Opinion Magazine
Number of visits: 9567578
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સિસ્ટમ જજોની જ બનેલી હતી અને જજોએ જ તેને નિષ્ફળ બનાવી

રમેશ ઓઝા|Opinion - Opinion|12 February 2023

રમેશ ઓઝા

બંધારણ દ્વારા નિર્મિત ભારતીય રાષ્ટ્રને જો બચાવી રાખવું હોય તો બંધારણનું રક્ષણ જરૂરી છે અને બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી મુખ્યત્વે સર્વોચ્ચ અદાલતની છે. ઇન્દિરા ગાંધીની સરકારે જ્યારે બંધારણના મૂળભૂત માળખા પર કુઠારાઘાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સર્વોચ્ચ અદાલતે બંધારણના મૂળભૂત માળખાને હાથ લગાડવાનો સરકારને કે લોકપ્રતિનિધિઓને અધિકાર નથી એમ કહીને બંધારણને અને બંધારણીય રાષ્ટ્રને બચાવી લીધું હતું. પણ એ શકવર્તી ચુકાદો ત્યારે, એટલે કે આઝાદીનાં આંદોલનનાં મૂલ્યો હજુ જાહેરજીવનમાં અસ્તિત્વ અને પ્રભાવ ધરાવતાં હતાં, સ્વાતંત્ર્ય સૈનિકો હજુ હયાત હતા, નાગરિક સમાજ સાબદો હતો ત્યારે ૧૯૭૩ની સાલમાં પણ માત્ર એક જજની જ બહુમતી ધરાવતો હતો. ૧૩ ન્યાયમૂર્તિઓની બેંચમાંથી સાત ન્યાયમૂર્તિઓએ બહુમતી ચુકાદો આપીને બંધારણને અને બંધારણીય રાષ્ટ્રને બચાવી લીધાં હતાં. આનો અર્થ એ થયો કે એકની બહુમતી બેની લઘુમતીમાં ફેરવી શકાય છે એ હકીકત શાસકોને સમજાઈ ગઈ. જરૂરિયાત માત્ર એટલી જ છે કે અનુકૂળ જજોને સર્વોચ્ચ અદાલતમાં બેસાડવામાં આવે. જો ૧૯૭૦ના દાયકામાં અનુકૂળ જજો મળતા હોય તો અત્યારે તો એ સાવ સહેલું છે. જો પત્રકારો, વિદ્વાનો, માસ્તરો બજારમાં પોતાની જાતને વેચતા હોય તો જજ કેમ વેચાતા ન મળે?

જો ૧૯૭૩નો કેશવાનંદ ભારતી કેસમાં આપવામાં આવેલો ચુકાદો સર્વાનુમતનો કે પછી દસ સામે ત્રણ જજોનો પ્રચંડ બહુમતીવાળો હોત તો? તો કદાચ આજનો દિવસ જોવાનો ન આવ્યો હોત. પણ જો અને તો નો કોઈ મતલબ નથી. વાસ્તવિકતા એ છે કે ૧૯૭૩થી સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે જજોની નિયુક્તિને લઈને અથડામણ ચાલે છે. સરકારને સમજાઈ ગયું કે ન્યાયતંત્ર એટલું સાબદું નથી જેટલું હોવું જોઈએ અને જજો એટલા પવિત્ર નથી જેટલા હોવા જોઈએ. ન્યાયતંત્રને પણ આ વાત સમજાઈ ગઈ કે આપણું ઘર એટલું ચોખ્ખું નથી જેટલું હોવું જોઈએ અને સર્વોચ્ચ અદાલત સુધી જે જજો પહોંચે છે એમાંના મોટી સંખ્યામાં જજો ઊંડી બંધારણીય સમજ, નિસ્બત, કુવત અને પ્રામાણિકતાની એરણે ચકાસો તો નબળા છે. ૧૯૮૯ પછીથી કેન્દ્રમાં મિશ્ર સરકારો આવવા માંડી અને કેન્દ્ર નબળું પડ્યું. સર્વોચ્ચ અદાલતે તક જોઇને સરકાર સામે આક્રમક વલણ અપનાવવા લાગ્યું અને એક પછી એક બે ચુકાદા આપીને જજોની નિયુક્તિનો અધિકાર પોતાની પાસે એટલે કે ન્યાયતંત્ર દ્વારા રચવામાં આવનારા કોલેજિયમ દ્વારા લઈ લીધો.

હવે બન્યું એવું કે કેટલાક જજો સરકારની લાચારી જોઇને પોતાની તાકાત બતાવવા ગમે તેવા, સરકારને અડચણમાં મૂકે એવા અને કેટલીકવાર તો અવ્યવહારુ ચુકાદાઓ આપવા માંડ્યા. માસ્તર જેમ વિદ્યાર્થીને ઠમઠોરે એમ જજો શાસકોને ઠમઠોરતા હતા. કેટલાક જજો સરકારની લાચારીનો લાભ લેતા હતા. રસ્તો કરી આપે અને નિવૃત્તિ પછીની પવૃત્તિઓના લાભ લઈ લે. શાસકોએ પણ નિવૃત્તિ પછીના લાભો આપવાનું પ્રમાણ અનેકગણું વધાર્યું. અદાલતોમાં ધીંગાણું અને ધમાલ બન્ને બેશુમાર પ્રમાણમાં ચાલતા હતા. એની વચ્ચે સર્વોચ્ચ અદાલતે જજોની નિયુક્તિનો અધિકાર પોતાની પાસે લઈ લીધો. એ અધિકાર બંધારણ બક્ષ્યો નહોતો, પોતે આપેલા ચુકાદા દ્વારા પોતે લઈ લીધેલો અધિકાર હતો.

જ્યારે કોઈ અધિકાર છીનવી લીધેલો હોય, અથવા શૂન્યાવકાશનો લાભ લઈને કે શૂન્યાવકાશને પરિણામે હાથમાં આવ્યો હોય, અથવા દેશહિતમાં સદહેતુથી પ્રેરાઈને કાયદાનું થોડુંક પહોળું અર્થઘટન કરીને અધિકાર હાથમાં લઈ લીધો હોય ત્યારે અધિકાર હાથમાં લેનારાની જવાબદારી વધી જાય છે. અહીં સર્વોચ્ચ અદાલતે કોલેજિયમ રચીને જજોની નિયુક્તિ કરવાનો અધિકાર હાથમાં લઈ લીધો ત્યારે કોલેજિયમની ફરજ બનતી હતી કે તે તેની ઉપયોગિતા સાબિત કરી આપે. એવા જજો નિયુક્ત થવા જોઈતા હતા જેની ક્ષમતા અને પ્રામાણિકતા સામે કોઈ શંકા ન કરે. ટકોરાબંધ જજો વડી અદાલતોમાં અને વડી અદાલતોમાંથી સર્વોચ્ચ અદાલતમાં જવા જોઈતા હતા. નિવૃત્તિ પછીના લાભોથી મન લલચાઈ જાય અને શાસકોને અનુકૂળ ચુકાદાઓ આપે એવા જજો નિયુક્તિ ન પામે એવું બનવું જોઈતું હતું. પણ આપણા દુર્ભાગ્યે એવું બન્યું નહીં. અહીં એ હકીકત કબૂલ કરવી જોઈએ કે કોલેજિયમ સિસ્ટમ જજોની જ બનેલી હતી અને જજોએ જ તેને નિષ્ફળ બનાવી. આપણે જાણીએ છીએ કે ભ્રષ્ટ જજો દેશના મુખ્ય ન્યાયમૂર્તિના પદ સુધી પહોંચ્યા છે. નીચલી અદાલતમાં પ્રેક્ટીસ કરતો વકીલ જેટલું કાયદાનું જ્ઞાન ધરાવતો હોય એનાં કરતાં પણ ઓછું કાયદાનું જ્ઞાન ધરાવનાર અને છેલછોગાળા જેવી હરકત કરતા જજ દેશના મુખ્ય ન્યાયમૂર્તિના પદ સુધી પહોંચી શક્યા. કોલેજિયમના સભ્ય જજોએ પોતાનાં કે મિત્રોનાં સગલાંઓને આવડત જોયા વિના ન્યાયતંત્રમાં ઘુસાડ્યા હતા. આના વિશે વ્યાપક ઊહાપોહ પણ થતો હતો, પરંતુ કોલેજિયમ સિસ્ટમમાંની મર્યાદાઓને દૂર કરવાનો કોઈ પ્રયાસ કરવામાં નહોતો આવ્યો. માટે આજે જે લોકો કોલેજિયમનો બચાવ કરે છે તેઓ એમ નથી કહેતા કે કોલેજિયમે તેની કમાલ બતાવી આપી છે, પણ એમ કહીને દલીલ કરે છે કે શાસકો દ્વારા જજોની નિયુક્તિ થાય એનાં કરતાં જજો જ જજોની નિયુક્તિ કરે એ વધારે સારું રહેશે, કારણ કે શાસકોની તુલનામાં જજોનાં સ્થાપિત હિતો ઓછા અને પ્રમાણમાં નાના હોય છે.

જેમ કેશવાનંદ ભારતી કેસનો ચુકાદો પ્રચંડ બહુમતીવાળો હોત તો આજે સ્થિતિ જુદી હોત એમ કોલેજિયમ સિસ્ટમે તેની પાછળનો હેતુ સિદ્ધ કરી આપ્યો હોત તો આજે સ્થિતિ જુદી હોત. એમ ન બન્યું એટલે સરકાર નિયુક્તિનો અધિકાર જજો પાસેથી છીનવી લેવા માગે છે. આવો પહેલો પ્રયાસ ૨૦૧૫માં નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશનની રચના કરવાનો કર્યો હતો જેને ૨૦૧૬માં સર્વોચ્ચ અદાલતે રદ્દ કરી નાખ્યો હતો. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં શાસક પક્ષને પહેલાં કરતાં પણ વધુ બેઠકો મળી એટલે ન્યાયતંત્ર ઉપર દબાણ હજુ વધારવામાં આવી રહ્યું છે. અઢીસો વરસ પહેલાં મહારાષ્ટ્રના બ્રાહ્મણોને મુસ્લિમ શાસકોના અનુગામી બનીને દેશ ઉપર રાજ કરવાની તક મળી હતી, પણ તેમને રાજ કરતાં આવડ્યું નહોતું. હિન્દવી રાષ્ટ્ર ઘાસીરામ કોટવાલોનું માથાભારે રાષ્ટ્ર સાબિત થયું. અત્યારના હિન્દુત્વવાદી શાસકોની પણ એવી જ સ્થિતિ છે. હિંદુરાષ્ટ્ર હિંદુઓના માથાભારેવાળા રાષ્ટ્ર તરીકે આકાર લઈ રહ્યું છે. દુર્ભાગ્યે ન્યાયતંત્રને ન્યાયતંત્રના હિતમાં કોલેજિયમનો લાભ લેતા આવડ્યું નહીં.

આમ છતાં ય કોલેજિયમ સિસ્ટમ શ્રેષ્ઠ છે એમ આ લખનાર માને છે. એમાં રહેલી ખામીઓ દૂર કરવી જોઈએ અને કરી શકાય એમ છે. એ કેવી હોવી જોઈએ એનો એક ચિતાર દેશના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ જે.એસ. વર્માએ ૧૯૯૩માં કોલેજિયમની તરફેણમાં બહુમતી ચુકાદો આપતા આપ્યો હતો. અહીં એને ઉદ્ધૃત કરું તો લેખ લાંબો થાય. ગૂગલમાં જઇને ‘સેકન્ડ જજીઝ કેસ’ લખીને સર્ચ કરશો તો એ મળી જશે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 ફેબ્રુઆરી 2023

Loading

એકલતાનું ટોળું

દેવિકા ધ્રુવ|Poetry|11 February 2023

મોટું ટોળું હતું એકલતાનું!

એ અચાનક એકાંતની ગુફામાં ખેંચી ગયું.

ચારે બાજુ ઘોર અંધારું. આંખો મીંચી દીધી.

બંધ આંખે આ શું જોવા મળ્યું?!

ગુફામાં તો હિંસક પશુઓ જ હોય.

એવા જ આકારો દેખાયા,

પણ એ ત્રાટકતા નહોતા!

પાળેલાં હોય તેમ જાણે ટગર ટગર જોયા કરે.

પાસે આવવાનોયે પ્રયાસ કરે,

ને એને પાસે આવવા દેવા કે નહિ?

એવી દ્વિધાની વચ્ચે, લાંબા સમય સુધી

 ક્યાંક દૂર, ખૂબ ઊંડે ખોવાઈ જવાયું.

ભીતરની આ ગુફા તો ‘મેઝ’ જેવી.

ભૂલભૂલામણીના જટિલ જાળાં જેવી!

મૂંઝવણ અને ગૂંચવણ.

મથામણ અને અકળામણ.

એકાએક ધીરી ગતિએ પ્રકાશપુંજ આવતો દેખાયો.

મેલાં પડળો ચોક્ખાં થવાં માંડ્યાં.

દ્વિધાઓ અને દ્વંદ્વો સરવાં લાગ્યાં.

આવરણ સામે દર્પણ દેખાયાં.  

ને પેલા પાળેલા લાગતા આકારો

હારી, થાકી, નિસ્તેજ બની,

જાણે ઢળી પડ્યા!

વિલીન થવા માંડ્યા!

અરે, ખુદ સ્વયંની જાત પણ જાણે નિર્વિકાર.

ને પછી બસ, રસ્તો મળી ગયો,

બહાર નીકળવાનો.

આંખો એમ જ ઉઘડી ગઈ હતી.

Houston
e.mail : ddhruva1948@yahoo.com

Loading

ચલ મન મુંબઈ નગરી—183

દીપક મહેતા|Opinion - Opinion|11 February 2023

બુદ્ધિવર્ધક સભા : નામ એક, સંસ્થા બે?

ગુજરાતીઓને પુસ્તકો વાંચવાનો શોખ જ નથી?     

“આ જગાએ ગુજરાતી લોકને એટલી જ સૂચના છે કે હાલના વખતમાં ગુજરાતીઓ સઘળી બાબતમાં પાછળ પડી ગયા છે, અને જો તેઓ ઉદ્યોગ કરી પોતાની નીતિમાં, જ્ઞાનમાં, તથા વિદ્યા હુન્નરમાં સુધારો તથા વધારો નહિ કરે તો આગળ જતાં તેમણે ઘણું નુકશાન ખમવું પડશે. જમાનો ઘણો બદલાતો જાય છે. વાસ્તે જો ગુજરાતી લોક અત્યારથી સુધરવાને મહેનત નહિ કરે તો આવતાં પચીસ વર્ષમાં કોઈ તેમનો ભાવ પૂછશે નહિ.” આ શબ્દો લખાયા હતા છેક ૧૮૫૧માં, ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’ નામના માસિકના ૧૮૫૬ના માર્ચ અંકની પ્રસ્તાવનામાં.

શરૂઆતમાં દર મહિને આ માસિકની ૫૫૦ નકલ છપાતી, જેમાંની ૩૫૧ ખપતી હતી, અને ૧૫૦ નકલ મુંબઈ સરકાર બમણા ભાવે ખરીદતી હતી! (આજની આપણી લોકશાહી સરકાર આવું કરે તો તો ‘કૌભાંડ’ની બૂમો પડે!) જે ૩૫૧ નકલ વેચાતી તેમાંની ૧૮૦ મુંબઈમાં જતી હતી. આ માહિતી આપવાની સાથોસાથ લખ્યું હતું : “મુંબઈ તથા ગુજરાત મધ્યે હલકી કીમત છતાં ત્રણ સો એકાવન નકલો ખપે એ અજબ જેવું છે! આ ઉપરથી કોઈ પણ વિચારવંત પુરુષ એવું અનુમાન કરે, કે ગુજરાતી લોકો ભણેલા નથી અથવા પુસ્તકો વાંચવાનો તેમને શોખ નથી.”

કવિ નર્મદ

હવે કોયડો એ છે કે ‘બુદ્ધિવર્ધક’ નામ ધરાવતી એક સંસ્થા હતી કે બે? જો એક જ હોય તો તે સ્વતંત્ર સંસ્થા હતી કે બીજી કોઈ સંસ્થા સાથે જોડાએલી હતી? આવી દ્વિધા ઊભી થવાનું કારણ છે આપણે જેને ‘અર્વાચીનોમાં આદ્ય’ તરીકે ઓળખીએ છીએ તે કવિ નર્મદ. નર્મદને જણ્યો સુરતે, પણ તેને જાણ્યો, નાણ્યો, અને પ્રમાણ્યો તે તો મુંબઈએ. તેના જીવનનાં મહત્ત્વનાં ઘણાં વરસ મુંબઈમાં વીતેલાં. ભલે થોડો વખત, પણ તે એલ્ફિન્સ્ટન કોલેજમાં ભણેલો. અને આત્મકથા ‘મારી હકીકત’માં તે લખે છે : “હમે કાલેજના બે ત્રણ સાથી અને બીજા બે ત્રણ દોસ્તદારો એકઠા મળી મારે ઘેર રસાયણશાસ્ત્રના પ્રયોગો કરતા. પછી થોડેક દહાડે હમે  હમારા ઘરની ચોપડીઓ એકઠી કરી એક ન્હાનો સરખો પુસ્તકસંગ્રહ મારે ઘેર કર્યો હતો. પછી એવો વિચાર કર્યો હતો કે આપણે મહિનામાં ચાર વાર મળવું. તેમાં બે વાર આપણે નિબંધો લખી આપણામાં જ વાંચવા – માંહોમાંહે લખતાં બોલતાં ને વાદ કરતાં શીખવું; અને બે વાર જાહેર સભા ભરી લોકનો સુધારો કરવો. એ વિચાર પાર પાડવાને હમે હમારા મળવાને ‘જુવાન પુરુષોની અન્યોઅન્ય બુદ્ધિવર્ધક સભા’ એવું નામ આપ્યું. તેમાં હું પ્રમુખ, મયારામ શંભુનાથ સેક્રેટરી, કલ્યાણજી શિવલાલ તીજોરર, અને નારણદાસ કલ્યાણદાસ તથા બીજા બે કારભારીઓ હતા. એ સભાની તરફથી જાહેર ભાષણો ભૂલેશ્વરના ચકલામાં અમારા દોસ્ત મેઘજી તથા ભવાની લક્ષ્મણના કોઈ એક ઓળખીતાના ખાલી પડેલા ઘરમાં (હાટકેશ્વરની પાસેના) ૧૦૦થી વધારે સાંભળનારાઓની આગળ થયાં હતાં.” પોતાનું પહેલવહેલું જાહેર ભાષણ ‘મંડળી મળવાથી થતા લાભ’ ૧૮૫૦ના જૂનમાં પોતે આ સભામાં કર્યું હતું એમ પણ નર્મદે આત્મકથામાં કહ્યું છે.

તો શું બુદ્ધિવર્ધક સભા નર્મદે શરૂ કરેલી? જવાબ છે, હા અને ના. નર્મદની આત્મકથામાં જેનો ઉલ્લેખ છે એ સભા તેણે શરૂ કરેલી. પણ એ પછી થોડા જ વખતમાં અભ્યાસ અધૂરો મૂકીને નર્મદે સુરત જવું પડ્યું. તે ચોક્કસ કઈ તારીખે ગયો તે જાણવા મળતું નથી. પણ આત્મકથામાંના આડકતરા ઉલ્લેખો પરથી અનુમાન થઈ શકે કે તે ૧૮૫૧ના ફેબ્રુઆરીના બીજા પખવાડિયામાં સુરત ગયો હશે. તેના ગયા પછી એ સભા નિષ્ક્રીય થઈ ગઈ.

બીજી બાજુ સ્ટુડન્ટસ લિટરરી એન્ડ સાયન્ટિફિક સોસાયટીના સંચાલકોના ધ્યાનમાં એ વાત આવી કે પારસી સમાજના અને હિંદુ ગુજરાતી સમાજના સામાજિક પ્રશ્નો જૂદા જૂદા છે. અને ગુજરાતી જ્ઞાનપ્રસારક મંડળીમાં પારસીઓ મોટી સંખ્યામાં ભાગ લેતા હોવાથી તેમાં હિંદુ ગુજરાતી સમાજ વિષે ઝાઝી ચર્ચા થઈ શકતી નથી. એટલે તેમણે માતૃસંસ્થાની ત્રીજી શાખા શરૂ કરી : બુદ્ધિવર્ધક હિંદુ સભા.

સોસાયટીના ૧૮૫૬ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે સ્ટુડન્ટસ લિટરરી એન્ડ સાયન્ટિફિક સોસાયટીએ ૧૮૫૧ના એપ્રિલમાં ‘બુદ્ધિવર્ધક હિંદુ સભા’ની સ્થાપના કરી. ગંગાદાસ કિશોરદાસ તેના પહેલા પ્રમુખ હતા અને હોદ્દાની રૂએ સોસાયટીના ત્રણ ઉપપ્રમુખોમાંના એક હતા. બીજા બે ઉપપ્રમુખો હતા મરાઠી જ્ઞાનપ્રસારક મંડળીના પ્રમુખ નારાયણ દીનાનાથ અને ગુજરાતી જ્ઞાનપ્રસારક મંડળીના પ્રમુખ બમનજી પેસ્તનજી. એટલે કે જ્ઞાનપ્રસારક અને બુદ્ધિવર્ધક બંને સાથોસાથ કામ કરતી હતી. સોસાયટીના અહેવાલમાં જણાવ્યું છે કે બુદ્ધિવર્ધક હિંદુ સભાની બેઠકો કોટની બહારના વિસ્તારમાં મળતી. તેને આશ્રયે પહેલું ભાષણ કન્યા-કેળવણી વિષે યોજાયું હતું. તે એટલું તો વિવાદાસ્પદ બન્યું હતું કે સતત ચાર દિવસ સુધી સાંજે તેના પર ચર્ચા થઈ હતી. પછી એ ભાષણ પુસ્તિકા રૂપે પ્રગટ થયું ત્યારે તેની એક હજાર નકલ ચપોચપ વેચાઈ ગઈ હતી. નર્મદે શરૂ કરેલી સભા જો સોસાયટીની બુદ્ધિવર્ધક હિંદુ સભા સાથે ભળી ગઈ હોત તો સોસાયટીના અહેવાલમાં તેનો જરૂર ઉલ્લેખ થયો હોત. બલકે, ૧૮૫૪ના જાન્યુઆરીમાં મુંબઈ પાછો આવીને નર્મદ ફરી એલ્ફિન્સ્ટન કોલેજમાં દાખલ થયો અને એ જ વર્ષના ચોમાસામાં બુદ્ધિ વર્ધક હિંદુ સભામાં પોતાનું નામ દાખલ કરાવ્યું.

મરાઠી હિંદુ કન્યાશાળા, ૧૮૭૦

૧૮૫૬ના માર્ચ મહિનાથી ‘બુદ્ધિ વર્ધક ગ્રંથ’ નામના માસિકનું પ્રકાશન શરૂ થયું. તેના અંકોમાં સભા વિશેની વિગતો, અહેવાલો, વગેરે નિયમિત રીતે પ્રગટ થતાં, એટલે સભાની કામગીરી વિશેની ઘણી વિગતો મળી રહે છે. ૧૮૫૬ના વર્ષ માટેના તેના વહીવટી મંડળમાં ગંગાદાસ કિશોરદાસ પ્રમુખ હતા અને નર્મદ ઉપપ્રમુખ હતો. ‘બુદ્ધિ વર્ધક ગ્રંથ’ના માર્ચ ૧૮૫૬ના પહેલા અંકની પ્રસ્તાવનામાં લખવામાં આવ્યું હતું : “મુંબઈ રાજધાનીમાં વેપારીઓ, સરકારી હોદ્દેદારો, વિદ્વાન તથા વિદ્યાર્થીઓ, ચાલાક હુન્નરીઓ વગેરેની ધૂમ મચી રહી છે. પણ આપણા સાથીઓને માટે આપણી ભાષામાં લખાઈ છપાયેલાં ઘણાં જ થોડાં પુસ્તકો છે ને જે છે તેમાં આ સમયના સુવિચારના ગ્રંથોનો ઉમેરો થાય તો બહુ શોભા આવે … માટે આ પ્રતિનો ગ્રંથ બુદ્ધિવર્ધક હિંદુ સભા મહિને મહિને કાઢવાની આશા રાખે છે.”

છોકરીઓનો ગ્રૂપ ફોટો ૧૮૭૭

જ્ઞાનપ્રસારક મંડળીની જેમ નિબંધોનું વાચન અને જાહેર પ્રવચનો એ બુદ્ધિવર્ધક સભાની પણ મુખ્ય પ્રવૃત્તિ હતી. દરેક બેઠક વખતે સરેરાશ ૭૦ લોકોની હાજરી રહેતી હતી પણ તેમાં મુંબઈના સાઠ સભાસદોમાંથી માત્ર ૧૨ નિયમિત રીતે હાજર રહેતા હતા. જો કે નર્મદે ‘નિરાશ્રિત પ્રત્યે શ્રીમંતોના ધર્મ’ વિષે નિબંધ વાંચ્યો ત્યારે ૨૫૦ની હાજરી હતી અને બમનજી પેસ્તનજીની સૂચનાથી તેની ૨,૦૦૦ નકલ છપાવીને મુંબઈ તથા ગુજરાતમાં મફત વહેંચવામાં આવી હતી. બીજો એક ફેરફાર એ થયો કે સોસાયટી હિંદુ ગુજરાતી વિદ્યાર્થીઓ માટે જે સ્કૂલો ચલાવતી હતી તેનો વહીવટ ગુજરાતી જ્ઞાનપ્રસારક મંડળીને બદલે બુદ્ધિવર્ધક હિંદુ સભાને સોંપવામાં આવ્યો.

૧૮૬૦માં બુદ્ધિવર્ધક હિંદુ સભામાં એક મોટો વિખવાદ ઊભો થયો. તેનું કારણ હતું મહિપતરામ રૂપરામનો ઇન્ગ્લંડનો પ્રવાસ. હિંદુ ગુજરાતીઓમાં પરદેશનો પ્રવાસ કરનાર તેઓ પહેલા હતા. એ જમાનામાં સમુદ્ર ઓળંગીને પરદેશ જવું એ મોટું પાપ મનાતું. ૧૮૬૦ના માર્ચની ૨૬મી એ મળેલી બેઠકમાં મહિપતરામને  માનપત્ર આપવાનું સર્વાનુમતે ઠરાવાયું, અને તેમને મોકલવા માટે તે તૈયાર પણ થયું. પણ સભાના પ્રમુખ ઝવેરીલાલ ઉમિયાશંકરે અને નર્મદે તેના પર સહી કરવાની ના પાડી. તેથી તે બંનેની સહી વગર, બાકીના કારભારીઓની સહી સાથે તે મહિપતરામને મોકલાયું. તેના જવાબમાં લંડનથી ૧૮૬૦ના જૂનની ચોથી તારીખે લખેલા પત્રમાં મહિપતારામે લખ્યું : “આ વરસમાં સભાના પ્રમુખ ભાઈ ઝવેરીલાલ ઉમિયાશંકર તથા ભાઈ નર્મદાશંકર લાલશંકર તમારી પેઠે કારભારી છે એવું છતાં એ મારા બંને મિત્રોની સહી એ પર નથી તેથી મને કેટલીક નાખુશી થઈ છે, પણ હું ધારું છું કે તેઓ નાતની બીકથી વેગળા નહીં રહ્યા હોય પણ તેમના પેટમાં કાંઈ બીજી સારી મતલબ હશે.” આ વિવાદને પરિણામે છેવટે ઝવેરીલાલ ઉમિયાશંકરે પ્રમુખપદેથી રાજીનામું આપ્યું.

બીજા એક વિખવાદના કેન્દ્રમાં પણ નર્મદ જ રહ્યો હતો. ૧૮૬૦ના વર્ષમાં જદુનાથજી મહારાજ અને નર્મદ વચ્ચે વિવાદ શરૂ થયો. ધર્મ અને રાજકારણ વિષે સોસાયટીની બેઠકોમાં ભાષણ કે નિબંધવાચન ન થઈ શકે એવો નિયમ પહેલેથી જ હતો. છતાં આ બાબતને સાંસારિક ગણીને સભાની કારભારી મંડળીએ ઓક્ટોબરની છઠ્ઠી તારીખે મુંબઈના ટાઉન હોલમાં એ વિષય પર બોલવાની નર્મદને મંજૂરી આપી. દેખીતી રીતે જ ઘણા સભ્યોએ આ નિયમભંગનો વિરોધ કર્યો.

ત્યાર બાદ ધીમે ધીમે ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’ માસિક અનિયમિત અને નિસ્તેજ બનતું ગયું અને ૧૮૭૧ના જૂનના અરસામાં બંધ પડ્યું. બુદ્ધિવર્ધક હિંદુ સભાની ઘણીખરી પ્રવૃત્તિ પણ બંધ પડી. આ સભાને ફરી બેઠી કરવાના કેટલાક પ્રયત્નો થયા પણ તેને ઝાઝી સફળતા મળી નહિ. ૧૮૯૪માં તેના નામમાંથી હિંદુ શબ્દ દૂર કરવામાં આવ્યો. પણ છેવટે ૧૯૩૨માં બુદ્ધિવર્ધક સભાની કાનૂની વાઈન્ડિંગ અપ કામગીરી શરૂ કરીને બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી. ૧૯૩૩ના ઓક્ટોબરની ૧૩મી તારીખે આ અંગેનો હુકમ હાઈકોર્ટ તરફથી મળી ગયો. ૧૨,૮૧૯ રૂપિયા, ૧૧ આના, ૬ પાઈની બુદ્ધિવર્ધક સભાની કુલ મૂડી ‘ફાર્બસ ગુજરાતી સભા’ને તબદિલ કરવામાં આવી. સાથોસાથ ફાર્બસ ગુજરાતી સભાના પુસ્તકાલય સાથે બુદ્ધિવર્ધક સભાનું નામ જોડવામાં આવ્યું. ફાર્બસ ગુજરાતી સભાનું પુસ્તકાલય આજે પણ ઔપચારિક રીતે ‘બુદ્ધિવર્ધક પુસ્તકાલય’ તરીકે ઓળખાય છે. અને એ રીતે ૧૯મી સદીની એક મહત્ત્વની સંસ્થાનું નામ હજી જીવતું રહ્યું છે. 

આ ફાર્બસ ગુજરાતી સભા વિશેની કેટલીક વાતો હવે પછી. 

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 11 ફેબ્રુઆરી 2023

Loading

...102030...1,2041,2051,2061,207...1,2101,2201,230...

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved