાઈ હતી. તેની ફરિયાદેય થઈ પણ આ કેસ ઉકેલાયો નહીં અને પછી તો ફરિયાદીએ સુધ્ધા તેની આશા છોડી દીધી હતી. 2018માં જ્યારે સબિર મલિકને ગેરકાયદેસ શસ્ત્ર રાખવાના આરોપસર પકડવામાં આવ્યો અને તેની પૂછપરછ થઈ ત્યારે દિલ્હી પોલીસને ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિ હંમેશાંથી ગુનાઓ કરતો આવ્યો છે. તેના ફિંગર પ્રિન્ટ ક્રાઇમ રેકોર્ડ ઓફિસમાં મોકલી આપવામાં આવ્યા. સબિર મલિકની ફિંગર પ્રિન્ટ દિલ્હીના કેટલાક અનસોલ્વડ કેસમાં પણ મેચ થયા, તેમાં એક કેસ ઉદ્યોગપતિ લલતિ બત્રાનો પણ હતો. સ્વાભાવિક છે કે ચોરી થયેલો સામાન ચોર પાસેથી આટલાં વર્ષે જપ્ત ન કરી શકાય, પણ કેસ ઉકેલાયો અને આવી ગુનાખોરીને અટકાવવાનું કાર્ય તે દ્વારા થશે, કારણ કે સબિર મલિક કાલુ-બિલ્લા ગેંગ માટે કાર્યરત હતો અને આ ગેંગે દિલ્હી અને તેના આસપાસના વિસ્તારમાં અનેક આવી ચોરીઓ કરી છે.

આ ઉદાહરણ પરથી ખ્યાલ આવી શકે કે ગુનાઓ ઉકેલવા અર્થે ફિંગર પ્રિન્ટ કેટલી આવશ્યક બાબત છે. ‘એન.એ.એફ.આઇ.એસ.’ દ્વારા હવે દરેક ગુના સાથે સંબંધિત વ્યક્તિના ફિંગર પ્રિન્ટને દસ ડિજિટનો એક યુનિક નંબર મળશે, જેને ‘નેશનલ ફિંગર પ્રિન્ટ નંબર’થી ઓળખવામાં આવશે. દેશભરમાં કોઈ પણ વ્યક્તિની ગુના માટે ધરપકડ થાય તો તેની ફિંગર પ્રિન્ટને તેમાં લઈ લેવામાં આવશે. આ યુનિક આઇ.ડી. નંબરમાં પ્રથમ બે ક્રમાંક રાજ્યોનો કોડ દર્શાવશે અને તે પછીના ક્રમ એ રીતે તબક્કાવાર જે-તે ક્ષેત્રની ઓળખ આપશે, જેથી ટ્રેસિંગ ઝડપથી થઈ શકે. નેશનલ સ્તરે આ રેકોર્ડ રાખવાની ભલામણ વર્ષોથી થતી હતી, પરંતુ અત્યારે તેનો યોગ બન્યો છે. સૌ પ્રથમ 1986માં ‘નેશનલ પોલીસ કમિશને’ રાષ્ટ્રીય સ્તરે આવી વ્યવસ્થા હોવાની ભલામણ કરી હતી, પરંતુ તે વખતે મેન્યૂઅલી જ ફિંગર પ્રિન્ટ રાખવાનું શક્ય હતું. ત્યાર બાદ આ મેન્યૂઅલ રેકોર્ડને ડિજિટલ કરવાનું કાર્ય 1992ના અરસામાં શરૂ થયું, તેમ છતાં તે વખતે ટેક્નોલોજીની મર્યાદા ઘણી હતી તેથી તેનો વ્યાપક ઉપયોગ થતો નહોતો. સમયાંતરે આ સિસ્ટમ સતત અપગ્રેડ થતી રહી અને હવે અત્યાધુનિક ટેકનોલોજી સાથે ફિંગર પ્રિન્ટનો ડેટાને સુરક્ષિત કરવામાં આવશે.

આશ્ચર્યની વાત તો એ છે કે ફિંગર પ્રિન્ટનો પહેલોવહેલો પ્રયોગ અંગ્રેજો દ્વારા ભારતમાં જ થયો હતો. તે વખતે તેનો ઉપયોગ વહીવટી કાર્ય માટે થયો, ન કે ગુનાખોરીના તપાસના ઉદ્દેશ્યથી. તે પછી ઇ.સ. 1800ના અરસામાં બંગાળના હુગલી જિલ્લાના ચીફ એડમિનિસ્ટ્રેટર વિલિયમ હર્ષલે યોગ્ય વ્યક્તિને સરકારી પેન્શન મળે છે કે નહીં અને જમીનની ફેરબદલી વખતે છેતરપિંડી અટકે તે માટે ફિંગર પ્રિન્ટનો ઉપયોગ શરૂ કર્યો. 19મી સદીની શરૂઆતમાં ગુનાખોરી અટકાવવા માટે ફિંગર પ્રિન્ટનો આધાર લેવાતો થયો. ફિંગર પ્રિન્ટ વ્યક્તિની ઓળખની એક અલાયદી પદ્ધતિ છે તે શોધી કાઢવાનું કાર્ય મૂળે જર્મનીના એનાટોમિસ્ટ જોહન મેયરે 1788માં કર્યું હતું. જોહન મેયરના આ કાર્યને મેડિકલી યોગ્ય પુરવાર કરવાનું કામ સ્કોટીશ ડોક્ટર હેન્રી ફોલ્ડે કર્યું. આ રીતે ફિંગર પ્રિન્ટ ઉપયોગમાં લેવાતી થઈ અને કલકત્તામાં 1897માં પ્રથમ ફિંગર પ્રિન્ટ બ્યૂરો સ્થાપવામાં આવ્યું. શરૂઆતમાં તેનો થોડો વ્યાપક ઉપયોગ કરવામાં મૂળે ભારતના બે સબ-ઇન્સ્પેક્ટર, જેઓ બંગાળમાં ડ્યૂટી પર હતા તે અઝિઝ ઉલ હક અને એચ.સી. બોઝનો પણ મહત્ત્વનો ફાળો છે.

e.mail : kirankapure@gmail.com

Loading

પ્રેમ સાગર

બીજલ જગડ|Poetry|30 August 2022

તું જ કહે કે કેવી રીતે દૂરથી તુજને વ્હાલ કરું,

મારી બાથમાં ગુંથાય ત્યારે પ્રેમ ઊભો થાય !

આ સૃષ્ટિ છે ના સાંકળી એમાં મળી બે ઘડી,

પ્રિયાને આલિંગું મુજ હ્રદયને જો પ્રિય દેખાય!

નથી જો સૌંદર્ય દેખાતું તો એ દોષ દૃષ્ટિનો !

છબી તુજ નીરમાં લ્હેરે લ્હેર વહેતી જાય !

ગુલાબી ગાલે  નવીન  સ્મિત મીઠું ફરકતું !

આંખ રતુંબડી ખુશનુમાં નયન ભીનાં દેખાય!

બધું ઊલ્લેખવાની છે છૂટ કિંતુ ઈશારામાં !

ટપકતાં દિલનો અન્દાજ અંતર તણો ન કરાય!

ઈશ્કનો તુજ  બુખાર હવે જશે કયાં સુધી ?

શ્વાસ નાદ બિંદુની નિકટ શ્વાસોમાં ધડકાય !

આકાશ વાયુ પૃથ્વી આ પાણી અને પ્રકાશ,

પંચતત્ત્વે રંગે અમૃત સાગર પ્રેમનો છલકાય !

ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com

Loading

...102030...1,2721,2731,2741,275...1,2801,2901,300...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved