Opinion Magazine
Number of visits: 9743516
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આચાર્ય હોવું શી વસ છે : પૂછો કુંજવિહારી  સી. મહેતાને ને બીજાઓને

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|12 July 2023

કે.સી., યશવન્ત શુક્લ, જયેન્દ્ર ત્રિવેદી : આપણા આ આચાર્યો વર્ગખંડમાં, કૉલેજના સભાખંડમાં ભણાવતે છતે સીધા સિલેબસથી ઉફરાટે પલટાતી દુનિયાની વાત કરી વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લેતા અને નાનાવિધ પ્રવૃત્તિઓ ઉપાડી અગર ચીંધી એમને કૈંક અનુબંધ શા અનુભવ લગોલગ મૂકી આપતા … પછી એલિયેનશન તો બચાડું માર્યું જ ફરે ને!

મહાનગર સુરત આચાર્ય કુંજવિહારી સી. મહેતાને શતાબ્દી વંદના પાઠવી રહ્યું છે તે નવસારીના આ સંતાને સુરતમાં સ્વકીય ખીલો ખોડી જે કામગીરી બજાવી એ દક્ષિણ ગુજરાત સારુ એક મિસાલ જરૂર છે.  પણ એમને વિશે, એમની કામગીરીને કરતબ વિશે, થોડીક વાતો કરવા સાથે આ લખતી વેળાએ મારો ખયાલ મહાનગર ગુજરાતે હજુ હમણેના સૈકામાં જે આચાર્યો જોયા એમની હાજરી નગરજીવનમાં, કહો કે જાહેર જીવનમાં કેવી પ્રભાવક ને પ્રવર્તક હતી એની થોડીએક ચર્ચા કરવાનો છે.

કુંજવિહારી મહેતા

ગયા સૈકામાં એક-દોઢ દાયકાના અંતરે આગળપાછળ આવેલા બીજા બે આચાર્યોને જો મારે નમૂના દાખલ સંભારવા હોય તો હું યશવન્ત શુક્લ અને જયેન્દ્ર ત્રિવેદીને યાદ કરવા પસંદ કરું. બીજાં પણ નામો ન સંભારી શકાય એમ નથી, પણ કે.સી. અગર મહેતાસાહેબ કહેતાં કુંજવિહારી મહેતા, યશવન્ત શુક્લ અને જયેન્દ્ર ત્રિવેદી એ ત્રણ નામો મને સૂઝી આવ્યાં તે એમની ચોક્કસ વિશેષતાને કારણે. સામાન્યપણે આચાર્ય કહેતાં કોઈ અભ્યાસી પ્રતિભા અને ઉત્તમ શિક્ષક, એવું તદ્દન સમજાઈ રહે છે જે આ ત્રણે પોતપોતાની રીતે હતા. યશવન્ત શુક્લ બહુપ્રતિભ અને સર્વવિષયવિહારી હતા. મૂળે વિજ્ઞાનના સ્નાતક જયેન્દ્ર ત્રિવેદીની કારકિર્દી હિંદી ભાષા સાહિત્યમાં વિશેષ રૂપે કોળી. કુંજવિહારી મહેતા વળી ગુજરાતી ને અંગ્રેજી સાહિત્યમાં રમેલા. આટલી ઓળખાણે આ ત્રણે સારુ અપૂરતી અલબત્ત નથી. બલકે, ઉમાશંકરને વર્ગ એ સ્વર્ગ લાગતો તેવી ઉત્તમ શૈક્ષણિક ક્ષણો, ભગવાન અને ભક્તને એક સાથે આલોકિત કરતી આરતી પેઠે, શિક્ષક ને વિદ્યાર્થી બેઉને સારુ સ્મરણીય અને સ્પૃહણીય બની રહે છે.

યશવંત શુક્લ

તો પછી, મને આ ક્ષણે અભીષ્ટ વિશેષતા શી વાતે છે? ભાઈ, ગઈ સદીએ ત્રીસનાં વર્ષોમાં અને તે પછી ખાસ તો ત્રીજી પચીસીનાં પાછલાં વરસોમાં વિશ્વભરમાં એક યુવા છટપટાહટ, કંઈક વિદ્રોહી છટા જોઈ. માર્ક્સનિરૂપ્યા વર્ગ સંઘર્ષને સ્થાને હવે માર્ક્સખ્યાત વય સંઘર્ષ નવપરિવર્તનનું ચાલકબળ બની રહેશે કે કેમ એવી એક સ્થિતિ પણ જાણે કે આપણી સમક્ષ આવી. આપણા આ આચાર્યો વર્ગખંડમાં, કોલેજના સભાગૃહમાં, સીધા સિલેબસથી ઉફરાટે પલટાતી દુનિયાની વાત કરી વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લેતા અને નાનાવિધ પ્રવૃત્તિઓ ઉપાડી અગર ચીંધી એમને જાહેર કામ સાથે કંઈક અનુબંધ શા અનુભવ લગોલગ મૂકી આપતા. એલિયેનેશનનું એક વિશ્વવલણ, કેમ જાણે સમજની રીતે, સાહિત્યકૃતિનાં બે પૂંઠાં બહાર લોક સાથે, લોકોના પ્રશ્ન સાથે, પ્રત્યક્ષ કૃતિની રીતે નહીં તો કંઈક પરિચયરૂપે એથી યુવજનોનું સહજ સંધાન થતું.

કુંજવિહારી મહેતા અને યશવન્ત શુક્લ અચ્છા કટારચી હતા. એમનું શિક્ષણ વર્ગની વંડી ઠેકીને છાપાં વાટે લોકશિક્ષણનું રૂપ લેતું. સુરતે મ્યુનિસિપલ કાઉન્સિલરો માટે પારસી લઢણનો એક સોજ્જો શબ્દ રૂઢ કરેલો છે – શહેરી બાવા. (હું ધારું છું, સિટી ફાધર્સનું અનુરણન હશે.) આપણા આ આચાર્યો વણચૂંટાયે શહેરી બાવા હતા, કેમ કે નગર જીવનના પ્રશ્નોમાં એમની પ્રત્યક્ષ કે પરોક્ષ સંડોવણી હતી.

મેં હમણાં ગઈ સદીના ત્રીજા ચરણની જિકર કરી. 1968માં યુરોપ-અમેરિકાનાં કેમ્પસોએ છાત્ર ઉઠાવ જોયો, તે પછીનાં ત્રણ-ચાર વરસમાં આપણે નવનિર્માણનો છાત્ર યુવા ઉદ્રેક જોયો. આ ઉદ્રેકમાં આપણા આચાર્યો ક્યાં હતા? યુવાનો સાથે સંવાદ અને માર્ગદર્શનનો હૂંફાળો નાતો એમનો હતો. શિસ્તના પ્રશ્નો પણ અલબત્ત થયા હશે, પણ નાતો સમજનો. નવનિર્માણ આંદોલનના દિવસોમાં ય મહેતાસાહેબે એમ.ટી.બી. કેમ્પસમાં પોલીસપ્રવેશ થવા દીધો નહોતો એ શિક્ષણ ક્ષેત્રે એક સ્વરાજ સંદેશ લેખે ચિરયાદગાર લેખાશે. આમ જુઓ તો પાછલાં વર્ષોમાં એ ‘શિશુ સહાય ટ્રસ્ટ’માં નિમિત્ત બન્યા તે પણ કથિત નિમ્ન વર્ગના ઉત્કર્ષ માટે અગ્ર વર્ગ કને અપેક્ષિત સહૃદય સક્રિયતાની જ એક સ્વરાજયાત્રા છે.

હિમાંશી શેલતે ‘મુક્તિ-વૃતાંત’માં કટોકટીના દિવસોમાં કોલેજમાં દુર્ગા ભાગવતને નિમંત્રી શકાયાની કે મોહન ધારિયા સાથે અધ્યાપક ખંડમાં છેડાયેલી બહસની જિકર કરી છે. આ બધાંની પૂંઠે મહેતાસાહેબની હાજરી તમને ખસૂસ વરતાશે.

કે.સી. અધ્યાપક ખંડમાં ચા વખતે સામેલ થવાનો આગ્રહ રાખતા. એ અનૌપચારિક વાર્તાલાપ ક્ષણોમાં કેવા વિષયો છેડતા હશે! યશવન્ત શુક્લના આચાર્યકાળમાં એચ.કે. આર્ટ્સ કોલેજનો અધ્યાપક ખંડ કેટલીયે વાર યુનિવર્સિટી શિક્ષણથી માંડી જાહેર બાબતોમાં એક પ્રકારે સમશોધન ગૃહ (ક્લીઅરન્સ હાઉસ) જેવો અનુભવાયાનું જાણ્યું-સાંભળ્યું છે. ભાવનગરમાં નવનિર્માણ-જેપી દિવસોમાં લોકશક્તિ સંગઠન પ્રકારની પ્રવૃત્તિ પહેલ શક્ય બની. એમાં જયેન્દ્ર ત્રિવેદીનીયે ચોક્કસ ભૂમિકા હતી. જયેન્દ્ર ત્રિવેદીનું સંવેદન‌વિશ્વ કેટલું વિશાળ હશે! બનારસ યુનિવર્સિટીના હિંદીના એમ.એ. એટલે પ્રેમચંદ-શિવરાણી દામ્પત્ય વિશે લખ્યું એમાં કદાચ નવાઈ ન લાગે … પણ બે અનોખાં દામ્પત્યની વાત કરતે કરતે એમણે માર્ક્સ અને જેપીને પણ યાદ કર્યાઁ છે.

હમણાં જ, 103મે વિદેહ થયેલાં અધ્યાપિકા વિમલ નવલકરે વર્ષો પર કે.સી. વિશે લખતાં એમની પ્રિય પંક્તિઓ સંભારી હતી :

Come, my friends.

‘Tis not too late to seek a newer world …

Made weak by time and fate, but strong in will

To strive, to seek, to find, and not to yield.

દોસ્તો, સફરના સાથીઓ, નવી દુનિયાની ખોજ વાસ્તે હજુ એટલું મોડું નથી થયું : કાળના સપાટાએ કંઈક નિર્બળ બનેલા આપણે ઈરાદાના પાકા છીએ … સતત મથવું, જોવું ને ખોજવું, ન કદાપિ ઝૂકવું!

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 12 જુલાઈ 2023

Loading

સમુદ્ર કિનારા ધોવાય છે, પહાડોની ટેકરીઓ ખોદાય છે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|12 July 2023

ચંદુ મહેરિયા

ખતરનાક બિપરજોય વવાઝોડાના સંકટને ગુજરાતના સાબદા વહીવટીતંત્રે પાર પાડ્યું છે. અગમચેતીનાં પગલાંને કારણે માનવમૃત્યુ અટકાવી શકાયા છે. જો કે વાવાઝોડાની બીજી ઘણી અસરો ટાળી શકાઈ નથી. વાવાઝોડાથી થયેલી નુકસાનીનો તાગ મેળવાઈ રહ્યો છે. તેમાં ગુજરાતના દરિયાકાંઠાને અને કિનારા નજીકના વિસ્તારોને થયેલા નુકસાનનો સમાવેશ થાય છે કે કેમ તેની ખબર નથી. પરંતુ કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય હસ્તકના નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ(એન.સી.સી.આર.)નો તાજો રિપોર્ટ જણાવે છે, બલકે ચેતવે છે કે, દેશની સમુદ્રી સીમા વાવાઝોડા, સમુદ્રી જળસ્તરમાં વધારો અને બીજાં કારણોથી ધોવાઈ રહી છે, સંકોચાઈ રહી છે.  અને કિનારાના વિસ્તારો સમુદ્રમાં ગરકાવ થઈ રહ્યા છે.

હિંદ મહાસાગર, અરબી સમુદ્ર અને બંગાળનો ઉપસાગર ભારતમાં આવેલા ત્રણ સમુદ્રો છે. દેશના અગિયાર રાજ્યોમાં વિસ્તરેલો કુલ સમુદ્ર તટ ૬,૯૦૭ કિલોમીટરનો છે. સેન્ટર ફોર સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટ, ચેન્નઈના અહેવાલ પ્રમાણે સમુદ્ર કિનારાનો ઘણો હિસ્સો છેલ્લા ત્રણ દાયકામાં ક્ષતિગ્રસ્ત થયો છે. ગુજરાતના ૫૩૭.૫૦ કિ.મી.ના સમુદ્રકિનારાનું ધોવાણ થયું છે. તમિલનાડુનો ૪૨૨.૯૪ કિ.મી. અને આન્ધ્ર પ્રદેશનો ૨૯૪.૮૯ કિ.મી. દરિયાકિનારો ધોવાઈ ગયો છે. ટકાવારીની દૃષ્ટિએ કેરળના કુલ પૈકી ૫૬.૨ ટકા, તમિલનાડુના ૪૨.૭ ટકા અને ગુજરાતના ૩૬.૨ ટકા દરિયાકિનારાનું ધોવાણ થયું છે. 

દેશના સૌથી સુંદર પુડુચેરી અને નાનકડા દમણ-દીવના દરિયાકિનારા પણ ધોવાણમાંથી બાકાત નથી. દેશના ઝડપી ધોવાણના લગભગ સો દરિયાકિનારા અલગ તારવ્યા છે. તેમાં ચોથા ભાગના (૨૮) તમિલનાડુના છે. તે પછીના ક્રમે પશ્ચિમ બંગાળ (૧૬) અને આંધ્ર પ્રદેશ (૭) છે. નેશનલ સેન્ટર ફોર ઓસન ઈન્ફરમેશન સેન્ટરના આંકડા પ્રમાણે ૧૯૯૦થી ૨૦૧૮ના અઠાવીસ વરસોમાં સમુદ્રના જળસ્તરમાં વધારાના કારણે કિનારા વિસ્તારોમાં ફેરફાર થયા છે. આ વરસોમાં કિનારાનો ૩૩ ટકા વિસ્તાર સમુદ્રમાં ગરકાવ થઈ ગયો છે અને ૨૬ ટકા પર ખતરો છે.

સમુદ્ર તટના સંકોચન, ધોવાણ કે તટ વિસ્તારોના સમુદ્રમાં વિલીન થવાની સમસ્યા મુખ્યત્વે માનવસર્જિત છે. જળવાયુ પરિવર્તનને કારણે સમુદ્રના જળસ્તરમાં વૃદ્ધિ થાય છે. ઓઝોનના કવચનો નાશ તથા વાતાવરણમાં કાર્બન મોનોકસાઈડનું વધતું પ્રમાણ પૃથ્વીનું તાપમાન વધારે છે. તેનાથી સમુદ્રનું જળસ્તર વધે છે. તેના અને સમુદ્રી તોફાનો કે વાવાઝોડાને કારણે દરિયાકિનારાનું ધોવાણ થાય છે. સાગરની લહેરોની દિશા બદલાવાની બાબત ઘણી બાબતો પર નિર્ભર છે. પરંતુ સમુદ્ર કિનારાના સંરક્ષણનો અહેવાલ સ્પષ્ટપણે આ માટેનું સૌથી મોટું કારણ દરિયાકિનારે વધતું શહેરીકરણ અને ઔદ્યોગિકરણને ગણાવે છે. ઉધ્યોગો અને શહેરો દરિયાકિનારાની સાવ નજીક આવતાં કિનારા પરની હરિયાળી નાશ પામી છે, જે ધોવાણ અટકાવતી હતી. જમીનનું ધોવાણ અટકાવવા માટેના મેગ્રોવને મહાનગરોમાં નામશેષ કરાયા છે. પુરીના દરિયાકિનારે લગાવેલા ખજૂરીના ઝાડ પણ કાપી નાખવામાં આવ્યા છે. તેથી ધોવાણ થતું અટકતું નથી.

દરિયામાં વિસર્જિત થતી ઘણી નદીઓના મિલનસ્થળ પર ખાડીઓનું અસ્તિત્વ જેવી ભૌગોલિક સ્થિતિ પણ આ માટે જવાબદાર છે. નદીઓના મુખની સ્થિતિ પણ સમુદ્રના વ્યવહારને અસ્થિર કરે છે. ભરતી-ઓટ, પવનની દિશા અને નદીઓના પ્રવાહમાં પરિવર્તન પણ સમુદ્રને અસર કરે છે. પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ ૧૯૮૬ અન્વયે સમુદ્ર કિનારાના સંરક્ષણ માટે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન(સી.આર.ઝેડ.) અને નો ડેવલપમેન્ટ ઝોન બનાવ્યા છે. પરંતુ તેના અમલના અભાવે સમુદ્રકિનારાની નિર્ધારિત સીમાની અંદર કે નજીક બાંધકામો થાય છે. જે સમુદ્રતટને અને  કિનારાના વિસ્તારોને અસર કરે છે. 

કિનારા વિસ્તારોના દરિયામાં વિલોપનની ગંભીર આર્થિક, સામાજિક અને પર્યાવરણીય અસરો પેદા થાય છે. કિનારે રહેતા માછીમારો, ખેડૂતો અને વસ્તીઓ સામે અસ્તિત્વ ટકાવવાનું સંકટ પેદા થાય છે. ઘણા લોકોને વિસ્થાપિત થવું પડે છે. નદીઓ અને સમુદ્રના મિલન સ્થળોનાં ધોવાણને કારણે નદીઓ ગંદી બને છે. કોઈ શહેરો ડૂબી જવાનો કે પ્રલયનો ખતરો હજુ ઊભો થયો નથી પરંતુ આ સ્થિતિ ચાલુ રહેવાથી ભવિષ્યમાં તેમ થવાની શક્યતા નકારી શકાતી નથી. કેરળના ત્રિવેન્દ્રમ જિલ્લાના ૫૮ કિલોમીટરના સમુદ્ર કિનારાનો ૨.૬૨ વર્ગ કિ.મી. હિસ્સો છેલ્લાં પંદરેક વરસોમાં તૂટીને સાગરમાં સમાઈ ગયો છે. આ ધોવાણ હજુ વધશે તેવું યુનિવર્સિટી ઓફ કેરલનું સંશોધન જણાવે છે. દુનિયાના અડધા રેતીલા સમુદ્ર તટ (બીચ) આ સદીના અંતે ગાયબ થઈ જશે તેવો અભ્યાસ દર્શાવે છે કે આ એક વૈશ્વિક સમસ્યા છે પરંતુ ભારતમાં તે બહુ ઝડપથી વકરી રહી છે.

કુદરત સાથેની મનુષ્યની છેડછાડનું બીજું ઉદાહરણ પહાડોમાં થતું માઈનિંગ (ખાણકામ) છે. ગુજરાતના ખેડબ્રહ્માથી દિલ્હીના રાયસીના હિલ સુધી ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી એ ચાર રાજ્યોમાં ફેલાયેલી ૬૭૦ કિ.મી. લાંબી અરવલ્લીની વિશ્વની પ્રાચીનતમ પર્વતશ્રુંખલા એક સદી પછી લુપ્ત થઈ જવાની દહેશત ઊભી થઈ છે. કેન્દ્રીય વિશ્વવિદ્યાલય રાજસ્થાનના સંશોધકોએ ચાર રાજ્યોની સરહદો પર સેટેલાઈટ ઈમેજ અને જમીન વપરાશના નકશાનો અભ્યાસ કર્યો છે. ૧૯૭૫થી ૨૦૧૯ના ૪૪ વરસોના તેમના અભ્યાસનું તારણ છે કે અરવલ્લીની ૫,૭૭૨.૭ ચો. કિમી. પર્વતમાળા, જે કુલ પર્વતમાળાનો ૭.૬ ટકા હિસ્સો છે, માઈનિંગમાં નષ્ટ કરી દેવામાં આવ્યો છે.

વહીવટી તંત્ર અને રાજકારણીઓની ઓથને લીધે ખાણમાફિયાઓ આમ કરી શક્યા છે. અદાલતો, ખાસ કરીને સર્વોચ્ચ અદાલતની દરમિયાનગીરીથી અરવલ્લીના અસ્તિત્વ સામેનું  સંકટ બહાર આવ્યું છે. અરવલીનો ૮૦ ટકા હિસ્સો રાજસ્થાનમાં છે અને રાજસ્થાનને થારના રણવિસ્તારને આગળ વધતું તે અટકાવે છે પરંતુ રાજસ્થાનમાં પણ ખાણમાફિયાઓનું જોર છે. ૧૩૮માંથી ૨૮ પહાડી ટેકરીઓ રાજસ્થાનમાં ગાયબ થયાનું ખુદ સરકારે કબૂલ્યું છે.

હરિયાણા સરકારે ૨૦૧૯માં અરવલ્લીના સંરક્ષિત વન ક્ષેત્રમાં થયેલા ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવા, નવા બાંધકામની મંજૂરી આપવા અને વૃક્ષો કાપવા કાયદો સુધાર્યો હતો. આ સુધારાથી અરવલ્લીની ૨૯,૬૮૨ હેકટર સંરક્ષિત જમીન બાંધકામ માટે ખુલ્લી થવાની હતી પરંતુ સુપ્રીમ કોર્ટે હરિયાણાના લો એમેન્ડમેન્ટને સ્ટે કર્યો હતો. તેથી અરવલ્લીનું કામચલાઉ રક્ષણ થયું છે.

અરવલ્લી પર્વતમાળા ક્ષેત્રમાં ૧૯૮૦માં ૨૪૭ વર્ગ કિ.મી.માં વસ્તી હતી. ૨૦૨૧માં ૬૩૮ વર્ગ કિ.મી. થઈ છે. તેના ૪૭ વર્ગ કિ.મી. વિસ્તારમાં કારખાના છે. એકવીસમી સદીના આરંભે અરવલ્લીનો ૮૦ ટકા વિસ્તાર લીલોછમ્મ હતો, જે વીસ વરસમાં ઘટીને ૭ ટકા જ રહ્યો છે. શહેરીકરણ, જમીનઅતિક્રમણ અને ગેરકાયદે ખાણકામ અરવલ્લીની બરબાદી નોતરી રહ્યા છે. કેટલીક પહાડીઓ ખીણમાં કે ઉજ્જડ જમીનમાં ફેરવાઈ ગઈ છે તો કેટલીક પર વસાહતો બની ગઈ છે.

પ્રદૂષણ, રેતીના વંટોળ-આંધીમાં વૃદ્ધિ, રણનો વિસ્તાર અને દુષ્કાળનો ભય જેવી ગંભીર અસરો અરવલ્લીની ટેકરીઓ લુપ્ત થવાથી થશે. સમુદ્ર કિનારાનું ધોવાણ અને પહાડોનું અત્યાધિક દોહન મનુષ્યના વિનાશનું કારણ બની શકે છે તેનાથી જ્ઞાત હોવા છતાં આપણે કેમ જાગ્રત થતા નથી ?

e.mail : maheriyachandu@gmail.com

Loading

આજે

મેરી ઓલિવર [અનુવાદ : નંદિતા મુનિ]|Poetry|12 July 2023

મારા પ્રિયતમ કવિઓમાં અગ્રસ્થાને બિરાજતાં અમેરિકન કવિ મેરી ઓલિવરના એક કાવ્યનો અનુવાદ.

નીચી ઉડાન ભરું છું આજે, ને

આકાંક્ષાના સર્વ તંત્રમંત્રને પોઢવા દઉં છું. 

દુનિયા એની રીતે ચાલ્યા કરે છે.

બાગમાં મધમાખી ગૂંજે છે જરાક, 

માછલી કૂદે છે, મશા બને છે આહાર.

ને એવું બધું.

પણ હું આજે છુટ્ટી લઉં છું. 

પીંછા જેટલી શાન્ત.

હલનચલન નથી કરતી હું, પણ જુઓ તો છું યાત્રામાં જ

અકલ્પનીય અંતર કાપતી.

શાન્તિ. એક મંદિરદ્વાર.

સૌજન્ય :  નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1051,1061,1071,108...1,1201,1301,140...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved