Opinion Magazine
Number of visits: 9458440
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જેમ સત્તા વધુ, તેમ જૂઠ બોલવાની ક્ષમતા વધુ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|31 August 2022

બ્રિટનના (હવે ભૂતપૂર્વ) પ્રધાન મંત્રી એલેકઝાન્ડર બોરિસ ડે ફેફેલ જોહ્ન્સનની ઓળખ જૂઠાડી વ્યક્તિ તરીકેની છે. બ્રિટિશ મીડિયા અને તેમના રાજકીય વિરોધીઓ અવારનાવર તેમનાં જૂઠ પકડતા હતા. જોહ્ન્સનને તેની કોઈ ફિકર નહોતી. ઇન્ટરનેટ પર તો ‘બોરિસ-જોહ્ન્સન-લાઈઝ ડોટ કોમ’ નામની એક વેબસાઈટ ખૂલી છે, જે બોરિસ ક્યારે, ક્યાં અને કેવું જૂઠ બોલ્યા હતા તેનું નિયમિત અપડેટ આપે છે.

બ્રિટનના આ 58 વર્ષીય પ્રધાન મંત્રીએ, સત્તામાંથી રાજીનામું આપ્યું, ત્યારે લંડનના દૈનિકપત્ર ‘ધ મિરરે’ તેમનાં 50 જૂઠાણાંની યાદી આપી હતી. તેમાં સૌથી પહેલું જૂઠ એ હતું કે 23 વર્ષની વયે બોરિસ જ્યારે પત્રકાર હતા, અને ‘ધ ટાઇમ’ સમાચારપત્રમાં કામ કરતા હતા, ત્યારે કિંગ એડવર્ડ દ્વિતીયના પ્રેમપ્રકરણની પહેલા પાના પર છપાયેલી એક ‘સ્ટોરી’માં, બોરિસે ઇતિહાસકાર કોલિન લુકાસના નામે અમુક વાતો લખી હતી, જે સરાસર ખોટી હતી. તે વખતે ‘ધ ટાઇમ’માંથી તેમને કાઢી મુકવામાં આવ્યા હતા. છેક 2013માં બોરિસે તેમના આ જૂઠનો એકરાર કર્યો હતો અને સોરી કહ્યું હતું.

બોરિસનું લેટેસ્ટ જૂઠ, પ્રધાન મંત્રીના નિવાસ્થાન ડાઉનિંગ સ્ટ્રીટમાં મે 2020માં ખાવા-પીવાની પાર્ટીને લઈને હતું. તેમની સામે આરોપ હતો કે કોરોનાને લઈને આખા દેશમાં લોકોના ભેગાં થવા પર પ્રતિબંધ હતો, ત્યારે બોરિસે દારૂની પાર્ટી કરી હતી. બોરિસે સંસદમાં ઇન્‌કાર કર્યો હતો કે તેમણે લોકડાઉનના નિયમનો ભંગ કર્યો છે, પરંતુ હમણાં ગયા મહિને જ લંડનનાં સમાચારપત્રોમાં પહેલાં પાને તેમની પાર્ટીના ફોટા છપાયા હતા.

બ્રિટનમાં એક સર્વેમાં 75 ટકા લોકોએ માન્યું હતું કે બોરિસ જાણી જોઇને જૂઠું બોલ્યા હતા (આપણે ભૂલ કરી છે તેની ખબર ન હોય અને જૂઠ બોલીએ તો તે અજાણતાં બોલાયેલું જૂઠ કહેવાય). માત્ર 12 ટકા લોકોએ કહ્યું હતું કે બોરિસે અજાણતાં સંસદને ગેરમાર્ગે દોરી હતી. રાજકારણીઓ બધે જ જૂઠ બોલતા હોય છે. અમરિકામાં, ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ નામના સમાચારપત્રની ફેક્ટ-ચેક ટીમે, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનાં 30,000 જૂઠાણાં ભેગાં કર્યા હતાં. પત્રએ કહ્યું હતું કે ટ્રમ્પ તેમના કાર્યકાળ દરમિયાન રોજનાં 21 જૂઠ બોલતા હતા. એમાં ઘણાં જૂઠને ટ્રમ્પ સાચા માનતા હતા.

જૂઠ અને કલ્પના વચ્ચે એક જ બારીક તફાવત છે. જૂઠ એટલી એવી વાત, જે આપણને ખબર છે કે સાચી નથી, અને છતાં બીજી વ્યક્તિને છેતરવા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. કલ્પના એટલે એવી વાત, જેને આપણે સાચી માનીએ છીએ, અને બીજી વ્યક્તિ પણ એમાં માને, એટલા માટે તેનો પ્રચાર કરીએ છીએ. દાખલા તરીકે, રાજકીય કે ધાર્મિક માન્યતાઓ એક રીતે જૂઠ છે, કારણ કે આપણે તેની સચ્ચાઈને તટસ્થ રીતે પુરવાર ના કરી શકીએ, પરંતુ કરોડો લોકો તેમાં માનતા થઈ જાય, તો પછી તેને જૂઠ કહેવું અઘરું થઈ જાય છે.

Courtesy : Flow cartoon by Dave Brown, “The Independent”, 22 April 2022

બીજી રીતે કહીએ તો, જે જૂઠમાં બહુ બધા લોકો સાગમટે માનતા થઈ જાય, પછી તે ‘સત્ય’ બની જાય છે. પરંપરાઓ અને માન્યતાઓ એટલે જ પ્રચલિત હોય છે. રાજકીય પક્ષો અને સરકારો હંમેશાં ખૂબસૂરત ભવિષ્યની કલ્પનાઓ ઘડીને સમુદાયો પર પ્રભાવ કાયમ કરે છે. આનું કારણ છે.

સત્ય અને પરિચિતતા વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. જે પરિચિત હોય તે સત્ય બની જાય છે, અને જે અજાણ્યું છે તે જૂઠ નજર આવે છે. જોસેફ ગોબ્બેલ્સ ભલે એવું કહેવા માટે બદનામ હોય કે, “જૂઠને વારંવાર દોહરાવો તો તે સત્ય બની જાય છે,” પણ આપણે સૌ આ જ માનસિકતાના શિકાર છીએ. એક જૂઠને વારંવાર રિપીટ કરવામાં આવે, તો લોકોને તે પરિચિત થઈ જાય છે અને એટલે તેને સત્ય માની લેવાની સંભાવના વધી જાય છે. આપણું મગજ વારંવાર એકની એક વાત સાંભળે, તો તેને હકીકત તરીકે સ્વીકારતું થઈ જાય છે. આને આભાસી સત્ય કહે છે.

પરિચિતતા આપણી વિચારપ્રક્રિયાને દૂષિત કરે છે. આપણું મગજ અપરિચિત ચીજથી દૂર ભાગે છે, કારણ કે તે જોખમી લાગે છે, અને પરિચિત ચીજ સાથે ઘરોબો કેળવી લે છે, કારણ કે તે સલામત લાગે છે. કોઈ પણ ચીજને પસંદ કરવાની પહેલી શરત તેની પરિચિતતા છે. એટલા માટે લોકોને જૂઠ પણ પસંદ પડે છે, કારણ કે તે પરિચિત છે. રાજકારણીઓ એટલે જ સફળ થાય છે. તેમને એવો વિશ્વાસ હોય છે લોકો તેમનું જૂઠ સાચું માની લેશે.

દરેક માણસ જૂઠ બોલે છે, પણ સામાન્ય માણસોનાં જૂઠ ‘નિર્દોષ’ હોય છે. જેમ કે ઓફિસમાં મોડા પડેલા ઘણા લોકો ‘રસ્તામાં ટ્રાફિક હતો’ એવું જૂઠ બોલતાં હશે. એક માણસ રોજ સરેરાશ બે વખત જૂઠું બોલે છે, એવું એક અભ્યાસ કહે છે. જૂઠ ત્યારે ગંભીર બની જાય, જ્યારે તે કોઈ જવાબદાર, મોટા માણસો દ્વારા ઉચ્ચારવામાં આવે.

જૂઠને અને સત્તાને સીધો સંબંધ છે. રોમન ઇતિહાસકાર ટેસિટસે રોમન શહેનશાહ સિઝર ઓગસ્ટસના અંતિમસંસ્કાર વખતે એવું કહ્યાનું મનાય છે કે, “માણસનું પદ જેટલું ઊંચું, એટલું તેનામાં પાખંડ વધુ.” 2010માં, પશ્ચિમમાં પાંચ અલગ-અલગ પ્રયોગોમાં, મનોવિજ્ઞાનીઓએ આ વાત સાબિત કરી હતી. તેમને એ જોવા મળ્યું હતું કે કોઈ વ્યક્તિ સત્તાની સીડી પર જેમ જેમ ઉપર જાય, તેમ તેમ તેનામાં બીજા લોકોને નૈતિકતાના પાઠ ભણાવની વૃત્તિ વધતી જાય, અને તેનો ખુદનો નૈતિક વ્યવહાર ઘટતો જાય. એ બીજાઓના પ્રપંચ અંગે કૂદી-કૂદીને બોલે, પણ ખુદ પ્રપંચ કરવામાં પાછી પાની ન કરે.

બોરિસ જોહ્ન્સન સામે એ જ તો આરોપ હતો. તેમણે લોકડાઉનમાં નાગરિકોને ઘરમાં પૂરી દીધા હતા, પણ પોતે તેમની ટીમને બોલાવીને દારૂની પાર્ટી કરી હતી. એટલા માટે, એક સાધારણ માણસની સરખામણીમાં રાજકારણીઓ, બિઝનેસમેન, ગુરુઓ અને સેલિબ્રિટીઓનાં કૌભાંડો બહુ મોટાં હોય છે. 

આનાં 2 મુખ્ય કારણો છે :

1. સત્તાની સાથે, (કશું પણ કરવાની) માણસમાં અધિકારની વૃત્તિ આવી જાય. તેને એવું લાગવા મંડે કે આટલા બધા લોકોમાં તે સ્પેશ્યલ (દેવનો દીધેલ) છે, અને તે જે પણ કરે, લોકોએ તેની પ્રસંશા કરવી જોઈએ. સત્તામાં માણસને એવું લાગે છે તેનું જૂઠ સમાજ માટે (અથવા તેના સમર્થકો માટે) કામનું છે. ડોનાલ્ડ ટ્રમ્પના રિપબ્લિકન સમર્થકોને ટ્રમ્પનાં જૂઠમાં કશું ખોટું નજર આવતું ન હતું. તેમને લાગતું હતું કે આ ‘જૂઠ’ અમેરિકા માટે ઉપયોગી છે.

2. સત્તામાં માણસને ટીકા પ્રત્યે બેપરવા બનાવી દે છે. તે એવું માનતો થઇ જાય કે તે મહત્ત્વનો માણસ છે એટલે લોકો તેની ઈર્ષ્યા કરે છે અને એટલે તેઓ ભૂલો શોધે છે. સત્તા માણસમાંથી શરમની ભાવના ઓછી કરી નાખે છે, કારણ કે એક તો તે આમ લોકો અથવા આમ સમાજથી દૂર થઈ જાય છે, અને બીજું, તેની સામાજિક પ્રતિષ્ઠા તેની સત્તામાંથી આવે છે, એટલે તેને નૈતિકતાની ચિંતા રહેતી નથી. સાધારણ માણસમાં “લોકો શું કહેશે”ની ફિકર હોય છે. “મોટા” માણસોમાં એ મજબૂરી નથી હોતી. ગુજરાતી કહેવત “મજબૂરીના માર્યા મહાત્મા” તે આ અર્થમાં. સાધારણ લોકો સચ્ચાઈનું જીવન જીવતા હોય છે કારણ કે તેમની પ્રતિષ્ઠા તેમના સદાચાર પર જ નિર્ભર હોય છે. સત્તામાં હોય તે માણસને આવી મજબૂરી નથી હોતી. એટલા માટે, ગુંડાઓ, આતંકવાદીઓ કે સરમુખત્યારશાહોના પણ અનુયાયીઓ હોય છે.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 28 ઑગસ્ટ 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

જાત જોડે જ અપ્રમાણિક હોવું આધુનિકતાનું લક્ષણ છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|30 August 2022

મૂળે તો આપણે દંભી પ્રજા છીએ. આધુનિક હોવાના વહેમમાં જ આપણે રોજ અપ્રમાણિકતા અને અસત્યનું આચરણ કરતાં રહીએ છીએ. આપણે લગભગ નિખાલસ નથી. રોજિંદા વહેવારોમાં આપણે એટલાં ખાનાં પાડીને જીવી છીએ કે આપણું અસલ સ્વરૂપ આપણને જ ઓળખાતું નથી. પિતા-પુત્રી, માતા-પુત્ર, ભાઈ-બહેન વચ્ચેના સંબંધોમાં બહુ મુશ્કેલીઓ નથી. જન્મથી આવી મળેલા સંબંધોમાં આપણે લગભગ પ્રમાણિક છીએ, સાચા પણ હોઈશું, પણ વિજાતીય મૈત્રી સંદર્ભે આપણે ઘણો ગૂંચવાડો ઊભો કર્યો છે. એક છોકરો ને એક છોકરી, જો ભાઈ બહેન નથી તો સમાજ અને કુટુંબ એ મામલે બહુ મૂંઝાય છે. સમાજ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી એક યુવાન અને એક યુવતીનો સંબંધ મૂંઝવણો જ ઊભી કરતો આવ્યો છે. ભાઈ-બહેન ન હોય એવા યુવકને, યુવતી રાખડી બાંધી દે છે તો કુટુંબ કે સમાજને એ વાતે ખાતરી થઈ જાય છે કે એ બે વચ્ચે કૈં નથી. હવે તો કુટુંબને કે સમાજને છેતરવા યુવક રાખડી બંધાવી પણ લે છે અને વિજાતીય મૈત્રીનો લાભ પણ લેતો રહે છે. કેટલાંક ધરમના ભાઈ- ધરમની બહેન પણ બની જાય છે જેથી સમાજ એમના તરફથી નિશ્ચિંત થઈ જાય છે. આવું કેમ થાય છે? કેમ યુવક-યુવતીએ ભાઈ-બહેન હોવાનું નાટક કરવું પડે છે? કુટુંબ કે સમાજને છેતરવાની સ્થિતિ કેમ આવે છે? એ સ્થિતિ એટલે આવે છે કે આજે પણ વિજાતીય મૈત્રી, કુટુંબ કે સમાજ સ્વીકારવા ભાગ્યે જ તૈયાર થાય છે. વિજાતીય આકર્ષણ કૈં આજનું નથી. એ યુગોથી ચાલ્યું આવે છે. યુગોથી સમાજ અનુદાર છે ને યુગોથી પ્રેમીઓ મળ્યાં જ છે ને મર્યાં ય છે, છતાં એને ભાગ્યે જ સ્વીકૃતિ મળી છે. 

સમાજ સુધર્યો છે, કુટુંબો ઉદાર પણ થયાં છે, યુવક-યુવતીને મળવા પર પણ પાબંદીઓ ઓછી થઈ છે, છતાં વિજાતીય મૈત્રી મોટે ભાગે આજે પણ નકારાય છે. એને માટે કોઇની જિંદગી છીનવવી પડે તો તેનો ય કોઈને બહુ વાંધો આવતો નથી. પ્રેમીઓની હત્યા કદાચ વધી છે. એક બાજુ પ્રેમ પવિત્ર છે, પ્રેમ એ જ ઈશ્વર છે, જેવું બોલાતું રહે છે ને બીજી બાજુએ પ્રેમીઓની હત્યા થવાની પણ નવાઈ રહી નથી. એ ખરું કે પ્રેમ લગ્નોની હવે છોછ નથી કે વિજાતીય મૈત્રીનો ય સ્વીકાર થાય છે, પણ એને માટે બચાવની યુક્તિઓ પણ અપનાવાઈ છે. આ સારું છે કે ખરાબ, તેમાં ન પડીએ તો પણ તે છે એ માનવું જ પડે એમ છે. છોકરા- છોકરાની મૈત્રીનો કે છોકરી-છોકરીની મૈત્રીનો કોઈને ભાગ્યે જ વાંધો હશે, પણ કોઈ છોકરી, કોઈ છોકરા સાથે વાતો કરતી દેખાય તે સાથે જ કુટુંબ ને સમાજની આંખો ચાર થવા લાગે છે. એક ઉદાહરણથી સમજીએ. માની લો કે કેટ નામની છોકરી અને રોક નામના છોકરા વચ્ચે મૈત્રી છે, તો તે મૈત્રી અંગે હવે સમાજે ખાનાં પાડ્યાં છે. જેમ કે તેમની વચ્ચે મૈત્રી છે, તો તે બંને મિત્રો હોઈ શકે છે, પણ વાત એટલાથી અટકતી નથી. કેટ, રોકની ગર્લફ્રેન્ડ હોઈ શકે છે કે પછી રોક, કેટનો બોય ફ્રેન્ડ પણ હોઈ શકે છે. મતલબ કે મૈત્રીથી કશુંક વિશેષ હોય તો તેવી મૈત્રીને બોય ફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડનું લેબલ લાગી શકે છે. એમ પણ માનવામાં આવે છે કે કેટ અને રોક વચ્ચે શારીરિક છૂટછાટ પણ લેવાતી હશે કે શરીર સંબંધ થયો હોય તો પણ નવાઈ નહીં ! આ વાત કુટુંબો જાણતાં પણ હોય છે. આવાં બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ એકથી વધુ પણ હોઈ શકે છે. આમાં મૈત્રી થાય એટલી જ ઝડપથી સંબંધો તૂટે પણ છે. બ્રેક અપ એ આજનું વરદાન છે. ધારો કે મૈત્રી ચાલુ રહે છે તો તે લગ્ન સુધી પહોંચે જ એવું નક્કી હોતું નથી. લગ્ન ન કરવાં હોય તો સમય જતાં એમને લિવ ઇનમાં રહેવાની તકો પણ સાંપડી શકે છે. અહીં પણ ફાવે ત્યાં સુધી આ મિત્રો સાથે રહે છે. એમાંથી કોઈ લગ્ન સુધી પહોંચે છે અથવા તો બ્રેક અપ કરીને માર્ગ બદલી કાઢે છે. એ સિવાય પણ મિત્રો સીધાં લગ્ન કરી લે એ પણ શક્ય છે. એટલાથી પણ વાત પૂરી થતી નથી. લગ્ન અનુકૂળ ન આવે તો વાત છૂટાછેડા સુધી પણ પહોંચે છે. ધારો કે લગ્ન સફળ છે ને બંને પતિ-પત્ની ક્યાંક નોકરી પણ કરે છે, તો નોકરીને સ્થળે, સાથી કર્મચારી સાથે પણ સંબંધો વિકસી શકે છે. આ લગ્નેતર સંબંધો, લગ્ન તૂટવાનું કારણ પણ બની શકે છે. આ ઉપરાંત કોઇકનું મૃત્યુ થાય તો પતિ કે પત્નીમાંથી કોઈ પુનર્લગ્ન પણ કરી શકે છે. હવે જ્યાં કાયદાનું સમર્થન છે, ત્યાં તો સમાજ કે કુટુંબને બહુ વાંધો નથી આવતો, પણ જ્યાં સમર્થન નથી ત્યાં સમાજની આંખો લાલ જ રહે છે. આંખો લાલ રહે કે લીલી, પ્રેમીઓ મળે જ છે ને અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ મળે જ છે. વિજાતીય આકર્ષણ કુદરતી છે ને તે અનેક પ્રતિબંધો વચ્ચે પણ શક્ય છે ને ટકવા ઝનૂને ચડે છે. એમાં જેટલો વિરોધ થાય છે એટલા મળવાના રસ્તા પણ શોધાતા રહે છે.

ધ્યાનથી જોઈશું તો સમજાશે કે પ્રેમને અનેક લેબલ નીચે આવરવાનો ને છાવરવાનો પ્રયત્ન થાય છે. એક સમય હતો જ્યારે સ્ત્રી-પુરુષનું મિલન કોઈ બંધનને વશ ન હતું. કોઈ પણ સ્ત્રી, કોઈ પણ પુરુષને ચાહી શકતી. કારણ ત્યારે કોઈ સમાજ ન હતો, કોઈ જ્ઞાતિ-જાતિની સ્પષ્ટતા ન હતી. સ્ત્રી અને પુરુષ એ બે જ જાતિ અસ્તિત્વમાં હતી. પછી સમાજ અસ્તિત્વમાં આવ્યો. તે સાથે જ જ્ઞાતિ, જાતિનાં વર્ગીકરણ આવ્યાં. લગ્નો જ્ઞાતિમાં જ કરવાના આગ્રહો વધ્યા. સ્ત્રી-પુરુષનું મિલન લગ્નથી જ પ્રમાણિત થતું ગયું. એ સિવાય જાતીય સંબંધ માન્ય ન હતો. પણ વિજાતીય આકર્ષણ તો કોઈ નિયમને વશ રહે એમ જ નથી. જેટલાં દબાણ વધ્યાં એટલો વિરોધ પણ વધ્યો ને હવે તેને બોય/ગર્લ ફ્રેન્ડ, લિવ ઇન, લગ્ન, લગ્નેતર એમ જુદા જુદા ખાનાઓમાં ગોઠવીને જોવાની કોશિશો થાય છે. ખરેખર તો એ શરીર સંબંધને માન્ય કરવાની યુક્તિઓ જ છે. એ દ્વારા સંબંધની એક પ્રકારની ઓળખ ઊભી કરવામાં આવે છે. એક રીતે તો એ છટકબારીઓ પણ છે. મૈત્રીના પ્રકારોમાં લગ્નની જવાબદારી ન સ્વીકારવાની ને એકબીજાને માણીને છટકી જવાની વૃત્તિ પણ કામ કરે છે. એ એમાં સંડોવાનાર સ્ત્રી-પુરુષને માન્ય હોય તો, તો બહુ વાંધો નથી આવતો, પણ લગ્નનો વાયદો કરીને કોઈ વિશ્વાસઘાત કરે છે તો વાત બગડે છે. લગ્ન દ્વારા થતાં બાળકને જ સમાજ માન્યતા આપે છે, એ સિવાય બાળક જન્મે તો તે શરમજનક ગણાય છે. એમાં બાળકનો તો કોઈ વાંક નથી, પણ તેનું અસ્તિત્વ જોખમમાં મુકાય છે. એ જ કારણે બાળક કચરાપેટીમાં કે ગટરમાં ફેંકાય છે. હવે તો બાળક ન થાય એવી વ્યવસ્થાઓ પણ હાથવગી છે. એટલે સ્ત્રી-પુરુષ બાળક ન થાય એવી આગોતરી વ્યવસ્થાઓ કરીને જ સંબંધ બાંધે છે. પણ, જ્યાં બાળકની અપેક્ષા રખાય અને પછી છેહ દેવાય ત્યાં બાળક વધારાનું થઈ પડે છે ને તેનો નિકાલ કરવાની ફરજ પડે છે. આ સૌથી વધારે નાલેશીભર્યું હોય છે.

આ બધાંમાં વિશ્વાસનો ભંગ ઘણા જીવોને જોખમમાં મૂકે છે. ખરેખર તો સ્ત્રી-પુરુષનું મિલન વિશ્વાસની ભૂમિ પર થવું જોઈએ, પણ હવે અવિશ્વાસ અને એકબીજાનો ઉપયોગ જ સહજ થતો આવે છે. એકથી વધુ સ્ત્રી સાથે કે પુરુષ સાથે સંબંધો વિકસવાની શક્યતાઓ વધી છે ને લગ્ન તો એકથી વધુ પતિ કે પત્નીની મંજૂરી આપતું નથી, ત્યાં બીજા સંબંધો છુપાવવા સિવાય કોઈ ઈલાજ રહેતો નથી ને એમાંથી અવિશ્વાસ, છેતરપિંડી, દગો … વગેરે વિકસે છે ને ખરાબ પરિણામો સુધી વાત પહોંચે છે. એ આ સમયનું વરદાન છે કે કેવળ શુદ્ધ લાગણી અનેક ખાનાઓમાં ગોઠવી દઈને તેને ગણતરી અને અવિશ્વાસ સુધી વિકસવાઈ છે. કોઈને માટે નિર્વ્યાજ લાગણી થવી કે હોવી એ એટલી પવિત્ર બાબત છે કે એ સિવાય જગતમાં કશું જ મહત્ત્વનું નથી, પણ હવે તેના દાખલા ગણાય છે ને સામેની વ્યક્તિ, ફસાવવાનું કે છેતરવાનું જ સાધન હોય તેમ તેનો દુરુપયોગ થાય છે. અત્યારે તો છેતરવાની મોસમ બેઠી હોય તેમ વિશ્વાસઘાત, છેડતી, બળાત્કાર અને ખૂનની પરંપરા સર્જાતી આવે છે. બધી જ વાતોમાં વેપાર અને નફાનું ગણિત ઘાતક છે. હજી શ્વાસ મફત ચાલે છે. હજી સૂર્ય લાઇટ બિલ મોકલ્યા વગર જ અજવાળું આપે છે, હજી ખેતી માટે વરસાદ વરસે છે, હજી માતા બાળકને પોતાનું દૂધ પૈસો ય વસૂલ્યા વગર પાય છે, હજી કોઈને માટે હૈયું વલોવાય છે, હજી આંસુ આવે છે. આ બધું જ કશી ય આશા- અપેક્ષા વગર થાય છે. એ જો વેપાર અને નફાના દાખલા ગણવા માંડશે તો લાગે છે કે એકાદ શ્વાસ લેવાનું ય સહેલું હશે?

વિચારીએ –

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, “ગુજરાત ટુડે”, 28 ઑગસ્ટ 2022

Loading

…. એ નહીં ફાવે!

યોગેશ ભટ્ટ|Poetry|30 August 2022

અમે તો રહ્યાં હથેળીના માણાહ,

ટેરવેથી મળવાનું નહીં ફાવે! 

ભીની આંખે ભેટી લેશું,

અમને સાવ ઠાલું મરકવું નહીં ફાવે! 

ખુલ્લા દિલે ખખડાવી નાખશું, 

બાકી રૂસણાં -મનામણાં નહીં ફાવે! 

હક્કથી લેશું દુઃખડાં દોસ્તનાં,

એમાં પાછળ રહેવાનું નહીં ફાવે! 

સાથે રહીને સુખદુઃખ વહેંચશું,

એક્લતાનું સ્વર્ગ સાલું નહીં ફાવે! 

મૈત્રીની મહેક સહજ ફેલાવશું,

વચન -વાયદા? ….એ નહીં ફાવે…!!! 

૩૦.૦૮.’૨૨.

Loading

...102030...1,2711,2721,2731,274...1,2801,2901,300...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved