Opinion Magazine
Number of visits: 9568718
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગેલેલિયો અમારો અને ગાય – ગોબર તમારાં

રમેશ ઓઝા|Opinion - Opinion|12 January 2023

ईमाँ मुझे रोके है जो खींचे है मुझे कुफ्र

काबा मेरे पीछे है कलीसा मेरे आगे

રમેશ ઓઝા

૧૯મી સદીમાં થયેલા મહાન ઉર્દૂ શાયર મિર્ઝા ગાલિબનો આ શકવર્તી શેર છે. તેમના સમયનું રેખાંકન કરનારી લાંબી કવિતાની આ બે પંક્તિ છે જેમાં ગાલિબ તેમના સમકાલીન મુસલમાનોની મન:સ્થિતિ વિષે કહે છે: ધર્મશ્રદ્ધા મને રોકીને રાખે છે જ્યારે કુફ્ર (ઇસ્લામ જેણે કબૂલ નથી કર્યો એવા લોકો, ઇસ્લામમાં નિ:શંક શ્રદ્ધા નહીં રાખનારાઓ, નાસ્તિકો, શંકા તેમ જ પ્રશ્ન કરનારાઓ) મને પોતાના તરફ ખેંચે છે અને હું ખેંચાઉં છું. કાબા મારી પાછળ છે એટલે કે ઇસ્લામની શ્રદ્ધાજન્ય પરંપરાઓ મારી પાછળ છે અને કલીસા (ચર્ચ) મારી આગળ છે. અહીં ચર્ચ શબ્દ ઈસાઈ ધર્મના અર્થમાં નથી, પણ પ્રતિકરૂપે છે. હું માનું છું એનાથી અલગ રીતે વિચારનારાઓ, દુનિયાને જોનારાઓ અને જીવનારાઓ.

હવે થોડી પૃષ્ઠભૂમિ. મિર્ઝા ગાલિબનો જન્મ આગરામાં ઈ.સ. ૧૭૯૭માં થયો હતો અને મૃત્યુ દિલ્હીમાં ૧૮૬૯માં થયું હતું. સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે ગાલિબનો સમય મુસલમાનોની પડતીનો સમય હતો અને જ્યારે પડતી થાય ત્યારે માણસ વધારે ધાર્મિક, વધારે અંધશ્રદ્ધાળુ, વધારે દુનિયાથી કપાયેલો, જૂની જાહોજલાલીની યાદોમાં રાચનારો અતીતરાગી, વર્તમાનની વરવી વાસ્તવિકતાઓ તરફથી મોઢું ફેરવી લેનારો, બીજાને પોતાનાં દુઃખો માટે દોષી ઠેરવીને રૂદન કરનારો, વેવલો, સતત તારણહારની શોધમાં ફાંફા મારનારો બનવા લાગે છે. ગાલિબના સમયમાં મુસ્લિમ મન:સ્થિતિ કાંઈક આવી હતી. દેખીતી રીતે ધર્મગુરુઓ અને ધર્મનું રાજકારણ કરનારાઓ મુસલમાનોની આવી  મન:સ્થિતિનો ઉપયોગ કરતા હતા. બીજી બાજુ પોતાના વિષે, પોતાની પરંપરા વિષે, પોતાની ધાર્મિક માન્યતાઓ વિષે પ્રશ્ન કરનારાઓ, સમયને ઓળખનારાઓ, જૂની નકામી ચીજોને છોડનારાઓ અને અને નવી કામની ચીજોને અપનાવનારાઓ આગળ જતા હતા અને ભવિષ્યના ભારતમાં પોતાની જગ્યા બનાવતા હતા. કોણ હતા એ? જવાબ દેખીતો છે; હિંદુઓ. હિંદુઓએ વિચારવાનું, શંકા કરવાનું, પ્રશ્નો કરવાનું, આગળ જોવાનું, પશ્ચિમ પાસેથી શીખવાનું, છોડવાનું-અપનાવવાનું શરૂ કરી દીધું છે અને ગાલિબ કહે છે એ બધું મને ખેંચે છે આકર્ષે છે. એ માર્ગે દોટ મુકવાનું મન થાય છે. કાબા (ઇસ્લામિક માન્યતાઓ) મારી પાછળ છે અને ભવિષ્ય મારી આગળ છે. 

આજે ભારતમાં સરેરાશ હિંદુ માનસિકતા ૧૮મી-૧૯મી સદીના મુસલમાનો જેવી છે. તેમને રાજી રાખવા માટે દુનિયા માને કે ન માને, પણ સ્વયં ઘોષણા કરી દેવામાં આવી છે કે ભારત વિશ્વગુરુ છે. આખા જગતે ભારત પાસેથી શીખવાનું છે. પણ હવે વિશ્વગુરુએ જાહેરાત કરી છે કે વિશ્વગુરુ મ્લેચ્છોને ગુરુ બનાવીને તેમની પાસે ભણશે. વિદેશનાં પ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલયો ભારતમાં આવીને ગુરુકૂળ સ્થાપી શકે છે અને વિશ્વગુરુને ભણાવી શકે છે.

આવું શા માટે કરવામાં આવ્યું હશે? ગાલિબની જેમ ભક્તરાજોનાં પ્રશ્ન મનમાં પેદા થાય છે ખરો? નહીં થતો હોય અને એ વાતની મને ખાતરી છે. 

વિશ્વગુરુએ વિદેશીઓ પાસે ભણવાનો નિર્ણય લીધો એનાં બે કારણો છે. એક છે ધંધો. શિક્ષણનો ધંધો ખૂબ મોટો છે અને ઝડપથી વધી રહ્યો છે. ૨૦૨૧ની સાલમાં વિશ્વમાં શિક્ષણનો ધંધો ૨,૮૮૨.૫૨ અબજ ડોલર્સનો હતો જે ૨૦૨૨માં વધીને ૩,૧૮૪.૪૫ અબજ ડોલર્સનો થયો. ધંધાનો વૃદ્ધિ દર થયો ૧૦.૫ ટકાનો. કયા ધંધામાં આટલી બરકત છે? વળી ધંધો પણ એવો કે નાપાસ થાય તો વિદ્યાર્થી જવાબદાર અને જો પાસ થાય તો જશ ભણાવનારાનો. ભારતમાં શિક્ષણનો ધંધો કરનારાઓ અને હવે પછી કરવા માગનારાઓને નવું ઓપનીંગ જોઈએ છે જે હાર્વડ અને વોર્ટનનાં બ્રેન્ડ નેમ આપી શકે છે. આઇ.આઇ.ટી., જે.એન.યુ. જેવી વિશ્વમાં પ્રતિષ્ઠા ધરાવાનારી આપણી પોતાની શિક્ષણસંસ્થાઓને ખતમ કરી નાખો કારણ કે એમાં ધંધો થઈ શકે એમ નથી અને એનાથી પણ મોટું કારણ એ કે એમાંથી કનૈયાકુમાર જેવા ગરીબ કુટુંબના છોકરા પેદા થાય છે જે વિચારે છે અને પ્રશ્નો કરે છે. અસ્મિતાઓનું રાજકારણ કરનારા શાસકોને વિચારનારાઓ અને પ્રશ્ન પૂછનારાઓ પરવડતા નથી. મીડિયોકર માસ્તરોની ભરતી કરીને આઇ.આઇ.ટી., જે.એન.યુ.નું સ્તર એટલી હદે નીચે લઈ જવાનું જ્યાં ભક્તોને ભણ્યા વિના વિશ્વગુરુ હોવાની સુવાણ મળે. તેમને બિચારાઓને આનાથી વધુ કાંઈ જોઈતું પણ નથી. પરમ સંતોષી છે.

પણ બધા હિંદુ આ પ્રકારના નથી. આ બીજું કારણ છે. હિંદુઓનો એક નાનકડો વગદાર ભદ્રવર્ગ છે જેની પાસે ખૂબ પૈસા છે, સારી જગ્યાએ ગોઠવાયેલા છે, પોતાનાં સંતાનો માટે ભવિષ્યમાં હજુ વધારે મોટી જગ્યા બનાવવા માગે છે અને એ માટે તેમને ઉપયોગી નીવડે એવું (શું કહીશું, સાચું ધોરણસરનું) શિક્ષણ જોઈએ છે. આ એવો વર્ગ છે જે હિંદુ મહાનતાનાં ડાકલાં તો વગાડે છે, પણ પોતાનાં સંતાનોને એનાથી બહાર રાખે છે. એમાં સંઘ-સુતોના સંતાનોનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધી આઇ.આઇ.ટી., જે.એન.યુ. જેવી શિક્ષણસંસ્થાઓ તેમની પાસે હતી, પણ હવે તેનું દેશભક્તોને પેદા કરવા માટે રૂપાંતરણ થઈ રહ્યું છે એટલે એ વિકલ્પ બચ્યો નથી. તેઓ પોતાનાં સંતાનોને એવી શિક્ષણસંસ્થામાં ભણાવવા માંગે છે જ્યાં ધોરણસરનું શિક્ષણ આપવામાં આવતું હોય, જ્યાં વિચારતા, શંકા કરતા અને પ્રશ્ન પૂછતા શીખવાડાતું હોય અને ઉપરથી શિક્ષણસંસ્થાનું બ્રેન્ડ વેલ્યુ પણ હોય; રહી વાત પૈસાની તો એની તો કોઈ કમી નથી ભલે ગમે તેટલું મોંઘુ હોય. વળી મોંઘુ હોવું જરૂરી છે કે જેથી કનૈયા કુમાર તો શું, મધ્યમવર્ગના લોકોને પણ એ ગજા બહાર લાગે.

તો ખેલ એવો છે કે જેઓ શિક્ષણનો ધંધો કરવા માગે છે તેમને એજ્યુકેશન સેક્ટર ખોલી આપવામાં આવ્યું છે, જે સુખી સંપન્ન અને વગદાર લોકો છે તેમને માટે મધ્યમવર્ગીય જ્યાં ક્યારે ય પહોંચી ન શકે એવી અલાયદી શિક્ષણસંસ્થાઓ ઉપલબ્ધ કરાવી આપી છે અને જ્યાં ગરીબ અને મધ્યમવર્ગીય પહોંચે છે તેવી શિક્ષણસંસ્થાઓને ખતમ કરવામાં આવી રહી છે. વળી મજાની વાત એ છે કે ધંધાર્થીઓ અને એલિટ એજ્યુકેશનના લાભાર્થીઓ સાથે સાથે ઓળખના રાજકારણને પોષે પણ છે.

કેવી મજેદાર વહેંચણી છે નહીં! ગેલેલિયો અમારો અને ગાય અને ગોબર તમારાં. (ગેલેલિયો નામનો સોળમી સદીમાં થયેલો એક વિજ્ઞાની હતો જેણે વિચાર કર્યો, પ્રશ્ન કર્યો અને કહ્યું હતું કે પૃથ્વી સપાટ નથી ગોળ છે અને સૂર્યની ફરતે પરિક્રમા કરે છે. આમ કહેવા માટે તેને ચર્ચે એટલે કે ઈસાઈ ધર્મના ઠેકેદારોએ સજા કરી હતી) ગણપતિના ધડ ઉપર હાથીનું મસ્તક સાંધીને જગતમાં પહેલી પ્લાસ્ટિક સર્જરી વિશ્વગુરુએ કરી હતી એનું શિક્ષણ ગરીબ અને મધ્યમવર્ગીય હિંદુઓને આપવામાં આવશે. પણ એ પાછું સાર્વત્રિક નહીં હોય. ખાસ ખાસ લોકોનાં સંતાનો વિશ્વગુરુની જગ્યાએ વિદ્યાર્થી બનીને ગેલેલિયો ભણશે અને જીવનમાં આગળ વધશે અને હજુ વધારે મોટી જગ્યા બનાવશે.

ફરી એક વાર ગાલિબનો શેર વાંચો અને તમારી મન:સ્થિતિ તપાસો. તમે તમારાં સંતાનોને ટીપીને નવો આકાર આપી શકાય એવો ઘણ આપવા માગો છો કે આરતી ઉતારનારી ઘંટી? વિચારો.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 12 જાન્યુઆરી 2023

Loading

ભારતમાં રાજ્યોની પુનર્રચના-પડકારો અને ઉકેલ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|11 January 2023

ચંદુ મહેરિયા

બ્રિટિશરોની ગુલામીમાંથી ભારત આઝાદ થયું ત્યારે દેશમાં ચાર પ્રકારના ઘટક રાજ્યો અસ્તિત્વમાં હતા : “અ”વર્ગના નવ (૯) રાજ્યોમાં પંજાબ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, આસામ, બંગાળ, ઓરિસ્સા, મદ્રાસ અને મુંબઈનો સમાવેશ થતો હતો. મધ્ય ભારત, મૈસુર, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, હૈદરાબાદ, પતિયાલા (’પેપ્સુ’, ઈસ્ટ પંજાબ સ્ટેટસ યુનિયન) અને કોચીન-ત્રાવણકોર એ સાત (૭) “બ” વર્ગના રાજ્યો હતા. આ સાત રાજ્યો દેશી રજવાડા કે તેના એકમો હતા. દિલ્હી, કચ્છ, મણિપુર, દુર્ગ, ત્રિપુરા, અજમેર, વિલાસપુર, ભોપાલ, હિમાચલ પ્રદેશ અને વિંધ્ય પ્રદેશ એ દસ (૧૦) ટચૂકડા વિસ્તારો “ક”વર્ગમાં મુકાયા હતા. આંદામાન-નિકોબાર કેન્દ્રશાસિત “ડ” વર્ગમાં હતું.

આ ચાર પ્રકારના ઘટક રાજ્યોનો દરજ્જો અને અધિકારો સમાન નહોતા. તેમનું માળખું યોગ્ય રીતે ગોઠવાયું નહોતું. અંગ્રેજ અમલ દરમિયાન પણ રાજ્યોનું માળખું અવ્યવસ્થિત હતું. પ્રાદેશિક સીમાઓ એક સરખા, ચોક્કસ અને તર્કબદ્ધ કારણોથી નક્કી કરવામાં આવી નહોતી.

માત્ર ભાષાના મુદ્દે પણ આ રાજ્યોનો વહીવટ ખૂબ મુશ્કેલ હતો. બેઈલી નામના અંગ્રેજ કલેકટરે ઈ.સ. ૧૮૫૭માં નોંધ્યું હતું કે બંગાળ પ્રાંતના બ્રિટિશ અફસરોને બંગાળી, અસમિયા, હિંદી અને ઉડિયા જેવી ચાર ભાષાઓ આવડતી હોય તો જ તે સુગમ રીતે વહીવટ કરી શકે અને લોકસંપર્ક સાધી શકે. 

ગાંધીજી અને કાઁગ્રેસ રાજ્યોની રચના ભાષાના ધોરણે કરવાના હિમાયતી હતા. ગાંધીજીએ લખ્યું છે કે “હું માનું છું કે પ્રાંતોની રચના ભાષાવાર કરવી એ જ ખરું ધોરણ છે. કાઁગ્રેસના કામ માટે પ્રાંતોની ભાષાવાર નવેસર વહેંચણીને કાઁગ્રેસ તરફથી મંજૂરી મેળવી આપવામાં મુખ્યત્વે કરીને મારો હાથ હતો.” (ગાંધીજીનો અક્ષરદેહ, ભાગ-૭૫, પૃષ્ઠ-૪૩૧) ગાંધીજીએ ઈ.સ. ૧૯૧૯માં કાઁગ્રેસની પ્રાંતિય શાખાઓ ભાષાના ધોરણે સ્થાપી હતી. ૧૯૩૭ અને ૧૯૪૩માં આઝાદી મળશે કે તરત જ રાજ્યોની રચના ભાષાના ધોરણે કરાશે તેવું વચન દેશની જનતાને કાઁગ્રેસે આપ્યું હતું.

સ્વતંત્રતા આંદોલન દરમિયાન જ રાજ્યોની રચના ભાષાના ધોરણે થવી જોઈએ તેવી માંગણી બળવત્તર બની હતી. ઈ.સ. ૧૮૯૫માં બિહાર અને ઓરિસ્સાને વિભાજિત કરીને અલગ ઉડિયા રાજ્યનું આંદોલન, ઉડિયા રાષ્ટ્રવાદ અને ઉડિયા ભાષાના મુદ્દે થયું હતું અને ૧૯૩૬માં અલગ રાજ્ય મેળવ્યું હતું. તેલુગુભાષી વિસ્તારની અલગ કાઁગ્રેસ પ્રાંતિય શાખા પૂર્વે “આંધ્ર મહાસભા”એ ઈ.સ. ૧૯૦૯માં અલગ આંધ્રની માગણી કરી હતી.

કાઁગ્રેસે ૧૯૨૮માં મોતીલાલ નહેરુ કમિટીની રચના કરી હતી. તેણે વસ્તી, ભાષા, લોકભાવના, ભૌગોલિક અને આર્થિક સ્થિતિને રાજ્ય રચનાનો આધાર માન્યો હતો. ૧૯૪૭માં આઝાદી મળી પરંતુ દેશના ધર્મના આધારે ભાગલા પડ્યા. એટલે વડા પ્રધાન જવાહરલાલ નહેરુ ભાષાના ધોરણે રાજ્યોની રચનાના પક્ષે નહોતા. સરદાર પટેલ પણ એવો જ મત ધરાવતા હતા. ૧૯૪૮માં સરકારે નિવૃત્ત ન્યાયાધીશ એસ.કે ધરના નેતૃત્વમાં પ્રાંતિય ભાષા કમિશનની રચના કરી પંચે છ જ મહિનામાં સરકારના વિચારો જેવી જ ભલામણો કરતો અહેવાલ આપ્યો. પંચે ભાષાના આધારે રાજ્યોની માંગણી નકારી હતી. પંચનું માનવું હતું કે લોકોની લાગણી ભાષાવાર રાજ્યોની રચના સાથે જોડાયેલી છે, પરંતુ તે દેશહિતમાં નથી. કાઁગ્રેસે પણ તે પછીના તેના જયપુર અધિવેશનમાં જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ અને પટ્ટાભિ સીતારામૈયાની સમિતિ બનાવી હતી. સમિતિએ અસરગ્રસ્તરાજ્યોના લોકોની ભાવના, આપસી સહમતિ, આર્થિક અને વહીવટી વ્યવહાર્યતાને ધ્યાનમાં રાખીને જ  ભાષાના આધારે રાજ્યોની રચના કરવા પર ભાર મૂક્યો હતો.

ઈ.સ. ૧૯૫૦માં ભારતનું બંધારણ અમલી બન્યા પછી બંધારણના અનુચ્છેદ ૩માં સંસદને રાજ્યોના વિસ્તારમાં ફેરફારની સત્તા આપતી જોગવાઈ કરવામાં આવી હતી. રાજનીતિશાસ્ત્રના વિદ્વાનો આ જોગવાઈને સમવાયતંત્રના સ્વીકૃત સિદ્ધાંત વિરુદ્ધની ગણાવે છે.

સ્વતંત્રતા પછી તરત જ ભાષાકીય ધોરણે રાજ્યોની રચનાની માંગણી જોર પકડવા લાગી હતી. અનેક રાજ્યોમાં આ માટેના આંદોલનો શરૂ થયા. તેમાં આંધ્ર, પંજાબ અને ગુજરાતના આંદોલનો પ્રમુખ હતા. પંડિત નહેરુ ભાષાના ધોરણે આંધ્ર કે ગુજરાતની રચના અંગે સહેજ પણ સંમત નહોતા. આખા દેશમાં તેમના ચૂંટણી પ્રવચનોમાં તેઓ ભાષા કે ભાષાવાર રાજ્ય રચના વિશે એક શબ્દ પણ બોલતા નહોતા. ૧૯૫૨માં પહેલી સામાન્ય ચૂંટણીમાં લોકસભામાં તો કાઁગ્રેસને જંગી બહુમતી મળી પરંતુ મદ્રાસની ધારાસભાની ચૂંટણીમાં તેને ૧૪૫માંથી માત્ર ૪૩ જ બેઠકો મળી હતી. એટલો પ્રભાવ ભાષાવાર રાજ્ય રચનાના આંદોલનનો હતો.

મદ્રાસના તેલુગુભાષી રાજ્યોનું અલગ આંધ્ર રાજ્ય રચવા માટેનું આંદોલન કાઁગ્રેસી આગેવાન શ્રીરામુલુ પોટ્ટીના આમરણ અનશન સાથે નિર્ણાયક તબક્કામાં પહોંચ્યું હતું. ઉપવાસ દરમિયાન જ અઠ્ઠાવનમા દિવસે તેમનું મૃત્યુ થયું. અને તેના પગલે હિંસા ફાટી નીકળી. આ આંદોલનના પડઘા આખા દેશમાં પડ્યા. ૧૫મી ડિસેમ્બર ૧૯૫૨માં શ્રીરામલુ પોટ્ટીનું  અવસાન થયું તેના બે દિવસ પછી જ વડા પ્રધાન નહેરુએ આંધ્રના અલગ રાજ્યની માંગણી સ્વીકારવી પડી હતી. અને ૧૯૫૩માં આંધ્રના અલગ રાજ્યની રચના કરવી પડી હતી. પહેલી ઓકટોબર ૧૯૫૩ના રોજ મદ્રાસ રાજ્યના ૧૧ ઉત્તરી તેલુગુભાષી  જિલ્લાઓને છૂટા પાડીને આંધ્ર પ્રદેશનું નવું રાજ્ય બનાવવામાં આવ્યું હતું.

અલગ આંધ્રની રચના પછી કેન્દ્ર સરકારે ડિસેમ્બર ૧૯૫૩માં “રાજ્ય પુનર્રચના પંચ”ની રચના કરી હતી. ન્યાયમૂર્તિ ફઝલ અલી, પંડિત હ્રદયનાથ કુંઝરુ અને સરદાર કે.એમ. પણિકરના બનેલા આ પંચે ભાષાકીય એકતા, વહીવટી સુગમતા, આર્થિક વિકાસની જરૂરિયાત, સાંસ્કૃતિક સમાનતા અને લઘુમતીઓનાં હિતોનું રક્ષણ જેવા માપદંડોને આધારે સપ્ટેમ્બર ૧૯૫૫માં રાજ્યોની પુનર્રચના કરવા અંગે અહેવાલ આપ્યો હતો.  ફઝલ અલી પંચે રાજ્યોના અ,બ,ક  અને ડ જેવા જૂથો અને ભેદભાવ નાબૂદ કરવા સૂચવ્યું હતું. પંચે નવેસરથી ૧૬ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવા ભલામણ કરી હતી. અનેક ચર્ચા વિચારણાઓ બાદ ૧૯૫૬માં સંસદે રાજ્ય પુનર્રચના અધિનિયમ પસાર કર્યો હતો. તે મુજબ આંધ્ર, અસમ, બિહાર, મુંબઈ, જમ્મુ-કશ્મીર, કેરળ, મધ્ય પ્રદેશ, મદ્રાસ, મૈસુર, ઉડિયા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ એ ૧૪ રાજ્યો તથા આંદામાન –નિકોબાર, દિલ્હી, મણિપુર, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ અને લક્ષદીપ એ ૬ કેન્દ્રશાસિત પ્રદેશોની ભાષાના ધોરણે રચના કરવામાં આવી હતી.

૧૯૫૬માં ભાષાવાર રાજ્યોની રચના કરવા છતાં અસંતોષ અને અન્યાયની લાગણી સાથે નવા રાજ્યોની માંગણી ચાલુ રહી હતી. દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્રને અલગ કરવાની ચળવળ ઉગ્ર બની. અંતે પહેલી મે ૧૯૬૦ના રોજ ગુજરાતીભાષી ગુજરાત અને મરાઠીભાષી મહારાષ્ટ્ર એવા બે નવા રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા. ડિસેમ્બર ૧૯૬૧માં ફિરંગીઓના ત્રણ થાણા દીવ, દમણ અને ગોવાને જોડીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. ૧૯૬૩માં નાગાલેન્ડ, ૧૯૬૬માં પંજાબમાંથી પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ, ૧૯૭૨માં મેઘાલય, મણિપુર અને ત્રિપુરા તથા ૧૯૮૭માં મિઝોરમ રાજ્યો બન્યાં હતા. ૧૯૮૭માં અરુણાચલ પ્રદેશ અને ગોવાને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી રાજ્યો બનાવાયા હતા. ૨૦૦૦ના વરસમાં ઉત્તરાખંડ, છત્તીસગઢ અને ઝારખંડ – એ ત્રણ રાજ્યો અનુક્રમે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહારનું વિભાજન કરીને રચવામાં આવ્યા હતા. ૨૦૧૪ના વરસમાં આંધ્રનું વિભાજન કરીને તેલંગાણા અને આંધ્રના બે અલગ રાજ્યો બનાવવામાં આવ્યા હતા.

જમ્મુ-કશ્મીરમાં અનુચ્છેદ ૩૭૦ની નાબૂદી પછી તેને રાજ્યને બદલે જમ્મુ-કશ્મીર અને લદ્દાખ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરતાં આજે દેશમાં ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશો છે. ભાષાની દૃષ્ટિએ તો આ રાજ્યોની ભાષાઓ – હિંદી, અંગ્રેજી, તેલુગુ, અસમિયા, મિઝો, કોંકણી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, મણિપુરી, ઉડિયા, પંજાબી, તમિલ, ત્રિપુરી, બંગાળી અને સાંથાલી છે. સૌથી વધુ ૧૦ રાજ્યોની ભાષા હિંદી છે. પૂર્વોત્તરના ચાર રાજ્યોની ભાષા અંગ્રેજી છે. તેલંગાણાની ભાષા તેલુગુ અને ઉર્દૂ છે જ્યારે પશ્ચિમ બંગાળમાં મુખ્યત્વે ચાર ભાષાઓ(બંગાળી, ઉર્દૂ, હિંદી અને સંથાલી)નું ચલણ છે.

“ઈન્ડિયા આફટર ગાંધી”માં ઇતિહાસવિદ્દ રામચન્દ્ર ગુહા “ભાષાવાર રાજ્યરચનાને કારણે દેશનું સમવાય માળખુ મજબૂત થયાનું” જણાવે છે. ગાંધીજી પણ ભાષાવાર રાજ્યોને ભારતની સાંસ્કૃતિક પ્રગતિનો માર્ગ. અને દેશને જોડનારી મજબૂત કડી માનતા હતા.

ભાષાનું રાજ્ય કે રાજ્યની ભાષા અર્થાત જે તે પ્રદેશમાં બોલાતી ભાષા પરથી રાજ્યની રચના કરવી કે જે તે રાજ્યની રાજભાષા નક્કી કરવી તે સવાલ રહે છે. આરંભે ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવામાં આવી હતી. પરંતુ ૨૦૦૦ અને ૨૦૧૪માં રચાયેલા ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઝારખંડ અને તેલંગાણા તો સમાનભાષી રાજ્યોમાંથી વિકાસ કે પછાતપણાના કારણે વિભાજિત થઈને રચાયેલા રાજ્યો છે. એટલે માત્ર ભાષાના ધોરણે રાજ્ય રચનાનો સિદ્ધાંત  સંપૂર્ણ સાચો નથી. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

ઉકેલ

રવીન્દ્ર પારેખ|Opinion - Short Stories|11 January 2023

રવીન્દ્ર પારેખ

‘આ ઠીક નથી !’ આરતી બોલી.

‘હું પણ સમજું છું, પણ …’

આશય આગળ બોલી ન શક્યો. એ જાણતો હતો કે આરતી ખોટી નથી, પણ પપ્પાને કંઈ પણ કહેવાની તેની હિંમત નો’તી.

એને સમજાતું નો’તું કે પપ્પાને રોકવા કઈ રીતે? આજ સુધી પપ્પાએ કોઈ વાતે આશયને રોક્યો નો’તો. તે આરતી જોડે પરણવાની વાત લઈને આવ્યો ત્યારે મમ્મીએ સાફ ના પાડી દીધેલી, ’એ મરાઠી છોકરી આપણને નહીં ચાલે. એનાં આમટી ને અનારસા …’

પણ, પપ્પાએ મમ્મીને સમજાવેલી, ’દીકરાએ આપણને જાણ કરી તે એણે ભૂલ કરી છે? એને આશીર્વાદ આપ !’

‘પણ, એના ખંડોબા ને હલદીકુંકુ … એના રીતરિવાજો ને …’

‘એ બધું હોય છે તો જીવવા માટે જ ને? અહીં આવીને આપણું શીખી જશે ને ન શીખે તો ભલે ! એની સાથે જીવવાનું આશયે છે … એને વાંધો ન હોય તો …’

– ને મમ્મી માની ગયેલી. એણે આશિષ આપેલા આરતીને!

એ આરતી કહેતી હતી,’આ ઠીક …’

આમ તો કશું નક્કી નો’તું, પપ્પાએ તો જસ્ટ એક વિચાર મૂક્યો હતો, ’આશય, બેટા, મને એવું થાય છે કે … હું …’ પપ્પા અટકેલા.

આશય બોલેલો, ’બોલી નાખો, અતુલભાઈ! તમે વળી અચકાતા ક્યારથી થયા?’

પણ અતુલભાઈ ખરેખર અચકાયેલા. વાત જ એવી હતી કે –

એ સાચું હતું કે કોઈ વાતે કંઈ ઓછું નો’તું. આશય બધી જ જરૂરિયાતો પૂરી કરતો હતો. અતુલભાઈ ઘણીવાર કહેતા પણ ખરા, ’મારાં પેન્શનમાંથી લઈ લેને ! તું શું કામ આપે, મારું બિલ? લે, આ ડેબિટકાર્ડ!’

આશય એ કાર્ડ લેતો નહીં, ગમ્મત કરતો,’ આજે નથી લેતો, કારણ,પછી તો બધું મારું જ …’

બંને હસતા. આરતી પણ હસતી, ’પપ્પા, તમારો દીકરો જ નથી ઈચ્છતો કે તમે લાંબું …’

‘તું છે, પછી એ એવું ઈચ્છી જ કઈ રીતે શકે?’

‘પપ્પા !’ આરતી ચિડાતી.

‘ગમ્મત કરું છું, દીકરા !’ અતુલભાઈ હસતા.

‘દીર્ઘાયુ ભવ !’ આરતી પણ આશીર્વાદની મુદ્રામાં હાથ ઊંચો કરતી ને સૌ હસતાં.

આરતી ઘણીવાર તેના પિયરમાં કહેતી પણ ખરી, ’મને તો લાગતું જ નથી કે મલા સાસરે આહે … એમ લાગે છે કે એક પપ્પા માહેરમાં છે ને એક સાસરીમાં..’ પછી ઉમેરતી, ’પપ્પા સામે કહેતા સંકોચ થાય, પણ સાસરીના પપ્પા સામે? જરા ય નહીં!’

એ આરતી કહેતી હતી, ‘આ ઠીક …’

*

ડોરબેલ વાગ્યો. અતુલભાઈ વોટ્સ એપ મેસેજ ટાઈપ કરતા કરતા ઊઠ્યા. બારણું ખોલ્યું, ’આવી ગયો, બેટા?’

‘હા, દાદા, તમે જમી લીધું?’

‘ના. તારી રાહ જોઉં છું, બેટા ! ’

‘હું જમીને આવ્યો છું. કાલે કહેલું તો ખરું! સ્કૂલમાં પાર્ટી છે -’

‘અરે ! હું તો ભૂલી જ ગયો.’

‘તમારી થાળી કરી આપું?’

‘તું થાળી કરશે?’ અતુલભાઈ હસી પડ્યા,’ રહેવા દે, હું લઈ લઈશ ! તારે ટયૂશને જવાનું હશેને!’

‘વાર છે, પણ માસીને ત્યાં જાઉં છું. ત્યાંથી જ ટ્યૂશને -’

‘તું જંપીશ જરા? ઘરમાં તો ટકતો જ નથી. મારી પાસે થોડું બેસે તો …’

‘દાદુ, પાસે બેસીશને તો તમે મેસેજ સેન્ડ નહીં કરી શકો.’

‘તું બેસે તો મારે મેસેજ કરવા જ શું કામ પડે? નાનો છે તો નાનો જ રહેને!’ અતુલભાઈ હસવા ગયા, પણ હસાયું નહીં, ’સારું, ધવલ, જ્યાં જવું હોય ત્યાં જા, પણ પાણી પીને જા!’

‘સારું’, બોલતો ધવલ ગયો ને અતુલભાઈ વોટ્સ એપ લઈને બેઠા. થોડા મેસેજ એમણે ડિલિટ કર્યા. વોલક્લોકમાં એક વાગ્યો હતો … હજી એક જ …?’

અતુલભાઈથી નિસાસો નખાઈ ગયો. રસોડામાં કારણ વગર એમ જ આંટો મારી આવ્યા. ડ્રોઈંગરૂમમાં જઈ આવ્યા તો લાગ્યું કે ત્યાં પણ ત્રણેક આંટા તો થયા જ હતા. નેટ બંધ હતું એટલે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામનું ઠેકાણું પડ્યું ન હતું. જો કે મોબાઈલમાં પણ એ બધું હતું જ, પણ આંખો બહુ ખેંચાતી હતી. હવે ૭૮ વર્ષની આંખો તો કેવીક હોય? એટલું સારું હતું કે દેખાતું તો હતું, પણ એ દેખાતું ન હતું કે પોતે વિચારે છે તે બરાબર…

*

આશયને કહેવા તો ગયા અતુલભાઈ, પણ એને બેંકમાં જવાનો ટાઈમ થતો હતો ને આરતી તો વહેલી જ નીકળી ગઈ હતી એટલે સાંજે એ આવ્યો ત્યારે કહેવાની કોશિશ કરી જોઈ, પણ આરતી આવી ચડી એટલે વાત અટકી. આરતી સમજી ગઈ ને રસોડામાં જતી રહી ત્યારે માંડ જીભ ઊપડી હતી. અતુલને પહેલાં તો ભરોસો જ ન પડ્યો કે પપ્પા આવી વાત કરશે ! એણે રાત્રે અંધારામાં આરતીને કહ્યું તો આરતીએ સ્વિચ ઓન કરી. આશયને એણે ધારીને જોયો. એ પૂરો ગંભીર હતો.

‘આ ઠીક નથી!’ આરતી બોલી હતી.

*

એક રાતે અતુલભાઈને એકદમ જ સણકો ઊઠ્યો ને પછી પીઠમાં એટલું દુખ્યું કે મરવાથી થોડુંક જ છેટું રહી ગયાનું લાગ્યું. એમને થયું ય ખરું કે આશયને બૂમ મારીને ઉઠાડે, પણ એ દિવસોમાં એ ટ્રેઈનિંગમાં હતો એટલે મોબાઈલ થઈ ગયો તે પણ કટ કર્યો. જાતે કોશિશ તો કરી, પણ હાથ દુખાવા સુધી પહોંચતો નો’તો. ક્રીમ આંગળી પર લીધું ય ખરું, પણ હાથ ટૂંકો જ પડ્યો. આરતીને ઉઠાડવાનો વિચાર આવ્યો. આમ તો બાજુની રૂમમાં જ હતી, એમણે નંબર પણ લગાડ્યો, પણ ઠીક ન લાગતા અટક્યા. જીવ નીકળી જશે એવું લાગ્યું, પણ વેઠવાનું જ હતું એટલે …

સવારે આરતીને કહ્યું ય ખરું,’ કાલે રાતના એટલું દુખ્યું કે -‘

‘મને ઉઠાડવી’તીને!’

‘તને જગાડવાનું ઠીક ન લાગ્યું.’

‘મારા પપ્પાએ ઉઠાડી હોત તો એમને ના પાડી હોત?’ આરતી હસી પડી,’ કાય તુમી પણ, પપ્પા!’

‘પણ પીઠ પર ક્રીમ …’

અતુલભાઈએ વાત હસવામાં ઉડાવી દીધી. જો કે એ આખી રાત અતુલભાઈને સતત એમ જ થયું હતું કે આવે વખતે આશયે અહીં હોવું જોઈતું હતું, પણ એ નો’તો ને … આરતીને કહ્યું હોત તો એણે ના ન પાડી હોત, પણ મોડી રાતે જીભ ઊપડી નો’તી.

જો કે દિવસે કહેવાનું હોત તો પણ જીભ ઊપડી હોત કે કેમ તે …

ને કહેતે પણ કોને? કોઈ હોવું ય જોઈએને ! અગિયારેક પછી તો ઘરમાં જ કોઈ … આશય ને આરતી તો નોકરીએ નીકળી ગયાં હોય ને ધવલ સ્કૂલે હોય એટલે …

એ તો સારું હતું કે મોબાઈલ હતો તો ફેસબુક કે વોટ્સએપ પર ચેટિંગમાં વખત જતો હતો. બેચાર સારા મિત્રો મળી ગયા હતા સોશિઅલ મીડિયા પર, પણ એ પણ આરસીમાં દેખાતા ચહેરા જેવું જ હતું. આરસી સામે હો એટલી જ વખત સામે કોઈ હોય, પછી તો એય ખાલી જ –

આવે વખતે કોઈ ઘરમાં હોય તો બે ઘડી …

પહેલી વાર વિચાર આવ્યો તેવો જ દાબ્યો, સજ્જડ રીતે. પોતાને જ એટલું અજુગતું લાગ્યું કે….

પછી બહુ જ નિર્મમતાથી વિચારતાં લાગ્યું કે કમ સે કમ દીકરાને કાને વાત તો નાખવી જ જોઈએ ને એમણે કહ્યું જ, ‘આશય મને એમ લાગે છે કે -‘

અતુલભાઈ અચકાયા. આશયે કહ્યું પણ ખરું,’ બોલી નાખો, અતુલભાઈ! તમે વળી અચકાતા -‘

*

રાત્રે આરતીને કહ્યું,’ પપ્પા લગ્ન કરવાની વાત કરે -’

આરતીએ સ્વિચ ઓન કરી, ’ગમ્મત કરે છે?’

‘ના.’

‘આ ઠીક નથી,’ આરતી બોલી.

‘હું પણ સમજું છું, પણ-‘

‘આ ઉંમર લગ્નની છે?’

‘નથી જ. લગ્નની ઉંમરે પણ ન પરણ્યા. એકાવનના હતા, મમ્મી ગઈ ત્યારે.’

‘ત્યારે કૈંક ઠીક પણ હોત!’

‘એ ઠીક એમણે ન કર્યું ને છેક આ ઉંમરે -‘

‘ઠીક નથી!’

*

ધવલ રમવા ગયો હતો ને આવતાંની સાથે જ આશયે વાત છેડી હતી,’ પપ્પા, હું જાણું છું કે તમે વિચાર્યું જ હશે, પણ આ ઉંમરે લગ્ન-‘

‘તને એમ લાગે છે કે હું પિતા બનવા આવું …’

‘એવું નથી, પપ્પા,’ આરતી સોફા પર સામે બેસતાં બોલી,’ કારણ ગમે તે હોય, પણ આ ઉંમરે પરણો તો વાતો તો થાય.’

‘તે તમે પરણ્યાં ત્યારે ય ક્યાં નો’તી થઈ?’ અતુલભાઈ ટેવ જેવું હસ્યા.

‘અમારી વાત જુદી હતી, પપ્પા.’ આશયે સમજાવવાની કોશિશ કરી જોઈ,’ પ્રશ્ન ઉંમરનો છે.’

‘તે તો ઘટે એમ નથી.’ અતુલભાઈ વળી હસ્યા.

‘માઝે વડીલ કરતાં તમને મેં વધારે માન્યા છે,’ આરતીએ બહુ જ ભાવથી કહ્યું,’ તમને શું ઓછું પડ્યું કે-‘

‘કૈં જ ઓછું નથી પડ્યું, આરતી, તમે લોકો પૂરતું ધ્યાન રાખો જ છો, પણ એમ લાગે છે કે મારે -‘

‘વારુ, કોઈ પાત્ર નક્કી કર્યું છે? કોઈ જોડે વાત કે એવું કંઈ…?’

અતુલભાઈ હળવાશથી બોલ્યા, ’કંઈ નક્કી કરી બેઠો છું એવું નથી, આશય ! ધારો કે તમે લોકો ‘હા’ પાડો તો પણ, એ નથી જાણતો કે શું કરીશ? કોઈ મને પરણવા તૈયાર થશે કે કેમ એ પણ… ને મારી તૈયારી હોય તો પણ સામે…?  અરે !  કોઈ તૈયાર થશે પણ કે કેમ તે…’

‘તો પછી કેમ આવું વિચારો છો?’

‘ઓકે. નથી વિચારતો, બસ!’

અતુલભાઈએ પૂર્ણવિરામ મૂકી દીધું ને પોતાની પાછળ ફરીને જોયું. ક્યાંક કોઈ ઉગ્રતા તો નથી આવી ગઈને, અવાજમાં ! પણ એવું નો’તું. આશય સામેથી ઊઠીને અતુલભાઈની પાસે બેઠો. એમનો હાથ હાથમાં લીધો. બહુ જ વહાલથી એમની હથેળી પોતાની હથેળીઓ વચ્ચે હળવેથી દબાવી, ’પપ્પા, તમે અમારું સારું જ કર્યું છે. મમ્મીને ગયાંને ૨૭ વર્ષ થયાં ત્યારે તમે પરણી શક્યા હોત, પણ ત્યારે તમને ઠીક ન લાગ્યું ને આજે-’

‘અમારી ત્યારે ય ના ન હતી ને આજે ય નથી, પપ્પા.’ આરતીએ પૂરા સદ્દભાવથી કહ્યું.

અતુલભાઈએ આરતીની સામે જોયું. પછી આભારવશ હસ્યા. આશય કશુંક પૂછવા જતો હતો પણ  અટક્યો. અતુલભાઈએ એ જોયું ને એનો સવાલ કળી ગયા હોય તેમ સ્વગત બોલ્યા, ‘તમે કોઈ નથી હોતાં એવા ઘણા કલાકો હું ઘરમાં વીતાવું છું. મને ખબર છે કે કોઈ મને એકલો પાડવા માંગતું નથી, પણ…’ અતુલભાઈના અવાજમાં ભીનાશ ઊતરી આવી, ’હું બહુ એકલો…’

ચારે તરફથી આ ત્રણની વચ્ચે મૌન આવીને ગોઠવાઈ ગયું ને પળવારમાં તો બરફની જેમ જામવા માંડ્યું. અતુલભાઈને એમ પણ લાગ્યું કે વચ્ચે ખડક થઈ ગયું તો મૌન તોડવાનું પછી અઘરું થઈ પડશે. એટલે ડૂસકું બનવા લાગે તે પહેલાં જ તે બોલ્યા,’ તમે સૌ મારા છો, તો ય એવું લાગે છે કે કોઈ મારું …’

‘પપ્પા,’ આરતીને કંઈક સમજાતું હતું, પણ તેના શબ્દો બનતા ન હતા, તો ય બોલી,’ હું નોકરી છોડી દઉં, પપ્પા?’

‘ના, દીકરા’, અતુલભાઈ તરત જ બોલ્યા,’નોકરી તને ફાવે છે તો -’

‘ફાવે એટલે ન છોડાય એવું નથી.’ આરતી મલકાઈ.

‘તને યાદ છે ને તે રાત્રે મને દુખાવો ઉપડ્યો ત્યારે તું ઘરમાં જ હતી, પણ …’

ત્યાં જ ‘મમ્મી’ બોલતો ધવલ દોડતો આવ્યો. તે રડતો હતો ને આંખો ચોળતો હતો. આશયે તેને રોકતા પૂછ્યું, ’શું થયું?’

તેને નજીક ખેંચવા તેણે હાથ લંબાવ્યા.

પણ, ઉઘાડબંધ આંખે ધવલ મમ્મી તરફ દોડ્યો ને તેને વળગી પડતા બોલ્યો,’ નીચે મારામારી થઈ તેમાં -’

આરતીએ તેને માથે હાથ ફેરવતાં કહ્યું, ‘જોવા તો દે,’ ને તેની આંખો જોવા લાગી,’ થેંક ગોડ ! આંખો તો ઠીક  છે… ’

‘બધું ઠીક થઈ જશે’, અતુલભાઈએ હસતા હસતા કહ્યું,’ મમ્મીનો હાથ માથે છે પછી … ચિંતા શું કરે છે…?’

આશય બોલ્યો તો નહીં, પણ તેને થયું તો ખરું કે માથે હાથ ફેરવનારું કોઇ …

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,2341,2351,2361,237...1,2401,2501,260...

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved