Opinion Magazine
Number of visits: 9567285
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાર્તાકાર ધર્મેન્દ્ર ત્રિવેદીને અભિનંદન

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|7 February 2023

‘પુષ્પક’ વાર્તાસંગ્રહના લેખક ધર્મેન્દ્ર ત્રિવેદીને આજે ‘શ્રી અંજલિ ખાંડવાળા વાર્તાકાર પારિતોષિક’થી નવાજવામાં આવી રહ્યા છે.

‘પુષ્પક’ સંગ્રહની બાર તાજગીભરી વાર્તાઓમાંથી કેટલીક અવનવી છે, તો થોડીક અ‍ટપટી પણ છે. બે વાર્તાઓ એટલા માટે વધારે ગમી કે તેમાં પુસ્તકોને, પુસ્તકોના વાચનને, તેમાંથી મળતાં આનંદને ખાસ સ્થાન છે.

કોઈ લેખક આપણા લોકમાંથી લુપ્ત થતા વાચનરાગને આટલી સરસ રીતે સ્પર્શે એ જ મોટા હરખની વાત છે.

‘સમણાંનો ચોર’ વાંચતાં તો ‘just fantastic, બિલકુલ અદ્દભુત!’ એવા ઉદ્દગાર સરી પડે. માત્ર એટલા માટે જ નહીં કે સંગ્રહની બીજી પાંચેક વાર્તાઓની જેમ તેમાં fantasyનો ઉપયોગ થયો છે, વધુ સહજ લાગે તે રીતે થયો છે; વિશેષ એટલા માટે કે આ નવલિકા બાળકો માટેની ફૅન્ટસીભરી વાર્તાઓની ચોપડીઓ, અને બાળકોને વાર્તા કહેવાની લગભગ ખોવાઈ ગયેલી વૃત્તિ-પ્રવૃત્તિને રમણીય રીતે ઉજાગર કરે છે.

મોડી સાંજે વડલા નીચે ગામનાં ટાબરિયાને ભેગાં કરી વાર્તા સંભળાવનાર મણિમાની યાદમાં બનેલું વાર્તામંદિર, તેમાં દર રવિવારે સાંજે વાર્તા કહેવા-સાંભળવા માટે ભરાતો રસિયાઓનો મેળાવડો, મણિમાની પુણ્યતિથિએ ઉજવાતો વાર્ષિક વાર્તા-ઉત્સવ, મણિમાના દિમાગમાંથી વાર્તાઓને, અને સમણાં કહેતાં વાર્તા સર્જનારી કલ્પનાશક્તિને ચોરવાનો નિષ્ફળ પ્રયાસ કરીને પછી સુધરી જનારા ‘સમણાંના ચોર’, તેમાંથી એકે અમેરિકામાં કરેલી સ્કૂલ ઑફ સ્ટોરિ ટેલિન્ગ … આ બધું ખૂબ રોમાંચક છે.

મણિમા અને બાળકોની વચ્ચેનાં તેમના વાર્તાકથનનાં બે પાનાંનું વર્ણન એક કરતાં વધુ વખત વાંચવાનું ગમે તેવું છે. ચોરના પાત્રો, આવા ચોર બનવા પાછળના કારણો, તેમની ‘વાર્તા-અતૃપ્તિ વિદ્યા’, મણિમાના અંતરંગમાં પ્રવેશીને તેમણે કરેલી ઉચાપત જેવી બાબતો ઉચ્ચ સર્જનશીલ કલ્પના creative imaginationની ફલશ્રુતિ છે.

ધર્મેન્દ્ર ત્રિવેદી

આ કલ્પનાસમૃદ્ધિના મૂળમાં બાળપણનું વાર્તાપોષણ છે. લેખક કેફિયતમાં નોંધે છે : ‘વાર્તા સાથેનો મારો નાતો ખોપરીની છાપ છોડી જતા ફૅન્ટમના મુક્કાની સાથે શરૂ થઈને જૂલે વર્નની કથાઓના નાયકો, ઇસપની બોધકથાઓનાં જાનવરો, અરેબિયન નાઈટસ તથા બત્રીસ પૂતળીની કથાઓ, તિલસ્મીઓ, વિક્ટર હ્યુગોના જ્યાં વાલજ્યાંની પીડાઓ સુધી બહુ નાની ઉંમરે વિસ્તર્યો.’

નાની ઉંમરે પુસ્તકો માટેનું ખેંચાણ અને તેને સંતોષી નહીં શકનાર પિતાની ખેંચતાણ ‘જેતલસર જંક્શન’માં મનભર રીતે વ્યક્ત થઈ છે. દીકરો બાપુની સાથે ઉપલેટાથી છેલ્લી ટ્વેન્ટિ સિક્સ ડાઉનમાં ઉપડ્યો છે. તેમણે એને ‘જેતલસર જંક્શનના બુકસ્ટૉલ પરથી ચોપડિયું લેવાની ટેવ પાડી છે’. પણ આ વખતે બાપુની પાસે નોકરી નથી એટલે એટલે પૈસાની ખેંચ છે. તેમને ‘સાંધાવાળાના હકો માટે લડતાં સસ્પેન્શન’ આવ્યું છે.

મા-બાપુની વાતમાં દીકરો સસ્પેન્શન વિશે સાંભળી ગયો છે પણ એનો મતલબ જાણતો નથી. રેલવેના ડબામાં બેઠાં પછી સ્ટેશન પર સ્ટેશન પસાર થતાં જાય છે. ચોપડીઓ માટેની દીકરાની  તાલાવેલી વધતી જાય છે.

બાપુ ય વળી થેલામાંથી ચોપડી કાઢીને વાંચવાની ઠાલી કોશિશ કરે છે. ચોપડીઓનું રટણ  કર્યાં કરતા છોકરાને આડે પાટે ચડાવા બાપુ તેને ‘મૃગજળ’ કહેતાં ઝાંઝવાની વાર્તા કહેવાની શરૂઆત કરે છે.

જેતલસર સ્ટેશને ઝગમગતા સ્ટૉલ દેખાય છે. દીકરાની નજરે ચોપડીઓનો સ્ટૉલ દેખાય છે : ‘જોવો ચોપડિ’યું દેખાય છે. જો ચાંદામામા, બુલબુલ, ચંપક લટકે.’ પણ ગાડી આગળ ચાલી. ‘બુક સ્ટૉલ તો વયો ય ગયો.’ ચોપડીઓ તે જાણે ઝાંઝવાં.

પણ સુખાન્ત વાર્તામાં દીકરાના ઘરના વાસ્તુવિધિમાં આવેલાં બાપુ થેલામાંથી રીડર્સ  ડાયજેસ્ટનું મોંઘુંદાટ પુસ્તક ‘એનિમલ્સ ઑફ ધ વર્લ્ડ – એન એનસાયક્લોપિડિયા’ કાઢે છે.

દીકરો બાપને ભેટીને હિબકાં ભરવા લાગે છે અને બાપ બોલે છે, ‘ના દીકુ, શાંત થઈ જા શાંત, ઈ ઝાંઝવાં નહોતાં.’ બે-ત્રણ દાયકાના સમયપટ પરના બે પ્રસંગો પરની આખી વાર્તા ટ્રેનના કડકડાટ અને પાત્રોના દિલોદિમાગના તલસાટની વચ્ચે ખૂબ અસરકારક રીતે ચાલતી રહે છે અને ઉત્કટાથી પૂરી થાય છે. 

‘રેલવે સૃષ્ટિની અઠ્ઠ્યાવીસ  ટૂંકી વાર્તાઓ’નો વાર્તાઓનો સંગ્રહ ‘ટેબ્લેટ’ તાજેતરમાં પ્રસિદ્ધ થયો છે. ગાંધીનગરના યુવાન સાહિત્યપ્રેમી ધ્રુવ પ્રજાપતિએ કરેલો આ નોખો સંચય ‘જુમો ભીસ્તી’ વાર્તાથી શરૂ થાય છે અને તેમાં ‘જેતલસર જંક્શન’ વાર્તા પણ છે.

સાહિત્યક્ષેત્રે ધર્મેન્દ્ર ત્રિવેદી પાસે ઘડાઈ રહેલા ઉત્સાહી વાચક ધ્રુવને, ધર્મન્દ્રભાઈની જ ઉપરોક્ત બે વાર્તાઓને પગલે, ગુજરાતી ભાષાની પુસ્તકકેન્દ્રી વાર્તાઓના સંચયનું સૂચન કરવાનું મન થાય છે.

કંઈક વિષયફેરે તેમાં ‘શબ્દ વર્સિસ અક્ષર’ વાર્તા પણ સમાવી શકાય. કમ્પ્યુટર ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગના વસ્તુ થકી કહેવાયેલી આ એક વિજ્ઞાન કથા – સાયન્સ ફિક્શન છે. પણ તેનો વિષય સાહિત્યજગતનો સંઘર્ષ છે. તેનું અર્થઘટન ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીમાં સ્વાયત્તાતાના સિદ્ધાન્ત માટે ચાલતાં સંઘર્ષના સંદર્ભમાં થઈ શકે.

જેતલસર જંક્શનની જેમ ‘પુષ્પક’ પણ પિતા-પુત્રના સંબંધની વાર્તા છે. તેમાં પણ પુસ્તક કહેતાં સામયિક આવે છે અને તે ય દીકરાના છાત્રાલયના ઓરડામાં બાપાને હાથ લાગેલ ખૂબ કામુક તસ્વીરો માટે પંકાયેલું ‘ડેબોનેર’ માસિક.

આ બંને વાર્તાઓ અને પહેલી વાર્તા ‘ફરી વાર’ વાંચતાં, ધર્મેન્દ્રના પિતા જનક ત્રિવેદીએ અત્યંત બળકટ ભાષામાં લખેલો દીર્ઘ આત્મકથનાત્મક નિબંધોનો, જુદી દુનિયામાં લઈ જનાર, વાચક પર છવાઈ જનાર સંગ્રહ ‘મારો અસબાબ’ યાદ આવે.

ધર્મેન્દ્રભાઈને તો જનકભાઈ યાદ આવે જ, એટલે તેઓ ‘મનની બે વાત’ને આરંભે લખે છે : ‘આંગળીએ વળગીને ચાલતાં થયો ત્યારે સહેજ ઊંચું જોઉં તો જનકભાઈ દેખાતા. બહારની દુનિયા અને મારી વચ્ચે તેઓ કાયમ અડીખમ ઊભા રહેતા અને હું સુરક્ષિત છું એવો અહેસાસ કરાવતા.

‘મજાની વાત તો એ કે  એક પિતા તરીકે એમણે મને કાયમ સુરક્ષાનો અનુભવ કરાવ્યો છે, પરંતુ એક સર્જક તરીકે તેઓએ મને હંમેશાં એમની ક્રૂર ટીકાઓના ઓથાર હેઠળ રાખેલો. એમ પણ થાય કે, શું મારે મારા મનની બે વાત કહેવી હોય તો પિતૃવંદના કરવાની જરૂર ખરી ? બિલકુલ નહીં, અને એ કારણોસર પણ મારે એમને યાદ તો જરૂર કરવા પડે ને ?’

લેખકે લાંબા સમયથી ચાલી રહેલી તેમની જે કથાસાધના વિશે પણ કેફિયતમાં લખ્યું છે. તેની પ્રતીતિ આ સંગ્રહની ઘણી વાર્તાઓમાંથી થાય છે.      

સંગ્રહનું અર્પણ છે : ‘મને કાનથી વાર્તા વાંચવાનો ચહકો લગાડનારી મારી ‘બહેન’ માતા સરોજબહેનને … અને વાર્તામાં કળાતત્ત્વની સમજણ આપનારા મારા ‘બાજી’ પિતા જનકભાઈને’. આ દંપતી વિશે વળી ક્યારેક …. અત્યારે તો તેમના ‘દકા’ને અભિનંદન !

 ધર્મેન્દ્ર ત્રિવેદીને 2021-22ના વર્ષનું અંજલિ ખાંડવાલા વાર્તાકાર પારિતોષિક તેમ જ દીપક શાહ (2020-21) અને પીયૂષ દવે(2021-22)ને અંજલિ ખાંડવાલા સ્વરકાર પારિતોષિક આપવાનો સમારંભ આજે સાંજે 5.30 વાગ્યે ગુજરાત વિશ્વકોશમાં યોજવામાં આવ્યો છે. 

 ‘પુષ્પક’: પ્રકાશક – સ્પર્શ પ્રકાશન, સૂરત. • નવેમ્બર 2021, • રૂ. એકસો પચાસ • e.mail : info@sparshpublication.com • 09428012249 

(850 શબ્દો)
07 ફેબ્રુઆરી  2023
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભોપાલ દુર્ઘટના નિવારી શકાઈ હોત …

સોનલ પરીખ|Opinion - Opinion|7 February 2023

સોનલ પરીખ

1984ની ત્રીજી ડિસેમ્બર. વહેલી સવારે પ્લાન્ટમાંથી મોટા ગડગડાટ સાથે ઝેરી ગેસના ગોટા છૂટ્યા ને નિંદ્રાધીન ભોપાલની પાંચ લાખની વસ્તી પર ફરી વળ્યા. થોડા કલાકોમાં તો શેરીઓમાં માણસો અને પશુપંખીઓના મૃતદેહો રઝળતા હતા. 3,800 લોકો તાત્કાલિક મૃત્યુ પામ્યા. હૉસ્પિટલો ઊભરાવા માંડી. શું થયું ને હવે શું થશે એનો અંદાજ કોઈને જ ન હતો …

વર્ષ 1984 ભારતના ઇતિહાસમાં ખાસ છે. એ વર્ષે સરકારે મંગલ પાંડેની ટિકિટ બહાર પાડી, એ જ વર્ષે રાકેશ શર્મા સોયુઝ ટી-20માં અવકાશયાત્રા પર ગયા, એ જ વર્ષે ઓપરેશન મેઘદૂત દ્વારા સિયાચીનનો મોટો ભાગ ભારતીય સૈન્યે કબજે કર્યો.

એ જ વર્ષે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ. 1983ના ડિસેમ્બરમાં ભિંદરાવાલાએ પોતાના હથિયારબંધ સાથીઓ સાથે અમૃતસરના સુવર્ણમંદિરના અકાલ તખ્ત પર કબજો કર્યો. દિલ્હી સરકાર માટે આ સીધો પડકાર હતો. વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ મોટો નિર્ણય લીધો, જૂન 1984માં બ્લુ સ્ટાર ઑપરેશન અંતર્ગત ભારતીય સૈન્યે અમૃતસરના સુવર્ણમંદિરમાં પ્રવેશ કર્યો અને અથડામણમાં 83 જવાનો સહિત 500 મૃત્યુ થયાં; એને પરિણામે વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની એમના જ શીખ અંગરક્ષકો દ્વારા હત્યા થઈ, એને પગલે શીખ રમખાણો થયાં અને ભારતના રાજકારણની દશા અને દિશા બદલાઈ ગઈ. 

1984ની 31 ઑક્ટોબરે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ. એ જ દિવસે રાજીવ ગાંધીને વડા પ્રધાન બનાવાયા. હજી તેઓ સ્થિર થાય – ન થાય ત્યાં મધ્ય પ્રદેશના ભોપાલમાં એક ઔદ્યોગિક દુર્ઘટના બની. ત્યાંના યુનિયન કાર્બાઈડના પેસ્ટિસાઈડ પ્લાન્ટમાંથી ઝેરી ગેસનું મોટા પ્રમાણમાં ગળતર થયું. પાંચ લાખ લોકોના ફેફસાંમાં આ ઝેરી ગેસ ગયો. હજારો માણસો તાત્કાલિક મૃત્યુ પામ્યા, હજારો માણસો બીમારી અને અકાળ મૃત્યુનો ભોગ બન્યા. ઇતિહાસની આ સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટનાએ કરેલાં પ્રદૂષણના અંશો હજી પણ ભોપાલનાં પાણી અને ભૂમિમાં છે. 3 ડિસેમ્બરે આ દુર્ઘટનાને 38 વર્ષ થયાં, એ નિમિત્તે વાત કરીએ સહેલાઈથી નિવારી શકાઈ હોત એવી, ખૂબ વિનાશ વેરી ગયેલી એ દુર્ઘટનાની.

1917માં અમેરિકાના હ્યુસ્ટનમાં એક રાસાયણિક ઉત્પાદનો કરતી કંપની સ્થપાઈ, યુનિયન કાર્બાઈડ કૉર્પોરેશન. 1970ના દાયકામાં ભારત સરકારે વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરવા આકર્ષાય એવી કેટલીક નીતિઓ બનાવી, જેના પરિણામે યુનિયન કાર્બાઈડે ભારતમાં પોતાનું યુનિટ ભોપાલમાં, ભૌગોલિક સ્થાન અને અવરજવરની સુગમતાને લીધે શરૂ કર્યું. અહીં એશિયાના દેશોમાં જેની માગ હતી એવાં ખેતી માટેનાં જંતુનાશક બનવાનાં હતાં. જોતજોતામાં યુનિયન કાર્બાઈડ ઇન્ડિયા લિમિટેડ(યુ.સી.આઈ.એલ.) ધમધમવા લાગી. શરૂઆતમાં રસાયણો બહારથી આવતાં અને જંતુનાશકો કંપની બનાવતી, પણ દોઢેક દાયકા પછી વિવિધ કરણોસર જંતુનાશકોનું બજાર નબળું પડ્યું. આર્થિક સંઘર્ષને પહોંચી વળવા કંપનીએ કાચો માલ, પ્રક્રિયા અને ઉત્પાદન એક જ જગ્યાએ કરવા માંડ્યું. સુરક્ષા અને પ્રદૂષણને લગતાં ધોરણો સાચવવા મુશ્કેલ બન્યાં. અનુભવી અને જાણકાર લોકોની જગ્યાએ સ્ટાફમાં ઓછા પગારમાં કામ કરતા નવા અને અકુશળ લોકોની સંખ્યા વધી. યુ.સી.આઈ.એલ. હવે ખતરનાક પ્રક્રિયાઓ કરતું પણ પૂરતી સુરક્ષાવ્યવસ્થા વિનાનું કારખાનું હતું.

2 ડિસેમ્બર 1984ની રાત્રે 11 વાગ્યે, ભોપાલ શહેર લગભગ ઊંઘમાં સરી ગયું હતું એ સમયે પ્લાન્ટના એક ઓપરેટરે મિથાઈલ આઈસોસાઈનેટ ગેસનું ગળતર થતું જોયું અને એ પણ નોંધ્યું કે સ્ટોરેજ ટેન્કમાં પ્રેશર વધી રહ્યું છે. આવું થાય ત્યારે જે સુરક્ષાસાધન ઉપયોગમાં લેવાનું હોય તે ત્રણ અઠવાડિયાથી બંધ હતું. દરમિયાન એક તૂટેલા પાઈપમાંથી 1 ટન પાણી 40 ટન મિથાઈલ આઈસોસાઈનેટ સાથે ભળી ગયું જેને લીધે સ્ટોરેજ ટેન્કને ઠંડુ રાખતા રેફ્રિજરેશન યુનિટનું 30 ટન રસાયણ નકામું થઈ ગયું. પ્રેશર, ગરમી અને એને લીધે એક્ઝોથર્મિક રિએક્શન ઝડપથી વધ્યાં. આવા અકસ્માતો માટે ઔદ્યોગિક એકમોમાં ફ્લેર ગેસ સેફટી સિસ્ટમ હોય – અહીં પણ હતી, પણ ત્રણચાર મહિનાથી બંધ હતી.

અને ત્રણ ડિસેમ્બરની વહેલી સવારે એક વાગ્યે પ્લાન્ટમાંથી મોટા ગડગડાટ સાથે ઝેરી ગેસના ગોટા છૂટ્યા ને ભોપાલ પર ફરી વળ્યા. થોડા કલાકોમાં તો શેરીઓ માણસો અને પશુપંખીઓના મૃતદેહોથી છવાઈ ગઈ. 3,800 લોકો તાત્કાલિક મૃત્યુ પામ્યા. બળતી આંખો અને રુંધાતા શ્વાસની ફરિયાદ લઈ આવતા લોકોથી હૉસ્પિટલો ઊભરાવા માંડી. શું થયું છે ને હવે શું થશે એનો કોઈને અંદાજ ન હતો.

મૃત્યુઆંક વધતો ગયો. તપાસો થઈ. શરૂઆતમાં તો અમેરિકન કંપનીએ ‘પ્લાન્ટ ભારતનો છે’ કહી હાથ ખંખેરી નાખ્યા, અહીંના સત્તાવાળાઓએ ‘શીખ આતંકવાદીઓ’ પર દોષ ઢોળવાની કોશિશ કરી, ઝેરી વાયુઓના પુરાવા લોકોનાં ફેફસાંમાં ને લોહીમાં ભળ્યાના પુરાવાઓને પણ નકાર્યા. આટલું ઓછું હોય એમ દુર્ઘટના પછી કારખાનાની પૂરતી સફાઈ પણ ન થઈ. ઝેરી તત્ત્વો હવા, પાણી અને જમીનમાં ભળતાં રહ્યાં.

યુનિયન કાર્બાઈડ કંપનીના સી.ઈ.ઓ. અને ચેરમેન વૉરેન એન્ડરસનની ધરપકડ થઈ હતી, પણ થોડા જ કલાકમાં એને જામીન મળી ગયા. પીડિતો અદાલતના ચક્કર કાપતા રહ્યા. લાંબી કાનૂની લડાઇ પછી  સુપ્રિમ કૉર્ટમાં 15,000થી વધારે મૃત્યુ થયાં હોવાનું સ્વીકારાયું. કંપનીએ 470 મિલિયન યુ.એસ. ડૉલર આપ્યા જે થયેલા નુકસાનના પ્રમાણમાં ઘણા ઓછા હતા.

ભોપાલ દુર્ઘટના ત્રીજા વિશ્વના દેશોમાં અપૂરતી સુરક્ષાવ્યવસ્થાવાળા અને આડેધડ થઈ રહેલા  ઔદ્યોગીકરણ સામે લાલબત્તી ધરે છે. આર્થિક પ્રગતિ માટે મથતા વિકાસશીલ દેશોએ મલ્ટિનેશનલ કૉર્પોરેશનના બેવડાં ધોરણોથી ચેતવું અને સુરક્ષાનાં આંતરરાષ્ટ્રીય ધોરણો ગમે તેટલાં સારાં હોય, તેનું બરાબર વ્યવસ્થાપન-અમલીકરણ ન થાય તો નકામા છે એ સમજવું જરૂરી છે.

એ ગાળામાં ભોપાલનું જાહેર આરોગ્ય માળખું નબળું હતું. ખરું જોતાં ઝેરી રસાયણોની ઈન્ડસ્ટ્રી બાજુમાં હોય ત્યારે આરોગ્ય-માળખું મજબૂત અને મોટા અકસ્માતને પહોંચી વળવા સક્ષમ હોવું જોઈએ. એને બદલે પહેલેથી પાણી પ્રદૂષિત આવતું, વપરાયેલા પાણી કે કચરાના નિકાલની વ્યવસ્થા અપૂરતી હતી, ચાર મોટી હોસ્પિટલો હતી પણ ડૉક્ટરો પૂરતા ન હતા. આવી જગ્યાએ કેમિકલ ઈન્ડસ્ટ્રી બનાવવી ન જોઈએ.

આ ઘટના પછી 1986માં પર્યાવરણ-સંરક્ષણ કાયદો પસાર થયો અને દરેક ઉદ્યોગમાં એનો અમલ ફરજિયાત બન્યો. છતાં આરોગ્ય, જંગલો, વન્યજીવન અને પર્યાવરણ જોખમાતાં જ રહ્યાં છે. નીતિઓ અને પ્રતિબદ્ધતા અપૂરતાં પડી જાય છે. ઉદ્યોગો વધતા જાય છે, કુદરતી સ્રોતોનું ધોવાણ થયા કરે છે, શહેરીકરણ અને ગુનાખોરીનું પ્રમાણ વધતું જાય છે. ઉદ્યોગોથી આર્થિક વિકાસ થાય અને જી.ડી.પી. વધે એ ખરું, પણ તેનાથી જાહેર આરોગ્ય અને પર્યાવરણ પરનું જોખમ પણ એટલું જ વધે છે. મોટા પ્રમાણમાં સ્થપાયેલા નાના ઉદ્યોગો તો સુરક્ષાનિયમો પાળતા જ નથી – યમુના નદીનું પ્રદૂષણ એની સાક્ષી પૂરે છે.

ભોપાલ દુર્ઘટના પછી બે જ વર્ષમાં રશિયામાં ચેર્નોબિલ ન્યૂક્લિયર પ્લાન્ટમાં મોટો અકસ્માત થયો, હજારો મૃત્યુ અને મોટા પ્રમાણમાં પ્રદૂષણ થયું. એચ.બી.ઓ.એ એના પર સુંદર સિરિયલ બનાવી છે. ભોપાલ દુર્ઘટના પર પણ ફિલ્મ બની છે. 2001માં કોડાઈકેનાલની એક સ્કૂલ પાસે થર્મોમીટર બનાવતી એક કંપની, જોખમી ઔદ્યોગિક વેસ્ટ નાખતા પકડાઈ હતી. વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો થોકબંધ કચરો કોઈ તપાસ કે શુદ્ધિકરણ પ્રક્રિયાઓ વગર ભારતમાં મોકલાતો હતો. વિકાસશીલ દેશોના લોકો પ્રદૂષિત જમીનોમાં ઊગેલું ખાય છે, પ્રદૂષિત પાણી પીએ છે અને પ્રદૂષિત હવામાં શ્વાસ લે છે. ભારતમાં દર વર્ષે 25,000થી વધારે લોકો આ કારણે મરે છે. 

કેટલાક બ્રિટિશ, અમેરિકન અને ભારતીય ઉદ્યોગપતિઓ ઉત્પાદન જેટલું જ મહત્ત્વ આરોગ્ય અને પર્યાવરણને આપતા થયા છે, પણ એમનું પ્રમાણ ઓછું છે. ભોપાલ દુર્ઘટના જેવા બનાવોની શક્યતાઓ આજે પણ ઓછી નથી. ‘ચેર્નોબિલ’ સિરિયલનું એક પાત્ર કહે છે, ‘ખરું જોખમ એ છે કે આપણે ખોટી બાબતોથી એટલા બધા ઘેરાયેલા છીએ કે સાચી સ્થિતિને ઓળખી શકતા નથી. ઈફ વી ડૉન્ટ ફાઈન્ડ આઉટ હાઉ ધિસ હેપન, ધીસ વિલ હેપન અગેઈન.’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 04 ડિસેમ્બર 2022

Loading

કેળવણીમાં મેળવણી અને મેળવણીમાં કેળવણી !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 February 2023

રવીન્દ્ર પારેખ

આજનો લેખ કેળવણીને લગતો છે. તે સીધો સ્ત્રીઓને લગતો નથી, પણ સ્ત્રીઓને કેળવણી સાથે પણ લેવાદેવા છે જ, એટલે સાવ જ વિષયાંતર ન લાગે એમ બને. કેળવણી, પછી તે કોઈ પણ વર્ગ, જાતિ-જ્ઞાતિને માટે હોય, પણ તે દરેક ભારતીયને કોઈકને કોઈક રીતે સ્પર્શે તો છે જ, કેળવણી માટે આપણી નિસ્બત કેવીક છે, તે અંગે અહીં વાત કરવા ધારી છે. પ્રાચીનકાળથી આપણે શિક્ષણનો મહિમા સ્વીકાર્યો છે ને ગુરુઓ દ્વારા જુદી જુદી વિદ્યાઓ શિષ્યોને ઉપલબ્ધ કરાવવાની પરંપરા વર્ષો સુધી ચાલી છે. એ પરંપરામાં શૂદ્રને અને કન્યાને વિદ્યાનો સીધો અધિકાર ન હતો, પણ રાજા કે રંકનાં સંતાનો ગુરુના આશ્રમમાં સાથે રહી શિક્ષા પ્રાપ્ત કરતા. કૃષ્ણ અને સુદામાએ સાંદીપનિના આશ્રમમાં સાથે વિદ્યા પ્રાપ્ત કરી. એકલવ્યને શિક્ષાનો અધિકાર ન હતો, પણ તેણે દ્રોણની પ્રતિમા સ્થાપી અને તેમની પાસેથી પરોક્ષ રીતે શિક્ષા પ્રાપ્ત કરી. શિક્ષાનું ત્યારે મહત્ત્વ હતું. સંપત્તિવાન પણ શિક્ષાનું મહત્ત્વ સમજતા ને રાજાઓ પણ સંતાનોને કેળવણી માટે ગુરુકુળમાં મોકલતાં. જો કે, દ્રૌપદી કે સીતા કે ગાંધારી કોઈ આશ્રમમાં રહીને ભણી હોય એવું જણાતું નથી. વૈદિક કાળમાં ગાર્ગીનો વિદુષી તરીકેનો ઉલેખ છે, પણ તેણે પણ વિધિવત શિક્ષણ પ્રાપ્ત કર્યું હોવાની જાણકારી નથી. રાજકારભારમાં રઝિયા સુલતાન, રાણી લક્ષ્મીબાઈ, રાણી અહલ્યાબાઈનો ઉલ્લેખ છે, પણ શિક્ષાનો અધિકાર સ્ત્રીઓને ન હતો, એવું લાગે છે.

અંગ્રેજોનાં શાસન દરમિયાન અને સ્વાતંત્ર્યોત્તર કાળમાં કન્યા કેળવણીનો વ્યવસ્થિત પ્રારંભ થયો. 1857થી યુનિવર્સિટીનો મહિમા વધ્યો ને આજે તો 1,113 યુનિવર્સિટીઓ અને 43,796 કોલેજો દેશમાં છે. ગુજરાતમાં જ છેલ્લાં 5 વર્ષમાં ઉચ્ચ શિક્ષણમાં કન્યાઓની ટકાવારી 21 ટકા વધી છે, પાંચ વર્ષમાં જ વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ 70,999 છે તો વિદ્યાર્થિનીઓનું 1.24 લાખ વધ્યું છે.

આ બધું જોતાં શિક્ષણની વધેલી ટકાવારી સંદર્ભે આનંદનો અનુભવ થવો જોઈએ, પણ થતો નથી. એક પ્રકારની ગ્લાનિનો જ અનુભવ થાય છે. તેનું સીધું કારણ એ છે કે શિક્ષણ વધ્યું છે, પણ તેનું મૂલ્ય ઘટ્યું છે. જ્ઞાન વગર પણ સંપત્તિને જોરે પ્રભાવ પાથરવાનું સરળ થઈ ગયું છે. શિક્ષિત હોવું ઘણીવાર બેકારીનું, નિરાશાનું, આપઘાતનું કારણ બને છે તે દુ:ખદ છે. પૂરતું ભણતર છતાં, યોગ્ય નોકરી નથી. એ જ કારણે યુવાનો દેશ છોડીને વિદેશને વ્હાલું કરી રહ્યા છે. સરકારને પણ ‘વિદેશ ગમન’ની ચિંતા હોય એવું લાગતું નથી. સરકારને બાહ્ય દેખાડા ને વૈશ્વિક ટાપટીપમાં જેટલો રસ છે, એટલો પાયાના પ્રશ્નોમાં નથી. યુવાનોને અહીં ભણતરની, નોકરીની, તકો આપવાને બદલે સરકાર તેનાં પ્રોજેક્ટોમાં વિદેશી રોકાણ અને નોકરીની સુવિધા પૂરી પાડે છે. દેશી, વિદેશી થઈ રહ્યા છે ને વિદેશી, દેશી ! તંત્રો એટલાં ભ્રષ્ટ છે કે યોગ્યને અયોગ્ય અને અયોગ્યને યોગ્ય તકો પૂરી પાડી રહ્યાં છે. આખા ય દેશમાં વિકાસ, વ્યવસ્થા અને વિજ્ઞાપનને મામલે અપ્રમાણિકતા ને ભ્રષ્ટતાએ આડો આંક વાળ્યો છે. કામ થાય છે, પણ થાય છે ત્યારે એ કામ કરાવનારને લૂંટાયાનો જ અનુભવ થાય છે ને એ વ્યાપક અને ઊંડા ભ્રષ્ટાચારનું પરિણામ છે.

આપણે શિક્ષણને ભોગે સંપત્તિઓનો મહિમા વધાર્યો એને કારણે સાચા શિક્ષિતો હાંસિયામાં ધકેલાયા ને ભ્રષ્ટાચારથી આગળ આવેલાઓએ સત્તા ને સંપત્તિ પર કબજો વધારવા માંડ્યો. રાજકારણ કેવળ સંપત્તિ શાસ્ત્રીઓનો જ વ્યવસાય બની રહ્યું. પૈસા હોય તો રાજકારણમાં આવો અને આવીને ખર્ચેલાં નાણાંનું અનેકગણું વળતર મેળવો. આવું ભ્રષ્ટાચારે શક્ય કરી આપ્યું. એને કારણે ઉચ્ચ શિક્ષણ પામેલાઓ હતાશ થયા. એમણે જોયું કે ઓછી પાત્રતાવાળો જાતિ, જ્ઞાતિ ને ભ્રષ્ટાચારથી આગળ, ઉચ્ચ સ્થાનોમાં બિરાજમાન છે. આજે ગુજરાતમાં યુનિવર્સિટીઓમાં બિરાજમાન કુલપતિઓ કરતાં વધુ પાત્રતાવાળા અધ્યાપકો સાધારણ નોકરી કૂટે છે ને ઉચ્ચ હોદ્દે રાજકીય વગ, ભ્રષ્ટાચાર અને સંપત્તિ આરામ ફરમાવે છે. નબળો મંત્રી તેની હાથ નીચેના કલેક્ટરો ને કમિશનરો સાથે કેવી રીતે વર્તે છે તે કોઇથી અજાણ્યું નથી.

ઓડિશાના આરોગ્ય મંત્રી દાસની બીજા એક એ.એસ.આઈ. દાસે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી છાતી પર ગોળી મારી હત્યા કરી નાખી. મંત્રી દાસ, ચાલુ વિધાનસભાએ પોર્ન ફિલ્મ જોતાં પકડાયેલા ને અઠવાડિયા માટે સસ્પેન્ડ પણ થયેલા, તો પોલીસ દાસને આ મામલે અણબનાવ થયેલો એવી શંકા પણ સેવાય છે. ટૂંકમાં, બંને પક્ષે ગરબડ છે. આવું અનેક જગ્યાએ હશે જ. કારણો અનેક હોઈ શકે છે, પણ આપણે શિક્ષણની ધરાર અવગણના કરી છે ને તેને ભોગે અનેક ભ્રષ્ટતાઓ ને વિકૃતિઓ પોષી છે. શિક્ષણમાં જ અનેક સ્તરે ભ્રષ્ટતા આચરાતી હોય અને એવાં ભ્રષ્ટ શિક્ષિતો પણ જ્યાં જાય ત્યાં ભ્રષ્ટતા ન આચરે તો જ આશ્ચર્ય થાય. લાખો રૂપિયા ખર્ચીને ડૉક્ટર કે એન્જિનિયર બનેલો વિદ્યાર્થી દયા દાનમાં તો ઓપરેશન ન કરે કે પુલ ન બાંધે. એ ભણતરમાં ખર્ચેલાં નાણાં તો વસૂલ કરશે જ ને ! એ પૈસા ખર્ચીને ભ્રષ્ટ રીતે જે તે ક્ષેત્રમાં પ્રવેશ્યો હોય તે પ્રમાણિકતાથી સેવા કરે એવું તો સપનું ય ન પડે. બધે જ બધું ભ્રષ્ટ છે એવું નથી, પણ હાલમાં તો આનું પ્રમાણ ચરમસીમાએ છે. આ બધાંમાં શિક્ષણની મજાક ઊડે છે. પૈસા હોય તો ગમે તે શિક્ષણ કે નોકરી પ્રાપ્ત કરી શકાય એ હદે ભ્રષ્ટતાઓ વિકસી છે. અરે ! ભણ્યા વગર પણ ભણેલાની કક્ષાના લાભ પૈસાને જોરે લેનારાઓનો તોટો નથી.

છેલ્લાં થોડાં વર્ષોમાં બાર બાર વખત ગુજરાતમાં જુદી જુદી નોકરીનાં પેપરો ફૂટે ને તેનું ભાન સરકારને છેક હવે થાય અને તે કાયદો કરવાનું વિચારે એની પણ કમાલ જ છેને ! હૈદ્રાબાદમાં છપાયેલું જુનિયર ક્લાર્કનું પેપર લાખોમાં વેચાય ને તે ખરીદાય પણ ને એ વેપલામાં સાડા નવ લાખ ઉમેદવારોના ઉજાગરા દાવ પર લાગે એ શરમજનક છે. એના પરથી એટલું ફલિત થાય છે કે કોઈ પણ પ્રકારની સાચી મહેનત કરતાં પૈસા વધુ મહત્ત્વના છે. પૈસા હોય તો પેપર ફોડી શકાય ને ફૂટેલું પેપર પણ એવી જ રીતે પૈસા ખર્ચીને, ગરીબ, લાચાર ને સાચાનું ભવિષ્ય ધૂળધાણી કરી શકે છે. ખોટી રીતે આગળ જવાના એટલા બધા માર્ગો પૈસાએ ખોલી આપ્યા છે કે પૈસા વેરતા જાવ ને ધારેલું પદ પ્રાપ્ત કરો. એક કાળે આવું ન હતું, હવે આવું જ છે. પૈસા હોય તો આ બધું સરળ છે. ઉપલે સ્તરે યોગ્ય સ્થાનો પર બેઠેલાં ભ્રષ્ટ ને જૂઠાં લોકોને કારણે આ બધું બને છે. એ કેવી રીતે શક્ય છે ને ક્યાં સુધી શક્ય છે એની એક કલ્પના કરી છે. આમ જ થાય છે એવું નથી, પણ એમ થતું જ નથી એવું પણ નથી –

એક બાપ તેનાં વેદિયા દીકરાને કહે છે કે નકામા ઉજાગરા કરીને વાંચવાનું બંધ કર, તો દીકરો મૂંઝાય છે કે પપ્પા ન વાંચવાનું કેમ કહે છે, તો બાપ ખુલાસો કરતાં કહે છે કે થોડા લાખ ખર્ચીને તે પેપર ફોડી લાવ્યો છે. તો દીકરો કહે છે કે પેપર હોય તો ય શું? એના જવાબો તો પરીક્ષામાં લખવા પડશેને. બાપે એનો રસ્તો પણ કાઢ્યો કે પૈસા આપતાં પેપર લખનારો પણ મળી ગયો છે. દીકરો એ વાતે ગૂંચવાય છે કે એ લહિયો ખોટા જવાબ લખશે તો નાપાસ તો પોતે થશે. પિતા કહે છે કે એ ચિંતા પણ છોડ. ખોટા જવાબના ખરા માર્કસ મૂકી આપનાર એક્ઝામિનર પોતે જ પૈસા લઈને એ કામ કરી આપશે. છોકરો કહે છે કે છેલ્લી ઘડીએ એ નામુકર ગયો તો મારી તો ડિગ્રી જાય. બાપ હસતાં હસતાં કહે છે કે ડોબા, વાંચવાનું બંધ કર. તને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટનું યુનિવર્સિટીનું સર્ટિફિકેટ છપાવી આપું, પછી છે કૈં? તો, દીકરો શંકાથી કહે છે કે એમ નકલી સર્ટિફિકેટથી નોકરી ન મળે. તો બાપ કહે છે કે આપણી પાસે એટલા પૈસા છે કે નોકરીએ બીજાઓને તું રાખીશ. દીકરો કહે છે – ના, મારે તો સ્વમાનથી જીવવું છે. તો બાપ કહે છે – તું જરૂર કલેકટર કે કમિશનર થઈશ. દીકરો ખુશ થાય છે તો બાપ, નિરાશ થતાં કહે છે, એનાં કરતાં તો મંત્રી થા. માનથી રહીશ અને સ્વમાની કલેકટર કે કમિશનરને એડીએ રાખીશ.

તો, આવી સ્થિતિ થઈ શકે છે. પૈસા હોય તો કોઈ પણ પદ પ્રાપ્ત કરી શકાય એમ છે. આ બધાં પદો એક કાળે યોગ્ય વ્યક્તિને અપાતાં, હવે એ પૈસા ખર્ચનારને મળે છે ને એ કૈં દાન નથી. એ તો અનેકગણું વસૂલી લેવા અંગેનું રોકાણ છે. અજ્ઞાન, ભ્રષ્ટતા, અસત્ય જેવું બધું જ સત્યમાં ફેરવી શકાય છે, જો પૈસા હોય તો ! એ શક્ય બન્યું છે, સંપત્તિને આપણે શિક્ષણની ઉપર મૂકી છે એટલે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 05 ફેબ્રુઆરી 2023

Loading

...102030...1,2071,2081,2091,210...1,2201,2301,240...

Search by

Opinion

  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 
  • સરકારનો અંધશ્રદ્ધા વિરોધી કાયદો ક્યારે જાગશે?
  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?
  • નામ બદલને સે ક્યા હોગા જબ તક નિયત નહિ બદલતી! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved