Opinion Magazine
Number of visits: 9667743
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટપાલટિકિટ એટલે નાનકડો દસ્તાવેજ, નાનકડો રાજદૂત

સોનલ પરીખ|Opinion - Opinion|5 February 2023

દરેક રાષ્ટ્રની ટપાલટિકિટ તે રાષ્ટ્રના લોકોનાં આસ્થા અને તત્ત્વદર્શન, આકાંક્ષાઓ અને આશાઓ, કલા અને ઇતિહાસ, મહાપુરુષો અને તેમના પ્રદાનનું પ્રતીક છે. આ નાનકડો, સુંદર કરકરિયાં અને અર્થપૂર્ણ ચિત્રથી શોભતો ચોરસ ટુકડો – મોકલનારે ટપાલખર્ચ ભોગવ્યો છે એની સાબિતી આપવા સાથે ઘર-ઘરમાં, શેરીઓમાં, નગરો, મહાનગરો અને દેશોમાં ભ્રમણ કરે છે અને દેશના સાંસ્કૃતિક વારસાનો પરિચય આપે છે. 1947ની 21 નવેમ્બરે સ્વતંત્ર ભારતની પહેલી ટપાલટિકિટ બહાર પડી હતી …

આજે તો ટપાલ ટિકિટ પણ જાણે ઇતિહાસ બનવા જઈ રહી છે, પણ એનો એક રસપ્રદ ઇતિહાસ છે અને એ ઇતિહાસમાં 21 નવેમ્બરનો દિવસ મહત્ત્વનો છે કેમ કે એ દિવસે ભારતની પહેલી ટપાલટિકિટ બહાર પડી હતી. અનેક સ્મૃતિઓ તાજી થાય છે. એક વખત એવો હતો કે દરેક ઘરમાં એક ખાનું કે એક બૉક્સ પોસ્ટની ચીજો માટે રહેતું. એમાં પોસ્ટકાર્ડ, ઈનલૅન્ડ લેટર, એરોગ્રામ, પોસ્ટનાં કવર, સાદાં કવર, બેત્રણ મનીઑર્ડર ફૉર્મ, જેના જવાબ આપવાના બાકી હોય એવા પત્રો વગેરે રહેતું. આ પેટી ઘરના વડીલના કબજામાં રહેતી અને એમાંથી એકાદ પૉસ્ટકાર્ડ જોઈતું હોય તો તેઓ એવી કાળજીથી એ આપતા જાણે તિજોરીમાંથી કોઈ કીમતી રત્ન કાઢી આપતા હોય. મને તો સૌથી વધારે રસ ટિકિટોમાં પડતો. એની સાઈઝ, એનો સ્પર્શ, એના પરના ચિત્રો, એનાં કરકરિયાં – એના પર ટેરવાં ફેરવવાનું ખૂબ ગમતું. જો કે વડીલો ખિજાતા, ‘મૂકી દે. ડાઘા પડી જશે.’ દિવાળી આવે ત્યારે ઢગલાબંધ કાર્ડ અને એના પર લગાડવાની ટિકિટોનું પતાકડું મોટા થયેલા સંતાનને મળે ત્યારે એને જે મઝા પડતી! રેવન્યૂ સ્ટેમ્પનો દમામ વળી જુદો. અમૃતા પ્રીતમે પોતાની આત્મકથાનું નામ ‘રસીદી ટિકટ’ ભલે ખુશવંત સિંહના કહેવાથી આપ્યું પણ તેની પાછળ એક રોમાન્સ આવો પણ નહીં હોય?

આમ તો એક નાનકડો, સુંદર કરકરિયાં અને અર્થપૂર્ણ ચિત્રથી શોભતો ચોરસ ટુકડો – મોકલનારે ટપાલખર્ચ ભોગવ્યો છે એની સાબિતી. પણ એમાં વણાયેલાં હોય છે દેશનાં ઇતિહાસ, ભૂતકાળ, સંસ્કૃતિ, વિકાસયાત્રા, કલા અને વર્તમાન. આ નાનો કલાપૂર્ણ ઐતિહાસિક દસ્તાવેજ ઘર-ઘરમાં, શેરીઓમાં, નગરો, મહાનગરો અને દેશોમાં ભ્રમણ કરે છે અને દેશના સાંસ્કૃતિક વારસાનો પરિચય આપે છે. દરેક રાષ્ટ્રની ટપાલટિકિટ તે રાષ્ટ્રના લોકોનાં આસ્થા અને તત્ત્વદર્શન, આકાંક્ષાઓ અને આશાઓ, કલા અને ઇતિહાસ, મહાપુરુષો અને તેમના પ્રદાનનું પ્રતીક છે.

ટપાલસેવાના ત્રણથી પાંચ હજાર વર્ષ જૂના અને અત્યંત રસપ્રદ ઇતિહાસની વાત પછી ક્યારેક, આજે વાત કરીએ ટપાલટિકિટની. ટપાલટિકિટનો વપરાશ શરૂ થયો એ પહેલાં ટપાલખર્ચ પત્ર મોકલનાર અથવા જેને પત્ર મોકલ્યો હોય તેની પાસેથી વસૂલ થતું. આમાં ખૂબ ખોટ જતી કેમ કે મોકલનારે ખર્ચ ન આપ્યું હોય અને મેળવનાર પત્ર સ્વીકારે નહીં તો એને મોકલવાનો જે ખર્ચ થયો હોય તે પોસ્ટઑફિસ પર આવી પડે. સુધારાઓ થતા, છતાં ઘણા વખત સુધી કાર્યક્ષમ અને સસ્તી ટપાલસેવા જનતાને ઉપલબ્ધ થઈ નહીં. 

19મી સદીની શરૂઆતમાં ઇંગ્લૅન્ડમાં ટિકિટ પદ્ધતિનો વિચાર થયો અને ઉત્તમ ટિકિટ કેવી હોવી જોઈએ એવી એક સ્પર્ધા થઈ. શરતો એ હતી કે ટિકિટ વાપરવામાં સગવડભરી, બનાવટ ન થઈ શકે એવી, તપાસ અને ચકાસણી સરળતાથી થઈ શકે એવી અને ખર્ચનો આંકડો બતાવતી હોવી જોઈએ. રોલેન્ડ હિલ દ્વારા તૈયાર કરાયેલી દુનિયાની પહેલી ટિકિટ 6 મે 1840ના દિવસે બહાર પડી. તેના પર રાણી વિકટોરિયાની તસવીર હતી. એની કિંમત એક પેની હતી અને એનો રંગ કાળો હતો એટલે તે ‘ધ પેની બ્લેક’ નામથી ઓળખાઈ. આ ટિકિટની કિનારી સીધી હતી અને તેની પાછળ ગુંદર પણ ન હતો. પછીના પંદર વર્ષમાં તો ઘણાખરા દેશો ટપાલટિકિટો વાપરતા થઈ ગયા હતા. 

ભારતમાં સિંધના કમિશનર બાર્ટલ ફ્રેરે 1852માં કાગળની ટિકિટો દાખલ કરી. ‘સિંધ ડાક્સ’ તરીકે ઓળખાતી આ ટિકિટ આખા એશિયામાં ચાલતી. ટિકિટ ખૂલતા લાલ રંગની હતી અને તેની વચ્ચે ઈસ્ટ ઇંડિયા કંપનીની નિશાની રૂપ પહોળું તીર અંકિત હતું. પાતળા કાગળ પર મીણથી આકૃતિ ઉપસાવવામાં આવી હતી. અડધા આનાના મૂલ્યની આ ટિકિટ અત્યારે મળતી નથી. 1854માં કેપ્ટન તુરીયે લિથોગ્રાફીથી બ્નાવેલી ટિકિટો વપરાવી શરૂ થઈ. વાદળી રંગની આ ટિકિટ અડધા આનાના મૂલ્યની, ક્વિન વિક્ટોરિયાના ચિત્રવાળી હતી. 1856થી 1926ના ગાળામાં થોમસ દલ રું એંડ કંપની ભારતની ટપાલટિકિટો છાપતી. જેમાં રાણી વિક્ટોરિયા પછી એડવર્ડ સાત અને જ્યૉર્જ પાંચમા અને છઠ્ઠાનું માથું જુદા જુદા રંગમાં દેખાતું. 1926માં નાસિકમાં ઇન્ડિયા સિક્યોરિટી પ્રેસ ઊભું થયું અને ટપાલટિકિટો ત્યાં છપાવા લાગી. 

સ્વાતંત્ર્ય બાદ તરત જ ભારતે ત્રણ ટપાલટિકિટો છપાવી જેમાં અશોકસ્તંભ, રાષ્ટ્રધ્વજ અને એર ઇન્ડિયાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનાં ચિત્રો હતાં. એનો વપરાશ 21 નવેમ્બરથી શરૂ થયો. એની કિંમત હતી સાડાત્રણ આના.

પછી તો ભારત સરકાર દ્વારા જીવન અને સંસ્કૃતિનાં વિવિધ પાસાંઓને આલેખતી ટપાલટિકિટોની શ્રેણીઓ પ્રસારિત થઈ જેમાં આપણાં પ્રાણીઓ, ધર્મો, પંચવર્ષીય યોજનાઓ સાથે સંબંધિત વિષયો, સામાજિક અને શૈક્ષણિક વિષયો, ઐતિહાસિક બનાવો, સિદ્ધિઓ વગેરે ચિત્રિત કરવામાં આવ્યા છે. તેને વધારે આકર્ષક બનાવવાના પ્રયત્નો પણ થયા છે. ભારતીય મહોરો, ભારતીય લઘુચિત્રો, ભારતીય નૃત્યો વગેરે શ્રેણીમાં રંગોનો વધારે ઉપયોગ થયો છે.

વિશ્વના 195 દેશોમાંથી 175 દેશોએ ગાંધીજીના ચિત્રવાળી કુલ 300 પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી છે. આટલું માન વિશ્વના કોઈ નેતાને મળ્યું નથી. ગાંધીજીની ટિકિટ બહાર પાડનારો પહેલો દેશ પોલેન્ડ હતો. ભારતે મહાત્મા ગાંધીની 80મા જન્મદિને એમના ચિત્રવાળી પહેલી ટપાલટિકિટ બહાર પાડી હતી. આજ સુધીમાં ગાંધીજીના ફોટાવાળી 50 ટિકિટો ભારતમાં બની છે. ગાંધીજીના શતાબ્દીવર્ષે 40 જેટલા દેશે એમની ટિકિટો બહાર પાડેલી. ભારતમાં છેલ્લી ગાંધી-ટપાલટિકિટ 2020માં ગાંધી સાર્ધશતાબ્દી નિમિત્તે બહાર પડી, જે પાંચ, દસ અને પંદર રૂપિયાની કિંમતની છે. 2017માં મહાત્મા ગાંધીની દસ રૂપિયાની એક દુર્લભ ટિકિટ 2 લાખ પ હજાર ડૉલર(ત્યારના 89 લાખ રૂપિયા)માં વેચાઈ હતી, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. ‘ભારત છોડો’ આંદોલન વખતે બ્રિટિશ સરકારે ગાંધીજીના ચિત્રવાળી અને બૉયકોટ બ્રિટિશ ગૂડ્સ આવું સ્લોગન છપેલી ટપાલટિકિટ પર પ્રતિબંધ મૂક્યો હતો. 

ટપાલટિકિટ સંગ્રહનું પણ એક વિશ્વ છે. ટપાલટિકિટોના શાસ્ત્રીય અભ્યાસને અને હવે ટપાલટિકિટ સંગ્રહના શોખ/કલાને પણ ફિલાટેલી કહે છે. ટપાલ ટિકિટ સંગ્રાહકને ફિલાટેલિસ્ટ કહેવામાં આવે છે. ફિલિપ ફેરારીને ફિલાટેલીના પ્રણેતા માનવામાં આવે છે. કહે છે કે ફિલિપ ફેરારીનો પોસ્ટેજ સ્ટેમ્પ્સનો સંગ્રહ બેનમૂન હતો. આજ સુધી તે સૌથી અનોખો સ્ટેમ્પ કલેકશન લેખાય છે. ફિલિપ ફેરારી(1850-1917)નો જન્મ ફ્રાંસમાં, પણ પાછળથી તેમણે ઓસ્ટ્રિયાનું નાગરિકત્વ અપનાવ્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન ફિલિપને રાજકીય કિન્નાખોરીના ભોગ બનવું પડ્યું. એકથી બીજા દેશની રઝળપાટના અંતે 1917માં ફિલિપ ફેરારીનું સ્વિટ્ઝર્લેંડમાં અવસાન થયું.

ટિકિટસંગ્રહનો વિશ્વના સંગ્રહશોખોમાં સૌથી લોકપ્રિય અને વ્યાપક છે અને તેને ‘રાજાઓનો શોખ અને શોખનો રાજા’ કહે છે. એક બ્રિટિશ મહિલા સંગ્રાહકે પોતાના ડ્રૅસિંગ રૂમને શણગારવા માટે વપરાયેલી ટિકિટો મેળવવા 1841માં ‘ધ ટાઇમ્સ ઑફ લંડન’માં એક વિજ્ઞાપન છપાવેલું. ટિકિટસંગ્રહ કલા અને સંગ્રહનો એક વિશિષ્ટ શોખ ગણવામાં આવે છે. સંગ્રાહકો માટે ટપાલ કચેરીમાં ફિલાટેલિક બ્યૂરો અને તેનાં માહિતીપત્રક હોય છે. ભારતમાં પ્રથમ કૅટલૉગ જાલ કૂપર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું.

ભારતમાં 1892માં મુંબઈમાં ‘બૉમ્બે ફિલાટેલિક સોસાયટી’ની સ્થાપના કરવામાં આવી. તેના દ્વારા ‘ઇન્ડિયન ફિલાટેલિસ્ટ’ નામનું માસિક બહાર પાડવાનું ચાલુ થયું. તેના તંત્રી જુલિયો રિબેરો હતા. ગુજરાતમાં ‘ગુજરાત ફિલાટેલિક ઍસોસિયેશન’ અમદાવાદ ખાતે કાર્યરત છે જે નિરંજન ઝવેરી દ્વારા 1972માં સ્થાપવામાં આવેલ અત્યારે માણેક જૈનનું કૅટલૉગ ખૂબ જ પ્રચલિત છે. આવા સંગ્રહોનાં સ્થાનિકથી લઈ આંતરરાષ્ટ્રીય કક્ષાનાં પ્રદર્શનો થાય છે.

અને અંતે, એક રસપ્રદ કિસ્સો – 2015માં માયા એન્જુલુને શ્રદ્ધાંજલિ આપતી એક ટપાલટિકિટ અમેરિકામાં બહાર પડી. પણ બહાર પડતાંની સાથે વિવાદનો વિષય બની ગઈ કેમ કે એમાં એના ફોટા સાથે આપેલું અવતરણ એનું ન હતું! ગોટાળા આપણે ત્યાં જ નહીં, બધે થાય છે!!

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 20 નવેમ્બર 2022

Loading

રાષ્ટૃપતિ સરકારની સલાહને અનુસરીને જજોની નિયુક્તિઓ કરતા હોય છે.

રમેશ ઓઝા|Opinion - Opinion|5 February 2023

રમેશ ઓઝા

દેશમાં જો હિંદુ રાષ્ટ્ર સ્થાપવું હોય તો બંધારણમાં મૂળભૂત માળખાકીય ફેરફાર કરવા પડે. મૂળભૂત માળખાકીય સુધારા કરવા હોય તો સર્વોચ્ચ અદાલતનો ૧૯૭૩નો શંકરાનંદ ભારતીવાળો ચુકાદો ઊલટાવવો પડે, જેમાં એમ કહેવામાં આવ્યું હતું કે સરકારને અને લોકપ્રતિનિધિઓને (સંસદને) બંધારણમાં સુધારા કરવાનો અધિકાર છે, પણ બંધારણના મૂળભૂત માળખામાં સુધારા કરવાનો અધિકાર નથી. જો સર્વોચ્ચ અદાલતનો શંકરાનંદ ભારતીવાળો ચુકાદો ઊલટાવવો હોય તો સર્વોચ્ચ અદાલતમાં મોટાં પ્રમાણમાં અનુકૂળ જજો જોઈએ જે સર્વાનુમતીથી નહીં તો કમ સે કમ બહુમતી ચુકાદો આપીને બંધારણમાં ફાંકા પાડવાનો અધિકાર આપે. જો અનુકૂળ જજોને સર્વોચ્ચ અદાલતમાં બેસાડવા હોય તો જજોની નિયુક્તિ અને બદલી કરવાનો અધિકાર શાસકો પાસે હોવો જોઈએ અને એ પણ નીચેથી વડી અદાલતો અને તેનાથી પણ નીચેના સ્તરેથી. સીધા સર્વોચ્ચ અદાલતમાં જજોની ભરતી કરવાની જોગવાઈ છે, પણ એ અપવાદરૂપે. મોટા ભાગના જજો નીચેથી બઢતી પામતા સર્વોચ્ચ અદાલત સુધી પહોંચે છે. આમાં એક ફાયદો પણ છે. જજના લક્ષણની ખબર પડે. જો વધારે પડતી ખુદ્દારી બતાવે તો તેને સીડી ચડતો રોકી શકાય, બદલી કરીને હેરાન કરી શકાય અને એ રીતે રવાના કરી શકાય. અને જો જજોની નિયુક્તિનો અધિકાર હાથમાં લેવો હોય તો અત્યારે જે કોલેજિયમ પદ્ધતિ અસ્તિત્વમાં છે તેને ખતમ કરવી પડે.

માટે તમે જોયું હશે કે છેલ્લા ઘણા સમયથી કોલેજિયમ પદ્ધતિ વિશે અને તેની બંધારણીયતા વિશે પ્રશ્નો કરવામાં આવે છે. કોલેજિયમ દ્વારા સૂચવવામાં આવતા જજોની નિયુક્તિ કરવામાં આવતી નથી. સર્વોચ્ચ અદાલતમાં અને વડી અદાલતોમાં જજોની જગ્યાઓ ખાલી પડી છે. સરકાર ન્યાયતંત્રને હંફાવે છે અને એ રીતે તેને નિરસ્ત કરવાનો પ્રયાસ કરે છે. કેસોનો ભરાવો અભૂતપૂર્વ પ્રમાણમાં થઈ રહ્યો છે. શાસકો ન્યાયતંત્રને ઘૂંટણીયે પાડીને જજોની નિયુક્તિનો અધિકાર છીનવી લેવા માંગે છે કે જેથી બંધારણનું આખું માળખું બદલીને હિંદુ રાષ્ટ્ર સ્થાપી શકાય.

પણ તેમના પક્ષના અધ્વર્યુ લાલકૃષ્ણ અડવાણીએ તેમની આત્મકથામાં કહ્યું છે કે જે દિવસે બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરવામાં આવશે એ દિવસે દેશમાં લોકતંત્રનો અંત આવશે એનું શું? તેઓ કેમ અત્યારે તેઓ ચૂપ છે? તેનું કારણ સ્પષ્ટ છે: દેશમાં જો સેક્યુલર ડિક્ટેટરશીપ આવે તો હિન્દુત્વવાદીઓ લોકતંત્રની સીડી ચડીને સત્તા સુધી ન પહોંચી શકે અને જ્યાં સુધી સત્તા સુધી ન પહોંચી શકે ત્યાં સુધી હિંદુ રાષ્ટ્ર સ્થાપી ન શકે. તેમને સત્તા સુધી પહોંચવા માટે લોકતંત્રનો ખપ હતો અને માટે બંધારણના મૂળભૂત માળખાનું મૂલ્ય હતું. હવે તેઓ સત્તા સુધી પહોંચી ગયા છે અને હિંદુ રાષ્ટ્ર સ્થાપવું છે જેમાં બંધારણ આડું આવે છે. હવે બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરવામાં આવે, તેનો જો પ્રાણ હરી લેવામાં આવે તો તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. તેમની નિસ્બત લોકતંત્ર માટે નહોતી. બહુમતી રાષ્ટ્રવાદી શાસકો લોકતંત્ર વિરોધી હોય છે એમ જગતનો ઇતિહાસ કહે છે. અડવાણી મહારાજ આજે ચૂપ છે. આમ પણ સદ્દગુણની આરાધના કરવી એ વિકૃતિ છે એમ તેમના ગુરુ કહી ગયા છે.

બંધારણની મૂળ જોગવાઈ મુજબ સર્વોચ્ચ અદાલતમાં અને વડી અદાલતોમાં જજોની નિયુક્તિ રાષ્ટ્રપતિ કરે છે. પણ રાષ્ટ્રપતિ કઈ રીતે જજોની નિયુક્તિ કરે છે? રાષ્ટ્રપતિ સરકારની સલાહને અનુસરીને નિયુક્તિઓ કરતા હોય છે અને સરકાર એટલે કે કાયદા મંત્રાલય દેશના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે સલાહમસલત કરીને તેમની ભલામણને અનુસરીને રાષ્ટ્રપતિભવનમાં નિયુક્તિ માટે નામ મોકલે છે. વડી અદાલતો માટે વાયા દેશના મુખ્ય ન્યાયમૂર્તિ જે તે વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની સલાહ લેવામાં આવે છે. આ રસમ દાયકાઓ સુધી અસ્તિત્વમાં હતી અને ક્યારેક એકાદ બે અપવાદને છોડીને કાયદા મંત્રાલય મુખ્ય ન્યાયમૂર્તિઓની ભલામણોનો આદર કરતું હતું અને તેમની ભલામણ મુજબ નિયુક્તિઓ થતી હતી. ઇન્દિરા ગાંધી વડાં પ્રધાન બન્યાં ત્યાં સુધી સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે ભાગ્યે જ અથડામણ થઈ હતી. જ્યારે અનુકૂળ ન્યાયમૂર્તિઓને શોધવાની, તેમની નિયુક્તિ કરવાની અને પ્રતિકૂળ હોય એવા ન્યાયમૂર્તિઓની બદલી કરવાની, તેમની સિનિયોરીટીની ઉપેક્ષા કરીને સુપરસીડ કરવાની શાસકોની પ્રવૃત્તિ શરૂ થઈ ત્યારે ન્યાયતંત્ર અને શાસકો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. દેખીતી રીતે વિરોધ પક્ષો અને નાગરિક સમાજ શાસકોની સામે પડ્યા હતા. અડવાણીનો લોકશાહીપ્રેમ એ સમય અને સંજોગોનો હતો.

દેશમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા જળવાઈ રહે અને એ રીતે દેશમાં લોકશાહી ટકી રહે એ માટે જે પ્રયાસો થયા હતા તેની વિગતોમાં અહીં નથી જવું. માત્ર એટલું કહેવું પૂરતું છે કે સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદાઓ દ્વારા ન્યાયમૂર્તિઓની નિયુક્તિનો અધિકાર પોતાની પાસે લઈ લીધો હતો. ૧૯૯૮ના નિયુક્તિ અંગેના ત્રીજા ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કહ્યું હતું કે ન્યાયમૂર્તિઓનું રચવામાં આવેલું કોલેજિયમ જે જજોની ભલામણ કરે તેની નિયુક્તિ કરવા સરકાર બંધાયેલી છે. શાસકો જે તે ઉમેદવારની યોગ્યતા વિશે ખુલાસા માગી શકે છે, પુનર્વિચાર માટે નામ પાછાં મોકલી શકે છે, પણ જો ફરી વાર કોલેજિયમ એ જ નામની ભલામણ કરે તો સરકાર પાસે કોઈ વિકલ્પ બચતો નથી. એ જ નામો નિયુક્તિ માટે રાષ્ટ્રપતિને મોકલવા પડે.

વિચક્ષણ વાચકોને ઉપરના ફકરામાં કહેલું એક વાક્ય ધ્યાનમાં આવ્યું હશે. “સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદાઓ દ્વારા ન્યાયમૂર્તિઓની નિયુક્તિનો અધિકાર પોતાની પાસે લઈ લીધો હતો.” પોતે આપેલા ચુકાદાઓ દ્વારા, કોઈ બંધારણીય જોગવાઈનો આશ્રય લઈને નહીં. બંધારણમાં તો કોલેજિયમનો કોઈ ઉલ્લેખ જ નથી. સર્વોચ્ચ અદાલતે લોકતંત્રના અને સ્વતંત્ર ન્યાયતંત્રના વ્યાપક હિતમાં પોતે પોતાની જાતે નિયુક્તિનો ઉકેલ શોધી કાઢ્યો હતો જે શુદ્ધ અર્થમાં બંધારણીય નથી. વધુમાં વધુ એક કહી શકાય કે તે વ્યાપક હિતમાં વ્યાવહારિક ઉપાય છે. બીજું, બંધારણની જોગવાઈ મુજબ આખરે જજોની નિયુક્તિઓ તો સરકારની ભલામણને અનુસરીને રાષ્ટ્રપતિ જ કરે છે. જે અધિકાર ધરાવે એ અધિકૃત કહેવાય કે નહીં? અધિકૃત અધિકારી અને પોસ્ટમેનમાં ફરક છે. સરકારની દલીલ એવી છે કે કાયદા મંત્રાલય ન્યાયતંત્રનો પોસ્ટમેન નથી.

શાસકોની દલીલમાં દમ છે, પણ એ કેવળ ટેકનીકલ બંધારણીય છે. ન્યાયતંત્રની વ્યાપક હિતવાળી દલીલમાં વધારે દમ છે, પણ એ ટેક્નિકલી બંધારણીય નથી.

હવે આનો ઉપાય શું? વધુ ચર્ચા હવે પછી. 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 ફેબ્રુઆરી 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—182

દીપક મહેતા|Opinion - Opinion|4 February 2023

જ્યારે મનાતું કે છોકરીને ભણાવીએ તો તે વહેલી વિધવા થાય

બે અંગ્રેજ પ્રોફેસરોએ શરૂ કરી જ્ઞાનનો પ્રસાર કરતી મંડળી     

અભ્યાસક્રમ પ્રમાણેનું ભણાવી લીધું એટલે ગંગા નાહ્યા એમ માનનારા અધ્યાપકો જ્યારે નહોતા ત્યારની આ વાત છે. અધ્યાપક બીજી કોઈ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ માટે કરે, કોઈને ભાષણ કરવા બોલાવે કે કોઈ કવિને આમંત્રણ આપે તો મોટું પાપ થઈ જાય એમ પણ ત્યારે મનાતું નહિ. એટલે ૧૮૩૫માં એલ્ફિન્સ્ટન કોલેજ સ્થપાઈ તે પછી બ્રિટનથી આવેલા અધ્યાપકો વિદ્યાર્થીઓના માત્ર અભ્યાસની જ ચિંતા કરતા નહોતા, તેમના વિકાસ અને વિસ્તારને મદદરૂપ થાય એવા પ્રયત્નો પણ કરતા. પોતાના વિદ્યાર્થીઓ સાથે સાંજે દરિયા કિનારે ફરવા જતા, અને તે વખતે તેમની સાથે જુદા જુદા વિષયો પર મુક્ત મને વાતો કરતા. આવી વાતોને પરિણામે સમજાયું કે વિદ્યાર્થીઓને ભણાવવા ઉપરાંત સમાજ ઉપયોગી કામોમાં જોડવા જોઈએ. આમ કરવાથી બે હેતુ પાર પડે. સામાજિક કામોને પ્રોત્સાહન મળે અને છોકરાઓને જાત-અનુભવ મળે.

આવા બે સજાગ પ્રોફેસર તે એલ્ફિન્સ્ટન કોલેજના એ.એમ. પેટન અને આર.ટી. રીડ. એ બંનેએ સાથે મળીને શરૂ કરી ‘સ્ટુડન્ડસ લિટરરી એન્ડ સાયન્ટિફિક સોસાયટી’. ૧૮૪૮ના જૂન મહિનાની ૧૩મી તારીખે તેની સ્થાપના થઈ. પ્રો. પેટન તેના પહેલા પ્રમુખ. શરૂઆતના કેટલાક વરસ એલ્ફિન્સ્ટન કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ જ આ સોસાયટીના સભ્યો બની શકતા, બીજાઓ નહિ. ૧૮૪૮માં કુલ ૨૧ સભ્યો હતા. આ સ્થાપક સભ્યોમાં દાદાભાઈ નવરોજી, રાવ સાહેબ પ્રાણલાલ મથુરાદાસ, ડોસાભાઈ ફરામજી, મોહનલાલ રણછોડદાસ, વગેરેનો સમાવેશ થતો હતો. ૧૮૫૨થી કોઈ પણ સુશિક્ષિત પુરુષ તેનો સભ્ય બની શકે એમ ઠરાવવામાં આવ્યું. એટલે ૧૮૫૫માં સભ્ય સંખ્યા વધીને ૧૯૦ થઈ ગઈ.

આ સોસાયટીની મુખ્ય કામગીરી હિન્દુસ્તાનની સામાજિક સ્થિતિ વિષે લેખો લખીને જાહેરમાં વાંચવા, ભાષણો કરવાં, અને તેના ઉપર ચર્ચા કરવી તે હતી. હા, શરૂઆતથી જ ઠરાવવામાં આવ્યું હતું કે સોસાયટીના કોઈ કાર્યક્રમમાં રાજકારણ કે ધર્મને લગતી વાત થઈ શકશે નહિ. કોઈક જરૂર મનમાં બોલશે : ‘જોયું ને! અંગ્રેજો કેવા આપખુદ હતા!’ પણ ભલા માણસ આજે પણ એક વ્યક્તિ વિશેની એક પરદેશી ફિલ્મ કોઈ શિક્ષણ સંસ્થાના વિદ્યાર્થીઓ જોઈ ન જાય એ માટે સરકાર કેટલા તો ધમપછાડા કરે છે? અને એ ય તે પાછા પાછલે બારણેથી. જ્યારે આ અંગ્રેજો વધુ નિખાલસ તો હતા!

આ અધ્યાપકો ચતુર હતા, સુજાણ હતા. થોડા વખતમાં સમજી ગયા કે માત્ર ભાષણો અને લેખોથી આ સમાજ બદલાવાનો નથી. એટલે તેમણે સૌથી પહેલાં કન્યાકેળવણીને મદદરૂપ થાય એવાં કામ કરવાનું વિચાર્યું. એટલે સોસાયટીએ ૧૮૪૯ના ઓક્ટોબરની ૨૧મી તારીખથી બે મરાઠી અને ચાર ગુજરાતી છોડીઓ માટેની નિશાળો મુંબઈના કોટ, ધોબી તળાવ, બહાર કોટ, અને મઝગાંવ ખાતે શરૂ કરી. રોજ સવારે સાતથી દસ વાગ્યા સુધી આ સોસાયટીના ‘પોરિયાઓ’ એક પણ ફદિયું લીધા વગર આ સ્કૂલોમાં ભણાવતા. આ છ નિશાળોમાં બધું મળીને ૬૫૪ છોકરીઓ ભણતી હતી. તેમાંની ૧૩૬ મરાઠી, ૧૨૦ ગુજરાતી અને ૩૯૮ પારસી હતી. અને આશ્ચર્ય અને આનંદની વાત એ છે કે આ છમાંની એક સ્કૂલ હજી આજે પણ ચાલે છે. ગિરગામ રોડ પરના ઠાકુરદ્વાર વિસ્તારની નવરોજી શેઠ સ્ટ્રીટ પર આવેલી આ સ્કૂલ હવે એસ.એલ. એન્ડ એસ.એસ. ગર્લ્સ હાઈ સ્કૂલ તરીકે ઓળખાય છે.

થોડા વખતમાં જ અધ્યાપકોના ધ્યાનમાં એ વાત આવી કે સોસાયટીનું બધું કામકાજ અંગ્રેજીમાં જ થાય છે એટલે વધારે છોકરાઓ તેમાં ભાગ લઈ શકતા નથી. આથી ગુજરાતી-મરાઠીમાં બોલવા-લખવાની સગવડ પણ કરવી જોઈએ. એટલે તેમણે સોસાયટીની બે શાખા તરીકે મરાઠી અને ગુજરાતી જ્ઞાનપ્રસારક મંડળી ૧૮૪૮ના સપ્ટેમ્બરની છઠ્ઠી તારીખથી શરૂ કરાવી. આ મંડળી વિષે મરાઠીમાં અભ્યાસગ્રંથ પ્રગટ થયો છે, પણ આપણા ઘણાખરા જાણકારો પણ આ મંડળીઓ વિષે ભાગ્યે જ કશું જાણે છે. પારસીઓ જોડાક્ષર વગરની કેવી ‘અશુદ્ધ ગુજરાતી’ ભાષા વાપરતા તેના ઉપહાસભર્યા નમૂના તરીકે તેના સામયિક ‘ગનેઆન પરસારક’નું નામ ઉછાળવા સિવાય આ મંડળી અને તેની કામગીરી વિષે ભાગ્યે જ કોઈ લખે-બોલે છે. ગુજરાતી મંડળીમાં પારસીઓ વધુ ઉત્સાહથી ભાગ લેતા એ ખરું, પણ તે કેવળ પારસીઓની મંડળી નહોતી. ૧૯મી સદીના સાહિત્ય અને સંસ્કાર-જગતના પ્રખર અભ્યાસી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ કહ્યું છે તેમ “જ્ઞાન પ્રસારક મંડળી કંઈ માત્ર પારસીઓની સંસ્થા નથી. પરંતુ પારસી, હિંદુ, મુસ્લિમ, એ સઘળી કોમોના લાભ માટે સ્થપાયેલી સંસ્થા છે. જે વખતે આ મંડળી સ્થપાઈ તે વખતે પારસીઓ અને હિંદુઓ એકમેક સાથે મળીને અને બહુ જ મળતાવડાપણાથી વર્તતા હતા.”

સ્ટુડન્ડસ લિટરરી એન્ડ સાયન્ટિફિક સોસાયટીના વાર્ષિક અહેવાલ

આ લખનારના સદ્ભાગ્યે સ્ટુડન્ટસ સાયન્ટિફિક એન્ડ લિટરરી સોસાયટીના ૧૮૫૪થી ૧૮૫૮નાં વરસોના વાર્ષિક અહેવાલો જોવા મળ્યા છે. તેમાંની માહિતી પ્રમાણે ૧૮૬૦ના વરસમાં પ્રો. રીડ સોસાયટીના પ્રમુખ હતા. ૧૮૫૨માં એલ્ફિન્સ્ટન કોલેજના ભાગ રૂપે લો કોલેજની શરૂઆત થઈ ત્યારે પ્રો. રીડ તેના પહેલા અધ્યાપક બન્યા હતા. મરાઠી જ્ઞાન-પ્રસારક મંડળીના પ્રમુખ નારાયણ દીનાનાથ વેલકર અને ગુજરાતી જ્ઞાન પ્રસારક મંડળીના પ્રમુખ નવરોજી ફરદુનજી સોસાયટીના પણ ઉપપ્રમુખ હતા. આજના ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ના પુરોગામી ‘બોમ્બે ટાઈમ્સ’ની શરૂઆત નારાયણ દીનાનાથે ૧૮૩૮માં કરી હતી. જ્યારે નવરોજી ફરદુનજીએ ગુજરાતી ભાષાનું પહેલવહેલું માસિક ‘વિદ્યાસાગર’ ૧૮૪૦માં શરૂ કર્યું હતું. આ ઉપરાંત ત્રણ મંત્રીઓ હતા : રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર, ગંગાદાસ કિશોરદાસ, અને હોરમસજી દાદાભાઈ. સોસાયટી ગુજરાતી છોડીઓ માટે બે સ્કૂલ ચલાવતી હતી : એક કોટમાં અને બીજી બહાર કોટમાં. બંને સ્કૂલમાં થઈને ૧૦૨ છોડીઓ ભણતી હતી. તેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વાણિયા, સોની, કણબી વગેરે છોકરીઓ ભણતી હતી. છોકરીઓની ઓછી સંખ્યાનું કારણ આપતાં આ અહેવાલમાં લખ્યું છે કે ઘણી જ્ઞાતિઓમાં એવો વહેમ પ્રચલિત છે કે જો છોકરીને ભણાવીએ તો તે વહેલી વિધવા થાય. બીજી નોંધવા જેવી વાત એ છે કે સોસાયટીની પારસી છોકરીઓ માટેની સ્કૂલો ચલાવવાનો તમામ ખરચ પારસી સખી-દાતાઓ ઉપાડી લેતા હતા. ગુજરાતી છોડીઓ માટેની સ્કૂલો માટે આ રીતે દાન આપવાની જાહેર વિનંતી પ્રમુખ પ્રો. રીડે કરી ત્યારે સૌથી પહેલાં મંગળદાસ નથુભાઈ નામના જાણીતા બેન્કરે દર વરસે એક હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. બદલામાં સોસાયટીએ બે સ્કૂલ સાથે મંગળદાસ શેઠનું નામ જોડ્યું હતું.

૧૮૪૯માં શરૂ થયેલી આ સ્કૂલ આજે પણ ચાલે છે

બીજું, એ અરસામાં મરાઠી અને ગુજરાતી જ્ઞાનવર્ધક સભા સક્રિય હતી. ગુજરાતી સભામાં જેમણે ભાષણ કર્યાં હતાં કે લેખો વાંચ્યા હતા તેમાં કવિ નર્મદ, કવિ દલપતરામ ડાહ્યાભાઈ, મહીપતરામ નીલકંઠ, કરસનદાસ મૂળજી, ઝવેરીલાલ યાજ્ઞિક, ડો. ધીરજરામ દલપતરામ, વગેરેનો સમાવશ થતો હતો. ગુજરાતી જ્ઞાનવર્ધકે ૧૮૪૯ના જુલાઈ મહિનાથી ‘ગનેઆન પરસારક’ નામનું ગુજરાતી માસિક શરૂ કર્યું. તે પછી થોડા જ વખતમાં તેનું નામ સુધારીને કરવામાં આવ્યું હતું : ‘જ્ઞાનપ્રસારક’. ૧૮૬૭ના ડિસેમ્બર સુધી આ માસિક ચાલ્યું હતું. તેના તંત્રી તરીકેની કામગીરી દાદાભાઈ નવરોજી, અરદેશર ફરામજી મૂસ, એદલજી માસ્તર, કરસનદાસ મૂળજી, વગેરેએ સંભાળી હતી. જ્ઞાનપ્રસારક મંડળીમાં પણ ભાષણો અને નિબંધ વાચનની પ્રવૃત્તિ પહેલેથી જ શરૂ થઈ હતી અને તે છેક ૧૯૫૬-૧૯૫૭ સુધી ચાલુ રહી હતી.

૧૯૪૯માં ગુજરાતી જ્ઞાનપ્રસારક મંડળીની શતાબ્દી ઉજવાઈ ત્યારે એક પ્રદર્શન પણ ભરાયું હતું જેમાં હસ્તપ્રતો, શરૂઆતનાં મુદ્રિત પુસ્તકો, અને મુદ્રણની પ્રગતિ દર્શાવતી બીજી કેટલીક સામગ્રી મૂકવામાં આવી હતી. પ્રદર્શનનું ઉદ્ઘાટન કરતી વખતે આપેલા ભાષણમાં કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ કહ્યું હતું : “આ મંડળીએ આપણા દેશના ભાઈઓમાં અને ખાસ કરીને ગુજરાતી બોલનારી જુદી જુદી કોમોમાં જ્ઞાનનો પ્રચાર કરવાનું બીડું ઝડપ્યું અને અનેક જાતની ચડતી પડતી જોઈ એ પોતાની કાયનાત પ્રમાણે જુદી જુદી રીતે જ્ઞાનનો ફેલાવો કરતી રહી.”

ગુજરાતી અને મરાઠી જ્ઞાનપ્રસારક મંડળીના પ્રમુખો નવરોજી ફરદુનજી અને નારાયણ દીનાનાથ

આ ત્રણે સંસ્થાઓની વિશિષ્ટતાઓ તરફ આજે કદાચ આપણું ધ્યાન ન જાય, અથવા તે બહુ મહત્ત્વની ન લાગે. પહેલી વાત એ કે ૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ તે પહેલાં આ પ્રયત્ન થયો હતો. બીજું, બ્રિટિશરો અને સ્થાનિક લોકોનો આ સહિયારો પ્રયત્ન હતો. ૧૮૦૪માં એશિયાટિક સોસાયટી શરૂ થઈ તે ફક્ત અંગ્રેજો દ્વારા અને અંગ્રેજો માટે. ૧૮૪૧ સુધી તેમાં ‘દેશી’ઓને પ્રવેશ નહોતો. ૧૮૪૮માં અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ફક્ત કેટલાક અંગ્રેજોએ ભેગા મળીને શરૂ કરી હતી. જ્યારે સ્ટુડન્ટ્સ સાયન્ટિફિક એન્ડ લિટરરી સોસાયટી એ અંગ્રેજો અને ‘દેશી’ઓનો સહિયારો પ્રયત્ન હતો. એટલું જ નહિ, એ અધ્યાપકો અને વિદ્યાર્થીઓનો સહિયારો પ્રયત્ન હતો. મુંબઈની સોસાયટી આચરણ અને વિચારણા, બંનેમાં માનતી હતી. એક બાજુ તેણે છોકરા-છોકરી માટે અલગ અલગ સ્કૂલો શરૂ કરી, જેમાં સોસાયટીના સભ્યો એક પાઈ પણ લીધા વગર ભણાવતા. તો બીજી બાજુ આ સભાએ વિચારોની આપ-લેને, ચર્ચાને પ્લેટફોર્મ પૂરું પાડ્યું. સૌથી મહત્ત્વની વાત તો એ કે આ દેશમાં અને આ દેશ માટે કામ કરવું હોય તો ફક્ત અંગ્રેજી નહિ ચાલે એ વાત અંગ્રેજ સ્થાપકો બહુ જલદી સમજી ગયા અને એટલે બીજી બે પેટા શાખા મરાઠી અને ગુજરાતી માટે શરૂ કરી. તો સાથોસાથ લોકોના મોટા સમૂહ સુધી પહોંચવા માટે ગુજરાતી અને મરાઠીમાં માસિકો શરૂ કર્યાં.

અહીં સુધીની વાત તો સીધે પાટે ચાલે છે. પણ હવે વાતમાં એક વળાંક આવે છે. મરાઠી અને ગુજરાતી જ્ઞાનપ્રસારક મંડળી ઉપરાંત એક ત્રીજી સભા પણ સ્ટુડન્ટસ સાયન્ટિફિક એન્ડ લિટરરી સોસાયટી સાથે જોડાયેલી હતી? કે એ સ્વતંત્ર હતી? જો સ્વતંત્ર હતી તો એ કોણે શરૂ કરેલી? ક્યારે? પણ આ બધી વાતો કરશું હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

 પ્રગટ :  “ગુજરાતી મિડ–ડે”; 04 ફેબ્રુઆરી 2023

Loading

...102030...1,2481,2491,2501,251...1,2601,2701,280...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved