Opinion Magazine
Number of visits: 9667538
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીવારસાનાં નારીરત્નો : : બિરદ ભોંય પર પદચિહ્નો

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|21 March 2023

“વિશ્વ જેમને ‘મહાત્મા’ નામથી ઓળખે છે એવા મોહનદાસ કરમચંદ ગાંધીને સૌથી વધુ નજીકથી જેમણે જાણ્યા હોય તો તે છે કસ્તૂરબા. ગુજરાતીમાં કહેવત છે ને, ‘મહાદેવના ગુણ તો પાર્વતી જાણે’. કસ્તૂરબાએ ગાંધીજીનાં સહધર્મચારિણી બનીને ગાંધીજીનાં કાર્યને વધુ દિપાવ્યું  છે.”

બાપુની સામે અને સાથેના પ્રથમ સત્યાગ્રહી : કસ્તૂરબા

“પૂતળીબાઈએ જેમ ગાંધીજીને વ્યસનથી દૂર કર્યા તેમ તામિલનાડુના કસૂવા ગામની ઉચ્ચતર માધ્યમિક શાળામાં તરુણ બાળકો વ્યસનથી દૂર રહે તે માટે ૨૦૧૫માં પાંચમી ઑગસ્ટે પૂતળીબાઈ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે દરેક બાળકે પોતાની માતાનો હાથ પકડીને દારૂનું વ્યસન નહીં કરવાની  પ્રતિજ્ઞા લીધી હતી.”

મોહનની મા : પૂતળીબાઈ

“ગાંધીજીના મંત્રી તરીકે મહાદેવભાઈ દેસાઈનું નામ જાણીતું છે; પરંતુ ગાંધીજીની ગેરહાજરીમાં આશ્રમનું કામ સંભાળી લઈને તેની માહિતી ગાંધીજી જ્યાં હોય ત્યાં પત્રવ્યવહારથી પહોંચાડવાનું કાર્ય કરતાં કુસુમબહેન દેસાઈનું નામ પ્રમાણમાં ઓછું જાણીતું રહ્યું. તેમણે ગાંધીજીનાં મંત્રી તરીકે પણ થોડો વખત કાર્ય કર્યું હતું.”

ગાંધીજીનાં કર્મઠ સાથીદાર : કુસુમબહેન દેસાઈ

“આજે પણ આપણે રામ અને શ્રવણ જેવા આદર્શ પુત્રોની કથા સાંભળીને નવી પેઢી સમક્ષ તેવાં ઉદાહરણો આપીએ છીએ. આ એવા પુત્રો છે જેમણે માતા-પિતાને આપેલા વચન પ્રમાણે જીવન સમર્પિત કરી દીધું પણ આવું જ કાર્ય કોઈ પુત્રીએ કર્યું હોય તો સામાન્ય રીતે તેની નોંધ જરૂર પૂરતી જ લેવાઈ છે. પિતાની પડખે ઊભા રહીને પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું હોય એવાં પુત્રી એટલે મણિબહેન પટેલ. તેઓ ‘સરદાર પુત્રી’ તરીકે પણ જાણીતાં હતાં.

ગાંધી વિચારને વરેલી સરદાર પુત્રી : મણિબહેન પટેલ 

ઉપરોક્ત શીર્ષકો અને અવતરણો મોસમ ત્રિવેદી લિખિત પુસ્તક ‘ગાંધી વારસાનાં  નારીરત્નો’માંથી નોંઘ્યાં છે. કોઈપણ વ્યક્તિનાં જીવનકવનને સમગ્રપણે જોઈ-વિચારી-સમજીને શબ્દાંકિત કરવાનું કાર્ય આ લખ્યું એટલું સહેલું નથી.

નારીવાદી સમાજશાસ્ત્રી લેખિકા તરીકે તટસ્થ રહીને એક અગત્યના ઐતિહાસિક સમયખંડને આવરી લઈને સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, પર્યાવરણીય નિસબત ધરાવતી  પ્રતિબદ્ધ કર્મશીલ સ્ત્રીઓની યશગાથાનું લેખન અને સંકલન પ્રકાશિત કરનાર બહેન મોસમ, સંપાદક કેતન રુપેરા અને અણમોલ પ્રકાશનના ડો. ગૌરાંગ જાનીની આ એક અલગ અને વિશિષ્ટ પ્રકારની સમાજસેવા છે એવું મને લાગે છે. આ પુસ્તકને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પ્રકાશભાઈ ન. શાહે તેમ જ ગાંધી આચારવિચાર સમર્પિત કર્મશીલ કોકિલાબહેન વ્યાસે આવકાર્યું છે. સાદગીને વરેલાં ગાંધીમાર્ગના પ્રસારક અને પ્રેરક ઈલાબહેન ભટ્ટને અર્પણ થયું છે.

આ પુસ્તક માટે જાણીતાં ઇતિહાસના પ્રોફેસર ફાલ્ગુની પુરોહિત લખે છે, “એ ૧૮૬૨માં જન્મેલા જમનાબાઈ સક્કાઈથી લઈ ૧૯૩૯માં જન્મેલાં કોકિલાબેન વ્યાસ જેવાં ગાંધી મૂલ્યોને જીવન સમર્પિત કર્યુ હોય તેવી ૬૦ મહિલાઓનાં જીવન ચરિત્રનું આલેખન છે. એ રીતે આ પુસ્તક ૭૭ વર્ષનાં સમયખંડને આવરી લેતા નારી ઇતિહાસનું પણ પુસ્તક છે.

પુસ્તકની પ્રસ્તાવના જાણીતાં નારીવાદી બકુલા ઘાસવાલાએ લખી છે. બકુલાબહેને આ મહિલાઓની પ્રવૃત્તિઓને વિશાળ ઐતહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂલવી છે.

પુસ્તકનું સંપાદન યુવા ગાંધી અભ્યાસી કેતન રૂપેરાએ કર્યુ છે. તેમણે અત્યંત ખંત અને મહેનતથી આ નારીરત્નોનાં જન્મ, અવસાનની માહિતી ઉપલબ્ધ કરાવી છે. દરેક નારી ચરિત્રમાં આ નારીરત્નો છબિ સાથે કોઈક ખાસ વાત બોક્ષમાં મૂકવામાં આવી છે . વિશિષ્ટ માહિતી સાથેની આ સજાવટ આંખને પણ આનંદ આપે છે !

પુસ્તકની સરળ ભાષા સામાન્ય વાચકની જ્ઞાન પિપાસાને સંતોષે છે. તો પુસ્તકના અંતમાં અપાયેલ સંદર્ભ સાહિત્યની સૂચિ અભ્યાસુઓને વિશેષ અભ્યાસ માટે પ્રેરે છે.

અણમોલ પ્રકાશનનું આ બીજું પુસ્તક છે.

ગાંધીજીએ સમગ્ર ભારતની પ્રજા પર દક્ષિણ આફ્રિકાથી આવ્યા પછી એક વિશિષ્ટ પ્રભાવ ઊભો કર્યો. દેશભરમાં પ્રવાસ કર્યા પછી સમસ્યાઓથી તૃણમૂળ સુધી પરિચિત થયા પછી એમણે વખતોવખત વિવિધ આંદોલનોને ગતિમાન કર્યા અને પોતાની રીતિનીતિ સાથે એને પરિણામલક્ષી પણ બનાવ્યાં. આંદોલન દરમિયાન અને જ્યારે આંદોલનો સ્થગિત હોય ત્યારે એમણે સમાજસુધારા માટે, લોકચેતના માટે રચનાત્મક કાર્યો શરૂ કર્યા, કરાવ્યાં અને લોકોને જોડ્યાં. સ્વનિર્ભરતા, વ્યસનમુક્તિ, અસ્પૃશ્યતા જેવાં સામાજિક દૂષણો અને કુરિવાજો દૂર કરવાથી લઈ સાર્થ જોડણી કોશની રચના કરાવવા સુધીનાં કાર્યો એમણે હસ્તક લીધાં અને પાર પણ પાડ્યાં. આ કાર્યોમાં એમણે મહત્ત્વનું કાર્ય સ્ત્રીઓને સ્વતંત્રતા આંદોલનમાં જોડીને સક્રિય કરવાનું પણ કર્યું. એમનાં કાર્યો અને વિચારોથી પ્રભાવિત સ્ત્રી કાર્યકર્તાઓનાં જીવન-કવનને ઉજાગર કરતું આ પુસ્તક વાચનરસ ધરાવતા જિજ્ઞાસુઓ, વિદ્યાર્થીઓ, અભ્યાસીઓ માટે પૂરતું ભાથું લઈને આવ્યું છે. મને આ પુસ્તકની પ્રસ્તાવના લખવાની તક મળી એમાં ભાઈ ગૌરાંગ અને મોસમનો મારા પરનો વિશ્વાસ છે એવું મને લાગે છે. મૂળ પ્રસ્તાવના તો ખાસ્સી લાંબી લેખણે લખાયેલી છે. ગાંધીવિચાર માર્ગે અને સમાજના કલ્યાણ-વિકાસ માટે કાર્યરત સ્ત્રી-કર્મશીલો માટે સોનલ શુક્લ, ગાર્ગી વૈદ્ય – યશવંતદાદા, આ લખનાર અને અન્ય લેખકોએ લખ્યું જ છે ત્યારે યુવા લેખિકા મોસમે એને એક વિશિષ્ટ નામાભિધાન અને સમયખંડના પરિપ્રેક્ષ્યમાં સંકલિત કરીને અલગ ભાત ઉપસાવી છે.

સપ્તાહના સૌથી વધુ આવકાર પામેલા પુસ્તક તરીકે એની ગણના થઈ ચૂકી છે એટલે ગુજરાતી પ્રજાની વાચનરુચિ માટે આદરભાવ સાથે શિષ્ટવાચનના પ્રસાર માટેની આશા વઘારે પ્રદીપ્ત થાય છે. અભિયાન સામયિકમાં પ્રગટ દસ બેસ્ટ સેલર બુક્સમાં સ્થાન પામેલા પુસ્તક તરીકે નોંધાયેલી ઘટના સુખદ અને સંતર્પક લાગે છે. મોસમ, ભાઈ ગૌરાંગ અને કેતન રુપેરાને  અભિનંદન.

વલસાડ
સૌજન્ય : બકુલાબહેન દેસાઈ-ઘાસવાલાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ધીરુબહેન પટેલ: જીવન અને લેખનમાં આસન સે મત ડોલ

દીપક મહેતા|Profile|21 March 2023

ના, આ પરીકથા નથી. પણ એક ખરી કથા છે. આજથી નવેક દાયકા પહેલાંના મુંબઈ શહેરમાં એક છોકરી રહે. પરીકથામાં રાક્ષસને રોજ એક બત્રીસ લક્ષણો ખાવા જોઈએ. આ ખરી કથામાં છોકરીને રોજ એક નવી ચોપડી વાંચવા જોઈએ. પિતા રોજ સાંજે કામ પરથી ઘરે આવે ત્યારે એને માટે એક નવી ચોપડી લેતા આવે. બીજે દિવસે તો ચોપડી પૂરી. છોકરી હતી ભારે નસીબદાર. વાંચવા માટે એની પાસે ત્રણ-ત્રણ મહેલ. ઘરના કંપાઉન્ડમાં આવેલું વડનું મોટું ઝાડ તે એક નંબરનો મહેલ. ઘટાદાર આંબલી એ બે નંબરનો મહેલ. અને નાની ચીકુડી તે ત્રણ નંબરનો મહેલ. મન થાય તે મહેલમાં બેસીને અંધારું થાય ત્યાં સુધી ચોપડી વાંચીને પૂરી કરે. ક્યારેક નવી ચોપડી ન મળે ત્યારે દુઃખીના દાળિયા થઈ જાય, અને એ નાની ધીરુ મોટી ધીરુને કાગળ લખે : ‘મોટી ધીરુ : વચન આપ કે તું ભૂલી નહિ જાય કે વાંચવાની સારી ચોપડી ન મળે ત્યારે કેવું દુઃખ પડે છે. નાના છોકરાઓ માટે તો જરૂર જરૂર લખજે ને મહેરબાની કરી સલાહો ન આપતી. લિ. નાની ધીરુ.’

આ નાની ધીરુ એટલે આપણા આલા દરજ્જાના લેખક ધીરુબહેન પટેલ. ના, લેખિકા નહિ. શું જીવનમાં કે શું સાહિત્યમાં સ્ત્રી તરીકે ગ્રેસનો (વધારાનો) એકે માર્ક ન માગ્યો કે ન સ્વીકાર્યો. સોળ વરસની ઉંમરે ૧૯૪૨માં ‘સંદેશ’ વર્તમાનપત્રના દિવાળી અંકમાં પહેલી વાર્તા છપાઈ ત્યારથી માંડીને લગભગ છેલ્લા દિવસો સુધી ધીરુબહેન લખતાં રહ્યાં. જો કે લખવાનું કામ સહેલું નહોતું. થોડાં કાવ્યો લખેલાં તે એક વાર આપણા મૂર્ધન્ય સાક્ષર બલવન્તરાય ઠાકોરને બતાવ્યાં ત્યારે તેમણે કહ્યું કે ‘મારું માને તો હમણાં કવિતા લખવાનું રહેવા દે. પહેલાં ગદ્ય પાકું થાય પછી કવિતાનો વારો.’ રામપ્રસાદ બક્ષી જેવા મોટા ગજાના વિદ્વાન જ્યાં આચાર્ય હતા એ સાંતાક્રુઝની પોદાર હાઈસ્કૂલમાં ભણવા માટે દાખલ થયાં. જાણીતા અભ્યાસી વિવેચક ભૃગુરાય અંજારિયા ગુજરાતીના શિક્ષક. તેમણે એક વાર ટોણો માર્યો : ‘જીવનના યાદગાર પ્રસંગોએ પણ કવિતાની ચાર લીટી ય લખી ન શકે તેને કાંઈ શિક્ષિત કહેવાય?’ પત્યું. ધીરુબહેને મનમાં ગાંઠ વાળી લીધી : ‘હવેથી જે કાંઈ લખવું તે જાતને પૂછીને જ લખવું. બીજા કોઈ ચમરબંધી લેખકને પણ પૂછીને નહિ.’ અને પોતાનાં ઢગલાબંધ પુસ્તકો દ્વારા ધીરુબહેને વાચકો માટે પણ ત્રણ મહેલ બનાવ્યા : પહેલો કથા-નવલકથાનો, બીજો નાટક-એકાંકીનો અને ત્રીજો પેલી નાની ધીરુ જેવાં બાળકો માટેનાં વાર્તા-નાટક-કાવ્યો-જોડકણાંનો.

ધીરુબહેન પટેલ

ધીરુબહેનનો જન્મ વડોદરામાં, વતન ધર્મજ, પણ જીવન અને લેખનનું કાઠું ઘડાયું તે તો મુંબઈમાં અને મુંબઈથી. ૧૯૪૮માં એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અંગ્રેજી સાથે એમ.એ. કરી અંગ્રેજી ભાષા-સાહિત્યના અધ્યાપક થયાં. પણ પછી બધો સમય લેખનને આપી શકાય એ માટે કોલેજની નોકરી છોડી. એ વખતે જ નક્કી કર્યું કે હવે પછી કોઈ પણ જાતની નોકરી કરવી નહિ. પછીથી સ્ત્રીઓ માટેના સાપ્તાહિક ‘સુધા’ના સ્થાપક તંત્રી થયાં, પણ ત્યારે પગાર કે ભથ્થાં પેટે પણ એકે રૂપિયો લીધો નહિ.

૧૯૫૫માં પહેલાં બે પુસ્તકો પ્રગટ થયાં : ‘અધૂરો કોલ’ વાર્તાસંગ્રહ, અને ‘પહેલું ઇનામ’ નાટક. પણ એક મોટા ગજાના લેખક તરીકે વાચકો અને વિવેચકોનું ધ્યાન ખેંચાયું તે તો ૧૯૬૩માં ‘વડવાનલ’ નવલકથા પ્રગટ થઈ ત્યારથી. તે પછી પ્રગટ થઇ વાવંટોળ, શીમળાનાં ફૂલ, વમળ, ગગનનાં લગન, કાદમ્બરીની મા, એક ડાળ મીઠી, અતીતરાગ, આગંતુક. ૧૯૯૬માં પ્રગટ થયેલી આગંતુક નવલકથા માટે ધીરુબહેનને ૨૦૦૧માં દિલ્હીની સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો.

અધ્યાપક બન્યાં પછી થોડો વખત ધીરુબહેન વિવેચન અને પુસ્તક સમીક્ષા લખવા તરફ વળ્યાં. વિવેચક તરીકે તેમણે ઘણાનું ધ્યાન પણ ખેંચ્યું. પણ જેમની પાસે સ્કૂલમાં ભણેલાં તે રામપ્રસાદ બક્ષી એક વાર સાન્તાક્રુઝના ટાગોર રોડ અને સરસ્વતી રોડના નાકે મળી ગયા ત્યારે તેમણે લાલ બત્તી ધરી : ‘ધીરુબહેન! હવે બસ. લખવા માંડો. આ દિશામાં આગળ વધી જશો તો અમારી માફક પંડિત ને વિવેચક થઈ જશો. તમારે એ નથી થવાનું – બહુ સભાન થઈ જશો તો સર્જકતા કદાચ ખોઈ બેસશો. એ ન કરશો.” બસ, ગુરુ આજ્ઞા શિરોધાર્યા.

પહેલી નવલકથા ‘વડવાનલ’ જન્મભૂમિ-પ્રવાસીમાં હપ્તાવાર પ્રગટ થતી હતી. બાકીના બધા દિવસ ધીરુબહેન ‘ગાંધીજીનો અક્ષરદેહ’ના અનુવાદ કરે અને ગુરુવારે ‘વડવાનલ’નું એક પ્રકરણ લખે. આ રીતે એક વરસ લખીને એ નવલકથા પૂરી કરી. ત્રીજા જ પ્રકરણ વખતે ધીરુબહેન ભારે અસ્વસ્થ. તેમને વિચારમાં ડૂબેલાં જોઇને માતા ગંગાબહેન પટેલે પૂછ્યું : ‘શું થયું છે?’ ‘બા! લોકો મને એવું પૂછે છે કે આ તમારો અનુભવ છે? તમારાં બા તરફથી તમારી અવગણના થયેલી? મને ચિંતા થાય છે કે હવે હું શું કરું? કારણ કે હજી તો કંઈ નથી. આગળ ઉપર તો ઘણું ઘણું થવાનું છે. પછી લોકો શું કહેશે?” મા તરત બોલ્યાં : ‘લોકોની દરકાર કરે એનાથી લેખક થવાય?’ આ એક જ ટોણો બસ હતો. તે દિવસથી ધીરુબહેનની કલમ સડસડાટ ચાલવા લાગી, તેમણે પોતે ધારેલે રસ્તે જ.

ગંગાબહેન એટલે એ જમાનાનાં એક અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની. ગાંધીજી અને બીજા ઘણા નેતાઓ સાથે ઓળખાણ. આઝાદીની લડત દરમ્યાન જેલમાં પણ ગયેલાં. પિતા ગોરધનભાઈ વેપારી, પણ મુક્ત મનના. ધીરુબહેન બે-ત્રણ મહિનાની ઉંમરનાં હતાં ત્યારે ઘરમાં તેમના કાન વીંધાવવા અંગે ચર્ચા થવા લાગી. ત્યારે પિતાએ બહુ દૃઢતાથી કહ્યું : ‘એ મોટી થાય અને એનો પોતાનો નિર્ણય કરે ત્યાં સુધી આપણે રાહ જોવી જ જોઈએ. એને પૂછ્યા વગર આપણે એના કાન કઈ રીતે વીંધાવી શકીએ?’ અને એટલે ધીરુબહેનના કાન ક્યારે ય વિંધાયા નહિ. ધીરુબહેને કહ્યું છે : ‘મારી અંદરનું જીવન લીલુંછમ રહી શક્યું એનું મુખ્ય કારણ મારાં માતા-પિતા. એમણે મને હંમેશાં મારી રીતે જીવવા દીધી છે.’

ધીરુબહેનને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો ત્યારે લીધેલી એક મુલાકાતમાં મેં તેમને પૂછેલું : ‘તમે આજીવન ખાદી પહેરી છે, તમે ગાંધીજીને પુષ્કળ ચાહો છો, છતાં તમે ગાંધીવાદી નથી, એમ કેમ?’ તેમનો જવાબ : ‘ગાંધીજી પોતે ગાંધીવાદી નહોતા એટલે જ તો તેમને ચાહું છું.’ ધીરુબહેન જેમ ગાંધીવાદી નહિ તેમ નારીવાદી પણ નહિ. નવલકથા, વાર્તા, નાટક વગેરેમાં અનેક સબળ નારીપાત્રોનું સર્જન તેમણે કર્યું. અને છતાં રૂઢ અર્થમાં તેમને નારીવાદી કહી ન શકાય. આ અંગે તેમને પૂછતાં જવાબ મળેલો : ‘હું નારીવાદી નથી કારણ હું નથી બધા પુરુષોને ધિક્કારતી કે નથી દરેક સ્ત્રી દેવી હોય છે એમ માનતી.’

ધીરુબહેનને કશાનો છોછ નહિ. રેડિયો, ટી.વી., રંગભૂમિ, ફિલ્મ વગેરે માટે પણ લખે. પોતાની જાતને પૂછીને લખે તેમ બીજાની જરૂરિયાત પ્રમાણે પણ લખી આપે. આપણા જાણીતા સર્જક ગુલાબદાસ બ્રોકરે એક સંપાદન માટે ધીરુબહેન પાસે વાર્તા માગી. પણ જેમાં સ્વાતંત્ર્ય સંગ્રામની વાત આવતી હોય એવી વાર્તા જોઈએ. ધીરુબહેને તરત કહ્યું : ‘એવી વાર્તા તો મેં લખી નથી. પણ તમે બે કલાક રાહ જોઈ શકો તો લખીને મોકલું.’ પછી તો એ વાર્તા બીજાં પણ ઘણાં સંપાદનોમાં લેવાઈ. એવી જ રીતે તેમણે એકમાત્ર ગઝલ પણ લખી આપેલી જેને વરસનાં શ્રેષ્ઠ કાવ્યોના સંપાદનમાં પણ સ્થાન મળેલું.

ધીરુબહેન એટલે સામા પૂરે તરનાર અઠંગ તરવૈયા. સત્તાણુ વરસની ઉંમરે નબળી થતી જતી તબિયત સામે છેલ્લા દિવસ સુધી ઝઝૂમ્યાં. તેમણે લખવાનું શરૂ કર્યું ત્યારે હજી લેખિકાઓને વિવેચકો બહુ ગંભીરતાથી જોતા નહિ. બીજું, એ વખતે આપણા સાહિત્યમાં ઘટનાનું તિરોધાન, ભાષાકર્મ, આકૃતિબંધ વગેરેના હઠાગ્રહવાળું આધુનિકતાનું વાવાઝોડું ફૂંકાતું હતું. ત્યારે બીજાને નહિ પણ પોતાને પૂછીને લખવું અઘરું. પણ ધીરુબહેન એટલે ‘આસન સે મત ડોલ.’ અને એટલે જ સાચી સર્જકતા રૂપી ‘પિયા’નું મિલન તેમને થયું.

xxx xxx xxx

e.mail : deepakbmehta@gmail.com
પ્રગટ : “ચિત્રલેખા”; 29 માર્ચ 2023 તારીખનો અંક 

Loading

ચકલી

બીજલ જગડ|Opinion - Opinion|21 March 2023

વાદળનો કિલ્લો ને વાદળનું રાજપાટ,

મારા ફળિયે ચીચી ચકલી બેસવાની વાત.

જળમાં ખાબોચિયાં ને ચાંદની ઝાડવું,

ચકલીની હૂંફભરી છાતી ને કલરવની વાત.

પાંખ પવનમાં પૂરી ઝીણી ઝીણી ફરફર,

મનમાં ચિતરેલ વૃક્ષો ને ટહુકાની વાત.

આંબાની ડાળ નવીસવી ટહુકાની વાડ,

સાંભળી છે કૂણાં કૂણાં કાંટાની વાત.

બાજુના ફળિયેથી વેલ ઊંચી થઈ જોવા,

ચપટીક ચોખા ને ચકલી ઝુલવાની વાત.

ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com

Loading

...102030...1,2001,2011,2021,203...1,2101,2201,230...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved