Opinion Magazine
Number of visits: 9736567
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાવલાનાં પરાક્રમો 

દીપક મહેતા|Opinion - Literature|12 November 2025

ગ્રંથયાત્રા – 17

એનો બાપ કામ કરતો રસોઈયા તરીકે અને એની મા કામ કરતી ઘર નોકરાણી તરીકે. ચર્ચ દ્વારા ચલાવાતી ધર્માદા સ્કૂલમાં જે થોડું ભણાયું તે ભણ્યો. પણ એણે લખેલી એક કથાના આજ સુધીમાં દુનિયાની અનેક ભાષામાં અનુવાદ થયા છે. એ વાર્તા પરથી આજ સુધીમાં સત્તર ફિલ્મ બની છે. એ વાર્તાનું નામ પિનોકિયો’ અને તેના લેખકનું નામ કાર્લો કોલોડી. આ છે તો તેનું ઉપનામ, પણ તેનાથી જ જાણીતો થયો છે આ લેખક.  ઈટલીના ફ્લોરેન્સ શહેરમાં ૧૮૨૬માં તેનો જન્મ. એ જ શહેરમાં ૧૮૯૦માં તેનું અવસાન. ૧૮૮૧માં ‘ચિલ્ડ્રન્સ મેગેઝીન’ નામના સામયિકના પહેલા જ અંકમાં કાર્લોની ‘સ્ટોરી ઓફ અ પપેટ’ નામની વાર્તાનો પહેલો હપ્તો પ્રગટ થયો જે બાળવાચકોને ખૂબ જ ગમી ગયો. સાતમી જુલાઈએ પ્રગટ થયેલા આ અંકમાં આ વાર્તા છપાઈ ત્યારે મૂળ યોજના તેને લંબાવવાની નહોતી. પણ બાળકોને વાર્તા એટલી તો ગમી ગઈ કે સંપાદકે કાર્લોને વાર્તા આગળ લંબાવવા આગ્રહભરી વિનંતિ કરી. એટલે પછીના અંકોમાં વાર્તા આગલ ચાલી. યુંજેનિયો માઝાંતિ નામના ચિત્રકારે દોરેલાં ચિત્રોએ પણ વાર્તાની લોકપ્રિયતામાં ફાળો આપ્યો. પણ સોળ પ્રકરણ લખ્યા પછી લેખકે અણધારી રીતે વાર્તાને અટકાવી દીધી. એ વખતે વાર્તાનું મુખ્ય પાત્ર – પિનોકિયો – જીવન મરણ વચ્ચે ઝોલાં ખાતું હતું. પિનોકિયોનું શું થયું તે જાણવા માટે આતુર અને અધીરા થયેલા બાળવાચકોએ એવો તો કકળાટ કરી મૂક્યો કે કાર્લોએ કથાને આગળ લંબાવવી પડી. ૧૮૮૩ના સોળમી ફેબ્રુઆરીના અંકમાં છેવટે વાર્તા પૂરી થઈ. તે પછી તરત જ તે પુસ્તકરૂપે પ્રગટ થઈ. પણ ત્યારે તેનું નામ બદલીને ‘એડવેન્ચર્સ ઓફ પિનોકિયો’ રાખવામાં આવ્યું.

 એવું તે શું છે આ વાર્તામાં? એક નાનકડો છોકરો. દુનિયાના સારા-માઠા, સાચ-જૂઠના, હેત અને હાણના અનુભવોમાંથી પસાર થઈને કઈ રીતે ઘડાય છે તેની વાત આમ તો અહીં કહેવાઈ છે. અહીં કથારસ તો ભરપૂર છે જ, પણ સાથોસાથ બાળકો માટે ઉપદેશ પણ છે. સારાં કામનું ફળ સારું, ને માઠાં કામનું ફળ માઠું, અને તે પણ પાછું જરા ય રાહ જોવડાવ્યા વગર. તાબડતોબ. પણ આ બધો ખેલ માંડવા માટે કાર્લોએ જે સૃષ્ટિ રચી છે તે અદ્ભુત છે. કથાનું મુખ્ય પાત્ર પિનોકિયો માણસ છે અને નથી. તે લાકડાનો ઢીંગલો છે અને નથી. એક એકલવાયો સુથાર. આખો દિવસ બસ, કરવત, ને રંધો. લાકડાં કાપે ને લાકડાં જોડે. લોકોને જે જોઈએ તે બનાવી આપે. કામમાંથી બે પૈસા કમાઈને એકલ પંડનું ગુજરાન ચલાવે. પણ એક દિવસ એને કોણ જાણે શું સૂઝ્યું, તે લાકડાનો એક મોટો ટુકડો લઇ તેમાંથી મોટો ઢીંગલો બનાવવા બેઠો. તે દિવસે સુથારને બીજું કાંઇ કામ મળ્યું નહોતું, એટલે તેણે આખો દિવસ આ ઢીંગલો ઘડવામાં જ કાઢી નાખ્યો. રાત પાડવા આવી ત્યારે ઢીંગલો લગભગ ઘડાઈને તૈયાર થઈ ગયો હતો. માત્ર પગના નીચલા ભાગ બનાવવાના બાકી હતા. પણ હવે સુથારનાં આંખ અને હાથ કામ કરતાં નહોતાં. તેણે વિચાર્યું કે બાકી રહેલા પગ કાલે સવારે ઘડી કાઢીશ. સુથાર એ બાવલાના મોં સામે તાકી રહ્યો. લાકડાનો આ ઢીંગલો તેને વહાલો લાગ્યો. મનમાં ને મનમાં સમસમી રહ્યો કે મારે પણ આવો એક દીકરો હોત તો બુઢાપામાં મારી હાથ લાકડી થાત!

પણ સુથાર સૂઈ ગયા પછી એક ચમત્કાર થયો. તે સૂતો હતો ત્યારે ત્યાં નીલપરી આવી પહોંચી. અને તેણે લાકડાના એ બાવલામાં પ્રાણ ફૂક્યા. તેના અધૂરા રહી ગયેલા પગ પણ ઘડી આપ્યા. બાવલો તો રાજીનો રેડ. નાચવા ને કૂદવા લાગ્યો. પરી કહે : જો, મેં તને માણસ બનાવ્યો છે તો હવે સારા માણસની જેમ જીવજે.” બાવલાએ પૂછ્યું : ‘પણ સારો માણસ કેવો હોય એ તો કહો.” પરી કહે : “સારો માણસ હંમેશાં સાચું બોલે, ક્યારે ય જુઠ્ઠું ન બોલે. તું પણ હંમેશાં સાચું જ બોલજે.” બાવલો : “પણ હું જે બોલું તે સાચું છે કે ખોટું એની ખબર કઈ રીતે પડશે?” પરી : “જ્યારે જ્યારે તું ખોટું બોલીશ ત્યારે ત્યારે તારું નાક એક ફૂટ લાંબુ થઈ જશે. પછી પાછું સાચું બોલીશ તો એક ફૂટ નાનું થઈ જશે.” પછી જતાં જતાં પરીએ કહ્યું : “ અને હા, તારા આ ભલા ભોળા સુથારબાપાને રંજાડતો નહીં. તેમનો કહ્યાગરો દીકરો થઈને રહેજે.” 

પછી પરી તો થઈ ગઈ અલોપ, અને પિનોકિયો સુથારની બાજુમાં ગૂપચૂપ સૂઈ ગયો. સવારે ઊઠીને સુથારે જે જોયું તે પહેલાં તો તેને સપનું જ લાગ્યું. બાજુમાં રૂપ રૂપના અંબાર જેવો દીકરો સૂતો હતો. સુથાર તો કાંઇ રાજી થયો, કાંઇ રાજી થયો! પણ છોકરાની જાત! ડાહ્યો ડમરો થઈને રહે, અળવિતરાં ન કરે, મોટેરાનું કહ્યું માને, એવો છોકરો તમે આજ સુધીમાં જોયો છે? પિનોકિયો પણ બીજા છોકરાઓ જેવો જ હતો. કંઇક પરાક્રમો કર્યાં, જીવ જોખમમાં મૂક્યો, ખોટું બોલ્યો ત્યારે નાક એક ફૂટ લાંબુ થઈ ગયું, સાચું બોલીને પાછું ટૂંકુ કર્યું. જગત ને જીવતરનો અનુભવ લીધો. સાચા અર્થમાં ઘડાયો. ઘણું રખડ્યો, રઝળ્યો. એ બધી વાતો કાર્લોએ બાળકોને રસ ગળે ને કટકા પડે એવી રીતે કહી છે. 

દાયકાઓ પહેલાં હંસાબહેન મહેતાએ આ ‘પિનોકિયો’નો અદ્ભુત અનુવાદ, કહો કે રૂપાંતર કરેલું, ‘બાવલાનાં પરાક્રમો’ નામે. તેમાં કલાગુરુ રવિશંકર રાવળનાં અત્યંત સુંદર ૧૭ ચિત્રો પણ હતાં.  પણ વર્ષોથી એ પુસ્તક અપ્રાપ્ય છે. કોઈ ફરી છાપે તો આપણાં બાળકોને એક સરસ મજાનું પુસ્તક વાંચવા મળે. પણ આવાં પુસ્તકો ફરી છાપવાનું જેને સૂઝે એવા પ્રકાશકો છે ખરા? જો, જો. ખોટું બોલશો તો તમારું નાક એક ફૂટ લાંબુ થઈ જશે. સિવાય કે તમે રાજકારણી હો. 

XXX XXX XXX

12 નવેમ્બર 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

સ્ફુલ્લિન્ગ (1) (2) અને (3)

સુમન શાહ|Opinion - Literature|12 November 2025

આ સ્થાને સ્ફુલ્લિન્ગ શીર્ષક હેઠળ વિચારવિષયક તણખા મૂકવાનું આયોજન છે. 

જાણીતું છે કે વિદ્વત્તાયુક્ત સમીક્ષા કે વિવેચના કરવી હોય તો કોઈપણ textનું સઘન વાચન – close reading – કરવું અનિવાર્ય છે. સમીક્ષક કૃતિના સઘન વાચન પછી તેનું વિવરણ અર્થઘટન અને મૂલ્યાંકન કરતો હોય છે.

ત્યારે એ પોતાની સહજસ્ફુરણા એટલે કે intuitionમાં વિશ્વાસ નથી રાખતો; 

ત્યારે એ ગુરુ કે વડીલના અભિપ્રાયને એટલે કે આપ્તજનવાક્યને નથી અનુસરતો. જ્ઞાનસમ્પાદનની એવી કોઈપણ રીતભાતની જે મર્યાદાઓ છે તેનું એને ભાન હોય છે. 

ખરેખર તો એ એક વૈજ્ઞાનિક અભિગમ ધરાવતો હોય છે, જેનું મુખ્ય લક્ષણ વસ્તુલક્ષીતા – objectivity – છે. 

પરિણામે સમીક્ષા કે વિવેચના સંતુલિત અને શુદ્ધ રહી શકે છે, 

સાહિત્યવિચારનો સાચી દિશામાં વિકાસ થાય છે. 

પરન્તુ, 

આજકાલ સઘન વાચન થાય છે કે લોકો ગગડાવી જાય છે? 

આજકાલ objectivity નહીં પણ subjectivity જોવા મળે છે — મારાતારાવાદ; 

એ થોડાકને દેખાય છે, પણ સૌને દેખાય છે?

= = =

ટીકાટિપ્પણી કરવાની બે પદ્ધતિઓ છે :

૧

બાંધેભારે કે મભમમાં લખી શકાય, જેમ કે —

“આજકાલ ગુજરાતી સાહિત્યકારો સાહિત્યના આદર્શોને નેવે મેલીને પોતાને જે સૂઝે તે લખ્યા કરે છે.” 

આ વિધાન સામ્પ્રતના એક સર્વસામાન્ય વલણને વ્યક્ત કરે છે. વલણો લઢણો કે મર્યાદાઓની એક સર્વસાધારણ – general – ટીકા કરવા માટે આ પદ્ધતિ યોગ્ય છે. 

પણ બે મુદ્દા ઊભા થશે:

એક એ કે એ વિધાન કરનાર પાસે ડેટા છે કે માત્ર કલ્પના કરીને કહે છે? કેટલા સાહિત્યકારોના દાખલાની ભૂમિકાએ એવું વિધાન કરે છે? નહિતર, એ વિધાન દુ:ખદ બની રહેશે, કેમ કે આજકાલ ‘બધા’ સાહિત્યકારો એમ નથી કરતા, આદર્શોને વળગી રહી કામ કરનારા પણ ઘણા છે. 

બીજો મુદ્દો એ કે વિધાન સૌ સાહિત્યકારો વિશે છે તેથી વ્યાપક છે અને તેથી અતાર્કિક છે. વ્યવહારમાં વાતોચીતો ચાલતી હોય ત્યારે આપણે અતાર્કિક હોઈ શકીએ, પણ સાહિત્યલેખનમાં એમ ન ચાલી શકે. તાર્કિક વિધાન આ હોઈ શકે: 

“આજકાલ કેટલાક ગુજરાતી સાહિત્યકારો સાહિત્યના આદર્શોને નેવે મેલીને પોતાને જે સૂઝે તે લખ્યા કરે છે.”

‘કેટલાક’ શબ્દ ઉમેરવાથી વિધાન અ-વ્યાપક થઈ જાય અને દુ:ખદ નીવડવાને બદલે વિચારપ્રેરક બને. 

૨

ટીકા કરવાની બીજી રીત છે કે બાંધેભારે કે મભમમાં ન લખવું, સ્પષ્ટપણે અને નામોલ્લેખ સહિત લખવું. જેમ કે, લખી શકાય —

“કાકાસાહેબના નિબન્ધોથી સુરેશ જોષીના નિબન્ધો ચડિયાતા કે ઊતરતા નથી, પણ જુદા છે.” 

“ગોવર્ધનરામનું ગદ્ય ઘણે અંશે સહજ છે, પણ કેટલેક સ્થાને સાયાસ છે.”

૩

“સુમન શાહના સિદ્ધાન્તલેખો અઘરા પડે છે પણ એમની વાતો અને વાર્તાઓમાં  સરળતા છે.” 

અલબત્ત, આવાં વિધાનો પણ ડેટા, તર્ક અને સિદ્ધાન્તની ભૂમિકા વિનાનાં હશે તો વિખવાદ સરજશે.

ટીકાટિપ્પણી સાહિત્યહેતુથી નહીં પણ સનસનાટી કે ઉશ્કેરણીના હેતુથી હોય ત્યારે જો સાવધાની નહીં હોય, તો વિધાનો બૂમરૅન્ગ નીવડશે. એ વિધાનકર્તાને કોઈ કહેશે કે – તમે પણ વસ્તુલક્ષી આદર્શોને નેવે મેલીને લખો છો. સરવાળે, અતાર્કિકતાથી અતાર્કિકતા ફેલાયા કરશે, વાત ત્યાંની ત્યાં રહેશે.

= આજે આપણને કઇ પદ્ધતિની ટીકાટિપ્પણી જોવા મળે છે? પહેલી પદ્ધતિની કે બીજી? 

= નથી લાગતું કે અતાર્કિકતાને કારણે સામ્પ્રતમાં સાહિત્યવિચાર જેવું કશું છે જ નહીં? 

= = =

સ્ફુલ્લિન્ગ (3) Buzzword   

[ આ લેખો વાંચીને કેટલાક અધ્યેતાઓ એવા મુદ્દાઓ વિશે એવું લેખન કરવા કહે છે, જે એમના અધ્યયનમાં સીધું ઉપકારક નીવડે. એમનું એ કહેણ મને ગમ્યું છે. આજનો લેખ, આધુનિક સાહિત્યના એક પ્રમુખ લક્ષણ પર પ્રકાશ પાડે છે. ]

આધુનિક સાહિત્યની મોટામાં મોટી ઓળખ છે, સાતત્યભંગ અથવા વિચ્છેદ – discontinuity. 

આધુનિક શબ્દ ‘અધુના’ પરથી છે. ‘અધુના’ ફરતું ફરતું ગુજરાતીમાં ‘હમણાં’ થઈ ગયું છે, એવું વ્યુત્પત્તિશાસ્ત્રીઓ કહે છે. આધુનિક એટલે ‘હમણાંનું’ સાહિત્ય એમ કહેવાય, પણ થોડું બાલિશ લાગે. આધુનિક એટલે ‘આજનું’ કહીએ તો પણ, ઠીકઠાક કહેવાય. ‘વર્તમાન સમયનું’ કે ‘નવ્ય’ કહીએ તો જરા સારું લાગવા માંડે. પણ ‘અપૂર્વ’ કહીએ તો લાગે કે એકદમ બરાબર છે. પૂર્વે – પહેલાં – હતું તેવું નહીં, તે અ-પૂર્વ. પણ અ-પૂર્વ એ કારણે કે એણે ભૂતકાળ સાથે કશો સમ્બન્ધ નથી રાખ્યો, છેડો ફાડી નાખ્યો છે – એથી એ છેદાયેલું એટલે કે વિચ્છિન્ન છે. 

ગુજરાતમાં સ્ત્રીઓએ સાડી પ્હૅરવાનું છોડી દીધું. વાળ છૂટ્ટા રાખવા લાગી. વાળ કપાવા લાગી. ટીશર્ટ-જીન્સ પ્હૅરવા લાગી. એમ એ વર્તન અપૂર્વથી અપૂર્વ થવા માંડેલું. એથી ગુજરાતી સ્ત્રીઓ આધુનિક દેખાય છે. પુરુષોએ ધોતી ઝભ્ભો ટોપીને તિલાંજલિ આપી, ખમીસ-પાટલૂન પ્હૅરતા થયા, દાઢી વધારતા થયા. આપણા કેટલાકને તો એમ જ થઈ ગયું કે દાઢી વધારીએ એટલે કવિ લાગીએ. ગણી કાઢો કે વર્તમાનમાં દાઢીવાળા કવિઓ કેટલા છે. ભૂતકાળની રીતરસમો નીતિમત્તા આદર્શો મૂલ્યો સાથે વિચ્છેદ આધુનિકતાની જન્મભૂમિ છે.

સાહિત્યમાં, અનેક કવિઓએ છન્દ છોડીને કાવ્યો કર્યાં જેને ‘અછાન્દસ’ કાવ્ય કહીએ છીએ. કેટલાકોએ ગીત જેવી સદીઓ પુરાણી પણ નાજુક ચીજને ય આધુનિક કરી પાડી. ઘણા વાર્તાકારોએ ઘટનાનાં અન્ત:સ્તરોમાં ખાંખાંખોળાં કર્યાં, વર્ણનોમાં કલ્પન-પ્રતીકો રસ્યાં. ‘નિ’ એટલે વિચાર અને તેનો બન્ધ એટલે નિબન્ધ. પણ આધુનિકતામાં ‘નિ’ ગૌણ થઈ ગયો, કેટલા ય નિબન્ધકારો ‘સર્જકતા’ કહેવાતી વસ્તુને ખીલવવા લાગ્યા. મોટા ભાગના વિવેચકો નિર્ભીક થઈ ગયા અને પરમ્પરાની બેધડક ટીકા કરવા લાગ્યા. કહી શકાયેલું કે ‘ઉમાશંકરના છન્દ કાચા છે.’ સાહિત્યિક ભૂતકાળ સાથેનો આ વિચ્છેદ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં અનોખો હતો. આમાં સાગમટે સૂચન એ હોય છે કે ભૂતકાળને આધારસ્રોત ન ગણો.

Discontinuity શબ્દ પ્રયોજનાર છે, અમેરિકન વિદ્વાન મૉનરો સ્પીયર્સ (1916-1998). ઇહાબ હસન (1925- 2015) નામના વિદ્વાને આધુનિકતાવાદના અધ્યયનમાં એ પ્રયોગને વિકસાવ્યો; મૂળે ઇજિપ્તના પણ અમેરિકામાં પ્રોફેસર હતા. જ્યારે જ્યારે આધુનિકતાની વાત આવે ત્યારે ત્યારે વિદ્વાનો આ પ્રયોગનો વિનિયોગ કરે છે, એ રણકતો શબ્દ છે.

રણકતા શબ્દને buzzword કહેવાય છે. એ એક ફૅશનેબલ વિભાવ હોય છે. એથી સાહિત્યચર્ચાઓમાં પ્રાણ ભળે છે, લાગે કે સાહિત્યકારોમાં ય પ્રાણ છે. આધુનિક ગુજરાતી સાહિત્યમાં ‘આકાર’ અથવા ‘રૂપનિર્મિતિ’ તેમ જ ‘ઘટનાતત્ત્વનો હ્રાસ” બઝવર્ડ હતા. 

સામ્પ્રત ગુજરાતી સાહિત્યમાં એક પણ બઝવર્ડ નથી, બધા જીવન્ત નથી એમ નથી પણ ઊંઘી ગયા છે. એ વિચારશૂન્યતા નામની ઊંઘ છે. મનીષીઓ ઊંઘને હંગામી મૃત્યુ કહે છે.

= = =

(091125 – 101225A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઈન્ટરનેશનલ ડે ઑફ પીસ – ઓમ શાન્તિ: શાન્તિ: શાન્તિ:

સોનલ પરીખ|Opinion - Opinion|12 November 2025

ઓમ દ્યો: શાન્તિરન્તરિક્ષં શાન્તિ:, 

પૃથ્વી શાન્તિરાપ શાન્તિરોષધય: શાન્તિ: ।

વનસ્પતય: શાન્તિર્વિશ્વે દેવા: શાન્તિર્બ્રહ્મ શાન્તિ:

સર્વ શાન્તિ: શાન્તિરેવ શાન્તિ: સા મા શાન્તિરેધિ ।।

ઓમ શાન્તિ: શાન્તિ: શાન્તિ:

વર્ષ 1981થી દર 21 સપ્ટેમ્બરના દિવસને યુ.એન. ‘ઈન્ટરનેશનલ ડે ઑફ પીસ’ – વિશ્વ શાંતિદિવસ તરીકે ઉજવે છે. શાંતિદિવસ ખાસ ઊજવવો પડે અને તે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે તેના બે અર્થ થાય : એક તો શાંતિનું મહત્ત્વ આપણને સમજાઈ રહ્યું છે અને બીજું, શાંતિનું અસ્તિત્વ ખતરામાં છે. શાંતિનું અસ્તિત્વ જોખમમાં મુકાય એ કોઈને ગમતું નથી અને શાંતિનું મહત્ત્વ બધાંને ખબર છે છતાં આપણો અને શાંતિનો મેળ પડતો નથી કારણ કે આપણને તો શાંતિ માટે ને શાંતિના નામે યુદ્ધો, દાદાગીરી, મારપીટ, ધાંધલધમાલ અને કોલાહલ કરવાની ટેવ પડી છે. 

યાદ આવે છે શાંતિ માટે વિશ્વભરમાં પદયાત્રાઓ કરતા રહેનાર સતીશ કુમાર. એમની આત્મકથાનું નામ છે ‘પાથ વિધાઉટ ડેસ્ટિનેશન’. એમાં એક જગ્યાએ એમણે લખ્યું છે, ‘રસ્તો લાંબો છે. શરીર તૂટી રહ્યું છે – એક પગલું ભરવાનો પણ ઈનકાર કરે છે પણ આત્માને પાંખો ફૂટી છે. મારો પ્રાણ શાંત અનંત આકાશમાં સ્વતંત્ર અને નિર્ભય વિહાર કરે છે.’ 

સતીશ કુમાર

1936માં જન્મેલા સતીશ કુમારે નવ વર્ષની ઉંમરે જૈન સાધુ તરીકે દીક્ષા લઈ બ્રહ્મચર્ય અને અપરિગ્રહવ્રત લીધું હતું. આઠ વર્ષ પછી તેમણે સાધુજીવન છોડ્યું અને વિનોબાજીના આશ્રમમાં જઈને રહ્યા. સ્વાતંત્ર્યસંગ્રામમાં મહાત્મા ગાંધી સાથે કામ કર્યું. 1962માં તેમણે દિલ્હીથી શાંતિ માટે પદયાત્રા શરૂ કરી. દિલ્હીથી ચાલતા ચાલતા તેઓ અણુસત્તાઓના પાટનગર સમાં મોસ્કો, લંડન, પેરિસ અને વૉશિંગ્ટન શહેરમાં ગયા. વિનોબાજીએ કહ્યું હતું તેમ વાહનમાં ન બેસતા, શાકાહાર કરતા અને પાસે પૈસા ન રાખતા. રસ્તામાં આવતાં ગામો, વસ્તીઓ અને લોકોનો જ સંપૂર્ણ આશ્રય. દરેક સ્થળે તેમણે બધાને ભેગા કરી શાંતિ વિશે વાતો કરી. તેમણે જોયું કે લોકો કોઈપણ દેશના હોય, શાંતિ જ ઇચ્છે છે, શાંતિથી જ રહે છે. તો પછી શું છે, કોણ છે જે શાંતિ તોડે છે? ભાંગફોડ કરે છે? હિંસા કરે-કરાવે છે? 8,000 માઈલની યાત્રા દરમ્યાન આ પ્રતીતિ અને આ પ્રશ્ન સતત તેમની સામે આવતા રહ્યાં. આર્મેનિયાની એક ખેડૂત સ્ત્રીએ તેમને પોતે ઊગાડેલી ચાનાં ચાર પેકેટ આપ્યાં, ‘તમે જે ચાર જગ્યાએ જવાના છો ત્યાંના નેતાઓને આ પેકેટ આપજો. ન્યૂક્લિયર મિસાઈલ છોડવાનો નિર્ણય લેતા પહેલાં તેઓ આ પેકેટમાંની ચા પીએ એવી મારી વિનંતી એમને પહોંચાડજો.’ 

પછીથી તેઓ ઇંગ્લૅન્ડમાં થોડાં વર્ષ રહ્યાં. 1991માં તેમણે શુમાકર કૉલેજ શરૂ કરી. આ શુમાકર પણ સમજવા જેવી વ્યક્તિ છે. તેમનું પૂરું નામ ઈ.એફ. શુમાકર. તેઓ જર્મન-બ્રિટિશ અર્થશાસ્ત્રી હતા. તેમણે આધ્યાત્મિકતા, સાદગી, અર્થશાસ્ત્ર અને ઈકૉલૉજીને એકસાથે મૂકતી ‘સ્મૉલ ઈઝ બ્યુટિફૂલ’ મુવમેન્ટ શરૂ કરી હતી અને નાના દેશોને ભોગે પોતાની સુખસગવડોનું માળખું ઊભું કરતા મૂડીવાદનો વિરોધ કર્યો હતો. આ કૉલેજ શરૂ કર્યા બાદ સતીશકુમારે ઇંગ્લૅન્ડ, વેલ્સ, સ્કૉટલૅન્ડ, જાપાન અને તિબેટમાં શાંતિ માટે પદયાત્રા કરવાનું ચાલુ રાખ્યું હતું.  

1901થી નોબેલ કમિટી દર વર્ષે નોબેલ પીસ પ્રાઈઝ આપે છે. મહાત્મા ગાંધીને શાંતિ માટેનું નોબેલ મળ્યું નહોતું તે માટે થોડા થોડા વખતે ચર્ચા થાય છે. ગાંધીઅભ્યાસી ઊર્વીશ કોઠારીએ એમના એક લેખમાં જણાવ્યું છે કે 1915માં ગાંધીજી ભારત આવ્યા ત્યારે પહેલું વિશ્વયુદ્ધ ચાલતું હતું. એટલે 1914થી 1916 સુધી, અને બીજા વિશ્વયુદ્ધ વખતે 1939થી 1943 સુધી, કોઈને શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ અપાયું નહીં. એ સિવાય ગાંધીજીના જીવનકાળ દરમિયાન 1923, 1924, 1928, અને 1932માં પણ નોબેલ પીસ પ્રાઇઝ જાહેર ન થયું. ગાંધીજીને શાંતિનું પ્રાઇઝ ન આપવા બદલ નોબેલ સમિતિએ ખુલાસા કરવા પડ્યા છે અને સમિતિના સભ્યોએ દિલગીરી પણ વ્યક્ત કરી છે. 1948માં ગાંધીજીને નોબેલ આપવા છ જગ્યાએથી ભલામણ થઈ હતી. ચર્ચાવિચારણાઓ પછી એ વખતનું શાંતિ ઈનામ ગાંધીજીના માનમાં કોઈને ન આપવું એવો નિર્ણય થયો હતો! 1989માં દલાઈ લામાને આ પારિતોષિક અપાયું, ત્યારે સમિતિના અધ્યક્ષે કહ્યું હતું કે ‘એક રીતે એ મહાત્મા ગાંધીની સ્મૃતિને અંજલિ છે.’ 

નોબલ પ્રાઇઝની સત્તાવાર વેબસાઇટ પર આ અંગે આખો એક લેખ મૂકવામાં આવ્યો છે. તેનું શીર્ષક છે ‘મહાત્મા ગાંધી, ધ મિસિંગ લૉરેટ’ જીવનભર શાંતિવાદી રહેનાર અને 1915નું સાહિત્ય માટેનું નોબેલ મેળવનાર રહસ્યવાદી ફ્રેંચ સર્જક રોમાં રોલાં મહાત્મા ગાંધીને ‘બીજા ઈસુ ખ્રિસ્ત’ ગણતા. તેમણે આખી વાતનો બંધ વાળ્યો છે, ‘દરેક ઈનામ કરતાં ગાંધીજી અનેકગણા મહાન છે.’

શાંતિની વાત નીકળે ત્યારે યજુર્વેદનો અદ્દભુત શાંતિમંત્ર યાદ આવે : ‘હે પ્રભુ, ત્રણે ભુવનમાં, જલમાં, થલમાં ને ગગનમાં, અંતરિક્ષ, અગ્નિ ને પવનમાં, ઔષધિ, વન ઉપવનમાં, સકલ વિશ્વમાં, રાષ્ટ્ર, નગર, ગ્રામ ને ભવનમાં, જીવમાત્રના તનમનમાં, જગતના કણ-કણમાં શાંતિ હો, શાંતિ હો, શાંતિ હો.’ 

હજારો વર્ષ પહેલા આની રચના થઈ ત્યારે આકાશ અને અંતરિક્ષ જુદાં છે તેનો સ્પષ્ટ ખ્યાલ લોકોને હતો! સકલ વિશ્વના કણેકણમાં શાંતિ હો એવી પ્રાર્થના પોતે જ કેટલી શાંતિમય છે! મૃત્યુ પછી આપણે શાંતિપ્રાર્થના ગાઈએ છીએ તેમાં આત્માને માટે મોક્ષ, સ્વર્ગના સુખ વગેરેની કામના કરવાના સ્થાને કહીએ છીએ, ‘પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.’  

આઈન્સ્ટાઈન કહે છે, ‘શાંતિ બળપૂર્વક લાવી શકાતી નથી. એ સમજપૂર્વક જ લાવી શકાય.’ દલાઈ લામાએ કહ્યું છે, ‘જ્યાં સુધી અંતરમાં શાંતિ નહીં હોય ત્યાં સુધી બહારની શાંતિનો અર્થ નથી.’ મહાત્મા ગાંધી કહે છે, ‘શાંતિનો કોઈ માર્ગ નથી, શાંતિ પોતે જ માર્ગ છે.’ ઓશો કહે છે, ‘સ્વતંત્રતા વિના શાંતિ શક્ય નથી. ભય હોય ત્યાં પણ શાંતિ શક્ય નથી.’ 

ભગવાન બુદ્ધે કહ્યું છે, ‘પોતાને પણ સામેલ ન કરો ત્યાં સુધી કરુણા અધૂરી રહે છે.’ અને શાંતિ માટે ‘ભૂતને ન વળગો, ભવિષ્યમાં ન ખેંચાઓ, વર્તમાન પર એકાગ્ર થાઓ.’  

ગીતા કહે છે, ‘સત્પુરુષો સર્વથા, સર્વદા અને સર્વત્ર નિર્ભય હોય છે. તેમનાં વિચાર, કાર્ય અને સમજમાં સ્થિતપ્રજ્ઞતાનો સહજ પ્રભાવ હોય છે. તેઓ ક્યારે ય, ક્યાં ય પણ, કોઈનાથી પણ, કોઈ પણ રીતે ભય પામતા નથી. તેમનું અંતઃકરણ સદાય શાંત સરોવર જેવું નિર્મળ હોય છે. વાયુરહિત સ્થળમાં મૂકેલ દીવાની જ્યોતની જેમ તેઓની બુદ્ધિ જરા ય કંપ્યા વગર અત્યંત સ્થિરતા ધરી રહે છે.’ આવા સત્પુરુષોના ચિત્તમાં જે વસતી હોય, એનું નામ શાંતિ છે. આપણે મોટેભાગે અશાંતિના અભાવને શાંતિ માની લેવાની ભૂલ કરતા હોઈએ છીએ. 

સંત ફ્રાન્સિસે કહ્યું છે, ‘શાંતિ અને મુક્તિનો માર્ગ એ છે, કે તું તારી ઇચ્છા કરતાં બીજાની ઇચ્છાને વધારે માન આપ, થોડી ચીજોથી સંતુષ્ટ રહે, નાની જગ્યાએ નાનો થઈને રહે અને એવી પ્રાર્થના કર કે ‘મારા દ્વારા પ્રભુએ જે કરવા ધાર્યું હોય તે પૂર્ણ થાય.’ 

જે મનુષ્ય સુખની ઇચ્છા નથી રાખતો અને અસંતોષથી નથી ડરતો તે શાંતિ મેળવે છે. જીવનમાં આવતાં દુ:ખોને સ્વીકારીએ અને વિચારીએ કે એને કારણે આત્મચિંતનનો અવસર મળ્યો, તો કોઈ ફરિયાદ નહીં રહે. એટલે તો કુંતીએ કૃષ્ણ પાસે દુ:ખ માગ્યું હતું. ખ્રિસ્તી સંતો પણ ઈશ્વર પાસે દુ:ખની માગણી કરતા હોય છે. 

અને ‘સર્વે ભવન્તુ સુખિન:, સર્વે સન્તુ નિરામય, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુ:ખ ભાગ્ભવેત’ પછી અને ‘ઓમ સહ નાવવતુ, સહ નૌ ભુનક્તુ, સહ વીર્યં કરવાવહૈ, તેજસ્વીનાવધીતમસ્તુ, મા વિદ્વિષાવહૈ’ પછી કેટલી સુંદર રીતે બોલાય છે ઓમ શાન્તિ: શાન્તિ: શાન્તિ: …ક્રમશ: ધીમો પડતો અવાજ ગુંજારવ થઈને શમી જાય છે, ને પછી અસ્તિત્વમાં જે મૌન ગુંજન રૂપે આકાર લે છે, શાંતિના એ વિશ્વમાં આપણા સહુનો વાસ હો … 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 21 સપ્ટેમ્બર  2025

Loading

...102030...110111112113...120130140...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved