Opinion Magazine
Number of visits: 9669218
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોના કાળમાં કળાની સમીપે : 1

અમર ભટ્ટ|Opinion - Opinion|31 January 2023

અમર ભટ્ટ

24મી માર્ચ 2020થી દેશમાં કોરોના પ્રેરિત તાળાબંધી શરૂ થઇ. બધું જ બંધ. વૈશ્વિકીકરણ અને મુક્ત અર્થતંત્રના સમયમાં જ્યારે દુનિયા આપણી મુઠ્ઠીમાં હોય, ત્યારે દુનિયા માટે આપણે ઘરનાં બારણાં પણ બંધ કરવાનો સમય આવ્યો. વર્ષો પહેલાં ‘આદિલ’ મન્સૂરીએ લખેલું તે સાચું પડતું નજરે જોયું –

“મકાનોમાં લોકો પુરાઈ ગયા છે 

કે માણસને માણસનો ડર હોય જાણે 

સંબંધો ય કારણ વગર હોય જાણે 

આ માણસ બીજાઓથી પર હોય જાણે”

કવિ નિરંજન ભગતના શબ્દો છે – “લાવો, તમારો હાથ મેળવીએ”. પણ આપણે તો હાથ મેળવી એકમેકની “ઉષ્માનો થડકો” લેવાનો આનંદ પણ ગુમાવવો પડે એવા દિવસો હતા.

એ સમયે માત્ર ટેક્નોલોજી અને પૅથોલોજીનાં ક્ષેત્રો ધમધમતાં હતાં. વકીલોની જરૂરિયાત કોઈને પડે જ નહીં તેવું બને ખરું? કોરોનાના એ દિવસોમાં તો ખરેખર એમ બન્યું અને વકીલોની જરૂરિયાત સમાજમાં સૌથી ઓછી છે તેવી અનુભૂતિ મારા જેવા વકીલને થઈ હતી. કાંઈ કરતાં કાંઈ કરવાનું ન હતું ત્યારે સત્ત્વશીલ પુસ્તકો વાંચવા આંખને;ઉત્તમ ફિલ્મો જોવા આંખ-કાનને અને ઉત્તમ કાવ્યોનાં સ્વરાંકન ને ગાનમાં  મન-હૃદય અને ગળાને વ્યસ્ત રાખવાનું બન્યું. કેટલાક વકીલ મિત્રોએ રોજનું એક ગીત એના કાવ્યતત્ત્વ અને સંગીતતત્ત્વના આસ્વાદ સાથે વહેંચવાનું સૂચવ્યું. તે પ્રમાણે લગભગ 100 દિવસ સુધી રોજ એક ગીત વહેંચીને “યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી.” કોરોના કાળ દરમિયાન થયેલાં કેટલાંક સ્વરાંકનો વિષે, જોયેલી કેટલીક ફિલ્મ વિષે અને વાંચેલાં કેટલાંક પુસ્તકો વિષે કૈંક લખવું એવું પણ મિત્રોનું સૂચન હતું. એ સૂચનને વધાવી લઈને આ લેખમાળા કરવાનું નક્કી કર્યું. કપરા કાળમાં કલા પાસેથી જે  સાંત્વન મળે છે તે અનેરું હોય છે તે જાતઅનુભવથી કહું છું.

લૉકડાઉનના પ્રથમ દિવસે – 25મી માર્ચે – જ ઘરમાં ગોંધાઈ રહેવાની, બહાર નીકળી નહીં શકવાની અકળામણ તીવ્ર બની ગયેલી. કવિ મનોજ ખંડેરિયાની એક ગઝલ અનાયાસ સ્વરબદ્ધ થઇ. 27 માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ઉજવાય પણ તે સમયે ભજવણી ને ઉજવણી પર પાબંદી હતી, ત્યારે આ શેર તો ખાસ અડી  જાય –

“ઊભા તૈયાર થઈને રંગમંચે ક્યારના કિન્તુ 

પડ્યા પરદાની સળમાંથી અમે નીકળી નથી શકતા”

ગઝલના અન્ય શેર  છે –

સુંવાળા શ્વેત છળમાંથી અમે નીકળી નથી શકતા 

બિડાયેલા કમળમાંથી અમે નીકળી નથી શકતા 

સદીઓથી શિલાલેખોના અણઉક્લ્યા છીએ અર્થો 

તૂટ્યા અક્ષરની તળમાંથી અમે નીકળી શકતા 

નદી, સરવર કે દરિયો હો તો નીકળી પાર જઈએ પણ 

સૂકી આંખોના જળમાંથી અમે નીકળી નથી શકતા 

સમય સાથે કદમ ક્યારે ય પણ મળશે નહીં મિત્રો,

વીતેલી બે’ક પળમાંથી અમે નીકળી નથી શકતા”

અનોખું સ્વરસંયોજન સ્વરાંકન માટે મળ્યું. સા,રે, મ,(તીવ્ર) મ,(કોમળ) નિ.

આમ પણ, સ્વાતંત્ર્ય પર કાપ મુકાય તે કોઈને ગમતું નથી. અમેરિકન કવયિત્રી માયા એન્જેલુની કવિતા છે – ‘I know why a caged bird sings’. એમાં એ ગાય છે –

“….. But a bird that stalks

down his narrow cage

can seldom see through

his bars of rage

his wings are clipped and   

his feet are tied

so he opens his throat to sing.

The caged bird sings   

with a fearful trill   

of things unknown   

but longed for still   

and his tune is heard   

on the distant hill   

for the caged bird   

sings of freedom…..”

ઘરમાં બંધ રહીને ચીસ પાડીને મેં કરેલું આ સ્વરનિયોજન અહીં સાંભળી શકાશે.

pastedGraphic.png

મનોજ ખંડેરિયાની બીજી  ગઝલમાં બહાર આવ્યાની અનુભૂતિ  પણ આ રીતે વ્યક્ત થઇ છે –

“હું હોવાના હવડ વિશ્વાસમાંથી બહાર આવ્યો છું,

અરીસો ફૂટતા આભાસમાંથી બહાર આવ્યો છું.

હવે થોડો સમય વિતાવવો છે મ્હેંકની વચ્ચે 

હું ગૂંગળામણના ઝેરી શ્વાસમાંથી બહાર આવ્યો છું.”

કોરોનાના સમયમાં પણ થોડો સમય મ્હેંકની વચ્ચે – સાહિત્ય, સંગીત, કલા વચ્ચે – વિતાવવા મળ્યો. 

નૉર્વેના રાજાની ખુમારી અભિવ્યક્ત કરતું ચલચિત્ર “ધ કિંગ્સ ચૉઇસ” :

ઑનલાઇન પ્લૅટફોર્મમાં દર્શાવાતી ફિલ્મ્સ, સિરિયલ્સ વગેરે પર સૅન્સરશિપ લાવવાની ચર્ચા ચાલી રહી છે. પણ જો આપણે નીરક્ષીરવિવેક ન્યાય પર આધાર રાખીને સત્ત્વશીલ, કલાતત્ત્વથી ભરપૂર અને દુનિયાના જુદા જુદા દેશોની જુદી જુદી ભાષાઓની ઉત્તમ ફિલ્મ્સ તરફ જ દૃષ્ટિ રાખીએ તો ઑનલાઇન પ્લૅટફોર્મ ઘેરબેઠાં ગંગાજળ મેળવવાની પરબ છે. ઍપ્રિલ 2020ના પ્રથમ દસેક દિવસમાં નૉર્વેજિયન ભાષાની અદ્દભુત ફિલ્મ જોઈ – “ધ કિંગ્સ ચૉઇસ”. આ ફિલ્મ નૉર્વે, સ્વીડન, ડેન્માર્ક અને આયર્લેન્ડ દેશોનું સહિયારું પ્રૉડક્શન છે. 89મા ઍકેડેમી ઍવોર્ડમાં અંગ્રેજી સિવાયની ભાષાઓની ઉત્તમ ફિલ્મ્સમાં 9મા ક્રમાંકે આ ફિલ્મ હતી. 

1905માં નૉર્વેએ બંધારણીય રાજાશાહી સ્વરૂપના દેશ થવાનું નક્કી કર્યું. ત્યાં સુધી ડેન્માર્કના રાજાનું શાસન હતું. નૉર્વેના રાજા તરીકે ત્યાંની પ્રજાએ ડેન્માર્કના રાજાના બીજા પૌત્ર પ્રિન્સ કાર્લ પર પસંદગી ઢોળી પોતાનો “ચૉઈસ” અભિવ્યક્ત કર્યો. પ્રિન્સ કાર્લ નૉર્વેના કિંગ હાકોન 7મા બન્યા. આ રાજાએ નૉર્વેના રાજા બન્યા પછી ક્રમશઃ પોતાના પિતા, પોતાના મોટા ભાઈ અને પોતાના ભત્રીજાના ડેન્માર્કના રાજા તરીકે રાજ્યાભિષેક જોયા. 9મી ઍપ્રિલ 1940ના દિવસે હિટલરે નૉર્વે પર આક્રમણ કર્યું. એની ઈચ્છા એનું ધાર્યું કરે તેવી વ્યક્તિ(વિડકુન ક્વિઝલિંગ)ને વડા પ્રધાન બનાવી એક કઠપૂતળી સરકાર નૉર્વે પર લાદવાની હતી. સાર્વભૌમત્વ છોડવું પડે તેવી કટોકટીની પળોમાં નૉર્વેની તે સમયની સરકાર કોઈ નિર્ણય લેવા તૈયાર નથી અને તેવી પરિસ્થિતિમાં સરકાર નિર્ણય લેવાની જવાબદારી  કિંગ હાકોન ઉપર મૂકે છે. આ ઐતિહાસિક વીગતનું ફિલ્માંકન છે. ટૂંકમાં, હિટલરે કરેલા હુમલા અંગે શું પગલું લેવું તેનો નિર્ણય લેવાની જવાબદારી લોકોના “ચૉઇસ”થી બનેલ રાજા પર આવે છે. એ વખતે રાજાનો “ચૉઇસ” શું છે તેની વાત આ ફિલ્મમાં છે.

ઍરિક પૉપ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મની શરૂઆતમાં નૉર્વે વિષે નહીં જાણનારા લોકો માટે ઇતિહાસના પાઠ સ્વરૂપે 1905ની એ વીગત છે જેમાં રાજા હાકોન 7માનો ત્યાંની પ્રજાની પસંદગીથી નૉર્વેના રાજા તરીકે રાજ્યાભિષેક થાય છે. પછી 35 વર્ષ ફાસ્ટ ફૉર્વર્ડ અને આવે છે 9 ઍપ્રિલ 1940 – જે દિવસે જર્મની દ્વારા  બીજા વિશ્વયુદ્ધમાં ત્યાર સુધી નિષ્પક્ષ રહેલા નૉર્વે ઉપર આક્રમણ થાય છે. ત્યાં સુધીમાં રાજા વિધુર થયા છે. સાર્વભૌમત્વની રક્ષા માટે સરકાર દ્વારા રાજાને રાજધાની ઓસ્લો છોડવા કહેવામાં આવે છે. રાજા પોતાના પુત્ર પ્રિન્સ ઓલવના કુટુંબ સાથે ટ્રેઈનમાં નૉર્વેથી ઉત્તર તરફ પ્રયાણ કરે છે. વચ્ચે જર્મન એલચી દ્વારા (દેખાવ પૂરતા) શાંતિપ્રયાસો થાય છે. હિટલરનો આદેશ છે કે રાજા હાકોન નૉર્વેમાં પોતાના કહ્યા પ્રમાણે વર્તે તેવા હિટલરપક્ષી નેતા વિડકુન ક્વિઝલિંગને રાજકીય વડા તરીકે માન્યતા આપે. જર્મનીની સેના સંખ્યાબળ અને શસ્ત્રબળમાં ઘણી મોટી છે. આ પરિસ્થિતમાં નૉર્વેની સરકાર મૂંઝાયેલી, વિખરાયેલી છે અને નિર્ણય લેવા માટે પોતાના રાજા તરફ જુએ છે. રાજા જણાવે છે કે પોતે માત્ર નામનો વડો છે અને નિર્ણય લેવાનું કામ સરકારનું છે; છતાં આપાતકાલીન સ્થિતિમાં જ્યારે સરકાર રાજા ઉપર નિર્ણય લેવાનું કામ ઢોળે છે ત્યારે રાજા રાજવી ખુમારી ને દૃઢ મનોબળ દર્શાવે છે. રાજાને ઇંગ્લેન્ડમાં આશ્રય લેવો પડે છે. અંતના દૃશ્યમાં વિશ્વયુદ્ધ પછી રાજા પોતાના કુટુંબને મળે છે તેવું બતાવાયું છે.

ફિલ્માંકન અદ્દભુત છે; સંવાદો ઓછા છે ને અભિનેતાઓના ચહેરાઓના હાવભાવ ને આંખો ઘણું બધું કહી જાય છે. ફૉટોગ્રાફી અને પાર્શ્વસંગીત દિલધડક છે અને પરિસ્થિતિની ગંભીરતા આબેહૂબ વર્ણન પ્રદર્શિત કરે છે. રાજાનું પાત્ર ભજવનાર ડેન્માર્કના અભિનેતા જેસ્પર ક્રિસ્ટન્ટનના અભિનયની તો શું વાત કરું !  આ ઓછું બોલતી ને વધુ કહેતી ફિલ્મ મેં બેથી ત્રણ વાર જોઈ. બીજા વિશ્વયુદ્ધની પાર્શ્વભૂમિકા પર બનેલી અનેક ફિલ્મોમાં આ ફિલ્મ અનોખી ભાત પાડે છે. નૉબેલ પારિતોષિક પુરસ્કૃત ફ્રૅન્ચ કવિ-વિવેચક પૉલ વાલેરીએ કવિતા માટે જે કહ્યું છે તે કોઈ પણ કલાને, અને આ ફિલ્મને તો ખાસ, લાગુ પડે છે –

‘Poetry is about to sing rather than it sings and is about to speak rather than it speaks. It dare not sound too loud nor speak too clearly’.

વિશ્વખ્યાત તસવીરકાર અશ્વિન મહેતાની શ્વેત–શ્યામ તસવીરો (સાથે તસવીરને સુસંગત ટાગોરની કોબીતિકાઓ– )નું પુસ્તક ‘ગિફ્ટ ઑફ સૉલિટ્યુડ’ :

થોડાં વર્ષો પહેલાં અમેરિકાની નાસા સંસ્થામાં સન્માનનીય સ્થાન પર કાર્યરત વૈજ્ઞાનિક ડૉ. ઉપેન્દ્ર દેસાઈ અમદાવાદ આવ્યા હતા ત્યારે એમણે મને કહ્યું કે સાહિત્ય પરિષદના “ગ્રંથવિહાર”માં આ પુસ્તકની એકમાત્ર નકલ છે તે તું લઇ લે. અમારી મુલાકાતની એ સાંજ એ પુસ્તકનાં વખાણમાં વીતી જે દરમિયાન હું માત્ર શ્રોતા હતો. આવા મોટા વૈજ્ઞાનિક જ્યારે પ્રશંસા કરતા હોય, ત્યારે એ પુસ્તક ખરેખર વસાવી લેવું જોઈએ એમ વિચારીને બીજે જ દિવસે કિંમત અને વીગતની દૃષ્ટિએ એ બહુમૂલ્યવાન પુસ્તક હું લઇ આવેલો, તે યાદ કરીને તાળાબંધી સમયે મળેલી નવરાશની પળોમાં એમાંની તસવીરો ને કાવ્યકણિકાઓ ભરપેટ માણી. માપિન પબ્લિકેશન દ્વારા પ્રકાશિત આ પુસ્તકમાં જાણીતાં લેખિકા અને ‘ફૉટોગ્રાફીનો સામાજિક ઇતિહાસ’ એ વિષયનાં નિષ્ણાત જુડિથ મારા ગટમેનની પ્રસ્તાવના છે; જે બતાવે છે કે વૈશ્વિક સ્તરે અશ્વિન મહેતાના ફૉટોગ્રાફની સ્વીકૃતિ કેટલી બધી હતી. અશ્વિન મહેતાએ પોતે અંગ્રેજીમાં અદ્દભુત પ્રાક્કથન કર્યું છે. દરેક તસવીર કે તસવીરોના ગુચ્છ પાસે કે સામે એને સુસંગત ટાગોરે જેને કોબીતિકા તરીકે ઓળખાવી એવી કાવ્યકણિકાઓ – epigrams – છે. દાખલ તરીકે તસવીરોનું ગુચ્છ છે – જેમાં દરિયા કિનારાની શાંતિ ઝડપાઇ છે. કાંઈ જ કારણ વગર જાત સાથે એકલા બેઠા હોઈએ ત્યારે અનુભવાતો મૌનનો અવાજ ફૉટોગ્રાફ જોતાં જ સંભળાય છે – અનુભવાય છે. સામે ટાગોરની આ પંક્તિઓ છે –

“Let my doing nothing when I have nothing to do become untroubled in its depth of peace like the evening in the seashore when the water is silent.”

એકેએક તસવીર બેનમૂન કલાકારીનો નમૂનો છે. તસવીરો આપણને જે તે સ્થળે લઇ જાય છે; પવનમાં  લહેરાતાં વૃક્ષોની લ્હેરખીનો સ્પર્શ કરાવી દે છે; દરિયાનાં મોજાંનાં પાણીને અડવાનું, ખંખોળવાનું મન થાય છે. છેલ્લે, કયા સ્થળે ફૉટોગ્રાફ લેવાયા છે તે સ્થળોની સૂચિ છે. એમાં ઈડરના પથ્થરોના સર્વાંગસુંદર ફૉટોગ્રાફ જોઈને જ ઉમાશંકર જોશીએ આ કાવ્ય અશ્વિન મહેતાને સમર્પિત કરતાં લખેલું – ‘અમે ઈડરિયા પથ્થરો’. –

‘મૂઠ્ઠી ભરીને નાખેલ 

બેફામ આમતેમ 

કોઈ કૃદ્ધ દેવે 

કાળની કચ્ચરો –

અમે ઈડરિયા પથ્થરો.

……..

અંધ કૅમેરા-ચક્ષુ 

જોઈ લે કંઈ કંઈ અનોખા આકાર રમ્ય સહુમાં,

તો પ્રેમની દેખતી આંખ માટે શું પથ્થરો જ કેવળ 

મેલા ઘેલા 

અમે ઈડરિયા પથ્થરો?’ 

આ પુસ્તક અંદરથી અજવાળે છે. એમાં એકાંતની બક્ષિસનું મહિમાગાન છે. પ્રસ્તાવનામાં અશ્વિન મહેતાએ યથાર્થ રીતે શ્રીમદ્દભાગવતનું આ વાક્ય ટાંક્યું છે – 

“एकान्तभक्तिर्गोविन्दे यत्सर्वत्र तदीक्षणम्”

(Solitude is devotion to Shri Krishna so that one sees him every where.)

અગાઉ ટાગોરની કાવ્યકણિકા ટાંકી છે; જેમાં કાંઈ પણ કામ ન હોય ત્યારે કાંઈ પણ ન કરવું એ તકલીફદેય ન બને એવી અભ્યર્થના છે. ત્યારે અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યના મેડિસનનાં કૅથરિન ઓ’મારિયાની આ પંક્તિઓ કાંઈ પણ કરવાનું ન હોય ત્યારે ઘેર રહી શું શું થઇ શકે તે શીખવી જાય છે –

‘And the people stayed home.

And they read books, and listened, and rested, and exercised, and made art, and played games, and learned new ways of being, and were still.

And they listened more deeply. Some meditated, some prayed, some danced. 

Some met their shadows. 

And the people began to think differently.

And the people healed.’

e.mail : amarbhatt@yahoo.com
પ્રગટ : “બુદ્ધિપ્રકાશ”; જાન્યુઆરી 2023

Loading

આર્કિટેકનો ભારતીય ‘હોવાર્ડ રોઆર્ક’ : બી.વી. દોશી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|30 January 2023

રાજ ગોસ્વામી

મૂળ રશિયન પરંતુ મૂડીવાદી વિચારધારાથી પ્રેરિત થઈને અમેરિકા ‘નાસી’ ગયેલા વ્યક્તિવાદી વિચારક અને લેખક આયન રેન્ડે, 1943માં, “ધ ફાઉન્ટેનહેડ” નામની તેમની પ્રથમ યશસ્વી નવલકથા લખી હતી. આ એક એવી નવલકથા હતી, જેના પરથી દુનિયાના મોટા બિઝનેસમેન અને મૂડીવાદીઓ પ્રેરિત થયા હતા.

આ નવલકથા વ્યક્તિવાદના ચિંતન પર આધારિત છે, જે કહે છે કે એક વ્યક્તિની પોતાની વિચારધારા સર્વોપરિ હોય છે. આ એ વિચારધારાથી વિપરીત છે, જે સમાજના હિતોને સર્વોપરિ માને છે અને જે સમૂહવાદને અનુસરે છે.

આવી વ્યક્તિવાદી વિચારધારાને ઉચિત ઠેરવવા માટે રેન્ડે નવલકથામાં આર્કિટેકચરનું ભણતા હોવાર્ડ રોઆર્ક નામના એક એવા હીરોનું સર્જન કર્યું હતું જે આર્કિટેકચરની સ્થાપિત પરંપરામાં માનતો નથી અને ખુદનું ઇનોવેશન કરવા માટે તુક્કા લડાવતો રહે છે. રોઆર્ક અત્યંત પ્રતિશાળી છે અને તેની તમામ કૃત્રિમ ઘણી રચનાત્મક હોય છે, પરંતુ તે બિનપરંપરાગત હોવાથી લોકોને અજીબ લાગે છે.

મંગળવારે [24 જાન્યુઆરીએ], દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત, ગુજરાતના આર્કિટેક બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશીનું અવસાન થયું, ત્યાર તેમના પર વિચાર કરતી વખતે “ધ ફાઉન્ટેનહેડ”ના હોવાર્ડ રોઆર્કની યાદ આવી ગઈ. બી.વી. દોશીએ પણ ટ્રેન્ડની ભેડચાલમાં ચાલવાને બદલે પોતાના આગવા ચિંતન અને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ આર્કિટેકચરનું નિર્માણ કર્યું હતું.

તેમને 2018માં, આર્કિટેકચરનું નોબેલ ગણાતું, પ્રિત્ઝકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું હતું, ત્યારે જ્યુરીએ એવોર્ડમાં જે નોંધ્યું હતું તેમાં ક્યાંક હોવાર્ડ રોઆર્કના વિચારોનો પડઘો હતો; “બાલકૃષ્ણ દોશીએ ક્યારે ય ટ્રેન્ડને અનુસરવાનો પ્રયાસ નથી કર્યો. તેમણે હંમેશાં વાસ્તુકલામાં ગંભીરતા જાળવી છે. તેમની ઇમારતોની સુંદર વાસ્તુકલામાં શહેરી યોજના માટે જરૂરી તત્ત્વો વાતાવરણ, નિર્માણસ્થળ, નિર્માણકાર્ય માટેની ટેક્નોલૉજી તથા કળાનો સંગમ જોવા મળે છે.”

દોશીએ એવોર્ડના પ્રતિભાવમાં કહ્યું હતું, “મારું દરેક સ્થાપત્ય મારા જીવન, મારી ફિલૉસૉફી અને આત્મા ધરાવતા સ્થાપત્યોનો વારસો ઊભો કરવાનો અંશ છે.” આર્કિટેકચર એટલે શું? દોશીએ તેની બહુ સરળ વ્યાખ્યા કરી હતી; “આપણી આસપાસ જે પણ ચીજવસ્તુઓ છે – રોશની, આસમાન, પાણી અને આંધી-તોફાન, એ બધું જ એક લયમાં હોય છે. એ લયનું નામ આર્કિટેકચર.”

આ એવોર્ડ પછી, દોશીએ પત્રકાર-મિત્ર પારસ જહા સાથે વાતચીતમાં આખી વાતને વધુ સરળ કરી આપી હતી; “આપણે કપડાં પહેરીએ છીએ ત્યારે એ જોઇએ છીએ કે કપડાં આપણને અનુકૂળ છે કે  નહિ, પણ અનુકૂળ કપડાં એ ફેશન ડિઝાઇન નથી.

એવી જ રીતે, જે વસ્તુ જે જગ્યા માટે, જે સંસ્કૃતિ માટે, જે લોકોની રહેણીકરણી માટે અનુકૂળ હોય અને એનાથી એમને આનંદ થતો હોય, તો મારા હિસાબે સ્થાપત્ય એને કહેવાય. ડિઝાઈન કરવી, કોતરણી કરવી એ ડેકોરેશન છે, સ્થાપત્ય નહીં.”

બી.વી. દોશી ઇમારતને જીવતા માણસ જેવી ગણતા હતા એટલા માટે તેમના આર્કિટેકચરમાં એક પ્રકારની આત્મીયતા મહેસૂસ થતી હતી. મજાની વાત એ છે કે “ધ ફાઉન્ટેનહેડ”માં કોલેજમાંથી નિષ્કાસિત કરાયેલો રોઆર્ક ન્યુયોર્ક જાય છે અને ત્યાં હેન્રી નામના એક આર્કિટેકની ફર્મમાં કામ શરૂ કરે છે. તે દરમિયાન, ન્યુયોર્કના સ્થાપિત આર્કિટેક્સ પણ તેની ટીકા કરે છે. તેવા એક પ્રસંગે તે કહે છે;

“એક ઇમારત, એક માણસની જેમ, જીવંત હોય છે. તેની નિષ્ઠા તેના સત્યને, તેની વિષય-વસ્તુને અને તેના હેતુને અનુસરવાની હોય છે. એક માણસ જેમ તેના શરીરના હિસ્સાઓને ઉછીના મેળવતો નથી, તેવી રીતે એક ઇમારત પણ તેના આત્માના ટુકડાઓને ઉછીના નથી મેળવતી. તેનો સર્જક તેને આત્મા આપે છે અને પ્રત્યેક ભીંત, ખિડકી અને સીડી તેને વ્યક્ત કરે છે.”

દોશીએ પણ એક ઈન્ટરવ્યૂમાં કઈંક આવી જ વાત કરી હતી; “મને સ્પેસ કાયમ જીવંત લાગી છે. લાઈટ અને સ્પેસ એક મૂવમેન્ટ ઊભી કરે છે, એક સંવાદ સર્જે છે, એક ગતિવિધિ પેદા કરે છે અને ત્યાં તમે જીવનનો હિસ્સો બનો છો. આર્કિટેકચર જીવનની પૃષ્ઠભૂમિ છે. આપણે આપણી અંદર એટલા મશગૂલ હોઈએ છીએ કે સ્પેસ શું કહેવાય કે આપણી આસપાસ શું ચાલી રહ્યું છે તેનાથી વાકેફ નથી. હું મારા આર્કિટેકચરથી લોકોને તેમની અંદર અને બહાર જે થઈ રહ્યું છે તેને મહેસૂસ કરાવું છું.”

દોશી મૂળ પુણેના હતા. ત્યાં પરિવાર મોટો થાય તેમ ઘરો બે માળ, ત્રણ માળનાં બનતાં જાય. ત્યાં શેરીમાં નીકળો તો ય દરેક ઘર પાડોશ લાગે. ગમે તેટલાં ઘર હોય, તમને અજાણ્યું ન લાગે. ઘર-પરિવાર અને સમુદાયની ભાવના ઘરોની આ આત્મીય રચનામાંથી આવે છે.

“આર્કિટેકચર સામાજિક હોય છે. એ મારી ડિઝાઇન ફિલૉસૉફીનો મૂળ પાયો છે,” એમ દોશીએ પારસ જહાને કહ્યુ હતું, “જેવી રીતે આપણી આત્મીયતા આપણા પરિવાર સાથે હોય તેટલી જ આત્મીયતા આપણા મકાન અને આપણા આસપાસના વાતાવરણ સાથે હોય તો એમ કહેવાય કે એ આત્મીયતા મારી છે.”

ગુજરાત સરકારમાં માહિતી ખાતાના ડેપ્યુટી ડિરેક્ટર દોશીને કોન્ક્રીટ અને ઈંટની કવિતા કરતા આર્કિટેક કહે છે. તેમને શ્રદ્ધાંજલિ આપતા એક લેખમાં પરમાર લખે છે, “બી.વી. દોશી વિશ્વ પ્રવાહો સાથે ચાલ્યા પણ તેના કાંઠા ભારતીય રાખ્યા. બીજા વિશ્વયુદ્ધ પછી ઇમારતોની રચનામાં પણ એક પ્રકારનો વાસ્તવવાદ આવ્યો. ઝાઝો શણગાર નહિ, ઓછું મટીરિયલ અને ચોરસ, લંબચોરસ, ત્રિકોણ જેવા ભૌમિતિક આકારોની ભવ્યતા ધરાવતી ઇમારતો બની રહી હતી. કોન્ક્રીટના મોટા ચોસલા કે ઈંટોનું સીધું ચણતર જ દેખાય એવી ઇમારતો બીજા વિશ્વ યુદ્ધ પછીના આર્કિટેક્ટ જગતને આકર્ષી રહી હતી. બી.વી. દોશીએ તેમાં ભારતીયતા ઉમેરી, હવા અને પ્રકાશનો સંબંધ ઉમેર્યો, આપણી આદતો અને લાગણીઓ પણ તેમાં ઉમેરી. પરિણામે એવા સ્થાપત્યો રચાયા જેમાં માણસ માણસ વચ્ચે સંવાદ સધાય.”

“ધ ફાઉન્ટેનહેડ”ની શરૂઆત ત્યાંથી થાય છે જ્યાં હોવાર્ડ રોઆર્કને યુનિવર્સિટીમાંથી કાઢી મુકવામાં આવી રહ્યો છે. આર્કિટેકચરનું ભણતી વખતે તેણે અમુક એવી ડિઝાઈન બનાવી હતી જે તેના શિક્ષકોને પસંદ આવી નહોતી.

તેને કાઢી મુકવાના નિર્ણયની જાણ કરતી વખતે કોલેજના ડીન હોવાર્ડ રોઆર્કને કહે છે, તેં આ જે ડિઝાઈન્સ બનાવી છે, તે એટલી બધી નવી છે કે આવી ઇમારતો બનાવાની તને કોણ અનુમતિ આપશે? તેના જવાબમાં રોઆર્ક કહે છે, “સવાલ એ નથી કે મને કોણ બનાવા દેશે. સવાલ એ છે કે મને કોણ રોકશે?”

બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશીએ પણ કદાચ એવું જ વિચાર્યું હશે; સવાલ એ છે કે મને કોણ રોકશે?”

પ્રગટ : “ગુજરાતમિત્ર”; 29 જાન્યુઆરી 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મારું ઓસ્ટ્રેલિયા ….. મારું વિશ્વ

આરાધના ભટ્ટ|Diaspora - Features|30 January 2023

નમસ્કાર વિપુલભાઈ, પંચમભાઈ, રૂપાલીબહેન અને ઉપસ્થિત સર્વે મિત્રો, આ આભાસી મંચ ઉપર આ સુંદર અવસર રચી આપવા બદલ અને એમાં મને આમંત્રિત કરવા બદલ આભાર.

ઓસ્ટ્રેલિયા એક એવો ખંડ છે જેનો પરિચય છેલ્લાં દસ-પંદર વર્ષથી અહીં આવતા ભારતીય મૂળના વિદ્યાર્થીઓ અને ભારતથી દેશાંતર કરીને ઓસ્ટ્રેલિયા સ્થિર થનાર વસાહતીઓને કારણે ભારતીયોને વધુ પ્રમાણમાં થઇ રહ્યો છે. છતાં, પૂર્વભૂમિકા તરીકે કેટલીક પાયાની વિગતો પહેલાં રજૂ કરું છું.

૨૦૨૧માં થયેલી જનગણના પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં ૮ લાખથી વધુ ભારતીય મૂળના લોકો વસે છે. એ લોકોની મધ્યક વય ૩૫ વર્ષની છે, જ્યારે મૂળ ઓસ્ટ્રેલિયાના લોકોની મધ્યક વય ૩૮ વર્ષ છે. ઇટલીમાં મૂળ ધરાવતા લોકોની મધ્યક વય ૭૨ વર્ષની છે, વિયેતનામના મૂળ લોકોની ૪૭ વર્ષ છે. આમ ભારતીય મૂળના વસાહતીઓ મોટેભાગે યુવાન વયે અહીં આવીને સ્થિર થાય છે, જે પૈકી ૬૪ ટકા લોકો પાસે સ્નાતક પદવી છે. ઓસ્ટ્રેલિયાની મૂળ પ્રજા પૈકી ૨૪ ટકા લોકો સ્નાતક પદવીધારી છે. ચીનના લોકોને પાછળ મૂકીને હવે ભારતથી આવતા વસાહતીઓ સંખ્યાની દૃષ્ટિએ બીજા ક્રમાંકે છે, પહેલા સ્થાને બ્રિટનના વસાહતીઓ છે. હિંદુ ધર્મ પાળનારની સંખ્યા અહીં સૌથી વધુ ઝડપથી વધી રહી છે.

૧૯૭૩માં વ્હીટલમ સરકારે ‘વ્હાઈટ ઓસ્ટ્રેલિયા’ નીતિ દૂર કરી ત્યાર પછી ભારતીય લોકોનું  દેશાંતર અહીં શરૂ થયું. પહેલાં મોટે પાયે શિક્ષકો, ઈજનેરો અને તબીબો આવ્યા અને ૧૯૯૦થી મોટી સંખ્યામાં અન્ય તજ્જ્ઞ વ્યવસાયાર્થીઓને સરકારે કાયમી નિવાસ માટે વિઝા આપવા શરૂ કર્યા. પછી વિદ્યાર્થીઓ અહીંની યુનિવર્સિટીઓમાં અભ્યાસાર્થે આવવા શરૂ થયા, જે પૈકી ઘણાનો ઉદ્દેશ અહીં સ્થિર થવાનો રહ્યો છે.

ઓસ્ટ્રેલિયાનાં પ્રથમ મહિલા વડા પ્રધાન જુલિયા ગીલાર્ડે ૨૦૧૨માં ભારતને શાંતિમય ઉપયોગ માટે યુરેનિયમ વેચવાના કરાર કર્યા અને ૨૦૧૪માં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૮ વર્ષમાં ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેનાર પ્રથમ વડા પ્રધાન બન્યા. ભારતીય બજારના ગંજાવર કદથી આકર્ષાયેલી ઓસ્ટ્રેલિયાની સરકારોએ છેલ્લાં થોડાં વર્ષથી ભારત સાથે મીઠા સંબંધો ઊભા કરીને જાળવવાની ભારે જહેમત લીધી છે. સાથેસાથે અહીંનો ભારતીય ડાયસ્પોરા હવે એક નોંધપાત્ર વોટ-બેંક બની રહ્યો હોવાથી રાજકીય નેતાઓ આપણી પ્રજાને જુદીજુદી રીતે રાજી કરવા પ્રયત્નશીલ છે. ભારતીય મૂળના વિદ્યાર્થીઓ અહીંની યુનિવર્સિટીઓને તગડી કમાણી કરાવી આપે છે. ૨૦૨૨ની સંસદીય ચૂંટણીમાં બધા રાજકીય પક્ષોના નેતાઓ મંદિર-મસ્જિદ-ગુરુદ્બરાઓની મુલાકાતે જઈ ફૂલ-હાર અને ભગવા ખેસ ઓઢીને ફોટા પડાવતા જોવા મળ્યા. તેમ છતાં અહીંના રાજકારણમાં ભારતીય મૂળના લોકોની સક્રિય ભૂમિકા હજુ સુધી નહીંવત રહી છે. મે ૨૦૨૨ની ચૂંટણીમાં ભારતીય મૂળના ૨૫ વ્યક્તિઓએ સંસદ માટે ઉમેદવારી નોંધાવી હતી, જે પૈકી એક મહિલા ઉમેદવાર વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની એક બેઠક પર વિજયી નીવડ્યાં.

જો કે ઓસ્ટ્રેલિયાના તંત્રમાં હજુ ભારત અને ભારતીયતા વિશેની સાચી સમજણનો અભાવ વર્તાય છે. દિવાળી, તહેવારો, મેળાઓ તેમ જ ત્રણ ક, અર્થાત્‌ ક્રિકેટ, કરી, અને કોમનવેલ્થથી આગળ અહીંનું તંત્ર વિચારતું હોય એમ જણાતું નથી. તે સિવાય ભારતના વસાહતીઓએ હવે અહીં ઠેરઠેર મંદિરો, ગુરુદ્વારા, કરિયાણાની દુકાનો, હોટેલ-રેસ્ટોરાં, ફરસાણ-મીઠાઈની દુકાનો અને કપડાંની દુકાનો તથા અનેક જાતના મંડળોની સ્થાપના કરી છે. આ છે આજનું ઓસ્ટ્રેલિયા!

હવે સમયના ચક્રને ૩૫ વર્ષ ઊંધું ઘૂમાવીએ અને જઈએ ૧૯૮૫માં. એ સમયે નવપરિણિત હું મારા પાકીટમાં ૫૦ અમેરિકી ડોલર અને એક કપડાંની બેગ લઈને ઓસ્ટ્રેલિયાની ધરતી પર પગ મૂકું છું, જ્યાં પતિ સિવાય હું કોઈને ઓળખતી નથી. એ એવો સમય છે જ્યારે ‘હું ઓસ્ટ્રેલિયા જાઉં છું’ એવું ભારતમાં કોઈને કહીએ તો એમને અચરજ થતું. પહેલી વખત ઓસ્ટ્રેલિયાથી ભારતની મુલાકાત લીધી હતી ત્યારે કોઈકે પૂછેલું ‘ત્યાં તમને રસ્તા પર કાંગારુ જોવા મળે?’ અને સિડનીમાં હાઈસ્કૂલમાં ભણાવતી ત્યારે એક વિદ્યાર્થીએ પૂછેલું ‘મિસ, તમે ભારતમાં હાથીએ ચડીને સ્કૂલે જતાં?’

ઓસ્ટ્રેલિયા આવતાં શરૂ થાય છે પડકારો, સંઘર્ષો અને નવું શીખવાનો નિત્યક્રમ. મુંબઈથી સિડની આવતી વખતે નોન-સ્ટોપ વિમાનમાં નોન-સ્ટોપ આવતી માંસાહારની ગંધથી મન વિચારે ચડેલું કે જ્યાં જાઉં છું એ આખા દેશમાં શું આવી ગંધ હશે? ત્યાર બાદ – અહીં આવીને કરવું શું? કોઈ નક્કર દિશા પકડાય તે પહેલાં માત્ર અનુભવ ખાતર કંઇક કામ કરવું, એ હેતુથી જે જાહેરાત દેખાય એમાં નોકરીની અરજીઓ કરવા માંડી. પોસ્ટલ ખાતાથી લઈને બેંકમાં નોકરી માટે ઇન્ટરવ્યુ આપ્યા અને લેખિત પરીક્ષાઓ આપી. એ દરમ્યાન પહેલી વખત એ જાણવા મળ્યું કે કોઈ નોકરી માટે કોઈક પાસે વધુ પડતી ડિગ્રીઓ પણ હોઈ શકે. આપણે તો ગૌરવભેર બધા પ્રમાણપત્રોની ફાઈલ લઈને ઇન્ટરવ્યુ માટે જઈએ. ક્યાંયથી નોકરીની ઓફર આવે નહીં, નાસીપાસ થઇ જવાય. એક બેંકના ઇન્ટરવ્યુના અંતે ઇન્ટરવ્યુ લેનાર એક મહિલાએ સમજાવ્યું કે અહીં બેંકની આ પ્રકારની નોકરી માટે માત્ર ૧૨ ધોરણ પાસ હોય એવા કર્મચારીઓની જરૂર છે, તમને અમે નોકરી ન આપી શકીએ કારણ કે તમારી પાસે ઘણી ડિગ્રીઓ છે અને તમને નોકરી આપીએ તો અમારે તમને ઘણો વધુ પગાર આપવો પડે!

પછી શરૂ થયો યુનિવર્સિટી ઓફ સિડનીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન એજ્યુકેશનનો એક વર્ષનો અભ્યાસ. ભારતમાં એમ.એ., એમ.ફિલની પદવીઓ, ગોલ્ડ મેડલ સાથે અધ્યાપકની નોકરી સામેથી મળેલી અને અહીં આવીને શાળાના શિક્ષક થવાના વિચારે પહેલાં તો સહેજ ખંચકાટ થયો હતો. પણ યુનિવર્સિટીના એ વર્ષ દરમ્યાન અભ્યાસક્રમના વિષયો કરતાં અહીંના સમાજ વિશે મને વધુ શીખવા મળ્યું. યુનિવર્સિટીમાં પહેલો પડકાર હતો મારા નામનો. કોઈ મને આરા-ડાના કહે, તો કોઈ આરા-ડેના, કોઈ વળી અરાડ-હાના કહીને બોલાવે. પણ ક્લાસમાં જ્યારે એક પ્રાધ્યાપિકાએ હાજરી પૂરતી વખતે પહેલા બે-ત્રણ અઠવાડિયા સુધી મારું નામ ‘એડ્રીયાના’ ઉચ્ચાર્યું ત્યારે ક્લાસમાં હું હાજર હોવા છતાં એ ત્રણ અઠવાડિયા સુધી મારી ગેરહાજરી પૂરાઈ, કારણ કે એ મારું નામ બોલે છે એની મને ખબર જ ન પડી! અહીં જીવાતા જીવનની આ પાઠશાળામાં ભણી મેં અહીંની મુખ્ય ધારાની હાઈસ્કૂલમાં અંગ્રેજીના શિક્ષકની નોકરી સ્વીકારી. પણ મારી ભારતીયતાએ મને આ ક્ષેત્રે ઝાઝું ટકવા ન દીધી. રોજેરોજ ટીનએજર્સ સાથે કામ કરવામાં આ સમાજના કેટલાક બહુ મોટા પ્રશ્નોનો સામનો મારે કરવાનો આવ્યો, જેને માટે હું એ સમયે મારી વય અને આ સંસ્કૃતિના મારા અલ્પ પરિચયને કારણે સજ્જ નહીં હોઉં તેથી મને એનો સદમો પહોંચતો.

વળી એ દિવસો મારે માટે તીવ્ર ઘરઝૂરાપાના દિવસો હતા. મારાં મૂળિયાં નવસારી નામના નાના ગામમાં. ત્યાં મમ્મી-પપ્પા સાથે વાત કરવી હોય તો ક્યારેક બે-ત્રણ દિવસે ફોન લાગે, ઓપરેટર મારફત મુંબઈ થઈને કોલ લગાડવા પડે. અને વળી કોલ મોંઘા પણ ખરા. એટલે જે વાત કરવી હોય એ ત્રણ મિનિટમાં કરવાની.

એ સમયે અહીં ભારતીય સમુદાય ખૂબ નાનો, એમાં ય વળી આપણી ભાષા બોલનાર કોઈક મળે તો તો કોઈ અંગત સ્વજન મળ્યું એવું લાગતું. સમાજ નાનો હતો એટલે અમારે માટે બિનભારતીય સમુદાયો સાથે મૈત્રી કરવી સહજ હતી. એ રીતે અહીંના બહુભાષી અને બહુસાંસ્કૃતિક સમાજ સાથે નાતો થયો, મનોજગત વિશાળ બનતું ગયું. દેશ-દેશાવરથી આવેલાં લોકો, મૂળ ઓસ્ટ્રેલિયામાં વસતાં લોકો, એમની ભાતીગળ પરંપરાઓ, એમની સમાજ રચના અને વિચાર પદ્ધતિ વગેરેનો પરિચય ખૂબ નજીકથી, ફર્સ્ટ હેન્ડ થયો અને આપણે મનમાં રચેલ ઘણી બધી રૂઢિબદ્ધ પૂર્વધારણાઓ – સ્ટીરિયોટાઈપ સાવ બિનપાયાદાર જણાવા લાગી. શરૂઆતનાં વર્ષોમાં અહીં કોઈ ભારતીય સંસ્થાનું કે મંડળનું અસ્તિત્વ નહોતું. એથી કોઈ કાર્યક્રમનું આયોજન નહોતું થતું, સંગીત સાથેનો મારો સંબંધ એ દિવસોમાં માત્ર ઘરમાં રિયાજ કરવા જેટલો હતો. વર્ષો જતાં એ પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું, અને મેં શાસ્ત્રીય સંગીતની તાલીમ આપવાનું શરૂ કર્યું, તેમ ગુજરાતી ભાષાના વર્ગો પણ શરૂ કર્યા. આજે હવે અહીં અસંખ્ય મંડળો અને સંસ્થાઓ કાર્યરત છે અને ગુજરાતી તેમ જ સંસ્કૃત ભાષાના વર્ગો પણ ચાલે છે.

સંતાનોના જન્મ અને ઉછેરનાં વર્ષોની વાત કરું. વૃક્ષની શાખાઓ વિસ્તરે એમ એનાં મૂળ જમીનમાં સજજડ થાય એ ન્યાયે એ સમયગાળામાં મને અહીંનું વાતાવરણ પોતીકું લાગવા માંડ્યું. સંતાનોના વિકાસ માટે બંને ભાષાઓ વચ્ચે સંતુલન કેવી રીતે જળવાય, એમને બંને સંસ્કૃતિઓનાં ઉત્તમ તત્ત્વોનો પરિચય કેવી રીતે થાય એ બધા માટે સજાગપણે વિચાર કરવો જરૂરી બન્યો. એ દરમ્યાન શિક્ષકનો વ્યવસાય બાજુએ મૂકાયો અને પતિના તબિબી વ્યવસાયમાં મેનેજમેન્ટનું કામ સ્વીકાર્યું. એમાં આજ પર્યંત હું સક્રિય છું, અલબત્ત, હવે ખંડ સમયના કર્મચારી તરીકે.

પછી જીવન મને લઇ ગયું રેડિયો તરફ અને છેલ્લાં ૨૫ વર્ષ રેડિયો મારા વિચારોનું અને કાર્યોનું કેન્દ્રબિંદુ રહ્યો. પહેલાં દસ વર્ષ અહીંની સરકારી પ્રસારણ સેવા ઉપર પાર્ટ-ટાઈમ કામ કર્યા પછી સ્વતંત્રપણે ગુજરાતી રેડિયો સેવા શરૂ કરવાની હામ ભીડી એનું મુખ્ય કારણ એ હતું કે ઓસ્ટ્રેલિયાના ગુજરાતીભાષી સમુદાયને એમની ભાષા અને સંસ્કારિતા સાથે સાંકળી આપતી અન્ય કોઈ પ્રસારણ સેવા કે એવી કોઈ કડી નજરે પડતી ન હતી. ‘સૂર-સંવાદ ગુજરાતી રેડિયો’ના નામથી ચાલતી એ સેવાનો એક હેતુ એ પણ હતો કે વાંચન વિમુખ થઇ રહેલી એન.આર.આઈ. ગુજરાતીઓની પહેલી પેઢીને અને ગુજરાતી ભાષાના લેખન-વાંચન સુધી નહીં પહોંચતી એ ગુજરાતીઓનાં અહીં જન્મતાં સંતાનોની પેઢીને શ્રાવ્ય સ્વરૂપે ગુજરાતી પીરસવું. રેડિયોનું જીવંત પ્રસારણ સિડનીના એફ.એમ. બેન્ડ દ્વારા અને એનું પોડકાસ્ટ રેડિયોની વેબસાઈટ દ્વારા થતું હોઈ શ્રોતાવર્ગ વૈશ્વિક બન્યો અને દેશ-વિદેશથી પ્રતિભાવો આવવા લાગ્યા. રેડિયોની આ યાત્રામાં કેટલાંક હોંશિલાં અને કટિબદ્ધ યુવાનો અને યુવતીઓ જોડાયાં અને અમારો પંચ-છ પ્રસારણકર્મીઓનો મજાનો પરિવાર રચાઈ ગયો. રેડિયોના મારા પ્રસારણ દ્વારા હું પોતે એક જુદી રીતે દેશ સાથે અને ભાષા સાથે સંકળાઈ ગઈ. ગુજરાતના અને ભારતના સામાજિક તેમ જ સાહિત્ય-સંગીત-કલાઓને લગતા સાંપ્રત પ્રવાહો સાથે મારું જોડાણ થયું અને એમાં ટેકનોલોજીએ ખૂબ મોટો ફાળો આપ્યો. ટેલીફોન માર્ગે અને સોશિયલ મીડિયા દ્વારા અનેક એવાં વ્યક્ત્તિત્વો સાથે સંપર્કમાં આવવાનું થયું અને રેડિયો માટે વાર્તાલાપો થવા માંડ્યા, જેમનાથી હું પ્રભાવિત અને પ્રેરિત થઇ. સાથે જ વાંચન, લેખન અને સર્જનાત્મકતાને વેગ મળ્યો. આ સમય અંગતપણે મારે માટે સેલ્ફ-ડીસ્કવરીનો સમય બન્યો, એ મારે માટે રેડિયોની સૌથી મોટી અંગત ઉપલબ્ધિ છે.

રેડિયોએ મને લેખન તરફ વાળી અને મારી મુલાકાતો અને એ ઉપરાંત મારા લેખો નિયમિતપણે ભારતીય વિદ્યાભવન પ્રકાશિત સામયિક ‘નવનીત-સમર્પણ’માં પ્રકાશિત થતા આવ્યા છે. રેડિયો પર થયેલી મુલાકાતોને મુદ્રિત સ્વરૂપે સંચયિત કરીને આપણા સંસ્કારજગતનાં નામાંકિત વ્યક્તિઓનો એક દસ્તાવેજ રચવાના હેતુથી મુલાકાતોનાં ચાર પુસ્તકો પ્રગટ થયાં, જે પૈકી પહેલાં ત્રણ પુસ્તકો નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ દ્વારા પ્રકાશિત છે અને ચોથું પુસ્તક ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રગટ કર્યું. આ ચાર પુસ્તકો એટલે ‘સુરીલા સંવાદ : નામાંકિત ગુજરાતીઓ સાથેના વાર્તાલાપો’ ભાગ ૧,૨,૩ અને એ સિવાય ‘પ્રવાસિની : દેશાંતરિત નારીઓ સાથેના સંવાદો’. ડાયસ્પોરા સાહિત્યનું પુસ્તક ‘પ્રવાસિની’ એ ગુજરાતી મૂળની દુનિયાના જુદેજુદે ખૂણે વસતી નારીઓએ દેશાંતર વિશે આપેલા પ્રતિભાવોનો આલેખ છે. આ પુસ્તક પર કામ કરતાં કરતાં મારી અંદર વણખેડાયેલા કેટલાક પ્રદેશો મેં ખેડ્યા અને એ રીતે હું અંગતપણે વધુ સજ્જ અને સમૃદ્ધ બની એમ કહી શકું.

સૂર-સંવાદ રેડિયોને પંદર વર્ષનાં વહાણાં જોતજોતામાં વાયાં એ દરમ્યાન રેડિયોના પ્લેટફોર્મ થકી સિડનીમાં ગુજરાતી કાવ્ય સંગીત, ગુજરાતી નાટ્યપ્રયોગો અને નૃત્યના કાર્યક્રમોનાં આયોજનો થયાં, જેમાં ભારતથી આમંત્રિત કલાકારો અને સાહિત્યકારો તેમ જ સ્થાનિક કલાકારોને અહીંના સમુદાય સમક્ષ રજૂ કરવાની તકો પણ આવી.

રેડિયોની પંદર વર્ષની આવી સભર અવિરામ યાત્રા પછી સૂર સંવાદ રેડિયો હાલ વિરામ લઇ રહ્યો છે. કોઈક નવા સ્વરૂપે, કોઈક નવા નામે અને સરનામે ફરી કાર્યરત થવું એવા ખ્યાલમાં હાલ સ્થિર છું.

૩૫ વર્ષના ઓસ્ટ્રેલિયા નિવાસ દરમ્યાન વારંવાર identity – ઓળખ અને loyalty – વફાદારી વિશે પ્રશ્નો પૂછયા છે. જાત સાથે એ વિષયમાં પ્રશ્નોત્તરી કરીને અંતરખોજ કરી છે. એ બધાને અંતે જે નવનીત નીપજ્યું છે તે આ છે – ન ઘરના અને ન ઘાટના હોવાનો ભાવ કદી નથી થતો, કારણ કે મૂળિયાં ખૂબ સજ્જડ છે. ભારત મારે માટે ભૂગોળના નકશામાં કેદ એક જમીનનો ટૂકડો નહીં, પણ એક આદર્શ છે. જે ભારત માટે મને વતન ઝૂરાપો છે, એ સ્વરૂપે ભારત કદાચ મારા અંતરમાં વધુ છે એવું ભારતની વારંવાર થતી મુલાકાતો પરથી જણાય છે. એટલે ‘મારું ઘર કયું’? એવો પ્રશ્ન થાય ત્યારે મારો જવાબ આ હોય છે – ‘મારું ઘર મારી અંદર છે, જ્યાં જાઉં ત્યાં હું મારું ઘર વસાવી દઉં છું’. 

[યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના “હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ” અંતર્ગત, શનિવાર, 07 જાન્યુઆરી 2023ના દિવસે વર્ચ્યુઅલ બેઠકમાં અપાયેલો વાર્તાલાપ]

કડી : http://glauk.org/programmes/aradhana-bhatt-january-2023/

e.mail : aradhanabhatt@yahoo.com.au

Loading

...102030...1,2541,2551,2561,257...1,2601,2701,280...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved