Opinion Magazine
Number of visits: 9667406
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુરત મનપાનું 27 માળનું વહીવટી ભવન 27 વર્ષ ટકશે કે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 April 2023

રવીન્દ્ર પારેખ

1,344 કરોડને ખર્ચે સુરત મહાનગરપાલિકાનું 27 માળનું વહીવટી ભવન રિંગ રોડ પર સાકાર થવા જઇ રહ્યું છે ત્યારે મનપાને અને શહેરીજનોને ‘ધબકાર’ હૃદયપૂર્વક અભિનંદનો અને શુભેચ્છાઓ પાઠવે છે. આમ તો 27-27 માળની બે ઇમારતો બનવાની છે. તેમાંની પહેલીનું કામ જ્યાં જૂની સબજેલ હતી ત્યાં પૂરજોશમાં શરૂ થઈ ગયું છે, તે આનંદની વાત છે. તેનું કામ ક્યારે પૂરું થશે તેની માહિતી નથી, પણ તે ભવન તૈયાર થશે તો તે સુરત મહાનગરનું તો ખરું જ, પણ દેશનું પણ સરકારી આઇકોનિક બિલ્ડિંગ હશે એમ કહેવાય છે.

આ બિલ્ડિંગનાં પહેલાં ચાર માળ સુધી પોડિયમ હશે. તેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પોડિયમ સાથે ઓફિસ પણ ખરી. ચાર ફ્લોરનું બેઝમેન્ટ પાર્કિંગ હશે, જેમાં ત્રણ ફ્લોર મનપાના સ્ટાફ અને ચૂંટાયેલા રાજકીય પ્રતિનિધિઓ માટે હશે ને એક ફ્લોર પર વિઝિટર્સનું પાર્કિંગ હશે. ગ્રાઉન્ડ ફ્લોર પર કોર્પોરેશનનું ડેશ બોર્ડ, ટેલિફોન કંટ્રોલ રૂમ, પબ્લિક ડીલિંગ ઑફિસ … વગેરે હશે. પોડિયમનાં પહેલા માળે પગાર અને પેન્શન, પી.આર.ઓ., મલ્ટિ પર્પઝ હૉલ, સભાખંડ, કાફેટેરિયાનું આયોજન થશે. બીજો માળ એફોર્ડેબલ હાઉસિંગ સેલ, જી.એસ.ટી., એકાઉન્ટ સેકશન માટે હશે. ત્રીજા માળે મેયર સહિતના પદાધિકારીઓની ઓફિસ, ખાસ સમિતિના ચેરમેનની ઓફિસ, શાસક અને વિપક્ષનો કોમન રૂમ વગેરે હશે, તો ચોથા માળે મ્યુનિસિપલ કમિશનર, વિવિધ વિભાગના વડાનો, વિજિલન્સ સેક્શનનો સમાવેશ થશે. પાંચમા માળે ટેરેસ ગાર્ડન, લાઇબ્રેરી, કાફેટેરિયાનું આયોજન છે. છઠ્ઠા માળે ટાવર હશે જ્યાં કોર્પોરેશનનાં વિવિધ વિભાગોને જગ્યા ફાળવાશે. આ બિલ્ડિંગમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની ઑફિસોને પણ સ્થાન હશે. 27 માળની આ સૌથી ઊંચી બિલ્ડિંગ હશે જેનાં 27માં માળે ફાયર વિભાગ કંટ્રોલરૂમ બનાવાશે જ્યાંથી શહેર પર નજર રખાશે.

એમ લાગે છે કે કશુંક અદ્દભુત થવા જઇ રહ્યું છે. એ થાય તેમ જરૂર ઈચ્છીએ, પણ તે સાંગોપાંગ પાર પડે તે અંગે શંકા રહે છે. આટલો તોતિંગ ખર્ચ કર્યા પછી થોડાં વર્ષમાં તે ફરી બાંધવું પડે એવું તો નહીં થાયને એવો સવાલ રહી રહીને થયા કરે છે, કારણ આ શહેરમાં ઇમારતો તો ભવ્ય બનતી દેખાય છે, પણ તેની આવરદા પુખ્ત ઉંમરે પણ પહોંચતી નથી તે દુ:ખદ છે. અઠવા લાઇન્સમાં સરગમ શોપિંગ સેન્ટર નામની અનેક મજલી વિશાળ ઇમારત એવી બંધાઈ કે તે ઘણાંને સરનામામાં નિશાની તરીકે સૂચવાતી હતી. તે ત્રીસેક વર્ષ પણ ન ટકી ને તેને ઉતારી લેવી પડી. એવી તો ઘણી ઇમારતો વીસ પચીસ વર્ષમાં જ ભોંય ભેગી કરવી પડી. સુરત સિટી કોર્ટનું બિલ્ડિંગ વીસેક વર્ષમાં ફરી બાંધવાનું થયું. ગાંધી સ્મૃતિ ભવન 1980માં બંધાયું ને 2017માં તે ચાર કરોડને ખર્ચે રીપેર થયું, પણ ન ટક્યું ને 2019માં અનિશ્ચિત મુદ્દત માટે બંધ કરી દેવું પડ્યું. અત્યારે ત્યાં કૈં નથી. કોર્પોરેશનની જ આ ઇમારત ચાળીસ વર્ષ પણ ન ટકી. આ ઇમારતો કેમ ન ટકી તે કોઇથી અજાણ્યું નથી. એમાં વફાદારી પ્રમાણિકતા ને નિષ્ઠા સિવાય બીજાં તત્ત્વો જ સક્રિય રહ્યાંનું ધારી શકાય એમ છે. તે વગર આવાં બાળમરણો થાય નહીં. બાળમરણ એટલે કે શહેરમાં જ એવી ઇમારતો આજે ય છે, જે સૈકાઓ પછી પણ ટકોરાબંધ છે. અત્યારે ઠેર ઠેર મલ્ટિસ્ટોરીડ બિલ્ડિંગ્સ બંધાયે જ જાય છે, એની આવરદાનો વિચાર કરીએ તો મનમાં નિરાશા જ વ્યાપે છે, તે એટલે કે એ જરા ય સસ્તાં હોતાં નથી ને એ ખરીદવા જે લોકો આગળ આવે છે એમણે જીવ પર આવીને જેમ તેમ એની રકમ ભેગી કરી હોય છે, લાંબા ને મોટા હપ્તા ભરતાં એમની ચામડી તતડી ગઈ હોય ને થોડા વખતમાં ખબર પડે કે રહેણાંક વિસ્તાર બિસ્માર હાલતને કારણે ખાલી કરવાનો છે કે બિલ્ડિંગ ઉતારવાનું છે તો શી સ્થિતિ થાય એની કલ્પના જ કરવાની રહે છે. આવું પતન પ્રમાણિકતા કે નિષ્ઠાનાં અભાવમાં જ શક્ય છે.

આવાં તકલાદી કામોની સામે સૈકાઓથી ટકેલાં કોઈ તાજમહાલ, કોઈ લાલકિલ્લા, કોઈ મીનાક્ષી મંદિરને જોઈએ છીએ ત્યારે થાય છે કે કેવી રીતે ટકી હશે એ ઇમારતો આજ સુધી? દેલવાડાનાં દેરાં તો આબુ પર્વતે થયાં. ત્યારે કોઈ સડકો કે વાહનોની સગવડ પણ ન હતી, તો કેવી રીતે એટલી ઊંચાઈએ હાથીઓ મારફતે આરસ ઉપર ચડાવ્યો હશે? શું ઉમેર્યું હશે એ બાંધકામમાં કે એ મંદિરો આજે પણ માખણ જેવા આરસની કવિતા ગાતાં આકર્ષે છે? ત્યારે તો કદાચ સિમેન્ટ પણ ન હતી, તો સાગોળ ઉપરાંત શું ઉમેરાયું હશે ત્યારની ઇમારતોમાં તે નથી સમજાતું. આજની એન્જિનિયરિંગની ડિગ્રી પણ તે વખતના બાંધનારાઓ પાસે ન હતી. એન્જિનિયરો આવ્યા પછી ઇમારતોની આવરદાના પ્રશ્નો ઊભાં થયા. તે પહેલાં તો કોઈ ટેક્નોલોજી કે ટેકનિક પણ નહીં હોય ને ઇમારતો ખડી થઈ હશે. બીજું તો અનુમાન નથી થઈ શકતું, પણ તે વખતે જે સાધન શુદ્ધિ હતી, ઈમાનદારી ને કામ પ્રત્યેની નિષ્ઠા હતી, તે આજે શોધી જડતી નથી. એવું નથી કે એ મોગલ રાજાઓની જ સ્થાપત્ય પ્રીતિ હતી કે એ દિલ્હી પૂરતી જ સીમિત હતી, એ ઠેર ઠેર હતી.

સુરતની જ વાત કરીએ તો એનો કિલ્લો ખુદાવંદખાને 1540-41માં બાંધ્યો. કિલ્લાના પથ્થરોની વચ્ચે સીસું પૂર્યું ને ઇમારતને લોખંડી મજબૂતી મળી. આ ઉપરાંત ચિંતામણિ જૈન મંદિર, જૂનું અંબાજી મંદિર જેવાં કૈં મંદિરો 300-400 વર્ષથી આજે પણ ધર્મધ્વજ લહેરાવતાં ઊભાં છે. સુરત જિલ્લાના જ મહુવામાં 1,050 વર્ષ જૂનું પાર્શ્વનાથનું જૈન મંદિર પણ અકબંધ ઊભું છે. એન્ડ્રૂઝ લાઇબ્રેરી સુરતમાં જ છેને, પણ છે હજી ! એમ.ટી.બી. આર્ટસ કોલેજ અને પી.ટી. સાયન્સ કોલેજનાં મકાનો પણ શતાબ્દી ઊજવી ચૂક્યાં છે. જો એ મકાનો આજે પણ ટકીને હજી વધુ ટકવાની ખાતરી આપતાં હોય તો હવે એવું શું થયું છે કે આજની ઇમારત માટે મનમાં કોઈ શ્રદ્ધા નથી બેસતી? કેમ કોઈ પણ મકાનની ખરીદીમાં છેતરાવાની દહેશત કાયમ રહેતી હોય છે? પૂરી રકમ આપવા છતાં, પૂરું મકાન હાથમાં ન આવે એવું વિકસતી ટેકનોલોજીના જમાનામાં જ વધારે બન્યું છે. આ દહેશત સૈકાઓ પછી પણ, સ્વતંત્રતા પહેલાંની ઇમારતો માટે ભાગ્યે જ રહે છે તે આજના સંદર્ભે ઘણું બધું સૂચક છે !

દૂર શું જવું? આજની મહાનગરપાલિકાની ઇમારત પણ સૈકાઓ વટાવીને અનેક અવરજવરથી ધમધમે છે. એ ઇમારત મુગલસરાઈ તરીકે સુરતના કિલ્લેદાર ઇશાક બેગ યઝદી ઉર્ફે હકીકતખાને 1644માં બંધાવેલી. ત્યારે તે હુમાયુસરાઈ તરીકે ઓળખાયેલી જે પાછળથી મુગલસરાઈ તરીકે જાણીતી થઈ. આ સરાઈમાં હજયાત્રીઓ, વિદ્વાનો, કાજીઓ, ગરીબો ઉતરતા ને તેમને આ મુગલસરાઈમાં ત્રણ દિવસ મફત ઉતારો અપાતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અમલ શરૂ થયો ત્યાં સુધી મુગલસરાઈનો ઉપયોગ મુસાફરો માટે જ થતો રહ્યો. એ પછી 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો ત્યારે કેદીઓ અને અટકાયતીઓને પણ એમાં રખાયા. 1869 સુધી તેનો કાચી જેલ તરીકે ઉપયોગ થયો. 1852ની 23 એપ્રિલે કલેકટર રોજર્સે નાનપરા પોસ્ટ ઑફિસનાં મકાનમાં સુરત સુધરાઈની સ્થાપના કરી. જો કે કોર્પોરેશનની ડાયરી એ સ્થાપનાની તારીખ 15 મે, 1852 જણાવે છે. આ સુધરાઇ 1867માં આજે જ્યાં મુગલીસરામાં મનપાનું મકાન છે, ત્યાં ખસેડવામાં આવી. 1 ઓકટોબર 1966થી પાલિકા, સુરત મહાનગરપાલિકા બને છે. આ મહાનગરપાલિકા રિંગ રોડ પર 27 માળનું ભવન તૈયાર થશે તો ત્યાં સક્રિય થશે, પણ એ તો થાય ત્યારે વાત. અત્યારે તો મુગલીસરા જ તેનું સરનામું છે.

સાચું તો એ છે કે આજની મહાનગરપાલિકા લગભગ બસોથી પણ વધુ વર્ષ જૂનાં મકાનમાં શરૂ થઈ અને તે પછી પણ દોઢસોથી વધુ વર્ષ સક્રિય રહી, ત્યારે એ પ્રશ્ન થાય જ છે કે આટલાં વર્ષ ટકવાની કોઈ ખાતરી 27 માળની નવી ઇમારત આપી શકે એમ છે કે એ પણ આજનાં પચીસ ત્રીસ વર્ષની આવરદાવાળા કોઈ મકાનની જેમ જ ફરી બીજું મકાન શોધવાની દિશા તરફ દોરી જશે? પ્રાર્થના કરીએ કે સુરત મહાનગરપાલિકાને તેનું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફળે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 ઍપ્રિલ 2023

Loading

પ્રેમની ‘બંદિની’:  મૈં બંદિની પિયા કી, મૈં સંગિની હૂં સાજન કી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|20 April 2023

રાજ ગોસ્વામી

થોડા વખત પહેલાં, અસ્પૃશ્યતાના વિષય પર બિમલ રોયે બનાવેલી સુંદર અને સંવેદનશીલ ફિલ્મ ‘સુજાતા’(1959)ની વાત અહીં કરી હતી.  તેમાં ફિલ્મની હિરોઈન નૂતનના 1995ના એક ઇન્ટરવ્યૂને ટાંક્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું, “મારી બે ગમતી ભૂમિકા ‘બંદિની’ અને ‘સુજાતા’ હતી. બંને ફિલ્મોએ સ્ત્રીત્વનાં અજાણ્યા પાસાઓને એટલી તાકાતવર રીતે બતાવ્યા હતા, જે મારી બીજી ફિલ્મોમાં જોવા નથી મળ્યાં.” આપણે ત્યારે કહ્યું હતું કે ‘બંદિની’ની વાત ક્યારેક કરીશું. આજે કરીએ.

‘બંદિની’ 1963માં આવી. પૂરી કારકિર્દીમાં 11 ફિલ્મફેર એવોર્ડ અને 6 નેશનલ એવોર્ડ વિજેતા બિમલ રોયની આ અંતિમ ફિલ્મ. અંગ્રેજીમાં ‘સ્વાન સોંગ’ નામનો શબ્દ છે. કોઈ કલાકારનું અંતિમ અને યાદગાર પર્ફોમન્સ હોય તેને ‘સ્વાન સોંગ’ કહે છે. ગ્રીક પુરાણકથાઓમાં એક હંસ(સ્વાન)ની વાત છે, જે બીજા પક્ષીઓની જેમ તેની ગાયનકળા માટે જાણીતો નથી, પરંતુ એક અકસ્માતમાં મરતાં પહેલાં તે એક અદ્ભુત ગાયન ગાઈને લોકોને ચકિત કરી દે છે. 

બિમલ રોયનું અવસાન તો ત્રણ વર્ષ પછી, 7 જાન્યુઆરી 1966માં થયું, પણ 1963માં તેમણે ‘બંદિની’ના રૂપમાં તેમનું ‘સ્વાન સોંગ’ પેશ કર્યું. માત્ર એવોર્ડ્સની જ જો વાત કરીએ તો, ‘બંદિની’ને 6 ફિલ્મફેર એવોર્ડ (બેસ્ટ ફિલ્મ, બેસ્ટ સ્ટોરી, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ ડિરેકટર, બેસ્ટ સિનેમેટોગ્રાફી, બેસ્ટ સાઉન્ડ) અને બેસ્ટ હિન્દી ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.

ફિલ્મ એ વર્ષે બોક્સ ઓફિસ ઓર સુપરડુપર હિટ ગઈ એટલું જ નહીં, હિન્દી સિનેમાના ચાહકો આજે પણ તેને નૂતનના કેરિયર-બેસ્ટ પરફોર્મન્સ, બિમલ રોયના યથાર્થવાદી નિર્દેશન અને સચિન દેવ બર્મનના મધુર સંગીત માટે યાદ કરે છે. 

ગુજરાતીમાં એક કહેવત જાણીતી છે; શાંત પાણી ઊંડા હોય. હિન્દી ફિલ્મોમાં મૌનના મહત્ત્વને અલગ-અલગ રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે, પરંતુ ‘બંદિની’માં નૂતને જે રીતે તેની મૌન શક્તિનો પરિચય કરાવ્યો હતો તે અદ્વિતીય છે. કલ્યાણીની તેની ભૂમિકા પણ મૌન રહેવા માટે જ હતી. અતીતમાં પ્રેમ અને પીડાના અવેશમાં આવીને કલ્યાણીએ એક ખૂન કર્યું હોય છે અને એવા જ આવેશમાં એ ખૂનનો એકરાર પણ કર્યો હોય છે. એની સજા બદલ તે જેલમાં આજીવન સજા કાપી રહી હોય છે (એટલે જ ફિલ્મનું નામ ‘બંદિની’ છે).

ફિલ્મ કલ્યાણીની જેલથી શરરૂ થાય છે અને પછી ફ્લેશબેકમાં જાય છે. તેની વાર્તા સ્વતંત્રતા પહેલાંના 30ના દાયકાના બંગાળી ગામડાની છે. ગરીબ પિતા સાથે રહેતી કલ્યાણી ગામના એક સ્વાતંત્ર્ય સેનાની યુવાન વિકાસ(અશોક કુમાર)ના પ્રેમમાં પડે છે. વિકાસ પાછા આવવાનું વચન આપીને શહેર જતો રહે છે અને પાછો નથી આવતો.

પિતાની અને પોતાની મુસીબતોથી પરેશાન કલ્યાણી ઘર-ગામ છોડીને શહેર આવી જાય છે. અહીં તે એક બીમાર, વિક્ષિપ્ત મહિલાની સાર-સંભાળ રાખે છે. આ મહિલા વિકાસની પત્ની નીકળે છે. કલ્યાણીને ખબર પડે છે કે તેની શોધમાં શહેર આવેલા તેના પિતાનું અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું છે. જીવનની આવી આકરી પરીક્ષાથી વ્યથિત કલ્યાણી આવેશમાં પ્રેમીની પત્નીને ઝેર પીવડાવી દે છે.

એ અપરાધ બદલ તેને જેલમાં પુરવામાં આવે છે. જેલમાં પણ તે સૌને મદદરૂપ બને છે. ખાસ કરીને તે એક વૃદ્ધા કેદીની બીમારીમાં સારવાર કરે છે. કલ્યાણીની માનવતા જોઈને જેલનો ડોકટર દેવેન્દ્ર (ધર્મેન્દ્ર) તેના તરફ આકર્ષાય છે, પરંતુ તેના અતીતના કારણે કલ્યાણી દેવેન્દ્રના પ્રેમનો સ્વીકાર નથી કરી શકતી. કલ્યાણીના અસ્વીકાર પછી દેવેન્દ્ર રાજીનામું આપીને ઘરે જતો રહે છે.

દેવેન્દ્રના રાજીનામાનું કારણ જાણ્યા પછી જેલર કલ્યાણીને બોલાવીને તેના અતીત વિશે પૂછે છે. અહીંથી ફિલ્મ ફ્લેશબેકમાં જાય છે. કલ્યાણીની સજા પૂરી થયા પછી જેલર તેને દેવેન્દ્રની માતાનો પત્ર આપે છે. જેમાં તેને ખબર પડે છે કે દેવેન્દ્રની માતાએ તો તેને વહુ તરીકે સ્વીકાર કરી હતી. કલ્યાણી હવે દેવેન્દ્ર પાસે જવાની તૈયારી કરે છે.

એ સ્ટેશન પહોંચે છે તો ત્યાં ફરી એકવાર વિકાસનો ભેટો થાય છે. વિકાસ બીમારીનો ભોગ બન્યો છે અને તેનો અંતિમ સમય ગામમાં વિતાવા માંગે છે. કલ્યાણી માટે હવે દુવિધા ઊભી થાય છે. તેણે ગામમાં જેને પ્રેમ કર્યો હતો તેની સાથે રહેવું કે જેલમાં તેને જેણે પ્રેમ કર્યો હતો તેની પાસે જવું? છેવટે તે વિકાસની સાર-સંભાળ લેવાનું નક્કી કરે છે અને દેવેન્દ્રને ભૂલી જાય છે.

આ વાર્તાનો એક સાદો સાર છે કે સ્ત્રીઓ દીવાલોમાં કેદ નથી હોતી, પ્રેમની જેલમાં બંધ હોય છે. જેણે તેને ગામ છોડવા મજબૂર કરી, જેણે તેને હત્યા કરવા ધકેલી, જેણે તેને જેલમાં પહોંચાડી દીધી, જેણે તેની મોટાભાગની જિંદગી બરબાદ કરી નાખી તે વિકાસના પ્રેમમાંથી કલ્યાણી છૂટી શકતી નથી અને હવે એ જ પ્રેમ માટે તે દેવન્દ્રના પ્રેમનું બલિદાન આપી દે છે. કલ્યાણી જેલમાં છૂટવાની હોય છે ત્યારે જેલર તેને કહે હે પણ ખરા, “મેરી કૈદ સે તો  છુટકારા મિલ ગયા, અબ ઘર ગ્રહસ્થી કી જેલ મેં કૈદ રહોગી.”

‘બંદિની’ સ્ત્રીની એ કેદની વાર્તા છે. બિમલ રોયે જે જમાનામાં ફિલ્મ બનાવી હતી તેમાં પુરુષ ગમે તેટલો બદમાશ હોય, સ્ત્રીએ એકવાર તેને મનનો માણીગર માન્યો, પછી હર હાલમાં તેની સાથે જ રહેવાનું. આજે ઈમ્તિયાઝ અલી જેવા કોઈ નિર્દેશક જો ‘બંદિની’ને ફરીથી બનાવે તો તે કલ્યાણીને દેવેન્દ્ર પાસે મોકલે, વિકાસ પાસે નથી. મહેશ ભટ્ટે તો વળી ‘અર્થ’ ફિલ્મમાં પૂજાને બે ય પુરુષોથી દૂર મોકલી દીધી હતી. પ્રેમી કે પતિ વગર સ્ત્રી કેમ રહી ના શકે? એવો ક્રાંતિકારી સવાલ ભટ્ટે ‘અર્થ’માં પૂછ્યો હતો.

‘બંદિની’ની અંતમાં કલ્યાણી જ્યારે વિકાસ સાથે જાય છે ત્યારે બર્મન’દાના અવાજમાં ગીત વાગે છે, ‘ઓ માઝી, ઓ માઝી, મેરે સાજન હૈ ઉસ પાર.’ એમાં ગીતકાર શૈલેન્દ્રએ કલ્યાણીની સ્થિતિને એક પંક્તિમાં આબાદ વ્યક્ત કરી હતી; મૈં બંદિની પિયા કી, મૈં સંગીની હૂં સાજન કી.” તે એની દુવિધા પણ હતી અને તેની સ્વતંત્રતા પણ.

ફિલ્મમાં કુલ 7 ગીતો હતાં અને ઉપર લખ્યું તે સિવાય બીજાં બે ગીતો પણ એટલાં જ મશહૂર થયાં હતાં. એક હતું મૂકેશના અવાજમાં ‘ઓ જાને વાલે હો સકે તો લૌટ કે આના,’ જે કલ્યાણી ઘર-ગામ છોડે છે ત્યારે વાગે છે. બીજું હતું લતા મંગેશકરના અવાજમાં ‘મોરા ગોરા અંગ લાઈ લે, મુજે શ્યામ રંગ ડાઈ દે.’

આ ગીત ગામમાં કલ્યાણીના સુખી સમયનું ગીત છે. ગીત પહેલાં તેના કાને કૃષ્ણ ભગવાનની વાર્તા પડે છે કે રાધા શ્યામ દેખાય તેવી ઘટ્ટ ભૂરી સાડી, ભૂરી બંગડીઓ અને શ્યામ કાજલ લગાવીને અંધારામાં કૃષ્ણને મળવા જાય છે જેથી કોઈ તેને જોઈ ન જાય, પરંતુ તેનો ગોરો વાન અંધારામાં ચમકે છે એટલે તે પ્રાર્થના કરે છે કે તેનો રંગ શ્યામ થઇ જાય. કલ્યાણી વિકાસને યાદ કરીને પછી ગાય છે, ‘મોરા ગોરા અંગ લાઈ લે, મુજે શ્યામ રંગ ડાઈ દે.’

આ ગીત સાથે ગુલઝારનો હિન્દી ફિલ્મોમાં પ્રવેશ થયો હતો. એક જૂના ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું તેમ, ‘બંદિની’ બનતી હતી ત્યારે એસ.ડી. બર્મન અને શૈલેન્દ્ર વચ્ચે કોઈક મગજમારી થઇ અને અબોલા થઇ ગયા. બિમલ’દાને તાત્કાલિક એક ભક્તિ ગીત જોઈતું હતું. ગુલઝાર ત્યારે મુંબઈમાં એક કાર ગેરાજમાં કલર કામ કરતા હતા અને શોખથી કવિતાઓ અને શાયરીઓ લખતા હતા. પ્રોગ્રેસિવ રાઈટર્સ એસોસિયેશન સાથે જોડાયેલા હતા એ નાતે બિમલ રોયે તેમને મળવા બોલાવ્યા હતા. તેમણે ગુલઝારને બર્મન’દા પાસે મોકલ્યા.

બર્મન’દાએ ધૂન અને દૃશ્ય સમજાવ્યું. અઠવાડિયા પછી ગુલઝારે ગીત આપ્યું. બર્મન’દા ખુશ થઇ ગયા અને તેમને બિમલ’દા પાસે મોકલ્યા. તેમને પણ ગીત ગમી ગયું. ગુલઝારે રાધા-કૃષ્ણને ધ્યાનમાં રાખીને અવધી ભાષામાં એ ગીત લખ્યું હતું. એ પછી તો બિમલ’દાએ તેમને કહ્યું કે તારા માટે ગેરાજ એ કોઈ કામ કરવાની જગ્યા નથી, મારી પાસે આવી જા અને તેમની બીજી ફિલ્મ ‘કાબુલીવાલા’થી ગુલઝાર ગીતકાર બન્યા.

આજે પણ એ ગીત એટલું જ તાજું અને લાજવાબ છે. આજે જ્યારે સ્ત્રીઓની ત્વચાને ગોરી બનાવાની એક તોતિંગ ઇન્ડસ્ટ્રી ધમધમે છે ત્યારે 60 વર્ષ પહેલાં ગુલઝારે એક એવું ગીત રચ્યું હતું જેમાં શ્યામ રંગનું સન્માન કરવામાં આવ્યું હતું અને ગોરા રંગનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 19 ઍપ્રિલ 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

હથિયારોની હોડ, સંરક્ષણ ખર્ચમાં વૃદ્ધિ અને વિશ્વશાંતિ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|20 April 2023

ચંદુ મહેરિયા

મહાવીર અને ગાંધીજીની અહિંસાનો દેશ ભારત આજે સંરક્ષણ ખર્ચની બાબતમાં દુનિયામાં ત્રીજું સ્થાન ધરાવે છે ! તેનું એક કારણ તો ચીન અને પાકિસ્તાન જેવા વસમા પાડોશી છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ‘રિપોર્ટ ઓન ટ્રેન્ડસ ઈન ગ્લોબલ મિલિટરી એક્સપેન્ડિચર, ૨૦૨૨’ મુજબ, ૨૦૨૧માં વિશ્વનો સંરક્ષણ ખર્ચ અધધધ ૨.૧ ટ્રિલિયન અમેરિકી ડોલર હતો. ૮૦૧ બિલિયન અમેરિકી ડોલરના સંરક્ષણ ખર્ચ સાથે વિશ્વમાં અમેરિકા પહેલા નંબરે હતું. વિશ્વના ટોપ ટેન દેશોમાં અમેરિકા, ચીન, ભારત, બ્રિટન, રશિયા, ફ્રાંસ, જર્મની, સાઉદી અરેબિયા, જાપાન અને દક્ષિણ કોરિયા છે. બીજા ક્રમના દેશ ચીનનું રક્ષા ખર્ચ ૨૯૨ બિલિયન ડોલર હતું. તો તેના કરતાં લગભગ ચોથા ભાગના સંરક્ષણ ખર્ચ (૭૬.૬ બિલિયન ડોલર) સાથે ભારત ત્રીજા નંબરે હતો. દસમા ક્રમના દક્ષિણ કોરિયાના સંરક્ષણ ખર્ચ ૫૦.૨ બિલિયન ડોલર અને પ્રથમ ક્રમના અમેરિકાના ૮૦૧ બિલિયન ડોલર વચ્ચે ૭૫૦.૮ બિલિયન ડોલરનો તફાવત છે.

વિશ્વશાંતિ, વસુધૈવ કુટુંબકમ અને યુદ્ધ નહીં બુદ્ધ સહીની ભાવના છતાં હથિયારોની હોડ અને સંરક્ષણ ખર્ચમાં વધારો યથાવત છે. રશિયા-યુક્રેન યુદ્ધ આપણને તરત સાંભરે છે પરંતુ ૨૦૨૩માં દુનિયામાં નાનામોટા ચાળીસેક યુદ્ધ ચાલે છે. વર્તમાન યુદ્ધ યુક્રેન જાનમાલની દૃષ્ટિએ તો તબાહ થઈ જ રહ્યું છે, આર્થિક રીતે પણ તબાહ થઈ રહ્યું છે. અમેરિકાસહિતના ‘નાટો’ દેશો પ્રચ્છન રીતે યુક્રેનની તરફે રશિયા સામે લડે છે પરંતુ મોટું નુકસાન તો યુક્રેનનું જ છે. ચાલુ નાણાંકીય વરસમાં યુક્રેન ૩૦ અબજ ડોલરનું સંરક્ષણ ખર્ચ કરવાનું છે. જે તેના કુલ બજેટનો ૪૪ ટકા હિસ્સો છે. રશિયાએ ગત વરસે જી.ડી.પી.નો ૩.૫ ટકા ખર્ચ કર્યો હતો. આ વરસે તેણે જી.ડી.પી.ના ૪.૧ ટકા ફાળવ્યા છે. એટલે હિંસા અને યુદ્ધ કેટલાં મોંઘાં છે અને અહિંસા તથા વિશ્વશાંતિ કેટલાં જરૂરી છે તે ન સમજાય કે ઉકેલાય તેવો કોયડો તો નથી જ.

કોઈ પણ દેશ તેની સરહદોને સુરક્ષિત રાખવા જરૂરી સંરક્ષણ ખર્ચ કરે કે સૈન્ય રાખે તે સ્વાભાવિક ગણાય. પરંતુ કેટલાક દેશો જગત જમાદારી, હથિયારોનું વેચાણ અને વિસ્તારવાદ કરવા કે સૈન્ય મહાસત્તા બનવાની સ્પર્ધામાં મસમોટો ખર્ચ કરે છે કે સૈન્ય રાખે છે. તેઓ જ દુનિયામાં  અશાંતિ અને તણાવ સર્જી પોતાનો રોટલો સેકતા હોય છે. રક્ષા ખર્ચમાં મોખરાના દસ દેશોમાં ચીન અને ભારતને બાદ કરતાં બાકીના સાત દેશોનો ખર્ચ અમેરિકાથી અડધો છે. આ જ  અમેરિકા હથિયારો અને સંરક્ષણ સાધનોની નિકાસમાં પણ પ્રથમ ક્રમે છે. દુનિયાના ૯૬ દેશોને અમેરિકા હથિયારો વેચે છે. અને સંરક્ષણ હથિયારોની નિકાસમાં તેનો હિસ્સો સૌથી વધુ, ૪૦ ટકા, છે. આ હકીકત નજરઅંદાજ થવી ના જોઈએ.

ગત વર્ષ કરતાં તેર ટકાની વૃદ્ધિ સાથે વર્તમાન વર્ષનું ભારતનું સંરક્ષણ બજેટ ૫.૯૪ લાખ કરોડનું છે. જે દેશના કુલ બજેટનો ૧૩.૩૧ ટકા હિસ્સો છે તો દેશના જી.ડી.પી.નો ૨.૯ ટકા છે. તાજેતરમાં સૈન્ય માટે ૭૦,૫૦૦ કરોડના હથિયારો અને લશ્કરી શસ્ત્રસરંજામની ખરીદીની સંરક્ષણ મંત્રાલયે મંજૂરી આપી છે. તો હાલના બજેટમાં તોપથી લઈને મિસાઈલ્સ જેવા નવાં હથિયારો, હેલિકોપ્ટર, ડ્રોન, એન્ટી ટેન્ક મિસાઈલ્સ, ફાઈટર જેટસ, સબમરીન્સ, અત્યાધુનિક વેપન્સ સિસ્ટમ ખરીદવા ૧.૬૨ લાખ કરોડની ફાળવણી કરી છે. ભારતે સ્વદેશી સૈન્ય હથિયાર વિકસિત કર્યા છે. તેમ છતાં મુખ્યત્વે તો તે સંરક્ષણ સાધનોની આયાત જ કરે છે. દુનિયાના કુલ સૈન્ય હથિયારોની આયાતમાં ભારતનો હિસ્સો ૧૧ ટકાનો છે. ભારત તેના ૪૫ ટકા રક્ષા સાધનો મિત્ર દેશ રશિયા પાસેથી ખરીદે છે. તે પછીના ક્રમે ફ્રાન્સ, અમેરિકા, ઈઝરાયેલ, દક્ષિણ કોરિયા અને દક્ષિણ આફ્રિકા પાસેથી લશ્કરી શસ્ત્રો ખરીદે છે.

બાહ્ય સુરક્ષાના નામે કે કારણે દુનિયામાં હથિયારોની હોડ મચેલી છે. જી-૨૦ના દેશો રક્ષા સાધનોના ઉત્પાદનની ઘરેલુ ઔદ્યોગિક ક્ષમતા ધરાવે છે. એટલે મોટા વીસ શસ્ત્ર નિકાસકારોમાં જી-૨૦ના બાર દેશો છે. દુનિયાની કુલ શસ્ત્ર ખરીદીમાં બાર ટકા સાઉદી અરબે ખરીધ્યા છે. અમેરિકાના અડધોઅડધ લશ્કરી હથિયારો પશ્ચિમ એશિયામાં વેચાય છે અને આ અડધામાં અડધા એકલું સઉદી અરબ ખરીદે છે. એશિયામાં સાઉદી પછીનો આયાતકાર દેશ ભારત છે.

ભારતની સરકારી કંપનીઓ વિશ્વસ્તરના સંરક્ષણ સાધનો બનાવે છે. ૨૦૨૨માં સરકારે ૧૫૬ રક્ષા સાધનો મિત્ર દેશોને વેચવાની પરવાનગી પણ આપી હતી. જો કે પાંચમી મોટી અર્થવ્યવસ્થા છતાં સૈન્ય સાધનોની નિકાસમાં ભારતનું પ્રદાન ૦.૨ ટકા જ છે. હવે ભારત વિશ્વનો ચોવીસમો લશ્કરી હથિયારોની નિકાસકર્તા દેશ તો બન્યો છે ખરો પણ અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જર્મની અને ચીન જેવા મોટા નિકાસકાર દેશોની તુલનામાં ભારતની નિકાસ નગણ્ય છે. બુદ્ધની કરુણા અને ગાંધી-મહાવીરની અહિંસાને હડસેલીને વિશ્વગુરુ ભારત પણ હવે સૈન્ય સાધનોનો ઉત્પાદક અને નિકાસકાર છે. લોકસભા પ્રશ્નના જવાબમાં મળેલી માહિતી પ્રમાણે ૨૦૧૫-૧૬માં ભારતે રૂ.૧,૯૪૧ કરોડનાં સૈન્ય સાધનોની નિકાસ કરી હતી. પાંચ વરસે ૨૦૨૧-૨૨માં વધીને તે રૂ. ૧૧,૬૦૭ કરોડની થઈ છે.

દુનિયાનું ત્રીજા ક્રમનું સૈન્ય ખર્ચ કરતું ભારત ત્રીજા ક્રમનું લશ્કર પણ ધરાવે છે. સૌથી વધુ ૨૩.૩૩ લાખની સક્રિય સૈનિક સંખ્યા સાથે ચીન પ્રથમ છે, ૧૪ લાખ સાથે અમેરિકા દ્વિતીય અને ૧૩.૨૫ લાખ સાથે ભારત તૃતીય ક્રમે છે. નાટો દેશોએ તેના સભ્ય દેશો માટે જી.ડી.પી.ના ૨ ટકા વાર્ષિક સંરક્ષણ ખર્ચ ફરજિયાતપણે કરવાની શરત રાખી છે. અમેરિકા, ચીન, ભારત, બ્રિટન અને રશિયાનું સૈન્ય ખર્ચ વૈશ્વિક સૈન્ય ખર્ચના ૬૨ ટકા છે. આખી દુનિયાના સૈન્ય બજેટનો ૩૮ ટકા હિસ્સો એકલા અમેરિકાનો છે. કોરોના મહામારી કે તે પછીના વરસની આર્થિક મંદીએ પણ સૈન્ય ખર્ચમાં ઘટાડો થવા દીધો નથી. આર્થિક તંગહાલીની હાલતમાં પાકિસ્તાન સરકાર આઈ.એમ.એફ.ની લોન માટે લશ્કરી ખર્ચમાં કાપની માંગ સ્વીકારે તે પાકિસ્તાનના સૈન્યને મંજૂર નથી. તેથી સરહદી સુરક્ષા કરતાં બીજા પરિબળો પણ સંરક્ષણ ખર્ચ અને સૈન્ય મહાસત્તા ગણાવા બાબતમાં જવાબદાર હોઈ શકે છે.

સરહદો સળગતી હોય તો શાંતિના જાપ ના ચાલે તેમ ગજા બહારનો સૈન્ય ખર્ચ પણ ના પરવડે. રશિયા તેના સૈન્ય ખર્ચમાં સતત ઘટાડો કરતું હતું. ૨૦૦૬થી સંરક્ષણ ખર્ચમાં ટોચના પાંચ દેશોમાં તેનું સ્થાન હતું તે ૨૦૧૬માં ગુમાવ્યું તેની પણ પરવા કરી નહોતી. હવે યુક્રેન સાથેના યુદ્ધે બાજી પલટી નાંખી છે. જર્મનીના વધતા સૈન્ય ખર્ચને તેના બહુમતી નાગરિકોનું સમર્થન નથી. સંરક્ષણ બજેટ નિર્ધારિત કરતી વેળા દેશની પ્રાથમિક જરૂરિયાતોની અવગણના ના થાય તેનો ખ્યાલા રાખવો પડશે. નાગરિકોની શિક્ષણ, આરોગ્ય, પાણી જેવી મૂળભૂત સગવડોને બાજુએ મૂકી સૈન્ય ખર્ચમાં વધારો દુ:શ્મન દેશના સૈનિકોની નહીં ખુદના નાગરિકોની હત્યા છે.

e.mail : maheriyachandu@gmail.com 

Loading

...102030...1,1691,1701,1711,172...1,1801,1901,200...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved