Opinion Magazine
Number of visits: 9667532
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીવિચારનો પ્રકાશ : ચંડીપ્રસાદજી ભટ્ટ

ઉષા ઠક્કર|Gandhiana|4 May 2023

ઉષા ઠક્કર

શાંતિ અને હિંસાથી સંતપ્ત માનવજીવન પર ગાંધીવિચાર અમીછાંટણાનું કામ કરે છે અને જ્યારે ગાંધીવિચારના સિદ્ધાંતો અનુસાર પોતાનું જીવન ઘડનાર વ્યક્તિના અનુભવો સાંભળવા મળે ત્યારે આશાનું અજવાળું ફેલાય છે. હાલમાં ગાંધીવિચારનાં સત્ત્વ અને તત્ત્વને જીવનમાં આત્મસાત કરનાર ચંડીપ્રસાદજી ભટ્ટને મળવાનો સરસ અવસર મળ્યો. મળવાની તારીખ અને સ્થળ બંને ઐતિહાસિક. તારીખ હતી ૬ એપ્રિલ અને સ્થળ હતું મણિભવન. ૬ એપ્રિલ, ૧૯૧૯ના ગાંધીજીએ દમનકારી રોલેટ કાયદા સામે રાષ્ટ્રવ્યાપી સત્યાગ્રહનો શંખનાદ કરેલો. તે સમયે ગાંધીજી મણિભવનમાં રહેલા. અને ૬ એપ્રિલ, ૧૯૩૦ના દાંડીમાં ગાંધીજીએ મીઠું ઉપાડીને કાયદાનો સવિનય ભંગ કરેલો.

‘ચિપકો આંદોલન’ વિશે ઘણું વાંચેલું અને સાંભળેલું, પણ તેના પ્રણેતા ચંડીપ્રસાદજી ભટ્ટ પાસેથી જ તેમના કાર્ય અને ચિપકો આંદોલન વિશેની વાતો અને હકીક્ત ભણવાનો આનંદ અનોખો જ હતો. હમણાં જ ‘ચિપકો આંદોલન’નાં પચાસ વર્ષ પૂરાં થયાં.

ચંડીપ્રસાદ ભટ્ટ

ચંડીપ્રસાદજીનું વ્યક્તિત્ત્વ શાંત અને પ્રભાવશાળી. ખાદીનાં વસ્ત્રોમાં તેમની ગરિમા અને પ્રતિભા સ્વભાવિક રીતે જ ઝળકે. કોઈ પણ જાતના આડંબર વિના તે સહજ રીતે પોતાના અને સાથીઓનાં કાર્યની વાતો કરતા રહ્યા. ક્રમબદ્ધ વિચારો સરળશૈલીમાં વહેતા રહ્યા. લોકોની તકલીફો, મુશ્કેલીઓ અને તેમના સંઘર્ષ અને ઉપાયો શોધવાની મથામણની વાતો પણ આવતી રહી. અમે સૌ મંત્રમુગ્ધ બની તેમનાં વાણી અને કાર્ય સાથે જોડાતાં ગયાં.

ચંડીપ્રસાદજી પદ્મભૂષણ (૨૦૦૫), રેમન મેગસેસે એવૉર્ડ (૧૯૮૨) અને ગાંધી પીસ પ્રાઈઝ (૨૦૧૩) જેવાં પુરસ્કારોથી સન્માનિત થયા છે. તેમનું સમગ્ર જીવન અને કાર્ય ગાંધીમૂલ્યો અને ગાંધીવિચાર પર આધારિત છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના ગોળેશ્વરમાં રહેતા આ પર્યાવરણવાદી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રખ્યાત છે.

તેમના જીવનની વિકાસયાત્રા મહત્ત્વપૂર્ણ અને પ્રેરણાદાયી છે. યુવાવસ્થાથી જ તેમના પર ગાંધીવિચાર પ્રત્યે અનેરું આકર્ષણ હતું. ૧૯૫૬માં જયપ્રકાશ નારાયણ બદ્રીનાથ ગયેલા. ત્યારે પીપલકોટીમાં ચંડીપ્રસાદજીએ તેમનું ભાષણ સાંભળ્યું અને સાંભળીને તેમના જ શબ્દોમાં ‘મારા માટે સમાજકાર્યનાં દ્વાર ઊઘડી ગયાં.’ તે પછીના વર્ષમાં તેમણે સાથીઓ સાથે પદયાત્રા કરી, જેમાં દરેક ગામડે ગ્રામ-સ્વરાજ્ય અને સર્વોદય અંગેની ચર્ચા થતી. તદુપરાંત, તેમનો સંપર્ક વિનોબા ભાવે અને દાદા ધર્માધિકારી જેવા ચિંતકો સાથે પણ રહ્યો.

ચંડીપ્રસાદજીના મત મુજબ હિમાલય ક્ષેત્ર વિવિધતા અને પ્રાકૃતિક સમૃદ્ધિથી ભરપૂર છે. પણ તે સાથે યાદ રાખવું જોઈએ કે હિમાલય અત્યંત સંવેદનશીલ પર્વત શ્રૃંખલા છે. તેના ભૂગર્ભમાં ઊથલ-પાથલ થયા કરે છે અને ધરતીકંપ, ભૂસ્ખલન અને પૂર જેવી આફતો આવ્યા કરે છે. આમાંથી થોડી પ્રકૃતિજન્ય છે, અને વધારે માનવસર્જિત. વિકાસના નામે પર્યાવરણનો હ્રાસ થઈ રહ્યો છે. ચીનના આક્રમણ પછી આ ક્ષેત્રમાં વિકાસને લગતાં કામો વધી ગયાં છે, જેમ કે, મોટા રસ્તાઓ કે મોટા મકાનો કે મોટા ઉદ્યોગો.

ચંડીપ્રસાદજી અને તેમના યુવા સાથીઓએ ૧૯૬૦ના દશકમાં દશૌલી ગ્રામ-સ્વરાજ્ય સંઘની સ્થાપના કરી. તેનો હેતુ હતો કે જંગલની આજુબાજુ રહેનારા લોકોને વનસંપદાના માધ્યમથી સન્માનજનક રોજગાર મળે. પણ તેમના માર્ગમાં રાજ્ય સરકાર, જિલ્લ પ્રશાસન અને વનવિભાગ તરફથી અનેક અવરોધો આવ્યા અને સંસ્થાએ શાંતિપૂર્વક તેમનો સામનો કર્યો.

૧૯૭૨-૭૩માં ઉત્તર પ્રદેશના વનવિભાગે દશૌલી ગ્રામ સ્વરાજ્ય સંઘના કાષ્ઠ-કલા કેન્દ્રને અંગૂનાં વૃક્ષ આપવાની ના પાડી. પહાડોની ખેતીમાં આ વૃક્ષના લાકડાનો ઘણો ઉપયોગ થતો હતો. જો આ લાકડું ન મળે તો સંસ્થાનાં જંગલો પાસે નાના ઉદ્યોગો સ્થાપવાના પ્રયાસો નિષ્ફળ થાય. એટલું જ નહીં, વન વિભાગે તો અંગૂનાં વૃક્ષોને નીચેના મેદાનોમાં રહેલી કંપનીઓને વેચવાનું શરૂ કર્યું.

દશૌલી ગ્રામ સ્વરાજ્ય સંઘના સભ્યોને પરાજ્ય સ્વીકાર નહોતો. તેઓ ચર્ચા-વિચારણા કરવા લાગ્યા. તે દરમિયાન તેમને ખબર પડી કે વનવિભાગે રમત-ગમતનાં સાધનો બનાવતી અલાહાબાદની સાઈમન કંપનીને ગોપેશ્વરથી એક કિલોમીટર દૂર મંડલ વનમાંથી અંગૂનાં વૃક્ષ કાપવાની પરવાનગી આપી દીધી છે. પરિસ્થિતિ તો વિકટ હતી. તેમાં ખબર પડી કે સાઈમન કંપનીના માણસો ગોપેશ્વર પહોંચી ગયા છે. હવે તો ઉપાય શોધવો જ રહ્યો. ચંડીપ્રસાદજીનું હૃદય વલોવાયું અને ઉત્તેજનાથી તે બોલી ઉઠ્યા, “આપણે વૃક્ષ કાપવા નહીં દઈએ. જો તેઓ વૃક્ષ પર કુહાડી મારશે તો આપણે અંગવાષ્ઠા કરી લઈશું.” ત્યાંની ભાષામાં ‘અંગવાષ્ઠા’ એટલે આલિંગન. જ્યારે કોઈ વૃક્ષ પર કુહાડી ઊંચકાય, ત્યારે લોકોએ વૃક્ષને અલિંગનમાં લઈ લેવાનું. ચંડીપ્રસાદજીએ લોકોને કહ્યું કે ઠેકેદારની કુહાડી પહેલાં આપણાં પર અને પછી વૃક્ષ પર. આપણે તો વૃક્ષોને ચોંટીને-ચિપકીને રહેવાનું. ‘ચિપકો’ શબ્દને નવો ક્રાંતિકારી અર્થ મળ્યો અને ગોપેશ્વરમાં ૨૭ માર્ચ, ૧૯૭૩ના ‘ચિપકો આંદોલન’નો જન્મ થયો.

ઉત્તરાખંડમાં ઘણી વનસંપદા છે. પણ સરકારની વિકાસકાર્યો માટેની ઉતાવળ અને ટેકેદારોનો લોભ પ્રકૃતિમાં અસંતુલન પેદા કરે છે. આડેધડ વૃક્ષો કાપવાથી કુદરતી આફતો આવે છે. તેનો અહેસાસ ચિપકો આંદોલનકારીઓને હતો. ચંડીપ્રસાદજીને જાણ હતી કે અલકનંદા નદીમાં ૧૯૭૦માં આવેલ મોટા પૂરે રસ્તાઓ, પુલ, ખેતરો અને પશુઓનો મોટા પ્રમાણમાં નાશ કરેલો.

જ્યારે તેમને ખબર પડી કે મંડલ ક્ષેત્રમાં જંગલમાં વૃક્ષો પર માર્કિંગ થઈ ગયું છે અને સાઈમન કંપનીના માણસો તેમને કાપવા આવી રહ્યા છે, ત્યારે આ તેજસ્વી ગાંધીજન અને તેમના સાથીઓ સક્રિય થઈ ગયા. નાના મંડલ ગામમાં ચિપકો આંદોલનકારી ગ્રામજનોની મોટી સભા જોઈને સાઈમન કંપનીના માણસો વૃક્ષ કાપ્યા વિના જ પાછા ફર્યા. સરકારે થોડાં વૃક્ષો આપી તડજોડની તૈયારી દાખવી પણ આંદોલનકારીઓની દૃષ્ટિ વ્યાપક બની હતી. વનસંપદાનો ઉચિત અને ન્યાયપૂર્ણ ઉપયોગ થવો જોઈએ અને તેના પ્રબંધ અને રક્ષણ માટે સ્થાનિક લોકોને સામેલ કરવા જોઈએ.

મંડલના જંગલ કાપવાનું કામ તો બંધ રહ્યું, પણ પછી તરત ખબર પડી કે હવે સાઇમન કંપનીને ફાટા ક્ષેત્રમાં વૃક્ષ કાપવાની મંજૂરી મળી છે. સત્યાગ્રહીઓના સામર્થ્યની પરીક્ષાનો ફરી સમય આવ્યો. લોકો અને ચંડીપ્રસાદજી સક્રિય બન્યા. લોકો ઢોલ-નગારાં અને ગીતોના માધ્યમથી ભેગા થતા ગયા. લોકોને અન્ય સ્થાન પર આકર્ષિત કરવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા. પાંચ વૃક્ષ કપાયાં ત્યાં તો ફરી સતર્ક ગ્રામજનો ભેગા થઈ ગયા. અને જંગલ કાપવા માટે આવેલ માણસો ત્યાંથી પલાયન થઈ ગયા. હવે મહિલાઓમાં પણ જાગૃતિ લાવવાના પ્રયત્નો સફળ થવા લાગેલા. છેવટે ૧૯૭૩ના અંતે સાઈમન કંપનીની વૃક્ષ કાપવાની પરવાનગી સમાપ્ત થઈ.

૧૯૭૪માં રેણી ગામના વનનો ગંભીર મામલો સામે આવ્યો. રેણી ક્ષેત્રના જંગલનાં વૃક્ષોની લિલામીની તૈયારી થઈ. ચંડીપ્રસાદજી અને તેમના સાથીઓએ તો ઠેકેદારોને કહી દીધું કે જો વૃક્ષો કપાશે તો રેણીના જંગલોમાં ‘ચિપકો આંદોલન’ થશે. ચંડીપ્રસાદજીને વિશ્વાસ હતો કે સાધનહીનનો દૃઢ સંકલ્પ જ સશક્ત હથિયાર છે. વનવિભાગના માણસોએ આમતેમ કરી ચંડીપ્રસાદજીને ત્યાં સમયસર ન પહોંચવા દીધા. ગામના પુરુષો તો ચમોલી જિલ્લામાં આવી ગયેલા,
કારણ સરકારે જાહેર કરેલું કે ૧૯૬૨માં જેમની જમીન સરકારે લઈ લીધેલી તેમને વળતર ચૂકવવામાં આવશે. ગામમાં ફક્ત સ્ત્રીઓ અને બાળકો જ હતાં. આ વાતનો અંદાજ આવતાં ચંડીપ્રસાદજી અને થોડા સાથીઓ રેણી પહોંચ્યા. ત્યાં જઈને ખબર પડી કે મહિલાઓના સાહસને કારણે રેણીનું વિશાળ વન બચી ગયું છે.

વીસેક જેટલી મહિલાઓ અને થોડી બાલિકાઓએ વૃક્ષ કાપવા માટે આવતા મજૂરોને પાછા વળવા સમજાવ્યા અને કહ્યું કે આ જંગલ તો અમારું પિયર છે. તેને ન કાપો ઠેકેદારના માણસો અને આવેલા થોડા અધિકારીઓ સત્તાના મદમાં હતા. કોઈકે તો દારૂ પણ પીધેલો. એક માણસે તો બંદૂક કાઢી. ડર્યા વિના મહિલાઓ ઊભી રહી અને ગૌરાદેવીએ તેમને પડકારીને કહ્યું કે પહેલાં બંદૂક ચલાવો અને પછી અમારા પિયરને કાપીને લઈ જાઓ. મજૂરો તો નાસવા લાગ્યા. બીજાઓ પણ ધીરે ધીરે ખસકવા લાગ્યા. આ બહાદુર મહિલાઓએ જોયું તો ભૂસ્ખલનને કારણે એક તૂટેલી પગદંડીને સિમેન્ટના પાટિયાથી જોડવામાં આવેલી. તેમણે જંગલ તરફ જતી આ પગદંડીને જોડતું પાટિયું તોડી નાખ્યું. પૂરી રાત આ મહિલાઓ આ સ્થળ પર બેસી ગીતો ગાતી રહી અને ચોકી કરતી રહી.

વન બચી ગયું. ચંડીપ્રસાદજી અને સાથીઓ સાથે સરકાર સમિતિઓ દ્વારા વાતચીત કરતી રહી, પણ આંદોલનકારીઓનો તો એક જ જવાબ હતો અમે આંદોલન પાછું નહીં ખેંચીએ. આ આંદોલનની ચિનગારીઓ ઉત્તરાખંડના અન્ય જિલ્લાઓમાં પણ ફેલાઈ. છેવટે વિશેષજ્ઞોની તપાસ સમિતિએ 1976માં અહેવાલ આપ્યો. તેની ભલામણોને ઉત્તરાખંડની સરકારે સ્વીકારી અને ઉત્તરાખંડની અલકનંદા અને તેની સહાયક નદીઓના જલાગમ ક્ષેત્રોમાં દસ વર્ષ સુધી વૃક્ષ કાપવાની મનાઈ જાહેર કરવામાં આવી.

‘ચિપકો આંદોલન’ની સફળતાએ દેશ-વિદેશમાં વિશેષજ્ઞો, પર્યાવરણવાદીઓ અને નાગરિકોનું ધ્યાન ખેંચ્યું છે. ચંડીપ્રસાદજી જણાવે છે કે આંદોલન સાથે રચનાત્મક કાર્ય પણ આવશ્યક છે. વૃક્ષોનું રક્ષણ કરવું જોઈએ. અને તે સાથે નવા છોડ અને નવાં વૃક્ષ પણ વાવવાં જોઈએ. વનીકરણનું કામ ઘણું મહત્ત્વનું છે. આજે દશૌલી ગ્રામ સ્વરાજ્ય સંસ્થા મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરી રહી છે. છાત્રો અને યુવાવર્ગ તેમાં સહર્ષ જોડાઈ રહ્યા છે અને મહિલાઓનો સાથ તો છે જ. ‘ચિપકો આંદોલન’માં મહિલાઓનું યોગદાન અપૂર્વ છે. વનસંપદાનું રક્ષણ કરીને તેમણે ફરી પુરવાર કર્યું છે કે આત્મબળ અને સંક્લ્પની શક્તિ શારીરિક બળપ્રયોગ કરતાં વધુ અસરકારક છે. ચંડીપ્રસાદજીને તેમના કાર્યમાં પત્ની દેવેશ્વરીજી અને સુપુત્ર ઓમપ્રકાશજીનો પૂરો સાથ છે.

ચંડીપ્રસાદજી કહે છે કે અહિંસા મનસા, વાચા અને કર્મણા હોવી જોઈએ. અને સત્યાગ્રહ પણ સૌમ્ય- સૌમ્યતર અને સૌમ્યતમ હોવો જોઈએ. આ વાતની પ્રતીતિ ‘ચિપકો આંદોલન’માં થાય છે. ક્યારે ય કોઈ પ્રકારની હિંસા નથી થઈ, અહીં ઉપાયોની નવીનતા છે અને સિદ્ધાંતોની શાશ્વતતા છે. વિરોધીઓ સાથે પણ સદ્દવ્યવહાર આવશ્યક છે. ચંડીપ્રસાદજીની મીટિંગોમાં અને ચર્ચા-વિચારણામાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ આવે, સરકારી અધિકારીઓ પણ આવે અને સમાજના બધા વર્ગોનું પ્રતિનિધિત્વ તો હોય જ. મુક્ત મને ચર્ચા થાય અને નિર્ણયો લેવાય. સમાજકાર્ય માટે બધાને સાથે લઈને આગળ વધવું અનિવાર્ય છે. અને છેવટે તો આપણે આપણા કામની જવાબદારી સ્વીકારવી રહી. આજે માનવસર્જિત કાર્યો પ્રકૃતિમાં અસંતુલન વધારે છે, તે પ્રત્યે ચંડીપ્રસાદજી આપણું ધ્યાન દોરે છે.

ગાંધીવિચારના અભયના સિદ્ધાંતને સમજાવતા ચંડીપ્રસાદજી છે કે અસત્ય અને અનિષ્ટ તત્ત્વોનો ભયરહિત થઈ અહિંસક માર્ગથી સામનો કરવો જોઈએ. તદુપરાંત, કથન અને વર્તન એવાં હોવાં જોઈએ કે વિરોધીઓને પણ વિશ્વાસ થાય. કથન અને વર્તનની એકરૂપતા જરૂરી છે.

માનવજીવન, પ્રકૃતિ અને ગાંધી-સિદ્ધાંતો સાથે ચંડીપ્રસાદજી સહજતાથી સંબંધ જોડે છે અને ભારપૂર્વક જણાવે છે કે આજે પણ ગાંધીવિચાર પ્રસ્તુત છે, પ્રાસંગિક છે અને સુસંગત છે.

(સાભાર સૌજન્ય : “જન્મભૂમિ પ્રવાસી”; 16 એપ્રિલ, 2023)
મુદ્રણ સૌજન્ય : કેતન રુપેરા

Loading

બરફની હાજરી

ચૈતન્ય જોષી 'દીપક'|Opinion - Opinion|4 May 2023

બરફની હાજરી મગજમાં હોવી જરૂરી.

એટલી દરકાર તો આપણે લેવી જરૂરી.

કટુવાણી કામ બગાડનારી હોય સર્વદા,

આ વાત સૌએ બસ સમજવી જરૂરી.

મધુવાણી ઠંડા દિમાગની જ નીપજ છે,

ઉશ્કેરાટને ઉકળાટ વેળા તજવી જરૂરી.

હસતો ચહેરો છે નિશાની બરફ હાજરી,

પરાવાણી પ્રત્યેક મુખે ઉચ્ચરવી જરૂરી.

વૈખરી વદનાર કામ બગાડી અપ્રિય થતા,

વસમા વખતે સબર સ્હેજે ધરવી જરૂરી.

પોરબંદર
E.mail : joshichaitanya568@gmail.com

Loading

પ્રસન્ન ભારત : ભ્રમ અને વાસ્તવ વચ્ચે કેટલું અંતર ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 May 2023

ચંદુ મહેરિયા

ભારત કરતાં પાકિસ્તાનના અને એ બેઉ કરતાં રશિયા સાથેના યુદ્ધથી ત્રાહિમામ્‌ યુક્રેનના લોકો વધુ આનંદિત જીવન વ્યતીત કરે છે તથા એશિયા કરતાં યુરોપના દેશો વધુ ખુશહાલ છે, એવું કોઈ કહે તો આપણે માનીએ ? શું આનંદ, ખુશી, પ્રસન્નતાની લાગણી માપી શકાય? આ સવાલો થવાનું કારણ વલ્ડ હેપ્પીનેસ રિપોર્ટ ૨૦૨૩ છે. આ વરસના વિશ્વ પ્રસન્નતા દિવસે (વીસમી માર્ચ) જાહેર થયેલા સંયુક્ત રાષ્ટ્ર્સંઘ સમર્થિત સંસ્થા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્કના વિશ્વ પ્રસન્નતા અહેવાલમાં સામેલ ૧૩૭ દેશોમાં ભારતનું સ્થાન ૧૨૬મું છે. દુનિયાની પાંચમી અર્થવ્યવસ્થા ધરાવતા વિશ્વગુરુ ભારતને આનંદિત દેશોના ક્રમમાં મળેલા નિમ્ન સ્થાને વિવાદ જગવ્યો છે.

યુનોએ ૨૦૧૩થી આનંદ, તંદુરસ્તી અને માનસિક સ્વાસ્થ્યનું મહત્ત્વ વધારવા વીસમી માર્ચના દિવસને નેશનલ ડે ઓફ હેપ્પીનેસ તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે. તે દિવસે વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ પ્રગટ થાય છે. ૨૦૨૦થી ૨૦૨૨ના ત્રણ વરસનું વિષ્લેષણ રજૂ કરતાં ૨૦૨૩માં જાહેર, ૧૬૬ પૃષ્ઠોના અને પાંચ પ્રકરણોમાં વિભાજિત આ રિપોર્ટમાં પાંચ લેખો તથા ૧૩૭ દેશોનું રેન્કિંગ છે. માત્રાત્મક સંકેતકોથી લોકોના જીવનનું ગુણાત્મક મૂલ્યાંકન કરતાં આ અહેવાલમાં સતત છઠ્ઠા વરસે માંડ ૫૫.૫૪ લાખની વસ્તી ધરાવતો દેશ ફિનલેન્ડ પ્રથમ સ્થાને છે. ૨૦૨૦થી અંતિમ સ્થાને રહેતા અફઘાનિસ્તાને તેનું આ સ્થાન ૨૦૨૩માં પણ જાળવી રાખ્યું છે. પહેલા વીસ દેશોમાં એક પણ એશિયન દેશ નથી.

ગૈલપ વર્લ્ડ પોલના ડેટા ઉપરાંત સંબંધિત દેશોના પ્રતિનિધિરૂપ ૫૦૦થી ૩,૦૦૦ લોકોએ નિશ્ચિત માપદંડોને લગતા પ્રશ્નોના જવાબો તરીકે ૦થી ૧૦નો જે રેન્ક દર્શાવ્યા હોય છે તેની સરેરાશ પરથી આ હેપ્પીનેસ આંક નક્કી કરવામાં આવે છે. ઠરાવેલા માપદંડો સ્થાનિક અને વૈશ્વિક હોય છે. જેમ કે, સ્વસ્થ સરેરાશ આયુષ્ય, પ્રતિવ્યક્તિ જી.ડી.પી., સામાજિક સમર્થન, ઉદારતા, વ્યક્તિને જીવનમાં પસંદગીની સ્વતંત્રતાનો અધિકાર, ઉદારતા, કલ્પનાલોક અને દેશમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર.

વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં ભારતનું સ્થાન સુધરી રહ્યું છે. પરંતુ ઘણા વરસોથી તે તળિયે જ જોવા મળે છે. ૨૦૧૯માં તેનો પ્રસન્નતા આંક ૧૪૦, ૨૦૨૦માં ૧૪૪, ૨૦૨૧માં ૧૩૯, ૨૦૨૨માં ૧૩૬ અને ૨૦૨૩માં ૧૨૬ છે. ૨૦૨૩માં ભારત કરતાં ભારતના પાડોશી દેશોમાં વધુ પ્રસન્નતા જણાઈ છે. ચીનનો ક્રમ ૬૪, મ્યાંમારનો ૭૨, નેપાળનો ૭૮, બાંગ્લાદેશનો ૧૦૨ અને પાકિસ્તાનનો ૧૦૮ છે. યુદ્ધમાં ઘેરાયેલા રશિયા અને યુક્રેનના આનંદક્રમ અનુક્રમે ૭૦ અને ૯૨ છે. તે પણ ભારત કરતાં પ્રસન્નતામાં ચડિયાતા હોય તે બાબત નવાઈ પમાડે તેવી છે.

એકસો સાડત્રીસ દેશોમાં ભારતનું સ્થાન એકસો છવ્વીસમું હોય તે વાત ઘણાને હજમ થતી નથી. જો કે ઘણાને તેમાં કંઈ અજુગતું પણ લાગતું નથી. ઓક્સફામના અમીરો-ગરીબો વચ્ચેના અંતરનો અહેવાલ, ગ્લોબલ હંગર ઈન્ડેક્ષ, માતા-બાળક મૃત્યુદર, માનવ વિકાસ સૂચકાંક, ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ, ગુણવતાયુક્ત શિક્ષણના અભાવથી અપૂરતી આરોગ્ય સગવડો જેવા ઘણા અહેવાલોમાં ભારતનું સ્થાન નીચું છે. એટલે હેપ્પીનેસ રિપોર્ટમાં ભારત તળિયાના દસ દેશોમાં હોય તે સ્વાભાવિક લેખાવું જોઈએ. દેશમાં પ્રવર્તમાન ભ્રષ્ટાચાર, મહિલા સુરક્ષાનો અભાવ, શહેરીકરણા અને તેના સવાલો, બેરોજગારી સાથે આવકમાં ઘટાડો, આરોગ્ય ખર્ચમાં વધારો, ખરાબ માનસિક આરોગ્ય અને પર્યાવરણ-પ્રદૂષણ જેવી બાબતો ભારતના લોકોની ખુશીમાં બાધક છે.

સવાસો કરોડની વસ્તીના દેશના ૫૦૦ થી ૩,૦૦૦ લોકોના જવાબો પરથી પ્રસન્નતા આંક કઈ રીતે નક્કી થઈ શકે તેવો સવાલ પણ હેપ્પીનેસ રિપોર્ટમાં ભારતના નીચા સ્થાનના વિરોધીઓનો છે. બહુ નાની સેમ્પલ સાઈઝનો આ સવાલ લગભગ કોઈ પણ સર્વેક્ષણના નિષ્કર્ષો સામે ઉઠતો હોય છે. તેના જવાબમાં રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે તેના તારણો ૯૫ ટકા સાચા છે કે તે રિઝનેબલી ગુડ એસ્ટીમેટ એટ ઘ નેશનલ લેવલ છે.

કેટલાક આલોચકો માપદંડો સામે સવાલો ઉઠાવે છે. ખુશીને અસર કરી શકે તેવા માપદંડોનો અભાવ હોવાની તેમની ફરિયાદ છે. વળી જટિલ અને બહુઆયામી આનંદ અને ઉદારતાની અવધારણાને કઈ રીતે માપી શકાય ? તેમ પણ તેઓ પૂછે છે. માત્ર આર્થિક સમૃદ્ધિ આનંદનું કારણ હોઈ શકે ખરું ? જો જવાબ હા હોય તો અમેરિકા, બ્રિટન અને સંયુક્ત આરબ અમીરાત જેવા ધનના ઢગલે આટોળતા દેશો પ્રસન્નતામાં ટોપ ટેન કેમ નથી? એટલે લોકોની ખુશી અને સંતોષ માત્ર આર્થિક બાબતો પર જ નિર્ભર નથી.

ભારત પણ લોકોના ચહેરા પર પ્રસન્નતા આણવા અને આંકવા પ્રયત્નો કરી રહ્યું છે. મધ્ય પ્રદેશ સરકારે ૨૦૧૬થી રાજ્યમાં આનંદ મંત્રાલય શરૂ કર્યું છે. તેનું કારણ રાજ્યમાં વધતા આત્મહત્યાના બનાવો અને લોકોમાં વ્યાપ્ત તણાવ અને નિરાશા હતા. લોકોમાં આનંદ સહિતની બાબતો રોપવા કેટલાક મોડ્યુલ તૈયાર કર્યા છે. તે ઉપરાંત આનંદ કલબ અને જોય ઓફ ગિવિંગના આયોજનો થાય છે. વડા પ્રધાને જી-૨૦ના દેશોને મહિલાઓમાં પ્રસન્નતા જાણવા કરેલા આહ્વાનને અનુસરીને હરિયાણામાં એક એન.જી.ઓ.એ રાજ્યના ત્રણ જિલ્લામાં વુમન હેપ્પીનેસ ઈન્ડેક્ષ માટે સર્વે હાથ ધર્યો છે. સંસ્થા વુમન હેપ્પીનેસ ચાર્ટ મહિલાઓના ઘરે લગાવીને તેના પરથી મહિલાઓની ખુશી માપવાની છે. ૨૦૨૩માં દુનિયાના જે દસ દેશો પ્રસન્નતામાં ટોચે છે તેમાંથી આઠ દેશોમાં ચાળીસ ટકા સંસદીય પદો પર મહિલાઓ છે. એ દૃષ્ટિએ પણ મહિલાઓની ખુશીને પ્રાધાન્ય મળવું જોઈએ.

માનસશાસ્ત્રના સંશોધક ફ્રેન્ક માર્ટેલા પ્રસન્નતા આંકને જરા જુદી રીતે મૂલવે છે. તેઓ કહે છે કે હું ફિનલેન્ડ દુનિયાનો સૌથી ખુશખુશાલ દેશ છે એમ નહીં કહું પણ એમ કહીશ કે  ફિનલેન્ડમાં બહુ ઓછા લોકો દુ:ખી છે. કોઈ પણ સરકાર તેના નાગરિકોના ચહેરા પર પરાણે સ્મિત ના આણી શકે પરંતુ યોગ્ય અને સારું કામ કરવા સક્ષમ સંસ્થાઓ, સગવડો અને સેવાઓ આપીને તે તેમના દુ:ખનાં ઘણાં કારણો દૂર કરી શકે છે.

૧૯૫૬માં સૌરાષ્ટ્ર સરકારે સફાઈ કામદારોની સ્થિતિનો અભ્યાસ કરવા દવે કમિશનની રચના કરી હતી. કમિશને તેના અહેવાલમાં સફાઈ કામદારોની વસ્તીની જાત મુલાકાતના આધારે સાંજ પડે લોકો વસ્તીમાં ભેગા થઈ હાહાહીહી અને ઠઠ્ઠામશ્કરી કરતા હોય છે તેની ટીકા કરી હતી. સફાઈ કામદારો તેમના દુ:ખ અને વેદનાને ભૂલવા હસે કે હસી કાઢે તે ટીકાસ્પદ અને મહાનગરો-નગરોની કૃત્રિમ હાસ્યની લાફિંગ કલબો આવકારદાયક એવા વિરોધાભાસ વચ્ચેના પ્રસન્ન ભારતના પ્રસન્નતા આંકને માપવો અઘરો છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,1521,1531,1541,155...1,1601,1701,180...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved