Opinion Magazine
Number of visits: 9743189
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોનાકાળમાં કળાની સમીપે : 6

અમર ભટ્ટ|Opinion - Opinion|27 July 2023

અમર ભટ્ટ

કવિ પ્રહલાદ પારેખે (કવિતાની?) પરબનું ગીત લખ્યું છે –

“હું તો બેઠી પરબ એક માંડી કે પાણીડાં કોણ પીશે?

લીલા લીમડાએ છાંયડી ઢાળી કે પાણીડાં કોણ પીશે?

આજ હૈયે છે કામના જાગી કે પાણીડાં કોણ પીશે?

કોઈ આવીને નીર લિયે માંગી કે પાણીડાં કોણ પીશે?”

વૃત્તાંત 1માં જણાવ્યા પ્રમાણે તાળાબંધીની શરૂઆતથી 1 જૂન 2020 સુધી રોજ, મેં પણ મારી વૉટ્સ ઍપની પરબમાંથી,એક કાવ્ય ગાન સ્વરૂપે મોકલ્યું – સાથે તે કાવ્ય અંગેની અને તે કાવ્યના સ્વરાંકન અંગેની મારી સમજ પ્રમાણેની  મારી નોંધ પણ ખરી. હું ક્યારે ય મળ્યો ન હોઉં અને જેમને ઓળખતો પણ ન હોઉં તેવી પણ અનેક વ્યક્તિઓએ સંદેશાઓ અને ફૉન દ્વારા મારી આ વહેંચણીથી તેમને મળેલાં આશ્વાસન અને આનંદ મને પહોંચાડ્યાં. 

“અનલોકડાઉન” શરૂ થવાનું હતું એના આગલા દિવસે મેં નરસિંહથી શરૂ કરીને અત્યાર સુધીની, ક્યાંક સૂફી મિજાજ હોય કે ક્યાંક જીવન જીવવાની અમૂલી રીત વ્યક્ત થતી હોય અને આહિર ભૈરવ રાગથી શરૂ કરીને ભૈરવીમાં સમાપ્ત થાય અને સમાન તાલમાં ગાઈ શકાય તેવી, રચનાઓ વહેંચી અને મારી “ભજનયાત્રા”માં સૌને સામેલ કર્યા –

 https://youtu.be/eL76lCIwZBs 

આવું વિશ્વભરમા અન્યત્ર ક્યાં થયું હશે તેની મારી શોધ મને માઈકલ ઈગ્નેશીએફના પુસ્તક “On Consolation” પાસે લઇ ગઈ. ઈગ્નેશીએફ કેનેડાના ઉદારમતવાદી પક્ષના ભૂતપૂર્વ નેતા, ઇતિહાસવિદ્દ, હાર્વર્ડ અને ઑક્સફર્ડ જેવી યુનિવર્સિટીઓમાં પ્રૉફેસર અને અનેક પુસ્તકોના લેખક છે. તેમણે અનુભવ્યું કે કોરોના સમયમાં કલાકારો, કવિઓ અને લેખકો લોકોનાં ભય, ચિંતાઓ, તણાવોમાં રાહત આપવાનું કામ કરતા હતા. હૉલેન્ડના રોટરડેમ જેવાં શહેરમાં કોઈને વિચાર આવ્યો કે વિશ્વભરના કલાકારો બીથોવનની સિમ્ફની ઑનલાઇન પ્રસ્તુત કરે જેમાં દરેક કલાકાર પોતપોતાના દેશમાં પોતાને ઘેર હોય. ઑનલાઈન હોવા છતાં સૌએ અજબ તાલમેલ જાળવ્યો. કોઈક કવિએ ફેસબૂક પર કાવ્યપાઠ કર્યો તો કોઈએ પિયાનોવાદન રજૂ કર્યું. અપાર પીડામાં જાતને આશ્વસ્ત કરવા કલાનો સહારો લઈને થયેલાં ઐતિહાસિક સર્જનો પર પુસ્તક લખવાનો ઈગ્નેશીએફને વિચાર આવ્યો. તેના પરિણામરૂપે આ પુસ્તકમાં પુત્રીના અકાળ અવસાન સમયે અભિવ્યક્ત થયેલી સિસેરોની પીડાની વાત છે; તો કવયિત્રી આના આખ્માતોવાએ, લેનિનગ્રાદમાં ક્રેસ્ટો જેલમાં કેદ તેના પુત્રને મળવા માટેની પ્રતીક્ષાની પળોમાં અનુભવેલી અનિશ્ચિતતા અને તેનાં કાવ્યોમાં વ્યક્ત વેદના પણ આપણે ઈગ્નેશીએફનું આ પુસ્તક વાંચીને અનુભવી શકીશું. પાશ્ચાત્ય સંગીતના ખ્યાતનામ સ્વરકાર ગુસ્તાવ માહલર ઉપરના પ્રકરણમાં બીથોવનનો એક હૃદયદ્રાવક કિસ્સો છે. 1804માં વિયેનામાં ડોરોથી વૉન એર્ટમૅન નામની યુવા પિયાનોવાદક પોતાના ત્રણ વર્ષના પુત્રને ગુમાવીને ઊંડા માનસિક દબાવમાં હતી. બીથોવન એને મળવા એને ઘેર ગયો અને ત્યાં લગભગ એક કલાક એવું પિયાનોવાદન કર્યું કે ડોરોથી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. બીથોવન કાંઈ જ બોલ્યા વગર ડોરોથીનો હાથ વાત્સલ્યથી દાબીને નીકળી ગયો. એ પછી ડોરોથીએ એક પત્રમાં કોઈને જણાવ્યું હતું કે તે દૈવી સંગીત હતું અને જાણે કે પ્રકાશના વિશ્વમાં ગાંધર્વો તેના પુત્રને આવકારી રહ્યા હતા! નરસિંહરાવ દીવેટિયાનું “મંગલ મંદિર ખોલો” આવી જ વેદનામાંથી અવતરેલું ને! માહલરે પોતાના સંતાનને ગુમાવ્યાનું દુઃખ 1901થી 1904ની વચ્ચે પાંચ ગીતોમાં વ્યક્ત કર્યું. છેલ્લા ગીતમાં પોતાને આ માટે દોષિત માનતા એ કહે છે –

“In this weather, in this storm

I should never have let the children out” 

( https://youtu.be/YFXKSsAs5HY )

બાલમુકુન્દ દવેનું “સોનચંપો” ગીત યાદ આવશે જ –

“રંકની વાડીએ મો’ર્યો સોન રે ચંપાનો છોડ 

અમને ન આવડ્યાં જતનજી”

કોરોના સમયે અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણી સ્થગિત કરવી પડી હતી. લોકશાહીના ત્રીજા સ્તંભ સમી અદાલતો ચાલે જ નહીં તે તો ન ચાલે એમ વિચારીને તમામ રાજ્યોની વડી  અદાલતોએ ટેક્નોલોજીની સહાય લઇ ઑનલાઇન સુનાવણી શરૂ કરી. ગુજરાત હાઈકૉર્ટે આખા ભારતમાં પહેલ કરી અને અદાલતો ઑનલાઇન ચાલે તે માટે અથાગ જહેમત ઊઠાવી. આરંભની મુશ્કેલીઓ બાદ આ વ્યવસ્થા સૌને એવી તો કોઠે પડી ગઈ કે 2021 ઑગસ્ટમાં જ્યારે પ્રત્યક્ષ સુનાવણી પુન: શરૂ કરાઈ ત્યારે સૌએ ઑનલાઇન સુનાવણી બંધ ન કરવા વિનંતી કરી. કાયદાનું શાસન – Rule of Law – તે લોકશાહીનો પાયો છે. ન્યાયતંત્ર સુધી પહોંચી શકાય તેવી વ્યવસ્થા – access to justice – તે આ નિયમનું એક પાસું છે. ન્યાયપ્રક્રિયામાં ટેક્નોલોજીના ઉપયોગના પ્રણેતા અને પ્રચારક, યુ.કે.ની સુપ્રીમ કૉર્ટના મુખ્ય ન્યાયમૂર્તિના ટેક્નોલોજી અંગેના સલાહકાર અને ઑક્સફર્ડ યુનિવર્સિટીના પ્રૉફેસર રિચર્ડ સસકિંડના પુસ્તકે આંખ ખોલી નાખી – “Online justice and Future of Courts”.   ન્યાયતંત્ર લોકશાહીનો આધાર છે, પણ ન્યાયપ્રક્રિયા લાંબી અને ખર્ચાળ છે. પ્રૉફેસર સસકિંડ એમ કહે છે કે સામાન્ય માણસ સુધી ન્યાયવ્યવસ્થા પહોંચે તે માટે માટે ટેક્નોલોજી શ્રેષ્ઠ વિકલ્પ છે. પોતાના આ પુસ્તકમાં એ ફ્રાન્ઝ કાફકાના “The Trial”માંથી માર્મિક રીતે ટાંકે છે –

“Before the law stands a gatekeeper. A man from the country comes to this gatekeeper and requests admittance into the law. But the gatekeeper says that he cannot grant him admittance right now … The man from the country had not expected such difficulties; after all, he thinks, the law should be accessible to everyone at all times.” 

ગુજરાત હાઇકૉર્ટે કાર્યવાહીનું યુટયૂબ ઉપર જીવંત પ્રસારણ કરવાનો અભૂતપૂર્વ નિર્ણય લીધો. ઑનલાઇનનો ફાયદો એ થયો છે કે પક્ષકાર ઘેરબેઠા પોતાના કેસની કાર્યવાહી નિહાળી શકે છે.

વકીલાત પણ કળા કહેવાય છે – Advocacy is an Art. વર્ષો પહેલાં અમેરિકાના પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી રિચાર્ડ પૉઝનરનું પુસ્તક “Law and  Literature” વાંચ્યું હતું. પૉઝનરે એમાં સૂચવ્યું હતું કે વકીલાતના અભ્યાસક્રમમાં એક વિષય – Law and  Literature – ફરજિયાત હોવો જોઈએ. દલીલો જો સાહિત્યિક હોય તો તે  કવિતાની જેમ જ કર્ણમધુર લાગે છે. સંસ્કૃતમાં સારા કવિતાપાઠ માટે જે કહેવાયું છે તે વકીલાતમાં દલીલોને પણ લાગુ પડે છે –

येडपि शब्दविदो नैव नैव चार्थ विचक्षणा:| 

तेषामपि सतां पाठ: सुष्ठु कर्णरसायनं|| 

(જેઓ અર્થ જાણતા નથી તેમ જ અર્થ કરવામાં વિચક્ષણ નથી તેમને માટે પણ સારા માણસોએ કરેલો (કાવ્યનો) પાઠ કર્ણરસાયન બને છે.)

લોકોનાં મન કોરોનાને કોરે મૂકીને રચનાત્મક રીતે પરોવાયેલાં રહે તે માટે અમેરિકાની ખ્યાતનામ (પણ ખૂબ ઊંચી ફી લેતી) હાર્વર્ડ યુનિવર્સિટીએ કેટલાક વિષયો ઓનલાઇન વિનામૂલ્યે શીખવવાનું શરૂ કર્યું. એમાં ચાર અઠવાડિયા માટે એક વિષય શૅકસપિયરના જીવન અને સર્જનની ઝલક ઉપર હતો. કહે છે કે અમેરિકાની સુપ્રીમ કૉર્ટના લગભગ 750થી વધુ ચુકાદાઓમાં શૅક્સપિયરનું કોઈ ને કોઈ વાક્ય ટાંકવામાં આવ્યું છે. ભારતની અદાલતોના ચુકાદાઓમાં અને ઘણા વકીલોની દલીલોમાં પણ શૅક્સપિયરના ઉદ્દગારો સંભળાય છે. વકીલો માટે તો એણે ‘હેન્રી સિક્સ્થ’ નાટકમાં લખેલું જ કે “The first thing we do, let’s kill all the lawyers”. આ ઉપરાંત ટ્રેડમાર્ક ઉપરના કેસોમાં “What’s in a name?” (રોમિયો અને જુલિયેટ) કે સામા પક્ષની દલીલોમાં તથ્ય નથી તેવું કહેવા “Sound and fury, signifying nothing” (મૅકબેથ) જેવાં વાક્યો અમે અવારનવાર સાંભળ્યાં છે. “મર્ચન્ટ ઑફ વૅનિસ” તો લેણદાર-દેવાદાર વચ્ચેના કેસોમાં અવારનવાર કરારના અર્થઘટન માટે વપરાય છે. નાની પાલખીવાલાએ કટોકટીકાળ સમયે, તે પહેલાં અને પછી આપેલાં પ્રવચનોમાં “મૅઝર ફૉર મૅઝર” નાટકનો આ સંવાદ સત્તાના દુરુપયોગ માટે અર્થસભર રીતે વણી લીધેલો – “It is excellent To have a giant’s strength, but it is tyrannous to use it like a giant”. 600 વર્ષ ઉપરાંતથી જે સર્જક વિશ્વભરમાં સૌથી વધુ ભજવાતો હોય તેને માત્ર ચાર અઠવાડિયામાં તો કઈ રીતે સમજી શકાય? પણ મારા વકીલાતના વ્યવસાયને વધુ રસિક બનાવવા શેક્સપિયરના સર્જનાત્મક આકાશ ભણી એક નજર કરવા મારા મનની બારી ઊઘાડવાનું નક્કી કર્યું.  અમેરિકાના વકીલ અને કાયદાના શિક્ષક ડૅનિયલ કૉર્નસ્ટેઇનનું પુસ્તક “Kill all lawyers? Shakespeare’s Legal Appeal” વાંચ્યું, માણ્યું અને ધન્ય થયો. શૅક્સપિયરનાં નાટકોમાં કાયદાને સ્પર્શતી બાબતો કેમ આવે છે તે સમજી શક્યો. તેણે પોતાના સમયમાં પણ ન્યાયપ્રક્રિયામાં વિલંબ જોયેલો. પોતે અનેક કેસો કરેલા અને અનેક કેસો તેની સામે થયેલા. ગોપનીયતાનો અધિકાર, કાયદાનું સમાન રક્ષણ, ઘાતકી અને બિનપ્રમાણસર સજા(ગુનાના પ્રમાણમાં સજાનું ઘણું વધારે પ્રમાણ), વ્યક્તિસ્વાતંત્ર્ય જેવા, કાયદા સાથે નિસબત ધરાવતા, અનેક વિષયો  શૅક્સપિયર કેટલી સરળતાથી પોતાનાં નાટકોમાં ગૂંથી લે છે તે વિચારથી જ હું અભિભૂત થઇ ગયો. સહેજ રમૂજ કરું? – હવે બસ શૅક્સપિયરને ક્વૉટ કરી શકું એવા કેસો આવવાની રાહ જોઉં છું!

આમ જ, ઑનલાઇન દલીલો કરવાનો ને ઑનલાઇન કાવ્યસંગીત પીરસવાનો સહિયારો આનંદ મેં માણ્યો. કેટલાક કાર્યક્રમો અહીં સાંભળી શકાશે – 

https://youtu.be/bZ0jlcAwCVI;

https://youtu.be/XnC-3DSPp30 

જીવંત કાર્યક્રમોથી વિરુદ્ધ અહીં મૂંગી દાદ મળતી હતી. મનોજ ખંડેરિયાએ કહ્યું છે –

“એ બની રહી આજ પર્યન્ત મારી સર્જકતાનું બળ 

  કોઈએ મૂંગી દીધેલી દાદ પણ શું ચીજ છે?”

છેલ્લે મારે વાત કરવી છે ચાર્લી મૅકેસીના આ પુસ્તકની – “The Boy, the Mole, the Fox and the Horse”. ગ્રાફિક રીતે લખાયેલા સચિત્ર પુસ્તકમાં છછુંદર, શિયાળ અને ઘોડો એક બાળકનાં પ્રવાસનાં મિત્રો બને છે તેની વાત છે. આખું પુસ્તક – તેની પાછળનો વિચાર, તેની પ્રસ્તુતિ બધું જ – નિતાન્ત સુંદર છે. તેમાં ઘોડા અને બાળક વચ્ચે જીવનમાં ટકી રહેવા માટે મનોબળ પૂરું પાડતા સંવાદ છે –

“We have a long way to go” sighed the boy.

“Yes, but look how far we’ve come,” said the horse 

“This storm is making me tired,” said the boy.

 “Storms get tired too,” said the horse, “so hold on.” 

સાહિત્ય- સંગીત-ફિલ્મો માણતા માણતા ને વકીલાત કરતા કરતા હું  ટકી રહ્યો હતો. કોરોનાનું તોફાન પણ થાક્યું હતું, શમવા લાગ્યું હતું.

(સમાપ્ત)
[પ્રગટ : “બુદ્ધિપ્રકાશ”; જુલાઈ 2023; પૃ. 41-44]
e.mail : amarbhatt@yahoo.com

Loading

ચાલો, હરારી પાસે – 8

સુમન શાહ|Opinion - Opinion|27 July 2023

સુમન શાહ

સામાન્ય લોકો તર્કથી નથી જીવતા કેમ કે નથી જાણતા કે એ શી બલા છે. કલાકારો કે સાહિત્યકારો તર્કને જાણે છે પણ વિશ્વસનીય નથી ગણતા; તેઓ અ-તર્કમાં વધારે શ્રદ્ધા રાખે છે. પરન્તુ આ ‘બેબી એ.આઈ.’ અને ‘એ.આ.ઈ-ક્રાન્તિ’ સરજનારી ‘એ.આઈ.’ તો તર્કથી જ જન્મી છે, તર્કથી જ જીવે છે અને નિત્ય વિકસે છે તે પણ તર્કથી. સામાન્યજનો કલાકારો સાહિત્યકારો અને ‘એ.આઈ.’ વચ્ચે આ પાયાનો ભેદ છે.

તેથી બને છે એવું કે ‘એ.આઈ.’-ને માણસોનું સમજાય છે એટલું માણસોને ‘એ.આઈ.’-નું નથી સમજાતું.

આ એક મડાગાંઠ છે. તાતો સવાલ તો એ છે કે મડાગાંઠને ખૂણે હડસેલીને જીવ્યા કરવું કે એને ઉકેલી નાખવી. ઉકેલી નાખવી-નું તાત્પર્ય એ કે “એ.આઈ.’-થી થયેલા લાભ અંકે કરવા, ગેરલાભને સમજી લેવા.

હરારી એમ કહે છે કે એમના જેવા ઇતિહાસકારો અને ફિલસૂફોનું કામ તો કોઈ પણ ડર કે ભય સામે માત્ર આંગળી ચીંધવાનું છે, બાકી સદ્હેતુ માટે ‘એ.આઈ.’-ની નવ્ય શક્તિઓએ જનમાવેલાં ઉપકરણોને અવશ્ય કામે લગાડી શકીએ, અને એવો દાવો તો બહુ પહેલેથી ‘એ.આઈ.’-ક્ષેત્રના નિષ્ણાતો કરી જ રહ્યા છે.

++

જુઓ, હું તમને કહું, ’એ.આઈ.’-પાવર્ડ આ બધા લાભ તો માણસ મેળવી જ રહ્યો છે :

જેમ કે, ૧ : હોમ ડીવાઇસિસ, ઘરકામ માટેનાં ઉપકરણો —

‘એ.આઈ.’-પાવર્ડ લૉન્ડ્રી મશીનને ખબર પડી શકે છે કે આપણાં કપડાં ધોવાઈ ગયાં છે અને એને સૂકાં કરવા માટે ડ્રાઇન્ગ સાઇકલ બદલવાનો સમય થઈ ગયો છે, એ જાતે જ સ્વીચ બદલી નાખશે. વૅક્યુમ ક્લીનર આપણા ઘરનું માપ લઈ શકે છે અને આપણી કશી જ મદદ વિના ઘર સરસ સાફ કરી દે છે. લૉન મૂવર લૉનને ઑટોમૅટિકલિ વાઢી નાખી શકે છે, વચ્ચે આવતા અવરોધોને હટાવી દઈ શકે છે.

આ ઉપકરણો લાઇટ્સ-થી માંડીને થર્મોસ્ટેટ ને સીક્યૉરિટી સિસ્ટમ સાથે સંકળાયેલા આપણા રોજિંદા જીવનવ્યવહારોને સરળ કરી આપે છે. દાખલા તરીકે, Nest Cam IQ Indoor. આ કૅમેરા ઘર આસપાસ દેખાતી પરિચિત કે અજાણી વ્યક્તિના ચહેરા તેમ જ આપણા ડોરસ્ટેપ પર મુકાયેલાં ઍમેઝોન પરથી કે બીજેથી મંગાવેલી ચીજવસ્તુઓનાં પૅકેજીસ હૂબહૂ દર્શાવી દે છે. કશું પણ શંકાસ્પદ લાગે તો આપણને ઍલર્ટ કરી દે છે. દાખલા તરીકે, Arlo Pro 3. આ કૅમેરા પણ એ બધું જ કરે છે. કશુંક તૂટ્યુંફૂટ્યું હોય તેના કે અન્ય કોઈપણ અવાજ માટે આપણને ઍલર્ટ કરી દે છે. Ring Stick Up Cam Wired શંકાસ્પદ બધું રૅકર્ડ કરી નાખે છે.

જેમ કે, ૨ : ’એ આઈ ’-પાવર્ડ પર્સનલ આસિસ્ટન્ટ ડીવાઇસિસ —

આ ઉપકરણો અંગત મદદનીશ બની શકે છે. દાખલા તરીકે ‘સિરિ’, ‘ઍલેક્સા’ કે ‘ગૂગલ આસિસ્ટન્ટ’ પોતાની મર્યાદામાં રહીને આપણે કહીએ તે કરે છે. ઍલાર્મ્સ સૅટ કરી આપે છે, ઍપોઇન્ટમેન્ટ્સ ગોઠવી આપે છે, મનગમતું ગાયન કે વાદ્ય વગાડી આપે છે. ઘરકામનાં સ્માર્ટ ઉપકરણોને નિયન્ત્રિત કરવામાં પણ એની મદદ મેળવી શકાય છે. Amazon Astro. આ એક મોબાઇલ રૉબોટ છે. ઘરમાં એ આપણી આજુબાજુમાં જ રહે છે અને, આપણને મેઇલ લાવી આપે છે, લાઇટો ઑન કરી આપે છે, સંગીત સંભળાવી આપે છે. Google Nest Hub Max. આ એક સ્માર્ટ ડિસ્પ્લે ઉપકરણ છે. સમય, હવામાન, કૅલેન્ડર બતાવે અને વીડીઓ-કૉલ પણ કરાવી દે.

માણસને પોતાના રોગનું નિદાન કરાવવું હોય, દવાઓ જોઈતી હોય, સારવારનો ક્રમ-ઉપક્રમ બનાવવો હોય; વેપારી અને ગ્રાહકોએ લૅણદેણ કરવી હોય, કોઈ તકરાર કે મુશ્કેલી બાબતે વકીલ રોકવો હોય, તો ‘એ.આઈ.-પાવર્ડ’ વર્ચ્યુઅલ આસિસ્ટન્સ ઉપલબ્ધ છે. સમય બચે કેમ કે માણસોએ રૂ-બ-રૂ થવાની જરૂરત નહીં. શક્તિ બચે કેમ કે રૂબરૂમાં તો લોકોને બોલતાં જ નથી આવડતું હોતું; પોતાને શું અને ક્યારે કેવુંક જોઈએ છે કે આપવું છે એ કહેતાં પણ નથી આવડતું. ઍલફૅલ બોલે, ગાળાગાળી કરે. ‘એ આઈ ’ આગળ એવું કંઈપણ નભી જતું નથી.

જેમ કે, ૩ : ’એ આઈ ’-પાવર્ડ ઍજ્યુકેશનલ ઉપકરણો —

કેળવણીવિષયક આ ઉપકરણો શિક્ષકોને અને ખાસ તો, વિદ્યાર્થીઓને કામ આવી શકે છે. વધારે અંગત પદ્ધતિએ શીખી શકાય, હોમવર્ક ચૅક કરાવી શકાય, પ્રગતિ ટ્રૅક કરી શકાય. શિક્ષક અથવા શિક્ષણસંસ્થા આ બધું ઉપલબ્ધ થાય તેવા કસ્ટમ લર્નિન્ગ પ્લાન્સ પણ બનાવી શકે. જૂઠા શિક્ષકો અને ખોટા વિદ્યાર્થીઓ સીધા થઈ જાય.

જેમ કે, ૪ : ’એ આઈ ’-પાવર્ડ મનોરંજનવિષયક ઉપકરણો —

મ્યુઝિક સ્ટ્રીમિન્ગ Spotify AI-થી આપણે મનપસંદ સંગીત સાંભળીએ છીએ. મૂવી અને ટીવી-શોઝ માટેની સ્ટ્રીમિન્ગ સર્વિસ Netflix AI-થી આપણે પૂરા વાકેફ છીએ. Replika AI એક ચૅટબોટ છે. એને આપણે મિત્ર કે સારવારદાતા – થૅરાપિસ્ટ – કે અરે, રોમાન્ટિક પાર્ટનર તરીકે પણ કસ્ટમાઈઝ કરી શકીએ છીએ. એ કહેશે – હું તમારી કમ્પેનિયન છું, કેમ છો તમે? મજામાં? શું કરી શકું તમારે માટે? એ આપણી વ્યક્તિતા અને રસરુચિ જાણી લે છે. આપણા માટે ટૅક્સ્ટ લાવી દે, ભાષાન્તર કરી દે, પ્રશ્નોત્તર કરે. અને, કાવ્ય કે ટૂંકીવાર્તા જેવી સર્જનાત્મક કૃતિઓ પણ લખી આપી શકે છે. 

આટલાં તો ‘એ.આઈ.’-પાવર્ડ ઉપકરણો બજારમાં હાજર છે, પણ જેમ જેમ ટૅક્નોલૉજીનો વિકાસ થશે તેમ તેમ વધુ ને વધુ ઉપકરણો માણસના જીવનવ્યવહારોમાં મદદ કરવાને દોડી આવવાનાં છે.

++

હરારીનો સવાલ એ છે કે ‘એ.આઈ.’-નાં એ નવ્ય ઉપકરણો આપણે સદ્હેતુઓ માટે પ્રયોજવા માગીએ છીએ કે બદઇરાદાઓની તુષ્ટિ માટે.

હરારી ઇતિહાસમાં લઈ જાય છે, કહે છે : ૧૯૪૫-થી આપણને જાણ થઈ છે કે ન્યુક્લીયર ટૅક્નોલૉજિ મનુષ્યને ફાયદા થાય એવી ઍનર્જી સરજી શકે, પણ માનવસભ્યતાનો નાશ પણ કરી શકે છે. એટલે, માનવતાના હિતમાં, માનવતાની રક્ષા સારુ, આપણે ઈન્ટરનેશનલ ઑર્ડરની પુનર્રચના કરી છે, ઠરાવ્યું છે કે ન્યુક્લીયર ટૅક્નોલૉજિનો વિનિયોગ સદ્હેતુ માટે કરીશું. પરન્તુ હવે સામુદાયિક વિનાશને માટેના આ નવા શસ્ત્ર જોડે આપણે બાથંબાથા કરવી પડશે, નહિતર એ આપણી મનોસૃષ્ટિઓને તેમ જ આપણા સામાજિક વિશ્વને ખતમ કરી નાખશે.

હરારી કહે છે, હજી આપણે ‘એ આઈ’ – ઑજારોને કાબૂમાં લઈ શકીએ એમ છીએ, પણ આપણે ઝડપ કરવી જોઈશે. ન્યુક્લીયર વેપન્સ વધુ શક્તિશાળી ન્યુક્લીયર વેપન્સ ન સંશોધી શકે કે ન બનાવી શકે, પણ ‘એ આઈ ‘ વધુ શક્તિશાળી ન્યુક્લીયર વેપન્સ બનાવી શકે છે. પહેલું મહત્ત્વનું પગલું એ ભરવું જોઈશે કે ‘એ.આઈ.’ ઉપકરણોને પબ્લિક ડોમેઇનમાં મૂકતાં પહેલાં સુરક્ષા બાબતે એની કડક તપાસ થવી જોઈશે, અને સમાજમાં એ માટે માંગ ઊઠવી જોઈશે.

હરારી ઉમેરે છે : ટૂંકા કે લાંબા ગાળાની સાઈડ-ઇફૅક્ટ્સના ટેસ્ટ કર્યા વિના જેમ દવા બનાવનારી કમ્પનીઓ નવી દવા જાહેરમાં નથી મૂકી શકતી એમ ‘એ.આઈ.’-ઑજારો સુરક્ષિત છે કે કેમ તેના ટેસ્ટ કર્યા વિના ટૅક-કમ્પનીઓ એને રીલીઝ ન જ કરી શકે એમ થવું જોઈશે. કહે છે, આ પૃ઼થ્વી પર હજી તો આપણે પરાયી બુદ્ધિનો સામનો કરી રહ્યા છીએ. એને વિશે આપણને ઝાઝી ખબર નથી, સિવાય કે એ આપણી સભ્યાતનો નાશ કરશે. જરૂરી એ છે કે ‘એ.આઈ.’ આપણને નિયન્ત્રણમાં લે એ પહેલાં આપણે એને નિયન્ત્રણમાં લઈએ.

હરારી તીવ્ર સવાલ કરે છે : ‘એ.આઈ.’-ની જાહેર જમાવટને ધીમી કરી નાખીશું તો લોકશાહી એકહથ્થુવાદી શાસનથી પાછળ નહીં રહી જાય? હરારી પોતે જ જવાબ આપે છે કે, ના, તદ્દન વિપરીત ! ‘એ.આઈ.’-ની અનિયન્ત્રિત જમાવટ સોશ્યલ કૅઓસ સરજશે – સામાજિક અંધાધૂંધી. એથી લાભશે નિરંકુશ સત્તાખોરો – ઑટોક્રેટ્સ ! અને, લોકશાહી બરબાદ થઈ જશે.

કહે છે, લોકશાહી તો એક જાતની વાતચીત છે. અને વાતચીતને હમેશાં ભાષાનો આધાર જોઈએ છે. હવે, ‘એ.આઈ.’ જો ભાષાને જ હૅક કરે છે, તો અર્થપૂર્ણ વાતચીત કરવાની આપણી ક્ષમતાનો પણ નાશ કરશે, અને સરવાળે લોકશાહીનો પણ નાશ કરશે.

હરારી કહે છે : હું કોઈની જોડે વાતચીત કરતો હોઉં અને હું જો કહી ન શકું કે એ મનુષ્ય છે કે ‘એ.આઈ.’ છે, તો સમજો, લોકશાહીનો અન્ત આવી ગયો ! 

= = =

(27 / 07/ 23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મૈત્રીની મિરાત મહેશ દવે

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|27 July 2023

સુરેશ દલાલે મને શું નથી આપ્યું ?  મારા માટે આ પણ એક મહત્ત્વનો સવાલ છે. કવિતાના વિશાળ આભમાં ઊડવા પોતાના હિસ્સાનું આકાશ પણ આપ્યું. આટલુ જ નહિ સુરેશભાઈને કારણે ગુજરાતી સાહિત્ય જગતમાં મને બેચાર સારા મિત્ર પણ મળ્યા. મારે અહીંયા મિત્રોની યાદી રજૂ નથી કરવી પણ પાંચમી ફ્રેબ્રુઆરીએ જેમણે આપણી વચ્ચેથી વિદાય લીઘી એ મહેશ દવે જે મારા માટે તો મૈત્રીનું સરોવર હતા! સાચા અર્થમાં તેઓ મૈત્રીની મિરાત હતા. સુરેશ દલાલને કારણે મારી મૈત્રી મહેશ દવે સાથે થઈ હતી. લગભગ ૨૦૦૧ની સાલમાં હું અમેરિકાથી અમદાવાદ ગયો હતો. સુરેશભાઈ તે વખતે અમદાવાદ આવેલા. એક સાંજે હું સુરેશભાઈને મળવા અમદાવાદમાં આંબાવાડીમા આવેલ ઈમેજ પબ્લિકેશન્સની ઑફિસે ગયો. કોઈ કારણસર સુરેશભાઈ હજી ઑફિસે આવ્યા ન હતા. ઓફિસમાં મને પ્રવેશતા મને હોઠોમાં મલકતા એક ભાઈએ આવકાર આપી કહ્યું પ્રીતમભાઈ, પધારો. સુરેશ હમણાં જ આવશે અને મારી સાથે હાથ મેળવતા મને કહે કે તમે મને ભલે ના ઓળખો પણ સુરેશને કારણે હું તમને ઓળખું છું. સુરેશ તો તમને ડગલેને પગલે યાદ કરતો હોય છે. તેને લીઘે અમે પણ એટલા જ પ્રેમ ભાવથી તમને યાદ કરીએ છીએ અને પછી મને કહે કે મારું નામ મહેશ દવે છે.

બસ, તે શુભ ઘડીથી મારી મહેશભાઈ સાથે દોસ્તી થઈ ગઈ. ભાગ્યે જ અઠવાડિયાનો કોઈક એકાદ દિવસ એવો ગયો હશે કે મેં અને મહેશભાઈએ ફોન પર વાત ન કરી હોય. સુરેશભાઈ ઘણી વાર મજાક કરતા કહેતા કે પ્રીતમને મહેશ સાથે દોસ્તી મારે કારણ થઈ પણ તેને મારા કરતાં મહેશ સાથે વઘારે ફાવે છે તે જોઈને મને ખુશી થાય છે. ઘણી વાર મને મહેશભાઈ ફોનમાં પૂછે કે પ્રીતમભાઈ તમને મારું પુસ્તક હમણાં પ્રગટ થયું તે સુરેશે મોકલ્યું કે નહિ? અને મારાથી કહેવાઈ જાય કે હજી સુઘી નથી મળ્યું, પણ તમે ચિંતા ના કરો. સુરેશભાઈ મને જરૂર મોકલશે. અરે! સુરેશ તો તમને વહેલા મોડું ચોક્ક્સ મોકલશે પણ હું તમને આજે જ અમદાવાદથી અમેરિકા ટપાલમાં રવાના કરું છું. મારો પણ તમારા પર સુરેશ જેટલો જ મૈત્રીનો હક ખરો કે નહી? મહેશભાઈએ મને લગભગ તેમનાં તમામ પુસ્તક મોકલ્યાં છે. જેમાં તાણાવાણા, કેન્દ્ર બિદું, બરફમાં જ્વાળામુખી, કોરે કાગળ સહી, અનુરણન, મનોમન, ચલો કોઈ આતે, પાંદડે પાંદડે મોતી, પાંદડે પાંદડે પ્રીત, પાંદડે પાંદડે લીલા, પાંદડે જ્યોતિ, અને પાંદડે પાંદડે દીવા, જેવાં અનેક પુસ્તક મિત્ર નાતે મોકલ્યાં છે. ઘણી વાર સુરેશભાઈ મને મુંબઈથી મહેશભાઈનાં પુસ્તક મોકલે અને મહેશભાઈ અમદાવાદથી, મારી પાસે મહેશભાઈના પુસ્તકની બે કોપી થઈ જાય, ત્યારે હું મહેશભાઈને ફોનમાં કહું કે મહેશભાઈ, સુરેશભાઈ મને મોકલવાના જ હોય, તમે શું કામ મોકલી એક કોપી કારણ વિના બગાડો છો? તો મને કહે કે તમને તો ખબર છે કે ગુજરાતી પુસ્તકો ગુજરાતી પ્રજા ક્યારે ય વેચાતા લ‌ઈને વાંચતી નથી, એટલે પુસ્તક પ્રગટ થયા બાદ સર્જકે મોટે ભાગે પુસ્તકો મિત્રોને પ્રેમથી વહેંચવાનાં જ હોય છે. વળી, તમે તો સારા વાચક છો એટલે મને અને સુરેશને તમને પુસ્તક મોકવાની ઈચ્છા થાય કે આપણું આ પુસ્તક અમેરિકામાં દરિયાપાર આપણો મિત્ર હોંશે હોંશે પ્રેમલગનથી વાંચશે. વાત રહી બે નકલની તો કોઈ યોગ્ય સારી વ્યક્તિને કોઈ સારા પ્રંસગે ભેટ આપી દેજો.

૨૦૦૫માં સુરેશભાઈ, મહેશ દવે અને ઉત્પલ ભાયાણી અમેરિકાના પ્રવાસે આવેલા, ત્યારે તેઓ મારા ઘરે ચાર પાંચ દિવસ મારા મહેમાન થયેલા. જે દિવસે તેઓ ફિલાડેલ્ફિયાથી બપોરે આવ્યા તે સાંજે અમે ચારે જણાં નિરાતે મારી ઓસરીમાં બેઠા અલકમલકની વાતો કરતા હતા. અચાનક મહેશભાઈને કશુંક યાદ આવ્યું. અમને કહે કે હું બેચાર મિનિટમાં ઉપર એક કામ પતાવીને આવું છું. મહેશભાઈ, બે ચાર મિનિટમાં ઉપર જઈને આવી મને કહે પ્રીતમભાઈ તમારે અમૃતા પ્રીતમની કવિતાનું અનુવાદનું પુસ્તક, “એક મુટ્ઠી અક્ષર” વાંચવું છે ? એમ કહેતા જ બસ અમે અમૃતા પ્રીતમની કવિતા અને તેનાં જીવન વિષે વાતે વળગ્યા. વાત વાતમાં મારાથી સુરેશભાઈને પૂછાઈ ગયું, તમે કયારે ય અમૃતા પ્રીતમને મળ્યા છો? સુરેશભાઈ કહે દિલ્હીમાં સાહિત્ય અકાદમીની મિટિંગમાં જવાને કારણે હું અમૃતાને ઘણી વાર મળ્યો છું. અને થોડાં વરસો પહેલાં છેલ્લે એકવાર હું તેમને અમદાવામાં મળ્યો હતો. સુરેશભાઈ તમે નસીબદાર છો, બાકી મને નથી લાગતું કે અમૃતા પ્રીતમને આપણો કોઈ ગુજરાતી સર્જક મળ્યો હોય. એટલે મહેશભાઈ  મને કહે કે પ્રીતમભાઈ  ત્યારે એક વાતની તો તમને ખબર જ નથી કે સુરેશ અમૃતાને મળવા દિલ્હી સામેથી ગયો હતો પણ આપણા વાર્તાકાર પન્નાલાલને મળવા અમૃતા પ્રીતમની બહુ જ ઈચ્છા હતી, તે વિશે હું તમને વાત કરું તેના કરતાં તમે જ સુરેશના મુખે સાંભળો. મજા આવે તેવો પ્રસંગ છે.

અમૃતા પ્રીતમ કોઈ કારણસર અમદાવાદ આવેલાં. મારા ખ્યાલ પ્રમાણે અમૃતા પ્રીતમે પન્નાલાલની નવલકથા “મળેલા જીવ”નો પંજાબીમાં અનુવાદ કરેલો, અમૃતાએ મને એક વાત કહી હતી કે ‘મળેલા જીવ”ની જીવીમાં એમનો જીવ બહુ ભરાઈ ગયો હતો. એટલે એમની ઈચ્છા હતી કે જીવીના સર્જક પન્નાલાલને અમદાવાદ આવી છું તો મળી લઉં. તેમનો મને દિલ્હીથી ફોન આવેલો કે જો તું અમદાવાદ આવે તો હું આવું. અમદાવાદ આવી અમૃતાએ પન્નાલાલને મળવાની ઈચ્છા બતાવી તો આયોજકોએ પન્નાલાલ ખૂબ બીમાર છે. આવી પરિસ્થિતિમાં પન્નાલાલ તમને કે કોઈને મળી શકે તેમ નથી, એમ કહી વાતને ટાળતા હતા. અમૃતાજી કહે પન્નાલાલજી બીમાર છે તો એમને મારે ખાસ મળવું જોઈએ. એમનો આ આગ્રહ હોવાથી મને મનથી થયું કે મારે અમૃતાની ઈચ્છાને પૂરી કરવી જોઈએ. મેં રઘુવીર ચૌઘરીને આ બાબતની વાત કરી. રઘુવીર ચૌઘરીના સહકારથી અમે પન્નાલાલના ઘરે ગયા. અમૃતાએ બીમાર પન્નાલાલના લલાટ પર એક વ્હાલ ભીનું ચુંબન કર્યું. આ વાત સાંભળી મેં સુરેશભાઈને કહ્યું તમારા જેટલો કવિતાનો ચાહક મેં મારી જિંદગીમાં હજી લગી બીજી કોઈ વ્યક્તિને આજ લગી જોયો નથી.

ત્યારે મહેશભાઈ હસતા હસતા કહે પ્રીતમભાઈ, સુરેશના કવિતા પ્રત્યેના પ્રેમની તો તમે વાત જ જવાદો. આ તો અમદાવાદની વાત છે પણ સુરેશ દલાલ કવિતા માટે મુંબઈની બહુ જ પ્રખ્યાત સ્ટ્રીટ ગોલપીઠા, જે ગણિકા માટે મશહૂર છે ત્યાં કવિ નામદેવ ઢસાળને મળવા જવા માટે પણ ‌કોઈ ખચકાટ ના અનુભવે. બોલો હવે તમારે આનાથી સુરેશના કવિતા પ્રેમ વિશે શું સાંભળવું છે?

મહેશભાઈ માનવ અઘિકાર અને કેળવણી તેમ જ શિક્ષણના એક પ્રખર અભ્યાસી તેમ જ હિમાયતી  હતા. મહેશભાઈ, ગુજરાતના દુષ્કાળ, ભૂકંપ અને રમખાણો દરમિયાન રાહત તેજ પુનાર કે પછી ન્યાય માટે નાગરિક પહેલ મંચ દ્વારા તેવો નર્મદ-મેઘાણી લાઈબ્રેરી પરથી સક્રિય લડત ચલાવતા. તેવો છાસવારે ગુજરાતના છાપાંમાં અને સામાયિકમાં કોઈ પણ પ્રકારની કોઈની લાગણીમાં દબાયા વગર હિંમત અને મક્કમતાથી શિક્ષણના ખાનગી તેમ જ સ્વનિર્ભર શિક્ષણ વ્યવસ્થા માટે બોલતા અને લખતા રહેતા.

અમદાવાદની નર્મદ-મેઘાણી લાઈબેરી તેમના જીવનમાં એક મહત્ત્વનું સ્થળ હતું. તેમણે આ જ લાઈબેરી પરથી અમદાવાદની મીઠાખળી વિસ્તારની મ્યુનિસિપલ શાળા ખાનગી સંચાલકોના હાથોમાં ન જાય તે માટે તે માટે તેમણે લડતના શ્રીગણેશ કરી આંદોલન ચલાવ્યું હતું. મહેશભાઈએ અભિવ્યકિત સ્વાતંત્ર્યના બચાવ માટે તેમણે મહારાજા સયાજીરાવ મહાવિર્ઘાલયના એક કલાના વિઘાર્થીએ ચિતરેલાં ચિત્ર બાબતે તેમને બહુ જ વિરોઘ પ્રદર્શન કરી વિઘાર્થીને પોતાનો આગવો ટેકો જાહેર કરેલો.

લોકહિત અને ન્યાય તેમના જીવનમાં બહુ જ મહત્ત્વના હતા, બલકે તેમના લોહીમાં ગુંથાઈ ગયા હતા. એટલે જ તક મળતા લોકહિત અને અન્યાય સામે ન્યાય અપાવવા, એક નાગરિક પક્ષ ઊભો કરીને ચૂંટણી લડવી જોઈએ તેવી વાત તેમ જ આ વિચાર અવારનવાર સમ વિચારક મિત્રો સામે રાખતા મહેશભાઈ અચકાતા નહીં.

સુરેશભાઈ અને મહેશભાઈ કૉલેજ કાળથી મિત્રો હતા. અને મારે તો બન્ને સાથે અખંડ પ્રેમ અને મૈત્રી છતાં એકવાર ફોન પર મારાથી તેમને પૂછાઈ ગયું કે મહેશભાઈ તમે ઈમેજ છોડી અને તમારું ‘સ્વમાન પ્રકાશન ” કેમ શરૂ કર્યું. ત્યારે બહુ જ દુઃખી મને મને તેમણે જણાવેલ કે પ્રીતમ ‘ઈમેજમાં હવે પહેલાં જેવી ફકત પ્રકાશનની ઈમેજ નથી રહી. હવે ઈમેજ પ્રકાશનમાં ઈમેજને ડેમેજ થઈ રહ્યું છે.  ઈમેજમાં છેલ્લા કેટલા સમયથી ભારતીય જનતા પક્ષનો પ્રવેશ થયો છે અને ગુજરાતના મુખ્ય પ્રઘાન  નરેન્દ્ર મોદી તરફ પ્રેમ લાગણી દિવસે દિવસે વઘતા આપણા સિદ્ઘાંતથી વિરુધ હોવાથી મેં સ્વમાન ભર છૂટા થઈ આપણું પોતાનું સ્વમાન પ્રકાશન શરૂ કરવાનું નક્કી કરી લીઘું.

મહેશભાઈએ અનામત વિરોઘી આંદોલને અનામત નીતિનું કાયદાકીય દૃષ્ટિએ અને મનોસામાજિક બાબતમાં તેમણે બે ચાર નાની પુસ્તિકાઓ પ્રગટ કરેલ ત્યારે મને અમેરિકા એક મિત્ર નાતે મોકલેલ. આ સાથે પોતાના પ્રકાશન દ્વારા તેમણે “રાઈટ ટુ એજયુકેશન’ની સંર્પૂણ માહિતી આપતું ‘શિક્ષણમાં નવક્રાંતિનો અવસર “પ્રગટ કરેલ તે પણ મને ઊમળકા સાથે મોક્લેલ.

છેલ્લા કેટલાક વખતથી ગુજરાત તેમ જ દેશમાં દિવસે દિવસે વઘતા જતા દમન, સાંપ્રદાયિકતા, બેરોજગારી, આપખુદશાહી જોઈ, સખત વ્યથિત મહેશભાઈ પોતાના જીવનનો મહત્તમ સમય વાંચવા લખવામાં ઘરને ખૂણે વિતાવતા. માનવઅઘિકાર અને શિક્ષણના લડવૈયા, કવિ, વાર્તાકાર,  નવલકથાકાર અને અનુવાદક મહેશભાઈ પોતાના પરિચયમાં ફકત આટલું જ લખતા “પૂર્વ ન્યાયમૂર્તિ, ગુજરાત રાજય શિક્ષણ ટ્રિબ્યુનલ”.

મહેશભાઈ જેટલા રમૂજી સ્વભાવના હતા એટલા જ તે કોઈના ઘરે જાય તો કામ કાજમાં પણ મદદરૂપ થાય. આ વાત મેં સુરેશ દલાલ પાસેથી અને પન્નાબહેન પાસેથી સાંભળેલી પણ તેઓ મારે ઘરે અમેરિકા આવેલા ત્યારે અમે પતિપત્ની હજી સવારમાં ઊઠ્યાં ના હોય તે પહેલાં ઊઠી સુરેશભાઈ, ઉત્પલ ભાયાણી અને અમારા માટે ચા તો બનાવે સાથો સાથ અમેરિકન નાસ્તો પણ  તૈયાર રાખે. ચાનાસ્તાનાં વાસણો પણ વ્યવસ્થિત ડીસ્વોસરમાં ગોઠવી કીચન ટેબલ ચોખ્ખું ચટ કરી નાંખે. અમેરિકામાં મારા ઘરે આવેલા મોટા ભાગના મહેમાનોને હું સમય સાથે ભૂલી ગયો છું પણ મહેશભાઈ તમારા જેવા મિત્રના આગમને મારું ઘર સ્વર્ગ બની ગયું!

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

...102030...1,0811,0821,0831,084...1,0901,1001,110...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved