Opinion Magazine
Number of visits: 9667539
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કલા, કલાકાર અને રસિકજનોનું હિત જાળવતું ઉદ્યોગપતિઓનું કૉર્પોરેટ પેટ્રોનેજ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|9 April 2023

NMACC એટલે ભારતને મળેલું પોતાનું આગવું બ્રોડવે થિએટર અને આલાગ્રાન્ડ આર્ટ હાઉસ જેની મુલાકાત ન લેવી એ કલાના મક્કાએ માથું ન ટેકવવા જેવું થશે

ચિરંતના ભટ્ટ

કલાકાર – પછી ભલે તે કોઇ પણ ક્ષેત્રમાં કામ કરે – એક એવી છબી હોય જે પોતાના સંગીત કે નૃત્ય કે નાટ્ય કે પછી રંગોમાં ગુલતાન હોય, એને દુનિયાની કંઇ પડી ન હોય અને બસ એક પોતાની કલાને મઠારવામાં, નિખારવામાં પોતાનો જીવ રેડ્યા કરે. આ એક બહુ જ નાટ્યાત્કમ વર્ણન છે, પોતાની જાતને સો ટચના સોના જેવા ગણાવતા કલાકારોને પૈસાનું મહત્ત્વ પૂછાય તો નાકનું ટિચકું ચઢી જાય પણ વાસ્તવિકતા એ છે કે એવા કલાકાર અને તેની કલાને પણ આર્થિક આશ્રયની જરૂર તો પડતી જ હોય છે. કલા ભલેને કોઇ પણ જાતની હોય પણ પેટ્રોનેજ વગર – આશ્રયદાતા વગર તેને માટે ટકવું, વિકસવું, લોકો સુધી પહોંચવું આસાન નથી. રાજા રવિ વર્માને પહેલાં ત્રાવણકોરના રાજવીનો આશ્રય મળ્યો અને પછી બરોડા સ્ટેટના ગાયકવાડ પરિવારે તેમની કલાને આશરો આપ્યો. રાજા – રજવાડાં હતા ત્યારે સંગીત, નૃત્ય, નાટ્ય અને ચિત્રકળાને આશ્રયદાતા મળી રહેતા અને કલાકારો તેમની કલા સાથે સચવાઇ જતા અને પ્રસિદ્ધિ પણ મેળવતા. માત્ર ભારતની વાત નથી પણ ૧૫મી સદીમાં ફ્લોરેન્સના ડ્યૂક લોરેન્ઝો મેડીસીના દરબારમાં એલેસાન્ડ્રો બોતિસેલીએ તેના ક્લાસિક ગણાતા આર્ટવર્ક – બર્થ ઑફ વિનસની રચના ન કરી હોત અને પોપો જુલિયસ બીજાના ટેકા વગર સિસ્ટાઇન ચેપલની છત પર તમને માઇકલ એંજેલોનું કામ જોવા ન મળત.

રાજાઓનાં રાજપાટ ગયાં તેની સાથે કલાની ગતિ પર પૂર્ણવિરામ નથી મુકાયું. વર્તમાન સમયમાં કૉર્પોરેટ કંપનીઝએ રાજા-રજવાડાની જગ્યા લઇ લીધી છે અને કલાનો વિકાસ, પ્રચાર અને પ્રસાર થતો રહે એ માટે વિશ્વભરમાં કૉર્પોરેટ પેટ્રોનેજ વિકસ્યું છે. મોટી કૉર્પોરેટ કંપનીઝ કલા માટે નાણાંની કોથળી ખુલ્લી મૂકે છે. તેઓ પોતાના અંગત કલેક્શન માટે આર્ટ વર્ક્સ ખરીદે છે, મોટા શોઝને સ્પોન્સરશિપ આપે છે, મ્યૂઝિયમ્સમાં શોઝને સપોર્ટ કરે છે. ભારતમાં પણ આ ટ્રેન્ડ લાંબા સમયથી છે. ચિત્રકલા અને ચિત્રકારોને મળતું પેટ્રોનેજ નવું નથી, ગોદરેજ પરિવાર હોય કે અંબાણી કે પછી મહિન્દ્રા તેમણે હંમેશાં કળાને કોઇને કોઇ રીતે મંચ આપ્યો છે, અંગત કલેક્શનમાં ઉચ્ચ કોટિના ચિત્રકારોનાં કામ ઉમેર્યાં છે અને અન્ય પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો છે. જેમ કે ગોદરેજ પરિવારની ડિઝાઇન લેબ છે તો ટીના અંબાણીએ હાર્મની આર્ટ્સ દ્વારા ભારતના કલાકારોને, ખાસ કરીને શિલ્પકારોને બહુ મોટું ફલક આપ્યું. હાર્મની આર્ટ દ્વારા નાગજી પટેલ જેવા અનેક આલા દરજ્જાના શિલ્પકારોને પોતાના સર્જન વધુને વધુ લોકો સુધી પહોંચાડવાની તક સાંપડી. મહિન્દ્રા પરિવાર દ્વારા એક દાયકાથી પણ વધુ સમયથી થિએટર ફેસ્ટિવલ કરવામાં આવે છે જેમાં નવા પ્રકારના નાટકો રજૂ થાય છે વળી મેટા એવોર્ડ્ પણ કલાકારોને એનાયત કરવામાં આવે છે, તો તેમનો બ્લૂઝ ફેસ્ટિવલ પણ મુંબઈમાં સુપર હિટ છે તો તે વારણસીમાં કબિરા ફેસ્ટિવલ કરે છે તો લખનૌમાં સનાત્કદા ફેસ્ટિવલ યોજે છે. બિરલા પરિવારે પણ કળાના ક્ષેત્રમાં નોંધનીય કામ કર્યું છે. ટાટા લિટરેચર ફેસ્ટિવલ સાહિત્ય માટે થતી બહુ મોટી ઇવેન્ટ ગણાય છે તો આર્ટ ગેલેરીઝ, મ્યૂઝિયમ્સથી માંડીને પરફોર્મિંગ આર્ટ્સ એટલે કે નૃત્ય, નાટ્ય, સંગીત માટે પણ ટાટા ગ્રૂપ દ્વારા યોજાતી ઇવેન્ટ્સ જાણીતી છે. વળી ગોઆમાં યોજાતો સિરેન્ડિપીટી આર્ટ ફેસ્ટિવલ પણ હીરો એન્ટરપ્રાઇઝના મુંજાલ પરિવારની દેન છે. દાલમિયા ભારત ગ્રૂપ હેરિટેડ સાઇટ્સના મેઇન્ટેનન્સની જવાબદારી ઉપાડતું આવ્યું છે. ગોએન્કા ગ્રૂપ દ્વારા પણ ઘણા કલાકારોને ઓળખ ઘડવામાં મોટી મદદ મળી છે, મુંબઈના પબ્લિક આર્ટમાં આર.પી.જી. ગ્રૂપનો શ્રેય નોંધનીય છે. આ યાદી ઘણી લાંબી થઇ શકે તેમ છે કારણ કે ભારતીય કૉર્પોરેટ્સ પોતાની કલ્ચરલ રિસ્પોન્સિબલિટીઝ પ્રત્યે બહુ સભાન છે.

આ આખી વાત કરવાનું કારણ છે મુંબઈમાં ૩૧મી માર્ચે જેનું ઉદ્ઘાટન થયું તે નીતા મૂકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર – NMACC. જ્યારે તે જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું ત્યારે, ૩૧મી માર્ચે મનોરંજન વિશ્વના દેશી અને વિદેશી સિતારાઓએ તેના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી. તેની સરખામણી મેટ ગાલા સાથે કરવામાં આવી. NMACC મુંબઈના બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સમાં કલા અને સંસ્કૃતિને એક એવું સરનામું મળ્યું છે જે ભવ્યાતિભવ્ય તો છે જ પણ એક પણ કળા એવી નથી જેને માટે ત્યાં સ્થાન ન હોય. ન્યૂ યૉર્કના બ્રોડવેની વાતો કરનારાઓએ એક વાર તો અહીંનું એ ગ્રાન્ડ થિએટર જોવું રહ્યું જેની છત પર સાડા આઠ હજાર કરતાં પણ વધારે સ્વરોસ્કી ક્રિસ્ટલ્સ જડેલા છે, જેમાં ૧૮ તો ગેલેરી બૉક્સિઝ છે – જે આપણે હજી સુધી તો ક્લાસિક અંગ્રેજી ફિલ્મોમાં જ જોયા છે. અત્યારે ત્યાં ધી ગ્રેટ ઇન્ડિયન મ્યૂઝિકલ નામનો શૉ ચાલી રહ્યો છે જેમાં પાંચમાં વેદ તરીકે ઓળખાતા નાટ્ય શાસ્ત્રને આધારે આપણી સંસ્કૃતિની રજૂઆત છે. વળી સેન્ટરમાં ૧૨૫ જણ બેસી શકે તેવી જગ્યા છે ક્યૂબ જ્યાં જે પ્રકારનો કાર્યક્રમ થાય તે પ્રમાણે બેઠક વ્યવસ્થા વગેરેમાં ફેરફાર થઇ શકે. ૨૫૦ જણને સમાવી શકે તેવા સ્ટુડિયો થિએટરની ખાસિયત છે ઇન્ટિગ્રેટેડ વોઇસ રેકોર્ડિંગ, ટેલિસ્કોપિક બેઠક વ્યવસ્થા વગેરે.  વિદેશની ગેલેરીઝ જોઇને ખુશ થનારા રસિકો માટે અહીં ચાર માળનું અને ૧૬,૦૦૦ હજાર ચોરસ મિટરમાં ફેલાયેલું આર્ટ હાઉસ છે. ત્યાં અત્યારે તો પાંચ ભારતીય અને પાંચ વિદેશી કલાકારોની કૃતિઓ મુકાઇ છે અને ભવિષ્યમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શનો યોજાતાં રહેશે. ફેશનનો ઇતિહાસ, ભારતીય ફેશનનો વિદેશી ચલણ પર પ્રભાવનું પ્રદર્શન ઇન્ડિયા ઇન ફેશન અત્યારે ખુલ્લું મુકાયું છે જેમાં લોર્ડ કર્ઝનની પત્નીનું ઇવનિંગ ગાઉન છે તો સોનમ કપૂરે પોતાના લગ્નમાં પહેરેલાં વસ્ત્રો પણ ડિસપ્લે કરાયાં છે. અહીં કળા સાથે જોડાયેલી કાર્યશાળાઓ પણ યોજાશે અને ઓપન માઇક્સ જેવી ઇવેન્ટ્સ પણ થશે.

ભારતમાં પહેલીવાર આ પ્રકારનું કલ્ચરલ સેન્ટર બન્યું છે. અનેક ઔદ્યોગિક પરિવારો અને કૉર્પોરેટ્સ કળાનાં ક્ષેત્રમાં પોતાની જવાબદારી નિભાવતા આવ્યાં છે પણ આ સ્તરે, આ વિઝન સાથે કોઇ સર્જન થયું હોય તેવું પહેલીવાર થયું છે. પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો અનુસાર ભારત સરકારે દેશભરમાં સાત કલ્ચરલ સેન્ટર વિકસાવ્યા છે જે પટિયલા, નાગપુર, ઉદયપુર, પ્રયાગરાજ, કોલકતા, દિમાપુર અને તાંજોરમાં છે. પરંતુ ખાનગી ધોરણે કશુંક અકલ્પનિય વાસ્તવિકતામાં ફેરવાયું હોય તેવું પહેલીવાર થયું છે. ભારતીય કળા, સંસ્કૃતિ અને વારસાને રજૂ કરવા માટે આ સેન્ટર એક આલા ગ્રાન્ડ સ્થળ છે. વળી અહીં માત્ર ભારતીય સર્જનોને સ્થાન નહીં મળે બલકે બ્રોડવેના મ્યૂઝિકલ્સ જેમ કે ‘સાઉન્ડ ઑફ મ્યુઝિક’ જેવા પ્રોડક્શન્સ પણ લાવવામાં આવશે તો આર્ટ ગેલેરીમાં તમને ધિરાણ પર લાવવામાં આવેલ પેઇન્ટિંગ્ઝમાં મોનાલિસાનું સ્મિત જોવા મળે તો પણ નવાઈ નહીં! સાત વર્ષથી નીચેનાં બાળકો, વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને દિવ્યાંગો માટે અહીં નિઃશુલ્ક પ્રવેશ છે. અહીંના પરિસરની દીવાલો પર પણ આધુનિક કલાકારોનાં ચિત્રોથી માંડીને પારંપરિક પિછવાઈ જોવા મળે છે.

આ સેન્ટર જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું તે પહેલાં નીતા અંબાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, આવું કંઇક કરવું તેમનું લાંબા સમયનું સપનું હતું. આ એક એવું આશાસ્પદ સ્થળ છે જે લોકોને એકબીજા સાથે જોડશે, કોમ્યુનિટીની ભાવનાને મજબૂત કરશે અને ભારતીય કલા અને સંસ્કૃતિને સર્વોચ્ચ રીતે રજૂ કરવા માટે આ એક કાયમી સરનામું બને તેવો જ અમારો ઉદ્દેશ છે અને રહેશે. આ આપણા દેશના સાંસ્કૃતિક વારસાને એક તર્પણ છે.

બાય ધી વેઃ

કલાને નવા મંચ, નવી દિવાલો, નવા માઇક્સ મળતા રહે છે. NMACC આપણું આગવું બ્રોડ વે થિએટર છે. કટ્ટરવાદીઓ કલાને રોકવા મોરચા કાઢશે, શાહી ફેંકશે, દેકારા કરશે, આર્ટ કૉલેજીઝમાં જઇને વિદ્યાર્થીઓના કામ પર વગર કારણના ટંટા ઊભા કરશે પણ કલા તો જમીન ફાડીને ઊગનારી કૂંપળ સમાન છે એટલે કલાને તો આશરો મળ્યા જ કર્યો છે અને મળતો રહેશે. ઉદ્યોગકારોની કામગીરીને 360 ડિગ્રી દૃષ્ટિકોણમાં જોવાની ટેવ પાડવાની જરૂર છે, નહીંતર તેમના ઠાઠથી થતા અચંબા અને ઇર્ષ્યામાં તેમનું ખરું કામ જોવાનું તમે ચૂકી જાવ તેમ બને. NMACC એક એવી જગ્યા છે જેની મુલાકાત લેવી જ જોઇએ, આપણે ત્યાં તો કશું થતું નથી, તવંગરો તો પૈસા ભેગા કર્યા કરે છે વાળા મ્હેણાં મારતાં પહેલાં આ વિઝનને વાસ્તવિકતામાં ફેરવનારા કૉર્પોરેટ પેટ્રોન્સને સલામ કરવી ઘટે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 ઍપ્રિલ 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—191

દીપક મહેતા|Opinion - Opinion|8 April 2023

મુંબઈના ભૂત, વર્તમાન, અને ભાવિમાં એક સાથે જીવવું છે?

તો ચાલો ભૂલેશ્વર 

મુંબઈના ભૂત, વર્તમાન, અને ભાવિમાં તમારે એક સાથે જીવવું છે? અને એ પણ ટાઈમ મશીન વગર? તો ચાલો ભૂલેશ્વર. થોડાં થોડાં ડગલાંમાં તમે આ ત્રણે કાળમાં જીવી શકો. સો-સવાસો વરસ જૂનાં મકાનોની અહીં નવાઈ નથી. અને મંદિરો તો ૨૦૦-૩૦૦ વરસ કે તેથી ય વધુ જૂનાં. અહીંની ગલીઓમાંની દુકાનોમાં અને ફૂટપાથો પર બેઠેલા ફેરિયાઓના માલના ઢગલામાં તમને આજના જીવનની જરૂરિયાતની હર કોઈ વસ્તુ મળી રહે, હા એને પકડી પાડવાની નજર તમારામાં હોવી જોઈએ. અને ભાવિ? ત્યાં જુઓ. પહેલાં અહીં ચાલી જેવું બે માળનું મકાન હતું. હવે નથી. તેની જગ્યાએ છે બહુમાળી ઈમારત. 

ભૂલેશ્વર મંદિરનું એક શિલ્પ 

પણ વેઇટ અ મિનિટ! આ ભૂલેશ્વર નામ પડ્યું કઈ રીતે? સાવ સીધો સાદો જવાબ જોઈતો હોય તો એટલો જ કે અહીં આવેલા ભૂલેશ્વરના મંદિર પરથી આ આખા વિસ્તારનું નામ પડ્યું ભૂલેશ્વર. એક બાજુ ગિરગામ રોડ, બીજી બાજુ કાલબાદેવી રોડ. એ બે વચ્ચેનો કેટલોક ભાગ તે ભૂલેશ્વર. વાહન-વ્યવહારની દૃષ્ટિએ ભૂલેશ્વર એક ટાપુ છે. નજીકનાં રેલવે સ્ટેશન બે : ચર્ની રોડ અને મરીન લાઈન્સ. પણ ત્યાં ઊતર્યા પછી ટેક્સીવાળાને પૂછો તો મોં મચકોડીને ચાલતો થાય. એ સાંકડા અને અટપટા રસ્તાઓ પર BESTની બસ તો સપનામાં પણ જોવા ન મળે. હા, તમારી મોટરમાં જઈ તો શકો, પણ ચાલતાં જાવ તો મોટર કરતાં વહેલા પહોંચી શકો. આવા આ વિસ્તારના લગભગ કેન્દ્રમાં આવેલું છે શંકરનું ભૂલેશ્વર મંદિર.

આવી અનેક ગલીઓ જ્યાં છે તે ભૂલેશ્વર 

ભોલે બાબા, ભોલે નાથ, તેમ ભોલે ઈશ્વર, બધાં શંકર કહેતાં મહાદેવનાં નામ. ભોલે અને ઈશ્વર એ બે શબ્દો ભેગા થઈને બન્યો શબ્દ ભોલેશ્વર. પણ ખરી મુશ્કેલી અહીંથી શરૂ થાય છે. ભાષાના પંડિતો તો કહે કે ભોલેશ્વર તો જાણે બરાબર. પણ તેમાંથી ભૂલેશ્વર કઈ રીતે થાય? તો જવાબમાં કેટલાક કહેશે કે ભાઈ, લોકોની જીભ કાંઈ તમારા ભાષાશાસ્ત્ર પ્રમાણે ચાલતી નથી, પોતાની સગવડ પ્રમાણે ચાલે છે. જેમ કે માટુંગા પછીના વિસ્તારનું મૂળ નામ સિવ, એટલે કે સીમ હતું. કારણ એક જમાનામાં ત્યાં મુંબઈ શહેરની સીમા પૂરી થતી. અંગ્રેજોએ મૂળ ઉચ્ચાર જાળવી રાખવાના ઈરાદે તેનો સ્પેલિંગ કર્યો Sion. પણ થોડું ઘણું અંગ્રેજી જાણતા લોકો એ જમાનામાં પણ અંગ્રેજીના Lion શબ્દથી પરિચિત. બંનેના સ્પેલિંગ સરખા. એટલે આપણા લોકોએ ઉચ્ચાર કરી નાખ્યો સાયન! તો પછી ભોલેશ્વરનું ભૂલેશ્વર પણ કેમ ન થઈ શકે?

કહેવાય છે કે આ વિસ્તારમાં એક સો જેટલાં મંદિર આવેલાં છે. તેમાં સૌથી મહત્ત્વનું છે ભૂલેશ્વર મંદિર. પણ એ બંધાવ્યું કોણે? ફરી ‘ઝાઝા મચ્છર ઝાઝા જૂઆ, ત્યાં (દીપક) મહેતાના ઉતારા હુઆ.’ નહિ નહિ તો પાંચ દંતકથા મળે છે. એક કથા કહે છે કે ભોલાનાથ નામનો એક પરદેશી આ વિસ્તારની મુલાકાતે આવેલો તેણે આ મંદિર બંધાવેલું અને તેના નામ પરથી આ મંદિરનું નામ પડ્યું. પણ સવાલ એ થાય કે એવું તે શું થયું કે એક પરદેશી મુસાફર અજાણ્યા મલકમાં મંદિર બંધાવે? અને મંદિર કાંઈ રાતોરાત બંધાય નહિ. તો શું એ પરદેશી બે-ચાર વરસ અઠે દ્વારકા કરી મુંબઈમાં રહી પડ્યો હશે?

તો બીજી કથા પ્રમાણે એક વાણિયા વિધવા બાઈએ આ મંદિર બંધાવેલું. બાઈ પાસે ધનના ઢગલા, પણ શેર માટીની ખોટ. છુટ્ટે હાથે દાન-ધરમ કરે તો ય એની પૂંજી તો ખરચે ન ખૂટે વા કો ચોર ન લૂંટે. એટલે પછી એ બાઈએ બંધાવ્યું આ મંદિર. આજના નારીવાદીઓને આ વાત ગમશે કે નહિ એની તો ખબર નથી. પણ અહીં મુશ્કેલી એ છે કે આ કથા આ મંદિરના નામ અંગે કશો ખુલાસો કરતી નથી.

દંત કથા નંબર ત્રણ. આજે જ્યાં આ મંદિર આવેલું છે એ જગ્યાએ પોતાને માટે ઠાઠમાઠવાળું મકાન બંધાવવાનું શરૂ કરેલું એક માલેતુજાર વાણિયા બાઈએ. મકાનના પાયા માટે ખોદકામ પણ શરૂ થઈ ગયેલું. ત્યાં એક દિવસ સવારે થોડા મજૂરો બાઈ પાસે આવ્યા. તેમના હાથમાં હતું એક શિવલિંગ જે ખોદકામ કરતાં જમીનમાંથી મળી આવેલું. બસ! બાઈએ કહ્યું : ‘આ તો ભગવાનની ભૂમિ કહેવાય. અને પોતાને માટે ઘર બંધાવવાને બદલે બંધાવ્યું મહાદેવ માટે આ મંદિર. પણ ફરી એ જ મુશ્કેલી : આમાં મંદિરના નામનો ખુલાસો ક્યા?

હવે ચોથી વાત. હા, આ મંદિર એક બાઈએ બંધાવેલું એ ખરું. પણ એ હતી કોળી જાતિની, વાણિયણ નહોતી. આ કથા પ્રમાણે અસલ મંદિર તો નાની દેરી જેવું હતું. હાલનું મંદિર તે જગ્યાએ પછીથી બંધાયું. દંતકથા પ્રમાણે મમ્માદેવી એ પણ પાર્વતીનું એક રૂપ છે. એટલે કે કોળી લોકો શંકર-પાર્વતીના પૂજકો. એટલે કોઈ કોળી સ્ત્રી આવું મંદિર બંધાવે તો તે સમજી શકાય. પણ ફરી, નામનો ખુલાસો?

પાંચમી કથા કહે છે કે આ મંદિર બંધાવનારનું નામ હતું મંગેશ આનંદરાવ દોન્દે. જાતે શેણવી. સુતાર જાતિના મદન કેશવજીની વિધવા લક્ષ્મીબાઈ પાસેથી આ જમીન ખરીદીને તેમણે મંદિર બંધાવેલું. પછીથી જે જગ્યા ફોફળ વાડી તરીકે ઓળખાઈ તે બધી જગ્યા આ વિધવા બાઈની માલિકીની હતી. પણ તેણે જમીન એક સાથે ન વેચતાં કટકે કટકે વેચી – પણ એક શરતે : એ જગ્યા પર મંદિર બાંધવાનું, બીજું કાંઈ નહિ! તેની જમીનના બીજા ટુકડા પર સુંદર બાવાજી બારભાયાએ ગણપતિનું મંદિર બંધાવ્યું. ત્રીજો ટુકડો વેચ્યો મુકુન્દ ગુજ્જરને રામેશ્વર મંદિર બંધાવવા માટે. ચોથા ટુકડા પર આત્મારામ વિશ્વનાથે ત્રણ મંદિર બંધાવ્યાં : કાળભૈરવ, કાશીવિશ્વેશ્વર, અને નર્મદેશ્વર. અને જમીનનો છેલ્લો ટુકડો ખરીદ્યો ભાઈદાસ સકીદાસે અને એ જગ્યા પર મંદિર બંધાવવાને બદલે તળાવ ખોદાવ્યું જે ભૂલેશ્વર તળાવ તરીકે ઓળખાતું. મુંબઈનાં બીજાં અનેક તળાવોની જેમ આજે તો તેનું નામ નિશાન શોધ્યું જડે તેમ નથી.

ભૂલેશ્વર કબૂતરખાનું, જે આજે નથી

એક જમાનામાં ભૂલેશ્વરનું કેન્દ્ર હતું કબૂતરખાનું. તળાવની જેમ તેનું પણ આજે નામ નિશાન નથી. છેલ્લાં કેટલાંક વરસથી એમ મનાતું થયું છે કે કબૂતરખાનાને કારણે આસપાસના લોકોની તબિયત પર માઠી અસર થાય છે. પણ કબૂતરખાનાં એ માત્ર જીવદયાનાં પ્રતીક જેવાં નહોતાં. મુંબઈ જેવા શહેરમાં પણ માણસ બીજા જીવો સાથે વિના વિરોધે જીવી શકે છે એ વાતની સાબિતી જેવાં હતાં. આ કબૂતરખાનાથી ત્રણ રસ્તા નીકળે. એક જઈને મળે કાલબાદેવી રોડને. બીજો જાય પાંજરાપોળ તરફ. આ બંને રસ્તા લગભગ સીધા. પણ ત્રીજો રસ્તો થોડો વાંકોચૂંકો, અને તે જઈને મળે દાદીશેઠ અગિયારી લેનને. આ લેન પાછી જોડે ગિરગામ રોડને કાલબાદેવી રોડ સાથે.

ભૂલેશ્વરની ફૂલ ગલ્લી

આ લખનારને આ ત્રીજો રસ્તો સૌથી વધુ જાણીતો. અનેક વાર એ રસ્તા પરથી પસાર થવાનું. ફળ-ફૂલ ખરીદવાં છે? ચાલો ભૂલેશ્વર. વર્ષો સુધી શાક તો ભૂલેશ્વરની શાક ગલ્લીમાંથી જ આવતું. ફરસાણની ખરીદી માટે રાજનગર ફરસાણ હાઉસ. મીઠાઈ તો રતનલાલની જ. સોપારી અને મુખવાસ નાનાલાલ સોપારીવાલાનાં. જન્માષ્ટમી કે બીજા વારતહેવારે ફૂલ, હાર લાવવા માટે ભૂલેશ્વરની ફૂલ ગલ્લીમાં જ જવું પડે. ફૂલ ગલ્લી સામસામે બે : એક મોટી, બીજી નાની. મોટીમાં ‘જથ્થાબંધ’ ફૂલ વેચાય. નાનીમાં છૂટક. જથ્થાબંધ ફૂલો વજનથી નહિ, ‘ધડી’ના માપે વેચાય. આ ધડી એટલે વાંસની (હવે પ્લાસ્ટિકની) ટોપલી. ‘એક ધડી ગલગોટા’ માગો એટલે દુકાનદાર એક ટોપલી ભરીને ગલગોટા આપે.

આજે તો હવે મુંબઈનાં ઘરોમાં બારી-બારણાં પર ‘ચક’ ભાગ્યે જ જોવા મળે. ભગવદ્ ગોમંડળ કોશમાં આ શબ્દનો અર્થ આમ આપ્યો છે : “કનાત; પડદો; સળીઓનો બનાવેલ પડદો; વાંસની સળીઓનો પડદો; બારી બારણામાં નાખવાનો જાળીદાર અંતરપટ.” આ ‘ચક’ શબ્દના બે રૂઢિ પ્રયોગ પણ નોંધ્યા છે : ચક નાખવો = (૧) અંતરપટ રાખવો; પડદો નાખવો. (૨) હાટ માંડવું; વંઠી જવું; છિનાળવું થઈ જવું. એક જમાનામાં મુંબઈના મધ્ય વર્ગનાં ઘરોમાં આ ‘ચક’નું જબરું ચલણ. કોશમાં જે ‘સળીઓ’નો ઉલ્લેખ છે તે કાચની સળીઓ. નાની-મોટી સાઈઝની, જાતભાતના રંગોની, અર્ધપારદર્શક કાચની પોલી સળીઓ. ભૂલેશ્વરની શાક માર્કેટની બહાર આ ‘ચક’નો સામાન વેચતી બે-ત્રણ દુકાન. સળીઓ ઉપરાંત અનેક રંગના કાચના મણિ, સળીઓ પરોવવા માટેના મજબૂત મીણ પાયેલા દોરા, લાંબી-પાતળી સોય, વગેરે બધી સામગ્રી એ દુકાનોમાં મળે. ત્યાંથી જરૂરી માલ-સામાન લાવીને ગૃહિણીઓ બપોરે નવરાશના સમયમાં ‘ચક’ બનાવે. ઘર બે પાંદડે થયું હોય તો બે સળી વચ્ચે એક-એક એલચી કે લવિંગ પણ પરોવાય. કંઈ કેટલાયે વખત સુધી વિંધાયેલા એલચી-લવિંગની આછી સુગંધ ઘરમાં ફેલાતી રહે.

આ ચક પાછા બે જાતના. આખા અને અડધા. બારીઓ પર મોટે ભાગે અડધા હોય, બારણાં પર આખા. થોડી વધુ આવડત હોય તો તેમાં મોર-પોપટ કે ફૂલોની ડિઝાઈન બને એવી રીતે સળીઓ અને મણકા પરોવાય. અને હા! આ ચક એટલે મોતીનાં તોરણ નહિ હો! એ તો બારણાના મથાળે બંધાય. આ ચક તો આખાં બારી-બારણાંને આવરી લે. પણ આ ચક લગાડવા પાછળનો હેતુ? આજના જેવું ‘પ્રાઈવસી’નું વળગણ એ જમાનામાં નહોતું. ચાલી કે બ્લોકમાં (ત્યારે હજી ‘ફ્લેટ’ શબ્દ ચલણી નહોતો બન્યો) મુખ્ય બારણું દિવસે મોટે ભાગે ખુલ્લું રહે. મકાનમાં રહેતાં છોકરાં જ નહિ, મોટેરાંઓ પણ બિન્દાસપણે આવ-જા કરે. એટલે આ ચકનો મુખ્ય હેતુ ઘરની શોભા વધારવાનો. કપડાના પડદા આવ્યા એ પહેલાં મુંબઈના મધ્યમ વર્ગના ઘરોમાં આ ‘ચક’નું ચલણ હતું. આજે? ગૂગલ જેવા ગૂગલ પર પણ તેનું ચિત્ર કે ફોટો મળતાં નથી!

પણ આ તો ‘જાના થા જાપાન, પહુંચ ગયે ચીન’ જેવું થયું, નહિ? ભૂલેશ્વરની વાત બાજુએ રહી ગઈ અને ચક-પુરાણ ચાલ્યું. વાંધો નહિ. આવતા શનિવારે ફરી મળશું ભૂલેશ્વરમાં. 

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

 પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 08 એપ્રિલ 2023

Loading

કાનનો રિયાઝ -3 – પંડિત કુમાર ગાંધર્વનું કબીરગાન

અમર ભટ્ટ|Opinion - Opinion|8 April 2023

આજથી પંડિત કુમાર ગાંધર્વ જન્મશતાબ્દી વર્ષ શરૂ થાય છે. આ નિમિત્તે તેમણે ગાયેલાં કબીરનાં બે પદો પરનો ‘વિશ્વવિહાર’માં ૨૦૧૮માં પ્રકાશિત મારો લેખ વહેંચતાં અત્યંત આનંદ થાય છે. કવિ-કલાકાર ક્યારે ય જતો નથી. હરીન્દ્ર દવેના શબ્દો સહેજ બદલીને કહું – 

‘થોડોક ગાનમાં છું, થોડો સ્મરણમાં છું

સંકેલ્યો શ્વાસ દેહે, સ્વજન હું નથી ગયો’.

મને ખૂબ સ્પર્શી ગયેલી કુમારજીની બે રચનાઓની લિંક આ સાથેના લેખમાં છે.

— અમર ભટ્ટ

—— 

‘સપ્તક’ શાસ્ત્રીય સંગીત સંમેલન (પહેલીથી તેરમી જાન્યુઆરી 2018) દરમિયાન એક સાંજે અગ્રગણ્ય શાસ્ત્રીય ગાયક પદ્મવિભૂષણ પંડિત કુમાર ગંધર્વ (જન્મ : 8/4/1924, અવસાન :12/1/1992) ઉપર એક ફિલ્મ પ્રદર્શિત થઇ – ‘હંસ અકેલા – કુમાર ગંધર્વ’. એકે ક્ષણ ગુમાવવાનું મન ન થાય એવી સુંદર ફિલ્મ્સ ડિવીઝનની આ દસ્તાવેજી ફિલ્મ યુ ટ્યુબ પર પણ છે (https://youtu.be/Fv4ynjy8m04). 1947થી લગભગ પાંચસાત વર્ષ ટી.બી.ની જીવલેણ બિમારીને લીધે ફેફસાં પર વધુ શ્રમ ન પડે માટે ડૉક્ટરોએ એમને ગાન બંધ કરવાની સલાહ આપી હતી અને સૂકી આબોહવાવાળા પ્રદેશમાં રહેવા સૂચવ્યું હતું, એટલે એ મધ્ય પ્રદેશમાં દેવાસમાં વસવાટ કરતા હતા. ગાન બંધ થયું પણ મૌનવાસ દરમિયાન ‘કાનનો રિયાઝ’ અને નિર્ગુણ સ્વરૂપનો વિચાર સતત ચાલતો રહ્યો. કુદરતનું સંગીત, પક્ષીના અવાજ, પવનનો સૂસવાટ, ફકીરોનું ગાન, ત્યાં લોકસંગીતમાં ગવાતાં કબીરનાં પદો – આ બધું જ – કુમારજીએ મૌન રહીને ગ્રહ્યું. 1952માં ભારતમાં ટી.બી.ની દવા પ્રાપ્ય બનતાં એમનો ઈલાજ શક્ય બન્યો. ગાન પુનઃ શરૂ થયું. કબીરનાં નિર્ગુણી ભજનો એમણે સ્વરબદ્ધ કરીને પોતાના કાર્યક્રમોમાં રજૂ કરવા માંડ્યાં અને એ રીતે પરંપરાથી ઉફરા જઈને શબ્દ અને સંગીતની દિવ્યતા અને ભવ્યતાનો અનુભવ કરાવ્યો. ફિલ્મનું નામ યથાર્થ રીતે કબીરસાહેબના એક પદ ઉપરથી છે – ‘ઉડ જાયેગા હંસ અકેલા’.

આજે કુમારજીએ ગાયેલાં કબીરનાં બે પદો વિષે વાત કરવી છે. એક છે – ‘ઝીની ઝીની બીની ચદરિયા’ (https://youtu.be/cNl_pK0u9-k) અને બીજું છે – ‘સુનતા હૈ ગુરુજ્ઞાની, ગગનમેં આવાજ હો રહી ઝીની ઝીની’ (https://youtu.be/ordi4e72nVY). બંનેમાં ‘ઝીની ઝીની’ શબ્દપ્રયોગ છે. એકમાં ચાદર વણવા માટે અને બીજામાં ગગનગેબી અવાજ માટે. ગાન સાથે માત્ર તાનપુરા અને તબલાં છે, હાર્મોનિયમની સંગત નથી.

પ્રથમ પદમાં કબીર એમનો વણાટકામનો અનુભવ કવિતામાં લાવે છે. કહે છે કે કુમારજીએ વણાટકામની સાળનો લય સાંભળીને આત્મસાત કર્યો અને એ લય આ પદમાં છે. (કવિ-કલાકારોને ક્યાં ક્યાંથી લય મળે છે? ઉમાશંકર જોશીનાં ‘નિશીથકાવ્યો’માં મુંબઈની લૉકલ ટ્રૅનનો લય છે.) સાત માત્રાનો અનોખો તાલ છે – પણ એ સાત માત્રાનો પરંપરાગત વાગતો રૂપક તાલ નથી કે નથી એમાં ભરી ભજન ઠેકાનો દીપચંદી. ‘ચદરિયા’ શબ્દનું સ્વરાંકન ઝીણવટથી સાંભળીશું તો એમાં – ‘સા’ અને ‘કોમળ રે’ – નાનકડી તાન રૂપે સાથે લીધા છે ને એ રીતે સૂરની ચાદર વણી છે. અંતરામાં ‘ઈંગલા પિંગલા’માં સહેજ ચઢેલો ‘કોમળ ધૈવત’ – બે ધૈવત વચ્ચેનો કોઈ સ્વર – જરૂર ધ્યાન ખેંચે છે. હાર્મોનિયમના શુદ્ધ ધૈવત અને કોમળ ધૈવતની વચ્ચેનો કોઈ ધૈવત, હાર્મોનિયમમાં ક્યાંથી મળે? વળી કોમળ ધૈવત ચઢેલો ને એની સંગતિમાં તાર સપ્તકનો કોમળ રિષભ (રે) પણ. (એક ઉલ્લેખ કરવાનું મન થાય છે – કવિવર ટાગોર અને ગાનસરસ્વતી કિશોરી અમોનકર પણ સંગત માટે હાર્મોનિયમ પસંદ નહોતાં કરતાં.)

બીજું પદ છે ‘ગગનમેં અવાજ હો રહી ઝીની ઝીની’. નરસિંહનું ‘નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો’ જરૂર યાદ આવશે. ‘અવાજ હો રહી’ ના શુદ્ધ સ્વર પછી ‘ઝીની ઝીની’ કોમળ ધૈવત પર કેવી સુંદર રીતે લીધું છે અને ‘ઝીની અવાજ’નો ભાવ પ્રદર્શિત કર્યો છે! કેરવા તાલનો એકધારો ઠેકો, ગાનમાં ‘હો જી’ના પ્રયોગથી પ્રગટ થતી લોકસંગીતની મસ્તી અને કબીરના શબ્દોમાં ને કુમારજીના ગાનમાં વ્યક્ત થતી બ્રહ્માંડનાં રહસ્યોની ખોજ, બે સ્વરો વચ્ચેના અવકાશમાં રહેલા કોઈ સ્વરની શોધમાં થઇ રહેલી સાંગીતિક યાત્રા આપણને જુદા જ સ્તરે લઇ જાય છે.

‘ઝીની ઝીની’ પ્રયોગ અન્ય કેટલી કવિતાઓની યાદ અપાવે છે – રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર -(મીરાંબાઈ), જંગી ઢોલ ઘણા ગડગડે, ઝીણી વાત કાને નવ પડે – (અખો), ઝીણા ઝરમર વરસે મેહ કે ભીંજે મારે ચૂંદડલી (ન્હાનાલાલ), ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયાં (અનિલ જોશી) …

જેમ એકમાંથી બીજી કવિતામાં તેમ જ એકમાંથી બીજા ગીતમાં સરી પડવું ગમે છે. કુમારજીની અસરમાં મેં આપણી ભાષાનાં કેટલાંક કાવ્યો સ્વરબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો – અમને ગુરુ મળ્યા છે ગરવા (મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’), વજન કરે તે હારે રે મનવા ભજન કરે તે જીતે (મકરન્દ દવે), ખાટી રે આંબલીથી કાયા રે મંજાણી (રાજેન્દ્ર શાહ) – પણ જ્યારે ગાવા જાઉં ત્યારે કુમારજીનું ગાન યાદ આવે છે અને સાથે સાથે ટાગોરની આ કવિતા પણ –

‘હે ગુણીજન તમે કેવી રીતે ગાઓ છો? હું તો અવાક્ થઇને સાંભળી રહું છું તમને. એમ થાય છે કે હું એવા સૂરે ગાઉં પણ મારા કંઠમાં સૂર શોધ્યો ય જડતો નથી .. મારી ચોતરફ સૂરની જાળ ગૂંથીને મને તમે કેવા ફંદામાં ફસાવ્યો છે?’

ઓમકારનાથ ઠાકુરે કહ્યું છે કે શાસ્ત્રીય સંગીતનું મૂળ લોકસંગીતમાં છે. કુમારજીનાં આ પદોમાં શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતનું ઐક્ય સાંભળો, નાદબ્રહ્મ અને શબ્દબ્રહ્મનો શુભયોગ માણો. આપણે આ ‘ગાંધર્વગાન’ને ‘મૌનના ટહુકા’ કહીશું? ‘આદિલ’ મન્સૂરીનો શેર છે –

‘સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઈને ‘આદિલ’,

જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે’.

(પ્રગટ : “વિશ્વવિહાર”, ફેબ્રુઆરી 2018)
e.mail : amarbhatt@yahoo.com

Loading

...102030...1,1821,1831,1841,185...1,1901,2001,210...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved