Opinion Magazine
Number of visits: 9743606
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇઝરાયેલની જગતભરમાં નિંદા થઈ રહી છે તો એ માટે જવાબદાર કોણ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|2 April 2023

રમેશ ઓઝા

ઇઝરાયેલની વિશ્વભરના દેશોની એલચી કચેરીઓ બંધ કરી દેવામાં આવી છે. ના, ઇઝરાયેલની સરકરે નથી કરી. ઇઝરાયેલની એલચી કચેરીઓના કર્મચારીઓ હડતાલ પર ગયા છે અને તેમાં રાજદૂતોનો પણ સમાવેશ થાય છે. હળતાળ પર જવાનું કારણ એ છે કે ઈઝરાયેલની સરકાર ન્યાયતંત્રની અને સર્વોચ્ચ અદાલતની પાંખ કાપવા માગે છે. આને કારણે ઇઝરાયેલ જેવા પ્રચંડ મનોબળ અને સંકલ્પશક્તિ ધરાવતા દેશની જગતમાં બદનામી થઈ રહી છે. અમેરિકાના પ્રમુખ જો બાયડન અને જર્મનીના ચાન્સેલર ઓલાફ શૉલ્ઝએ ઇઝરાયેલની વર્તમાન સરકારને સલાહ આપી છે કે જે દિશામાં તમે જવા માગો છો એ ઇઝરાયેલ માટે શોભાસ્પદ નથી, માટે પાછા ફરો. ૨૧મી ફેબ્રુઆરીના રોજ સંયુક્ત રાષ્ટ્રસંસ્થાના લઘુમતિ અધિકારો માટેના કમીશનના વડા વોલ્કર તુર્કે કહ્યું હતું કે ઇઝરાયેલ જે કાયદો પસાર કરવા માગે છે એ જો પસાર થશે તો ઇઝરાયેલમાં માનવઅધિકારોનો અંત આવશે. બીજા શબ્દોમાં ઇઝરાયેલમાં લોકતંત્રનો અંત આવશે. જગત આખાના મીડિયા તેમ જ રાજકીય નિરીક્ષકો પણ ઇઝરાયેલની નિંદા કરી રહ્યા છે. ‘આબરૂદાર’ ઇઝરાયેલ ફાસીવાદી તાનાશાહ શાસકોની જીદને કારણે જગતમાં બદનામ થઈ રહ્યું છે.

આ તો જગતની વાત થઈ. આ સિવાય ઘરઆંગણે ઇઝરાયેલના આજી અને માજી ન્યાયાધીશો, આજીમાજી લશ્કરી અધિકારીઓ, આજીમાજી નોકરશાહો, બૌદ્ધિકો અને વિશ્વભરમાં ફેલાયેલા યહૂદીઓ (એકલ દોકલ નહીં, હજારોની સંખ્યામાં પોતપોતાની સંસ્થાઓમાં ઠરાવો કરીને) ઇઝરાયેલના શાસકોની નિંદા કરી રહ્યા છે. તેઓ રસ્તા ઉપર ઉતર્યા છે અને અનિવાસી યહહૂદીઓ પણ તેમાં ભાગ લઈ રહ્યા છે. ઇઝરાયેલનું નાક કપાઈ ગયું છે.

અહીં પહેલો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ઇઝરાયેલની જગતભરમાં નિંદા થઈ રહી છે તો એ માટે જવાબદાર કોણ? નિંદા કરનારાઓ કે નિંદાજનક કામ કરનારાઓ? આજકાલ જગત આખામાં નીચતાની નીચલી સીમા પાર કરવાની હોડ શરૂ થઈ છે. દાયકાઓ જૂની સમૃદ્ધ લોકતાંત્રિક પરંપરાઓને ભૂંસવામાં આવી રહી છે. સામાજિક વિમર્શ અને ભિન્નમત ધરાવનારાઓની મત વ્યક્ત કરવાની આઝાદીને ગુંગળાવવામાં આવી રહી છે. વિરોધ પક્ષોને ખતમ કરીને એક પક્ષીય શાસન માટેની પેરવી કરવામાં આવી રહી છે. ઇઝરાયેલનો વર્તમાન  વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહુ આવો એક આત્મમુગ્ધ, ઝનૂની અને તાનાશાહી માનસ ધરાવનારો શાસક છે જેણે ઇઝરાયેલની તેના સ્થાપનાથી શરૂ થયેલી વણલખી પરંપરાને તોડી છે.

શું છે એ પરંપરા? ઉપર મેં ઇઝરાયેલ માટે આબરૂદાર વિશેષણ અવતરણ ચિહ્નમાં મુક્યું છે. આબરૂદાર ખરું, પણ ટકોરાબંધ નહીં. કારણ એ કે ૧૯૪૮માં યહૂદીઓ માટે ઇઝરાયેલની સ્થાપના થઈ ત્યારથી એવી એક વણલખી પરંપરા વિકસી છે કે ઇઝરાયેલમાં વસતા યહૂદીઓને પૂરી મોકળશ આપવામાં આવશે. પણ મોકળાશ માત્ર યહૂદીઓને અને બીજા કેટલાક પસંદ કરલા ગેરયહૂદી લોકોને આપવામાં આવશે બધાને નહીં. બીજાઓને એટલા માટે નહીં કે ઇઝરાયેલના અસ્તિત્વનો સવાલ છે અને ઇઝરાયેલના દુ:શ્મનો ઇઝરાયેલને નેસ્તનાબૂદ કરવા માગે છે. પેલેસ્ટાઇનનાં મૂળ વતની આરબો હમવતન હોવા છતાં આગંતુક યહૂદીઓના બનેલા ઇઝરાયેલના દુ:શ્મન છે. ૧૯૪૮થી આમ માનવામાં અને કહેવામાં આવે છે. ટૂંકમાં ઇઝરાયેલનું લોકતંત્ર મુખ્યત્વે યહૂદીઓ માટે છે. સોળે કળાએ ખીલેલું, પણ પક્ષપાતી.

આ પક્ષપાત અને પક્ષપાતી લોકતંત્ર સ્વીકારી લેવામાં આવ્યું હતું. ઇઝરાયેલના બહુમતી યહૂદીઓએ, લગભગ દરેક રાજકીય પક્ષે, વહીવટીતંત્રની તમામ શાખાઓએ, ન્યાયતંત્રએ, મીડિયાએ અને વિદેશમાં વસતા યહૂદીઓએ એમ દરેકે એકંદરે સ્વીકારી લીધું હતું કે ઇઝરાયેલના અસ્તિત્વનો સવાલ છે એટલે પક્ષપાતી લોકતંત્ર સિવાય બીજો વિકલ્પ નથી. તેમને સમાધાન એ વાતનું હતું કે લોકતંત્ર જેને મળ્યું છે (મુખ્યત્વે યહૂદીઓને એટલે કે તેમને પોતાને) એ સંપૂર્ણ મળ્યું છે. આ વણલખી પરંપરા ૧૯૪૮થી ચાલી આવે છે.

પણ આનો અર્થ એવો નથી કે આવા પક્ષપાતી લોકતંત્રનો વિરોધ કરવામાં નહોતો આવતો. ઇઝરાયેલમાં એવા મોટી સંખ્યામાં માનવતાવાદી યહૂદીઓ છે અને હતા જેને એમ લાગતું હતું કે લોકતંત્ર પક્ષપાતી ન હોય અને જો એવું થતું હોય તો એ લોકતંત્ર ન કહેવાય. લાખોની સંખ્યામાં આવા યહૂદીઓ ઇઝરાયેલમાં વસે છે. અલબત્ત તેઓ કાયમ લઘુમતીમાં રહ્યા છે. રાષ્ટ્રીય સંમતી પક્ષપાતી પણ યહૂદીઓ માટે સંપૂર્ણ લોકતંત્રના પક્ષે રહી છે. દેખીતી રીતે યહૂદીઓ માટેનાં સંપૂર્ણ લોકતંત્રનો લાભ પક્ષપાતરહિત સાચા લોકતંત્રની માગણી કરનારા માનવતાવાદી યહૂદીઓને મળતો હતો. તેમનો વાળ પણ વાંકો કરવામાં નહોતો આવતો. દાયકાઓથી આવી એક પરંપરા ચાલતી આવી છે. મુક રાષ્ટ્રીય સંમતીનો અસ્વીકાર કરનારો જો યહૂદી હોય તો તેને હાથ પણ નહીં લગાડવાનો.

ઇઝરાયેલના વર્તમાન વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહુએ એ શિરસ્તો તોડ્યો. એ ઉપર કહ્યું એમ કમાલનો સત્તાલોલુપ, ધાર્મિક ઝનૂની, આત્મમુગ્ધ અને તાનાશાહી વૃત્તિ ધરાવનારો માણસ છે. એ વિરોધ અને વિરોધીઓને સહન કરી શકતો નથી. ઉપરથી ભ્રષ્ટ છે. ઇઝરાયેલની મિશ્ર સરકારમાં જે ઝનૂની પક્ષોનો ટેકો લીધો છે એ તમામ નેતાઓ ગામના ઉતાર જેવા છે. એમાંના એક આરે દેરી વિષે તો આ કોલમમાં મેં એક લેખ પણ લખ્યો હતો. નેતાન્યાહુ પોતાની સત્તા ટકાવી રાખવા માટે યહૂદી વિરોધીઓની બાબતે પણ અસહિષ્ણુ વલણ ધરાવે છે.

આમાં નેતાન્યાહુને સૌથી મોટી અડચણ ન્યાયતંત્રની છે. એ મનમાની કરવામાં આડું આવે છે. ઈઝરાયેલનું ન્યાયતંત્ર આપણા જેવું લકવાગ્રસ્ત નથી. નેતાન્યાહુ કહે છે કે પ્રજા દ્રારા ચૂંટાયેલા લોકપ્રતિનધિઓ લોકોનો અવાજ છે અને એટલે તેઓ લોકતંત્રનો પ્રાણ છે. બંધારણ, ન્યાયાલય, બીજી લોકતાંત્રિક સંસ્થાઓ, સ્વતંત્ર મીડિયા લોકતંત્રનો પ્રાણ ન હોઈ શકે. કાંઈ યાદ આવે છે? આપણે ત્યાં ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનકર અને કાયદા પ્રધાન કિરણ રિજ્જુજી આ જ દલીલ કરે છે. લોકપ્રતિનધિઓ બંધારણમાં ઇચ્છે એવા માળખાકીય સુધારા કરી શકે. કિરણ રિજ્જુજી તો વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતમાં જજોની નિયુક્તિનો અધિકાર પણ ન્યાયતંત્ર પાસેથી છીનવી લેવા માગે છે. એ જ કરવા માગે છે જે ઈઝરાયેલમાં થઈ રહ્યું છે.

ખેર, ઇઝરાયેલના વડા પ્રધાન બેંજામીન નેતાન્યાહુએ ન્યાયતંત્રની સત્તા છીનવી લેવાનો અને કેટલીક બાબતે ન્યાયતત્રના અધિકારોને મર્યાદિત કરવાનો સંસદમાં એક ખરડો લાવીને પ્રયાસ કર્યો અને પ્રજા સડક પર ઉતરી પડી. તેમને સમજાઈ ગયું કે જો ન્યાયતંત્ર અને લોકતંત્ર તેનો પ્રાણ ગુમાવશે તો આપણી હાલત પણ મુસ્લિમ આરબો જેવી થઈ શકે છે. શાસકોનો વિરોધ કરવા માટે આપણો દીકરો પણ જેલમાં જઈ શકે છે. આને કારણે ઈઝરાયેલના ઇતિહાસમાં પહેલી વખત પક્ષપાતી યહૂદીઓ અને માનવતાવાદી યહૂદીઓ સાથે આવ્યા. જગત આખામાં યહૂદી સમાજમાં તેનાં પડઘા પડી રહ્યા છે.

અને હવે છેલ્લો પ્રશ્ન. ઇઝરાયેલમાં મુસલમાનો સાથે કરવામાં આવતા અન્યાયને જોઈને રતીભાર પણ વેદના નહીં અનુભવનારા યહૂદીને માનવતાવાદી તરીકે ઓળખાવવાનો તો સવાલ જ પેદા નથી થતો પણ તેને ચતુર કહેવો જોઈએ કે નહીં? એ એટલો ઘેલો નથી કે પોતાનું અને પોતાની આવનારી પેઢીનું ભવિષ્ય હોમી દે. તેને એ વાતની જાણ છે કે કાયદાનાં રાજ્ય વિના સુરક્ષીત જીવન શક્ય નથી અને તેની ગેરંટી સ્વતંત્ર ન્યાયતંત્ર જ આપી શકે. આમાંથી કાંઈ ધડો લેવા જેવું લાગે છે?

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 ઍપ્રિલ 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—190

દીપક મહેતા|Opinion - Opinion|1 April 2023

સીધા સાદા નામ ‘કોલાબા’ અંગે વિદ્વાનોના આટાપાટા

ભાટિયા બાગની ચડતી, પડતી, ચડતી 

કોણ હતા વાલચંદ હીરાચંદ?

સપનાં લો કોઈ સપનાં, 

અવાવરુ કો હૈયા ખૂણે 

નાખી રાખો, નહિ કંઈ પૂણે 

નીવડશે કદી ખપનાં.

                  − ઉમાશંકર જોશી 

એપ્રિલ ૧ 

બ્રેકિંગ ન્યૂસ : મુંબઈ મહાનગર પાલિકાની અસાધારણ બેઠકમાં બરાબર રાતના બાર વાગે એક ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. તે પ્રમાણે મુંબઈના રસ્તાઓનાં જે નામ ૧૯૪૭ પહેલાં હતાં તે પ્રમાણે ફરી રાખવાનું ઠરાવવામાં આવ્યું હતું, જેથી મુંબઈ શહેરના ભવ્ય ઇતિહાસને હંમેશ માટે જાળવી રાખી શકાય. રસ્તાઓને તેનાં જૂનાં નામ પાછાં આપવાની આ કામગીરી એક મહિનામાં પૂરી કરવાનું પણ ઠરાવવામાં આવ્યું હતું. ખાસ નોંધપાત્ર વાત એ છે કે બધા જ રાજકીય પક્ષોના સભ્યોએ આ ઠરાવને ટેકો આપ્યો હતો.

ચિંતા ન કરતા હો! ક્યારે ય સાચું ન પડે એવું આ તો એક સપનું માત્ર હતું. હકીકતમાં તો રસ્તા, ગલ્લી, સ્ટેશન, ચોક-ચબૂતરા, ઇમારતો વગેરેનાં નામ બદલવાની હોડ જામી છે. અંગ્રેજોએ આપેલાં ઘણાંખરાં નામ તો બદલાઈ ગયાં – એકાદ એલ્ફિન્સ્ટન કોલેજને બાદ કરતાં. હવે શું બદલવું? બદલો ‘લઘુમતિ જાતિઓ’નાં નામ. કેટલીક વાર તો ડિમાંડ કરતાં રસ્તા ઓછા હોવાને કારણે રસ્તાને અગાઉ આપેલું નામ ગુપચૂપ રાતોરાત બદલી નાખવામાં આવે છે. પણ આ બધા તો સત્તાધારીઓના ખેલ. લોકો તો જે હૈયે તે જ હોઠે એમ માનીને જૂનાં નામ જ વાપરે છે.

હિન્દીમાં એક કહેવત છે : હાથ કંગન કો આરસી ક્યા? પણ આ વાત તો મારા-તમારા જેવા આમ આદમી માટે. સાક્ષરો તો પાણીમાંથી પોરા કાઢે. એટલે જ તો સંસ્કૃતમાં કહેવાયું છે : સાક્ષરા: વિપરીતા: રાક્ષસા: ભવતી. એક, સાક્ષરા: શબ્દને ઊંધો વાંચો તો વંચાય રાક્ષસા:, અને જો સાક્ષરો અવળા થાય તો રાક્ષસો જેવું કામ કરે. જે નામ સાવ સાદું સીધું હોય તેને માટે પણ સાક્ષરોમાં મતમતાંતર જોવા મળે. મુંબઈના અસલ સાત ટાપુમાંનો છેવાડાનો એક નાનકડો ટાપુ. દરિયાનાં પાણીથી ઘેરાયેલો. પણ પાણી બહુ ઊંડાં નહિ એટલે ત્યાં જવા-આવવા માટે નાની હોડી બસ થાય. વસ્તી એ વખતે તો કોળીઓની. પ્રાગઐતિહાસિક કાળથી તેઓ અહીં વસે. માછીમારી એમનો મુખ્ય ધંધો. સાથે થોડાં શાકભાજી પણ ઉગાડે. પુરુષો તો મોટે ભાગે દરિયે હોય, એટલે કુટુંબમાં સ્ત્રીઓનું વર્ચસ્વ. માછલી વેચવાથી અવારનવાર સોનું ખરીદવા સુધીનાં ઘણાંખરાં કામ સ્ત્રીઓ કરે.

૧૯મી સદીના પ્રખ્યાત ચિત્રકાર ધુરંધરની પીંછીએ કોળી પતિ–પત્ની

કોળીઓ મોટેભાગે દેવી પૂજક. તેમની એક દેવી તે મુંબા આઈ. તેના પરથી આપણા આ શહેરને નામ મળ્યું મુંબાઈ-મુંબઈ. કોળીઓની વસ્તી માટેનું એક નામ કોલભાટ. ગિરગામ વિસ્તારમાં એક કોલભાટ લેન પણ હતી. આ કોલભાટ પરથી નામ પડ્યું કોલાબા. પણ સંસ્કૃતના પ્રકાંડ પંડિત મોલ્સવર્થે કહ્યું કે ના. આ નામ તો અરબી ભાષામાંથી આવ્યું છે જેનો અર્થ થાય છે દરિયાના પાણી વચ્ચેની નાની, પાતળી, ગરદન જેવી જમીન, ભૂશિર. તો બીજા એક પારસી વિદ્વાન ડો. જીવણજી જમશેદજીએ કહ્યું કે ફારસી શબ્દ ‘આબ’ (પાણી) અને કોળી, એ બે નામ ભેગાં થતાં બન્યું કોલાબા. તો વળી બીજા એક વિદ્વાને કહ્યું કે ના ભાઈ ના. આ કોલાબા નામ તો બન્યું છે બે ફારસી શબ્દો ભેગા કરીને : કાલા+આબ (પાણી) = કાલાબા, કોલાબા.

છેક ૧૮૩૮ સુધી કોલાબા ટાપુ બીજા બધા ટાપુથી અલગ હતો. તેને બીજા ટાપુઓ સાથે જોડવાની યોજના તો છેક ૧૮૨૦માં ઘડાઈ હતી, પણ તેની શરૂઆત થઈ ૧૮૩૫માં! એટલે જ તો સૂરદાસજીએ ગાયેલું : સરકારી ગત ન્યારી, ઊધો! સરકારી ગત ન્યારી!’ પચીસ-ત્રીસ વરસ પહેલાં બંધાયેલા પૂલ આજે તોડીને નવેસરથી બાંધવા પડે છે. પણ એ પૂલ તોડતાં પહેલાં કોઈ એવો સવાલ કરતું નથી કે પૂલ એવો તે કેવો બંધાયેલો, કોણે બાંધેલો, કે આટલા ઓછા વખતમાં એ ખખડધાજ બની ગયો? ક્યારેક બ્રિટિશ શાસનમાં પણ આવું બનતું હો! ૧૮૩૮માં બંધાયેલો કોલાબા કોઝવે ૧૮૬૧-૧૮૬૩ દરમ્યાન તોડીને ફરી બંધાયો! એટલે હાથકંગન જેવી વાત એ કે જે નાનકડા ટાપુ પર કોળીઓની વસ્તી તેનું નામ પડ્યું કુલાબા કે કોલાબા.

કોળીઓ પછી આવ્યા ભંડારીઓ. તેમના નામ પરથી પણ એક રસ્તાનું નામ પડ્યું ભંડારી સ્ટ્રીટ. અગાઉના ફોકલેન્ડ રોડથી ભંડારવાડા સ્ટ્રીટ સુધી જતા રસ્તાનું એ હતું નામ. મુખ્ય ધંધો તાડી બનાવવાનો અને વેચવાનો. એક જમાનામાં મુંબઈમાં તાડીનું ચલણ ઘણું. આ લખનારે નાનપણમાં રસ્તાઓ પર ઠેર ઠેર ‘તાડી માડી કેન્દ્ર’નાં બોર્ડ જોયાં છે. ગુજરાતી અને મરાઠીના ‘તાડી’ શબ્દ પરથી અંગ્રેજોએ બનાવ્યો શબ્દ toddy. અંગ્રેજી ભાષામાં આ શબ્દ પહેલવહેલી વાર વપરાયો ઈ.સ. ૧૬૦૯માં. ૨૦૧૬ના ઓક્ટોબરમાં મહારાષ્ટ્ર સરકારે તાડીના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો. પણ તેને પરિણામે બીજાં ભેળસેળવાળાં જોખમી પીણાં વેચાવા લાગ્યાં એટલે આ પ્રતિબંધ ૨૦૧૭ના ઓગસ્ટમાં પાછો ખેંચી લીધો. આ ભંડારીઓમાં પાછી પાંચ ઉપજાતિ : શિંદે, ગૌડ, મોરે, કિરપાલ, અને કિત્રે. આ બધા આમ તો ભંડારી, પણ તેમના વચ્ચે રોટી-બેટીનો વ્યવહાર નહિ. ભંડારવાડા નામ પણ આ ભંડારીઓ પરથી.

 તાડી માડી ભંડારી

અગાઉ ઉજ્જડ ટેકરી હતી તે મલબાર હિલ પર ૧૮૬૪ પછી મુંબઈના માલેતુજારો બંગલા બંધાવી રહેવા લાગ્યા. પણ એ પહેલાં મુંબઈના શ્રેષ્ઠીઓ ક્યાં રહેતા? સર દિનશા વાચ્છાના કહેવા પ્રમાણે એ પહેલાં ધનિકોની વસ્તી બહાર કોટ વિસ્તારમાં, એટલે કે કિલ્લાની બહારના ભાગમાં હતી. તેમાં પારસી વેપારીઓ, કપોળ વાણિયા, મંગળદાસ નથ્થુભાઈ અને વરજીવનદાસ માધવદાસ જેવા શ્રેષ્ઠીઓ, પણ અહીં જ રહેતા. બજાર ગેટ સ્ટ્રીટ અને જૂની મોદી સ્ટ્રીટમાં મુખ્યત્ત્વે ભાટિયાઓની વસતી. ગોકુલદાસ તેજપાલ, ગોકુલદાસ લીલાધર, ખટાઉ મકનજી, જીવરાજ બાલુ, જયરામ સવજી, જેવી હસ્તીઓ બજાર ગેટ સ્ટ્રીટ અને પારસી અગિયારી સ્ટ્રીટ પર રહેતી. હોળી ચકલામાં પણ ભાટિયાઓની મોટી વસતી. ઘણા લોકો એ વિસ્તારને ‘ભાટિયા વાડ’ તરીકે ઓળખતા. બોરી બંદરથી થોડે દૂર આવેલા ભાટિયા બાગ વિસ્તારમાં પણ તેમની ઝાઝી વસતી.

આ વિસ્તારમાં આવેલા ભાટિયા બાગની વાત ‘ઘડીમાં ઉપર, ઘડીમાં નીચે’ એવી છે. ચોક્કસ વરસ તો જાણવા નથી મળ્યું, પણ બોરી બંદર – આજના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ – થી થોડે દૂર આવેલો આ બાગ લગભગ દોઢસો વરસ જૂનો તો છે જ. નહોતો બહુ મોટો, કે નહોતો આલા દરજ્જાનો બાગ. આસપાસનાં છોકરાં રમવા આવે, ગલઢેરાઓ સાંજે બાંકડે બેસવા આવે. ધીમે ધીમે ઘસાતો ચાલ્યો. સારસંભાળને નામે મીંડું. એટલે પછી પંદરેક વરસ બંધ રહ્યો – નો એન્ટ્રી. હા, ગંજેરી ભંગેરી વિના રોકટોક આવજા કરતા અને પોતાના ગોરખ ધંધા ચલાવતા. પછી વળી મ્યુનિસિપાલિટી સફાળી જાગી. આનું તો નવીનીકરણ કરવું જોઈએ. સફાઈ કરી, બાળકો માટે હિંચકા, લસરપટ્ટી વગેરે ગોઠવ્યાં. થોડા બાંકડા પણ ખરા. ટેવ પ્રમાણે લાલ-લીલા ભડક રંગે બધું રંગ્યું. આ બધા પાછળ એક કરોડ સિત્તેર લાખ રૂપિયા ખર્ચાયા.

કલકત્તાની ટ્રામને પહેરાવ્યા મુંબઈના વાઘા

થોડા વખતમાં નજીકના CSMTને વર્લ્ડ હેરિટેજનું લેબલ લાગ્યું. અરર, આટલી  ભવ્ય ઈમારતની નજીક આવેલો બાગ આવો ભૂખડી બારસ? આવા ભડક રંગો? આવા ભંગાર બાંકડા? ના ચાલે, ચાલે ના. ફરી તોડફોડ. નવી ગિલ્લી નવો દાવ, પૂરી નહિ તો શીરો લાવ. ત્યાં વળી કોઈના ભેજામાં ફળદ્રુપ વિચાર આવ્યો. એક જમાનામાં મુંબઈના રસ્તા પર ટ્રામ દોડતી. એ ‘હેરિટેજ’ની યાદમાં મૂકીએ અહીં એક ટ્રામ. પણ ટ્રામ લાવવી ક્યાંથી? ૧૯૬૪માં મુંબઈમાં ટ્રામ બંધ થઈ પછી બધી વેચાઈને ભંગાર વાડે ગઈ. હવે? અરે, કલકત્તામાં હજી ચાલે છે ટ્રામ. તો ત્યાંથી લઈ આવો. આવી. વાજતે ગાજતે મેયરને હાથે ગોઠવાઈ. પણ જેણે મુંબઈની ટ્રામ જોયેલી એ તો તરત કહી દે : ‘મુંબઈમાં જે ટ્રામ દોડતી તે આવી તો નહોતી!’ કારણ મુંબઈ-કલકત્તાની ટ્રામની ડિઝાઈન, રૂપરંગમાં ફેર. ટ્રામ બંધ કર્યા પછી કોઈને એકાદ નમૂનો પણ રાખવાનું સૂઝ્યું નહિ. નાખો બધી ભંગાર વાડે. અને પછી ટ્રામ લાવો ભાઈ ટ્રામ! પહેલાં થૂંકીને ઇતિહાસ ભૂંસો, પછી થૂંકેલું ચાટો!

આ ભાટિયા બાગ આવેલો છે તે રસ્તાનું અસલ નામ ફોર્ટ સ્ટ્રીટ. ખાસ્સો લાંબો-પહોળો રસ્તો એને ‘સ્ટ્રીટ’ કેમ કહ્યો હશે, એ તો અંગ્રેજો જાણે. અસલ ફ્રેરે રોડથી હોર્નબી રોડ સુધી જતો આ રસ્તો. પણ ફોર્ટ કહેતાં કિલ્લો તો આ સ્ટ્રીટથી દૂર છે. છતાં આ નામ કેમ? કારણ અસલ ફોર્ટ નાનો પડવાને કારણે નજીકમાં બીજો કિલ્લો ફોર્ટ સેન્ટ જ્યોર્જ બાંધવામાં આવેલો. અને આ રસ્તો એ કિલ્લા સુધી જતો એટલે ફોર્ટ સ્ટ્રીટ એવું નામ.

વાલચંદ હીરાચંદનાં માનમાં બહાર પડેલી ટપાલ ટિકિટ

આ રસ્તાનું આજનું નામ વાલચંદ હીરાચંદ માર્ગ. એમનો જન્મ ૧૮૮૨માં, અવસાન ૧૯૫૩માં. એ જમાનામાં ‘સ્વદેશી’ ઉદ્યોગોના પુરસ્કર્તા. કામની શરૂઆત કરી રેલવેના કોનટ્રેક્ટર તરીકે. ૧૯૦૮માં વાલચંદ નગર ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરી. શરૂઆત ખાંડના ઉત્પાદનથી. પણ તેમનું સૌથી મોટું સાહસ તે સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની. નરોત્તમ મોરારજી અને કિલાચંદ દેવચંદ સાથે મળીને માત્ર એક સેકંડ હેન્ડ સ્ટિમરથી તેમણે આ કંપની શરૂ કરી. પછી ૧૯૨૭માં ફ્રી પ્રેસ ઓફ ઇન્ડિયા નામની ન્યૂસ એજન્સી શરૂ કરી. સ્ટીમર પછી વિમાન! ૧૯૩૯માં બેંગ્લોરમાં શરૂ કરી હિન્દુસ્તાન એરક્રાફ્ટ. જો કે ૧૯૪૨માં બ્રિટિશ સરકારે એ કંપની હસ્તગત કરી લીધી. કારણ ત્યારે બીજું વિશ્વ યુદ્ધ ચાલતું હતું અને એટલે વિમાન બનાવતી કંપની ખાનગી ક્ષેત્રમાં હોય તે સરકારને પોસાય નહિ. આજની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ(HAL)ની એ માતૃ સંસ્થા. ઘણા દેશોમાં રસ્તાને જો કોઈ વ્યક્તિનું નામ આપ્યું હોય તો તે વ્યક્તિની થોડી જાણકારી પણ બાજુમાં મૂકવાનો ચાલ છે. આપણે ત્યાં નથી. એટલે આપણા લોકો એવી જાણકારીથી વંચિત રહે છે.

એટલે જ નરસિંહ મહેતાએ ગાયેલું : રોડ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં …

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 01 એપ્રિલ 2023

Loading

લેખકની સ્વસ્થતા અને લેખનમાં તટસ્થતા

ઇલિયાસ શેખ|Opinion - Opinion|1 April 2023

ઇલિયાસ શેખ

ગુજરાતી અખબારોમાં છપાતી અનેક કોલમ હું વાંચતો-જોતો હોઉં છું. ઘણીવાર આવી કોલમમાં લખવામાં આવતા વિષય-વસ્તુને લઇને મને મનમાં થતું હોય છે કે, ન જાને આવી ‘કોલમ’ના આધારે કંઈ કેટલાં ‘બિંબ’ અને ‘પ્રતિબિંબ’ ટકી રહેતા હશે !

‘કોલમ’ આમ તો અંગ્રેજી શબ્દ છે, પણ આપણી ગુજરાતીમાં કડિયાઓએ ‘બિંબ-કોલમનું ચણતર’ એમ બોલી-બોલીને એનું ગુજરાતીકરણ કરી નાખ્યું છે ! કોલમ માટે ગુજરાતીમાં સાચો શબ્દ ‘સ્તંભ’ છે. જે વર્તમાન સમયમાં લખાતી કોલમોના રંગ-રૂપ અને છટા જોતાં આપણને એકદમ બંધ-બેસતો શબ્દ લાગે. કેમ કે, સ્તંભ એ દંભનો સહોદર છે. આપણે અમુક-તમુક સ્તંભ લેખકોને વાંચીએ ને મળીએ તો આપણે સ્તબ્ધ બની જઇએ – એ હદ્દે એ લેખકો દંભી હોય છે. ટર્નર, ફિટર અને લેથના કારીગરની માફક એવાં લેખકો શબ્દો સાથે કામ પાર પાડતા હોય છે. અખબારમાં પ્રચલિત ‘કોલમ-સેન્ટીમીટર’ની સંજ્ઞા મને જાહેરાત કરતાં તો એ કોલમિસ્ટના દૂષિત અને અનિષ્ટ મસ્તિષ્કનું માપ હોય એવું વધારે જણાય છે !

કટાર-લેખનમાં હવે બે-ચાર અપવાદોને મજરે મુકતા, મોટાભાગની કલમો સત્તા સામે મુજરો કરતી, કુરનિશ બજાવતી ગણતરીબાજ જોહરાબાઇ બની ગઇ છે. આવી બુઠ્ઠી અને જુઠ્ઠી કટારોને હું તો ન કટાર માનું, અને ન કલમ. પણ, મારાં માનવા-ન માનવાથી એમને કોઇ ફેર નથી પડવાનો.

ગુગલ, વિકિપીડિયા અને સોશ્યલ મીડિયામાંથી, અહીં-તહીંથી એકઠું કરીને, આવાં બખિયાબાજ કટાર લેખકો માત્ર ફકરા ને ફિતુરના થીગડાં મારે છે. ચારેકોરથી થતાં માહિતીઓના વિસ્ફોટે આજના લેખકને જાણે કે એક ‘ઉચ્ચક – બબુચક લહિયો’ બનાવી નાખ્યો છે. આવા લહિયાઓ જ્યારે લખવા બેસે છે ત્યારે એના સંવેદનને જાણે કે લકવો મારી જાય છે. આવા લહિયાઓ તો પોતાની જાતને શ્વેત કાગળ ઉપર સાચા મોતીનો ચારો ચણતા માનસરોવરના હંસ માનતા હોય છે. પણ એ લહિયાઓ એ હકીકતથી બેખબર હોય છે કે, એ લોકો ‘માનસરોવરના હંસ’ નહીં પણ ‘અપમાન ધરોહરના કંસ’ સમાન હોય છે. 

માનસરોવરના હંસમાં તો ‘ક્ષીરનીર વિવેકની’ સમજણ હોય છે. જ્યારે આવા લહિયાઓ તો ‘સત્તાધારી’ના ચરણોમાં ગેલ કરતાં ગલુડિયાં સમાન હોય છે. એમને મન ‘વિસ્મય’ હોવું અને ‘વિષમય’ હોવું – બંને એક જ બાબત છે. આવા લોકોને જો ‘સત્તાધારી’ની સંધિ છૂટી પાડવાનું કહેવામાં આવે તો – એ લોકો એને ‘સત્ત આધારી’ તરીકે છૂટી પાડીને આપણને અચરજમાં નાખી દેતા હોય છે !

લેખનમાં ‘તટસ્થતા’ જાળવવી, એટલે કે ‘ન્યુટ્રલ’ હોવું – એ તો મને શબ્દ સાથે આચરવામાં આવતું ‘છળ-કપટ’ લાગે છે. લેખક તટસ્થ નહીં, પણ ‘સ્વસ્થ’ હોવો જોઈએ. એનો વિવેક એટલો મજબૂત અને સાબૂત હોવો જોઇએ કે, એ પોતાની જાત સાથેની નિસબત અને પ્રતિબદ્ધતા નિભાવી જાણે. ‘ન્યુટ્રલ’ તમે ખરેખર તો હોતા નથી, પણ પરાણે બની જતાં હો છો. ‘ન્યુટ્રલ’ હોવું અને ‘અનબાયસ્ડ’ હોવું – બંને એક જેવા ભલે લાગે – પણ હકીકતમાં એના અર્થ એક સરખા નહીં પણ તદ્દન અલગ-અલગ છે.

લેખનમાં ‘ન્યુટ્રલ’ હોવું એટલે પલાયનવાદી ગધેડાનું પૂછડું ઝાલવું ! પોતાને ‘ન્યુટ્રલ’ ઓળખાવતા લેખકોને ‘two face’ અને ‘two ass’ હોય છે ! એટલે કે ‘બે મોઢા’ અને ‘બે ધગડા’ હોય છે ! જ્યારે ‘અનબાયસ્ડ’ હોવું એટલે ન્યાયી ને નિર્ભીક હોવું. અનબાયસ્ડ લેખનમાં પાછલાં પૂર્વગ્રહની એક પણ પરછાઈ નથી હોતી. અનબાયસ્ડ લેખનમાં માંહ્યલામાં રહેલી માન્યતાની કોઇ આમાન્યા કે હઠાગ્રહ નથી હોતાં. એટલે અનબાયસ્ડ લેખન કોઇ મુદ્દાની તરફેણમાં પણ હોઇ શકે અને કોઇ મુદ્દાની વિરુદ્ધમાં પણ હોઇ શકે. એની સામે, ન્યુટ્રલ રાઇટિંગમાં મૂળ તો ‘સેઇફ રાઇડિંગ’નો કારસો રચવા જેવી વાત હોય છે. એટલે જ ન્યુટ્રલ રાઇટિંગના એક ફકરામાં ચાબૂક વીંઝાતી જોવા મળે તો તરત જ બીજા ફકરામાં આપણને લેખકની લેખિની હાથમાં ગુલાબ-જાંબુ ભરેલોનો કટોરો લઇને શરમાળ નવોઢા જેવી જોવા મળે !

ઇલેક્ટ્રિકલ એન્જિનિયરીંગમાં પણ ન્યુટ્રલનું હોવું એટલે એક ‘અનપાવર્ડ’ કરન્ટ વગરની લાઈનની માફક સાથે રહેવું. ફેઇઝ એક લાઈવ પાવર્ડ લાઈન હોય છે. એ વિજ-ઉપકરણોનેને પાવર ફીડ કરે છે. અર્થિંગની ડ્યુટી અનવોન્ટેડ પાવરને ગ્રાઉન્ડ કરવાની હોય છે. એટલે કે ફેઇઝ પાવરનું વહન કરે છે. અર્થિંગ પાવરને સહન કરે છે. પણ ‘ન્યુટ્રલ’ની ઉપયોગિતા માત્ર ઇલેક્ટ્રિકલ સર્કીટને પૂરી કરવા માટે હોય છે. કે જેથી વિજ-પ્રવાહ સરક્યુલેટ થતો રહે.

ઇલેક્ટ્રિક સર્કીટમાં આવતા મોટાભાગના પ્રોબ્લેમ્સનું કારણ ‘bad neutral’ હોય છે. Neutral જ્યારે bad હોય ત્યારે એ ઉપકરણ અને અર્થિંગ બંનેને બગાડે છે. લેખનમાં પણ ન્યુટ્રલ લેખકો આવા બેડ-ન્યુટ્રલ સમાન હોય છે. એમની પાસે ન તો પોતીકી કોઇ ટોલરન્સ હોય છે, કે ન તો પોતીકી કોઇ વહનક્ષમતા. એટલે એ બેડલી ન્યુટ્રલ રહીને ‘અર્થ’ને નિરંતર ‘અનર્થ’ કરતા રહે છે. આવા ‘લે-ભાગું’ ન્યુટ્રલ લેખકોથી અંતર રાખવું. કેમ કે, ન્યુટ્રલ લેખકો પાસેથી આપણે કશું જ પામી શકતા નથી. ન્યુટ્રલ લેખકોનું તો માસ્તર માટેની કહેવત જેવું હોય છે કે ‘મહેતો મારે ય નહીં ને ભણાવે ય નહીં’. જો કે, ન્યુટ્રલ લેખકો ઊઠાં ભણાવવામાં ભારે ઉસ્તાદ હોય છે.

અંતે, મારે ભારપૂર્વક એટલું જ કહેવું છે કે, આજે જ્યારે ઠેર-ઠેર માહિતીઓના રાફડા ફાટ્યા છે, ત્યારે કોઇ રાફડા પાસે હાંફળા-ફાંફળા થઇને ન જવું. વાચક તરીકેની સજ્જતા કેળવવી. નહીં તો આવા રાફડામાં રહેલા નાગ પળવારમાં એની તરફેણની ફેણ ફુલાવીને તમને તરત જ ડસી લેશે. એ ડસી લે પછી મને કહેતાં નહીં કે ‘તમે કેમ કીધું નહીં !’ કેમ કે, રાફડામાં રહેતા બધાં નાગ બિન-ઝેરી નથી હોતા! અસ્તુ. આ લખ્યું નથી અમસ્તુ.

••• 

સૌજન્ય : ઇલિયાસભાઈ શેખની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,2191,2201,2211,222...1,2301,2401,250...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved