Opinion Magazine
Number of visits: 9458250
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પી.વી. નરસિંહ રાવ : ના ઉમ્ર કી સીમા હો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|19 December 2022

પામુલાપતિ વેંકટ નરસિંહ રાવ, ભારતના 9મા પ્રધાન મંત્રી, 17 ભાષાઓ બોલતા હતા; 10 ભારતીય ભાષાઓ – (માતૃભાષા) તેલુગુ, હિન્દી, સંસ્કૃત, મરાઠી, ગુજરાતી, ઉડિયા, બંગાળી, કન્નડ, તમિલ, ઉર્દૂ અને 7 વિદેશી ભાષાઓ – ઇંગ્લિશ, ફ્રેંચ, અરેબિક, સ્પેનિશ, જર્મન, પર્સિયન, અને લેટિન.

પૂણેની ફર્ગ્યુંસન કોલજ અને મુંબઈ યુનિવર્સિટીની કોલેજમાં ભણતરના કારણે તેમણે મરાઠી પર એવો હાથ બેસાડયો હતો કે અખિલ ભારતીય મરાઠી સંમેલનમાં તેમણે મુખ્ય મહેમાનપદેથી પૂરું વક્તવ્ય મરાઠીમાં આપ્યું હતું. મરાઠીમાં હરિ નારાયણ આપ્ટેની ‘પણ લક્ષાત કોણ ઘેતો?’ (પણ પડી જ કોને છે?) નવલકથા મરાઠી સાહિત્યની ક્લાસિક કૃતિ છે. 1890માં લખાયેલી આ નવલકથામાં, યમુના નામની માધ્યમ વર્ગીય હિંદુ સ્ત્રીની વાત છે. તેના બાળ વિવાહ થાય છે અને તે સાસરિયાંના હાથે અત્યાચારનો શિકાર બને છે.

મરતાં પહેલાં યમુના તેની જીવન વાર્તા લખે છે. હિંદુ સમાજમાં સુધારણાની જે ચળવળ શરૂ થઇ હતી, તેમાં આ નવલકથાનું પ્રદાન મોટું ગણાય છે. નરસિંહ રાવે તેનો તેલુગુમાં ‘અબલા જીવીતમ’ નામથી અનુવાદ કર્યો હતો (ગુજરાતીમાં ગોપાલરાવ વિદ્વાને ‘મારી કરમકહાની’ નામથી તેનો અનુવાદ કર્યો હતો). 

એવી જ રીતે, તેલુગુ સાહિત્યમાં ‘વેવી પાડાગલુ’ (હજાર ફેણ) નામની નવલકથા 20મી સદીની મહાન કૃતિ ગણાય છે. વિશ્વનાથ સત્યનારાયણ નામના તેલુગુ સાહિત્યકારે, 1934માં, આંધ્ર યુનિવર્સિટીની એક હરીફાઈ માટે, તેમના નાના ભાઈ વેંકટસ્વરલુને આ નવલકથા અસ્ખલિત લખાવી હતી (હા, તેમણે બોલીને લખાવી હતી). ભાઈએ 29 દિવસમાં તેને કાગળ ઉપર ઉતારી હતી. તેમાં એક ગામડાની ભૂંસાતી જતી સંસ્કૃતિની વાર્તા હતી. 1968માં, રાવે તેનો ‘સાહસ્રા ફેણ’ નામથી હિંદી અનુવાદ કર્યો હતો. પાછળથી પ્રભાવદેવી નામની લેખિકાએ એ જ નામથી હિન્દીમાંથી સંસ્કૃત અનુવાદ કર્યો હતો. 

ભારતમાં કોમ્પ્યુટર ટેકનોલોજીનું આગમન થયું, ત્યારે કોમ્પ્યુટર કોડ કેવી રીતે લખાય તે પણ તે શીખ્યા હતા. 80 વર્ષની ઉંમરે, ડોકટરે તેમને આંગળીઓની કસરત કરવા માટે સ્ટ્રેસ બોલનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું, ત્યારે રાવે કોમ્પ્યુટર કી બોર્ડ પર ડોક્યુમેન્ટ ટાઇપ કરવાની ટેવ પાડી હતી. કોમ્પ્યુટર ત્યારે નવું-નવું આવ્યું હતું. તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધી ટેકનોલોજીના માણસ હતા અને તેમને એમ હતું કે રાવ જેવા જૂનાં નામના માણસ નવી ટેકનોલોજી આડે  રોડાં નાખશે.

“હાફ લાયન : હાવ પીવી નરસિંહ રાવ ટ્રાન્સફોર્મડ ઇન્ડિયા” નામનું જીવનચરિત્ર્ય લખનાર વિજય સીતાપતિ કહે છે કે, “80ના દાયકામાં, રાજીવ ગાંધી જ્યારે તેમને કેન્દ્ર સરકારમાંથી રવાના કરવાની ફિરાકમાં હતા, ત્યારે રાવ શિક્ષક રાખીને કોમ્પ્યુટર ચલાવાનું શીખ્યા હતા. રાવ બેઝિક, કોબોલ અને યુનિક્સ પ્રોગ્રામિંગ પણ શીખ્યા હતા. કદાચ રાજીવને પણ એ નહીં આવડતું હોય.” એવી રીતે એ રાજીવના મંત્રીમંડળમાં અનિવાર્ય સાબિત થયા હતા. 

“ધ બ્રિન્ક એન્ડ બેક” નામના પુસ્તકમાં, જયરામ રમેશ લખે છે કે રાવનું સંસ્કૃત ભાષાનું જ્ઞાન, 1991માં તેમની સામે વિશ્વાસનો પ્રસ્તાવ વખતે સંસદમાં કામ આવ્યું હતું. વડા પ્રધાન તરીકેની તેમનું પહેલું મોટું ભાષણ હતું. તેમને નોંધો લખીને આપવામાં આવી હતી, પણ રાવે કાગળો જોયા વગર બોલવાનું નક્કી કર્યું. એમાં તેમણે તેમની સરકારનાં કામો અને નિર્ણયોનાં ગુણગાન ગાયાં હતાં. 45ના એ ભાષણમાં એ વચ્ચે સંસ્કૃત ભાષામાં બોલવા માંડ્યા હતા.

આમાંથી આપણને એક જ વાત શીખવા મળે છે; શીખવાની કોઈ સીમા નથી અને કોઈ ઉંમર નથી. રાવ જેવા આ વાતની સાબિતી છે. વડા પ્રધાન તરીકેની તેમની કારકિર્દી કેટલી સફળ-નિષ્ફળ હતી એ જુદા વિશ્લેષણનો પ્રશ્ન છે, પણ એક બૌદ્ધિક વ્યક્તિ તરીકે તેમનામાં જ્ઞાનની જે ભૂખ હતી, તે નિ:સંદેહ અનુકરણીય હતી.

મનોવિજ્ઞાનમાં ‘ફાઈવ અવર્સ રુલ’ (પાંચ કલાકનો નિયમ) નામની એક ધારણા છે. રોજ કામકાજના કલાકમાંથી એક કલાક નવી ચીજો શીખવા પાછળ, કશીક પ્રેક્ટીસ કરવા પાછળ ગાળવાનો. અઠવાડિયામાં આવા પાંચ કલાક થયા. અમેરિકાના પ્રેસિડેન્ટ બેન્જામિન ફ્રેન્કલિને આ નિયમ અપનાવ્યો હતો.

તેમના વ્યસ્ત દિવસમાંથી તેઓ રોજ એક કલાક તેમને રુચિ હોય તેવી ચીજો પાછળ આપતાં હતા. લાંબા ગાળે એ તેમનું શ્રેષ્ઠ ઇન્વેસ્ટમેન્ટ સાબિત થયું હતું. ઇતિહાસ આજે ફ્રેન્કલિનને ફિલોસોફર, વિજ્ઞાની, કૂટનીતિજ્ઞ, સંશોધક (તેમણે આકાશમાંથી પડતી વીજળીમાં ઇલેક્ટ્રિસિટીની શોધ કરી હતી), સમુદ્રના પ્રવાહોના અભ્યાસુ અને વસ્તી વિષયક નિષ્ણાત તરીકે યાદ કરે છે.

મેનેજમેન્ટ ગુરુ પીટર ડ્રકર તેના સીમાચિન્હ પુસ્તક ‘લેંડમાર્ક્સ ઓફ ટુમોરો’માં લખે છે કે ૨૧મી સદી જ્ઞાનના કામદારો(નોલેજ વર્કર)ની છે. નવી સદીમાં જે સ્તરની પ્રોડક્ટિવિટી અને ક્રિએટિવિટી થવાની છે, તેમાં જ્ઞાની લોકોની બહુ જરૂર પડવાની છે. હવે એવી ટેકનોલોજી અને ઓટોમેશન આવવાનું છે કે લોકોને તેનું જ્ઞાન મેળવવા માટે વધારાના 100 દિવસોની જરૂર પડશે.

શીખવું એ કળા નથી, કૌશલ્ય છે. કળા જન્મજાત હોય છે, કૌશલ્ય પ્રયાસથી આવે છે. ‘આઉટલાયર્સ’ નામના પુસ્તકમાં, માલ્કમ ગ્લેડવેલ નામના મનોવિજ્ઞાનીની થિયરી છે કે તમે પિયાનો વગાડવા જેવી કે કોમ્પ્યુટર પ્રોગ્રામ બનાવવા જેવી કોઈ પણ જટિલ સ્કિલની ખંત પૂર્વક 10,000 કલાક સુધી પ્રેક્ટિસ કરો, તો તમે એમાં પ્રવીણ થઈ જાવ. પ્રેક્ટિસ આપણને પરફેક્ટ બનાવે છે. તમે કોઈ મશીનને વારંવાર ચલાવો તો તમે એમાં વધુને વધુ સક્ષમ થાવ. તમે ધંધામાં લાંબો સમય વ્યસ્ત રહો તો તમારી ધંધાદારી કૂનેહ ઔર નિખરે. તમે રોજ લખ-લખ કરો તો તમારી શૈલી અને સર્જનાત્મકતાને વધુ ધાર નીકળે.

ન્યૂરોલોજીકલ દૃષ્ટિકોણથી, એકની એક વસ્તુ કરતા રહેવાથી મગજના અમુક સિનેપ્સેસ મજબૂત થાય છે, અને બીજા નબળા રહે છે. એટલે આપણે એ એક બાબતમાં પાવધરા થઈએ છીએ. મગજ અત્યંત ઇલાસ્ટિક હોય છે. પુનરાવર્તનના કારણે ક્રમશઃ તે દરેક નવી ચીજને સફાઇપૂર્વક એડોપ્ટ કરી લે છે. જરૂરી નથી કે તે ચીજ સારી જ હોય. મગજ ખરાબ ચીજની પ્રેક્ટિસમાં પણ એટલું જ એફિસિયન્ટ હોય છે. પ્રેક્ટિસ જ્યારે આદત બની જાય, પછી આપણે જે કરીએ તેમાં ભૂલ થવાની સંભાવના ઘટી જાય. એટલે ખરાબ આદતો પણ સારી આદતો જેટલી જ કામિયાબ હોય છે.

“મને સમય જ મળતો નથી”, એવી ફરિયાદ ઘણા લોકો કરતા હોય છે, પણ અસલી સમસ્યા સમયના અભાવની નથી, ફોકસના ઊણપની છે. જે ચીજ આપણી પ્રાથમિકતામાં હોય, તેના માટે સમય નીકળી જ જાય છે. જેની છત હોય તેનો ઉપયોગ કરવાનું અઘરું પડે. જેની અછત હોય તેનો ઉપયોગ રીતે ઉત્તમ થાય. આ રૂપિયા જેવું છે. પૈસાની તંગી હોય તો તે શ્રેષ્ઠ રીતે વપરાય. રેલમછેલ હોય તો તેને ઉડાવી દેવામાં આવે. સમય વધુ હોય ત્યારે નહીં, સમય ઓછો હોય ત્યારે બહેતર પરિણામ આવે. પરીક્ષામાં ત્રણ જ કલાક હોય છે એટલે જ વિધાર્થી ઉત્તમ દેખાવ કરે છે.

આપણને જ્યારે લક્ષ્યની સ્પષ્ટતા ન હોય અથવા આપણને એક સાથે ઘણી બધી ચીજો કરવી હોય ત્યારે જ આપણે ફોકસ ન કરી શકીએ. ગુજરાતીમાં કહેવત છે કે “હસવું અને લોટ ફાકવો, બન્ને સાથે ન થાય.” એક સમયે કોઈ એક ચીજ પર આપણે જો ફોકસ કરીએ તો ઓછો સમય પણ વધારે લાગે.

સમય હોતો નથી, સમયનું સર્જન કરવું પડે. વડા પ્રધાનો અને પ્રેસિડેન્ટ એવું કરતા હોય છે.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 18 ડિસેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મન્તવ્યજ્યોત (૨૧) : સાક્ષરજીવન : સાહિત્યિકતા : સમીક્ષકમંડળી 

સુમન શાહ|Opinion - Literature|19 December 2022

એ સાહિત્યપુરુષ, સર્જક-કલાકાર, પોતાનાં લેખન-સર્જન પ્રકાશિત કરે છે ત્યારે પોતાના સ્વીકારનું કામ સહૃદયસમાજ પર કે સમીક્ષકમંડળી પર છોડતો હોય છે.

સહૃદય અને સમીક્ષક હમેશાં સાહિત્યિકતાની પરવા કરતા હોય છે, પૂરતી કાળજી પણ રાખતા હોય છે.

ગયા લેખમાં સહૃદયસમાજની વાત કરી હતી, આજે, સમીક્ષકમંડળી વિશે.

પ્રાદેશિક સાહિત્યોમાં સમીક્ષકોની મંડળી હોય છે. એ લોકોએ પ્રાચીન, અર્વાચીન અને સમકાલીન સાહિત્યનું કામ ઉપાડી લીધું હોય છે. એ મંડળીમાં પણ બે પ્રકાર જોવા મળે છે : એક સમીક્ષકો એવા કે સાહિત્યમાં જે કંઈ બન્યું હોય તેની વાતો, વ્યાખ્યાનો અને ચર્ચાવિચારણાઓ માંડ્યા કરે; કહેતા હોય – પદ ફાગુ કે અખો પ્રેમાનંદ આમ હતા; ટૂંકીવાર્તા એકાંકી નવલકથા કે પન્નાલાલ પટેલ ચન્દ્રકાન્ત બક્ષી કે કિશોર જાદવ આમ હતા : બીજા પ્રકારના સમીક્ષકો કૃતિની વાત કરતા હોય છે –  જેમ કે, ‘વસંતવિલાસ’ વિશે કહે ને ‘વસંતવિજય’ વિશે પણ કહે. ‘લોહીની સગાઈ’ વિશે કહે ને ‘લોહીનું ટીપું’ વિશે પણ કહે. કહે -નો અર્થ લખે, છપાવે, એમ પણ કરવાનો છે.

‘સમીક્ષક’-ને બદલે કટુતાથી ‘વિવેચક’ શબ્દ વાપરીને કેટલાક સાહિત્યકારો કશી ગુપ્ત મજા લેતા હોય છે. કેટલાક પોતાને સર્જક ઠેરવવા ડંફાસ મારતા હોય છે : તમે તો વિવેચક છો : માણસને અમુક સ્થાને ચળનો વ્યાધિ હોય તો કોઈની યે શરમ રાખ્યા વિના ખંજવાળી લે છે. એનાથી બીજાએ દુ:ખી થવાનું કારણ નથી રહેતું તેમ એ વિવેચક ભાઈએ કે બહેને પણ એ ડંફાસિયાથી પણ દુ:ખી થવાનું કારણ રહેતું નથી.

પણ, પ્રત્યેક સમીક્ષક મૂળે સહૃદય હોવો જોઇશે એ વાત પાયાની છે. ખરેખર તો, સાહિત્યજગતમાં પ્રવેશેલો નાનો કે મોટો જીવ જો સહૃદય ન હોય તો એણે ઝટ નીકળી જવું જોઇએ. નહિતર, અહીં પણ ‘કાલો ગચ્છતિ’ તો થશે જ પણ એના માટે તો એ એના જીવનકાળની બરબાદી કહેવાશે.

ઘણા ‘ટીકા’ શબ્દ વાપરીને પણ વિવેચનકર્મને અને વિવેચકને ઉતારી પાડે છે, કહેતા હોય છે : એનું તો કામ જ છે, ટીકાઓ કરવાનું ! : એણે એમ કહ્યું તે પણ વિવેચકની ટીકા જ કે કંઈ બીજું? એવી ટીકાને લોકવ્યવહારમાં ડાંડાઈ કહેવાય છે.

ખરી વાત એ છે કે મનુષ્યમાત્ર ‘ક્રીએટિવ ફૅકલ્ટી’ લઈને જન્મ્યો છે તેમ એ ‘ક્રિટિકલ ફૅકલ્ટી’ લઈને પણ જન્મ્યો છે. એટલે તો, બાળક પણ મોટાને કહી દે છે – અન્કલ, તમારી પોસ્ટઑફિસ ખુલ્લી છે ! પત્ની જ્યારે પતિને એમ કહે છે કે – તમે જે શર્ટ પ્હૅર્યું છે એ આ પ્રસંગે નહીં ચાલે; કે પતિ જ્યારે પત્નીને એમ કહે છે કે – તેં આજે અમ્બોડો વાળ્યો છે એ તારી સુન્દરતામાં ચાર ચાંદ લગાવી દે છે; ત્યારે એ બન્ને જણે સમીક્ષા જ કરી હોય છે.

ટીકા એટલે ગુણદર્શન સહિતનું મર્યાદાસૂચન અથવા મર્યાદાદર્શન સહિતનું ગુણસૂચન. સમગ્ર સંસ્કૃત પરમ્પરામાં ‘ટીકા’ એના યથાર્થ સ્વરૂપમાં સર્વત્ર જોવા મળે છે. મને ગોવર્ધનરામે આગળ કરેલો વિવેચકધર્મ વસી ગયેલો છે : ગુણ શોધવા જતાં મર્યાદા પરખાય તો દર્શાવવી …

પણ એ બાળક કે એ પત્ની-પતિએ કરેલી સમીક્ષા નીચે કશો સિદ્ધાન્ત હોતો નથી, હોય તો તેની એ ત્રણેયને ખબર પણ નથી હોતી, જરૂર પણ નથી હોતી. નૉંધપાત્ર ફર્ક એ છે કે સાહિત્યકલાની સમીક્ષા સિદ્ધાન્ત-સમવેત હોય છે. એટલે, સાહિત્યનો સમીક્ષક બાગમાં ફરવા નીકળ્યો હોય એમ બોલતો રહે કે – આ ફૂલ સરસ છે પણ આ છોડ નકામો છે – આ કૃતિ ચાલે પણ આ સાહિત્યકાર ન ચાલે, તો એના એ બોલ બકવાસ કહેવાય. સર્જકે કે સમજદાર વાચકે એને ખખડાવીને પૂછવું જોઈએ : ભૈલા, તારી હેસિયત શું છે? : કેમ કે એના એ બોલ સિદ્ધાન્ત પર નથી ઊભા હોતા, એના કુણ્ઠિત અહંકાર પર ઊભા હોય છે. એણે પોતાને કહેવું ઘટે કે – જરા જાતતપાસ કર, તું સુગરીનો માળો ફૅંદવા તો નથી નીકળ્યો ને …

સાહિત્ય રચાતું હોય છે, મનુષ્યના રસકોષના સંતર્પણને સારું, અને તેથી સમીક્ષા સાહિત્યપદાર્થને વિશેની જવાબદારી તો છે જ પણ મનુષ્યત્વને વિશેની મોટી જવાબદારી છે. થતા રહેતા અથવા જાણીને કરાતા મૂરખવેડાને એમાં સ્થાન નથી.

હું માનું છું કે દાયિત્વને વરેલો સમીક્ષક માનવજાતને સંતુલિત સમીક્ષણ પૂરું પાડે છે.

એટલે, કાવ્યશાસ્ત્ર અને સાહિત્યસિદ્ધાન્ત રૂપે પૂર્વમાં અને પશ્ચિમમાં જે કંઈ લખાયું છે તેનું સમીક્ષકને જ્ઞાન હોવું જોઈએ. એ દિશામાં, વર્તમાનમાં શું ચાલી રહ્યું છે એ જાણવાની એને ઉત્કણ્ઠા હોવી જોઈએ. હા, બધા પાસે એટલું બધું ન યે હોય, પણ એની પાસે રસવૃત્તિ, રીઢી રસવૃત્તિ, અને કલાસૌન્દર્યને પરખવા માટેની ખાસ ‘ઇન્દ્રિય’ તો હોવી જ જોઈશે.

સાહિત્યશબ્દ વિશે એને જો કશી લગની જ નથી, કલાના મહિમાગાનમાં જો એને જોડાવું જ નથી, બલકે કશો ય શ્રમ કર્યા જો એને સાહિત્યકાર ઠરવું છે, તો એણે બીજા કામે લાગી જવું જોઇશે – સ્ટે ઇક્વિપ્ડ્ ઑર ગેટ આઉટ ! – સજ્જ રહો અથવા ચાલ્યા જાઓ !

સાહિત્યસામયિકોના તન્ત્રીઓ અને સાહિત્યનું અધ્યાપન કરતા અધ્યાપકો પણ સમીક્ષકો જ છે. તેઓ પણ સાહિત્યિકતાની પરવા કરતા હોય છે, જતન કરતા હોય છે. પરન્તુ તેઓ પાસે પણ સહૃદયત્વ અને ઉપર દર્શાવી તે સ્વરૂપની ઇક્વિપ્મૅન્ટ વગેરે સમ્પદા તો હોવી જ જોઈશે.

જો કે, એ છે એમ શી રીતે જાણવું?

તન્ત્રીની વાત કરું : એ સમ્પદા તન્ત્રી તરીકેનાં એનાં અવારનવારનાં સર્જનો / લેખનો / વ્યાખ્યાનોમાં દેખાય. પોતાના સામયિકમાં એણે પ્રકાશિત કરેલાં અન્યોનાં લેખનો / સર્જનો પરથી પણ એની એ સમ્પદાનો ખયાલ આવી જાય. જે તન્ત્રી થડે બેસીને નરી સુસ્તીથી સામયિક ચલાવતો હોય છે તે પરખાઇ જતો હોય છે. પ્રમાણ એ કે એ નિ:સામાન્ય કક્ષાનું સાહિત્ય જ ઠઠાડ્યા કરતો હોય છે, અને એ શ્રીમાનને રોકનારું કે ટોકનારું કોઈ હોતું નથી.

અમદાવાદમાં જૂના શૅઅરબજારવાળાનું ચવાણું એટલા માટે વખણાય છે કે વરસોથી એ એકધારું એટલું જ સરસ વેચે છે, માગો એટલું પૂરું પાડે છે. પણ આપણી વાત તો મહામૂલના સાહિત્યપદાર્થની છે. ચવાણાથી થયેલું નુક્સાન ફીટી શકે છે પણ સાહિત્ય નામે નિકૃષ્ટ લેખનોથી થનારું નુક્સાન અદૃશ્ય હોય છે, દેખાશે નહીં, પણ હશે જરૂર. દેખાશે ત્યારે ઘણું મૉડું થઈ ગયું હશે. નુક્સાન ભરપાઈ કરવાની તક જ નહીં જડે.

તન્ત્રીએ ઠેકઠેકાણેથી જાતભાતનો માલ લાવીને દુકાન નથી માંડવાની; એ કામ તો આ ઇન્ટરનેટના જમાનામાં સાવ સરળ છે. જરૂરી એ છે કે એનું સામયિક એવી ચીજો રજૂ કરે જે એના સારાસાર વિવેકને પ્રતિબિમ્બિત કરતી હોય. કોઈ સાદું સંકલન-સમ્પાદન પણ એના કર્તાની દૃષ્ટિ સૂચવતું હોય છે. તન્ત્રીનો છેલ્લો ધર્મ શું છે, તે જાણો : સરખું મૅટર ન મળતું હોય એમાં – શું કરીએ આજકાલ લખાય છે જ આવું એમ કહીને, એ જો લેખકોનો વાંક કાઢે, અને તેમ છતાં પણ, જો પોતાનું સામયિક ચાલુ રાખે, તો એને પણ ડાંડાઈ જ કહેવાય. સારા શબ્દોમાં એને આપમતલબી ઠાવકાઈ કહેવાય. બાકી, એની એ હઠને પ્રજ્ઞાપરાધ કહેવાય.

કેટલાક અધ્યાપકો સારા શિક્ષક હોય છે. પોતે સર્જક કે વિવેચક હોવું એમને અનિવાર્ય નથી લાગતું, તે સારી વાત છે. કેમ કે શાન્તચિત્તે નિરાંતે સરસ ભણાવી જાણે છે. પણ સર્જક જો અધ્યાપક હોય અને જો પોતાનાં નવાં કાવ્યોની વાતોથી વ્યાખ્યાનને સ્વસ્વરમધુરગન્ધી બનાવી મૂકે, તો એ પણ પ્રજ્ઞાપરાધ જ કરે છે. એની વાણીની ભૂરકીથી અને જાણી કરીને વધારેલાં દાઢી અને વાળની દૃશ્ય નજાકતથી વિદ્યાર્થીઓને એ અધ્યાપક નહીં પણ કવિ જ લાગ્યા કરતો હોય છે; પરિણામે, વિદ્યાર્થીઓ વિષયમુદ્દો શો હતો તે જ ભૂલી જાય છે ! ખરેખર તો, કવિએ પોતાની સર્જકતાને વ્યાખ્યાનમાં વ્યાપારવતી કરીને વર્ગમાં સાહિત્યજ્ઞાનને પ્રગટાવવાનું હોય, પૂરાકાળે પ્રગટેલા જ્ઞાનને પ્રોજ્જવલ કરવાનું હોય. વર્ગખણ્ડ આત્મપ્રશસ્તિ માટે યથેચ્છ વાપરી લેવાની જગ્યા નથી.

અધ્યાપક-સમીક્ષકોની વાતમાં એક વિચારણીય મુદ્દો ઉમેરવા માગું છું. આપણા લગભગ બધા જ સમીક્ષકો અધ્યાપક હોય છે. એક રીતે એને સદ્ભાગ્ય કહેવાય કેમ કે અધ્યાપકો શાસ્ત્ર અને સિદ્ધાન્ત તો સાચવે જ; તેમ છતાં, કોઈ કોઈને એનું રસીલું અધ્યાપન નથી આવડતું હોતું, કદાચ એના અધ્યાપકને ય નહીં આવડેલું.

એ મિત્ર શાસ્ત્ર અને સિદ્ધાન્તનો ‘અતિ’ કરતો હોય છે; પોતે વિદ્વાન જ છે એમ ઠસાવવા ગોખી રાખેલા સંસ્કૃત શ્લોકોની અને વિદેશી સાહિત્યકારોના સાચા-ખોટા અંગ્રેજી ઉચ્ચારો વગેરેની ભારે ઠોક બોલાવતો હોય છે. કોઈ શાણો વિદ્યાર્થી બગાસું ખાઈને સ્મિત કરતો હોય પણ એને એનો વ્યંગ્યાર્થ નથી સમજાતો. હું આને ‘અસલી પાણ્ડિત્ય’ કહેવા તૈયાર નથી. એ ગુરુવર્યો તો ગયા.

વાત એ રીતે વણસે છે કે એ ‘અતિ’-વાનો સમીક્ષાક્ષેત્રે દાખલ થાય છે અને ત્યાં પણ એ જ ચેષ્ટાઓ આદરે છે. કોઈ કોઈ તો અમેરિકા રહી આવ્યો હોય એટલે ધાણીફૂટ અંગ્રેજી વરસાવતો હોય છે; પોતે જે બોલ્યો તેને અનુવાદથી કદી સમજાવતો નથી; ભૂલી જાય છે અને ભુલાવી દે છે કે સભા ગુજરાતી સાહિત્ય માટે મુકરર થયેલી છે.

આ અનુપકારક લાદણકારીઓએ – ડમ્પરોએ – પણ વર્ગને સ્વર્ગ નથી બનવા દીધો અને સમીક્ષાને ફળવતી નથી થવા દીધી, કેમ કે એમણે કરેલી સમીક્ષા સમીક્ષ્ય કૃતિ કરતાં પણ વધારે દુરુહ હોય છે. જો કે, એઓ પણ હવે ઘટી રહ્યા છે.

વર્ગની દીવાલો અને ડાળે ઉદાસીન પંખિણી સમી સમીક્ષા કો પરિવર્તનકારી અવતારની રાહ જુએ છે.

= = =

(December 17, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વિભાજન

મૂળ અંગ્રેજી : ડબ્લ્યુ.એચ. ઑડન * અનુવાદ : રૂપાલી બર્ક|Poetry|19 December 2022

દૂત કાર્ય પર આવ્યા હતાં

વિભાજન કરવાનું સોંપાયું હતું 

કદી ના દીઠેલા દેશનું જેના બે સમુદાયો

હતાં એકબીજાના કટ્ટર વિરોધી,

એમના વિભિન્ન ખાનપાન ને વિસંગત દેવો.

“સમય”, એમને લંડનમાં કહેવામાં આવેલું, 

“છે ટૂંકો”. પરસ્પર સમાધાન કે

તાર્કિક ચર્ચા માટે નથી સમય રહ્યો :

વિભાજન જ છે ઉપાય હવે.

વાઇસરૉયના મતે, એમના પત્ર પરથી જણાય છે,

એમની સાથે તમે ઓછાં દેખાઓ એ જ સારું રહેશે,

તેથી અલાયદો ઉતારો શોધ્યો છે તમારા માટે.

ચાર ન્યાયાધીશો પૂરા પાડીશું તમને,

બે મુસલમાન, બે હિન્દુ,

મસલત ભલે કરો એમની સાથે

અલબત્ત, આખરી નિર્ણય તમારો જ રહેશે.”

હત્યારાઓને દૂર રાખવા બગીચામાં પોલીસના 

રાતદિવસના પહેરા વચ્ચે એકાકી પ્રાસાદમાં બંધ

એ વળગ્યા કામે, લાખોનું ભાવિ કરવા નક્કી.

નકશા એમની સામે હતાં પુરાણા ને વસ્તીના આંકડા

લગભગ ચોક્કસ ખોટા, પણ સમય જ ન્હોતો

ચકાસવાનો આંકડા કે તપાસવાનો

વિવાદાત્મક વિસ્તારોને.

ભયજનક સ્તરે હવામાન ગરમ હતું,

ને હાલત હતી મરડાથી બગડેલી,

તેમ છતાં કાર્ય સાત સપ્તાહમાં પૂર્ણ કરાયું, 

સરહદો નક્કી કરાઈ, ને

સારા કે નરસા માટે એક ખંડ વિભાજીત કરાયો.

બીજા જ દિવસે એમણે ઈંગ્લૅન્ડની દરિયાવાટ પકડી

જ્યાં સારા વકીલ પેઠે ભૂલી શકે એ મુક્કદમો.

પરત ક્યારે ય નહીં ફરે, એવું ભયભીત હૈયે એમણે

કહ્યું એમના ક્લબને, રખે ને એમને કોઈ ઠાર મારે ગોળીએ.

e.mail: rupaleeburke@yahoo.co.in

Partition

° WH Auden

Unbiased at least he was when he arrived on his mission,

Having never set eyes on the land he was called to partition

Between two peoples fanatically at odds,

With their different diets and incompatible gods.

“Time,” they had briefed him in London, “is short. It’s too late

For mutual reconciliation or rational debate:

The only solution now lies in separation.

The Viceroy thinks, as you will see from his letter,

That the less you are seen in his company the better,

So we’ve arranged to provide you with other accommodation.

We can give you four judges, two Moslem and two Hindu,

To consult with, but the final decision must rest with you.”

Shut up in a lonely mansion, with police night and day

Patrolling the gardens to keep the assassins away,

He got down to work, to the task of settling the fate

Of millions. The maps at his disposal were out of date

And the Census Returns almost certainly incorrect,

But there was no time to check them, no time to inspect

Contested areas. The weather was frightfully hot,

And a bout of dysentery kept him constantly on the trot,

But in seven weeks it was done, the frontiers decided,

A continent for better or worse divided.

The next day he sailed for England, where he could quickly forget

The case, as a good lawyer must. Return he would not,

Afraid, as he told his Club, that he might get shot.

Loading

...102030...1,1621,1631,1641,165...1,1701,1801,190...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved