Opinion Magazine
Number of visits: 9566988
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાવ્ય અને કલાઓનાં પ્રયોજનો 

સુમન શાહ|Opinion - Literature|16 March 2023

== ૨૦૨૩ના માર્ચની ૧૩ તારીખે ગોવિન્દગુરુ યુનિવર્સિટીમાં આપેલા વ્યાખ્યાનનું લેખ-સ્વરૂપ == 

સુમન શાહ

— એક કહેવત છે કે મૂરખ માણસ પણ પ્રયોજન વિના તો હાલતો પણ નથી. આમ તમારી સામે વ્યાખ્યાન કરવું એ મારું પ્રયોજન છે. ખરેખર તો, ૧૫-૨૦ દિવસ પર જૈમિને મને વાત કરી એ ઘડીથી આ પ્રયોજન મારામાં આકાર લઈ રહેલું. એ પ્રયોજન પાર પાડવાને હું અમદાવાદથી તમારા લગી આવ્યો છું. તમે પણ મને સાંભળવાના પ્રયોજનથી બેઠા છો. આયોજકો આ પરિસંવાદ પાછળનું પ્રયોજન પાર પાડી રહ્યા છે. એટલે એમની ચિન્તા એ પણ હોઈ શકે છે કે હું ક્યારે પૂરું કરું ને બીજા વક્તા શરૂ કરે. મજાક છે. મજાક છે એમ કહેવું પડે છે.

— મમ્મટે ૬ પ્રયોજન ગણાવ્યાં છે : કાવ્યમ્ યશસે અર્થકૃતે વ્યવહારવિદે શિવેતરક્ષતયે / સદ્ય:પરનિર્વૃતયે કાન્તાસમ્મિતતયોપદેશ યુજે.

— દરેકને સમજીએ.

સદ્ય: પરનિર્વૃતિ છે, સદ્ય: પરનિવૃત્તિ નથી. નિર્વૃતિ અને નિવૃત્તિ વચ્ચેના ફર્કને અનેક અધ્યાપકો અને સમીક્ષકો પણ ગળી જતા હોય છે. સદ્ય: એટલે, તુર્ત જ. શૈવ દર્શનમાં અર્થ છે, મુક્તિ. શાક્ત દર્શનમાં અર્થ છે, માયાથી મુક્તિ. એ મુક્તિ તો એ દર્શનોના માર્ગે જઇએ તો મળે, આ તો સાહિત્યકલા વડે મળે, અને તુર્ત જ મળે એવી મુક્તિ છે. કલામાં ‘મુક્તિ’-નો સંકેત બદલાઈ જાય છે, જેને કાવ્યાચાર્યો ઉચિત રીતે જ ‘ચેતોવિસ્તાર’ અને ‘અ-લૌકિક આનન્દ’ જેવા આગવા સંકેતોથી ઓળખાવે છે.

– એ પ્રયોજનને ‘સકલપ્રયોજન મૌલિભૂતમ્’ કહ્યું છે. બધાં પ્રયોજનોમાં શીર્ષસ્થાને છે.

— પણ આ પ્રયોજનો છે કે પરિણામો?

— પ્રયોજન તો બીબું બની જાય. સરકારી કવિઓ – ગરીબી હઠાવો. અમે બે અમારાં બે. વગેરે પ્રયોજનોથી લખાતું સાહિત્ય. સ્ટાલિનના સમયનું સરકારી સાહિત્ય. ત્યારે સાચા લેખકોએ પોતાનાં લેખન ડ્રૉઅર્સમાં સંતાડી રાખેલાં. પાછળના સમયમાં ‘ડ્રૉઅર રાઇટર્સ’ રૂપે પ્રગટ થયા. અસલી રશિયા એ સાહિત્યમાં ધબકતું’તું. એવા કવિ કવિ લાગે, લાગે કે કેટલી જરૂરી વાત કરે છે. પણ એથી કૃતક કલાઓ જન્મે છે. એને કવિમાં કે કલામાં ગણવાનું આપણે બંધ કરવું જોઈશે.

— કેમ કે કૃતક કલાઓ દુષ્પ્રયોજનોને કારણે સદ્ કલાઓને હડસેલી મૂકે છે. અત્યારે એ જ થઈ રહ્યું છે. ઉપજાવી કાઢેલાં જૂઠાણાં હવે સત્ય છે. એ પોસ્ટ ટ્રુથ છે. સત્તાના રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ હકીકત રૂપ સત્યને સ્વાર્થે મચડી નાખે. પોસ્ટ ટ્રુથ ઊભાં કરીને નર્મદનાં સત્યોને હણી નંખાયેલાં, આજે સુરેશ જોષીનાં સત્યોને પોસ્ટ ટ્રુથના હથિયારથી હણવાના પ્રયાસ ચાલુ છે. ફ્રાન્સમાં એક જમાનામાં વાઇન લોહી જેવા લાલ રંગનો હોવાથી અપવિત્ર અને ત્યાજ્ય મનાતો હતો, કમ્પનીઓએ જાહેરાતો કરવા માંડી કે વાઇન સ્વાસ્થ્યવર્ધક છે. રોલાં બાર્થ એવી જાહેરાતોને નવા જમાનાની મિથ કહે છે. 

અસદ્ કલાપ્રયોજનોથી સમાજ ભાવનાઓના વિષયમાં માંદો પડે છે. એ માંદગી ન દેખાય એવી હોય છે. 

— ઉપયોગી બને એવી કારીગરી એક જમાનામાં કલાઓ ગણાતી હતી : જેમ કે, નદીમાં ઝાડનું થડિયું તરતું જોઈને માણસને હોડીનો વિચાર આવ્યો. પણ શિલ્પી કલાકારે આરસની હોડી બનાવી. એનો ઉપયોગ નથી, નદીમાં મૂકો તો ડૂબી જશે. આગળના સમયમાં વાંસની ચીપોની સાદડીઓ હતી, એવા પંખા પણ હતા. પણ અસમના અવનિયતિ સત્રમાં આયોજકોએ મને હાથીદાંતની ચીપોની સાદડી બતાવેલી. એ પર બેસાય થોડું? ઉપયોગ કાઢી નાખો એટલે કલા પ્રગટવા માંડે.

— ફ્રૅન્ચ ચિત્રકાર અને શિલ્પી માર્સલ દુશામ્પે (૧૮૮૭-૧૯૬૮) ૧૯૨૧માં બનાવેલું એક શિલ્પ છે, જેમાં બર્ડકેજ છે, પંખીનું પાંજરું. એમાં, ૧૫૨ સાકરના જેવા સફેદ દાણા છે, પણ આરસના બનાવેલા છે. એમાં એક મૅડિકલ થર્મોમીટર પણ છે, એક કટલબોનફિશ પણ છે, અને પોર્સેલિનની એક નાની ડિશ પણ છે. ઉપયોગી વસ્તુઓના બનેલા એ શિલ્પનો કશો જ ઉપયોગ નથી.

LHOOQ (1919): Marcel Duchamp’s Uncompromising Piece

એ દુશામ્પે લિયોનાર્ડો વિન્સીના જગવિખ્યાત ચિત્ર મોના લિસાનું ઠઠ્ઠાચિત્ર બનાવ્યું છે. મોનાને એણે મૂછો સાથે ચીતરી. નામ આપ્યું – L.H.O.O.Q. જેનો ફ્રૅન્ચમાં વિસ્તૃત અર્થ છે, ‘શી હૅઝ હૉટ ઍસ’. મતલબ, જાતીયતાથી ઉશ્કેરાયેલી અને તેથી ઉપલબ્ધ વ્યક્તિની મનોવસ્થા. 

નક્કી પ્રયોજનને નહીં વરેલી આવી કલાઓ આઘાતક હોય છે. આપણને એ ટેવોથી નહીં પણ જગતને જુદી જ રીતે જોવાની તાજપભરી રસીલી દૃષ્ટિ આપે છે. 

— ઇટાલિયન પેઇન્ટર જિઓર્જિઓ મોરાંદીએ (૧૮૯૦-૧૯૬૪) દોરેલાં શીશીઓનાં ચિત્રનું દૃષ્ટાન્ત પણ સમજવા જેવું છે. સ્ટીલ લાઇફ છે. જીવનભર એણે એનાં જ સર્જન કર્યાં. નાનીમોટી, જાતભાતની રંગબેરંગી શીશીઓનાં ચિત્ર. એણે પોતાના સ્ટુડિયોમાં ફ્લાવરવાઝ, ઘડા, ફળફળાદિ માટેની ડિશો, વગેરે રોજિંદા વપરાશની વસ્તુઓ એકઠી મૂકેલી. વસ્તુઓનાં કાયમી સ્થાનો કે તેમનાં ઉપયોગો યાદ જ ન આવે. શો હેતુ? કયું પ્રયોજન?

એથી પરિચિતથી અપરિચિતની દિશા ખૂલે છે. એક હતું, વસ્તુઓનું ચવાઈ ચૂકેલું રૂપ અને બીજું હતું, કલાકાર વ્યક્તિએ સરજેલું નવ્ય રૂપ. સામાન્યપણે લોકોને જીવનભર ખબર જ નથી પડતી કે એમની આસપાસની બધી જ ચીજો નિષ્પ્રાણ હતી, કેટલીક વ્યક્તિઓ પણ …

— ફ્રૅન્ચ ફિલસૂફ સાર્ત્રે એક ચર્ચામાં (૧૯૦૫-૧૯૮૦) – બટર હૉર્સની વાત કરેલી. બટરનો ઘોડો. એમાં, બટર હતું પણ ખાવા માટે ન્હૉતું. કોઈ જડભરત એને તવા પર મૂકે તો નરી સર્જકતાથી બનાવેલો એ ઘોડો મરી જાય. વળી, એ ઘોડા પર સવારી ન થઈ શકે, ગાડીએ જોડીને ઘોડાગાડી ન બનાવાય. એમાં, એવા સંસારી ઉપયોગનું પ્રયોજન છે જ નહીં. 

— સ્પૅનિશ ચિત્રકાર સાલ્વાડોર ડાલિના (૧૯૦૪-૧૯૮૯) જગવિખ્યાત પેઇન્ટિન્ગનું શીર્ષક છે, ‘ધ પર્સિસ્ટન્સ ઑફ મૅમરિ’ – ‘સ્મૃતિનું દૃઢ સાતત્ય’. 

એ ચિત્ર સર્રીયલ આર્ટનો ઉત્તમ નમૂનો મનાય છે. ડાલિ પણ સર્રીયાલિઝમના મહાન ઉદ્ગાતા કહેવાયા છે. જાતીય વાસના અને અસમ્પ્રજ્ઞાત મનના, અન્કૉન્સિયસના, આવિષ્કારો એમની સૃષ્ટિમાં કલારૂપે પ્રગટ્યા છે. ડાલિ કહેતા કે હું મદીરા-પાન નથી કરતો, પણ હું પોતે જ મદીરા છું, મારી કલાકૃતિઓ જોઈને લોકોનાં દિમાગ ખૂલી જાય છે, કેમ કે એમાં અસમ્પ્રજ્ઞાતને જાગ્રત કરવાની તાકાત છે. 

એ ચિત્રમાં કેટલાંક પૉકેટ વૉચીસ છે – ખિસ્સામાં રાખવાનાં ઘડિયાળ. પણ એ પોચાં છે, પલળેલાં છે, ભીનાં છે, અને કલાકાર ડાલિએ એને ઝાડની ડાળ પર સૂક્વ્યાં છે. એ સંયોજન વિલક્ષણ તો છે જ પણ અ-પૂર્વ છે. સમય અને સ્થળને અમુક જ રીતે જોવા ટેવાયેલી આપણી આંખોને એથી એક નવ્ય અપરિચિત દૃશ્ય નિહાળવા મળે છે. 

કલા પરિચિતથી અ-પરિચિત સૃષ્ટિમાં લઈ જાય છે એનું આ ચિત્ર ચોખ્ખું નિદર્શન છે. કેમ કે, ઝાડ પર કપડાં સૂકવાય, ઘડિયાળ નહીં. ઘડિયાળ અને ઝાડ પરિચિત પદાર્થો છે. પણ ડાલિનાં એ ઘડિયાળ અને તેનું એ ઝાડ અને તે પરનું એ સૂકવણું અ-ભૂતપૂર્વ છે.

‘ભીનો’ સમય, સમય ‘વહી’ ગયો, પ્રયોગોમાં સમયનું પ્રવાહી રૂપ છે પણ રોજિન્દી ઘટમાળમાં આપણે એને વીસરી ગયા છીએ. ‘ટાઇમ ઇઝ મનિ’ જપ્યા કરીએ છીએ. ચિત્ર આપણી એ જડતા સામે પણ ઇશારો કરે છે.

વિદ્વાનોએ એ ચિત્રમાં સ્થળ-કાળની સાપેક્ષતા જોઈ, તો ડાલિએ કહેલું, ના ના, આ તો, કૅમેમબર્ટ – ગાયના દૂધમાંથી બનાવાયેલી ચીઝની સપાટી – તડકામાં ઑગળી જાય છે એ જાણીતી હકીકતનું મારું સર્રીયાલિસ્ટ દર્શન છે.

મારા મતે, ખરેખર તો ડાલિએ આપણી સ્મૃતિના હઠીલા સાતત્યને, દૃઢ સાતત્યને, પર્સિસ્ટન્સને, સમયના એવા જ સાતત્ય સાથે સરખાવ્યું છે. કોઈની ય તમા રાખ્યા વિના સ્મૃતિ અને સમય વહ્યા જ કરે છે. સ્મૃતિમાં સમય વહે છે કે સમયમાં સ્મૃતિ વહે છે, કહી શકાતું નથી. અને, સ્મૃતિ હમેશાં ભીની હોય છે, મોટે ભાગે આંસુભીની, અને, કદી સૂકાતી નથી, અને, એનાં કશાં ચૉક્કસ ઠેકાણાં પણ હોતાં નથી. એને આપણે ડાલિની જેમ ઝાડ પર કે ઠીક લાગે એ પર સૂકવવા મૂકીએ તો પણ એ કદી ન સૂકાય એવી હઠીલી વસ્તુ છે. 

કલાકૃતિ તો એમ પણ પૂછી શકે – તમારી પાસે આવી હઠીલી સ્મૃ્તિ છે ખરી? કે કોરામોરા જ છો?

— સાહિત્યસર્જકોએ અને સમીક્ષકોએ આટલા ફર્ક સમજવા જરૂરી છે 

: ૧ : ઉપયોગી અને બિન-ઉપયોગી કલાઓ 

: ૨ :  પરિચિતથી અપરિચિત 

: ૩ : કારીગરી અને કલા 

: ૪ : આર્ટિસ્ટ અને આર્ટિસન 

: ૫ : સર્જકતા અને જુક્તિઓ 

: ૬ : જાગ્રત, અર્ધજાગ્રત, અજાગ્રત ચિત્ત. એમાં, કલાનો અજાગ્રત ચિત્ત સાથેનો સમ્બન્ધ. 

— પણ સવાલ એ છે કે શું સાહિત્યમાં આ હદની નિષ્પ્રયોજનતા શક્ય છે? અથવા કશા જ પ્રયોજન વિના કલા સરજી શકાય? હું કહીશ કે કાવ્ય કરવું એ જ પ્રયોજન. કેમ કે કલાનું પ્રયોજન, કલાનો હેતુ, સમજવાની જરૂર છે. એમાં, હેતુ નથી પણ હેતુ-તા છે. જર્મન ચિન્તક ઇમાન્યુએલ કાન્ટે કહેલું, આ તો હેતુ વગરની હેતુ-તા છે – પર્પઝલેસ પર્પઝિવનેસ. 

ગઝલકારે મનમાં રાખવાનું કે મારે ગઝલના પ્રયોજનથી નથી લખવું પણ કલાત્મક કાવ્યના પ્રયોજનથી ગઝલ લખવી છે. ટૂંકીવાર્તાકારે મનમાં રાખવાનું કે મારે ટૂંકીવાર્તા નથી લખવી પણ કલાત્મક કથાના પ્રયોજનથી ટૂંકીવાર્તા લખવી છે.

એ બધી લલિતકલાઓમાં જોવા મળે છે એ હદની નિષ્પ્રયોજનતા સાહિત્યકલામાં શક્ય નહીં બને, કેમ કે ભાષા માત્રનો કે ગુજરાતી ભાષાનો દરેક શબ્દ પોતાનો અર્થ લઈને આવ્યો હોય છે, એટલું જ નહીં, એ અર્થ સહિયારો હોય છે, તે ભાષાના ભાષકોનો હોય છે, લોકો વડે પ્રયોજનો, ઉપયોગો, હેતુઓ વડે વપરાઇને વપરાઈને ઘસાઈ ગયો હોય છે. એ એવી સામાજિકતાથી ખરડાયેલો હોય છે. સાહિત્યકારે એને સ્વચ્છ કરવાનો હોય છે, તોડીફોડીને નવો કરવાનો હોય છે -જેથી સર્જનના પ્રયોજનને પાર પાડી શકાય.

સર્જકતાને પ્રતાપે, સાહિત્યકલામાં પણ, નવલકથા કે ટૂંકીવાર્તામાં, સ્થાપત્યના અને શિલ્પના ગુણ પ્રગટી શકે. હરેક સાહિત્યકૃતિમાં ચિત્ર અને ચલચિત્રના ગુણ પ્રગટી શકે, સંગીતના ગુણ કાવ્યમાં પ્રગટી શકે. 

પ્રયોજન નહીં એ જ પ્રયોજન. કલા સરજવી છે એ જ પ્રયોજન. 

= = =

(March 16, ’23 : A’vad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

એનું હૃદય તો માતૃભૂમિ તરફ જ હોય છે

શિવાની દેસાઈ|Diaspora - Features|16 March 2023

આજે હું ‘ઓથ’ -સોગંદ – લઈ ને આવી! આજથી હવે હું અમેરિકન નાગરિક!

થોડા દિવસમાં  ઘેરા ભૂરા રંગનો પાસપોર્ટ પણ આવી ગયો અને એની કિંમત રૂપે ચૂકવ્યો કાયમી તરફડાટ અને અજંપો, મૂળસોતાં ઉખડી જવાનો ….!

શિવાની દેસાઈ

મને ભારત છોડે અઢાર વરસ થયાં …અને ભારતનું નાગરિકત્વ છોડે પંદર વરસ ..! ચાલીસ વરસથી અમેરિકામાં રહેતા મારા સસરા, મોત વેળા એમની જન્મભૂમિ ચરોતરમાં આવેલ મહેડાવ માટે ઝુરતા ઝુરતા ગયા … અને જુવાનીમાં અમારા પપ્પાનું લાખો લોકોની જેમ ઝનૂની સપનું હતું, અમેરિકા આવવાનું પણ ચાલીસ વરસના વસવાટ પછી પણ લાખો ઇમિગ્રન્ટસની જેમ એ ના અમેરિકન બની શક્યા, ન ઇન્ડિયન રહી શક્યા … અને અત્યારે મારી સ્થિતિ પણ એ જ છે ..!

મોટાભાગના ઇમિગ્રન્ટ્સ કહેતા નથી પણ વતન ઝુરાપનું ઝીણું દર્દ સતત સાથે લઈને જીવતા હોય છે. શા માટે? કોઈએ દેશ છોડવા મજબૂર નહોતા કર્યા, વિદેશી નાગરિકત્વ સ્વીકારવું એ પોતાની પસંદગી હોય છે તો પછી આ અજંપો, બેચેની શેની રહેતી હોય છે?

બીજી બાજુ વિદેશમાં કમાઈ લીધા પછી પણ દેશ પાછું કેમ નહીં ફરી શકાતું હોય? આ બધા સવાલો વિદેશમાં જિંદગી પૂરી થઈ જાય ત્યાં સુધી નિરુત્તર જ રહે છે!

વિદેશમાં સંતાનોનાં ભાવિ માટે, સારી પ્રોફેશનલ તક માટે કે વૈભવી લાઈફ માટે આવતા લોકો કેમ આ બધું મળી જાય પછી પણ શુ શોધતા હોય છે?

અને મને જે જવાબ મળ્યો એ છે, પોતાની ઓળખ ..! ગમે તે કરો એક જગ્યાથી ઉખડેલો છોડ બીજી જમીનમાં નથી જ બરાબર ઊગી શકતો .. એને ફૂલો તો આવે છે પણ એમાંથી સુગંધ ગાયબ હોય છે!

તમે પ્રોફેશનલ ઓળખાણ તો બનાવો છો, પૈસા તો ખૂબ કમાઓ છો, તમારા સંતાનો સારામાં સારી કોલેજમાં ભણીને ખૂબ સફળતા મેળવે છે, તમારી પાસે ત્રણ ત્રણ વીલા અને ચાર ચાર વૈભવી કાર્સ હોય છે પણ ગાયબ હોય છે એ કારમાં બેસીને જેની સાથે મજા કરવાનું મન થાય એ બાળપણનાં ગોઠિયાં …

અને આ તો એક દાખલો થયો … આમ જ વતનનું ઘર, જૂનાં પાડોશી, સગાં વહાલાં, શાળા, કોલેજ, મિત્રો વગેરે ને મિસ કરતાં કરતાં જીવન પસાર તો થઈ જાય છે, પણ આ બધા માટેનો તરફડાટ કેમેય કરી ને જતો નથી … કારણ કે દરિયો ગમે તેટલો મોટો હોય એમાં ખોવાઈ જવાનો ડર રહે છે, જ્યારે, તળાવ ગમે તેટલું બંધિયાર હોય માણસ ને એક હૂંફ અને સલામતી લાગે છે કે આમાં હું તરી શકીશ … અથવા અહીં ડૂબતો હોઈશ તો કોઈ પણ મને બચાવી લેશે!

આ હૂંફ, અને સલામતી અને ઓળખ આદિ કાળથી માનવીની ઝંખના રહી છે અને એ પોતાના વતન અને પોતાના માણસો જ એ આપી શકે, એવું માણસને લાગે છે અને માટે જ વિદેશમાં વસેલા માનવીને સપનાં માતૃભાષામાં જ આવતા હોય છે અને એ પગ કર્મભૂમિ તરફ રાખી ને સૂએ છે; પણ એનું હૃદય તો માતૃભૂમિ તરફ જ હોય છે …!!

March 14, 2023
(બ્લોગ “આપણું આંગણું”માં આવેલી મારી પોસ્ટ)
સૌજન્ય : શિવાનીબહેન દેસાઈની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કાયદાથી ગુજરાતી ભાષાને ટકાવી શકાય ખરી? 

કૌશિક અમીન|Opinion - Opinion|15 March 2023

ગુજરાત ડાયરી : 

ગુજરાત સરકારે ગુજરાત કમ્પલસરી ટીચિંગ ઍન્ડ લર્નિંગ ઑફ ગુજરાતી લૅંગ્વેજ બિલ, 2023 પસાર કર્યું જે અંતર્ગત આગામી શૈક્ષણિક વર્ષથી રાજ્યની તમામ શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા એક વિષય તરીકે ભણાવાશે 

ગુજરાત સરકારે ગુજરાત કમ્પલસરી ટીચિંગ ઍન્ડ લર્નિંગ ઑફ ગુજરાતી લૅંગ્વેજ બિલ, 2023 પસાર કર્યું જે અંતર્ગત આગામી શૈક્ષણિક વર્ષથી રાજ્યની તમામ શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા એક વિષય તરીકે ભણાવાશે * રાજ્યમાં આવેલી તમામ બોર્ડ કે ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલી શાળાઓ માટે ધોરણ એકથી આઠમાં ભણતાં બાળકો માટે ગુજરાતી ભાષા ફરજિયાતપણે ભણાવવાની જોગવાઈ કરાઈ છે * નવી જોગવાઈને લઈને કેટલાક લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે  * કેટલાક આ પગલાને સરાહનીય ગણાવી રહ્યા છે. 

 * આ બિલની જોગવાઈ પ્રમાણે એક સરકારી અધિકારીની નિમણૂક કરવામાં આવશે, જે દરેક શાળામાં પ્રાથમિક કક્ષાએ ભણતા વિદ્યાર્થીઓ ગુજરાતી વિષય ભણી રહ્યા છે કે નહીં તે જોશે. * જોગવાઈઓ પ્રમાણે જો કોઈ સ્કૂલ તેનું ઉલ્લંઘન કરશે તો તેને પ્રથમ વખત 50 હજાર બીજી વખત એક લાખ અને ત્રીજી વખત બે લાખ રૂપિયાનો દંડ કરાશે. * જો એક વર્ષ કરતાં વધુ સમય સુધી કોઈ સ્કૂલ જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી હોવાનું સામે આવશે તો રાજ્ય સરકાર જે તે ઇન્સ્ટિટ્યૂટ કે બોર્ડને શાળાની માન્યતા રદ્દ કરવા સૂચન આપશે.* જે બાળકો હાલમાં ધોરણ છ કે સાતમાં આવ્યાં છે, તેઓ ક્યારે ય ગુજરાતી શીખ્યાં નથી અને હવે તેમણે ફરજિયાત ગુજરાતી ભાષા ભણવી પડશે, જે તેમના માટે એક મોટો પડકાર બની રહેશે. 

ગુજરાતમાં તમામ સ્કૂલોમાં ગુજરાતીઓની માતૃભાષા ગુજરાતી ફરજિયાત ભણાવવાનો કાયદો ગુજરાત વિધાનસભામાં પસાર થઈ ગયો. આ ખરડા પર રાજ્યપાલની સહી થાય એટલે કાયદો બની જશે ને જૂનથી શરૂ થતા ૨૦૨૩-૨૪ના નવા શૈક્ષણિક સત્રથી તેનો અમલ થશે. ગુજરાત બોર્ડ સાથે સંકળાયેલી તમામ શાળાઓ ઉપરાંત અંગ્રેજી માધ્યમની સી.બી.એસ.ઈ. સાથે તથા ઇન્ટરનેશનલ બોર્જ સાથે સંકળાયેલી શાળાઓને પણ આ કાયદા હેઠળ આવરી લેવામાં આવી છે.

રાજ્ય સરકારે પસાર કરેલા ખરડાની જોગવાઈઓ પ્રમાણે, ગુજરાતમાં ચાલતી તમામ સ્કૂલે ધોરણ ૧થી ધોરણ-૮ સુધી ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવી પડશે ને જે સ્કૂલ ચૂક કરશે તેને આકરો દંડ થશે. સ્કૂલની માન્યતા પણ રદ્દ થઈ શકે છે. ફરજિયાત ગુજરાતી ભણાવવાના નિયમનો પ્રથમ વખત ભંગ કરવા બદલ રૂપિયા ૫૦,૦૦૦નો દંડ થશે જ્યારે બીજી વખત ભંગ બાદ એક લાખ રૂપિયાનો દંડ થશે. ત્રીજી વાર નિયમ ભંગ કર્યો તો બે લાખ રૂપિયાનો દંડ થશે. જો ચોથી વખત નિયમનો ભંગ થશે તો શૈક્ષણિક સંસ્થાની માન્યતા રદ્દ થશે. દરેક બોર્ડની સ્કૂલને આ કાયદો લાગુ કરાશે અને વારંવાર દંડ છતાં સ્કૂલ ના માને તો દંડ ઉપરાંત સજાની પણ જોગવાઇ કરાઈ છે. આ કાયદાના અમલ માટે અલગ તંત્ર ઊભું કરાશે કે જે રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત પાઠ્યપુસ્તક ભણાવાય છે કે નહીં તેના પર નજર રાખશે. ગ્રાન્ટેડ સ્કૂલો ગુજરાતી ના ભણાવે તો તેમની ગ્રાન્ટ બંધ કરી દેવાશે.

ગુજરાતમાં ગુજરાતી મુખ્ય ભાષા છે અને ગુજરાતમાં રહેનારાં મોટા ભાગનાં લોકોની માતૃભાષા પણ ગુજરાતી છે. આમ છતાં ગુજરાતમાં ગુજરાતી ભાષાની કોઈ કિંમત જ નથી. સરકારી શાળાઓમાં તો ફરજિયાત ગુજરાતી ભણાવવી જ પડે કેમ કે મોટા ભાગની સરકારી સ્કૂલોમાં ગુજરાતી માધ્યમમાં જ શિક્ષણ અપાય છે પણ બીજી સ્કૂલોમાં ગુજરાતી ભણાવાતું નથી. ગુજરાતની સત્તાવાર ભાષા હોવા છતાં મોટા ભાગની ખાનગી શાળાઓમાં ગુજરાતી ભાષાને એક વિષય તરીકે શીખવાતી નથી.

આ સ્થિતિ શરમજનક કહેવાય ને ગુજરાત સરકાર આ શરમજનક સ્થિતિને દૂર કરવા માટે કાયદો બનાવે એ સારું જ છે. ગુજરાતીઓને માતૃભાષાનું શિક્ષણ આપવાના કોઈ પણ પ્રયાસ સરાહનીય જ કહેવાય પણ સવાલ પ્રયાસનો નથી, આ પ્રયાસની ગંભીરતાનો છે. સવાલ એ છે કે, કાયદો લાવ્યા પછી પણ ગુજરાત સરકાર ગુજરાતની શાળાઓને ગુજરાતી ભાષા ફરજિયાતપણે શીખવવાની ફરજ પાડી શકશે ખરી?

આ સવાલનો જવાબ કાયદો અમલમાં આવે પછી મળે પણ અત્યાર સુધીનો અનુભવ જોતાં શંકા છે. ગુજરાત સરકારે કાયદો તો અત્યારે બનાવ્યો પણ ગુજરાતની તમામ સ્કૂલોમાં ગુજરાતીઓની માતૃભાષા ગુજરાતી ફરજિયાત ભણાવાય એ માટેના પ્રયાસ તો વરસોથી ચાલે છે. છેક ૨૦૧૮માં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડીને આદેશ આપેલો કે, રાજ્યની ગુજરાતી માધ્યમ સિવાયની તમામ શાળાઓમાં વર્ષ ૨૦૧૮માં ધોરણ ૧ અને ૨, વર્ષ ૨૦૧૯માં ધોરણ-૩, વર્ષ ૨૦૨૦માં ધોરણ-૪ અને એ રીતે ક્રમશ: ધોરણ ૮ સુધી ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત કરવું પડશે.

તેથી રાજ્યની તમામ સ્કૂલોમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ પહેલા ધોરણથી ફરજિયાત કરવાનું ફરમાન કરી દીધેલું. રાજ્ય સરકારે ૧૩ એપ્રિલ, ૨૦૧૮ના રોજ ઠરાવ કરીને આ પરિપત્ર બહાર પાડેલો. ગુજરાત બોર્ડની ગુજરાતી માધ્યમની શાળાઓમાં તો પહેલા ધોરણથી ગુજરાત ભણાવાય જ છે તેથી ત્યાં સવાલ નહોતો પણ સી.બી.એસ.ઈ., આઈ.સી.એસ.ઈ. અને ગુજરાત બોર્ડની અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પણ પહેલા ધોરણથી ફરજિયાત અંગ્રેજી ભણાવવું એવું આ પરિપત્રમાં ચોખ્ખા શબ્દોમાં કહેવાયેલું. આ પરિપત્રનો અમલ નવા સત્રથી એટલે કે જૂન, ૨૦૧૮થી કરી દેવો એવો આદેશ પણ અપાયેલો. આ પરિપત્રના આદેશ માટે વારંવાર રીમાઈન્ડ પણ અપાયા પણ તેમાં અમલ જ ના થયો.

આ પરિપત્રને સાડા ચાર વર્ષ થઈ ગયાં ને હવે આ કાયદો લાવવો પડ્યો છે. આ કાયદો લાવીને સરકારે પોતાની નિષ્ફળતા કબૂલી છે. હજુ ગુજરાતની તમામ પ્રાથિમક શાળાઓમાં પહેલા ધોરણથી ગુજરાતી ભાષા ભણાવાતી નથી એ વાત આ કાયદો લાવીને સરકારે પોતે સ્વીકારી છે. આશા રાખીએ કે, કાયદા દ્વારા સરકાર માતૃભાષાનું ગૌરવ સ્થાપિત કરવાના ઉદ્દેશને પાર પડવામાં સફળ થાય. કાયદાથી આ કામ થવા અંગે શંકા જ છે,  જો કે કોઈ પણ ભાષા કાયદાથી ના ટકે. તેને પ્રજા ટકાવી શકે ને કમનસીબી એ છે કે, ગુજરાતી ભાષાને જીવંત રાખવા અને લોકોમાં માતૃભાષાનું ગૌરવ પેદા કરવામાં ગુજરાતીઓને પણ રસ નથી. મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા બોલવામાં લોકો ગર્વ અનુભવે છે. સરકારમાં બેઠેલા લોકો પણ મરાઠી જ બોલે છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા જેવાં મોટાં રાજ્યોમાં એ જ સ્થિતિ છે. દક્ષિણનાં રાજ્યોમાં તો તેમની ભાષાની અવગણના થાય તો લોકો રસ્તા પર આવી જાય છે ને આંદોલન પર ઉતરી આવે છે. આ રાજ્યોમાં સરકારમાં બેઠેલા લોકોથી માંડીને સામાન્ય લોકો સુધીના બધા પોતાની માતૃભાષા વિશે સભાન છે, ગૌરવ અનુભવે છે. ગુજરાતીઓમાં એ ગૌરવ નથી.

ગુજરાતીઓની માનસિકતા વિચિત્ર છે. આઘાતજનક વાસ્તવિકતા એ છે કે, ગુજરાતીઓ જ ગુજરાતી બોલવામાં શરમ અનુભવે છે. બહારની વ્યક્તિ સાથે ના આવડે તો પણ અંગ્રેજી કે હિંદીમાં બોલવામાં ગુજરાતીઓ બહાદુરી સમજે છે. માનસિકતા બદલાય તો જ ગુજરાતીનું ગૌરવ વધે, બાકી શાળામાં ભણાવવાથી કશું ના થાય. ગુજરાતીઓ જ ગુજરાતી ભાષાને ટકાવવા પ્રયત્નો કરે તો કાયદાની પણ જરૂર ના પડે. ગુજરાતીને મહત્ત્વ આપવાનો અર્થ બીજી ભાષાઓને અવગણવાનો નથી.

બીજી ભાષા શીખો, બોલો, વાંચો પણ માતૃભાષાને ના અવગણો એ વાત ગુજરાતીઓ સમજતા થાય તો કશું ના કરવું પડે.        

[એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ]
સૌજન્ય : નોર્થ અમેરિકામાં વસતા વિચારશીલ અને કર્મશીલ માનવીઓનું પાક્ષિક “માનવ”; 01 માર્ચ 2023; પૃ. 30-32

Loading

...102030...1,1661,1671,1681,169...1,1801,1901,200...

Search by

Opinion

  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 
  • સરકારનો અંધશ્રદ્ધા વિરોધી કાયદો ક્યારે જાગશે?
  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?
  • નામ બદલને સે ક્યા હોગા જબ તક નિયત નહિ બદલતી! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved