Opinion Magazine
Number of visits: 9667752
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બી.બી.સી. પર ઇન્કમટેક્સની કાર્યવાહીનો મુદ્દો ઉઠાવતા બ્રિટનના વિદેશમંત્રી જેમ્સ ક્લેવરી 

કૌશિક અમીન|Opinion - Opinion|15 March 2023

ભારત ડાયરી: 

જી-20ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ભારત આવેલા બ્રિટનના વિદેશ મંત્રીએ ગત મહિને બી.બી.સી.નાં ભારતીય કાર્યાલયો પર કરાયેલી આવકવેરા વિભાગની કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો.

બ્રિટનના વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરીએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી.

જેમ્સ ક્લેવરીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન સંબંધિત જાણકારી આપી.

ગત મહિને બી.બી.સી.નાં દિલ્હી અને મુંબઈસ્થિત કાર્યાલય પર આવકવેરા વિભાગે લગભગ ત્રણ દિવસ સુધી સર્વે કર્યો હતો.

જયશંકરે બ્રિટનના વિદેશ મંત્રીને કહ્યું કે જે કંપનીઓ ભારતમાં કામ કરી રહી છે, એણે ભારતના કાયદાનું પાલન કરવું પડશે.

તાજેતરમાં જ બી.બી.સી.એ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર એક ડૉક્યુમેન્ટરી પ્રસારિત કરી હતી. જેનું પ્રસારણ કોઈ પર રીતે ભારતમાં નહોતું કરાયું અને એ માત્ર બ્રિટનમાં રહેતા દર્શકો માટે જ રજૂ કરાઈ હતી.

ભારત સરકારે આ ડૉક્યુમેન્ટ્રીને ‘શત્રુત્રાપૂર્ણ દુષ્પ્રચાર’ ગણાવતાં ભારતમાં એને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. કેમ કે કેટલા ય લોકો આને ગેરકાયદે અપલૉડ કરીને સોશિયલ મીડિયા પર શૅર કરી રહ્યા હતા.

સર્વે દરમિયાન શું થયું હતું?

બી.બી.સી.ના દિલ્હી અને મુંબઈસ્થિત કાર્યાલયો પર આવકવેરા વિભાગે 14 ફેબ્રુઆરીએ સર્વે શરૂ કર્યો હતો.

આવકવેરા વિભાગે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આ ‘સર્વે’ એટલે કરવામાં આવ્યો છે કે જેથી સતત ચાલનારાં મીડિયા / ચેનલની ગતિવિધિઓને સુગમ બનાવી શકાય.

આ દરમિયાન કેટલા ય કલાકો સુધી બી.બી.સી.ના પત્રકારોને કામ કરવા ન દેવાયા. કેટલા ય પત્રકારો સાથે આવકવેરા વિભાગના કર્મચારીઓ અને પોલીસકર્મીઓએ ગેરવર્તન પણ કર્યું.

પત્રકારોનાં કમ્પ્યુટરોની ચકાસણી કરવામાં આવી અને તેમના ફોન મુકાવી દેવાયા તથા તેમની પાસેથી તેમની કામ કરવાની રીતની જાણકારી લેવામાં આવી. આ સાથે જ દિલ્હી કાર્લાયલમાં કામ કરી રહેલા પત્રકારોને આ સર્વે અંગે કંઈ પણ લખતાં અટકાવાયા.

સિનિયર એડિટરો દ્વારા સતત કહેવાયા બાદ જ્યારે કામ કરવા દેવાયા, ત્યારે પણ હિંદી અને અંગ્રેજીના પત્રકારોને ઘણા સમય સુધી કામ કરતા અટકાવાયા. આ બન્ને ભાષાના પત્રકારો જ્યારે પ્રસારણના સમયની નજીક પહોંચી ગયા હતા ત્યારે જ એમને કામ કરવાની મંજૂરી અપાઈ.

આવકવેરા વિભાગની આ કાર્યવાહીની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી ટીકા થઈ હતી.

ભારતમાં વિપક્ષી દળોના નેતાઓએ આ કાર્યવાહીને ‘પ્રેસની સ્વતંત્રતા પર હુમલો’ ગણાવ્યો હતો.

સતત ત્રણ દિવસ સુધી ચાલેલા આયકર વિભાગના સર્વે દરમિયાન બી.બી.સી. દેશ-દુનિયા સાથે જોડાયેલ અહેવાલો પોતાની ઑડિયન્સ સુધી પહોંચાડતું રહ્યું હતું.

બી.બી.સી.એ એમ પણ કહ્યું હતું કે “અમે ભરોસાપાત્ર, નિષ્પક્ષ, આંતરરાષ્ટ્રીય અને સ્વતંત્ર મીડિયા છે.

અમે અમારા એ સહકર્મીઓ અને પત્રકારો સાથે ખડેપગે છીએ. જે સતત આપ સુધી કોઈ પણ ભય કે પક્ષપાત વગર સમાચાર પહોંચાડતા રહેશે.”

બી.બી.સી. ડાયરેક્ટર–જનરલે મોકલ્યો ઈમેલ.

બી.બી.સી.ના ડાયરેક્ટર-જનરલ ટિમ ડેવીએ ભારતમાં સ્ટાફને એક ઈમેલ દ્વારા જણાવ્યું હતું કે બી.બી.સી. ડર કે પક્ષપાત રહિત રિપોર્ટિંગ કરતા અટકશે નહીં.

આવકવેરા અધિકારીઓ દ્વારા દિલ્હી અને મુંબઈમાં બી.બી.સી.ની ઑફિસમાં સર્ચ બાદ ડી.જી.એ સ્ટાફને આ સંદેશ આપ્યો હતો.

ટિમ ડેવીએ સ્ટાફનો તેમણે દાખવેલી હિંમત બદલ આભાર માન્યો અને કહ્યું કે નિષ્પક્ષપણે રિપોર્ટિંગ કરતાં વધુ મહત્ત્વનું કંઈ નથી.

ટિમ ડેવીએ જણાવ્યું હતું કે બી.બી.સી. સ્ટાફને તેમની કામગીરી અસરકારક અને સુરક્ષિત રીતે કરવામાં મદદ કરશે.

બી.બી.સી.ના ડાયરેક્ટર–જનરલ ટિમ ડેવી 

તેમણે ઈમેલમાં કહ્યું, “ક્ષમતા સાથે ડર કે પક્ષપાત રહિત રિપોર્ટિંગ કરવાથી વિશેષ આપણા માટે વધુ મહત્ત્વનું કંઈ નથી.”

“વિશ્વભરના આપણા દર્શકો પ્રત્યેનું આપણું કર્તવ્ય સ્વતંત્ર અને નિષ્પક્ષ પત્રકારત્વ દ્વારા સત્યને ઉજાગર કરવાનું છે અને શ્રેષ્ઠ સર્જનાત્મક સામગ્રીનું નિર્માણ અને વિતરણ કરવાનું છે.

આપણને આપણું કામ કરતા અટકાવી શકાશે નહીં.

“હું સ્પષ્ટ કહેવા માગું છું કે બી.બી.સી.નો કોઈ એજન્ડા નથી – આપણે હેતુને લઈને ચાલીએ છીએ. અને આપણો પ્રથમ જાહેર હેતુ લોકોને તેમની આસપાસની દુનિયાને સમજવા અને તેમની સાથે જોડાવવામાં મદદ કરવા માટે નિષ્પક્ષ સમાચાર અને માહિતી પ્રદાન કરવાનો છે.”

બ્રિટિશ રાજકારણીઓની ચિંતા

બ્રિટિશ લેબર પાર્ટીના નેતા ફેબિયન હૅમિલ્ટને ભારત સરકારની આ કાર્યવાહી અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું, “એવા લોકતાંત્રિક દેશો જ્યાં હકીકતમાં પ્રેસ પોતાનું કામ કરવા સ્વતંત્ર હોય, ત્યાં કારણ વગર ટીકાત્મક અવાજોને દબાવી શકાય નહીં અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની દરેક કિંમતે સુરક્ષા થવી જોઈએ.”

તેમણે કહ્યું, “જેથી ગયા અઠવાડિયે બી.બી.સી.ની ભારતસ્થિત ઓફિસોમાં દરોડા પડવા એ ચિંતાજનક બાબત છે, ભલેને તેનું સત્તાવાર કારણ કંઈપણ આપવામાં આવતું હોય. બી.બી.સી. વિશ્વભરમાં પોતાના ઉચ્ચ ગુણવત્તાસભર પત્રકારત્વ માટે જાણીતું છે અને તેને કોઈ પણ ભય વગર તેને યથાવત રાખવાની સ્વતંત્રતા હોવી જોઈએ.”

બ્રિટનની ડૅમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટીના સાંસદ જિમ શૅનને કહ્યું, “આપણે એ બાબતે બિલકુલ સ્પષ્ટ હોવું જોઈએ કે આ એક ધમકાવવાની કાર્યવાહી હતી. જે દેશના નેતાની ટીકાત્મક ડૉક્યુમૅન્ટરી પ્રસારિત થયા બાદ કરવામાં આવી હતી.”

“આ ડૉક્યુમૅન્ટરી પ્રસારિત થયા બાદ ભારતમાં તેનું સ્ક્રીનિંગ રોકવાના પૂરજોશમાં પ્રયાસ કરવામાં આવ્યા. સાથે જ મીડિયા અને પત્રકારોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર દમન ગુજારવામાં આવી રહ્યું છે. જ્યારે યુનિવર્સિટીઓમાં ભણતા વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે આ ડૉક્યુમૅન્ટરી જોવાનો પ્રયાસ કર્યો તો ડઝનબંધ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી. ઘણા વિદ્યાર્થીઓએ તો ઇન્ટરનેટ અને વીજળી વગર રહેવું પડ્યું હતું.”

“ભારત સરકારની આ કાર્યવાહીની પત્રકારો, માનવાધિકાર વકીલો અને ધાર્મિક અલ્પસંખ્યકો પર ગંભીર અસર પડી. આ દરોડા સાત દિવસ પહેલાં પાડવામાં આવ્યા હતા. તે પછીથી એફ.સી.ડી.ઓ. (ફૉરેન, કૉમનવેલ્થ અને ડૅવલપમેન્ટ ઑફિસ) તરફથી કંઈ કહેવાયું નથી અને સરકાર તરફથી પણ કોઈ નિવેદન જાહેર કરાયું નથી. શું મંત્રી મને અને આ સદનને જણાવી શકે છે કે સરકાર આ મામલે ભારતીય હાઇકમિશનને પ્રશ્નો કરવા બોલાવશે અથવા આ મામલે પોતાના સમકક્ષ સામે આ મુદ્દો ઉઠાવશે?”

લેબર પાર્ટીના ભારતીય મૂળના સાંસદ તનમનજીત સિંહ ઢેસીએ પણ આ મુદ્દે બ્રિટિશ સરકારને સવાલ પૂછ્યો હતો.

તેમણે કહ્યું, “બ્રિટનમાં આપણે પ્રેસની સ્વતંત્રતાને લઈને ઘણો ગર્વ અનુભવીએ છીએ, આપણે બી.બી.સી. અને અન્ય સન્માનિત મીડિયા સમૂહો તરફથી બ્રિટિશ સરકાર, તેમના વડા પ્રધાન અને વિપક્ષી દળોની જવાબદારી સુનિશ્ચિત કરવાથી ટેવાયેલા છે.”

“આ કારણે આપણામાંથી ઘણાં લોકો ચિંતિત હતા કારણ કે ભારત એક એવો દેશ છે જેની સાથે આપણે લોકતાંત્રિક અને પ્રેસ સ્વતંત્રતાનાં મૂલ્યો વહેંચીએ છીએ અને ત્યાંની સરકારે વડા પ્રધાનનાં પગલાંની ટીકા કરનારી ડૉક્યુમેન્ટરી રિલીઝ થયા બાદ બી.બી.સી.ની ઓફિસો પર દરોડા પાડવાનો નિર્ણય લીધો. એવામાં મંત્રીએ પોતાના સમકક્ષ સાથે શું વાત થઈ એ જણાવવું જોઈએ. જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે પત્રકાર કોઈ પણ ભય વગર કે કોઈને પણ ફાયદો પહોંચાડ્યા વગર પોતાનું કામ કરી શકે.”

ડૉક્યુમૅન્ટરી

બી.બી.સી.એ તાજેતરમાં જ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર એક ડૉક્યુમૅન્ટરી પ્રસારિત કરી હતી. જેનાં કેટલાંક સપ્તાહો બાદ દિલ્હી અને મુંબઈસ્થિત કાર્યાલયોની તપાસ કરાઈ. જો કે, આ ડૉક્યુમૅન્ટરી ભારતમાં પ્રસારિત કરવા માટે નહોતી.

આ ડૉક્યુમૅન્ટરી ગુજરાતનાં રમખાણો પર હતી. એ વખતે ભારતના વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા.

આ ડૉક્યુમૅન્ટરીમાં કેટલા ય લોકોએ ગુજરાતનાં રમખાણો દરમિયાન નરેન્દ્ર મોદીની ભૂમિકા પર પ્રશ્નો કર્યા હતા.

કેન્દ્ર સરકારે ડૉક્યુમૅન્ટરીને પ્રૉપેગૅન્ડા અને કૉલોનિયલ માનસિકતા ઉપરાંત ભારતવિરોધી ગણાવતાં ભારતમાં એના ઑનલાઇન શૅરિંગને બ્લૉક કરવાનો પ્રયાસ કર્યો હતો.

બી.બી.સી.એ કહ્યું હતું કે ભારત સરકારને આ ડૉક્યુમૅન્ટરી પર પોતાનો પક્ષ રાખવાની તક અપાઈ હતી. જો કે, સરકાર તરફથી કોઈ જવાબ નહોતો મળ્યો.

બી.બી.સી.નું કહેવું છે કે “આ ડૉક્યુમૅન્ટરી પર સંપૂર્ણ ગંભીરતા સાથે રિસર્સ કરવામાં આવ્યું, કેટલા ય અવાજો અને સાક્ષીઓને સામેલ કરવામાં આવ્યા અને વિશેષજ્ઞોનો મત લેવાયો તથા અમે ભા.જ.પ.ના લોકો સહિત કેટલા ય પ્રકારના વિચારોને પણ સામેલ કર્યા.”

દિલ્હીમાં પોલીસે આ ડૉક્યુમૅન્ટરીને જોવા માટે એકઠા થયેલા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.

જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય સહિત દેશની કેટલીય યુનિવર્સિટીઓમાં આ ડૉક્યુમૅન્ટરીને પ્રદર્શિત કરવામાં આવી હતી.

જો કે, કેટલીય જગ્યાએ પોલીસ અને વિશ્વવિદ્યાલયના તંત્રે એને રોકવાના પ્રયાસો કર્યા હતા.

સૌજન્ય : નોર્થ અમેરિકામાં વસતા વિચારશીલ અને કર્મશીલ માનવીઓનું પાક્ષિક “માનવ”; 01 માર્ચ 2023; પૃ. 12-15

Loading

સત્યો માંહેથી પ્રભુ ! પરમ અસત્યે તું લઈ જા!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|14 March 2023

રાજ ગોસ્વામી

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચન્દ્રચૂડે ભારતની એક ગંભીર વર્તમાન બીમારી તરફ ધ્યાન દોર્યું છે. આમ તો આપણને સૌને એ ખબર છે કે કારણ કે આપણે જ તેના સક્રીય હિસ્સેદાર છીએ, પરંતુ દેશની તંદુરસ્તીની ચિંતા કરવાનું અને તેના ઈલાજ અંગે વિચારવાનું જેમની ફરજમાં આવે છે તેવા દેશનાં બંધારણીય-બિનબંધારણીય ટોચનાં તંત્રોમાંથી એક ન્યાયતંત્રના વડા જ્યારે તેની નોંધ લે, ત્યારે એટલું તો સ્પષ્ટ છે કે તે દેશ માટે તે કેટલું અહિતકારી હશે કે તેમણે ખોંખારીને બોલવું પડ્યું.

જસ્ટિસ ચન્દ્રચૂડે, 3જી માર્ચે, દિલ્હીમાં અમેરિકન બાર એસોસિયેશનની ઇન્ડિયા કોન્ફરન્સ-2023ને સંબોધતાં કહ્યું હતું કે, “ભારતના લોકોમાં ધૈર્ય અને સહનશીલતા ઓછી થઇ ગઈ છે. આપણાથી ભિન્ન હોય તેવા દૃષ્ટિકોણને સ્વીકરવા આપણે તૈયાર નથી. સોશિયલ મીડિયાના જમાનામાં લોકોને તમારી વાત પસંદ ન આવે તો તેઓ તમને ટ્રોલ કરવાનું શરૂ કરી દે છે. અમે કશું પણ કરીએ – અને મારો વિશ્વાસ કરજો, જજ તરીકે અમે પણ એમાં બાકાત નથી – તમે કશું પણ કરો, તમારી સાથે સહમત ન હોય તેવા લોકો તમને ટ્રોલ કરે તેનું જોખમ હોય છે.”

તેમણે ટેકનોલોજીની નકારાત્મકતાને ઉજાગર કરતાં કહ્યું હતું કે ફેક ન્યૂઝના યુગમાં સત્ય શિકાર થઇ ગયું છે અને આપણી અંદર ઈન્સાનિયત પણ પાછળ રહી ગઈ છે. જ્યારે ભારતનું બંધારણ તૈયાર થતું હતું, ત્યારે કોઈને ખબર નહોતી કે માનવ સમાજ કેવી રીતે વિકસિત થશે. એક જૂઠી વાતને બીજના રૂપમાં જમીનમાં વાવવામાં આવે છે અને પછી તે એક એવી મોટી થિયરીમાં બદલાઈ જાય છે, જેને તર્કના આધારે તોળી ન શકાય. એટલા માટે કાનૂનને વિશ્વાસની ગ્લોબલ કરન્સી કહે છે.

ડી.વાય. ચન્દ્રચૂડ

લોકોમાં સહનશીલતાની કમી અને ફેક ન્યૂઝનું પ્રચલન એક જ સિક્કાની બે બાજુ છે. લોકો બીજાના દૃષ્ટિકોણ અથવા વાતને સમજવાને બદલે અસહમત થવા માટે વધુ આકરા એટલા માટે થાય છે કારણ તેમની પાસે ‘વૈકલ્પિક સત્ય’ મોજુદ છે. ટેકનોલોજીના કારણે આજે જેટલી તેજ ગતિએ સમાચારો દરેકના મોબાઈલ ફોનમાં પહોંચી જાય છે એટલી ઝડપથી આજે લોકોના મોબાઈલમાં ફેક ન્યૂઝ પણ આવી જાય છે. પરિણામે, આપણા સાર્વજનિક સંવાદમાં બે નેરેટિવ્સ ઊભાં થાય છે; એક જે અસલી ન્યૂઝ છે તે અને બીજું, જે અસલી ન્યૂઝને ફેક સાબિત કરવાનું કાઉન્ટર-નેરેટિવ છે તે. સત્યને આજે ખુદને સાબિત કરવા માટે મહેનત કરવી પડે છે કારણ કે ‘અસત્ય’ સત્યને ફેક સાબિત કરવા મથામણ કરી રહ્યું છે.

મજાની (?) વાત એ છે કે સાહેબ જ્યારે આ ભાષણ આપતા હતા ત્યારે જ બિહારના કામદારોને તમિલનાડુમાં હુમલા થઇ રહ્યા હોવાના ‘સમાચાર’ સોશિયલ મીડિયા પર (અને પછી મુખ્યધારાના અમુક મીડિયામાં) એટલા વાઈરલ થયા કે તમિલનાડુ પોલીસે વીડિયો જારી કરીને અપીલ કરવી પડી કે આ ફેક ન્યૂઝ છે અને જાણી જોઇને તેને ફેલાવામાં આવી રહ્યા છે. પોલીસે ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સામે ફરિયાદ પણ દાખલ કરી છે. બીજી બાજુ, બિહાર સરકાર પણ સચ્ચાઈ જાણવા મથી રહી હતી. 

1932માં કાલજયી નવલકથા ‘બ્રેવ ન્યુ વર્લ્ડ’ના પ્રકાશનના 26 વર્ષ પછી, આલ્ડસ હક્સલેએ ‘બ્રેવ ન્યુ વર્લ્ડ રીવિઝિટેડ’ નામની નોન-ફિક્શન નવલકથા લખી હતી. તેની પ્રસ્તાવનામાં તેમણે એક સરાસરી પણ ગહન નિરીક્ષણ કર્યું હતું, “જીવન મર્યાદિત છે અને માહિતીઓ અપરંપાર છે. કોઈની પાસે એટલો બધો સમય નથી.” આજે આપણે હક્સલેએ કલ્પેલા ઇન્ફોર્મેશન ઓવરલોડમાં જીવીએ છીએ. આજે, સરેરાશ વ્યક્તિ રોજ તેના ફોનને અંદાજે 2,600 વખત ચેક કરે છે, 20 ટેક્સ્ટ મેસેસિઝ મેળવે છે અને 183 મિનિટ ટી.વી. જુએ છે. દર મિનિટે 45,500 ટ્વિટસ થાય છે, 36,07,080 વખત ગૂગલ સર્ચ થાય છે, 46,740 ઇન્સ્ટગ્રામ પોસ્ટ થાય છે, રોજ 150 કરોડથી વધુ લોકો ફેસબુક પર કશુકને કશુક લખતા રહે છે. 

પરિણામ? આપણું અજ્ઞાન વધ્યું છે. જેટલો વધુ ડેટા આપણે ‘આરોગીએ’ છીએ, આપણા મગજ માટે તેને પ્રોસેસ કરવાનું એટલું જટિલ થતું જાય છે. જેટલી માહિતી વધે છે, તેમાંથી સાચી માહિતી છૂટી પાડવાનું અઘરું થતું જાય છે. આપણે જેટલું સાધારણત: દરેક બાબતો વિશે જાણીએ છીએ, વિશેષત: એ બાબતો વિશે કશું પણ સમજવાની બેન્ડવિથ મગજમાં ઓછી થતી જાય છે. 

વધુ પડતી માહિતી જોખમી છે, કારણ કે તે અંતત: વ્યર્થ સાબિત થાય છે. આપણી પાસે એ ક્ષમતા નથી કે ઉચિત અને અનુચિત, ઉપયોગી અને બિનઉપયોગી, સાચી અને ખોટી માહિતીને પારખી શકીએ. ફેક ન્યુઝ અને પૂર્વગ્રહિત વ્યૂઝનો ખડકલો થઈ રહ્યો છે, તેનું મૂળ કારણ ઈન્ફોર્મેશન ઓવરલોડ છે. તેની અસર આપણી માનસિક તંદુરસ્તી પર પડી રહી છે.

જૂઠને સત્યથી છૂટું નહીં પાડી શકવાની આ મજબૂરીના કારણે જ લોકો તેમની ખોટી અથવા મર્યાદિત સમજણને અંતિમ સત્ય માનીને તેનો પ્રચાર કરે છે. જૂઠ અને પરિચિતતા વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. જે પરિચિત હોય તે સત્ય બની જાય છે, અને જે અજાણ્યું છે તે જૂઠ નજર આવે છે. જોસેફ ગોબ્બેલ્સ ભલે એવું કહેવા માટે બદનામ હોય કે, “જૂઠને વારંવાર દોહરાવો તો તે સત્ય બની જાય છે,” પણ આપણે સૌ આ જ માનસિકતાના શિકાર છીએ. એક જૂઠને વારંવાર રિપીટ કરવામાં આવે, તો લોકોને તે પરિચિત થઈ જાય છે અને એટલે તેને સત્ય માની લેવાની સંભાવના વધી જાય છે. આપણું મગજ વારંવાર એકની એક વાત સાંભળે, તો તેને હકીકત તરીકે સ્વીકારતું થઈ જાય છે. આને આભાસી સત્ય કહે છે. 

પરિચિતતા આપણી વિચારપ્રક્રિયાને દૂષિત કરે છે. આપણું મગજ અપરિચિત ચીજથી દૂર ભાગે છે, કારણ કે તે જોખમી લાગે છે, અને પરિચિત ચીજ સાથે ઘરોબો કેળવી લે છે, કારણ કે તે સલામત લાગે છે. કોઈ પણ ચીજને પસંદ કરવાની પહેલી શરત તેની પરિચિતતા છે. એટલા માટે લોકોને જૂઠ પણ પસંદ પડે છે, કારણ કે તે પરિચિત છે. રાજકારણીઓ એટલે સફળ થાય છે. આધુનિક એડવર્ટાઈઝમેન્ટ અને માર્કેટિંગ આ માનસિકતા પર જ સફળ રહે છે. ફેક ન્યૂઝ અને પ્રોપેગેંડા એટલે જ તાકાતવર હોય છે.

જે દેશમાં સ્યૂડો-સાયન્સ, ફેક ન્યૂઝ અને અંદરોઅંદરની નફરત રાષ્ટ્રીય નીતિ બની રહી હોય, તે દેશમાં ગમે તેટલું અને ગમે તેવું શિક્ષણ લઈને ઉછેરલી વ્યક્તિ સમાજને બહેતર બનાવવામાં શું યોગદાન આપવાની હતી! જીવનની વ્યવહારિકતાથી વધીને શિક્ષણની ઉપયોગિતા શું હોય! તમે ગણિત, મિકેનિક્સ કે મેડિકલની ટેકનિક ભણાવી શકો, પણ પ્રમાણિકતા કેવી રીતે ભણાવી શકો? તમે લોકોને ક્લાસરૂમમાં નૈતિકતા કેવી રીતે શીખવાડી શકો? લોભી, સ્વાર્થી અને મહત્ત્વાકાંક્ષી સમાજમાં તમે એક વિધાર્થીને ઉદારતા, નિઃસ્વાર્થ અને સંતોષના ગુણ કેવી રીતે ભણાવી શકો? આ બધું તો સમાજના ક્લાસરૂમમાં શીખવા મળે છે. એટલા માટે થિયરીઓ ભણીને બહાર પડેલા લોકો સમાજના પ્રેક્ટિકલ પાઠ ભણીને ન્યુરોટિક બની જાય છે.

આ જ મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચન્દ્રચૂડે ગયા વર્ષે પણ આ જ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જસ્ટિસ એમ.સી. ચાગલા સ્મૃતિ વ્યાખ્યાનમાળામાં કહ્યું હતું કે, “આપણે પોસ્ટ-ટ્રુથની દુનિયામાં જીવીએ છીએ. ફેક ન્યૂઝ વધી રહ્યા છે. રાજકીય કે આર્થિક પ્રભાવોથી મુક્ત પ્રેસની જરૂર છે, જે આપણને તટસ્થ માહિતી આપે. સચ્ચાઈ માટે આપણે સ્ટેટ પર નિર્ભર રહેવું ન જોઈએ. આપણે એવી દુનિયામાં જીવીએ છીએ જે ઉત્તરોત્તર સામાજિક, આર્થિક અને ધાર્મિક સીમાઓમાં વિભાજીત થઈ રહી છે. સત્યનું ધ્રુવીકરણ ‘તમારા સત્ય વિરુદ્ધ મારું સત્ય’ તરફ લઇ જઈ રહ્યું છે. આપણે એ જ અખબારો વાંચીએ છીએ જે આપણી માન્યતાઓને મળતાં આવતાં હોય. આપણાથી જુદો અભિપ્રાય સાંભળીને આપણે ટી.વી.ને મ્યૂટ કરી દઈએ છીએ. આપણે સાચા હોવા પર જેટલો ભાર મૂકીએ છીએ તેટલો ભાર સત્ય જાણવા પર નથી મુકતા.”

અગાઉ ગૂગલમાં કામ કરી ચુકેલા અને સિલિકોન વેલીનો ડાહ્યો અવાજ કહેવાતા ટ્રીસ્ટાન હેરીસ કહે છે, “ટેકનોલોજીએ આપણા પર મૂઠ મારી છે. સોશ્યલ મીડિયા એપ્સ લોકોની અંદરનું સારાપણું અને વિકૃતિ બંને બહાર લાવે છે. એપ્સ ફ્રી પ્રોડક્ટ છે તેનો અર્થ એ થયો કે તમે જ પ્રોડક્ટ બની ગયા છો અને અલગોરિધમ તમને વાપરી રહ્યું છે. આપણું એટેન્શન એક પ્રોડક્ટ છે અને વિજ્ઞાપનદાતાઓને તે વેચવામાં આવી રહ્યું છે. આપણે કોણ છીએ, શું કરીએ છીએ અને શું વિચારીએ છીએ તેને ટેકનોલોજી સતત નિયંત્રિત કરી રહી છે.”

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”, 12 માર્ચ 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ટ્રસ્ટીઓ અને સરકાર ગાંધી વિચારધારા આધારિત સંસ્થાઓના આંતરિક વિસ્ફોટ માટે કારણભૂત 

લેખક : તુષાર ગાંધી • અનુવાદક : આશા બુચ|Gandhiana|13 March 2023

“‘ગાંધીવાદ’ જો કોઈ ક્ષતિના પાયા પર ઊભો હોય તો એ ભલે નષ્ટ થઈ જાય. સત્ય અને અહિંસા કદી નષ્ટ નહીં થાય; પરંતુ જો ‘ગાંધીવાદ’ એ જો સાંપ્રદાયિકતાનું બીજું નામ હોય તો એ નાશ કરવાને પાત્ર છે. જો મારા મૃત્યુ બાદ મને જાણ થાય કે હું જે માન્યતાઓ ધરાવતો હતો તેનું સાંપ્રદાયિકતામાં અધઃપતન થઈ ગયું તો મને અત્યંત ખેદ થશે.” 

− એમ.કે. ગાંધી

‘હરિજન’, માર્ચ 2, 1940

વિકિપીડિયામાં સાંપ્રદાયિકતાની વ્યાખ્યા આ મુજબ કરવામાં આવી છે : “… સમાજના બે જૂથો વચ્ચે રાજકીય અથવા સાંસ્કૃતિક ઘર્ષણ કે જે મહદ્દ અંશે તેઓ જે પ્રકારની સરકાર હેઠળ જીવતા હોય છે તેની સાથે સંબંધ ધરાવતું હોય છે.” કોઈ સંગઠનના સંદર્ભમાં એવો અર્થ હોઈ શકે કે કેવા વિચારો ધરાવતી વ્યક્તિ કે સમૂહ તેની આગેવાની કરતા હોય અને તેમાં અંદરોઅંદર કેવી પક્ષાપક્ષીની અથડામણ હોય તેના પર સાંપ્રદાયિકતાનો આધાર રહે.

તુષાર ગાંધી

બાપુએ ઘણાં સંગઠનો અને સંસ્થાઓની સ્થાપના કરેલી, અને તેમના આદર્શોના ઘણા પાસાઓ તેમાં પાંગર્યા અને અમલમાં મુકાયેલા. બાપુએ ડર્બન – દક્ષિણ આફિકાની કોલોની નતાલ નજીક તેમના સૌ પ્રથમ ફિનિક્સ આશ્રમની સ્થાપના કરી તેમાંથી આ બધાંની શરૂઆત થઇ. આ સ્થળે તેમના ટકાઉ, સ્વાશ્રયી, કરકસર ભર્યા અને સાદું સમૂહ જીવન જીવવાના વિચારો વિકસ્યા અને પોતાની અસહકારની પદ્ધતિને આખરી ઓપ આપ્યો. સત્યાગ્રહની વિભાવનાનો જન્મ અહીં થયો. આ એ જ સ્થળ છે જ્યાં તેમણે જે સમાજ માટે તેઓ કાર્ય કરી રહ્યા હતા, તેની સાથે સંવાદ રચવા પ્રથમ સાપ્તાહિક ‘ઇન્ડિયન ઓપિનિયન’નું સંપાદન અને પ્રકાશન શરૂ કર્યું.

થોડા સમય બાદ જોહાનિસબર્ગ પાસે તેમના મિત્ર હર્મન કેલનબેકની માલિકીની જમીન પર એક કામચલાઉ આશ્રમની સ્થાપના કરી. એ વિશેષ કરીને સત્યાગ્રહની છાવણી હતી, તેથી સત્યાગ્રહ પૂરો થવાથી તેનું વિસર્જન કરવામાં આવેલું.

જ્યારે કસ્તૂરબા અને બાપુ 1914માં દક્ષિણ આફ્રિકા છોડીને ભારત આવવા રવાનાં થયાં ત્યારે તેમનો પ્રથમ આશ્રમ કે જે ફિનિક્સ આશ્રમ તરીકે ઓળખાય છે તે ચાલુ રહ્યો અને એ સમુદાયના લોકો ત્યાં રહીને કાર્યરત રહ્યા. આશ્રમનું સંચાલન કરવા અને તેમાં રહેનારા આશ્રમવાસીઓ માટે વહીવટ પૂરો પાડવા માટે વ્યક્તિની નિમણૂંક કરવામાં તથા ‘ઇન્ડિયન ઓપિનિયન’નું સંપાદન કરીને છાપવાની જવાબદારી સંભાળી શકે તેવા લોકોની નિયુક્તિ કરવાના પ્રયાસોમાં નિષ્ફળ ગયા પછી બાપુએ પોતાના પુત્ર રામદાસ અને બાદમાં મારા દાદાજી મણિલાલને એ તમામ વહીવટ કરવા મોકલ્યા. મણિલાલ તેમનાં પત્ની સુશીલાને સાથે લઇ ગયા અને તેમના ત્રણ સંતાનોનો જન્મ અને ઉછેર ત્યાં થયો. મણિલાલે ફિનિક્સ અને ‘ઇન્ડિયન ઓપિનિયન’નું સંચાલન 1955માં અંતિમ શ્વાસ લીધા ત્યાં સુધી સંભાળ્યું. ત્યાર બાદ તેમનાં પત્ની, મારાં દાદીજી સુશીલાએ ફિનિક્સનો વહીવટ સંભાળ્યો અને ‘ઇન્ડિયન ઓપિનિયન’નું પ્રકાશન પાંચ વર્ષ સુધી ચાલુ રાખ્યું.

ફિનિક્સ એક ટ્રસ્ટના નેજા હેઠળ કાર્યરત રહેતું, પરંતુ મણિલાલ અને સુશીલા કાયમ તેના સુકાની રહ્યાં. તેઓએ એ કાર્ય અગાધ પ્રેમ અને નિષ્ઠાથી કર્યું. જ્યારે રંગભેદની નીતિ અનુસરતા રાજ્યતંત્રએ જાતીય રમખાણોને પ્રોત્સાહન આપ્યું અને આશ્રમનો કબજો લઈને ખેદાનમેદાન કરી નાખ્યો, ત્યારે મારાં દાદીજી ભારતમાં હતાં. તે વખતે મારાં દાદીજીએ જીવન જીવવાની આશા છોડી દીધી તેનો હું સાક્ષી બન્યો, તેમની આંખોનું નૂર ઉડી ગયું. થોડા સમય પછી ફિનિક્સનો કેટલોક ભાગ ફરી બાંધવામાં આવ્યો, પરંતુ ત્યારે મારાં દાદીજી આ દુનિયા છોડી ગયેલાં.

પહેલાં મારાં ફોઈ ઇલાબહેનના પતિ મેવાલાલે ટ્રસ્ટની આગેવાની સંભાળી, અને ત્યાર બાદ ખુદ ઇલાબહેને સુકાન સંભાળ્યું. આજે અન્ય ટ્રસ્ટીઓ સાથે મળીને તેઓ હાલમાં ઘણો નાનો રહ્યો છે તેવા આશ્રમમાં તેની આસપાસના ખૂબ ગરીબ લોકોના લાભાર્થે અદ્દભુત કાર્યો કરી રહ્યાં છે.

બાપુએ ખરીદેલી મોટા ભાગની જમીન અમે ગુમાવી, પરંતુ એ સંસ્થા ટકી રહી છે, અને પૂરેપૂરી કાર્યરત છે. ત્યાં કોઈ પ્રકારની લડાઈ નથી, કોઈ સ્પર્ધા નથી, કે ફિનિક્સમાં કોઈ સંપ્રદાયિક વલણ અસ્તિત્વ નથી ધરાવતું.

સંસ્થાઓનો વારસો

ભારત પરત થયા બાદ બાપુએ અમદાવાદ ખાતે કોચરબમાં એક ભાડાના બંગલામાં પ્રથમ આશ્રમ સ્થાપ્યો, જ્યાં ફિનિક્સથી પોતાની સાથે આવેલા સાથીઓ અને અને અન્ય જેઓ તેમની જીવન રીતિ સાથે સહમત થયા તેમની એક વસાહત ઊભી કરી. તેમના પરિવારના કેટલાક સભ્યો પણ તેમાં જોડાયા. જ્યારે તેઓએ અછૂત ગણાતા પરિવારને આશ્રમમાં દાખલ કર્યા ત્યારે મુશ્કેલી ઊભી થઈ, આશ્રમમાં ઘણા લોકોએ બળવો પણ કર્યો. તેઓને પાસ પાડોશીઓ તરફથી બહિષ્કાર પણ સહેવો પડ્યો.

બાપુને અહેસાસ થયો કે તેઓ શહેરમાં રહીને પોતાના સર્વેને સમાવીને કરુણા ભર્યા જીવન જીવવાના પ્રયોગો નહીં કરી શકે; તેથી તેમણે શહેરની સામી બાજુએ સાબરમતીને કાંઠે જમીન ખરીદી. અહીં તેમણે સાબરમતી આશ્રમની સ્થાપના કરી. જુદા જુદા તબક્કે એ વિવિધ નામથી ઓળખાતો : હરિજન આશ્રમ, સત્યાગ્રહ આશ્રમ, અને હવે ગાંધી આશ્રમ. બાપુએ તેના વહીવટ માટે એક ટ્રસ્ટ બનાવ્યું અને અહીંથી જ તેમણે ‘નવજીવન’ની શરૂઆત કરી, કે જે મૂળથી એક સામાયિક હતું, પરંતુ સમય જતાં પ્રકાશન કેન્દ્ર બન્યું જેમાં બાપુ લેખો લખતા. તેમણે ગ્રામસેવકો અને સત્યાગ્રહીઓને તાલીમ આપવા માટે રાષ્ટ્રીય શિક્ષણ આપતી ગૂજરાત વિદ્યાપીઠની પણ સ્થાપના કરી. ઉપરાંત આશ્રમ અને તેની આસપાસ રહેતા લોકોનાં સંતાનો માટે પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણની શાળાઓ પણ સ્થાપી. તેમણે એ શાળાઓમાં અછૂતોને પણ પ્રવેશ આપ્યો, ફરી બહિષ્કારનો સામનો કરવો પડ્યો, પણ તેઓએ મચક ન આપી.

આમાંની મોટા ભાગની સંસ્થાઓ બચવા પામી છે. બાપુ 1930માં ઐતિહાસિક દાંડી માર્ચ સમયે ભારતની પ્રજા માટે સ્વતંત્રતા લીધા વિના પાછો નહીં આવું, એવી પ્રતિજ્ઞા લઈને આશ્રમ છોડી ગયા, ત્યાર બાદ પણ સાબરમતી આશ્રમ ચાલુ રહ્યો.

અમદાવાદમાં બાપુએ ભારતના સૌ પ્રથમ મજદૂર સંઘ મજૂર મહાજનની પણ સ્થાપના કરી, જે પ્રારંભે તો કાપડ ઉદ્યોગના મજૂરો માટે હતી, પણ પછી બધા કામદારોનું પ્રતિનિધિત્વ કરનાર બન્યું. હજુ તેની હસ્તી છે ખરી, પણ તે હવે કાર્યરત નથી. એક ટ્રસ્ટ એ જાહેર સંસ્થાની અસ્કયામતોની માત્ર એક રખેવાળ તરીકે જાળવણી કરે છે.

સાબરમતી આશ્રમ છોડ્યા બાદ બાપુએ વર્ધામાં પોતાના આદર્શોના મૂર્તિમંત સ્વરૂપ સમું તેમનું અને બાનું છેલ્લું ઘર બનાવ્યું. બાપુએ એમના સ્વપ્નનું ગ્રામ સ્વરાજ કે જે સ્વ નિર્ભર, સ્વાશ્રયી, અને ઉત્પાદક ઉદ્યોગો ધરાવતા ગામડાંઓનું બનેલું હોય એવા સેવાગ્રામ આશ્રમની સ્થાપના કરતા પહેલાં ઘણા વર્ષો બ્રિટિશ રાજના કેદી તરીકે જેલમાં વિતાવ્યા. તેમના પાયાની કેળવણી, બુનિયાદી તાલીમ અથવા નઈ તાલીમના વિચારો આ સ્થળે આકાર પામ્યા અને વિશિષ્ટ કાર્યો કરતાં સંલગ્ન આશ્રમોની પણ અહીંથી શરૂઆત થઇ. તેમણે રાષ્ટ્રભાષા પ્રચાર, હરિજન સેવક સંઘ અને સર્વ સેવા સંઘનાં પણ અહીં જ મંડાણ કર્યાં.

આંતરિક સડો

વર્તમાન સમયમાં બાપુ દ્વારા સ્થપાયેલી સંસ્થાઓની જે હાલત છે તે જોતા એ સંસ્થાઓનો ઇતિહાસ હું ભારે હૃદય અને અત્યંત નિરાશાની લાગણીથી લખી રહ્યો છું.

બાપુ સાબરમતી આશ્રમ છોડીને ગયા ત્યાર બાદ પણ સક્રિય રીતે ચાલતો રહ્યો. 1930 પછી અલગ અલગ સંસ્થાઓ સ્થપાઈ અને આશ્રમની જવાબદારી જુદા જુદા સમયે તે સંસ્થાઓને સોંપાતી રહી; પરિણામે એ સમગ્ર આશ્રમના ખરા રખેવાળ કોણ હતા એ વિષે અસ્પષ્ટતા રહી. બાપુએ એ આશ્રમ હરિજન સેવક સંઘને સોંપી દીધેલો અને તેઓ જ તેના કાયદેસરના રખેવાળ રહેવા જોઈતા હતા. પરંતુ હરિજન સેવક સંઘ તો અસ્તવ્યસ્ત થઇ ગયો છે, તેમાં તડાં પડ્યાં, મોટા ભાગના પક્ષો નિષ્ક્રિય થઈ ગયા, અથવા અંદરોઅંદર લડવા લાગ્યા. હાલની સરકારે આનો લાભ લીધો અને સાબરમતી આશ્રમનો કબજો લઇ લેવાની અણી પર છે. ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓ એક્ય સાધવા અને સરકારી હસ્તક્ષેપનો સામનો કરવા જેવી બાબતો પર તકરાર કરવામાં વ્યસ્ત છે.

નવજીવન જ્યારે વંશ પરંપરાગત ચાલતી આવેલી પારિવારિક વારસાની મિલકત બની ત્યારથી આપણે તેને ગુમાવ્યું. જીતેન્દ્ર દેસાઈએ ઘણાં વર્ષો સુધી નવજીવનનો કાર્યભાર સંભાળ્યો, પરંતુ તેમના અંતિમ વર્ષોમાં તેમણે ખાતરી કરી કે તેમના પુત્રની એમની જગ્યાએ નિમણૂંક થાય. બહુ થોડા સમયમાં બાપુએ સ્થાપેલી બીજી સંસ્થા ખાનગી જાગીર બની ગઈ. આજે એ નફો ઉપજાવે તેવી જંગમ મિલકત બની ગઇ છે જેનો હાલના ઉપરી પૂરેપૂરો લાભ ઉઠાવે છે. બાપુએ નવજીવનની સ્થાપના સહુને પરવડે તેવું સાહિત્ય છાપવા અને પ્રકાશિત કરવા કરેલી, પણ આજે એ મોંઘુ અને કોફી ટેબલ પર શોભે તેવું સાહિત્ય છાપે છે જેને બાપુ જે વારસો આપી ગયા છે તેની સાથે કશો સંબંધ નથી.

હવે સાબરમતી આપણા હાથમાંથી જવા બેઠું છે.

આપણે ગૂજરાત વિદ્યાપીઠ ગુમાવી તે પક્ષાપક્ષી અને ટ્રસ્ટીઓના લોભ અને લાલસાને લીધે. હવે તેનું નેતૃત્વ રાષ્ટ્રીય સેવક સંઘના આદર્શોને અનુસરનારા પાસે છે અને ધીમે ધીમે સંઘી અને તેમના મળતિયાઓ તેમાં પેસવા લાગ્યા છે.

ગાંધી સ્મારક નિધિ પક્ષાપક્ષીથી ભરપૂર છે. મોટા ભાગના રાજ્યોની સ્થાનિક સંસ્થાઓ કે જે વિકેન્દ્રિત સંગઠન બની રહીને ગાંધીજીની દેણગીનો પ્રચાર કરી શકે તે હેતુથી મૂળ સંસ્થાથી અલગ કરવામાં આવી હતી, તેની સામે ગાંધી સ્મારક નિધિને અથડામણ ચાલ્યા કરે છે. રાજઘાટ અને ગાંધી સ્મારક નિધિ હાલની સરકારના મજબૂત કબજા હેઠળ છે અને ગાંધીના વારસાને ગુમાવી બેઠા છે.

દિલ્હી સ્થિત ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન પણ પક્ષાપક્ષીમાં ગૂંચવાયેલ છે.

સેવાગ્રામની દુઃખદ ઘટના :

સેવાગ્રામ સ્પર્ધાત્મક વલણથી ધમધમે છે. થોડા અઠવાડિયા પહેલાં તેની 75માં સ્થાપના દિન નિમિત્તે મને ત્યાં જવાનું આમંત્રણ મળેલું. એ ઉજવણીના દિવસની આગલી સાંજે હું ત્યાં પહોંચ્યો ત્યારે ‘ગાંધીયન’ લોકોથી એ આશ્રમ ઉભરાતો હતો. મને જે પ્રકારનો આવકાર મળ્યો તેનાથી મને આઘાત લાગ્યો; થોડી જ મિનિટોમાં ગાંધીવાદી લોકો મને ઘેરી વળ્યા, જેમાંના દરેક પોતે જ સેવાગ્રામના ખરા રખેવાળ અને વારસ છે તેવો દાવો કરતા હતા. દરેક જૂથ એક વિભાગ પર અંકુશ ધરાવતો હતો અને એ દરેક જૂથ પોતે જ સેવાગ્રામના કાયદેસરના હકદાર છે તેવો દાવો કરતા હતા. દરેક જૂથે આગ્રહ રાખ્યો કે બીજે દિવસે તેમણે પોતે આયોજિત કરેલા ઉત્સવમાં હું ભાગ લઉં. બીજે દિવસે વહેલી સવારથી મને આશ્રમના એક ખૂણાથી બીજા ખૂણા સુધી ઘસડાવામાં આવ્યો. આશ્રમના દરેક વિભાગ સાથે સ્થાપના દિનની ઉજવણી કરવા મને ખેંચી જવામાં આવ્યો. દરેક સ્થળે ત્યાંનું સંચાલન કરતો પક્ષ બીજાની બદબોઈ કરતો હતો અને અન્ય પક્ષ છેતરપિંડી કરનારા અને જબરદસ્તીથી સત્તા અને મિલકત ઝુંટવી લેનારા છે એવો આક્ષેપ કરતા હતા. મને આવા આઠેક સ્થાનોએ ઘસડી જવામાં આવ્યો.

એકબીજા પ્રત્યેની નફરત અને ઝેર ભય પમાડે તેવા અને ઘૃણાસ્પદ હતા. તે સાંજે મેં એકઠા થયેલા લોકોને કહ્યું, એ હકીકત શરમજનક છે કે અહીં એકઠા થયેલા લોકોને જો કોઈ શસ્ત્રો વહેંચે તો અહીં રક્તપાત થાય. મેં જે કહ્યું તે કોઈને પસંદ ન આવ્યું, પણ મને તેની કોઈ પરવા નહોતી. એ લોકોએ સત્ય સંભાળવું જ પડે તેમ હતું.

આજે સેવગ્રામને શરમજનક ઘટનાઓના સાક્ષી થવું પડ્યું છે; એક મિટિંગ હિંસક વળાંક લઇ લે તેવી હાલત ઊભી થવાથી પોલીસે તેમાં હસ્તક્ષેપ કરવો પડ્યો. દરેક પક્ષે એકબીજા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી. હવે તો ટ્રસ્ટ વિધિવત્‌ બે ભાગમાં વહેંચાઈ ગયું – હવે બે પ્રેસિડેન્ટ અને બે બોર્ડ છે, એક સેવાગ્રામથી કામ કરે છે, બીજું વારાણસીથી.

ગાંધીવાદી સંગઠનોમાં રાજકારણ ઘણું વિષાક્ત છે. તેમાં એક પણ સંગઠન સાંપ્રદાયિક ઝઘડાથી બચવા નથી પામ્યું. બાપુ આ સ્થિતિથી અત્યંત દુઃખ પામ્યા હોત. બાપુની નિર્વાણ તિથિ નજદીક આવી રહી છે, ત્યારે મને વિચાર આવ્યા વિના નથી રહેતો કે નાથુરામ ગોડસેની ત્રણ ગોળીથી તેમને એટલું દર્દ ન થયું હોત જેટલું કહેવાતા ગાંધીવાદી લોકો દ્વારા રોજ ઊઠીને તેમના આદર્શોનો થતો દ્રોહ અને તેમની વિચારસરણીમાં પેઠેલા ભ્રષ્ટાચારથી વેદના થાત. બાપુ, તમે એ લોકોને ક્ષમા આપો, કેમ કે તેઓ જાણે છે પોતે શું કરે છે – તમારા વારસાનું ખૂન કરે છે.

[પ્રગટ : જાન્યુઆરી 23, 2023 – “All India Matters”]
e.mail : 71abuch@gmail.com

Loading

...102030...1,2061,2071,2081,209...1,2201,2301,240...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved