Opinion Magazine
Number of visits: 9456325
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડાબેરીઓને હજુ પણ હત્યાઓ અને ગુલામી બહુ ગમે છે?

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|15 June 2025

હેમન્તકુમાર શાહ

ક્રાંતિ અને મૂડીવાદનો વિરોધ તથા સમાજવાદ કે પછી આર્થિક સમાનતાના નહીં સિદ્ધ થયેલા આદર્શને નામે ચીન, રશિયા, પૂર્વ યુરોપ અને દુનિયાના અનેક દેશોમાં જે સામ્યવાદી તાનાશાહી વીસમી સદીમાં ચલાવવામાં આવી અને લાખો લોકોને મારી નાખવામાં આવ્યા કે જેલમાં નાખવામાં આવ્યા એ હકીકતને ડાબેરીઓ કે સામ્યવાદીઓ અવગણે છે. 

અમેરિકન કે પશ્ચિમ યુરોપિયન મૂડીવાદનો કે ભારતના મૂડીવાદનો અને હિન્દુ જાતિવાદનો વિરોધ કરવામાં તેઓ સામ્યવાદને નામે આચરાયેલી ભયંકર હિંસા સામે આંખો બંધ કરી દે છે એ આશ્ચર્યજનક છે. 

કેટલીક હકીકતો જોઈએ :

(૧) સોવિયેત સંઘમાં ૧૯૨૧થી ૧૯૫૩ દરમ્યાન આઠ લાખ વિરોધીઓને મોતની સજા થઈ હતી, હિટલરે ઊભી કરી હતી તેવી શ્રમ છાવણીઓમાં ૧૩થી ૧૭ લાખ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા, ૩.૯૦ લાખ ખેડૂતોને મારી નાખવામાં આવ્યા હતા. જોસેફ સ્ટાલિન ત્રીસ વર્ષ સુધી સત્તા પર રહી ૧૯૫૩માં મરી ગયા તે પછી તો જે થયું તે જુદું. 

(૨) ચીનમાં સાંસ્કૃતિક ક્રાંતિને નામે માઓ ત્સે તુંગ દ્વારા ૧૯૬૬-૬૯ દરમ્યાન ૧૬ લાખ લોકોને મારી નાખવામાં આવ્યા હતા. 

(૩) પૂર્વ યુરોપના યુક્રેન, બેલારુસ, લિથુઆનિયા, લાતવિયા, એસ્ટોનિયા, જ્યોર્જિયા, પોલેન્ડ, હંગેરી, ચેકોસ્લોવેકિયા, આઝારબૈજાન, કિર્ઘિસ્તાન, તુર્કમેનિસ્તાન વગેરે જેવા ૧૪ દેશોને રશિયાએ લગભગ ગુલામ બનાવી દીધેલા ૧૯૯૧ સુધી. યુક્રેનને ફરી ગુલામ બનાવવા જ પુતિને યુદ્ધ શરૂ નથી કર્યું?

(૪) હંગેરીમાં ૧૯૫૬માં જ્યારે સામ્યવાદી તાનાશાહી સામે લોકોએ અવાજ ઉઠાવ્યો ત્યારે ત્યાં સોવિયેત લશ્કરે ૨,૫૦૦ લોકોને મારી નાખેલા અને બીજા ૨૦,૦૦૦ લોકો એ સંઘર્ષમાં ઘવાયા હતા. આશરે બે લાખ લોકોને દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું. 

(૫) ૧૯૬૮માં ચેકોસ્લોવેકિયામાં પણ સામ્યવાદી તાનાશાહી સામે લોકોએ તદ્દન અહિંસક રીતે અવાજ ઉઠાવ્યો ત્યારે સોવિયેત સંઘે ત્યાં લશ્કર મોકલીને ફરી ચેક લોકોને ગુલામ બનાવી દીધેલા.

હજુ કેટલાં ય ઉદાહરણો, વિગતો આપી શકાય તેમ છે. દુનિયાભરમાં સામ્યવાદી શાસનોમાં આ રીતે આશરે દસ કરોડ લોકોની હત્યા કરવામાં આવી અને લાખો લોકોને જેલમાં નાખવામાં આવ્યા એમ ઘણા તટસ્થ અંદાજો કહે છે.

મૂડીવાદી લોકશાહી માણસોનું શોષણ કરીને આડકતરી રીતે મારે છે એ મંજૂર. પણ સામ્યવાદી તાનાશાહી સીધી જ હત્યાઓ કરે છે એનું શું? એમાં સત્તાધીશો કોઈ વિરોધ સહન કરતા જ નથી એનું શું? ચીનમાં શું થઈ રહ્યું છે છેલ્લી પોણી સદીથી? 

ધર્મને નામે ચાલતી રાજાશાહીવાળી તાનાશાહી સુન્ની સાઉદી અરેબિયામાં શું કરી રહી છે?  શિયા ઈરાનમાં શું થઈ રહ્યું છે? અફઘાનિસ્તાનની તો વાત જ ન પૂછો! 

કોઈ પણ પ્રકારની આવી તાનાશાહીનું સમર્થન કોઈ કાળે થઈ શકે નહીં. અને એની ઈચ્છા પણ રાખી શકાય નહીં. ભારતીય ડાબેરીઓ કે સામ્યવાદીઓએ એ ભૂલવું જોઈએ નહીં કે તેઓ લોકશાહી માર્ગે કેરળ, ત્રિપુરા અને બંગાળમાં સત્તા પર આવ્યા હતા અને ટક્યા હતા. ભારતની મૂડીવાદી લોકશાહીનું એ સામ્યવાદી નજરાણું રહ્યું છે.

નોબેલ સાહિત્ય ઇનામ વિજેતા સોવિયેત લેખક એલેક્ઝાન્ડર સોલ્ઝેનિત્સિનનાં પુસ્તકો વાંચીએ તો સોવિયેત સંઘના નેતાઓની ક્રૂરતા હિટલરની ક્રૂરતા કરતાં સહેજે ઓછી નહોતી એનો સ્વાભાવિક રીતે ખ્યાલ આવે છે.

એક મહાન યુગોસ્લાવ લેખક હતા મિલોવાન જિલાસ. તેમણે સામ્યવાદમાં સામ્યવાદીઓ પોતે જ કેટલા શોષણખોર બની જાય છે એ તેમના વિખ્યાત પુસ્તક ‘The New Class’માં અદ્ભુત રીતે સમજાવ્યું છે. એ વાંચવાની હિંમત ડાબેરીઓએ કરવી જોઈએ. 

કહેવાનો અર્થ એ નથી અહીં કે, મૂડીવાદ સામ્યવાદ કરતાં સારો અને ઇચ્છનીય છે. પણ હા, મૂડીવાદી લોકશાહીમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા રહે છે ખરી કે જે સામ્યવાદી તાનાશાહીમાં હોતી નથી એ સાબિત થઈ ગયેલી હકીકત છે. એટલે અંશે મને મૂડીવાદી લોકશાહી ગમે છે કારણ કે એમાં હું જંતુ નહીં માણસ તરીકે જીવી તો શકું છું અને સરકારનો વિરોધ તો કરી શકું છું. માટે લોકશાહીને બચાવવી એ જ એક ઉપાય છે, સામ્યવાદના મંજીરાં વગાડ્યા વિના. હિંસા, અન્યાય અને ગુલામીનો વિરોધ એ જ એક સૂત્ર. મનુષ્યની સ્વતંત્રતા સર્વોચ્ચ મૂલ્ય.  

(મારા કેટલાક મિત્રો *સામ્યવાદી તાનાશાહી* જેવા શબ્દો જ્યારે હું લખું ત્યારે મારી પર રોષે ભરાય છે. તેમણે જ મને આ લખવા માટે પ્રેરણા આપી છે. તેમનો ખૂબ ખૂબ આભાર. તેઓ હવે મને જોઈને એમનું મોં ફેરવી લે તો ભલે.) 

તા.૧૪-૦૬-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પૈસા ખર્ચો અને જીવ બચાવો

રમેશ ઓઝા|Opinion - Opinion|15 June 2025

રમેશ ઓઝા

વાહનોનાં થતા અકસ્માત હાથમાંથી વાસણ પડી જાય એવા નિર્દોષ નથી હોતા, તેની પાછળ કોઈકને કોઈક પ્રકારની ખામી કે નિષ્ફળતા કારણભૂત હોય છે. અમદાવાદ એરપોર્ટ નજીક એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું વિમાન ઉડતાની સાથે જ એક મિનિટમાં પડી ગયું એ જેટલી આઘાતજનક ઘટના છે એટલી ખામીજન્ય ઘટના છે. વિમાન બોઇંગ કંપનીનું હતું અને બોઇંગની ડ્રીમલાઈનર તરીકે ઓળખાતી ૭૮૭ સિરીઝના વિમાનનો આ પહેલો અકસ્માત છે. બોઇંગ કંપનીનાં ૭૮૭ સિરીઝનાં ૧,૧૭૦ વિમાનો વિશ્વભરમાં આકાશમાં ઊડી રહ્યાં છે અને તેણે અત્યાર સુધીમાં ત્રણ કરોડ કલાકનું ઉડ્ડયન કર્યું છે અને એક અબજ ઉતારુઓને પ્રવાસ કરાવ્યો છે. બોઇંગની ૭૩૭ મેક્સ સિરીઝની નિષ્ફળતા અને બદનામી પછી આ નવી સિરીઝની સફળતા રાહતરૂપ હતી અને કંપનીએ આ વરસના પ્રારંભમાં તેની ઉજવણી પણ કરી હતી. 

પણ એનો અર્થ એવો નથી ૭૮૭ સિરીઝનાં દરેક વિમાન ખામીરહિત હોય. એ ખામી ઉત્પાદનમાં હોઈ શકે છે, પાછળથી પેદા થઈ હોય એવું પણ બને, અમુક કલાકના વપરાશ પછી ખામી પેદા થાય એવી કોઈક ઉત્પાદનમાં જ ખામી હોય એવું પણ બને, એરલાઈન્સ કંપનીના મેઈન્ટેનન્સમાં ખામી હોઈ શકે છે. શક્યતાઓ અનેક છે. આમ તો વિમાનની લાઈફ સરેરાશ ૩૦ વરસની હોય છે અને આ વિમાન ૧૧ વરસ જૂનું છે. તેને નવું ન કહેવાય તો જૂનું ખખડી ગયેલું પણ ન કહેવાય. અહીં એક વાત જણાવવી જોઈએ કે એર ઇન્ડિયા પાસે ૭૮૭ સિરીઝનાં વિમાનો સૌથી વધુ છે. આ વિમાનો માટે એર ઇન્ડિયા બોઇંગ કંપનીનો સૌથી મોટો ઘરાક છે અને એ વિમાનો ત્યારે ખરીદવામાં આવ્યાં હતાં જ્યારે એર ઇન્ડિયા સરકારની માલિકીની હતી. હજુ ૨૦ વિમાનોની ડિલીવરી આવવાની બાકી છે. ટૂંકમાં ખરીદી સરકારી હતી.  

વિમાનનો પાયલોટ પણ અનુભવી હતો. ૮,૨૦૦ કલાકના ઉડ્ડયનનો તેને અનુભવ હતો અને સહાયક પાઈલોટ ૧,૧૦૦ કલાકનો અનુભવ ધરાવતો હતો. આમ ભૂલની શક્યતા ઓછી છે, પણ માણસ ભૂલ ન જ કરે એવું તો નથી. માણસ આખરે માણસ છે. ટેઈકઑફ પછી માત્ર ૩૦ સેકંડમાં પાઈલોટ કન્ટ્રોલ ટાવરને “મેડે” એમ કહે છે અને પછી કોઈ જવાબ જ મળતો નથી. વિમાની ઉડ્ડયનમાં મેડેનો અર્થ થાય છે સંકટ. એવું સંકટ જે પાઈલોટના કન્ટ્રોલની બહારનું છે અને મદદની જરૂર છે. આનો અર્થ એ થયો કે સંભવતઃ વિમાનના બન્ને એંજીન કામ કરતાં અટકી ગયાં હતાં અને પાઈલોટ લાચાર હતો. પણ બન્ને એન્જીન એક સાથે કામ કરતાં અટકી જાય અને એ પણ ઉડતાની સાથે ત્રીસ સેકન્ડમાં એવું પણ જવલ્લે જ બને. નિષ્ણાતો કહે છે કે દસ લાખે એક કિસ્સામાં આવું બને. એક અનુમાન એવું છે કે બન્ને એન્જીનમાં પક્ષી અથડાયાં હોય. આવું પણ જવલ્લે જ બની શકે, પણ શક્યતા ખરી. એક નિવૃત્ત પાયલોટે કહે છે કે તેના વખતમાં અમદાવાદના એરપોર્ટ પર પક્ષીઓનાં ઝૂંડ જોવા મળતાં હતાં. 

અકસ્માત થવા માટે કોઈ મોટું અને દેખીતું કારણ નજરે પડતું નથી તો અકસ્માત થયો કેમ? ૭૮૭ સિરીઝનાં વિમાનોનો સફળતાનો ઇતિહાસ છે, પાઇલોટ અનુભવી હતો, બન્ને એન્જીન એક સાથે અને એ પણ ત્રીસ સેકન્ડમાં કામ કરતાં અટકી જાય એવું તો જવલ્લે જ બને વગેરે જોતાં અકસ્માત માટે આ સિવાયનાં બે કારણ હોઈ શકે છે. 

બોઇંગના ૭૮૭ સિરીઝનાં વિમાનોની બનાવટ જ એવી હોય કે વિમાન ઊડતાં થાય એ પછી બાર-પંદર વરસમાં ખામી પેદા થવા લાગે. અને આવી ફરિયાદ પણ થઈ છે. બોઇંગ કંપનીમાં ૭૮૭ સિરીઝના પ્રોજેક્ટમાં કામ કરી ચુકેલા એક નહીં બે જણાએ ચેતવણી આપતા કહ્યું છે કે બોઇંગ ૭૮૭ સિરીઝના વિમાનોનું એસેમ્બલીંગ જેવી રીતે થવું જોઈએ એ રીતે થતું નથી. એમાં ઝીણા ઝીણા ખાંચા રહે છે અને એ જતે દિવસે જોખમ પેદા કરી શકે છે. કંપનીએ આ વિમાનો ૨૦૧૧ની સાલમાં માર્કેટમાં મુક્યા હતા. એર ઇન્ડિયાએ આ વિમાન ૨૦૧૪માં ખરીદ્યું હતું. ૧૧ વરસ થયાં. એસેમ્બલીંગમાં રહેલી ખામી હવે જોખમી બનવા માંડી હોય. જો એમ હોય તો બોઇંગ ૭૮૭ સિરીઝનાં વિમાનનો આ પહેલો અકસ્માત હોય અને હવે વધુ અકસ્માત થઈ શકે છે. યોગાનુયોગ એવો થયો કે જે દિવસે અમદાવાદમાં અકસ્માત થયો એ દિવસે જ ટ્રમ્પ વહીવટીતંત્રે બ્રાયન બેડ્ફોર્દની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના વડા તરીકે નિમણૂક કરી છે અને તેણે કહ્યું છે કે તે બોઇંગને તેનાં ખામીયુક્ત ૭૩૭ મેક્સ વિમાનો બજારમાં મુકવા માટે છોડશે નહીં. એમાં હવે ૭૮૭ સિરીઝનાં વિમાનોની સુરક્ષિતતાની તપાસ કરવામાં આવે તો આશ્ચર્ય નહીં. એમ કહેવાય છે કે બોઇંગ કંપનીમાં આંતરિક સાઠમારી અને રાજકારણ તેની ચરમસીમાએ છે. કંપની અંદરથી તૂટી રહી છે એમ પણ કહેવાય છે. 

બીજું સંભવિત કારણ છે મેઈન્ટેનન્સ. આ જ વિમાનમાં એક મહિના પહેલાં પહેલી મેના દિવસે ખામી સર્જાઈ હતી અને ફ્લાઈટ રદ્દ કરવામાં આવી હતી એમ શરદ રાવળ નામના એક લંડન સ્થિત ગુજરાતી ઉતારુ કહે છે. આ વિમાન દિલ્હીથી અમદાવાદ આવ્યું હતું અને અમદાવાદથી દિલ્હી જવા નીકળ્યું હતું. આ વિમાનમાં દિલ્હીથી અમદાવાદનો પ્રવાસ કરનારા એક ઉતારુએ કહ્યું હતું કે વિમાનમાં એ.સી. સરખું ચાલતું નહોતું. 

અને ભારતમાં મેઈન્ટેનન્સની સ્થિતિ કેવી છે એ વિમાનપ્રવાસ કરનારા ઉતારુઓ ક્યાં નથી જણાતા! અમેરિકા અને ચીન પછી ભારત ત્રીજો દેશ છે જ્યાં વિમાનપ્રવાસ કરનારા ઉતારુઓ સૌથી વધુ છે અને તેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. નાગરિક ઉડ્ડયન વ્યવસાયમાં સૌથી ઝડપથી ગ્રોથ થતો હોય તો એ ભારતમાં. આની સામે એરપોર્ટ ઓછાં છે, એરપોર્ટ સુવિધા વિનાનાં છે, નાનાં પડે છે, પર્યાપ્ત રન વે નથી, આકાશમાં વિમાનોનો ભરાવો થાય છે, વિમાનોની મરમ્મત માટે સુવિધા નથી, વિમાન ઊભાં રાખવા માટે વિશાળ એરપ્લેન બૅ નથી, એર લાઈન્સ માત્ર ચાર છે જેમાં ઇન્ડીગો ૬૪ ટકાનો અને એર ઇન્ડિયા ૨૭ ટકાનો માર્કેટ શેર ધરાવે છે (આ બે એર લાઈન્સની એક રીતે ઈજારાશાહી છે), વિમાનો ઓછાં પડે છે અને વધુ કમાવા અનેક રૂટ ખોલ્યાં છે. એક રૂટથી બીજા રૂટ પર જતા વિમાનમાં સફાઈ પણ ન થતી હોય ત્યાં ટેકનીકલ ઇન્સ્પેકશન અને મેઈન્ટેનન્સ તો દૂરની વાત છે. તમારી સીટ સામેના પોકેટમાં આગલા પ્રવાસીનાં પાણીના ગ્લાસ અને નાસ્તાના પડીકા તમે જોયાં હશે અને એર હોસ્ટેસને બોલાવીને હટાવ્યાં હશે. આ આપણો બધાનો રોજનો અનુભવ છે. આ સ્થિતિમાં પેલા બે પ્રવાસીએ આ વિમાન વિષે જે કહ્યું છે તેને લક્ષમાં લેવાની જરૂર છે. ભારતની આવી સ્થિતિ વિષે અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશને અનેકવાર ફરિયાદો કરી છે, પણ કશો ફેર પડતો નથી. 

જતા દિવસે શું થશે કહું? ભારતનાં મોટાં શહેરોમાં બે એરપોર્ટ જોવા મળશે. એક સાધારણ મધ્યમવર્ગ માટેનાં એસ.ટી. ડેપો જેવાં એરપોર્ટ અને બીજાં શ્રીમંતો માટેનાં એક્ઝીક્યુટીવ એરપોર્ટ. એક્ઝીક્યુટીવ એરપોર્ટ પર તમારી સુવિધા અને તમારાં જીવનની સુરક્ષાની વધારે તજવીજ કરવામાં આવશે. પૈસા ખર્ચો અને જીવ બચાવો.  

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 જૂન 2025

Loading

ચલ મન મુંબઈ નગરી—293

દીપક મહેતા|Opinion - Opinion|14 June 2025

તુકોજીરાવનો જીવનમંત્ર : ‘તૂ નહિ, ઔર સહી.’       

આજથી દાયકાઓ પહેલાં એક હિન્દી ફિલ્મ આવેલી : ‘તૂ નહિ, ઔર સહી.’ એ જ શબ્દોથી શરૂ થતું ટાઈટલ સોંગ લખેલું મજરૂહ સુલતાનપુરીએ. સંગીતકાર રવિએ બાંધેલી તરજમાં ગાયું હતું મુકેશ ચંદ માથુર ઉર્ફે મુકેશે. આ ફિલ્મ તો આવેલી ૧૯૬૦માં. અને ઇન્દોર રાજવી તુકોજી મહારાજે ગાદીત્યાગ કર્યો તે ૧૯૨૬માં. એટલે તેમણે તો આ ગીત ક્યાંથી સાંભળ્યું હોય? હા, કદાચ તેમના જીવન પરથી મજરૂહ સુલતાનપુરીને પ્રેરણા મળી હોય!

રાજકાજ ગયા પછી કરવું શું? દીકરો યશવંતરાવ ગાદીએ તો બેઠો પણ હજી સગીર વયનો હતો એટલે રાજ્યનો કારભાર પોલિટિકલ એજન્ટ અને તેમણે નીમેલી સમિતિના હાથમાં હતો. એટલે તુકોજીરાવને તુક્કો આવ્યો : ચાલો જઈએ, પરદેશની મુસાફરીએ. 

સ્વિત્ઝરલેન્ડમાં તુકોજીરાવનો પોતાનો બંગલો હતો. એટલે નાની રાણીને લઈને ઊપડ્યા સ્વિત્ઝરલેન્ડ. પણ છ એક મહિના થયા ત્યાં નાની રાણી તો કંટાળી ગયાં. કહે ચાલો, પાછાં ઘરે જઈએ! ‘તમારે જવું હોય તો જાવ, ઇન્દોર. મને તો અહી ગોઠી ગયું છે.’ નાની રાણી ઇન્દોર ગયાં પછી તુકોજીરાવ મનમાં ને મનમાં ગણગણ્યા હશે: ‘આજ મૈં આઝાદ હું દુનિયા કે ગગન મેં.’ અને તૈયાર થઈ ગયા નવી ગિલ્લી નવો દાવ, માટે. 

અમેરિકન પત્ની નેન્સી સાથે તુકોજીરાવ

અને થયું કાગનું બેસવું, અને તાડનું પડવું જેવું. અમેરિકાના સીએટલ, વોશિંગ્ટનમાં ૧૯૦૭ના સપ્ટેમ્બરની નવમીએ જન્મેલી નેન્સી મિલર. બાપ અલાસ્કાની ઘણી સોનાની ખાણોનો માલિક. તો મા હતી કોન્સર્ટ પીઆનિસ્ટ. નેન્સીએ યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં ‘ઓરિએન્ટલ સિવિલીઝેશન’ કહેતાં પૂર્વની સંસ્કૃતિનો અભ્યાસ કરેલો. બાપ પાસે ચિક્કાર પૈસો, એટલે કમાવાની ચિંતા તો નેન્સીને હતી જ નહિ. અવારનવાર ફરવા નીકળી પડે, ઘણી વાર મા-બાપ પણ સાથે હોય. જે વખતે તુકોજીરાવ સ્વિત્ઝરલેન્ડમાં, એ જ વખતે નેન્સી પણ ત્યાં. તુકોજીરાવ અવારનવાર લુસેનના કેસિનોમાં જાય. લાખ્ખો કમાય કે ગુમાવે. નેન્સી પણ એ કેસીનોમાં જાય. અને એક વાર બંનેની નજર મળી, મન હળ્યાં. મૈત્રી થઈ. તુકોજીરાવ કરતાં નેન્સી સત્તર વરસ નાની. પણ તુકોજીરાવના સંગનો રંગ લાગ્યો. એ પેરિસ ગઈ, તો તુકોજીરાવ પણ પેરિસ. એ દાદી પાસે અમેરિકા ગઈ તો તુકોજીરાવ પણ અમેરિકા. ત્યાં જઈ નેન્સીનાં દાદીને મળ્યા. કહે : ‘હું નેન્સી સાથે લગન કરવા માગું છું.’ દાદીએ નેન્સી સામે જોયું. નેન્સી કહે : ‘હા, હું પણ તેમના પ્રેમમાં પડી છું.’ મિયાં-બીબી રાજી, તો ક્યા કરે દાદીજી! દીકરી અને દાદી એસ.એસ. જિનોઆ નામની સ્ટીમરમાં બેઠાં અને ૧૯૨૭ના ડિસેમ્બરની ૨૬મી તારીખે આવી પહોચ્યાં મુંબઈ. 

મુંબઈના એક છાપામાં લગ્નની તૈયારીઓ વિશેનો અહેવાલ

તુકોજીએ હિન્દુસ્તાનનો કિનારો છોડ્યો ત્યારથી બ્રિટિશ સરકારના ખબરીઓ તેમની નાની-મોટી વાતોની ખબર લંડન પહોચાડતા હતા. એટલે તુકોજીરાવ અને નેન્સીના પ્રેમપ્રકરણની વાત વાયા લંડન મુંબઈ પહોંચી ગઈ હતી. મુંબઈ સરકારે અમેરિકન એલચીને ચેતવ્યા. એસ.એસ. જિનોઆ મુંબઈના બેલાર્ડ પિયર પર નાંગરી ત્યારે નેન્સીને મળવા અમેરિકન એલચી હાજરાહજૂર હતા. તેમણે તુકોજીરાવ સાથે લગ્ન ન કરવાની સલાહ આપી. પછી આડકતરી ધમકી. કશું બોલ્યા વગર નેન્સીએ પોતાનો પાસપોર્ટ તેમના હાથમાં મૂક્યો અને બોલી : ‘વાંચો મારી જન્મ તારીખ.’ એલચીએ વાંચી: ‘સપ્ટેમ્બર ૯, ૧૯૦૭.’ નેન્સી : ‘હવે હું સગીર વયની નથી, પુખ્ત વયની છું. એટલે આપ મને રોકી શકો નહિ.’ અને અમેરિકન એલચીએ ચાલતી પકડી. 

એ અરસામાં ગ્રેટ બ્રિટન અને અમેરિકાના સંબંધો બહુ એખલાસભર્યા નહોતા. એટલે એક તો બ્રિટિશ સરકારને વહેમ હતો કે આ નેન્સી હિન્દુસ્તાનમાં રહીને જાસૂસી તો નહિ કરે ને? નેન્સીના બાપની સંપત્તિ અને લાગવગ અંગે બ્રિટિશ સરકાર જાણતી હતી. એટલે એવો પણ વહેમ હતો કે અમેરિકન સરકારને ઉશ્કેરીને તુકોજીરાવના ગાદીત્યાગ અંગે હોબાળો તો ઊભો નહિ કરાવે ને? અમેરિકન એલચીના હાથ હેઠા પડ્યા એટલે બ્રિટિશ સરકારે તુકોજીરાવ સામે હથિયાર ઉગામ્યું : ‘તમને દર વરસે ૫૦ હજાર પાઉન્ડનું પેન્શન આપીએ છીએ તે સાવ ઘટાડી નાખશું.’ તુકોજીરાવ કહે : ‘ગાદીત્યાગ અંગેના કરારમાં આવી કોઈ કલમ નથી. છતાં તમે આમ કરશો તો હું પ્રીવી કાઉન્સિલમાં ધા નાખીશ.’

તો બીજી બાજુ ઈન્દોરની રૈયતે આ લગ્નનો વિરોધ કર્યો. કારણ નેન્સી પરધર્મી હતી. તેમાં ય તુકોજીરાવની ધનગર જ્ઞાતિનો વિરોધ તો ઘણો ઉગ્ર હતો. મોટી અને નાની રાણીઓએ પણ વિરોધ કર્યો : ‘ન કરે નારાયણ, ને કાલ સવારે તમારાં સંતાનો રાજગાદી પર હક્ક કરતાં આવે તો? અને નાની રાણીએ તો તરત ઉપવાસ શરૂ કરી દીધા. પણ આ વખતે તુકોજીરાવે મનમાં ગાંઠ વાળી લીધી હતી : ‘ડગલું ભર્યું કે ના હઠવું, ના હઠવું.’ બે રાણીઓનો વિરોધ છે? નેન્સી અને તુકોજીરાવે લેખિત બાંહેધરી આપી કે ભવિષ્યમાં અમારું કોઈ સંતાન રાજગાદી પર હક્ક નહિ કરે. બિન-હિંદુ સ્ત્રી સાથેનાં લગનનો ધનગર જ્ઞાતિ વિરોધ કરે છે? ૧૩મી માર્ચે નાશિક જઈને નેન્સીએ પોતાનો ધર્મ ત્યજી હિંદુ ધર્મ અંગીકાર કર્યો અને નામ બદલીને નેન્સીમાંથી શર્મિષ્ઠા દેવી બની. 

નવવધૂ નેન્સી લગ્ન પહેલાં ભેટ–સોગાદો સ્વીકારતાં પાછળ ઇન્દોરનરેશ અને ઓરમાન દીકરા યશવંતરાવ હોલકરનું તૈલચિત્ર

૧૭ માર્ચ ૧૯૨૮. ઇન્દોરથી લગભગ ૩૭ માઈલ દૂર આવેલ બડવાહ ગામ વહેલી સવારથી ધમધમતું હતું. દરિયા મહાલ પેલેસને શણગારવામાં આવ્યો હતો. ગામમાં ઠેર ઠેર તોરણો બંધાયાં હતાં અને ચોરે-ચૌટે શરણાઈઓ ગુંજતી હતી. પેલેસની બહારના મેદાનમાં પચીસ હજાર મહેમાનોને સમાવી શકે એવો વિશાળકાય તંબુ બાંધ્યો હતો. વરઘોડા માટે ઇન્દોર રાજ્યના હાથી-ઘોડા, પાયદળના સૈનિકો, બેન્ડ વગેરે વાપરવાની તુકોજીરાવની માગણી અંગ્રેજ સરકારે સ્વીકારી હતી. પણ પોલિટિકલ એજન્ટે તમામ અંગ્રેજ અધિકારીઓને આદેશ આપ્યો હતો કે લગ્ન સમારંભ વખતે હાજર ન જ રહેવું. પણ કેટલાક બિન-સરકારી અંગ્રેજો અને પારસી અમલદારો હાજર રહ્યા હતા. કેટલાંક દેશી રાજ્યોએ પોતાના પ્રતિનિધિઓ મોકલ્યા હતા. 

તુકોજીરાવ ત્રીજાનાં ત્રીજાં લગ્નનાં બેન્ડ, બાજા, બારાત

… લગ્ન પછી તુકોજીરાવ અને નેન્સી ઉર્ફે શર્મિષ્ઠા દેવી પરદેશ આવજા કરતાં, પણ મુખ્યત્ત્વે ઇન્દોરમાં જ રહ્યાં. નેન્સીએ ચાર દીકરીને જન્મ આપ્યો. અને બધીને મરાઠા કુટુંબોમાં પરણાવી. ૧૯૭૮ના મે મહિનાની ૨૭મી તારીખે તુકોજીરાવાનું અવસાન થયું. તે પછી નેન્સી મોટો મહેલ છોડી સુખ નિવાસ પેલેસ નામના નાના મહેલમાં રહેવા ગઈ. એક અહેવાલ પ્રમાણે નેન્સીના મૃત્યુ પછી તેની ચાર દીકરીઓ – શારદા રાજે, સીતા રાજે, સુમિત્રા રાજે, અને સુશીલા રાજે – પોતાની માની સંપત્તિ અંગે ઝગડી હતી અને ઝગડો અદાલત સુધી ગયો હતો. 

યશવંતરાવ હોલકર (બીજા) ઉંમર લાયક થતાં ૧૯૩૦ના મે મહિનાની ૯મી તારીખે પોલિટિકલ એજન્ટે તેમને રાજસત્તા સોંપી હતી.  તેમણે ઇન્દોર રાજ્યમાં પહેલી વાર વિધાન સભાની સ્થાપના કરી અને વડા પ્રધાન અને ત્રણ પ્રધાનોનું મંત્રીમંડળ નીમીને તેમને કારભાર સોંપ્યો. ૧૯૪૭ના ઓગસ્ટની ૧૧મી તારીખે ભારતીય સંઘમાં જોડાવાના કરાર પર તેમણે સહીસિક્કા કર્યા અને ૧૯૪૮ના મે મહિનાની ૨૮મી તારીખે ઇન્દોરનું રાજ્ય ‘મધ્ય ભારત’ (આજનું મધ્ય પ્રદેશ) રાજયમાં ભળી ગયું. મુંબઈની એક હોસ્પિટલમાં ૧૯૬૧ના ડિસેમ્બરની પાંચમી તારીખે યશવંતરાવનું અવસાન થયું.

પણ પછી મુમતાઝનું શું થયું? ૧૯૨૫ના જુલાઈની ૧૯મી તારીખે તેણે બાવલાથી થયેલી દીકરીને મુંબઈમાં જનમ આપ્યો, અને તેનું નામ પાડ્યું સદ્દાત બેગમ. પણ પછી ૧૯૨૬ના માર્ચમા તેણે ૨૮ વરસના અબ્દુલ રહેમાન સાથે નિકાહ પઢી લીધા. તે ચામડાનો મોટો વેપારી હતો. આ તેની ત્રીજી શાદી હતી. કૌટુંબિક ઝગડાને કારણે મુમતાઝે પોતાની અમ્મીજાન પર કેસ માંડ્યો તો અમ્મીજાને સામો તેના પર કેસ ઠોકી દીધો. અબ્દુલ રહેમાન અને મુમતાઝ મુંબઈ છોડી કરાચી રહેવા ગયાં. ત્યાં ગયા પછી એ બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી. અને બંનેએ કાયદેસર છૂટાછેડા લીધા. ૧૯૨૯માં મુમતાઝ ફરી મુંબઈ આવી અને ગાયિકા તરીકેની કારકિર્દી શરૂ કરી. ઉર્દૂ, ફારસી, અને મરાઠી ગીતોના તેના કાર્યક્રમ રોયલ ઓપેરા હાઉસ અને એડવર્ડ થિયેટરમાં યોજાતા. થોડા વખત પછી તેને હોલીવૂડની પાંચ લાખ રૂપિયાની ઓફર મળી અને તે અમેરિકા ગઈ. તે પછીની તેને અંગેની કોઈ વિગત જાણવા મળતી નથી. હોલીવૂડની કોઈ ફિલ્મમાં તે જોવા મળી નહિ. 

પણ હા, બાવલા મર્ડર કેસ પરથી મુંબઈમાં ‘કુલીન કાન્તા’ નામની મૂંગી ફિલમ બનેલી. ૧૯૨૫માં રિલીઝ થયેલી અ ફિલ્મનું દિગ્દર્શન હોમી માસ્તરે કર્યું હતું અને ઇન્દોરનરેશનું પાત્ર ભજવ્યું હતું જેને હિન્દી સિનેમાના પહેલવહેલા સ્ટાર તરીકે ઓળખાવવામાં આવે છે તે ખલીલ નામના એક્ટરે. મુમતાઝનો રોલ મિસ મોતીએ ભજવ્યો હતો. પટકથા લેખક હતા મોહનલાલ જ. દવે અને સિનેમેટોગ્રાફી હતી જી. કે. ગોખલેની. 

આજે આપણા દેશનાં વહીવટી તંત્રમાં, ન્યાય પદ્ધતિમાં, પોલીસ ખાતામાં, જે કાંઈ મર્યાદા કે ઊણપ દેખાય તેને માટે અંગ્રેજ રાજને ભાંડવાની આપણને ટેવ પડી ગઈ છે. પણ જરા વિચાર કરો : જ્યારે આજના જેવાં સાધન-સગવડ મુદ્દલ નહોતાં ત્યારે બાવલા ખૂન કેસનો નિવેડો કેટલો ઝડપથી આવી ગયેલો!

મિસ્ટર બાવલાનું ખૂન થયું ૧૯૨૫ના જાન્યુઆરીની બારમી તારીખે સાંજના સાડા સાત વાગ્યે. વાઈસરોયની મંજૂરી મેળવ્યા પછી ૧૯મી જાન્યુઆરીએ મુંબઈ પોલીસની ટીમ ઇન્દોર પહોંચી અને આરોપીઓને ‘વધુ પૂછપરછ માટે’ મુંબઈ લઈ આવી. ચીફ પ્રેસિડન્સી મેજિસ્ટ્રેટ એસ. એસ. રાંગણેકરની કોર્ટમાં ૨૬મી માર્ચે કેસ દાખલ થયો અને એ જ દિવસે બોમ્બે હાઈ કોર્ટમાં ટ્રાન્સફર થયો. ૨૭મી એપ્રિલથી ત્યાં સુનાવણી શરૂ થઈ. ૨૩મી મે,૧૯૨૫ના દિવસે બોમ્બે હાઈ કોર્ટે ચુકાદો જાહેર કર્યો. ગવર્નર, વાઈસરોય, લંડનની પ્રીવી કાઉન્સિલ સુધી અપીલ થઈ. તેમના જવાબો આવી ગયા. અને ૧૯મી નવેંબરની સવારે તો બે ગુનેગારોને ફાંસી પણ અપાઈ ગઈ.  

પહેલા ખૂન કેસ સાથે રાજાબાઈ ટાવર જોડાયેલો હતો. આ બીજા ખૂન કેસ સાથે મલબાર હિલનો સંબંધ. હવે ત્રીજા ખૂન સાથે મુંબઈનું કયું સ્થળ જોડાયેલું હશે? રાહ જુઓ, આવતા શનિવાર સુધી.

e.mail : deepakbmehta@gmail.com

XXXXXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 14 જૂન 2025

Loading

...102030...113114115116...120130140...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved