એક સમય હતો જ્યારે નવરાત્રિના તહેવારોમાં ઘરની સ્ત્રીઓ પરવારીને, મહોલ્લામાં ગરબે રમવા ઊતરતી. માતાની આરતી ગવાતી. બોખી લાઇટો આંગણું પણ માંડ અજવાળતી ને અગિયાર, બાર સુધીમાં પ્રસાદ લઈને મહોલ્લો ઘર ભેગો થતો. ક્યાંક ક્યાંક ગરબા શરદપૂનમ સુધી ચાલતા. શરદ પૂનમની દૂધ જેવી ચાંદની ને માતાજીનાં ગરબાનું અજવાળું જ ત્યારે પૂરતું થઈ પડતું. એમાં ગરબો એક મહિલા ગવડાવતી અને બીજા રમનારા તે ઝીલતા. ગાયિકાનો અવાજ એટલો ઊંચો તો રહેતો જ કે તે બધાંને પહોંચતો. એનો એવો જ બુલંદ પડઘો પણ ઊઠતો. એવા કોઈ ખાસ વાજિંત્રો પણ ત્યારે હતાં નહીં એટલે માત્ર ગાયિકાના અવાજ પર અને તાળીઓ પર જ આધાર રહેતો. હવે હાલત એ છે કે ગરબો ગવડાવનારી મહિલાનો અવાજ માઇક પરથી ફૂટતો હોય, તો પણ તે પહોંચવાની મુશ્કેલી એટલી હોય છે કે ‘ઝીલવા’નું ઓછું જ બને છે. વાંક દર વખતે ગાયિકાનો જ હોય છે, એવું નથી, ઝીલનારા પણ ક્યારેક બેધ્યાન હોય છે ને એ પડઘો પાડી શકતા નથી. કેટલાંક ગરબાવીરો તાળીઓ પાડીને જ રાજી હોય છે. એમને એવું હોય છે કે આપણું કામ તાળીઓ પાડવાનું છે ને બીજા ગાય જ છે તો આપણે ગળું બગાડવાની શી જરૂર છે? એમનો ઉપકાર એટલો કે એ ચૂપ રહીને ઘણાના કાન બચાવી લે છે. એટલું છે કે સ્ત્રીઓ અને યુવાનો આ મામલે ગંભીર હોય છે. તેઓ સિન્સિયરલી એમાં પ્રવૃત્ત થાય છે. એને માટે તેઓ મહિનાઓની ટ્રેનિંગ લે છે.
કેટલા ય ડાન્સ-ગરબા ક્લાસોને સમૃદ્ધ કરવાની જવાબદારી એમણે ઉપાડી હોય છે. એ સાથે જ થોડી જવાબદારીઓ ઘટાડી પણ હોય છે, જેમ કે દોઢિયું કે અન્ય સ્ટેપ્સની સઘન ટ્રેનિંગ લેનારાઓએ ગાવાનું લગભગ બંધ જ કરી દીધું હોય છે. તેઓ વર્તુળાકારે તાળીઓ ને સ્ટેપ્સનું ધ્યાન રાખે છે કે દાંડિયાંની વખતે દાંડિયાં પણ બરાબર ઠોકે છે, પણ એમાંનું દરેક જણ, મ્યુઝિક પાર્ટી ગાય ને ગવડાવે, તે જાણે તેઓ પોતે જ ગાય છે એમ હોઠ જ ફફડાવે છે. ટૂંકમાં, વ્યાયામનું રખાય છે એટલું ધ્યાન ગરબામાં ગળાનું રખાતું નથી. હવે તો એવી સગવડો પણ થઈ છે કે પ્રિરેકોર્ડેડ ગરબા કે આરતી કે થાળ, ડી.જે. પર જ મળી જાય છે ને એ વાગે છે એટલે હવે કોઈ ગાયક પણ જરૂરી રહેતો નથી કે નથી સંગીત વગાડનારની કોઈ જરૂર ! એ પણ હવે તો રેકોર્ડેડ જ મળી જાય છે. મોટે ભાગે તો એ ફિલ્મી રાગ પર આધારિત (ફ્યૂઝન) હોય છે. એમાં મંદ કે મધુર તો કામનું જ નથી. જે વાગે તે ઘોંઘાટની હદનું સૂરીલું હોય છે ને એને ફોલો કરતાં કરતાં બધાં યાંત્રિક રીતે સ્ટેપ્સ કે તાળીઓ લેતા રહે છે. ગરબા લોકલ હતા, તે હવે આંતરરાષ્ટ્રીય થયા છે. તે શેરીઓમાં છે, એમ જ પાર્ટી પ્લોટ પર કે ઇન્ડોર સ્ટેડિયમ જેવામાં ભવ્યથી વધુ ભવ્ય રીતે થાય છે ને નવે નવ દિવસ બધાંને જલસા પડી જાય છે. ભીડ પણ તીડની જેમ તૂટે છે.
એમાં માતાજીનું તો બહાનું હોય છે, બાકી બધાં જ ‘રમે’ છે. એટલું છે કે બધાંને જ અનેરો ઉત્સાહ હોય છે. ‘ગરબો’ હવે એવું ઠેકાણું છે જ્યાં માતાજી મળે કે ન મળે, પણ પ્રેમીઓ મળી જતાં હોય છે. જેમને સીધું મળવાનું અનુકૂળ નથી, તેવા મિત્રો, પ્રેમીઓ ગરબાને નામે મેળ પાડી દેતા હોય છે. ઘણા ગરબાનું કહીને એવે નામે પણ જતાં હોય છે, જ્યાં એકાંત મળી રહે. એકાંત એક કરે છે ને ઘણાંની વાતો લગ્ન સુધી પણ પહોંચે છે. ઘણાંની મૈત્રી થાય છે, ઘણાંની મૈત્રી, બીજા મિત્રોની (હકીકતની) જાણ થતાં તૂટે પણ છે. આ બધાંમાં માતાજી ઓછાં ને ગાયનેક વધારે યાદ આવે એમ બને. બધે જ આવું છે એવું નથી, ક્યાંક સાત્ત્વિક ભક્તિ ને શક્તિનો મહિમા થાય જ છે, પણ ભક્તિ ને શક્તિને નામે વિ-ભક્તિ ને અ-શક્તિનો પરચો વધારે મળે છે. આમ તો એ ભક્તિના દેખાડાનું પરિણામ જ વિશેષ છે. અગાઉ ક્યારે ય ન હતો એવો દેખાડો અત્યારે ધર્મને નામે થાય છે. બધે જ ધર્મનું પ્રચલન એટલું વધ્યું છે કે તે ઘરમાં પણ પાળી શકાય એ હવે સાચું લાગતું નથી. એવું પણ નથી કે ધર્મમાં ઇનવોલવમેન્ટ વધ્યું છે. જે વધેલું દેખાય છે તે કોઈને દેખાડી દેવા કે બતાવી દેવા માટે છે. તે સ્પર્ધા કે ઈર્ષા માટે છે. એમાંથી કોઈ ધર્મ કે કોમ બાકાત નથી.
નવરાત્રિનો ઉત્સવ પણ ધર્મ માટે ઓછો અને (ગેર)લાભ માટે વધુ જણાય છે. આમાં બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના તમામ ઉંમરના લોકો કોઈક ને કોઈક રીતે જોડાય છે, એટલે પ્રશ્નો પણ બધી ઉંમરનાને થાય છે. ખાસ કરીને બધી ઉંમરની સ્ત્રીઓ, આ તહેવારમાં ચિંતાનો વિષય બની રહે છે ને યુવાનોનું નજીક આવવાનું બને છે એટલે કુટુંબ માટે પણ એ ઘણી રીતે સમસ્યારૂપ બની જતું હોય છે. મોડી રાત સુધી સંતાનો મેદાનો પર હોય છે ને એની માબાપને ચિંતા સ્વાભાવિક રીતે જ થતી હોય છે, એનો ઉકેલ હવે એવી રીતે પણ શોધાયો છે કે એક બટન દબાવવાથી માબાપને એ ખબર પડી જાય છે કે નવરાત્રિ ઉપરાંત પણ સંતાન ક્યાં છે? તેની વિગતો એક એપ્લિકેશન પરથી મળી રહે એવી વ્યવસ્થા શોધાઈ છે. સંતાન કોઈ મુશ્કેલીમાં હોય તો તેની જાણ આ એપ્લિકેશન દ્વારા થઈ શકે છે. બીજા શબ્દોમાં મા-બાપ ઇન્ક્વાયરી એપથી સંતાનોની જાસૂસી કરતાં થયાં છે. આવી ઇન્ક્વાયરી કરનારા વાલીઓ છે જે નવરાત્રિમાં સંતાનો પર વોચ રાખવા માંગે છે. બટન દબાવતાં જ કોણ, ક્યાં, કેટલું રોકાયું તે માહિતી આવી મળે છે. એ એપ માબાપે સંતાનનાં મોબાઇલમાં નાખવાની હોય છે. એ પછી સંતાન ઈચ્છે તો પણ તેને ડિલીટ કરી શકતાં નથી. એ દુ:ખદ છે કે માબાપ ચિંતા કરે છે, પણ સંતાનો પર ભરોસો મૂકતાં નથી. તો સંતાનો પણ માબાપથી ઘણું છાનું રાખતા હોય છે. તે વગર જાસૂસી કરવાની નોબત આવે ખરી? એ તો માબાપની જાસૂસી કરી નહીં શકતાં હોય, બાકી એ પણ એવી તક ગુમાવવા ન માંગે. મોબાઇલના પાસવર્ડ માબાપ, સંતાનોને આપતા નથી, પણ સંતાનના પાસવર્ડ મેળવવાની દાનત રાખતા હોય છે. એનો અર્થ એટલો જ કે કશુંક ગુપ્ત બંને પાસે છે જે કોઈ, કોઈને શેર કરવા માંગતું નથી. જરા વિચારવા જેવું છે કે મોબાઈલ આવ્યા પહેલાં કોઈ આટલું ભેદી હતું ખરું?
ભેદીની જ શું વાત કરવી, જે પરિણીત છે, તેઓ એકબીજા પર વધુ અવિશ્વાસ રાખે છે. પત્ની ગરબા ગાવા ગઈ છે એનો ભરોસો પતિને ઓછો હોય તો પતિએ સાથે જવું. પણ એ પોતે કોઈ સ્ત્રીમિત્ર સાથે ગયો હોય તો પત્ની, પતિવ્રતા નીવડે એવી આશા રાખવાનો અર્થ ખરો? પણ, પતિનો એવો આગ્રહ હોય છે કે પત્ની પોતાને તો વફાદાર હોય જ ! એ માટે પતિઓ લખલૂટ પૈસા ખર્ચીને પત્નીની જાસૂસી કરાવે છે કે ડિટેક્ટિવ રોકે છે. દીકરી ગરબા ગાવા ગઈ હોય તો બાપને એ ફિકર રહે છે કે તે ખરાબ સંગતમાં ન પડે, એટલે પણ તેની પાછળ ડિટેક્ટિવ મૂકી દેવાય છે. પણ દીકરીઓ માબાપ સમજે છે એટલી નિર્દોષ હવે રહી નથી. સંતાનો પણ એટલા મતલબી થયા છે કે નવરાત્રિમાં પ્રેમમાં પડે છે ને દશેરા પહેલાં બ્રેકઅપ પણ કરી લે છે. એટલે નવરાત્રિ, લવરાત્રિ પૂરતી જ કામની છે. નોરતા પૂરા થાય કે ઓરતા પણ પૂરા થઈ જાય છે. નજીક આવો ને દૂર પણ થઈ જાવ. મોટે ભાગે આવા સંબંધો બહુ સાચા હોતા નથી, કારણ કે એમાં કહેવા કરતાં છુપાવવાનું વધુ હોય છે. એનું સુખ એ હોય છે કે એમાં કોઈ ઇમોશનલી બહુ સંડોવાતું નથી. ‘કામ’ પતે કે કામ પૂરું. એટલું સારું છે કે આ વફાદારી ટૂંક સમયની જ હોય છે એટલે બહુ જવાબદારી પણ હોતી નથી. એક સમય હતો જ્યારે આવા સંબંધમાં છોકરાઓ પહેલ કરતા, હવે એવું નથી. છોકરીઓ પણ હવે ઘણી બાબતોમાં પહેલ કરતી થઈ છે ને હેતુ તો બંનેનો જેટલો સમય મળ્યો છે તેને સારી રીતે વિતાવવાનો ને પછી વીતી જવાનો જ હોય છે. આમાં બંને વચ્ચે અલગ થઈ જવાની સમજૂતી હોય તો પણ ક્યારેક એવું બને છે કે બેમાંથી કોઈ એક બ્રેકઅપ ન ઇચ્છતું હોય ને જે ન ઇચ્છતું હોય તેની સ્થિતિ ખરાબ થઈ જાય છે. તે ડિપ્રેશનમાં સરી પડે છે. જો કે, બીજાને એથી ખાસ ફેર પડતો નથી. એ પ્રેક્ટિકલ છે. પ્રેક્ટિકલની એક અર્થચ્છાયા હવે મતલબી પણ છે.
એ સાચું કે જગત વિકાસની આડમાં મતલબી અને કપટી થઈ ગયું છે. એવે વખતે કોઈ સાવ નિર્દોષ પણ દંડાય એવી સ્થિતિ છે, ત્યાં માબાપ સંતાનોનું હિત ઈચ્છે ને જરૂરી પગલાં ભરે એમાં કશું ખોટું નથી, પણ માબાપોએ પણ સંતાનોની, તેમને માટેની ચિંતામાં વધારો ન થાય એ પણ જોવાનું રહે જ છે. એમ લાગે છે કે ભરબપોરે અંધકાર ફેલાયો હોય તેવી હાલત છે ને એવામાં ધર્મ જ માર્ગદર્શન કરી શકે, પણ એની ભૂમિકા દર્શનની નહીં, એટલી પ્ર-દર્શનની રહી ગઈ હોય ત્યાં ‘જય આદ્યાશક્તિ …’ ગાવાની જગ્યા જ કેટલી બચે છે?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 ઑક્ટોબર 2022