Opinion Magazine
Number of visits: 9667540
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાચી ઉંમરનો પ્રેમ અને પાકી ઉંમરનો વહેમ…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 March 2023

રવીન્દ્ર પારેખ

સાચું તો એ છે કે ઘણાંને પાકી ઉંમરે પણ પ્રેમ થતો નથી ને વહેમ એવો હોય છે કે પોતે નાની ઉંમરથી પ્રેમમાં છે. જેમ સમજ કરતાં ગેરસમજ વધુ હોય છે એમ જ પ્રેમ કરતાં વહેમ હોવાની શક્યતાઓ પણ વધુ હોય છે. લગભગ બાર તેર વર્ષની ઉંમરથી છોકરાને છોકરીનું ને છોકરીને છોકરાનું ખેંચાણ અનુભવાતું હોય છે. બધાંને જ આવું થાય છે, એવું નથી, પણ બધાંને આવું ન જ થાય એવું પણ નથી. કોણ જાણે કેમ પણ સ્ત્રી દેહની ઈચ્છા પુરુષ વધારે અનુભવે છે. એ પુરુષપ્રધાન સમાજ રચનાને કારણે પણ હોઈ શકે છે. એમાં ઉંમર ગૌણ હોય છે. એ જ કારણ છે કે યુવાન, પ્રૌઢ કે વૃદ્ધ પુરુષમાંથી કોઈ પણ, તક મળે છે તો નાની ઉંમરની બાળકીને પણ છોડતા નથી ને તેની સાથે દુષ્કર્મ કરીને તેને મારી નાખવા સુધી પણ જતા હોય છે. આમાં કેવળ વાસના છે, હવસ છે, વિકૃતિ છે. વારુ, સામા પક્ષની એમાં કોઈ સમજ કે સંમતિ હોતી નથી ને તેનાં ભોળપણનો લાભ જ લેવાય છે. આ બધાંમાં સૌથી ઘૃણાસ્પદ બાબત તો બાળકીની હત્યા કરી દેવાય છે, એ છે. આમાં કોઈ પણ પક્ષે દૂર દૂર સુધી નથી કોઈ પ્રેમ હોતો કે નથી હોતી કોઈ લાગણી. હોય છે તો માત્ર હેવાનિયત ! કાયદો આની સજા પણ કરતો હોય છે, પણ જેમ જેમ સજા વધે છે, તેમ તેમ આવા ગુના વધતા આવે છે. એનો અર્થ એ થયો કે સજાનો ખોફ ગુનેગારોને ખાસ રહ્યો નથી.

આ ઉપરાંત પતિ-પત્ની વચ્ચે પણ પ્રેમ હોવાનું મનાતું આવ્યું છે. ઘરમાં બિલાડી પાળીએ તો તેને માટે પણ લાગણી થતી હોય છે, તેની માયા બંધાય છે, એવું જ પતિ-પત્નીનું પણ ખરું. પ્રેમલગ્નમાં પણ પ્રેમ હોય જ છે એવું દરેક કિસ્સામાં નથી પણ બનતું, તો સાવ અજાણ્યા બે જીવ પતિ-પત્ની થઈ જાય એટલે પ્રેમ થાય જ એવું જરૂરી નથી. થાય પણ ને નયે થાય. એ જુદી વાત છે કે સમય જતા પતિ-પત્નીમાં લાગણી વધે, પ્રેમ પણ થાય, પણ દરેક વખતે, બધા જ કિસ્સામાં એમ બને જ એવું નક્કી નહીં ! પતિ-પત્ની વચ્ચે થતો સંબંધ પણ અપવાદરૂપે જ દુષ્કર્મ નથી હોતો, બાકી, ઘણા કિસ્સાઓમાં પ્રેમને નામે જ સંબંધ થતો હોય છે ને પ્રેમ સિવાયનું જ બધું એમાં હોય છે.

લગ્નથી જોડાયેલા પતિ-પત્ની એકબીજાં તરફ વફાદાર નથી હોતાં, એવું પણ ચર્ચાતું રહે છે. ઘણીવાર તો એકબીજાના ચરિત્ર વિષે પતિ-પત્ની શંકા કરતાં હોય છે. પતિપત્નીના સંબંધમાં સૌથી વધુ અપેક્ષા એકબીજા પરના વિશ્વાસની હોય છે, પણ એવું ઓછું જ જોવા મળે છે. હવે તો પતિ-પત્ની પણ બીજાં સ્ત્રી કે પુરુષના પ્રેમમાં પડે છે. પ્રેમમાં પડે તો પણ એ પ્રેમ જ હોય એવું નક્કી નથી. ઘણું ખરું તો એમાં એકબીજાને ભોગવવાની ઈચ્છા વધુ હોય છે. આ પ્રાપ્તિની તીવ્રતા એટલી હોય છે કે એમાં જે નડતરરૂપ છે તેને ખતમ પણ કરી દેવાય છે. એ કહેવાતા પ્રેમને કારણે પતિ-પત્ની એકબીજાથી છૂટાં પણ પડી જાય છે. સંતાનો હોય તો તેને પણ તડકે મુકાય છે. આ બધું પ્રેમને નામે કે પ્રેમને કારણે થાય છે. તો પ્રશ્ન એ થાય કે પ્રેમ તો ભોગ આપે, માંગે નહીં. તે ત્યાગ ને સમર્પણનું નામ છે એવું જે ભણાવાયું, એની કથા-વાર્તાઓ કહેવાઈ, એ બધું ખોટું હતું? ને દાદાગીરી કરીને, હત્યા કરીને મેળવાય એ જ સાચું? આજે તો એ જ સાચું હોય એવાં પરિણામો સામે આવે છે. આમ પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ, પવિત્ર ગણાયો છે, પણ એમાં ય શંકા છે. શંકા એ રીતે કે લગ્ન પહેલાં પ્રેમ ન જ થાય એવો નિયમ નથી. તો થયો એ પ્રેમ વિષે શું કહીશું? એ પ્રેમ પવિત્ર ખરો કે એને અપવિત્ર કહેવો?

આજે તો લગ્ન પહેલાંના સંબંધની છોછ રહી નથી. એનાં વીડિયો ઊતરે છે. એ વાયરલ થાય છે. એ બતાવી દેવાની ધમકી આપી બ્લેકમેઈલ કરાય છે. એને નિમિત્તે ખૂનખરાબા થાય છે. જેલ થાય છે. વાત ફાંસી સુધી જાય છે. ગમ્મત એ છે કે આ બધું થાય છે પ્રેમને નામે. તો એ પ્રેમ છે? આમ પ્રેમની વાત જોઈએ તો જે શરીર સંબંધ પતિ-પત્ની માટે પવિત્ર મનાયો છે, એ જ અન્ય વ્યક્તિ સંબંધે વ્યભિચાર કે દુષ્કૃત્યમાં ફેરવાય છે. ટૂંકમાં, એ શરીર જ છે, જે પ્રેમને પવિત્ર કે અપવિત્ર ઠેરવે છે. એટલે જ કદાચ પ્રેમને શરીરથી પર પણ ગણાવાયો છે. તો એમ માનવું કે આ અશરીરી પ્રેમ જ સાચો પ્રેમ છે, એ જ સાચી લાગણી છે? આપણા સંતો જેની હિમાયત કરે છે ને શરીરને નશ્વર કહીને તેની ઉપેક્ષા કરવાનું કહે છે એ બરાબર છે? ના, એ બરાબર નથી. બરાબર એટલે નથી, કારણ, શરીર નશ્વર છે, એવું કહેનાર સંતો પણ એ વાત બોલે તો છે એ જ શરીરમાંથી ! એમની પાસે શરીર ન હોત તો શરીર નશ્વર હોવાની વાત એ કરી શક્યા ન હોત. હું, તમે કે જગત આખાના દરેક જીવો આ પૃથ્વી પર ટકી રહ્યા છીએ તે શરીરને કારણે. આપણને આ પૃથ્વી પર જીવંત દેહ આપનારા પણ એવા જ જીવંત શરીર ધારણ કરનારાં આપણાં માબાપ છે ને એ ક્રમ આજનો નથી, પરાપૂર્વથી ચાલ્યો આવે છે. ટૂંકમાં, સૂક્ષ્મ કે સ્થૂળ પ્રેમની અનુભૂતિ શરીરથી થાય છે. એટલે જે એમ માનતા હોય કે શરીર વગર પ્રેમ શક્ય છે તો તે સાચું નથી.

એ સાથે જ કેવળ શરીર જ પ્રેમ છે, એ પણ સાચું નથી. શરીર જ પ્રેમ હોત તો બળાત્કારીઓ બધા જ પ્રેમી ગણાયા હોત, પણ કોઈ પણ બળાત્કારને પ્રેમ કહેતું નથી. તો પ્રેમ એવી લાગણી છે, જે શરીરથી જન્મે છે ને શરીરની ઉપર ઊઠે છે. એ ઊર્ધ્વગામી છે. પાણીની વરાળ થાય એવું જ કૈંક આ છે. પ્રેમ અનુભવી શકાય, પણ એ સમજાવી જ શકાય એવું નથી. જરા જાતને તપાસીએ તો પ્રેમની ચરમસીમાએ એવી ક્ષણ આવે છે, જ્યાં શરીર યાદ રહેતું નથી. ક્યાં છીએ એની ખબર રહેતી નથી. થોડી ક્ષણો જાણે શરીરની જાણ બહાર વીતે છે. શરીર હોવા છતાં ને ઊંઘમાં તે ન હોવા છતાં, જાતને ભુલાવી દેનારી એ ક્ષણોમાં આપણે આપણામાં હોતાં નથી. તે એટલે કે પછી આપણે આપણને સમેટવાં પડે છે. કોઈ પણ અનુભવ વગરની એ જીવતી ક્ષણો જેવું જ પ્રેમનું છે. એ જ છે, એટલું જ છે, એવું પણ નહીં. એની ઉપર પણ કશુંક હોઈ શકે. એટલે જ પ્રેમ કોઈ એક વ્યાખ્યામાં બંધાતો નથી.

હવે પ્રેમ વિષે જ આટલી અસ્પષ્ટતા હોય ત્યાં પંદર-સત્તર વર્ષનાં યવક-યુવતી પ્રેમમાં પડે ને પ્રેમને નામે જે સમજે છે એમાં સાચું શું ને કેટલું હોય તે સમજી શકાય એમ છે. છે તે પ્રેમ જ છે. હોય તો ય એમાં કચાશ હોઈ શકે છે. એની ય મજા છે. મજા એટલે કે એટલી તાજગી બીજે ક્યાં હોવાની હતી? એ જે છે તેને કોઈ રોકી શકતું નથી. રોકો તો રોકાય જ એની પણ કોઈ ખાતરી નથી. વધુ દબાણ કરવામાં અકુદરતી મૃત્યુનો સામનો કરવાનો પણ આવે છે. એને માટે આપણી સમજ ને આપણો સમાજ જવાબદાર છે. આપણે ખુલ્લા હોવાના ભ્રમમાં, બોલ્ડ અને સ્વતંત્ર હોવાના ખ્યાલમાં, પ્રાઈવસી જાળવવાના લોભમાં કાચી ઉંમરનાં સંતાનોને પરાણે, કહેવાતા પ્રેમના પિંજરામાં ધકેલીએ છીએ. ડેટિંગ એકબીજાને સમજવા માટેની વ્યવસ્થા છે, પણ ડેટિંગનો અર્થ જ લગભગ ભોગવવામાં ફેરવાયો છે. ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડની આજની સગવડે કાચી ઉંમરે શરીર સંબંધની સગવડ પૂરી પાડી છે એવું ખરું કે કેમ? હવે તો માબાપો જ સંતાનો સંદર્ભે આંખ આડા કાન કરતાં થયાં છે. એ સારું છે કે ખરાબ તે તો તેઓ જાણે, પણ આમાં પેટ ચોળીને શૂળ ઊભું કરવા જેવું થયું જ નથી એવું કહી શકાશે નહીં.

એક તરફ બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડની તકો છે, બીજી તરફ જૂનવાણી વિચારોમાં બહુ ફેર પડ્યો નથી. સાચું તો એ છે કે આપણે સૌથી વધુ અપ્રમાણિક પ્રેમને મામલે છીએ. હજી આપણે જ્ઞાતિ-જાતિનાં વાડામાં રહીને જ પ્રેમને મૂલવીએ છીએ. પ્રેમ તો માબાપ પરણાવે તો જ ને ત્યાં જ થાય એવું હજી ચાલે છે. એની બહાર પ્રેમ થતો જ નથી એવું આપણને ઠસી ગયું છે, જ્યારે હકીકત એ છે કે પ્રેમ એવી શુદ્ધ લાગણી છે, જે કોઈ પણ જ્ઞાતિ-જાતિ-સમાજને જોયા વગર પ્રગટે છે. પ્રેમ તૈયાર કરાવાતો નથી. ઇચ્છિત લગ્ન શક્ય ન બનતાં સંતાનો આપઘાત કરે છે, એમાં માબાપ જવાબદાર નથી, એમ કહી શકાશે નહીં. એક તરફ છોકરાંઓને પ્રાઈવસી શીખવાય છે ને બીજી તરફ જડતાપૂર્વક સંતાનોને લગ્નમાં જોતરાય છે. આમાં બંને સાચાં તો કેવી રીતે હોય?

આપણી પ્રાઈવસી બધી રીતે ઉઘાડી પડી ગઈ છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 19 માર્ચ 2023

Loading

કોર્ટે માત્ર રાહુલ ગાંધીને સજા નથી કરી; પરંતુ વડાપ્રધાનની આલોચના કરનાર જાગૃત નાગરિકોને પણ સજા કરી છે !

રમેશ સવાણી|Opinion - Opinion|23 March 2023

2019માં, લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કર્ણાટક નજીકની એક રેલીમાં રાહુલ ગાંધીએ કહેલ કે ‘બધા મોદી ચોર છે !’ જેથી સુરત પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ 15 એપ્રિલ 2019ના રોજ, કોર્ટમાં IPC કલમ-કલમ 499/ 500 હેઠળ માનહાનિનો કેસ કરેલ. આ કેસમાં 23 માર્ચ 2023ના રોજ નીચલી અદાલતે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા અને 1000નો દંડ કરેલ છે.

થોડા સવાલ : 

[1] ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી જે બોલ્યા તે પૂર્ણેશ મોદીને ઉદ્દેશીને કહેલ કે લલિત મોદી / નિરવ મોદીના સંદર્ભમાં કહેલ? શું રાહુલ ગાંધી પૂર્ણેશ મોદીને ઓળખતા હતા? તેમની સાથે કોઈ પરિચય હતો? 

[2] વડાપ્રધાન / લલિત મોદી / નિરવ મોદી અંગે કહેલ કથન પૂર્ણેશ મોદી પોતાના માથે લઈ શકે? બંધ બેસતી પાઘડી સબબ કોર્ટ 2 વર્ષની સજા કરી શકે? 

[3] રાહુલ ગાંધીએ ગુનો કર્યો હોય તો તેમને સજા અવશ્ય થવી જોઈએ; પરંતુ વિપક્ષના નેતાનું મોં બંધ કરવા જ સજા થાય તે લોકશાહી માટે ખતરા સમાન નથી? 

[4] લોકશાહીમાં વિપક્ષના નેતાને આલોચના કરવાનો અધિકાર હોય કે નહીં? વળી વડા પ્રધાન જે રીતે માનહાનિ વાળી ભાષાનો પ્રયોગ કરે છે તેવી ભાષાનો પ્રયોગ રાહુલ ગાંધી કરતા નથી. વડા પ્રધાને ‘કાઁગ્રેસની વિધવા’ જેવા શબ્દપ્રયોગ કર્યા છે; તે જોતા રાહુલ ગાંધીને 2 વરસની સજા કરવી કોર્ટને કઈ રીતે ઉચિત લાગ્યું હશે? 

[5] હવે આ મેટર ઉપલી કોર્ટમાં જશે. ત્યાં નિવૃત્તિ પછી લાભ ઈચ્છતા જજ હશે તો સજા કાયમ રહેશે અથવા બંધારણને વફાદાર જજ હશે તો આવા વાહિયાત કેસમાં સજા કરનાર નીચલી કોર્ટની ટીકા કરશે. જો રાહુલ ગાંધીને આ પ્રકારના માનહાનિ કેસમાં સજા થાય તો વડા પ્રધાનને તેમની માનહાનિ વાળી ભાષા સબબ 20 વરસની સજા થઈ શકે કે નહીં?

આ પ્રકારના માનહાનિના કેસમાં માત્ર રાહુલ ગાંધીને સજા નથી થઈ; પરંતુ કોર્ટે આડકતરી રીતે વડા પ્રધાનની આલોચના કરનાર જાગૃત નાગરિકોને પણ સજા કરી છે !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

જગતના રાજદ્વારી ઇતિહાસમાં એક વિક્રમ

રમેશ ઓઝા|Opinion - Opinion|23 March 2023

રમેશ ઓઝા

હવે ગામના ઉતાર જેવા નેતાઓ જગતનું નેતૃત્વ કરશે. ચીને આ મહિનાના પ્રારંભમાં સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે ચીને સમજૂતી કરાવી અને બન્ને દેશોએ રાજદ્વારી સંબંધો ફરી વાર સ્થાપવાનો નિર્ણય લીધો છે. સાઉદી અરેબિયાના રાજા અને વડા પ્રધાન સલમાને ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રઈસને સાઉદી આવવાનું નિમંત્રણ પણ આપી દીધું છે, અને રઇસે તેનો સ્વીકાર કર્યો છે. બન્ને દેશો શિખર મંત્રણા માટે સ્થાનની પસંદગી કરી રહ્યા છે. સાઉદી અરેબિયા સુન્ની દેશ છે અને ઈરાન શિયા. સદીઓ જૂનું સુન્ની-શિયા વેર બે દેશોને નજીક નહીં આવવા દેવાનું મુખ્ય કારણ છે, પણ બદલતા વૈશ્વિક સંદર્ભોમાં નજીક આવવું જરૂરી પણ છે. ચીને સમજૂતી કરાવી આપી અને અમેરિકાએ સમજૂતીનું સ્વાગત કરવું પડ્યું છે.

હવે ચીનના વડા શી ઝિંગપીંગ મોસ્કો ગયા છે, રશિયા અને યુક્રેન વચ્ચે સમજૂતી કરાવવા. યુક્રેનમાં રશિયાનો પગ એવી બૂરી રીતે ફસાઈ ગયો છે કે રશિયાને સમજૂતી કરવી પડે એમ છે. દેખાવ માત્ર એવો કરવામાં આવી રહ્યો છે કે રશિયા ચીનની વિનંતીને માન આપી રહ્યું છે અને સમજૂતીની દિશામાં રચનાત્મક અભિગમ અપનાવી રહ્યું છે. રશિયન અખબારોમાં રશિયાના તાનાશાહ વ્લાદિમીર પુતીને એક લેખ લખીને પોતાના શી ઝિંગપીંગ સાથેના સંબંધો કેટલા સૌહાર્દપૂર્ણ છે તેનો ચિતાર આપ્યો છે. તેમાં તેમણે લખ્યું છે કે ૨૦૧૨માં ઝિંગપીંગ ચીનના પ્રમુખ બન્યા એ પછી તેમની વચ્ચે ૪૦ કરતાં પણ વધુ મુલાકાતો થઈ છે. દોસ્તીના બીજા અનેક દાવાઓ કરવામાં આવ્યા છે, પણ નોંધનીય છે બાર વરસમાં ૪૦ મુલાકાતો. કદાચ જગતના રાજદ્વારી ઇતિહાસમાં આ એક વિક્રમ હશે.

એની વચ્ચે પહેલાં ભારતની વાત કરી લઈએ. ગલ્ફના દેશોમાં આરબ-ઈરાન સમીકરણો બદલાય એ ભારતનાં હિતમાં નથી, પણ એ બદલાઈ રહ્યાં છે અને વળી એ ચીન દ્વારા બદલાઈ રહ્યાં છે. ચીને અરબી સમુદ્ર અને ઓમાનના અખાતમાં પડતા પાકિસ્તાનના ગ્વાડર બંદર દત્તક લીધું છે. ગ્વાડરથી સીધો બીજિંગ સુધીનો મહામાર્ગ બાંધવામાં આવી રહ્યો છે. ગ્વાડર દ્વારા ચીન અખાતનાં મુસ્લિમ દેશોનાં આગણે પહોંચી ગયું હતું. ભારતે ચીનના પ્રભાવને ખાળવા એ જ ભૌગોલિક સ્થળે ગ્વાડરથી અંદાજે સોએક કિલોમીટર પશ્ચિમે ઈરાનનું ચાબહાર બંદર ભારતે દત્તક લઈને વિકસાવવાની ઈરાન સાથે સમજૂતી કરી હતી. હવે નવી સ્થિતિમાં એ સમજૂતી સાકાર થશે એવી કોઈ શક્યતા નજરે પડતી નથી. ચીને અખાતના દેશોમાં પણ પગપેસારો કર્યો છે.

રશિયાએ વરસ પહેલાં યુક્રેન ઉપર હુમલો કર્યો ત્યારે ભારતે રશિયાની નિંદા નહીં કરીને રશિયાને આડકતરી રીતે મદદ કરી હતી. ભારતની ગણતરી એવી હતી કે જો આવતીકાલે ભારત અને ચીન વચ્ચે સીમા પર તંગદીલી પેદા થાય તો રશિયા ભારતને મદદ કરી શકે. કમ સે કમ રશિયા ચીન ઉપરની પોતાની વગનો ઉપયોગ કરી શકે. આ સિવાય રશિયા પાસેથી બળતણ મેળવવાની પણ ભારતની ગણતરી હતી. માટે અમેરિકા અને પશ્ચિમના લોકશાહી દેશોની નારાજગી વહોરી લઈને પણ ભારતે રશિયાની નિંદા નહોતી કરી. યુનોની સલામતી સમિતિમાં ગેરહાજર રહ્યું હતું. અને ચીન? ચીને રશિયાને ખુલ્લો ટેકો આપ્યો હતો અને સલામતી સમિતિમાં એક વાર રશિયાની તરફેણમાં અને એક વાર ગેરહાજર રહીને રશિયાને ટેકો આપ્યો હતો. રશિયા ઉપર પશ્ચિમના દેશોએ નાકાબંધીનાં પ્રતિબંધાત્મક પગલાં લીધાં તેનો પણ ચીને વિરોધ કર્યો હતો. ભારતે માત્ર એટલું જ કહ્યું હતું કે “આ યુદ્ધ કરવાનો સમય નથી.”

એક સમયે એમ કહેવામાં આવતું હતું કે ભારત રશિયા-યુક્રેન વચ્ચે મધ્યસ્થી કરશે. ગોદી મીડિયાએ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક નેતા બની ચુક્યા છે અને યુદ્ધ રોકીને દુનિયામાં શાંતિ સ્થાપનારા શાંતિદૂત બની ચુક્યા છે, એવી આરતી પણ ઉતારવા માંડી હતી. પણ આજે પરિણામ આપણી સામે છે. યુદ્ધખોર દેશનું ઊઘાડું સમર્થન કરનાર ચીન મધ્યસ્થી કરવાનું છે. કારણ બહુ સરળ છે. રશિયા થાક્યું છે. જગતમાં નાક કપાઈ ગયું છે. રશિયા યુદ્ધ જીતી શકે એમ નથી તેની રશિયનોને પણ ખાતરી થઈ ગઈ છે. ઓછામાં પૂરું પશ્ચિમના દેશોએ લાદેલી આર્થિક નાકાબંધીના કારણે રશિયાનાં અર્થતંત્રની કમર તૂટી ગઈ છે. અમેરિકા અને પશ્ચિમના દેશો યુક્રેનને એવી રીતે મદદ કરી રહ્યા છે કે યુક્રેન રશિયાની સામે હારે પણ નહીં અને આર્થિક સહાયના પરિણામે ભૂખે મરે પણ નહીં. એ દેશો રશિયા સામે સીધા યુદ્ધમાં નથી ઉતરતા અને ઉતર્યા વિના વરસો સુધી લડી શકાય એવી વ્યવસ્થા પણ કરી આપી છે.

પણ રશિયાએ બહાર નીકળવા માટે ભારતની જગ્યાએ ચીનની પસંદગી કરી છે. ચીને યુદ્ધમાં તટસ્થ ભૂમિકા ભજવી ન હોવા છતાં. રશિયાને ખાતરી છે કે ચીન યુક્રેનને તેની વિરુદ્ધ ભૂમિકા લીધી હોવા છતાં પણ સમજાવી લેશે અને બન્ને દેશ આબરૂ બચાવીને યુદ્ધમાંથી બહાર આવે તેવી સમજૂતી કરી આપશે. કારણ બહુ સ્પષ્ટ છે. એક તો એ કે રશિયાને ખબર છે કે ચીન ભારતની જેમ દહીંદૂધમાં પગ નથી રાખતું. ચીનને અમેરિકાની પડી નથી, જ્યારે ભારતને અમેરિકાનો અને અમેરિકાને ભારતનો ખપ છે. બીજું, લોકતંત્ર અને સભ્ય દેશના વાઘા ચીન પહેરતું નથી જે ભારત પહેરે છે. આ બાબતે વિશ્વમાં નથી ચીનની આબરૂ કે નથી રશિયાની આબરૂ. “આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા” જેવી સ્થિતિ છે. ત્રીજું, ભારત કરતાં ચીન રશિયાને આર્થિક મદદ કરી શકે એમ છે. ચીનની આર્થિક સ્થિતિ બગડતી જાય છે એ છતાં. અને ચોથું અને સૌથી મોટું કારણ એ છે કે બન્ને દેશો સ્પષ્ટપણે અમેરિકા અને પશ્ચિમના દેશોની વિરુદ્ધ છે અને તે અમેરિકા અને પશ્ચિમ વિરુદ્ધ ધરી રચવા માગે છે. ભારતની હાલત કફોડી છે. ભારત ખુલ્લી રીતે અમેરિકાની ધરીનો હિસ્સો બની શકતું નથી કારણ કે ચીન પડોશમાં માથે છે.

કાલે ભારત અને ચીન વચ્ચે સરહદે અથડામણ થાય તો હવે નવા સંજોગોમાં રશિયાની મદદ મળી શકે? શંકા છે. નઠારાઓની ધરી રચાઈ રહી છે જેમાં ભારત ગોઠવાઈ શકે એમ નથી. રશિયા કેવળ પોતાનો સ્વાર્થ જોશે અને તેનો મોટો સ્વાર્થ ચીન સાથે છે. એમાં ચીને હવે અખાતી દેશોમાં પણ વગ વિસ્તારી છે.

તો પછી ભારત પાસે કયો માર્ગ બચે છે? સભ્ય દેશોની સાથે બેસવાનો. પણ એ માટે ઘર આંગણે સભ્ય રાજકારણ કરવું જરૂરી છે. વિશ્વમાં સભ્યતાનો ઢોંગ કરવો અને ઘર આંગણે લોકતંત્રનું ખૂન કરવું એ બન્ને માર્ગે ચાલવાથી કોઈ લાભ નથી. દુનિયા બધું જ જાણે છે. ભારતમાં શું ચાલી રહ્યું છે એની દુનિયાને જાણ કરવા રાહુલ ગાંધીની જરૂર નથી.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 23 માર્ચ 2023

Loading

...102030...1,1981,1991,2001,201...1,2101,2201,230...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved