Opinion Magazine
Number of visits: 9743256
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કલિકાલસર્વજ્ઞે જેને આવકાર્યો હોત તે વિમર્શ યુનિવર્સિટી કેમ ટાળે છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|20 July 2023

ભલા ભાઈ, આનંદસૂરિ અને હેમચંદ્રાચાર્ય બે સામસામે મૂકવા જોગ વ્યક્તિત્વ છે : એક નકરા ધર્મઝનૂની મહત્ત્વાકાંક્ષી, બીજા ધર્મજ્ઞ ને ઉચ્ચાકાંક્ષી, જેમને અર્ધ્યરૂપે મુનશીએ હૈમસારસ્વત સત્ર યોજ્યું હતું.

વાત તો સાચી કે આ જમાનો ન્યૂ નૉર્મલનો છે : સોલંકીકાળની ભારત પ્રસિદ્ધ રાજધાની પાટણમાં વિરાજતી યુનિવર્સિટીના પાઠ્યક્રમમાંથી ખુદ ‘પાટણની પ્રભુતા’ને જ રુખસદ ફરમાવવાની નોબત આવી છે.

પ્રકાશ ન. શાહ

તેમ છતાં, જો કે, આરંભે જ કબૂલી લેવું જોઈએ કે પાઠ્યક્રમમાંથી કશુંક પડતું મૂકવું એની યુનિવર્સિટીઓને કે શાલેય સંસ્થાનોને નવાઈ નથી. છેલ્લા મહિનાઓમાં એન.સી.ઈ.આર.ટી.એ અજબ જેવી ધડબડાટી બોલાવી છે, પણ આ ક્ષણે આપણે એમાં નહીં જતાં સ્થાનિક ધોરણે થતાં નિર્ણયોની ચર્ચા કરીશું. હમણાં કહ્યું કે, અભ્યાસક્રમમાંથી કશુંક કમી થવાની નવાઈ નથી. આપણે ગુજરાતમાં, ગુજરાતીના વિષયની જ નમૂના દાખલ વાત કરીએ તો તરત સાંભરશે કે વિશ્વનાથ ભટ્ટની કલમે લખાયેલ વિરલ એવા નર્મદ – ચરિત્રમાંથી ‘નર્મદનો જમાનો’ એ પાઠ પાઠ્યપુસ્તકમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. રામનારાયણ વિ. પાઠકની નવલિકા ‘ખેમી’ સાંભરે, અને ઉમાશંકર કૃત ‘ઢેઢનાં ઢેઢ ભંગી’ પણ (ક્ષમાયાચના સહ અહીં નિવેદિત કરવાનું કે નિષિદ્ધ પ્રયોગો કેવળ શીર્ષકને મૂળ રૂપે ટાંકવાના ખયાલે જ કર્યા છે.)

પૂર્વે ઠીક ઠીક ઊહાપોહ થયો હોય તો પણ હમણેનાં વરસોનો અનુભવ એ છે કે, વિવાદ અને વિખવાદ વચ્ચેથી, કોઈની લાગણી દુભાવાના ખયાલે ચર્ચા (કેટલાંકને મતે કચકચ) ટાળવામાં સૌ ડહાપણ જુએ છે અને કજિયાનું મોં કાળું એવાં હિતવચનોમાં આશરો લે છે.

સરકારને પક્ષે કે સંબંધિત શિક્ષણ-સંસ્થાને પક્ષે આમાં એક સગવડ પડેલી છે એ સાફ છે. પણ શિક્ષણની ધોરણસરની પ્રક્રિયા અને પાયાનાં શૈક્ષણિક મૂલ્યોની રીતે વિચારીએ તો કથિત ડહાપણ વાસ્તવમાં ભણાવનારની કમજોરી છે, અને એથી પણ વધુ તો ભણાવનારની પૂંઠે સરકારી તંત્રે ને શાસકીય નેતૃત્વે અડીખમ રહેવું જોઈએ એવી. સહજ અપેક્ષાનું કેવળ ઉલાળિયું છે. આપણા કેટલા બધા ગમા-અણગમા વિવેકશૂન્ય ને આધારશૂન્ય હોય છે. કેળવણીની પ્રક્રિયા ગમા-અણગમા વચ્ચે શુદ્ધ વિવેક જગવવાની હોવી જોઈએ. આ રીતે વિચારીએ તો પાઠ્યક્રમમાંથી પરબારું પડતું મૂકવાનું વલણ પોતે તપાસ બલકે પુનર્વિચાર માગી લે છે.

હવે વાત ‘પાટણની પ્રભુતા’ની પેઢી દર પેઢી એની નવી આવૃત્તિઓ થતી રહી છે. મુદ્દે, એક સન્માન્ય જૈનાચાર્યે કુલપતિ રોહિત દેસાઈ જોગ પત્રમાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે યુનિવર્સિટી જે મહાપુરુષના નામથી ગૌરવાન્વિત છે એ હેમચંદ્રાચાર્યના જીવનને અયોગ્ય રીતે પ્રસ્તુત કરનાર આ પુસ્તકને પાઠ્યક્રમમાં પ્રવેશ કેવી રીતે આપી શકાય. ગમે તેમ પણ, ‘પ્રભુતા’ વાંચનારને વળતો પ્રશ્ન ખરેખર તો થવો જોઈએ કે આ નવલકથામાં હેમચંદ્રાચાર્ય છે જ ક્યાં ? અલબત્ત, પાટણ પંથકના એક જૈન અગ્રણીએ કેવળ દૂરાકૃષ્ટ જ નહીં પણ ધરાર ધડમૂળ વગરની વાત કરી છે કે ‘પ્રભુતા’માં આવતા જતિ આનંદસૂરિ પરોક્ષરૂપે હેમચંદ્રાચાર્ય છે. ભાઈ, મુનશીએ એમની નવલત્રયીના બીજા-બીજા મણકામાં, ‘ગુજરાતનો નાથ’ અને ‘રાજાધિરાજ’માં વાસ્તવિક હેમચંદ્રાચાર્યનું કથારૂપ મૂક્યું જ છે. આનંદસૂરિ અને હેમચંદ્રાચાર્ય બે જુદાં જ વ્યક્તિત્વ છે … ધર્મઝનૂની આનંદસૂરિ અને ઉચ્ચાકાંક્ષી ધર્મજ્ઞ એવા હેમચંદ્રાચાર્ય ! મુનશી સરખી પ્રતિભા, જેને નામે હૈમસારસ્વતં સત્ર સરખો સોજ્જો અવસર ઇતિહાસજમે બોલે છે, એનો તો લિહાજ કરો જરી.

સમજમાં તળેઉપર, ઇતિહાસની સેળભેળ, મુદ્દા વગરની લાગણી દુભાઉ ધડપડ, આવે વખતે યુનિવર્સિટીએ પરબારા વાવટા વીંટી લેવાય નહીં. હજુ પણ મોડું થયું નથી. યુનિવર્સિટી પહેલ અને આદર સાથે સંબંધિત સૌને સાથે રાખીને ચર્ચા કેમ ન કરી શકે ? એક પા કુલપતિ-કુલાધિપતિ તો બીજી પા શિક્ષણ પ્રધાનને છેડેથી લેખકો અને અધ્યાપકોને તેમ જ કથિત વિરોધકોને નિમંત્રીને વિમર્શ કરવાપણું છે.

આ પ્રક્રિયામાં પડવાથી બેઉ બાજુના સૌ લાભાન્વિત થશે : આવી પ્રક્રિયા, અંતે તો, આરતી સરખી બની રહેતી હોય છે – ભગવાન અને ભક્ત બેઉને તે એક સાથે આલોકિત કરે છે. એટલું જ નહીં પણ એની આશકા નાનામોટા સૌ હોંશે હોંશે લઈ શકે, અને સરવાળે શિક્ષણ પણ સુધરી શકે!

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 19 જુલાઈ 2023

Loading

અચાનક બીજે.પી.ને એન.ડી.એ. પર પ્રેમ ઉભરાઈ આવ્યો

રમેશ ઓઝા|Opinion - Opinion|20 July 2023

રમેશ ઓઝા

૨૦૨૦માં બિહાર વિધાનસભાની ચૂંટણી પછી રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાન સાથે ગેમ કરવામાં આવી હતી એ કદાચ યાદ હશે. આ તો એક ઉદાહરણ છે. આવાં તો બીજાં અનેક ઉદાહરણ છે જેમાં ભારતીય જનતા પક્ષે જે ખભાઓનો ઉપર ચડવા માટે ઉપયોગ કર્યો હતો તેની સાથે જ દગો કર્યો હતો. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં અને એ પછી ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં મળેલા ભવ્ય વિજય પછી બી.જે.પી.ને એમ લાગવા માંડ્યું હતું કે હવે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની જરૂર નથી. કાઁગ્રેસે જેમ વગર ટેકે એકલે હાથે ચાર દાયકા કરતાં વધુ સમય રાજ કર્યું હતું એમ આપણે પણ કરી શકીશું. બી.જે.પી.એ એન.ડી.એ.નું વિસર્જન નહોતું કર્યું, પણ તેને કદ પ્રમાણે વેતરવાનું શરૂ કર્યું હતું. બિહારમાં ચિરાગ પાસવાન તો ઠીક નીતીશકુમારને પણ વેતરી નાખ્યા હતા. નીતીશે કુમારે પલટી મારી એનું કારણ તેમનું અને તેમના પક્ષનું અસ્તિત્વ જ દાવ પર હતું એ છે. એવું જ મહારાષ્ટ્રમાં શિવસેના સાથે બન્યું હતું અને સેનાએ પોતાનું અસ્તિત્વ બચાવવા છેડો ફાડ્યો હતો. આવું જ પંજાબમાં અકાલી દલ સાથે બન્યું હતું. તમે એ પણ નોંધ્યું હશે કે બી.જે.પી.એ ૨૦૧૯ પછીથી એન.ડી.એ.ની કોઓર્ડીનેશન કમિટીની એક પણ બેઠક નથી બોલાવી.

હવે અચાનક બી.જે.પી.ને એન.ડી.એ. પર પ્રેમ ઉભરાઈ આવ્યો છે અને દિલ્હીમાં ૩૮ પક્ષોની એક બેઠક બોલાવી અને એ પણ એ જ દિવસે જે દિવસે બેંગલોરમાં ૨૬ વિરોધ પક્ષોની બેઠક થવાની હતી. એન.ડી.એ.ની બેઠકમાં હાજર રહેલા ૩૮ પક્ષોની યાદી પર એક નજર કરવા જેવી છે. ૩૮માંથી ૩૦ પક્ષો એવા છે જેનાં તમે ક્યારે ય નામ પણ નહીં સાંભળ્યા હોય અને કેટલાક તો ક્યારે ય એન.ડી.એ.માં નહોતા. એન.ડી.એ.ના અઢી દાયકા જૂના ઘટક પક્ષોમાંથી મોટાભાગના પક્ષો દગાખોરીથી બચવા અથવા દગાખોરીનાં કારણે જતા રહ્યા છે.

એવી શું જરૂર પડી કે અચાનક એન.ડી.એ.ની યાદ આવી?

એક કારણ તો એ છે કે બી.જે.પી. એમ બતાવવા માગે છે કે તે દેશમાં અછૂત નથી. દેશમાં એવા અનેક પક્ષો છે જે અમારી સાથે ચાલવા તૈયાર છે. તમે જોયું હશે કે બી.જે.પી.ના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ સંખ્યા બતાવી હતી; જુઓ તેઓ ૨૬ છે અને અમે ૩૮.

બીજું કારણ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી છે અને વિરોધ પક્ષો સંયુક્ત મોરચો રચીને બી.જે.પી.ના એક ઉમેદવારની સામે એક ઉમેદવાર ઊતારવાની તૈયારી કરી રહ્યા છે. બી.જે.પી.ને ખબર છે કે કેરળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં તેનો ગજ વાગવાનો નથી. કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જોતાં ત્યાં પણ બહુ સફળતા મળે એમ નથી. આ રાજ્યોની કુલ બેઠક ૧૩૦ થાય છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં પણ ખાસ કોઈ સફળતા મળે એમ નથી અને પશ્ચિમ બંગાળની પંચાયતોની ચૂંટણીનાં ગયા અઠવાડિયે આવેલાં પરિણામોએ આ બતાવી આપ્યું છે. પશ્ચિમ બંગાળ લોકસભાની ૪૨ બેઠકો ધરાવે છે. આમ લોકસભાની કુલ ૫૪૩ બેઠકોમાંથી ઓછામાં ઓછી ૧૫૦ બેઠકો બી.જે.પી.ને મળે એમ નથી. એ પછી છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન એવાં રાજ્યો છે જ્યાં બી.જે.પી. સામે કાઁગ્રેસ સિવાય કોઈ ત્રીજો પક્ષ નથી. ટૂંકમાં બી.જે.પી. સામે કાઁગ્રેસની સીધી લડાઈ થવાની છે અને આ રાજ્યોની કુલ બેઠકો છે; ૧૦૦. અત્યાર સુધી આમ આદમી પાર્ટીનો કાઁગ્રેસના મત તોડવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો, પણ મદમાં આવીને આપ સાથે સંબંધ બગાડ્યા એટલે એ હવે ખેલ બગાડવા કાઁગ્રેસ સામે મેદાનમાં ઉતરવાની નથી. આમ લોકસભાની ૨૭૨ બેઠકો એવી છે જ્યાં કાં તો બી.જે.પી.નો ગજ ટૂંકો પડે છે અથવા કાઁગ્રેસ સામે સીધો મુકાબલો થવાનો છે.

રહી ૨૭૧ બેઠકો જેમાં ૨૬ વિરોધ પક્ષો પ્રયાસ કરી રહ્યા છે કે બી.જે.પી.ના એક ઉમેદવાર સામે વિરોધ પક્ષોના એક ઉમેદવારને ઊભો રાખવામાં આવે. એમાં કોઈ શંકા નથી કે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગુજરાત બી.જે.પી.નો ગઢ છે અને તેની બેઠકસંખ્યા ૧૧૧ છે. ઉત્તર પ્રદેશમાં કાઁગ્રેસ નબળી છે અને સમાજવાદી પક્ષ સામે માયાવતીનો બહુજન સમાજ પક્ષ છે જે વિરોધ પક્ષના મોરચામાં સામેલ થવા તૈયાર નથી. એક તો ઉત્તર પ્રદેશમાં બી.જે.પી. મજબૂત છે અને ઉપરથી માયાવતી મત તોડશે, એટલે ઉત્તર પ્રદેશમાં બી.જે.પી.નો વિજય થવાનો છે. વળી ઉત્તર પ્રદેશની બેઠકો કોઈ ઓછી નથી ૮૦ છે. માયાવતીની જેમ ઓડીશામાં નવીન પટનાયક પણ કોઈ મોરચામાં જોડાયા નથી એટલે ત્યાં પણ ત્રિપાંખિયો જંગ થવાનો છે અને ઓડીશાનો બેઠકસંખ્યા ૨૧ છે.

જો વિરોધ પક્ષો સંગઠિત થાય અને એક સામે એકનો મુકાબલો થાય તો તે બી.જે.પી. માટે ચિંતાનો વિષય તો બને જ. માટે શરદ પવારના પક્ષમાં ફૂટ પાડવામાં આવી. માટે એન.ડી.એ. નામના મૃતપ્રાય મોરચાને ફરી જીવતો કરવામાં આવ્યો છે. એમાં જે પક્ષો છે એ ફૂટકળિયા છે, પણ તેનું કામ વિરોધ પક્ષના સંયુક્ત ઉમેદવારના મત તોડવાનું હશે. આને માટે પૈસા તો બી.જે.પી. પૂરા પાડશે.

વિરોધ પક્ષો સંગઠિત થશે ખરા? અને થશે તો એકતા ટકી શકશે ખરી? વિપક્ષી એકતાના અત્યાર સુધીના પ્રયાસોનો ઇતિહાસ જોતા ભરોસો બેસતો નથી, પરંતુ એ સાથે જ બી.જે.પી.ની દાદાગીરીનો વર્તમાન જોતા એ સંભવ પણ લાગે છે. બી.જે.પી.નો ઈરાદો તુર્કીની જેમ એકપક્ષીય શાસન લાદવાનો છે અને વિરોધ પક્ષો સામે અસ્તિત્વનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આ સિવાય પ્રાદેશિક અસ્મિતા અને સમવાય ભારત સામે પણ અસ્તિત્વના પ્રશ્નો પેદા થયા છે. સોમવાર અને મંગળવારે બેંગલોરમાં મળેલી વિરોધ પક્ષોની બેઠકમાં સંગઠિત મુકાબલો કરવાની જે ગંભીરતા જોવા મળી એ જોતાં એમ લાગે છે કે એક સામે એક ઉમેદવાર ઊભો રાખવામાં સરેરાશ ૯૦ ટકા સફળતા મળશે. એન.ડી.એ.ના ફૂટકળિયા પક્ષો ઝાઝું નુકસાન નહીં પહોંચાડી શકે.

બી.જે.પી.ની ચિંતાનું ત્રીજું કારણ રાષ્ટ્રીય રાજકારણમાં કાઁગ્રેસે પુન:પ્રાપ્ત કરેલું સ્થાન છે. ૨૦૧૯માં કાઁગ્રેસને બોજારૂપ ગણવામાં આવતી હતી જેનો અત્યારે વિપક્ષી એકતાના એન્જીન તરીકે સ્વીકાર કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીની ઈમેજમાં પણ સુધારો થયો છે.

બી.જે.પી.ની ચિંતાનું ચોથું અને મોટું કારણ નાગરિક સમાજની સક્રિયતા છે. દૂરનું વિચારવાની ક્ષમતા ધરાવનારા બુદ્ધિશાળી અને સંવેદનશીલ નાગરિકોએ બંધારણમાં આલેખાયેલા ભારતને બચાવી લેવાનો સંકલ્પ કર્યો છે અને ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી તેમના માટે છેલ્લી તક છે. કર્ણાટકમાં નાગરિક સમાજ ઉતર્યો હતો અને હવે પછીની ચૂંટણીઓમાં ઉતરવાનો છે. અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. પહેલી અને બીજી જુલાઈએ મહારાષ્ટ્રના નાગરિક સમાજની એક બેઠક જળગાંવમાં મળી હતી જેમાં ૮૦૦ કરતાં વધુ લોકોએ ભાગ લીધો હતો અને તેમાં અડધા કરતાં વધુ યુવક-યુવતી હતાં. તેમની સક્રિયતા, મૌલિકતા અને ઉપરથી નિસ્વાર્થપણું ગ્રાઉન્ડ ઉપર ફરક પાડી શકે છે જેમ કર્ણાટકમાં બન્યું હતું. નાગરિક સમાજ મત તોડનારા ફૂટકળિયા પક્ષો અને અપક્ષ ઉમેદવારોને નિરસ્ત કરી શકે એમ છે. કર્ણાટકમાં આ પણ જોવા મળ્યું હતું.

હા, પુલવામાં જેવી ઘટના બને તો વાત જુદી છે. પણ આવું વારંવાર દરેક ચૂંટણી વખતે બને?

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 20 જુલાઈ 2023

Loading

ગુફ્તેગો એક માણસ સાથે ..

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|19 July 2023

૧૯૯૩ની ઉનાળાની એક બપોરે ગુણવંત શાહ, અવંતિકાબહેન સાથે, એરિઝોનાથી રોચેસ્ટર અશોકભાઈના ઘેર આવ્યા. તેમની સાથે ફોન ઉપર વાતચીત થતાં મેં તેમને કહ્યુંઃ ‘તમારા પ્રથમ પુસ્તક કાર્ડિયોગ્રામથી લઈ ઢાઈ અક્ષર પ્રેમ કા સુઘીનાં તમામ પુસ્તકો મેં વાંચ્યાં છે.”

ઢાઈ અક્ષર પ્રેમ કા તેઓ અમેરિકા આવ્યા તેના બેચાર અઠવાડિયા પહેલાં જ પ્રગટ થયેલું. તે પુસ્તક અમેરિકામાં મારી પાસે છે એવું જાણીને તેઓ ભાવભીના થઇ ગયેલા.

સાંજે પ્રવચનમાં અશોકભાઈએ ગુણવંત શાહનો પરિચય આપતાં કહ્યું કે, ‘ગઈ કાલ સુઘી હું ગુણવંતભાઈ અને તેમનાં પુસ્તકોથી સાવ અપરિચિત હતો. મારું સદ્ભાગ્ય કે મારા મિત્ર પ્રીતમે તેમનાં પુસ્તકોનો પરિચય કરાવ્યો.” અશોક્ભાઈ તેમનું વાકય પૂરું કરે તે પહેલાં જ ગુણવંતભાઈએ, તેમને અઘવચ્ચે અટકાવીને કહ્યું કે, ‘જો પ્રીતમભાઈ અત્યારે અહીં આવ્યા હોય તો તમે તેમને ઊભા કરો. મારે આ ક્ષણે તેમને મળવું છે.” તેમના સૂચનને માન આપી અશોક્ભાઈએ મને ઊભો કર્યો. ગુણવંતભાઈ જાણે વરસોથી ઓળખતા હોય તેમ ભેટી પડ્યા. તે ક્ષણે મેં તેમની સોનેરી ફ્રેમનાં ચશ્માં પાછળની નેહનીતરતી આંખમાં વાચકો પ્રત્યે પ્રેમની છાલક જોઈ તે આજ લગી ભૂલાઈ નથી.

એમનું વ્યાખ્યાન પૂરું થયા પછી મેં તેમને મારે ઘેર આવવાનું નિમંત્રણ આપ્યું. એનો સહજ સ્વીકાર કરતાં ગુણવંતભાઈએ મને કહ્યું, ‘સવારે આઠ વાગ્યે, નાયગરા જતાં હું તમારે ઘેર થઈને જઈશ.” સવારના લગભગ સાત વાગ્યે, હજુ તો હું નિદ્રામાં હતો ત્યાં અશોક્ભાઈનો ફોન આવ્યો કે ગુણવંતભાઈની સાથે તે પોણા કલાકમાં મારે ઘેર પહોંચે છે. ઘડીભર મને માન્યામાં ન આવ્યું કે ભારતથી આવતા ગુજરાતી સર્જકને મન સમયનું આટલું મૂલ્ય હશે! બરાબર આઠને ટકોરે મેં બન્નેને બારણે ઊભેલા જોયા.

૧૯૯૪માં એમણે મનોમન વિચાર કરી લીઘેલો કે તેમને મળનાર પુરસ્કારનો અંગત ઉપયોગ કરવાને બદલે તે પૂરેપૂરો સર્વોદય પરિવાર ટ્ર્સ્ટને આપી દેશે! અમેરિકાના પ્રવાસમાં તેમનાં પ્રવચનોનો પુરસ્કાર, બઘો ખર્ચ બાદ કરતાં, લગભગ બે હજાર ડૉલર થતો હતો. આટલી મોટી રકમ વિશે ઝાઝો વિચાર કર્યા વિના એમણે અમને કહી દીઘું કેઃ “એ રકમ ભારતમાં, સર્વોદય ટ્ર્સ્ટ પરિવારને તમે ચેક દ્વારા મોકલી આપો.”

અમે એમને થોડીક રકમ પરિવારને માટે રાખવા ઘણું સમજાવ્યા પણ તેમનો સંકલ્પ અફર રહ્યો. તેમણે મને કહ્યું કે, ‘આ તો ફકત સિતેર હજાર રૂપિયાની વાત છે, પણ તેની જગ્યાએ સિત્તેર લાખ હોય તો પણ મારે સર્વોદય ટ્ર્સ્ટને જ એ રકમ આપી દેવી જોઈએ.”

ગુણવંતભાઈ લગાતાર બે વર્ષ રોચેસ્ટર આવેલા. તે દરમિયાન, થોડો સમય તેમની સંગત માટે મળેલો. એમના અંગત-બિનઅંગત જાણ્યા પછી હું ચોક્ક્સ કહી શકું કે તેમનું જીવન ખુલ્લી કિતાબ સમું છે.  ગુણવંતભાઈ વ્યાખ્યાનમાં આવતાં પહેલાં બ્રશ, દાઢી, સ્નાન પતાવી સુઘડ સ્વચ્છ ખાદીનો ઝભ્ભોલેંઘો પહેરી ઘ્યાનમાં બેસે અને પૂરા સજ્જ થઈ, સમયસર વ્યાખ્યાનમાં આવી પોતાની પાસે જેટલું જ્ઞાન હોય તે ઠાલવીને જાતને હળવીફૂલ કરી નાખે. ઘણી વાર પ્રથમ નજરે સામેવાળી વ્યક્તિને ગુણવંતભાઈ અભિમાની હોય એવું લાગે પણ નજીક જવાની તક મળે તો લાગે કે પ્રેમની કેવી સરવાણી તેમનામાં વહે છે! એમનામાં કયારેક અઘીરાઈ જોવા મળે. આને કારણે સાવ નાની સરખી બાબતમાં ગુસ્સે થઈ જાય છે.

એક સાંજે ડૉકટર મિત્ર અશોક શાહે કવિમિત્ર ચંદ્રકાન્ત શાહને ફોન કરી જણાવ્યું કે આપણી વાત મુજબ અમુક દિવસે ગુણવંતભાઈ બોસ્ટન આવશે. ચંદ્રકાન્તે અશોકભાઈને કહ્યુંઃ ‘એ દિવસ કદાચ મને નહીં ફાવે, પરંતુ બેએક અઠવાડિયા પછી આવે તો કાર્યક્રમ માટે પૂરતી તૈયારી થઈ શકે. ‘ફોન પરની વાતચીતનો સાર અશોક્ભાઈએ ગુણવંતભાઈને આપ્યો. ગુણવંતભાઈ તેનાથી ગુસ્સે થયા. એમને શાન્ત પાડવા મેં તેમને ચંદ્રકાન્તની પરિસ્થિતિની વાત કરી એમનો ગુસ્સો શમી ગયા પછી, મનોમન પસ્તાવા સાથે એમણે કહ્યુંઃ ‘ચંદ્રકન્ત બોસ્ટનમાં કાર્યક્રમ ગોઠવી ન શકે તો કંઈ વાંઘો નથી.”

ગુણવંતભાઈને મન વ્યાખ્યાન એ સાઘના છે. આ સાઘનામાં તેઓ જરા પણ ખલેલ સહન ન કરી શકે. મારા ખાસ મિત્ર ડૉ. રાજેશ મહેતા, ગુણવંતભાઈના વ્યાખ્યાનમાં તેમની બે વર્ષની દીકરી પ્રાચી સાથે આવેલા. બાળકોને ભલા વ્યાખ્યાન સાથે શી લેવાદેવા! વ્યાખ્યાનમાં બેઠેલા સહુ કોઈનું ઘ્યાન તેની ઉપર પડે એ રીતે નિર્દોષ આનંદમાં બાળકી લીન હતી. પરંતુ તેનું રમતિયાળપણું વ્યાખ્યાનને બાઘક થતું ભાળીને ગુણવંતભાઈએ, રાજેશભાઈને ખૂબ નમ્રતાથી કહ્યું કે તેઓ બાળકને બહાર લઈ જાય તો સારું.

રાજેશભાઈ પ્રાચીને લઈ ઘેર ચાલ્યા ગયા. વ્યાખ્યાન બાદ ગુણવંતભાઈ, રાજેશભાઈ અને સંગીતાબહેનને વ્યાખ્યાનમાંથી અધવચ ઘેર જવું પડ્યું તે કારણે દુઃખી જણાતા હતા. મેં ગુણવંતભાઈને ચિંતા ન કરવાનું કહીને જણાવ્યું કે રાજેશભાઈ મારા અંગત મિત્ર છે અને બહુ સમજદાર વ્યક્તિ છે. તેમને આ બાબતમાં જરા ય ખોટું નહીં લાગ્યું હોય. આટલા શબ્દોએ તેમને કેટલું આશ્વાસન, કેટલી નિરાંત આપી હશે એ હું નથી જાણતો, પણ ગુણવંતભાઈનું આ રીતે ફરી સ્મરણ કર્યાનો આનંદ અવશ્ય છે.

અમેરિકા આવતા કેટલાક ગુજરાતી સાહિત્યકારોને સંસ્કૃતિ કે સાહિત્ય સાથે બહુ ઓછી લેવાદેવા હોય છે. આ વાત ગુણવંતભાઈને લાગુ પડતી નથી. એ જુદી માટીના માણસ લાગે છે. અમેરિકાના પ્રવાસ કે ડોલર કરતાં તેમને રસ પડે છે, યંત્રયુગમાં એક માણસથી દૂર થઇ ગયેલા બીજા માણસને નજીક લાવીને તેમનાં હ્રદયમાં પ્રેમતીર્થ ઊભાં કરવામાં! એમની ઈમાનદારી અને સચ્ચાઈ એમના વ્યવહારમાં પ્રગટ થાય છે.

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

...102030...1,0931,0941,0951,096...1,1001,1101,120...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved