ધર્મઝનૂની મૌલવીઓએ મોગલ બાદશાહોના કાન ભંભેર્યા અને શીખ લોકો ઉપર તવાઈ ઊતરી. ઔરંગઝેબના વખતમાં તો મોગલોના જુલમોએ માઝા મૂકી.
દશમા ધર્મગુરુ ગુરુ ગોવિંદસિંહ ત્યારે ધર્મની ગાદી પર. તેમણે આ જુલમોનો સામનો કરવાનો નિરધાર કર્યો. એમણે પ્રતિજ્ઞા લીધી કે –
ચીડિયાસે મૈં બાજ ગિરાઉં, બિલ્લી સે મૈં શેર મરાઉં,
સવા લાખપે એક ચડાઉં, તબ ગોવિંદસિંહ નામ ધરાઉં.
સવા લાખની સામે લડવા નીકળે તેવા એક એક શીખ સિપાહીને હું તૈયાર કરું, તો જ મારું નામ ગોવિંદસિંહ !
ગુરુ ગોવિંદસિંહે રણહાક વગાડી. ગુરુની વાણી તો મડદાંને પણ બેઠાં કરે તેવી ! ગુરુના એક બોલ પર મરી ફીટવા હજારો યુવાનો થનગની રહ્યા. “વાહ, ગુરુ ! વાહ, ગુરુ કી ફત્તહ !”નો હુંકાર કરતા શીખ બેટડા ખડા થઈ ગયા. માથે મોકળા કેશ અને હાથે ચમકતી કિરપાલ – જાણે કેશવાળી ખંખેરી સિંહ જાગી ગયા ! ત્યારે એક બૂઢો આદમી એ રણબંકા જુવાનોને ટગરટગર જોઈ રહેતો. લડાઈના મેદાનમાં જવાની તેને જબરી હોંશ હતી. પણ કાયા કામ નહોતી કરતી. નેવું શિયાળા એણે જોઈ નાખ્યા હતા. હાથમાં સાવરણો લઈને એ ગુરુ સાહેબનું આંગણું વાળતો ને બેઠા બેઠા પરમાત્માના ગુણ ગાતો. ગુરુની હાકલ પડતાં આજ સહુ સંગાથે હાલી નીકળી નથી શકાતું, તેનો એને ભારે વસવસો રહેતો. એક દિવસ ગુરુ ગોવિંદસિંહ પાસે આવી, હાથ જોડી એણે કહ્યું : “ગુરુસાહેબ, મારે લડાઈના મેદાનમાં જવું છે. મને આજ્ઞા આપો.”
ગુરુ તો બૂઢા સામે જોઈ રહ્યા. તેનો દેહ નર્યો હાડકાંનો માળખો હતો. અંગો ધ્રૂજતાં હતાં. ગુરુએ કહ્યું, “પણ બાબા, તમે રણમેદાનમાં જઈને શું કરશો ? તલવાર ઉપાડવાની પણ શક્તિ નથી તમારામાં.”
“મારા ગુરુ ખાતર હું માથું ઉતારી આપીશ,” બૂઢાએ કહ્યું.
“બાબા, મારા શીખનાં માથાં એવાં સોંઘાં નથી.” થોડી વાર વિચાર કરીને ગુરુએ કહ્યું. “પણ તમે એક કામ કરો. લડાઈના મેદાનમાં ઘાયલ સૌનિકોને પાણી પાવાનું કામ તમારું.”
બૂઢો તો રાજી રાજી થઈ ગયો. કાંધે પાણીની મસક ઉપાડીને ચાલી નીકળ્યો.
પણ લડાઈના મેદાનમાં બૂઢાની હાજરી ઘણાને સાલવા માંડી. એની વિરુદ્ધની ફરિયાદો સાંભળી ગુરુ ગોવિંદસિંહે પૂછ્યું, “શું એ સોંપેલું કામ બરાબર નથી કરતો ?”
“ના, રે ગુરુસાહેબ,” સરદારોએ કહ્યું, “કામ તો એના જેટલું બીજો કોણ કરતો હશે ? મણ મણની મસક ઉપાડીને દોટ મૂકે છે. ઘાયલ ને તરસ્યાનું નામ સાંભળીને ઘમસાણ વચ્ચે ઘૂમી વળે છે. નથી ડરતો તીરથી, નથી ડરતો તલવાર કે ભાલાથી.”
“ત્યારે ? વાંધો શું છે ?”
“ગુરુસાહેબ, આ બૂઢો ઘાયલ શીખને પાણી પાય છે એમ દોડીને દુ:શ્મનને પણ પાણી પાય છે. ના પાડતાંયે કોઈનું માનતો નથી. પાણી કોણ માગે છે તે જોયા વગર જ એ તો પાણી પાવા લાગી જાય છે. મુસલમાન સિપાહીને માથે પણ પ્યારથી હાથ ફેરવે છે. એ જોયું નથી જતું, ગુરુસાહેબ !”
ગુરુ ગોવિંદસિંહની આંખમાં જળજળિયાં આવી ગયાં. તેમણે બૂઢાને બોલાવ્યો અને શીખ સરદારોની હાજરીમાં પૂછ્યું, “બાબા, તમારી ફરિયાદ આવી છે, તમે મુસલમાનોને પણ પાણી પાઓ છો ?”
બૂઢાએ હાથ જોડીને કહ્યું, “દશમ પાદશાહ, હું તો આપની આજ્ઞાનું પાલન કરું છું. ‘પાણી ! પાણી !’નો પોકાર જે કોઈ કરે તેને પાણી પાવા હું દોડું છું. મને બીજી કોઈ ખબર નથી.”
બૂઢાના ધ્રૂજતા હાથને ગુરુએ પોતાના પંજામાં લઈ લીધો. આનંદ અને પ્રેમથી છલકાતા સ્વરે કહ્યું, “બાબા ! તમે તો શીખ ધર્મને ઉજાળ્યો. ધન્ય છે ! આપણી હસ્તીને પડકાર થતાં આપણે તલવાર ઉઠાવી છે. પણ મોતને બારણે કોઈ ભેદ નથી. પાણી માટે તરફડતા હરકોઈ સૈનિકને તમતમારે ખુશીથી પાણી પાજો. અને બાબા, એક બીજી વાત પણ તમારે કરવાની છે ….”
“આજ્ઞા કરો, ગુરુસાહેબ !” બૂઢો બોલ્યો.
“મારા આ સરદારોના લોખંડી દિલમાં પણ તમારું પ્રેમજળ સીંચ્યા કરજો. આપણા ધર્મની તલવાર જેટલી તીખી છે, એટલું જ આપણા અંતરની માટલીનું જળ મીઠું છે, એ તેમને ભૂલવા ન દેતા !”
(‘અડધીસદીનીવાચનયાત્રા’માંથીસાભાર)
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ફેબ્રુઆરી 2023; પૃ. 08
![]()


“અમે અસાધારણ દંપતી હતાં. ૧૯૦૬માં એકબીજાની સંમતિ પછી અને અજાણી અજમાયશ પછી અમે આત્મસંયમનો નિયમ નિશ્ચિત રૂપે સ્વીકાર્યો. આને પરિણામે અમારી ગાંઠ પહેલાં કદી નહોતી એવી દૃઢ બની તેથી મને ભારે આનંદ થયો. અમે બે ભિન્ન વ્યક્તિ મટી ગયાં. મારી એવી ઇચ્છા નહીં છતાં તેણે મારામાં લીન બનવાનું પસંદ કર્યું. પરિણામે તે સાચું જ મારું શુભતર અર્ધાંગ બન્યાં. તે હંમેશાં બહુ મજબૂત ઇચ્છાશક્તિવાળી સ્ત્રી હતાં, જેને નવપરિણીત દશામાં હું ભૂલથી હઠીલાં ગણી કાઢતો. પણ મજબૂત ઇચ્છાશક્તિને લીધે તે અજાણમાં જ અહિંસક અસહકારની કળાના આચરણમાં મારા ગુરુ બન્યાં.”
ચંપારણનું કામ તો ચાલુ જ હતું એટલામાં ખેડા જિલ્લામાં સત્યાગ્રહ શરૂ થયો ત્યારે બા પણ બાપુની સાથે ખેડા જિલ્લાનાં ગામોમાં ફરતાં હતાં. ક્યારેક બાપુની સાથે રહેતાં અને ક્યારેક એકલાં પણ ફરતાં.
૧૯૨૨માં બાપુજીને પકડવામાં આવ્યા અને છ વર્ષની સજા કરવામાં આવી. એ સજા સાંભળી આખો દેશ કકળી ઊઠ્યો. તે વખતનો બાનો સંદેશો એક વીરાંગનાને શોભે એવો છે :
બાપુએ આમ કહ્યું, કારણ કે બાની તત્ત્વનિષ્ઠા અને કાર્યશક્તિથી તેઓ પરિચિત હતા. બાના વ્યક્તિત્વથી આકર્ષાઈને છાવણીમાં સેંકડો બહેનોની ભરતી થઈ. સુરત શહેરમાં, પછાત ગણાતી કોમોમાંથી પણ સેંકડો બહેનો જિંદગીમાં પહેલી જ વાર જાહેર કામ માટે નીકળી પડી. તે સહુને હિંમત અને પ્રેરણા બા પાસેથી જ મળેલાં. ‘બા ક્યાં અંગ્રેજી ભણેલાં છે ? તેઓ આ કામ કરી શકે તો અમે તેમનો સાથ કેમ ન કરીએ ?’ બાના જીવનમાંથી તેમનામાં આત્મશ્રદ્ધા ઉત્પન્ન થઈ. પરિણામે અઠંગ છાકટા ગણાતા સુરત જિલ્લામાં દારૂતાડીનાં પીઠાં ઉપર ચકલુંયે ફરકતું નહીં. સરકારને નીતિનિયમ બાજુએ મૂકીને દારૂતાડીની ફેરી કરવા દેવી પડી. ગામડાંમાં પણ અત્યાર સુધી સભ્યતા જાળવી રહેલી સરકારે બહેનોને છાવણી માટે કોઈ મકાન ન આપે એવી તજવીજ કરી. પરંતુ બહેનો ડગી નહીં. માંડવા બાંધી એમાં છાવણી શરૂ કરી. માંડવા બળવા માંડ્યા અને વાસણકૂસણ જપ્ત થવા મંડ્યાં એટલે બાએ કહ્યું, ‘આપણે સાદગીનાં ઝૂંપડાં અને માટીનાં વાસણો જ રાખો. પછી શું લઈ જવાના છે ?’
બા બહુ જ આગ્રહી સ્વભાવની બાઈ હતી. નાનપણમાં હું એને જક્કીપણું ગણતો. પણ આ આગ્રહી સ્વભાવે તેને તદ્દન અજાણતાં અહિંસક અસહકારની કળા અને અમલમાં એને મારી ગુરુ બનાવી. પહેલાં અનેક વખત કારાવાસ ભોગવેલો હોવા છતાં આ વખતનો (૧૯૪૨-૪૪) કારાવાસ તેને જરા ય ગમ્યો ન હતો, જો કે આ વખતે શારીરિક સુખસગવડોની કશી જ કમી નહોતી. મારી પોતાની અને સાથે સાથે થયેલી બીજાં અનેકની ધરપકડને લીધે અને પછી તરત જ કરવામાં આવેલી એની પોતાની ધરપકડથી એને જબરો આઘાત લાગ્યો, અને એનામાં બહુ કડવાશ આવી ગઈ.