Opinion Magazine
Number of visits: 9743498
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વચલી જ્ઞાતિઓનાં અનુલોમ-વિલોમની વાસ્તવિકતા

રમેશ ઓઝા|Opinion - Opinion|16 May 2023

માઇસોર નરસિંહાચાર શ્રીનિવાસ

એમ.એન. શ્રીનિવાસ ભારતનાં પ્રસિદ્ધ સમાજશાસ્ત્રી હતા. તેમણે ૧૯૫૨માં સાંસ્કૃતિકરણની થિયરી આગળ કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતમાં પછાત જાતિઓ (વચલી જાતિઓ અને હિન્દીમાં પ્રચલિત શબ્દ મજલી જાતિઓ) હિંદુ નિસરણી ઉપર પોતાને બે-પાંચ પગથિયાં ઉપર ચડાવવા માટે પોતાનું સાંસ્કૃતિકરણ કરે છે અર્થાત તેમને પછાત ગણાવતા રીતિરિવાજોને છોડીને ઉપરને પગથિયે ઉજળિયાતોનાં રીતિરિવાજ અપનાવે છે. (સલામતી ખાતર જ્યાં પણ મન પ્રશ્ન કરે ત્યાં ‘કહેવાતા’ એવો એક શબ્દ ઉમેરી દેવો. મને પણ અનેક જગ્યાએ કહેવાતા શબ્દ અભિપ્રેત છે.) તેમનાં બાપદાદાનું નામ કરસન હતું, પણ હવે તેઓ પોતાનાં સંતાનનું નામ કરસનની જગ્યાએ કૃષ્ણ રાખે છે.

બીજી બાજુ ૧૯મી સદીમાં સાંસ્કૃતિકરણની જગ્યાએ વિકૃતિકરણની ઘટનાઓ પણ બની છે. ત્યારે બ્રાહ્મણોમાં વિધવાવિવાહ પ્રતિબંધિત હતો અને પછાત જાતિઓમાં વિધવા સ્ત્રીનાં પુનર્લગ્ન કરવામાં આવતાં હતાં. કેટલીક વચલી જ્ઞાતિઓ (સાવ પછાત નહીં એવી, પણ સવર્ણ પણ નહીં.) એ પોતાને ઉપર ઊઠાવવા વિધવા સ્ત્રીઓનાં પુનર્લગ્ન ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. તેઓ બે પાટલીની ધોતી પહેરવા લાગ્યા હતા, વગેરે.

ત્રીજી વાત, ભારતમાં બ્રાહ્મણોની સ્થિતિ એવી છે કે તેઓ ઈચ્છે તો પણ નીચે ઊતરી શકતા નથી અને દલિતો ઈચ્છે તો પણ ઉપર ચડી શકતા નથી. માટે બાકીની જ્ઞાતિઓને વચલી જ્ઞાતિ તરીકે ઓળખવામાં આવે છે. માત્ર બ્રાહ્મણ અને દલિતોનું જ સ્થાન નિશ્ચિત અને અપરિવર્તીય છે. તેઓ પોતાનાં સ્થાનનું ઉપર કે નીચે અનુલોમ-વિલોમ કરી શકતા નથી, બાકીની જ્ઞાતિઓ કરી શકે છે.

આ વચલી જ્ઞાતિઓનાં અનુલોમ-વિલોમની વાસ્તવિકતાને નજર સામે રાખશો તો ધ્યાનમાં આવશે કે સાંસ્કૃતિકરણને અને વિકૃતિકરણને વિચાર, સભ્યતા, આધુનિકતા સાથે કોઈ સંબંધ નથી; માત્ર અને માત્ર લાભ સાથે સંબંધ છે. જેના જેવા બનવાથી લાભ મળતો હોય તો તેમના જેવું બનવાનું. ૧૯મી સદીમાં બ્રાહ્મણ જેવા બનવાથી સમાજમાં પ્રતિષ્ઠા વધવાનો લાભ મળતો હતો અને અત્યારે બે પગથિયાં નીચે ઊતરવાથી અનામતનો લાભ મળે છે. બધા પોતાને પછાત કહેવડાવવા લાગ્યા છે. હમ ભી ડીચની માફક હમ ભી પછાત. પાટીદારો કહે છે અમે પછાત, મરાઠાઓ કહે છે અમે પછાત, રાજસ્થાનમાં મિણાઓ કહે છે અમે પછાત, પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં જાટો કહે છે અમે પછાત. લગભગ સંપૂર્ણ આર્થિક અને રાજકીય વર્ચસ ધરાવનારાઓ કહે છે અમે પછાત. બ્રાહ્મણો પોતાને પછાત જાહેર કરી શકતા એ વાતની તેઓ પીડા અને અસૂયા અનુભવે છે. માટે તેઓ અનામતની જોગવાઈનો જ વિરોધ કરે છે અને કહે છે કે અનામતનો આધાર આર્થિક પછાતપણાનો હોવો જોઈએ.

હવે મણિપુર જઈએ જ્યાં મણિપુરની મૈતી કોમ ઈચ્છે છે કે તેમને અનુસૂચિત આદિવાસી કોમ તરીકેની માન્યતા આપવામાં આવે. આવું તેઓ શા માટે ઈચ્છે છે? શિક્ષણ અને નોકરી માટે નહીં, એની તો તેમને ચિંતા જ નથી કારણ કે તેમાં તો તેઓ અગ્રેસર છે, પણ જંગલમાં જમીન ખરીદવા માટે. મણિપુરમાં આર્ટીકલ ૩૭૧ હેઠળ જંગલમાં જમીન જંગલમાં રહેતા આદિવાસીઓ સિવાય કોઈ માલિકીહક ધરાવી શકે નહીં. કાશ્મીરનો આર્ટીકલ ૩૭૦ અને આ ૩૭૧. વિશેષ જોગવાઈ માત્ર કાશ્મીરને જ આપવામાં આવી છે એવું નથી.

મણિપુરમાં મૈતીઓની વસ્તી ૫૩ ટકા છે, પણ તેઓ મેદાનમાં રહે છે એટલે તેઓ મણિપુરની કુલ જમીનમાં માત્ર દસ ટકાનો જ હિસ્સો ધરાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો મણિપુરની દસ ટકા ભૂમિમાં મણિપુરની વસ્તીના અડધા કરતાં વધુ સંખ્યામાં મૈતીઓ વસે છે અને ૯૦ ટકા ભૂમિમાં અડધા કરતાં પણ ઓછી અન્ય આદિવાસી કોમ વસે છે. આ વાત મૈતીઓને ખટકે છે. તેમની નજર જંગલજમીન ઉપર છે. જો આદિવાસી હોવાનો દરજ્જો મળે તો જંગલમાં જમીન ખરીદી શકાય.

મણિપુરના બહુમતી મૈતીઓ વૈષ્ણવ હિંદુ છે. ચૈતન્ય મહાપ્રભુના ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયનાં સંપર્કમાં મૈતીઓ ચાર સદી પહેલાં આવ્યા હતા. આને કારણે તેમનું પ્રચલિત અર્થમાં સાંસ્કૃતિકરણ થયું છે. મણિપુરની ભાષા મૈતી છે જેને આજકાલ મણિપુરી તરીકે ઓળખાવવામાં આવે છે. મૈતી ભાષાની લિપિ છે. મૈતી ભાષાસુધાર આંદોલન ચાલી રહ્યું છે. મણિપુરી નૃત્ય વિષે તો તમે જાણતા જ હશો. આઝાદી પહેલાં મૈતીઓએ અન્ય ભારતની રિયાસતોની માફક પ્રજાપરિષદની સ્થાપના કરી હતી અને મૈતી રાજા સામે આંદોલન કરીને માગણી કરવામાં આવી હતી કે રિયાસતમાં લોકતંત્ર દાખલ કરવામાં આવે. શાળા, શિક્ષણ, રાજકારણ, અર્થકારણ એમ દરેક મોરચે મૈતી અગ્રેસર છે. જો કોઈ દરેક બાબતે હાંસિયામાં છે તો એ પહાડોમાં વસતા આદિવાસીઓ છે. મૈતીઓને જંગલમાં ઘૂસવું છે અને જંગલજમીન ઉપર કબજો કરવો છે. ભારતનાં બીજા કોઈ પણ વૈષ્ણવ સાથે એક પંક્તિએ બેસી શકે એવા કહેવાતા સુસંસ્કૃત મૈતી વૈષ્ણવોને આદિવાસી બનવું છે. કારણ કે મેદાની મણિપુરમાં ગોકુળ નાનું પડે છે અને સમૃદ્ધિ, વર્ચસ તેમ જ ચાલાકી ધરાવનારા વૈષ્ણવો ભરપૂર છે.

એ વાત સાચી છે કે ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયના સંપર્કમાં આવ્યા પહેલાં મૈતીઓ પણ એક આદિવાસી અથવા વાંશિક કબીલાઈ કોમ જ હતી. પણ છેલ્લાં ત્રણસો ચારસો વરસ દરમ્યાન ચૈતન્યપ્રણિત વૈષ્ણવ ભક્તિ આંદોલનનાં સંપર્કમાં આવ્યા પછી તેમને આદિવાસી કહેવા મુશ્કેલ છે. અને વળી આદિવાસીઓને આખરે “આપણાં જેવાં” બનાવવાનો તો અનામત અને બીજી વિશેષ જોગવાઈ આપવા પાછલનો હેતુ છે. હવે મૈતીઓ કહે છે કે અમારે પાછા આદિવાસી બનવું છે જે આમ તો અમે હતા જ.

ભારતમાં આવો લાભલક્ષી અનુલોમ વિલોમનો ખેલ અનેક દાયકાઓથી ચાલી રહ્યો છે. ભારતનાં શાસકો આ જાણે છે એટલે અત્યાર સુધી હળવે હલેસે કામ લેતા હતા. ખાસ કરીને ઇશાન ભારતનાં સરહદી રાજ્યોમાં તો વિશેષ સાવધાની રાખતા હતા. પણ વર્તમાન હિન્દુત્વવાદી સરકાર ઇચ્છે છે કે પ્રશિષ્ટ હિન્દુઓ ખ્રિસ્તીબહુલ આદિવાસીઓનાં જંગલમાં પ્રવેશે અને જમીન ઉપર કબજો કરે. એટલે તો મણિપુરનાં તોફાનોમાં ૬૫ જણનાં મૃત્યુ થયાં હોવા છતાં પણ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર કરવામાં મશગૂલ છે. આ ખતરનાક ખેલ છે અને અનુલોમ વિલોમનું રાજકારણ તો આગ સાથે રમત રમવા જેવું છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 14 મે 2023

Loading

ઢાંકપિછોડા અને જૂઠાણા વડે રચાતી પરિભાષાઓ … 

સોનલ પરીખ|Opinion - Opinion|16 May 2023

સાડાત્રણ સદી પહેલા, 1986ની 26મી એપ્રિલે તત્કાલીન સોવિયેત રશિયાના ચેર્નોબિલમાં અણુઇતિહાસની સૌથી મોટી દુર્ઘટના બની. શક્તિશાળી વિસ્ફોટ, માઈલો સુધી ફેલાયેલું રેડિયેશન, લાખો લોકોનું વિસ્થાપન, હજારો મૃત્યુ, જંગલોનું બળી જવું અને આ બધું છાવરવાનું રાજકીય દબાણ. તેની તપાસ માટે નીમાયેલા કમિશનના ચીફે દુર્ઘટનાનાં બે વર્ષ બાદ 51 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી ને મરતા પહેલા લોકો સામે સત્ય મૂક્યું …

અમેરિકાના પ્રમુખ જ્યોર્જ બુશ અને સોવિયેત રશિયાના વડા ગોર્બાચેવે માલ્ટા સમિટમાં શીત યુદ્ધનો અંત વિધિવત જાહેર કર્યો અને અણુશસ્ત્રોનું ઉત્પાદન ઘટાડવાનું નક્કી કર્યું એ 1989નો ડિસેમ્બર મહિનો હતો. આ પહેલાં લગભગ સાડાત્રણ વર્ષે તત્કાલીન સોવિયેત રશિયાના ચેર્નોબિલમાં દુનિયાની સૌથી ભયાનક અણુદુર્ઘટના બની હતી. સાલ હતી 1986 અને તારીખ 26મી એપ્રિલ.

એ દિવસે વહેલી સવારે વેસિલી ઈગ્નોટેંકો અને એની સગર્ભા પત્ની ચેર્નોબિલથી બેલારુસ જવાનાં હતા. રાતે દોઢ વાગ્યે પાવર પ્લાન્ટની વિરાટ ચીમનીમાંથી આગની જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા. વેસિલીને આગ બુઝાવવા ભાગવું પડ્યું. આગ સામાન્ય નહોતી, ચેર્નોબિલના એટમિક રિએક્ટરમાં થયેલા અકસ્માતનું પરિણામ હતી. વેસિલી અને તેના જેવા 32 યુવાનો એટમિક રેડિયેશનનો પહેલો અને તાત્કાલિક ભોગ બન્યા. એમને સીધા જ હૉસ્પિટલે લઈ જવાયા.

લ્યુડમિલા હૉસ્પિટલમાં દોડી. પ્રશ્નોત્તરી અને વિધિઓમાંથી માંડ પસાર થઈ, ‘એને અડવાનું નથી’ એવી ચીમકી સાથે વેસિલીના રૂમમાં જવા દેવાઈ. પારદર્શક પ્લાસ્ટિકની જાડી શિટને પેલે પાર વેસિલીનું રેડિયેશને ક્ષતવિક્ષત કરી નાખેલું, ઓળખાય પણ નહીં એવું અર્ધબેહોશ શરીર પડ્યું હતું. એટલું સૂજી ગયેલું કે લ્યુડમિલા એને માટે લાવેલી તે કપડાં અને શૂઝ એને પહેરાવી શકાય એમ નહોતાં.

14 દિવસ પછી વેસિલી મૃત્યુ પામ્યો. એના સાથીઓ પણ ન બચ્યા. એક મોટા ખાડામાં એમના કૉફિનો મૂકી માટીને બદલે ડામર-સિમેન્ટના રગડાથી ખાડો બુરી દેવાયો. થોડા મહિનાઓ પછી લ્યુડમિલાએ દીકરીને જન્મ આપ્યો. છોકરી માંડ ચાર કલાક જીવી શકી. આ હતો ચેર્નોબિલ દુર્ઘટનાનો એક જ કેસ. ક્યાં આવેલું છે આ ચેર્નોબિલ? શું બન્યું હતું ત્યાં?

યુક્રેનની રાજધાની કીવથી 130 કિલોમીટર ઉત્તરે અને બેલારુસથી 20 કિલોમીટર દક્ષિણમાં પ્રિપયેટ નામનું ગામ છે. ત્યાં ચેર્નોબિલ પાવર સ્ટેશન બન્યું હતું. એ વખતે યુક્રેન સોવિયેત રશિયાનો ભાગ હતું. આ પાવર સ્ટેશનમાં ચાર ન્યૂક્લિયર રિએક્ટર હતાં. રિએક્ટરોમાં થતી પ્રક્રિયા ખૂબ ગરમી ઉત્પન્ન કરે છે. ઠંડા પાણીનો પુરવઠો સતત મળ્યા કરે તે માટે પ્રિપયેટ નદી પર એક કૃત્રિમ તળાવ બનાવ્યું હતું. યુક્રેનના આ વિસ્તારમાં વસતી અત્યંત પાંખી હતી. પાવરપ્લાન્ટના 30 કિલોમીટર ઘેરાવામાં લગભગ દોઢ લાખ લોકો રહેતા હતા.

અકસ્માત સમયે બે રિએક્ટર ચાલુ હતાં. એક પરીક્ષણ દરમિયાન ભૂલ થવાથી એક રિએક્ટરમાં અનિયંત્રિત અણુવિભાજનપ્રક્રિયા શરૂ થઈ ને જોતજોતામાં કાબૂ બહાર ચાલી ગઈ. પુષ્કળ પ્રમાણમાં વરાળ ઉત્પન્ન થવાથી દબાણ અતિશય વધી ગયું. બે શક્તિશાળી વિસ્ફૉટ અને રિએક્ટરની હજારો ટન વજનની છત ઊડી ગઈ. રેડિયેશન ઝડપથી ફેલાવા લાગ્યું. ત્યાં કામ કરી રહેલા, આગ બુઝાવવા આવેલા અને દૂર પુલ પરથી આગ જોઈ રહેલા લોકોમાંનું કોઈ ન બચ્યું.

સવારે માઈલો સુધી આકાશ ધૂંધળું હતું. દૂર દૂર સુધી કિરણોત્સર્ગી વરસાદ થયો. બે દિવસ પછી, 50 મિનિટની નૉટિસ આપી પ્રિપયેટ શહેર ખાલી કરાયું. લોકોને લેવા બસો આવી હતી. પાળેલાં પ્રાણીઓને લઈ જવાની મનાઈ હતી. લોકોને એમ કે બેત્રણ દિવસમાં પાછા આવીશું, તેઓ કદી પાછા ફરી શક્યા નહીં. ખાલી શહેરમાં ફરતાં પ્રાણીઓને મારી નાખવા એક ટીમ આવી. બીજી ટીમે મોટા ખાડામાં મરેલાં પ્રાણીઓ નાખી ઉપર ડામર-સિમેન્ટનો રગડો રેડી દીધો. થોડાં પ્રાણીઓ બચી ગયાં હતાં, એ બહુ ઓછું જીવ્યાં.

રિએક્ટર ફાટ્યું ત્યાં સેંકડો ટન રેડિયોએક્ટિવ કાદવ થયો હતો. તેને ખસેડવા યંત્રો મુકાયાં પણ ભયાનક ગરમી અને રેડિએશનથી યંત્રો બગડવા માંડ્યાં, એટલે કોલસાની ખાણોમાં કામ કરતાં 400 જેટલાં મજૂરોને એ માટે બોલાવ્યા. આમાંના મોટા ભાગના 40 વર્ષના પણ ન થયા. બીજા સેંકડો કામદારોને ફરજિયાત સેવા’ માટે રોકી લીધા હતા. 2,000 ચોરસ માઈલ સુધી રેડિયેશનની અસર થઈ, આ વિસ્તારને એક્સ્ક્લુઝન ઝોન કહે છે. ઊભાં ઝાડ બળી જવાથી જંગલનો રંગ બદલાઈ ગયો છે, તેને રેડ ફોરેસ્ટ કહે છે.

દુર્ઘટનાની તપાસ માટે એક કમિશન રચાયું જેનો ચીફ હતો પરમાણુ વિજ્ઞાની વેલેરી લેગાસોવ. આવીને તરત તેણે લખ્યું, ‘પરિસ્થિતિ આપણે ધારીએ છીએ તેના કરતાં અનેકગણી ગંભીર છે.’ તપાસમાં ભયાનક હકીકતો ખૂલતી આવી. બેદરકારી, અહમ, ડિઝાઈનમાં મોટી ખામી – રશિયાએ પહેલા તો ઢાંકપિછોડો કરવાની કોશિશ કરી. વિજ્ઞાનીઓની ટીમને ચૂપ કરી દીધી. આ બધું છુપાવવા માટે લેગાસોવ પણ પુષ્કળ રાજકીય દબાણ આવ્યું. દુર્ઘટનાનાં બરાબર બે વર્ષ બાદ લેગોસોવે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી. મરતાં પહેલાં તેણે અનેક ટેપો રેકૉર્ડ કરીને મૂકી હતી.

બધું બહાર આવતાં સોવિયેત ન્યૂક્લિયર ઈન્ડસ્ટ્રી ચમકી પડી. ડિઝાઈનમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા, થોડા વખતમાં ત્રણ રિએક્ટરો કામ કરતાં થયાં. પણ જે બન્યું તે કદી ભુલાય એવું ન હતું. તે વખતે રશિયાના પ્રમુખ ગોર્બાચોવ હતા. 2006માં એમણે લખ્યું છે, ‘ચેર્નોબિલ પરહેપ્સ ધ ટ્રુ કૉઝ ઑફ ધ કૉલેપ્સ ઑફ ધ સોવિયેટ યુનિયન.’ 1996માં ત્યારના પ્રમુખ બોરિસ યેલ્તસીને લેગોસોવને રશિયાનો ‘કરેજ એંડ હીરોઈઝમ’ માટે અપાતો સર્વોચ્ચ ખિતાબ એનાયત કર્યો. 

અમેરિકાએ ચેર્નોબિલ ઘટનાને ‘માનવઇતિહાસની સૌથી મોટી પર્યાવરણીય દુર્ઘટના’ કહી છે. આ ઘટના પછી યુક્રેન-બેલારુસમાં કેન્સરનું પ્રમાણ ખૂબ વધી ગયું. અસરગ્રસ્ત વિસ્તારમાંથી કુલ ત્રણ લાખ માણસો વિસ્થાપિત થયા, જે પાછા ફરી શક્યા નહીં. ત્યાંના હવાપાણીમાં હજી અણુપ્રદૂષણ છે. જંગલ હજી લાલ છે. છૂટાછવાયા માણસો તો પણ ત્યાં વસે છે. મોટો વિસ્તાર પ્રતિબંધિત છે. ચેર્નોબિલ દુર્ઘટનાએ હિરોશીમા-નાગાસાકી બોમ્બવિસ્ફોટ કરતાં અનેક્ગણું રેડિયેશન ફેલાવ્યું હતું એમ એક સ્રોત કહે છે. ઉત્તર અને પૂર્વ યુરોપ સુધી એની અસર ફેલાઈ હોવાના અહેવાલ મળ્યા છે.

2000માં ચેર્નોબિલ પાવર સ્ટેશન બંધ થયું. 2017માં બે રિએક્ટરો પર અબજોના ખર્ચે સિમેન્ટ ગુંબજ બંધાયા છે. તેમાં ટનબંધ કિરણોત્સર્ગી કચરો આજે પણ છે. પ્રિપયેટ શહેર હજી ખાલી છે. ત્યાં જંગલી ઘોડા, સૂવર વગેરે ફરે છે. હવે એ ટૂરિસ્ટ સાઈટ છે. ત્યાંની હૉસ્પિટલના બેઝમેન્ટમાં દર્દીઓનાં કપડાં છે, તેના પર હજી રેડિયેશનની અસર છે. ચેર્નોબિલ દુર્ઘટનામાં કેટલા લોકોના જીવ ગયા એ હજી અટકળનો વિષય છે. મૃત્યુઆંક 4,000થી 94,000 સુધીનો હોવાની સંભાવના છે, પણ ઔપચારિક આંકડો તો 1987માં જે હતો, હજી પણ એ જ છે – 31.

આ ભયાનક અનુભવમાંથી પસાર થવાની ઈચ્છા હોય તો એચ.બી.ઓ.એ. ‘ચેર્નોબિલ’ નામની સરસ સિરિઝ બનાવી છે તે જોઈ શકો. ‘વોઈસિસ ઑફ ચેર્નોબિલ’ જેવાં પુસ્તકો વાંચી શકો, ‘ચેર્નોબિલ ડાયરીઝ’ જેવી ફિલ્મો જોઈ શકો. આઘાત સાથે એ સત્યની ફરી વાર પ્રતીતિ થાય કે આપણે ઇતિહાસમાંથી કંઈ જ શીખતા નથી. 2011માં જાપાનમાં થયેલો ફુકુશિમા ન્યૂક્લિયર એક્સિડન્ટ આની સાબિતી છે. તેના કારણમાં કુદરતી આફત જેટલી જ જવાબદાર ખામીભરી સંરચના હતી.

આ પછી વિશ્વસ્તરે અણુખતરાઓ માટેની સતર્કતા વધી છે ખરી, પણ ડૉ. લેગાસોવ કહે છે તે યાદ રાખવા જેવું છે, ‘જે દેખાતું નથી તે, જે દેખાય છે તેના કરતાં ઘણું વધારે ભયાનક હોય છે. જોખમ એ નથી કે આપણે અસત્યને સત્ય માનવાની ભૂલ કરીએ છીએ. ખરું જોખમ એ છે કે આપણે એટલાં બધાં જૂઠાણાંથી ઘેરાયેલાં છીએ કે તેની વચ્ચેથી સત્યને ઓળખી શકતા નથી. છૂપું રાખવું, સત્ય છુપાવવું અને લોકો ભૂલી જાય ત્યાં સુધી અસત્ય ચલાવ્યે રાખવું એ આપણી પરિભાષા બની ગઈ છે.’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 23 ઍપ્રિલ 2023

Loading

‘અનુવચન’: અભ્યાસ લેખોનું પુસ્તક

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|16 May 2023

પુસ્તક પરિચય

‘અનુવચન’ દલિત વિષયના જાણીતા અભ્યાસી નટુભાઈ પરમારનું દસમું પુસ્તક ત્રીસમી માર્ચે પ્રસિદ્ધ થયું.

સંગ્રહના કુલ ચૌદ લાંબા લેખોમાં પહેલાં પાંચ સમકાલીન દલિત સર્જકો દલપત ચૌહાણ, પ્રવીણ ગઢવી, સાહિલ પરમાર, કિસન સોસા અને જયંત પરમાર વિશેના છે.

ગુજરાતી દલિત સાહિત્યના વિકાસ અને વિસ્તાર માટે પ્રયત્નશીલ સંસ્થાઓ ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી અને ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનનો પરિચય આપતા લેખો છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરના પત્રકારત્વ અને તેમના ‘આફ્રિકા સંદર્ભ’ પરના લેખો પણ છે.

‘માનવસમાનતાના પુરસ્કર્તા કબીર’ પછી ‘સૌરાષ્ટ્રના સીદીઓ’ વિશે વાંચવા મળે છે. ‘દક્ષિણ આફ્રિકાના અખબારોમાં એક ડોકિયું’માં લેખકે 2014ના સપ્ટેમ્બર‌‌‌‌‌‌‌‌ના પંદર દિવસ દરમિયાન એ દેશમાં કરેલા નિવાસ દરમિયાન કરેલા અભ્યાસની ફલશ્રુતિ છે.

કૅલિગ્રાફી અને એક ચિત્ર સહિત પુસ્તકનું સુંદર મુખપૃષ્ઠ ‘કવિ-ચિત્રકાર અને એક માત્ર ઉર્દૂ દલિત કવિ’ જયંત પરમારે કર્યું છે.

પુસ્તકના લેખો ગુજરાત સરકારના ‘ગુજરાત’ માસિકના 2006થી 2022નાં વર્ષોના દીપોત્સવી અંકોમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. તેમાંથી ઘણાં લેખોની વિગતો લેખકે આ પુસ્તકમાં સમાવતા પહેલાં અપડેટ કરી હોવાનું લેખોમાં જ નોંધાયું છે.

રાજ્યના માહિતી ખાતાના સંયુક્ત નિયામક તરીકે નિવૃત્ત થનાર નટુભાઈએ પુસ્તકના આરંભે પોતાની કેફિયતમાં રસપ્રદ વાત નીડર નિખાલસતાથી નોંધી છે.

તેઓ જણાવે છે કે ‘આજીવિકાના આધારસમી સરકારી નોકરીને કારણે’ તેમનું લેખન બે પ્રકારમાં વહેંચાયેલું રહ્યું. સરકારી ધોરણે ફરજના ભાગરૂપે લખવું પડતું લખાણ અને આંબેડકરી વિચારધારામાંની શ્રદ્ધા સાથે સામાજિક નિસબતવાળું લેખન. આ બીજા પ્રકારના લેખનના દસ પુસ્તકો થયાં છે.

બીજી બાજુ, ‘સરકારોની સ્તુતિવંદના કરતાં – તેની યશગાથા ગાતાં (મારા દ્વારા કે મારા વડપણ હેઠળ લખાયેલા પુસ્તકો / પ્રકાશનોની સંખ્યા કદાચ ત્રીસથી વધુ છે).’ આગળ તેઓ લખે છે કે તેમની નોકરીના સમય દરમિયાન જુદાં જુદાં પક્ષોના બારેક મુખ્યમંત્રીઓ આવ્યા ને ગયા ‘પણ  માહિતી ખાતું અને અમારા જેવા એના  પ્રચારકો એના એ!’

નટુભાઈ એ રૂઢ માન્યતાથી સભાન છે કે ‘મહિતી ખાતું એટલે સરકારનું થાળીવાજું ને તેનું ભાટચારણ !’ તેઓ ધારણા કરે છે કે ‘કદાચ એટલે જ ગુજરાતના આજ સુધીના બધા જ મુખ્ય મંત્રીઓએ આ ખાતાનો હવાલો પોતાની છાતીએ બાંધી રાખેલો !’

વધુ સ્પષ્ટ થતાં લેખક નોંધે છે : ‘સ્વીકારવું જોઈએ કે, એક મુખ્ય મંત્રીના શાસન વખતે  માહિતી ખાતાએ પ્રજાના કરોડો રૂપિયા ખરચીને તૈયાર કરેલું પ્રચારસાહિત્ય (પોસ્ટર્સ, બૅનર્સ, ચોપાનિયાં, પુસ્તિકાઓ, પ્રકાશનો વગેરે) બીજી કોઈ રાજકીય વિચારધારાને વરેલા મુખ્ય મંત્રીના આવતા સઘળું ધૂળ થઈ જતું, પણ એથી સરકારને કે માહિતી ખાતાને યાને અમને કોઈ ફરક પડતો ન હતો.

‘જો કે આજના વિશિષ્ટ રાજકીય વાતાવરણમાં સરકારના માહિતી ખાતાનો બોજ કદાચ હળવો થયો છે, કારણ મોટા ભાગના પ્રિન્ટ અને ઇલેકટ્રૉનિક મીડિયાએ સરકારોની સોડમાં બેસીને તેના પ્રચાર-પ્રસારનું કામ પોતે જ ઉપાડી લીધું છે.’

‘અનુવચન’માં સાહિત્યકારો પરના જે લેખો છે તેમાં માહિતી, અન્યોએ કરેલી સમીક્ષાનું સંકલન અને થોડાંક મૌલિક નિરીક્ષણો મળે છે.

ડૉ. આંબેડકરના આફ્રિકા સંદર્ભ વિશેના લેખમાં ભારતમાં અસ્પૃશ્યોના અધિકાર માટે જીવન સમર્પિત કરનારા બાબાસાહેબ ‘આફ્રિકાના બ્લૅક કે નીગ્રોના પ્રશ્ને વાકેફ હતા કે કેમ એ મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે.

આ લેખની જેમ ‘દક્ષિણ આફ્રિકાના અખબારોમાં એક ડોકિયું’ લેખ પણ મૌલિક છે. નટુભાઈ રસિલાબહેનની સાથે ‘સમાજમિત્ર’ માસિકનું અઢાર વર્ષ સંપાદન કર્યું હતું.

±±±±±±±±±±±±±±

‘અનુવચન’ : લેખક અને પ્રકાશક : નટુભાઈ પરમાર, સંપર્ક 98256 32838, natubhaip56@gmail.com : પાનાં 240, : રૂ. 300/-    

[15 મે 2023]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1681,1691,1701,171...1,1801,1901,200...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved