Opinion Magazine
Number of visits: 9458292
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જી-20 : નવી વિશ્વ વ્યવસ્થાને ભારત આકાર આપી શકશે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 November 2022

ભારતે 2023ના જી-20 શિખર સંમેલનનું યજમાનપદુ સ્વીકાર્યું છે. બાલી-ઇન્ડોનેશિયામાં આ અઠવાડિયે યોજાયેલા તેના 17માં સંમેલનમાં, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 2023નું અધ્યક્ષપદ સુપરત કર્યું હતું. ભારતે, 2002માં જી-20ના નાણાં મંત્રીઓ અને બેંક ગવર્નરોની બેઠક યોજી હતી, પરંતુ 2008માં વૈશ્વિક નાણાંકીય અને આર્થિક કટોકટી પછી જી-20ને શિખર વાર્તાનું સ્વરૂપ આપવામાં આવ્યું, તે પછી ભારત પહેલીવાર 19 રાષ્ટ્રો વત્તા યુરોપિયન યુનિયનના આ આંતરરાષ્ટ્રીય ફોરમને ભારતની ઝાંખી કરાવશે. ભારત માટે આ તાજેતરનાં વર્ષોનો સૌથી મોટો વૈશ્વિક કાર્યક્રમ છે. તેના માટે સંભવતઃ ઓકટોબર-નવેમ્બર વચ્ચે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકત્તા જેવા મોટાં શહેરોને સમાવતા 200 જેટલાં કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે.

2023ના આ 18માં શિખર સંમેલનના સંદર્ભમાં, ભારત માટે બાલીનું 17મું સંમેલન મહત્ત્વપૂર્ણ રહ્યું હતું. એ સિવાય, વિશ્વ માટે તેની અગત્યતા બે કારણોથી છે; એક તો, કોરોના મહામારીમાંથી વિશ્વ બેઠું થઇ રહ્યું છે ત્યારે આ સંમેલન મળ્યું છે અને બીજું, તે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ખોરવાયેલા એનર્જી અને ફૂડ સપ્લાયના બેકગ્રાઉન્ડ વચ્ચે યોજાઈ રહ્યું હતું. એટલા માટે જ આ વખતના સંમેલનની થીમ ‘રીકવર ટૂગેધર, રીકવર સ્ટ્રોંગર’ (સાથે ઊભા થઈએ, મજબૂતીથી ઊભા થઈએ) હતી.

જી-20 વિશ્વની સૌથી આગળ પડતી અર્થવ્યવસ્થાઓનો સમૂહ છે. આ સમૂહ કેટલો તાકતવર છે અને કેમ વિશ્વ માટે મહત્ત્વનો છે તે એ હકીકત પરથી ફલિત થાય છે કે તેનાં રાષ્ટ્રોનું વૈશ્વિક જી.ડી.પી.માં 85%, વૈશ્વિક વેપારમાં 75% અને વૈશ્વિક વસ્તીમાં 66% યોગદાન છે. મૂળ આ જી-7 સમૂહ હતો, પરંતુ વૈશ્વિક આર્થિક મંદી ટાળવાના આશયથી 1999માં તેનું કદ વધારીને 20 કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત, તેમાં અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરતાં આતંકવાદ, જળવાયુ પરિવર્તન અને હવે સ્વાસ્થ્ય જેવાં અન્ય વિષયો પણ સામેલ થતાં ગયા છે અને એ રીતે જી-20 કુટનીતિનું એક સમાવેશી મંચ બની ગયું છે.

સંમેલનનાં અધિકૃત સત્રોમાં જે ભાષણો અને જાહેરાતો થાય છે તે કોઈને બંધનકર્તા હોતા નથી એટલે આ સંમેલનની ઉપયોગીતાને લઈને પ્રશ્નો થતા રહે છે, પરંતુ તેની અસલી ફલશ્રુતિ સંબંધિત દેશો મંચથી દૂર એકબીજાને મળીને ગિલે-શિકવે દૂર કરતાં હોય છે તેમાં છે. એવું ધારો ને કે કોકનાં લગ્ન થતાં હોય, ત્યારે દૂર મહેમાનગણમાં બીજા કોક છોકરા-છોકરીઓનું જોવાનું ચાલતું હોય, કોઈકે જોઈ રાખ્યા હોય તો વાત આગળ વધતી હોય, કોકનું ક્યાંક અટક્યું હોય તો રસ્તાઓ નીકળતા હોય, કોકના અબોલા તૂટતા હોય, કોકના નવા સંબંધો અને સંવાદો શરૂ થતાં હોય, વગેરે.

એ દૃષ્ટિએ, ભારત માટે વર્તમાન અને આગામી એમ બંને સંમેલનો વૈશ્વિક મુદ્દાઓ પર પોતાના વિચારો દુનિયા સામે મુકવાનો અવસર બની ગયાં છે. બાલીમાં વડા પ્રધાને ત્રણ મહત્ત્વનાં સત્રોમાં ભારતના દૃષ્ટિકોણ રજૂ કર્યા હતા – ફૂડ અને એનર્જી સુરક્ષા, ડિજીટલ ટ્રાન્સફર્મેશન અને સ્વાસ્થ્ય. આગામી સંમેલન માટે ભારત એજન્ડા નક્કી કરવાનું છે.

ભારત અત્યારે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને દુનિયાની સૌથી તેજીથી આગળ વધી રહેલા દેશોમાં તે સામેલ છે. એ રીતે ભારતને બીજી મોટી અને વિકસિત અર્થવ્યવસ્થાઓ સાથે હાથ મિલાવીને તેનાં રાષ્ટૃ હિતોને સાધવાનો મોકો મળ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચે જે પ્રમાણે શીત યુદ્ધ શરૂ થયું છે અને વિશ્વ જે રીતે ફરી એકવાર (અમેરિકા-સોવિયત સંઘની જેમ) બે છાવણીઓમાં વહેચાવા જઈ રહ્યું છે, તે જોતાં વડા પ્રધાને નહેરુના બિન-જોડાણવાદને ફરી જીવતો કરવો પડશે.

ઇન ફેક્ટ, 2020ની નોન-અલાઇન્મેટ મૂવમેન્ટ(નામ)માં પહેલીવાર મોદીએ ભાગ લીધો હતો. 2014માં સત્તા પર આવ્યા પછી 2016ની અને 2019ની “નામ” બેઠકમાં તેમણે હાજર રહેવાનું ટાળ્યું હતું, પરંતુ 2020માં તેમણે તેમાં હાજરી પુરાવીને નહેરુના વખતના આ મહત્ત્વના ગઠબંધનને ફરીથી જીવંત કરવાનો તેમનો ઈરાદો સ્પષ્ટ કર્યો હતો. ભારત જ્યારે અમેરિકા કે સોવિયત સંઘ બંનેમાંથી એકેયની છત્રી નીચે શરણ લેવા માગતું નહોતું, ત્યારે 1961માં ભારતે જ બિન-જોડાણવાદી અભિયાન શરૂ કરીને દુનિયાના દેશો માટે ત્રીજી છત્રીનો વિકલ્પ ઊભો કર્યો હતો.

સોવિયત સંઘના વિભાજન પછી વિશ્વમાં જ્યારે અમેરિકા એક માત્ર છાવણી રહી ગઈ હતી તે પછી ક્રમશઃ આ અભિયાન મૃતપાય: થવા લાગ્યું હતું અને 1991માં આર્થિક ઉદારીકરણની સાથે ભારત ખુદ કે મજબૂત આત્મનિર્ભર અર્થવ્યવસ્થા બનવા લાગ્યું હતું એટલે તેની બીજી કોઈ એક છાવણીમાં જવાની વિવશતા ઘટતી ગઈ હતી. મોદીનો રાષ્ટ્રવાદ આમ જુઓ તો એ આત્મનિર્ભરતાનું જ આધુનિક સ્વરૂપ છે અને એ રાષ્ટ્રવાદી હિતોને પોષવા માટે તેઓ બિન-જોડાણવાદને જીવંત કરે તેમાં નવાઈ નથી. ભારત કોઈ એક છાવણીમાં બંધાઈ જવાને બદલે તેનાં હિતોની જરૂરિયાત મુજબ કોઈની પણ સાથે હાથ મિલાવવા તૈયાર છે, એ આ રાષ્ટ્રવાદી બિન-જોડાણવાદની વ્યાખ્યા કહેવાય.

એમાં તાકડે અમેરિકા-ચીન વચ્ચે ખાઈ પહોળી થઇ છે તે ભારત માટે ‘આફતમાં અવસર’ જેવું છે. ભારત નહેરુના સમયનું વિવશ રાષ્ટ્ર નથી, જેણે પગભર થવા માટે વિશ્વની સત્તાનો સહારો લેવો પડે તેમ હતો. આજે સ્થિતિ એવી છે કે અમેરિકા-ચીન વચ્ચે ફૂટ પડી છે તેના કારણે જે અસ્થિરતા ઊભી થવાની છે તેમાં ભારત “સ્ટેબિલાઈઝર” તરીકે ભૂમિકા ભજવવા માટે સક્ષમ છે. 2020માં “નામ” બેઠકમાં ભારતની હાજરી અને 2023માં જી-20ના અધ્યક્ષપદનો સ્વીકાર એ બંને બાબતને ભારતની વધતી વૈશ્વિક ભૂમિકા તરીકે જોવી જોઈએ.

ઇન ફેક્ટ, 2020 પછી ભારતે આંતરરાષ્ટ્રીય સંબંધોના મોરચે બંને એટલી બેઠકોમાં ભાગ લેવાનું, બીજા દેશોને મદદ કરવાનું, ભારતીય મૂળના નાગરિકોની વહારે જવાનું, વૈશ્વિક એકતા માટે સૌને એકજૂથ કરવાનું શરૂ કર્યું છે. “નામ”ની બેઠકમાં મોદીએ કહ્યું હતું કે, “વર્તમાનમાં જે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા છે, તેની અમુક મર્યાદાઓ છે એટલે ન્યાયોચિત, સમાનતા અને માનવીયતાના ધોરણે કામ કરતા નવા વૈશ્વિકરણની હવે જરૂર છે.” આ શબ્દોમાં સંકેત છે કે દુનિયા બદલાઈ રહી છે.

દુનિયા કેવી રીતે બદલાઈ રહી છે અને એમાં ભારતે શું કરવું જોઈએ તેને લઈને વિદેશ મંત્રી એસ. જયશંકર તેમના તાજેતરમાં જ પ્રગટ થયેલાં પુસ્તક “ધ ઇન્ડિયા વે”માં સરસ સમજાવે છે. તેમના જ શબ્દોમાં :

“ભારતની આત્મલીનતા કેવી રીતે તેની વૈશ્વિક દૃષ્ટિને આકાર આપે છે તે બાબતને દાયકાઓ અગાઉ સત્યજીત રેની એક ફિલ્મમાં સટીક રીતે બતાવવામાં આવી હતી. તેમાં બે એવા નવાબોની વાત હતી, જેઓ એકતરફ ચેસની રમતમાં મશગૂલ હતા, ત્યારે બીજી તરફ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સ્થિર ગતિએ તેમના સમૃદ્ધ રજવાડા અવધ પર વર્ચસ્વ જમાવી રહી હતી. આજે, જ્યારે એક અન્ય વૈશ્વિક તાકાતનો ઉદય થઇ રહ્યો છે – અને તે પણ ભારતની એકદમ પડખે – ત્યારે આ દેશ ફરી એકવાર તેનાં પરિણામો પ્રત્યે બેખબર રહી ન શકે. આદર્શ રીતે જોવા જઈએ તો, ચીનનું ઉત્થાન ભારતની સ્પર્ધાત્મક વૃત્તિઓને તેજ કરવા માટે પ્રેરણારૂપ બનવું જોઈએ, પરંતુ કમ સે કમ તેનાથી એ ગંભીર ચર્ચા તો છેડાવી જ જોઈએ કે આમાં વૈશ્વિક રાજનીતિ કઈ દિશામાં જશે અને આપણા માટે તેમાં શું સુચિતાર્થ છે.

આ વાત મહત્ત્વની છે કારણ કે તેની સમકક્ષ અન્ય નિર્ણાયક પરિવર્તનો આગળ વધી રહ્યાં છે. એક વ્યાપક સંતુલન પુનઃ સ્થાપિત થતું તો દેખાઈ જ રહ્યું હતું, તેના પર હવે વિસ્તૃત પ્રાદેશિક અસ્થિરતા, જોખમી વ્યવહાર, મજબૂત રાષ્ટ્રવાદ અને વૈશ્વિકરણનો ઇન્કાર છવાઈ ગયો છે. ચીનના ઉત્થાન સામે અમેરિકા કેવો પ્રતિભાવ આપે છે, તેના પરથી સમકાલીન રાજનીતિની દિશા નક્કી થશે. વૈશ્વિક ફેરફારો આંતરિક બાબતોને કેવી રીતે પ્રભાવિત કરે છે તેનો આપણે ત્યાં પૂરો વિચાર કરવામાં આવતો નથી, પરિણામે ભારત ઘણીવાર એ ફેરફારોને નજરઅંદાજ કરે છે. આપણે ત્યાં ચોક્કસ પોલિટીકલ નેરેટિવ્સની ગેરહાજરી હોવાથી, આ ફેરફારો ભારતની વૈચારિકતાને કેવી રીતે પ્રભાવિત કરે છે તે પણ સ્પષ્ટ નથી. એટલે, ભારત જ્યારે વૈશ્વિક વ્યવસ્થામાં ઉપર ઊઠી રહ્યું છે ત્યારે, તે પોતાનાં હિતોને સાફ દૃષ્ટિએ જુએ એટલું જ નહીં, તેને અસરકારક રીતે વ્યક્ત કરે તે પણ જરૂરી છે. “

લાસ્ટ લાઈન :

“ડિપ્લોમસી એટલે લોકો ભાડમાં જાઓ કહેવાની એવી કળા કે એ લોકો ત્યાં જવાનો રસ્તો પૂછે.”

— વિન્સ્ટન ચર્ચીલ

પ્રગટ : ‘ક્રોસલાઈન’ નામે લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 22 નવેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘બીજા’ શબ્દોમાં –

અભિમન્યુ આચાર્ય|Opinion - Literature|22 November 2022

જેમાંથી નીકળી શકવાની છૂટ ન હોય, એવા સંબંધનો કોઈ અર્થ નથી.

એ સંબંધ કોઈ પણ હોય—પતિ પત્નીનો, મિત્રોનો, કે પછી ભાષા સાથેનો સંબંધ. એક જ ભાષા જાણતા-પ્રયોજતા લોકો માટે કદાચ એ સંબંધ થોડો સરળ હશે, ગુજરાતીમાં જ જીવ્યા, ગુજરાતીમાં જ મર્યા જેવું. પણ ભારતમાં એવા બહુ ઓછા લોકો હશે જે એક જ ભાષા જાણતા હોય. મોટાભાગના લોકો ઓછામાં ઓછી બે ભાષાઓ તો બોલી જાણે છે. નસીબદાર હોય તો ત્રણ. અને એથી ય નસીબદાર હોય તો જેટલી ભાષા બોલી જાણતા હોય એ બધી જ ભાષાઓમાં લખી પણ શકે.

એકાધિક ભાષામાં લખતા લેખક માટે એક પ્રશ્ન વારંવાર સામે આવ્યા કરવાનો : “તમારી મૂળ ભાષા કઈ?”

આ પ્રશ્નનો ઉત્તર જેટલો ધારીએ છીએ એટલો સરળ નથી. મોટાભાગના લોકો માની લે છે કે માતૃભાષા એ જ મૂળ ભાષા. એલા ભઈ, જે ભાષામાં સપનાં આવે ઈ જ હાચી! પણ ભાષા પથ્થર જેવી નહિ, પાણી જેવી હોય છે. અડગ નથી રહેતી, વહ્યા કરે છે. વહ્યે જાય, જેમ જરૂર પડે એમ સ્વરૂપ બદલે. સ્વરૂપ શું, આખું ખોળિયું ય બદલે.

આ મૂળ ભાષાવાળો પ્રશ્ન છેલ્લાં થોડાં વર્ષોથી, જ્યારથી ગુજરાત છોડ્યું, ત્યારથી મારી સામે વારંવાર આવ્યો છે. નાનપણથી જ ગુજરાતી-અંગ્રેજી બંને ભાષાઓમાં હું લખતો-વાંચતો. સુરેન્દ્રનગરથી અમદાવાદ આવવાનું થયું ત્યારે એક સાહિત્યિક આબોહવા મળી, ગુજરાતીમાં લખતા લેખકો મળ્યા, અને ગુજરાતી લેખન વિકસ્યું. લખ્યું, છપાયું, એન્ડ સો ઓન.

પણ ગુજરાત છોડીને કર્ણાટક ભણવા જવાનું થયું એ સાથે જ અંગ્રેજીનું પલડું ભારે થઈ ગયું. આસપાસ સૌ કન્નડ અથવા અંગ્રેજી બોલે. અંગ્રેજીમાં લખતા લેખકો મળ્યા. મારી અભિવ્યક્તિની ભાષાએ સ્વરૂપ બદલવાનું શરૂ કર્યું. અંગ્રેજી લેખને વેગ પકડ્યો. બે વર્ષ કર્ણાટકમાં કાઢ્યા બાદ તરત જ કેનેડા આવવાનું થયું, અને ભાષાને ફરી એક વળાંક મળ્યો. અહીં તો ગુજરાતી જાણે છૂટી જ ગયું – બસ, ઘેર ફોન પર કે મિત્રો સાથે વાત કરું એટલા પૂરતું જ. એ સિવાય મારું લખવું, વાંચવું, બોલવું, બધું જ અંગ્રેજીમાં થવા માંડ્યું—જાણે મારી જાણ બહાર જ. ભાષાએ સ્વરૂપ નહિ, આખું ખોળિયું બદલ્યું. પહેલા ગુજરાતીમાં લખતો, અને પછી અંગ્રેજીમાં એનો અનુવાદ કરતો. છેલ્લા થોડા સમયથી અંગ્રેજીમાં પહેલા લખું છું, પછી એનો ગુજરાતીમાં અનુવાદ કરું છું.

છેલ્લી થોડીક વાર્તાઓ જે છપાઈ એ પહેલા અંગ્રેજીમાં લખેલી.

થોડા આરોપો ય લાદવામાં આવ્યા : “ભારતીય લેખક તો અંગ્રેજીમાં લખી જ ન શકે! તું કેમ લખે છે? જોજે, હવે તું સારું નહિ લખે! આપણી ભાષા એટલે આપણી ભાષા યાર! મા ને કેમ છોડાય?”

અકારણ ગ્લાનિ અનુભવાઈ. શું હું સાચા રસ્તે છું? કોઈ એક ભાષાને કચકચાવીને પકડી રાખવી કેટલી હિતાવહ? વળી, આપણે ભાષાને પસંદ કરીએ છીએ એવું માનવું ય ભૂલ છે. ભાષા આપણને પસંદ કરતી હોય એવી શક્યતાઓ વધારે નથી?

લેખક મૂંઝાય એટલે તરત પૂર્વસૂરિઓ તરફ નજર કરે. મારી પહેલા કોણે આ પ્રશ્ન ફેસ કરેલો? ગુજરાતીમાં અમુક નામો સામે આવ્યા : ગોવર્ધનરામ, મણિલાલ નભુભાઈ દ્વિવેદી, ક.મા. મુનશી, સૌએ ગુજરાતી ઉપરાંત અંગ્રેજીમાં પુસ્તકો લખેલાં છે. મરાઠીમાં અરુણ કોલટકર, દિલીપ ચિત્રે કે વિલાસ સારંગ જેવા સાહિત્યકારો છે જેઓ મરાઠી-અંગ્રેજી બંનેમાં લખતા. તમિલનાડુના એ.કે. રામાનુજન્‌ પણ છે, જે યુવાન વયે અમેરિકા સ્થાયી થયા અને આજીવન અંગ્રેજીમાં પહેલા લખતા રહ્યા, તામિલ અને કન્નડમાં પછી. ગિરીશ કર્નાડ ય યાદ આવે, જેમના શરૂઆતનાં નાટકો કન્નડમાં લખાયેલા પણ જીવનના છેલ્લાં થોડાં વર્ષો તેઓ અંગ્રેજીમાં નાટકો લખતા થયેલા. આ સૌ તો અધવચ્ચેના, એકાધિક ભાષાઓમાં વિહાર કરનારા.

આ ઉપરાંત બીજા બે અંતિમો ના દાખલા પણ છે. નિર્મલ વર્મા (હિન્દી) અને યુ.આર. અનંતમૂર્તિ (કન્નડ) બંને ફાંકડું અંગ્રેજી જાણતા, એટલું ફાંકડું કે અંગ્રેજીમાં લખવું એમના માટે જરા ય અઘરું નહોતું. અને છતાં, આજીવન તેઓ પોતપોતાની માતૃભાષામાં જ લખતા રહ્યા. નિર્મલ વર્મા તો દસેક વર્ષ યુરોપમાં રહેલા, અને છતાં હિન્દીમાં જ લખવું તેમણે ચાલુ રાખ્યું. બીજી તરફ કિરણ નગરકર જેવા લેખકો ય છે, જેમણે પહેલું પુસ્તક મરાઠીમાં લખ્યું, અને એ પછીના બધા જ અંગ્રેજીમાં. તેમના અંગ્રેજી પુસ્તક માટે તેમને સાહિત્ય અકાદમી એવોર્ડ ય એનાયત થયેલો. વિશ્વસાહિત્યમાં ય આવા અનેક દાખલા મળે. સેમ્યુઅલ બેકેટ પોતે આઈરીશ હતા, પણ પહેલા ફ્રેંચમાં લખતા, પછી તેનો અંગ્રેજીમાં અનુવાદ કરતા. વ્લાદીમીર નાબોકોવ રશિયામાં હતા ત્યાં સુધી તેમણે રશિયનમાં લખ્યું, પણ અમેરિકા સ્થાયી થયા પછી તેમણે બધું જ સર્જન અંગ્રેજીમાં કર્યું. એવું જ મિલન કુન્દેરાનું. શરૂઆતની નવલકથાઓ ચેક ભાષામાં લખી, છેલ્લી થોડી ફ્રેંચમાં.

હું વાંચ્યા કરું છું, મારી મથામણોનો ઉકેલ શોધવા. અને એક પુસ્તક નજરે ચડે છે: જુમ્પા લાહિરીનું, ૨૦૧૫માં પ્રકાશિત, જેનું શીર્ષક છે – ‘ઈન અધર વર્ડ્સ’ (In Other Words).

*

પુસ્તક તરત નજરે ચડવાના બે કારણો છે : પહેલું તો એ કે પુસ્તક એકસાથે બે ભાષાઓમાં છપાયું છે. ડાબી તરફ ઈટાલિયનમાં, જમણી તરફ અંગ્રેજીમાં. બીજું કારણ છે શીર્ષક – ઈન અધર વર્ડ્સ. બીજા શબ્દોમાં.

જુમ્પા લાહિરીનું નામ આપણે ત્યાં અજાણ્યું નથી. ભારતીય મૂળનાં, પણ જેમનો જન્મ ઇંગ્લેન્ડમાં અને ઉછેર અમેરિકામાં થયો એવાં આ લેખિકા અનેક માનઅકરામ મેળવી ચૂકેલાં છે, જેમાં અમેરિકાના પ્રતિષ્ઠિત પુલીત્ઝર પ્રાઈઝનો પણ સમાવેશ થઈ જાય છે. તેમની નવલકથા ‘નેમસેક’ પરથી ફિલ્મ પણ બની છે, જેમાં ઈરફાન ખાન અને તબુએ અભિનય કર્યો છે. મેં લાહિરીની વાર્તાઓ આ પૂર્વે વાંચેલી. ખૂબ ગમેલી. પણ આ પુસ્તક જે મારા હાથમાં આવ્યું એમાં વાર્તાઓ નહોતી. લાહિરીનું આ પહેલું આત્મકથનાત્મક પુસ્તક છે જેમાં તેઓ ઈટાલિયન ભાષા સાથેની તેમની આત્મીયતાની વાત કરે છે.

પુસ્તક વાંચવાનું શરૂ કરતાં જ હું ચમક્યો—લાહિરીનો દાખલો બીજા બધા જ લેખકોથી અલગ હતો. પુસ્તકમાં લાહિરી પોતે ઈટાલિયન ભાષા કેવી રીતે શીખ્યા એની વાત કરે છે, અને પછી કેવી રીતે ઈટાલિયનમાં લખતાં થયાં એની. હું એવું માનીને ચાલી રહ્યો હતો કે પુસ્તક મૂળ અંગ્રેજીમાં લખાયેલું હશે, લાહિરીનાં બીજા પુસ્તકોની જેમ જ. પણ પુસ્તક વાંચતા સમજાયું કે એ મૂળ ઈટાલિયનમાં લખાયેલું હતું, અને અંગ્રેજીમાં તેનો અનુવાદ થયેલો હતો. લાહિરીના પુસ્તકે ભાષા વિશેની, અભિવ્યક્તિ વિશેની મારી પોતે બનાવેલી અને ઉછીની લીધેલી, બધી જ માન્યતાઓને પ્રશ્નાર્થ હેઠળ લાવી દીધી, અને એનાં અનેક કારણો છે.

મોટાભાગના લેખકો એકાધિક ભાષા જાણતા હોય એનું કારણ હોય છે. કોઈ એ ભાષા બોલાતી હોય એવા દેશમાં જઈ વસે, તો કોઈના માટે ભાષા શીખવી એ રોજગારનો પ્રશ્ન હોય, તો કોઈને અલગ ભાષામાં શિક્ષણ મળ્યું હોય. પણ લાહિરીનો ઈટાલિયન સાથેનો સંબંધ આ બધાથી અલગ છે. ઈટાલિયન ભાષા શીખવાનું તેમની પાસે કોઈ કારણ નહોતું, ન તો એ સ્કૂલમાં ભણેલાં, ન તો તેમના માટે આ રોજગારનો પ્રશ્ન હતો, ન તે ઈટલી જઈને વસેલાં. તો પછી આ ભાષા શીખવાનું કારણ?

પ્રેમ.

લાહિરી જ્યારે સત્તાવીસ વર્ષના હતાં, ત્યારે એક કોલેજ ટ્રીપમાં ઈટલી ગયેલાં, અને એ વખતે આસપાસ ઈટાલિયન બોલાતું સાંભળી તેમને એ ભાષા સાથે પ્રેમ થઈ ગયો. પહેલી નજરનો પ્રેમ (કે પહેલા શ્રવણનો?). આમ જુઓ તો પ્રેમ એ કંઈ પણ કરવાનું કારણ નથી, પણ આમ જુઓ તો પ્રેમથી વિશેષ કંઈ પણ કરવાનું શું કારણ હોઈ શકે?

લાહિરી ઈટાલિયન માટેના તેમના ઝુરાપાની વાત કરે છે. કોઈ પ્રોષિતભર્તૃકાના જેવો જ એમનો ઝૂરાપો. ભાષા પોતાની તરફ લાહિરીને ખેંચ્યા કરે, અને લાહિરી ઈટલીથી, ઈટાલિયન ભાષાથી જોજનો દૂર, શું કરે? અમેરિકામાં રહ્યે રહ્યે એ ઈટાલિયન શીખવું શરૂ કરે છે, અને લગભગ વીસેક વર્ષ સુધી શીખ્યાં કરે છે. નવી ભાષા શીખવી શરૂ કરો, પણ જો ઉચિત વાતાવરણ ન હોય તો ભાષાને કાટ લાગવામાં વાર નથી લાગતી. મોટાભાગના લોકો કોઈ નવી ભાષા શીખે, પણ પછી એ ભાષા છૂટી જાય તો એ ફરી શીખવાનો પ્રયત્ન નથી કરતા. વીસ વર્ષમાં લાહિરી અનેક વાર ઈટાલિયન શીખવા પ્રયત્ન કરે છે, થોડુંઘણું શીખે છે, પણ વારંવાર, ભીના સાબુની જેમ, ભાષા હાથમાંથી સરકી જાય છે. પણ લાહિરી, કોઈ અગમ્ય કારણોસર, ઈટાલિયન છોડી નથી શકતાં. આખા પુસ્તકમાં વીસ વર્ષના એ ભાષાકીય પ્રેમાશ્લેષનો, એ ખેંચ-તાણનો હિસાબ છે.

નવી ભાષાને તેઓ અનેક ઉપમાઓથી નવાજે છે. આખા પુસ્તકનું ગદ્ય એટલું કાવ્યાત્મક છે કે ગદ્ય-પદ્યના સીમાડાં પણ, ભાષા કે સ્વરૂપના સીમાડાની જેમ જ, એક સગવડ માત્ર છે એ વાતની ફરી એકવાર પ્રતીતિ થાય. વીસ વર્ષ ઈટાલિયન શીખવાના પ્રયત્નને લાહિરી તરવાના અનુભવ સાથે સરખાવે છે. તેઓ કહે છે, કે વીસ વર્ષ તેઓ ઈટાલિયન શીખતાં રહ્યાં પણ ક્યારે ય પારંગત ન થયાં કારણ કે હંમેશાં તેઓ અંગ્રેજી ભાષાનું લાઈફજેકેટ પહેરી રાખતાં. ડૂબવા આવો તો લાઈફજેકેટ તમને બચાવી લે. પણ તરતા શીખવું હોય તો લાઈફજેકેટ કાઢવું પડે. ડૂબવાનો ડર  હોય તો તરતા ક્યારે ય ન આવડે.

ઈટાલિયન વિશેના પ્રેમની વાત કરતાં તેઓ કહે છે કે તેમની સ્થિતિ એકતરફી પ્રેમિકા જેવી જ રહી છે. આજીવન તેઓ ઈટાલિયન ભાષાને ચાહતાં રહ્યાં, પણ એ ભાષાએ તેમને ખૂબ પજવ્યાં. મચક જ ન આપે! તેમને ઈટાલિયનનો મોહ હતો, વળગણ હતું, વળગણ હતું એટલે એ ભાષાની જરૂર હતી. પણ ઈટાલિયનને શું? ભાષાને માણસની જરૂર થોડી હોય?

લાહિરી તેમણે અનુભવેલા અલગ અલગ ભાષાકીય દેશવટાની વાત કરે છે. બંગાળી મા-બાપ હંમેશાં એવી અપેક્ષા રાખતા કે દીકરી બંગાળી શીખે અને પારંગત થાય. પણ લાહિરી માત્ર બોલવાનું શીખ્યાં, એ ય કાચું પાકું. ઘર પરિવારમાં હંમેશાં તેમને ફોરેનર જેવો અનુભવ થતો. અમેરિકામાં તેમની ઓળખ ભારતીય તરીકેની, એટલે એ દેશના લોકો એવી અપેક્ષા રાખે કે લાહિરીની “મૂળ” ભાષા તો કોઈ ભારતીય ભાષા જ હોવી જોઈએ. લાહિરી સારું અંગ્રેજી બોલતાં લખતાં તો તેમના અમેરિકન મિત્રોને આશ્ચર્ય થતું. અમેરિકામાં પણ લોકોની અપેક્ષાઓએ તેમને ક્યારે ય અંગ્રેજી ભાષામાં સ્થિર થવા ન દીધાં. ત્યાં પણ ફોરેનર જેવું. અને બાકી હતું તો ઈટાલિયન ભાષા તરફ ખેંચાયાં, એવી ભાષા જેની સાથે નહાવા-નીચોવવાનો ય સંબંધ નહિ. અને ઈટલી જેટલી વાર જતાં, ઈટાલિયન શીખવાનો પ્રયત્ન કરતાં, ત્યારે ઈટાલિયન લોકો પણ તાકી તાકીને જોતા, વિચારતા : આ બહેન કેમ અમારી ભાષા શીખવા માંગે છે?

વધુ ન રહેવાતા ચુમ્માલીસ વર્ષની ઉંમરે, ઘર પરિવાર સાથે લાહિરી ઈટલીમાં રહેવા આવી જાય છે, અને બે વર્ષ ત્યાં જ રહે છે. આ બે વર્ષ તેઓ અંગ્રેજીમાં કંઈ જ ન લખવા-વાંચવા-બોલવાનું નક્કી કરે છે, પોતાની જાત પર જ પ્રતિબંધ મૂકે છે. લાઈફજેકેટ છોડતાં જ ડર વધે છે, લાહિરીને લાગે છે તેઓ ડૂબી રહ્યાં છે, એટલે હવાતિયા મારે છે, હાથ-પગ જોરથી વીંઝવા શરૂ કરે છે. શબ્દકોશને સહારે, ઈટાલિયન મિત્રોને સહારે, ઈન્ટરનેટને સહારે, લાહિરી ધીરે ધીરે ઈટાલિયનમાં સ્થિર થાય છે. માથું પાણીની ઉપર રાખતાં તે શીખી જાય છે.

પારંગત બનવા તેઓ ઈટાલિયન લેખકોને વાંચવા શરૂ કરે છે. જેમને પોતે અનુવાદમાં વાંચેલા, એ સૌ લેખકોને તેઓ પહેલા વાંચે છે. સમજે છે, પણ થોડું થોડું. વાંચે છે, પણ ધીરે ધીરે. માણસ જ્યારે વાંચવાની શરૂઆત કરે ત્યારે હોય છે એવી સ્થિતિ લાહિરીની થાય છે. એ સ્થિતિમાં એક અનિશ્ચિતતા છે, એક ચંચળતા છે. પોતાની ચાલીસીમાં, બે બાળકોની માતા, અંગ્રેજીની પ્રતિષ્ઠિત લેખિકા, એક નવી ભાષાના સાવ અજાણ્યા પ્રદેશમાં વિહાર કરવા નીકળે પડે છે. એ નવી યાત્રાના ફળરૂપે તેમને ઘણું ય પ્રાપ્ત થાય છે: એક તો નવી ભાષામાં વાંચવાનો આનંદ. કલંકરહિત, કોઈ બાળક અનુભવે એવો આનંદ. અને બીજો, લેખક તરીકે થતો ફાયદો.

લાહિરી કહે છે કે કોઈ એક ભાષામાં પુસ્તકો લખ્યાં પછી, સ્થાપિત થયા પછી ભાગ્યે જ કોઈ નવી ભાષામાં લખવાની હિંમત કરે. કારણકે જેવું લખવું શરૂ કરશે કે લેખકને પોતાની અણઆવડતનો સામનો કરવો પડશે, અને એ તરત જ અસુરક્ષિત થઈ જશે. પણ નવા પ્રદેશમાં જવાના ફાયદા જણાવતાં લાહિરી કહે છે કે નવી ભાષામાં તેઓ વધારે ધ્યાનપૂર્વક વાંચે-લખે છે. જે ભાષા આવડે છે એને આપણે ‘ફોર ગ્રાન્ટેડ’ લઈએ છીએ, પણ જે નથી આવડતી એમાં બહુ ધ્યાનથી વાંચીએ છીએ. તેમની વાચક તરીકેની શક્તિઓ વિકસી છે, અને તેની અસર તેમના લેખનમાં પણ તરત નજરે પડે છે. ઈટાલિયનમાં લખતી વખતે લાહિરી પર કોઈ દબાણ નથી, કોઈ તેમની પાસે અપેક્ષા નથી રાખતું, કોઈ તેમના લખાણને ગંભીરતાથી ય નથી લેતું. ઈટાલિયનમાં લખવું એ તેમના માટે ખુલ્લા આકાશમાં ઉડવા સમાન છે. એક છુટકારાનો અનુભવ. ઈટાલિયનમાં લખતી વખતે લાહિરીનું સંપૂર્ણ ધ્યાન માત્ર એક વસ્તુ પર છે: એ રીતે વ્યક્ત થવું કે વાત સામેના માણસ સુધી પહોંચે. લાહિરી આ વાત સમજતાં જ કહે છે કે લેખકો આ પાયાની શરત બહુ જલદી ભૂલી જતા હોય છે. શૈલી, પ્રતીકો, ભાષાની રમતો, બધું જ પછી આવે છે. લખવાનો સૌપ્રથમ આશય એ છે કે વાત સમજાય. વાચકને પણ, પોતાને પણ.

અંગ્રેજી અને ઈટાલિયનમાં લખવા વચ્ચેનો તફાવત સમજાવતા લાહિરી કહે છે કે અંગ્રેજીમાં તેઓ ગાંડાની જેમ લખાણ વારંવાર સુધાર્યા કરે છે. લખે છે ઓછું, સુધારે છે વધારે. પણ ઈટાલિયનમાં તેઓ એક સૈનિક જેવા છે, જેનું કામ છે બસ આગળ વધવું. એના લીધે લખાણમાં એક સમય બાદ જે કૃતકતા ઘૂસી જતી હોય છે એનાથી લાહિરી બચી શક્યાં છે.

લાહિરી કહે છે કે સર્જનાત્મકતા માટે સલામતીથી મોટો ખતરો બીજો કોઈ નથી. અહીં તે જીવનની સલામતીની વાત નથી કરી રહ્યાં, પણ સર્જનાત્મક સલામતીની વાત કરી રહ્યાં છે. લેખકો એક ઘરેડમાં લખવા માંડે છે, જે પ્રકારનો પ્રવાહ હોય એમાં ફીટ થવા હવાતિયા મારે છે, સ્વરૂપની શક્યતાઓ તપાસવી બંધ કરી દે છે, જાતને પ્રશ્નો પૂછવાનું બંધ કરીને વાચકોને ઉત્તરો આપવાનું શરૂ કરી દે છે ત્યારે સમજી લેવું કે લેખકે સલામતીનું એક ઘર પોતાની આસપાસ રચી લીધું છે. એ ઘર છે, એ કેદ પણ છે. સર્જનાત્મકતા અસુરક્ષામાંથી આવે છે. ભાષાના બંધનો ગૂંગળાવવાનું શરૂ કરે, સ્વરૂપની દીવાલોને ધક્કો મારવાનું મન થાય એવા સંકુલ પ્રદેશોમાં સર્જનાત્મકતા ખીલે છે.

કોઈ એક ભાષામાં સ્થિર ન હોવાની વાતથી લાહિરીને પહેલા અસુરક્ષા હતી, પણ હવે તેને તેઓ એક શક્તિ ગણે છે. તેમને આવડતી ત્રણેય ભાષાઓમાં તેઓ એક ફોરેનર જેવો અનુભવ કરે છે, અને ક્યારેક બહારની વ્યક્તિ જે જોઈ શકે છે એ અંદરના માણસો નથી જોઈ શકતા. ફોરેનર પાસે એવો દૃષ્ટિકોણ હોય છે જે રહેવાસીઓ પાસે નથી હોતો.

લાહિરીનું પુસ્તક હું એકબેઠકે વાંચી જાઉં છું. પુસ્તક બંધ કરી, પેન્સિલને આંગળીઓ વચ્ચે રમાડતાં હું વિચાર્યા કરું છું. મગજમાં અનેક વિચારોના ફણગા ફૂટે છે. ગુજરાતી? અંગ્રેજી? બંને ભાષા! શા માટે હું જાતને બાંધુ? એ બધા જ પ્રશ્નો જે મને પજવી રહ્યા હતા, તે નજર સામે તરવરે છે. પણ સાથે જ, મારી સઘળી મૂંઝવણોનો જવાબ પણ તરત મારી આંખો સામે આવી જાય છે, જે પુસ્તકના સત્યાશીમાં પાના પર લખાયેલો છે :  ભાષા ગૌણ છે, લખવું મહત્ત્વનું છે, કારણ કે શબ્દોનો અર્થ, માણસના અર્થની જેમ, અનંત છે.

સૌજન્ય : અભિમન્યુભાઈ આચાર્યની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બોઝની કોન્સ્પિરસી થિયરીઓને ઠેકાણે પાડનાર એક ગુજરાતી પત્રકાર

રાજ ગોસ્વામી|Opinion - Opinion|22 November 2022

આમ તો વાત બહુ નવી નથી, પરંતુ સુભાષચંદ્ર બોઝની ભત્રીજા વહુએ એને દોહરાવી છે, એટલે ફરીથી તેની નોંધ લેવા જેવી છે. વાત “નેતાજી”ના મૃત્યુના કથિત રહસ્યની છે. અંગ્રેજોની નજરકેદમાંથી છટકીને બોઝ કયાં ગયા તેને લઈને દાયકાઓથી તર્કો લડાવામાં આવે છે, પરંતુ હરિન શાહ નામના એક ગુજરાતી પત્રકારે, આ “કોન્સ્પિરસી થિયરીઓ” પર પહેલીવાર પડદો પાડતાં કહ્યું હતું કે બોઝની છેલ્લું ઠેકાણું તાઈપેઈ હતું અને તેના (હવે જૂનાં) એરપોર્ટ પર 18 ઓગસ્ટ 1945ના રોજ વિમાન તૂટી પડ્યું તેમાં બોઝનું અવસાન થયું હતું.

“નેતાજી”ના ભત્રીજા (નાના ભાઈ શરતચંદ્ર બોઝના દીકરા) શિશિર કુમાર બોઝની પત્ની કૃષ્ણા બોઝનું સુભાષચંદ્ર બોઝનું એક જીવનચરિત્ર્ય “નેતાજી સુભાષચંદ્ર બોઝ’સ લાઈફ, પોલિટિક્સ એન્ડ સ્ટ્રગલ” પ્રગટ થયું છે, તેમાં તેમણે આ ગુજરાતી પત્રકારની જાતતપાસ વાળી વાત દોહારવી છે. હરિન શાહે 1956માં “વર્ડિક્ટ ફ્રોમ ફોર્મોસા : ગેલન્ટ એન્ડ ઓફ નેતાજી સુભાષચંદ્ર બોઝ” નામનું પુસ્તક લખ્યું હતું, જેમાં તેમણે ભેગા કરેલા પુરાવાઓના આધારે કહ્યું હતું કે તેમનું પ્લેન ફોર્મોસા(આજે તાઈપેઈ)માં તૂટી પડ્યું હતું અને ગંભીર રીતે દાઝી ગયેલા બોઝે થોડીક જ મિનિટોમાં જાપાનીઝ મિલીટરી હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન, બ્રિટિશ સામ્રાજ્ય પર આક્રમણના ભાગ રૂપે, જાપાને ભારતમાં મણિપુર અને નાગા હિલ્સ પર હુમલો કર્યો હતો. એમાં બોઝનું ‘ઇન્ડિયન નેશનલ આર્મી’ જાપાનની પડખે હતું. તેમાં આઈ.એન.એ.ના સૈનિકોનો સફાયો થઇ ગયો હતો અને બોઝ બ્રિટન વિરોધી મનાતા સોવિયત સંઘમાં જવા માટે બર્મા ભાગી છૂટ્યા હતા. ત્યાંથી તેઓ જાપાની યુદ્ધ વિમાનમાં ઉડ્યા હતા. આ વિમાનમાં વધારે પડતો જ ભાર હતો, અને ફોર્મોસામાં ઇંધણ પુરાવીને ઊડવા જતાં તૂટી પડ્યું હતું.

22 ફેબ્રુઆરી 2020માં, 89 વર્ષની વયે, અવસાન પામેલાં કૃષ્ણા બોઝ તેમના પુસ્તકમાં આ પ્રમાણે લખે છે :

“શિશિર કુમાર બોઝ સાથે લગ્ન કર્યાના થોડા જ વખતમાં હરિન શાહનું પુસ્તક મારા ધ્યાનમાં આવ્યું હતું. શાહે તાઈપેઈની મુલાકાત લઈને નેતાજીના અંતિમ કલાકોનાં તથ્યો ભેગાં કર્યાં હતાં. એ વાંચવાનું કષ્ટદાયક હતું. શિશિરને પહેલેથી જ હરિન શાહના વિવરણની ખબર હતી. તાઈપેઈથી પાછા આવીને શાહે સરદાર પટેલ સાથે વાત કરી હતી. સરદારે તેમને સુભાષના ઘનિષ્ઠ રાજકીય સાથી અને વિશ્વાસુ શરદ બોઝ સાથે વાત કરવા સૂચન કર્યું હતું.

“નવેમ્બર 1948માં, હરિન શાહ પ્રાગની ભારતીય એલચી કચેરીમાં પ્રેસ એટેચી તરીકે કામ કરતા હતા. યુરોપના પ્રવાસે ગયેલા શરદ બોઝ ત્યાં આવ્યા, ત્યારે શાહ તેમને મળ્યા હતા. હોટેલમાં શાહે બે વર્ષ પહેલાં તાઈપેઈમાં
જાતતપાસ કરી હતી તેની વિગતો આપી ત્યારે શિશિર પણ હાજર હતો. શિશિર સુભાષને બહુ ચાહતા હતા અને તેમણે બાળપણ અને યુવાનીનું સંસ્મરણ “સુભાષ અને શરદ : એન એન્ટીમેટ મેમરી ઓફ ધ બોઝ બ્રધર્સ” લખ્યું હતું અને તેમાં આ મિટિંગની વાતો છે.

“શિશિરે 1965માં જાતે તાઈવાનની મુલાકાત લીધી હતી. તેમણે જ્યાં વિમાન તૂટી પડ્યું હતું તે જૂનાં એરપોર્ટની જગ્યાના, નેયાજીએ જ્યાં અંતિમ શ્વાસ લીધા હતા તે નજીકની હોસ્પિટલના અને જ્યાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યાં હતા તે જગ્યાના બહુ ફોટા પાડયા હતા.”

તાઈપેઈમાં બોઝના મૃત્યુની તપાસ કરનાર ગુજરાતી પત્રકાર હરિન શાહ કોણ હતા? એ 26 વર્ષના હતા અને મુંબઈના સૌથી જૂનાં અંગ્રેજી અખબારો પૈકીના એક “ફ્રી પ્રેસ જર્નલ”માં કામ કરતાં હતા. તે બોઝને, નહેરુને, સરદારને અને મોરારજી દેસાઈને સારી રીતે જાણતા હતા. “ફ્રી પ્રેસ જર્નલ”ના એડિટર એસ. સદાનંદે 1946માં હરિનને યુદ્ધ-સંવાદદાતા તરીકે ચીન-મોંગોલિયા મોકલ્યા હતા. એ જમાનામાં ચીનમાં પોસ્ટીંગ મેળવનાર હરિન શાહ પહેલા ભારતીય પત્રકાર હતા. તે વખતે ફોર્મોસા (તાઈપેઈ) ચીનના કબ્જામાં હતું. ફોર્મોસાને જાપાન પાસેથી છીનવી લેવાની “ઉજવણી”ના ભાગ રૂપે, ચીનના પબ્લિસિટી વિભાગે 52 વિદેશી પત્રકારોની પ્રેસ પાર્ટીની ફોર્મોસા મુલાકાત ગોઠવી હતી.

હરિન એ પાર્ટીમાં હતા. 22 ઓગસ્ટ 1946ના રોજ તે ફોર્મોસા ઉતર્યા હતા. આ પ્રેસ પાર્ટી છ દિવસ માટે ફોર્મોસામાં રહી હતી. તે દરમિયાન, હરિન શાહે બોઝ કેવી રીતે તાઈપેઈ આવ્યા અને તે દિવસે શું થયું હતું તેની વિગતો એકઠી કરી હતી. તેમણે અલગ-અલગ જગ્યાઓની મુલાકાત લીધી હતી અને માણસોને મળ્યા હતા. તેમણે એ સર્જન અને નર્સનો ઇન્ટરવ્યૂ પણ કર્યો હતો, જેમણે બોઝની સારવાર કરી હતી.

હરિને તેમની તપાસના આધારે તારણ કાઢ્યું હતું કે “નેતાજી”નું ફોર્મોસા એરપોર્ટ પર વિમાન અકસ્માતમાં મોત થયું હતું. જો કે, બોઝના સમર્થકો અને તેમની આર્મીના ઓફિસરો એ માનવા  તૈયાર નહોતા કે બોઝનું અવસાન થયું છે. તેનું એક કારણ એ પણ ખરું કે જાપાની અધિકારીઓએ તેમના અંતિમસંસ્કાર કરી દીધા હતા અને બે દિવસ પછી સરકારી સમાચાર એજન્સીએ સમાચાર ફ્લેશ કર્યા હતા કે બોઝ, વિમાનના પાયલોટ, કો-પાયલોટ અને આર્મી જનરલ શિદી માર્યા ગયા છે.

1950ના દાયકામાં એક એવી વાર્તા વહેતી થઇ કે બોઝ માર્યા ગયા નથી, પણ ભારત પાછા આવીને સાધુ બની ગયા છે. બોઝના અમુક સહકાર્યકરોએ તો એક સંગઠન ઊભું કરીને બોઝના સાધુ બની જવાની કલ્પનાને પ્રચલિત કરવાનું પણ કામ કર્યું હતું. એમાં તેમણે ઉત્તર બંગાળમાં એક સાધુ પણ શોધી કાઢ્યો હતો, પણ તેણે બોઝ હોવાનો સતત ઇન્કાર કર્યો હતો. એક વાર્તા એવી પણ વહેતી થઇ કે બોઝ સોવિયત સંઘમાં અથવા ચીનમાં છે.

બોઝના લાપત્તા થઇ જવા અંગે ભારત સરકારે કુલ ત્રણ પંચ બેસાડેલાં : શાહ નવાઝ તપાસ પંચ-1956, ખોસલા પંચ-1975 અને જસ્ટિસ મુખરજી પંચ-2005. એમાં પહેલાં બે પંચે તારણ આપ્યું હતું કે બોઝનું તાઈપેઈની મિલીટરી હોસ્પિટલમાં અવસાન થયું હતું, જ્યારે મુખરજી પંચે એવું તારણ આપ્યું હતું કે “બોઝ વિમાન અકસ્માતમાં નહોતા માર્યા ગયા.” જો કે તેણે એ ના કહ્યું કે બોઝ ક્યાં અને ક્યારે માર્યા ગયા છે. પંચે ખાલી એટલું જ કહ્યું – નેતાજી સુભાષ ચંદ્ર માર્યા ગયા છે!

હરિન શાહની તપાસની એક નોંધપાત્ર વાત ફોર્મોર્સની નાનમોન હોસ્પિટલની એ નર્સ ત્સાન પાઈ શા હતી, જેણે હરિનને કહ્યું હતું, “એ અહીં મૃત્યુ પામ્યા હતા. 18મી ઓગસ્ટે તેમનું અવસાન થયું, ત્યારે હું તેમની બાજુમાં હતી. હું સર્જિકલ નર્સ છું અને મેં એમની દેખભાળ કરી હતી. મને તેમના શરીર પર ઓલિવ ઓઈલ લગાડવાની સૂચના હતી અને મેં એ પ્રમાણે કર્યું હતું. એ જ્યારે પણ ભાનમાં આવતા હતા ત્યારે તેમને તરસ લાગતી હતી. મેં એમને ઘણીવાર પાણી પાયું હતું.”

મજાની વાત એ છે કે, આવું તથ્યાત્મક સંશોધન ઉપલબ્ધ હોવા છતાં, એક ય બીજા કારણોસર, સુભાષચંદ્ર બોઝને લઈને જાતભાતની કોન્સ્પિરસી થિયરીઓ ચાલતી જ રહે છે (અથવા ચલાવામાં આવે છે).

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 20 નવેમ્બર 22
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1871,1881,1891,190...1,2001,2101,220...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved