Opinion Magazine
Number of visits: 9458292
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અલગારી

બીજલ જગડ|Poetry|18 December 2022

ચીર મૌનની ચાદર ઓઢી; શમાની ચોખટ પર બેઠો છું,

ભરે પગલાં પંથ અલખનો; એક અલગારી થઈ બેઠો છું.

તમારે મોલ; હું દુષ્કાળ ચૂસું પગ પીપળાનાં પાન પર,

હોઠમાં ગીતનું ખાબોચિયું; વક્ષમાં વરસાદ થઈ બેઠો છું.

આ ચરણોને અવકાશ થઈ પંખીઓ બની જવા દઈએ,

નિરભ્ર સ્વચ્છ ગગનમાં; હિમ-શીલાની રાવટી થઈ બેઠો છું.

ખૂંચી રહ્યાં છે ચરણ ધૂંધવાઈ રહ્યાં છે બદન ચોતરફ,

બસ આમ ધૂળને સમજી નદી; શ્વાસ ઉછીના લઈ બેઠો છું.

અલ્લાહ પણ નથી, નથી ઈશ્વર જડતો અહીં શહેરમાં,

સમાધિ પર દેખાવનાં ફૂલ; ઈન્સાનિયતનું અત્તર થઈ બેઠો છું.

ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com

Loading

ભારતીય એરપોર્ટ પર ચક્કાજામઃ લાંબા ગાળાનું વિચાર્યા વિનાની યોજનાઓની ઉડાન

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|18 December 2022

માળખાકીય વિકાસ માત્ર ખોખાં ઊભાં કરવાથી નથી થતો. રસ્તો હોય, એરપોર્ટ હોય કે એક્સપ્રેસ વે હોય – કરોડોના ખર્ચે થતો દરેક પ્રોજેક્ટ એકબીજા સાથે સંતુલનમાં હોય એ જરૂરી છે

ગયા અઠવાડિયાની વાત છે જ્યારે વડા પ્રધાને ગોઆમાં મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટના પહેલા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું, ત્યારે ભાર મૂકીને એમ વાત કરી કે ભારત વિશ્વમાં ત્રીજું સૌથી મોટું એવિએશન માર્કેટ છે. છેલ્લાં આઠ વર્ષમાં ભારતમાં મુસાફરીની સરળતા, એ પણ ખાસ કરીને હવાઇ માર્ગની મુસાફરીમાં નોંધપાત્ર માળખું ઊભું કરાયું છે. ૨૦૧૬માં મોપા એરપોર્ટનો શિલાન્યાસ કરાયો હતો. ભારતમાં કુલ ૪૮૭ એરપોર્ટ અથવા એર સ્ટ્રીપ્સ છે જેમાંથી એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા ભારતના કુલ ૧૩૭ એરપોર્ટ્સ સંભાળે છે જેમાં ૧૩૩ ડૉમેસ્ટિક એરપોર્ટ છે, ૨૪ ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ છે અને ૧૦ કસ્ટમ એરપોર્ટ્સ છે.

વિકાસના ઢગલો સંકેતોમાંથી એક છે એરપોર્ટ્સ. છતાં ય છેલ્લા સાત દિવસમાં દિલ્હીના ટર્મિનલ 2 પર જમા થયેલી ભીડ, કલાકો સુધી ચાલેલા ગૂંચવાડા સમાચારમાં ઝળક્યા. મુંબઈના એરપોર્ટ પર પણ આવા સંજોગો ખડા થયા. ભારતમાં એવિએશન ક્ષેત્રની વિકાસ ગાથા કંઇ આજકાલની નથી, આજે જ્યારે માળખાકીય સુવિધા સાથે ભવ્યતા પણ આંખે ઊડીને વળગે એવી હોય ત્યારે એરપોર્ટ પર કલાકો હેરાન થનારા લોકોનું દૃશ્ય પણ આંખે ઊડીને વળગે તે સ્વાભાવિક છે. સોશ્યલ મીડિયા પર ગાજેલો કિસ્સો ખરેખર જે હાલાકી લોકોએ ભોગવી એની એક ઝલક માત્ર છે. લાંબી ક્યારે ય પૂરી ન થતી હોય તેવી સર્પાકાર લાઇન, લાંબા કલાકો સુધી જોવાતી રાહ, ટ્રોલીનાં ઠેકાણાં નહીં, ઠેર ઠેર આડેધડ પડેલો સામાન, ફ્લાઇટ્સમાં વિલંબ જેવી કેટલી ય બાબતોએ દિલ્હી એરપોર્ટ પર સરિયામ અંધાધૂંધી ફેલાવી. મુંબઈમાં પણ આવા હાલ હવાલ થયા છે, જો કે માત્ર ભારતમાં આવું નથી. પેરિસ અને લંડનના હિથ્રો એરપોર્ટ પર પણ આવો અરાજકતા ભર્યો માહોલ સર્જાઇ ચૂક્યો છે તો કર્મચારીઓની હડતાળે એમસ્ટરડેમ, રોમ અને ફ્રેંકફર્ટના એરપોર્ટનું તંત્ર ખોરવ્યું હોવાના બનાવો પણ બન્યા છે.

ભારતની વાત તો કરીએ જ પણ પહેલાં એરપોર્ટ પર – એવિએશન ક્ષેત્ર પર આંતરરાષ્ટ્રીય સ્તરે જે રીતે દબાણ ખડું થયું છે તેને ગણતરીમાં લેવું રહ્યું. રોગચાળા દરમિયાન ઘણા એરપોર્ટ્સના વિસ્તરણના પ્લાન ખોરંભે ચડી ગયા. ભારતમાં દિલ્હી, મુંબઇ અને નવી મુંબઇના એરપોર્ટની કામગીરીના પ્લાનને બ્રેક લાગી તો કર્મચારીઓની પાંખી સંખ્યા પણ એરપોર્ટ મિસ-મેનેજમેન્ટનું એક મોટું કારણ છે. દિલ્હીમાં જે થયું તેની પાછળ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સના સ્ટાફની સંખ્યા સાવ ઓછી હોવાથી બધી કામગીરીમાં ધાર્યા કરતાં વધારે વિલંબ થયો. આવામાં એક માહિતી અનુસાર ધી બ્યુરો ઑફ સિવિલ એવિએશન સિક્યોરિટી જે એવિએશન સિક્યોરિટીનું મેનેજમેન્ટ કરે છે તેણે 3,000થી વધારે એવિએશન સિક્યોરિટી પોસ્ટની સંખ્યા ઘટાડીને અંદાજે 1924ની આસપાસ કરી દીધી છે, અને સાથે સ્માર્ટ સર્વેલિયન્સ ટૅક્નોલૉજી લાગુ કરવાની તૈયારી કરી છે પણ અધધધ મુસાફરોનું ચેકિંગ વગેરે વિશાળ વિસ્તાર ધરાવતા દિલ્હી એરપોર્ટ પર સરળતાથી થાય એ માટે સાવ 1,900 જેટલા કર્મચારીઓ હશે તો ચાલશે?

લોકો હવે ટ્રેનને બદલે ફ્લાઇટ્સ વધારે પસંદ કરે છે એવું તો વડા પ્રધાને પણ તાજેતરમાં ગોઆમાં મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટના પહેલા તબક્કાના ઉદ્ઘાટનમાં કહ્યું. કોરોનાવાઇરસનો ભરડા પહેલાના દાયકામાં એર પેસેન્જરના આંકડામાં દર વર્ષે ૧૨ ટકા વધારો થયો અને છેલ્લાં પાંચ વર્ષમાં આ વધારો ૧૬ ટકાએ પહોંચ્યો. સરકારે એવિએશન ક્ષેત્રના વિસ્તરણને ધ્યાનમાં રાખીને નાનાં શહેરમાં એરપોર્ટ શરૂ કરવા માટે ઉડાન યોજના વગેરે જાહેર કરી. વિવિધ એરલાઇન્સની વચ્ચે થતી સ્પર્ધાને કારણે ગ્રાહકોને વાજબી ભાવ પણ મળે છે. એર ટ્રાવેલ પરથી VAT ઘટાડવાનાં પગલાંને લીધે પણ હવાઇ મુસાફરીના ભાવમાં ફેર પડ્યો છે. એરલાઇન્સ નવા એરક્રાફ્ટ વસાવી રહી છે તો એરપોર્ટ્સનું ખાનગીકરણ બહેતર માળખાકીય સુવિધા બનાવવામાં મોટો ટેકો બન્યું છે. એરપોર્ટના પ્રોજેક્ટ બે પ્રકારના હોય છે ગ્રીન ફિલ્ડ અને બ્રાઉન ફિલ્ડ – ગ્રીન ફિલ્ડ એટલે જ્યાં વણવપરાયેલી જમીન પર એકદમ પાયાની કામગીરીથી એરપોર્ટ બનાવાય અને બ્રાઉનફિલ્ડ એટલે પ્રોજેક્ટ એટલે જ્યાં જૂના બાંધકામને તોડીને અથવા તેનું રિ-મોડલિંગ કરી ફરી કામ કરાયું હોય. જે બ્રાઉનફિલ્ડ ખાનગી એરપોર્ટ્સ છે તેમણે સતત પોતાની ક્ષમતા વધારવા માટે કામ કરવું પડે તેમ છે. આ મેટ્રોના એરપોર્ટ માટે વધુ અગત્યનું છે કારણ કે નેટવર્ક પ્લાનિંગ વિના ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક બન્ને પ્રકારની કનેક્ટિવિટી થાળે ન પડે તે સ્વાભાવિક છે. વળી બ્રાઉન ફિલ્ડ એરપોર્ટ્સ જ્યાં એકથી વધુ ટર્મિનલ બન્યા છે ત્યાં લોકોને એક સ્થળેથી બીજે સ્થળે લઇ જનારી સર્વિસના કોઇ ઠેકાણાં નથી. આ પ્રશ્ન લાગે છે એના કરતાં વધુ જટિલ છે કારણ કે તેની સીધી અસર નેટવર્ક પ્લાનિંગ પર પડે – કઇ એરલાઇનના લોકોને ક્યાંથી ક્યાં કેવી રીતે લઇ જવાનાનો પ્રશ્ન હબ ડેવલપમેન્ટમાં પણ અવરોધરૂપ હોય છે. ખાનગી એરપોર્ટ પર આવા ‘પીપલ મુવર્સ’ને કામે નથી ચડાવાતા કરાણ કે તેનો ખર્ચો બહુ આવે છે. વળી કોમર્શિયલ રેવન્યુઝને પર બહુ ભાર મુકાય છે જે ટર્મિનલ પર સારી એવી જગ્યા રોકી લે છે અને પછી ઑપરેશનલ કામગીરી માટે જગ્યા ઓછી પડે છે. ખાનગી ઑપરેટર્સે આ બધાંની સાથે સવલતો પર ભાર મુકવો બહુ જરૂરી છે અને ટૅક્નોલૉજીનો ઉપયોગ બને એટલો વધારે, સરળ રીતે થવા માંડે તો બધી જ પ્રક્રિયાઓ ઝડપી બની જાય. સિક્યોરિટી ચેક ફાસ્ટ થાય એ માટે આપણે વધુ આધુનિક સંસાધનોની જરૂર છે.

દિલ્હી એરપોર્ટ પર જે હાલત થઇ તેને કારણે ગુરુવારે એક અગત્યની બેઠક બોલાવવામાં આવી અને અધિકારીઓએ નાણ્યું કે કઇ રીતે સિક્યોરિટી ચેકને કારણે એરપોર્ટ પર આટલી બધી ભીડ જમા થાય છે. સિક્યોરિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વધુ જગ્યા ખડી કરવી પડશે અને બને કે એરપોર્ટ પરની લાઉન્જ તોડી દેવાશે. આ જ પુરાવો છે કે લાંબા ગાળાનું વિચારવામાં આપણે ટેક ઑફ કરવામાં ભૂલ કરી દીધી.

ભારતીય એવિએશનની વાતમાં સૌથી અગત્યનો ભાગ છે એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સમયસર બાંધકામ. આ માળખાકીય સુવિધામાં એટલા સ્તરો છે કે ઘણાબધા મોરચે એક સાથે કામ શરૂ કરવું પડે તેમ છે.

બાય ધી વેઃ

વિકાસમાં બધાને રસ હોય પણ તે આડેધડ થાય ત્યારે તેની શું અસર પડે એ આ એરપોર્ટ ભેગી થયેલી ભીડ કહી આપે છે. વાહનો વધે પણ ટાઉન પ્લાનિંગ ન થયું હોય એવો ઘાટ એરપોર્ટ્સના મામલે થયો છે. ભારતને નવા એરપોર્ટની જરૂર છે, તેની ના નહીં પણ જે છે એમાં વ્યવસ્થાને નામે અરાજકતા ફેલાય તો વિકાસ જરા અસંતુલિત થઇ ગયો એ સ્વીકારવામાં જરા ય નામ રાખવી નહીં. માળખાકીય વિકાસ માત્ર ખોખાં ઊભાં કરવાથી નથી થતો. રસ્તો હોય, એરપોર્ટ હોય કે એક્સપ્રેસ વે હોય – કરોડોના ખર્ચે થતો દરેક પ્રોજેક્ટ એકબીજા સાથે સંતુલનમાં હોય એ વિચાર કરાશે ત્યારે પાંચ-સાત લેન હોવા છતાં ય એરપોર્ટ એન્ટરન્સ પર થતી ભીડ, શહેરમાં એરપોર્ટ આવતા રસ્તા પર ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ મળી શકશે બાકી તો પછી છેલ્લી ઘડીએ જે સૂજે એ રસ્તા કાઢીને ચલાવવું પડશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 ડિસેમ્બર 2022

Loading

માણસ છો તો માણસ તરીકે જીવો

રમેશ ઓઝા|Opinion - Opinion|18 December 2022

એક ભૂખડી બારસ પરિવારમાં મામા પરોણા થઈને આવવાના હતા અને મામા વળી ખાધેપીધે સુખી હતા. ઘરમાં ઢોલિયો એક જ હતો એટલે માએ દીકરાઓને શીખવાડ્યું કે મામા આવે ત્યારે તમારે ઢોલિયે સૂવા માટે લડવાનું. બાથાબાથી કરવામાં પણ સંકોચ નહીં કરતા. મામાનું હ્રદય દૃવી ઊઠશે અને બે ઢોલિયા ખરીદી આપશે. મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે સીમાવિવાદ શરૂ થયો એ મામાને એટલે કે મતદાતાઓને મામા બનાવવાનું રાજકરણ હતું. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે અને મહારાષ્ટ્રમાં નગરપાલિકાઓની ચૂંટણીઓ નજીક નથી, માથે છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર તોડી એને કારણે ઠીકઠીક પ્રમાણમાં મરાઠીઓની સહાનુભૂતિ ઉદ્ધવ ધરાવે છે અને માટે ચૂંટણી પંચની મદદથી ચૂંટણીઓ પાછળ ઠેલવવામાં આવે છે. કર્ણાટકમાં પણ સીધાં ચઢાણ જેવી સ્થિતિ છે. માની સલાહ મુજબ ભારતીય જનતા પક્ષના બે ભાઈઓએ (એટલે કે બે સરકારોએ અને બે પ્રાદેશિક એકમોએ) ઢોલિયા માટે આપસમાં લડવાનું શરૂ કર્યું. બેલગામ તો હું જ રાખીશ એમ કહીને બાથાબાથી પર ઉતરી પડવામાં પણ સંકોચ નહીં કરતા એમ કહેવામાં આવ્યું હતું એટલે એ પણ કરવામાં આવ્યું. એની વચ્ચે બન્યું એવું કે વિરોધ પક્ષોએ પણ બેલગામ તો હું નહીં જ છોડું એમ કહીને ઝંપલાવ્યું એટલે કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે બન્ને રાજ્યોના મુખ્ય પ્રધાનોને કહ્યું કે હવે લડવાનું બંધ કરો. ઢોલિયો ત્રીજા હાથમાં ન જવો જોઈએ.

બેલગામ કર્ણાટકમાં રહે કે મહારાષ્ટ્રમાં એનાથી શો ફરક પડે છે? ફ્રિજોત કાપરા નામના અમેરિકન વિજ્ઞાનીએ તેમનાં ‘અનકોમન વિઝડમ’ નામનાં પુસ્તકમાં લખ્યું છે કે સરહદોએ સંસ્કૃતિઓનું મિલન થતું હોય છે એટલે સરહદ અને સરહદે વસ્તી પ્રજાને તો ભાગ્યશાળી સમજવી જોઈએ, પણ દુર્ભાગ્યે સંસ્કૃતિ-સંરક્ષકોએ સંસ્કૃતિઓનાં સંગમસ્થળને અને ત્યાં વસ્તી પ્રજાને કમભાગી બનાવી દીધી છે. રાષ્ટ્રવાદીઓ, ધર્મવાદીઓ, ભાષાવાદીઓ, પ્રાંતવાદીઓ, વંશવાદીઓ વગેરે પ્રકારના વાદીઓ ચીવીસે કલાક પ્રજાને ઉશ્કેરે છે, ધૂણાવે છે અને આપસમાં લડાવે છે. વળી તેઓ પોતે સંસ્કૃતિને નામે અસંસ્કારી હોય છે. નથી તેમને રાષ્ટ્રની સમજ, નથી ધર્મની સમજ, નથી ભાષા કે પ્રાંતની સમજ કે નથી તેને તેઓ પ્રેમ કરતા. આ બધાનું સંસ્કૃતિ-સંવર્ધન પણ તેમણે નથી કર્યું. ગુજરાતી સંસ્કૃતિનું સવર્ધન ઉમાશંકર અને દર્શક કરે અને ગામના ઉતાર જેવા લોકો ગુજરાતી અસ્મિતાના રક્ષક બનીને આતંક મચાવે.

માટે મરાઠી ભાષાના મૂર્ધન્ય સાહિત્યકાર પુ.લ. દેશપાંડેએ એક વખત કહ્યું હતું કે જ્યારથી સંયુક્ત મહારાષ્ટ્ર માટેનું આંદોલન શરૂ થયું છે ત્યારથી સંયુક્ત નામની કલ્પના મહારાષ્ટ્ર નામની સાંસ્કૃતિક હકીકતને પરાજીત કરી રહી છે. આ વાત તેમણે ત્યારે નહોતી કહી જ્યારે સંયુક્ત મહારાષ્ટ્ર માટે આંદોલન ચાલતું હતું, આ વાત તેમણે તેના ચાર દાયકા પછી કહી હતી જ્યારે કેટલાક લોકો મરાઠીભાષિક મહારાષ્ટ્રની રચના થયા પછી પણ સંયુક્તનો ચિપયો પછાડવાનું બંધ નહોતા કરતા. હજુ આટલું મેળવવાનું બાકી છે. સંયુક્ત પરિવારની પણ આ જ મોકાણ છે. અનેક લોકોને આનો સ્વઅનુભવ હશે. સંયુક્તના આગ્રહીઓ પરિવાર પર એટલું દમન કરે છે કે છેવટે પરિવારને તોડે છે. જ્યાં પારિવારિકતા હોય ત્યાં પરિવાર એની મેળે કોળે છે અને આપોઆપ સંયુક્ત બને છે, પણ સંયુક્ત પરિવારના ઠેકેદારો પોતાની સમજ પરિવાર ઉપર લાદે છે અને ગુંગળામણથી થાકી ગયેલા સભ્યો પરિવારથી અળગા થાય છે. માટે પુ.લ. દેશપાંડેએ કહ્યું હતું કે સંયુક્તના આગ્રહે મહારાષ્ટ્રને પરાજીત કર્યું છે અને કરી રહ્યું છે.

આ તો ડાહ્યા લોકોની વાત થઈ જે દૂરનું ભાળી શકે છે અને જેઓ પાછળ પણ દૂર સુધી જોઈ શકે છે. સંસ્કૃતિઓ કઈ રીતે રચાય છે, કોળાય છે, એકબીજાનું મિશ્રણ કઈ રીતે સંસ્કૃતિઓને સમૃદ્ધ કરે છે, કેવી રીતે પરિવર્તનો આકાર પામે છે, શું જીવે છે અને શું મૃત પામે છે, શું અપનાવવું જોઈએ શું છોડવું જોઈએ, શું પોષક છે અને શું મારક છે વગેરેનો નીરક્ષીર અભ્યાસ કરી શકે છે. પણ એવા લોકો આપણને પરવડતા નથી. આપણી અંદરની તામસિકતા એટલી તીવ્ર હોય છે કે આગ્રહો જલદી છૂટતા નથી. રાજકારણીઓ આનો લાભ લે છે. જેટલું રાજકારણ ટૂંકું અને સાંકડું એટલું એ સહેલું. એમાં કરવાનું શું હોય? બસ, આપણા વિશેની એક કલ્પના વહેતી કરો પછી તે સાચી હોય કે ખોટી. મહદઅંશે ખોટી ઉપજાવી કાઢેલી હોય. એ પછી તેનાં દુશ્મનો શોધી કાઢો અને દુશ્મનીનો ઇતિહાસ લખો. ઇતિહાસ થોડો સાચો અને મહદઅંશે ખોટો. એ પછી તેમને ડરાવો અને ડરવા માટેનાં કારણો આપો. અગેન થોડાં સાચાં અને મહદઅંશે ખોટાં ઉપજાવી કાઢેલાં. એની સાથે રડાવો. રડવા માટેનાં કારણો આપો. થોડાં સાચાં અને મહદઅંશે ખોટાં. એ પછી પોતાને રક્ષણહાર તરીકે પ્રોજેક્ટ કરો. સાવ સહેલી ફોર્મ્યુલા છે જે ભારત સહિત આખા જગતમાં આજકાલ ચલણમાં છે.

માટે પુ.લ. દેશપાંડેએ કહ્યું હતું કે જ્યારથી મહારાષ્ટ્ર માટે સંયુક્તનો આગ્રહ ઉમેરાયો છે ત્યારથી મહારાષ્ટ્ર(એટલે કે સાંસ્કૃતિક મહારાષ્ટ્ર)નો ક્ષય થઈ રહ્યો છે. પણ આ વાત સમજવા માટે બુદ્ધિ જોઈએ અને ઠેકેદારોને બુદ્ધિ અને બુદ્ધિશાળી પ્રજા પરવડતી નથી. જગતભરમાં તમામ સંકુચિત રાજકારણ કરનારા શાસકો બુદ્ધિશાળી વિરોધી (એન્ટી ઈન્ટેલેકચ્યુઅલ) હોય છે એનું આ કારણ છે. તેમને ધૂણનારા લોકો જોઈએ છે જેને ડર બતાવીને ધૂણાવી શકાય. બેલગામ મહારાષ્ટ્ર અને કર્ણાટકની સરહદનો પ્રદેશ છે એટલે એ સંસ્કૃતિ-સંગમનો પ્રદેશ છે. એમાં મરાઠીઓને મરાઠીપણું જડી રહેશે અને કાનડીઓને કાનડીપણું. બન્ને છે તો બન્નેને રહેવા દો ને! તમને ખબર છે? ભારત જગતનો એક માત્ર દેશ છે જ્યાં સરેરાશ ભારતીય ત્રણથી પાંચ ભાષાઓમાં સહેલાઇથી બોલી શકે છે. કેવી મોટી, બીજા માટે દુર્લભ એવી અમીરાત છે! એને દુરાગ્રહો દ્વારા દરિદ્રતામાં શું કામ ફેરવવા માગો છો? અને આવી તો બીજી કેટલી વિવિધતા છે! વિવિધતાઓ માટે ગર્વ લેવો જોઈએ એની જગ્યાએ ધૂણનારા અને ધૂણાવનારાઓ આતંક મચાવી રહ્યા છે.

ભારતનું વિભાજન થયું ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ ખેંચવાનું કામ સર સિરીલ રેડક્લિફ નામના જાણીતા બ્રિટિશ સોલિસીટરને સોંપવામાં આવ્યું હતું. તેમણે ક્યારે ય આ પહેલાં ભારતમાં પગ નહોતો મુક્યો અને એક ભાવનાશૂન્ય વકીલ તરીકે ૪૦,૦૦૦ રૂપિયાની ફી લઈને આ કામ તેમણે સ્વીકાર્યું હતું. તેમની પાસે જૂના નકશા હતા, વસ્તીગણતરીનાં આંકડા હતા, ધર્મને નામે પ્રજાને લડાવનારા કોમવાદીઓના દાવા અને પ્રતિદાવાઓના ઘોંઘાટ હતા અને માત્ર પાંચ અઠવાડિયાનો સમય હતો. તેમણે જ્યારે શુષ્ક અને અધૂરા આંકડાના આધારે અને ધર્મના ઠેકેદાર કોમવાદીઓના ઘોંઘાટથી પ્રેરાઈને કાગળના નકશા ઉપર લાઈન ખેંચી ત્યારે તેમને ખબર નહોતી કે તેઓ પ્રજાનાં હ્રદયને ચીરી રહ્યા છે અને નિર્દોષ પ્રજાના લોહીનો ફુવારો ઉડવાનો છે. લોહીની નદીઓ વહેવાની છે. ડબ્લ્યુ.એચ. ઓડેન નામના જાણીતા કવિએ રેડક્લિફની વકીલાત ઉપર ‘પાર્ટીશન’ નામની કવિતા લખી છે. ઓડેનની એ કવિતા અમર એટલા માટે છે કે રેડક્લિફની વકીલાતને ગોદીમીડિયાના પત્રકારત્વ સાથે, ધર્મગુરુઓની ધાર્મિકતા સાથે, પાળીતા સર્જકોની સર્જકતા સાથે, સત્તાપિપાસુઓના રાજકારણ સાથે રિપ્લેસ કરી શકો છો.

મારી તો દરેક લેખમાં એક જ ટહેલ હોય છે: માણસ છો તો માણસ તરીકે જીવો. એક જ જન્મ મળ્યો છે અને ઉપરથી ભગવાને વિવેક કરવા જેટલી બુદ્ધિ પણ આપી છે. બીજું શું જોઈએ!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 ડિસેમ્બર 2022

Loading

...102030...1,1641,1651,1661,167...1,1701,1801,190...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved