Opinion Magazine
Number of visits: 9667429
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધી, ગીતા પ્રેસ અને કલકત્તાના મારવાડીઓ

રમેશ ઓઝા|Gandhiana, Opinion - Opinion|26 June 2023

ગીતા પ્રેસ ગોરખપુરને કેન્દ્ર સરકારનો ગાંધી શાંતિ પુરકાર આપવાની ઘટના મૂળભૂત રીતે રાજકીય છે. ઇતિહાસનું શીર્ષાસન કરવા જાણીબૂજીને ગીતા પ્રેસની પસંદગી કરવામાં આવી છે.

રમેશ ઓઝા

ગીતા પ્રેસ ગોરખપુરનું કોઈ પુસ્તક ઘરમાં ન હોય એવો હિંદુ ભાગ્યે જ જોવા મળશે. સો વરસ જૂની આ સંસ્થા છે અને તેનો હિંદુ ધર્મગ્રંથોના પ્રચાર-પ્રસારમાં ઘણું મોટું યોગદાન છે. જેમ કે તમને ખિસ્સામાં રાખી શકાય એવો ભગવદ્ ગીતાનો કેવળ મૂળ પાઠ મળે. મોટી વયના લોકો માટે મોટા ટાઈપમાં મળે કે જેથી વાંચવામાં તકલીફ ન પડે. તમને ભગવદ્ ગીતા અન્વય અને સરળ અનુવાદ સાથે જોઈતી હોય તો એવી મળે. જો કોઈને શાંકરભાષ્ય અને તેના અનુવાદ સાથે જોઈતી હોય તો એવી મળે અને જો કોઈને રામાનુજાચાર્યના શ્રી ભાષ્ય સાથે જોઈતી હોય તો એવી મળે. આવું જ ઉપનિષદો, પુરાણો, ભક્તિસૂત્ર વગેરેનું. આ સિવાય છાપ ભૂલ, વ્યાકરણની ભૂલ કે અન્વય કરવામાં થયેલી ભૂલ ભાગ્યે જ જોવા મળે.

ગીતા પ્રેસનું આ પહેલું પાસું થયું. જેને હિંદુ ધર્મગ્રંથોની પ્રાથમિક જાણકારી મેળવવી હોય તેને ગીતા પ્રેસનાં પુસ્તકો દ્વારા મળી રહે. પણ એનાથી વિશેષ? ગીતા પ્રેસના પુસ્તકોમાં દ્વૈત-અદ્વૈતની મલ્લીનાથી જોવા નહીં મળે. ગીતા પ્રેસનાં પુસ્તકોમાં અર્થઘટનો જોવા નહીં મળે. તિલક, અરવિંદ, ગાંધી, વિનોબા વગેરેએ અલગ અલગ દૃષ્ટિકોણ દ્વારા ભગવદ્ ગીતાની જે વ્યાખ્યાઓ કરી છે એ બધું ગીતા પ્રેસનાં પુસ્તકોમાં જોવા નહીં મળે. ઉદ્દેશ છે હિંદુને માત્ર તેનાં ધર્મગ્રંથોનો પરિચય કરાવવાનો. એ પછી હિંદુ બનવાનું કામ તેણે પોતે કરવાનું.

પણ ના, સાવ એવું નથી. ગીતા પ્રેસ એક ‘કલ્યાણ’ નામનું માસિક કાઢે છે જે હિંદુ સનાતની વિચાર-પ્રસારનું કામ કરે છે. એમાં હિન્દુત્વની ફેક્ટરીને માફક આવે અને ઉપયોગી થાય એવા હિંદુને પેદા કરવાનું કામ કરવામાં આવે છે. એનાં વિશેષાંકો કેટલીકવાર તો સંગ્રહણીય હોય છે. તેનાં ગ્રંથો ભાષ્ય કે અર્થઘટનો વિના મૂળ સ્વરૂપમાં એટલા માટે પ્રકાશિત કરવામાં આવે છે કે જેથી હિંદુઓમાં વિભાજન ન થાય. એક વાર હિંદુ તરીકે દીક્ષિત થયા પછી તેને ખપનો હિંદુ બનાવવાનું કામ ‘કલ્યાણ’ કરે છે. ગીતા પ્રેસની દુકાને ગયેલો માણસ ‘કલ્યાણ’ ન બંધાવે એવું ભાગ્યે જ બને અને જે ‘કલ્યાણ’ વાંચતો થાય એટલે તે હિંદુ જૂનવાણી સનાતની અને હળવા સૂરમાં કોમવાદી સંસ્કાર ઝીલવા માંડે. આ લખનાર ગીતા પ્રેસની દુકાને નિયમિત જાય છે અને ખપનાં પુસ્તકો પણ ખરીદે છે, પણ ‘કલ્યાણ’થી દૂર રહે છે. હમણાં ભક્તનાં લક્ષણો સમજવા માટે ભક્તિસૂત્ર ખરીદવા ગયો હતો. પણ એમાં બતાવેલ ભક્તનાં લક્ષણો કંઈક જુદા જ છે. ઝનૂનરહિત જાતને ઓગાળી દેનારાં.

આજથી સો વરસ પહેલાં કલકત્તાના મારવાડીઓએ ગીતા પ્રેસની સ્થાપના થઈ હતી. જય દયાલ ગોએન્કા અને ઘનશ્યામદાસ જાલાને ગીતા પ્રેસની સ્થાપના કરી હતી. પાછળથી હનુમાન પ્રસાદ પોદ્દાર તેમાં જોડાયા હતા અને તેમણે જયદયાલ ગોએન્કા સાથે મળીને ગીતા પ્રેસનું સિંચન કર્યું હતું. આ બન્ને હિંદુ મહાસભાના સભ્ય હતા અને ગાંધીજીની હત્યા પછી દેશમાં જે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી એમાં આ બે મહાનુભાવોનો સમાવેશ થતો હતો.

હવે ઇતિહાસમાં એક સદી પાછા જઈએ. ૧૯૧૫માં ગાંધીજી ભારત પાછા આવ્યા અને કલકત્તા ગયા ત્યારે કલકત્તાના મારવાડી યુવક સંઘે ગાંધીજીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. એ યુવકોમાં જયદયાલ ગોએન્કા, હનુમાન પ્રસાદ પોદ્દાર અને જાણીતા ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલા અગ્રેસર હતા. મેધા મલિક કુદૈસિયાએ ઘનશ્યામદાસ બિરલાનાં લખેલાં જીવનચરિત્રમાં આ ઘટના નિરુપાયેલી છે. મારવાડી યુવકોએ ઘોડાગાડીના ઘોડા છોડી નાખ્યા હતા અને તેમણે ગાંધીજીની ઘોડાગાડી ખેંચી હતી. એ પછી એ પુસ્તકમાં ૧૯૪૮ ઘટના કહેવાઈ છે. ઘનશ્યામદાસ બિરલાના મોટાભાઈ રામેશ્વર પ્રસાદ બિરલાએ ઘનશ્યામદાસને વિનંતી કરી હતી કે તેમણે જયદયાલ અને હનુમાન પ્રસાદને છોડાવવા પ્રયાસ કરવો જોઈએ. એ બન્ને આપણા સમાજનાં છે, સનાતન ધર્મના પ્રચાર-પ્રસારનું કામ કરે છે અને તારા યુવાવસ્થાના મિત્રો છે. ઘનશ્યામદાસ બિરલાએ કહ્યું હતું કે આ ધરતી ઉપર પેદા થયેલા પવિત્રતમ માનવીની અને શ્રેષ્ઠ હિંદુની હત્યા કરનારાઓને અને હત્યામાં સાથ આપનારાઓને ક્ષમા ન હોય. તેઓ સનાતન ધર્મના પુરસ્કર્તા નથી, શૈતાની ધર્મના પુરસ્કર્તા છે.

જે યુવકોએ ગાંધીજીની ઘોડાગાડી ખેંચી હતી એ ગાંધીવિરોધી કેમ થઈ ગયા? ગાંધીજી અને હનુમાન પ્રસાદ પોદ્દાર વચ્ચેનાં ઘણાં પત્રો ગાંધીજીના અક્ષરદેહમાં મળે છે અને તેને જો સળંગ વાંચશો તો ખ્યાલ આવશે કે ઇતિહાસમાં થયેલો શ્રેષ્ઠતમ હિંદુ તેમની નજરે નાપાસ કેમ થયો? બે કારણ હતાં. એક તો એ કે ઇતિહાસનો શ્રેષ્ઠતમ હિંદુ નિર્વિરોધી હતો. હિંદુ ગાંધી મુસ્લિમ વિરોધી કે બીજા કોઈની પણ વિરોધી નહોતો. હિંદુ હોવા માટે કોઈના વિરોધી થવું પડે કે પોતાને બીજા કરતાં શ્રેષ્ઠ સમજવા પડે એ ગાંધીજીને અનિવાર્ય નહોતું લાગ્યું. બીજું કારણ ઇતિહાસનો શ્રેષ્ઠતમ હિંદુ માણસ પહેલા હતો અને એ પણ અખંડ માણસ હતો. કોઈ હિંદુ બીજા હિંદુને પોતાનાથી દૂર કેમ હડસેલી શકે? મારો ધર્મ માણસાઈની વિરુદ્ધ આચરણ કરવાનું મને કહેતો હોય અને ભગવાન ખુદ આવીને મને તેવી સલાહ આપે તો હું તે બન્નેની સામે બળવો કરું. ગાંધીજીએ ડૉ આંબેડકર સાથેની ચર્ચામાં આમ કહ્યું હતું. નિર્વિરોધી અને અખંડ માણસાઈનો પુજારી કોઈક રીતે રૂઢ અર્થમાં હિંદુ બની રહેવા માગતા હિંદુઓને પરવડતો નહોતો અને તેમનો મોહભંગ થવા લાગ્યો હતો. અમને તો એવો હિંદુ જોઈએ જે હિંદુ તરીકે નવી ઊંચાઈ મેળવી આપે, માણસાઈની ઊંચાઈ અમને ખપતી નથી, કારણ કે એમાં ક્યાં ય હિંદુ મટી જવું પડે છે.

માત્ર જયદયાલ ગોએન્કા અને હનુમાન પ્રસાદ પોદ્દાર નહીં, એવા બીજા અનેક હિંદુઓ હતા જેઓ ગાંધીભક્ત બન્યા પછી ગાંધીભક્તિ છોડી દીધી હતી અને તે ત્યાં સુધી કે કેટલાક તો ગાંધીવિરોધી બની ગયા. ખાસ કરીને ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતાની અને અસ્પૃશ્યતાનિર્મૂલનની હિમાયત કરવા માંડી અને તેમાં સક્રિયતા દેખાડી એ પછી આ લોકો ગાંધીવિરોધી થવા લાગ્યા હતા. ગાંધીજીએ અસ્પૃશ્યતાનિર્મૂલન માટે હરીજનયાત્રા શરૂ કરી એ અરસાનો (૧૯૩૭નો) હનુમાન પ્રસાદ પોદ્દારનો ગાંધીજી પરનો એક પત્ર મજેદાર છે. હનુમાન પ્રસાદ પોદ્દાર લખે છે: “મને સપનામાં ભગવાન આવ્યા અને તેણે મને કહ્યું કે ગાંધીજીનું આયુષ પૂરું થવા આવ્યું છે એટલે તેમણે બાકીની જિંદગી બધું છોડીને ઈશ્વરસેવામાં વિતાવવી જોઈએ.” એ પછી તેઓ આગળ લખે છે કે સ્વપ્નની વાત તમને કહેવી કે કેમ એ વિષે મેં જાત સાથે ખૂબ ઝઘડો કર્યો હતો અને પછી થયું કે મારે આપને જણાવવું જોઈએ. અને હજુ આગળ લખે છે કે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે મારું સપનું ખોટું પડે. મહેરબાની કરીને આ પત્ર વાંચીને ફાડી નાખશો.

ગાંધીજી જવાબમાં લખે છે કે આ તો તમારો પ્રેમ છે. મારા પ્રત્યેની લાગણી છે. ઈશ્વરભક્તિ કાંઈ મૃત્યુ નજીક આવે ત્યારે જ કરવાની થોડી હોય! એ તો અહર્નિશ કરવાની હોય. રહી વાત મૃત્યુની તો એ જન્મ સાથે જ લખાઈને આવે છે એટલે તમારે મારા મૃત્યુ માટે દુઃખી થવાની જરૂર નથી.

સપનાંની વાતની કોઈ અસર નહીં થઈ એટલે પછી ‘કલ્યાણ’માં ગાંધીવિરોધી પ્રચાર શરૂ થયો. જે દિવસે ગાંધીજીની હત્યા થઈ એ દિવસે પોદ્દાર દિલ્હીમાં હતા અને પછીથી તેમની ધરપકડ કરવામાં આવી. ૧૯૧૫માં ગાંધીજીની ઘોડાગાડીના ઘોડા સવળી દિશામાં હતા તે અવળી દિશમાં ગયા અને આજે અવળી દિશામાં ગયેલા ઘોડાઓને ગાંધી પુરસ્કાર આપીને સરકારે ગાંધીની ઘોડાગાડી સવળી કરી આપવાની ચેષ્ટા કરી છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 25 જૂન 2023

Loading

માણસની હેવાનિયતને કોઈ સીમા નથી … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|26 June 2023

રવીન્દ્ર પારેખ

સાઉથની એક ફિલ્મ જોઈ. જેમાં બસ કંડકટર તેનાં ડ્રાઇવરને કહે છે કે કોઈ યાત્રી તેની બેગ ભૂલી ગયો છે ને તેમાંથી લોહી વહી રહ્યું છે. કંડકટર બેગ ખોલીને જુએ છે તો અંદર કપાયેલા બે હાથ દેખાય છે. એ પછી એક સૂટકેસ બતાવાય છે, જેમાંથી કોઈના કપાયેલા પગ મળી આવે છે. પોલીસ બધાં અંગો જોડીને એક શરીર તો બનાવે છે, પણ માથું નથી મળતું, એટલે લાશ કોની છે તેની ખબર પડતી નથી. આવું જોતાં અરેરાટી થતી, પણ હવે થતી નથી, કારણ ફિલ્મ કરતાં વધુ ભયંકર ઘટનાઓ રોજિંદા જીવનમાં, મીડિયામાં, જોવા-જાણવાની થાય છે. સુરતમાં ગ્રીષ્મા હત્યાકાંડ બહુ દૂરની ઘટના નથી, જેમાં કહેવાતો પ્રેમી ધોળે દિવસે જાહેરમાં છરીના ઘા ઝીંકીને જીવ લઈ લે છે ને કેટલાક લોકો છોકરીને બચાવવાને બદલે તેની થતી હત્યાનો આરામથી વીડિયો ઉતારે છે. સંવેદના કેટલી હદે બુઠ્ઠી થઈ શકે તેનો એ નમૂનો છે.  

ચારેક દિવસના કેટલાક સમાચાર જોઈએ. ઇચ્છાપોર, સુરતમાં ચાર વર્ષની છોકરીને એક પડોશીએ ન છોડી ને હવે તેને ફાંસીની સજાની માંગ કરાઇ રહી છે. સુરતની એક શિક્ષિકાને તેનાં કહેવાતા પ્રેમીએ ધમકી આપી કે જો તે સગાઈ કરશે તો તેની દશા ગ્રીષ્મા જેવી થશે. એ ભયંકર છે કે નવી હત્યા માટે ઉદાહરણ ગ્રીષ્માની હત્યાનું અપાય છે, એમાં શરમ નથી, નફ્ફટાઈ છે. 30 મેએ સુરતમાં ડબલ મર્ડર થયું. પતિએ પત્નીને ગળે ટૂંપો દઈને મારી નાખી તો તેનાં પ્રેમીએ પતિને પતાવી દીધો. આ તો સુરતની જ વાત થઈ, ગુજરાત અને દેશ પર પણ નજર નાખીએ.

ગુજરાતમાં જ 9 જાન્યુઆરીએ, 2023 ને રોજ 10 હત્યાઓ નોંધાઈ, જેમાં અમદાવાદમાં 2, સુરતમાં 3, જામનગરમાં 2 તથા સુરેન્દ્રનગર, વડોદરા અને રાજકોટમાં એક, એક હત્યાઓ થઈ હતી. દિલ્હીમાં 8 ફેબ્રુઆરી, 2023 ને રોજ શ્રદ્ધાનું ખૂન થયું હતું, જેમાં તેનાં કહેવાતા પ્રેમી આફતાબે શ્રદ્ધાના ટુકડા કરીને તેનો હપ્તે હપ્તે નિકાલ કરવાની કોશિશો કરી હતી, એ માટે તેણે માર્બલ ગ્રાઈન્ડરનો ઉપયોગ કરી હાડકાંનો ભૂકો કર્યો હતો. એ પછી 29 મેને રોજ દિલ્હીમાં 16 વર્ષની સાક્ષીની સાહિલ નામના હત્યારાએ છરીના ચાલીસેક ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી. સાક્ષી મરી ન ગઈ ત્યાં સુધી તેને ઘા મરાયા ને 6થી વધુ વખત તેનું માથું પથ્થર ઝીંકીને છૂંદવામાં આવ્યું. આ ઘટના દરમિયાન ત્યાંથી પસાર થનારાઓએ સાક્ષીભાવે સાક્ષીની હત્યા જોઈ. બિલિમોરામાં 23 જૂને લિવ ઇનમાં રહેતાં યુવકે તેની પાર્ટનરની ગળું દબાવી હત્યા કરી ને પોતે ફાંસો ખાઈ લીધો. વલસાડમાં 1 જૂને પત્ની કુહાડીના ઘા મારી પતિની હત્યા કરે છે ને પ્રેમી સાથે મળીને લાશ કોથળામાં નાખી ત્રીસેક કિલોમીટર દૂર નાખી આવે છે. 1 જૂને જ હરિયાણાનાં ફરીદાબાદમાં 15 વર્ષની બહેન 12 વર્ષના ભાઈનું ગળું દબાવી મારી નાખે છે. કેમ? તો કે, માતાપિતા ભાઈને જ મોબાઈલ આપતાં હતાં ને એને ગેમ રમવા મોબાઈલ જોઈતો હતો ત્યારે ભાઈએ ન આપ્યો. આટલી વાતમાં સગીર બહેને સગીર ભાઈની હત્યા કરી. 2 જૂને રાજકોટમાં પતિથી ત્રાસેલી સગી જનેતાએ બે બાળકોને ગળે ટૂંપો દીધો ને પોતે એસિડ પીને આપઘાત કરી લીધો. 9 જૂને મુંબઈમાં લિવ ઇનમાં રહેતી સરસ્વતીની તેનાં પાર્ટનરે હત્યા કરી ને લાશના ટુકડા કરી, તેને કૂકરમાં બાફયાં અને કૂતરાંને ખવડાવ્યાં. અહીં નોંધી છે એટલી ઘટનાઓ જ અરેરાટી ઉપજાવવા પૂરતી છે, પણ સંખ્યા એટલી છે કે કોઈ સ્ત્રીની હત્યાનું જ છાપું ચલાવવા ઈચ્છે તો તેને ઘટનાની ખોટ ન પડે એમ બને.

વાત હત્યાની જ નથી, તે કેવી કરપીણ રીતે થાય છે તે ચિંતાજનક છે. હત્યાઓ આ વર્ષે જ થઈ ને અગાઉ કશું થયું જ નથી, એવું નથી. હત્યાઓ કોઈ પણ કાળમાં થઈ જ છે, વાત એટલી જ નથી, એમાં જે રીતે વધારો થતો આવ્યો છે ને તેમાં જે વરવાપણું ઉમેરાતું આવે છે તે માણસાઈ અને માનસિક્તાના અનેક પ્રશ્નો ઊભા કરે છે. હત્યા જેવો ગુનો તો ગમે તે સંજોગોમાં થયો હોય તો પણ, સજાને પાત્ર છે. સંજોગો સજાની અવધિ ઘટાડે, તો પણ તેની માફી એટલે નથી, કારણ, હત્યા એક વ્યક્તિનો જીવ લે છે ને મૃત વ્યક્તિ ફરી એ જીવન પામી શકતી નથી. ગમે તેવું પ્રાયશ્ચિત પણ જીવ પાછો આપી શકતું નથી. છેલ્લા થોડા સમયમાં હત્યાની જે ઘટનાઓ વધતી આવે છે તે ખૂનીની માનસિકતા સંદર્ભે અનેક પ્રશ્નો ઊભા કરે છે.

અહીં જે હત્યારાઓની વાત થઈ છે, એમાંના ઘણા ખરા યુવાનો છે. આજનું યુવા માનસ બહુ જ શોર્ટ ટેમ્પર્ડ છે. ઘણા ખૂબ સારા ને સ્વસ્થ છે, પણ ઘણા અસહિષ્ણુ અને શંકાશીલ પણ છે. સ્વભાવે તે તામસી અને બેફામ છે. તે બહુ ઝડપથી ઉશ્કેરાય છે ને ઉતાવળિયા નિર્ણયો લે છે. તે અવિવેકી અને હિંસક છે. તે તડફડ કરવામાં માને છે. તે હથિયાર હાથવગાં રાખે છે ને સામાન્ય વાતોમાં પણ ખૂન કરતાં અચકાતાં નથી. હથિયારો હવે દેખાડાનું નિમિત્ત પણ છે. લગ્ન કે અન્ય પ્રસંગોમાં બંદૂકથી હવામાં ગોળીબાર કરવા કે તલવારથી કેક કાપવાનું સામાન્ય છે. આ બધી સગવડો ગુનાહિત માનસને ઉશ્કેરવામાં મદદ કરે છે. જો કે આવું યુવાનો જ કરે છે એવું નથી, આધેડો પણ સત્તા ને પૈસાને જોરે કૈં પણ કરતાં હોય છે.

ટૂંકમાં, માણસની જિંદગી બહુ સસ્તી થઈ છે. તેને ગમે ત્યારે, ગમે તે ખરીદી કે વેચી શકે છે. સારા માણસો હજી છે અને એનો જ ભરોસો છે, પણ દુષ્કર્મો અગાઉ ક્યારે ય ન હતા એટલા વિકૃત હવે છે. આઝાદી એટલી તો બચી છે કે સ્ત્રીનો તેની ઈચ્છા વિરુદ્ધ પુરુષો ઉપયોગ કરી શકે છે, તો સ્ત્રીઓ પણ સ્વતંત્ર મિજાજની થઈ છે. તે પણ એ બધા જ ગુના કરી શકે છે, જે પુરુષો કરે છે. 23મીના જ સમાચાર છે, જેમાં વડોદરામાં એક યુવતીએ નિર્વસ્ત્ર થઈને એક વૃદ્ધ પાસેથી પચાસ હજાર પડાવ્યા.

આખી યુવા પેઢી આજ્ઞાંકિત મટીને આર્ગ્યુમેન્ટ અને ઉપેક્ષા કરતી થઈ છે. એ પણ છે કે યુવતીઓ લગ્ન કરતાં કેરિયરને વધુ મહત્ત્વ આપતી થઈ છે. તેને લગ્નનાં હકોમાં રસ છે એટલો તેની ફરજમાં નથી. સંતાનોને ઉછેરીને તે ફિગર ખરાબ કરવા નથી માંગતી. સંતાનની જરૂર લાગે તો દત્તક લેવાનું તેને વધુ અનુકૂળ છે. એને લગ્નનો વિકલ્પ લિવ ઇનમાં દેખાયો છે. એટલે કોઈ જવાબદારી વગરનો સંબંધ તેને ખપે  છે, પણ તે એ ભૂલી જાય છે કે લિવ ઇનને કાનૂની માન્યતા નથી. લિવ ઇનમાં જ્યારે ભંગાણ પડે છે ત્યારે તકરારના નિકાલમાં કાયદો મદદમાં આવતો નથી ને પરિણામ ઘણુંખરું હિંસક અનાચારમાં જ આવે છે.

એ પણ છે કે હત્યા કરવામાં સ્ત્રીઓ પણ પાછળ નથી. તે પતિ કે પ્રેમી કે સંતાનને જાતે કે કોઇની મદદથી ખતમ કરી દેતાં અચકાતી નથી. એની સરખામણીમાં પુરુષ વધુ નિષ્ઠુર અને ઘાતકી થઈ શકે છે. અહીં વર્ણવી છે એ હત્યાઓમાં પણ પુરુષ બદથી બદતર થતો દેખાય છે. ગ્રીષ્મા, સાક્ષી, શ્રદ્ધા કે સરસ્વતીની હત્યામાં હત્યારો વધુને વધુ રાક્ષસીપણું બતાવે છે. આમાં પણ બે પ્રકાર પડે છે. એકમાં એવો હત્યારો બહાર આવે છે જેને ફાંસી જેવી સજાનો ય ભય નથી, એટલે તે ધોળે દિવસે પણ ગળું કાપી નાખતાં અચકાતો નથી. તે છોકરી મરી ન જાય ત્યાં સુધી ઘા ઝીંકે છે. તે પછી પણ સંતોષ નથી થતો તો એકથી વધુ વખત પથ્થર ઝીંકીને માથું છુંદી નાખવાનું પણ ચૂકતો નથી. છોકરી મરી જાય પછી પણ તેને મારતાં જ રહેવાનું ઝનૂન ભયંકરથી પણ વધુ ભયંકર છે. બીજો પ્રકાર એવા ખૂનીઓનો છે જે પકડાઈ જવાના ભયે વધુ ઘાતકી રીતે વર્તે છે. પકડાવાની બીકે તે પુરાવાનો નાશ કરવાની પેરવીમાં પડે છે. લાશ જ ન રહે તો પોતાને કોઈ નહીં પકડે એવું તે માને છે, એટલે લાશના કટકા કરે છે ને તે પછી પણ સમાધાન નથી થતું તો હાડકાંને ગ્રાઈન્ડર મશીનમાં ફેરવીને તેનો ભૂકો કરે છે ને એનો નિકાલ કરીને છૂટકારો મેળવે છે. એકાદ તો એવો ઘાતકી છે કે લાશના ટુકડા કરે છે, તેને કૂકરમાં બાફે છે ને કૂતરાંને ખવડાવે છે. ગમે એટલી ઉદારતાથી જોઈએ તો પણ, આવા ખૂનીનો કોઈ પણ એંગલથી બચાવ થાય એમ નથી. એક પળ તો એવા ખૂનીઓ પર એવો ધિક્કાર છૂટે છે કે જે રીતે તેણે હત્યા કરી એ જ રીતે તેનો પણ ન્યાય કરવો જોઈએ, પણ કાયદો ખૂની જેટલો ઘાતકી કે વિકૃત થઈ શકતો નથી એ ટ્રેજેડી છે.

ખબર નથી પડતી કે હત્યા કર્યાં પછી પણ ખૂનીને અપરાધભાવ જન્મવાને બદલે વધુને વધુ ઘાતકીપણું પ્રગટ કરવાનું કેમ બને છે? જે હત્યાઓ અહીં વર્ણવાઈ કે અન્યત્ર થઈ હશે તેમાં ઉશ્કેરાટ નથી હોતો, પણ હત્યાનું વ્યવસ્થિત કાવતરું હોય છે. એ પછી પોતે કઇ રીતે પકડાઈ શકે એમ છે, એ શક્યતાઓને નાબૂદ કરવા હત્યારો એ તમામ પુરાવાઓનો નાશ કરે છે જે તેની વિરુદ્ધ પડે એમ છે. એ જ કારણ છે કે તે મરનારને વધુ ભયંકર રીતે નામશેષ કરવા મથે છે. આવી નૃશંસ હત્યાઓ માનવ મગજ કઇ હદે વિકૃત થયું છે એની ચાડી ખાય છે. એક જમાનામાં માણસને વધુ ને વધુ હિંસક અને વિકરાળ બતાવવા કથાવાર્તાઓમાં રાક્ષસ કે શેતાન ચિતરાતા હતા, ને એ તો કાલ્પનિક હતા, પણ આજના કેટલાક માણસોને જોઈએ છીએ તો હેવાનો કે રાક્ષસો બહુ વામણા લાગે છે…

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 જૂન 2023

Loading

21 વર્ષના ઓટિસ્ટિક છોકરાએ 3.13 સેકન્ડમાં રુબિક પઝલ સોલ્વ કરી: 

રાજ ગોસ્વામી|Opinion - Opinion|25 June 2023

ડોન્ટ થિંક, જસ્ટ સોલ્વ : જ્યારે હાથ મગજ બની જાય!

રાજ ગોસ્વામી

તમને રુબિક ક્યૂબ ખબર છે ને? 26 રંગબેરંગી ક્યૂબ્સને ઇલાસ્ટિકથી જોડીને બનાવેલી આ રમત મેજિક ક્યૂબ તરીકે પણ ઓળખાય છે. હંગેરીના શિલ્પકાર અને આર્કિટેક્ચર પ્રોફેસર એર્નો રુબિકે, વિધાર્થીઓને થ્રી ડાઈમેન્શલ જ્યોમેટ્રી ભણાવવા માટે 1974માં આ પઝલ બનાવી હતી. પછી તો એ એટલી લોકપ્રિય થઇ ગઈ કે તે ‘વીસમી સદીની 100 પ્રભાવશાળી શોધ’માં સામેલ થઇ ગઈ છે.

અત્યારે તો ઇન્ટરનેટના કારણે તેની ઘણી ડિજીટલ આવૃત્તિઓ છે, તેને સોલ્વ કરવાની અનેક રીત બની છે અને ઘણા લોકો તેના નિષ્ણાત પણ છે, પરંતુ 80ના દાયકામાં તેનું જે વિજ્ઞાપન આવતું હતું તેમાં એવું લખવામાં આવતું હતું કે, “3,000,000,000(100 કરોડ)થી વધુ કોમ્બિનેશન, પણ માત્ર એક જ સોલ્યુશન.” તે વખતે દુનિયાભરનાં માતા-પિતા તેમના સંતાનોની માનસિક ક્ષમતાને ધાર કાઢવા માટે તેમને આ પઝલ સોલ્વ કરવા પ્રોત્સાહિત કરતાં હતાં.

ખાસ તો, કોણ સૌથી ઓછા સમયમાં આ પઝલને સોલ્વ કરે છે એ તેની અસલી કસોટી હતી. તેને સ્પીડક્યૂબિંગ કહે છે. તેનું એક વર્લ્ડ ક્યૂબ એસોસીએશન પણ છે, જે તેની એક આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજે છે. તેમાં ભાગ લેનારા લોકોને રુબિક ક્યૂબ સ્પીડસોલ્વર કહે છે. આટલી માહિતી આપવાનું કારણ આ સ્પર્ધા જ છે. તેના એક સમાચાર આવ્યા છે.

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના 21 વર્ષના સ્પીડસોલ્વર, મેક્સ પાર્કે, 3.13 સેકન્ડમાં આ પઝલ સોલ્વ કરવાનો નવો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. 3.13 સેકન્ડ એટલે તમે 12 ડગલાં ભરો એટલો સમય! આ અવિશ્વસનીય ગતિને બીજી રીતે પણ સમજી શકાય : એક સરેરાશ વ્યક્તિને રુબિક ક્યૂબને સોલ્વ કરતાં ત્રણ કલાક લાગી શકે, પાર્કને ત્રણ મિનિટ લાગી! 11મી જUને કેલિફોર્નિયાના લોંગ આઈલેન્ડ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં પાર્કે ચીનના યુશેંગ ડુનો અગાઉનો 3.47 સેકન્ડનો વિક્રમ તોડ્યો હતો.

આ મેક્સ પાર્ક બે વર્ષનો હતો, ત્યારે તેને તીવ્ર ઓટિઝમ હોવાનું નિદાન થયું હતું. ઓટિઝમ એક જિનેટિક બીમારી છે, અને તેનો સંબંધ બાળકની ન્યૂરોલોજી સાથે છે. ઓટિસ્ટિક બાળકની શિખવાની ક્ષમતા, બોલવા-જોવાની રીત, ચહેરાના હાવભાવ અને શરીર મુદ્રાઓ વગેરેમાં ત્રુટિઓ જોવા મળે છે અને તેનો સહજ વિકાસ રૂંધાયેલો હોય છે.

મેક્સ પાર્કની મોટર સ્કિલ્સની ત્રુટિઓથી ચિંતિત તેની માતા મિકિ પાર્કે તેના મગજને તેજ કરવા માટે રુબિક ક્યૂબની પઝલ કેવી ઉકેલવી તે શીખવાડ્યું હતું. એ ઉંમરથી પાર્કની એ રમતમાં દિલચસ્પી વધતી ગઈ. રુબિકની પઝલમાં માતા-પિતાને પાર્કનો ઈલાજ દેખાયો અને તેમણે તેને સ્પર્ધાઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યો. આવી સ્પર્ધાઓમાં જવાનો બીજો  સૌથી મોટો ફાયદો એ થયો પાર્કને સાર્વજનિક સ્થળોએ કેવી રીતે વ્યવહાર કરવો તે પણ આવડતું ગયું.

તેનાં માતા-પિતાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “એ જ્યારે નાનો હતો ત્યારે અમે તેની થેરાપિ માટે મથામણ કરતા હતા. ઓટિઝમની દુનિયામાં મુખ્યત્વે બાળક બીજા લોકો સાથે હળવા-મળવા માટે સક્ષમ થાય તેના પર ધ્યાન આપવા આવે છે, એટલે અમે પાર્કને ક્યૂબિંગ સ્પર્ધાઓમાં લઇ જવાનું શરૂ કર્યું જેથી તેને લોકોની ટેવ પડે. એ વખતે તેનામાં મોટર સ્કિલ્સ નહોતી. એ પાણીની બોટલ પણ ખોલી શકતો નહોતો. એટલે અમે એવું વાતાવરણ ઊભું કરતા હતા જ્યાં તેને મોટર સ્કિલનો ઉપયોગ કરવો પડે” (મોટર સ્કિલ એટલે ઈચ્છા અથવા વિચાર થકી શરીરના સ્નાયુઓને કોઈક કામ કરવા માટે સક્રિય કરવા).

પાર્ક સ્પર્ધાઓમાં જાય ત્યારે તેને લાઈનમાં ઊભા રહેવું પડે, કોઈને એવું કહેવું પડે, “હું તૈયાર છું,” હાથના ઈશારાથી ચીજો બતાવવી, હેન્ડ શેક કરવા, થેંક્યુ બોલવું વગરે. સામાન્ય વ્યક્તિ માટે આ સાધારણ બાબત છે, પણ ઓટિસ્ટિક વ્યક્તિ માટે એ એક મહેનતનું કામ હોય. આ બધી બાબતો ઓટિસ્ટિક મન માટે પડકાર બની જાય. એટલે ક્યૂબિક સ્પર્ધામાં જવાનો મૂળ હેતુ તો સામાજિક વ્યવહાર શીખવાનો હતો એમાં તેને પઝલમાં મજા આવતી ગઈ.

આ પઝલમાં ધીમે ધીમે પાર્કની એવી પકડ આવતી ગઈ કે તે સ્પર્ધાઓ જીતતો ગયો. 15 વર્ષની ઉંમરે તે રુબિક ક્યૂબની રમતમાં વિશ્વ ચેમ્પિયન બની ગયો હતો. આજે  તો તે રુબિકનો સત્તાવાર રીતે બ્રાન્ડ એમ્બેસેડર છે. 2020માં નેટફ્લિક્સ પર તેના જીવન અને તેની રમત પર ‘ધ સ્પીડ ક્યૂબર્સ’ નામની એક ડોક્યુમેન્ટરી આવી હતી. એ પછી તો તેનું નામ દુનિયાભરમાં જાણીતું થઇ ગયું.

પાર્કે એકવાર તેની આ આશ્ચર્યજનક આવડત અંગે કહ્યું હતું કે, “મારો મંત્ર છે – ડોન્ટ થિંક, જસ્ટ સોલ્વ (વિચારો નહીં, ઉકેલો).” એટલે શું? વિચાર્યા વગર કેવી રીતે કશું કરી શકાય? તેના માટે તમારે ઓટિસ્ટિક બાળકો કેવી રીતે વર્તતાં હોય છે તે સમજવું પડે. મોટાભાગનાં બાળકો, ઘરના આરામદાયક વાતાવરણમાં ક્યૂબ સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરતાં હોય છે, અને તે પણ અત્યંત ધીમે-ધીમે. સ્પર્ધાની વાત આવે ત્યારે ગતિ મહત્ત્વની બની જાય છે, કારણ કે હાર-જીત ઘડિયાળના કાંટે નક્કી થાય છે.

પાર્કનાં પેરેન્ટ્સ કહે છે કે પાર્કને ક્યૂબ ગોઠવતાં આવડી ગયેલું હતું. એટલે તેના શીખવા માટે કે ગોઠવવા માટે મગજ કસવાની જરૂર નહોતી. પાર્કને થયું કે સ્પર્ધાઓમાં વિજયી થવું હોય તો હાથ ચલાવવા પડશે, મગજ નહીં. તેણે હાથને એટલા ‘ટ્રેઈન’ કરી દીધા હતા કે તેનું મગજ હાથ ‘કહે’ તેમ કરતું થઇ ગયું હતું. આ જબરદસ્ત કહેવાય. સામાન્ય લોકોના કિસ્સામાં મગજ વિચારે તે પ્રમાણે હાથનું હલનચલન થાય. સહજ રીતે જ, વિચારવામાં સમય જાય. પાર્કે વિચારવાનું કામ હાથને સોંપી દીધું (તમે યુટ્યુબ પર તેનો એ વીડિયો જોજો, જેમાં પાર્ક જે રીતે 3.13 સેકન્ડમાં રુબિક ક્યૂબ પઝલ સોલ્વ કરે છે તે જોઈએ તમને પણ થશે કે તમને એ સમજવામાં જેટલી વાર લાગે તે પહેલાં તો તે પઝલ સોલ્વ કરી દે છે).

પાર્કની આ આવડત નોંધપાત્ર છે કારણ કે રુબિક ક્યૂબ વ્યક્તિની બુદ્ધિ નહીં, તેની સ્કિલ માપે છે. જે લોકો તે સોલ્વ નથી કરી શકતા તે બેવકૂફ છે એવું ન કહેવાય. એ જ રીતે, પાર્ક તેને સોલ્વ કરી શકે છે તેનો અર્થ એ નહીં કે બુદ્ધિશાળી છે. તેની ઓટિસ્ટિક સમસ્યાઓ તો ઠેરની ઠેર છે, પરંતુ તેને એકવાર એ પઝલ આવડી ગઈ પછી તે એટલી સરળ થઇ ગઈ કે તેને માત્ર હાથ ચલાવાની સ્કિલ પર જ ફોકસ કરવાની જરૂર હતી.

મહત્ત્વનું એ જ છે. 3x3x3ના રુબિક ક્યૂબમાં અલગ-અલગ 43 ક્વિન્ટીલિયન (1 ક્વિન્ટીલિયન એટલે 1 પછી 18 શૂન્ય) કોમ્બિનેશન છે. એટલે તેને ‘વગર વિચારે’ (ઇન્ટ્યૂઇશનથી-અંતર્જ્ઞાનથી) સોલ્વ કરવું અસંભવ છે. મેક્સ પાર્કની આ સિદ્ધિ અને તેના જીવન પરથી જો કશું શીખવા જેવું હોય, તો તે છે માનસિકતા. કોઇપણ પ્રકારની કસોટીમાં આપણો આપણી જાત સાથે પહેલો પ્રશ્ન એ હોય છે કે “હું આ કરી શકીશ?” આનો જવાબ એવો પણ હોઈ શકે કે “ના, આ મારથી નહીં થાય.” વાસ્તવમાં, આવો પ્રશ્ન પૂછીને આપણે આપણને નહીં કરવાનો વિકલ્પ આપી છીએ.

પાર્કના કિસ્સામાં સમજવા જેવું છે કે તે “હું આ કરી શકીશ?” ના સ્તરથી ઉપર ઊઠી ગયો હતો. તેનું ઓટિઝમ તો એક નક્કર કારણ હતું કે તે આ પઝલ સોલ્વ ન કરી શકે, પરંતુ તેણે જાતને “હું આ કરી શકીશ?” એવો સવાલ પૂછવાને બદલે “હું આ કેવી રીતે કરું?” એવો સવાલ પૂછ્યો હતો અને તે “રીતો”ને શોધવાની વૃતિમાંથી તે એવી સ્થિતિએ પહોંચ્યો જ્યાં તેણે 3.13 સેકન્ડમાં રુબિક પઝલ સોલ્વ કરી.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 25 જૂન 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0951,0961,0971,098...1,1101,1201,130...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved